લખાણ પર જાઓ

સોરઠ, તારાં વહેતાં પાણી/૮. માલિકની ફોરમ

વિકિસ્રોતમાંથી
← ૭. કોનું બીજક? સોરઠ, તારાં વહેતાં પાણી
૮. માલિકની ફોરમ
ઝવેરચંદ મેઘાણી
૯. શુકન →


8. માલિકની ફોરમ


મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલાં પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યા પછી ગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો. તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પૂત્ર આગળ પ્રયાણ કરતો.

પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું.

મધ્યમ ઊંચાઇની, કેસરવરણી, બાંધી ગરદન પર ભૂરી કેશવાળી ઝુલાવતી ને કાનોટી માંડતી ઘોડીને નિહાળતાંની વાર જ પિનાકીના દિલમાં કશોક સળવળાટ ઊઠ્યો. ઘોડીનાં લાદ-પેશાબની સોડમ પણ એને સુખદાયક લાગી.

ઘોડીની પીઠ બાજઠ જેવી હતી. તે પર ચારજામાનું પહોળું પલાણ હતું. ચારજામા ઉપર પોચી ગાદી હતી. બાર વર્ષના પિનાકીને જાણે કે ઘોડીએ ક્રીડા રમાડવા પીઠ પર લીધો. રેવળ ચાલમાં ચાલતી ઘોડી સરોવરનાં બાધ્યાં નીર પર વહેતી નાવડીની ચાલમાં ચાલતી હતી. પસાયતાને તો ક્યાંનો ક્યાં પાછળ છોડી દઇ ઘોડીએ થોડી જ વારમાં પિનાકીને પેલાં હસતાં સફેદ ચૂનાબંધ મકાનો દેખાડ્યાં: ને છૈયાને તેડીને મા ઊતરે તેવાં સાવચેત ડગલાં ભરતી ઘોડી ઘૂનાળી નદીના ઘૂઘવતા પ્રવાહને પાર કરી ગઇ.

વટેમાર્ગુઓ ઘોડીને નિહાળી રહેતા, ઓળખી લેતા ને નિઃશ્વાસ છોડી અર્ધસ્પષ્ટ ઉદ્‍ગારો કાઢતાઃ "વાહ તકદીર! આ ઘોડી કેવી પરગંધીલી હતી! મૂછાળો છેલ શેઠિયો એકલો જ એનો ચડનારો, અને ખેલવનારો હતો. આજ એ જ રાંડ ટારડી બનીને વેઠે નીકળી. હટ નિમકહરામ!"

"અરે, લોંડી કાંથી આઇ?" હડમાનજીની જગ્યાના બાવાએ ફરી એક વાર ઢોરા ચડી ચલમના દમ દેતાદેતાં જોયું ને તિરસ્કારથી હસતાંહસતાં કહ્યું,

“હે-હે ગધાડી!" કલાલ રંગલાલ પણ પીઠાના ઓરશામાંથી બોલ્યો,

"મર રે મર, નુગરી!" ઠાકરદ્વારના પૂજારીએ ઘોડીને ફિટકાર આપ્યો.

"એને માથે કોઇ પીરાણું નહિ હોય." જલામશા પીરના તકિયામાંથી ગોદડિયા સાંઇએ ઉદ્‍ગાર કાઢ્યા.

ને થાણામાં પહોચેલી ઘોડીએ પોલીસ ગાર્ડની દરવાજાની નજીક આવતાં એકાએક કશીક ફોરમ આવી હોય તેમ નસકોરાં ફુલાવી અતિ કરુણ સૂરે હીંકોટા ઉપર હીંકોટા કરવા માંડ્યા, ત્યારે લૉક-અપમાંથી સામા ઓચિંતા હોંકાર ઊઠ્યાઃ "બાપો કેસર! બેટા કેસર! મા મારી! આંહી છું."

