એકતારો/વેચશો મા મને વેચશો મા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે એકતારો
વેચશો મા મને વેચશો મા
ઝવેરચંદ મેઘાણી
ચિતા સાત સો જલે સામટી →


મને વેચશો મા !

વેચશો મા મને વેચશો મા !
તમે લોકોના સેવકો, વેચશો મા !

મારી પાંસળીઓનાં હાડકાં ગણાવવા
રહ્યાંસહ્યાં ચામડાં ખેંચશો મા—તમે૦ ૧.

મારાં આંસુની તમે શાહીઓ ઘુંટાવી
સેનાની ઈન્ડી–પેન સીંચશો મા—તમે૦ ૨.

મારા હૈયાની માંહી ધીખે છે આગ ત્યાં
પોતાની રોટીઓ શેકશો મા—તમે૦ 3.

મારાં શોણિત મહીં રંગેલા વાવટા
લૈ લૈને ગાનતાન ગ્હેકશો મા—તમે૦ ૪.

સોનાની થાળીએ ભોજન આરોગતા
મારી હાંડીની વાતો ફેંકશો મા—તમે૦ ૫.

વેચશો મા, મને વેચશો મા,
તમે કવિઓ ને લેખકો, વેચશે મા !—મને૦ ૬.