એકતારો/મને મારનારા ગોળી છોડનારા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો ! એકતારો
મને મારનારા ગોળી છોડનારા
ઝવેરચંદ મેઘાણી
નગરની રોશની નિરખવા નીકળ્યાં →


અસહ્ય વાત*[૧]
O

મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ
ઉઝેર્યાં હોશે હૈયાહીર સમા. ૧.


કવિઓની કવિતામાં ગાયું હશે એણે,
માટીને પૂજી હોશે કહી 'મા’;
એ મને ય જે અંતરિયાળ મળે
તો બોલાવે કહી 'તમે કોણ છો મા?' ૨.


છો સંહારે ચડયા આજે પેટને કારણ,
એક જ વાત સેવાય છે ના—
એને મોતને પંથ ચડાવણ જીભ
બોલે છેઃ 'મારો, મારો, માગે છે મા !’ ૩.


  1. * જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો