સોરઠ, તારાં વહેતાં પાણી/૩૫. પ્રેરણામૂર્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩૪. કોઈ મેળનો નહિ સોરઠ, તારાં વહેતાં પાણી
૩૫. પ્રેરણામૂર્તિ
ઝવેરચંદ મેઘાણી
૩૬. ચુડેલ થઈશ →


35. પ્રેરણામૂર્તિ


પિનાકી નિશાળે ગયો. રસ્તામાં ઝીણાં પાંખાળાં જંતુઓનું ઝૂમખું હોય તેવો આ વિચાર તેના મોંને વીંટળાતો રહ્યો. ‘વહુ’ એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પણ ખાજવણીનાં પાંદ કોઈએ મસળ્યાં જાણે! ચેન પડતું જ નહોતું. વર્ગમાં સવાલો પૂછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાવ્યું નહિ. પરણવું અને વહુ લાવવી? આંબાના નાનકડા રોપણી ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે! કેવું કૃત્રિમ, બેડોળ અને બેહૂદું! વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાનને એટલો જ નામુનસબ લાગ્યો. આ મશ્કરી એને ગમી નહિ.

સાંજે ક્રિકેટની રમતમાં એ દાઝેભર્યો રમ્યો. બેટને પ્રત્યેક ફટકે એ ‘વહુ’ના વિચારને ઝૂડતો હતો. પસીનાનાં પાણી વાટે જાણે બદનના પ્રત્યેક બાકોરામાંથી ‘વહુ’ને એણે નિચોવી નાખી.

આટલી બધી તકલીફ એને શા માટે લેવી પડી? સત્તર વર્ષના કિશોરને અંતરે વહુની વાત જોર કરીને કેમ પેસી ગઈ?

કારણ કે પિનાકીનું હૃદય આટલી કાચી ઉંમરે પણ સાફ નહોતું. કૂંપળોની ટીશી જેવું કપટહીન એનું મન નહોતું. દેવુબાને એ તાજેતરમાં જ જોઈ મળી આવ્યો હતો. ને દીપડાને પશુની ગંધ આવે તેમ એને કોઈ એક માદક સોડમ તલસાવતી હતી. સત્તર વર્ષનો કિશોર – વીસમી સદીના ચડતા પહોરની દુનિયામાં વિહરતો કિશોર - વેદકાળના તપોવનોને સામની ઋચાઓથી ___ કરતો, વિકારી ભાવોને કડકડતી ટાઢના તારાસ્નાનમાં ગંગા-પ્રવાહે વિસર્જન દેતો બ્રહ્મચારી બટુક તો થોડો જ હોઈ શકે છે!

ત્યાં તો ગંગાના વહેણ રાજકોટ મુકામે જ વહેતાં થયાં. બહારવટું જગાવનારી એ જોગણનો, રૂખડ શેઠની એ ‘રાંડ’નો, ભાણાભાઈની ‘મામી’નો મુકદમો મંડાયો.

અદાલતમાં જવા માટે પિનાકી નિશાળનાં વર્ગો છોડ્યા. અદાલતમાં ઓરડો ઠાંસોઠાંસ દીઠો. પ્રથમ વાર જોતાં તો પિનાકીને ભ્રાંતિ થઈ કે આ તે શું સોરાઠની મૂછોનું પ્રદર્શન છે? દાઢી-મૂછના ત્યાં કૈંક કાતરા હતા, કૈંક થોભિયાં હતાં, કૈંક વળી વીંછીની પૂંછડી-શા આંકડા વાળેલી મૂછો હતી, કેટલાક હોઠ ઉપર ખિસકોલીની કાબરી પૂંછડીઓ જાણે કે કાપીને ગુંદર વતી ચોડી હતી. કેટલાક જાણે કે લોઢાના લાંબા સોયા હતા. કેટલાક બૂઢાઓએ પોતાની સફેદ લાંબી મૂછોના છેડા મરોડીને જાણેકે ગાલ સાથે રૂપાનાં ચગદાં ચોડ્યાં હતાં. કેટલીક દાઢીઓ ત્યાં પંખીને માળા કરવા જેવી હતી. કેટલીક ઓળેલી, સેંથા પાડેલી હતી. કેટલીક પડતર ખેતરો જેવી હતી.

