સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો

વિકિસ્રોતમાંથી
સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
નરહરિ પરીખ
૧૯૫૦


સરદાર વલ્લભભાઈ

ભાગ પહેલો


નરહરિ દ્વાo પરીખ















નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ

.



સરદાર વલ્લભભાઈ

ભાગ પહેલો


લેખક

નરહરિ દ્વાo પરીખ















નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ

મુદ્રક અને પ્રકાશક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ



પહેલી આવૃત્તિ, પ્રત ૫,૦૦૦





સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને આધીન







પાંચ રૂપિયા
ઑક્ટોબર, ૧૯૫૦
 

.



નિવેદન

હિંદમાં બ્રિટિશ હકૂમત શરૂ થયા પછી ૧૮૫૭ની સાલમાં તેની સામે લગભગ હિંદવ્યાપી કહી શકાય એવો પહેલો બળવો થયો. બ્રિટિશ અમલ ચલાવનારાઓએ તેને દાબી દીધો એટલું જ નહીં, હિંદમાં સ્થપાયેલા પોતાના અમલની સામે ફરી પડકાર થાય એવી સ્થિતિ સુધ્ધાં આપણે રહેવા દીધી નથી એમ એમણે નિરાંત અનુભવવા માંડી. પરંતુ કોઈ પણ પ્રજાની સ્વતંત્રતાની ઝંખના દાબી દબાતી નથી એ સત્યના પુરાવારૂપે ત્યાર પછી માત્ર દોઢ કે બે પેઢીના ગાળા બાદ ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કૉંગ્રેસની સ્થાપના થઈ. કૉંગ્રેસે પોતાની કારકિર્દીના આરંભથી જ પ્રજાની રાષ્ટ્રીયતાની ભાવનાને જગાડવાનું ને કેળવવાનું કામ શરૂ કર્યું. ત્યાર પછીના ઇતિહાસનું નિરીક્ષણ કરનાર સૌ કોઈ કબૂલ કરશે કે એ જાગૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાની કેળવણીના ફળરૂપે આખરે આ દેશ પરથી પરદેશી હકૂમત ઊઠી ગઈ.

એ જ ઇતિહાસનું નિરીક્ષણ કરનારને બીજી એક હકીકત પણ ધ્યાનમાં આવ્યા વગર રહે એવી નથી. ગઈ સદીની આખરનાં પંદર અને ચાલુ સદીની શરૂઆતનાં બીજાં પંદર મળીને ત્રીસ વર્ષના ગાળા દરમિયાન થયેલા હિંદના પ્રજાજીવનના વિકાસની ગતિ અને પ્રકારમાં અને ત્યાર પછીનાં ૧૯૪૭ની સાલ સુધીનાં બત્રીસ વર્ષ દરમિયાન થયેલા વિકાસની ઝડપ અને પ્રકારમાં મોટો અને મૂળભૂત ફેરફાર દેખાઈ આવે છે. ૧૯૧૫ના આરંભમાં ગાંધીજીએ હિંદના રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કરી અહીં સત્યાગ્રહની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવા માંડી તેથી એ મોટો ફેરફાર થવા પામ્યો હતો.

આખા હિંદની વાત જવા દઈ અહીં ઘરઆંગણે ગુજરાતની વાત લઈએ તો એ ફેર વધારે સ્પષ્ટતાથી જોવાનો મળે છે. એક તો ગાંધીજીએ પોતાના વસવાટના સ્થાન માટે અમદાવાદને પસંદ કર્યું અને બીજું, ગુજરાતની ભૂમિને સત્યાગ્રહની કાયપદ્ધતિના અમલને માટે પસંદગી આપી ગુજરાતની પ્રજાને સત્યાગ્રહને માર્ગે વાળી તેથી એ ફરક ઉપર ઉપરથી જોનારને પણ અહીં વરતાયા વિના રહેતો નથી.

એ ફેર અહીં ગુજરાતમાં ચોખ્ખો જોવા મળે છે તેનું બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ગાંધીજીની કાર્યપદ્ધતિનું અસરકારકપણું જેમાં પોતાના પ્રાંતની પ્રજાની જાગૃતિ, કેળવણી તેમ જ તેના ઘડતર માટે તેને અપનાવનારા સમર્થ આગેવાનો ગાંધીજીને હરેકેહરેક પ્રાંતમાંથી આવી મળ્યા. ગુજરાતને સદ્‌ભાગ્યે સત્યાગ્રહની કાર્યપદ્ધતિ વિષેની દૃઢ નિષ્ઠાવાળા, શિષ્યને છાજે એવી નમ્રતાથી એ પદ્ધતિ તેના પ્રણેતા પાસેથી બરાબર શીખી તેનો અમલ કરવાની વૃત્તિવાળો અને એ પદ્ધતિના અમલને માટે જરૂરી કુનેહ, બાહોશી અને વ્યવસ્થાશક્તિવાળો બિલકુલ નીડર અને અત્યંત તેજસ્વી આગેવાન પણ ગાંધીજીને ગુજરાતમાં મળી ગયો. પણ બીજા પ્રાંતોમાંથી ગાંધીજીને આવી મળેલા આગેવાનો વચ્ચે અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે એક મોટો ફેર હતો. તેમણે અંગ્રેજી ને બૅરિસ્ટરીની કેળવણી લીધી હતી અને બૅરિસ્ટરી કરી હતી ખરી પણ તેમનું હાડ ખેડૂતનું છે. ગુજરાતનાં ગામડાંના જીવનનો તેમને બાળપણથી અનુભવ હતો. બલ્કે તેઓ શહેરમાં નહીં પણ પોતાના વતનના ગામડામાં મોટા થયા હતા.

