એકતારો
| એકતારો ઝવેરચંદ મેઘાણી |
અજાણ્યો યુવક → |
અન્ય ગીતોકાવ્યોનો સંગ્રહ
ઝવેરચંદ મેઘાણી
પ્રકાશક : ઝવેરચંદ મેઘાણી : ફુલછાબ કાર્યાલય : રાણપુર [કાઠિયાવાડ]
એકતારાનાં બnને ચિત્રો આલેખનાર
સ્વયંનિર્મિત કલાકાર ભત્રીજા
શબ્દોના સોદાગરો : કવિજનોને, સાહિત્યના સર્જકોને એ નામે ઓળખાવવા ઉચિત નથી ? સોદાગર એટલે દેશદેશાન્તરે ઘૂમતો, જૂજવા સીમાડાનો પરિભ્રમણશીલ વ્યાપારી. હાટડું માંડીને એ બેસે નહિ. એની વણઝાર સાહસોને નોતરતી ચાલે. અણખેડ્યા પંથ એને ડરાવે નહિ, અણદીઠી ભોમ એને અકળાવે નહિ, નવલા પ્રદેશોનાં એ અન્નોદક ચાખે. એની ઠાલવેલી પોઠ્યોમાંથી સ્થલેસ્થલની માલઆપલે ચાલે. સોદાગર શબ્દ સર્વોચિત છે, કારણ કે વિચારે અને ઊર્મિઓના કાફલા વહન્તો સાહિત્યક વિશ્વપ્રવાસી છે, સાહસશૂર છે, ધૂની છે, અને એ બધાંથી યે ચડી જાય તેવું તેનું બિરદ તો છે, પોતાના પ્રિય ઘરસંસારથી લાંબા વિજોગો, સ્વૈચ્છિક દેશવટાઓ લેવાનું. એના કેડા એકલતાએ ઘૂઘવતા હોય છે. છતાં એ તો વ્યવહારી સોદાગર છે, વિવેક એનું મોટું લક્ષણ છે.
'ઉપડ ધણીને દ્વાર !'
પણ શબ્દોના સર્વ સોદાગરોમાં યે વિલક્ષણ ને વિષમપંથી તો કવિતાકાર છે. એને આપણે ઓળખ્યો છે અતરિયો, સુરૈયો કહીને. ‘આપણ કાંધે લઈ ગઠડિયાં, ઉપડ ધણીને દ્વાર !’ એ બાંધ્યું છે મેં કવિ-સુરૈયાનું નિરાળું સ્વરૂપ. એનો અસબાબ એણે એની કાંધ પર જ ઉપાડવાનો હોય છે. એની કૂંપીઓમાં અર્કો, નિષ્કર્ષો ભર્યા છે. એની કવિતાની પોઠો કે કાફલા નથી ઠલવાતાં.
એના પ્રત્યેક શબ્દપૂંભડાની અવનિ ભરતી ફોરમને માટે માનવસંસારના ઊકળતા ચરૂમાં અજબમુખ પ્રાણ પરિતાપે બફાયા હોય છે. એણે જે સુંગધ નીચોવી છે તે કોટિ કોટિ જનહૈયાંનાં સંવેદનોમાંથી નીપજેલ હોય છે. ઉઠાવીને એણે 'ધણીને દુવાર’ ઊપડવાનું હોય છે. ‘ધણીને દુવાર’ : માલિકની સન્મુખ : કવિનું આખરી મુકામ ઈશ્વરનું આંગણું છે. ‘ધણીને દુવાર’ એ શબ્દ ભજનવાણીનો છે. રવીન્દ્રનાથે કરેલી કવિ-પ્રયાણની કલ્પના પણ
नीरव जिनि
ताहार पाये
नीरव वीना दिवेा धरि
“બધાં ગાનો ખતમ કરીને, આખરમાં મારી નિઃશબ્દ વીણાને તો હું એ ‘નીરવ’ને જ ચરણે ધરી દઈશ એજ છે :
સ્વાનુભવો ને પરાનુભવો
હું આ લખું છું તે શું ખરે જ અંતરમાં અનુભવું છું ? કવિતાકાર, સાહિત્યનો સર્જક શું સાચોસાચ નિજલખ્યું બધું સ્વાનુભવમાંથી નીતારે છે ? 'ગરજ કોને ?’ નામનું આમાંનું ભજન મેં એક ચિંતનગામી, યોગભક્તિના આશક અધ્યાપક પાસે ગાયું ત્યારે એણે પણ મને પ્રશ્ન કર્યો કે તું આ પ્રભુ-તલસાટનો અનુભવ કરી શકે છે ? 'પ્રભુ’ નામે ઓળખાતું કોઈ એક અગમ અગોચર સત્વ, માનવીને ખોજવા, મેળવવા, પોતાની પાસે ખેંચવા, પોતાના આત્મવિકાસની ભૂમિકા લગી ચડાવવા વલવલે છે; મત્સ્યાવતાર ધરી માનવજીવને જળમાં ગોતનારો, વરાહ રૂપે કાદવમાં ઢૂંઢનારો કોઈક ચૈતન્યજ્યોતિ યુગાન્તરોથી ઉત્ક્રાંતિક્રમ દ્વારા જીવને શિવ સ્વરૂપે પામવા મથે છે અને જળ, કીચડ, પથ્થર, વનસ્પતિ,
પંખી ને પશુકોટિમાંથી છેવટે માનવ-ભૂમિકામાં તે લઈ આવ્યો છે, તો યે હજુ તલસે છે : માનવી પ્રભુ માટે નહિ પણ પ્રભુ માનવી માટે તલસે છે ! એવો જે 'ગરજ કોને ?' ના પદ વાળો ભાવ, તે શું પદને રચયિતા પોતાના ઊર્મિતંત્રમાં અનુભવે છે ? તલસતા પરમ ચૈતન્યસ્વરુપની એને આત્મપ્રતીતિ થાય છે?
અધ્યાપક મિત્રના એ પ્રશ્નનો ઉત્તર મેં નકારમાં વાળ્યો. ભક્તો પોતાના અનુભવો ગાતા હશે, કવિતાકારોનો એક સમૂહ પોતાનાં ઉરસંવેદનોને શબ્દસ્થ કરતો હશે. પણ બીજો એક સમૂહ છે, જે બહુધા પરાનુભવોને જ પોતાના ઊર્મિ-તંત્રની વીણા કે એકતારા પર બજવવા મથે છે. એટલે કે મુખ્યત્વે એ કલ્પક છે, નિજનુભવી નથી. ઉદાહરણ લઈએ : પીડિતો દુઃખિતોનાં પદો ઘણાએ ગયાં છે. મેં પણ ગાયાં છે. એમાંનાં કેટલાંક પરભાષામાંથી મેં જેમ આપણી ભાષામાં ઉતાર્યા છે, તેમ બીજાં કેટલાંક જેને વ્યવહાર વાણીમાં મૌલિક નામે ઓળખવામાં આવે છે તે પણ વસ્તુત: મૌલિક નથી, એટલે કે તેનાં મૂળ રચનારના પોતાના પીડિતપણામાં નથી બાઝેલાં. પરભૂમિમાં ઉગેલ રોપાઓને પોતાને આંગણે લાવીને ચોંપનાર માણસની માફક પરપીડનના સંવેદનોમાંથી ઉદ્દભવેલા એ ભાવને મેં મારી કલ્પનાભોમમાં માત્ર રોપ્યા છે. ભોગવનાર અનુભવનાર, વેદનાનાં હળો વડે ખોદાઈ જનાર ભોંય પારકાં હૈયાંની છે; કવિતાકાર એ સંવેદનોના સીધા પરિસહનાર તરીકેનો દાવો કરી શકે નહિ.
