સોરઠ, તારાં વહેતાં પાણી/૨૧. બહેનની શોધમાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ૨૦. ઝુલેખાને જોઈ આવ્યો સોરઠ, તારાં વહેતાં પાણી
૨૧. બહેનની શોધમાં
ઝવેરચંદ મેઘાણી
૨૨. મરદનું વચન →


21. બહેનની શોધમાં

"ઉઘાડો!"

ધજાળા હનુમાનની જગ્યાને ડેલીબંધ દરવાજે કોકે પાછલી રાતે સાદ પાડ્યો.

ડુંગરાની વચ્ચે ટાઢો પવન ઘૂમરી ખાતો હતો.

"ઉઘાડો, બાપ, ઝટ ઉઘાડો. ટાઢ્યે દાંત ડાકલિયું વગાડે છે." બીજી વાર કોઇ બોલ્યું.

નદીના પાણીમાં બગલાની ચાંચો 'ચપ્ ચપ્' અવાજો કરતી હતી. ટીટોડીના બોલ તોતળા નાના છૈયાના 'ત્યા-ત્યા-ત્યા' એવા ખુશહાલ સ્વરોને યાદ કરાવતા હતા.

ત્રણ જણા દરવાજો ઠોકતા ઊભા હતા. ત્રણમાં એકે કહ્યું:

"છોકરું મારું ક્યાંય સૂતું હશે."

"તું આવું બોલછ એટલે જ મને બીક લાગે છે." બીજાનો પેલો સ્વર નીકળ્યો.

"કાં?" પહેલાએ પૂછ્યું.


"છોકરાં સાંભરશે, ને તારાથી નહિ રે'વાય; તું મને દગો દઇશ."

"જોયું, લખમણભાઇ?" પહેલાએ ત્રીજાને સંબોધીને ફરિયાદ કરી:"તમને- હું વાશિયાંગ ઊઠીને તમને લખમણભાઇને દગો દઇશ? આ શું બોલે છે પુનોભાઇ?"

જવાબમાં એક મીઠા હસવાનો અવાજ ઊઠ્યો. એ હસવામાં, હીરાનું પાણી જેમ અંધારે પણ પરખાય, હસનારનું મોં પરખાતું હતું. એ મોઢું રૂપાળું હોવું જોઇએ.

"હસો કાં, લખમણભાઇ? જુઓ, આ ભેરવ બોલી." વાશિયાંગ નામનો એ કોચવાયેલો જુવાન બોલ્યો. ચીબરીના અવાજમાંથી એણે અપશુકન ઉકેલ્યા.

'હવે ડેલી તો ઉઘડાવો, બાપા?" લખમણભાઇ નામના આદમીએ આનંદ ભરપૂર સ્વરે કહ્યું: "શિયાળ્ય હાડકાને ચાટે તેમ ટાઢ્ય મોઢાં ચાટી રહી છે."

"ઉઘાડો...ઓ..ઓ...ઓ." પુનાભાઇ નામે ઓળખાયેલા ત્રીજા જણે એટલો બોલ બોલવામાં માનવી, શિયાળ અને બિલાડી - એમ ત્રણ પશુઓની બોલીના લહેકા મિલાવ્યા. શિયાળુ રાતના મશ્કરા પવને એ લહેકાને પાછા પોતાની રીતે લાંબા-ટૂંકા કર્યા.

"કોણ છો, ભા?" અંદરથી કોઇક સુંવાળો અવાજ આવ્યો. મશ્કરા પુનિયાએ ઉત્તર વાળ્યોઃ "છઇયેં તો ચોર. શાહુકાર તો ત્યાં અમારે ગામ રીયાઃ અખંડ નીંદરું કરે છે રોગા!'

"ઠેકડી કરો છો દેવસ્થાનની?" અંદરથી તપેલો અવાજ આવ્યો.

"આ શું? બાવે રામકી ગોતી?" અતિ ધીરે સ્વરે પુનો વાશિયાંગને પૂછવા લાગ્યો.

"બસ, બસ." લખમણભાઇ નામના માણસનો ગંભીર અવાજ ઊઠ્યો, એણે જવાબ દીધો:

"બાઇ, બોન, આંહીં જાણે કે વાય છે કાળી ટાઢ. ઓઢવા ધાબળોય નથી, એટલે હાંસી કરતા કરતા ટાઢને થાપ દેતા રાતભર હાલ્યા આવીએ છીએ. ભલી થઇને ઉઘાડ તો દેવસ્થાનું છે. આશરો છે. નહિ તો તાપણું કરીને બહાર પડ્યા છીએ."

"હા, તો પછે બેક લાકડાં બહાર ફગાવજે, બાઇ!" પુનોભાઇ ન રહી શક્યો : "આમેય બાવા તો બન્યા જ છઇયેં ને, એટલે ધૂણી ધખાવશું."

નાની ગડક-બારી ઉધાડનાર સ્ત્રી હતી. એણે એક પછી એક ત્રણે પુરુષોનો જોબન-વેશ ઉકેલ્યો. ખભે અકેક બંદૂક ચામડાના પટે લટકાવી હતી. બોકાના બાંધ્યાં હતાં. સુરવાળો પહેરી હતી. બદન પર ટૂંકા ડગલા હતા. માથે પાઘડીઓ હતી.

"જે ધજાળા!" કહેતા ત્રણે અંદરના નાના દહેરાના શિખર ઉપર ઊડતી ધોળી ધજાને હાથ જોડ્યા.

અંધારિયા પક્ષની બારસ-તેરસનો કંગાલ ચંદ્રમા, ગરીબના ઘરના તેલ ખૂટેલા દીવા જેવો, ક્ષયના રોગીના છેલ્લા ચમકાત જેવો, વસૂકતી ગાયના રહ્યાસહ્યા દૂધની વાટકી જેવો, થોડીક વાર માટે ઉદય પામ્યો. ત્રણે મહેમાનોના ચહેરામોરા વિશેષ ઉકેલ પામ્યા.

