સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

વિકિસ્રોતમાંથી
← અમદાવાદની કૉંગ્રેસ — ૧૯૨૧ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી
નરહરિ પરીખ
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત →


.


૧૭

મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

મ્યુનિસિપાલિટીની બરતરફીનો હુકમ તા. ૯-૨-’રરના ગુરુવારના સરકારી ગૅઝેટમાં બહાર પડ્યો કે તરત અમદાવાદના શહેરીઓની એક ગંજાવર જાહેર સભા મળી અને તેમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“અમદાવાદના શહેરીઓની આ જાહેર સભા ઠરાવ કરે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરી સરકારે પ્રજાની પ્રાથમિક કેળવણી પોતાને હાથ કરવા નિશ્ચય કરેલો હોવાથી, શહેરનાં બાળકોને સરકારના કાબુથી સ્વતંત્ર કેળવણી મળે તે માટે આ શહેરમાં એક પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળ સ્થાપવું અને તેની યોજના તૈયાર કરી અમલમાં મુકાય ત્યાં સુધી વાલીઓએ પોતાનાં બાળકોને સરકારના કાબૂવાળી મ્યુનિસિપલ શાળાઓમાં મોકલવાં નહીંં. સરકારના આ કૃત્ય સામે કેળવણી સિવાય બીજી બાબતમાં શાં પગલાં લેવાં તે હવે પછી નક્કી કરવામાં આવશે.
“પ્રજા તરફથી નિમાયેલા જે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ નીડરપણે પોતાની ફરજ બજાવી છે તેનાથી રાષ્ટ્રીય કાર્યને પુષ્કળ મદદ મળી છે એવો આ સભાનો અભિપ્રાય છે. અમારી સેવા બજાવતાં જોકે મ્યુનિસિપાલિટીની સત્તા ઝૂંટવી લેવામાં આવી છે છતાં અમારો વિશ્વાસ અમારા પ્રતિનિધિઓ ઉપર સંપૃર્ણ છે અને આજ સુધી તેમણે બતાવેલી સ્વદેશભક્તિ માટે અમે એ સર્વે સભાસદોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.”

નવા સ્થપાયેલા પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળે ચોથા ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તા. ૨૬–૨-’રરના રોજ લેવાની વ્યવસ્થા કરી અને તા. ૨૩મી સુધીમાં ૩૩ નિશાળો ખોલી; જેમાં ૧૮ છોકરાઓની અને ૧૦ છોકરીઓની, ૧ મિશ્ર અને ૪ ઉર્દૂ શાળાઓ હતી.

અમદાવાદની સાથે સુરતની મ્યુનિસિપાલિટી પણ એ જ કારણસર બરતરફ કરવામાં આવી હતી. એટલે અમદાવાદ અને સુરતના શહેરીઓને ઉદ્દેશીને ગાંધીજીએ તા. ૧૯-૨-’૨રના ‘નવજીવન’માં એક નોંધ લખી. તેમાં જણાવ્યું :

"તમારી ઉપરવટ થઈને સરકારે પોતાની કમિટી નીમી છે. તેમાં તમારા જ શહેરવાસીઓ કામ કરવા તૈયાર થયા છે એ જોઈ મને તો ખૂબ દિલગીરી થઈ છે. પણ તેથી કાંઈ નિરાશ થવાનું નથી. શહેરીઓની સહાય વગર તેઓ કારભાર નહીં જ ચલાવી શકે. એ કમિટીની નિશાળોમાં એક પણ બાળક તમારા મોકલ્યા વિના તો ન જ જાય. તમારી ઇચ્છા વિના તમે કર પણ નહીં આપો. ભલે એક તરફથી બળાત્કારે નિમાયેલી સરકારની કમિટી ચાલે ને બીજી તરફથી તમારું શહેરી મહાજન ચાલે. તેમાંથી જણાઈ રહેશે કે પ્રજા કોની સાથે છે. . . .”

પછી વળી તા. ર૬-ર-’રરના ‘નવજીવન’ માં ‘અમદાવાદ સુરતની કસોટી’ એ નામના લેખમાં ગાંધીજીએ લખ્યું :

“. . . નવા સુધારામાં કેટલું પોકળ છે તેની આ બે મોટી મ્યુનિસિપાલિટીઓ બંધ કરવા જેવી બીજી સારી સાબિતી ન મળી શકે. જો શહેરી પ્રતિનિધિઓ આપખુદ હોત તો તેઓની સત્તા છીનવી લેવી કદાચ વાજબી ગણાત. પણ અહીં તો સરકાર જાણે છે, સ્થાનિક સ્વરાજ ખાતાના હિંદી પ્રધાન પણ જાણે છે કે શહેરીઓ અને તેમના પ્રતિનિધિઓ બંને આ ઝઘડામાં એક મત છે, બંને કેળવણીખાતું સ્વતંત્ર રાખવા ઇચ્છે છે. તેમ છતાં મ્યુનિસિપાલિટી સામે કાંઈ કાયદેસર ઇલાજ છે, તો તે લેવાને બદલે મ્યુનિસિપાલિટીને બંધ કરી છે. એટલે પ્રજામતની વિરુદ્ર સરકાર અને ‘આપણા’ પ્રધાન થયા છે ! આમ નવા સુધારામાં કેવળ આપખુદી જ ભરેલી છે.
“પણ સુધારાના ગેરલાભનો વિચાર કરવા કરતાં શહેરીઓને લાભ શેમાં છે એ જ આપણે તો વિચારવું આ સ્થળે યોગ્ય છે. આવી સામાન્ય બાબતમાં જો શહેરીઓ હારી જાય તો તેઓ સ્વરાજ્ય ભોગવવા લાયક નથી એમ હું તેને કહું અને જગત કહે. સ્વરાજ્યની લાયકાત જેમ તે મેળવવાથી સિદ્ધ થાય છે તેમ જ તે સાચવવાની શક્તિથી પણ સિદ્ધ થાય છે. બહારથી થતા હુમલા છતાં ટકી શકાય તો જ આપણે શક્તિમાન કહેવાઈએ. બહારનાં જંતુઓ ચઢાઈ કરે છતાં પણ આરોગ્યવાન રહી શકે તેનું જ શરીર સારું ગણાય. આ લડાઈનું મધ્યબિંદુ કેળવણી છે. બીજી બાબતમાં શહેરીઓ પોતાના હક સાચવે યા ન સાચવે પણ કેળવણીની બાબતમાં તો તેઓ હારે તો તદ્દન હાર્યા ગણાય, અને ચોખ્ખું એમ જ સાબિત થાય કે શહેરીઓ સ્વતંત્ર વિચાર કે કાર્ય કરતા નથી થયા. જો તેઓ ટેક છોડે તો એમ સિદ્ધ થાય કે પ્રતિનિધિઓ કળાવાન હતા તેથી સરકારની સાથે લડી લેતા હતા, તેમાં શહેરીઓને રસ આવતો હતો, પણ જાતે કંઈ કરવાની કે વિચારવાની તસ્દી લેતા ન હતા.
“તેથી બંને શહેરના શહેરીઓની પ્રથમ ફરજ એ છે કે પેાતાનાં બાળકોની કેળવણીનો કબજો તો પોતે પૂરેપૂરો રાખવો, એટલું જ નહીં પણ તે કેળવણીને એવા સુંદર પાયા ઉપર મૂકવી કે કોઈ સરકારની શાળામાં જવા લલચાય જ નહીં. . . .”

પછી તો ગાંધીજી પકડાયા અને ૧૮મી માર્ચે એમને છ વરસની સજા થઈ. પણ તેથી તે ઉલટો અમદાવાદના શહેરીઓનો ઉત્સાહ વધ્યો. કમિટીએ મ્યુનિસિપલ શાળાઓ ચાલુ રાખી પણ તે ખાલી જેવી રહી, જ્યારે પ્રજાકીય શાળાઓમાં વિદ્યાથીઓ ઉભરાતા રહ્યા. તા. રપ-૬-’રરના ‘નવજીવન’માં સરદારે ‘આપણો હિસાબ’ એ નામના લેખમાં આની વિગતો દીવા જેવી ચોખ્ખી આપી છે :

“અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કર્યાને ચાર માસ થઈ ગયા. મ્યુનિસિપાલિટીને બરતરફ કરી કેળવણી ઉપર પાછો પોતાનો કાબૂ મેળવવાની સરકારે ઉમેદ રાખેલી, સરકારને પોતાના કાનને પ્રિય લાગે એવી જ વાતો સાંભળવાની આદત પડેલી છે. એટલે ખરી હકીકત તેના જાણવામાં ભાગ્યે જ આવે છે. મ્યુનિસિપાલિટી બરતરફ કરવાથી બધી ચળવળ ભાંગી પડશે, નાણાંને અભાવે સ્વતંત્ર શાળાઓ કોઈ ચલાવી શકશે નહીં, લોકો પૈસા આપશે નહીં, માબાપ છોકરાંઓને નવી પ્રજાકીય શાળાઓમાં મોકલતાં ડરશે. શિક્ષકો બિચારા અપંગ છે, તેઓ કાયમની નોકરી છોડી આવી નવી નિશાળોમાં જાય જ નહીં, આવી અનેક વાતો સાંભળી તે ઉપર વિશ્વાસ રાખી અમદાવાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરી. પણ સરકારની બધી ધારણાઓ ખોટી પડી. પ્રજાકીય કેળવણી મંડળ તરફથી આજે અમદાવાદમાં ૪૩ શાળાઓ ચાલે છે. તે પૈકી ૧૩ કન્યાશાળાઓ છે અને ૮ ઉર્દૂ શાળાઓ છે. શાળાના મકાનો માટે ન્યાતની વાડીઓનાં કેટલાંક ભવ્ય અને સુંદર મકાનો મળ્યાં છે. આ શાળાઓમાં ૨૭૦ શિક્ષકો કામ કરે છે. તેમાં ૬૫ ટકા ટ્રેન્ડ શિક્ષકો છે. તે પૈકી ૧૬૦ મ્યુનિસિપાલિટીની નોકરી છોડી દઈ આવેલા છે. ચાલુ અઠવાડિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮,૪૦૦ જેટલી થઈ છે. મુસલમાન છોકરાઓની સંખ્યા ૯૦૪ની છે. કન્યાશાળાઓમાં ૨,૧૦૭ બાળાઓ ભણે છે. ઘણીખરી શાળાઓમાં સંખ્યા હજી વધતી જાય છે.
“આજ સુધીમાં ત્રીસ હજાર રૂપિયા ખર્ચ થયો છે. માસિક ખર્ચ દસ હજાર રૂપિયાનો આશરે થશે. પ્રજાકીય કેળવણી મંડળે આજ સુધીમાં એક લાખ પચીસ હજાર રૂપિયા ભરાવ્યા છે, જે પેટે રૂપિયા પચાસ હજાર વસૂલ આવ્યા છે.
“સરકારે નીમેલી કમિટી તરફથી ચાલતા વહીવટમાં હાલ નવી ખોલેલી બે શાળાઓ સાથે ૫૭ શાળાઓ ચાલે છે. તેમાં ૨૫૦ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારેમાં વધારે ૨,૦૦૦ ની અંદર હોવી જોઈએ. મ્યુનિસિપાલિટીને બરતરફ કરી તે પહેલાં મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાડાદસ હજાર કરતાં વધારે કોઈ વખત થયેલી નહોતી. આ ધોરણે અત્યારે કમિટીની શાળાઓમાં ૧,૭૦૦ કરતાં ઓછી સંખ્યા હોવી જોઈએ. કેટલીક શાળાઓ તો તદ્દન ખાલી જ છે. કેટલીકમાં શિક્ષક જેટલા વિદ્યાર્થીઓ નથી. છતાં પ્રજાકીય શાળાઓને તોડવાની આશાથી દસ હજાર વિદ્યાર્થીઓ હતા તે વખતે જેટલી શાળાઓ ચાલતી હતી તેમાં બેનો ઉમેરો કરી ૫૭ શાળાઓ ૧૬૦૦–૧૭૦૦ વિદ્યાર્થીઓ ઉપર ચલાવવામાં આવે છે.”

