સોરઠ, તારાં વહેતાં પાણી
સોરઠ, તારાં વહેતાં પાણી ઝવેરચંદ મેઘાણી ૧૯૩૭ |
અમલદાર આવ્યા → |
સોરઠ, તારાં વહેતાં પાણી
ઝવેરચંદ મેઘાણી
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે , ગાંધી માર્ગ * અમદાવાદ - ૩૮૦ ૦૦૧
a novel byby Jhaverchand Meghani
Published by Gurjar Grantharatna Karyalaya,
Gandhi Road, Ahmedabad 380 001, (India)
⬛ પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001 ⬛ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય 201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ380 006 : ફોન : 26564279 ⬛ મુદ્રક : ભગવતી ઓફસેટ સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004
અર્પણ
સોરઠનાં વહેતાં પાણીમાં
અનાયાસ ઓતપ્રોત થઈ જનાર
સંગાથીને
નિવેદન
[પહેલી આવૃત્તિ]
નાયક નહિ, નાયિકા નહિ; પ્રેમનો ત્રિકોણ નહિ : એવી આ સોરઠી જીવનની જન-કથા છે. એ કથાનો નાયક આખો જનસમાજ છે. ગયા બે દાયકા ઓળંગીને તમે સોરઠના સીમાડા પર ઊભા રહેશો તો તે પૂર્વેનાં વીશેક વર્ષોને પોતાના પ્રવાહમાં ઝીલીને વહેતું, આ કથાનું વહેણ તમે સ્વચ્છ જોઈ શકશો.
નામનિર્દેશ કરવાની જરૂર નથી એવી કેટલીએક જીવતી વ્યક્તિઓ આ કથાનાં પાત્રોમાં પોતાની છાયા પાડે છે. બીજાં કેટલાંક એવાં પાત્રો છે કે જેમને કોઈ વ્યક્તિવિશેષ પરથી નહિ પણ સોરઠી સમૂહજીવનની સાચી માટીમાંથી ઘડી કાઢવાનો મારો પ્રયત્ન છે. આ કથાને મેં તો ઈતિહાસ-કથા લેખે જ આલેખી છે. એ ઈતિહાસ વ્યક્તિઓનો છે અને નથી યે; પણ સમષ્ટિનો ઈતિહાસ તો એ છે જ છે. કેમ કે ઈતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઈતિહાસમાં વિશેષ છે - જો એ જનસમૂહનો ઈતિહાસ બનવા માગતો હોય તો જ, બેશક.
કથાની શરૂઆત તો વિગતો નક્કી કર્યા પૂર્વે જ એક દિવસ અચાનક 'જન્મભૂમિ'ના મારી છાતી પર ઊભેલા એક શનિવારને માટે કરી નાખેલી. તે પછી તો કથા પોતાનાં વહેતાં પાણીને વાસ્તે પોતાની જ જાણે સોરઠની તાસીર અનુસાર પોતાનો માર્ગ કરતી ગઈ.
માર્ગે આ પ્રયત્નના કેટલાક અનુરાગી સ્નેહીઓ મળતા ગયા. તેમણે પણ આ કથાનાં પાણીને જોઈતાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં પૂરાં પાડ્યાં. તેમના સંગાથમાં આ વહેતાં પાણીને આરે આરે કરેલી આ લાંબી મજલ વધુ મીઠી બની છે.
એજન્સી-પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે. નાજાવાળા, હીપાવાળા, ઝવેરભાઈ ફોજદાર, સૂટર સાહેબ, હરજીવનદાસ ફોજદાર અને બીજા કેટલાક, તેમને વિશે બનેલી ઘટનાઓના વહેળા આ 'વહેતાં પાણી'માં મળ્યા છે.
દરબારશ્રી ગોપાળદાસ અને પારેવડાના ખેડુ શેઠશ્રી છગનભાઈ મોદીના જીવનમાંથી સૂચન મેળવીને સરજેલી વિભૂતિઓ ઘણા ઘણા સોરઠવાસીઓએ આ કથામાં ઓળખી કાઢી છે.