ગીરકાંઠાનો સોરઠ અદાલતમાં આ રીતે રજૂ થયો હતો. ફાંદાળા ફોજદારો નાકા ઉપર ભાંગેલી દાંડલીના ગામઠી ચશ્મા ચડાવીને મેલા કાગળિયા વાંચતા હતા. ગામડાંના ગાભરા લોકોનું એક એક ટોળું વાળીને ડાઘિયા ‘બુલ-ડોગ’ જેવા લાગતાં અમલદારો સાક્ષી-પુરાવાની સજાવટા કરતાં હતા. જુદાં-જુદાં ટોળાની વચ્ચેથી એ ફોજદારો જમાદારો ને મુખી પટેલોના ચોખ્ખા બોલ ઊઠતાં હતાં: “જો, પાંચિયા, તારે કહેવું કે ભાણગઢની ડાકાયટીમાં ભેળી હતી તે આ જ રાંડ છે.”

“પણ પણ...” ગામડીયો પોપટ પઢાવેલું પઢતાં અચકાતો હતો: ”સાબ, ઇ બાઈએ તો તેદુની લૂંટ બંધ પડાવી’તી ને!”

“અરે બોતડા!” અમલદારના શબ્દો એની ફાંદમાંથી ભીંજાઈને નીકળતા હતા: “તારું ડા’પણ તારી પાસે જ રાખ, ને હું કહું છું તેમ બોલજે.”

“પણ એની વાંસે ગીરના પાંચસે માલધારીઓ છે, અને સા’બ, એ અમને જંપવા નહિ આપે.”

“ઠીક ત્યારે, બોલીશ મા, ને પછી જોઈ લે જે બેટા મારા!” કહેતો અમલદાર જે બે આંખો બતાવતો હતો તે આંખોમાં ગુપ્ત વાંછનાનો અગ્નિ હતો.

ઊનની લોબડીઓ ઓઢેલ ગામડિયાણ સ્ત્રીઓ – બૂઢીઓ ને તરુણીઓ – અમલદારોની પાસે ગવાહીનું ભણતર ભણતી હતી. ગામડાંના ઊભા પાકને તરસ્યા સુકાતા છોડીને ખેડૂતો અહીં પુરાવા આપવા હાજર થયા હતા. આગલી-પાછલી અદાવતોનાં લેણદેણાં જેની જેની જોડે ચોખ્ખા કરવાનાં હતાં. તે તમામ લોકોને લખમણ બહારવટિયાની ડાકાયટીઓમાં સંડોવનારી સાહેદીઓ આ થોભીયાધારીઓએ રચી રાખી હતી. અદાલતની પરસાળમાં તેમ જ ચોગાનમાં સેંકડો મોઢાં ગંભીર, ભયવિહવલ અને સૂનમૂન હતાં.

કોઈ કોઈ પ્રશ્ન કરતાં કે, ‘કેટલા દા’ડા અહીં ભાંગશે?’ કોઈ વળી અમલદારોને કરગરતા હતા કે, “એ મેરબાન! તમારે પગે પાઘડી ઉતારું : મને ઘેર જવા દો. મારા ઢોરાં રઝળતાં રાખીને આવ્યો છું.”

કોઈ કકળાટ કરતાં હતાં કે, “ગોળ ને દાળિયા ફાંકી ફાંકીને કેટલાક દિવસા ખેંચાશે? એમાંય રોજના બે આના ભાંગવાં પડે છે.”

“ને પાછાં અમલદારુંના સીધાં પણ આપણે જ નાખવાનાં!”

“આ કરતાં કોરાટું સમૂળી જ નો’તી તે દાં’ડા શાં ખોટા હતા? બા’રવાટિયાની સામે પણ લોક જીવતું – પોતાના બળજોરથી. નીકર સમાધાની કરી લેતું. આ કોરટુવાળી હાલાકી તો નો’તી!”

“હળવો બોલ્ય રૂડા! કો’ક સાંભળશે તો ડફ દઈને હાથકડી પેરાવી જેલખાનામાં ઘાલી દેશે! અહીં સાસરાનું ઘર નથી.“

કઈ બાબત બોલવાથી કેમ કરવાથી કેદ મળે છે. તેના આ બધા ખ્યાલો વિસ્મયકારી હતા. છતાં એક વાત તો ચોખ્ખી હતી : આ ગામડિયાઓ ઈન્સાફની વેઠે પકડી આણેલા ગમારો હતા. આ દુનિયામાં તેઓ ભૂલા પડ્યા હતા. તેમના રસ્તા જુદા જુદા હતા. તેમનું જતાં છેટે પડ્યું હતું. તેમને પીરસાતો ન્યાયનો ભોજનથાળ તેમને માટે ઝેર સમાન હતો. ને જે વાત બે હજાર રૂપિયાનો દરમાયો ખાનાર ગોરા જ્યુડિશિયલ આસિસ્ટંટને નહોતી સૂઝી, તે સત્તર વર્ષના છોકરા પિનાકીના મગજ વચ્ચે, એક જ મામલો જોતાં, ઊગી નીકળી. તેણે વિચાર્યું: ‘શા માટે આ કેસ અહીં ચલાવાય છે? ત્યાં ગામડાઓમાં ક્યાંક વચગાળાના સ્થળમાં અદાલતા ના બેસાડી શકાત! સેંકડો ઉદ્યમી લોકોને એના ધંધા રઝળતા મુકાવી અહીં તેડાવ્યા તે કરતાં પાંચ ન્યાય કરનારાઓ જ ત્યાં ગયા હોત તો?’

એકાએક ગણગણાટ અટકી ગયો. તમામ આંખો દરવાજા પર દોડી. પોલીસોની સંગીનો ઝબૂકી. બે-ત્રણ જંજીરા બાંધ્યા, બાઘા મોંવાળા ગામડિયાઓની જોડે એક ઓરત ચાલતી હતી, ને તેમની પછવાડે પંદર પહેરેગીરોનાં કાળાં ચમકતાં તોતિંગ બૂટ કોર્ટના પથ્થરોને તાલબંધ ચગદતાં ચાલ્યાં આવતાં હતાં.

જોનારાંઓ જોઈ રહ્યા અને ઘડીભર ભૂલાવામાં પડી ગયાં કે આ પોલીસની પેદલ ટુકડી પેલી બાઈનો જાપ્તો રાખતી હતી કે ઇનો મલાજો સાચવતી હતી.

એવી ભ્રમણા સકારણ હતી. ઓરતનો કદાવર દેહ દેવ મંદિરે સંચારતી કોઈ રાજવણને ઝાંખી પાડતો હતો. એના મોઢા ઉપર, એની ગતિમાં, પ્રત્યેક પગલામાં, નજરમાં, ડોલનમાં વાણી હતી – મૂંગા અભયની. અભયનું એ નાટક નહોતી કરતી. જેવી વાત તેવી જ એ ચાલી આવતી હતી. એના મોં પર ગમગીનીએ જાણે માળો ગૂંથ્યો હતો. મેલું ભગવું એના માથાના ઘાટા કેશ-જૂથને અદબમાં રાખતું હતું. હાથ એના એવી તોલદાર રીતથી ઝૂલતા હતા કે જાણે અત્યારે પણ એના પંજામાં બંદૂકો હીંચતી હોય એવો વહેમ આવે.

કેટલાય પિછાનદાર ચહેરાને પકડતી એની આંખો ટોળામાં આંટા લઈ વળી. એની ઓળખાણમાં ના આવવામાં જ સાર સમાજનારા ગામડિયાં નજર સરકાવી જતાં હતાં, એની મીટ જોડે મીટ મિલાવનાર ત્યાં કોઈક જ હતું.

સાંકડી પરસાળમાં ગિરદીની વચ્ચે કેડી રચાઈ ગઈ. એ કેડી વચ્ચે આ બાઈ ચાલતી. ત્યાં એક બાજુથી પિનાકી સંચાના પૂતળા પેઠે ઉઠયોને બોલ્યો : “મામી!”

“કોણ?” બાઈએ ઉઠનારની સામે જોયું. ઓળખ્યો; “અરે કોણ – ભાણાભાઈ! જે ધજાળાની, બાપ! આવડા મોટા ક્યારના થઈ ગ્યાં! સાદે બદલી ગયો. ખમા તમને.”

એમ કરતી એ તો નિરાંતે ઓવારણાં લેવા ગઈ. પોલીસના નાયકની મૂંઝવણનો પાર ન રહ્યો. ધીરેથી કહી રહ્યો: “નહિ , નહિ, નહિ, બાઈ! બોન! નહિ, ભાણાભાઈ! અહીં નહિ!”

નાયક એકને બહારવટિયાણી જાણી સન્માનતો હતો ને બીજાને પોતાના જવાંમર્દ અમલદાર મહીપતરામભાઈના ભાણેજ તરીકે રમાડી ચૂક્યો હતો.

“થોડીક વાર, ભાઈ થોડીક જ વાર.” ઓરતે હસતે હસતે પિનાકીની ગરદન પર હાથ ફેરવ્યો અને નાયકને સમજાવ્યું: “આ મારો બચ્ચો છે. ઘણે વરસે જોયો.”

બોલતાં બોલતાં એની આંખો ગંભીર ને ગંભીર જ રહી પણ પિનાકીને તો ‘બચ્ચો’ શબ્દે ઓગાળી નાખ્યો. મામીના હાથનું અમી એની ગરાદાનમાં પ્રવેશીને એની રગે રગે ઊતર્યું.

મામીને પિનાકી પડખોપડખ નિહાળ્યાં. એક વખતનાં નીલરંગી રૂપને માથે દાઝ્યો પડી ગઈ હતી. ભર્યા ભર્યા જોબનમાં ઝનૂન અને જહેમતનાં હળ ખેડાયાં હતાં. મામીની કૂખ નહોતી ફાટી તે છતાંય મામી માતા થવાને યોગ્ય શોભા મેળવી ચૂક્યાં હતાં.

તમાશો વધી પડ્યો. ગામડિયાં ખડાં થઈ ગયાં. ઉજળિયાત કોમનો આ સોહામણો કુમાર કયા સગપણને દાવે બહારવટિયાણીને ‘મામી’ કહી બોલાવી રહ્યો છે? કેમ નેત્રો નિર્ઝરાવે છે? શી ખોવાયેલી વસ્તુ ગોતી રહ્યો છે એ મોંની કરચલીઓમાંથી? સમસ્યાઓ થઈ પડી.

અદાલતની અંદરથી પણ બીજા અમલદારો દોડ્યા આવ્યા. પબ્લિક પ્રોસિક્યૂટર એક મુસ્લિમ હતા. એ તો હજુ બીજા પોલીસ-અમલદારો જોડે ચર્ચા જ કરી રહ્યા હતાં કે આ ઓરતને જો ફાંસીની ટીપ જડે, તો પછી એને વટલેલી મુસલમાનણ તરીકે દફનાવવાની કે હિન્દુ વાણિયાની ‘રાંડ’ તરીકે દેન પાડવાની?

ત્યાં તો એમણે પરસાળમાં ઉત્પાત સાંભળ્યો ને ત્યાં જઈ દૂરથી નાયક પ્રત્યે હાકલ મારી: “ઓ બેવકૂફ! ક્યાં કર રહે હો તુમ?”

“એમાં તાપી જવા જેવું શું છે, મારા વીરા!” બહારવટિયાણીએ પ્રોસિક્યૂટરને કહ્યું.

“નાયક,” મુસલમાન પ્રોસિક્યૂટરે બાઈને આપવાનો જવાબ નાયક મારફત આપ્યો: “તહોમતદારણને આરોપીના પાંજરામાં ખડી કરો. – ‘વીરા’ કોને કહે છે એ?”

“ત્યારે?” બહારવટિયાણી પાછી ફરી. ઇનો દીદાર બદલી ગયો. ઉચ્ચારમાંય આગ ઉઠી: “ત્યારે શું તને મારો ધણી કહીને બોલાવું, હેં મિંયા? આમ તો જો મારી સામે! એક મીટ તો માંડ! બોલ તો ખરો : કયું સગપણ ગમે છે તને? હેં સગી બેનને પરણવાવાળા!”

ઓરતનો અવાજ સરખી ફૂંકે ફૂંકાતા દેવતાની જેમ ઊંચો થયો. એણે આગળ ડગલાં માંડ્યાં. પ્રોસિક્યૂટર જાણે કોઈ સાંકડી ગલીમાં સપડાઈ ગયા. એણે ચોગમ નજર કરી. એ નજરમાં મદદની યાચના હતી.

આખલા જેવા, સાહેબ લોકોના બુલ-ડૉગ જેવા ને વૈતરાં ખેંચનારા ઘાણીના બેલ જેવા ફોજદારો દૂર ઊભા હતાં, તે ડગલું ભરી ન શક્યા. પણ ગામડેથી પુરાવા આપવા માટે એકઠી કરેલી ડોશીઓ અને દીકરીઓ બધી ધસી આવી વચ્ચોવચ્ચ ઊભી રહી. પોતાનાં ફાટેલાં ઓઢણાંનાં ખોળા પાથરતી પાથરતી એ બહારવટિયાણીને વીનવી રહી: “આઈ! માડી! આ રૂપ સમાવો. અબુધોના બોલ્યાંના ઓરતા શા? તમે તો સમરથ છો માતાજી!”

બહાવટિયાણીનો ક્રોધ ઉતાર્યો ને હાંસી ચડી. આ ગામડિયાણીઓ શું કલ્પે છે? મને કોઈ સતી કે કોઈ દેવી સમજે છે? મને ત્રીસ વર્ષની જુવાનને એ બૂઢીઓ ખોળા પાથરી ‘આઈ-આઈ’ કરે છે! શું સાચેસાચ હું પૂજવા જેવી છું?

આ વિમાસણે એના મોં પર ગંભીરતાની લાગણી ઢોળી. એના મનમાં કોઈ ન સમજાય તેવી જવાબદારીનો ભય ભરાયો.

