હિંદ સ્વરાજ/નવી આવૃત્તિની પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રકાશકનું નિવેદન હિંદ સ્વરાજ
નવી આવૃત્તિની પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપોદ્ઘાત →


['હિંદ સ્વરાજ'ની આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે તેના ઉપોદ્ઘાતરૂપે, 'આર્યન પાથ' માસિકના 'હિંદ સ્વરાજ અંક'ની જે સમાલોચના 'હરિજન'માં મેં અંગ્રેજીમાં લખેલી તેનો અનુવાદ આપવો અનુચિત નહીં ગણાય. 'હિંદ સ્વરાજ'ની પ્રથમ આવૃત્તિમાં દર્શાવેલા ગાંધીજીના વિચારો બદલાયા નથી એ સાચું, પણ તેનો ઉત્તરોત્તર વિકાસ તો થતો જ ગયો છે. મારા નીચે આપેલા લેખમાં એ વિકાસ વિશે કંઈક વિવેચન કરેલું છે, તે વાચકની આગળ ગાંધીજીના વિચારોને વધારે વિશદ કરવામાં સહાયકર્તા થશે એવી આશા છે.

મ૦ હ૦ દે૦]

મહત્ત્વનું પ્રકાશન

'આર્યન પાથ' માસિકે હમણાં જ 'હિંદ સ્વરાજ અંક' પ્રસિદ્ધ કર્યો છે, એવો અંક કાઢવાની કલ્પના જેમ અપૂર્વ છે, તેમ તેનાં રૂપરંગ પણ સુંદર છે. એની પ્રસિદ્ધિ શ્રીમતી સોફિયા વાડિયાના ભક્તિભાવભર્યા શ્રમને આભારી છે. તેમણે 'હિંદ સ્વરાજ'ની નકલો પરદેશમાં અનેક મિત્રોને મોકલેલી, ને તેમાં જે અગ્રેસર હતાં તેમને એ પુસ્તક વિશેના પોતાના વિચાર લખી જણાવવા કહેલું. શ્રીમતી વાડિયાએ પોતે તો એ પુસ્તક વિશે ખાસ લેખો લખ્યા જ હતા, અને એમાં ભારતવર્ષના ભવિષ્ય માટે ઉજ્જવળ આશા રહેલી છે એવા વિચાર પ્રગટ કરેલા. પણ એમાં યુરોપની અંધાધૂંધીનું પણ નિવારણ કરવાની શક્તિ રહેલી છે એમ તેમણે યુરોપનાં વિચારકો અને લેખક-લેખિકાઓ પાસે કહેડાવવું હતું, એટલે તેમણે આ યોજના ઘડી કાઢી. તેનું પરિણામ સરસ આવ્યું છે. આ ખાસ અંકમાં અધ્યાપક સૉડી, કોલ, ડિલાંઈલ બર્ન્સ, મિડલટન મરી, બેરેસફર્ડે, હ્યુ ફૉસેટ, ક્લૉડ હૂટન, જિરાલ્ડ હર્ડે, કુમારી રૅથબોન વગેરે અનેક નામાંકિત લેખક-લેખિકાઓના લેખો આવેલા છે. એમાંનાં કેટલાંક શાંતિવાદી ને સમાજવાદી તરીકે જાણીતાં છે. પણ જેમના વિચારો શાંતિવાદી અને સમાજવાદનો વિરુદ્ધ છે એવાંઓના લેખ પણ આ અંકમાં આવ્યા હોત તો એ અંક કેવો બનત! જે લેખો આપેલા છે તેની ગોઠવણ એવી રીતે કરી છે કે 'શરૂઆતના લેખોમાં જે ટીકાઓ ને વાંધાઓ દર્શાવાયાં છે તેમાંથી ઘણાંખરાંના ઉત્તર પાછળના લેખોમાં અપાયા છે.' પણ એકબે ટીકા લગભગ સર્વ લેખકોએ કરી છે, એટલે તેનો વિચાર અહીં કરવો ઘટે છે; કેટલીક વસ્તુઓ કહેવાઈ છે તેનો તરત સ્વીકાર કરી લેવા જેવો છે. દાખલા તરીકે, અધ્યાપક સૉડીએ લખ્યું છે કે તે પોતે હમણાં જ હિંદુસ્તાન આવી ગયા હતા, ને ત્યાં તેમણે એવું કંઈ ન જોયું જે બહારથી જોતાં એમ લાગે કે 'હિંદ સ્વરાજ'માં દર્શાવેલા સિદ્ધાંતોને કંઈ ઝાઝી સફળતા મળી છે. આ સાવ સાચી વાત છે. એટલી જ સાચી વાત મિ. કોલે કહી છે કે ગાંધીજી 'કેવળ વ્યક્તિગત દૄષ્ટિએ વિચારતાં આવા સ્વરાજની નજીક માણસથી પહોંચાય એટલા પહોંચ્યા છે ખરા; પણ તે ઉપરાંત એક બીજો પ્રશ્ન કહે છે : મનુષ્ય-મનુષ્ય વચ્ચેની જે ખાઈ છે, પોતે એકલા અમુક આચરણ કરવું અને બીજાઓને તેમની મતિ પ્રમાણે આચરવામાં મદદ કરવી, એ બેની વચ્ચે જે અંતર છે, તે કેમ પૂરી શકાય એનો. આ બીજી વસ્તુને અંગે બીજાઓની સાથે રહીને, તેમનામાંના એક બનીને, તેમની સાથે તાદાત્મ્ય સાધીને આચરણ કરવું પડે છે - એકી જ વખતે પોતાનું અસલ વ્યક્તિત્વ અને બીજાનું ધારણ કરેલું વ્યક્તિત્વ (જેનાં પોતે નિરીક્ષણ, ટીકા ને મૂલ્યાંકન કરી શકે) એમ બે રીતનાં વર્તન રાખવાં પડે છે. ગાંધીજીએ પોતાના આચરણની સાધના પરાકાષ્ઠાએ પહોંચાડી છે ખરી, પણ આ બીજા પ્રશ્નનો ઉકેલ તેઓ પોતાને સંતોષ થાય એવી રીતે લાવી શક્યા નથી.' વળી જૉન મિડલટન મરી કહે છે તે પણ ખરું છે કે 'અહિંસાને માત્ર રાજનૈતિક દબાણના એક સાધન તરીકે વાપરવામાં આવે ત્યારે તેની શક્તિ જલદી ખૂટી જાય છે,' - અને પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે 'એવી અહિંસાને સાચી અહિંસા કહી શકાય ખરી?'

પણ આ આખી ક્રિયા એ અનવધિ વિકાસની છે. એ સાધ્યની સિદ્ધિને માટે મથતાં મથતાં માણસ સાધનની સંપૂર્ણતાને માટે પણ મથતો જાય છે. અહિંસા અને પ્રેમનો સિદ્ધાંત બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તે સેંકડો વરસ પર ઉપદેશ્યો હતો. એ સેંકડો વરસમાં છૂટીછવાઈ વ્યક્તિઓએ નાના નાના ને મર્યાદિત પ્રમાણવાળા પ્રશ્નોમાં એનો પ્રયોગ કરેલો છે. ગાંધીજીને વિશે એક વસ્તુ સ્વીકારાઈ ચૂકી છે, ને તેનો ઉલ્લેખ કરતાં આ લેખસંગ્રહમાં જિરાલ્ડ હર્ડે કહ્યું છે કે 'ગાંધીજીના પ્રયોગમાં આખા જગતને રસ છે ને તેનું મહત્ત્વ યુગો સુધી કાયમ રહેશે, તેનું કારણ એ છે કે એમણે એ વસ્તુનો પ્રયોગ સામુદાયિક અથવા રાષ્ટ્રીય પાયા પર કરવાનો પ્રયત્ન કર્યો છે.' એ પ્રયોગની મુશ્કેલીઓ તો સ્પષ્ટ છે, પણ ગાંધીજીએ વિશ્વાસ છે કે એ મુસીબતો પાર કરવી અશક્ય નથી. હિંદુસ્તાનમાં ૧૯૨૧માં એ પ્રયોગ અશક્ય લાગ્યો અને છોડી દેવો પડ્યો હતો, પણ જે તે વખતે અશક્ય હતું તે ૧૯૩૦માં શક્ય થયું. હજુ પણ ઘણી વાર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે 'અહિંસક સાધન એટલે શું?' એ શબ્દનાં સર્વસ્વીકૃત અર્થ અને મર્યાદા ઘડતાં અને તેને પ્રચલિત કરતાં પહેલાં અહિંસાના દીર્ઘ કાળના પ્રયોગ અને આચરણની જરૂર રહેશે. પશ્ચિમના વિચારકો ઘણી વાર ભૂલી જાય છે કે અહિંસાના આચરણમાં પ્રથમ અનિવાર્ય ને આવશ્યક વસ્તુ તે પ્રેમ છે, અને શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ એ મન અને શરીરની નિષ્કલંક શુદ્ધી વિના અશક્ય, અપ્રાપ્ય છે.

'હિંદ સ્વરાજ'ની સ્તુતિભરેલી સમાલોચના કરતાં સર્વ લેખકે એક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે : તે ગાંધીજીનો યંત્રો સામેનો વિરોધ. એ વિરોધને આ સમાલોચકો અકારણ ને અયોગ્ય માને છે. મિડલટન મરી કહે છે, 'ગાંધીજી તેમના વિચારની તીવ્રતામાં એ ભૂલી જાય છે કે જે રેંટિયો તેમને અતિપ્રિય છે તે પણ એક યંત્ર જ છે, અને કુદરતે નહીં પણ માણસે સરજેલી એક કૃત્રિમ વસ્તુ છે. તેમના સિદ્ધાંત પ્રમાણે તો તેનો પણ નાશ કરવો પડે.' ડિલાઈલ બર્ન્સ કહે છે કે, 'આ ધરમૂળનો વિચારદોષ છે. તેમાં ગર્ભિત રીતે એમ સૂચવેલું છે કે જે કોઈ સાધનનો દુરુપયોગ થાય તેને આપણે નૈતિક દૄષ્ટિએ હીન ગણવું જોઈએ. પણ રેંટિયો પણ યંત્ર જ છે, અને નાક પરનાં ચશ્માં એ પણ આંખને મદદ કરવા સારુ યોજેલું એક યંત્ર જ છે. હળ પણ યંત્ર છે; અને પાણી ખેંચવાનાં જૂનામાં જૂનાં યંત્રો પણ કદાચ માનવી જીવન સુધારવાના મનુષ્યના હજારો વરસના સતત પ્રયત્નનાં છેવટ છેવટનાં ફળ હશે....કોઈ પણ યંત્રનો દુરુપયોગ થવાનો સંભવ રહે છે ખરો; પણ તેમ હોય તો તેમાંની નૈતિક હીનતા યંત્રમાં નહીં, પણ તેનો દુરુપયોગ કરનાર માણસમાં રહેલી છે.' મારે એટલું કબૂલ કરવું જોઈએ કે ગાંધીજીએ 'તેમના વિચારની તીવ્રતામાં' યંત્રો વિશે અણઘડ ભાષા વાપરી છે, અને આજે જો તેઓ એ પુસ્તક ફરીથી સુધારવા બેસે તો એ ભાષા પોતે જ બદલે. કેમ કે મારી ખાતરી છે કે મેં ઉપર આપ્યાં છે એ આ સમાલોચકોનાં બધાં કથનો ગાંધીજી સ્વીકારે; અને જે નૈતિક ગુણો યંત્રો વાપરનાર માણસમાં રહેલા છે તે ગુણોનું આરોપણ તેમણે યંત્રોને વિશે કદી કર્યું નથી. દાખલા તરીકે, ૧૯૨૪માં તેમણે જે ભાષા વાપરેલી તે ઉપર આપેલાં બે અવતરણોની યાદ આપે છે. એ વરસે દિલ્હીમાં થયેલો એક સંવાદ હું અહીં ઉતારું છું :

'આપ યંત્રમાત્રની વિરુદ્ધ છો શું?' રામચન્દ્રનના સરળ ભાવે પૂછાયેલા આ પ્રશ્ન ઉપર સ્મિત કરતાં ગાંધીજીએ જવાબ આપ્યો:

'હું કેમ હોઈ શકું? જ્યારે હું જાણું છું કે આ શરીર પણ એક અતિશય નાજુક યંત્ર જ છે. ખુદ રેંટિયો પણ યંત્ર જ છે; નાની દાંત-ખોતરણી પણ યંત્ર છે. મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની ઘેલછા સામે છે. આજે તો જેને શ્રમનો બચાવ કરનારાં યંત્રો કહેવામાં આવે છે તેની લોકોને ઘેલછા લાગી છે. શ્રમનો બચાવ થાય છે ખરો, પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા ઉપર ભટકે છે. સમય અને શ્રમનો બચાવ હું પણ ઈચ્છું છું, પરંતુ તે અમુક વર્ગનો નહીં, આખી માનવજાતિનો થવો જોઈએ. થોડા ગણ્યાગાંઠ્યા પાસે સંપત્તિનો સંચય થાય એમ નહીં. પણ સૌની પાસે થાય એમ હું ઈચ્છું છું. આજે તો થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસવામાં યંત્રો મદદગાર થઈ રહ્યાં છે. યંત્રોના ઉપયોગની પાછળ પ્રેરક કારણ શ્રમના બચાવનું નથી, પણ ધનના લોભનું છે, અત્યારની આ ચાલુ અર્થવ્યવસ્થા સામે મારી તમામ શક્તિ ખર્ચીને હું યુદ્ધ ચલાવી રહ્યો છું.'

રામચન્દ્રને આતુરતાથી કહ્યું : 'ત્યારે તો, બાપુજી, તમારો ઝઘડો યંત્રોની સામે નહીં, પણ અત્યારે ચાલી રહેલા યંત્રોના દુરુપયોગની સામે છે?'

'જરાયે આનાકાની વિના કહું છું કે "હા", પરંતુ એટલું ઉમેરવા ઈચ્છું છું કે યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાન એ પહેલપ્રથમ લોભનાં સાધનો મટી જવાં જોઈએ. પછી કામદારો પાસે ગજા ઉપરાંત કામ કરાવવામાં નહીં આવે, અને યંત્રો નડતરરૂપ થવાને બદલે સહાયતારૂપ થઈ પડશે. મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે.'

રામચન્દ્રને કહ્યું : 'એ દલીલ આગળ લંબાવીએ તો એનો અર્થ એ થાય કે ભૌતિક શક્તિથી ચાલતાં અને ભારે અટપટાં એવાં તમામ યંત્રોનો ત્યાગ કરવો જોઈએ.'

ગાંધીજીએ સ્વીકાર્યું: 'ત્યાગ કરવોયે પડે. પણ હું એક વસ્તુ સ્પષ્ટ કરીશ. આપણે જે કાંઈ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઈએ. માણસનાં અંગોને કામને અભાવે જડ અને નિરુપયોગી કરી નાખવા યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. એટલા માટે હું યંત્રોનો વિવેક કરું. દાખલા તરીકે, સિગરના સીવવાના સંચાને હું વધાવી લઉં છું. સઘળી આધુનિક શોધોમાં બહુ ઉપયોગી એવી થોડી ચીજોમાંની આ એક છે. એની શોધની પાછળ અદ્ભુત ઈતિહાસ છે. પોતાની સ્ત્રીને સીવવાનું ને ઓટવાનું કંટાળાભરેલું કામ કરતાં સિગરે જોઈ. પત્ની પ્રત્યેના તેના પ્રેમે તેને અનાવશ્યક શ્રમમાંથી ઉગારી લેવા આ સંચાની યોજના કરવા પ્રેર્યો. આ શોધ કરીને તેણે માત્ર પોતાની પત્નીનો જ શ્રમ બચાવ્યો નથી, પણ તેનો સીવવાનો સંચો ખરીદી શકે તે સહુને હાથે સીવવાના કંટાળાભરેલા શ્રમમાંથી મુક્ત કર્યા છે.'

રામચન્દ્રને કહ્યું : 'પરંતુ સિગરના સીવવાના સંચાને બનાવવાને તો મોટું કારખાનું જોઈએ. અને તેમાં ભૌતિક શક્તિથી ચાલતાં યંત્રોનો ઉપયોગ કરવો જ પડે!'

