સોરઠ, તારાં વહેતાં પાણી/૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક

વિકિસ્રોતમાંથી
← ૩૭. લોઢું ઘડાય છે સોરઠ, તારાં વહેતાં પાણી
૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક
ઝવેરચંદ મેઘાણી
૩૯. ચકાચક! →


38. ફૂટપાથ પરનો ટ્રાફિક


"શું કરું?" હેડ માસ્તરે ચૂલે ચડેલા હાંડલાની જેમ વરાળ ફૂંકી : "તારા વયોવૃદ્ધ દાદાની મને દયા આવે છે. તને કાઢી મૂકીશ તો એ ડોસો રઝળી પડશે, નહિ તો તને... શું કહું ? બધું અધ્યાહાર જ રાખુ છું હવે તો!"

એક એક શબ્દ પિનાકીના પ્રાણ ઉપર તેજાબના છાંટા જેવો પડ્યો. એથી પણ અધિક, શીળીનો એકેક દાણો બગડી બગડીને કાળી બળતરા લગાડતો સમાઈ જાય તેવા વસમા તો હેડ માસ્તરના અણબોલાયેલા, અધ્યાહાર રહેલા શબ્દો બન્યા. અધ્યાહાર શબ્દો હમેશાં વધુ વસમા હોય છે.

એની આંખો ડોળા ઘુમાવી ઘુમાવી હેડ માસ્તર તરફ નિહાળી રહી. અઢાર વર્ષનો છોકરો આંસુ પાડવાનો શોખીન નથી હોતો. એનાં વિરલાં આંસુ સમજવાં પણ મુશ્કેલ હોય છે. પિનાકીનાં આંસુ ગુલાબની પાંદડીઓ પરનાં ઝાકળ-ટીપાં નહોતાં. હેડ માસ્તર એ સમજી ન શક્યા. એણે માન્યું કે આ છોકરાને પોતાનો ઠપકો અસર કરી રહ્યો છે. એટલે એણે ઉમેર્યું : "યાદ તો કર : તું મારો કેટલો માનીતો વિદ્યાર્થી હતો! આજે તને આ શું થઈ ગયું? તારા નિરાધાર દાદાની પણ દયા નથી આવતી, ગાંડા?"

એટલું કહેતાં હેડમાસ્તર પિનાકીને પસ્તાયેલો ગણી પંપાળવા માટે નજીક ગયા, પણ જેવો એ પિનાકીના ખભા પર પંજો મૂકવા ગયા તેવા જ પિનાકીએ ધગાવેલા સળિયા જેવા એ હાથને ઝટકોરી નાખી, એક ઉચ્ચાર પણ કર્યા વિના, ત્યાંથી ચાલવા માંડ્યું. ને એનાં મૂંગાં હીબકાં છેક દરવાજા બહારથી પણ સંભળાતાં ગયાં.

બીજું બધું જ સાંખી લેવા એ તૈયાર હતો, પણ એને અસહ્ય હતું એક મોટાબાપુજીનું અપમાન. ને હેડમાસ્તરની મોટા બાપુજી પ્રત્યેની અનુકંપાનો એકેએક શબ્દ અપમાનના અકેક ડામ જેવો હતો.

મારા મોટા બાપુજી... રઝળી પડ્યા છે? કોણે કહ્યું કે એ રઝળી પડ્યા છે? એની દયા ખાનારો આ દાતાર કોણ આવ્યો? મારા મોટાબાપુજી કયે દહાડે એની પાસે દિલસોજી ભીખવા ગયા હતા? મેં શું નથી જોયું કે રસાલાના નાળા ઉપર જે જે માઅસો ફરવા જાય છે તે બધા મારા મોટાબાપુજીને પહેલાં 'જે જે' કરે છે! પૃથ્વીપુરના પેલા રિટાયર થયેલા દીવાન સાહેબ તે મારા મોટાબાપુજી પાસે રોજ એ ગરનાળા ઉપર બેસી સોરઠના ગામડાના તકરારી સીમાડા વિષે માહિતી માગે છે. જોરાવરગઢના શિકારી દરબાર ગિરનો લૂલિયો સાવજ કઈ બોડમાં રહે છે તેની પૂછપરછ કરવા તો મારા બાપુજીને ઘેરે મળવા આવે છે ને બાપુજી હજામત કરાવતા હોય તો એટલી વાર ગાડી બહાર થોભાવી વાટ જુએ છે. એવા મારા બાપુજીને રઝળી પડેલ કહેનાર કોણ છે આ કંગાલ? એને ઘેર મારા બાપુજી ક્યારે ચા પીવાનો સમય જોઈને પેઠા હતા! કયે દા'ડે ઉછીના પૈસા માગ્યા છે! મારી ફી ભરવામાં એક દિવસનું પણ મોડું બાપુજીએ ક્યારે કર્યું છે!

