લખાણ પર જાઓ

સોરઠ, તારાં વહેતાં પાણી/૩૪. કોઈ મેળનો નહિ

વિકિસ્રોતમાંથી
← ૩૩. અમલદારની પત્ની સોરઠ, તારાં વહેતાં પાણી
૩૪. કોઈ મેળનો નહિ
ઝવેરચંદ મેઘાણી
૩૫. પ્રેરણામૂર્તિ →


34. કોઈ મેળનો નહિ


તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફીસ ભરી. એમને પૂછવામાં આવ્યું :

"બહારવટિયાના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા?"

મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો.

"ડર ગયા?"

"નહિ સા'બ!" મહીપતરામે સીનો બતાવ્યો.

"નહિ સા'બ!" સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. "બમન ડર ગયા."

"કભી નહિ!" મહીપતરામે શાંતિથી સંભળાવ્યું.

"બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે?"

"સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે."

"સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા'તા?"

"નહિ સા'બ."

"સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી?"

મહીપતરામે મૌન સાચવ્યું.

"અચ્છા!" સાહેબ પગ પછાડ્યા. "બૂઢા હો ગયા. તૂમકો સરકાર નોકરીસે કમી કરતી હે."

મહીપતરામે સલામ ભરી રુખસદ લીધી.

મહીપતરામ તૂટી ગયા, એ સમચાર સોરઠમાં પવન પલાણીને પહોંચી ગયા. મહીપતરામને યાદ આવ્યું કે આજ સુધી અનેક નાનાં રજવાડાઓએ પોતાના પોલીસ-ઉપરી તરીકે એની માગણી કરી હતી પણ એણે જ ના પાડ્યા કરી હતી. એજન્સીએ પણ હંગામી સમયમાં એક બાહોશ આદમીને ખોવાની નારાજી બતાવી હતી. અત્યારે મહીપતરામની નજર એ રજવાડાં પર પડી. એણે કાગળો લખ્યા. જવાબમાં અમુક દરબારોએ કહેવરાવ્યું કે એજન્સીનો સંદેહપાત્ર પોલીસ-ઉપરી અમે રાખીએ તેમાં અમને જોખમ છે, બીજા કેટલાકે જવાબ ન મોકલ્યા. એક ફક્ત સુરેન્દ્રદેવજીનું કહેણ આવ્યું: "મારે ત્યાં રહો. વાટકીનું શિરામણ છે, પણ રોટલો આપી શકીશ."

મહીપતરામે સામે કહેવરાવ્યું: "આપને સરકાર ખરાબ કરતાં વાર નહિ લગાડે."

"સરકારડી બાપડી કરી કરીને શું કરશે?" સુરેન્દ્રદેવે મહીપતરામને રાજકોટમાં રૂબરૂ તેડાવી કહ્યું.

"નહિ નહિ, દરબાર સાહેબ, હું જાણી જોઈને આપત્તિનું કારણ નહિ બનું."

રાજકોટના મોરબી સ્ટેશનની બાજુએ ખોરડું ભાડે રાખીને મહીપતરામ પોતાનાં ઢોરઢાંખરા લઈ રહેવા લાગ્યા. પિનાકીને ભણાવવાના લોભથી રાજકોટ છોડી ના શકાયું. હાથમાં એ-નો એ દંડો રાખતા અને ધોતિયા પર ખાખી લાંબો ડગલો તેમજ ખાખી સાફો પહેરીને એ ગામમાં ફરવા લાગ્યા. થોડા દિવસ તો એમને કેટલીક બેઠકમાં ને ઑફિસોમાં સત્કાર મળ્યો. પણ નોકરીથી – તેમાંય પોલીસની નોકરીથી - પરવારી જનાર ભાગ્યે જ કોઈ બેઠકમાં પોતાનો સૂર મિલાવી શકે છે. એની પાસે વાર્તાલાપનો પ્રદેશ એકનો એક જ હોય છે. એ વાતોમાંથી કોથળીમાંથી ઝંડુરિયો, કાસૂડો, ખોટા રૂપિયા પાડનારો દસ્તગીર, પેધો અને લધો મીયાણો, ઝીણકી વાઘરણ અને મિયાં મેરાણી વગેરે પાત્રોના ખજાના ઝટ ઝટ ખૂટી ગયા. પોતે જંગલમાં બે-પાંચ વખત શિકાર કર્યા હતા તેની રોમાંચક વાતો પણ ચુસાઈ ચુસાઈને છોતાં જેવી થઈ ગઈ. કંટાળેલા વકીલો, શિક્ષકો અને કામદારો મહીપતરામભાઈને આવવાનો વખત થાય એટલે બહાર જવા લાગ્યા.

