સોરઠ, તારાં વહેતાં પાણી/૧૯. મારી રાણક!

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ૧૮. રૂખડની વિધવા સોરઠ, તારાં વહેતાં પાણી
૧૯. મારી રાણક!
ઝવેરચંદ મેઘાણી
૨૦. ઝુલેખાને જોઈ આવ્યો →


19. મારી રાણક!


સ્ટેશન જંકશન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારાયેલા સફેદી - સોનેરી ડબા સામે બરકંદાજો ગોઠવાઈ ગયા.

સામા પ્લેટફોર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી-ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઊતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સુરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણીછાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે વખતે નવા જમાનાની રસિકતામાં તેમજ રીતરસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો.

આ સફેદ બાસ્તા જેવાં ને ગળીની આસમાની ઝાંય પાડતાં વસ્ત્રો એક પ્રકારની મીઠી સુગંધ વર્તાવીને સામા પ્લેટફોર્મ પર ચાલ્યાં ગયાં. તે પછી નવું દૃશ્ય નજરે પડ્યું. ડબાનાં બારણાં સામે લાલ મધરાસીના ઘૂંઘટવાળા ને સફેદ જગન્નાથીની દીવાલવાળા ડેરા ગોઠવાઈ ગયા. તેમાં કોઈકને પૂરવાનો કશોક મામલો મચી રહ્યો. ડેરા પણ બારણાંને ઢાંકવા માટે પૂરા ન પડતા હોય તે રીતે બીજા પણ પડદા બારણાંની બેઉ બાજુ પાડી દેવામાં આવ્યા. પાંચ - સાત માણસો આ ડેરાને ઘરી આકુલવ્યાકુલ દશા દાખવતા હતા, ત્યારે ચાર-છ ઘેરદાર ઘાઘરાવાળી બાઈઓ એ ડેરાની ફડક ઊંચી કરતી, ડેરો પકડી ઊભેલાઓને ટપારતી, ઠપકો દેતી, સૂચના આપતી, ડબામાંથી કોઈક રહસ્યાભર્યું, કોઈ ભેદી ને નિગૂઢ કશુંક, ડેરાના પડદા વચ્ચેથી ઉતારતી હતી.

આવા દેખાવો અગાઉ કદી ન જોયા હોવાથી પિનાકીને આ દેખીને કોઇ મોટું માછલું પકડનારા માછીમારો અથવા કોઇ એકાદ ભાગેડુ કે હિંસક પશુને ફાંસલામાં આણવા ઉશ્કેરાટભર્યા મથનાર શિકારીઓ સાંભરતા હતા.

આખરે ડેરાની અંદર કશુંક સહીસલામત ઊતર્યું લાગ્યું, ને ડેરો ગતિમાં મૂકાયો. છ-આઠ સ્ત્રી-પુરુષોએ પકડેલા એના પડદા ઘટ્ટ હોવાથી અંદર ફકત ઊચાં-નીચાં થ્તાં એક-બે માથાં હોવાનું અનુમાન થઈ શકતું હતું. એવા તો ત્રણ-ચાર ડેરા જુદા જુદા ડબાઓમાંથી નીકળી પડયા, ને સહુ મળી પેલા શણગારેલા ડબાઓ પાસે પહોંચ્યા. ફરીથી પાછી ડબાના દરવાજા ઉપર ડેરાઓ ખાલી કરવાની ગડમથલ મંડાઈ, અને બે આગગાડીઓનાં ઉતારુઓની ત્યાં મળેલી ઠઠ વચ્ચે પણ ડેરામાંથી નીકળીને કોઈક માનવીઓ ડબામાં વણદેખાયાં પ્રવેશ કરી ગયાં. તેનો વિજય-ગર્વ પેલી આઠ-દસ ઘેરદાર પોશાકવાળી વડારણોના ચહેરા પર વિસ્તરી ગયો.