ત્યારે? - ત્યારે - ત્યારે - આ શું બોલી ગયો એ માણસ? એને મેં બોલતાં ચૂપ કાં ન કરી નાખ્યો? મેં એની ત્યાં ને ત્યાં પટકી કાં ન પાડી નાખી? હું અઢાર વર્ષનો જુવાન કેમ ન કકળી ઊઠ્યો? મેં એની બોચી જ કાં ન પકડી? મેં આ શરીરના ગઠ્ઠા શા માટે જમાવ્યા છે? હું તે શું નર્યા લોહીમાંસનો કોથળો જ નીવડ્યો?

રસ્તાની એક બાજુએ ઘસાઈને એ ચાલ્યો જતો હતો. પ્રત્યેક વિચાર એના હીબકામાં જોર પૂરતો હતો. પોતાને ધ્રુસકા નાખતો કોઈ જોઈ કે સાંભળી જશે તો ઊલટાની નામોશી વધશે એ બીકે પોતે હીબકાંને રૂંધવા પ્રયત્ન કરતો હતો, પણ હેડમાસ્તરને કશું કરી ન શકાયું એ પોતાની કંગાલિયત એના હૃદયને વધુ ને વધુ ભેદતી હતી. આંસુ લુછવા માટે ને હીબકાં દાબવાને માટે એ મોં આડે વારંવાર હાથ દેતો હતો. રૂમાલ ઘેર ભૂલી ગયેલ હોવાથી આપત્તિ થઈ પડી! અને નાક લૂછવાનો દેખાવ કરી એ આંસુ લૂછતો હતો.

પણ ચોરી કરવા નીકળનાર માણસ કદી ન કલ્પેલા હોય એવા કોઈ સાક્ષીની નજરે પકડાય છે. પિનાકીને ભાન ન રહ્યું કે રસ્તાની પગથી ઉપર એક અથડામણ થતી થતી રહી ગઈ. એના હાથ એની આંખો આડે હતા. એનું મોઢું રસ્તાની ઊલટી બાજુએ હતું.

ઓચિંતું જાણે કે કોઈકની જોડે એનું પડખું ઘસાયું. કોઈક પછવાડેથી બોલ્યું પણ ખરું કે 'જરા જોઈને તો ચાલતો જા, ભાઈ!'

પોતે જોઈને નથી ચાલતો એવી ચેતવણીનો સ્વર જ્યારે કોઈ પણ જુવાન માણસને કોઈ નારી કંઠમાંથી સંભળાય, ત્યારે એણે જરૂર સમજવું કે ટ્રાફિકના નિયમનો કોઈક મહાન ભંગ પોતાને હાથે થયો હોવો જોઈએ, અને ફૂટપાયરી ઉપર તો ટ્રાફિકની દોરવણી કરનારો કોઈ પોલીસ રાખવામાં આવતો નથી, તેથી, ખાસ કરીને બપોર વેળાના બળબળતા રાજકોટ શહેરના અમુક અમુક નિર્જન પડતા રસ્તાઓ પર, આવા સ્ત્રી-કંઠો જરા સવિશેષ કડક રહેતા હોય છે.

વીફરેલા મિજાજની આ ક્ષણોમાં પોતાને વસ્તુત: આંધળો કહી અપમાનનાર આ અજાણ્યા કંઠ પ્રત્યે પિનાકી બેદરકાર ન રહી શક્યો. હેડમાસ્તરને ચૂપ કરવાની એણે જવા દીધેલી તક એને અત્યારે ઉપકારક નીવડી. એણે મિજાજથી પાછળ જોયું. પણ એના પગ આપોઆપ અટક્યા. એની આંખો ખબરદાર બની. વિફરાટ ઊતરી ગયો. નરમાશે આંખોનાં કિરણોમાં શીતળતા મૂકી. એની નજર જાણે કોઈ વૈશાખ મહિનાના લીલુડા છાસટિયાની નાનકડી એક વાડી ઉપર ઊતરી.