કોઈ કોઈ વેપારી દોસ્તોની દુકાને બેસી બેસી મહીપતરામે અનાજ, પથ્થર, કપાસ વગેરેના વેપારમાં નજર ખૂંચાડવા પ્રયત્ન કર્યો પણ થોડા જ દિવસોમાં એને ખાતરી થઈ કે શકદારો, ગુનેગારો વગેરેનાં ઝીણાંમાં ઝીણાં ચહેરાનિશાનોને વીસ વીસ વર્ષો સુધી ના ભૂલી જનારી પોતાની યાદદાસ્ત ઘઉંના ગઈકાલના ભાવોને પણ સંઘરવા તૈયાર નહોતી. ભદ્રાસરની ડાકાયટી કરાવનાર રાણકી કોળણને ડાબે ગાળે તલ હતો તેની સંભારણ રોજ તાજી રાખવી સહેલી હતી; પણ ખાવામાં તલની કઈ વાનગી કાલે આવી હતી તે સંભારી રાખવું અશક્ય હતું.

મહીપતરામે પોતાની બેકારીને વ્યાપાર-ધંધાથી પૂરવાની આશા છોડી. કોઈની અરજીઓ લખી દેવાનું કામ સૂઝયું. પણ બંદૂક-તલવારોની મહોબતે રમેલાં આંગળાએ તુમારી કામ ક્યે દહાડે કર્યું હતું! અક્ષરો ભાળીને જ માણસો દૂર ભાગ્યા.

આખરે મહીપતરામને એક બૂરી મૂંઝવણનો દિવસ આવી પહોંચ્યો. ચાર ઢોરને માટે ઘાસના ભરોટિયા લેવાના પૈસા નથી રહ્યા. ઘોડીની ઓંગઠનું પણ તરણું નથી રહ્યું. પત્ની રસોડામાં બેઠી બેઠી રડે છે. ઢોરને પાણી પાવા લઈ જનાર નોકર પણ સૂનમૂન બેઠો છે. વિક્રમપૂરથી પિનાકીની સ્કોલરશીપનો મનીઓર્ડર આવ્યો હતો તે પણ ઘાસની મોંઘી મોંઘી ભારીઓ લેવામાં ખરચાઈ ગયેલ છે. મહીપતરામને એ વાતનું ભાન નહોતું.

ઘરમાં દાખલા થતાં જ પહેલું કામ પોતે પશુઓ પાસે જવાનું કરતા. તે દિવસ જઈને ચારેને કપાળે – બરડે હાથ ફેરવ્યો. ઢોરનાં નેત્રોમાં કરૂણતા નિહાળી. પશુઓએ ઘાંઘાં થયાં હોય એમ ફરકડા નાખી હાથ ચાટ્યા. મહીપતરામે હાક મારી: “એલા, આ ચારેય ખાલી ખાલી કેમ છે? આઠમનો ઉપવાસ તો નથી કરાવ્યો ને! ક્યાં ગઈ ધરમની મૂર્તિ?”

કોઈએ જવાબ ના આપ્યો. મહીપતરામ ઘાસની ઓરડીમાં જાતે ગયા. ત્યાં કશું ન હતું. પોતે બૂમ પાડી: “ઘાસ ક્યાં ભર્યું છે?”

જવાબ ન મળ્યો. પોતે અંદર ગયા. પત્નીને રડતી જોઈને પૂછ્યું: “ઘાસ ક્યાં?”

પત્નીએ આજે પહેલી જ વાર જમણા હાથની આંગળી ઊંચે આસમાન તરફ ચિંધાડી.

પશુઓ ઘરની આજ સુધીની આંતરદશા ઉપર એક ઢાંકણ જેવા હતા. પશુઓની બૂમા નહોતી ઉઠી ત્યાં સુધી મહીપતરામને ભાન પણ નહોતું રહ્યું કે રોજ પોતાની થાળીમાં કયું અન્ન પિરસાય છે કે પોતાનાં કપડાં કેટલે ઠેકાણે જર્જરિત છે. દૂધનો વાટકો બંધ થઈને છાશ ક્યારથી પોતાને પીરસાવા લાગેલી તેનીય એને ગમ નહોતી. ઘરની સજાવટ પણ એણે આજે જ સભાન નિહાળી. ફાટેલાં ગાદલાં રૂના ગાભા બતાવી બતાવી જાણે ડામકીયાં પરથી એની સામે ઠઠા કરતાં હતાં. ભાંગેલી ખુરશી, ઘરની કોઈ ચિરરોગી પુત્રી જેવી, ખૂણામાં ઊભી હતી.

વધુ વિગતોને નીરખી જોવાની હાલત ન રહી. મહીપતરામે ફેંટો ને ડગલો ઉતાર્યા. ચારે ઢોરને છોડી પોતે બહાર હાંકી ગયા; અવાડે પાણી પાયું, ને પછી નજીકમાં ચરિયાણ જગ્યા હતી ત્યાં જઇ ગાય ભેંસને મોકળાં મૂક્યાં. ઘોડીની સરકનો છેડો પકડી રાખી એને ચરતી છોડી.

ચરતાં ચાર પશુઓનો આનંદ દેખી મહીપતરામનું પિતૃહૃદય કેટલું પ્રસન્ન થયું! પશુઓ ચારતાં ચારતાં એને નાનપણમાં પગ તળે ખૂંદેલા ઇડરિયા ડુંગરા યાદ આવ્યા. શામળજીના મેળાની સ્મૃતિઓ જાગી. ઢોરાં ચારીને લાંબા બાળ રંડાપા વેઠતી પોતાની ન્યાતની ત્રિવેણી, જડાવ અને ગોરની છોકરી ગંગા સાંભરી. ગંગાની વેરે પહેલાં પોતાનો સંબંધ થવાનો હતો તે યાદ આવ્યું.

‘ના, ના, હવે તો યાદ કરીને પાપમાં ના પડવું. મારી ડોસલી બાપડી દુભાશે ક્યાંક!’ એમ વિચારીને પોતે ઇડરના સ્મરણો પર પરદો નાખ્યો.

પછી છેવટે એને લખમણ બહારવટિયો યાદ આવ્યો. લખમણ પણ ગાયોને ચારનારો જ હતો ને! ગાયોની જોડે પ્રાણ પરોવનાર લખમણ મારા અત્યારના સુખ કરતાં કેટલા મોટા સુખનો સ્વાદ લેનારો હતો! ગૌચર ખાતર ખૂન કરનારાનું દિલા કેટલું ખદખદ્યુ હોવું જોઈએ!

બે-ત્રણ કલાક ચારીને પોતે પાછા ફરતા હતા ત્યારે ઘરને આંગણે ટપાલી દીઠો.

“આપનું રજીસ્ટર છે, સાહેબ!” ટપાલી હજુ પણ મહીપતરામને ‘સાહેબ’ શબ્દે સંબોધતો હતો.

“ભાણા!” પોતે હાક મારી: “ આ તો કશોક અંગ્રેજી કાગળ છે. ને અંદર સો રૂપિયાની નોટો છે. કોનું છે આ? આ નીચે સહી તો પરિચિત લાગે છે. કોની – અરે – માળું જો ને... હૈયે છે પણ હોઠે નથી. કોની...”

“આ તો બાપુજી, સાહેબ બહાદૂરનો કાગળ છે.”

