સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત
← મ્યુનિસિપાલિટીની બરતરફી પછી | સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત નરહરિ પરીખ |
લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી → |
.
૧૮
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓએ પણ સરકારના કેળવણી ખાતા સાથે અસહકારની લડત આ વખતે ચલાવી હતી. તેની સઘળી વિગતોમાં નહીં (કારણ તે વસ્તુ સ્વાભાવિક રીતે જ સ્થાનિક કાર્યકર્તાઓના હાથમાં રહે) પણ મુખ્ય મુદ્દાની બાબતમાં સરદારનું માર્ગદર્શન હતું. એટલે એ બંને મ્યુનિસિપાલિટીઓની લડતનો હેવાલ અહીં ટૂંકમાં આપવો ઉચિત ગણાશે.
નડિયાદ મ્યુનિસિપાલિટીએ તો અમદાવાદ કરતાં પણ વહેલી લડત શરૂ કરી હતી. ૧૯૨૦ના ઑગસ્ટમાં અમદાવાદમાં મળેલી ગુજરાત રાજકીય પરિષદ અને સપ્ટેમ્બરમાં કલકત્તામાં મળેલી કૉંગ્રેસની ખાસ બેઠકે સરકાર સાથે અસહકાર કરવાના ઠરાવ પાસ કર્યા પછી તરત જ નડિયાદમાં શ્રી ગોકળદાસ દ્વારકાદાસ તલાટી તથા ફૂલચંદ બાપુજી શાહે નડિયાદ મ્યુનિસિપાલિટીની સઘળી શાળાઓને અસહકારી કરી નાખવા માટે લોકમત તૈયાર કરવા જુદા જુદા લત્તામાં સભાઓ કરવા માંડી. છેવટે તા. ૧–૧૦–’ર૦ના રોજ નડિયાદ મ્યુનિસિપાલિટીના કર ભરનારાઓની જાહેર સભામાં ઠરાવ કરવામાં આવ્યો કે :
- “કેળવણીની બાબતમાં અસહકાર કરવા માટે મ્યુનિસિપાલિટીને મળતી કેળવણીની ગ્રાંટ છોડી દેવા આ સભા મ્યુનિસિપાલિટીમાંના પોતાના પ્રતિનિધિઓને આગ્રહપૂર્વક વિનંતી કરે છે.”
મ્યુનિસિપાલિટીના સભ્યો એ ઠરાવ ઉપર વિચાર કરવા સંતરામ મહારાજના મંદિરમાં ભેગા થયા. તેમાં મ્યુનિસિપલ સભ્યો ઉપરાંત બીજા કાર્યકર્તાઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતમાં દોરવણી આપવા સરદારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરદારે મ્યુનિસિપલ કાયદાની બરાબર છણાવટ કરી અસહકારનો ઠરાવ કરવામાં સભ્યોએ કેટલી જવાબદારી ઉઠાવવાની છે તેનો અને સરકાર સાથેનો અસહકાર, લોકોનો કેટલો સહકાર મળે તો સફળ થાય તેનો ખ્યાલ આપ્યો અને સલાહ આપી કે, સભ્યો મક્કમ હોય અને લોકોના સાથની ખાતરી હોય તો આ પગલું ભરવું. પછી તા. ૮–૧૦–’૨૦ની મ્યુનિસિપલ બોર્ડની સભામાં શ્રી ફૂલચંદભાઈએ નીચેનો ઠરાવ રજૂ કર્યો :
- “કલકત્તાની હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસે અસહકારનો ઠરાવ પસાર કરેલો હોવાથી આ બોર્ડ ઠરાવ કરે છે કે સરકારને જણાવી દેવું જોઈએ કે અમે પ્રાથમિક કેળવણી માટે સરકારની ગ્રાન્ટ લેવા ઇચ્છતા નથી અને અમારી પ્રાથમિક શાળાઓ સરકારના અંકુશ વિના ચલાવવા ઇચ્છીએ છીએ. માટે પ્રાથમિક કેળવણી માટે અમને અપાતી ગ્રાન્ટ સરકારે બંધ કરવી.”
આ ઠરાવ ૯ વિરુદ્ધ ૪ મતે પસાર થયો.
ખેડા જિલ્લાના કલેક્ટરે મ્યુનિસિપાલિટીની આર્થિક સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચી ઠરાવનો ફરી વિચાર કરવાની સલાહ આપી. મ્યુનિસિપલ બોર્ડે ઠરાવ કરીને જણાવ્યું કે, “પહેલો ઠરાવ બધી બાજુનો વિચાર કરીને જ અમે કર્યો છે, લોકોમાં ઉઘરાણાં કરીને નાણાંની ગોઠવણ કરી લેવાનું અમે વિચાર્યું છે અને અત્યારની સમગ્ર પરિસ્થિતિ જોઈને કૉંગ્રેસે જે આદેશ આપ્યો છે તેનો હરકોઈ ભોગે અમલ કરવાનો અમારે નિરધાર છે. કર ભરનારાઓની ઈચ્છાને અનુસરીને જ અમે આ પગલું ભર્યું છે.” કેળવણી ખાતા તરફથી પૂછવામાં આવ્યું કે, “અત્યારે જે શિક્ષકો મ્યુનિસિપાલિટીની નોકરીમાં છે તેમને તમે રાખવા ઈચ્છો છો કે કેમ ?” તેને જવાબ આપ્યો કે, “કેળવણી ખાતાથી સ્વતંત્ર રીતે જે શિક્ષકો પૂરેપૂરા મ્યુનિસિપાલિટીના નોકરો તરીકે રહેવા રાજી હોય તેમને અમે રાખવા ઈચ્છીએ છીએ.” આ બાબતની શિક્ષકો સાથે પણ ચોખવટ કરી અને જેમને સરકારી નોકરીમાં પાછા ફરવું હતું તેમને છૂટા કરી તેમની જગ્યાએ બીજા શિક્ષકોની ગોઠવણ કરી.
દરમિયાન ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે શાળાઓમાં પરીક્ષા લેવા માટે તથા નિરીક્ષણ માટે પોતાના ઇન્સ્પેક્ટરોને તેઓ અમુક અમુક તારીખે મોકલશે એમ જણાવ્યું. તેમને મ્યુનિસિપાલિટીએ જવાબ આપ્યો કે, અમે પરીક્ષાઓ તો સ્વતંત્ર રીતે લઈ લીધી છે અને અમે સરકારનો અંકુશ સ્વીકારવા ઈચ્છતા નથી, માટે પરીક્ષાઓ માટે કે નિરીક્ષણ માટે તમારે આવવું નહીં કે કોઈ ઈન્સ્પેક્ટરને મોકલવા નહીં વળી મ્યુનિસિપાલિટીની સ્કૂલ બોર્ડે શાળાઓનો અભ્યાસક્રમ પણ નવેસરથી રચ્યો અને બધી શાળાઓને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડવાનો ઠરાવ કર્યો. મ્યુનિસિપાલિટીમાંથી પાછા ફરેલા શિક્ષકોને નડિયાદમાં જ રાખવાનું વચન આપેલું હોઈ અને તેઓ વફાદારીનો બદલો માગતા હોઈ તેમને સરકાર ગામડે મોકલી શકી નહીં. એટલે કે વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા મોટી હતી અને તેમને પૂરું કામ આપી શકાય એમ નહોતું, છતાં બધા શિક્ષકોને નડિયાદમાં રોકી સરકારે પોતાને ખર્ચે જુદી શાળાઓ કાઢી. આમ સરકારે મ્યુનિસિપાલિટી સામે હરીફાઈ માંડી, પણ સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા બહુ જૂજ થઈ અને શિક્ષકો કામ વિનાના જેવા રહ્યા. એમની ખોટી સલાહથી કેળવણી ખાતાએ કલેક્ટરને જણાવ્યું કે, મ્યુનિસિપાલિટીની શાળાઓનાં ત્રણ મકાનો ઉપર સરકારનો હક ગણાય એમ છે. માટે એનો કબજો લેવામાં આવે તો તેમાં સરકારી શાળામાં બેસાડવામાં આવે અને મ્યુનિસિપાલિટીની અસહકારી શાળાઓને ધોકો પહોંચે. કલેક્ટરે તા. ૮–૩–’૨૧ના રોજ એ મકાનો તુરતાતુરત ખાલી કરી આપવાની મ્યુનિસિપાલિટીને નોટિસ આપી, પણ મ્યુનિસિપાલિટીએ એ મકાનો ઉપર પોતાનો હક રજૂ કરીને કબજો ન સોંપ્યો. એટલે કલેક્ટરે કાયદો ઊંચે મૂકી પોલીસની મદદથી શાળાઓનાં મકાનોનાં તાળાં તોડી જબરદસ્તીથી મકાનોનો કબજો લીધો. આ સંબંધમાં ‘નવજીવન’ના પ્રતિનિધિને મુલાકાત આપતાં સરદારે જણાવ્યું કે :
- “જે ત્રણ મકાનોનો કબજો સરકારે જબરાઈથી લીધો છે તે ત્રણ પૈકી એકે મકાન મારા જાણવા પ્રમાણે સરકારની માલકીનું નથી. એક મકાન ‘ઇન્ફન્ટીસાઈડ ફંડ’માંથી બનાવેલું છે, બીજું મોટે ભાગે લોકોની મદદથી થયેલું છે અને ત્રીજા મકાનની માલકીના સંબંધમાં તકરાર છે. વળી આ મકાન મ્યુનિસિપાલિટીને જે શરતોએ આપવામાં આવેલાં છે તે શરતોનો ભંગ થયેલો નથી. છતાં કબજો લેવાનો સરકારનો હક માનીએ તોપણ બાર કલાકની અંદર કબજો સોંપવાને મ્યુનિસિપાલિટીને નોટિસ આપવી અને તે પ્રમાણે જો કબજો ન મળે તો હથિયારબંધ પોલીસની મદદથી કબજો લેવો એ તો ખેડા જિલ્લામાં બહારવટિયાઓ જાસાના કાગળો બાંધી ધાડ પાડવાની ધમકી આપી લોકો પાસેથી પૈસા કઢાવે છે એવું છે. વાર્ષિક ભાડાચિઠ્ઠીથી મકાન ભાડે રાખનાર ભાડૂતને પણ ઓછામાં ઓછી એક મહિનાની નોટિસ મેળવવાનો અધિકાર હોય છે. જ્યારે લગભગ પાંત્રીસ વરસથી જે મકાન બક્ષિસ આપ્યાનું કહેવામાં આવે છે એવાં મકાનોનો કબજો બાર કલાકની અંદર માગવો અને મ્યુનિસિપલ પ્રમુખને મ્યુનિસિપાલિટીનો મત લેવાનો સુદ્ધાં વખત ન આપવો એ યોગ્ય છે કે અયોગ્ય એ બાબતમાં કોઈના અભિપ્રાયની જરૂર મને લાગતી નથી. પરંતુ આ સરકાર આવું પગલું ભરે એમાં મને કાંઈ નવાઈ લાગતી નથી. સાધારણ રીતે યોગ્ય ગણાય એવાં કૃત્યો સરકાર આજકાલ ભાગ્યે જ કરે છે.”
એ મુલાકાતમાં જ આગળ ચાલતાં સરદાર જણાવે છે :
- “આ મકાનોનો કબજો લેવા સરકારે દીવાની કોર્ટમાં જવું જોઈતું હતું. પરંતુ સરકારે જબરાઈ કરી એટલે હાલ તો કબજો છોડ્યા સિવાય મ્યુનિપાલિટી પાસે બીજો માર્ગ ન હતો. અસહકારનો સિદ્ધાંત સ્વીકારેલ હોવાથી તે કોર્ટમાં જઈ મનાઈહુકમ મેળવી શકે એવી સ્થિતિમાં નહોતી. આ મકાનોનો કબજો લેવામાં સરકારનો હેતુ નડિયાદમાં ચાલતી અસહકારની ચળવળને ફટકો મારવાનો છે. પરંતુ નડિયાદના લોકો જો પોતાનાં બાળકોને સરકાર આ મકાનોમાં જે શાળા ખોલવા ઇરાદો રાખે છે તેમાં ન મોકલે તો સરકાર આ મકાનોનો કબજો લઈ કશો ફાયદા મેળવશે નહીં, એ દેખીતું છે.” ( ‘નવજીવન’, ૧૩–૩–’૨૧)
સરદારે ઉપર જણાવ્યું છે તેમ જબરદસ્તીથી મકાનોનો કબજો લેવામાં સરકારનો હેતુ પાર પડ્યો નહીં અને સરકારી નિશાળો લગભગ ખાલી જેવી જ રહી. કેટલાક માસ વીત્યા બાદ સરકારને કોઈ ડાહ્યા માણસે સલાહ આપી હશે કે તમારું આ કૃત્ય તો તદ્દન કાયદા વિરુદ્ધ છે અને તે માનવાની એને સદ્બુદ્ધિ સૂઝી હશે એટલે પોતાની મેળે થઈને સરકારે આ મકાનો મ્યુનિસિપાલિટીને પાછાં સોંપ્યાં અને પોતાની શાળાઓ બીજે લઈ ગઈ.
દરમિયાન સરકારે બીજી ચાલ ચાલવાનો અખતરો કરી જોયો. તા. ૫–૪–’૨૧ના રોજ મુંબઈ સરકારે એક યાદી બહાર પાડી તેમાં નડિયાદ મ્યુનિસિપાલિટીની સઘળી પરિસ્થિતિનું વર્ણન કરી જણાવ્યું કે :
- “મ્યુનિસિપાલિટીએ જે પ્રયોગ શરૂ કર્યો છે તેને વાજબી અજમાયશ ન મળે ત્યાં સુધી સરકાર વચ્ચે પડવા ઇચ્છતી નથી. . . જ્યાં સુધી મ્યુનિસિપાલિટી તેના ઉપર કાયદાએ નાખેલી ફરજ બજાવતી રહે ત્યાં સુધી તેનું ખર્ચ એ પોતાના ફંડમાંથી કરે એમાં કશી હરકત નથી. મ્યુનિસિપાલિટીનું આ કાર્ય વધાવી લેવા જેવું છે, કારણ એથી કેળવણી માટે ખર્ચવાની જે રકમ સરકાર પાસે બચશે તે ઓછા સમૃદ્ધ પ્રદેશોમાં વાપરી શકાશે. જોકે મ્યુનિસિપાલિટીએ આપવા ધારી છે તેવી કેળવણી નડિયાદનાં જે માબાપોને પોતાનાં બાળકો માટે નહીં જોઈતી હોય તેમને માટે સરકાર અલગ શાળાઓ ખોલે એ સ્વાભાવિક છે અને સરકાર આશા રાખે છે કે મ્યુનિસિપાલિટી પોતાને જે સ્વતંત્રતા મળી છે તેવી જ સ્વતંત્રતા એ શાળાઓને ભોગવવા દેશે.”
આ યાદીએ મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યોમાં એવી માન્યતા બંધાવા દેવાને કારણ આપ્યું કે સરકારનો વિરોધ આ પ્રયોગ સામે નથી, સરકારને એના તરફ દિલસોજી ન હોય તોપણ અણગમો તો નથી જ. જોકે સરકારના આવા વલણ પાછળ તેની ગણતરી તો એ હતી કે નાણાં અને વ્યવસ્થાની મુશ્કેલીઓને લીધે મ્યુનિસિપાલિટી સરકારની મદદ વિના સ્વતંત્ર રીતે શાળાઓ ઝાઝો વખત ચલાવી શકશે નહીં. પણ સરકારની એ ગણતરી ખોટી પડી. પ્રજામતનું માપ કાઢવામાં સરકાર અને મ્યુનિસિપાલિટી વચ્ચે લગભગ એક વરસ સુધી હરીફાઈ ચાલી. એમાં મ્યુનિસિપાલિટી થાકતી નથી એમ સરકારે જોયું એટલે એણે પોતાની ચાલ બદલી. તા. ૨૩–૯–’૨૧ના રોજ એક ઠરાવ બહાર પાડીને અમદાવાદ, નડિયાદ અને સુરત એ ત્રણે મ્યુનિસિપાલિટીઓને જણાવ્યું કે તમે સરકારી અંકુશ ફગાવી દઈ શાળાઓ પાછળ જે ખર્ચ કરો છો તે મ્યુનિસિપલ ફંડનો ગેરઉપયોગ (misapplication) છે, તેને માટે જે કાઉન્સિલરોએ સરકારી અંકુશ કાઢી નાખવાની તરફેણમાં મત આપ્યો છે તે અંગત રીતે જવાબદાર છે. તેમને પોતાની સ્થિતિનો વિચાર કરવા ઑક્ટોબરની આખર સુધીનો વખત આપવામાં આવે છે. દરમિયાન કર ભરનારાઓમાંથી કોઈ પણ પોતાને જો એવી સલાહ મળે તો જવાબદાર કાઉન્સિલરો ઉપર દાવો લાવી શકે છે. ત્રણે મ્યુનિસિપાલિટીઓએ આ ઠરાવના લગભગ એકસરખા જ કડક જવાબ આપ્યા.
૧૯૨૧ના ડિસેમ્બરમાં સરકારે ત્રણે મ્યુનિસિપાલિટીઓને ચેતવણી આપી કે કેળવણી ખાતાનો કાબૂ નહીં સ્વીકારવામાં તમે ભૂલ કરેલી હોવાથી તા. ૧૭–૧૨–’૩૧ સુધીમાં તમારે પોતાની ભૂલ સુધારવી. નડિયાદ મ્યુનિસિપાલિટીને લાગ્યું કે, સરકારનો ઇરાદો કોઈ પણ ઉપાયે રાષ્ટ્રીય શાળાઓ તોડી પાડવાનો છે અને બે વચ્ચેની અથડામણમાં બાળકોની કેળવણી બગડશે, એટલે તેણે તા. ૧૬–૧૨–’૩૧ના રોજ બોર્ડનો ઠરાવ કરીને પોતાની શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી દીધી તથા મ્યુનિસિપલ ફંડમાંથી તે સમિતિને રૂા. ૨,૫૦૦ની ગ્રાન્ટ આપવાનો ઠરાવ કર્યો. કલેક્ટરે આ ઠરાવને મ્યુનિસિપાલિટીના અધિકાર બહારનો ગણી તેનો અમલ થતો અટકાવ્યો અને ઉત્તર વિભાગના કમિશનરના હુકમથી તમામ મ્યુનિસિપલ શાળાઓનો વહીવટ કેળવણી ખાતાના અમલદારને સોંપાવ્યો અને તેના ખર્ચને માટે રૂા. ૯,૦૦૦ મ્યુનિસિપલ ફંડમાંથી આપવાનો હુકમ કર્યો. મ્યુનિસિપાલિટીની રાષ્ટ્રીય શાળાઓ જે હવે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિના કબજામાં આવી હતી તેમાં ડિસેમ્બર આખરે અમદાવાદમાં કૉંગ્રેસ ભરાનારી હોઈ તા. ૧૭ મીથી એક માસની રજા પાડવામાં આવી હતી, એટલે તેનો કબજો તો સરકાર ન લઈ શકી. પણ અત્યાર સુધી જે શાળાઓ સરકારને ખર્ચે ચાલતી હતી તે મ્યુનિસિપલ ફંડમાંથી ચલાવવાની સરકારે ગોઠવણ કરી. સરકારે નવ હજાર રૂપિયા મ્યુનિસિપાલિટી પાસે માગેલા. તે આપવાની મ્યુનિસિપાલિટીએ ના પાડી એટલે મ્યુનિસિપાલિટીની સિલક સરકારની સબટ્રેઝરીમાં હતી તેમાંથી ત્રણ હજારની રકમનો પહેલો હપ્તો મ્યુનિસિપાલિટીને પૂળ્યાગાછ્યા વિના ઉપાડીને કેળવણી ખાતાના અમલદારને સોંપવામાં આવ્યો. સરકારનું આ પગલું મ્યુનિસિપાલિટીનું અપમાન કરનારું હોઈ તેની સામે અણગમો જાહેર કરવા તથા પ્રજામત પોતાની તરફેણમાં છે તેનો વિશેષ પુરાવો રજૂ કરવા મ્યુનિસિપાલિટીના અગિયાર અસહકારી સભાસદોએ ૧૯૨૨ના જાન્યુઆરીમાં રાજીનામાં આપ્યાં. ત્યાર પછી ફેબ્રુઆરીમાં ફરીથી પેટાચૂંટણી થઈ તેમાં લોકમત સ્પષ્ટ જણાઈ આવ્યો. કેળવણીની બાબતમાં સરકારી અંકુશ નહીં રાખવાના મતવાળા એ અગિયાર સભ્યો વગર હરીફાઈએ ચૂંટાઈ આવ્યા.
સને ૧૯૨૨ના એપ્રિલમાં મ્યુનિસિપલ બોર્ડની મુદત પૂરી થતી હોવાથી આખા બોર્ડની સામાન્ય ચૂંટણી નવેસરથી થઈ. તે ચૂંટણીમાં વીસ પ્રજાકીય સભાસદો ચૂંટવાના હતા. તે પૈકી ઓગણીસ સભાસદો અસહકારી કેળવણી આપવાના વિચારના ચૂંટાઈ આવ્યા. આ નવા બોર્ડને પોતાનો અમલ શરૂ થતાં જ માલૂમ પડ્યું કે સરકાર તરફથી ચાલતી શાળાઓમાં વિદ્યાથીઓની સંખ્યા ઘણી જ થોડી હોવા છતાં અને કેટલીક શાળાઓમાં તો બિલકુલ સંખ્યા નહીં હોવા છતાં શિક્ષકોના પગાર તથા મકાનભાડાં વગેરેનો મોટો ખર્ચ નકામો કરવામાં આવે છે. માટે મ્યુનિસિપલ ફંડમાંથી એ ખર્ચ અપાતું બંધ કરવાનો ઠરાવ કરી કેળવણી ખાતાના અમલદારને તથા કમિશનરને તેની લેખી ખબર આપવામાં આવી. કમિશનરે પોતાના આપઅખત્યારથી સબ-ટ્રેઝરીમાંથી નવ હજાર પૈકી બાકી રહેલા ત્રણ હજાર ઉપાડી લઈને કેળવણી ખાતાના અધિકારીને સોંપી દીધા અને શાળાઓનું ખર્ચ ચાલુ રખાવ્યું.
રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ તરફથી ચાલતી રાષ્ટ્રીય શાળાઓમાં લગભગ ૨,૩૦૦ વિદ્યાર્થીઓ હતા અને તેનું ખર્ચ પ્રજા પાસેથી કરવામાં આવતા ઉઘરાણામાંથી ચાલતું, જ્યારે સરકાર તરફથી મ્યુનિસિપાલિટીને ખર્ચે ચાલતી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેળવણી ખાતા તરફથી મ્યુનિસિપાલિટીને જણાવ્યા પ્રમાણે ૩૯૧ની હતી. આમ પ્રજા ઉપર કર નાખી મ્યુનિસિપાલિટીએ ઉઘરાવેલા પૈસાનો દુરુપયોગ પ્રજાની ઈચ્છાની વિરુદ્ધ જઈ સરકાર કરી રહી હતી. નવા બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને રાષ્ટ્રીય શાળાઓ ચલાવવાના ખર્ચ માટે માસિક રૂા. ૯૦૦ આપવાનો ઠરાવ કર્યો. પ્રથમ રૂા. ૨,૫૦૦ આપવાનો ઠરાવ ગયા બોર્ડે કરેલો તે તથા દર માસે રૂા. ૯૦૦ આપવાનો નવા બોર્ડનો ઠરાવ, એ બંનેની વિરુદ્ધ સરકારે દીવાની કોર્ટનો કાચો મનાઈહુકમ મેળવી રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને મદદ આપતાં મ્યુનિસિપાલિટીને અટકાવી. આ ઉપરાંત સને ૧૯૨૧ની ૧પમી ફેબ્રુઆરીથી ૧૯૨૨ની ૫મી જાન્યુઆરી સુધીમાં સરકારી અંકુશ ફગાવી દઈને મ્યુનિસિપલ શાળાઓમાં કરેલા ખર્ચના રૂા. ૧૭,૦૬૭–૭–૦ માટે મ્યુનિસિપલ પ્રમુખ શ્રી ગોકળદાસ તલાટી અને બીજા દસ મળી કુલ અગિયાર સભ્યોને અંગત જવાબદાર ગણી તે રકમ તેમની પાસેથી મેળવવા સરકારે ૧૯૨૨ના એપ્રિલમાં દાવો કર્યો. આ સભાસદોએ પોતાની ફરજ બજાવતાં પ્રજાની ઈચ્છાનુસાર વાજબી ખર્ચ કરેલ હોવા છતાં તેમને કોર્ટમાં ઘસડવામાં આવેલા હોવાથી તેનો બચાવ કરવામાં જે ખર્ચ થાય તે મ્યુનિસિપાલિટીએ આપવું જોઈએ એવી માગણી આ અગિયાર પૈકીના એક સભાસદે કરેલી. તે ઉપરથી મ્યુનિસિપાલિટીએ તેને રૂા. ૫૦૦ સુધીનો ખર્ચ આપવા ઠરાવ કર્યો. પણ એ ઠરાવ મ્યુનિસિપાલિટીના અધિકાર બહારને ગણી કલેક્ટરે રદ કર્યો.
ઉપર કોર્ટના જે કાચા મનાઈહુકમનો ઉલ્લેખ છે તે રદ્દ થયો એટલે બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને વિનયમંદિર તથા મિડલ સ્કૂલના ખર્ચ માટે માસિક રૂા. ૯૦૦ની ગ્રાન્ટ આપવા ફરી ઠરાવ કર્યો. મ્યુનિસિપાલિટીના દફતર ઉપરથી જણાય છે કે તા. ૨૭–૧૦–’૨૨ સુધીમાં આ ગ્રાન્ટ પેટે કુલ રકમ રૂા. ર,ર૦૦ની આપવામાં આવી હતી. પછી તો બધા પ્રજાકીય સભ્યો મ્યુનિસિપાલિટીમાંથી નીકળી ગયા એટલે આ ગ્રાન્ટ બંધ થઈ ગઈ.
૧૯૨૨ના ઑગસ્ટમાં સરકારે એવો હુકમ કર્યો કે સરકારના વહીવટ નીચે ચાલતી શાળાઓ મ્યુનિસિપાલિટીને સોંપી દેવી. મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ મુજબ પ્રાથમિક કેળવણીની બાબતમાં પોતાની ફરજ અદા કરવાને સરકાર મ્યુનિસિપાલિટીને જવાબદાર ગણે છે, માટે ૧લી સપ્ટેમ્બર, ૧૯૨૨થી એ શાળાઓનો વહીવટ મ્યુનિસિપાલિટીએ કરવો, એવો હુકમ કર્યો. સરકારને બરાબર ખબર હતી કે છેલ્લી ચૂંટણીમાં પ્રજા તરફથી ચૂંટાઈ આવેલા તમામ સભાસદો પ્રજાનો ‘મેન્ડેટ’ (આદેશ) લઈને ચૂંટાયેલા હતા. સરકારના અંકુશથી સ્વતંત્ર રીતે શાળાઓ ચલાવવાની તક તેમને મળે તો જ તેઓ શાળાઓ ચલાવવા ઈચ્છતા હતા. પણ સરકારે તો મ્યુનિસિપાલિટીની તિજોરીમાં નાણાં હતાં ત્યાં સુધી જોહુકમીથી તે ઉપાડી પોતાની મરજીમાં આવે તેમ ખર્ચ કર્યું, શિક્ષકોને વગર કામે પગાર આપ્યા, બાળકોને કેળવણી મળે છે કે નહીં અથવા બાળકો કેળવણી લેવા આવે છે કે નહીં તે જોવાની દરકાર ન કરી અને જ્યારે મ્યુનિસિપલ તજોરીમાં નાણાં ખૂટી ગયાં અને શિક્ષકોના બે માસ ઉપરાંતના પગાર ચઢી ગયા ત્યારે એ બિનજરૂરી શાળાઓનું ખોટું અને નકામું ખર્ચ મ્યુનિસિપાલિટીને માથે નાખી તેને મુશ્કેલીમાં મૂકવાની અને નાલાયક ઠરાવવાનો આ પેંતરો રચ્યો. એટલે મ્યુનિસિપાલિટીએ ઠરાવ કર્યો કે :
- “સરકારનાં ઉપર જણાવેલાં પગલાંથી સિદ્ધ થાય છે કે મ્યુનિસિપાલિટી એ સ્થાનિક સ્વરાજની સંસ્થા નથી પરંતુ પ્રજાને વધુ પરતંત્ર બનાવવાની સંસ્થા છે. અનુભવ ઉપરથી અમને લાગે છે કે મ્યુનિસિપાલિટીના સભાસદોને પ્રજાને પરતંત્ર બનાવવાના હથિયાર તરીકે સરકાર વાપરવા ઇચ્છે છે. પણ એવા હથિયાર થવા અમે પ્રજાકીય સભ્યો રાજી નથી. અમે પ્રજા તરફથી ચૂંટાયેલા સભ્યો સત્તાના કે માનના લોભથી મ્યુનિસિપાલિટીમાં આવ્યા નથી. અમારા વખતનો અને શક્તિનો ઉપયોગ બીજી પ્રજાકીય સંસ્થાઓને આપી પ્રજાની સેવા કરવાનો અવકાશ અમને ઘણો મળશે. માટે ચૂંટણી થયા પછી તેનું પહેલું વર્ષ પૂરું થતાં પહેલાં જ અમે દિલગીરીની સાથે મ્યુનિસિપાલિટીમાંથી છૂટા થઈ એ છીએ. અમને ખાતરી છે કે સરકારને થોડા વખતમાં પોતાની ભૂલ સમજાશે.”