રામચન્દ્રનના ઉત્કંઠિત વિરોધ પ્રત્યે સ્મિત કરતાં ગાંધીજીએ કહ્યું : 'હા, પરંતુ હું એટલો સમાજવાદી તો છું જ કે આવાં કારખાનાં રાષ્ટ્રની માલકીનાં હોય અથવા પ્રજાકીય સરકાર તરફથી ચાલતાં હોય એમ કહું. અત્યંત સુંદર અને આદર્શ પરિસ્થિતિમાં આવાં કારખાનાં ચાલતાં હોય. તેની હસ્તી નફાને માટે નહીં પણ લોકહિતને અર્થે હોય. લોભને સ્થાને પ્રેમને સ્થાપવાનો એનો ઉદ્દેશ હોય. મારે તો એ જોઈએ છે કે મજૂરોની સ્થિતિમાં સુધારો થાય. ધન પાછળ આજની ગાંડી દોડ અટકવી જોઈએ, મજૂરોને કેવળ સારી રોજી મલે એટલું જ નહીં, પણ તેમનાથી થઈ શકે એવું કામ દરરોજ મળી રહેવું જોઈએ. આવી સ્થિતિમાં યંત્ર સરકારને અથવા તેના માલિકને જેટલો લાભ કરશે તેટલો જ લાભ તે ચલાવનાર કામદારને પણ કરશે. મારી કલ્પનામાં યંત્રો વિશે કેટલાક અપવાદો છે તેમાંનો આ એક છે. સિગરના સંચાની પાછળ પ્રેમ રહેલો હતો, એટલે માનવસુખનો વિચાર પ્રધાન હતો. માનવશ્રમનો બચાવ એ યંત્રનો ઉદ્દેશ છે. તેનો ઉપયોગ કરવાની પાછળ હેતુ ધનના લોભનો નહીં, પણ પ્રામાણિક રીતે દયાનો હોવો જોઈએ. દાખલા તરીકે, ઠરડાયેલી ત્રાકોને સીધી કરવાના યંત્રનો હું બહુ સત્કાર કરું, પણ લુહારો ત્રાકો બનાવતા બંધ થઈ જાય એવો ઉદ્દેશ હું ન રાખું. ત્રાક ઠરડાય ત્યારે દરેક કાંતનાર પાસે સીધી કરી લેવાનું યંત્ર હોય એટલું જ હું ઈચ્છું. માટે લોભને સ્થાને પ્રેમ સ્થાપો. એટલે સૌ રૂડાં વાનાં થશે.'

મને નથી લાગતું કે ઉપરના સંવાદમાં ગાંધીજીએ કહેલી વસ્તુની સામે આ ટીકાકારોમાંથી કોઈને સિદ્ધાંતનો કશો વાંધો હોય. દેહની પેઠે યંત્ર પણ, એ જો આત્માના વિકાસમાં મદદ કરે તો, અને જેટલે અંશે મદદ કરે તેટલે અંશે જ, ઉપયોગી છે.

એવું જ પશ્ચિમના સુધારાને વિશે. 'પશ્ચિમનો સુધારો મનુષ્યના આત્માનો મહાશત્રુ છે.' એ કથનનો વિરોધ કરતાં મિ. કોલ લખે છે : 'હું કહું છું કે સ્પેન અને ઍબિસીનિયાના ભીષણ સંહારો, અમારે માથે નિરંતર ઝઝૂમી રહેલો ભય, સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિ પેદા કરવાની શક્તિ મોજૂદ હોવા છતાં કરોડોને ભોગવવું પડતું દારિદ્ર, એ અમારા પશ્ચિમના સુધારાનાં દૂષણ છે, ગંભીર દૂષણ છે. પણ એ સ્વભાવસિદ્ધ નથી, એ સુધારાની જડ નથી....હું એમ નથી કહેતો કે અમે અમારા આ સુધારાને સુધારીશું; પણ એ સુધરી શકે એવો રહ્યો જ નથી એમ હું નથી માનતો. જે વસ્તુઓ માનવી આત્માને સારુ આવશ્યક છે તેના નર્યા ઈનકાર પર એ સુધારાની રચના થયેલી છે એમ હું નથી માનતો.' સાવ સાચી વાત છે. અને ગાંધીજીએ એ સુધારાનાં જે દૂષણ બતાવ્યાં તે સ્વભાવસિદ્ધ દૂષણ નહોતાં, પણ તેની પ્રવૃત્તિઓમાં રહેલાં દૂષણ હતાં. અને આ પુસ્તકમાં ગાંધીજીનો હેતુ હિંદી સુધારાની પ્રવૃત્તિઓ પશ્ચિમના સુધારાની પ્રવૃત્તિઓથી કેટલી ભિન્ન છે તે બતાવવાનો હતો. પશ્ચિમનો સુધારો સુધારવો અશક્ય નથી એ મિ. કોલની વાતમાં ગાંધીજી પૂર્ણપણે સંમત થાય; તેઓ એ પણ કબૂલ કરે કે પશ્ચિમને પશ્ચિમની ઢબનું સ્વરાજ જ જોઈશ; અને તેઓ એ પણ સહેજે સ્વીકારે કે એ સ્વરાજ 'ગાંધીના જેવા આત્મનિગ્રહવાળા પુરુષોની કલ્પના અનુસાર ઘડાયેલું હોય ખરું, પણ એ પુરુષો અમારી પશ્ચિમની ધાટીના હોય, ને એ ધાટી ગાંધીની કે હિંદુસ્તાનની નથી પણ પશ્ચિમની નિરાળી છે.'