એક મિત્ર લખે છે : 'પ્રેમત્રિકોણના હંમેશના પંથ કરતાં આ નવલકથા જુદા પ્રકારની હોઈ, વહેતા જનપ્રવાહની આ કથા હોઈ, સપારણના પાત્રને તેમજ પિનાકીને શેઠને આગળ ચલાવી છેક અસહકારના જુવાનો સુધી આવી શકો તો બીજો ભાગ લખી શકાય તેવી તાકાત આમાં છે.'
આ સલાહને હું શુભાશિષ સમજું છું.
[બીજી આવૃત્તિ]
'વહેતાં પાણી' પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું, અને એ સાત ને વત્તા-ઓછા પ્રમાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. 'વેવિશાળ', 'તુલસીક્યારો', 'સમરાંગણ' અને 'અપરાધી' તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં 'વહેતાં પાણી'નું સ્થાન મારા વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે 'વહેતાં પાણી'ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે, એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઈતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય?
આ વાર્તાના વહનમાં પહેલી આવૃત્તિમાં સરતચૂકથી, ને બીજીમાં તો અશક્તિથી, એક પાત્ર લટકતું જ રહી ગયું છે : મહીપતરામના વૃદ્ધ પિતાનું પાત્ર. એને હું ન તો જીવાડી શક્યો કે ન મારી શક્યો! વાસીદામાં સાંબેલું રહી ગયું છે. એના પ્રથમ ઉઘાડ વખતે બેહદ દુઃખી જીવન ખેંચીને મૂએલા મારા દાદાનું સ્મરણ મારા મનમાં ઘોળાયું હતું. પણ આજે ઓગણત્રીસ વર્ષ પરની એ દુઃખમૂર્તિની જંપેલી ચિત્તાને હું નહિ ફેંદું.
સર્વ પાત્રો વચ્ચેથી જાજરમાન ખેડુસ્વરૂપે ખીલી ઊઠતા મારા વીર
પાત્રનો આદર્શ પૂરો પાડનાર શ્રી છગનભાઈ મોદી પારેવડાવાળાને તો મેં અણદીઠા ને અણસુણ્યા જ સદાને માટે ગુમાવ્યા છે. બે'ક વર્ષ પર એમને કાળે ઝડપ્યા; ને મને એમના જાણકારોએ લખ્યું છે કે એમને પ્રત્યક્ષ દીઠા-અનુભવ્યા હોત તો એ ખેડુ-વણિકનું પાત્ર હું વધુ દીપાવી શક્યો હોત.
જેના પરથી એક દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખાયું છે તે કાઠિયાવાડ એજન્સીના માજી પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સૂટર સાહેબ ચારેક વર્ષ પર એકાએક રાજકોટમાં ઝબક્યા હતા, ને મારા પિતાના એક સમકાલીન પોલીસ-અધિકારીના પુત્ર ભાઈશ્રી હિંમતલાલ દલપતરામ પારેખે એમની મુલાકાતમાં એમનો આ ઉપયોગ થયાનું જણાવતાં બુઢ્ઢા ગોરાએ ઊંડી લાગણી અનુભવેલી.
[બીજી આવૃત્તિ]
આ પ્રિય કૃતિને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશતી દેખી આનંદ પામું છું. કથાને આગળ ચલાવવાની ઉત્કંઠા ફરી પાછી મનમાં ઘોળાય છે. ક્યારે કરી શકીશ – કરી શકીશ કે નહિ – એ કહી શકતો નથી.
[પાંચમી આવૃત્તિ]
આ નવલકથાની લીલાભૂમી અને પાત્રસૃષ્ટિને વશુ વિશદ બનાવતાં લેખકનાં કેટલાંક લખાણો સંકલિત કરીને આ આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે આપ્યાં છે. આશા છે કે આ સામગ્રીમાં વાચકોને રસ પડશે.
|
|
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |