એકતારો/ટિપ્પણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગીતોનું વિભાગીકરણ એકતારો
ટિપ્પણ
ઝવેરચંદ મેઘાણી


પ્રથમ પ્રસિદ્ધિ

આમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુધીના ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં. તે સિવાય ‘શબ્દોના સોદાગરને’ ૧૯૩૬ ના 'શરદ' વાર્ષિકમાં, ‘કાંતનારાં’ જન્મભૂમિના ૧૯૩૪ ના દીપોત્સવીઅંકમાં, ‘શૉફરની દિવાળી' 'નૂતન યુગના જોગંદર જગદીશને' 'સાહિત્યની બારમાસી’ ‘અનાદર પામેલી લેખિનીને પત્ર” અને 'જુદાઈના જંગલમાંથી’ એટલાં ‘જન્મભૂમિ’ માં પ્રકટ થયેલાં. 'વર્ષા' ૧૯૩૫માં ‘બે ઘડી મોજ’માં છપાયું હતું.

'વીર જતીન્દ્ર' 'યજ્ઞધૂપ’ અને 'મોતનાં કંકુઘોળણ' વર્ષો પર એક નાના સંગ્રહમાં મૂકેલાં, પણ એવા ત્રણેક નાના સંગ્રહો વિખેરી નાખીને એનાં આ બે સિવાયનાં બધાં ‘યુગવંદના’માં ઉમેરી દીધેલાં; આ ત્રણ રખડુ મેંઢાં બહાર રહી ગયેલાં એને આજે આ વાડામાં પૂરવામાં આવે છે.

'તકદીરને ત્રોફનારી’, ‘ગરજ કોને' અને 'વધુ ન માગ્યું' એ ત્રણે અપ્રકટ નવલાં છે.

અનુવાદો

અનુવાદો ફક્ત પાંચ છે : 'કાંતનારાં’ ‘ધરણીને દેવ સમાં વરદાન’ ‘અનાદર પામેલ લેખિની’, ‘નૂતન યુગના જોગંદર જગદીશને’ અને 'ગરીબોદ્ધારની ચાલાકીઓ’. આની અસલ કૃતિઓ આજે હાથવગી હોત તો સરખામણી સમજવા માટે અહીં શામિલ કરત. એ ન સાચવ્યાની બેદરકારી સાલે છે.


ચિત્રો પરથી સૂઝેલાં

'લોકેશ્વરનો સેતબંધુ’ ફૈઝપુરની પ્રથમ પહેલી ગામડે ભરાયેલી મહાસભાનું સ્મરણ અંકિત કરે છે. કેટલાંક ગીતો ચિત્રો પરથી રચાયાં છે : 'પૃથ્વીનાં સાવકાં બાળ’ એ શ્રી. કનુ દેસાઈના 'ભાઈ બહેન’ પરથી; 'મને વેચશે મા' એક ગરીબના યુરોપી ચિત્ર પરથી : 'દ્યો ઠેલા' એક યુરોપી ચિત્ર પરથી; 'કેમ કરે કાયદે નૈ' એક હાથ કપાયેલા, રાજસ્થાની કારખાનાના મજૂરની છબી પરથી : 'હસતા હિમાદ્રિને' હિમાલયના નંગા શિખર પર પરદેશીઓના આરોહણ પરથી : 'હજુ કેટલાં ક્રંદનો બાકી છે’ એ સ્પેનીશ જાદવાસ્થળીમાં ખપેલા એક પુત્રના શબ ઉપર આક્રંદ કરતી માતાની તસ્વીર પરથી : 'કાળનું વંદન’ સ્વ. તિલક મહારાજની, ચોપાટી પરની પ્રતિમા પરથી : 'ફાટશે અગ્નિથંભો’ એ એક જાતે દેરેલા કાર્ટૂન પરથી ઉતારેલ છે. ‘પુત્રની વાટ જોતી' રાજકોટના સ્વ. ઠાકોર ધર્મેન્દ્રિસિંહજીના એક કાર્ટ્રન પરથી : 'અસહ્ય વાત’ એક ચીનાઈ જનેતાના ચિત્ર પરથી : 'બંદૂકની આડશે’ એક કાર્ટુન પરથી : 'મોરપીંછનાં મૂલ’ આ સંગ્રહમાં મૂકેલા મુખપૃષ્ટના ચિત્ર પરથી : 'ધીમાં ધીમાં લોચન ખોલો’ શ્રી દેવીપ્રસાદ રાયચૌધરીના, મોડર્ન રીવ્યુના જુલાઈ ૧૯૪૦ ના અંકમાં આવેલી શિલ્પકૃતિ 'Shiva The Destroyer' પરથી.

