સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી
નરહરિ પરીખ
ગાંધીજીની ગિરફતારી પછી →


.


૧૯

લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને
ગાંધીજીની ગિરફતારી

આપણા દેશના સ્વાતંત્ર્યયુદ્ધના ઇતિહાસમાં સને ૧૯૨૧ની સાલ સુવર્ણ અક્ષરે કોતરાયેલી રહેશે. પોતે જાહેર કરેલી શરતોનું લોકો પાલન કરે તો એક જ વર્ષમાં હિંદુસ્તાનના લોકોના હાથમાં સ્વરાજ આવીને પડે એમ ગાંધીજીએ તેમને વચન આપ્યું હતું. એટલે લોકોના દિલમાં એક અનેરો ઉત્સાહનો અને આશાનો સંચાર થયો હતો. ખાદીના, અસ્પૃશ્યતાનિવારણના, હિંદુમુસલમાન એકતાના તથા અદાલતો, શાળાઓ તેમ જ ધારાસભાઓના બહિષ્કારના કાર્યક્રમ પાછળ લોકો જોસથી મંડી પડ્યા હતા. જૂનની ૩૦મી પહેલાં તિલક સ્વરાજ ફાળામાં કરોડ રૂપિયા એકઠા કરવાનો તથા કૉંગ્રેસને ચોપડે એક કરોડ સભ્યો નોંધવાનો કાર્યક્રમ પૂરો થયા પછી જુલાઈ માસમાં મહાસમિતિની બેઠક મુંબઈમાં થઈ. એ બેઠકમાં ઉત્સાહથી તરવરતા કેટલાક સભ્યોએ સત્યાગ્રહ શરૂ કરવાને ગાંધીજીને બહુ દબાણ કર્યું. સરકાર તરફથી એક પછી એક એવાં પગલાં લેવાતાં હતાં કે લોકો અકળાઈ ઊઠ્યા હતા. ઉત્તર હિંદુરતાનમાં જ્યાં ત્યાં કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોની ધરપકડો ચાલી રહી હતી. છતાં ગાંધીજીએ હજી ધીરજ રાખવાની સલાહ આપી. અને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં વિલાયતી કાપડનો બહિષ્કાર પૂરું કરવાનું જણાવ્યું. ત્યાર પછી તા. ૩ તથા ૪ નવેમ્બરના રોજ દિલ્હીમાં મળેલી મહાસમિતિની બેઠકમાં સત્યાગ્રહની બાબતમાં નીચેનો ઠરાવ થયો :

“આ વર્ષની આખર પહેલાં સ્વરાજ્ય સ્થાપવાના રાષ્ટ્રના નિશ્ચયને પૂરેપૂરો અમલમાં આણવાને હવે એક માસથી બહુ વધારે વખત નથી. અલીભાઈઓ અને બીજા નેતાઓ પકડાતાં અને કેદમાં પુરાતાં સંપૂર્ણ અહિંસાનું પાલન કરીને પ્રજાએ આત્મસંયમ માટેની પોતાની શક્તિ બતાવી આપી છે; અને સ્વરાજસ્થાપનાને માટે જરૂરી ગણાય એટલી તાલીમ લેવાને સારુ હજી વધારે દુ:ખ સહન કરવાની અને શાંતિ જાળવવાની શક્તિ બતાવવી એ રાષ્ટ્રને માટે ઇષ્ટ છે; તેથી મહાસમિતિ નીચેની શરતોએ દરેક પ્રાંતની પ્રાંતિક સમિતિને પોતપોતાની જવાબદારી પર અને પોતાને વિશેષ અનુકૂળ લાગે તેવી પદ્ધતિએ સત્યાગ્રહ (કરો આપવાનો ઇનકાર કરવાની હદ સુધી) શરૂ કરવાની સત્તા આપે છે.

“૧. વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર દરેક જણને સારુ જરૂરી શરત એ છે કે તેને કાંતતાં આવડવું જોઈએ અને અસહકારના કાર્યક્રમનો જે ભાગ તેને લાગુ પડતો હોય તેનું તેણે સંપૂર્ણ પાલન કરેલું હોવું જોઈએ. દાખલા તરીકે, તેણે પરદેશી કાપડનો પૂરેપૂરો ત્યાગ કરીને હાથે કાંતેલાં અને હાથે વણેલાં કપડાંનો અંગીકાર કર્યો હોવો જોઈએ; હિંદુ-મુસલમાનની એકતા ઉપર તેમ જ હિંદમાંની જુદા જુદા ધર્મ પાળતી કોમોની એકદિલી વિષે તેને શ્રદ્ધા હોવી જોઈએ; ખિલાફત અને પંજાબનો અન્યાય દૂર કરવા માટે અને સ્વરાજ સ્થાપવા માટે અહિંસાનું પાલન અનિવાર્ય છે એવી તેની દૃઢ માન્યતા હોવી જોઈએ; અને જો તે હિંદુ હોય તો પોતે અસ્પૃશ્યતાને હિંદી રાષ્ટ્રભાવના પરના એક કલંક રૂપ ગણે છે એમ તેણે પોતાના વર્તનથી સાબિત કરી આપવું જોઈએ.
“૨. સામુદાયિક સત્યાગ્રહને માટે એક એક જિલ્લો અથવા તાલુકો એક એકમ ગણાશે. જે જિલ્લો અથવા તાલુકો આવા એકમ તરીકે બહાર પડે તેની વસ્તીના ઘણા મોટા ભાગે પૂર્ણ સ્વદેશીનો સ્વીકાર કર્યો હોવો જોઈએ અને એ જિલ્લાની કે તાલુકાની કાપડને લગતી બધી જરૂરિયાત ત્યાંના જ લોકોને હાથે કંતાયેલા અને હાથે વણાયેલા કાપડમાંથી પૂરી પડતી હોવી જોઈએ. વળી સદરહુ જિલ્લા કે તાલુકાની વસ્તીના મોટા ભાગને અસહકારનાં બીજા અંગો ઉપર શ્રદ્ધા હોવી જોઈએ અને તેઓ તેનું પાલન કરતા હોવા જોઈએ.
“કોઈ પણ સત્યાગ્રહી રાષ્ટ્રીય ફાળાઓનાં નાણાંમાંથી પોતાનો નિભાવ થશે એવી આશા ન રાખે. કેદ ભોગવતા સત્યાગ્રહીઓનાં કુટુંબનાં માણસોએ પણ કશી જાહેર મદદની આશા ન રાખતાં પીંજીને, કાંતીને કે વણીને અગર બીજી હરકોઈ રીતે પોતાનું ગુજરાન કરવાની તૈયારી રાખવી.
“કોઈ પણ પ્રાંતિક સમિતિની અરજી પરથી આ શરતોમાંની કોઈ પણ શરત ઢીલી કરવી મુનાસિબ છે એવી ખાતરી કારોબારી સમિતિને થાય તો સત્યાગ્રહ માટેની શરતોમાં એવી છૂછાટ મૂકવાની સત્તા આ મહાસમિતિ કારોબારી સમિતિને આપે છે.”

આ ઠરાવ પસાર કરતી વખતે ગાંધીજીએ મહાસમિતિના સભ્યોને જણાવ્યું કે, કોઈ પણ પ્રાંતિક સમિતિ સત્યાગ્રહ કરવાની ઉતાવળ ન કરે પણ પોતે ગુજરાતના એક પસંદ કરેલા તાલુકામાં સામુદાયિક સત્યાગ્રહનો પ્રયોગ કરવાના છે તે નિહાળે અને એ પ્રયોગ ચાલે તે દરમિયાન પોતપોતાના પ્રાંતમાં પૂરેપૂરી શાંતિ જળવાય તેની તકેદારી રાખે. તે વખતના ૧૩મી નવેમ્બરના ‘નવજીવન’ માં ‘બેઠો બળવો’ એ નામના લેખમાં આ ઠરાવ ઉપર ભાષ્ય રૂપે તેમણે લખ્યું છે :

“જોકે અખિલ ભારતીય મહાસમિતિએ પ્રાંતિક સમિતિઓને પેાતપોતાના પ્રાંતમાં પોતાની જોખમદારી ઉપર સત્યાગ્રહ આદરવાની સત્તા આપી છે છતાં મને ઉમેદ છે કે દરેક પ્રાંત તેમાંના ‘જોખમદારી’ શબ્દ ઉપર

પૂરતું વજન મૂકી ફરી ફરીને વિચાર કરી જોશે અને કોઈ સહેલ સમજીને સત્યાગ્રહ શરૂ નહીં કરી દે. સત્યાગ્રહ આદરનાર જિલ્લા કે તાલુકા માટે જે શરતો મૂકવામાં આવી છે તે દરેકનો પૂરેપૂરો અમલ થવો જ જોઈએ. એ શરતોમાં હિંદુ-મુસલમાન એકતા, અહિંસા, સ્વદેશી અને અસ્પૃશ્યતાનિવારણનો ઉલ્લેખ કરવો પડ્યો છે, એનો અર્થ જ એ છે કે એ વસ્તુઓ આપણા પ્રજાકીય જીવનનું હજી અંગ નથી બની ગઈ. આમ જે વ્યક્તિ અગર સમૂહ હિંદુ-મુસલમાન એકતાને વિષે હજીયે શંકિત છે; પંજાબ, ખિલાફત અને સ્વરાજને સારુ અહિંસાની જરૂરિયાત હજી જેને હૈયે નથી બેઠી; જેણે હજી પૂર્ણ સ્વદેશીનો અંગીકાર નથી કર્યો; તેમનામાંના હિંદુઓ જે હજી અસ્પૃશ્યતા રૂપી પાપને પોતાનામાં નિભાવી રહ્યા છે, તો તે વ્યક્તિ અગર સમૂહ સત્યાગ્રહ આદરવાને અધિકારી નથી. સૌથી સરસ તો એ છે કે અધીરા ન બનતાં સબૂરી પકડી એક ચોક્કસ પ્રદેશમાં અખતરા શરૂ થાય તેને બાકીના બધા દેશે ધ્યાનપૂર્વક નિહાળવા.