તા. ૧૩-૮–’૨૨ના ‘નવજીવન’માં ‘સ્થાનિક સ્વરાજની દુર્દશા’એ નામના લેખમાં ઇલાકા મ્યુનિસિપાલિટીઓ વિષે સરદાર લખે છે:

“સેંકડે ૭૫ ટકા જેટલી મ્યુનિસિપાલિટીઓ મોતની અણી પર છે. જ્યાં જુઓ ત્યાં ઊપજ કરતાં ખર્ચ ઘણું વધી ગયું છે. વિશેષ કર નાખવાની જગા રહી નથી. કેળવણી ખાતાનો વહીવટ બાહોશ પ્રધાનના હાથમાં છે. તેમણે શિક્ષકોના પગારનું ધોરણ નક્કી કર્યું પણ તે પ્રમાણે મ્યુનિસિપાલિટીઓ પગાર આપી શકશે કે નહીં તેનો વિચાર તેમણે કર્યો જણાતો નથી. મ્યુનિસિપાલિટીઓ આ બોજો ઉપાડી શકતી નથી. અને સરકાર કાંઈ મદદ કરી શકતી નથી. . . . આમ છતાં ઇલાકાની મોટામાં મોટી બે મ્યુનિસિપાલિટીઓએ પોતાની કેળવણીનો વહીવટ પોતાને ખરચે પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો તે સરકારથી સહન ન થયું. સરકારી કેળવણી ખાતાના નિયમો પૈકી ત્રીજા નંબરના (સરકારી ઇન્સ્પેકટરોને પરીક્ષા લેવા દેવાના તથા નિરીક્ષણ કરવા દેવાના) નિયમનો અમદાવાદ, સુરત અને નડિયાદની મ્યુનિસિપાલિટીઓએ ભંગ કર્યો તેથી સરકારની તે મ્યુનિસિપાલિટીઓ પર ઇતરાજી થઈ. આજે સેંકડે પોણો સો ટકા મ્યુનિસિપાલિટીઓ બીજા નંબરના (સરકારે ઠરાવેલો પગાર શિક્ષકોને આપવા વગેરે) નિયમનો ભંગ કરે છે, કારણ કે તે નિયમ પાળવા માટે જોતાં નાણાં નથી, તેને સરકાર કાંઈ કરી શક્તી નથી. તેમ તે નિયમ પાળવાને કાંઈ મદદ કરી શકતી નથી. કારણ કે સરકાર પાસે પોતાને હસ્તકનાં ખાતાં ચલાવવાને જ પૂરતાં નાણાં નથી તો પ્રજાને જવાબદાર ખાતાંમાં મદદ ક્યાંથી આપે ?”