ટેલતો સંત્રી થંભ્યો. નાયક અને બીજા બે પોલીસો આરામ લેતા ઊભા થઇ ગયા અને કમર પટા બાંધતા 'લૉક-અપ' તરફ દોડ્યા. નાયકે એવા બોલ બોલનાર કેદી પ્રત્યે ઠપકાનાં વચનો કહ્યાં: "હાં હાં શેઠ! અહીં જેલખાનામાંથી હોંકારા કરાય? અમલદારો સાંભળશે તો અમને તો ઠપકો મળશે."

તેટલામાં તો ઘોડીની હણહણાટીએ એકધારા અખંડ સૂરો બાંધી દીધા હતા. ઘોડીના પગ તળે પૃથ્વીનું પેટાળ કોઇ અગ્નિ રસે ઊભરાઇ રહ્યું હોય એવી આકુલતા ઘોડીના ડાબલાને છબ છબ પછડાવી રહી હતી. ઘોડીના ગળામાં આહ હતી, આંખોમાં આંસુ હતાં, અંગે પસીનો ટપકતો હતો. એ જાણે હવામાંથી કોઇક સુગંધને પકડવા મથતી હતી.

થાણાનાં માણસોનો આખો બેડો (જથ્થો) ત્યાં જમા થઇ ગયો. સહુ મળીને ઘોડીને ઠંડી પાડનારા બોલ બોલવા લાગ્યા. કેટલાકે ઘોડીને થાબડી, લલાટે હાથ ફેરવી પંપાળી, માણેકલટમાં ખંજવાળ કરી, ને પિનાકીને ઘોડી પરથી ઉતારી લેવામાં આવ્યો.

ભમરાને સુગંધ આવે છે કે નહિ તે તો ખબર નથી, પણ ઘોડાંને માનવીની ઘ્રાણ આવે છે. કેસર ઘોડી પોતાને ઝાલનાર ચાર લઠ્ઠ સિપાઇઓને ઘસડતી ઘસડતી લૉક-અપ તરફ ખેંચાવા લાગી.

થાણદાર સાહેબનું મકાન કચેરીના ડાબે છેડે હતું, જમણા છેડા પર તિજોરી તેમ જ લૉક-અપ હતાં. કાચા કામના કે સજા પામેલા કેદીને રાંધવાનું એક છાપરું હતું.

કચેરી બાજુની ખડકીનું કમાડ જરા જેટલું જ ઊઘડ્યું. બન્ને બારણાની પાતળી ચિરાડમાંથી ગોરા ગોરા ઊંચા ભરાવદાર શરીરનો વચલો ભાગ, પગથી માથા સુધીના એક ચીરા જેવો દેખાયો.

"શી ધમાલ છે?" એમણે પૂરા બહાર આવ્યા વિના જ પૂછ્યું.

નાયકે કહ્યું: "સાહેબ, ખૂનના કેદીની ઘોડી તોફાન મચાવી રહી છે."

"શા માટે?"

"એના ધણીને મળવા માટે."

"એવી મુલાકાત તે કાંઇ અપાતી હશે? આ તે શું બજાર છે? આ તો કહેવાય કૅન્ટોનમેન્ટ." આટલું કહીને સાહેબે બારણાં બીડ્યાં.

પણ તેટલામાં તો થાણદાર સાહેબની ત્રણ નાની-મોટી દીકરીઓ બહાર નીકળી પડી હતી, ને પિનાકી પણ ગાર્ડ-રૂમના દરવાજા બહાર થોભીને દીદાર જોવા ડોકું તાણતો હતો.

"આ જમાદાર સાહેબ આવ્યા." નાયકે ત્રણ પોલીસને "ટં......ચન" ફરમાવ્યું. 'ટંચન" એટલે 'એટેન્શન'; આજે આપણી વ્યાયામ-તાલીમમાં એને માટે વપરાતો આદેશ-બોલ છે 'હોશ્યાર."

મહીપતરામના મોં પર ગામડાંના રસ્તાઓની પડસૂંદીના લોટ જેવી મુલાયમ બારીક ધૂળ છંટકોરાઇ ગઇ ફતી. એણે પૂછ્યું : "શું છે?"

