સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ગાંધીજીની ગિરફતારી પછી

વિકિસ્રોતમાંથી
← લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ગાંધીજીની ગિરફતારી પછી
નરહરિ પરીખ
નાગપુર ઝંડા સત્યાગ્રહ →


.

૨૦

ગાંધીજીની ગિરફ્તારી પછી

ગાંધીજીને જેલમાં વિદાય કરીને આવ્યા પછી સૌ સાથીઓને હૃદયમાં જાણે સૂનકાર લાગવા માંડ્યો. છેલ્લા દોઢ વરસમાં ગાંધીજીએ એક પછી એક ઉપરાઉપરી એટલા કાર્યક્રમો આપ્યા હતા અને એ બધા કાર્યક્રમો એવા ગરમાગરમ હતા કે રાતદિવસ કામમાં મંડ્યા રહ્યા છતાં તેની ખુમારીમાં કોઈને થાક જેવું તો વર્તાયું જ નહોતું. જેલ જતી વખતે ગાંધીજી તો કહેતા જ ગયા હતા કે, ‘મારા હાથમાં ખાદી મૂકો અને મારી પાસેથી સ્વરાજ લો.’ પણ સરકારને લડત આપવાની ગરમીમાં રેંટિયો ચલાવવો એક વાત હતી અને તદ્દન ઠંડા વાતાવરણમાં રેંટિયો ચલાવવો એ જુદી વાત હતી. સરદાર ઉપર બોજ સૌથી વધારે હતો. ગાંધીજી બહાર હતા ત્યારે સરદાર કામ ઓછું નહોતા કરતા, પણ તેઓ પૂરેપૂરા નિશ્ચિંત રહી શકતા. હવે તો જુદી જુદી પ્રકૃતિના બધા સાથીઓને સાચવવાના હતા. દરેકને તેની તેની યોગ્યતા પ્રમાણે કામ આપવાનું હતું, લોકોનો ઉત્સાહ ટકાવી રાખવાનો હતો અને ભલે સરકારે ગાંધીજીને છ વરસની સજા કરી પણ સજાની મુદત પૂરી થયા પહેલાં તેમને છોડાવી શકાય એવું વાતાવરણ પેદા કરવાનું હતું. સરદારની ગણના હજી મોટા નેતાઓમાં નહોતી થતી પણ તે વખતેય તે ગુજરાતના સૂબા તો કહેવાતા અને બીજા પ્રાંતો ગાંધીજીની ગેરહાજરીમાં ગાંધીજીને રસ્તે ચાલે કે નહીં, પણ ગુજરાત તો ગાંધીજીએ આપેલા કાર્યક્રમને વળગી જ રહે, રચનાત્મક કાર્યની જેટલી સંસ્થાઓ ચાલતી હતી તે એટલા જ જોસભેર ચાલતી રહે, અને પ્રસંગ આવ્યે ગાંધીજીની ગેરહાજરીમાં પણ ગુજરાત સવિનય ભંગની લડત લડી બતાવે એ તેમની અભિલાષા હતી. ગાંધીજી જેલમાં રહ્યા તે દરમિયાન કેવી કેવી મુસીબતો ઊભી થઈ અને તેમાંથી માર્ગ કાઢી ગુજરાતના ઉત્સાહનો પારો તેમણે કેવો ચઢતો રાખ્યો તે હવેની તેમની કારકિર્દીમાંથી આપણે જોઈશું.