સંવેદનની ખરલમાં
યૂથિકાએ ગાયું છે ગ્રામોફોનની તાવડી ઉપર : ‘કોઈ કહીયો કહીયો કહીયો રે હરિ આવનકી.' મીરાંનાં બીજાં યે ઘણાં પદો એણે ગાયાં છે. ગાન એનું છે, તલસાટ એના નથી. મીરાંના છે. મીરાંની ભસ્મ ઉપર ચાર સૈકાના વાયરા વાઈ ચુકયા છે. આજની ગાનારી
એ સૈકા-જૂના સૂક્ષ્મ પરાનુભવને પોતાના ગળામાં કોતરે છે. ગાનારી ભેખ લઈને, રાજવૈભવ ત્યાગીને, પતિને ય તરછોડીને, વૃંદાવનમાં વિચરવા નીકળી નથી પડી, ગાનારનું હૃદય પણ, મીરાંની પ્રભુપ્રીતે રંગાયું રસાયું હરદમ તો નહિ રહેતું હોય. ગાનારે ભગવો કે ધોળો વેશ પહેર્યો નહિ હોય. ગાનારી જેમ મીરાંની મનોભૂમિમાં પહોંચેલી નહિ હોય, તેમ બીજે પાસે મીરાંની નકલ, બનાવટ પણ નથી કરતી. એણે એનાં ગળામાં પરનું સંવેદન ઘૂંટ્યું છે. એ જ સ્વધર્મ કવિતાકારનો સમજવો. એ ઘૂંટે છે કલ્પનાવતી ઊર્મિતંત્રની ખરલમાં: પણ એ ઘૂંટે તો છે પારકાના જ અનુભવ, એવાઓની જમાતમાં આપણું સ્થાન હોય તો બસ છે.
અસલી કે નકલી
કવિઓ એટલે તો વેદવાણીમાં કહેલા ઋષિઓ : આર્ષદૃષ્ટાઓ: પરમ સત્યના પયગમ્બર પેખન્દાઓ: એ જ કવિઓ પોતાનાં પારગામી ચક્ષુઓનું ખચીત દીઠેલું ગાય. કવિતાકારો એવી આર્ષદૃષ્ટિનો તો શું પણ ઉંબર લગીની યે ભૂમિને નિહાળી શકવાનો દાવો ન કરી શકે. સ્વાનુભવલક્ષી કવિતાના રચનાકારો પણ જો ઝીણવટથી તપાસશે તો એમણે ગાયો હોય તે ‘સ્વાનુભવ’ કિંચિત જ પોતાનો અનુભવ હશે. પરાનુભવના પડધાને જ ઘણું ખરૂં એ સ્વાનુભવમાં ઘટાવતા હોય છે. વિશ્વકવિતાના પ્રચૂર વારસાની આપણને આજે સુકર પ્રાપ્તિ થઈ ચૂકી છે. એના ગાઢ પરિચયે આપણને ઉચ્ચારણની સરલતા સંપડાવી છે. એ સરલતાને આપણી કલ્પનાસૃષ્ટિમાં અનેકવિધ ખેલો ખેલાવીએ છીએ ને એ ખેલનમાં આપણી થોડીક ક્ષણોની સહૃદયતા મૂકીએ છીએ. તેને પ્રતાપે જ આજની કવિતા સરજાય છે. મીરાંને ગાવામાં જેવી સહૃદયતા યૂથિકાએ કેળવી છે તેના જેવી આપણી સહૃદયતા આપણા પરાનુભવગાનમાં
આપણે સીંચીએ, તેટલે અંશે એ કવિતા સાચી બની એમ કહેવાનો આજે શિષ્ટાચાર છે. સહૃદયતાનું પ્રમાણ જેમ અલ્પ, તેમ તે કવિતાને વધુ નકલી કહેવાનો રિવાજ છે.
પ્રયોગકારો છીએ
પણ આપણી ઘણીખરી કવિતા મૂળે તો નકલી જ છે. છતાં એમાંની સર્વોત્તમ નકલ એ કે જે તત્ક્ષણ પૂરતી દિલસચ્ચાઈએ વિભૂષિત : બાકીની બધી બનાવટપણાથી દુષિત : 'ઊછી ઉધારા અરક લઈ માંહીં ભેળે તેલ ધૂપેલ : એ રે સૂરૈયાની કૂડી ચાલાકી, નારીરંજણ ખેલ !' ઉત્તમ કવિતાકારો કુશળ કસબીઓ હશે ખરા કવિએ ન યે હોય. એવું કથન તુચ્છકાર નથી સૂચવતું. કુશળ કસબીપણું પણ કંઈ રસ્તામાં પડ્યું છે ! योग: कर्मसु कौशलम्। : એ તો યોગ છે. એ છે પ્રયોગકારોનો યોગ. ઘણાખરા પ્રયોગો જ કરનારા છીએ. નાના પ્રકારના કલ્પના-પ્રયોગો કરી, નાના પ્રકારના લાગણી-પ્રયોગો કરી, નાના પ્રકારના ભાષાછંદોના પ્રયોગો કરી કરી આપણે પરાનુભવોનું એવું ઉચ્ચારણ શોધીએ છીએ, કે જે પરજનોને પોતાના હૈયે વારંવાર રમતું લાગ્યા કરતું હોય છતાં રમ્ય સ્વરૂપે પ્રકટ કરતાં ન આવડતું હોય : 'what oft was thought but never so well expressed.' આંગલ કવિ પોપની, કવિતા વિષેની આ પિછાન મને સ્વીકાર્ય છે. આપણો સ્વધર્મ, અનેક હૈયામાં રમી રહે તેવાં વાણી-સ્વરૂપો ઘડવાનો છે. જન જનને ઊર્મિ-બારે એના આતમતત્ત્વને ભાવતાં ટોપરાં તેજાનાનાં વ્હાણો નાંગરતા તમે સાહસશૂરની ખુમારી ભર્યા સોદાગરો છો કવિતાકારો ! તમે પરમ જ્યોતિના પારદર્શીઓ નથી.
પરાનુભવોને ઝીલવા, એ પણ ઉગ્ર સાધના માગી લે છે. આતમની એરણ પરે એ પરાનુભવનો હથોડો પડે છે, તે ક્ષણે શબદ-તણખા
ઝરે છે, રગેરગ કડાકા થાય છે, ત્યારે શબ્દો ગોઠવાય છે, ને એ શબ્દરચનાઓ કરી કરીને ય આખરે એ કવિ, 'ખાંપણમાંય તારે ખતા પડશે.' તારા શબને કફનનો ટુકડો ય કદાચ નહિ મળે. તારાં તનની ખાખ થશે, પણ તે પછી ય તારા શબ્દો તો પંથવિહોણા પથિકોને વાટદેખાવણ દીવડા બની રહેશે.
ભજનનું વાહન
‘પ્રયોગકારો' કહ્યા મેં આજના કવિતાકારોને, 'યુગવંદના’ પૂર્વેનાં ‘વેણીનાં ફૂલ’ ને 'કિલ્લોલ’માં જૂજવા પ્રયોગો જ હતા. ‘યુગવંદના’ પણ પ્રયોગોની જ એક પોઠ્ય હતી. એમાં ભજનની ભાવલઢણમાં તેમ જ ઢાળલઢણમાં થોડી રચનાઓ કરી હતી: 'ઊંડી રે નીંદરૂમાં અમે સાંભળ્યું રે ધરતી માગે છે ભોગ !’ એ પહેલો પ્રયોગ: 'વીરા મારા પંચ રે સિંધુને સ્મશાન' એ બીજો ને 'ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી' એ ત્રીજો. પહેલો પ્રયોગ એક ધર્મપુરુષે દોરવ્યા સૌપહેલા પ્રજાસંગ્રામ પર અજમાવ્યો, બીજો પ્રયોગ એક માનવીના વધસ્થંભારોહણના પ્રસંગ પર, ને ત્રીજો એક વ્યાપક વિશ્વસ્થિતિ ઉપર. એ ત્રણ પ્રયોગોએ ઊપલી નીચલી સર્વ સાહિત્યરસ-કોટિઓનાં શ્રોતાજનો પર મેળવેલી સફલતાથી એક ખાત્રી થઈ કે ભજન એ કાવ્યનું જૂનવાણી વાહન નથી, એ કવિતાસ્વરૂપમાં સનાતન તાકાત ભરી છે; ને એ શક્તિસ્વરૂપ કેવળ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું જ નહિ પણ આત્મસમર્પણ, યુદ્ધ અને સામાજિક અવસ્થાની વિષમતાના આધુનિક (ખરૂં જોતાં તો સર્વકાલિન) ભાવોનું પણ ગરવું ગંભીર વાહન બની શકે તેવી છે. ને હકીકતે જોઈએ તો સોરઠી ભજનિકોએ ઘેરી ઘેરી ભજનવાણીના પ્રયોગો વીર, રૌદ્ર, કરુણ, શૃંગાર વગેરે સર્વ પ્રકારના રસોને પ્રકટ કરવામાં ક્યાં નથી અજમાવ્યા ?—
'ગરવે નેજા ઝળેળ્યા
'ગરવે નેજા ઝળેળ્યા રે
‘ગરવે ધણેણ્યો વાજાં વાગશે હો જી.'
એ પદના સંગ્રામોચિત સ્વરો.
'સોળ રે કળાનો સુરજ ઊગશે
'તપશે તે દિ' બાળોબાળ રે
હાં-હાં-હાં
'ધરતીનાં દોય પડ ધ્રૂજશે
'હોશે તે દિ' હલહલકાર રે
હાં-હાં-હાં
'પીર રે પોકારે મુંજાં ભાવરાં !'
એવા જેસલ પીરના રૌદ્ર પુકાર.
'ધરતી માથે હેમર હાલશે સૂના નગર મોજાર,
'લખમી લુંટાશે લોકું તણી એની નવ બૂમ કે ન વાર,
'પોરો રે આવ્યો સંતો પાપનો
'ધરતી માગે છે ભોગ !'
એવી વ્યાપક સતાવણીના આગમ-બોલ.
'સેજ પલંગ માથે પોઢતાં
‘બાળુડા ! સેજ પલંગ માથે પોઢતાં;
'એવાં પથરે પોઢાડ્યાં નાનાં બાળ...ગરનારી !'
એવી કરુણાદ્ર શિષ્ય-વાણી.
'એ જી જેસલ !
'તમે રે હીરો ને અમે લાલ !
'એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હોજી !'
એ પ્રેમોદ્ગાર.
ભજન-વાણીની એ ભાવેભાવમાં રમતી શક્યતા રાત્રિઓ પછી રાત્રિઓના નિસ્તબ્ધ પ્રહરોમાં આપણા શ્રવણે પડે છે. એના બોલ, લહેકા અને સંઘઝીલાતા સ્વરારોહો ને અવરોહો, કોઈ ઘુઘવતા મહેરામણની લહરમાળ જેવા આપણા પ્રાણને લહેરાવે છે. એના બોલ અને ધ્વનિ-ધાર જાણે નાદબ્રહ્મમાંથી નીતરતા હોય છે. સમૂહ-સંગીતની એમાં પરાકાષ્ટા છે. એ નાદબ્રહ્મની ઉપાસનાનું, પ્રત્યેક શનિવાર, પ્રત્યેક અજવાળી બીજ, આજના સર્વભક્ષી ધ્વંસની વચ્ચે પણ, કાવ્ય-સંજીવિની છાંટતું અક્કેક પર્વ છે.
'એકતારો' નામ કેમ?
ભજન-વાણીનાં એ તંતુઓ પકડવાને મારો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે. એના પ્રયોગ મેં 'મુંબઈની શરાબબંધી’ જેવી કે ઠક્કર બાપાની એકોતેરમી જન્મ-જયંતી જેવી પર્વણી માટે કર્યા છે. 'તકદીરની ત્રોફનારી’નું નિગૂઢ રૂપક મેં એ ભજન-પ્રયોગમાં ઢાળ્યું છે, ને છેલ્લે તે ‘ધણીને દ્વાર’ જઈ આ પ્રયોગ 'સંહારના સ્વામી’માં વિરમ્યો છે. વીસેક આમાં ભજનો છે, બાકીની જૂજવી રચનાઓ છે, એ સર્વના નાનકડા સંગ્રહને “એકતારો’ એવું નામ આપવામાં મેં મારાં મુખ્ય નવાં વલણોને અગ્રપદ આપ્યું છે.
પીડિત-ગીતોનો ઝોક
પ્રલયની ફૂંકો તો પીડિતોનાં કાવ્યોમાં લગાવે છે કવિતાકારો. કટાક્ષોના ઉગ્ર દંશ દે છે ને પીડકોને દઝાડે છે. પણ ભજનની વાણીમાં પ્રવેશ્યા પછી તો પલેપલ ઉદ્ભવ્યા છે આખરી કલ્યાણના જ ઉદ્ગારો. ઉચ્છેદકોને સંબોધ્યું છે કે—
- ‘વીરા ! એક બીજ વાવીએ ન જાણ્યું
- 'તો લાખ ઝાડ કેમ બાળ્યાં ?
- ‘વીરા ! એક બુન્દ નીર ના ઉતાર્યું,
- ‘જૂનાં નવાણ કેમ ટાળ્યાં !’ (ભ્રાંતિ)
- ‘વીરા ! એક બીજ વાવીએ ન જાણ્યું
નર્યા 'વેગ'ને પંથવિહોણો પેખ્યો; ને સંહાર કરતાં સર્જનની જ શક્તિ સત્કારી. ‘સંહાર’ની બ્રહ્માંડો છૂંદતી ફાળો કરતાં સર્જનનાં નાનાં ને સુકુમાર પા પા પગલાં વધુ ને વધુ પ્રભાવશાળી દેખાયાં છે. ‘યુગવંદના’માં 'કરાલ કાલ’ને અને ઉચ્છેદક ‘ઓતરાદા વાયરા’ને અહ્વાન દેનારી રૂચિ આજે તો 'સંહારના સ્વામી’ નું રૌદ્ર રૂપ ગાતી ગાતી પણ આખરે દીનભાવે ભાખે છે કે -
'સંહારના સ્વામી ! તુંને વંદના હો જી;
'તું છો શિવ અને છો સુંદર
'તું છો સત્ય અને છો મંગલ રે
'આખર તો એવાં રૂપે રાજજો હો જી.'
અંતિમ મંગલતા
વિશ્વના પરમ કલ્યાણકર તત્ત્વની આ અંતિમતા તરફ આપણા અંતરનું ઢળવું, એ કેટલું અગોચર અને રહસ્યભર્યું છે ! જૂના કાળનું મારૂં 'વીર જતીન્દ્રને' જોઉ છું ને નવું 'ફાટશે અગ્નિથંભો' એની સાથે
મીંડવું છું. બેઉ આમાં મૂક્યાં છે. જતીન્દ્રના આત્મસમર્પણને બિરદાવવા જતાં શબ્દોમાં કટુતા, ઉગ્રતા, કંઈક અંશે ફિશિયારી આવી છે. ને સમાપ્તિમાં–
'રજ રજ નોંધી રાખશું, હૈય, બીચ હિસાબ,
'અવસર આવ્યો માગશું, કિસ્મત પાસ જવાબ
'માગવા જવાબે એક દિન આવશું,
'ભૂખરી પતાકા સંગમાં લાવશું
'અમારા રક્તના હોજ છલકાવશું
'માતનો ધ્વજ ફરીવાર રંગી જશું.'
એવી દાંત-કચકચાટી છે. તેની સામે નવા ‘ફાટશે અગ્નિથંભો’માં નિર્દોષ પ્રજાજાગૃતિ રૂપી પ્રહ્લાદ પર કેર ગુજારનારા પીડકને માટે આખરી અંજામ તો, હિરણકક્ષ્યપુને થયો હતો તેવો જ કલ્પ્યો છે, કલ્પના તે એજ કારમા રૂપમાં કરી છે કે બરાબર સંક્રાંતિના ઊંબર પર પ્રજાત્વનો ધગેલો થાંભ ફાટશે, પણ સંહારતત્ત્વની બિભીષિકા તેટલે જ અટકે છે અને ગવાયું છે કે—
- ‘ને ત્યાંથી કોણ નરસિંહ ?ના, ના, કોક નવ રૂપે,
- 'અપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા રૂપે.'
એ જ મંગળ તત્ત્વની અંતિમ પ્રતિષ્ઠા, પરઆંગણેથી આણેલા રોપ 'કાંતનારાં’માં પણ મારી નજરે પડી છે. પીડિત પૃથ્વીસમાજના બે પ્રતિનિધિઓ જેવાં એ બે પાત્રોના પરસ્પર ઉદ્ગારોમાં, યુવાન પૌત્રી આગ વરસાવે છે, વૃદ્ધ દાદી આખરી આસ્થાનું જળસિંચન કરે છે, ને 'જો બેટા, લેરખી આવે સંદેશા લઈ ભાણના’ એવી એ બુઢ્ઢીની આશા-મીટને બળે બન્નેનો હૃદયધ્વંસ થતો બચે છે, કટુતાનું વિષપાન થંભી જાય છે.
કટુતાનું તત્ત્વ
કટુતા અને ઉગ્રતા આપણી કવિતામાંથી પૂરી વિદાય પામી જ એ શું આજની પ્રયોગાવસ્થામાં સહેલું છે ?
'અમૃત ને ઝેરના ઘડૂલા
'સિંધુ વલોવી કાઢ્યા સંગે,
'અમિયલ રહેવું જો હોય દુલ્લા !
‘ઘૂંટીને દોય પીજે સંગે.'
એ આમાં બતાવેલા બિરદ મુજબ 'અમિયલ દુલ્લા' બનવું કેવું કપરૂં ! નહિ, નહિ. વિષ ને અમૃત ભેગાં ઘૂંટી હજુ જણ્યું નથી, હજુ તો 'નધણીઆતી નથી' એ ભજનમાં મેં પ્રજા - ધેનુને મુખે ગવરાવ્યું છે કે -
'વાંભ સુણો મારા ધીંગા ધણીની,
'આવતાં નૈ લાગે વાર;
‘સૂકાં મારાં ચામડા સાટે.
જોજો લીલાં ચામ નો ફાટે !’
એમાં પીડાનાં લીલાં ચામડાં ફડાતાં કલ્પીને મેં અ માનવતાને દૂષિત કરી છે; પરંતુ બીજી બાજુ મેં સ્વાર્થપ્રેરિત વિશ્વ યુદ્ધોમાં બેગુન્હે કતલ થતા ભાડુતી સૈનિકોની જન્મદાત્રીઓને કલેજે આવી દારૂણ આરઝુઓ મૂકી છે -
'કારમા લોહ–થંભાઓ ગાળી અગ્નિરસો પીવો !
'કોટિકોટાન અંબાઓ ! આંકડા ભીડી નીસરો !
'હીંચોળી પારણાં લીધાં, ઝંઝા-જૂથ બનો હવે;
‘ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે!'
['હજુ કેટલાં કંદનો .......... ?’ પાનું ૪૪]
એવી કલ્પના શું દૃષિત છે? એમાં શું માનવતાનું અધર્ય છે ? એની સરખામણીમાં ઘણા માનવતાપૂજકોને 'પુત્રની વાટ જોતી' માતાના કાવ્યમાં (પાનું ૫૦) મંગલતા દેખાશે. એણે તો પંથભૂલ્યા રઝળું દીકરાને જ ઘેર આવવા વિનવ્યું છે. એણે તે પહેરેગીરોને પણ વિનવ્યું છે કાળી અંધારી રાતે કે -
'રઝળુ દીકરો ક્યાંય જો મળે,
'પથ બતાવજે, ઘરભણી વળે.'
એમાં બંડનો, ઉથલપાથલ કે દાઝભરી કટ્ટર ધ્વંસવૃત્તિનો નહિ, પણ આર્દ્ર સમજાવટનો ભાવ અંકિત છે. જેમ જેમ આપણું ઉર્મિતંત્ર ગળાતું આવે છે તેમ તેમ એજ ભાવ વધુ સ્પર્શે છે. પણ મેં કહ્યું છે તેમ, સામાન્ય કવિતાકાર, જે કવિ (આર્ષદૃષ્ટા) નથી, તે તો પરાનુભવે જ ઝીલતો રહે છે. અહીં ઝીલાતા આ બેઉ, મારા નહિ પણ પરનાં સંવેદનો હોઈ, મેં તો કેવળ એના દર્શાવક તરીકેની જ સ્થિતિ સ્વીકારી છે. ને મારો પરમ સંતોષ તે 'અસહ્ય વાત’ જેવા ગીતમાં (પાનું ૮૧) વસ્યો છે. એમાં પણ શત્રુ-સૈન્યના સૈનિકોની બંદૂકે ઘવાતી એક સ્ત્રીની લાગણીઓમાં પોતાને મારનારાઓના અંતરતમાં માતૃપ્રેમ ને સ્ત્રીસન્માનની કલ્પના મૂકી છે—
'એ મને ય જે આંતરિયાળ મળે
'તો બોલાવે પૂછી, તમે કોણ છો મા !’
પણ અસહ્ય વાત તો આ જખ્મી ને અપમાનિત જનનિના દિલમાં એક જ છે : આ સૈનિકદળોને મોતને પંથે ચડાવનારા મતલબીઓ એમ બિરદાવીને ઉત્તેજે છે કે 'મારો આ પરદેશીઓને, કેમ કે આપણી મા (માતૃભૂમિ) એમ માગે છે !’ અસહ્ય છે આ મા (માતૃભૂમિ)ના
નામે સંહારકવૃત્તિ ઉત્તેજવાની રણકીકીઆરી, કારણ કે 'મા’ ઊઠીને પારકાં સંતાનોનો સંહાર માગે કદી ?
આવી અસહ્ય વાત ઉચ્ચારવામાં એક પણ અપમાનકારી કટુ બોલ વપરાઈ બેઠો નહિ, એ આ રંક કવિતાકારની કૃતાર્થતા છે.
વ્યકત અને અવ્યક્ત
આત્મનિરીક્ષણનો આ દૃષ્ટિદોર મને મારાં, અહીં સંગ્રહેલાં પીડિત–ગીતોની વધુ તપાસે ખેંચી લાવે છે, કનિષ્ટ ભાવ મને પરદેશી કવિતામાંથી ઊતરેલા 'ગરીબોદ્ધારની ચાલાકીઓ'ના ગીતમાં (પાનું ૩૦) ભાસે છે. એમાં સર્વોપરિ સ્થાન મજૂરમાલેકોની આછકલી મજાકને જ મળ્યું છે. આવી આછકલાઈ કોઈ હડતાલીઆઓની ચોપાટી−સભા ગજવતા ભાષણખોરના મોંમાં જ સુસ્થાને ગણાય; કવિતામાં એ દૂષણ બને. કવિતામાં વ્યક્ત કરતાં અવ્યકત જ વધુ મહત્વનું. કવિતાની કસોટી જ એ : વ્યકતને બાદ દેતાં અવ્યકત કેટલું ગૂંજી રહે છે ? એ કસોટીએ ચડાવો તો આ ગીતની ક્લિષ્ટતા પ્રકટ થશે. અવ્યકત કશું જ નથી રહેતું.
એ આાંકણીએ ચડાવીએ 'મને વેચશો મા' ગીતને (પાનું-૨૨). આમાં પીડિત દલિતને, પોતાના બીજી બાજુના શોષકો (exploiters) તરફના−કહેવાતા સેવકો ઉદ્ધારકો પ્રત્યેનો કટાક્ષ છે. પીડિતના આંસુ વડે પોતાની સેનાની ઈન્ડી-પેનો ભરનાર, પીડિતના ક્ષુધાગ્નિ પર પોતાના રોટા શેકનાર, પીડિતનાં શોણિતમાં પોતાના ‘વાદ’ના વાવટા રંગનાર, પીડિતની પાંસળીઓનાં હાડકાં ગણાવવા માટે બાકી રહેલ ચામડાં પણ ઉતરડનાર આ નવીન શોષકોની ધંધાલક્ષી દાંભિકતા (insincerity) પર હું માનું છું ત્યાં સુધી આ પહેલો જ કટાક્ષ છે. પણ એ કટાક્ષનું કાવ્યતત્ત્વ થોડુંઘણું, ઉપરની જ પેઠે કલૂષિત છે. એ પીડિતોદ્ગારમાં ચબરાકી આવી છે. એમાં પીડિતોની
સ્વાભાવિક સહૃદયતા નથી વિલસતી. એ હિસાબે 'કેમ કરે, કાયદો નૈ !’ (પાનું ૨૬)નો કટાક્ષ વધુ માનવતાયુક્ત ને સ્વાભાવિક લાગશે. સંચાની સાથે ભાઈબંધીનો સ્નેહ સમજતા મજૂર યંત્ર ચલાવતાં ચલાવતાં પોતાની કુંવારી બહેનના વિવાહના વિચારે ચડે છે, વિવાહ માટે જોઈતાં નાણાં નથી; નાણાંની બચત વગર વિવાહ કેમ કરીને બનશે? એ વિચારગ્રસ્ત દશામાંથી સંચાના સંચાલન પ્રત્યે ગફલત જન્મી, બેધ્યાન બની જવાયું, સંચાએ બેધ્યાન 'દોસ્ત'નો હાથ એક જ લબરકે, કોણી સુધી ચાટી લીધો ! ને મજૂરની મા 'કમ્પસન’ (Compensation : નુકશાની) માગવા શેઠીઆઓથી માંડી રાજા સુધી ભટકી આવી પણ સૌએ એક જ જવાબ વાળ્યો : 'શું કરીએ બાઈ ! કોમ્પેન્સેશનનો તો આપણા રાજ્યમાં કાયદો જ નથી ના !’
આમાં મને કટાક્ષની નિર્મળતા દેખાઈ છે. હાંસી વેધક રહી છે પણ ઘાતકી નથી બની ગઈ, દાંતકચકચાટી દૂર રહી શકી છે. અને અવ્યકતનું શેષ મજૂરની બહેનનાં લગ્ન સંબધી ચિંતામાંથી નીપજતા પરિણામની કરૂણતાએ રંગાયેલું આપણા હાથમાં રહી જાય છે.
કવિતામાં પુણ્યપ્રકોપ
યંત્ર−માલિકો પ્રત્યેના રોષદ્વેષને દૂર રાખીને તેમજ મજુરની જ સર્વગુણસંપન્નતા ગજાવ્યા વગર, ન્યાય અન્યાયની વ્હેંચણી કરવાનો લોભ ત્યાગીને, પીડિતવાદના દરિયાવને ડોળવાનું કામ કવિતા માટે દુષ્કર છે. કવિતા કાં ગાળોનો કોપ બની જાય છે, કાં વેવલાઈની રૂદનિકા બની જાય છે. નરી ચ્હીડ અને પુણ્યપ્રકોપ વચ્ચે, ગુસ્સા અને જુસ્સા વચ્ચે વિવેક કરવાનો કવિધર્મ ગંભીર છે. પુણ્યપ્રકોપના વિશુદ્ધ પ્રાદુર્ભાવને ‘પુણ્ય'ની પહેલી અપેક્ષા છે ને એ પુણ્યવત્તાને પામતા પહેલાં હૃદયને કેટલા વિષઘુંટડા પચાવી જવા પડે છે ! વાણી ખીજાઈને વ્યકત થાય છે, ને એ ખીજ પણ સ્વાનુભવનું સત્ત્વ નથી હોતી,
(કવિતાકારોમાં તો હોય પણ ક્યાંથી !) તે હકીકત આજની ઊછીતી લીધેલી કવિ–ખીજને પણ વધુ કરુણ કરી મૂકે છે. આપણે ઘણા ખરા એના ભોગ બન્યા છીએ. પણ પ્રયોગદશામાં સાચદિલીથી પગ ઠેરવતા ઠેરવતા, ઠોકરો ખાતા ને લપટતા લોહીલુહાણ થતા આપણે નવા પંથો ખેડીએ છીએ. સ્વરૂપોની નવીનતા જે મુગ્ધદશા શરુમાં જન્માવે છે તે ઝાઝો કાળ ટકતી નથી. આપણે આપણા મહિમાની કલગીઓ માનેલી કઢંગાઈઓ અને ખૂબીઓ માનેલી ખામીઓ 'ધણીને દ્વાર' પહોંચતાં સુધીમાં તો આપોઆપ ખરી પડશે: 'તે દિ’ શબદ લય પામશે, હોશે આપોઆપ ઉજાસ, ચલ મન શબદને વેપાર જી !'
રૂચિભેદને કારણે
પણ પ્રત્યેક પીડિતગીતમાંથી પ્રધાનપણે પીડિતપણાની સ્થિતિ પ્રતિ હૃદય દ્રવીભૂત બને ને તે પછી જ અન્ય રસ નીપજે એવી રચના હોવી જોઈએ, એવું કેટલાક મિત્રોનું વિધાન માન્ય રાખી શકાય નહિ. પ્રત્યેક ગીતને કે કાવ્યને પોતાના વિષય પૂરતી જ રસ–નિષ્પત્તિ કરવાનું કર્તવ્ય છે. એ રસ વીર હોય, રૌદ્ર હોય, બિભત્સ પણ હોય, કરુણ હોય કે ન પણ હોય. અલબત્ત, આ બધા રસોની જમાવટ પણ રેઢી નથી જ પડી. એ પણ કવિતાકારના ઊર્મિતંત્રની ઉચ્ચ મનોભૂને માગી જ લે છે. એટલે અમૂક ગીતમાં અમૂક જે રસનું સંવેદન મૂકવાનો ઉદ્દેશ હોય તે ઉદ્દેશ જો ફળીભૂત ન થયો હોય તો જ એ ગીતને દોષ દઈએ; એમાં જે મૂકવાનો સંકલ્પ જ નહોતો તેનો અભાવ એ એનો દોષ ન કહેવાય. રૂચિભેદને કારણે કોઈને 'કરાલ કાલ જાગે’ અથવા 'કોદાળી વાળો’ કરતાં 'ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત’ વિશેષ ગમે, તો અનેક પ્રેમીજનોને ‘યુગવંદના’નાં પીડિતગીતોમાં વિલસતો પ્રાણ આ 'એકતારા’માં બુઢ્ઢો બન્યો લાગશે.
હમણાં જ એક સજ્જન કવિતાનું એક પ્રધાન લક્ષણ કહી ગયા : થીજી ગએલા પ્રાણ-પોપડાને ઉષ્મા અર્પીને ભેદવાનું, ઓગાળવાનું, પ્રવાહમાન કરવાનું કામ અસલ દરજજે કવિતાનું છે. બુદ્ધિવાદની અતિશયતા થીજાવે છે, વાસ્તવવાદનો અતિરેક થીજાવે છે; વ્યવહારદક્ષતાના દાવપ્રપંચોએ ટેવાએલાં હૈયાં થીજી હીમ બને છે. એના પર ઉષ્મારૂપ બની કવિતાનાં કિરણો પડે ને પીગાળે, પરંતુ લાગણીતંત્ર પર કિરણનું પીગાળણ કામ કરી આપતી કવિતા અને એકલા કેવળ આવેશ–તંત્રનો જ કબજો લઈ બેસતી કવિતા વચ્ચેની સીમારેખ દોરવી સહેલ નથી. એક જ કવિતા સાંભળીને બે માણસો જુદી જુદી અસરો અનુભવે છે. એક કહેશે કે આ તે પટુકરણ કવિતા sentimental stuff છે, બીજો કહેશે આ હૃદયદ્રાવક છે. દરેક વાતનો આધાર એ દિલ કોનું છે, અને એનું દ્રવન થવું એટલે શું, તે પ્રશ્નના જવાબ પર જ રહેશે.
વિશાળ કલ્પના–પટ
આત્મનિરીક્ષણની આ પળોમાં કવિતાકારે જો પોતાનો મત પ્રદર્શિત કરવાનો અધિકાર આગળ કરી જ લીધો છે, તો પછી અહીં એકરાર કરી નાખવો પ્રાસંગિક છે, કે મારી અહીં આપેલી કૃતિઓમાં વધુ પ્રાણપ્રિય મને તો આવાં લાગેલ છે : ‘શબદના સોદાગરને,' 'વર્ષા,' ;જોગંદર જગદીશને,' 'તકદીરની ત્રોફનારી,' 'મોરપીછાનું મૂલ,' 'ગરજ કોને' અને 'ધીમાં ધીમાં લોચન ખોલો !’ નાનકડા ખૂણા ખાંચરામાં કે સાંકડી ઊર્મિસીમામાં ખૂંચી ગયેલી કલ્પનાને જ્યાં વિશાળ આકાશપટ મળે છે, ત્યાં ત્યાં ક્ષુદ્રતા આપોઆપ વિરમી જાય છે. રાજબાળ વર્ષાને મેં અણરૂંધ્યા આભના નિઃસીમ પટમાં લાખ લાખ હાથોડા હાંકતી દીઠી, ઘન-કડાકાની તાળીઓ પાડતી નાસી છૂટેલી દીઠી. નવરંગી ચુંદડીના
લીરા ઉરાડતી એ તારામંડળના વડ–ટેટા ઝંઝેડે છે, ઘનીભૂત મેઘાંબરમાં એ પોતાનાં નેણાં સમારવાનું કાજળ ઘૂંટે છે, ને એ સંધ્યાને આભઓવારે ઊભેલ કોઈ બખ્તરિખા જોદ્ધાની પીઠ પાછળ એક ઘોડલે બેસીને બાપુનો દેશ છોડી જાય છે.