બે જણાંને એણે જોયાં. બંને સ્ત્રીઓ હતી. એક દૂબળા દેહની, કાળા વેશની, કંકણ વિનાનાં કાંડાં, આંખો પર દાક્તરી પાટો. બીજી સોળ-સત્તર વર્ષની : આજથી બે'ક દાયકા પહેલાંના સોરઠને સહજ એવી જુવાનીના લાલ વેલા જાણે કે ચડતા હતા, ઝાલરદાર છીંટના ઝૂલતા ચણિયા પર એક પાટલીએ પોમચાનો પહેરવેશ તે કાળમાં હજુ અવિવાહિત કન્યાઓને આપોઆપ ઓળખાવી આપતો હતો. ને ફૂલેલ બાંયનાં આછાં ગુલાબી પોલકાંનો શોખ હજુ રાજકોટને છોડી નહોતો ગયો. બંગડીઓ અને કાંડાં, એકબીજાનાં વેરી જેવાં, દિવસ-રાત ઝઘડ ઝઘડ કર્યા કરે - અથવા બંગડીઓ, કોઈ વાંદરીઓ જેવી, કાંડાની ઉપર-નીચે ચડઊતર જ કર્યા કરે - એવી નાજુક હાંઠી પણ હજુ સોરઠની કન્યાઓને નહોતી સાંપડી. એવી ચપોચપ બંગડીમાં રાજીખુશીથી બંધાયેલ બે કાંડાં પર થઈને પિનાકીની નજર વનમાં રમતી ખિસકોલી સમી, જ્યારે આ સત્તર વર્ષની કન્યાનાં નેત્રોને મળી, ત્યારે બન્ને ચહેરા પરના ધગધગાટ ઊતરી ગયા.

"કેમ થંભી રહી? કોણ છે એ?" આંખે પાટા બંધાયેલ આધેડ સ્ત્રીએ કન્યાને પૂછ્યું. "હાલવા માંડો, બેટા! એવા તો ઘણાય મવાલીઓ હાલ્યા જાતા હોય."

"રહો - રહો, બા! કોઈક આપણી ઓળખાણવાળા લાગે છે." દીકરીએ જવાબ દઈને પિનાકીને, કોઈ સિપાઈ કેદીની જડતી લેતો હોય તેટલી બધી ઝીણવટથી તપાસ્યો.

પિનાકીનાં હીબકાં કોણ જાણે ક્યાં શમી ગયા. કન્યાએ પૂછ્યું : "તમે અહીંના છો? તમારું નામ શું છે?"

"હું તમને ઓળખતો હોઉં એવું લાગે છે." પિનાકીએ નામ પ્રકટ કરવાને બદલે પોતાની સ્મરણ-શક્તિ પ્રકટ કરી.

બરાબર તે જ અરસામાં પિનાકીનો અવાજ ફાટતો હતો - એટલે કે કિશોરી અવસ્થાનો કોકોલ કંઠ જાણે માંડમાંડ, કોઈક ભીંસામણમાંથી નીકળીને જુવાનીના ભર્યા રણકારમાં પ્રવેશ કરતો હતો. ઘંટીનાં બે પડ વચ્ચે જાણે કે ગળું ભરડાતું હતું. એટલે જ એ કિશોરાવસ્થાના સૂર, હજુ પારખી શકાય તેવા, કોઈ કોઈ વાર દેખાતા હતા.

"તમે - તમે ભાણભાઈ તો નહિ!"

"ઓહોહો, પુષ્પાબેન! તમે અહીં?"

કન્યાએ આધેડ સ્ત્રીને કહ્યું : "બા, આપણા ભેખડગઢવાળા જમાદાર સાહેબના ભાણાભાઈ છે."

"ઓહો! ભાણો! ભાણા બેટા, હા જ તો! અમે તો હવે અહીં જ હોઈએ ને બેટા! પુષ્પાના બાપનું તો ઢીમ ઢાળી નાખ્યું રોયા કાઠીઓએ. તે પછી બીજે ક્યાં જઈએ? આંહીં અમારાં ઘરખોરડાં છે."