સરદારને પોતાના મનમાં જવાબદારીનો બોજ ગમે તેટલો ભારે લાગ્યો હશે પણ ધીરવીર નાયકની માફક જરાયે ગભરાયા વિના તે બોજ હળવા ફૂલની માફક તેમણે ઉપાડી બતાવ્યો. ગાંધીજીની ગિરફતારીને બીજે જ દિવસે તેમણે ગુજરાતનાં ભાઈબહેનોને ઉદ્દેશીને નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“બ્રિટિશ સિંહને આજ સુધીમાં હિંદુસ્તાને અનેક શિકારનો ભોગ ધરાવ્યો છે. પણ આવો પવિત્ર શિકાર મળવાનું ભાગ્ય તો એને માટે આ પહેલું જ છે. એ જીરવવો કંઈ સહેલો નથી. સને ૧૯૧૯ના એપ્રિલમાં અગાઉ એક વાર તેણે આ શિકારને સારુ પેાતાનો પંજો નાખેલો, પણ જેવો નાખ્યો તેવો જ છોડી દેવો પડેલો. આ વખતે તો આપણે સિંહને સારી પેઠે છંછેડેલો છે. તેની આંખો ગુસ્સાથી વિકરાળ છે. કેટલાક દિવસ થયાં તે પોતાની કેશવાળી ફફડાવી રહેલ છે. પરંતુ હિંદુસ્તાનના ઋષિમુનિઓએ પોતાના તપોબળથી સેંકડો વિકરાળ સિંહોને ઘેટાંથી પણ ગરીબ બનાવી મૂક્યા છે. તે જ પ્રમાણે આ સિંહ પણ વહેલા મોડો આ

મહાપુરુષના તપેાબળ આગળ બકરી બની રહેવાનો છે એ વિશે શંકા નથી.

“ગુજરાતને માથે ભારે જબાબદારી છે. ગુજરાતની પરીક્ષાનો વખત હવે શરૂ થયો છે. અત્યારે આપણો ધર્મ શો છે એ ગાંધીજીએ પોતે ચોખ્ખે ચોખ્ખી રીતે બતાવી દીધું છે. એમના પ્રત્યેની આપણી લાગણી બતાવી આપવાનો ખરો રસ્તો એમના નામની ‘જે’ બોલાવવાનું કે એમનાં દર્શનને માટે દોડાદોડ કરવાનો નહીં, પણ એમણે દોરી આપેલા ચતુર્વિધ પ્રજાકીય કાર્યક્રમને પાર ઉતારવામાં સૌએ પરોવાઈ જવાનો છે.
“આખું હિંદુસ્તાન એમને ભલે ઝટ ન સમજી શકે, પણ ગુજરાત કે જ્યાં એમણે પોતાનું જીવન પ્રત્યક્ષ રેડ્યું છે તેણે તેના એમના કાચસમા પારદર્શક હૃદયના ઉદ્દગાર પડ્યા પહેલાં ઝીલી લેવા ઘટે અને તે પાર ઉતારવાની પોતાની લાયકાત સિદ્ધ કરી આપવી ઘટે.”

ગાંધીજીને સજા થયા પછી ‘નવજીવન’ માં તેમણે ‘શ્રદ્ધાની કસોટી’ નામનો લેખ લખ્યો. તેમાં ગાંધીજીના સાથીઓ શું કરી શકે એમ છે તે બહુ સુંદર રીતે વર્ણવ્યું છે:

“કેટલાક કહે છે કે, ‘ગાંધીજી ગયા, હવે એના સાથીઓ શું કરશે ? એમનામાં કોઈ એવી ચારિત્ર્યવાન કે શક્તિમાન વ્યક્તિ નથી કે એમનું વહાણ આગળ ચલાવી શકે.’ આ વાત તદ્દન સાચી છે. એમના સાથીઓ ભૂલથી ભરેલા છે. એમની અને એમના સાથીઓની વચ્ચે ધરતી અને આભ જેવડું અંતર છે. એમના સાથીઓની ત્રુટિઓનો પાર નથી, અને એ સાથીઓની અપૂર્ણતાને પરિણામે જ ગાંધીજીને કારાગ્રહવાસ કરવો પડ્યો છે. સાથીઓની વાણીમાં મીઠાશ નથી, સંયમ અને સહનશીલતાની ખામી છે. એવી એવી અનેક ખામીઓનું તેમને દરેકને પૂરેપૂરું ભાન છે. પરંતુ એક ઇમારત ચણનાર કડિયો જેમ તેના પ્લાન બનાવનાર ઇજનેરના જેટલી શક્તિ પોતામાં હોવાનો દાવો કરતો નથી, છતાં તે પ્લાન પ્રમાણે ઇમારત પૂરી કરવામાં મુશ્કેલી જોતો નથી, તેમ ગાંધીજીના સાથીઓ જે તેમનો ઘડેલો સ્વરાજની ઇમારતનો પ્લાન બરાબર સમજી ગયા હશે તો તે પ્લાન મુજબ ઇમારતનું કામ આગળ ચલાવતાં મુંઝાશે નહીંં.
“છતાં એમની મુશ્કેલીઓનો પાર નથી, એમની ત્રુટિઓ ઢાંકનાર હવે કોઈ રહ્યું નહીં. તોપણ પ્રજાનો ગાંધીજી ઉપરનો પ્રેમ અને એમના જેલ