તા. ૯-૨-’૨૪થી અમદાવાદમાં પ્રજાકીય મ્યુનિસિપાલિટી ફરીથી પાછી અસ્તિત્વમાં આવી તો પણ પ્રજાકીય કેળવણી મંડળે કાઢેલી શાળાઓ ચાલુ રાખવામાં આવી, અને મ્યુનિસિપાલિટીઓ એ શાળાઓ નિભાવવા માટે દોઢ લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રજાકીય કેળવણી મંડળને આપી. કાયદા પ્રમાણે સરકારે મંજૂર કરેલી ન હોય એવી કેળવણીની સંસ્થાઓને મ્યુનિસિપાલિટી ગ્રાન્ટ આપી શકે છે. તે વખતના કેળવણી ખાતાના ડિરેક્ટર મિ. લૉરીને લાગ્યું કે આટલાં બધાં બાળકો સરકારી કેળવણી ખાતાની બહાર અને સરકારે માન્ય નહીં રાખેલી એવી શાળાઓમાં ભણે એ ઠીક નહીં. એને લીધે સરકારી કેળવણી ખાતાની પ્રતિષ્ઠાને તો હાનિ થતી જ હતી. એટલે તે વખતના ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર શ્રી વકીલ મારફત તેણે વાટાઘાટ કરવાનું શરૂ કર્યું. કૉંગ્રેસમાં પણ ફેરવાદીઓ અને નાફેરવાદીઓ વચ્ચેના વાદવિવાદોને કારણે પરદેશી કાપડ સિવાયના બીજા બહિષ્કારો વિષે આગ્રહ ન રાખવાનું વાતાવરણ પેદા થવા માંડ્યું હતું. એટલે સરદારને લાગ્યું કે હવે શાળાઓ ઉપર નામનો સરકારી અંકુશ આવે છે તેની સુગ રાખવાનો આ વખત નથી. શ્રી વકીલ અને મ્યુનિસિપલ સ્કૂલ્સ કમિટીના સેક્રેટરી શ્રી પ્રાણલાલ દેસાઈ વચ્ચે અવૈધ રીતે વાત થઈ અને ભૂમિકા તૈયાર થઈ એટલે મિ. લૉરી બધું પાકું નક્કી કરવા અમદાવાદ આવ્યા અને મ્યુનિસિપાલિટી સાથે સમાધાન કર્યું. તેને પરિણામે તા. ૧૬-૯-’૨૪થી પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળ તરફથી ચાલતી બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી. મ્યુનિસિપાલિટીએ પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળને જે દોઢ લાખની ગ્રાન્ટ આપી હતી તેમાં કેળવણી ખાતાએ કશો વાંધો ઉઠાવવો નહીં એવું ડિરેક્ટરે કબૂલ કર્યું. મ્યુનિસિપાલિટીના જૂના શિક્ષકો જેઓ મ્યુનિસિપાલિટીની નોકરી છોડી પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળની શાળાઓમાં જોડાયા હતા તેમને ફરી પાછા મ્યુનિસિપાલિટીની નોકરીમાં લેવામાં આવ્યા. સમાધાનની શરતો મુજબ વચગાળાના સમયની તેમની કપાતે પગારે રજા ગણવામાં આવી અને તેમને પ્રમોશનમાં નુકસાની ન ખમવી પડે તેથી લગભગ અઢી વર્ષનો ‘એડવાન્સ ઈન્ક્રીમેન્ટ’ (અગાઉથી પગારવધારો) તેમને આપવામાં આવ્યો.

શ્રી પ્રાણલાલ દેસાઈની બાબતમાં કમિશનર મિ. પ્રૅટ ફરી પાછા ઝળક્યા. એમના પગારનો રૂા. ૨૦૦ થી ૪૦૦ નો ગ્રેડ કમિશનરે મંજૂર કર્યો ન હતો. સમાધાન કરતી વખતે સરદારે આગ્રહ કર્યો કે આ પ્રથમ મંજૂર થવો જોઈએ. અને તે પણ ૧૯૨૧ના માર્ચમાં, જ્યારથી શ્રી પ્રાણલાલ દેસાઈનો સરકારી નોકરીમાં રૂા. ૨૦૦નો પગાર થયો તે તારીખથી મંજૂર થવો જોઈએ. મિ. લૉરીએ જવાબ આપ્યો કે, “તે મંજૂર કરાવી આપવાનું મારે માથે. તમે ફરીથી આ બાબત કમિશનરને લખો.” એનું લખાણ કરવામાં આવ્યું એટલે કમિશનરે ગ્રેડ તો મંજૂર કર્યો પણ ‘સીંદરી બળે છતાં વળ ન મૂકે’ એ ઢબે કમિશનરે મંજૂરીના પત્રમાં લખ્યું કે :

“સ્કૂલ્સ કમિટીના સેક્રેટરીને રૂા. રરપ થી ૪૦૦નો પગાર મને વધારે પડતો લાગે છે. વળી શ્રી દેસાઈએ સરકારી નોકરીનું રાજીનામું આપી હંમેશને માટે મ્યુનિસિપાલિટીની નોકરી સ્વીકારી તે બદલ બક્ષિસ તરીકે તેમને આ પગાર આપવામાં આવે છે એવી મારી માન્યતા હોવાથી સને ૧૯૨૧ માં મેં એ ગ્રેડ મંજૂર કર્યો નહોતો. આજે પણ મારે તો એ જ અભિપ્રાય કાયમ છે. અને તેથી હું પોતે તો એ ગ્રેડ મંજૂર કરવાની વિરુદ્ધ છું. પણ કેળવણી ખાતાના ડિરેક્ટર મને ખાસ આગ્રહ કરે છે કે મારે એ ગ્રેડ મંજૂર કરવો. તેથી એ આગ્રહને વશ થઈ, મારી પોતાની મરજી વિરુદ્ધ એ ગ્રેડ મારે મંજૂર કરવો પડે છે.”

આમ શાળાઓનું પ્રકરણ ઊકલી ગયું પણ સરકારે એ સહેલાઈથી ઊકલવા દીધું નહોતું મ્યુનિસિપાલિટીની બરતરફી પછી તુરત આ શાળાઓ ચલાવવામાં તા. ૧-૩-’૨૧, જ્યારથી મ્યુનિસિપાલિટીએ કેળવણીખાતાને પરીક્ષાઓ ન લેવા દેવાનો તથા નિરીક્ષણ ન કરવા દેવાનો ઠરાવ પસાર કર્યો ત્યારથી તે ૧૭–૧૨–’૨૧ સુધી જ્યારે કમિશનરના હુકમથી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્પેક્ટરે સ્કૂલ્સ કમિટીની ઑફિસનો કબજો લીધો, ત્યાં સુધીમાં થયેલા ખર્ચના ૧,૬૮,૬૦૦ રૂપિયા મ્યુનિસિપાલિટીના ઓગણીસ કાઉનિસલરો જેમણે આવા ઠરાવો કરવામાં ભાગ લીધો હતો, તેમની પાસેથી વસૂલ કરવા તેમના ઉપર સરકારે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કૉર્ટમાં દાવો માંડ્યો. સરકારી વકીલની મુખ્ય દલીલએ હતી કે એક્ટની કલમ ૫૮ મુજબ ઘડેલા નિયમ ૨ તથા ૩નો તથા ‘વર્નાક્યુલર માસ્ટર્સ કોડ’ (ગુજરાતી શિક્ષકો માટેમો ધારો) ના નિયમ ૭ નો મ્યુનિસિપાલિટીએ ભંગ કર્યો હોવાથી તેણે શાળાઓ કાયદા મુજબ ચલાવી નથી અને તેથી કાયદાને બાજુએ રાખી નિશાળો ચલાવવામાં જે ખર્ચ થયું છે તે મ્યુનિસિપલ નાણાનો ગેરઉપયોગ (misapplication) છે, જેને માટે ઓગણીસ કાઉન્સિલર દરેક એકામતે એકાજુથે જવાબદાર છે. સરકાર તરફથી કેસ સરકારી વકીલ રા. બ. ગિરધરલાલ પારેખે ચલાવ્યો હતો. પ્રતિવાદીઓ તરફથી જુદા જુદા વકીલો રોકાયેલા હતા. જોકે સરદાર, બલુભાઈ, દાદાસાહેબ માવળંકર, ડૉ. કાનુગા, કુષ્ણુલાલ દેસાઈ તથા કાળિદાસ ઝવેરી-એટલાએ કોઈને વકીલ કર્યા નહોતા. પણ બધા જ પ્રતિવાદીઓ તરફથી દી. બ. હરિલાલભાઈ એ દાવાનું કામ ચલાવ્યું હતું અને શ્રી દાદાસાહેબ તેમની મદદમાં હતા. હકીકતો વિષે તો કશો મતભેદ હતો જ નહીં.

સરકારી અંકુશ ફગાવી દઈ ચલાવેલી નિશાળો અંગે થયેલા ખર્ચને મ્યુનિસિપલ નાણાંનો ગેરઉપયોગ કહી શકાય કે કેમ અને તે નાણાં માટે પ્રતિવાદીઓને જવાબદાર ગણી શકાય કે કેમ એટલા જ કાનૂની સવાલનો જજને નિર્ણય કરવાનો હતો.

કેસમાં સ્કૂલ્સ કમિટીના સેક્રેટરી શ્રી પ્રાણલાલ દેસાઈની એકલાની જ જુબાની લેવાઈ અને તે પણ વાદી તરફથી. મ્યુનિસિપલ ઍક્ટ મુજબ ઘડવામાં આવેલા નિયમ નંબર ૨ માં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષકોના પગાર વિષેની બાબત છે તથા ગુજરાતી શિક્ષકો માટેના ધારાની સાતમી કલમમાં મુલાકાતીઓને આવવા દેવા અને તેમની મુલાકાતની નોંધ રાખવી એ બાબતો છે. શ્રી પ્રાણલાલ દેસાઈએ પોતાની જુબાનીમાં કહ્યું કે, દાવાના સમય દરમિયાન શાળાઓની વ્યવસ્થાના ધોરણમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. અભ્યાસક્રમ તથા પાઠયપુસ્તકો જે પહેલાં ચાલતાં હતાં તે જ ચાલુ રાખવામાં આવ્યાં છે. શિક્ષકોને પણ નક્કી કરેલા દર મુજબ પગાર આપવામાં આવ્યા છે, શાળાઓ મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવતી, મુલાકાતીઓ મુલાકાતથીમાં જે નોંધ કરતા તેની નકલ સ્કૂલ્સ કમિટીની ઑફિસમાં મોકલવામાં આવતી અને ત્યાં તેની ફાઈલ રહેતી. આ ઉપરથી જજે ઠરાવ્યું કે નંબર ૨ નો તથા શિક્ષકો માટેના ધારાનો બિલકુલ ભંગ થયો નથી.