‘દૂબળાની નારી’ જો કે ‘યુગવંદના’માં મૂકેલ 'સાંથાલની નારી'ની અનુકૃતિ છે છતાં એ પણ હરિપુરા મહાસભાનું વિઠ્ઠલનગર બાંધવામાં માટીનો ટોપલો વહેતી એક યુવતીની તસ્વીર પરથી છે.


ટિપ્પણ

શબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:

‘જો વિસારૂ વલહા ! ઘડી એક મુંજા ઘટમાં,'
'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”

નવાં કલેવર ધરો ! (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ ! તારી ભૂલથી પણ એક વાર જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.

હજી શું બાકી હશે (પા. ૭) : અસલનું એક આગમ-ભજન છે:

'દેવાયત પંડિત દા'ડા દાખવે
'સુણો તમે દેવલદે નાર
'આપણા ધણીએ સત ભાખિયાં
'જૂઠડાં નહિ રે લગાર
‘લખ્યા રે ભાખ્યા રે એ દિન આવશે.”

એ ભજનમાં 'ઓતર થકી રે સાયબો આવશે’ એવા કોઈ પૃથ્વીપાપ ધોવા આવનાર પુરૂષની આગાહી છે.

સર્જનસંહારની જોડલી (પા.૮) : સર્જનને, રચનાશક્તિને અહીં ‘બાળી' એટલે બાલિકારૂપે કલ્પી છે. એટલે જ એ પા પા પગલાં-નાનાં પગલાં માંડે છે. રચનાકાર્યને હમેશાં સમય લાગે છે. આખરે 'સંહાર ધા દેતો ધાયો,' કેમ કે એણે કરેલા વિનાશ પર તો સર્જનશક્તિએ નવનિર્માણ કર્યું. આખરે તો એ પોતે ય નાસીને જાય કયાં ? ચોમેર સર્જનનાં યશોગાન સંભળાયાં. પોતે પરાજય પામ્યો એટલું જ નહિ પણ નાસી જઈ ન શકવાથી સર્જનને જ શરણે આવ્યો.

અદીઠી આગના ઓલવનારા (પાનું ૧૦) : શરાબખોરી એ કલેજાને જલાવતી અદૃશ્ય આગ છે. એને ‘ભીતરની ભઠ્ઠી’ કહી, ‘આત્માની તુરંગ (જેલ)’ કહી. ‘જમરખ (દીવડો)'=યમથી રક્ષા કરનાર.

હિન્દીજન (૧૪) : “વૈષ્ણવ જન તો તેને કહીએ' એ સુપ્રસિદ્ધ પદની હળવી અનુકૃતિ ('પેરોડી) છે. અસલની કેટલીક કડીઓનું અનુકરણ કર્યું છે તે મેળવી જોવા જેવું છે. વર્ષા (પા. ૧૭) : વર્ષોને કાઠિયાણી રાજબાળા કલ્પી છે. 'સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘેડલાની જોડ્ય’=વર્ષાના દિનની સંધ્યાવેળાએ પશ્ચિમ દિશાને આભઆારે રચાતી કોઈ ઘોડેસવાર જોદ્ધાની વાદળી–આકૃતિ. બેલાડ્ય ચડી=એક ઘોડેસવારની પીઠ પાછળ બીજું ચડે તે 'બેલાડ્ય ચડ્યું' કહેવાય. વરસી રહેલી ઋતુ રાજબાળાને એવા કોઈ પિયુ સાથે ન્હાસી જતી કલ્પવામાં આ વર્ષાસંધ્યાઓની વાદળ આકૃતિઓ વિષેની નરી Phantasy છે. વીજળી–સનકાર=વીજળી રૂપી નયન–ઈસારો.

ધરણીને દેવ સમાં વરદાન (પા. ૧૯) : 'પૂર્વ પચ્છમને ગગન કેડલે...' એ પહેલી કડીમાં વૈજ્ઞાનિક હકીકત છે, કે આકાશવાણીની સ્વર–લહરો (Sound–waves) પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ગતિ કરે છે. સર્જનહારે અમરોને દીધેલ વરદાન મર્ત્યભૂમિને ય દીધેલ છે, એટલે કે સૂર્યદેવના રથને જે ગતિ–દિશા દીધી છે તે જ ગતિદિશા ધરતીની આ સ્વરવાહક વૈજ્ઞાનિક શક્તિઓને દીધી છે.

