એકતારો/વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નવાં કલેવર ધરો હંસલા એકતારો
વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી
ઝવેરચંદ મેઘાણી
દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા →ભ્રાંતિ
O

વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી
ને દેવ બની કેમ બેઠા ?
વીરા ! મુક્તિદેવીની રચી વાડી
ને ફૂલ કર્યા કેમ એઠાં ? ૧.

વીરા ! શક્તિને એકલી ઉપાસી
ભક્તિનું ભાન કેમ ભૂલ્યા ?
વીરા ! પરની શ્રદ્ધાને દેવદાસી
પોતાની કરી કેમ ઝૂલ્યા ? ૨.

વીરા ! એક બીજ વાવી યે ન જાણ્યું,
તો લાખ ઝાડ કેમ બાળ્યાં ?
વીરા ! એક બુન્દ નીર ના ઉતાર્યું,
જૂનાં નવાણ કેમ ટાળ્યાં ? ૩.

વીરા ! કાલકૂટ કંઠમાં ભભૂકે,
શંભુ ને સાપ દોય દેખો !
વીરા ! એક જીરવે ને અન્ય ઑકે
પ્રભેદ એ ન કેમ પેખો ! ૪.

વીરા ! વેગ–ચક્ર પંથડાવિહોણા :
ભ્રાંતિની ખાઈ ખાઈ જાશે,
વીરા ! કાચી નીંદર તણાં સોણાં
ઝબકીને પછી ગૂમ થાશે. ૫.