નાયકે એમને વાકેફ કર્યા. કેદીની કેસર ઘોડી હજી જંપી નહોતી. એની અને એના ઝાલનારાઓ વચ્ચે ગજગ્રાહ ચાલુ હતો, ને ઝાડુ કાઢેલા કચરાના જુદા જુદા ઢગલાઓને સળગાવતા ભંગી જેવો શિયાળાનો સૂરજ આભનાં ભૂખરાં વાદળાંને આગ મૂકતો ઊંચે ચડતો હતો.

"તે શું વાંધો છે?" જમાદારે કહ્યું:"ફિકર નહિ, લઇ જાવ ઘોડીને લૉક-અપના સળિયા સુધી."

"પણ થાણદાર સાહેબે..."

"હવે ઠીક ઠીક : વેવલા થાઓ મા, નાયક. હું કહું છું ને કે લઈ જાવ."

"જેસા હુકમ!" નાયકે સલામ કરી. સિપાઇઓનો સારો બેડો ઉલ્લાસમાં આવી ગયો.

ને ચૂપ ઊભેલા પિનાકીને ખબર પણ ન પડી, કે ક્યારે પોતે અંદર ચાલ્યો ગયો અને ક્યારે એનો હાથ થાણદાર સાહેબની વચેટ પુત્રી પુષ્પાના હાથમાં પરોવાઇ ગયો.

સહુ છોકરાં ને સિપાઇઓ જોઇ રહ્યાં : ઘોડી 'હં-હં-હં, હં-હં-હં, હં-હં-હં' એવા હણહણાટો કાઢતી છેક પરસાળ પર ચડી, પરસાળના કાળા પથ્થરોની લાદી પર એના પોલા ડાબલા વેરાગીના હાથમાં બજતા ડફ જેવા ગુંજ્યાં, ને એના હોઠ કેદખાનાના કાળા સળિયા ઉપર રમવા લાગ્યા.

કેદી પોતાનું મોં પાછલી બાજુ ફેરવી ગયો હતો.

નાયકે કહ્યું: "લ્યો શેઠ, હવે તો મળો."

પુષ્પાને ખેંચતો પિનાકી આગળ વધ્યો.

કેદીનું મોં આ તરફ ફર્યું, એટલે પિનાકીએ કેદીને ઓળખ્યો. દેવકીગામ વાળા રૂખડભાઇ - જેને ઘેર બા જીવતી થઇ હતી.

કેદીએ ઘોડીને બોલાવીઃ"બાપ! કેસર! મજામાં?"

કેદીની આંખો તાજી લૂછેલી હતી, પણ ગાલ ઉપર ઓસનાં મોતિયાં ભૂલથી બાઝેલાં રહી ગયાં હતાં. એના હાથ કેસર ઘોડીની માણેક-લટ ઉપર કાંચકીની માફક ફર્યા. ઘોડીના કપાળ પર માણેકલટમાં એણે પાથી પાડી. ઘોડીના લલાટમાં લાંબું સફેદ ટીલું હતું. તેની ઝીણી ઝીણી રુંવાટીમાંથી કેદીએ એક નાની ઈતરડી ખેંચી કાઢી.

"ક્યાંથી - રાજકોટથી આવી લાગે છે!"નાયકે પૂછ્યું.

ભારે અવાજે કેદીએ કહ્યું : "હા, હું ત્યાં રજૂ થયો'તો."

કેદીએ ઘોડીને કહ્યું: "કેસર, બાપ, હવે તો તું ઘેર જઇશને? ડાહીડમરી થઇને રે'જે, પછાડી બાંધવા દેજે રોજ. ને, જોજે હો, સીમમાં છોડે તો કોઇ ટારડા ઘોડાને પડખેય ચડવા દેતી નહિ. ને - ને ખુશીખબર દેજે!"

બધા જ બોલ કેદી ફક્ત ઘોડી સાંભળી શકે તેવી જ હળવાશથી બોલ્યો.

એકઠા થયેલા સિપાઇઓ તદ્દન ચૂપ હતા. ત્યાં જાણે કે કોઇ પીર અથવા દેવ પ્રગટ થયા હતા.

ઘોડીએ માથું નીચે નમાવી નાખ્યું. કેદીએ છેલ્લી વાર પંપાળીને કહ્યું: "જા બચ્ચા હવે! હવે આને લઈ જાવ, ભાઈ!"