“પણ જે વ્યક્તિને એમ લાગી જાય કે પોતાનાં સુખસગવડ કાયમ રાખવા ખાતર ઓછીવત્તી અન્યાયી એવી સરકારને તાબે થવું એ અધર્મ જોડે માંડવાળ કરવા સમાન છે, જેને સરકારની એવી શૈતાનિયત વિષે શંકા નથી રહી, જેને એવા જાલિમની દયા ઉપર પોતાની કહેવાતી સ્વતંત્રતા ઘડીભર પણ નિભાવવી એ માથાનો ઘા થઈ પડે છે, તે તો નીતિનિયમની હદમાં રહેતો છતો પોતાને જેલમાં પૂરવા સરકારને ફરજ પાડવા મથશે.
“એ બળવાખોર સત્યાગ્રહી, રાજ્યની સત્તાને કશી વિસાતમાં ન ગણે. પોતે બહારવટિયા બને અને નીતિનો બાધ ન આવે એવા રાજ્યના પ્રત્યેક કાયદા સામે બહારવટું કરે. દાખલા તરીકે, તે સરકારના કર આપવા ના પાડે; પોતાના રોજના વહેવારની હરકોઈ બાબતમાં તેની આણ માનવાનો ઇનકાર કરે; રજા વગર દાખલ ન થવાને લગતા મનાઈ કાયદાનો તે ભંગ કરે; લશ્કરી સિપાહીઓને અત્યારની પરિસ્થિતિ સમજાવવા સારુ તેમની ડેરા છાવણીઓમાં વગર પરવાનગીએ દાખલ થવાને પોતાને સ્વતંત્ર સમજે; દારૂના પીઠા પરની ચોકીને વિષે નક્કી કરવામાં આવેલી મર્યાદાઓનું તે ઇરાદાપૂર્વક ઉલ્લંધન કરે અને બાંધી આપેલી હદની અંદર પેસી દારૂડિયાઓને સમજાવે અને ન પીવા વીનવે. આ બધું કરવામાં પોતે કદી શરીરબળ ન વાપરે અને પોતાની સામે શરીરબળ વાપરવામાં આવે તો પણ કદી પોતે તેનો પ્રતિકાર ન કરે. હકીકતમાં, એ સત્યાગ્રહી જેલ તેમ જ બીજા શરીરબળના પ્રયોગ પોતાની જાત ઉપર માગી લે.”

ત્યાર પછી તા. ૧૩મી નવેમ્બરે સામુદાયિક સત્યાગ્રહ માટે કયો તાલુકો પસંદ કરવો તે નક્કી કરવા ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક થઈ. ખેડા જિલ્લાનો આણંદ તાલુકો અને સુરત જિલ્લાનો બારડોલી તાલુકો, એ બે ઉમેદવાર હતા અને સામુદાયિક સત્યાગ્રહ માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. બે તાલુકાઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. પોતપોતાના કેસ બન્ને તાલુકાના પ્રતિનિધિઓએ પ્રાંતિક સમિતિની બેઠકમાં ખૂબ જોસભેર રજૂ કર્યા. જોકે તેમાં એકબીજા પ્રત્યે પૂરેપૂરો સદ્‌ભાવ હતો, કડવાશ કે ગુસ્સાનું નામનિશાન નહોતું.

વયોવૃદ્ધ પૂજ્ય અબ્બાસ તૈયબજી સાહેબે આણંદનો કેસ રજૂ કરતાં ગાંધીજીને પ્રેમપૂર્ણ ઉપાલંભ આપતા હોય એવી વાણીમાં અતિશય નમ્રતાથી કહ્યું :

“હવે તમે કહેશો કે કઈ વધારે શરતો અમારે પૂરી કરવાની છે ? આ વખતે અમે તમને જતા કરવાના નથી. તમારી જે શરતો હોય તે સઘળીનું પૂરેપૂરું પાલન કરવા અમે તૈયાર છીએ. પણ તમારી સઘળી શરતો હવે એકસામટી કહી નાખો. તમે કહ્યું કે કરોડ રૂપિયા એકઠા કરો. અમે ગામડે ગામડે ભટકીને લોહીનું પાણી કરી તમને રૂપિયા એકઠા કરી આપ્યા કે નહીં? તમે કહ્યું કે ખાદી લાવો. તેની ખાતરી મારી સામે જોઈને કરી લો. આટલી ઉંમરે તમારી એ વાત પણ માની. રેંટિયા અને ખાદી માટે લોકોને ઘેર ઘેર ભટકીને મારાં તો હાડકાં અને પાંસળાં ઢીલાં થઈ ગયાં છે. હવે તમે જાતે આવી અમારાં ગામડાં જોઈ લો. હજી કાંઈ બાકી રહેતું હોય તે કહી નાખો. પણ બાબા, પાછળથી કાંઈ નવો તુક્કો કાઢી અમારી આશાઓ અને ઉત્સાહ ઉપર પાણી રેડો તે નહીં ચાલે.”

પોતાની કાલી કાલી ગુજરાતી ભાષામાં આવું બધું કહી બુઝર્ગ અબ્બાસ સાહેબે છેવટે જણાવ્યું કે :

“સત્યાગ્રહનો વાવટો પ્રથમ ખેડા જિલ્લામાં ફરકે છે અને તેને અંગે આણંદ તાલુકાના લોકોને સત્યાગ્રહની તાલીમ મળેલી છે. એટલે સામુદાયિક સત્યાગ્રહ માટે પસંદગીમાં પ્રથમ આવવાનો તેને ખાસ હક્ક અને અધિકાર છે.”

બારડોલીનો કેસ શ્રી કલ્યાણજીભાઈ એ પોતાની છટાદાર ઢબે રજૂ કર્યો. તેમણે એ દલીલ રજૂ કરી કે :

“અંગ્રેજો હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે પ્રથમ સુરત બંદરે ઊતર્યા. સુરતમાં તેમણે પોતાની પહેલી કોઠી સ્થાપી અને સુરતમાંથી જ તેમણે ધીમે ધીમે પોતાના પંજા પહોળા કરી આખા હિંદુસ્તાનમાં પોતાની હકૂમત જમાવી. એટલે હવે તેમને જ્યારે વિદાયગીરી આપવી છે ત્યારે એ સુરતમાંથી જ મળે એ સઘળી રીતે યોગ્ય છે.”

આ ચર્ચાને અંતે તૈયારીની દૃષ્ટિએ બંને તાલુકાની યોગ્યતા સ્વીકારવામાં આવી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગાંધીજી સરદારની સાથે બંને તાલુકામાં – પ્રથમ બારડોલીમાં અને પછી આણંદમાં ફરે અને બંને તાલુકાની તૈયારી જાતે જોઈ સામુદાયિક સત્યાગ્રહ કયા તાલુકામાં શરૂ કરવો એનો નિર્ણય એ બે મળીને કરે.

તા. ૧૭મી નવેમ્બરે મુંબઈમાં યુવરાજની પધરામણી થવાની હતી. તેના સ્વાગતનો કડક બહિષ્કાર કરવાનું કૉંગ્રેસે ઠરાવ્યું હતું. તે દિવસે મુંબઈમાં હાજર રહેવા મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના મંત્રીનો ગાંધીજી ઉપર આગ્રહભર્યો તાર આવ્યો. એટલે ગાંધીજીએ તા. ૧૭મીએ મુંબઈ જઈ તે જ દિવસે રાત્રે ત્યાંથી નીકળી તા. ૧૮મીએ સવારે બારડોલી પહોંચવાનું નક્કી કર્યું. પણ મુંબઈમાં તો તા. ૧૭મીએ રમખાણો ફાટી નીકળ્યાં. તે બંધ થાય અને બધી કોમ વચ્ચે એકદિલી સ્થપાય ત્યાં સુધી ગાંધીજીએ ઉપવાસ કર્યા. પોતાના ઉપવાસ છૂટ્યા પછી ગાંધીજીએ સામુદાયિક સત્યાગ્રહ મુલતવી રખાવ્યો અને તે ક્યારે શરૂ કરવો એ નક્કી કરવાનું અમદાવાદની કૉંગ્રેસ ઉપર રાખ્યું. થનગની રહેલા બારડોલી તથા આણંદને આશ્વાસન આપતાં ગાંધીજીએ લખ્યું :

“હું જાણું છું કે તમારા દુઃખનો પાર રહ્યો નથી. તમે મોટી આશા રાખી હતી. તમે આ વર્ષમાં જ તમારા યજ્ઞથી, તમારી કુરબાનીથી સ્વરાજ મેળવવાની, મુસલમાન ભાઈઓનો અને પંજાબનો જખમ રૂઝવવાની અને અલીભાઈઓ ઇત્યાદિ કેદીઓને છોડાવવાની હામ ભીડી હતી. પણ ઈશ્વરે ધાર્યું હતું બીજું.
‘નીપજે નરથી તો કોઈ ન રહે દુ:ખી.’
એવું સત્ય નરસિંહે ગાયું છે. આપણામાં નિપજાવવાની શક્તિ નથી. આપણે તો ઇચ્છીએ ને મહેનત કરીએ.
“મારા પરમ મિત્ર, પંજાબના સાથી, (અબ્બાસ સાહેબ તૈયબજી) જેમને મેં પંજાબના દુઃખે રોતા જોયા છે ને જેમણે આજે ઘડપણમાં જુવાન જેટલું કામ આદર્યું છે, જિંદગી આખી એશઆરામમાં રહેલા એવા જેમણે તમારે ને મારે સારુ એશઆરામ છોડ્યા છે ને તેમાં સુખ માની લીધેલ છે, તેમનું દુ:ખ હું વિચારી રહ્યો છું. તેઓ પોતાના ખેડા જિલ્લાને ને તેમાંયે આણંદને જેલમાં તુરત નહીં મોકલી શકે છે એ તેમને ભારે દુઃખ લાગે છે.
“તેઓને અને તમને હું ખાતરી આપું છું કે ધીરજનાં ફળ મીઠાં જ આવશે. કશું ઢોળાઈ નથી ગયું. આપણે બાજી હારી નથી ગયા. આપણે તો દુ:ખમાંથી સુખ નિપજાવી શક્યા છીએ. અશાંતિ થઈ ગઈ પણ તેમાંથી શાંતિ મેળવી લીધી છે એમ લાગે છે. ઈશ્વરે નાનું દુ:ખ આપી મોટામાંથી આપણને ઉગારી લીધા છે.
“તમારી પાસેથી હું તો શુદ્ધમાં શુદ્ધ યજ્ઞ ઇચ્છું છું. ઇશ્વરના દરબારમાં શુદ્ધ બલિદાનનો જ સ્વીકાર છે. વણમાગ્યો જે વખત મળ્યો છે તેમાં આપણામાં હજી રહેલી બધી ખોડ કાઢી નાખો.”

સ્વરાજ પોતાના પુરુષાર્થથી જ મળી શકે એ સમજાવતાં ગાંધીજીએ લખ્યું:

“જેઓ એમ માની બેઠા છે અથવા જેઓએ એમ મનાવ્યું છે કે સ્વરાજ તો ગાંધી ગમે તેમ કરીને ડિસેમ્બર પહેલાં અપાવશે, તેઓ બંને અજાણપણે પણ પોતાના ને દેશના દુશ્મન ગણાય. તેઓ સ્વરાજનો અર્થ જ નથી સમજ્યા. સ્વરાજ એટલે સ્વાશ્રય. મારે હાથેથી સ્વરાજ્ય લેવામાં તો કેવળ પરાશ્રય થયો. હું તો લેવાનો રસ્તો બતાવું છું. લેવું તે તો લોકોના જ હાથમાં રહ્યું. હું વૈદ રહ્યો, દવા બતાવું; ખાવાની રીતો, તેનાં અનુપાન, માપ વગેરે કહું; પણ છેવટે પુરુષાર્થ તો દરદીએ જ કરવો રહ્યો.
“મારે વિષેનો સર્વ ભ્રમ હું ટાળવા ઇચ્છું છું. હું અલ્પ પ્રાણી છું એમ લોકોને મનાવવા ઇચ્છું છું. . . મારા બળથી, કાંઈ મળ્યું એમ લોકો માને તેના કરતાં તેઓએ પોતાના બળથી, પોતાની તપશ્ચર્યાથી, પોતાની આત્મશુદ્ધિથી જ જે મળ્યું તે મેળવ્યું એમ તેઓ માને અને એમ હોય એ જ ઇષ્ટ છે.”

પછી અમદાવાદની કૉંગ્રેસ થઈ. તેમાં સરકારની દમનનીતિના જવાબ તરીકે સત્યાગ્રહ શરૂ કરવાનો ઠરાવ થયો અને તે માટે ગાંધીજીને કૉંગ્રેસના સરમુખત્યાર નીમવામાં આવ્યા. તેમણે પોતાની સીધી દેખરેખ નીચે ગુજરાતમાં સામુદાયિક સત્યાગ્રહનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. હવે બારડોલી અને આણંદ એ બેમાંથી કયા તાલુકાની પસંદગી કરવી એ સવાલ સામે આવ્યો. બંને તાલુકાએ ખૂબ હોંશ અને ઉત્સાહપૂર્વક તૈયારી કરી હતી. પણ સરદારની રૂખ બારડોલી પર ઊતરી. તેમનું કહેવું એમ હતું કે ખેડા જિલ્લાના લોકો બાહોશ અને જુસ્સાવાળા ખરા, પણ ત્યાંની વસ્તીમાં એવું તત્ત્વ પણ છે જે વિશેષ ઉશ્કેરણીના પ્રસંગ આવતાં કાબૂમાં ન રહે અને તોફાન પર ચઢી જઈ આપણી બાજી બગાડે. જ્યારે બારડોલીના લોકો એકંદરે સરળ અને શાંત સ્વભાવના ગણાય. ગાંધીજીને પણ ૧૯૧૮માં ખેડા જિલ્લાનો કાંઈક અનુભવ થયેલ હતો, એટલે તેમણે સરદારની સલાહ સ્વીકારી લીધી. અને સ્વાતંત્ર્યના ધર્મયુદ્ધ માટે બારડોલી તાલુકાની આખરી પસંદગી થઈ. ત્યાંના લોકોએ સરકારી કેળવણીનો લગભગ પૂર્ણ બહિષ્કાર કર્યો હતો. તાલુકાનાં નાનાંમોટાં એંશી ગામમાંથી એકાવન ગામે રાષ્ટ્રીય શાળાઓ સ્થપાઈ ચૂકી હતી. લોકોએ ઘેરઘેર રેંટિયા વસાવ્યા હતા અને ખૂબ સૂતર કંતાવા માંડ્યું હતું. આમ તેમણે સુંદર તૈયારી કરી હતી.

પોતાને ત્યાં સત્યાગ્રહનો યજ્ઞ મંડાવાનું નક્કી થયું એટલે જમીનમહેસૂલ નહીં ભરવાની બારડોલીએ તૈયારી કરવા માંડી. આ જોઈ તા. ૧૮–૧–’૨૨ના રોજ બારડોલી મુકામેથી ત્યાંના આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી. શિવદાસાનીએ નીચે પ્રમાણેની સમજૂતી બહાર પાડી :

“હાલમાં સરકારધારો નહીં ભરવા સંબંધી લોકોની સહીઓ લેવામાં આવે છે. જે માણસને એવી સહી કરવી હોય તો મજેથી કરે, તેવી સહી કરવાને દરેકને છૂટ છે. પણ માત્ર સમજીને જ સહી કરે, એવી મારી લોકોને ભલામણ છે. જે માણસ સહી કરશે તેની પાસેથી કાયદા પ્રમાણે સરકારધારો એકદમ ભરવા સંબંધી તેને કલેક્ટર તરફથી નોટિસ આપવામાં આવશે. તેણે એકદમ પૈસા ભરવા પડશે, કાં તો કિસ્તને વખતે પૈસા ભરાશે એવો જામીન આપવો પડશે. તેમ ન કરશે તો ખાતેદારની બધી જમીન કાયદા પ્રમાણે ખાલસા કરવામાં આવશે. પછી જોકે આખો તાલુકો એવું કરે, જે બનવા જોગ લાગતું નથી, તોપણ સરકારના પૈસા જવાના નથી. આ બારડોલી તાલુકાના ખેતરમાં માત્ર જે કપાસ ઊભેલો છે તેની કિંમત ઓછામાં ઓછી દસ લાખ થશે. સરકાર આ બધો કપાસ જો કોઈ એક મોટા બહારના વેપારીને વેચવા જાય તેાયે સરકારને સાત-આઠ લાખથી ઓછી ઊપજ નહીં થશે. અને એવી પણ (લોકોને) ખાતરી હોવી જોઈ એ કે પછી તે વેપારી ગમે તેવી રીતે પોતાનાં માણસ લાવી કપાસ વીણી લઈ જશે. આ તો ફક્ત કપાસનો પાક જે ખેતરમાં ઊભેલો છે તેની વાત છે. તે ઉપરાંત બધી જમીન સરકારી થઈ જશે. આ આખા તાલુકાનો સરકારધારો ફક્ત પોણાચાર લાખ છે. માટે સરકારને લોકોનાં ઢોરઢાંખર અથવા બીજી કોઈ ખાનગી ચીજને હાથ લગાડવાની જરૂર નહીં પડશે. જે લોકો બધું ખોઈ બેસવા તૈયાર હોય તે ખુશીથી સહી કરે, પણ મારી તપાસમાં એમ લાગે છે કે, લોકોને આ બધું સમજાવવામાં આવતું નથી. ઊલટું લોકોને સહી કરવા બદલ આગ્રહ કરવામાં આવે છે. એમ કરવું ખોટું છે, કારણ લોકો સહી કરીને ફરી જશે, અને મારી જાણમાં છે કે ઘણાખરા ફૂટી જવાના છે. ખરી રીતે તો સહી કરવા માટે આગ્રહ કરતાં પહેલાં લોકોને કહેવું જોઈએ. કે જે લોકો સહીઓ કરે છે તે લોકોએ પોતાના ગણોતિયા પાસેથી ગણોત માગવું ન જોઈએ. અને ગણોત બદલ જે કાંઈ ભાત અગર ઘાસ કે દાણો મળ્યો હોય તે પણ પાછું આપવું જોઈએ. વળી તે લોકો પૂરેપૂરા લાયક અને પ્રામાણિક ત્યારે જ કહી શકાય કે જ્યારે ગણોતિયાને પોતાની સહી કરવાથી જે નુકસાન થયેલું હોય તે ભરી આપે. કારણ સરકારધારો ભરવામાં ખાતેદારે કસૂર કરવાથી બિચારા ગણોતિયાને નુકસાન ભોગવવું પડે એ અયોગ્ય છે. મારી જાણ પ્રમાણે સહી લીધા પહેલાં લોકોને આવું કહેવામાં આવતું નથી.
“આ ધમકી અથવા ચેતવણી નથી; માત્ર સમજૂતી જ છે. એમ નથી કે સરકારને કોઈનો પાક કે જમીન જોઈએ છે. પણ સરકાર બધું ખેડૂતના ફાયદા માટે જ કરે છે. એને લીધે જ સરકારધારો એક માસ પાછળથી લેવાનો છે. આ તાલુકામાં કપાસનો પાક વધારે હોવાથી અને તે મોડેથી પાકવાથી ખેડૂતોને જાનેવારી અને માર્ચમાં સરકારધારો ભરવો એ અગવડભરેલું લાગતું હતું. પણ જ્યારે લોકો સરકારધારો નહીં ભરવાની સહી કરે ત્યારે તો સરકારી અમલદારોને પગલાં લેવાં પડે અને ખાતેદારો પાસેથી બેઉ કિસ્ત એકદમ સાથે નોટિસ આપીને માગવી પડે.”

ગાંધીજીને આ સમજૂતીની ભાષા બહુ વિનયભરી લાગી. તેમણે એના ઉપર ટીકા કરતાં લખ્યું :

“સરકારી નોકરીમાં રહેતાં છતાં દેશી અમલદારો વિવેક વાપરતા થઈ જાય એ કંઈ વધારે પડતું નહીં ગણાય. પણ જો આ સમજૂતીની ભાષા અંગ્રેજ અમલદારે જોઈ સમજીને પસંદ કરી હોય તો એને હું મોટો ફેરફાર ગણું છું અને આપણી લડતનો શુભ આરંભ ગણું છું. . . આ સમજૂતીને વધાવી લેવાની સાથે હું એટલું કહી જવા ઇચ્છું કે બારડોલી તાલુકાના એક પણ ખેડૂતને અજાણપણામાં રાખવામાં આવ્યો નથી. દરેક સ્ત્રીપુરુષને કહેવામાં આવ્યું છે કે સરકાર
૧. પાક બધો વેચી શકે છે.
૨. લાખોનો પાક કોડીને દામે લઈ શકે છે.
3. ઢોરઢાંખર, વાસણકૂસણ પણ લઈ જઈ શકે છે.
૪. ઇનામી જમીન પણ ખાલસા કરી શકે છે.
૫. લોકોને જેલમાં મોકલી શકે છે.
૬. લોકોને રેલ, તાર, ટપાલ વગેરે સાથેનો સંબંધ બંધ કરી બારડોલી તાલુકાને ઘેરો ઘાલી લોકોને તેમાં પૂરીને થકવવાનો પ્રયત્ન કરી શકે છે.
“આ બધા ઉપદ્રવ પૂરેપૂરી શાન્તિપૂર્વક લોકો સહન કરવા તૈયાર હોય તો જ લડે.”

આગળ ઉપર લડત જ્યારે બંધ રાખવામાં આવી અને ત્યાર પછી માર્ચ મહિનામાં ગાંધીજીને પકડવામાં આવ્યા ત્યારે ઉપરની સમજૂતી કાઢનાર આસિસ્ટંટ કલેક્ટર શ્રી શિવદાસાનીએ પોતાની નોકરીનું રાજીનામું આપી દીધું હતું.

ગાંધીજીએ અને સરદારે તો બારડોલીની યોગ્યતા વિષે ખાતરી કરી લીધી હતી, છતાં વિશેષ ચોકસાઈની ખાતર બારડોલીની તૈયારીની બરાબર તપાસ કરવાનું કામ ગાંધીજીએ શ્રી વિઠ્ઠલભાઈ પટેલને સોંપ્યું. તેઓએ તા. ૨૪મી જાન્યુઆરીથી બારડોલીમાં પોતાનો મુકામ કરી ગામેગામ ફરી તપાસ કરવા માંડી. પછી તા. ૩૦મી ના રોજ સત્યાગ્રહનો ઠરાવ કરવા બારડોલી તાલુકાની પરિષદ બોલાવવામાં આવી. બારડોલી તાલુકા સમિતિના પ્રમુખ શ્રી કુંવરજી વિઠ્ઠલભાઈ મહેતા સ્વાગત પ્રમુખ હતા. પરિષદનું પ્રમુખસ્થાન શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપવામાં આવ્યું હતું અને ગાંધીજી, સરદાર તથા કૉંગ્રેસ કારોબારીના જે સભ્યો તે વખતે બહાર હતા તેમણે એ પરિષદમાં હાજરી આપી હતી.

નામદાર વિઠ્ઠલભાઈએ પ્રમુખ તરીકેના પોતાના ભાષણમાં જણાવ્યું :

“હું આ પરિષદના પ્રમુખ તરીકે જ અહીં આવ્યો નથી. તાલુકામાં આવીને તપાસણી કરવી એ કામ પણ મને સોંપાયેલું છે. તે મુજબ હું અહીં ૨૪મી તારીખે આવ્યો છું. . . . સરકારી અમલદાર કહે છે કે તમે જે પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ આપી છે તે વગર સમજ્યે આપી છે. પૂરી હકીકત તમારી આગળ રજૂ કર્યા વગર તમને છેતરીને સહીઓ કરાવી લેવામાં આવી છે. લગભગ સાઠ ગામડાંના માણસોને હું મળ્યો છું. તેમને પૂછીને મેં ખાતરી કરી છે કે તાલુકાના લોકોએ ૧૦૦માંથી ૯૯ સહીઓ તો પૂરું સમજ્યા પછી જ કરી છે.. . .”

પોતાની તપાસનું બ્યાન આપતાં તેમણે જણાવ્યું :

“આ તાલુકામાં ૮૭ હજારની વસ્તી છે. તેમાં લગભગ ૩૦ હજાર પાટીદાર, લગભગ ૪૫ હજાર દૂબળા તથા ઢોડિયા વગેરે રાનીપરજ, ત્રણેક હજાર મુસલમાન, ત્રણેક હજાર અનાવિલ બ્રાહ્મણ, બે હજાર વાણિયા અને બેએક હજાર અંત્યજ ભાઈબહેનો છે. . . . વાણિયા, બ્રાહ્મણ લડતની વિરુદ્ધ નથી, તેમ તરફેણમાં પણ નથી. પાટીદાર લોકોનો બાર આની ભાગ લડતમાં એકપગે સામેલ છે અને જેટલો ભોગ આપવો પડે તેટલો આપવા તેઓ તૈયાર છે. દૂબળા વગેરે વર્ગમાં કાર્યકર્તાઓએ હજી સુધી પ્રવેશ નથી કર્યો એ સાચું છે, જોકે પાટીદારો તેમની પાસેથી ગમે તેવું કામ લઈ શકે એવી તેમની સ્થિતિ છે. હિંદુ મુસલમાન અને બીજી કોમોની આપસમાં એકતાની બાબતમાં મને અહીં ન્યૂનતા નથી જણાતી. અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં આ તાલુકાએ કરેલી પ્રગતિ મને સંતોષકારક ભાસી છે. હું જે ગામે ગયો ત્યાં ઊંચ વર્ણના સંખ્યાબંધ ભાઈઓ મારી સાથે અંત્યજવાસમાં આવ્યા હતા. તેમનામાં મેં કશાં સૂગસંકોચ ન જોયાં. રાષ્ટ્રીય શાળાઓમાં અંત્યજ બાળકોને દાખલ કરવાનું કામ હજું ઓછું થયું છે, જોકે સવિનય ભંગને લંબાવવા જેટલું ઓછું તો નહીં કહું. આ નાના તાલુકામાં દારૂનાં પીઠાં તથા તાડીના માંડવા ઘણા કહેવાય — પણ પીનાર વર્ગ મોટે ભાગે દૂબળાનો છે. તેના પર અહીંના પાટીદારો અસર પાડી શકે તો એ બધાં પીઠાં અને માંડવા ખાલી રહે. આ તાલુકામાં શાંતિના ભંગની મને ઓછી બીક છે. તાલુકામાં ગુના ઓછા થાય છે. અહીંના લોકોમાં સરકાર દરબાર ચડવાની ઝાઝી ટેવ નથી. ઘણી તકરારો ઘરમેળે પતાવાય છે.”

પછી તાલુકાના લોકોને ઉદ્દેશીને કહ્યું :

“તમે જે કીર્તિ ખાટી ગયા છો એ કીર્તિની કિંમત તમારી પાસે હિંદુસ્તાન માગી શકે છે. જો તમે એ કીર્તિની કિંમત આપવા નાલાયક હો તો અત્યારથી તેવું કહી દેજો. એમ સ્પષ્ટ કહી દેશો તો તમારો આખા હિંદુસ્તાન પર ઉપકાર થશે. એક વાર રણે ચડ્યા પછી કાયર થઈ પાછી પાની કરવી તે કરતાં પહેલેથી જ નાલાયકી કબૂલ કરવી એમાં શૂરવીરતા છે.
“માટે ફરી ફરીને વિચાર કરજો. મામલતદાર કે આસિસ્ટંટ કલેક્ટર કે કલેક્ટર તમને ભલે કહે કે તમારી બીજી મિલકત, દાગીના કે ઢોરઢાંખર સરકાર નથી લેવાની, માત્ર ખેતરોમાં ઊભો કપાસ જ દસ લાખનો છે, તેટલો જ વેપારીઓને આપી દેશે. પણ હું કહું છું કે તમારી જંગમ મિલકત લેવાનો સરકારને અધિકાર છે. એ ન લેવા જેટલી સરકાર દયાળુ હોય તો મારે એ નવી જ વાત શીખવાની રહી છે. સરકાર જમીનો ખાલસા નહીં કરે એ હું માની શકતો જ નથી. રીતે અને ગેરરીતે તમારી સામે આ યુદ્ધમાં હજાર તદબીર રચીને એ લડશે. તમને કેદમાં નાખશે, તમારું નસીબ હો તો તમારી પર ગોળીઓ પણ ચલાવશે. આ બધું જો સહન કરવા તૈયાર હો તો જ લડાઈમાં ઊતરજો. ઈશ્વર સાક્ષી રાખીને મને જે સત્ય લાગે છે તે તમને કહું છું કે, એક તરફથી હિંદુસ્તાનને સ્વતંત્રતા અપાવવાનું કામ તમારે હાથે થશે, બીજી તરફથી તમારી મિલકત, તમારા જાન પાણીથી પણ સસ્તા કરવા પડશે. આખો બારડોલી તાલુકો નકશામાંથી ભૂંસાઈ જવા સંભવ છે, તેવી ગણતરી રાખીને કામ કરજો. કેટલાક કહેશે કે વિઠ્ઠલભાઈ એ બહુ બિવડાવ્યા, પણ ચેતવવા ખાતર બહુ બીક બતાવવી એ સારી.”

ગાંધીજીએ પણ સત્યાગ્રહ કરવાને લાયક થવા માટે કેટકેટલી તૈયારીઓ કરવી જોઈએ અને તેમાં કેટલાં કેટલાં જોખમો ખેડવાનાં છે તે વિગતવાર સ્પષ્ટ ફોડ પાડીને લોકોને સમજાવ્યું. આ બધી ચોખવટ એટલા માટે કરવામાં આવી કે કોઈ અજાણપણમાં ન રહે અને સમજ્યા વિના હાથ ઊંચો ન કરે. ગાંધીજીએ સાફ કહ્યું કે, હાથ ઊંચો કર્યે કંઈ સ્વરાજ નથી મળી જવાનું. જાતે મરીને, માલમિલકત ખુવાર કરીને, વાસણકૂસણ, ઢોરઢાંખર ગુમાવીને, પાયમાલ થઈને જ સ્વરાજ ઘેર આણવાનું છે. ગાંધીજી અને વિઠ્ઠલભાઈ બધું કરતા હતા એટલે સરદારને કાંઈ બોલવાપણું નહોતું. પણ તેમની તીણી નજર ચારે કોર ફરી રહી હતી અને તેમણે પારખી લીધું હતું કે આ તાલુકાના લોકોને બરાબર દોરવામાં આવે અને તેમનો વિશ્વાસ બેસી જાય તો તેમને ત્યાગ અને બલિદાનને રસ્તે બરાબર વાળી શકાય એમ છે. આ પારખનો ઉપયોગ તેમણે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહની લડતમાં બરાબર કર્યો. લોકોએ ૧૯૩૦ તથા ૧૯૩૨ની લડતમાં પણ સારો જવાબ આપ્યો.

ગાંધીજીએ પોતાના ભાષણના અંતમાં જણાવ્યું :

“કોઈ એમ ન માનીને બેસે કે હું અહીં રહેવાનો છું એટલે હું તમને બચાવી લઈશ. હું જ્યાં જાઉં છું ત્યાં તો ઊલટા ઉપદ્રવ જ થાય છે. આપણે બધા વલોવાઈ જઈએ છીએ. હું તમારી અંદર શાંતિ કરવા નથી આવ્યો પણ અશાંતિ ઉપજાવવા આવ્યો છું. અશાંતિ સિવાય શાંતિ નથી. પણ તે અશાંતિ આપણી પોતાની. આપણાં મન જ્યારે વલોવાઈ જશે, આપણે જ્યારે કષ્ટના અગ્નિમાં ખૂબ તપશું, ત્યારે જ ખરી શાંતિ પ્રાપ્ત કરી શકવાના છીએ.”

આટલી સમજૂતી અને ચેતવણી મળ્યા પછી પરિષદે નીચેનો ઠરાવ સર્વાનુમતે અને ખૂબ ઉત્સાહપૂર્વક પસાર કર્યો :

“સામુદાયિક સવિનય ભંગને સારુ કૉંગ્રેસે મુકરર કરેલી શરતો પૂરી રીતે સમજ્યા પછી બારડોલી તાલુકાની આ પરિષદ ઠરાવ કરે છે કે :
૧. આ તાલુકો સામુદાયિક સવિનય ભંગને સારુ તૈયાર છે.
૨. આ પરિષદ માને છે કે :
(૧) હિંદુસ્તાનનાં દુઃખોને દૂર કરવા સારુ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે કોમો વચ્ચે મિત્રતાની આવશ્યકતા છે.
(૨) મજકૂર દુઃખનું ઔષધ શાંતિ, સબુરી અને સહનશીલતા જ છે.
(૩) હિંદુસ્તાનની સ્વતંત્રતાને સારુ પ્રત્યેક ઘરમાં રેંટિયો ચલાવવાની અને બધાએ હાથે કાંતેલા સૂતરનાં હાથે વણેલાં કપડાંનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
(૪) હિંદુઓ જ્યાં સુધી અસ્પૃશ્યતાનો સર્વથા ત્યાગ ન કરે ત્યાં સુધી સ્વરાજ્ય અશક્ય છે.
(૫) લોકોની ઉન્નતિને સારુ ને બંધનમાંથી છૂટવાને સારુ ગુસ્સો કર્યા વિના, માલમિલકત ખોવા, કેદમાં જવા કે જરૂર પડે તો જીવ આપવા લોકોએ તૈયાર થવાની આવશ્યકતા છે.
૩. આ પરિષદ ઉમેદ રાખે છે કે બારડોલી તાલુકાને પોતાનો ભોગ આપવાની પ્રથમ તક મળશે.
૪. આ પરિષદ કૉંગ્રેસ કારોબારી સમિતિને સૂચવે છે કે જો કારોબારી સમિતિ બીજો કંઈ પણ બંધનકારક ઠરાવ પસાર ન કરે તો, અગર રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ ન ભરાય તો બારડોલી તુરત સામુદાયિક સવિનય ભંગ મહાત્મા ગાંધીજી અને પરિષદના પ્રમુખની સલાહ મુજબ શરૂ કરશે.
૫. આ પરિષદ ભલામણ કરે છે કે જેમાં કૉંગ્રેસે ઠરાવેલી શરતોનું પાલન કરવા તૈયાર હોય તેવા બારડોલી તાલુકાના રહેવાસીઓ બીજો ઠરાવ થતાં સુધી સરકારમહેસૂલ ન ભરે.”

આણંદ તાલુકો સત્યાગ્રહની લડત ઉપાડવા માટે બારડોલી તાલુકાનો હરીફ હતો. પણ એ હરીફાઈ સુંદર અને બંનેને ઉન્નતિકર હતી. આણંદ તાલુકાના બુઝુર્ગ નાયક શ્રી અબ્બાસ સાહેબ તૈયબજી પોતાના તાલુકાને આવો અમૂલો લહાવો ન મળે તે માટે મનમાં દિલગીર થયા હોય તો નવાઈ નહીં. પણ ખુશમિજાજી અને ખેલદિલીથી તેમણે પરિષદમાં બારડોલીને મુબારકબાદી અને દુવા આપી.

ટીકાકારો કહેવા લાગ્યા કે બારડોલીના લોકો તો ભોળા અને મોળા છે અને તેમનો વિશ્વાસ કરવામાં ગાંધીજી મોટી ભૂલ કરે છે. આનો ગાંધીજીએ જે જવાબ આપ્યો તે સત્યાગ્રહી સેનાપતિની વૃત્તિ કેવી હોય તે સુંદર રીતે બતાવે છે :

“હું તો ભૂલ કર્યાં જ કરું છું ને ઈશ્વર સુધાર્યાં કરે છે. હજારો વાર લોકો મને ભૂલથાપ ખવડાવે તોપણ મારાથી અવિશ્વાસ કેમ થાય ? જ્યાં સુધી વિશ્વાસ રાખવાનું જરા પણ કારણ જોઉં ત્યાં સુધી હું તો વિશ્વાસ જ રાખું. અવિશ્વાસનું ચોક્કસ કારણ મળ્યે વિશ્વાસ રાખવો એ મૂર્ખાઈ છે. પણ વહેમથી જ અવિશ્વાસ કરવો એ ઉદ્ધતાઈ અને નાસ્તિકતા છે. વિશ્વાસે તો વહાણ તરે છે.
“મને તો બારડોલીના લોકોએ એટલી નિખાલસપણે વાત કરી છે કે તેમનો અવિશ્વાસ કરવો એ મને પાપ લાગ્યું. હું અવિશ્વાસથી તેઓના પ્રતિનિધિઓ સાથે વાત કરવા બેઠો ને તેઓએ જ મારામાં વિશ્વાસ પેદા કર્યો.
“બારડોલીના માણસો સાદા છે, ભોળા છે. તેઓને કશા માજશોખની દરકાર નથી. તેઓ તવંગર નથી, તેમ ભિખારી પણ નથી. તેઓ તોફાની નથી, તેમ નમાલા પણ નથી. તેઓ કજિયાખોર નથી, પણ પ્રેમાળ છે. તેમનામાં અંદર અંદર કજિયા કંકાસ નથી. તેઓએ અમલદાર વર્ગની સાથે મીઠાશ જાળવી છે. તેઓને સ્થાનિક દુઃખ ન હોઈ, તેમની લડવાની માગણી કેવળ નિઃસ્વાર્થ જ છે. તેઓએ યોગ્ય થવા ખૂબ પ્રયાસ કર્યો છે, પોતાની શક્તિ ચોરી નથી. તેઓ સ્વદેશીમાં સંપૂર્ણ નથી થયા, પણ સંપૂર્ણ થવા ઠીક પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ અસ્પૃશ્યતાને જેટલે દરજ્જે કાઢી છે તેટલી હિંદુસ્તાનના બીજા કોઈ ભાગમાં તે નથી નીકળી. તેથી હું માનું છું કે કોઈ પણ તાલુકો લાયક છે એમ ગણાય તો બારડોલી છે જ.”

પછી તા. ૩૧મીએ સુરતમાં કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી તેમાં મંજૂર કરાવીને ગાંધીજીએ વાઈસરૉયને તા. ૧લી ફેબ્રુઆરીએ એક લાંબો કાગળ લખ્યો. તેના છેલ્લા પેરામાં જણાવ્યું કે:

“પણ બારડોલીમાં સવિનય ભંગનું કાર્ય ચાલુ થાય તે પહેલાં હિંદી સરકારના વડા સૂબા તરીકે આપને હું નમ્રતાપૂર્વક કહું છું કે આપની નીતિ છેવટને સારુ બદલો. જેઓને શાંતિમય પ્રવૃત્તિઓના સંબંધમાં પકડવામાં અથવા કેદ કરવામાં આવેલા છે તે બધા અસહકારી કેદીઓને છોડી દો. મુલકની અંદર જે જે શાંતિમય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની વચ્ચે સરકાર જરા પણ નહીં આવે એવું ચોખ્ખી રીતે જાહેર કરો, પછી ભલે તે પ્રવૃત્તિઓ ખિલાફત, પંજાબ કે સ્વરાજ સંબંધી હોય, અને ભલે તે શાંત પ્રવૃત્તિઓ ફોજદારી ગુનાઓને લગતા અથવા દમનનીતિવાળા કોઈ પણ કાયદાની અંદર આવી જતી હોય. તે જ પ્રમાણે વર્તમાનપત્રો ઉપરનો બિનઅદાલતી બધો અંકુશ નીકળી જવો જોઈએ અને જે દંડ અથવા તો જપ્તીઓ કરવામાં આવેલાં છે તે પાછાં મળવાં જોઈએ. આ પ્રમાણે માગણી કરવામાં જ્યાં સભ્ય રાજનીતિ ચાલે છે તેમ ગણાય છે એવા દેશો કરતાં હું કંઈ વધારે માગણી કરતો નથી. જો આ જાહેરપત્ર પ્રગટ થયા પછી સાત દિવસની અંદર મારી માગણીનો સ્વીકાર કરવાનું આપ જાહેર કરશો તો જે કૉંગ્રેસીઓ કેદમાં છે તેઓ છૂટીને આખી વસ્તુસ્થિતિનો નવેસરથી વિચાર કરી શકે ત્યાં સુધી આક્રમણકારી સવિનય ભંગ મોકૂફ રાખવાની સલાહ આપવા હું તૈયાર છું. જો આ પ્રમાણે સરકાર મારી માગણીનો સ્વીકાર કરશે તે હું એમ માનીશ કે લોકમતને માન આપવાનો તેનો શુભ ઇરાદો છે, અને તેથી લોકોને હું એવી સલાહ આપીશ કે તેઓએ કોઈ તરફથી અંકુશ મુકાયા વિના જાહેર મતને વધુ કેળવવામાં રોકાઈ જવું અને એવો વિશ્વાસ રાખવો કે દેશની નિશ્ચિત થયેલી માગણીઓનો સ્વીકાર તે વડે થઈ શકશે. એમ થયા પછી જો કદાચ સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ નીતિનો ત્યાગ કરે અથવા હિંદી પ્રજાના સ્પષ્ટ રીતે જણાઈ આવતા એવા બહુમતને માન ન આપે તો જ આક્રમણકારી સવિનયભંગ શરૂ કરવામાં આવે.”