સિદ્ધાંતની મર્યાદા

અધ્યાપક કોલે નીચેનો કોયડો રજૂ કર્યો છે :

'જ્યારે જર્મન અને ઈટાલિયન વિમાનીઓ સ્પૅનિશ પ્રજાનો સંહાર કરી રહ્યા છે, જ્યારે જાપાની વિમાનીઓ ચીનનાં શહેરમાં સહસ્ત્રાવધિ માણસોની કતલ ચલાવી રહ્યા છે, જ્યારે જર્મન સેનાએ ઑસ્ટ્રિયામાં ધસી ચૂકી છે ને ઝેકોસ્લોવેકિયામાં ધસી જવાની ધમકી આપી રહી છે, જ્યારે ઍબિસીનિયા પર બૉમ્બના વરસાદ વરસાવી તેને તાબે કરવામાં આવ્યું છે, એવે આજને વખતે આ સિદ્ધાંત ટકી શકે ખરો? બેએક વરસ ઉપર હું સર્વ સંજોગોમાં યુદ્ધનો ને મૃત્યુજનક હિંસાનો વિરોધ કરતો હતો. પણ આજે, યુદ્ધ વિશે મારા મનમાં અણગમો ને તિરસ્કાર હોવા છતાં, આ હત્યાકાંડો અટકાવવાને સારુ હું લડાઈનું જોખમ ખેડું ખરો.'

એમના મનમાં આ પરસ્પરવિરોધિ વિચારો કેવું તુમુલ યુદ્ધ મચાવી રહ્યા છે તે એમનાં નીચેનાં વાક્યો પરથી દેખાઈ આવે છે, તેઓ કહે છે :

'હું યુદ્ધનું જોખમ ખેડું તો ખરો; અને છતાં હજુ અત્યારે પણ, મારું પેલું બીજું વ્યક્તિત્વ માણસની હત્યા કરવાના વિચારથી ડઘાઈ જઈ, આંચકો ખાઈને પાછું પડે છે, મને પોતાને તો બીજા માણસનો જીવ લેવા કરતાં મારો પોતાનો જીવ જતો કરવાનું ગમે. પણ જાતે મરી છૂટવા કરતાં સામાનો જીવ લેવાનો પ્રયત્ન કરવો, એ અમુક સંજોગોમાં મારે માટે કર્તવ્યરૂપ ન હોય? ગાંધી ક્દાચ એવો ઉત્તર આપે કે જે માણસે વ્યક્તિગત સ્વરાજ પ્રાપ્ત કર્યું છે તેની સામે આવું ધર્મસંકટ આવી પડે જ નહીં. હું પોતે એવું વ્યક્તિગત સ્વરાજ મેળવ્યું હોવાનો દાવો કરતો નથી. પણ માનો કે મેં એવું સ્વરાજ મેળવ્યું છે; તોપણ તેથી કરીને પશ્ચિમ યુરોપમાં આજની ઘડીએ મારી સામે એ કોયડો જરાયે ઓછા ઉગ્ર રૂપમાં આવી પડે એવી મારા મનની ખાતરી થતી નથી.'