નધણીઆાતી નથી (૨૧) : સૌરાષ્ટ્રની તાલુકદારી વસ્તીને ગાય કલ્પીને, તેને પોતાને તાબે કરવા મથતા રાજવીઓ રૂપી ગોવાળોની તાણાખેંચના રૂપકમાં મૂકેલ છે. આથેય=કોઈ પણ. નાદાર= તાકાતહીન, ગોકળી=ગોવાળ, ચામ=ચામડું. ગેલા = ઘેલા. વાંભ= ગોવાળ ધણીનો પશુને બોલાવતો સાદ.

દ્યો ઠેલા (પા. ૨૫) : સમાજરચનાના અત્યારે ખોટકોઈને અધવચ્ચે અટકી પડેલા યંત્ર–વાહનને ધકેલા દઈ દઈ મુકામ પર પહોંચાડવાની શ્રમજીવીઓની તમન્નાને બિરદાવતું નાદપ્રધાન ગીત. 'હમ્બેલા’ શ્રમોત્તેજક સ્વર માત્ર : જેમ ધોતા ધોબીનું 'શીયોરામ’, જેમ નાવિકોનું 'હબ્બેશ’ વગેરે.

ગરીબોદ્ધારની ચાલાકીઓ (પા. ૩૮) : 'એનાં બાળોને એક નિશાળ બાળો, બાળો નસ થોડી...બાળો=તિરસ્કારપૂર્વક આપો. કાંતનારાં (પા. ૩૩) : આમાં એક પૌત્રી (પોતરી) અને એક દાદી, બે કંગાલ પાત્રો વચ્ચેનો મધ્યરાત્રિ વેળાએ રેંટીઆની મજૂરી કરતે કરતે થયેલો વાર્તાલાપ છે. અંતર પુરાયલાં હતાં=અભેદ વ્યાપી રહ્યો હતો, કેમકે કંગાલીઅતે બેઉની હાડપીંજરવત્ સ્થિતિ કરી નાખી હતી.

‘અહીં કાંતું, તહીં કોને... = દેહદૌર્બલ્ય અને રાત્રિના થાકને કારણે તૂટી જવા લાગેલા કાંતણ–તાર, કોઈ દ્વેષી હરીફ સ્ત્રીની નજર લાગતાં તૂટતા હોય, ને અહીં કાંતેલા સૂતરની છલોછલ કોકડી (શગ) એ કોઈ બીજીને રેટિયે ચડતી હોય તેવો વહેમ. ‘નક્કી આ પૂણીના રૂની ગોઝારી.. '= ત્યાં પણ એવી જ એક લોકમાન્યતા સૂચવાઈ છે : આ પૂણી બરાબર ન કંતાવાનું કારણ, તેનું રૂ જ્યાં ઊગેલ હશે તે ખેતરની ધરતી પૂર્વે કોઈક નિર્દોષોની હત્યાઓમાંથી રેડાયેલાં રુધિરે ભીંજાઈ હશે તે હોવાનું એ યુવતી માને છે.

આમાં થોડા માત્રામેળના ભંગો છે તે આ મુજબ સુધારવા
અંતર પુરાયલાં હતાં = અંબાયાં અંતરો હતાં
જીવનમૃત્યુની પૂણીઓ = પૂણી જીવનમૃત્યુની
તોપના ગલોલા = ગોળલા તોપના
વરસિયા હશે ત્યાં = વરસિયા ત્યાં હશે
સીંચતાં હતાં જ્યાં અમીનાં દૂધલાં = સીંચતાં જ્યાં હતાં થાનથી દૂધલાં
રહેલી ધરામાં વાવિયાં હશે બી = રહેલી ધરામાં હશે વાવિયાં બી
અહીં કો વાંઝણી = કો અહીં વાંઝણી
મચ્યા'તા કેર = કેર મચ્યા હતા
ચિતાઓ ત્યાં બધે = ત્યાં ચિતાઓ બધે
અભૂલ્યું ભૂલવા ભજું છું નાથને = ભૂલવા એ બધું છું ભજું નાથને
આછી વણાવી છ ચુંદડી = વણવી આછી ચૂદડી.
કાંતનારીના છૈયાને ખાંપણમાં ય ખતા પડી = કાંતનારી તણે દ્વારે, ખત્તા ખાંપણની પડી
પ્રભુ–સરજ્યાં માનવી = પ્રભુ સર્જેલ માનવી
પ્રાર્થના કરી છે = પ્રાર્થના છે કરી
રડી છું પ્રાર્થના = છું રડી પ્રાર્થના
રટી છે પ્રાર્થના = છે રટી પ્રાર્થના
પ્રાર્થના રહી મૃત્યુની = પ્રાર્થના મૃત્યુની રહી
રૂડેરા શ્રીહરિ = રૂડલા શ્રીહરિ
જુએ છે વાટડી = છે જુએ વાટડી
જાણવા છતાં ઝંખાય ઉરદીવડી = જાણતી તોય ઝંખાય ઉર–દીવડી
નર જ્યાં ચગદાઈ મરે = નર છૂંદાઈ જ્યાં મરે
ભલે તે પ્રાર્થના સૂણો ભગવાન હે = તો ભલે પ્રાર્થના સૂણ ભગવાન હે
ઉચ્ચ શિરે ઊભા રહિયે = ઊભીએ મસ્તકે ઊંચા
એહવાં નિર્મળાં તેજે આાંખડીઓ અમ આાંજજે = અહીં 'આાંખડી' જ જોઈએ. 'ઓ' વધારાનો છે.
બજો બજો...(પા. ૩૯) : આમાં પણ પહેલી આઠ પંક્તિઓના શુદ્ધ વંશસ્થના માત્રામેળમાં મૂકવી હોય તો નીચે મુજબ પાઠ લેવો—

'તમે ગીતા પાઈ, પચાવી નૈ અમે
'તમે ગયા ગાઈ ભૂલી ગયા અમે
તમે ત્યજ્યાં શસ્ત્ર–સમર્થની છટા,
અમે ય નિ:શસ્ત્ર–અશક્તની અદા !
બજાવી તેં વેણુ ન સાંભળી અમે !
ચરાવી તેં ધેનુ, પૂજયા ખીલા અમે.'

હસતા હિમાદ્રિને (પા. ૪૧) : અહીં વૃત્ત શુદ્ધ વંશસ્થનું લીધું નથી, પણ થોડી મોકળાશ આપવા નવો પ્રયોગ કર્યો છે.

ફાટશે અગ્નિથંભો (પા. ૪૨) : આમાં કડી ત્રીજીથી પ્રહલાદકથાનું રૂપક પરોવાયું છે, પણ અવતાર રૌદ્ર કોઈ નૃસિંહનો નહિ, કલ્યાણી અંબાનો, જગજ્જનીનો વાંચ્છ્યો છે.

હજુ કેટલાં ક્રંદનો... (પા. ૪૪) : આમાં પણ માત્ર શુદ્ધિ આટલી કરવી:-

'પુત્રોને ઝેરના ખ્યાલા, પીવાડીને સુવાડજો.'

  • * *

'કાં તો આાંસુ જલાવી દૈ, ચેતાવો અગ્નિ–ઝાળને'

  • * *

'ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે !’

કેમ કરે કાયદઓ નૈ (પા. ૨૬) : ‘કંપનસન’ એટલે કોમ્પેન્સેશન, કારખાનામાં ઈજા પામનાર મજૂરને અપાતી નુકશાની. માજન=મહાજન કહેવાતા શેઠીઆ.

જન્મભોમના અનુતાપ (પા. પ૩) : ગાંધીજી રાજકોટના પ્રજાસંગ્રામમાં ઊતર્યા, રાજ–કોલ પળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ પોતે દેશી રાજ્યની પ્રજાનાં યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંનો હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રદ્ધાહીન માનસ ધ્વનિત થાય છે. ઓરતા=ન બની શક્યું હોય તેના અફસોસ, 'જાકારો સામે કહાવિયો...’='આંહીં આવશો નહિ.’ એવું અધિકારીએ કહાવી દીધેલું. વશિયલ ભોરીંગડા–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાંપણ=કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે. અલખના આરાધ = અલક્ષ્ય (ઈશ્વર)નું સ્તવન.

જતીન્દ્રનાં સંભારણાં (પા. પ૬) : રાજકેદી જતીન્દ્રે બંદીવાનોની દશા સુધરાવવા માટે બોતેર દિવસનું મરણાંત અનશન ઉપાસ્યું હતું. સને ૧૯૨૯. બાણપથારી ભીષ્મની=મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ શરશય્યા પર સૂતેલા. દધીચિનાં વપુદાન=અસુરોના બીજી રીતે અશક્ય એવા સંહાર સારૂ દધીચિ ઋષિએ પોતાનાં હાડકાં અસ્ત્ર કરવા આપેલાં. મોરધ્વજે કરવત સહ્યાં=મોરધ્વજ રાજાને જીવતા કરવત વડે ઊભા વેરી નાખ્યા હતા.

અગમ સંદેશા (પા. ૬૫) : સમૈયા=સંતોના ઉત્સવને જૂની ભજનવાણીમાં ‘સમૈયો’ કહે છે. રૂશનાઈ=શાહી. આદુની સમાન્યું કેરા ટીંબા.”=જુના લોકસેવક સંતોની કબરોને “સમાત્ય’ (સમાધિ) કહે છે. એના પોપડા જાણે કે ફાટે છે, ને સંતો ઊઠે છે. રામાપીર= રણમાં આવેલા ગામ રૂણેચાના મારવાડી રાજપુત્ર સંત રામદે પીર, જેમણે અસ્પૃશ્યોને ઈસ્લામમાં વટલતા અટકાવી સવર્ણો બનાવેલા. એનું મૃત્યુ જુવાનીમાં જ થયું હતું. ઘોડો અને લીલો વાવટો, એ બે આ સતનાં ખાસ ચિહ્નો છે. પરબ=એ નામનું એક પુરાતન ધર્મસ્થાનક કાઠિયાવાડમાં છે. જેના સ્થાપક રબારી સંત દેવીદાસે મુખ્ય જીવનકાર્ય રક્તપીતિયાં કોઢિયાંને સાચવવાનું કરેલું. એની વધુ વિગતો માટે જુઓ મારૂં ‘પુરાતન જ્યોત' નામે પુસ્તક. આકાશી ઝોળી=સંત દેવીદાસ પોતાના આ ધર્મકાર્યને માટે કોઈ પાસેથી ખેતર વાડી કે પૈસા દાણાની બાંધેલી આવક ન લેતા, પણ ગામેગામથી રોટીના ટુકડા ભીખી લાવતા. ‘આકાશી’ એટલા માટે કે એ ઝોળીમાં થતી પ્રાપ્તિ અનિશ્ચિત પ્રકારની હતી; મળે, ન મળે, વત્તું ઓછું મળે. આકાશવૃત્તિ.

સાહિત્યની બારમાસી (પા. ૬૭) : ‘રઘુપતિ રામ રૂદેમાં રેજો રે' એ જૂનો રાસડો છે, જેમાં પંદર તિથિઓના આધારે રામાયણ વર્ણવી છે. એના 'મહિમા’ બનાવીને 'પેરોડી’ કરી છે. કનુભાઈ=ચિત્રકાર કનુ દેસાઈ. જનાબ બુખારી–મુંબઈ રેડીઓ સ્ટેશનના ઉત્સાહી સંચાલક.

તકદીરને ત્રોફનારી (પા. ૭૪) : જોગી ગોપીચંદનની પીઠ રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળાના યુવાન રાજા ગોપીચંદ નહાતા હતા, રૂપસુંદરી રાણીઓ એને મર્દન કરતી હતી, તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી, તેનું ઊનું આંસુ ગોપીચંદની પીઠ પર પડેલું, એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું, માએ કહ્યું, આવી કંચનવરણી તારી કાયાનો આખરે નાશ થશે એ વિચારી આંસુ આવ્યાં માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે. લાડુડા=ત્રાજવાં પાડવા માટે રંગનાં ટપકાં. સૂરતા=નજર. કાંકણી=કંકણ

શૉફરની દિવાળી (પા.૮૨) : આ ગીત મુંબઈની દિવાળીની મુલ્કમશહૂર નગરરોશની નજરે દીઠા પછી, બેશક કલ્પનામાંથી જ પ્રસંગ ઉપજાવીને, પણ મુંબઈના મોટર–શોફરોની દશાના મૂંગા અનુભવમાં જ ઘૂંટીને રચેલું.