મશ્કરો પુનો બેઠી દડીનો, શિવનો પોઠિયો કોઇક શિવાલયમાંથી સજીવન થઇ ઊઠ્યો હોય તેવો દેખાતો હતો. એના માથા પરનું ફાળિયું પણ એના શીંગડા તેવા બે ઊભા ખભા સૂચવતું હતું. એની ગરદન ગરેડી જેવી હતી. પરોણાગત કરનાર ઓરતને સામી નજરે ન જોતાં એ તીરછી નજરે જ જોતો હતો. એને જોતાં જ જણાઇ આવે કે દુનિયાની લગભગ તમામ વાતો તરફ ત્રાંસી નજરે જ જોનારાં માણસો માંહેલા એ એક છે. એના મોં પર માયા મમતાની કોઇ સુંવાળી લીટી નહોતી. એની મૂછો, બે વીંછીને હોઠ પર સામસામા ચોંટાડ્યા હોય તેવી વાંકડી ને જોવી ભયાનક લાગે તેવી હતી.

વાશિયાંગ, પુનાથી નાનેરો, બાવીસેક વર્ષનો માંડ હશે. એને જોતાં જ ઓરતે કહ્યું: "ભાઇ, શિખાઉ દેખાઓ છો." એના દિદાર શિખાઉને જ શોભે તેવા હતા.

"વાહ, ભલો પારખ્યો! અંજળી જેટલાં અજવાળાંમાં શો સરસ પારખ્યો!" પુનો આ બાઇની સામે જોયા વિના બોલી ઊઠ્યો. બાઇએ એની સામે નજર કરી, તેટલામાં તો પુનો હનુમાનની મૂર્તિ સામે એક પગે ઊભો ઊભો ગાવા મંડી પડ્યો હતો:

અંજનીના લાલા!
હરદમ બાલા!
દોઢ પગાળા!

સમદર ટપવાવાળા સ્વામી!
વજર કછોટાવાળા સ્વામી!
જે જશનામી! વરદાની!*

[૧]

હનુમાનનું સ્તોત્ર ગાતો ગાતો એ તીરછી નજરે પોતાની બગલ નીચેથી બાઇને જોતો હતો.

વાશિયાંગ કશો જવાબ ન આપી શક્યો, છતાં દિલમાં તો પામી ગયો કે બાઇએ પોતાને શિખાઉ ચોરની ઉપમા આપી છે.

"કોઇ પુરુષ માણસ કેમ નથી જણાતું આંહીં?" એવું પૂછનાર લખમણભાઇ નામના ત્રીજા પુરુષને ઓરતે નીરખ્યો. સીધો સોટા સરખો, સવા પાંચ હાથનો ઊંચો એ જુવાન અંધારામાં જેવો રૂડો કલ્પેલો હતો તેના કરતાં વધુ સોહામણો દેખાયો.

એણે ધોતીયું પહેરી તે ઉપર પિછોડી લપેટી હતી. એક સફેદ અરધો ડગલો એની કમર સુધી ખુલ્લે બુતાને પડ્યો હતો. એની પાઘડી એના હાથમાં હતી. એટલે ઉઘાડે માથે અર્ધા ગોળની તાળ કોઇ લીસા પથ્થરની ખરલ જેવી ચમકતી હતી. ચંદ્રનું બિંબ એ ટાલથી ભવ્ય લાગતા ભાલમાં જળ-રમતી કોઇ માછલી જેવું ઝળકતું હતું. પછવાડે લાંબી કેશવાળી હતી.

"કેમ? પુરુષ વિનાની પૃથ્વી સૂનકાર બની જશે એવી બીક લાગે છે કે ભાઈ?"

"એમ તો નહિ, બેન!" પેલા પુરુષે કટાક્ષની સામે કટાક્ષ ન અફળાવ્યો, પણ ગંભીર ભાવે કહ્યું: "પણ માનવી વિનાનાં એકલાં તો આ દેવલાં નથી શોભતાં."

"તમારે કોનું કામ હતું?"

"બાવાજી પ્રતાપગરનું."

"એ તો ચાલ્યા ગયા છે."

"કાં?"

"આંહીં કોઇ બહારવટિયો આશરો લેવા આવશે એ બીકે."

"બીક શાની?"

"સરકારે એના ઉપર તવાઇ કરી છે."

"ક્યારે ગયા?"

"કાલે સાંજે."

"તમે આંહીં એકલાં?"

"હું દુનિયામાં એકલી જ છું."

"આંહીં કેમ રહ્યાં?"

"બહારવટિયાને મળવા."

"તમારો સાદ મને જાણીતો લાગે છે."

"તમારોય મને કોઇ જૂના ભણકારા જગાવે છે. મને તો તમે જોઇ પણ હશે."

"ના, નથી લાગ્તું."

"દેવકીગામના છો ને?"

"હા; તમને ક્યાંથી ખબર?"

"લખમણભાઇ પટગર તો નહિ?"

"હશે." પુરુષ ચમકતો હતો. તેને આ કોઇક બાતમીદાર બાઇ લાગી. "ધીમે બોલો, બેન!"

"તમે ભગત થઇને - ગાયોના ટેલવા થઇને - થાણદાર ગૂડ્યો?"

"પણ, બાઇ આ તો કાઠી ભગત કેવા'ય." પુના નામના બાંઠિયા સાથીએ બજરંગ-સ્તોત્ર ગાતાં-ગાતાં વચ્ચે આટલો વિસામો લીધો, ને પાછું એનું સ્તોત્ર આગળ ચાલ્યું.

"બાપને પણ ન મૂક્યો? ગોત્રહત્યા કરી!" બાઇએ બધી જ વાતનું જ્ઞાન બતાવ્યું.

પુરુષના મોંમાંથી ફક્ત આટલો જ ઉચ્ચાર નીકળ્યોઃ "છઠ્ઠીના લેખ, બોન! તમે અહીં ડરતાં નથી?"

"શાનાથી ડરું?"

"આ થાનક અને આ રાત - એકલાને માટે અતિ ભેંકાર છે."