જે બે ગાળાની પ્રજાજાગૃતિના વેગ ને પ્રકારમાં મોટો ફેર હોવાની વાત મેં કરી છે તેમાંનાં પાછલાં બત્રીસ વર્ષના ગાળામાં થયેલી ગુજરાતી બોલનારી પ્રજાની જાગૃતિ અને તેના ઘડતરની કથા જેવી અદ્‌ભુત છે તેવી જ સત્યાગ્રહની કાર્યપદ્ધતિ તેમ જ ગુજરાતના પ્રજાકીય જીવનના વિકાસ ને કાર્ય પદ્ધતિ સમજવા માગનારને માટે બારીકાઈથી અભ્યાસ કરવા જેવી છે. આ સદીની શરૂઆતનાં વર્ષોમાં થયેલી એ જાગૃતિ નિર્માણ કરનારાં બળોનો ભાવિ પેઢીઓને પરિચય થાય તેટલા ખાતર પણ એ ઇતિહાસ સંઘરી રાખવાની જરૂર છે. એ ગાળાના પ્રજાજીવનના વિકાસનો સાંગોપાંગ ઇતિહાસ તો જ્યારે લખાય ત્યારે ખરો; એમાં ભાગ લેનાર પ્રમુખ વ્યક્તિઓનાં ભાષણો, લખાણો તે ચરિત્રોમાંથી પણ એ બળોનો ખ્યાલ આવી શકે તેમ છે.

ગાંધીજીનાં ભાષણો ને લખાણ વ્યવસ્થિત રીતે સંઘરી બહાર પાડવાનું કામ નવજીવન સંસ્થા વર્ષોથી કરે છે. તેમનું સાંગોપાંગ ચરિત્ર લખવાનું કાર્ય પણ નવજીવન તરફથી ભાઈ પ્યારેલાલે હાથ પર લીધું છે. આ જ આશયથી સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણોના સંગ્રહનો એક ભાગ નવજીવને ગયે વરસે બહાર પાડ્યો છે. તેની સાથે એમનું જીવનચરિત ગુજરાતની પ્રજાની આગળ મૂકવાની મને ખૂબ ઉત્કંઠા હતી. એ માટે સામગ્રી પણ મેં બને ત્યાંથી એકઠી કરી રાખી હતી, પણ એ સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી ને બીજી ઘટતી મેળવી એમાંથી સરદારના ચરિત્રનું પુસ્તક તૈયાર કરી આપવાનું શ્રી નરહરિભાઈએ હોંસથી માથે લીધું ત્યાં સુધી મારી એ ઈચ્છા પાર પડી નહોતી. આજે એ અમુક

અંશે પાર પડી છે ને સરદાર વલ્લભભાઈના ચરિત્રનો પૂર્વભાગ ગુજરાતી પ્રજાની આગળ રજૂ કરતાં મને આનંદ થાય છે.

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના ચરિત્રની આજની તેમ જ હિંદની ભાવિ પ્રજાને બીજી એક દૃષ્ટિથી પણ જરૂર છે. પંડિત જવાહરલાલે એક ઠેકાણે કહ્યું છે કે જે લોકોએ ગાંધીજીની સાથે રહીને કામ કર્યું છે તે સિવાયના બીજાને માટે અને ભાવિની પ્રજાને માટે ગાંધીજી એક પૌરાણિક કથાના પાત્ર જેવી વ્યક્તિ બની ગયા છે. ગાંધીજી વિષે પંડિત નેહરુએ કહેલી આ વાત તેમની સાથે રહી હિંદની પ્રજાનું ઘડતર કરનાર તથા હિંદની આઝાદીની લડતમાં આગળ પડતો ભાગ લેનાર તેમના સાથીઓમાંના ખુદ પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, રાજેન્દ્રપ્રસાદ ને ચક્રવતી રાજગોપાલાચાર્ય જેવા પુરુષોની બાબતમાં પણ અમુક અંશે સાચી છે. એથી આ સમર્થ, પ્રભાવશાળી તેમ જ પોતાના જમાનાના ઇતિહાસ પર છાપ મૂકી જનારા બધા પુરુષોનો સાચો પરિચય આપનારાં ચરિત્રો લખાય એ ભાવિ પ્રજાની કેળવણીની દૃષ્ટિથી જરૂરી છે. એમાંના ગાંધીજી, પંડિત જવાહરલાલ, રાજેન્દ્રબાબુ વગેરેએ પોતાનાં લખાણો અને આત્મકથાઓ આપણને આપ્યાં છે. એક સરદાર વલ્લભભાઈ એમાંના એવા પુરુષ છે જેમનાં ખાસ કાંઈ લખાણો આપણી પાસે નથી અને પોતાના મિત્રો આગળ પ્રસંગોપાત્ત એમણે પોતાના જીવનની કાંઈક વાત કરી હશે તે સિવાય બીજું આત્મકથા જેવું એમની પાસેથી આપણને કશું મળ્યું નથી. આથી એમની હયાતી દરમિયાન એમની આંખ તળેથી પસાર થયેલું એમનું ચરિત્ર લખાય એ બહુ જરૂરનું હતું.

વળી, રાજકારણના ક્ષેત્રમાં નીડરતાથી પોતાનો પક્ષ રજૂ કરનાર, ઢીલા લોકોને પોતાના આગ્રહથી તેમ જ પ્રેમથી કાબૂમાં રાખી સીધે રસ્તે દોરનાર, અને અનેક વિરોધીને માત કરનાર આ પુરુષને વિષે સાચી ખોટી અનેક વાતો પણ પ્રચલિત થયેલી છે. તે પરથી સરદાર પટેલનું જે ભ્રામક ચિત્ર લોકમાનસમાં ઊઠે છે તેને સ્થાને તેમના સ્વભાવનું ને ચારિત્ર્યનું સાચું ચિત્ર પ્રજાને મળવું જોઈએ.

ઘણાં લોકો માને છે ને સમજે છે કે સરદાર પટેલે રાજકારણના ક્ષેત્રમાં સફળતા ને સિદ્ધિ પોતાના આપખુદ જોહાકીવાળા સ્વભાવથી અને સામાને માત કરવાને તરેહ તરેહના પેંતરા રચવાની કુશળતાથી મેળવી છે. એને અંગે તરેહ તરેહની વાતો પણ લોકોમાં ફેલાયેલી છે ને ફેલાયા કરે છે. સરદાર પટેલનું આ ચિત્ર કેટલું ખોટું છે અને રાજકારણના ક્ષેત્રમાં એમણે મેળવેલી સફળતા અને પ્રજાના હૃદયમાં એમણે મેળવેલું સ્થાન પ્રજાના હિતને માટે

એમણે આદરેલી કેવી સાધનાને આભારી છે તે આ ચરિત્રનાં પ્રકરણ સ્પષ્ટ કરે છે.

બીજી એક માન્યતા એવી ફેલાયેલી છે કે સરદાર પટેલ સત્યાગ્રહના સિદ્ધાંતનો કક્કોયે સમજતા નથી ને સમજવા માગતા નથી. ગાંધીજી હિંદમાં આવ્યા તે પછી આ દેશની પ્રજાને ધર્મની વાતોથી ઊંધે રસ્તે ચડાવનાર સાધુઓની જમાતમાંના જ આ કોઈક છે એવી સાશંક દૃષ્ટિથી શરૂઆતમાં ગાંધીજી તરફ જોનાર, પણ પાછળથી એ પુરુષની વાણીમાંથી સત્યનો ને અભયનો રણકાર ઊઠે છે એ જોતાંવેંત તેમની સાથે તેમનાં કામમાં નમ્રભાવે જોડાઈ તેમણે આપેલા પાઠો ધીરજથી વર્ષો સુધી પચાવનાર, તેમની ઇચ્છા ને આદેશોનું ચીવટથી પાલન કરનાર અને સત્યાગ્રહનો મોટાં મોટાં પ્રજાકીય હિતનાં ક્ષેત્રોમાં અમલ કરી બતાવનાર આ સમર્થ લોકનાયકની સત્યાગ્રહની સમજ કેટલી ઊંડી છે તે પણ આ ચરિત્રમાંથી જોવાનું મળે છે.

સરદાર પટેલનાં ભાષણો પરથી તેમના ચારિત્ર્યનાં કેટલાંક લક્ષણો તેમની શૈલી દ્વારા પ્રગટ થાય છે. ખાસ કરીને અન્યાયની ચીડ અને હિંદના નરમ પ્રકૃતિના ખેડૂતને માટેની તેમની ઊંડી લાગણી તેમનાં ભાષણોમાંથી જોવાનાં મળે છે. પણ પ્રજાને સંગઠિત કરવાને માટે જરૂરી વ્યવસ્થાશક્તિ, ઘણા લોકોને સાથે રાખી તેમની પાસે ધારેલું કામ પાર પડાવવા ને તેમને એકઠા રાખવાને જરૂરી બાહોશી અને પ્રેમ, દુ:ખી અને સંકટમાં આવી પડેલાંઓની મદદે દોડી જવાની તાલાવેલી, કોઈ પણ મુદ્દાને પકડી તેને પાર કાઢવાને જરૂરી તીક્ષ્ણ વિચક્ષણ બુદ્ધિ અને એવાં બીજાં સરદાર પટેલમાં રહેલાં લોકનાયકનાં આવશ્યક લક્ષણો આ ચરિત્ર વિના આપણને જોવા કે સમજવાનાં ન મળત.