ઉપરનો ઠરાવ તા. ૧૭–૮–’૨રની જનરલ બોર્ડની મીટિંગમાં પસાર થયો અને વીસ પ્રજાકીય સભાસદો પૈકી સત્તર સભાસદોએ રાજીનામાં આપી દીધાં. પણ તેમની જગ્યાએ નવા સભ્યોની ચૂંટણી થાય ત્યાં સુધી તેઓ મ્યુનિસિપાલિટીમાંથી છૂટા થયા નહોતા. નવેમ્બરની અધવચ સુધી તેઓ મ્યુનિસિપાલિટીમાં ચાલુ રહ્યા. સરકારે પોતાના તંત્ર નીચે ચાલતી શાળાઓ મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનું કર્યું તે બાબતમાં એક નાની ઝપાઝપી આ ગાળામાં કેળવણી ખાતા અને કલેક્ટર સાથે તેમને થઈ. તા. રપ–૮–’૨૨ના રાજ કલેક્ટરે એક યાદી લખીને મ્યુનિસિપલ પ્રમુખને જણાવ્યું કે, “મેં કેળવણીખાતાના અમલદારને જણાવ્યું છે કે તેમની વ્યવસ્થા નીચે ચાલતી પાંચ નિશાળો તા. ૩૧મીએ તેમણે બંધ કરવી અને તેનો વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપી દેવો.” મ્યુનિસિપલ પ્રમુખે ચીફ ઑફિસરને સુચના આપી કે, “કેળવણી ખાતાના અધિકારીએ જે શાળાઓ બંધ કરી છે એ મ્યુનિસિપલ શાળાઓ તો હતી જ નહીં. એટલે એ શાળાઓમાં મ્યુનિસિપાલિટીની માલકીનો જે કાંઈ સરસામાન હોય તેનો ચાર્જ તમારે લઈ લેવો, શાળાઓનો બીજો ચાર્જ આપણે લેવાપણું નથી. ચીફ ઑફિસરે એ પ્રમાણે કેળવણી ખાતાના અધિકારીને લખ્યું. તેનો એણે જવાબ આપ્યો કે, “મારી વ્યવસ્થાપૂરતી એ શાળાઓ બંધ થઈ છે. હવે મ્યુનિસિપાલિટી એને માટે જવાબદાર છે અને મારે કાંઈ કરવાપણું નથી.” એ શાળાઓમાં કામ કરતા શિક્ષકોએ તો વળી તોછડા અને ઉદ્ધત જ જવાબો આપ્યા. એટલે મ્યુનિસિપલ પ્રમુખે ચીફ ઑફિસરને સૂચના આપી કે, “આમ લખાપટ્ટી કર્યા કરવાથી તુમાર લાંબો ચાલશે, માટે પાંચે શાળાઓનાં મકાનોનો કબજો લઈ ત્યાં તાળાં મારી સીલ લગાડી દેવાં અને કેળવણી ખાતાના અધિકારીને લખવું કે સ્કૂલો બંધ કરી કાગળ લખીને ચાર્જ આપવાની તમારી રીત બરાબર નથી, માટે મ્યુનિસિપલ મિલકતનો રીતસરનો ચાર્જ આપવા તમારે બંદોબસ્ત કરવો. માસ્તરો તો બેપરવાઈથી ઉદ્ધત જવાબ આપે છે, માટે સ્કૂલોનાં મકાનોને તાળાં મારવાની અમને ફરજ પડી છે.” આ વસ્તુ તા. ૧૧–૯–’૨૨ના રોજ બની. એ શાળાઓમાં લગભગ પાંચસો બાળકો અને ત્રીસ શિક્ષકો હતા. બાળકોનાં માબાપોને જણાવી દેવામાં આવ્યું કે, “મ્યુનિસિપાલિટીએ પોતાની શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી છે. અને તેઓ રાષ્ટ્રીય શાળાઓ ચલાવે છે, તેમાં તમારાં બાળકોને મોકલવાની સગવડ છે.” તે પ્રમાણે મોટા ભાગનાં બાળકો તેમાં ભણવા જવા પણ લાગ્યાં. પણ પેલા શિક્ષકો કામ વિના રખડતા રહ્યા. પછી સરકારે ૮–૧૧–’૨રના રોજ હુકમ બહાર પાડીને નડિયાદના મામલતદારને મ્યુનિસિપાલિટીના પ્રમુખ નીમ્યા અને તેમણે તા. ૧૬મીએ ચાર્જ લઈ એ શાળાઓ ઉઘાડી. આમ લગભગ બે મહિના શાળાઓ બંધ રહ્યા પછી આ પ્રકરણનો અંત આવ્યો.
દરમિયાન પેટાચૂંટણીનું જે નાટક ભજવાયું તેનું વર્ણન ૨૨–૧૦–’૨૨ના ‘નવજીવન’માં ‘નડિયાદનું સ્થાનિક સ્વરાજ્ય’ નામના એક લેખમાં સરદારે આપ્યું છે, તે એમના શબ્દમાં જ આપીશું :
- “પ્રજાના ચૂંટાયેલા સત્તર સભાસદોએ રાજીનામાં આપ્યાં. . . તેમની જગાઓ પૂરવા માટે એક પેટાચૂંટણી કરવામાં આવી. તેમાં સત્તરમાંથી નવ જગા માટે તો કોઈ ઉમેદવાર જ ઊભો ન થયો. આઠ જગ્યાઓ પુરાઈ તેમાં મ્યુનિસિપાલિટીના એક માજી પટાવાળાને અને બે અંત્યજ ભાઈઓને વગર હરીફાઈએ જવાની તક મળી.
- “ખાલી રહેલી નવ જગાઓ માટે ફરી ચૂંટણી ન કરતાં પ્રજાકીય પ્રધાન સાહેબના રાજ્યમાં એ જગ્યાએ નવ સહકારીઓને શોધી કાઢી તેમને નીમી દઈ ને એ જગ્યાઓ પૂરી. અમદાવાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરીને મેળવેલા અનુભવ ઉપરથી કંઈક ડહાપણ આવ્યું હતું એટલે નડિયાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરતાં ડર લાગ્યો, તેથી આ નવો રસ્તો શોધી કાઢ્યો. સરકારે નીમેલા નવ સહકારીઓમાં કેટલાક ચુસ્ત સનાતનીઓ અને અસ્પૃશ્યતાના હિમાયતીઓ છે. અસહકારની પ્રવૃત્તિથી આમ અનાયાસે અસ્પૃશ્યતા દૂર કરવાના નવા માર્ગ નીકળી આવે છે.
- “મ્યુનિસિપાલિટીના પ્રમુખ આ નવ જગાઓ પૂરવાનો સરકારનો હક કબૂલ રાખતા નથી અને તેમની મારફત મ્યુનિસિપાલિટીનું કામ લેવા ના પાડે છે. આ જગાએ ચૂંટણીથી જ પુરાવી જોઈએ એવું તેમણે સરકારમાં લખાણ કર્યું છે. વળી કોઈ કર ભરનારાએ મ્યુનિસિપાલિટી સામે, આ નવ ગૃહસ્થો સામે દીવાની અદાલતમાં તેમને મ્યુનિસિપાલિટીના સભાસદો નહીં ગણવાને દાવો કર્યો છે, અને તેમની સામે કોર્ટે કામચલાઉ મનાઈહુકમ કાઢ્યો છે. એટલે હાલ તો મ્યુનિસિપાલિટીનું કામ પાછું અટકી પડ્યું છે.
- “આમ સ્થાનિક સ્વરાજ્યના રોજ કંઈક ને કંઈક નવા ભવાડા થાય છે અને સુધારાનું અને સરકારનું પોકળ ઉઘાડું પડતું જાય છે.”
અમદાવાદ અને સુરતની માફક નડિયાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં નહોતી આવી, પણ પ્રજા તરફથી ચૂંટાયેલા સત્તર સભ્યો મ્યુનિસિપાલિટીમાંથી નીકળી ગયા અને તેમની જગ્યાએ પ્રજાને નાપસંદ એવા ગમે તેવા માણસોને ગોઠવી દેવામાં આવ્યા તથા પ્રમુખ તરીકે સરકારે નડિયાદના મામલતદારની નિમણૂક કરી ત્યારથી વ્યવહારમાં તો નડિયાદ મ્યુનિસિપાલિટીની દશા બરતરફ થયેલી મ્યુનિસિપાલિટી જેવી જ થઈ હતી.
પછી સરદારની સલાહથી પ્રજાએ મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની લડત શરૂ કરી. સુરતના શહેરીઓએ પણ આવા જ સંજોગોમાં ત્યાંની મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની લડત ઉપાડી. ૧૯૨૩ના એપ્રિલમાં બંને શહેરોમાં એ લડત ખૂબ જોસમાં આવી. તા. ૨૨–૪–’૨૩ના ‘નવજીવન’ માં ‘ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય’ એ નામના એક લેખમાં સરદારે તેનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે :
- “ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની લડતનું નવું પ્રકરણ સુરત અને નડિયાદમાં જોરથી ચાલતું થયાના સમાચાર મળ્યા છે. બંને શહેરમાં કર ભરનારાઓએ કર ભરવાનું બંધ કર્યાને એક વર્ષ થવા આવ્યું. સુરતમાં સંખ્યાબંધ પાણીના નળ કાપી નાખ્યા છતાં લોકો નમ્યા નહીં. એટલે સરકારી મહેસૂલ ખાતાના અમલદારોને જપ્તીઓ કરી કર વસૂલ કરવાનું કામ સોંપવામાં આવ્યું. ત્યાં કેટલાક વખતથી જપ્તીનું કામ દરરોજ ચાલે છે. નડિયાદમાં તો મ્યુનિસિપાલિટીના પ્રમુખ જ મામલતદાર હતા. પરંતુ જપ્તીના કામમાં સરકાર રાજી થાય એટલી લોકો ઉપર સખ્તાઈ કરે એવા કઠણ હૃદયના તેઓ નહીં હોવાથી તેમની બદલી કરી નાખવામાં આવી છે. નવા મામલતદારનો અમલ શરૂ થયો છે. તે ઉપરાંત માસિક રૂ. ૩૦૦નું ખર્ચ મંજૂર કરી સરકારી મહેસૂલ ખાતાના ત્રણ અમલદારોને જપ્તીઓ કરવા રોકવામાં આવ્યા છે. કાયદો અને સુવ્યવસ્થાનું રાજ્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે ! જપ્તીઓ કરતી વખતે નથી પંચ રાખતા, કે નથી પંચાતનામાં કરતા, એટલું જ નહીં પણ જપ્તીમાં લીધેલા માલની પાવતી પણ આપવામાં આવતી નથી. શરીર ઉપરથી દાગીના મામલતદાર સાહેબ પોતે ઉતારે છે. ભાઈને ડેપ્યુટી કલેક્ટર થવાની ઉમેદ છે. પોલીસ ગેટો ઉપર હથિયારબંધ પોલીસ ગોઠવી દેવામાં આવી છે. બહારવટિયાઓ ડરથી રાતને વખતે મોં ઉપર બુકાનીઓ બાંધી ઉતાવળથી અને અવ્યવસ્થાથી પોતાનું કામ કરી લે છે. આ તો છચોક ધોળે દિવસે બેપરવાઈથી અને વ્યવસ્થાપૂર્વક કાયદાના નામથી કામ ચાલી રહ્યું છે. જોઈ લો ગુલામીની દશા ! જપ્તી કરનારા આપણા, મામલતદાર આપણા, જપ્તીનો માલ ઉપાડનારા આપણા, મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામાં આપનારાની જગ્યાએ ચડી બેસનારા પણ આપણા, અને જેની જપ્તીઓ થાય છે તે પણ બિચારા આપણા ભાઈઓ ! આ બધા ખેલ ખેલાવનાર ખેલાડીને તો ત્યાં આવવાની જરૂર પણ પડતી નથી. નડિયાદના લોકો મક્કમ છે અને મક્કમ રહેશે તો સ્થાનિક સ્વરાજની લડતનો ફડચો તેમના લાભમાં જ આવશે. કર ભરવાની ના પાડવા ઉપરાંત પોતાની પોળો સાફ કરવાનું અને દીવાબત્તીનું કામ પણ લોકો ઉપાડી લે તો વહેલો ફડચો આવે.”