જવાથી પ્રજાનાં દુભાયેલાં દિલ અને સ્વરાજની જાગ્રત થયેલી ભાવના, એ એમની મોટામાં મોટી મૂડી છે. ગાંધીજીની અહિંસાવૃત્તિ, એમનો પ્રેમ, એમની મમતા, એમનું સ્વરાજ માટેનું રટણ અને એમનો અથાગ પરિશ્રમ નજર સામે રાખી જો તેઓ દિનરાત શ્રમ કરશે અને ગાંધીજીએ દોરી આપેલો સ્વરાજનો ચતુર્વિધ કાર્યક્રમ પાર ઉતારશે તો તેઓ પોતાની બધી ત્રુટિઓ ઓળંગીને ગાંધીજીના નામને અને પોતાની વફાદારીને દીપાવશે એમાં સંદેહ નથી.”

સરદારની આ વાણીએ સાથીઓને ઉત્સાહિત રાખ્યા અને તેમની દોરવણીએ ગુજરાતને સીધા રાહ પર રાખ્યું. પણ કેટલાક પ્રાંતોમાં તો મૂળથી જ ગાંધીજીના કાર્યક્રમ ઉપર શ્રદ્ધા નહોતી, એટલે થોડી જ વારમાં કૉંગ્રેસની વીણામાંથી બેસૂરા સૂર નીકળવા માંડ્યા. અસહકારની હિલચાલ શરૂ થઈ તે દિવસથી જ તેને વિષે મહારાષ્ટ્રના આગેવાનોમાં કચવાટ હતો. ખાસ કરીને ધારાસભાઓનો બહિષ્કાર તેમને ગમતો નહોતો. નવા સુધારા અમલમાં આવતાં ધારાસભામાં જવાની પોતાની ઘણાં વર્ષોની મુરાદ પૂરી થશે એવી એ નેતાઓએ આશા બાંધેલી. પણ ગાંધીજીનો અસહકાર આડે આવ્યો અને તેમની મુરાદ મનમાં રહી ગઈ. ધારાસભામાં ગયેલા નરમ પક્ષના નેતાઓએ જ્યારે સરકારની દમનનીતિને સીધો કે આડકતરો ટેકો આપવા માંડ્યો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમે ધારાસભામાં ગયા હોત તો આવું થવા દેત નહીં. અમે સામા થાત, વાંધા ઉઠાવત અને તેમાં સફળ ન થાત તો પણ સરકારને દુનિયા આગળ ઉઘાડી તો પાડત જ. એટલે એપ્રિલ મહિનામાં પુણે મુકામે મહારાષ્ટ્રની બીજી રાજકીય પરિષદ મળી તેમાં કૉગ્રેસના કાર્યક્રમમાં કેટલાક સુધારા સૂચવતો ઠરાવ શ્રી કેળકર લાવ્યા. એ ઠરાવ તો જોકે બહુમતીથી ઊડી ગયો કારણ લોકહૃદય ગાંધીજીને છોડી શકે એમ ન હતું. પણ અસહકારનો કાર્યક્રમ ફરી તપાસવાને એક સમિતિ નીમવાનો ઠરાવ તો પસાર કરાવી શક્યા. નાગપુરની પ્રાંતિક સમિતિએ અહિંસામય અસહકારનો ફરી વિચાર કરવા એક પેટા સમિતિ નીમી. તે તો એટલું કહેવાની હદ સુધી ગઈ કે અહિંસા અને આપભોગના સિદ્ધાંત ઉપર જ બધો ભાર મૂકવામાં તેમ જ રાષ્ટ્રકામમાં દખલરૂપ થઈ પડે એટલી હદ સુધી નીતિ અને ધર્મના પાયા ઉપર રાજદ્વારી લડત લડવાની હિમાયત કરવામાં કૉંગ્રેસની આટલા દિવસ ચોખ્ખી દિશાભૂલ જ થઈ છે. જોકે આમજનતાનું કાળજું એટલું સાબૂત હતું કે જે દિવસે પેલી સમિતિનો આ અભિપ્રાય બહાર પડ્યો તે જ દિવસે નાગપુરમાં મોટી જાહેરસભા થઈ અને તેમાં એ અભિપ્રાયને વખોડી કાઢવામાં આવ્યો. બંગાળનું વાતાવરણ પણ કાંઈક ડહોળાવા માંડ્યું હતું. દેશબંધુ દાસનાં પત્ની શ્રીમતી વાસંતીદેવીએ બંગાળની રાજકીય પરિષદમાં પોતાના ભાષણમાં જોકે અસહકારના આખા કાર્યક્રમની જોસભેર હિમાયત કરી છતાં તેની સાથે એ પણ જણાવ્યું કે જરૂર જણાય તો ધારાસભાઓમાં પણ જઈને પ્રજાકીય લડત ધપાવવી જોઈએ. આમ આગળ ઉપર કૉંગ્રેસમાં નાફેરવાદી અને ફેરવાદી એવા બે પક્ષ બંધાવાના હતા તેનાં પગરણ ગાંધીજી જેલમાં ગયા એના બીજા જ મહિનાથી મંડાયાં.