મોટાં વહીવટી તંત્રો ઊભાં કરવાની, તેમના પર કાબૂ રાખવાની અને તેમને સીધે રસ્તે દોરવાની હથોટી આજના જમાનામાં અત્યંત જરૂરી છે. સરદાર પટેલમાં એ કામ પાર પાડવાની શક્તિ બીજરૂપે પહેલેથી જ હતી એ હકીકત પણ આ ચરિત્રમાંથી આપણને બરાબર જોવાની મળે છે.

પરંતુ એ સૌથીયે વધારે એમનામાં રહેલી તત્વનિષ્ઠા, ગાંધીજી તરફની વફાદારી અને સ્વરાજની પ્રાપ્તિને માટે પ્રજાને લડતોને રસ્તે કેળવી તાકાતવાળા બનાવવાની આકાંક્ષાનું દર્શન આ પ્રકરણો આપણને સ્પષ્ટપણે કરાવે છે.

આ પ્રકરણો વાંચી જનાર સૌ કોઈ જોઈ શકશે કે સરદાર પટેલમાં સૂતી પડેલી બીજરૂપ શક્તિઓને જગાડી પ્રજાની કેળવણીને તેમ જ સેવાને માર્ગે વાળનાર ગાંધીજી છે એમ સરદાર પોતે અનેક સ્થળોએ સ્વીકારે છે. પરંતુ

એના કરતાંયે આ પ્રકરણો પરથી જે હકીકત જાણવાની મળે છે તે એ છે કે ગાંધીજીને માર્ગે પ્રજાને ઘડવાને જરૂરી સાધના સરદાર પટેલે ખૂબ ચીવટથી, ધીરજથી અને ખંતથી વર્ષો સુધી કરી હતી. આ પુસ્તકમાં એક રીતે કહીએ તો એ સાધનાના કાળની વિગતો જ આવી છે. એ સાધના મારફતે સરદારે જે જે શક્તિ કેળવી તેનો લાભ હિંદની પ્રજાને કેવી રીતે મળે અને દેશની સ્વતંત્રતાની લડત પાર પાડવામાં ને તે પાર પડ્યા પછી વસમા વખતમાં દેશનું સુકાન ધીરજ તેમ જ દૃઢતાથી સંભાળી આજે તે શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે તેની વિગતો હવે પછી પ્રગટ થનારા આ ચરિત્રના ઉત્તર ભાગમાં આવશે. એ ભાગ પૂરો કરી આપવાનું નરહરિભાઈએ માથે લીધેલું છે એ જાણીને વાચકો રાજી થશે.

બીજી એકબે વાતો પણ અહીં નોંધી લેવી જોઈએ. સરદારને વિષે એક એવી માન્યતા પ્રચલિત છે કે રચનાત્મક કાર્યક્રમને વિષે એઓ કશું સમજતા નથી ને તેની એમને કશી પડી નથી. પ્રજાને કેળવવાને કેવાં કેવાં રચનાત્મક કામ કરવાનાં રહે છે તેનો ખ્યાલ ઝાઝા લોકોને હોતો નથી. પરંતુ ગાંધીજીની સાથે જોડાયા પછી સરકારે રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રમાં સરકાર સામે પાર પાડેલાં કામો, ખાદીના ક્ષેત્રમાં કરેલાં કામો, રેલસંકટ પછી ફરી વ્યવસ્થા ઊભી કરવાને સમે કરેલાં કામો, ગૂજરાત વિદ્યાપીઠના ઘડતર અને સંગોપનમાં બતાવેલી કાળજી, અમદાવાદ શહેરના વિકાસને માટે મ્યુનિસિપાલિટી મારફતે કરેલો શ્રમ, એ બધાં પરથી રચનાનાં કાર્યો વિષે સરદારને કેવો આગ્રહ અને મમતા છે. એનો ચોખ્ખો ખ્યાલ મળી રહે છે.

બીજું સરદારને વિષે એમ મનાય છે કે એમને કુટુંબજીવન જેવું કશું નહોતું ને નથી, ને એ બાબતની લાગણી પણ નથી. એક રીતે રાષ્ટ્રના કાર્યમાં પડ્યા પછી સરદાર પટેલે અંગત જીવનની, કુટુંબ જીવનની અને એવી બીજી જંજાળ વધારે પડતી રાખી નથી એ સાચું છે. રાષ્ટ્રની સેવાની ફરજ સાથે લીધા પછી છેક સંન્યાસીની માફક નહીં તો તપસ્વીની માફક એમણે પોતાનું જીવન વીતાવ્યું છે એમ પણ આ પ્રકરણો પરથી જણાય છે. પરંતુ શરૂઆતનાં પ્રકરણોમાં આપવામાં આવેલી કુટુંબજીવનની વિગતો પરથી અને ‘ગૃહજીવનમાં ડોકિયું’ એ સ્વતંત્ર પ્રકરણ પરથી સરદારને પોતાનાં નિકટનાં સગાં અને પોતાનાં બાળકો માટે કેવો ઊંડો પ્રેમ હતો ને તેમની સેવા કરવાને તે હમેશ કેટલું કરતા રહેતા એ સાફ દેખાય છે. પોતાની ઉત્કટ લાગણીઓને ઊંડાણમાં સંઘરી રાખવાની ને એ વિષે કદી ઝાઝું ન બોલવાની પ્રકૃતિમાંથી ઊભી થયેલી સરદાર વિષેની આ ખોટી સમજ પણ આ ચરિત્રનાં પ્રકરણોથી દૂર થાય છે.

નવજીવન સંસ્થાના કાર્યને અંગે મારું ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈ તેમ જ બીજા મુરબ્બીઓ સાથે સંબંધમાં આવવાનું થયું. સંસ્થા સાથેના અને તેના કામની સાથેના મારા સંબંધને લીધે મારો એ સૌ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. પરંતુ એ બધામાંથી ઉપર ગણાવેલ ત્રણની સાથે કેવળ કામને અંગેના સંબંધ ઉપરાંત અંગત મમતાનો સંબંધ પણ કેળવાયો છે, એ ત્રણે પ્રત્યેનું મારું ઋણ અદા કરવામાં એ ત્રણનાં ચરિત્રો આપવાની નવજીવન સંસ્થા ઉપરાંત મારી અંગત જવાબદારી હું માનતો આવ્યો છું. તેથી ‘મહાદેવભાઈના પૂર્વ ચરિત’ની માફક આ ચરિત્રના પ્રકાશનને અંગે કેવળ પ્રકાશકનું ઔપચારિક નિવેદન કરવાને બદલે આ અંગત નિવેદન કરવાની મેં છૂટ લીધી છે.

સરદાર વલ્લભભાઈ પટેલને માટે ગુજરાતી બોલનારી પ્રજાને ઊંડો પ્રેમ છે. તેની સાથે હિંદની બીજી બોલીઓ બોલનારી પ્રજાઓ પણ તેમના પર પ્રેમ રાખે ને તેમનું ચરિત્ર જાણવાને ઈચ્છે એ કુદરતી છે. એ વાત લક્ષમાં રાખી આ ચરિત્રના હિંદીમાં ને હિંદની બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાનું ઠરાવેલું છે એટલું જણાવી આ અંગત અને પ્રમાણમાં વિસ્તૃત નિવેદન હું પૂરું કરું છું.

અમદાવાદ, ૧૦–૧૦–’પ૦
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
 

.


પ્રસ્તાવના

સરદાર એક વખત બોલેલા : “મેં તો ધારેલું કે બાપુના જીવનચરિત્રની સાથે મહાદેવ આપણું પણ જીવનચરિત્ર લખશે. તેણે બધી નોંધો કરી રાખેલી છે અને બધા પ્રસંગોમાં તે હાજર અને ઓતપ્રેત હોવાથી તેની પાસે રજેરજ વિગતની માહિતી છે. પણ ઈશ્વરની કળા અકળ છે.” આ જીવનચરિત્ર લખવાની પરિપૂર્ણ યોગ્યતા મહાદેવભાઈની જ હતી. તેઓનું અધૂરું છોડેલું કામ મારાથી થઈ શકે તેવું હોય તો યથાશક્તિ આગળ ચલાવવું એ લાગણીથી આ કામ હાથમાં લેવાનું મેં સાહસ કર્યું છે. પણ તેમની અદ્‌ભુત સાહિત્યિક કળા અને મૌલિક શૈલી હું ક્યાંથી લાવું ? મારામાં એ વસ્તુ નથી એની મને બરાબર ખબર છે. તેથી જ, જેને જીવનચરિત્ર કહી શકાય, જેમાં ચરિત્રનાયકના જીવનનું, ચાલુ જમાના ઉપર પડેલી અને ભવિષ્યના જમાના ઉપર પડનારી તેની અસરનું યોગ્ય મૂલ્યાંકન કરેલું હોય, એવું કશું કરવાનો મેં પ્રયત્ન નથી કર્યો. મેં તો સરદારના જીવનચરિત્ર માટે જે સામગ્રી મને મળી તે મને આવડી તેવી રીતે ગોઠવીને રજૂ કરી છે અને એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું વર્ણન કર્યું છે. મારો આ સંગ્રહ સાહિત્યિક શક્તિવાળા સમર્થ ચરિત્રકારને કામમાં આવે તો મારા પ્રયત્નને હું સાર્થક માનીશ.