પિનાકી મૂંગો રહ્યો. પુષ્પાના પિતા, ભેખડગઢના થાણદાર સાહેબ, જાડા જાડા કોઠી જેવા, મોટીબા જેમનું નામ લેવાને બદલે હમેશાં બે હાથ પહોળા કરી ઈશારે નિર્દેશ કરતાં - તે થાણદારનું સ્મરણ મામીએ અદાલતમાં કરાવ્યું હતું.

"તમારાય બાપુજીની નોકરી ગઈ : કાં ને, ભાણા?" પેલી વિધવાએ કહ્યું : "નોકરી તો આખર નોકરી જ, ઈ કાંઈ ખોટું કહ્યું છે? અમારેય એવું થયું ને તમારેય એવું થયું. સરકારે બેમાંથી કોઈને ન્યાલ ન કરી દીધાં, ભાણા! નોકરી તે નોકરી : કરી તોય છેવટ જાતાં નો જ કરી!"

નોકરી શબ્દનો આવો નિગૂઢાર્થ તે વખતે સોરઠમાં ખૂબ જ પ્રચલિત હતો. પેન્શનરો, સાધુઓ, શાસ્ત્રીઓ વગેરે લોકોની તે વખતમાં એ એક ખાસિયત જ હતી કે બધા શબ્દોના આવા અર્થો બંધ બેસાડ્યા.

"પણ એમ તો એનુંય મારા પીટ્યાનું સત્યનાશ થઈ ગયું ને? જુઓ ને, ઈ રાંડ ચુડેલ પણ ટિપાઈ ગઈ ને? હજાર હાથવાળો ઈશ્વર કાંઈ લેખાં લીધા વિના રે' છે? પુષ્પાના બાપ તો દેવ હતા દેવ. એને મારીને તે સુખી થાય કે'દી કોઈ?"

આંખે પાટા બાંધેલી એ સ્ત્રી જ્યારે ઈશ્વરી જ્ઞાન રેલાવી રહી હતી ત્યારે એને પૃથ્વીનું જ્ઞાન નહોતું કે પોતાની આંખોના આંગણામાં જ શી લીલા ચાલતી હતી. નહોતો પિનાકી બોલતો, નહોતી પુષ્પા બોલતી, છતાં બેમાંથી એકેયના કાન, પીઠ ફેરવીને ઊભા રહી ચોરી થવા દેનાર સિપાઈઓની પેઠે, પોતાનું કાર્ય જ બંધ કરીને બેઠા હતા. સત્તર-અઢાર વર્ષનાં બે છોકરાંની આંખો જ એકબીજીને જાણે કે સામસામી નવરાવી રહી હતી. થોડુંક બીજું કામ નાસિકેન્દ્રિય કરી રહી હતી - એટલે કે બેઉને નજીક નજીક ઊભવાથી પરસ્પરનાં શરીરોની એક એવી ઘેરી, ધીરી, ખટમીઠી અને માદક ગંધ આવતી, જે ગંધ અમુક ચોક્કસ અવસ્થાએ, અમુક ચોક્કસ લોહચુંબકતાનો અનુભવ કરનારાં સ્ત્રી-પુરુષોને જ સામસામી આવી શકે છે.

"કેમ, શું થયું છે બાને?" પિનાકીએ પૂછ્યું.

ઝીણા, છોકરી જેવા, ને ઘેરા પુરુષ જેવા : એ બે સ્વરોની ભરડાભરડ પિનાકીના ગળામાં ચાલતી જોઈને પુષ્પાને ખૂબ રમૂજ થઈ. એનાથી હસી જવાયું. એટલે બાએ જ જવાબ આપ્યો : "મારી તો આંખો જવા એઠી છે, ભાણા! ઈસ્પિતાલે ગયાં'તાં. પુષ્પી બાપડી મને રોજ દોરીને લઈ જાય છે."

પિનાકી જો જરાક મોટી વયનો હોત તો વિવેક કરત - કંઈક આવા શબ્દોમાં : 'અરેરે! આવું શાથી થયું?' તેને બદલે પિનાકીએ તો પુષ્પાની બાના વાક્યનો એક જ શબ્દ પકડ્યો : "રોજ?"

પુષ્પાએ પિનાકી સામે મોં હલાવીને હા પાડી. એનું પણ ધ્યાન એ એક જ બોલ પર સ્થિર થયું.

"આ જ રસ્તેથી?" પિનાકી અંતરના કશા વાંકધોક વિના સીધું પૂછી ઊઠ્યો.