કારમાં છુંદણાં
એ કલ્પનામાં અનુભવેલી ઉન્મુક્તતા અને સુવિશાલતાનો ‘તકદીરને ત્રોફનારી’માં મને સવિશેષ સઘન અનુભવ થયો છે. જેણે આકાશની છાતીનો બરાબર મધ્ય ઉરભાગ છૂંદણે ટાંક્યો, જેણે પુરાતન પુરુષ રામચંદ્રના તકદીરમાં કીર્તિની વેલડીઓ ત્રોફી, રાજયોગી ભર્તૃહરિના લલાટમાં જ્ઞાનવૈરાગ્યનો અમર યશ ટાંક્યો, ને બાળુડા ગોપીચંદની પીઠમાં એની જનેતાના આંસુ વડે જગદ્વવંદ્ય ભેખ ત્રોફ્યો, એવી એક નિગૂઢ વિધાત્રીના હાથમાં નીલા રંગની કુલડી તો નાની છે, પણ એમાં એણે દરિયાના દરિયા ઘોળ્યા છે : એણે ફક્ત પોતે ત્રોફેલા ત્રાજવાના સુંદર નમૂના જ બતાવ્યા, પણ ન બતાવી એની સોય (એની સંતાપીતલ શક્તિ) કે જે વડે એણે કોઈકનું કલેજું ને કોઈકનાં કપાળ ત્રોફ્યાં હતાં. ખોલી ખોલીને એ બતાવે છે પોતાનાં કરણોજ્જવલ કારમાં ત્રોફણો. ને...હાય, એનાં ત્રોફણાંનું કીર્તિસૌંદર્ય કામી લેવાની અણસબુરીમાં માનવીને નજરે નથી પડતી .પેલી 'કમખામાં સંતાડલ સોય’ નામની કીર્તિ-ત્રોફણ કસોટી. રૂપ જોઈએ છે, પ્રસિદ્ધિ ખપે છે, પણ નથી બરાબર કલેજાના મર્મભાગ ઉપરનાં, સાચાં સંવેદનનો રંગ પકડતાં, તકદીરનાં ત્રોફણાં ખમી ખાવાની તૈયારી. ભજનવાણીનો નિગૂઢ પ્રાણ પકડી શકાયો હોવાનો ઠીક ઠીક સંતોષ મને આંહી થયો છે. ભજનસાહિત્યમાં કોઈ કોઈ ઠેકાણે રમતી કલ્પનાની મહાકાયતા આાંહી મારે દ્વારે ઘડીક ડોકાઈ ગઈ છે.
રવીન્દ્ર-પ્રસાદી
ને કલ્પનાને બ્રહ્માંડ-તોરણે અડી આવવાનો બીજો મોકો, 'જોગંદર જગદીશ'માં મળ્યો છે. જડ ચેતન સચરાચરમાં જીવન−તત્ત્વ નામનું કેન્દ્ર ખોજતા એ વૈજ્ઞાનિકને મૂળ કાવ્યકર્તા શ્રી રવીન્દ્રનાથે જ એવો રહસ્યવેત્તા, Mystic આલેખ્યો છે, કે અંગ્રેજી પરથી ગુજરાતી ચિત્ર તો રમતું રમતું આવી ગયું. ક્ષુદ્રતાએ ભરી સાંકડી સૃષ્ટિ ખદબદતી હતી તેજ જમાનામાં આ શોધક તપોધન વિશ્વના શેષ સીમાડા વટાવતો હતો. દૃશ્ય જગતના છેલ્લા સીમાડા વટાવીને એણે તો જીવન−કિરણની શોધમાં અરુપની ગાયબ દુનિયાનાં દ્વાર ખખડાવ્યાં. એ પારગામિતાનાં દ્વાર આર્ય મહર્ષિઓએ એની સન્મુખ ઉઘાડાં મૂક્યાં. જૂજવાં જીવસ્વરૂપની સૃષ્ટિને પાર બેઠેલા એકાત્મનાં એણે દર્શન કર્યા. એ આખું જ ચિત્ર આપણી કલ્પનાને વિક્રમશીલતાનાં સાજ સજાવી અપાર્થિવ વિભૂતિ વડે અંકિત કરે છે, શકયતાઓ અને સિદ્ધિઓના સીમાડા કમ્પાયમાન બને છે, પ્રજ્ઞા અને અને પારગામિતા કવિતાંગણમાં રમવા ઊતરે છે. એ પ્રાસાદી ટાગોર પાસેથી મળે છે.
કટાવના ટુકડા
એ રવીન્દ્ર-વાણી ઝીલતા ગુજરાતી કટાવ−ટુકડાને કંઠના હીંડોળે હીંચોળતાં હીંચોળતાં મારી કવિતાઓની બીજી ક્ષુદ્રતા કે લધુતાઓ ભૂલી જવાય છે, ને જીભ અણથાકી નાની કિશોરી રૂપે જાણે દોરી–કુદાવ કરવા લાગે છે -
'ખદબદતી જનતાના પાગલ
'કોલાહલમાં અણચલ રહીને
'કોણ મળ્યો તું
‘વિરાટના લધુ વચબિંદુનો
'પ્રશાંત શોધક...
* * *
‘સૂર્ય−ચાંદલે
‘પુષ્પ−પાંદડે
'પશુ−પંખી, પાષાણધૂળમાં
'ઝુલે અનિદ્રિત
'એક જ્યોતિકણ
* * *
'પૂર્વજના અધાર−કૂપમાં
'ડોક ફુલાવી
'ડરાં ડરાં કલશોર ગજવતાં
'અમે દેડકાં—
'તે સમયે તું
'કયા વિશ્વના શેષ–સીમાડા
'હતો ઘૂમતો...
* * *
'દ્વય કર જોડી
'ચક્તિ સ્તબ્ધ
‘વાચાહીન મુખડે
‘પ્રણયે વિભુને
* * *
આ કૃતિએ, તેમજ ઠક્કર બાપાની એકોતેરમી જન્મજયંતીને સમયે 'અણવંચાએલા અગમ સંદેશા' ઉકેલતી કવિતા મારા પ્રાણપટને પહોળો, વધુ વધુ ને વધુ પહોળો કરે છે. થીજેલું કંઈક અંદરખાને દ્રવવા ને વહવા લાગે છે. પુરાતન કાળની સમાધિઓના ટીંબા ઊઘડે છે, કબરો ખુલે છે, મશાલો જલી ઊઠે છે, જતિઓ ને સતિઓનાં કાળનિદ્રામાં પોઢેલાં વૃંદો જાગે છે, સૂતેલાંની સોડ્યો સળવળે છે. પત્થરોનાં પડો ધ્રુજે છે−ને એ સર્વ લાગણીઓનું સંવેદન અકળ−ગમને સુકલિત તેમજ સુગોચર બનાવે છે.
મારી કાવ્યકૃતિઓની પ્રાર્શ્વભૂ મને આ રીતે સમજાઈ છે. લંબાણભય બીજી કવિતાઓ વિષે કશું કહેવા દેતો રોકે છે. એક જ કાવ્યસ્વરૂપમાં ઝકડાઈ રહેવાને બદલે નૂતન પ્રયોગો કર્યા કરવાની વૃત્તિ જોર કરતી હોઈને સર્જનમાં વિપૂલતા આણવાનું અશક્ય છે, પણ તો તેથી ગુજરાતી સાહિત્યને કશું નુકસાન નથી. 'ઊછી ઉધારા અરક લઈ માંહે ભેળે તેલ ધુપેલ' એવી કવિદશામાંથી ગુજરાતના કવિતાકારો બચેલા રહે, ભલે તેઓ અલ્પ જ સર્જે, અને નાની મોટી પોતાની સર્વ રચનાઓ પરત્વે એમની−ને મારા જેવા અલ્પની−આ એક જ શ્રદ્ધા સ્થિર બને કે:
હૈડા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી
એ જ સૂરોના ઈમાની ભાઈ ! ગાયા કર ચકચૂર
જી−જી− શબદના વેપાર.