આંટીદાર પાઘડીઓ, પાનીઢક ઝૂલતી કમર-પછેડી અને ચપોચપ ચોંટેલી સુરવાળોનો ત્યાં સુમાર ન રહ્યો, તમાશો મચી ગયો. ને એ ઘાટી તેમજ આછી દાઢીવાળા, દાઢી વચ્ચે કાપવાળા તેમ જ કાપ વગરના, કાતરાવાળા તેમજ થોભિયાં રાખનારા, બાલાબંધી તેમજ છ-બગલાં કેડિયાવાળા, ફાસરાવાળી તેમજ ફાસરા વગરની બાંયોવાળા, કાંડે ચપોચપ કરચલીઓ પાડેલી બાંયોવાળા તેમજ ચાર કાંડા એક સાથે નાખી શકાય તેટલી પહોળી બાંયોવાળા, બૂટ, સ્લિપર અને બીલખા બાજુનાં હળવા ઓખાઈ પગરખાં પહેનારા, તરવારવાળા તેમજ તરવારનો બોજો ન સહી શકે તેવા નાજુક સોટીએ શોભતા હાથવાળા -એ રજપૂતોની વચ્ચે એક પુરુષ સર્વનાં સન્માન પામતો ઊભો હતો. સહુ તેને બાથમાં ઘાલી મળતા ને ભલકારા દેતા હતા.

પણ એ આદમીની સ્થિતિ કેવી હતી! ઓચિંતો ધરતીકંપ થવાથી કોઈ સપાટ રેતાળ જમીનનો ટુકડો પણ અણધાર્યો ઊપસી આવ્યો હોય ને ઘાટઘૂટ વગરનો ડુંગર બની ગયો હોય, તેવી એ સ્થિતિ હતી. નવી સ્થિતિની અકળામણ એનાં મોં ઉપર દેખાતી હતી. પહાડી પ્રદેશની સ્વાભાવિક રેખાઓ ને મરોડ એમાં નહોતાં. ઓચિંતા ને ધડા વગર ઉપર ધસી આવેલા ખડકની કર્કશતા દર્શાવતો એ માનવી હતો.

પિનાકીને થતું હતું કે આ માણસને પોતે કયાંક જોયો છે, ને સારી પેઠે સમાગમ પણ એની જોડે પોતે પામ્યો છે. પણ એની યાદદાસ્ત ઉપર આ ભભકાનું ઢાંકણ વળી ગયું હતું.

બે પ્રેક્ષકો પિનાકીની નજીક ઊભા ઊભા વાતો કરતા હતા:

"નસીબ આડે પાંદડું જ હતું ને!"

"હા; નીકર એની વેરે મારૂં માગું દાનસંગે કેટલી વાર મારા જીજી કને નાખેલું - ખબર્ય છે નાં?"

આ બોલનાર માણસને અમથી અમથી પણ આંખોના ખૂણા દબાવવાની તેમજ ભવાં વાંકાં કરી કરી ઉછાળવાની ને ભાંગવાની ટેવ હતી.

"ને એમાં રૂપ પણ શું બળ્યું છે કે રાવલજી અંજાયા?"

"રૂપ નો'તું એટલે જ મારા જીજીએ મારી વેરે વેશવાળ કરવાની ના પાડી'તી ને?' એમ કહીને ફરી પાછા એ બોલનારે ભમર ભાંગ્યાં ને જ્મણી આંખનો ખૂણો દાબ્યો.

" અરે, આજ સુધી એજન્સીનાં થાણાંની પોલીસ-લેનોમાં દેદા કૂટતી ને ઘોલકિયું રમતી'તી આ બચાડી."

"હા, ને આજ તો બેસી ગઈ વિક્રમપુરને પાટઠકરાણે."

"પણ રાવલજી મોહ્યા શી રીતે?"

"પોટુગરાપો જોઈ જોઈને. પોટુગરાપમાં તો રૂપ ન હોય તોયે રૂપ દેખાય છે ને?"

"હા, ને મારો પોટુગરાપ મારા જીજીએ પડાવ્યો'તો તેમાં રૂપ આવ્યું જ નહિ! રૂપાળાં ન હોય ઈ પોટુગરાપમાં રૂપાળાં વરતાય, ને રૂપાળાં હોય ઈનાં મોં પોટુગરાપમાં વરહાં આવે, એવી કરામત કરી છે મારે દીકરે સરકારે!"

પિનાકીને થોડું થોડું ઓસાણ આવ્યું: પેલા સહુની વચ્ચે દેખાતા આદમી દાનસિંહકાકા તો નહિં? એ જ ; હા, હા, એ જ.

એટલા નિર્ણય પછી એકાએક પિનાકીના હ્રદય પર એક ધ્રાસકો પડયો. એને શરીરે જાણે શરદીનો ટાઢો વા વાયો. બે જણા જે કન્યાની વાત કરે છે તે કોણ? દેવુબા? દેવુ કોને -વિક્રમપુરના રાજ રાવલજીને વરી? દેવુબાની પેલી છબીઓ પડાવીપડાવીને શું દાનસિંહજીકાકા વિક્રમપુર મોકલતા હતા? દેવુબાની જોડે મને છેલ્લેછેલ્લે મળવા નહોતા દેતા તે શું આ કારણે?