નિયમ નં. ૩ પ્રમાણે કેળવણી ખાતાના નિરીક્ષકોને શાળાની પરીક્ષાઓ લેવાને તથા નિરીક્ષણ કરવાનો અધિકાર છે એ મ્યુનિસિપાલિટિએ ન કરવા દીધું, તે બાબતમાં જજે ઠરાવ્યું કે :

“તેનો ભંગ તેણે કર્યો છે એ સ્પષ્ટ છે. સરકારી નિરીક્ષકોને પરીક્ષા ન લેવા દીધી અને નિરીક્ષણ ન કરવા દીધું એ મ્યુનિસિપાલિટીનું કૃત્ય ગેરકાયદે હતું, પણ તેથી શાળાઓ ચલાવવાનું તેમનું કૃત્ય તેમના અધિકાર બહારનું ઠરતું નથી. શાળાઓ ચલાવવાની તો કાયદાએ જ તેમના ઉપર ફરજ નાખેલી છે, ખર્ચની એકે એક વિગત બજેટમાં પાસ કરાવીને, ચોગ્ય અધિકારીની મંજૂરી મેળવીને તેમણે કરેલી છે. એટલે શાળાઓ ચલાવવાનું તેમનું કામ તો કાયદેસર જ હતું. માત્ર એ કાયદેસર કામને અમલમાં મૂકતાં તેમણે એક ગેરકાયદે કૃત્ય કર્યું. પણ તેથી પેલા કાયદેસર કામ પાછળ ખર્ચેલાં નાણાં પોતાના અધિકારની બહાર અને ખેાટી રીતે ખર્ચેલાં છે એમ ન ગણાય.”

આ નિર્ણયના સમર્થનમાં પોતાનાં કારણો આપતાં જજ જણાવે છે કે :

“આપણે મ્યુનિસિપલ ઍક્ટનું પૃથક્કરણ કરીએ તો જણાય છે કે કાયદાની મૂળ કલમેામાં તેમ જ તેની રૂએ ઘડવામાં આવેલા નિયમોમાં કારોબારી અમલદારોએ કેવી રીતે અંકુશ રાખવા તેની વિવિધ પદ્ધતિઓ તેમાં દર્શાવેલી છે તથા મ્યુનિસિપલ નોકરોએ પોતાની ફરજ કેવી રીતે બજાવવી તેની સૂચનાઓ પણ આપેલી છે. આમ ઍક્ટની કલમ ૧૭૩ પ્રમાણે કલેક્ટરને સત્તા આપેલી છે કે મ્યુનિસિપાલિટીનું કાંઈ પણ કામ ચાલતું હોય ત્યાં જઈને તેનું નિરીક્ષણ તે કરી શકે. હવે દાખલા તરીકે ધારો કે જનરલ બોર્ડના ઠરાવથી વૉટરવર્ક્સના કંપાઉન્ડમાં દાખલ થતાં અને તેનું નિરીક્ષણ કરતાં કલેક્ટરને રોકવામાં આવ્યા, તો શું વૉટરવર્ક્સ ઉપર કરવામાં આવતું તમામ ખર્ચ મ્યુનિસિપલ ફંડનો ખોટી રીતે કરેલો ઉપયોગ (misapplication) ગણાશે? તે જ રીતે શાળાઓ ઉપર અંકુશ રાખવાના જે નિયમો ઘડેલા છે તેમાં બીજા નંબરનો નિયમ કહે છે કે મ્યુનિસિપલ શિક્ષકોને ઠરાવેલા દર પ્રમાણે પગાર આપવા જોઈએ. હવે નાણાંની તંગીને લીધે કોઈ મ્યુનિસિપાલિટી પોતાના શિક્ષકોને ઠરાવેલા દર કરતાં ઓછો પગાર આપી શકે - અને એવું તો ઘણીયે મ્યુનિસિપાલિટીઓમાં બને છે એ સૌ જાણે છે — તો શું તેના કાઉન્સિલર ફંડના ગેરઉપયોગ માટે જવાબદાર ગણાશે ? બીજો દાખલો લઈએ. ગુજરાતી શિક્ષકો માટેના ધારાના

પહેલા પ્રકરણના ચોથા નિયમ પ્રમાણે શિક્ષકોની એ જોવાની ફરજ છે કે શાળામાં વિદ્યાથીઓ ચોખ્ખાં કપડાં પહેરીને અને ચોખ્ખાં બદન રાખીને આવે. પાંચમા નિયમમાં જણાવ્યું છે કે શાળાનું મકાન અને કંપાઉન્ડ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે હેડમાસ્તર જવાબદાર છે. પાંચમા પ્રકરણના આઠમા નિયમમાં લખેલું છે કે વર્ગના ઓરડામાં હેડમાસ્તરની સહી સાથેનું ટાઈમટેબલ ટિંગાડેલું હોવું જોઈએ. એવી દલીલ કરી શકાય ખરી કે ગુજરાતી માસ્તર માટેનો ધારો, જેનો સ્પષ્ટ ઉલ્લેખ અંકુશો માટેના નિયમોમાંના બીજા નંબરના નિયમમાં કરવામાં આવ્યો છે, તેના કોઈ નિયમનો ભંગ કરવાથી પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં અને નિભાવવામાં કરેલું ખર્ચ એ ફંડનો ગેરઉપયોગ ગણાય ? આમ જોતાં, વિદ્વાન સરકારી વકીલે જોસપૂર્વક જે દલીલો કરી છે તેનો મથિતાર્થ આપણને બેહૂદી સ્થિતિએ લઈ જાય છે.

“પણ સરકારી વકીલે એવી દલીલ કરી છે કે કેળવણી ખાતાનો અંકુશ કાયમ રાખવા એ કાયદા પ્રમાણે જે પ્રાથમિક શિક્ષણ આપવાનું છે તેને માટે અનિવાર્ય છે, નહીં તો યોગ્ય પ્રકારનું શિક્ષણ અપાય તેની ખાતરી શી રહે ? એનો ટૂંકો જવાબ એટલો જ છે કે કહેવાતું અયોગ્ય શિક્ષણ અપાઈ ચૂક્યું તેમાં કહેવાતું ગેરકાયદે થયેલું ખર્ચ કાઉન્સિલરો પાસેથી વસૂલ કરવાનો આ દાવો માંડ્યો છે, એ ગેરકાયદે ખર્ચ થતું અટકાવવાનો આ દાવો નથી. . . . ટ્રસ્ટફંડને નુકસાન પહોંચે એવી રીતે કાયદાનો ભંગ થતા અટકાવવા માટેના ઉપાયો લેવા, અને જે નાણાં ખર્ચાઈ ચૂક્યાં છે — ભલે તે ખોટી રીતે ખર્ચાયેલાં કહેવાતાં હોય — તે વસૂલ કરવાના ઉપાયો લેવા, એ બેમાં બહુ તફાવત છે. મ્યુનિસિપલ કાઉન્સિલરોએ કાયદાની વિરુદ્ધ જઈ સરકારી અંકુશો ફગાવી દીધા તેથી તેમણે ટ્રસ્ટના નિયમોનો ભંગ કર્યો એમ કદાચ કહેવાય. પણ એ ભંગ થતા અટકાવવાનો ઉપાય તો મનાઈહુકમ મેળવવા માટે અરજી કરવી એ છે. જ્યારે ટ્રસ્ટના નિયમના ભંગથી ટ્રસ્ટફંડને નુકસાન પહોંચે ત્યારે જ ટ્રસ્ટીઓ અંગત રીતે જવાબદાર ગણાય છે. પ્રસ્તુત કેસમાં ટ્રસ્ટફંડને કશું નુકસાન પહોંચ્યું જ નથી. કારણ ફંડ કાયદેસર કામ માટે જ વપરાયું છે. એટલે કાઉન્સિલરોને અંગત રીતે જવાબદાર શી રીતે ગણવા એ મને સમજાતું જ નથી. . . . મને તો એમ લાગે છે કે મ્યુનિસિપલ ઍક્ટની ૫૮મી કલમની રૂએ અંકુશ રાખવાના જે નિચમો ઘડવામાં આવેલા છે તે માર્ગદર્શક છે, હુકમરૂપ નથી. મ્યુનિસિપાલિટી એ નિયમોનો ભંગ કરે એ જરૂર તેના અધિકાર બહારનું અને ગેરકાયદે ગણાય. તેમ છતાં મ્યુનિસિપાલિટીએ કરેલું ખર્ચ તેના અધિકાર અંદરનું છે અને ગેરકાયદે નથી.
“એટલે આ કેસને કોઈ પણ દૃષ્ટિએ જોઈએ, કલમની ભાષાની દૃષ્ટિએ જોઈએ અથવા તો મ્યુનિસિપલ ઍક્ટની સમગ્ર યોજનાની દૃષ્ટિએ જોઈએ, અથવા તો અમુક કૃત્ય અધિકાર બહારનાં ગણાય છે તેને લગતા સિદ્ધાંતની દૃષ્ટિએ જોઈએ અથવા તો ટ્રસ્ટના અને નાણાંના ગેરઉપયોગના નિયમોની દૃષ્ટિએ જોઈએ, મને તો લાગે છે કે વાદીએ ખોટો ઉપાય લીધો છે અને તેનો દાવો કાયદેસર રીતે ટકી શકે એમ નથી.
“તેથી આ દાવો કાઢી નાખવામાં આવે છે. તેણે પ્રતિવાદીઓનું ખર્ચ આપવું અને પોતાનું પોતે ભોગવી લેવું.”

કેસ બહુ રસાકસીવાળો હોઈ બન્ને પક્ષના વકીલોએ ખૂબ લંબાણથી દલીલ કરી હતી અને જજનું જજમેન્ટ પણ બહુ લાંબું હતું. મેં તો અતિશય ટૂંકાણમાં તેનો સાર જ ઉપર આપ્યો છે.

