એકતારો/બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,
← મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક ! | એકતારો બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે, ઝવેરચંદ મેઘાણી |
આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય ? → |
[બાઈ ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે
જંગલ બીચ હું ખડી રે જી—એ ભજનઢાળ]
બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;
છૂંદાવો આછાં છૂંદણાં હો જી.
બાઈ ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હોજી !
છૂંદાવો ઘાટાં છૂંદણાં હોજી!
નાની એવી કુરડી ને,
માંહી ઘોળ્યા દરિયા;
બાઈ ! એણે કમખામાં સોય તો સંતાડી રે,
પાલવ ઊંચા નો કર્યા હો જી.—બાઈ એક૦ ૧.
આાભને ઉરેથી એણે
આઘી કરી ઓઢણી,
બાઈ ! એણે નવ લાખ ટીબકી બતાડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૨.
રામને રુદેથી એણે
કોરે કરી પાંભરી,
બાઈ! એણે કીરતીની વેલડિયું ઝંઝેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૩.
ભર રે નીંદરમાં
સૂતેલા ભરથરી,
બાઈ ! એના લલાટેથી લટડી ખસેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૪.
પીઠ તો ઉઘાડી એણે
જોગી ગોપીચંદની,
બાઈ ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૫.
મનડાં મોહાણાં મારાં,
દલડાં લોભાણાં ને,
બાઈ ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે
લાડુડા એણે મૂકિયા હો જી.—બાઈ એક૦ ૬
સુરતા રહી નૈ મારી,
સૂતી હું તો લે'રમાં;
બાઈ ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે
ઘંટીના પડ જ્યું ટાંકિયાં હો જી.—બાઈ એક૦ ૭.
ગાલે ટાંક્યાં ગલકૂલ,
કાંડે ટાંકી કાંકણી,
બાઈ ! મારી ભમર વચાળે ટીલ તાણી રે
ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી.—બાઈ એક૦ ૮.
કલેજા વચાળે એણે
કોર્યો એક મોરલો,
બાઈ ! મેં તો અધૂરો ત્રોફાવી દોટ મારી રે
કાળજડાં કોરાં રિયાં હો જી.—બાઈ એક૦ ૯.
ડેરે ને તંબુડે ગોતું,
ગોતું વાસે ઝૂંપડે;
બાઈ ! મારાં તકદીરની ત્રોફનારી રે
એટલામાં ચાલી ગઈ કિયાં હો જી.—બાઈ એક૦ ૧૦.