પોલીસનો નાયક આવી પગે લાગ્યો. ઓરત પાળેલા સાવજની પેઠે આરોપીને પાંજરે પ્રવેશી. આધેડ ઉમરના પોલીસ-પ્રોસિક્યૂટર તો આ દરમિયાન ક્યારના પોતાની બેઠક સુધી પહોંચી ગયા હતાં. કોઇક એને ધકેલી લઈ ગયું હતું.

મૂછોની અણીઓને વળ ચડાવતાં એણે તીરછી નજરે આરોપીના પાંજરા તરફ નીરખ્યા કર્યું. આંખો જોડે આંખો મેળવવાની મગદૂર નહોતી.

“તમે સમજ્યા ને, ખાનસાહેબ?“ એક નાગર વકીલે એની પાસે આવીને હથેળીમાં તમાકુ સાથે ચૂનો ચોળતા ચોળતા પૂછ્યું.

“શું?” પ્રોસિક્યૂટર એ અણગમતા વાર્તાલાપમાં ઊતરવા નારાજ હતા.

“ઓલ્યું – તહોમતદારણે તમને કહ્યું ને – કે સગી બેનને પરણવાવાળા!”

“જવા દો ને યાર! બેવકૂફ વાઘરણા જેવી છે એ તો. એને કાંઇ ભાન છે?”

“ટુ લેઈટ એ ડિસ્કીશન, ખાન સાહેબ (અતિ મોડું આ ડહાપણ, ખાનસાહેબ)!” એક બાજુએ એક મુસ્લિમ વકીલ બોલ્યા વિના ના રહી શક્યા.

ત્યાં તો પેલા વકીલે તમાકુ ઉપર તાળોટા દેતે દેતે કહ્યું: “એમ નહિ, ખાન સાહેબ! એ ઓરતનું બોલવું સૂચક હતું. તમારા મુસલમાન ભાઈઓમાં તો પિતરાઈ ભાઈ-બેનની વચ્ચે પણ શાદી થઈ શકે છે ને? એ રિવાજ પર તહોમતદારણનો કટાક્ષ હતો.

“તમારી મદદની જરૂર નથી મને.” ખાનસાહેબ પ્રોસિકયૂટરે પોતાની સમાજ અને અક્કલ ઉપર આ એક મોટો અત્યાચાર થતો માન્યો.

“ત્યારે તો આપ સમજી શકેલા, એમ ને?” પેલા વકીલે હજુ આ ભાઈનો પીછો ન છોડ્યો. તમાકુની ચપટી મોંમાં ચંપાઈ ગઈ હતી.

“ખસો ને યાર!” પબ્લિક પ્રોસિક્યૂટરે છણકો કર્યો : “તમારી તમાકુ અહીં આંખોમાં કાં ઉડાડો?’

ત્યાં તો જ્યુડિશિયલ ઓફિસરની અક્કડ ગૌરમૂર્તિએ પ્રવેશ કર્યો. પાંજરામાં ઊભેલી કદાવર ઓરતે પોતાના માથા પરનો છેડો અરધા કપાળ જેટલો હેઠો ઉતાર્યો.

એ અદબની ક્રિયા તરફ ન્યાયમૂર્તિની નજર ચોંટી રહી. શિરસ્તેદારને એણે પૂછી જોયું. એને જાણ પડી કે બદમાસ ટોળીની જે આગેવાન બાઈ, તે જ આ ઓરત પોતે.

આ ગોરા ન્યાયાધિકારીને હિન્દી સ્ત્રીઓ પર પુસ્તકો લખવાં હતાં. સોરઠની લડાયક કોમો, ભેંસો અને ઘોડીઓ પરનું લોકસાહિત્ય એ તારવી રહ્યો હતો. એ તારવણી અહીં જીવતી થઈ. લૂંટારુ ટોળીની સરદાર ઓરતમાં એણે અદબ દીઠી. એ અદબમાં ભયભીતતા નહોતી, નહોતાં કર્યાં–કારવ્યાં કામોનો કોઈ અનુતાપ, નહોતી કોઈ અણછાજતા આચરણની શરમ, નહોતો આ અદાલતની સત્તાનો સ્વીકાર. હૈયાના અંતરતમ ઝરણ-તીરે નારીનું પ્રકૃતિ-પંખી શરમની પાંખો હલાવતું ઊભું હોય છે, તે જ પાંખોનો આ સંચાર હતો.

‘હું એને મારી એક વાર્તાની નાયિકા બનાવીશ!’ ન્યાયાધીકારીની આ ધૂને એને તહોમતદાર પ્રત્યે પહેલેથી જ કોમળ કરી મૂક્યો.

‘ને હું એને મારી મર્દાઈની એક હાજરાહજૂર ભાવના બનાવી’ એવાં સ્વપનો સેવતો પિનાકી પાછલી બેઠકોમાં બેઠો હતો. નિશાળને ખાલી કરી છોકરાની ટોળી પછી ટોળી ત્યાં દાખલ થઈ ગઈ હતી. માસ્તરોના માંડલા ઇતિહાસ-પાઠોને સાટે અહીં એ છોકરાઓ પોતાની જનેતા ધરતીના પોપડા નીરખતા હતા. થોડી વાર થઈ ત્યારે બે શિક્ષકો પણ ચૂપચાપ એ લોક ગિરદીની અંદર પેસી જઈ કોઈ ન કળી જાય તેવી સિફતથી નીચા વળી બેસી ગયા.

કામકાજ શરૂ થયું. પહેલી જુબાની આપવા દાનસિંહ ફોજદાર ઊભા થયા. એના માથાના ખાખી ફટાકાનું લાંબું છોગું આથમણા પવનની લહેરખીઓ જોડે ગેલ કરી રહ્યું હતું. એની મૂછો અને રાણા પ્રતાપની મૂછો મળતી આવતી હતી. એ પોતે સિસોદિયાના વંશજ કહેવાતા હતા. એના અદાવતીયા રાજપૂતો નકામી વાતો હાંકતા કે દાનસંગ તો ખવાસનો છોરો છે.

જુબાની લેતે લેતે પબ્લિક પ્રોસિક્યૂટરે પોરો ખાધો. એટલે આરોપી ઓરતનો સાદ સંભળાયો: “દાનસંગ દરબાર!”

ફોજદારની સાથે આખી મેદનીની આંખો એ ઓરત પર મંડાઈ.

“મને ઓળખો છો કે દરબાર?” બાઈ મોં મલકાવતી પૂછવા લાગી.

“ઓળખું છું. તું લૂંટનો માલ સંઘરતી.”

“એ નહિ, બીજી એક ઓળખાણ છે આપણી યાદ આવે છે? જીંથરકીના નેરામાં આપણે મળ્યાં’તાં : યાદ છે?”

દાનસિંહનું મોં રાતું પીળું થઈ ગયું. એણે ન્યાયમૂર્તિને અરજ કરી: “નામદાર, હું આપનું રક્ષણ માંગુ છું.”

પોલીસ-પ્રોસિક્યૂટરે વિનંતિ કરી : “આ ઓરતને બકબક કરતી રોકો, નામદાર.”

“હું બકબક નથી કરતી. ન્યાયના હાકેમ! હું આ દાનસંગજી બહાદરને એમ પૂછવા માંગું છું કે દોલુભા નામના કોઈકા બહારવટિયા જુવાનને એમને ભેટો થયેલો કે નહિ?”

“દોલુભા...” દાનસિંહજીએ પ્રયત્ન કરીને વાક્ય ગોઠવું: “દોલુભા નામનો શખસ આ ટોળીમાંથી ગુમ થયો છે, નામદાર! એના વાવડ કરાંચી તરફના સંભળાયા છે.”

“ભૂલી જાવ છો, દાનસંગજી બહાદુર! કરાંચી તરફ તો જૂના કાળમાં કાદુ વગેરે મકરાણીઓ ભાગતા’તા, કેમકે એ મકરાણીઓ હતા. એની ભોમકા આંઇ નો’તી. એ હતા પરદેશીઓ. એને આ ભૂમિની માટી ભાવે નહિ. પણ અમે તો સોરઠમાં જલમ્યાં, સોરઠને ધાવી મોટાં થયાં, સોરઠને ખોળે જ સૂવાનાં. એટલે, દાનસંગ બહાદુર, દોલુભા આ દેશનાં મસાણ મેલીને પારકી ભોમમાં મરવા ન જાય. દોલુભા નથી ભાગી ગયો. જીંથરકીને વોંકળે તમે ને એ મળ્યા'તા, સંધ્યાટાણે તમને એણે પરોણો મારી ઘોડીએથી પછાડ્યા'તા, તમારો તલવાર-પટોને ને બંદૂક ત્યાં વેરાઈ ગિયા'તાં ને તમે બહુ રગરગ્યા, કે દોલુભા, મારા છોકરાં રઝળશે ને મને કોઈ ટોયોય નહિ રાખે. ત્યાર પછી દોલુભાએ તમારાં હથિયાર પાછાં દઈ તમને વિદાય દીધેલી. એ વાત તમારી કોઇ ડાયરીમાં તમે સરકારને જણાવી છે, દાનસંગજી બહાદર? આ ઊભો એ-નો એ જ દોલુભા."

એમ કહીને બહારવટિયાણીએ પોતાની છાતી પર હાથ થાબડ્યો.

"બટ સર, બટ સર," એમ બોલતા પબ્લિક પ્રોસિક્યૂટર તહોમતદારણની ધર ધર વહેતી વાગ્ધારાને રૂંધવા ફોગટ મથતા રહ્યા. ન્યાયમૂર્તિએ એના સામે મોં મલકાવી હાથની ઇશારતથી બેસી જવા કયું. ઓરતના એકએક બોલને, મોરલો દાણા ચણી લે તેવી મીઠાશથી ન્યાયાધિકારીએ ઝીલી લીધો. ને એ હસ્યા એટલે આખી મેદનીનું હાસ્ય કોઇ દડતા ઘૂઘરાને પેઠે ઝણઝણી ઊઠ્યું.

બાઇના વચનોએ નવી અસર પાડી. એક પછી એક સાહેદ ઊભું થઈ થઈ બોલી ગયું કે દોલુભા નામના બહારવટિયાએ તો દરેક ડાકાયટી વખતે ગામની સ્ત્રીઓની રક્ષા કરી છે, છોકરાંને રોતાં રાખ્યાં છે, અને જે જે ડાકાયટીમાં દોલુભા શામિલ થયો હતો તે દરેક કિસ્સામાં લૂંટાયેલા ખોરડાંની કોઈક ને કોઈક વિધવા પિત્રાઇઓને હાથે અન્યાય પામતી હતી. ને દોલુભા બહારવટિયો એ નિરાધાર વિધવાનો ધર્મભાઈ બની ત્રાટકતો. સિતમગર સગાંઓને લૂંટીને પાછો દોલુભા બહારવટિયો તો આવી ધર્મબહેનોને આપતો.

હાજર થયેલી ગ્રામ્ય સ્ત્રીઓમાંથી જેણે જેણે દોલુભાને દીઠો હતો, તેણે એ ઝાંખા રાત્રી-તેજમાં દીઠેલી સૂરત આ ઓરતના ચહેરામાં દેખી. 'આ પંડે જ દોલુભા?' એવા ઉદ્ગારો કાઢતા બૂઢી બાઈઓનાં ડાચા ફાટી રહ્યાં. પુત્રવતીઓ હતી તેમાંથી કેટલીકે હેતની ઘેલછામાં ધાવણાં છોકરાને કહ્યું: "આ આપણા દોલુભા મામા!"

કોઈ કોઈએ દૂરથી બાઇના ઓવારણાં લીધાં.

'મરદનો લેબાસ પણ શો ઓપતો'તો આને!' કેટલીક સ્ત્રીઓના પ્રાણ બોલી ઊઠ્યા.

ન્યાયાધિકારી અંગ્રેજને એ વીસમી સદીનો યુગ હોવા – ન હોવા વિષે જ સંભ્રમ થયો. નવી સદીના ઝગમગતા પ્રભાતમાં સોરઠ આ ગેબી બનાવોનું ધામ હતું, એમાં કોણ માનશે? એના અંતરમાં તો મધ્યયુગની એક રોમાંચક કથા ગૂંથાતી હતી.

રોજ રોજ લોક-ભીડ વધતી ચાલી. પબ્લિક પ્રોસિક્યૂટરની તપાસ-ઊલટતપાસ ઊંઘી જ ગમ પોતાનું જોર પૂરાવા લાગી. ફોજદારો જે બાજી ગોઠવી લાવ્યા હતા તે તો બગડી ગઈ.

ત્રીજે કે ચોથે દિવસે અદાલતમાં ઠઠ જામી હતી. તહોમતદારણના પ્રત્યેક સવાલમાં સાક્ષીઓ થોથરાતા હતા. અમલદારોએ હરએક હંગામ વખતે ડાકટાઈવાળા ગામે જઈ ખુદ લૂંટાનાર વર્ગને જ કેવા ખંખેર્યા હતા તે વાતો ફૂટવા લાગી. બાઈ પૂછતી:

“ત્રિભોવના ફોજદાર, તે તમે રોકડી ગામ ભાંગ્યા પછી કેટલી વારે પોગ્યા? દૂધપાક માટે દૂધ મંગાવ્યું’તું કે નહિ? અમારા ભરવાડ અને ટપુડી રબારણના ભર્યાં બોધરાં ઉપાડયા’તા કે નહિ? દૂધપાક કરવા ગોમટી ગામના કંદોઈને તેડાવ્યો’તો કે નહિ? ને છેલ્લે મકનજી શેઠ પાસેથી દક્ષિણા કેટલી કોથળીની લીધી’તી? વળી બહાવાટિયાએ સામેથી કહેણ મોકલેલું કે, સરોદડની કાંટ્યમાં અમે તમારી વાટ જોઈએ છીએ, છતાં તમે નો’તા ચડ્યા એ ખરું કે નહિ?