તા. ૨૯–૪–’૨૩ના ‘નવજીવન’ માં ‘નડિયાદમાં બેકાયદાપણાનો દોર’એ નામના લેખમાં મહાદેવભાઈ લખે છે :
- “શ્રી વલ્લભભાઈ એ ગયા અંકમાં નડિયાદ મ્યુનિસિપાલિટીના અમલદારોનાં કેટલાંક કૃત્યો વિષે ઇશારો કર્યો હતો. ત્યાર પછી અમે નડિયાદ જઈ આવ્યા. ત્યાં ચાલતી જપ્તીઓ જાતે જોઈ. શ્રી વલ્લભભાઈ એ ધોળે દિવસે
નીકળેલા ધાડપાડુઓની સાથે તેમને સરખાવ્યા છે, તેમાં જરાય વધારેપડતી ભાષા તેમણે નથી વાપરી એમ અમે આંખે જોયું. એક ઠેકાણે એક ઘરવાળા પાસે ચૌદ આનાનો કર લેવાના હતા. ત્યાં જપ્તી કરનાર નોકરો ઉપરાંત મોટી વાંસની ડાંગવાળા બાર પોલીસ સિપાઈઓ, તેના માથા ઉપર એક રિવૉલ્વરવાળો ફોજદાર અને તેમના રક્ષણ તળે ઊભા રહેલા મામલતદારને મેં જોયા. બીજું એવું જ એક ટોળું લઈ ને ડેપ્યુટી પાલીસ સુપરિન્ટેન્ડેન્ટ ફરતા હતા. ત્રીજે ઠેકાણે એક ટોળું ઊભું હતું તેનો નાયક એક પઠાણ હતો એમ કહું તો ચાલે, કારણ કે લાઠીવાળા સિપાઈઓને વળી પઠાણની પણ જરૂર પડી એટલે તેમનો રક્ષક જ તે પઠાણ હતો એમ કહેવાય ના ? એક છોકરો આ ધાડાને જોઈ વંદેમાતરમ્ બોલ્યો. તેને પકડીને પોલીસચોકીમાં પૂર્યો. અમે ત્યાં જઈ ચડ્યા છીએ એ જોઈને જ કદાચ એકાદ કલાક પછી તેને છોડી દીધો !
“મ્યુનિસિપલ કાયદામાં ક્યાંયે આવી ચડાઈને માટે ઠરાવ કરવામાં આવેલો હું જોતો નથી. તેમાં તો સાફ લખેલું છે કે, ‘વસૂલ કરવાના કરની રકમથી જપ્તી બહુ વધારે ન હોવી જોઈએ, એટલે કે જે મિલકત જપ્ત કરવામાં આવે તેની કિંમત બને ત્યાં સુધી વસૂલ કરવાની રકમના જેટલી હોવી જોઈએ.’ ચાલુ જપ્તીઓમાં આ કલમને નેવે મૂકવામાં આવી છે. આજે જ નડિયાદ મ્યુનિસિપલ પ્રમુખની સહીવાળું જાહેરનામું મળ્યું છે તેણે તો છચોક આ શરત ઉડાવી દીધી છે. તેમાં લખે છે કે:
- “‘કેટલાક માણસો જપ્તીમાં ભંગારનાં વાસણો અને નજીવી કિંમતનો માલ આપે છે. પરંતુ તેથી પૂરતી રકમ આવવા સંભવ નથી. વાસ્તે આયંદે એક જપ્તી દીઠ રૂપિયા દસથી ઓછી કિંમતનો માલ જપ્તીમાં લેવામાં આવશે નહીં તે જાણવું.’
“નડિયાદની ગ્રામસમિતિ દરરોજ થતા બેકાયદાપણાની ટીપ બહાર પાડે છે. તેમાં લોકોએ પોતે જ પોતાની સહી સાથે આપેલાં બયાન રજૂ કરે છે. એક ઠેકાણે મામલતદાર સમજાવે છે કે :
- “‘તમારા ભાઈ ડાહ્યાભાઈને સમજાવી મ્યુનિસિપલ વેરો ભરાવી દો તો હું તમારો ઇન્કમટૅક્સ ઓછો કરીશ. લોકોની વાદે શા સારુ ચડો છો ? આમ સ્વરાજ મળવાનું નથી. તમે લોકો કર નહી ભરો તો કાબૂલી લોકોને લાવી તેમને કન્ટ્રાક્ટ આપીશું. એટલે એ લોકો તમારી પાસેથી સતાવીને નાણાં લેશે.”
- “બીજા એક ભાઈ લખે છે: ‘હું હેઠળ ઊતરતો હતો એટલામાં બે પોલીસવાળા અને મામલતદાર સાહેબ આવ્યા. તેમણે મને દાદર પરથી ઊતરતો જોઈ પેાલીસવાળા પાસે મારા બે હાથ પકડાવ્યા, અને મોઢું અને ગળું દબાવરાવ્યું અને મારા ગળામાંથી સોનાની બગલદાણાની સાંકળી તથા સોનાનો અછોડો બળાત્કારે કાઢી લીધાં, અને હાથની પહોંચી કાઢવા પ્રયન કરતા હતા. પરંતુ હું બહાર બૂમો પાડતો નીકળી ગયો એટલે ધમકાવીને ચાલ્યા ગયા.’ એક બહેને હકીકત રજૂ કરી છે: ‘ચીફ ઑફિસર, ઉમેદભાઈ અને રાજુમિયાં જપ્તી કરવા આવ્યા, અને મને ખસી જવાની ખબર આપ્યા વિના અને મારી સાસુને પણ કહ્યા વિના રોટલા મૂકવાની પિત્તળની કથરોટ ઉપાડી લીધી અને તરત જ ઉમેદભાઈ જપ્તી કારકુને મારી કેડમાં નાની છોકરી હતી છતાં પણ મને ધક્કો મારી નિસરણી સરસી ધકેલી મૂકી.’ આનો ખુલાસો અબ્બાસ તૈયબજી સાહેબે મામલતદાર પાસે માગ્યો. તેનો મામલતદારે જવાબ આપ્યો : ‘જાઓ, જાઓ, તમારા લોકો તો ગામનાં ગપ્પાં ઉપર આધાર રાખે છે.’ કોઈ ઠેકાણે લીધેલી મિલકતમાથી અર્ધીની પહોંચ અપાય અને અર્ધી એમ ને એમ લઈ જવાય. કોઈ ઠેકાણે આવી રીતે લઈ જવામાં આવલી વસ્તુ મામલતદાર કહે છે કે પાછી મોકલવામાં આવી છે, પણ તેનો કશો પત્તો ન મળે.
- “આમ સરકારની પ્રતિષ્ઠાનો સરસ ખ્યાલ તેના અમલદારો આપી રહ્યા છે. નડિયાદના લોકોને શાંતિની આવી સરસ તાલીમ મળી રહી છે એ માટે એમને ધન્યવાદ આપવો ઘટે છે. શાંતિની તાલીમમાં સરકારનો એકે કર ભવિષ્યમાં ન આપવાની તૈયારી રહેલી છે.”
મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની આ લડત એક વરસ ચાલી.
સરકારે ૧૯૨૨ના એપ્રિલમાં મ્યુનિસિપાલિટીના અગિયાર સભ્યો ઉપર જે દાવો માંડેલો તેનો ફેંસલો ૧૯રપના જાન્યુઆરીમાં આવ્યો. કેસ ચાલતી વખતે સરકારી વકીલે પુરસીસ આપીને દાવાની રકમ રૂા. ૧૭,૦૬૭–૭–૦ હતી તે ઘટાડીને રૂા. ૧૨,૯૬૦–૧૫–૭ કરી. આ કેસનો ફેંસલો અપાયો તે વખતે અમદાવાદના મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપર માંડેલા કેસમાં હાઈકોર્ટમાં સરકારે અપીલ કરેલી તેનો ચુકાદો આવી ગયો હતો, પણ ડિસ્ટ્રિક્ટ જજે નડિયાદના કેસની હકીકતને અમદાવાદના કેસની હકીકતથી જુદા પ્રકારની ગણી. અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં અપાયેલા શિક્ષણના સ્વરૂપમાં કશો ફેરફાર કરવામાં આવ્યો હતો એવી સરકારની તકરાર ન હતી. એટલે જોકે કેળવણીખાતાને પરીક્ષાઓ ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું છતાં મ્યુનિસિપાલિટીએ પ્રાથમિક શાળાઓ ચલાવીને પ્રાથમિક શિક્ષણ આપવાની પોતાની ફરજ તો અદા કરી જ હતી. જ્યારે નડિયાદના કેસમાં જજનો એવો અભિપ્રાય થયો કે મ્યુનિસિપાલિટીએ અભ્યાસક્રમમાં મહત્ત્વના ફેરફાર કરીને ખાસ કરીને ઉપલાં ત્રણ ધોરણમાં અંગ્રેજી, હિંદી અને ઉદ્યોગ દાખલ કરીને અને એ વિષયો દાખલ કરવા માટે અંકગણિત, ભૂમિતિ તથા ઇતિહાસભૂગોળના અભ્યાસક્રમમાં ભારે કાપ મૂકીને શિક્ષણનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. નીચલાં ધોરણમાં પણ વિષયોમાં ઘણા ફેરફાર કર્યા હતા. તેમાં રાજદ્વારી બાબતો દાખલ કરી હતી. વળી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ પેદા કરવા માટે અભ્યાસક્રમમાં જે રાષ્ટ્રગીતો દાખલ કર્યાં હતાં તે દેશભક્તિ પેદા કરવાને બદલે દ્વેષભાવને પોષણ આપે એવાં હતાં. આવી બધી દલીલ કરીને જજ એ નિર્ણય ઉપર આવ્યા કે મ્યુનિસિપાલિટીએ અભ્યાસક્રમમાં એવા મહત્ત્વના ફેરફાર કર્યા છે કે તેણે આપેલું શિક્ષણ ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટ અનુસારનું પ્રાથમિક શિક્ષણ ન કહી શકાય, તેથી પ્રતિવાદી કાઉન્સિલરોએ મ્યુનિસિપલ ફંડનો ખોટો ઉપયોગ (misapplication) કર્યો છે. આમ તેમને જવાબદાર ગણી તેમની ઉપર રૂા. ૧૨,૨૯૬–ર–૦નું હુકમનામું કર્યું. એની સામે પ્રતિવાદી કાઉન્સિલરોએ હાઈકોર્ટમાં અપીલ કરી પણ અપીલમાં ડિસ્ટ્રિક્ટ જજનો ચુકાદો કાયમ રહ્યો.