પુષ્પાએ ડોકું ધુણાવ્યું. આંધળી સ્ત્રીનો બોલ એણે તે પછી જ સાંભળ્યો : "હા ભાઈ, નજીકમાં જ અમે રહીએ છીએ. સદરમાં જ અમારો ડેલો છે."

"આ જ વખતે?" પિનાકીએ પાકી ખાતરી કરી લીધી. બાએ માન્યું કે પુષ્પા દીકરી શરમાતી હશે તેથી જ કશા જવાબો દેતી નથી.

"તારાં મોટાંબાને કેમ છે, ભાણા? એ બાપડાં હવે તો મારી જેમ ખળભળી ગયાં હશે." પુષ્પાની બાએ લાગણીપૂર્વક પૂછ્યું.

"હું મોટાંબાને વાત કરીશ."

"જરૂર કરજે, ને એક વાર અમારે ઘેર લઈ આવજે, હો!"

"જરૂર." પિનાકીને નોતરું ગમ્યું. પણ પુષ્પાએ મોં મચકોડ્યું. પિનાકી જોઈ શક્યો કે પુષ્પા નાનપણમાં છેક નિર્માલ્ય હતી તેને બદલે હવે ટીખળી અને ધૃષ્ટ બની છે.

"ને, ભાણા." પુષ્પાની બાએ કહ્યું : "મોટાબાપુજીને અમારા ખબર દેજે. અમારી વતી ખબર પૂછજે. કે'જે, હો ભાઈ, કે પુષ્પાની બાનું અંતર એમને માટે બહુ બળે છે. ઓહો! કેવા હાકેમ જેવા! પુષ્પીના બાપુજી સાથે થોડી બનતી, છતાં અમારી સહુની તો શી ખબર રાખતા! મારો ચંપક ઘોડેથી પડ્યો'તો ત્યારે દવાદારૂ માટે પોતે જાતે કેટલી દોડાદોડ કરી મૂકેલી! એવા લાખેણા માણસ માથે પણ કેવી કરી! ઓહોહો! હે વિશ્વંભર! નોકરી એટલે તો કરીકરી તોય નો જ કરી!"

પુષ્પાની બાએ દાખવેલી દિલસોજીને પિનાકી હેડમાસ્તરના બોલ જોડે સરખાવતો ગયો. પણ આમાંનો એકેય શબ્દ એને અળખામણો ન લાગ્યો. મોટાબાપુજીના લગભગ શત્રુ સરખા એક અમલદારની સ્ત્રી, જે સ્ત્રીને વૈધવ્ય પણ કંઈક અંશે મોટાબાપુજીની આડાઈને પરિણામે મળ્યું, તે સ્ત્રીના શબ્દો ને હેડ માસ્તરના શબ્દો વચ્ચે ફેર હતો. હેડમાસ્તરના શબ્દો ભેખડગઢના દીપડિયા વોંકળાને સામે કાંઠે ઊગતી દારૂડીનાં ઝેરીલા ફળો જેવા હતા : પુષ્પાની બા જાણે માવાદાર જાંબુને ચસણીમાં ઝબોળી ઝબોળી ખવરાવતાં હતાં.

"હો, હું મોટાબાપુજીને પણ કહીશ."

"તું અત્યારે આંહીં ક્યાંથી?"

"નિશાળેથી."

"છૂટી થઈ ગઈ? અત્યારમાં? કોઈક સા'બ-બા'બ મરી ગયો હશે કાં તો." "ના, ના...."

પિનાકીએ પૂરો જવાબ ન આપ્યો. પણ પુષ્પાના મોં મચકોડેલા મલકાટ બતાવી દેતા હતા કે પુષ્પા સમજી ગઈ છે : હાથલા થોરનાં ઘોલાં જેવી રાતીચોળ આંખો લઈને કૂવેળાની નિશાળ છોડનાર છોકરો ઉપરથી જેવો દેખાય તેવો ડાહ્યોડમરો તો અંદરખાનેથી ન જ હોય! એ વાતની પાકી ખાતરી જુવાન છોકરીઓને નહિ તો કોને હોય!

પિનાકી ચાલતો થયો. તે પછી તેની પીઠ પર પુષ્પાએ પણ પાછા ફરી કેટલીય નજર નાખી; અને એવી છલકતી પીઠ પર ધબ્બા લગાવવાનું મન એને વારંવાર થતું ગયું.