અને આવું કામ કરવાનો પણ મને ખ્યાલ નહીં આવેલો. પણ ૧૯૪પમાં જેલમાંથી બહાર આવ્યા પછી મણિબહેન મને કહ્યા જ કરતાં હતાં કે બાપુ (સરદાર) નું જીવનચરિત્ર કોણ લખશે ? તમારે જ એ કામ કરવું જોઈએ. મહાદેવભાઈ હોત તો તો એ કરત. પણ એ તો ગયા. હું કહેતો કે એવું લખવાની મારામાં કળા ક્યાં છે ? તેના જવાબમાં એ કહેતાં કે જેવું લખી શકો એવું પણ તમારે જ લખવું જોઈએ. મારી પાસે બધી ફાઈલો પડેલી છે પણ આપણા અંગત મંડળના પૂરેપૂરા વિશ્વાસુ માણસ સિવાય એ હું કોને આપું ? આમ તેમના લાગટ આગ્રહને વશ થઈ મેં હા પાડી. અને મણિબહેને પોતાની પાસે જેટલી સામગ્રી હતી તે બધી મને સોંપી દીધી, એટલે સુધી કે પોતાની ડાયરીઓ જેમાં તેમની અંગત અને ખાનગી ગણાય એવી બાબતો લખેલી છે તે પણ મારા માગ્યા વિના મને આપી. આ કામ હાથ ધરવામાં મને વધારેમાં વધારે આગ્રહ અને મોટામાં મોટી પ્રેરણા મણિબહેનની છે.

સરદારનો મારી ઉપરનો વિશ્વાસ અને પ્રેમ એ પણ આ પુસ્તક લખવાનું સ્વીકારવામાં મોટું કારણ છે. સરદાર મને એ વખતે ન ઓળખતા હોય પણ હું એમને ૧૯૧૪થી ઓળખતો. ત્યાર પછી વકીલાતના કામને અંગે બેએક વાર એમના પ્રસંગમાં આવવાનું બનેલું. પછી ૧૯૧૭માં હું આશ્રમમાં દાખલ થયો અને એ પણ ગાંધીજીના સમાગમમાં આવ્યા ત્યારથી તેઓ હમેશાં મને એક નાના ભાઈ તરીકે ગણતા આવ્યા છે. આ તેત્રીસ વરસના તેમના નિકટ પરિચયમાં તેમના એક વિશ્વાસુ સાથી તરીકે કામ કરવાનો લહાવો મને બહુ મળ્યો છે. તેમાં કોઈ કોઈ વાર તેમને દૂભવ્યાના પણ પ્રસંગો બન્યા છે. તેમની વાત હું બરાબર ન સમજી શક્યો હોઉં તે કારણે, અથવા મારી ભિન્ન માન્યતાને લીધે ન સ્વીકારી શક્યો હોઉં તે કારણે તેમનું કહ્યું મેં નથી માન્યું એવું કોઈ કોાઈ વાર બન્યું છે. પણ તેથી મારા પ્રત્યેના મમત્વમાં અને પ્રેમભાવમાં તેમણે રજ પણ ન્યૂનતા આણી નથી. એમને બરાબર ન ઓળખી શક્યા હોય એવા માણસોમાં એવી એક માન્યતા પ્રચલિત છે કે જે એમનો વિરોધ કરે એને જડમૂળથી ઉખેડી નાખવાનો એમનો સ્વભાવ છે. મને એમ જણાયું છે કે કોઈ માણસ દેશને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતો હોય અથવા સેવાને નામે પોતાનો સ્વાર્થ સાધવાની પેરવી કરતો હોય તો તેનું તેઓ ચાલવા ન દે અથવા તેને ફાવવા પણ ન દે એ ખરું; પણ કોઈ માણસ પ્રમાણિકપણે એમનાથી ભિન્ન મત ધરાવે અને તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિ ચલાવે, એની કશી હાડછેડ તેઓ કરતા નથી પણ તેની કદર કરે છે.

સરદાર લોખંડી પુરુષ કહેવાય છે. જાહેર કામકાજમાં પોતાના વિરોધી અથવા તો પોતાના પક્ષમાં પેસી ગયેલા ખોટ્ટા માણસોને માટે એ લોખંડી પુરુષ કદાચ ગણાય, પણ અંગત સંબંધો અને વ્યવહારમાં તો મેં એમને એટલી નરમાશવાળા અને ‘હશે, જતું કરો’ એવી ઉપેક્ષાવૃત્તિવાળા જોયા છે કે એમના લોખંડીપણા વિષે શંકા ઉત્પન્ન થાય. જાહેર જીવનમાં એ વજ્રથી પણ કઠોર થઈ શકે છે, પણ અંગત અથવા ખાનગી સંબંધમાં તે કુસુમ કરતાં પણ મૃદુ છે. માત્ર પોતાની અંદર રહેલા મૃદુપણાનો બાહ્ય દેખાડો તેઓ નથી કરતા તેને લીધે ઉપલક જોનાર માણસો એ પારખી ન શકે એવું બને છે ખરું.