તા. ૧૬–૧૨–’૨૧ના રોજ મ્યુનિસિપાલિટીએ પોતાની શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિને સોંપી દીધી ત્યારથી તે ૩૧–૫–’૨પ સુધી એટલે લગભગ સાડાત્રણ વર્ષ સુધી અગિયાર પ્રાથમિક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિએ ચલાવી. લગભગ બે વરસ સુધી તો સરકારી શાળાઓ કરતાં એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે રહી. પણ સ્વરાજ્ય પક્ષ હસ્તીમાં આવ્યા પછી નાફેરવાદી અને ફેરવાદીની ચર્ચાઓને લીધે અસહકારમાં ઓટ આવવા માંડી. એટલે તા. ૧–૬–’૨૫થી આ બધી શાળાઓ મ્યુનિસિપાલિટીને પાછી સોંપી દીધી. કુલ બત્રીસ શિક્ષકો જે અસહકારને માન આપી સરકારી શાળાઓમાં ન જતાં રાષ્ટ્રીય શાળાઓમાં રહ્યા હતા તેમની નોકરી આ ગાળાની કપાતે પગારે રજા ગણી જૂની નોકરી સાથે જોડી આપવામાં આવી. આને અંગે પ્રમોશન તથા પેન્શનના હકની બાબતમાં શિક્ષકોને કેટલુંક નુકસાન વેઠવું પડ્યું. છતાં ઠેઠ સુધી વળગી રહી તેમણે સારું કામ કર્યું એમ કહેવું જોઈએ.
આ પ્રાથમિક શાળાઓ ઉપરાંત નડિયાદની રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ લોકમાન્ય તિલક વિનય મંદિર નામની એક માધ્યમિક શાળા પણ ચલાવતી હતી. એ બધી શાળાઓ ચલાવવામાં થયેલું ખર્ચ તથા દાવામાં હુકમનામું થયું તેના મળીને રાષ્ટ્રીય શિક્ષણ સમિતિએ કુલ પોણાબે લાખના આશરાનું ખર્ચ કર્યું. તે ગામમાં ઉઘરાણાં કરી, વેપારીઓ ઉપર લાગા નાખી તથા બહારગામ વસતા નડિયાદીઓમાં ફાળો કરી તેણે મેળવ્યા. નાણાં ઉઘરાવવામાં શ્રી ગોકળદાસ તલાટી તથા શ્રી ફૂલચંદ બાપુજી શાહ ઉપરાંત દરબાર સાહેબ ગોપાળદાસે તથા અબ્બાસ તૈયબજી સાહેબે સારી મદદ કરેલી.
હવે સુરત ઉપર આવીએ. સુરત મ્યુનિસિપલ બોર્ડનાં ત્રણ વર્ષ ૩૧–૩–’ર૦ના રોજ પૂરાં થતાં હતાં. પણ નવી ચૂંટણી કરવામાં કેટલીક સ્થાનિક મુશ્કેલીઓ હોવાથી જૂના બોર્ડની મુદત બે વખત છ છ મહિના કરીને કુલ એક વર્ષ લંબાવવામાં આવી અને ૧૯૨૧ના માર્ચમાં નવી ચૂંટણી થઈ આ ચૂંટણી નવા દાખલ થયેલા મૉન્ટફર્ડ સુધારા અનુસાર થઈ, એટલે જૂનું બોર્ડ ત્રીસ સભ્યોનું હતું તેને બદલે નવું બોર્ડ પચાસ સભ્યોનું થયું, જેમાં ચાળીસ પ્રજા તરફથી ચૂંટાયેલા અને દસ સરકાર તરફથી નીમવામાં આવેલા સભ્યો હતા. ચૂંટણી થઈ તે વખતે અસહકારની ચળવળ દેશમાં પૂરજોસમાં ચાલતી હતી. નડિયાદ તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીઓએ પોતાની પ્રાથમિક શાળાઓની બાબતમાં અસહકાર શરૂ પણ કરી દીધો હતો. એટલે મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને શાળાઓ મારફત અસહકાર કરવાની વાત ચૂંટણીના એક મુખ્ય મુદ્દા તરીકે કર ભરનારા મતદારો સામે સ્પષ્ટ રીતે રાખવામાં આવી હતી અને એ મુદ્દા ઉપર જ પ્રજાકીય ચાળીસ સભ્યો પૈકીના મોટા ભાગના સભ્યો ચૂંટાયા હતા. તેમાં દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ, ડૉ. ઘિયા, એ મુખ્ય હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે શ્રી. મોહનનાથ કેદારનાથ દીક્ષિત ચૂંટાયા.
આ નવા બોર્ડે તા. ૪–૭–’૨૧ના રોજ શ્રી દયાળજીભાઈની દરખાસ્તથી નીચેનો ઠરાવ પસાર કર્યો :
- “સુરત મ્યુનિસિપાલિટી એવો ઠરાવ કરે છે કે નાગપુર મુકામે મળેલી રાષ્ટ્રીય કૉંગ્રેસના આદેશને માન આપવા ખાતર અને બાળકો અને બાળાઓની કેળવણી સ્વરાજપ્રાપ્તિને સારુ અનુકૂળ કરવા ખાતર મ્યુનિસિપાલિટીની શાળાઓને સરકારના અંકુશથી મુક્ત કરવી અને સરકાર તરફથી કેળવણી ખાતે જે મદદ મળે છે તેનો ઇન્કાર કરવો.
- “આ ઠરાવની નકલ સરકારની જાણ સારુ ઘટતી જગ્યાએ મોકલી આપવી.”
બીજે જ દિવસે મ્યુનિસિપલ શાળા સમિતિ (સ્કૂલ બોર્ડ)એ ઠરાવ કરીને સુરત વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને ખબર આપી કે મ્યુનિસિપલ શાળાઓનું ઈન્સ્પેક્શન કરવાની આપે તસ્દી લેવી નહીં.
પછી મ્યુનિસિપાલિટી કેટલા શિક્ષકોને રાખવા ઈચ્છે છે તેની તપાસ કરી જે મ્યુનિસિપાલિટીના નોકર તરીકે મ્યુનિસિપલ શાળાઓમાં રહેશે તે પેન્શન વગેરેના હકો ખોઈ બેસશે એવી શિક્ષકોને કેળવણી ખાતા તરફથી ચેતવણી મળી. સરકારે પોતાને ખર્ચે જુદી શાળાઓ કાઢી અને મ્યુનિસિપલ શાળાઓ તોડવાના પ્રયત્નો કર્યા, વગેરે વિધિ નડિયાદ અને અમદાવાદ મ્યુનિસિપાલિટીઓની માફક અહીં પણ થયા. કુલ ૩૪૬ શિક્ષકમાંથી ર૭ર શિક્ષકો સરકારી નોકરીમાં પાછા ફર્યા.
કલેક્ટરે તા. ૨૧–૭–’૨૧ના રોજ કાગળ લખીને મ્યુનિસિપલ ઠરાવની નકલ મુંબઈ સરકારને મોકલી આપી અને પુછાવ્યું કે, મને મ્યુનિસિપલ ઠરાવ કાયદા વિરુદ્ધ લાગે છે માટે મારે તે રદ્દ કરવો કે કેમ તે બાબત મને સૂચના આપો. આ કાગળ ઉત્તર વિભાગના કમિશનર મારફત સરકારને દસેક દિવસે પહોંચ્યો હશે. સરકારે એમના કાયદાનિષ્ણાત (રીમેમ્બ્રન્સર ઑફ લિગલ અફૅર્સ)નો અભિપ્રાય પુછાવ્યો, તે તા. ૮–૯–’૨૧ના રોજ એમણે નીચે પ્રમાણે આપ્યો :
- “શાળાઓની વ્યવસ્થા, અંકુશ અને વહીવટની બાબતમાં મ્યુનિસિપાલિટીના અધિકારને મર્યાદામાં રાખવાની સત્તા ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ મુજબ ગવર્નર–ઇન–કાઉન્સિલને છે, અને તે માટે આ કલમની રૂએ નિયમ ઘડવામાં આવેલા છે. એટલે એ સ્પષ્ટ છે કે એ નિયમોનું પાલન કરવા મ્યુનિસિપાલિટી બંધાયેલી છે. જો મ્યુનિસિપાલિટી એ નિયમોનો ભંગ કરે તો કાયદા મુજબ તેના ઉપર નાખવામાં આવેલી ફરજો બજાવવામાં તેણે ચૂક કરેલી ગણાય, તેથી ઠરાવેલી મુદ્દતની અંદર પોતાની ફરજ તે ન બજાવવા માંડે તો કલમ ૧૭૮(૨) મુજબ તેની સામે પગલાં લઈ શકાય.”
આ ઉપરથી તા. ૨૦–૯–’ર૧ના રોજ સરકારે નીચે પ્રમાણે હુકમ કર્યો :
- “ઉત્તર વિભાગના કમિશનરને વિનંતી કરવામાં આવે છે કે તેમણે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮માં જણાવી છે એવી તપાસ કરવી કે સુરત મ્યુનિસિપાલિટી તેની ઉપર આરોપવામાં આવેલી ચૂક માટે કસૂરવાન છે કે કેમ ? અને પોતાની તપાસનું જે પરિણામ આવે તે શાં પગલાં લેવાં તેની ભલામણ સાથે સરકારને જણાવવું.”
આ હુકમ પ્રમાણે તપાસ કરવાનું કમિશનરે તા. પ–૧૦–’૩૧ના રોજ કાગળ લખીને સુરતના કલેક્ટરને સોંપ્યું. સુરતના કલેક્ટરે તા. ૨૬–૧૦–’૩૧ના રોજ મ્યુનિસિપલ પ્રમુખને કાગળ લખીને સરકારી હુકમની જાણ કરી, તેની સામે કોઈ વાંધા હોય તો તા. ૩–૧૧–’૨૧ પહેલાં સરકારને અરજી કરવા જણાવ્યું અને તે દરમિયાન અમુક વિગતો પોતાને પૂરી પાડવાની સૂચના કરી. વચમાં દિવાળીની રજાઓ આવતી હોવાથી વાંધાઅરજીની મુદ્દત લંબાવવા મ્યુનિસિપલ પ્રમુખે કલેક્ટરને લખ્યું અને મુદ્દત તા. ૧૫–૧૧–’૨૧ સુધી લંબાવવામાં આવી. મ્યુનિસિપાલિટીએ તા. ૭–૧૧–’૨૧ના રોજ જનરલ બોર્ડના ઠરાવથી કલેક્ટરના કાગળનો જવાબ આપ્યો. એ ઠરાવમાં મ્યુનિસિપાલિટીનું વલણ બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યુ :
- “તા. ૨૬–૧૦–’૨૧ના કલેક્ટરના કાગળ ઉપર પુખ્ત વિચાર કરીને આ બોર્ડ તેમને જણાવે છે કે :
- ૧. તપાસ વિષેના સરકારી હુકમની વિગતોને અભાવે અમે આ મુદ્દા ઉપર પૂરેપૂરી વાંધાઅરજી મોકલી શકીએ એમ નથી.
- ૨. કર ભરનારાઓના સ્પષ્ટ આદેશની વિરુદ્ધ ગયા વિના આ બોર્ડ તેમના પ્રતિનિધિ તરીકે સરકારી અંકુશ સ્વીકારી શકે નહીં. પોતાની
કેળવણીવિષયક નીતિની બાબતમાં આ બોર્ડે જેટલાં પગલાં ભર્યા છે તે કર ભરનારાઓની ઇચ્છા રોક્કસ જાણી લઈને જ ભર્યા છે.