સરકારે આ કાગળનો જવાબ વાળ્યો તેમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો અને અસહકારીઓને દોષિત પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. દાખલા તરીકે, સભાબંધી અને વાણીબંધીની નોટિસો બાબત સરકારે જણાવ્યું કે અસહકારીઓની બદમાશીને લીધે જ એવી બંધી કરવી પડી છે. બીજા આક્ષેપોની બાબતમાં સરકારે આંખ આડા કાન કર્યા. ગાંધીજીએ સરકારના આ જવાબનો જવાબ આપ્યો, જેમાં સરકાર તરફથી કરવામાં આવેલી લૂંટના, મારપીટના, ખાદી બાળવાના, કૉંગ્રેસનાં કાર્યાલયો ઉપર રાતને વખતે ધાડ પાડવાના, વગેરે દાખલા ટાંકી બતાવ્યા. બીજી તરફથી બારડોલી તાલુકાના લોકો પ્રત્યે દરરોજ પત્રિકાઓ કાઢી તેમને તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. એટલામાં યુક્ત પ્રાંતમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચોરા નામના ગામના લોકો તરફથી થયેલ હત્યાકાંડના ચોંકાવનારા ખબર આવ્યા. એ ગામમાં એક સરઘસ નીકળેલું. એ સરઘસની પાછળ રહેલા લોકોની પોલીસે સતામણી કરી અને ગાળો દીધી. લોકોએ બૂમો પાડી એટલે આગળ નીકળી ગયેલું ટોળું પાછું ફર્યું. પોલીસે એના ઉપર ગોળી ચલાવી. પણ થોડી વારમાં તેમની પાસેની કારતૂસો ખૂટી એટલે પોતાની સલામતીને ખાતર પોલીસે પોતાના થાણામાં ભરાઈ ગયા. ટોળાએ થાણું સળગાવ્યું. અંદર ભરાયેલા પોલીસ સિપાઈઓ જાન બચાવવા ખાતર બહાર આવ્યા તેવા જ વિકરાળ ટોળાએ તેમને પીંખીને ફાડી નાખ્યા અને તેમની છિન્નભિન્ન લાશોને ભભૂકતી આગમાં હોમી દીધી. કુલ ૨૧ પોલીસ સિપાઈઓ અને ફોજદારનો એક જુવાન છોકરો આમાં માર્યા ગયા. આના બચાવમાં એમ કહેવામાં આવ્યું કે લોકોના ટોળાની પોલીસે તે ઘડીએ પજવણી કરી એટલું જ નહોતું, પણ એ જિલ્લામાં પોલીસનો જુલમ અને ત્રાસ ચાલુ હતો અને તેથી લોકો ધૂંધવાયેલા હતા. ગાંધીજીને મન આ બચાવનો કશો અર્થ ન હતો. તેમને તો સ્પષ્ટ લાગ્યું કે પોલીસ તરફથી અગાઉ ચાહે તેવી પજવણી થઈ હોય તો પણ તેઓ જ્યારે નિરાધાર થઈ ગયા હતા અને લોકોના ટોળાની દયા પર આવી પડ્યા હતા ત્યારે તેમની આવી ઘાતકી રીતે હત્યા કરવી તેનો કોઈ રીતે બચાવ કરી શકાય જ નહીં. તેમાંય જ્યારે આપણે અહિંસાપરાયણ હોવાનો દાવો કરતા હોઈએ અને કેવળ શુદ્ધ સાધનો વડે જ સ્વતંત્રતા મેળવવાના ઉમેદવાર હાઈએ ત્યારે આવી ટોળાશાહી ચલાવીને ખુનામરકી કરવી અક્ષમ્ય જ ગણાય. નાનાં નાનાં છમકલાં તો બીજે પણ થોડાં થયાં હતાં. એટલે આવા હિંસામય વાતાવરણ વચ્ચે બારડોલીનો સામુદાયિક સવિનય ભંગ ન ચલાવી શકાય એ વિચાર તેમને તત્કાળ સ્ફૂર્યો. તેમને કૉંગ્રેસે સરમુખત્યાર નીમ્યા હતા એટલે તેમને સવિનય ભંગ મોકૂફ રાખવાની સત્તા તો હતી, પણ કારોબારી સમિતિના જે જે સભ્યો બહાર હતા તેમની સાથે મસલત કરીને જે તે નિર્ણય જાહેર કરવો એ વિચારથી તા. ૧૧મી ફેબ્રુઆરીએ બારડોલીમાં કારોબારીની મીટિંગ બોલાવી. તે વખતની પોતાની મનોવ્યથાનું ગાંધીજી ‘ઘરનો ઘા’ એ નામના લેખમાં વર્ણન આપે છે :

“ ‘પણ હમણાં જ હજી વાઈસરૉય સાહેબને લાંબોચોડો વિષ્ટિપત્ર લખી મોકલ્યો અને તેના જવાબનો પણ જવાબ વાળ્યો તેનું શું ?’ આમ સેતાન કાન આગળ ગણગણ્યો. મારી ભોંઠપને સીમા ન દેખાઈ. ‘મોટા ડોળ કરીને સરકારને મોટી મોટી ધમકીઓ આપી, બારડોલીના લોકોને બડીબડી આશાઓ આપી, અને બીજે જ દિવસે આમ પાછી પાની ! કેવડી ભારે મરદાનગી !’ આમ સેતાન મારી પાસે સત્યનો અને તેથી ધર્મનો અને ઈશ્વરનો ઇનકાર કરાવવા મથી રહ્યો હતો. મેં મારી શંકાઓ અને મારું દુઃખ કારોબારી સમિતિ આગળ તેમ જ જે સાથીઓને મેં મારી પાસે દીઠા તેમની આગળ રજૂ કર્યું. પહેલાં તો તેમનામાંના બધાને કંઈ મારું કહેવું હૈયે બેઠું નહીં. કેટલાકને કદાચ હજી પણ મારું કહેવું ગળે ઊતર્યું નથી. પણ ઈશ્વરે મને જેવા સમજુ અને દરિયાવ દિલના સાથીઓ અને જોડીદારો આપ્યા છે તેવા કદાચ ભાગ્યે જ કોઈને આપ્યા હશે. તેઓ મારી મુશ્કેલી સમજ્યા અને ધીરજથી મારું બધું કહેવું સાંભળ્યું.”

તા. ૧૧મી તથા ૧રમી ફેબ્રુઆરી, એ બે દિવસ કારોબારી સમિતિની બેઠક ચાલી. તેમાં પસાર થયેલા ઠરાવોના મુદ્દા નીચે પ્રમાણે છે :

૧. ચૌરીચારાના અમાનુષી અત્યાચારો માટે ખેદ.
૨. સામુદાયિક સવિનય ભંગ પૂર્ણ અહિંસામય વાતાવરણ ઊભું થાય ત્યાં સુધી મુલતવી રાખવો. સરકારના મુલતવી રાખેલા કર ભરી દેવા. આક્રમણકારી સવિનય ભંગની તૈયારીઓ બંધ કરવી.

3. જેલ માગી લેવાની પ્રવૃત્તિઓ બંધ કરી કૉંગ્રેસની સામાન્ય પ્રવૃત્તિઓ ચલાવવી. સારા ચારિત્ર્યવાળા અને કૉંગ્રેસ સમિતિઓએ ખાસ પસંદ કરેલા લોકો પાસે જ દારૂનાં પીઠાં પર ચોકી કરાવવી. બીજી બધી ચોકી બંધ કરવી.
૪. સભાબંધીના કાયદાના ભંગને ખાતર જ સ્વયંસેવકનાં સરઘસો કાઢવાનું અને જાહેરસભાઓ ભરવાનું બંધ રાખવું. કૉંગ્રેસની ખાનગી સભાઓ ને સામાન્ય જાહેરસભાઓ ભરવાની છૂટ રાખવી.
૫. જમીનદારોની સાંથ ન અટકાવવા ખેડૂતોને સમજાવવા. કૉંગ્રેસની હિલચાલનો હેતુ જમીનદારના કાયદેસર હક્કો પર તરાપ મારવાનો નથી. ઠરાવમાં ભવિષ્યનો કાર્યક્રમ પણ લોકોને આપ્યો :
૧. કૉંગ્રેસના ઓછામાં ઓછા એક કરોડ સભ્ય બનાવવા. સ્વરાજ્ય માટે સત્ય અને અહિંસાને અનિવાર્ય ગણનારને જ દાખલ કરવા.
૨. રેંટિયાની અને શુદ્ધ ખાદીની ઉત્પત્તિની પ્રવૃત્તિ વધારવી. દરેક કાર્ય કર્તા શુદ્ધ ખાદી જ પહેરે ને ઉત્તેજનને ખાતર કાંતતાં પણ શીખી લે.
3. રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવી અને ચલાવવી. સરકારી શાળાઓ પર ચોકી ન કરવી.
૪. અંત્યજોની સ્થિતિ સુધારવી. પોતાનાં બાળકને રાષ્ટ્રીય શાળાઓમાં મોકલવા તેમને સમજાવવા તથા બીજી સામાન્ય સગવડ કરી આપવી. તેમના પ્રત્યે અણગમો દૂર ન થયો હોય ત્યાં કૉંગ્રેસ તરફથી તેમને માટે અલાયદી શાળાઓ અને અલાયદા કૂવા કરી આપવા.
૫. દારૂ પીવાની ટેવવાળા લોકોમાં ઘેર ઘેર ફરી દારૂ નિષેધની હિલચાલ ચલાવવી.
૬. શહેરોમાં અને ગામોમાં લવાદી પંચો સ્થાપવાં. તેના ચુકાદા પળાવવા માટે સામાજિક બહિષ્કારનો ઉપયોગ હરગિજ ન કરવો.
૭. એક સેવાખાતું ખોલવું, જે કશા ભેદ રાખ્યા વિના સર્વ કોમને માંદગી કે અકસ્માત વખતે મદદ આપે.
૮. તિલક સ્વરાજ ફાળો ચાલુ કરવો અને કૉંગ્રેસના દરેક સભ્યને તથા કૉંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારને પોતાની ૧૯૨૧ની આવકનો સોમો ભાગ આપવા વિનંતી કરવી.

ગાંધીજીએ ચૌરીચોરાના દોષના પ્રાયશ્ચિત્ત તરીકે પાંચ દિવસના ઉપવાસ કર્યા. પ્રાયશ્ચિત્ત જાહેર કરવાની જરૂર ન હોય. પણ આ ઉપવાસ જાહેર કરવાનું ગાંધીજીએ એ કારણ આપ્યું કે જોકે એ ઉપવાસ એમને પોતાને સારુ પ્રાયશ્ચિત્ત હતા, પણ તેની સાથે ચૌરીચારાના દોષિત લોકોને સારુ એ સજારૂપ પણ હતા. ગાંધીજીએ લખ્યું છે :

“પ્રેમની સજા એવી જ હોય. પ્રેમી દુભાય ત્યારે પ્રિયાને દંડતો નથી, પણ પોતે પીડા ભોગવે છે, પોતે ભૂખે પીડાય છે, પોતે માથું કૂટે છે. પ્રિયજન સમજે કે ન સમજે એને વિશે એ નિશ્ચિંત રહે છે.”