મિ. કોલે જણાવ્યા છે એવા પ્રસંગો માણસની શ્રદ્ધાની કસોટી કરે છે ખરા, પણ ગાંધીજી એનો જવાબ અનેક વાર આપી ચૂક્યા છે; જોકે તેમણે પોતાનું વ્યક્તિગત સ્વરાજ તો પૂર્ણપણે મેળવ્યું નથી, કેમ કે પોતાના ઈતર દેશબંધુઓ જ્યાં સુધી સ્વરાજથી વંચિત હોય ત્યાં સુધી પોતાને મળેલા સ્વરાજને તેઓ અધૂરું જ માને છે. પણ જેઓ શ્રદ્ધાપૂર્વક જીવે છે, અને અહિંસા વિશેની તેમની શ્રદ્ધા ઈટાલી કે જપાને કરેલા હત્યાકાંડોનું નામ દેવાતાવેંત ડગમગવા લાગતી નથી. કેમ કે હિંસામાંથી હિંસાનાં પરિણામ જ પેદા થાય અને એ ચીલામાં એક વાર પડ્યા કે પછી એનો છેડો જ ન આવે. 'ચીનનો પક્ષ લઈને તમારે લડવું જોઈએ,' એમ કહેનાર એક ચીનવાસી મિત્રને જવાબ આપતાં 'વૉર રેઝિસ્ટર' પત્રમાં ફિલિપ મમફર્ડે લખ્યું છે :

'તમારી શત્રુ તો જપાનની સરકાર છે; જપાનના ખેડૂતો ને સૈનિકો કંઈ તમારા શત્રુ નથી. એ અભાગી ને અશિક્ષિત માણસોને તો ખબર પણ નથી કે તેમને શાને સારુ લડવાનો હુકમ કરવામાં આવે છે. છતાં, જો તમે તમારા દેશની રક્ષા કરવાનો પ્રચલિત લશ્કરી રીતોનો ઉપયોગ કરો, તો તમારે આ નિરાપરાધ લોકોને - જે તમારા ખરા શત્રુ નથી તેમને - જ મારવા રહ્યા. ચીને જો માત્ર ગાંધીજીએ હિંદમાં વાપરેલી અહિંસાની રીત અખત્યાર કરીને તે વાટે પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે - અને ગાંધીજીની એ રીત ચીનના મહાન ધર્મગુરુઓના ઉપદેશ જોડે ઘણી વધારે બંધબેસતી આવે છે - તો, હું બેધડકપણે કહું છું કે, યુરોપની શસ્ત્રયુદ્ધની રીતોનું અનુકરણ કરવા કરતાં આ અહિંસાની રીતે ઘણી વધારે સફળતા મેળવી શકાશે. . . . ચીનવાસીઓ, જે જગતની સૌથી વધારે શાંતિસેવી પ્રજા છે તે, જગતની કોઈ પણ લડાયક પ્રજાના કરતાં વધારે લાંબો કાળ પોતાને તેમ જ પોતાની સંસ્કૃતિને ટકાવી રહ્યા છે, એ હકીકત જ માનવજાતિને એક પદાર્થપાઠ પૂરો પાડે છે. જે શૂરા ચીનવાસીઓ પોતાના દેશની રક્ષા માટે લડી રહ્યા છે તેમને વિશે અમને આદર નથી એમ ન માનશો. અમે એમનાં આપભોગ અને બલિદાન વિશે ભારે આદર ધરાવીએ છીએ, અને સમજીએ છીએ કે તેઓ અમારા કરતાં ભિન્ન સિદ્ધાંતને માનનારા છે. છતાં અમે તો માનીએ છીએ કે હિંસા એ સર્વ સંજોગોમાં બૂરી છે ને તેમાંથી સુફળ નીપજવું અશક્ય છે. અહિંસાનું અનુશીલન તમને દુઃખ માત્રમાંથી ઉગારી તો નહીં લે, પણ હું માનું છું કે ભાવિ વિજેતાની સામે તમારાં સર્વ શસ્ત્રાસ્ત્રો ને લશ્કરના કરતાં અહિંસા લાંબે ગાળે વધારે પ્રભાવશાળી શસ્ત્ર નીવડશે; અને સૌથી વધારે અગત્યનું તો એ છે કે એથી તમારી પ્રજાના આદર્શો જીવતા સચવાઈ રહેશે.'

