સોરઠ, તારાં વહેતાં પાણી/૭. કોનું બીજક?

વિકિસ્રોતમાંથી
← ૬. સિપારણ સોરઠ, તારાં વહેતાં પાણી
૭. કોનું બીજક?
ઝવેરચંદ મેઘાણી
૮. માલિકની ફોરમ →


7. કોનું બીજક?

ઘૂનાળી નદીના કાંઠા પરથી ભાણાભાઇએ સામા કિનારાની ટોચ પર ચૂનો ધોળેલાં, સરખા ઘાટનાં મકાનોનું ઝુમખું જોયું, ત્યારે એનું મન પહેલી વાદળીને જોતા મોરલાની માફક નાચી ઊઠ્યું. એ જ આઉટ-પોસ્ટ, એ જ ભેખડગઢનું થાણું.

પૂરા દોઢ ગાઉ ઉપરથી આ મકાનો હસતાં હતાં. આ કિનારો એટલે સપાટ મેદાનો - સોનાના મોટા ખૂમચા સરીખું : ને સામો કિનારો જાણે રમકડાંનો દેશ હોય એવો ડુંગરિયાળ. ઘૂનાળી નદીના ઢોળાવમાં ગાડાં ઊતર્યાં તે પહેલેથી જ એકલવાયું કોઇ ઊંટ ગાંગરતું હોય તેવો વિલાપ-ભરપૂર, ઘેરો ઘૂનાળીનો પ્રવાહ ઘોરતો સંભળાતો હતો. તે નદીનો કુદરતે વાઢેલો અણઘડ ગાળો પાર કરી સામે કાંઠે ચડવા માટે ત્યાં એકેએક ભરતિયા ગાડાને ચોકિયા - એટલે કે બબે જોડી - બળદ જોતરવા પડતા. મહીપતરામનો રસાલો ત્યાં ઉતર્યો ત્યારે એક તૂટી ગયેલો, પગ ભાંગેલો ઊંટ ધણીધોરી વિનાનો એક બાજુ પડ્યો પડ્યો પોતાનાં નસકોરાં બે-ત્રણ કાગડાઓ પાસે ઠોલાવતો હતો.

એ ઉંટના જેવો જ નધણિયાતો જાણે કે આખો મુલક આંહીં પડ્યો હતો. પાંચ-સાત ભરતિયાં ગાડાં સામા પારથી આ કાંઠે ચડવા માટે પણ નદીના ચીલા શોધતાં શોધતાં, સાથળબૂડ પ્રવાહના પેટમાં પડેલી પાષાણી ચિરાડોમાં પોતાના બળદોની ખરીઓ અને પૈડાં ભંગાવતાં હતા. ભાણાને થયું કે, ક્યારે અહીં હું એક વાર મોટી વયે અમલદાર બનીને આવું અને નદી પર પાંચ માથોડાં ઊંચો પુલ બનાવું!

"કાં, આયો કે નવો સાબ! બાલબચ્ચાં તેરાં ખુશીમજામેં સે ને? હારી પેરે સે ને બચ્ચા?" એવી વાચા વાપરતો એક જટાધારી બાવો ફક્ત લંગોટીભર સામા કાંઠાની નજીક ઢોરા ઉપર ઊભો હતો. એના હાથમાં ચલમ હતી. એની પછવાડે એક ખડખડી ગયેલ ખોરડું હતું ને ત્યાં એક વાછડી બાંબરડા નાખતી હતી. ચોતરફ કાંટાની વાડ અને લીંબડાની ઘટા હતી. ખોરડા ઉપર રાતી ધજા ઊડતી હતી.

"હા બાવાજી, આવ્યા છીએ તમારી સેવામાં." મહીપતરામે વિવેકભર્યો જવાબ આપ્યો. ને ભાણેજને લાગ્યું કે અમલદારોનેય બચ્ચા કહી બોલાવનારી કોઇ નાગડી સત્તા અહીં દુનિયાની કિનારી પર પડી છે ખરી.

“હડમાનજી તેરો સબ ભલો કરસે, બચ્ચા! એક નાલીએરની માનતા રાખજે. તેરો બેડો પાર હોઇ જાસે." એમ કહેતો નાગડો બાવો ચલમના ભડકા ચેતાવતો રહ્યો. ગાડાં ગામ-ટીંબે ચડવા લાગ્યાં.

"આ લોકો મૂળમાં બાવા-સાધુ નથી હો, બાપુ!"મહીપતરામે પિતાને સમજ પાડીઃ "અસલ કેટલાક તો બળવાના કાળમાં ઉત્તરમાંથી ભાગી અહીં ભરાઇ ગયેલા, ને તે પછી કેટલાક ફિતૂરીઓ બંગાળમાંથી છૂપા નીકળી ગયેલા : મતલબ કે સરકાર વિરોધી કાવતરાખોરોની જમાતવાળા આ બધા."