જવાબમાં ફોજદાર મૂંગા મારી રહ્યા. ઇનકાર કરવાથી ભવાડો વધવાની દહેશત હતી કેમ કે એક-બે વાર ન્યાયાધિકારીએ ઇચ્છા બતાવી હતી કે આ ડાકાયટીઓનાં ‘ફ્યૂનરલ ફીસ્ટસ’ (કારજો) વધુ સમજી લેવાની પોતાને પોતાના પુસ્તક-લેખનમાં જરૂર છે; માટે બોલાવીએ તે શખશોને, જેઓનાં આ ઓરત નામ આપે છે.

તડાકાબંધ મુકદ્દમો ચાલે છે. તહોમતદારણ આ ત્રાસકથાઓનાં ઝડપી ચિત્રો દોરી રહી છે. ગોરાસાહેબના મોં પરથી મારક મારક કરતો મલકાટ ઊતરતો જ નથી. બાઈના વાણીવેગે બાઈને એટલી તો ઉત્તેજીત કરી મૂકી છે કે માથા પરથી ચેક ખભે ઢળેલા ઓઢણાંનું પણ એને ભાન નથી. તેવામાં ઓચિંતી એની નજર સામા ખૂણા પર પડી. એણે એક પુરુષ ને જોયો, ઓળખ્યો અને એકાએક એ બોલતી અટકી ગઈ.

એણે ઓઢણું સરખું ઓઢયું. એટાલું જ નહિ પણ એક બાજુ લાંબો ઘૂમટો ખેંચી લીધો. એના બોલ પણ ધીમા અવાજની લાજ પાછળ ઢંકાયા. એની આંખો ન્યાયાધિકારી તરફ હતી, આંખોના પોપચાં નમ્યાં હતાં. કોઈ એવા માણસની ત્યાં હાજરી હતી, જેણે આ નફટ બહારવટિયાણીને નાની, શરમાળ વિષાદભરી વહુ બનાવી નાખી.

હેરત પામેલા અધિકારીએ બાઈની સામે ટગર ટગર તાક્યા કર્યું. બાઈને લાગ્યું કે સાહેબ જાણવા માગે છે.

“સા’બ” એણે કહ્યું: ”મારા ભાણાભાઈના દાદા ત્યાં બેઠેલા છે. એ અમારે પૂજવા ઠેકાણું છે. અમ કારણે તો એના બૂરા હાલ બન્યા છે. મને બધીય ખબર છે, સા’બ!” એમ કહેતી કંઠવાણી જાણે કોઈ ભેજમાં ભીંજાઈ ગઈ.

લોકોએ પેલા ખૂણામાં જોયું. એક બૂઢો માનવી બેઠો છે. એની આંખો ખીલના જોરે લાલાશ પકડી ગઈ છે. કપડાં એનાં સહેજ મેલાં છે. ગાલ એના લબડેલા છે. દાઢીની હડપચી હેઠળ ચામડી ઝૂલે છે. એની નજર ભોંય તરફ છે.

ઘણાંએ એમને પિછાન્યા. રાવસાહેબ મહીપતરામનો જાણે એ એક કરૂણ અવશેષ હતો. એના રાઠોડી હાથની કેવળ આંગળીઓ જ જાણે હજુ બંદૂકોનાં બેનપણાં ભૂલી ન હોય તેવી જણાતી હતી.

શિરસ્તેદારે સાહેબને ટૂંકમાં સમજાવ્યું કે એ આદમી કોણ છે ને એની શી ગતિ થઈ છે.

મહીપતરામે પાંચેક મિનિટ જવા દીધી. એણે જોયું કે એની હાજરીએ વધુ પડતું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં વધુ નાજુક અવસ્થા એણે બહારવટિયાણીની દીઠી. એ ધીરે રહીને ઊભા થયા. ધીરાં ડગલાં દેતા એ બહાર નીકળી ગયા.

અદાલતમાં ગણગણાટ ઊઠ્યો હતો. શબ્દો પકડાતા હતા : ઝેર – બહારવટિયાને – બહાદુર – ન સહી શક્યો - ઘેર બેઠો – નામર્દ નથી – કાઠી દરબારને એકલો હાથકડી પહેરાવીને લાવ્યો હતો – વગેરે વગેરે.