તા. ૨૫મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ બાબત વિચાર કરવા મહાસમિતિની બેઠક થઈ તેમાં કારોબારી સમિતિનો બારડોલીનો ઠરાવ થોડાક ફેરફાર સાથે પસાર થયો. પણ ગાંધીજીએ જોયું કે એ ઠરાવ મહાસમિતિના બહુ ઓછા સભ્યોને ખરેખર ગમ્યો હતો. ગાંધીજીને મત મળ્યા તે એમને પોતાને ખાતર મળ્યા હતા. એમના અભિપ્રાય તથા વિચારની સત્યતા સ્વીકારીને સભ્યોએ એમને મત નહોતા આપ્યા તેથી એમને બહુ દુઃખ અને નિરાશા થયાં. પણ લોકોને અને બીજા નેતાઓને જુદાં કારણસર એમના કરતાં પણ વધારે દુ:ખ અને નિરાશા થયાં હતાં. બારડોલીના લોકોની નાસીપાસીનો પાર ન હતો. ત્યાંના સ્વયંસેવકોએ એક વરસ થયાં રાત કે દિવસ જોયા વિના રખડી રખડીને આખા તાલુકાને તૈયાર કર્યો હતો. ખેડા જિલ્લા અને ખાસ કરીને આણંદ તાલુકો, એને ભલે સામુદાયિક ભંગને લહાવો ન મળે પણ તેઓ વ્યકિતગત સવિનય ભંગ તો કરવાના હતા અને તે માટે તેમને મંજૂરી પણ મળી હતી. તે માટે જિલ્લામાંથી ઘણાએ જમીન મહેસૂલ નહોતું ભર્યું. તેમને એ રીતે નિરાશા થઈ. પણ આ લોકોને ગાંધીજી ઉપર અનન્ય શ્રદ્ધા હતી. એટલે એમનો બોલ તેમણે ઉપાડી લીધો અને એમની સલાહ પ્રમાણે રચનાત્મક કામમાં, ખાસ કરીને ખાદીમાં તેઓ લાગી ગયા. પણ મોટા રાજદ્વારી નેતાઓ અને રાજદ્વારી લડતના રસિયા જુવાનિયાઓને ગાંધીજીની આ વાત સમજવી વસમી હતી. તેમને એમ લાગતું હતું કે દેશના કોઈ પણ ભાગમાં હિંસક તોફાન થાય તો સામુદાયિક સવિનય ભંગની લડત અટકાવી દેવામાં આવે એ શરતે તો સામુદાયિક સવિનય ભંગ કોઈ દિવસ થઈ જ ન શકે. એવાં બે ચાર તોફાન તો યુતિપ્રયુક્તિ કરીને આપણા વિરોધીઓ અને સરકાર પણ ગમે ત્યાં અને ગમે ત્યારે ઊભાં કરી શકે. આપણે પ્રજા ઉપર ગમે તેટલો કાબૂ જમાવીએ તોપણ પ્રજામાં એવાં તત્ત્વો તો રહે જ, જેઓની પાસે સહેજે આવાં તોફાન કરાવી શકાય. લાલા લજપતરાય, પંડિત મોતીલાલ નેહર, વગેરે નેતાઓ જેઓ જેલમાં હતા તેમને ગાંધીજીના નિર્ણયથી બહુ આઘાત પહોંચ્યો. તેઓ ચિડાયા અને દિલ્હીની મહાસમિતિની બેઠક પહેલાં ગાંધીજીને કાગળ લખ્યો કે, આ નિર્ણય દેશને ભારે નુકસાન પહોંચાડશે, લોકો હિંમત હારી જશે અને દેશની તથા કૉંગ્રેસની આબરૂને મોટો ધક્કો પહોંચશે. જેલની અંદરના અને બહારના ઘણાને એમ લાગતું હતું કે, જે ઘડીએ આપણી સ્થિતિ ઘણી મજબૂત હતી, સરકારના દમનની લોકો ઉપર કશી જ અસર થતી નહોતી, એકેએક મોરચા ઉપર આપણો વિજય થતો જ દેખાતો હતો, વાઈસરૉયે પોતે જાહેરમાં કહ્યું હતું કે સરકાર મુંઝાઈ ગઈ છે અને ગૂંચવાડામાં પડી છે, તે ઘડીએ લડત મોકૂફ રાખવામાં ગાંધીજીએ ભૂલ કરી. મુંબઈના ગવર્નર ૧૯૨૩ના નવેમ્બરમાં એક અંગ્રેજ સાથેની મુલાકાતમાં બોલેલા :

“છે તો આટલોકશો સૂકલકડી; પણ તેત્રીસ કરોડ હિંદી પ્રજા ઉપર એણે અધિકાર જમાવ્યો હતો. આખી પ્રજા એનો પડ્યો બોલ ઝીલી લેતી. દુન્યવી વાતોની એને પરવા જ ન મળે. હિંદુસ્તાનના આદર્શો અને ધર્મનો જ ઉપદેશ કર્યાં કરે. આદર્શોથી કોઈએ રાજ્ય કર્યાં છે ? છતાં લોકોનાં દિલમાં એણે બરાબર સ્થાન મેળવ્યું. એ લોકોના પરમેશ્વર થઈ પડ્યા. હિંદુસ્તાનને કોઈક ને કોઈક તો પરમેશ્વર જોઈએ જ. પહેલાં તિલક હતા. પછી ગાંધી થયા. આવતી કાલે કોઈ ત્રીજો થશે. તેણે અમને ગભરાવી નાખ્યા. તેના કાર્યક્રમે અમારી બધી જેલો ભરી દીધી. પણ એમ લોકોને માણસ કેદમાં ક્યાં સુધી પૂર્યાં કરે, ખાસ કરીને જ્યાં વસ્તી તેત્રીસ કરોડની હોય ત્યાં ? અને આગળનું પગલું જો લોકોએ ભર્યું હોત, જો કર આપવાની ના પાડી હોત, તો ખુદાને માલૂમ આજે અમે ક્યાં હોત ! ગાંધીનો અખતરો આખી દુનિયામાં અપૂર્વ હતો અને મહા જબરદસ્ત હતો. એને અને ફતેહને એક તસુનું જ છેટું હતું. પણ લોકોના આવેશને એ અંકુશમાં ન રાખી શક્યા. લોકોએ હિંસામાર્ગ ગ્રહણ કર્યો અને ગાંધીએ પોતાની લડત મોકૂફ રાખી.”[૧]

લડત એટલા કારણસર બંધ કરવામાં આવે કે દેશના એક ખૂણામાં ઉશ્કેરાયેલા ટોળાએ કેટલોક અત્યાચાર કર્યો, તે રાજદ્વારી દૃષ્ટિએ દેશને પાછો પાડનારું હતું, એમ ગાંધીજી સિવાયના સૌ નેતાઓને લાગતું હતું. શ્રી વિઠ્ઠલભાઈ જેઓ બારડોલીની લડતમાં શરૂથી રસ લેતા હતા તેમને લડત બંધ રાખવાની ગાંધીજીની વાત જરાયે રુચી નહોતી. એક માત્ર સરદારે અને રાજેન્દ્રબાબુએ વિરોધનો કે નિરાશાનો એક હરફ પણ ઉચ્ચાર્યા વિના જ્ઞાનયુક્ત શ્રદ્ધાપૂર્વક ગાંધીજીનો નિર્ણય માથે ચડાવ્યો હતો. જવાહરલાલે પોતાની જીવનકથામાં આ વસ્તુનું પૃથક્કરણ બહુ સુંદર રીતે કર્યું છે :

“સાચી હકીકત તો એ છે કે ૧૯૨૨ના ફેબ્રુઆરીમાં સવિનય ભંગની લડત બંધ રહી તે કેવળ ચૌરીચોરાને કારણે તો નહીં જ, જોકે ઘણા લોકો એમ જ માનતા હતા. ચૌરીચારા તો એક છેવટનું નિમિત્ત થઈ પડ્યું. ગાંધીજી ઘણી વાર પોતાની અંતઃપ્રેરણાથી જ કામ લે છે. પ્રજાની સાથેના લાંબા અને નિકટ સંસર્ગને પરિણામે મોટા લોકનેતાઓને જે એક નવી દૃષ્ટિ ખૂલી જાય છે તેવી નવી દૃષ્ટિ એમને ખૂલી છે. આથી લોકોને શું લાગે છે, લોકો શું કહે છે, અને લોકો શું કરી શકશે તે તેઓ સહજ જોઈ શકે છે. આ સહજ દૃષ્ટિનો તેઓ ઉપયોગ કરે છે, તે પ્રમાણે જ પોતાનું કાર્ય ગોઠવે છે અને પાછળથી પોતાના આશ્ચર્યચકિત અને રોષે ભરાયેલા સાથીઓને
સંતોષવાને માટે પોતાના નિર્ણયનાં કારણો આપવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ઘણી વાર અતિશય છીછરો હોય છે — જેમ અમને ચૌરીચોરા પછીથી લાગ્યું હતું. તે વખતે જોકે ઉપરથી લડત બહુ જોશમાં દેખાતી હતી અને લોકોનો ઉત્સાહ સર્વત્ર ઊભરાતો જણાતો હતો તોપણ વાસ્તવમાં લડત છિન્નભિન્ન થઈ ગઈ હતી. વ્યવસ્થા અને નિયમપાલનનાં નામનિશાન રહ્યાં ન હતાં. આપણા ઘણાખરા સારા માણસો જેલમાં હતા,❋ [૨] અને આમવર્ગને આજ સુધીમાં સ્વતંત્ર રીતે કામ લેવાની કશી જ તાલીમ મળી ન હતી. સ્થિતિ એવી થઈ હતી કે ગમે તે અજાણ્યો માણસ કૉંગ્રેસ સમિતિનો કબજો લેવા માગે તો લઈ શકે. અનેક ન ઇચ્છવા જેવા માણસો અને શત્રુના આડતિયાઓ આગળ આવી ગયા હતા, અને કેટલીક કૉંગ્રેસ અને ખિલાફત સંસ્થાઓનો કબજો લઈ બેઠા હતા. આ લોકોને અટકાવવાનો કોઈ રસ્તો નહોતો.
“ગાંધીજીના મનમાં આ પ્રકારનાં કારણોએ અને વિચારોએ કામ કીધું હશે. તેમણે ગૃહીત ધરેલી વાતો સ્વીકારીએ અને અહિંસાની રીતે લડત લડવાની ઇષ્ટતા સ્વીકારીએ તો તેમનો નિર્ણય સાચો હતો. સડો અટકાવવાનું અને નવી રચના કરવાનું એમનું કામ હતું.”

