હિંદ સ્વરાજ/૧૦. હિંદુસ્તાનની દશા–હિંદુ-મુસલમાન
← ૯. હિંદુસ્તાનની દશા–રેલવેઓ | હિંદ સ્વરાજ ૧૦. હિંદુસ્તાનની દશા–હિંદુ-મુસલમાન મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૧. હિંદુસ્તાનની દશા–વકીલ → |
૧૦
હિંદુસ્તાનની દશા–(ચાલુ)
હિંદુ-મુસલમાન
अधिपति :
તમારો છેલ્લો સવાલ મહાગંભીર જણાય છે. પણ તે વિચાર કરતાં સહેલો લાગશે. આ સવાલ ઊઠ્યો છે તેનું કારણ પણ રેલવે, વકીલ અને દાક્તર છે, વકીલ અને દાક્તરનો વિચાર તો આપણે હવે કરવો પડશે; રેલવેનો કરી ગયા. આટલું ઉમેરું છું કે માણસને એવી રીતે પેદા કરેલ છે કે, તેણે પોતાના હાથપગથી બને તેટલું જ આવાગમન વગેરે કરવું. જો આપણે રેલવે વગેરે સાધનોથી દોડધામ ન જ કરીએ તો આપણને બહુ ચૂંચવાડા ભરેલા સવાલો ન આવી પડે. આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવા ઉપાય શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને; માણસે અક્ક્લનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો. મારાથી મારી કુદરતી હદ મુજબ મારી આસપાસ વસતા માણસોની સેવા થઈ શકે; તો મેં ઝટ લઈને મારી મગરૂરીમાં શોધી કાઢ્યું કે મારે તો આખી દુનિયાની સેવા મારા શરીર વતી કરવી. આમ કરવા જતાં ઘણા ધર્મના ને પ્રકારના માણસો સાથે આવે. તે બોજો માણસ જાત ઉપાડી શકે જ નહીં એટલે પછી અકળાય. આ વિચાર પ્રમાણે તમે સમજી લેશો કે રેલવે એ ખરેખરું તોફાની સાધન છે. માણસ રેલવેનો ઉપયોગ કરી ખુદાને ભુલેલ છે.
वाचक :
પણ હું તો હવે મારા ઉઠાવેલા સવાલનો જવાબ સાંભળવા અધીરો બની રહ્યો છું. મુસલમાન દાખલ થવાથી એક-પ્રજા રહી કે ગઈ?
अधिपति :
હિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે તેથી કંઈ તે એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજા ભંગ નથી કરી શકતા; તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક-પ્રજા ગણાય. તે મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો જોઈએ. તેવું હિંદુસ્તાનમાં હતું અને છે. બાકી ખરું જોતાં, જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક - પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી; જો પડે તો સમજવું કે તેઓ એક-પ્રજા થવાને લાયક નથી. હિંદુ જો એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપનું છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું, છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે; તે મુલકી ભાઈ છે, અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર એક થઈ રહેવું પડશે.
દુનિયા કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એક-ધર્મ એમ થયો નથી, હિંદુસ્તાનમાં હતો નહીં.
वाचक :
પણ હાડવેરનું શું?
अधिपति :
'હાડવેર' એ બંનેના દુશ્મને લીધેલું વચન છે. જ્યારે હિંદુ-મુસલમાન લડતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? વળી એટલું યાદ રાખજો કે અંગ્રેજ આવ્યા પછી આપણે લડતા બંધ થયા છીએ એવું કંઈ નથી, હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે, અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને જણને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી, લડાઈથી એકબીજા પોતાનો ધર્મ નહીં છોડે, તેમ એકબીજા પોતાની હઠ પણ નહીં મૂકે. તેથી બંને એ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા.
'મિયાંને ને મહાદેવને બને નહીં ' એ કહેવત પણ ઉપર પ્રમાણે સમજવી. કેટલીક કહેવતો રહી જાય છે તે નુકશાન કર્યા જ કરે છે. આપણે કહેવતની ધૂનમાં એટલું પણ યાદ નથી કરતા કે ઘણા હિંદુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા; આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેના ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના બે જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તેમાં શું થયું? તેમાં દુઃખ શું?
વળી એવી કહેવતો શૈવો-વૈષ્ણવોમાં પણ રહેલી છે; તેથી કોઈ એમ નહીં કહે કે તેઓ એક-પ્રજા નથી. વેદધર્મી અને જૈન વચ્ચે બહુ જ તફાવત મનાય છે, છતાં તેથી તે બે જુદી પ્રજા નથી થતા, આપણે ગુલામ બની ગયા છીએ તેથી જ આપણે કજિયો ત્રીજે ઠેકાણે લઈ જઈએ છીએ.