ગરજ કોને! –આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ૨૧-૯-૪૦ની સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખ શ્રી નટવરલાલ સૂરતીએ 'ચોરાશી વૈષ્ણવની વારતાઓ'માંથી પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આામ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો, એવામાં મંદિરમાં પ્રભુ–દર્શનની ટકોરી વાગી, શ્રીનાથજી ઝબક્યા, પોતે હાજર થઈ જ જવું જોઈએ ! એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં !’ એમ કહીને પાછળ દેડેલા ગોવિદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવાના ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યા દુ:ખ્યા બેઠા છે, દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યો, એને જમાડો તે પછી જ જમીશ.

મેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે, માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે. માછલડું બનીને...(કડી ૯–૧૦) પુરાણભાખ્યા દસ પ્રભુઅવતારો, અને ડારવીનનો ઉત્ક્રાંતિવાદ (Theory of evolution) આંહીં સૂચિત છે.

બંદૂકની આડશે...(પા. ૯૦) : ઈંગ્લાંડના રાજા કેન્યૂટની કથા એવી છે કે ખુશામદખોર હજૂરિયા એને કહેતા 'આ દરિયો પણ આપને તાબેદાર છે !’ ડાહ્યો કેન્યૂટ એ ખુશામદખોરની જબાનોને જૂઠી પાડી દેખાડીને જીવનભરને માટે ચેતી ગયો હતો. આ કાવ્યમાં રાજવીઓ પરસ્પર વાતો કરી એકબીજાની ચિંતા, ગભરામણ, ભય, ભીતતા વગેરેને ચુપ કરવા મથી રહેલા કલ્પાયા છે.

સલામ...(પી. ૯૩) : શુદ બીજનો ચાંદ ઈસ્લામીઓને માટે પુનિત ચિહ્ન છે. એને અલ–હિલાલ કહે છે. જમીં=જમીન. આાસ્માં= આસ્માન. ચમન=બગીચો, સબક=પવિત્ર શબ્દ. નુરેવરલ=મિત્રતાનું તેજ. મિસ્કિનો=ગરીબો. ગરૂરી=મગરૂબી.

મોરપીંછનાં મૂલ(૯૪) : અહીં સર્જનહાર રૂપી ચિતારો. છૂબીયું=છબિઓ માટેને ગ્રામ્ય શબ્દ. પોતાનાં સંપત્તિસોંદર્ય સરજાવવા દોડતાં આત્મલુબ્ધ ટોળાંથી અલગ રહેલો ભજનિક ગાયક તો વાંચ્છે છે પોતાની કલા–સંપત્તિનાં જ શણગારસમૃદ્ધિને. એની પાસે બદલામાં દેવાનું બીજું કંઈ નથી, કિરતારદીધી કલાને જ એ કિરતાર પાસે ધરી દેવા ઈચ્છે છે.

જુદાઈનાં જંગલમાંથી (૧૦૨) : આમાંની પ્રત્યેક કડી છૂટું મુક્તક છે. ચારણ કવિ બ્રહ્માનંદના ‘રેખતા’ મશહૂર છે. લાવન=વાતો.

ધીમાં ધીમાં લોચન ખોલો (૧૦૪) : આ પદનો ઢાળ જે મથાળે લખ્યો છે તે નહિ પણ આ ભજનનો છે.

“ગરનારીના ઉતારા રે ભાઈ ! વેલાના ઉતારા રે
'સમદર બેટમાં હોજી.

'ભમ્મરથી......' = સંહાર સ્વરૂપી વિરાટનો ભૃભંગ થાય ત્યાં તો ભૂકમ્પો ચાલે. એની પાંપણ હલે તે જાણે વિરાટનું સૂપડું સોવાય ને સૃષ્ટિ રૂપી અન્ન ઝટકાઈને મહીંથી પાપ દુષ્ટતા રૂપી ફોતરી કાંકર ઝટકાઈ જૂદી પડે. 'મીટુમાં માંડો...' = એની નયન–મીટને વિરાટ–તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડનું વજન તોળાય છે. સાંધણ=બેઉ પલ્લાં વચ્ચે અણસમતોલતા. 'દૃગ રે ટાઢી...” = એની દૃષ્ટિ હિમાચલ શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તે દરિયમાં પણ આગ લાગે છે. એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે ધણી=માલિક. ભોરીંગો ને વાસંગી=લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓરૂપ ફણીધર સાપો ને વાસુકીઓ. એને વશ રાખવાનો દાવો કરનાર શાસકો ને રાજનીતિજ્ઞો રૂપી વાદીઓ ને ગારુડીઓ.