જેને પોતાનો ગણ્યો એના પ્રત્યે એમની મમત્વની લાગણી બહુ ભારે છે. તેના સુખદુ:ખમાં ભાગ લેવા અને એની મુશ્કેલીઓમાં મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. માણસને તેના પગલા ઉપરથી તેઓ પારખી લે છે, ખોટા માણસને ચાળી કાઢે છે, પણ પસંદ કરેલા માણસોમાંથી કોને કયું કામ સોંપી શકાય એ તેઓ બરાબર જાણે છે, અને એ પ્રમાણે તેની પાસેથી કામ લે છે. માણસની પસંદગી કરતી વખતે તેઓ પાકો વિચાર

કરી લે છે, પણ એક વાર કામ સોંપ્યા પછી તેના ઉપર પૂરો ભરોસો મૂકે છે, તેના કામમાં કશી દખલ કરતા નથી અને તેને જેટલી જોઈ એ તેટલી મદદ મોકળે મને અને છૂટે હાથે આપે છે, એ હું સ્વાનુભવ ઉપરથી કહું છું. આને લીધે આખા દેશમાં એક ગાંધીજીને બાદ કરીએ તો બીજા કોઈ પણ નેતા કરતાં તેમની પાસે વફાદાર કાર્યકર્તાઓ અને સાથીઓનું મોટામાં મોટું જૂથ છે. ગાંધીજી સેનાપતિ હોવા ઉપરાંત સ્વભાવે આદર્શ શિક્ષક હોઈ તેઓ જ્યાં ગયા ત્યાં તેમણે સાથીઓને ઘડીને તૈયાર કર્યા છે. જ્યારે સરદાર શિક્ષક નથી, કેવળ સેનાપતિ છે. પોતાના લશ્કર માટે તેમણે નવા માણસોને ઘડીને તૈયાર કર્યા નથી અથવા જે મળ્યા તેમને વિશેષ ઘડવાનો પ્રયત્ન કર્યો નથી, પણ માણસમાં જેટલી શક્તિ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. હા, માણસને પોતાની મેળે આગળ વધવું હોય અને તેનામાં શક્તિ હોય તો સરદારની પાસે બધી છૂટો, તકો અને મદદ તેને મળે છે. પોતાની આસપાસ ખડા સૈનિકોનું જૂથ જમાવવાની અને દરેકની યોગ્યતા પ્રમાણે તેની પાસેથી કામ લેવાની અજબ કુનેહને લીધે નાગપુર, બોરસદ તથા બારડોલીની સત્યાગ્રહની લડતમાં તથા ૧૯ર૭ના રેલસંકટના કાર્યમાં સરદારને કાર્યકર્તાઓની ખોટ ન પડી અને સારો યશ મળ્યો. એમના સાફલ્યની મુખ્ય ચાવી જ એ છે કે અણીને વખતે તત્કાલ તેઓ ખરો નિર્ણય લે છે અને તેના અમલ માટે પોતાની મદદમાં ખરા માણસોને પસંદ કરે છે.

આ પુસ્તકમાં હકીકતની કોઈ ભૂલ ન રહી જાય એ દૃષ્ટિએ શ્રી દાદા સાહેબ માવળંકર આખું હસ્તલિખિત વાંચી ગયા છે અને તેમણે કેટલાક બહુ ઉપયોગી સુધારા કરાવ્યા છે. મારી પાસે પૂરતી માહિતી ન હોય અથવા વિગતો વિષે શંકા હોય એવાં કેટલાંક પ્રકરણો સરદાર પાસે પણ મેં વંચાવ્યાં છે. કેટલાંકમાં તેમણે બહુ મહત્ત્વના વધારા કરાવ્યા છે. એટલે આ પુસ્તકમાંની બધી હકીકતો સાધાર અને ચોક્કસ છે એમ કહેવાની સ્થિતિમાં હું છું.