"તો હું એથીય વધુ ભેંકાર ક્યાં નથી? મને જોઇને તો નિર્જનતાય ફાટી પડે."

"તમે કોણ છો? આવું કયા દુઃખે બોલાય છે?"

"તમે કોના ગૌચર ધીંગાણે ઊતર્યા'તા, ભાઇ!"

"રૂખડ શેઠ - જેને ફાંસી થઇ - તેની રંડવાળ બાઇએ પોતાના ધણીની મિલકત પોતાની ગણી બસો વીઘા ગૌચરના કાઢ્યા. તે માથે હું ગાયું ચારતો. એક સૈયદનો છોકરો પણ પોતાની ગાયને ચારવા આવતો. રૂખડ શેઠના પિત્રાઇઓએ આ ગૌચરનું દાન થાણદારપાસે જઇ રદ કરાવ્યું. થાણદાર અમને ગૌચર ખાલી કરવા કહેવા આવ્યા. સૈયદની ગાવડી ઉપર થાણદારના મુસલમાન ફોજદારે સીસાના ગઠ્ઠાવાળી સોટી ઝાપટી, ને ગાયના ત્યાં જ પ્રાણ છૂટ્યા. સૈયદના છોકરાએ ત્યાં ને ત્યાં પાણકો લઇ પોતાનું માથું વધેરી નાખ્યું; એટલે મારાથી ન રહેવાયું. બેન! રાત જેવી રાત છે: પ્રાગડના દોરા ફૂટતા આવે છે; ખોટું નહિ બોલું. બેન! મેં હાથ પે'લો નહોતો ઉપાડ્યો."

"ને એ બાઇ કયાં ગઇ?

"કહે છે મલક ઉતરી ગઇ."

એક ઘોડીની હણહણાટી સંભળાઇ. એટલે લખમણભાઇ નામના પુરુષને યાદ આવ્યું: "આવી જ હાવળ દેતી."

"કોણ?"

"એની ઘોડી."

"એને ખુદને નો'તી દેખી?"

"ના. ધણી ફાંસીએ ગયો તે પછી ગામ બહાર ચૂડલા ભાંગતી'તી ત્યારે ગામ જોવા ગયેલુ. હું નહોતો ગયો."

"કેમ?"

"ચૂડીકરમ નથી જોવાતાં મારાથી."

"ત્યારે બા'રવટું કેમ કરી શકાશે!"

"પક્ડાઇ જવાનું મન થાય છે; માટે તો તમારી પાસે જાહેર થઇ જાઉં છું ને?"

"ફાંસીએ ચડશો તો?"

"તો કોઇને ચૂડીકરમ કરવું પડે તેમ નથી."

"બેય વાતો બગાડવી છે?"

"બગડી તો ગઇ ક્યારની."

"પણ આ ભેગા બે સાથીઓ છે તેનુંય સત્યાનાશ કાં વાળો?"

"એને માફી અપાવીશ."

"અત્યારે તો સરકારની બેસતી બાદશાહી છે. માફી નહિ આપે."

"મારે માફી નથી જોતી.” વાશિયાંગ નામનો બાળો જુવાન બોલ્યો: "મારે તો હજી ગોદડીવાળાનું નાક કાપવું છે."

"શા માટે?"

"એણે એક ભાવરનો ભવ બગાડ્યો છે."

"પારકા કજિયા શીદ ઉછીના લ્યો છો, ભીયા?"

"પારકો કજિયો શીનો? પર-અસતરીને ફસાવનારો પુરુષ તો હરએક મરદનો અપરાધી છે; દેવનો દ્રોહી છે."

"રંગ મારા વીરા! તમે ત્રણ ભેળી મને ચોથી ગણજો."

"તમે?" વાશિયાંગ ચમક્યો.

"તમે કોણ છો?" લખમણે ફરીથી પૂછ્યું.

એ સવાલનો જવાબ દેતી પ્‍હો ફાટી. ડુંગરાની આડે ઊભેલો બાલસૂર્ય કેસૂડાનાં પાણીની પિચકારીઓ ભરી ભરી કોઇ અજાણી અનામી વાદળી-ભાભીનાં ચીર ભીંજવતો લપાઇ રહ્યો હતો. પોતાનો પહેરો પૂરો કરીને ચાલ્યા જતા ચંદ્રમાનો તેજ-પટો દૂરથી દેખાતો હતો.

ત્રણે જણાએ બાઇનું મોં નિહાળ્યું. અંધારામાં સાંભળેલો અવાજ જાડો હતો; તે પરથી બાંધેલું અનુમાન જૂઠું પડ્યું. બાઇના ઝાંખા પડેલા ચહેરા પર લાવણ્ય હજુયે બેઠું હતું: સાપે ચૂંથેલા માળા પર ચકલું બેઠું હોય તેવી કરુણતાએ ભર્યું.

ઓરતના ઓઢણા નીચેથી ડાબી બાજૂ કમરના ભાગ ઉપર કશુંક ઊપસી આવતું હતું. તેના ઉપર ત્રણે દોસ્તોની નજર ઠરી. ક્ષણ પછી એ છયે આંખો બેઅદબીના અપરાધથી ડરીને ખસી ગઇ.

“તમે ડરશો નહિ, વીરા મારા!"

એટલું કહી બાઇએ કમર નીચે હાથ નાખ્યો. ઘડી પછી એના હાથમાં એક નાનો તમંચો, પાળેલા બાજ પક્ષી જેવો, રમતો થયો, ને બાઇ એને હાથમાં બેફિકરપણે હિલોળતી-હિલોળતી, હસતી-હસતી કહેવા લાગી: "આવડો નાનકડો એક ભાઇ ભેળો હોય, પછી આવી એકાંતનો ને બા'રવટિયાનો શો ભો? આ ભરેલો છે હો કે?"

પૂનાને ત્યાંથી ખસવાનું મન થયું: હમણાં જ જાણે ભડાકો થશે.

