સોરઠ, તારાં વહેતાં પાણી/૨૬. જતિ-સતીને પંથે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૫. તાકાતનું માપ સોરઠ, તારાં વહેતાં પાણી
૨૬. જતિ-સતીને પંથે
ઝવેરચંદ મેઘાણી
૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન →


26. જતિ-સતીને પંથે


છોકરાઓ ધીરે-ધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઇકલ પર ના ચડી શક્યો. એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લથડતે પગે સડક પર ચાલ્યા કર્યું.

રસ્તામાં એક હેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાના કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની તશરો મેળતાં હતાં. બે જુવાના છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસખાતાના ’ડીપોટી સાહેબ’ની એ કન્યા હતી. પણ આજે પિનાકીએ તે તરફ ના નિહાળ્યું.

કોઈ કોઈ નાળા પાસેના ઓઠા ઉપર દૂધ વેચનાર ગવાલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો:

“આ એક ભરત ભર્યું. ને તારો જરમન ઉપાડયો.”

“ તો એક ભરત ભર્યું. ને તારો અંગ્રેજ ખાધો.”

પિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા. એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે. સોગઠીઓનાં પણ તેમણે લડાયક નામ પાડ્યાં છે.

એ બજાર તફર વળ્યો. બજારમાં રોનક જામી પડ્યું હતું. વેપારીઓનાં મોઢાં પર દીવડા પેટાયા હતા. ખૂણે ને ખાંચરે બબ્બે દળ વહેંચાઈ ગયાં હતાં. એક દળમાંથી અવાજ ઊઠતો હતો: “ જુઓ તો ખરા, જર્મન કૈસર અંગ્રેજના ભૂક્કા કાઢી નાખશે ભૂક્કા છ મહિનામાં.”

“અરે અમારો તુર્કીનો સુલતાન તો જોજો, અંગ્રેજને જેર કરી નાખશે.”

“કૈસરની તો મૂછો જ બોડી નખાવશું અમે.”

સાઈકલ ઘેર મૂકીને પિનાકી ઘર છોડ્યું. મોટાબાપુજીના ઉશ્કેરાટનો એને ગભરાટ લાગ્યો. માનભંગ થયેલા હેડમાસ્તર મોટા બાપુજીને કોણ જાણે કેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે! દેવુબા સામેના મારા વર્તાવમાં મોટાબાપુજીને મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તો!

એવી ગંધ મોટા બાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે. મારા પર એ મારની ઝાડી વરસાવશે. હું જવાબ નહિ આપું તો ઝનૂનમાં ને ઝનૂનમાં એ બંદૂક ઉપાડશે.

એવા ડરનો માર્યો પિનાકી સ્ટેશનને પંથે વાળ્યો. ટિકિટ કઢાવવા ગયો. “ક્યાંથી ટિકિટ?” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે મિસ્તર, પ્રથમથી વિચારા કરીને કાં નથી આવતા?” એમ કહી ટિકિટમાસ્તરે એને ખસી જવા કહ્યું. સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોંએ ચઢ્યું તે નામના સ્ટેશનની ટિકિટ માગી.

પસાર થતું પ્રત્યેક સ્ટેશન એને કોઈક અદ્ભૂતતા તરફ ધકેલતું હતું. ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતો. રાતની ગાડીમાં ઉતારુઓ વચ્ચે અનેક જાતની વાતો થતી હતી. જેતપુરના બે મેમણો પાડા ઘાસ વાગોળે તેમ પાનનાં બીડાંને બત્રીશે ખુલ્લા દાંતો વચ્ચે કચડતા તુર્કીના પાટનગર કોન્સ્ટાન્ટીનોપલ અને આડ્રીઆનોપલ વિષે સમજણ કરતા હતા. એકે પૂછ્યું: "હી લડાઈ મેં પાજી તુરકી જો કી મામલો આય, હેં ભા? છાપા મેં ન્યારેલ આય?"

"તડેં? ન્યાર્યા વગર તો કાફર હોય ઇ રીયે."

"તડેં ઘાલ કી આય!"

"ઘાલ હી આય કે પાંજી તુરકીહા બો પુલ : હકડો કનસ્ટી જો પુલ; ને બ્યો આદ્રીપાજો પુલ : હણે રૂશિયા ચ્યે કે હકડોપુલ પાંજે ખપે, ને અંગ્રેજ ચ્યે કે, બોય પુલ અસાંજે ખપે. પાંજી તુરકીએ જવાબ ડનો કે..."

તે પછી તો બેઉ મેમણ ભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનું કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલા જ કરાવી શકે. પિનાકી તો એક જ વાત નીરખતો રહ્યો હતો, કે હિંદુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂર દૂરને દુનિયામાં પડેલ તુર્કીને 'પાંજી (આપણી) તુર્કી' કહી રહ્યા હતા ને એવી વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાંની ધૂને ચડ્યા હતા.

જેતલસર સ્ટેશને પિનાકીની ટિકિટ ખતમ થતી હતી, એ ઉતર્યો, 'ક્યાં જવું?' પાછા જ જવું બહેતર નહોતું? મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યા હશે આખી રાત? રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે! બહુ અકળાતા હશે. પાછો જ જાઉં.'

પરોઢિયાના પહોરમાં પ્લૅટફોર્મ ઓળંગવા જતા જ સ્ટેશનની હોટેલમાંથી કોઇકનો લલકાર કાને પડ્યો"

અંગરેજ ને જરમન આફળે : બળિયા જોદ્ધા બે;
એવું ત્રીજું લખમણ તેં ગરમાં રણ ગગડાવિયું.

કોઈક મીર પોતાના સતારની ઝણઝણાટીને તાલે તાલે દુહા ગાઈ રહ્યો હતો, પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો, એણે વધુ દુઆ સાંભળ્યા :

થાણદાર થથરી ગયા, લલના વેશે લપાય;
રાજીનામાં જાય, લાખું મોઢે, લખમણા!

અને વળી-

લખમણીયા ભેળી ભળી, ભગની ભગવે વેશ;
પીરાની પગ લગી, (જેના) ઝુલે જોગન-કેશ.

પિનાકીના કાન ખડા થયા. 'પીરાણી', 'જોગણ' અને 'ભગિની' વગેરે શબ્દો સજીવન બન્યા. એને મામી યાદ આવ્યા. 'મામી' બહારવટિયામાં જઈ ભળ્યાં હતાં એની પિનાકીને ખબર હતી. દુહાએ 'મામી'ની સુંદરતા કંડારી નાખી. ઊગતા પ્રભાતમાંથી 'મામી' જાણે કે સપ્તાશ્વ સૂર્યને જોડાજોડ પીરાણી પર સવાર બની ચાલ્યાં આવતાં હતાં. ઊંચા રેલવે પુલ પરથી ધોરાજીની ધાર પાછળનો સૂરજભાણ દેખાતો હતો. સીમાડે જ જાણે એના સાત અને મામીની એક - એમ આઠ ઘોડલાંની હમચી ખૂંદાતી હતી.

મીરે ત્રીજો દુહો બેસાડ્યો :

તું બીજો લખમણ જતિ; ભડ ! રમજે ભારાથ;
જતિ-સતીના સાથ સરગપાર શોભાવજો!

"વાહ, દુલા મીર, વાહ! " સાંભળનારાઓના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ. "આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા!"

"અરે મારા બાપ!" બૂઢો મીર ડોકું ડગમગાવતો હતો. ગરના ગાળામાં તો હવે જઈ રિયા ને લખમણભાઈની મોજ તો લઈ રિયા. આ તો દિલડામાં અક્કેક દુહો, વેળુમાં મગરમચ્છ લોચે ને, તેમ લોચતો હતો, તે આજ તમ જેવા પાસે ઠાલવી જાઉં છું."

પિનાકી પાસે આવ્યો. એણે મીરના ખોળા પર એક આઠ-આની મૂકી, બૂઢા મીરે આંખો પર નેજવું કરીને નજર માંડી.

"કોણ છો, ભાઈ?"

"વિદ્યાર્થી છું."

મીર ન સમજ્યો. બીજાઓએ સમજ પાડી.

"નિશાળિયો છે નિશાળિયો. મોતી મીર!"

"ભણો છો?" મોતી મીરની અરધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી.

"હા જી..."

મીરને કોઈકે આજે જીવનમાં પહેલી વાર 'જી' કાર કહ્યો. એની જીભ વધુ લાંબી થઈ. જીભમાંથી સુખાનુભવની લાળો પણ ઝરી.

"કવિરાજ!" પિનાકીએ પૂછ્યું: "જતિ ને સતી ક્યાં છે? મને કહેશો?"

"એક જ ઠેકાણાની ખબર છે."

"કયું?"

"મારા અંતરમાં રહે છે." એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઉપડી ગઈ.

બીજા એક જણે કહ્યું: " ભાઈ, તું બાતમી લેવા તો નથી આવ્યો ને?"

પિનાકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો. બહારવટિયા સરકારના ઘોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ચૂકી ગયો હતો. એ તો જાણે કોઈ જૂના યુગનો ઇતિહાસ ભણી રહ્યો હતો એટલે એ જવાબ ન આપતાં મૂંગો રહ્યો. એના મૌને મિજલસમાં વિશેષ શંકા ઉપજાવી. કોઈકે કહ્યું: 'ભાઈ, જાળવજો હો, અમારાં હાંડલાં ક્યાંક અભળાવી દેતા નહિ. અમે તો, મારા બાપા, મોટી માલણના તરફના માલધારિયું છીએ. બે ગડી સુગલ કરીએ છીએ."

બધા પિનાકીએ હાથ જોડવા લાગ્યા. પિનાકી શરમિંદો બન્યો. આ કૉડા જેવડી મોટી આંખો : આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન : બાજઠ જેવી આ છાતીઓ : બંદૂકો જેવી આ બબે ભુજાઓ : ધિંગી આ દાઢીઓ : ને થાંભલા જેવા આ પગ : એ જ આ લોકો, આ સિંહોને તગડનરાઓ, આટલા બધા ગભરુ! આટલા બધા રાંકડા! પિનાકી ખસી ગયો. ભયભીત માલધારીઓ એક પછી એક સરકી ગયા. બેસી રહ્યો ફક્ત એક મોતી મીર, એણે સતાર ચાલુ રાખી. નવો દુહો મનમાં બેસાર્યો :

અંગરેજ ! તુંને અકલ નહિ; ડાયા તણો દકાળ;
(નકર) તેડાવત તત્કાળ લાજ રખાવણ લખમણો.

કેમકે અરે અંગરેજ!

તમે માંજરા મરકટાં : એ રઘુપતનો વીર;
જરમર(જર્મન) વાંદરડાં નમત, એને બની અધીર.

પિનાકી નજીક આવ્યો; પૂછ્યું :"કવિરાજ, તમે તો બીતા નથી ને!"

"બીઉ કોનાથી? બીવા જેવું કાંઈ રિયું જ નથી ને દુનિયામાં!"

"તો મને સમાચાર દેશો?"

"કોના?"

"લખમણ બહારવટિયાના અને ભગિની જોગણના."

"શું કરીશ?"

"ત્યાં જઈશ."

"મારા આ દુહા હાથો હાથ દઈશ."

"જરૂર."