અત્યાર સુધી લડતની બાબતમાં પહેલ કરવાનું કૉંગ્રેસના અથવા ગાંધીજીના હાથમાં રહ્યું હતું. સરકારનો વિરોધ કરવાની તથા તેની ખોટી પ્રતિષ્ઠા તોડી નાખવાની નવી નવી યોજનાઓ તથા નવા નવા કાયક્રમો ગાંધીજી દેશ આગળ મૂકતા અને દેશ આખો તે વધાવી લેતો અને ઉપાડી લેતો. આ કાર્યક્રમો અને વિરાધો એવા નવીન અને મૌલિક પ્રકારના હતા કે તેને શી રીતે પહોંચી વળવું તેની સરકારને સૂઝ પડતી નહીં. એટલે તે ગમે તેવા વગર વિચાર્યાં દમન અને જુલમનાં પગલાં આંધળિયાં કરીને લેતી. પણ તેથી તો લોકોનો જુસ્સો અને વિરોધ ઊલટાનો વધતો. ગુજરાત સિવાયના બીજા પ્રાંતોમાંથી લગભગ સઘળા અસહકારી નેતાઓને પકડ્યા હતા છતાં ત્યાં ઉત્સાહ તલભાર પણ ઓછો નહોતો થયો, બલકે વધ્યો હતો. ગાંધીજી ખુલ્લંખુલ્લા આ સરકાર શેતાની છે અને તેનો નાશ કરવો જ જોઈએ એમ સેંકડો વાર કહી ચૂક્યા હતા, પણ તેમને પકડવાની તેની હિંમત નહોતી ચાલતી. કારણ તેમના પર હાથ નાખતાં જ હિંદી લશ્કર અને પોલીસમાં કદાચ બળવો ફાટી નીકળે એવી તેને ધાસ્તી લાગતી હતી. પણ તેમણે લડત મોકૂફ રાખવાનું જાહેર કર્યું અને નેતાઓમાં તથા પ્રજા વર્ગમાં કચવાટ અને નિરાશા ફેલાઈ એટલે સરકારનું ચડી વાગ્યું. લૉર્ડ બર્કનહેડે પાર્લમેન્ટમાં ભાષણ કર્યું કે, ‘બ્રિટિશ પ્રજા હજી જેવી ને તેવી ખડતલ છે. સૌ યાદ રાખે કે તેનાં કાંડાંબાવડાં સાબૂત છે.’ હિંદને સત્વર જવાબદાર રાજ્યતંત્ર આપવું જોઈએ એવી વાત કરનારા મૉન્ટેગ્યુ સાહેબ પણ કશો આડપડદો રાખ્યા વિના સાફ સાફ બોલ્યા કે :

“જો અમારી સલ્તનતની સામે જ કોઈ ઊઠશે, જો હિંદ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં બ્રિટિશ સરકારને કોઈ અટકાયત કરવા બહાર પડશે અને જાણે અમે હિંદમાંથી એમના પડ્યે બોલે ચાલી નીકળીશું એવી ભ્રમણામાં પડી જો કોઈ મનમાની માગણીઓ કરશે તો તેમ કરનારા ખત્તા ખાશે. દુનિયાની આ નિશ્ચયીમાં નિશ્ચયી પ્રજાને પડકારીને તેઓ ખાટી નહીં જાય. તેવાઓને ઠેકાણે લાવવાને બ્રિટિશ પ્રજા ફરી એક વાર પોતાનું બધું પુરુષાતન અને દૃઢ નિશ્ચયીપણું દેખાડી આપશે.”

વાઈસરૉયને કાગળ લખીને સલ્તનતને ગાંધીજીએ આપેલા પડકારના મોડા મોડા અપાયેલા જવાબ તરીકે ઉપરનાં વાક્યો બોલાયેલાં હતાં એ સ્પષ્ટ દેખાય છે. ગાંધીજીએ ૨૩–૨–’૨૨ના ‘યંગ ઈન્ડિયા’માં આનો સણસણતો જવાબ આપ્યો :

“લૉર્ડ બર્કનહેડ અને મિ. મૉન્ટેગ્યુ બંનેને ભાન નથી કે દરિયાપારથી જેટલા આણીને ઉતારી શકાય તેટલા બધા જ ‘સાબૂત કાંડાંબાવડાંવાળા’ઓનો ભેટો કરવા હિંદુસ્તાન આજ તૈયાર છે અને બ્રિટિશ પ્રજાને પડકાર તો આજનો નહીં પણ ૧૯૨૦ની કલકત્તાની કૉંગ્રેસે ખિલાફત, પંજાબ અને સ્વરાજની ત્રિવિધ માગણી પાર પાડ્યા વિના જંપીને ન બેસવાનો હિંદી પ્રજાનો નિશ્ચય જાહેર કર્યો તે દિવસથી જ અપાઈ ચૂક્યો છે. આમાં સલ્તનતની હસ્તીને જરૂર પડકાર છે અને બ્રિટિશ સલ્તનતના આજના હાકેમો, જો ભલીભલાઈ એ એ સલ્તનતને, સરખા હકવાળા ભાગીદાર મિત્રો પોતાની મરજીમાં આવે ત્યારે ખાનદાનીની રીતે એકબીજાથી છૂટા પડી શકે એવી મુખત્યારીવાળી સ્વતંત્ર પ્રજાઓના એક પ્રજાસંઘમાં ફેરવી નાખવા તૈયાર ન થાય તો એ પણ નક્કી સમજવું કે, ‘દુનિયાની સૌથી નિશ્ચયી પ્રજા’નું એ ‘બધું પુરુષાતન અને દૃઢ નિશ્ચયીપણું’ અને એ બધાં ‘સાબૂત કાંડાંબાવડાં’ હિંદુસ્તાનના અણનમ અને અફર ટેકને છૂંદવામાં નિષ્ફળ જવાનાં છે. . . . અને હિંદી રાષ્ટ્રે આદરેલા એ એકધારા ચાલી રહેલા યજ્ઞમાં ચૌરીચોરાના ગોઝારા બનાવે વિઘ્ન ન નાખ્યું હોત તો એ બ્રિટિશ સિંહ પણ પેટ ભરીને દેખત કે તેની સામે હિંદ શુદ્ધમાં શુદ્ધ લસલસતા શિકારોના કેવડા ગંજ કરી શકે છે. પણ પ્રભુને ઘેર તે મંજૂર નહોતું.
“છતાં હજી વેળા વહી નથી ગઈ. ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઈટ હૉલના હાકેમોને નાઉમેદ થવાનું જરાયે પ્રયોજન નથી. તેઓને તેમનું પુરુષાતન પૂરેપૂરું અજમાવી છૂટવાના રસ્તા મેકળા છે. . .’

આમ સામસામે સાફ સાફ વાતો થઈ ગઈ અને સરકારે તા. ૧૦મી માર્ચે રાતે દસ વાગ્યે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીને પકડ્યા. તા. ૧૮મી માર્ચે તેમનો કેસ ચાલ્યો. ‘યંગ ઇન્ડિયા’ ના ત્રણ લેખોને રાજદ્રોહી ગણી તેના લેખક તરીકે ગાંધીજી ઉપર અને છાપનાર તરીકે શંકરલાલ બૅંકર ઉપર, રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા. બંનેએ એ આરોપ કબૂલ કર્યા. ગાંધીજીનો આ અદાલત આગળનો લેખી એકરાર જગતના અમર સાહિત્યમાં ઊંચું સ્થાન પામી ચૂક્યો છે. જ્યારે અદાલતમાં તેમણે પોતાનો એ લેખી એકરાર વાંચ્યો ત્યારે તો એવું દૃશ્ય થયું કે જાણે તેમના ઉપર રાજદ્રોહનો મુકદ્દમો ચાલવાને બદલે બ્રિટિશ સલ્તનત ઉપર પ્રજાદ્રોહનો મુકદ્દમો ચાલતો હોય. જજે પણ તેમને સજા ફરમાવતાં પોતાના હૃદયના ભાવ બહુ સુંદર રીતે વ્યક્ત કર્યા. તેમણે કહ્યું :

“કાયદો માણસના વ્યક્તિત્વને ધ્યાનમાં લેતો નથી. પણ અત્યાર સુધીમાં જેમના કેસ મેં ચલાવ્યા તથા ભવિષ્યમાં જેમના કેસ મારે ચલાવવાના આવશે તેના કરતાં તમે જુદી જ કોટિના પુરુષ છો. તમારા કરોડો દેશવાસીઓ તમને પૂજ્ય ગણે છે ને રાજદ્વારી બાબતમાં તમારાથી ભિન્ન મત ધરાવનારાઓ પણ તમને ઉચ્ચ આદર્શવાળા સંત પુરુષ ગણે છે, તે વસ્તુ હું લક્ષ બહાર રાખી શકતો નથી. પણ અત્યારે મારી ફરજ તો તમારો વિચાર જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એવા એક કાયદાને આધીન મનુષ્ય તરીકે જ કરવાની છે. એટલે બાર વર્ષ અગાઉ આ જ કલમની રૂએ શ્રી બાળ ગંગાધર તિલકને છ વર્ષની આસાન કેદની સજા થયેલી તેમની હારમાં તમને ગણીને એટલી સજા તમને ફરમાવું છું. જોકે સાથે એટલું ઉમેરવા માગું છું કે ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાતાં સરકાર તમને વહેલા છોડી મૂકશે તો મારા જેટલો આનંદ બીજા કોઈ ને નહીં થાય.”

શ્રી શંકરલાલ બૅંકરને એક વરસની કેદ અને એક હજાર રૂપિયા દંડની સજા કરવામાં આવી.

પોતાને લોકમાન્ય તિલક મહારાજની કોટિમાં ગણવા માટે અને પોતાની સાથે અતિશય સભ્ય વર્તન ચલાવવા માટે ગાંધીજીએ કૉર્ટનો આભાર માન્યો.

કૉર્ટમાં હાજર રહેલા બધા ગાંધીજીને પ્રણામ કરીને વિદાય લેવા લાગ્યા એ દૃશ્ય અતિશય ઉત્કટ લાગણીવાળું હતું. કેટલાક તો પોતાની ઉપર કાબૂ ન રાખી શક્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગાંધીજીએ હસતે વદને સૌને તેમને ઘટતું એક એક પ્રેમાળ વાક્ય અથવા શબ્દ કહી પ્રોત્સાહન આપ્યું. વદાયનું કામ પૂરું થતાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીજીને અને શંકરલાલ બૅંકરને સાબરમતી જેલમાં લઈ ગયા.

  1. *‘નવજીવન’ પુ ૫, તા. ૨૫–૧૧–’૨૩.
  2. ગુજરાતની સ્થિતિ આમાં અપવાદરૂપ ગણવી જોઈએ. કારણ ગુજરાતમાં ગાંધીજી ઉપરાંત સરદાર અને બીજા મુખ્ય કાર્યકર્તાઓ બહાર હતા.