“હાં, હાં, સાહેબ બહાદૂરની જ આ સહી. જોને, ઇનો અક્ષરોની મરોડ તો જોઈ લે! વાહ! કેવી ફાંકડી સહી. શું લખે છે? “ મહીપતરામનો હર્ષ મેઘને જોનાર મોર માફક ઉછળવા લાગ્યો. પિનાકી વાંચવા લાગ્યો. લખે છે કે :

મારા વહાલા મહીપતરામ,

મેં ઊડતી વાતો જાણી કે તમને બરતરફા કર્યા છે. તમારી કાંઇ કસૂર થાય એ હું માની શકતો જ નથી. નામર્દાઈ તો તમે કરો જ નહિ! કશીક ગેરસમજ લાગે છે. હું તો લાચાર છું, કે નવા સાહેબોને પિછાનતો નથી. નવો જમાનો નાજુક છે. દુઃખી ના થશો, આ સ્મરણચિહ્ન સ્વીકારજો. જ્યારે જ્યારે મારા તરફથી કાંઇ મળે ત્યારે ઇનકાર ન કરશો ને ભાણાને બરાબર ભણાવજો.

કાગળ સાંભળીને મહીપતરામનું હાસ્ય પાગલ બન્યું. હસતાં હસતાં એ ગદગદિત બન્યા: “ગોરો, આંહીથી બદલી થઈને ચાલ્યો ગયેલ ગોરો સાહેબ મારી આટલી હદે ખબર લે છે! વાહ સાહેબ તારી ખાનદાની! કેટલી રખાવટ!”

“પણ બાપુજી, હજુ ‘તા.ક.‘ કરીને એણે લખ્યું છે.”

“શું છે?”

“કે-“

તમારા બાપનો જોષ સાચો પડતો જણાય છે. મને થોડાં વખતમાં જ મુંબઈના કમિશ્નરનો હોદ્દો મળશે. તમારા પિતા મહાન જ્યોતિષી હોવા જોઈએ.

એ સાંભળીને તો મહીપતરામનું હસવું પાંસળીઓને ભેદવા લાગ્યું.

“એ શું? હેં બાપુજી?“ પિનાકીએ પૂછ્યું.

“બાપડાને મેં એક વાર બનાવ્યો’તો. જ્યોતિષ-ફોતિષ તે મારો ક્યો ડોસો જાણતો’તો! મેં તો મારી ગપ, ને પડી ગયું સાચું.”

ઘરમાં જઈ એણે પત્નીને બોલાવી કહ્યું: “આમ તો જો જૂના જમાનાના સાહેબ લોકોની મહોબ્બત! ક્યાં એ પડ્યા છે! ક્યાં હું! પણ ભૂલ્યા મને? ને હવે? જો તું એક કામ કર. સરસ મજાનાં સેવ, પાપડ અને વડી કર. આપણે સાહેબ બહાદુરને મોકલશું. એને બહુ ભાવતા : યાદ છે ને?”

“ભેળું મારું અથાણું યે મોકલીશ : રૂપાળું સોના જેવું ધરમક અથાણું!”

“તું બધું એકલે હાથે કરી શકીશ?”

“ત્યારે? હવે સિપાઈઓની વહુને ક્યાંથી લાવીએ?”

“હવે તો ભાણાની વહુ આવે ત્યારે કરાવવા લાગે, ખરું ને?” મોટાબાપુજીએ આજે પહેલી વાર ભાણેજની હાંસી કરી. પિનાકી ચમકી ગયો. કોઈ અણસમાતા આનંદને કોઇક જ પ્રસંગે બાપુજી આટલા આછકલા બનતા. છતાં આવી હાંસીનો તો આ પ્રથમ જ ઉચ્ચાર હતો.

પિનાકી ત્યાંથી ખસી ગયો પણ હૈયાની આંબા-ડાળે ઝૂલતું કોઈક ચાવળું કાબર પક્ષી ન રહી શક્યું. ‘ભાણાની વહુ આવશે!’ એવા ચાંદુડિયાં એના હૃદયમાંથી એ પાડવા લાગ્યું.