ડિસ્ટ્રિક્ટ જજે પોતાને ચુકાદો તા. ૧૪-૪–’૨૩ના રોજ આપ્યો. ત્યાર પછી આ કેસ વિષે તા. ૨૨-૪-’૨૩ના ‘નવજીવન’ માં સરદારે એક લેખ લખ્યો. તેમાં તેઓ કહે છે :

“. . . કાયદો અને વ્યવસ્થા (Law and order)ના નામથી અનેક પ્રકારની અનીતિ કરવાની સરકારને આદત પડેલી છે તે જ પ્રમાણે આ કામમાં કર્યું. જે ઓગણીસ સભાસદોએ કેળવણી ઉપર સરકારનો કાબુ દૂર કરવા લડત ઉઠાવેલી તેમની પાસેથી કેળવણીની પાછળ ‘ખોટી રીતે કરેલા’ ખર્ચની રકમ વસૂલ કરવા દાવો કર્યો. પ્રાથમિક કેળવણી પાછળ જે ઘટતો ખર્ચ કરવા મ્યુનિસિપાલિટી કાયદાથી બંધાયેલી છે તે ખર્ચ કરવા માટે તેના સભાસદો પાસેથી લાખ રૂપિયાના દાવા કરવાની સરકારની હિંમત ચાલે અને તે પણ સુધારાના રાજ્યમાં — જ્યારે સ્થાનિક સ્વરાજ્યનું ખાતું પ્રજાકીય પ્રધાનના હાથમાં સોંપવામાં આવ્યું છે ત્યારે —— તો સ્થાનિક સ્વરાજ્યના નામથી ચાલતા પાખંડનો વધુ પુરાવો શો જોઈએ ?
“અમદાવાદમાં સરકારની હાર થઈ. કોર્ટે સરકારનો દાવો રદ કર્યો અને પ્રતિવાદીનું ખર્ચ સરકારે આપવું એમ ઠરાવ્યું. આથી કેટલાકને આશ્ચર્ય થાય છે. અન્યાયથી ટેવાયેલી પ્રજાને કોઈ વખત ન્યાયની ઝાંખી થાય ત્યારે નવાઈ લાગે એ સ્વાભાવિક છે. પણ આવા ક્વચિત્ થતા ન્યાયથી પ્રજા છેતરાય છે. ખરું જોતાં તો આ કેસમાં ન્યાય મેળવવાનો પ્રયત્ન થોડો જ હતો. આવો ઉઘાડો અન્યાય માગવા આવવાની હિંમત તો સરકારની જ ચાલે, કારણ એને સત્તાની હૂંફ છે. સરકારી વકીલે આ કેસ જેમ બને તેમ વહેલો ચલાવવા કોર્ટને અરજીઓ કરેલી. વહેલો ફેંસલો થયે સરકારને તો કાંઈ મળે એમ નહોતું. પણ સરકાર કેસમાં અસાધારણ હિત લે છે એવી કોના ઉપર અસર પાડવાની અને તેથી જેટલો લાભ ઉઠાવી શકાય તેટલો ઉઠાવવાની આ એક સામાન્ય રીત થઈ પડેલી છે. સરકારની પાસે ન્યાયખાતું છે. તેના વડા અધિકારીને હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. સરકારી ધારાશાસ્ત્રીને પણ મોટા પગાર મળે છે. અને સરકારી વકીલ વગર આ રાજ્યમાં કોઈ કોર્ટ હોતી જ નથી. આટલી બધી કાયદાની મદદ છતાં સરકારની આ દાવો કરવાની હિંમત કેમ ચાલી હશે ? આ દાવામાં થયેલ ખર્ચ અને પ્રતિવાદીને જે આપવો પડશે એ બધો ખર્ચ નાણાંનો સદુપયોગ ગણાશે કે દુરુપયોગ {misapplication) ગણાશે ? સરકારી વકીલને આ ઉઘાડો અન્યાયી દાવો ચલાવવા બદલ મોટી ફી મળવાની છે એ પણ નાણાંનો સદુપયોગ ગણાશે કે ? નાણાંનો આવો સદુપયોગ કરનારી શાહુકારી ટોળી, પેાતાના પૈસા પોતાનાં બાળકોની કેળવણીની પાછળ ખર્ચનારને પૈસાનો દુરુપયોગ કરનાર ઠરાવવાનો દાવો કરે એવું પાખંડ તો આ રાજ્યમાં જ ચાલે. જો સ્થાનિક રવરાજ્યનું ખાતું પ્રધાનના હાથમાં ન હોત તો આટલી હિંમત તો ન જ ચાલત.
“અમદાવાદમાં કર ભરનારાઓમાંથી કોઈને પોતાનાં નાણાંનો દુરુપયોગ કે ગેરવહીવટ થતો લાગતો નથી. કર ભરનારાઓનો દાવો કરવાની સત્તા છે પણ કોઈ દાવો કરતું નથી. પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાની સંમતિથી જ ખર્ચ કરેલો અને સરકાર સામે લડત ઉપાડેલી એ વાતની સરકારને ચોક્કસ ખબર હતી. છતાં સરકારને કર ભરનારાઓના હિતની ખાતર આ દાવો કરવાનો ખોટો ઢોંગ કરવાની કેમ જરૂર પડી એ કોઈનાથી સમજાયું નહીંં જ હોય.”

આટઆટલા ડિસ્ટ્રિક્ટ જજના અને લોકોના ઠોક પડ્યા છતાં સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાં એની અપીલ ખર્ચ સાથે કાઢી નાખવામાં આવી.