એ પડછંદ કાયાધારીઓનો સમુહ ભેદતો ભેદતો પિનાકી પેલા ઓળખાણવાળા પુરુષની પાસે પહોંચ્યો, ને એનો હાથ ઝાલી હલાવ્યો; બોલ્યો : "દાનસંગજીકાકા! મને ઓળખ્યો?"

ઊંચા આદમીએ હાથ પાછો ખેંચી લઈને છોકરા તરફ નજર કરી; એટલું જ કહ્યું : " કેમ છે એલા? કયાં છે તારો બાપુજી? તું અહીં કયાંથી આવી ચડયો? હમણાં જતો રહે, હો; પછી - પછી -"

છોભીલો પડવા છતાં પિનાકી પૂછયા વગર ન રહી શક્યો; "દેવુબાબહેન અહીં જોડે છે?" કયાં જાઓ છો તમે? મને યાદ કરે છે..."

આ બધા સવાલોમાં હસવા જેવું કશું નહોતું, છતાં આજુબાજુના લોકોએ ઠેકડી માંડી. કોઈ એક માણસે એના હાથ ઝાલીને મહેમાનોની વચ્ચેથી બહાર કાઢ્યો, ને સમજ પાડી: "રાંડ વેવલીના! વિક્રમપુરની પટરાણી શું તારા ગામની કોળણ છે તે આવું પૂછવા બેઠો'તો? ભાગી જા ."

પણ પિનાકીને માટે ભાગી જવું સહેલું નહોતું. એ આસમાની સલૂનની ઘાટી ઝીણી જાળીઓ પાછળ દેવુબા બેઠેલી હતી તેની પોતાને ખાતરી મળી. એ દેવુબા હતી. પોતાની આ રીતે હતી : બન્નેએ દીપડીઆ નાળાની સામી ભેખળે જઈ સહિયારાં બોર વીણ્યાં હતાં : બાવળને છાંયે બેસીને એ બોરનાં બેઉએ જોડે જ જમણભાતાં કરેલાં હતાં : પોતાને પાકું પોચું રસભર્યું બોર જડતું તે પોતે દેવુબાના મોંમાં મૂકીને ખવરાવતો : રા'ખેંગાર અને રાણકદેવડીનું નાટક થાણાના છોકરાઓને એકઠા કરી પિનાકી પોતાને ઘેર બાપુજીની ગેરહાજરીમાં ભજવતો : ડામચિયાનો ઉપરકોટ અને ઊંચી બારીનો ગિરનાર ઠરાવતો. પોતે ખેંગાર બનતો, ને દેવુબાને રાણક બનાવતો : રા'ખેંગારનો પાઠ માગનાર એક બીજા છોકરાને દેવુબાએ જ ચોખ્ખું સંભળાવી દીધેલું કે, ભાણાભાઈ સિવાય બીજા કોઈની રાણકદેવડી હું નહિ બનું : ને પોતે રા'ખેંગાર તરીકે રણસંગ્રામમાંથી મરીને જ્યારે શબ જેવો બની પડેલો ત્યારે પોતાનું માથું ખોળામાં લઇ 'ગોઝારા ગરનાર'ના દુહા ગાતી દેવુબા સાચેસાચ રોવા લાગતી : ને છેલ્લું સ્મરણ પેલી મેશની મૂછોનું : રા'ખેંગારના પાઠમાં પિનાકીએ તાવડીની તળેથી મેશ લૂછી આવી પોતાની મૂછો ચીતરેલી; પછી દેવુબાએ રાણકના પાઠમાં પોતાનું મોઢું પિનાકીના મોઢાને અડકાડેલું એટલે એને પણ હોઠ ઉપર મૂછો છપાઈ ગઈ હતી: સહુ કેટલું હસ્યાં હતાં!