સરદારના પૂર્વજીવનની કેટલીક ઉપયોગી હકીકતો નડિયાદના સરદારના ગાઢ મિત્ર સ્વ. કાશીભાઈ શામળભાઈનાં પત્ની પાસેથી મને મળી છે. તેઓ બોરસદમાં રહ્યા તે વખતની કેટલીક હકીકત બોરસદના બહુ જૂના વકીલ શ્રી ફૂલાભાઈ નરસીભાઈ પાસેથી મળી છે. સરદારના નાના ભાઈ શ્રી કાશીભાઈએ કુટુંબની જૂની હકીકત મેળવવામાં સારી મદદ કરી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની હકીકત તેના માજી પ્રમુખ શ્રી મણિભાઈ ચતુરભાઈ શાહે પૂરી પાડી છે. તે જ પ્રમાણે સુરત મ્યુનિસિપાલિટીના પ્રમુખ ડૉ. ધિયાએ તથા નડિયાદ મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ

પુરુષોત્તમદાસ દેસાઈએ તે તે મ્યુનિસિપાલિટીના દફતરમાંથી હકીકત મેળવી આપી છે. ખેડા સત્યાગ્રહની વિગતો મારા મોટાભાઈ શ્રી શંકરલાલ પરીખ કૃત ‘ખેડાની લડત’ એ પુસ્તકમાંથી લીધી છે. બોરસદની લડતની કેટલીક હકીકત બોરસદના વકીલ શ્રી રામભાઈ પટેલ પાસેથી મળી છે. સરદારના કેટલાક જૂના સહાધ્યાયીઓ પાસેથી મણિબહેને પત્ર દ્વારા માહિતી મેળવી છે. જે જે ભાઈઓ તથા બહેનો પાસેથી મદદ મળી છે તે સૌનો આભાર માનું છું.

પણ વધારેમાં વધારે વિગતો તો મહાદેવભાઈની ‘વીર વલ્લભભાઈ’ અને ‘એક ધર્મયુદ્ધ’ એ પુસ્તિકાઓમાંથી, ‘નવજીવન’માંના તેમના લેખોમાંથી, ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તકમાંથી તથા તેમના છૂટાછવાયા કાગળોમાંથી મને મળી છે. ખરી રીતે તો જે સામગ્રીનો ભંડાર તેઓ મૂકી ગયા છે તેને કાંઈક ગોઠવીને રજૂ કરવાનું કામ જ મેં કર્યું છે.

આ ભાગમાં સરદારનું જીવનચરિત્ર ૧૯૨૯ના ડિસેમ્બરની લાહોર કૉંગ્રેસ સુધી આવે છે. તેમાં આલેખાયેલું મોટા ભાગનું જીવન ગુજરાતના રાજકીય ઘડતર સાથે સંકળાયેલું છે. એમ કહીએ તો પણ ચાલે કે છેલ્લાં બત્રીસ વર્ષનું ગુજરાતનું રાજકીય જીવન સરદારે જ ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને ઘડ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ એ ઘડતરાનો ઇતિહાસ આ પુસ્તકમાં આવી જાય છે. એમાંથી ગુજરાતનાં યુવકયુવતીઓને પ્રેરણા મળશે અને એ રીતે મારાથી કાંઈક તેમની સેવા થશે એ લાગણી આ પુસ્તક લખતી વખતે સદા મારા દિલમાં રહી છે અને મેં ધન્યતા અનુભવી છે.

હરિજન આશ્રમ,
સાબરમતી,
તા. ૩૦–૯–’૫૦
 

અનુક્રમણિકા

નિવેદન જીવણજી ડાo દેસાઈ
પ્રસ્તાવના
૧. માતાપિતા
૨. વિદ્યાભ્યાસ ૧૦
૩. વકીલાત ૧૮
૪. વિલાયતમાં ૩૨
૫. બૅરિસ્ટરી ૩૭
૬. મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી ૪૫
૭. મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ ૫૮
૮. ગુજરાત સભા ૬૬
૯. ખેડા સત્યાગ્રહ — ૧ ૭૬
૧૦. ખેડા સત્યાગ્રહ — ૨ ૯૮
૧૧. અમદાવાદની મજૂર હડતાળ ૧૨૧
૧૨. સૈન્યભરતી ૧૨૫
૧૩ રોલૅટ કાયદા સામેનું આંદોલન ૧૨૮
૧૪. અસહકાર ૧૩૭
૧૫. મ્યુનિસિપાલિટી મારફત અસહકાર ૧૬૦
૧૬. અમદાવાદની કૉંગ્રેસ — ૧૯૨૧ ૧૮૨
૧૭. મ્યુનિસિપાલિટીની બરતરફી પછી ૧૯૦
૧૮. નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત ૨૦૦
૧૯. લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી ૨૨૦
૨૦. ગાંધીજીની ગિરફતારી પછી ૨૪૦
૨૧. નાગપુર ઝંડા સત્યાગ્રહ ૨૬૩
૨૨. બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો ૨૯૪
૨૩. ગૃહજીવનમાં ડોકિયું ૩૨૯
૨૪. કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ ૩૪૨
૨૫. મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ૩૫૪
૨૬. ગુજરાતમાં રેલસંકટ ૩૭૧
૨૭. બારડોલી સત્યાગ્રહ ૩૮૭
૨૮. ૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ ૪૫૯
૨૯. ૧૯૨૯નું તૈયારીનું વર્ષ ૪૬૬
૩૦. પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ ૪૮૯
સૂચિ ૪૯૫



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.