સુરત મ્યુનિસિપાલિટીની છેલ્લી ચૂંટણી વખતે મતદારો સામે મોટામાં મોટો પ્રશ્ન તમામ મ્યુનિસિપલ શાળાઓ રાષ્ટ્રીય બનાવવાનો હતો. હિંદુસ્તાનની વધારેમાં વધારે પ્રતિનિધિત્વ ધરાવતી અને વધારેમાં વધારે અધિકારવાળી સાર્વજનિક સંસ્થા હિદી રાષ્ટ્રીય કૉંગ્રેસે ભલામણ કરી હતી કે, શાળાઓને રાષ્ટ્રીય બનાવવી, એ અત્યારે દેશની મોટામાં મોટી જરૂરિયાત છે. સુરતના શહેરીઓ એ એ ભલામણ સ્વીકારી અને મ્યુનિસિપાલિટીમાં એ ભલામણનો અમલ કરવાનું વચન આપનારા મોટા ભાગના સભ્યોને ચૂંટ્યા. મતદારો પ્રત્યે વિશ્વાસઘાત કર્યાના આરોપમાં અમારે ન આવવું હોય તો ગમે તેટલાં જોખમ ખેડીને પણ આ ઠરાવ અમારે બને તેટલો વહેલો પસાર કરવો જોઈએ.
શાળાઓને રાષ્ટ્રીય બનાવવામાં મ્યુનિસિપાલિટીની એકમાત્ર ઈચ્છા, વિદ્યાર્થીઓમાં સ્વમાનની, સેવા કરવાની અને દેશને માટે સહન કરવાની ભાવના ઉત્પન્ન કરવાની તથા દેશના અત્યારના સંજોગોમાં વધારેમાં વધારે ઉપયોગી હોય એવી કેળવણી આપવાની છે.
મ્યુનિસિપાલિટી સુરતના શહેરીઓનો વિશ્વાસ ધરાવે છે એ તો સ્વીકાર્યા સિવાય તમારો છુટકો જ નથી. કેટલાક વખતથી સુરત શહેરમાં સોળ સરકારી નિશાળો ખોલવામાં આવી છે. આ શાળાઓ મ્યુનિસિપલ શાળાઓની લગભગ લગોલગ એક જ લત્તામાં રાખવામાં આવી છે, ત્યાંના શિક્ષકો મ્યુનિસિપલ શાળામાંથી વિદ્યાર્થીઓને ફોસલાવી પટાવી ભગાડવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. અમારી શાળાઓની તેડાગર બાઈઓને મ્યુનિસિપાલિટી કરતાં વધારે પગારની લાલચો આપી ફોસલાવી લઈ જવામાં આવે છે. સરકારી શાળાઓમાં જોડાયેલા શિક્ષકો મ્યુનિસિપલ શાળાઓમાં છેલ્લા થોડા દિવસ રહ્યા તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને ખોટાં સર્ટિફિકેટો કાઢી આપ્યાં જેથી તેઓ સરકારી શાળામાં દાખલ થઈ શકે. આમ મ્યુનિસિપલ શાળામાંથી વિદ્યાર્થીઓને ભગાડવાના ન શોભે એવા અનેકાનેક પ્રયત્નો કરવા છતાં આજ સુધીમાં મ્યુનિસિપલ શાળાઓના ૮,૦૦૦ વિધાર્થીઓમાંથી સરકારી શાળાઓ કેવળ ૮૦૨ વિદ્યાથીંઓ મેળવવા પામી છે. તેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ તો સરકારી નોકરોનાં અથવા તેમના કોઈ ને કોઈ રીતે આશ્રિત હોય એવાનાં બાળકો છે. આ ઉપરથી એનો ભાગ્યે જ ઇન્કાર થઈ શકશે કે લોકોને સરકારી શાળાઓ ઉપર વિશ્વાસ નથી.
મ્યુનિસિપાલિટીએ જે કાંઈ કર્યું છે તે મતદારોના આદેશને વફાદારીથી અમલમાં મૂકવા માટે જ કર્યું છે. તે હજી પણ મતદારોનો વિશ્વાસ ધરાવે છે, અને તેણે કાયદાનો કશો ભંગ કર્યો નથી. તેઓ અંત:કરણથી માને છે કે પોતાની ફરજ બજાવવામાં તેમણે કશી કસૂર કરી નથી અને આશા રાખે છે કે તેમના કૃત્યના ન્યાયીપણાની સરકાર કદર કરશે.
આ દરમ્યાન ત્રણે મ્યુનિસિપાલિટીઓને ચેતવણી આપનાર સરકારનો તા. ૨૩-૯-’૩૧નો હુકમ બહાર પડ્યો હતો. તેને પણ અમદાવાદની માફક જ સુરતે કડક જવાબ આપ્યો હતો. ત્યાર પછી અમદાવાદ અને નડિયાદની માફક બધા પૂર્વવિધિ કરીને તા. ૧૭–૧૨–’૨૧ના રોજ સ્કૂલ બોર્ડનો તથા તમામ શાળાઓનો વહીવટ કેળવણી ખાતાના અધિકારીને સોંપી દેવાનો તથા તેના ખર્ચ માટે રૂા. ૫૦,૦૦૦ મ્યુનિસિપલ સિલકમાંથી તેમને ખાતે જમા કરવાનો કમિશનરે હુકમ કર્યો. તે પહેલાં જ તા. ૧૫–૧૨–’૨૧ના રોજ જનરલ બોર્ડે ઠરાવ કરીને બધી મ્યુનિસિપલ શાળાઓ સ્થાનિક રાષ્ટ્રીય કેળવણી મંડળને સોંપી દીધી તથા તેને ખર્ચ માટે રૂા. ૪૦,૦૦૦ આપવાનો ઠરાવ કર્યો. આ ઠરાવ કમિશનરે તા. ૧૬મીએ રદ કર્યો પણ તે હુકમ મ્યુનિસિપાલિટીના પ્રમુખને પહોંચે તે પહેલાં રૂા. ૪૦,૦૦૦ બે ચેકથી કેળવણી મંડળને આપી દેવામાં આવ્યા અને તેમણે બેંકમાંથી ઉપાડી પણ લીધા.
કલેક્ટરે તા. ૧૭મીએ સાંજે છ વાગ્યે મ્યુનિસિપલ ઑફિસમાં જઈ શાળાઓને લગતા બધા મ્યુનિસિપલ રેકર્ડોનો કબજો લઈ તે પતરાંની પેટીઓમાં ભરી તેના ઉપર પોતાનાં સીલ માર્યાં. તા. ર૦મીએ મ્યુનિસિપાલિટીએ સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી પોતાના તા. ૪–૭–’૨૧ના ઠરાવને વળગી રહી કેળવણીની બાબતમાં સરકારની સત્તા અથવા અંકુશ માન્ય નહીં રાખવાનું પોતે ચાલુ રાખે છે એ ઠરાવ કર્યો. કલેક્ટરે બળજબરીથી સ્કૂલ કમિટીનું દફ્તર કબજે કર્યું હતું તે સામે વિરોધ દર્શાવી તે પાછું સોંપી દેવાની વિનંતી કરી. રૂા. ૫૦,૦૦૦ની કમિશનરની માગણી અન્યાયી અને આપખુદ છે, તેવી માગણી કરવાની કમિશનરને સત્તા નથી અને રૂપિયા લેવા માટે બળજબરી કરવામાં આવશે તો લોકહિતને તેથી ભારે નુકસાન થશે અને મ્યુનિસિપાલિટીને માથે તેની જવાબદારી નહીં રહે એવો પણ ઠરાવ કર્યો. તા. ૧૭મીએ સરકાર ચાલુ શાળાઓનો કબજો ન લઈ શકે તે ખાતર તથા અમદાવાદની કૉંગ્રેસમાં ભાગ લેવા જે શિક્ષકોને જવું હોય તે જઈ શકે તે ખાતર તા. ૧૬મીથી મ્યુનિસિપલ શાળાઓમાં એક મહિનાની રજા પાડવામાં આવી. આવું બધું સરકારથી શી રીતે સહ્યું જાય ? એટલે કેળવણી ખાતાના અમલદારે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, સિટી મેજિસ્ટ્રેટ અને હથિયારબંધ પોલીસની મદદથી નિશાળોનાં મકાનનાં તાળાં તોડી તોડીને મકાન તથા અંદર જે સરસામાન મળી આવ્યો તેનો કબજો લીધો.
બારડોલીમાં સત્યાગ્રહની લડત ઉપાડવાને અંગે સુરતમાં તા. ૩૧–૧–’રરના રોજ કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી હતી. એ બેઠક થઈ ગયા પછી ગાંધીજીએ જાહેર સભામાં ભાષણ આપતાં કહ્યું :
- “સુરતની મ્યુનિસિપાલિટીએ સરસ હિંમત બતાવી છે. શહેરીઓને ઘટે છે કે તેઓએ પ્રતિનિધિઓને પૂરેપૂરું જોર આપવું. તમે કેળવણીને સ્વતંત્ર કરી છે એટલું બસ નથી. આખી મ્યુનિસિપાલિટીને સ્વતંત્ર કરવી જોઈએ. એમાં તો જેલ વગેરેનો ભય પણ નથી. એમાં તે માત્ર બાહોશીની, આત્મવિશ્વાસની અને એકબીજાના વિશ્વાસની જરૂર છે. આપણાં પાયખાનાં, આપણા રસ્તા આપણે સાફ રાખીએ, આપણા ગરીબોને આપણે સંભાળીએ, આપણાં માંદાની આપણે સેવા કરીએ, તેને સારુ જોઈતા પૈસા આપણે એકઠા કરીએ અને તેનો શુદ્ધ વહીવટ રાખીએ.
- “આમાં સરકાર કે સરકારના કાયદાની જરૂર જ શી હોય ? દુર્ભાગ્યે આપણા પોતાનામાંથી આત્મવિશ્વાસ ખસી ગયો હતો. મહાજન અપ્રામાણિક થઈ ગયાં હતાં. પ્રજા પણ દાંડ થઈ હતી. તેમાં સરકાર ફાવી ગઈ. સુરતના શહેરીઓ સ્વેચ્છાએ પોતે જ નક્કી કરેલા હોય એવા કર મહાજનને આપે, અને મહાજન તેનો વહીવટ પ્રામાણિકપણે પૂરો હિસાબ રાખીને મેં બતાવી તેવી વસ્તુઓમાં કરે તો એ તમારી સ્વતંત્ર મ્યુનિસિપાલિટી થઈ. મહાજનનું બદનામ એટલે આજની મ્યુનિસિપાલિટી. સ્વાધીનતા વેચીને પરાધીનતા વહોરી લેવી એટલે સરકારની મ્યુનિસિપાલિટી.
