સોરઠ, તારાં વહેતાં પાણી/૪૧. વટ રાખી જાણ્યું

વિકિસ્રોતમાંથી
← ૪૦. લશ્કરી ભરતી સોરઠ, તારાં વહેતાં પાણી
૪૧. વટ રાખી જાણ્યું
ઝવેરચંદ મેઘાણી
૪૨. ઓટા ઉપર →


41. વટ રાખી જાણ્યું

"ભાણા મહીપતરામ ડોસાએ પથારીમાં પડ્યાંપડ્યાં કહ્યું: "ઘોડીને લઈ જા. દરબાર સુરેન્દ્રદેવજીને સોંપી આવ. હવે એ પશુ આપણા ઘરને ખીલે દુઃખી થશે."

મહીપતરામના જીવનમાં આ પ્રથમ-પહેલી હાર હતી. સંસારની 'હુતુતુતુ' રમતાં એણે પહેલી વાર 'મીણ' કહ્યું. સોરઠના છોકરા હુતુતુતુની રમતમાં સામી બાજુનો પટ ખૂંદે છે, અને ઝલાઈ ગયા પછી મરણતોલ થયે જ 'મીણ' કહે છે.

આજી નદી સોરઠયાણી છે. વંકી અને વિકરાળ છે. મરદ મહીપતરામના પગ કમજોર પડ્યા પછી એક દિવસ ત્યાં ઘોડીને ધરાભર પાણીમાં ધમારતાં ધમારતાં પથ્થર પરથી લચક્યા હતા. એની છાતીના જમણા પડખામાં એક સટાકો નીકળ્યો હતો. વર્ષો પહેલાં ગોરા સાહેબ સાથે શિકારે ગયેલ ત્યારે વછોડેલી બંદૂક અકસ્માત પાછી પડી હતી : ફેફસાં પર કંદો ભટકાયો હતો. દગલબાજ દીપડાની પેઠે લપાઈ રહેલું એ દર્દ અત્યારે મહીપતરામના દેહના સ્નાયુઓ ખળભળતાં તરાપ મારી ઊઠ્યું. એનો દેહ પથારીવશ બન્યો. એણે જીવનની સાથેના જુદ્ધમાં હાર કબૂલી. પોતાનાં પ્યારાં પશુઓને ઠેકાણે પાડવાનો વિચાર એણે સૌ-પહેલો કર્યો.

સુરેન્દ્રદેવજી રાજકોટમાં હતા. મેડીએથી એણે રેશમ ઘોડીનો અસવાર નીરખ્યો. ફૂટતી જુવાની ઘોડાની પીઠ પર જેવી રૂડી લાગે છે તેવાં રૂડાં જગત પર ઘણાં ઓછાં દૃશ્યો જડે છે.

"મારા બાપુજીએ આ ઘોડી આપને સોંપવા મોકલેલ છે." પિનાકી વધુ કશું સમજાવી ન શક્યો.

કાઠિયાવાડની એ રસમ સુરેન્દ્રદેવજીને માલૂમ હતી. બદલી પર જતા અમલદારો પોતાનાં પશુઓ લાગતાવળગતા દરબારોને ભેટ દાખલ મોકલતા. એવી ભેટનાં મૂલ બજારભાવ કરતાં ઘણાં વધારે મળતાં. પણ મહીપતરામની એ રસમ ન હોય. એ આજ છેલ્લે પાટલે હોવો જોઈએ!

સુરેન્દ્રદેવજીએ પૂરા ચારસો રૂપિયા પિનાકીને ગજવે ઘાલ્યા. સુરેન્દ્રદેવજીના સુંવાળા પંજા નીચે પોતાની રેશમી રુંવાટી થરથરાવતી ઘોડી દરબારી તબેલામાં ચાલી અને પિનાકી હર્ષ પામતો પામતો ઘેર પહોંચ્યો.

"લ્યો આ," કહીને એણે બાપુજીની પથારી પર નોટોની ઢગલી કરી ઉમેર્યું કે, "દરબાર સાહેબ તો ઊલટાના બહુ રાજી થયા."

મહીપતરામ જોતા હતા કે ભાણાના મોં પર આનંદની ફાળો ચાલી રહી છે - જેવી ફાળ પાંચાળના આષાઢ-ઝરતા ડુંગરા પર પોતાની રેશમ ઘોડીના પગડા રમતા હતા એક દિન.

એ સૂતા હતા તેમાંથી કષ્ટાતા કષ્ટાતા ઊઠ્યા. પિનાકી ટેકો આપવા ગયો તે એણે ન લીધો. ઊઠીને એણે બેઠક રચી, આંખો ફાડી પૂછ્યું : "મેં તને ઘોડી વેચવા મોકલ્યો હતો?"

પિનાકીના મોંમાંથી જવાબ તો શું છૂટવાનો હતો? - મહીપતરામના હાથની એક અડબોત છૂટી. પિનાકીના ગાલ ઉપર લોહી ધસમસ્યું - નવા ઘાસની મોકળી ચાર ચરીને ડામણ સોતા વછેરા ઊભી વાટે ધસે છે એવી રીતે.

એ અડબોતના શ્રમે મહીપતરામને ગાદલામાં પાછા પછાડ્યા. એની આંખોએ ભાગ્યે જ કદી આંસુ ભાળ્યાં હતાં. ઘણાં વર્ષો પછી પ્રથમ વાર ફક્ત એક જ રેલો એની પાંપણોના વાળ પલાળીને એના કાનને કોઈ છાની કથા સંભળાવવા ચાલ્યો ગયો. છાતી પર હાથ દબાવીને એ પડખું ફરી ગયા. રડતા પિનાકીએ એના પગોને અડકીને કહ્યું : "બાપુજી, મારી ભૂલ થઈ."