બન્યું તેટલા બધાએ ઘોડીની રેશમી પૂંઠ પર હાથ ફેરવ્યા. માણસો વિખરાયા.

પુષ્પાના હાથમાં હાથ જોડી પિનાકી હજુ પણ ઊભો હતો. એ જેલની કોટડીના દરવાજા સુધી ગયો. એણે કેદીને બોલાવ્યો: "તમે દીપડો મારેલો તે જ ને?"

કેદીએ કહ્યું: "ઓહો, ભાણાભાઇ, તમે તો ખૂબ ગજું કરી ગયા ને શું!"

પુષ્પાએ પિનાકી તરફ ખાસ નિહાળીને નજર કરી. છ-આઠ મહિનાના ગાળામાં પિનાકી જબ્બર બની ગયો હતો. એ વાત પુષ્પાને સાચી લાગી.

"હું તમારી ઘોડી પર ચડીને આવ્યો."

"સારું કર્યું, ભાણાભાઇ!"

"મને બહુ ગમ્યું."

"હું બહાર હોત તો તમને ખૂબ સવારી કરાવત."

"હવે બહાર નીકળો ત્યારે."

"હવે નીકળવાનું નથી."

"કેમ?"

"મને ફાંસી જડશે. મેં ખૂન કર્યું છે."

પિનાકીની યાદદાસ્ત ઊઘડતા પ્રભાત જેવી તાજી બની: "તમે તો પેલાને માર્યો હશે - તમને કાઠીના દીકરા કહ્યા'તા તેને."

"મને કાઠીનો દીકરો રહ્યો હોત તો - તો બહુ વાંધો ન હતો પણ એ ગાળ તો મારી વાણિયણ માને પડી. મા અત્યારે જીવતી પણ નથી. મરેલી માને ગાળ પડે તે તો શે ખમાય!"

આ દલીલોમાં પિનાકીને કંઇ સમજ ન પડી. એને હજુ ભણકારા તો રૂખડ શેઠની ઘોડીના જ વાગી રહ્યા હતા. રૂખડ શેઠની ઘોડી પર પોતે સવાર થયો હતો, એ ગર્વ પોતે અલક્ષ્ય રીતે પુષ્પા પર છાંટતો હતો.

“હું હવે તમારી ઘોડીને ખડ-પાણી નિરાવવા જાઉં છું. હું એને બાજરો પણ આપીશ, હો!" એમ કહી પિનાકી ચાલ્યો.

"આવજો, ભાણાભાઇ!"

"હેં, તમે ક્યારે આવ્યા, પિનાકીભાઇ?" પુષ્પાએ હવે નિરાંતે પૂછ્યું.

"પછી કહીશ. પહેલાં ઘોડીને જોઇ આવું" એમ કહી પિનાકી દોડ્યો ગયો.

દરમિયાનમાં થાણદાર સાહેબની ઘર-કચેરીમાંથી ઉગ્ર બૂમો ઉઠતી હતી: "થાણાનો ઉપરી કોણ? એ કે હું? આ તો ઠીક છે, પણ કોક દી આમાંથી ખૂન થઇ જશે – ખૂન! તહોમતદારોને ફટવી મૂકે છે!"

ને જમાદારની ઑફિસ ત્યાંથી બહુ દૂર નહોતી. આ બરાડા ત્યાં સાંગોપાંગ પહોંચતા હતા. એના જવાબમાં મહીપતરામ પોતાના માણસોને કહેતા હતા: "જોયું? મેજિસ્ટ્રેટ ઊઠીને કહે છે કે, ખૂન થઈ જાશે-ખૂન! છે અક્કલ! જો, માજિસ્ટરી ઉકાળે છે કૉડો! જો, સરકારનાં માટલાં ઊંધાં વળી ગયા!"

- ને ઘરમાં પિનાકી મોટીબાથી છાનો-છાનો કેસર ઘોડીને માટે એક મોટી તાસકમાં બાજરાનો આખો ડબો ઠાલવતો હતો.