- “મારી ઉમેદ છે કે સુરતના શહેરીઓ પોતાના નિશ્ચય ઉપર મક્કમ રહેશે અને જે કંઈ પણ કર્યું છે તેના કરતાં વિશેષ કરીને સુરતને, ગુજરાતને અને હિંદુસ્તાનને દીપાવશે.”
છેવટે તા. ૨૨-૨-’રરના રોજ મુંબઈ સરકારે પોતાનો ઠરાવ બહાર પાડીને અમદાવાદ અને સુરત એ બંને મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરી.
અમદાવાદ અને સુરતની અને ત્રીજી નડિયાડની એમ ત્રણે મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો સરકારના કાયદાનો અમલદારો જે અર્થ કરે તેને આધીન થવાને બદલે કર ભરનારાની મરજીને અને કર ભરનારાઓના આદેશને માન આપવાનું વધુ પસંદ કરતા હતા, બલ્કે તેમ કરવાને તેઓ પોતાની પવિત્ર ફરજ સમજતા હતા. એટલે બેના સભ્યોએ બરતરફ થવાનું અને ત્રીજીના સભ્યોએ રાજીનામાં આપી તેમાંથી નીકળી જવાનું પસંદ કર્યું.
૧૯૨૨ના એપ્રિલમાં સરકારે સુરત મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને બીજા ત્રીસ કાઉન્સિલરો ઉપર તા. ૪-૭-’૨૧થી તા. ૧૭-૧૨-’૩૧ સુધી સરકારના અંકુશ વિના ચલાવેલી શાળાઓ પાછળ ખર્ચેલા રૂા. ૬૭,૯૦૩–૬–૩ તથા રાષ્ટ્રીય કેળવણી મંડળને ગ્રાન્ટ તરીકે આપેલા રૂા. ૪૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૦૭,૯૦૩–૬–૩નો મ્યુનિસિપલ ફંડનો ખોટો અને ગેરકાયદે ઉપયોગ કર્યો છે એમ કહી દાવો કર્યો.
આ મુદ્દત દરમિયાન સરકારે જે શાળાઓ ચલાવી, — તેમાં જોકે વિદ્યાર્થીઓની સંખ્યા આઠસોની જ રહેતી અને મ્યુનિસિપલ શાળાઓમાં લગભગ સાત હજાર રહેતી છતાં — આઠસો વિદ્યાર્થીઓ ઉપર રૂા. ૬૦,૨૮૨ સરકારે ખર્ચ્યા હતા. તેણે નાણાંનો એ સદુપયોગ કર્યો ! એ શાળાઓ જોકે સરકારે પોતાને ખર્ચે ચલાવી હતી છતાં બીજા વરસની મ્યુનિસિપલ કેળવણી ગ્રાન્ટમાંથી કમિટી ઑફ મૅનેજમેન્ટ પાસેથી સરકારે એ રકમ કાપી લીધી.
પછી નડિયાદની માફક સુરતે પણ સરકાર હસ્તક ગયેલી મ્યુનિસિપાલિટીને કર નહી ભરવાની લડત ઉપાડી, જે ૧૯૨૩ના એપ્રિલમાં બહુ જોરમાં ચાલી. એનું થોડું વર્ણન અગાઉ ટાંકેલા સરદારના લેખમાં આવી ગયું છે. નાકરની લડત એકાદ વરસ ચાલી. દરમિયાન ૧૯૨રના જૂનમાં રાજદ્રોહી ભાષણ કરવ બદલ દયાળજીભાઈને એક વરસની સજા થઈ અને ૧૯૨૩ના જૂનમાં તે છૂટીને આવ્યા તે જ દિવસે કલ્યાણજીભાઈને એ જ આરોપસર બે વરસની સજા થઈ.
પોતાને શાળાઓ સોંપાયા પછી રાષ્ટ્રીય કેળવણી મંડળે ૫૪ પ્રાથમિક શાળાઓ ચલાવી. ૧૯૨૫માં મ્યુનિસિપાલિટી પ્રજાને પાછી સોંપાઈ ત્યાર પછી એ મ્યુનિસિપાલિટીને રાષ્ટ્રીય કેળવણી મંડળે શાળાઓ પાછી સોંપી દીધી. કુલ ૭૪ શિક્ષકો સરકાર સાથે અસહકાર કરીને રાષ્ટ્રીય કેળવણી મંડળમાં રહ્યા હતા. તેમને મ્યુનિસિપાલિટીએ પાછા લીધા અને અસહકારના ત્રણ વર્ષના ગાળાની કપાતે પગારે રજા ગણી તેમની નોકરી જૂની નોકરી સાથે જોડી આપી. આ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણી મંડળે એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય થોડો વખત ચલાવેલું અને એક રાષ્ટ્રીય વિનયમંદિર તો ૧૯ર૭ના એપ્રિલ સુધી ચલાવેલું.
સરકારે મ્યુનિસિપલ પ્રમુખ શ્રી મોહનનાથ કેદારનાથ દીક્ષિત અને બીજા ત્રીસ કાઉન્સિલર ઉપર જે દાવો કરેલો તેનો ફેંસલો સુરતના ડિસ્ટ્રિક્ટ જજે ૧૯૨૪ના જૂનમાં આપ્યો. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરને પરીક્ષા ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું એ ઉપરાંત યોગ્યતાવાળા શિક્ષકો મળી શકતા હોવા છતાં યોગ્યતા વિનાના (અનક્વૉલીફાઈડ) એવા ૧૩૭ શિક્ષકોને નોકરીમાં રાખ્યા, શાળાઓનો વખત અગિયારથી પાંચનો રાખવાને બદલે થોડા દિવસ સવારનો અને બપોરનો એમ બે વખતનો રાખ્યો, દરરોજ પ્રાર્થના પછી ‘સ્વરાજ કીર્તન’માંથી એક એક ગીત ગવડાવ્યું, શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કંતાવરાવ્યું, એવાં બધાં કારણોએ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ નાણાંનો ખોટો ઉપયોગ કર્યો એવી દલીલ સરકારી વકીલે કરી પણ જજે એ નિર્ણય આપ્યો કે સરકારી વકીલ કહે છે એ બધું પોતે સાબિત કરી શક્યા નથી અને સાબિત થયું હોય તો પણ એ વસ્તુઓ એવી નથી કે જેથી મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રાથમિક શિક્ષણ આપવાની પોતાની ફરજમાં ચૂક કરી એમ ગણાય. વળી ઇન્સ્પેક્ટરોને શાળામાં પરીક્ષા તથા નિરીક્ષણ માટે ન આવવા દીધા એ કૃત્ય ગેરકાયદે હતું છતાં તેમણે શાળાઓ ચલાવી છે તે તો તેમના અધિકારની અંદરનું જ છે. માટે શાળાઓ પાછળ તેમણે ખર્ચેલા રૂા. ૬૭,૯૦૩-૬-૩ વાજબી અને કાયદેસર ખર્ચેલા છે અને એ રકમ પૂરતો દાવો કાઢી નાખવામાં આવે છે, એમ જજે ઠરાવ્યું. પણ રાષ્ટ્રીય કેળવણી મંડળને શાળાઓ સોંપી તેના ખર્ચ માટે રૂા. ૪૦,૦૦૦ આપ્યા તે ખર્ચો મ્યુનિસિપાલિટીએ કાયદેસર રીતે નથી કર્યો માટે એ રકમનું જજે પ્રતિવાદી કાઉન્સિલર ઉપર હુકમનામું કર્યું.
આ સંબંધમાં ગાંધીજી તા. ૧૫-૬-’૨૪ના ‘નવજીવન’ માં લખે છે :
- “સુરતના બાવીસ માજી મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપર રૂપિયા ચાળીસ હજારનું હુકમનામું થયું છે એ બાવીસ ઉપર નથી થયું પણ આખી માજી મ્યુનિસિપાલિટી ઉપર થયું છે. બલ્કે મ્યુનિસિપાલિટી ઉપર પણ નથી, જે શહેરીઓ મ્યુનિસિપાલિટીની પાછળ હતા, જે મતદારોએ સભાસદને ચૂંટ્યા હતા, તેમની ઉપર આ હુકમનામું થયું કહેવાય. એટલે તે પૈસાની જવાબદારી સુરતના અસહકારી શહેરીઓ ઉપર છે.
- “અસહદારીની જવાબદારી પૈસા આપીને બસ થતી નથી. બાવીસ પ્રતિનિધિઓને જાતે જ પૈસા ભરવા પડે એવું તો સુરતના અસહકારીઓ ન જ થવા દે. પણ તેની જવાબદારી તો એ છે કે સરકાર એ હુકમનામાની બજાવણી જ ન કરી શકે એવી સ્થિતિ લાવી મૂકવી. આનો ઉપાય તો કેવળ આ હુકમનામા પૂરતો સ્થાનિક સત્યાગ્રહ છે. એટલે કે શહેરીઓ સરકારને વિનયપૂર્વક લખે કે આ હુકમનામાની બજાવણી સરકાર કરે તો શહેરીઓ તે તરફ પોતાની નાપસંદગી બતાવવા બીજા કરો નહીંં ભરે. ચાળીસ હજારનો ઉપયોગ કાંઈ કોઈએ અંગત નથી કર્યો. એટલે પૈસા ભલે સરકાર વસૂલ કરે પણ તેની સાથે કર વસૂલ કરવાનો બોજો પણ વહોરે. બધા કરો આપવાનું બંધ કરવું મુશ્કેલ હોય તો જે બંધ કરવાલાયક જણાય તે કરો બંધ કરે.
- “એવો અવસર હતો કે જ્યારે આ પગલું આપણે સહેલું માનતા હતા. હવે તેનો ઉત્સાહ મોળો પડ્યો છે એટલે આવું પગલું મુશ્કેલ લાગે. પણ ગુજરાતમાં બોરસદનો દાખલો તાજો છે તેથી એ પગલું મુશ્કેલ ન લાગવું જોઈએ.”
આ ત્રણે મ્યુનિસિપાલિટીની લડત સાચા સ્થાનિક સ્વરાજ્ય માટેની હતી. તે આખા સ્થાનિક વહીવટ માટે નહીં પણ કેળવણી પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. તે માટે ત્રણે સ્થળે શહેરીઓને તથા શિક્ષકોને કાંઈ ને કાંઈ ભોગ આપવો પડ્યો પણ તેમાંથી તેમને બહુ કીમતી તાલીમ મળી. લોકો મ્યુનિસિપાલિટીના કામમાં સક્રિય રસ લેતા થયા અને પોતાના કારભારના પોતે માલિક થઈ શકે છે એવો આત્મવિશ્વાસ તેમનામાં આવ્યો.