જેમ મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. તેમ હિંદુમાં પણ એવી શાખા જોવામાં આવે છે. જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ આપને તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.
वाचक :
હવે ગોરક્ષા વિશે તમારા વિચાર કહો.
अधिपति :
હું પોતે ગાયને પૂજું છું એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે. તે ઉપયોગી પ્રાણી છે એ તો મુસલમાન ભાઈઓ પણ કબૂલ કરશે.
પણ જેમ હું ગાયને પૂજું છું તેમ હું માણસને પણ પૂજું છું. જેમ ગાય ઉપયોગી છે તેમ માણસ પણ - પછી તે મુસલમાન હોય કે હિંદુ હોય - ઉપયોગી છે. ત્યારે શું હું ગાયને બચાવવા હું મુસલમાનની સાથે લડીશ? હું તેને મારીશ? આમ કરવા જતાં હું મુસલમાનનો તેમજ ગાયનો દુશ્મન બનીશ, એટલે મારા વિચાર પ્રમાણે તો હું કહું છું કે, ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, કે મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો મારે ગાયને જતી કરવી, કેમ કે તે મારા અખત્યારની વાત નથી. મને જો ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારો પ્રાણ દેવો પણ કંઈ મુસલમાનનો પ્રાણ લેવો નહીં, આ ધાર્મિક કાયદો છે એમ હું તો માનું છું.
'હા'ને અને 'ના'ને હંમેશા વેર છે. જો હું વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે. જો હું ટેડો બનીશ તો તે પણ ટેડો થશે. જો હું વેંત નમીશ તો તે હાથ નમશે; ને કદાચ નહીં નમે તો કંઈ હું નમ્યો તે ખોટું કર્યું નહીં કહેવાય. જ્યારે આપણે હદ કરી ત્યારે ગાયનો વધ વધ્યો. મારો અભિપ્રાય છે કે ગોરક્ષાપ્રચારિણી સભા ને ગોવધપ્રચારિણી સભા ગણાવી જોઈએ. તેવી સભા છે એ આપણને નામોશી પહોંચાડે છે. વધારે ગાયની રક્ષા કરતાં ભૂલ્યા ત્યારે તેવી સભાની જરૂર પડી હશે.
મારો ભાઈ ગાયને મારવા દોડ તો અમારે તેનું શું કરવું? તેને મારે મારવો કે પગે પડવું? જો તેને પગે પડવું એમ તમે કહેશો તો મુસલમાન ભાઈને પણ પગે પડવું.
ગાયને દુઃખ દઈને ગાયનો વધ હિંદુ કરે છે, તેને કોણ છોડવે છે? ગાયની પ્રજાને જે પરોણા હિંદુ મારે છે, તે હિંદુને કોણ સમજાવે છે? તેથી એક-પ્રજા થતાં આપણે અટક્યા નથી.
છેવટમાં, હિંદુ અહિંસક અને મુસલમાન હિંસક છે એ ખરું હોય તો અહિંસકનો શો ધર્મ છે? અહિંસકે કંઈ માણસની હિંસા કરવી એમ લખ્યું નથી. અહિંસકને તો સીધો રસ્તો છે. તેણે એકને બચાવવા બીજાને હિંસા કરવાની જ નથી, તેને તો માત્ર પાચનમન કરવાનું રહ્યું છે. તેમાં તેનો પુરુષાર્થ છે.
પણ શું હિંદુમાત્ર અહિંસક છે? મૂળ વિચારતા કોઈ અહિંસક નથી, કેમ કે જીવની હાનિ તો આપણે કરીએ છીએ. પણ તેમાંથી છૂટવા માગીએ છીએ, તેથી અહિંસક, સાધારણ વિચાર કરતાં જોઈએ છીએ કે, ઘણાં હિંદુ માંસાહારી છે એટલે તે અહિંસક ન ગણાય. તાણીતોડીને જુદો અર્થ કરવો હોય તો મારે કંઈ કહેવાનું નથી, જ્યારે આમ છે ત્યારે એક હિંસક અને બીજા અહિંસક છે તેથી ન બને, એ વાત તદ્દન ખિલાફ છે.
આવા વિચારો સ્વાર્થી ધર્મશિક્ષક, શાસ્ત્રીઓ-મુલ્લાંઓએ આપ્યો છે; તે અધુરું હતું તે પૂરું અંગ્રેજોએ કર્યું છે. તેઓને ઈતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતિરિવાજો જાણવાનો ડોળ રહ્યો. ઈશ્વરે મન નાનકડું બનાવ્યું છતાં તેઓ ઈશ્વરી દાવો કરતા ચાલ્યા છે, ને કંઈ કંઈ અખતરા કરે છે. પોતાનો ઢોલ પોતે વગાડે છે, ને આપણાં મન પર તેની ખાતરી બેસાડે છે, આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ.
જેઓ આડું નથી જોવા માગતા તેઓ જોઈ શકે છે કે, કુરાને શરીફમાં એવાં સેંકડો વચનો છે કે, જે હિંદુને માન્ય હોય; ભગવદ્ગીતામાં એવું લખેલું છે કે તેની સામે મુસલમાનને કંઈ જ કહેવાપણું ન રહે. કુરાને શરીફમાં કેટલુંક મારાથી ન સમજાય અથવા મને પસંદ ન આવે તેથી શું મારે તેને માનનારનો તિરસ્કાર કરવો? કજિયો બે માણસથી જ થાય. મારે કજિયો નહીં જ કરવો હોય તો મુસલમાન શું કરે? અને મુસલમાનને નહીં કરવો હોય તો હું શું કરવાનો હતો? હવામાં હાથ ઉગામનારનો હાથ પડી જાય છે. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.
वाचक :
અંગ્રેજો બંને કોમને બનવા દેશે ખરા?
अधिपति :
આ સવાલ બીકણ માણસનો છે. એ સવાલ આપણી હલકાઈ બતાવે છે. બે ભાઈને બનાડવું હોય તો તેમાં કોણ ભંગ પાડી શકે છે? જો તેઓ વચ્ચે બીજો માણસ તકરાર કરાવી શકે તો તે ભાઈઓને આપણે કાચા હૈયાના કહીશું. તેમ જ જો આપણે - હિંદુ મુસલમાન - કાચા હૈયાના હોઈશું તો તેમાં અંગ્રેજનો વાંક કાઢવાનો નહીં રહે. કાચો ઘડો એક કાંકરેથી નહીં તો બીજેથી ફૂટશે. તેને બચાવવાનો રસ્તો ઘડાને કાંકરાથી દૂર રાખવો એ નથી, પણ તેને પાકો કરવો કે જેથી કાંકરાનો ભય જ ન રહે. તેમ જ આપણે પાકા હૈયાના થવાનું છે. વળી બેમાંથી એક પાકા હૈયાનો હોઈશું તો ત્રીજો ફાવી શકે તેમ નથી. આ કામ હિંદુથી સહેલમાં બની શકે તેમ છે. તેમની સંખ્યા મોટી છે, તેઓ વધારે ભણેલા છે એમ તેઓ માને છે; તો પછી તેઓ પાકું હૈયું રાખી શકે છે.
બંને કોમ વચ્ચે અવિશ્વાસ છે. તેથી મુસલમાન લોર્ડ મોર્લેની પાસેથી અમુક હક માગે છે. આમાં હિંદુ શું કામ સામે થાય? જો હિંદુ સામે ન થાય તો અંગ્રેજ ચમકે, મુસલમાન ધીમે ધીમે વિશ્વાસ કરે અને ભાઈચારો વધે. આપણી તકરાર તેઓની પાસે લઈ જતાં આપણે શરમાવું જોઈએ. હિંદુ આમ કરતાં કંઈ ખોવાના નથી; એ તમે તમારી મેળે હિસાબ કરી શકશો. જે માણસ બીજા પર વિશ્વાસ બેસડી શક્યો છે, તેણે આજ લગી કશું ખોયું નથી.
હું એમ કહેવા નથી માગતો કે હિંદુ-મુસલમાન કોઈ દહાડો લડશે જ નહીં. બે ભાઈ ભેગા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણાં માથાં ફૂટશે. તેમ થવાની જરૂર હોય નહીં, પણ બધા માણસો સરખી મતિના નથી હોઈ શકતાં. એક બીજા આવેશમાં આવે ત્યારે ઘણી વાર સાહસકામ કરે છે. તે આપને સહન કરવાં પડશે. પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં લઈ જઈએ. બે જણ લડ્યા, બંનેના કે એકના માથાં ફુટ્યા પછી તેમાં બીજા માણસ શો ન્યાય કરનાર હતો? લડશે તે ઘવાશે પણ ખરા. શરીરેશરીર અફલાય ત્યારે તેની નિશાની રહે જ. તેમાં ન્યાય શો હોઈ શકે?