તે દિવસે સમજણ નહોતી કે આ એક રમત છે અને રમતનો અંત આવવાનો છે. પિનાકી રજાના દિવસો પૂરા કરીને ભણવા જતો ત્યારે તે દિવસોમાં તો દેવુબા ખાતી નહોતી; ખાવું એને ભાવતું નહોતું. એ રડતી. તે રડવાનું કારણ બતાવી શકતી નહિ. પિનાકીને જતો જોતી છતાં ઘુનાળી નદીની ભેખડ સુધી વળાવવા જઈ શકતી નહિ. હૈયામાં ઊઠતા 'મારા રા'! મારા ખેંગાર!' એવા ભણકારા હોઠ સુધી આવતા, અને ગુલાબના ફૂલના કાંટામાં પરોવાઇ ગયેલી પાંખે તરફડતા પતંગિયાની પેઠે એ ભણકારા હોઠ ઉપર જ ફફડતા હતા.

તેર અને સોળ વર્ષની વચ્ચેની વયમાં રમનાર કિશોર લેખે પિનાકીની મનોવસ્થા તે વખતે કેટલી વિકલ બની ગઈ! એ અવસ્થાની કઢંગી દશા નથી સમજાવી શકાતી, નથી કોઈ સમજવાની પરવા પણ કરતું. પિનાકી તો પોતાની માની લીધેલી કેરી પોતાની હાથમાંથી ઝૂંટવીને બીજો ચૂસતો હોય ને પોતે એ ચૂસનારની સામે દયાજનક, ભયાનક, હિંસામય તેમજ લાચાર નજરે ટાંપી રહ્યો હોય તેમ પેલી ઘાટા ઝીણા તારોની બનેલી સલૂન-જાળી તરફ જોઈ રહ્યો.

બીજી બાજુના પ્લેટફોર્મ ઉપર પોતાની ગાડીનો પાવો વાગ્યો. એ પાવાએ પિનાકીના અંતરમાં જાણે કે ધગધગતા કોઈ ધાતુ-રસની ધાર કરી. પોતે ત્યાં ન પહોંચી શકયો. પછી થોડી જ વારે આ સલૂને શોભતી ગાડી પણ જ્યારે ચાલતી થઈ ત્યારે એના જીવની એવી દશા થઈ, જેવી દશા કોઈક શીતળ મકાનની અંદર બાંધેલો પોતાનો માળો ખેરી નાખતા એ મકાનવાળાની લાકડીને ચાંચોના પ્રહારો કરી કરી તરફડતા, પુકારતા ચૈત્ર-વૈશાખના નાના ચકલાની થઈ પડે છે.

પિનાકીને અરધી રાત સુધી બીજી ગાડીની રાહ જોતા બેસવું પડ્યું. બેઠાં બેઠાં એણે ભયંકર મનોરથોને ભાંગ્યા : મામીની પીરાણી ઘોડી પર એક દિવસ હું વિક્રમપુરમાં પેસીશ : જૂની લોકકથા માંહેલી ચંદન ઘો જો કયાંકથી જડી જાય, તો પછી રાવલજીના દરબારગઢની દિવાલ ચડતાં શી વાર છે! ઉનાળાની અંધારી રાત હશે. ઝરૂખા ઉઘાડા મૂકીને દરબાર તથા દેવલબા સૂતાં હશે : દરબારની ખુદની જ તલવાર ખેંચી લઈને એની છાતી પર ચડી બેસીશ, ને પછી જાગેલી દેવલબાને પૂછી જોઈશ કે 'તું અહીં સુખી છે? આ બૂઢો તને દુ:ખ તો દેતો નથી ને? આ ત્રણ રાણીઓ ઉપર તને ચોથીને લાવનાર તને શી રીતે પ્રિય થઈ પડયો? મારી રાણક એના બાળુડા ખેંગારને કેમ વિસારી શકી?'

ને પછી કંઈ નહિ, પણ દેવુબાને એક કાપડું આપીને હું પેલા દુષ્ટને કહી રાખીશ : જોજે, હોં! આ મારી બહેન થઈ. હવે-હવે એ મને જો કદાપિ એવો સંદેશો મોકલશે કે વીરા, હું દુઃખી છું, તો મારી મામીની પીરાણી ઘોડીને પાંખો પ્રગટશે, ને આંહીં આવી હું આમ કરીને તારી છાતીમાં તલવાર પરોવી લઈશ...'

આ વખતે "કટ" જેવો કોઈક અવાજ થયો. પિનાકીના તરંગપડદા વીખરાઇ ગયા. એણે ભાનમાં આવીને જોયું, તો પોતાના હાથમાંની પેન્સિલને રેલવે સ્ટેશનની લાદી ઉપર પોતે જોર કરી દબાવી હતી, તેથી તેની અણી ભાંગી ગયાનો જ એ નાનો કડાકો થયો હતો.