એકતારો/હળવાં હળવાં લોચન ખોલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી એકતારો
હળવાં હળવાં લોચન ખોલો
ઝવેરચંદ મેઘાણી
ગીતોનું વિભાગીકરણ →ધીમાં ધીમાં લોચન ખોલો રે
Ο
[ ગરવે નેજા ઝળેળ્યા – એ ભજન ઢાળ ]


હળવાં હળવાં લોચન ખોલો
ધીમાં ધીમાં લોચન ખોલો રે
સંહારના સ્વામી ! થોડા ડોલજો હો જી ૧.

ભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી.
દેવા ! પાંપણને સૂપડલે
સ્વામી ! પાંપણને સૂપડલે રે
સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી. ૨.

મીટુંમાં માંડો માલિક ! ત્રાજવાં હો જી.
ત્રણે ખંડોને લ્યો તોળી
ચૌદે બ્રહ્માંડોને તોળી રે
સાંધણ નવ રાખો એકે વાલનાં હો જી. ૩.

દગ રે ટાઢી ને હેમાળે ભરી હો જી.
દીઠે દાવાનળ ચેતાવ્યા
ચોગમ હૂતાશન ચેતાવ્યા રે
સળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હો જી. ૪.

માથે વીંટાળ્યા ધણીએ રાફડા હો જી.
ભીતર ભોરીંગો ફૂંફાડે
જાગ્યા વાસંગી ફૂંફાડે રે
ભાગ્યા વાદી ને ભાગ્યા ગારૂડી હો જી. પ.

ભીડી પલાંઠી અવધુ બેસિયા હો જી.
એનાં અણચલ છે યોગાસન
એનાં મંગાં મૂંગાં શાસન રે
શબદ વિણ હાકમ ! સત્તા હાલતી હો જી. ૬.

કેને નવ મેલ્યા કેને મેલશે હો જી,
સ્વામી સૌનાં લેખાં લેશે
વારાફરતી લેખાં લેશે રે
ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી. ૭.

સંહારના સ્વામી ! તારો વાંક શો હો જી!
તમને ઢંઢોળી જગાડ્યા રે
ધુંણી ધફોડી જગાડ્યા રે
જગવણહારાને જુગતે ઝાલજો હો જી. ૮.

સંહારનાં સ્વામી ! તુંને વંદના હો જી.
તું છો શિવ અને છો સુંદર
તું છો સત્ય અને છો મંગળ રે
આખર તો એવા રૂપે રાજજો હો જી.


ઘેરાં ઘેરાં લોચન ખોલો
ગાઢાં પાંપણનાં પડ ખોલો રે
સંહારના સ્વામી ! થોડા ડોલજો હો જી.*[૧]


  1. *શ્રી દેવીપ્રસાદ રોયચોધરીની એક શિકપાકૃતિ ( શિવ-સંહારક ) પરથી સ્ફુરેલું.