પ્રભાત પડ્યું. તેને રામરામ કરતી હોય તેમ ઘોડી હણહણી. લખમણભાઇએ ઘોડીને દૂર બાંધેલી નિહાળી. નિહાળતાં જ એ બોલવા ગયોઃ "તમે - તમે -"

"હું ભાઇની બહેન છું. તમને તો મેં અવાજે પારખ્યા; કેમ કે એક દિવસ તમારા બોલ મેં સાંભળ્યા હતા."

"ક્યાં? કયા દિવસે?"

"મહીપતરામ જમાદાર નવા બદલીને આવ્યા, અમારે ઘેર ઉતર્યા, તેને વળતે દિવસે તમે અમારી ડેલીએ આવેલા. આગલી રાતે ગાડામારગને કાંઠે અમારા ખેતરની થોરની વાડ તમે ગૂડી'તી - ખુલાસો કરતા'તા તમે."

"ત્યારે તો શુકન થયાં. બેન જડી." લખમણભાઇએ બંદૂક પર હાથ દીધો.

"બેન જ જડી માનજો, ભાઇ! ને એક વાતની ગાંઠ વાળજો: સોંપાજો મા! ગમે તેવાં વચન આપે તોય ન સોંપાજો! દગલબાજ છે બધા."

"ને કાયદાએ ઘાણ કાઢી નાખ્યો છે આપણો." પુનો ત્રાંસી આંખે બોલ્યો. એણે હવે બેઠાં-બેઠાં માળાના જાપ માંડ્યા હતા.

"કાયદો શેનો? હું તમને - અરે, તમારી મરેલી માને હીણપ દઉં, ને તમે મને મારી નાખો - છડેચોક ચેતવણી દઇને ઠાર મારો - એમાં કાયદો ક્યાં વચ્ચે આવ્યો?"

"હા જ તો!" લખમણભાઇએ પોતાના મનોવ્યાપાર પ્રગટ કર્યાઃ "મને એમાં કાંઇ ગમ નથી પડતી કે બેન, તમારા ધણીની કાઢેલી મિલકત, એમાંથી તમે ગૌચરની ખેરાત કાઢો છો - એમાં કાયદાનો બાપ કોણે માર્યો?"

"કેમ, કાયદાનો બાપ થાણદાર છે. ઇ થાણદારને તો તમે માર્યો!" અણસમજુ વાશિયાંગે મુદ્દો પકડ્યો.

"મેં તો માર્યો, કારણ કે એણે સૈયદના છોકરાને મરવા જેવો મામલો ઊભો કર્યો, ને ગાય મારી. ગૌચર ઝૂંટવી લીધું. છતાં ય હું ન મારું? તો પછી ક્યારે મારું? કોને મારું?"

લખમણભાઇની આ દલીલ-સરણી હતી. જૂના સોરઠની એ વિચાર-પધ્ધતિ હતી. એણે ઉમેર્યું: "ને એમ હોય તો થાણદારનો દીકરો ભલે ને મને કોક દી ઠાર મારે. હિસાબ તો એમ જ પતે છે. એમાં વચ્ચે કાયદાનું પોથું શેનું ઘોડો કુદાવે છે?"

"કાયદો ઈંદ્રજાળ છે; એક ફાંસલો છે. ખરો કાયદો તો કોઇ પાળતું જ નથી. જુઓ ને, વાઘેરો ઉપર સરકારી મનવારોએ ગલોલા છોડ્યા તે ગલોલા તરબૂચ-તરબૂચ જેવડા; ને વાઘેરોની ગોળીઓ તો હતી સોપારી સોપારી જેવડીઃ એનું નામ જુદ્ધ? એનું નામ કાયદો? ઇન્સાફ ક્યાં રહ્યો'તો ત્યાં?"

પુનાએ કહ્યું:"હવે, ભાઇ, તમે આ ભણતર મેલી દીયો, ને ઝટ ક્યાંઇક આશરો લેવાની વાત પર આવો, નીકર જૂનાગઢની ગિસ્ત આવી જાણો!"

"આવે તો શું?" લખમણે કહ્યું: "આહીં મંદિરમાં જોઇ ઝાલે તેવી મગદૂર નથી."

"હાલો, તમને આશરો બતાવું," કહીને એ ઓરત ત્રણે જણાને દોરી ગઇ. દેવ-પ્રતિમાને પછવાડે એક પથ્થરને જમણી બાજૂના ખૂણા ઉપર દાબતાં જ પથ્થર ખસ્યો: ભોયરું ઊઘડ્યું.

"તમને હું ફસાવતી હોઉં એમ તો નથી લાગતું ને?" એટલું કહી હસતી-હસતી એ પોતે જ ભોંયરામાં ઊતરી ગઇ, ને નીચેથી એણે પથ્થર બંધ કરી દીધો.

ત્રણે મુસાફરોએ ધરતી જેવી ધરતી ભાળી.થોડી વારે ઓરત પાછી બહાર આવી.

"હવે ચાલો."

"ક્યાં?"

"ધજાલા દેવની સન્મુખે.”

"શા માટે?"

"સોગંદ લેવા કે, ચારમાંથી કોઇ જાન જાતાં પણ ખુટામણ નહિ કરીએ. ખુટામણ કરે તેને ધજાળો પહોંચે. ને મરવા સુધી આપણું બા'રવટું ચાલે. તેમાં જે જે દુખિયાઓ ભળવા આવે તેને જાણી-તપાસી ભેળવવા. તે તમામનાં વેરની વસુલાત સહુએ સાથે મળીને કરવી."

બલોયાં, બંગડી કે ચૂડાવિહોણા આ ઓરતના હાથ પ્રત્યેક બોલના તાલમાં હવા જોડે અફળાતા હતા. એ અડવા હાથની તાકાત એના પંજામાં પ્રસરતી હતી. પંજો મૂઠો ભીડતો ત્યારે હથોડો બની જતો. મુઠ્ઠીના આધાતે આધાતે જાણે કે હવામાં તરતી કોઇ એરણ પર એ કશો ઘાટ ઘડતી હતી. પ્રત્યેક ઘાટ એના અંતરમાં એકાદ મનસૂબો સરજાવતો હતો. ઠોળિયાં વિનાની એની કાનની બૂટો મોટાં મોટાં છિદ્રો સહિત ઝૂલતી હતી. એ ઝૂલતી કાન-બૂટો એ ઓરતને કોઇ કાનફટા જોગીનો સીનો આપતી હતી.

એણે જ ચારેને પ્રતિજ્ઞા લેવરાવી. ત્રણ પુરુષો એની સામે તાલીમ લેનારા કોઇ ચેલકાઓ જેવા મૂંગા ને રાંક બની ગયા. પ્રતિજ્ઞા લેવામાં ચારે જણાંએ પોતાનાં હથિયારો પલાંઠી પાસે જ રાખ્યાં હતાં; ને પ્રત્યેકે પ્રતિજ્ઞાના બોલ બોલવા સાથે પોતપોતાનું હથિયાર આંખોને અડકાડવાનું હતું.

દિવસ ચડ્યો ત્યારે ઊના ઊના રોટલા અને તાજી છાશ, તાજાં માખણ શાકની દોણકી વગેરે લઇને જગ્યાએ દરવાજે બે વનકન્યાઓ આવી પહોંચી. આવીને કહ્યું: "લ્યો,મા, આ શિરામણ."

"લાવ્યાં, બેટા?"

ઓરત આંહીં રહ્યા પછી થોડા જ મહિનામાં આજુબાજુના માલધારીઓના નેસડાની 'મા' થઇ પડી હતી.

"હા,મા! કાલથી હું તેજુ એકલી જ આવીશ. હીરબાઇ તો જાશે."

"ક્યાં?"

"સાસરે."

"સાસરે જવું ગમે છે? હેં હીરબાઈ!"

મોટી કન્યા નીચું જોઇ ગઇ.

"આહીંના જેવું રમવા-કૂદવાનું નહિ મળે ત્યાં."

હીરબાઇની આંખમાં આંસુ આવ્યાં.

"તારું સાસરું કયે ગામ?"

"દોણ-ગઢડા."

નામ સાંભળીને ઓરતે ઊનો નિઃશ્વાસ નાખ્યો; પછી કહ્યું: "આવજે બેટા."

બેઉને વળાવી પાછા દરવાજા ભીડી ઓરતે બહારવટીયાને રોટલા પીરસ્યા.

પુનો ચકળવકળ આંખે હજુ ડેલા તરફ જોઇ રહ્યો હતો. વાશિયાંગની જીભ પણ પૂછું-પૂછું કરતી તલપાપડ થઇ રહી હતી. લખમણભાઇએ તો પૂછું પણ ખરું: "એ બાઇઓ કોણ હતી?"

"વગડાની હરણ્યું હતી, ભાઇ! બહારવટિયાએ બહુમાં બહુ ચેતવાનું હોય તો આ ભોળી છોકરીયુંથી. ડુંગરામાં નદીને ઝરણાંનો પાર નથી, તેમ આવી કન્યાઓનાય ફાલ ઊભરાયા છે. સીધી સંધ્યાની વાદળીઓમાંથી ઊતરી આવી હોય એવી તો એની મુખકાંતિ છે. મકરાણીઓ એના કાળ બન્યા છે. છોકરીઓ પણ ભોળી ભટાક, દીવા માથે ફૂંદાં ઝંપલાવે તેમ, મિંયાઓના મોહમાં લેવાય છે. એનો કોઇ રક્ષણહાર ન મળે."

સાંભળતાં જ ત્રણે પુરુષોનાં દેહમાં લાગણીઓ દબાઇ ગઇ. તેઓનાં હૃદયમાં રક્ષાનો ભાવ ચેતાયો.

"આ છોકરીઓમાંથી એક હવે જીવતી નહિ આવે," ઓરતે પરોણાઓને ચમકાવ્યા.

"કેમ?" લખમણભાઇએ પૂછ્યું.

"એ હરણી હાલી છે દીપડાની બોડમાં."

"ક્યાં?"

'દોણ-ગઢડે. મકરાણીઓ એને ચૂથી નાખશે. આઠેક દિવસમાં સાંભળશું."

"એટલે? શું સાંભળવા વાટ જોવી છે?" વાશિયાંગનો મિજાજ ફાટ્યો. એ બાવોજી આવ્યા." ઓરતે કાન માંડ્યા. "આ ગળું જ અમરા શાદુળાનું." ઓરતે કૂતરાના ડાઉ-ડાઉ અવાજને પારખ્યો. એ ઉઘાડવા ઊઠી.

"હવે મારો શ્વાસ હેઠો બેઠો." લખમણભાઇએ સાથીઓને કહ્યું. હજુ સુધી બાંધી રાખેલાં હથિયાર ત્રણે જણાએ છોડી નાંખી ખીટી પર લટકાવ્યાં.

ધજાળા થાનકની ડેલી થોડે છેટે હતી. ઓરત બે સાંકળ અને ત્રણ આગળિયારી ઉઘાડતાં-ઉઘાડતાં પૂછતી જતી હતી: "શાદુળા! કેમ બહુ ભસે છે, ભાઇ? બાપ કેમ બોલતા નથી? અમથા તો કાળી રાતે આવે ત્યારે ય 'આદેશ!' 'આદેશ!' 'આદેશ!' જપતા હોય છે."

'આદેશ' એ દસનામ સાધુઓનો મિલન-બોલ છે.

છેલ્લો આગળિયારો ખસેડી દરવાજો ખુલ્લો કર્યો ત્યારે ત્યાં બે ઘોડા જોડેલી એક ઘોડાગાડી ઊભી હતી. હાંકવાની ગાદીવાળી બેઠક ઉપર એક શિકારીના લેબાસવાળો પુરુષ બેઠો હતો. એના હાથના પંજામાં લગામ રમતી હતી. આગળ ઊભો ઊભો એક ખાસદાર ઘોડાની માણેકલટ પંપાળતો હતો. ગાડીની પાછલી બેઠકો પરથી ચારેક જણાએ ઠેક મારી ડેલીમાં પ્રવેશ કર્યો. નાની બારીને બદલે મોટા દરવાજા ખોલવા મડ્યા.

કૂતરો એ સર્વની સામે ઝનૂનભર્યા ડાઉકારા ફરી છલાંગો ભરતો હતો. બે જણના પગની પીંડીંઓમાંથી લોહી ચાલી રહ્યાં હતાં.

કૂતરાએ છેલ્લી તરાપ એ હાંકનાર શિકારી પર કરી. શિકારીના કલેજા સુધી કૂતરો પહોચે તે પૂર્વે તો શિકારીનો બંદૂકનો કુંદો ઊંચો થયો. બરાબર લમણાં પર ફટકો ખાઇને કૂતરો જમીન પર ઝીંકાયો.

"કોણ છો, તમે?" હાક મારતી ઓરત બહાર ધસી. જગ્યાના દરવાજા તરફ ગાડીને ખેંચી જવાનું જોશ કરી રહેલ ઘોડાઓને એણે લગામો ડોંચીને પાછા ધકેલ્યા. પૂછ્યું: "ઊભા રો,કોણ છો? આ દેવતાના કૂતરાને ઠાર મારનાર કોણ છો તમે?"

"તું તો નવી ચેલી ને? દાબેલા પાસામાંથી વાજું જેવા સૂર કાઢે તેવા સૂરે શિકારી આગેવાન ગાડીની ઊંચી બેઠક પરથી બોલ્યો. બોલતી વેળા એની આંખો ઘેનમાં ઘેરાયેલ હોય તેવી અરધી મીંચેલી હતી. માથા પર ટેડી પડેલી ખાખી હૅટને એણે વધુ ટેડી ગોઠવી.

નીચે ઊભેલી ઓરતની આંખો તરફડિયાં મારતા કૂતરા તરફ હતી. માથું ઊંચું કરી કરીને કૂતરાએ નેત્રો ધજા ઉપર ઠેરવ્યાં. એના મોંમાંથી ફીણ ઝરતાં હતાં. ઘરતીનું જે ધાવણ પીધેલૂં તે પાછું ચૂકવીને કૂતરો જિંદગીના કરજમાંથી ફારેગ થઇ ગયો.

બાઇનું હૈયું ભેદીને બોલ નીકળ્યો: "આ ધજાની છાંયડીમાં તમે જીવ માર્યો?"

ઘોડાગાડી તરફ આગળ વધતી ઓરતને અટકાવવાની મૂંગી ઇશારત કરતો શિકારીનો હાથ ઊચો થયો. પાસવાનોએ ઓરતના કદમો રૂંધ્યાં.

"ઊભી રહે." શિકારીએ માંજરી અધમીંચી આંખોની પાપણો પટપટાવી. "બીજોય જીવ માર્યો છે. જોતી જા."

એટલું કહીને એણે ગાડીને મોખરે પોતાના પગ પાસે પડેલા શિકાર પર નજર ચીંધાડી. પણ એની આંખો ઓચિંતી કોઇ તણખો પડતાં દાઝી હોય તેમ ચમકી ઊઠી. એની જીભ પણ જરાક બહાર નીકળી.

પોતાનો માલિક ચમકી ઊઠવાની નિર્બળતા ધરાવે છે, એવો આ પહેલો જ અનુભવ સાથીદારોને થયો. તેઓ નજીક ગયા. ઓરતને પણ અચંબો લાગ્યો.

શિકારીએ શિકાર પરથી આંખો બીજી તરફ સેરવી લીધી. ડાબી બાજુના આકાશને એ જોઇ રહ્યો. શિયાળુ આકાશની કૂણી કૂણી તડકીમાં વેંત-વેંત-વા ઊંડી ઘાટી ઊનથી ભરેલાં હજારો ઘેટાં જેવાં સફેદ નાનકડાં વાદળી-ધાબાં એકબીજાની ગોદમાં લપાઇ ઊભા હતાં. એક મોટી વાદળી, એ મેંઢાને ચારતી ગોવાળણ-શી, સીધી, પાતળી, સુડોલ અને લહેરાતી થોડીક વેગળી ઊભી હતી.

ત્યાંથી ધકેલાઇ હોય તેમ શિકારીની આંખો ફરી એક વાર પોતાના પગ તળે પડેલા શિકાર તરફ ફરી. એણે તાંક્યું. એનું મોં ફાટ્યું. બીજાઓ એને ડરી ગયેલા ન માને તેવી સિફતથી એણે પોતાની આંખો પર પંજો ઢાંક્યો: જાણે પોતે સૂરજનાં કિરણોને ખાળવા માગે છે.

"ઉતારી નાખો." એણે આજ્ઞા આપી.

સાથીદારોએ મૂએલા પ્રાણીને નીચે ઊતાર્યું. ધીરે રહીને ધરતી પર મૂક્યું. બાઇ એ ઓળખ્યું.

એ એક સસલીનું મડદું હતું. એનું પેટ કોઇ ચીભડાની ગાંસડી ફસકી પડે તેમ ચિરાઇ ગયું હતું. એના નીકળી પડેલા ગર્ભાશયમાં બે બચ્ચાં જાણે કે નીદર કરતાં હતાં. શિકાર કરીને સસલીને ગાડીમાં નાખતી વખતે આ બનાવ તેને નહોતો દેખાયો.

શિકારી કાંપતે પગે ગાડીથી નીચે ઊતર્યો. એક શિલા પડી હતી, તેના પર એણે બંદૂકને નાળી વતી ઝાલીને પછાડી. એના હાથ જોરદાર હતા. પહેલા જ પ્રહારે બંદૂકના લાકડાના હાથાના છોડિયાં ઊડી પડ્યાં.

એક ઘોડેસવાર તરફ ફરીને શિકારીએ પૂછ્યું:

"નજીકમાં ક્યું શહેર છે?"

"આપણું."

"આ લ્યો: આ દસ રૂપિયા. બે સાચી અટલસની સોડ્યો લાવીને અહીં આપી જજો સાંજ સુધીમાં."

ઘોડેસવારે ઘોડો દોડાવી મૂક્યો, ને શિકારી ઓરત સામે ફર્યોઃ "આ બેય જીવને દટાવી દેશો તમે?"

ઓરતે મૂંગી હા કહી. પાંચ રૂપિયા એણે એક બીજા સાથી ના હાથમાં મૂક્યા; કહ્યું: "હનુમાનજીને ધરી આવ."

ફરીને ફરીને એણે મૂએલી સસલીના ચૂંથાઇ ગયેલ આઉની અંદર બે સૂતેલાં બાલ દીઠાં. 'આવું - આવું તો કોઇ દી નહોતું બન્યું' એ વાક્ય શિકારી ત્રણ વાર બોલ્યો.

ઘોડાગાડી પાછી વળી ગઇ. શિકારીએ લગામ બીજા જણના હાથમાં સોંપી. પોતે પાછળની ગાદી ઉપર ઢીલો થઇ પડ્યો. રસ્તામાં એક-બે વાર એણે પૈડા નીચે નજર નાખી.

"કેમ બાપુ?" કોચમેન પૂછતો હતો: "કાંઇ જોઇએ છે?

"ના, એ તો મને પૈડા હેઠળ કંઇક ચંપાતું હોય એવો વહેમ આવ્યો."

"ના, ના; એ તો નદીની વેળુ હતી."

ડેલીના ધીંગા દરવાજા ફરીથી બંધ કરીને ઓરત અંદર ગઇ. મહેમાનોને ન દીઠા. 'ગોકીરો સાંભળીને ભાગી ગયા કે શું?' એવું વિચારતી એ મંદિરમાં પેઠી.

મંદિર તો એનું માત્ર નામ હતું. એ તો હતો એક પુરાતન કોઠો. કાળાંતરના ઇતિહાસને કલેજામાં સંધરતો એ કોઠો ત્યાં ઊભો હતો.

એ કોઠાની અંદર સાફસૂફી કરીને કરી બાવાએ એક પથ્થર પધરાવ્યો હતો, ને ઉપર રાતી ધજા બાંધી હતી.

ઓરત અંદર ગઇ. જૂએ છે તો વાશિયાંગના ખભા ઉપર પુનો ઊભો હતો. ને પુનાને માથે લખમણભાઇ ચડ્યો હતો. કોઠાની દીવાલને ઓથે આ ત્રણે ઉપરાઉપરી ઊભા હતા. લખમણભાઇના હાથમાં બંદૂક હતી. બંદૂકની નાળી એક ઊંચા મોરચા (બાકોરા)ની આરપાર રાખીને લખમણભાઇ કોઠાની ટોચે એક ઝીના જાળિયા વાટે જોઇ રહ્યો હતો.

"ગયા." કહીને લખમણે બંદૂક પુનાના હાથમાં આપી, પુનાએ વાશિયાંગને દીધી. જીવતા ત્રણ જણાની રચાયેલી નિસરણી વિખેરાઇ ગઇ.

"ત્યાં ઊંચે ચડીને શું કરતા'તા, ભાઇ?"

"નિશાન માંડતો'તો." લખમણે કહ્યું: "તમે અમને હાકલ કેમ ન કરી?"

"મારે તમને છતા નહોતા કરવા. એ બચાડા મને શું કરત? નાનેરો ભાઇ તો મારી પાસે જ છે ને?" એમ બોલીને એણે કમ્મર પરના તમંચાને હાથ અડકાડ્યા.

"ઓળખ્યો એને?" લખમણભાઇએ પૂછ્યું.

"કોણ?"

"મારો બનેવી. કૉલેજમાં ભણેલોગણેલો રામગઢનો કુંવરડો."

"તમારો બનેવી?"

"નહિ ત્યારે? બેનનો ચૂડો આ બંદૂકની નાળ્ય આડે ન આવ્યો હોત તો એ બાપડો કાંઇ આજ ધજાળાને કોઠેથી જીવતો પાછો વળી શકત?"

"પાછો વળ્યો - ભલે વળ્યો: માણસાઇ લઇને વળ્યો દીસે છે."

"કેમ વળી ગયો?"

"ગાભણી સસલીનો પૂરે માસે શિકાર કર્યો. ફાટી ગયેલ ગાભમાં બે બચ્ચાં જોયાં. તેથી કંઇક થઇ ગયુ."

"અરે રાખો રાખો બેન!" પુનાઇએ કહ્યું: "રાજકોટની કૉલેજમાં ભણેલ રાજકુંવરડાને ગાભણી સસલી જોયે માણસાઇ આવે? શું બોલો છો તમે? તો તો ઇલમ શીખવનારા સાહેબોના પત્ય જાય ને!"

"કંઇક થાનકનું સત." લખમણે કહ્યું.

"બેનનો પોતાનો જ દેવતાઇ અંશ એને સૂઝી ગયો." વાશિયાંગે ટીકીટીકીને ઓરતની સામે જોયું.

"બેનના સતના પ્રતાપે તો અમે ઉગરી ગયા. અમે તો આશા મેલી દીધી હતી. હમણાં ઝાટકે આવી જશું, એવી ધારણ હતી."

"કેમ?"

"હનુમાનજીને રૂપિયા ધરવા આવનારો આદમી ભે ખાઇને બહારથી જ રૂપિયા ફગાવી ભાગી નીકળ્યો. અંદર આવ્યો હોત તો એને જ અમારે ઠાર રાખવો પડત ને!"

એ જ પળે કોઠાની ચિરાડમાંથી ઘુવડ ઘૂઘવ્યું. તોપના ગોળાને છાતી પર ઝીલનારાઓ નાના-શા અપશુકનને નથી સહી શકતા. ઘુવડની વાણી એ ચારે જણાને કાળવાણી લાગી: હમણાં જાણે કોઠો ખળભળી જઇ ચારેના ઉપર કબર ચણી દેશે.