“And above all, to thine own self be true.' એ શેક્સ્પીઅર−વાક્યમાં ગૂજતું એ 'ઈમાન' જ આપણું હો, બાકીનું બધુંજ માલિકને ચરણે.
તા. ૨૯:૯:'૪૦
અનુક્રમણિકા
| પાનું | ||
| પ્રવેશક (આત્મનિરીક્ષણ) | ૧ થી ૨૪ | |
| ગીતો પંચાવન | ||
| ૧. | આવજો આવજો વા'લી બા ! | ૨૯ |
| ૨. | શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી | ૧ |
| ૩. | નવાં કલેવર ધરો હંસલા | ૫ |
| ૪. | વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી | ૬ |
| ૫. | દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા | ૭ |
| ૬. | યુગ યુગના કેડા પર કદમે ભરતી | ૮ |
| ૭. | અદીઠી આગના ઓલાવણહાર જીવો ! | ૧૦ |
| ૮. | ભોંઠી પડી રે સમશેર | ૧૨ |
| ૯. | હિન્દીજન તો તેને કહીએ જે | ૧૫ |
| ૧૦. | આ પારે ગામડું ને એ પારે શે’ર | ૧૬ |
| ૧૧. | ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ | ૧૭ |
| ૧૨. | સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી | ૧૮ |
| ૧૩. | મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન ! | ૧૯ |
| ૧૪. | કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે | ૨૧ |
| ૧૫. | વેચશો મા મને વેચશો મા | ૨૨ |
| ૧૬. | ચિતા સાત સો જલે સામટી | ૨૩ |
| ૧૭. | દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, | ૨૫ |
| ૧૮. | મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો, | ૨૬ |
| ૧૯. | તાપીના તીર તણી ગરવી ગુજરાતણ | ૨૮ |
| ૨૦. | ગાઓ ગીતો 'ગરીબોદ્ધાર'નાં, | ૩૦ |
| ૨૧. | પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો | ૩૨ |
| ૨૨. | વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં, | ૩૩ |
| ૨૩. | તમે ગીતા પાઈ, પચી નહિ અમોને, | ૩૯ |
| ૨૪. | તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને | ૪૧ |
| ૨૫. | થંભો જબાનો, કવિ-ગાન થંભો | ૪૨ |
| ૨૬. | પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; | ૪૪ |
| ૨૭. | કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! | ૪૫ |
| ૨૮. | હું જુવાન, હું જુવાન, | ૪૬ |
| ૨૯. | વધે છે અંધારૂં, | ૪૮ |
| ૩૦. | પૂછે કોઈ શિશુ જો તમને, | ૪૯ |
| ૩૧. | રઝળુ દીકરા ! ઘેર આવજે, | ૫૦ |
| ૩૨. | બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, | ૫૧ |
| ૩૩. | જી રે બાપુ ! તમને કરાવી પારણિયાં, | ૫૩ |
| ૩૪. | ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર | ૫૫ |
| ૩૫. | રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ | ૫૬ |
| ૩૬. | ભૂકમ્પે દફનાઈ ગયેલા | ૫૯ |
| ૩૭. | સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે | ૬૫ |
| ૩૮. | સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે, | ૬૭ |
| ૩૯. | સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, | ૭૦ |
| ૪૦. | મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક ! | ૭૩ |
| ૪૧. | બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે, | ૭૪ |
| ૪૨. | આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય ? | ૭૭ |
| ૪૩. | કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો ! | ૭૯ |
| ૪૪. | મને મારનારા ગોળી છોડનારા | ૮૧ |
| ૪૫. | નગરની રોશની નિરખવા નીકળ્યાં | ૮૨ |
| ૪૬. | ગરજ હોય તો આવ ગોતવા . | ૮૫ |
| ૪૭. | એક પરદેશી હતો મુખરડો | ૮૮ |
| ૪૮. | બનાવટી છે ! | ૯૦ |
| ૪૯. | સલામો કરૂં બીજના ચાંદને, | ૯૩ |
| ૫૦. | આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે | ૯૪ |
| ૫૧. | એક દિ' ઠાકર ભાન ભૂલ્યો | ૯૭ |
| ૫૨. | પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ? | ૯૯ |
| ૫૩. | આ એક જાનવર ને વિદવાન બીજો | ૧૦૦ |
| ૫૪. | તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી | ૧૦૧ |
| ૫૫. | હળવાં હળવાં લોચન ખોલો | ૧૦૪ |
| ગીતોનું વિભાગીકરણ | ૧૦૭ | |
| ટિપ્પણ | ૧૧૧ |
૦
આવજો આવજો વા’લી બા ! હો વા’લી બા !
કે એકવાર બોલ, ભલે ભાઈ તું જા !
પાછલી તે રાતને પે'લે પતરોડિયે
ઝબકીને તું જ્યારે જાગે
રે મા ! ઝબકીને તું જયારે જાગે !
ઓસીકે પાંગતે ફેરવતાં હાથ તુંને
પડખું ખાલી લાગે હો મા !
મા ! મા ! મા !
માડી મને પાડજે હળવા સાદ
પડઘો થઈ હું દૈશ જવાબ—આવજો૦
તારા હૈયા તે પરે ખેલવા ને ગેલવા
આવું બની હવાનો હિલોળો
મા ! હવાનો હિલોળો;
લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે
ગૂંથશે તું જ્યારે અંબોડો હો મા !
મા ! મા ! મા !
માડી ! તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં
ચાર પાંચ ચુમી ભરી ચાલ્યો જાઉં—આવજો૦
ચંદન-તળાવડીનાં નીર મહીં ના’તી
જોઈ જૈશ હું તને જ્યારે
રે મા ! જોઈ જૈશ હું તને જ્યારે;
મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ
તોય મને કોઈ નહિ ભાળે હો મા !
મા ! મા ! મા !
માડી મારી છલછલ છાની વાત
સાંભળીને કરજે ના કલપાંત—આવજો૦
આષાઢી રાતની મેહુલિયા–ધારનું
ઝરમર વાજું વગાડું
હો મા ! ઝરમર વાજું વગાડું,
બાબુડિયા બેટડાને સંભારી જાગતી
માડી ! તુંને મીઠડી ઊઘાડું હો મા !
મા ! મા ! મા !
માડી હું તો વીજળીનો ઝબકારો
કે જાળીએથી 'હાઉક !' કરી જૈશ હું અટારો—આવજો૦
આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા ! સુઈ જા,
રે મા ! થૈને બેલીશ : બા ! સુઈજા;
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક બે બક્કા હો મા !
મા ! મા ! મા !
માડી તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિઃશ્વાસ—આવજો૦