કુમારી રૅથબોને એવી જ એક સમસ્યા રજૂ કરી છે. તે લખે છે :

'જુલમગાર આગળ માથું નમાવીને ને પોતાના અંતરનાદની વિરુદ્ધ વર્તીને જો નાનાં કુમળાં છોકરાછોકરીઓને ઉગારી શકાતાં હોય તો આ પૃથ્વી પરનો ક્યો માનવી - સામાન્ય કે સંતપુરુષ - તેમની હત્યા થવા દેશે?' આ પ્રશ્નનો ઉત્તર ગાંધી આપતા નથી. તેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો સરખો નથી ... એ વિષયમાં ઈશુ ખ્રિસ્તનું કહેવું વધારે સ્પષ્ટ છે ... તેમના શબ્દો આ પ્રમાણે છે : "મારા પર આસ્થા ધરાવનાર આ ગભરુ બાળુડાંઓની સામે જે કોઈ હાથ ઉગામે તેને વિશે બહેતર છે કે તેને ગળે ઘંટીનું પડિયું બાંધવામાં આવે, અને તેને સમુદ્રના પાણીમાં ડુબાડી દેવામાં આવે." . . . આમ આ બાબતમાં ગાંધી કરતાં ઈશુ ખ્રિસ્ત તરફથી આપણને વધારે મદદ મળે છે...' મને લાગે છે કે ઈશુનાં વચનો કેવળ એમનો પુણ્યપ્રકોપ પ્રગટ કરે છે, અને એમણે જે પગલું સૂચવ્યું છે તે ગુનેગારને બીજા કોઈ માણસે કરવાની સજા રૂપે નથી, પણ અપરાધીએ પોતે જ પ્રાયશ્ચિતરૂપે પોતાને કરવાની સજા છે અને કુમારી રૅથબોનને એવી પાકી ખાતરી છે કે શું એ તેઓ જેને ખ્રિસ્તનો ઉપાય માને છે તે અજમાવીને તેઓ બાળકને મોતમાંથી ઉગારી શકશે? ગાંધીજીએ આ પ્રશ્ન ઉઠાવ્યો જ નથી એમ તેઓ માને છે એ ખરું નથી. તેમણે એ પ્રશ્ન ઉઠાવ્યો છે, ને તેનો બેધડકપણે જવાબ આપ્યો છે; જેમ ૧૩૦૦ વરસ પર પેલા અમર મુસ્લિમ શહીદોએ પણ એ સવાલ ઉઠાવ્યો હતો ને પોતાના અંતરાત્માને છેહ દેવો એના કરતાં તેમણે પોતાનાં સ્ત્રીબાળકોને ભૂખે-તરસે તરફડતાં મરી જવા દેવાનું પસંદ કર્યું હતું. કેમ કે જાલિમની આગળ નમીએ ને આપણા અંતરનાદને છેહ દઈને એનું પરિણામ એ જ આવે છે કે જાલિમને નવા નવા ત્રાસ ગુજારવાનું ઉત્તેજન મળે છે.

પણ કુમારી રૅથબોને પણ 'હિંદ સ્વરાજ'ને પ્રચંડ પ્રભાવવાળું પુસ્તક કહ્યું છે, અને લખ્યું છે કે 'એ વાંચી, એમાં રહેલી પ્રખર પ્રામાણિકતા જોઈને મને મારી પોતાની પ્રામાણિકતા કેટલી છે તે ખોળવાની ફરજ પડી છે. લોકોને મારી વિનંતી છે કે તેઓ આ પુસ્તક ખસૂસ વાંચે.'

'આર્યન પાથ' માસિકના તંત્રીઓએ આ 'હિંદ સ્વરાજ અંક' કાઢીને અને અહિંસાના કાર્યનો નિર્વિવાદ સેવા કરી છે એમ કહ્યા વિના ચાલે એમ નથી.

(અંગ્રેજી પરથી)

મહાદેવ હરિભાઈ દેસાઈ