સોરઠ, તારાં વહેતાં પાણી/૩૯. ચકાચક!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક સોરઠ, તારાં વહેતાં પાણી
૩૯. ચકાચક!
ઝવેરચંદ મેઘાણી
૪૦. લશ્કરી ભરતી →


39. ચકાચક!


જંકશન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી, તે છતાં ત્યાં ઊભું ઊભું એક ચકચકિત મોટું 'પી. ક્લાસ' એન્જિન હાંફતું હતું. હાથીનાં નાનાં મદનિયાં જેવા ત્રણ ડબા એ એન્જિનને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબામાં બ્રીજલોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી.

"ક્યોં ચકાચક કરને કો ચલે, હવાલદાર!" જંકશનનો હેડ કોન્સ્ટેબલ પોતાના બે પંજા વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો કરતો પૂછતો હતો.

"હાં હાં, તકદીર કી બાત બડી હે, ભાઈ, આજ ફજીર કો જ હમ કોટર ગ્યાટ સેં છૂટ ગયે."

પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ઉચ્ચારને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો.

ફર્સ્ટ ક્લાસના ડબામાં નેતરની પેટીઓ ને ચામડાની ઠસ્સાદાર પટારીઓ ભરાતી હતી. એ પેટીઓ ઉપરથી વિલાયતની કોઈ આગબોટની છાપેલ ચિઠ્ઠીઓ પણ હજુ ઊતરી નહોતી. મૂળ હિન્દુસ્તાનમાં જ બનેલી એ પેટીઓનો આ છાપેલ પતાકડાનો મદ યુરોપ જઈ આવતા તે વખતના દેશીઓના પદવી-મદને આબેહૂબ મળતો આવતો હતો.

એક શિરસ્તેદાર, એક 'રાઈટર', બે કારકુનો ને એક પોલીસ ઈન્સ્પેક્ટર મૂંગા અવાજમાં કશીક ગંભીર વાતો કરી રહ્યા હતા. પણ તેમાંના જે શિરસ્તેદાર હતા, તેમના મોં પરનો મલકાટ ગંભીરતાના પડને ભેદીને બહાર આવતો હતો. એમને આ પ્રસંગ કોઈક ભાવિકને તીર્થયાત્રાનો પ્રસંગ હોય તેટલો પ્રિય લાગતો હતો.

ખબ, ખબ, ખબ : રબર-ટાયરની ગાડીના ઘોડાની પડઘી સ્ટેશનની કમાન નીચે વાગી. સૌ હોશિયાર બન્યા : "પ્રાંત-સાહેબ આવ્યા."

એન્જિનની વરાળે જોશ પકડ્યું. નીચે ઊભેલો કાળો દેશી ખ્રિસ્તી ડ્રાઈવર એન્જિન પર ચડ્યો. ગોરા પોલિટિકલ એજન્ટ લાંબી, ધીરી ડાંફો ભરીને આવી પહોંચ્યા, નાની એક બંસી બજાવીને એન્જિને ત્રણ ડબા ઉપાડ્યા. નિર્જન જંકશન પર કોઈ છૂપા કાવતરાની હવા ગાડી પછવાડે રહી ગઈ. નાનકડી એ સ્પેશ્યલ આગગાડીએ દેદીપ્યમાન દિવસને પણ અંધારી રાત્રીનો પોશાક પહેરાવી દીધો.

"પ્રાંત-સાહેબની એ સ્પેશ્યલ ટ્રેન ક્યાં જતી હતી? પિનાકીએ જંકશનની તારની વાડ્ય પર રમતાં છોકરાંને પૂછ્યું.

"કોઈક રાજો મરી ગયો છે, ઈયાં ગીયો છે મારો પે." કોઈક મિયાણા પોલીસના છોકરાએ કહ્યું.

થોડી વાર પછી દુનિયાને જાણ થઈ ગઈ : વિક્રમપુરના ઠાકોર સાહેબ ગુજરી ગયા. થઈ તો ગયા હતા બે દિવસ, પણ એજન્સીને ખબર આજે જ પહોંચ્યા. શબને પથારીમાં જ સાચવી રાખી, માંદગી ચાલુ છે એવી વાત જ રાજમહેલમાંથી જાહેર કર્યા કરી હતી.

રાજાઓનાં અવસાનો તે વખતમાં રોમાંચકારી બનાવો હતા. મૃત્યુ શક્ય તેટલું ગુપ્ત રખાતું. અને તે દરમિયાન જામદારખાનાનાં જવાહિરો અને ખજાનાનાં દ્રવ્ય અનેક અણદીઠ હાથોની આંગળીઓ વડે હેરફેર પામતાં. રાજભંડારોને સીલ મારવા પોલિટિકલ એજન્ટોની સ્પેશ્યલો દોટાદોટ કરતી. કૈક ન્યાલ થતા. કૈક નીતિમાન નોકરો ઝડપમાં આવી પાયમાલ થતા.