ઓરતે જોયું કે ત્રણ મરદનાં કલેજાં પારેવાંની જેમ ફફડે છે. એણે કહ્યું:"ભાઇ, તમે આજ રાતમાં જ બીજો કોઇ આશરો ગોતી લો. માલધારીઓની દીકરીઓને સનસ આવી ગયેલ છે, ને આ શિકારીનું ટોળું પણ ગંધ લીધા વગર નહિ ગયું હોય."

"અમે પણ, બેન, એક દા'ડાની જ ઓથ લેવા આવ્યા હતા. અમારું પગેરું ઊલટી દિશામાં નીકળે , એટલે, સરકારી ગિસ્તો એક દિવસ તો આ દૃશ્યે આવે જ નહિ, એવો બંદોબસ્ત કરીને અમે આવેલા. હવે ખુશીથી જશું."

"ને તે પછી તમારા મુકામની મને જાણ કરી દેજો. હું ચાલી આવીશ."

"ને જો પકડાઇ જઇએ તો?"

"તો જેલાં મળશું. એક વાર જેલને માથે વાવટો ચડાવીને પછી મરશું. પણ મરવા અગાઉ મારું એક કામ બાકી રહી જાય છે."

"કહો, બેન."

"માણેકવાડાના ગોરા પોલિટિકલ સા'બ સાથે હિસાબ પતાવવાનો."

"શાનો હિસાબ?"

"એ પછી કહીશ. એક વાર તમે ઠરીને ઠામ થાઓ."

રાતે ત્રણ જણાએ તૈયારી કરવા માંડી. લક્ષ્મણભાઇ અને પુનો દારૂગોળાની તજવીજ કરતા હતા, ત્યારે જુવાન વાશિયાંગ ડેલીના ચોપાટમાં બેઠો હતો. ઓરત ડેલીનો દરવાજો તપાસવા જતી હતી. એના હાથમાં જૂનવાણી ફાનસ હતું.

"કેમ, ભાઈ!" ઓરતે બંદુકની નાળી પર ટેકવેલું વાશિયાંગનું મોં જોઇને પૂછ્યું: "તમારે તો ઘેરે બાળબચ્ચાં છે, ખરું?"

વાશિયાંગે દયામણું મોં હલાવ્યું.

"હવે તો એને વીસરવાનાં." બાઈએ ટાઢો ડામ ડીધો.

વાશિયાંગ મોં ફેરવી ગયો. ઓરત વધુ કઠોર બની: "કલેજું વજરનું કરવાનું."

"મને આંહીં તમારી પાસે રહેવા દેશો?" વાશિયાંગનું રૂપાળું મોં સહેજ જળે ભરેલી આંખોએ કરી વધુ સોહામણું બનેલું હતું.

"શા માટે?"

"તમારે માટે મરવાનું મન થાય છે."

"પણ વગર જરૂરે?"

"મરવું તો છે જ. તો પછી મોતનો કસુંબો મીઠો કેમ ન કરી દઉં?"

એની આંખ કસુંબલ ચટકી પકડી રહી હતી.

"ભાઇ, તુંને મોહ થયો છે. એવા મોહ તો પગલે પગલે થાશે. ચેતજે. ભાઇ, બેય બગાડીશ મા."

"મને એકવાર દુઃખણાં દેશો?"

"ભાઇ, રહેવા દે. ભીતરના ભોરિંગને પડ્યો રહેવા દે. તારા દિલના રાફડાને વધુ ધોંકાવીશ નહિ."

એટલું કહેતી જ ઓરત દીવો લઇને અંદર ચાલી ગઇ. પાછલ એક ભડકો થયો. કોઠો ધણધણ્યો. સૂતાં પક્ષીઓએ કિકિયારીઓ પાડી. ત્રણે જણાં ડેલીમાં આવીને જૂએ છે તો વાશિયાંગને પોતાની બંદૂક ખાઇને બેઠેલો દીઠો.

"આ શો ગજબ!" લખમણભાઇ આભો બન્યો.

"એ ગજબની વાત હું સમજું છું." બાઇએ કહ્યું, "પણ તમે બેઇ હવે નીકળી જાવ. બંદૂકનો ભડાકો આંહીં હમણાં ટોળું ભેળું કરશે. તમારે નાહક ભીંત હેઠળ ભીંસાઇ જવું પડશે. ભાગવા માંડો."

"લાશને અવલમંજલ -"

"હું પહોંચાડીશ. ભરોસો રાખો."

વાશિયાંગનાં હથિયારો ઉઠાવી લઇ બેઉ જણા કોઠાની પાછલી બાજુથી નીકળી ગયા. ઓરત મંદિરમાં દોડી.

હનુમાનના કોઠાની ઝીણીઝીણી ખીલીઓ ઊપર બાવાએ ઘણી ઘણી ચીથરીઓ લટકાવી હતી. તેમાંથી 'ઘા-બાજરિયા'નામની વનસ્પતિની ચીથરી છોડીને ઓરતે ચારેક બાજરિયાં બાળી નાખ્યાં. તેની રાખ વાશિયાંગના જખમ ઉપર દાબી પાટો કસકસાવીને બાંધી લીધો. જખમ એક બાજુ થયો હતો.

બેહોશ પડેલા એ જખમીનું મોં ઓરત જોઇ રહી, ને બોલી: "આખરે તેં તો ધાર્યું જ કર્યું: તું મારી પાસે જ રહ્યો."

એના કલેજા ઉપર બાઇએ પંજો મૂક્યો. સામે બળતું ફાનસ એને કોઇ ચૂપચાપ જોઇ રહેલું જીવતું માનવી લાગ્યું.

થોડી ઘડી હાથ ખચકાયો. પછી એ હાથ જખમીની છાતી પર ચોરની જેમ, અપરાધીની જેમ મડાયો. જખમીના હૈયાના ધબકારાની ગતિએ એને ગભરાવી. એને ફાળ પડીઃ "આ તો જીવે એવું જણાય છે. શી વીતી? શી વીતશે?"

વાશિયાંગ જીવે તેનો ભય? શા માટે? ઓરત પોતાના અંતરના અટપટા ભોયરામાં જાણે કે દીવા વગરની ભટકતી હતી.


  1. લેખકનું સ્વરચિત