એનો જવાબ મહીપતરામે પગના ધીરા ધક્કાથી વાળ્યો. ખાટલા પરથી ઊઠી જવાનો એ મૂંગો આદેશ હતો.

લબડેલ કાયાવાળાં મોટીબા ત્યાં આવીને ચૂપચાપ ઊભાં રહ્યાં. એણે પિનાકીને ઓરડાની બહાર લીધો.

થોડી જ વાર પછી ખડકીની બહાર એક 'ડૉગ-કાર્ટ' (નાની ઘોડાગાડી) રણઝણી. હાથમાં ચમરી લઈને સુરેન્દ્રદેવજીનો કોચમેન અંદર આવ્યો; કહ્યું : "દરબાર સાહેબ તબિયત જોવા આવે?"

પિનાકીની તો પૂછવા જવાની તાકાત નહોતી. મોટીબાએ પથારી પર જઈને પૂછ્યું : "દરબાર સાહેબ આવ્યા છે."

"ભેળું કોઈ છે?"

"ડીપોટી સુપ્રિન્ટન સાહેબ લાગે છે."

"હાં - હાં? મારો વાલેશરી આવ્યો છે? મને ટાંટિયા ઢસરડતો જોવા કે? ઊભા રહો. મારો ડગલો લાવો. મારો ફેંટો લાવો ને મારી લાકડી લાવો. મને-મને ઝટ ઝટ પૂરાં કપડાં પહેરાવો."

કોણ જાણે ક્યાંથી શરીરમાં કાંટો આવ્યો. ગળાની હાંફણને એણે હોઠ અને દાંતની ભીંસ પછવાડે દબાવી રાખી. પૂરા પોશાકે એ ખુરસી પર ચડીને બેઠા. ઢોલિયા પર નવી ચાદર બિછાવરાવીને તે પર પરોણાનું આસન રખાવ્યું. પોતે હાથમાં ડંડો ઝાલીને બેઠા.

"કાં!" ભાદરવાના મોરલાના ભરપૂર કંઠીલા કેકારવ જેવો સુરેન્દ્રદેવજીનો ભર્યોભર્યો બોલ આવ્યો.

મહીપતરામ ખુરસી પરથી ખડા થવા ગયા. "બેઠા રો', બેઠા રો' હવે." કહેતા સુરેન્દ્રદેવજી સામા દોડી ગયા, કહ્યું : "અરે વાહ! રંગ છે! આમાં મંદવાડ જ ક્યાં છે? અમને નાહક આંટો થયો. કેમ શુક્લ સાહેબ!" એમ કહેતાં સુરેન્દ્રદેવજી ખાખી બ્રિચીઝ અને કાબરા હાફકોટવાળા પોતાના સાથી તરફ ફર્યા.

"આપને...તો...ઠીક...પણ...સાહેબને...તો...સાચે...સાચ આંટો થયો!" મહીપત- રામ હાંફતાં હાંફતાં બોલ્યા. ને બોલતાં બોલતાં એ ડેપ્યુટી પોલીસ-અધિકારી તરફ ખૂબ કતરાતા ગયા.

"મારી તો ફરજ છે ને!" પોલીસ-અધિકારીએ શેરડીના ચુસાયેલા છોતા જેવો ચહેરો રાખીને કહ્યું.

પા કલાક, અરધો કલાક, કલાક સુધી સુરેન્દ્રદેવજી બેઠા. એ તો કંઈ કંઈ વાતોએ ઊકળ્યા. એમને લાગતું હતું કે મહીપતરામને સુવાણ થઈ રહેલ છે. એની પ્રત્યેક વાતચીતનો મુખ્ય મુદ્દો એક જ હતો કે "આ રાજનું હવે આવી બન્યું છે. શહેનશાહત તૂટવાની તૈયારી છે. એનાં કાળ-ઘડિયાળાં વાગી રહેલ છે. એના પાપ-ભારે જ એ ડૂબશે."

પોલીસ-ઑફિસર એ પ્રત્યેક બોલને પોતાના મનની સ્મરણપોથીમાં ટપકાવતો હતો. કાળી શાહીના અખૂટ બે ખડિયા જેવી એની આંખો હતી.

ઊઠીને પરોણ ચાલ્યા. સુરેન્દ્રદેવજીના મોંમાંથી ઘોડીના સંબંધમાં જો શબ્દસરખો પણ પડશે તો પોતાનું શું થશે તેનો મહીપતરામને મોટો ભય હતો. પણ બીજી સર્વ વાતોમાં ભખભખિયા બનનાર સુરેન્દ્રદેવે ઘોડીને વિષે ઈશારો સરખોય ન કર્યો. એણે ઊઠતાં ઊઠતાં ફક્ત એટલું જ કહ્યું કે, "કોઈ પ્રકારની જુદાઈ જાણશો નહિ."

ડૉગ-કાર્ટના ઘોડાના ડાબલા ઊપડીને થોડે દૂર ગયા પછી જ મહીપતરામનો શરીર પરનો કાબૂ વછૂટી ગયો. એ પટકાયા. તે પછી બીજે દિવસે એમનું અવસાન થયું. પણ છેલ્લી ઘડી સુધી એમણે પિનાકીની સામે ન જોયું. આઠ-દસ બ્રાહ્મણો જઈને એમને બાળી આવ્યા. એમનું લૌકિક કરવા પણ બહુ લોકો ન આવ્યાં.