લખાણ પર જાઓ

હિંદ સ્વરાજ/૫. ઈંગ્લંડની સ્થિતિ

વિકિસ્રોતમાંથી
← ૪. સ્વરાજ તે શું? હિંદ સ્વરાજ
૫. ઈંગ્લંડની સ્થિતિ
મોહનદાસ કરમચંદ ગાંધી
૬. સુધારાનું દર્શન →






ઈંગ્લંડની સ્થિતિ


वाचक :

ત્યારે તમારા કહેવા ઉપરથી હું એ અનુમાન કરું છું કે ઇંગ્લંડ જેવું ભોગવે છે તે બરોબર નથી ને આપણને તે ન ઘટે.

अधिपति :

આ અનુમાન તમે બરોબર કર્યું છે. ઈંગ્લંડમાં જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તો ઈશ્વરની પાસે માગું છું કે તેવી સ્થિતિ હિંદુસ્તાનની કદી ન થજો. જેને તમે પાર્લમેન્ટની માતા કહો છો તે પાર્લમેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લમેન્ટ પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર કોઈ જોર કરનાર ન હોય તો તે કંઈ જ ન કરે એથી તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે, અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડલ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. આજે તેનો ધણી એસ્કવીથ, તો કાલે બાલફર અને પરમ દિવસે ત્રીજો.

वाचक :

આ તો તમે કંઈક વ્યંગમાં બોલ્યા છો. વાંઝણી શબ્દ હજી તમે લાગુ પડ્યો નથી. પાર્લમેન્ટ લોકોની બનેલી છે, એટલે બેશક લોકોના હાથ નીચે જ કામ કરે. તે જ તેનો જ ગુણ છે, તેની ઉપરનો અંકુશ છે.

अधिपति :

આ વાત મહા ભૂલભરેલી છે. જો પાર્લમેન્ટ વાંઝણી ન હોય તો આમ થવું જોઈએ : લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરોને ચૂંટીને મોકલે છે. મેમ્બરો વગર પગારે જાય છે, એટલે લોકકલ્યાણને સારુ જવા જોઈએ. લોકો પોતે કેળવાયેલા ગણાય છે. એટલે ભૂલ ન કરે એમ આપને માનવું જોઈએ. આવી પાર્લમેન્ટને અરજી ન ઘટે, તેની ઉપર દાબ ન ઘટે. તે પાર્લમેન્ટનું કામ એવું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો સૌ કબૂલ કરે છે કે પાર્લમેન્ટ મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લમેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ આજ સુધીમાં પાર્લમેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં નથી આવતો. મોટા સવાલોની ચર્ચા જ્યારે પાર્લમેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠાં ઝોલા ખાય છે. તે પાર્લમેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે. તેના એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડો' એવું નામ આપ્યું છે. મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે નીકળી આવે તો તે મેમ્બરના ભોગ સમજવા. જેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લમેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે. આ વિચારો મારા અંગત છે એમ તમે ન જાણશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લમેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી. બીજા મેમ્બરે કહ્યું કે પાર્લમેન્ટ તો 'બેબી' (બચ્ચું) છે. બચ્ચાંને કોઈ દહાડો તમે સદાય બચ્ચાં રહેલ જોયેલાં? આજ સાતસેં વર્ષ પછી જો પાર્લમેન્ટ બચ્ચું હોય તો ક્યારે મોટી થશે?

वाचक :

તમે મને વિચારમાં નાખ્યો. આ બધું મારે એકદમ માની લેવું એમ તો તમે નહીં જ કહો. તદ્દન જુદા વિચાર તમે મારા મનમાં પેદા કરો છો. તેને મારે પચાવવા જોઈશે. ઠીક છે; હવે 'વેશ્યા' શબ્દનું વિવેચન કરો.

अधिपति :

તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કઈંક ખ્યાલ આવશે. પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તેને કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે - જેમ કે મુખ્ય પ્રધાન - ત્યારે પણ તેની ચાલ એકસરખી નથી રહેતી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદા રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવા દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.

वाचक :

ત્યારે તમે તો, જેઓને આજ લગી આપણે દેશાભિમાની અને પ્રમાણિક માણસો ગણતા આવ્યા છીએ, તેમની ઉપર પણ હુમલો કરો છો.

अधिपति :

હા, એ ખરું છું, મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી તેથી પ્રમાણિક ભલે ગણાય. પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારુ ઈલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રમાણિકપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.

वाचक :

આમ તમારા વિચાર છે ત્યારે તો અંગ્રેજ લોકો કે જેને નામે પાર્લમેન્ટ રાજ્ય કરે છે તેને વિશે પણ કંઈક કહો, એટલે તેઓના સ્વરાજ્યનો પૂરો ખ્યાલ આવે.

अधिपति :

અંગ્રેજો જેઓ 'વોટર' છે (ચૂંટણી કરે છે). તેઓનું ધર્મ પુસ્તક (બાઈબલ) વર્તમાન પત્ર થઈ પડ્યાં છે. તેઓ તે પત્રમાંથી પોતાના વિચારો બાંધે છે. પત્રો અપ્રામાણિક છે; એક જ વાતને બે રૂપ આપે છે. એક પક્ષવાળા તે જ વાત મોટી કરી બતાવે છે. બીજા પક્ષવાળા તે જ વાત છોટી કરી નાખે છે. એક છાપાવાળો એક આગેવાન અંગ્રેજને પ્રામાણિક ગણશે, બીજો છાપાવાળો તેને અપ્રામાણિક ગણશે. આવા જે દેશમાં છાપાં છે તે દેશના માણસોના કેવા બેહાલ હોવા જોઈએ?

वाचक :

તે તમે જ બતાવો.

अधिपति : તે લોકો ઘડીઘડીમાં વિચારો બદલાવે છે. એમ તો એ લોકોમાં કહેણી છે કે સાત સાત વરસે રંગ બદલાય છે. ઘડિયાળના લોલકની માફક તે લોકો આમ તેમ ફર્યા કરે છે; ઠેકાણાસર બેસી શકતા નથી. કોઈ માણસ જરા છટાદાર હોય તે વાતો ભારે કરી દે અથવા તેઓને મિજલસ વગેરે આપે તો નગારચીની માફક ઢોલકી વગાડવા બેસી જાય છે. તેવા માણસોની પાર્લમેન્ટ તેવી જ હોય. તેઓનામાં એક વસ્તુ છે ખરી, તે એ કે પોતાના દેશને જવા નહીં દે; ને જો કોઈ તેની ઉપર નજર કરે તો તેને આંધળોભીંત કરી મુકશે. પણ તેથી કંઈ તે પ્રજામાં બધા ગુણ આવી ગયા, અથવા તે પ્રજાની નકલ કરવી, એમ કહી શકાય નહીં. જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે.

वाचक :

અંગ્રેજી પ્રજા આવી થઈ ગઈ છે તેનાં શાં કારણ માનો છો?

अधिपति : તેમાં અંગ્રેજોનો ખાસ દોષ નથી, પણ તેઓના - બલ્કે યુરોપના - આજકાલના સુધારાનો દોષ છે. તે સુધારો કુધારો છે અને તેથી યુરોપની પ્રજા પાયમાલ થતી ચાલી છે.