અઢાર વર્ષની બાલસખી દેવુબા અત્યારે કેવી દુર્દશામાં પડી હશે ! એ રુસકાં મૂકીને રોતી હશે. એને દિલાસો દેનાર કોણ હશે? એના શત્રુઓ એને લૂંટી લેશે? શું કરશે?

એવાં વલોપાતનાં વમળો પિનાકીને જંક્શનની સડક ઉપર અહીંતહીં હડસેલતાં રહ્યાં. એમ કરતાં કરતાં એનું મનપંખી પાંખો ફફડાવીને વિક્રમપુરના આભ-કેડે ઊડવા માંડ્યું.

ત્રણ જ કલાક પછી વિક્રમપુરના દરબારગઢને ઓરડે ઓરડે પ્રાંત-સાહેબનું ટાલિયું માથું નીચું વળી વળી દાખલ થતું હતું. કડીઓ લગાવવા માટેની દીવાની કાકડી અને લાખનો ટુકડો પેટીએ પેટીએ ભમતાં હતાં. દસ વર્ષના એકના એક વારસદાર કુંવરને ચોકીપહેરામાં સાચવીને જૂનાં રાજમાતા ચૂપચાપ બેઠાં હતાં. એને ટિલાવી તો લીધો હતો સવારમાં જ. એને શા માટે ટિલાવવામાં આવ્યો. તે વાંધો ઊઠાવીને ગોરો અધિકારી ધમપછાડા કરી રહ્યો હતો. કુંવરના મામાએ ઠંડા કલેજે જવાબ વાળ્યો કે પ્રથમ ગાદી-વારસને ટિલાવવો પડે; પછી જ મરહૂમ રાજવીની નનામી કાઢી શકાય.

ટિલાવેલ કુંવર બનાવટી છે, રાણીના પેટનો નથી, એવી ખટપટની ફૂંકો પ્રાંત-સાહેબને જમણે કાને ફૂંકાતી ગઈ. તેની બીજી બાજુ ડાબા કાનમાં બીજી વાત રજુ કરવામાં આવી કે નવાં રાણી દેવુબાને બે મહિના ચડેલા છે. એ આખી વાત જ મોટું તૂત છે તેવા પણ અવાજો આવી પહોંચ્યા. ભાતભાતની ભંભેરણીઓ વચ્ચે ગોરો ભવાં ખેંચતો બેઠો હતો. કડી જડેલા જામદારખાનાને ખોલાવીને પછી તેની તમામ સામગ્રીની નોંધ ગોરો લેવરાવવા લાગ્યો. દરેક પેટીનાં નંગ-દાગીના ગણાવા લાગ્યાં. એમાં એક પેટી જરા છેટેરી, એક કમાડની ઓથે પડી હતી, કોઈક સાહેબે જામદારખાનાના મુખ્ય અમલદાર સામે સૂચક દૃષ્ટિ કરી. એ અધિકારી પોતે જ હજુ તો વિસ્મયની લાગણીમાંથી મોકળો થાય તે પૂર્વે સાહેબે એને ત્યાં ને ત્યાં હુકમ ફરમાવ્યો : "નિકલ જાવ."

સાહેબનો છાકો બેસી ગયો. પહેલા દરજ્જાનો અધિકારી ચોર ગણાઈ બરતરફ થયો. એ અમલદારની લાંબી, ટાઈપ કરેલી, ખુલાસાવાર અરજીને સાહેબે ફગાવી દીધી. એને રૂબરૂ અરજે આવવા પણ રજા ન આપી. સાહેબનો એક મહાન હેતુ સધાઈ ગયો! પોતાના નામનો છાકો બેસી ગયો : એ છાકો બેસાર્યાથી રાજવહીવટની અરધી શિથિલતા આપોઆપ ઓછી થઈ ગઈ.

ધાક બેસારવી, જતાં વેંત થરથરાટી ફેલાવી દેવી, એકાદ કિસ્સામાં દારુણ અન્યાય થતો હોય તો તેને ભોગે પણ કડપ બેસારી દેવો - એવી એકાદ ચાવીએ જ અનેક અંગ્રેજ અફસરોને કાબેલ કહેવરાવ્યા છે. ટાલિયા પ્રાંત-સાહેબને પણ એ ચાવી હાથ આવી ગઈ. વળતા જ દિવસથી એણે રાજના સહકારી વહીવટકર્તા તરીકેનો ચાર્જ સંભાળી લીધો, અને તેલ પૂરેલાં પૈડાંની પેઠે રાજના નોકરો કામ કરવા લાગી પડ્યા.