"એને પકડવાનો હુકમ ખરો કે ભાઇ?" ડોસાએ ધીરેથી પૂછ્યું.

“હુકમ તો ખરો. પણ એમાં કોણ હાથ કાળા કરે? ગમે તેમ તોય દેશને માટે માથું ડૂલ કરનારા તો ખરા જ ને!"

"સાચું છે ભાઇ! માઇના પૂત તો ખરા જ ને!"

ભાંગેલી જૂની દેરી, કલાલનું પીઠું, લુહાણાની પાંચ દુકાનો, લીંબડીઆ બજરંગ, ઠાકરદ્વાર અને પંદરેક ખંડિયેરોનાં અધઊભાં ભીંતડાં પાર કરીને નવા અધિકારીએ થાણાની થાણદારી ગેટના ત્રણ પહેરેગીરોની તથા એક નાયકની 'ગાટ! ટ..ચન!' એવા બોલથી ગાજતી સલામી લીધી.

ત્રીજે દિવસે ખબર આવ્યા કે દેવકીગામમાં સુનકાર છવાઇ ગયો છે. બન્યું હતું એમ કે આગલા દિવસે જ રૂપગઢના મહારાજાની મોટર નીકળી. મોટર મહારાજાએ લાવીને છેક રૂખડભાઇ શેઠની ડેલીએ ઊભી રાખી. મહારાજ કહે કે ચાલો શિકારે જવું છે. ભેળા ગામના કુંભાર મુખી પટેલ કાનાભાઇને પણ લીધા, કારણ કે કાનાભાઇને બંદૂકનો શોખ, બંદૂક બરાબર હાથ બેસી ગયેલી. તે પછી મોટર છેક ખાંભાના ડુંગરામાં પહોંચી. ત્યાં મહારાજાની ગોળીએ 'ભભૂતિયા' નામે ઓળખાતા સિંહને ઘાયલ કર્યો. જખમી સાવજ સંતાઈ ગયો. સાંજ સુધી એના સગડ ન મળ્યા. સાંજે પાછા ફરતી વેળા માર્ગની બાજુમાં સાદા કુત્તાની માફક બેઠેલો ભભૂતિયો છલાંગ્યો, પણ જો રૂખડ શેઠે બંદૂક સહિત પોતાનો પોંચો ભભૂતિયાની દાઢો વચ્ચે ન પેસાડી દીધો હોત તો મહારાજા અને મોતને ઘડીકનું છેટું હતું. રૂખડ શેઠે ભભૂતિયાને પાછો પછાડ્યો. તે પછી જ મહારાજાની બંદૂકના એક બહારે એને પૂરો કર્યો. મહારાજા પ્રસન્ન થઇ રૂખડ શેઠની પીઠ થાબડવા લાગ્યા, એ અઢારસો પાદરના ધણીને વધુ તો મોજ ન આવી, ફક્ત શાબાશીના જ શબ્દો છૂટી શક્યાઃ "વાહ વાણિયો! વાહ શેઠ! રંગ તારી માતને!"

ત્યાં તો બાજુમાં ચડીને મહારાજાને કાના પટેલે કહ્યું : "બાપા ! આ જવાંમર્દીનું બીજક કા...કા...."

એટલું બોલવા જાય છે ત્યાં તો રૂખડ શેઠ પોતાનો ભભૂતિયાએ ચાવી ખાધેલો હાથ બીજા હાથમાં ઝાલીને મોટરમાંથી ઊઠ્યા ને બોલ્યા : "કાના પટેલ! જો હું કાઠીનું બીજક હોઉં તો તો જાણે કે તું સતવાદી રાજા હરિશ્ચંદ્ર. પણ જો આજથી છ મહિનામાં તને ઠાર મારું, તો જાણજે કે રૂખડ અણીશુધ્ધ વાણિયાનું બીજક હતો. ને મહારાજ! આપને પણ કહી દઉં છું, કે આજથી છ મહિનામાં અમારા બેમાંથી એક મરે તો ખૂનીને ગોતવાની જરૂર જોશો મા : બેમાંથી જે જીવતો હોય તેને જ હાથ કરજો!"

પછી તો ત્યાં પોતાના માટે રોટલાપાણી લઇ આવનારને ચાર ચાર આનાની બક્ષિસ આપી મહારાજા ચાલી નીકળ્યા, ને આ બે જણાની વચ્ચે જીવનમોતનું વેર બંધાયું. કાનો પટેલ એના પાંચ દીકરાઓની ખડી ચોકી નીચે રહે છે, ને રાતે પાંચ વાર સૂવાના ઓરડા બદલે છે. એવી એક વાતનું સ્મરણ લઇને જમાદારનો ભાણેજ પિનાકી ત્યાંથી બાર ગાઉ પર આવેલા એક નાના શહેરની નિશાળમાં અંગ્રેજી ભણતર ભણવા ગયો.