ત્યાર બાદ તા. ૨૫ તથા ૨૬ મેના રોજ આણંદ મુકામે છઠ્ઠી ગુજરાત રાજકીય પરિષદ પૂ. કસ્તૂરબાના પ્રમુખપણા નીચે ભરાઈ. તેમાં રચનાત્મક કામને વેગ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ધારાસભા અંગે દેશમાં ચર્ચા ચાલવા માંડી હતી એટલે તે સંબંધી નીચેનો ઠરાવ પરિષદે સર્વાનુમતે પસાર કર્યો :

“ધારાસભાના બહિષ્કાર વિરુદ્ધ જે ચર્ચા દેશના કેટલાક ભાગમાં ચાલી રહી છે તે ઉપર પૂરતું વજન આપી તથા સંપૂર્ણ વિચાર કરી આ પરિષદ એવો ઠરાવ કરે છે કે ધારાસભામાં દાખલ થઈ રાજ્યવહીવટમાં ભાગ લેવો એ અસહકારના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે અને છેલ્લા અઢાર માસનો અનુભવ પણ બહિષ્કારના ઠરાવને વળગી રહેવામાં જ પ્રજાનું હિત છે એમ સ્પષ્ટ દેખાડી આપે છે.”

પૂ. બાએ પોતાના ઉપસંહારના ભાષણમાં આ વિષે કહ્યું :

“કેટલાક ધારે છે કે ધારાસભામાં જવાથી ફતેહ મળશે. તો શું આજ સુધી તમે ધારાસભામાં નહોતા ગયા ? ત્યાં જઈને કાંઈ ઠરાવો કરવાનું તો તમારા હાથમાં નથી, તો ત્યાં જઈ ને શું કરશો ? કાયદાનો ભંગ કરવાની કેટલાક વાતો કરે છે, પણ આપણામાં એટલી તૈયારી છે ? જો આપણામાં તૈયારી હોત તો આપણા આટલા બધા ભાઈઓ જેલમાં છે તે જ વખતે વરઘોડા ન કાઢત, વિદેશી કપડાં પહેરીને લગ્ન ન કરત. અમદાવાદમાં તો બહુ વરધોડા નીકળ્યા. જોકે અમદાવાદના લોકોએ તો ઘણું કર્યું છે. રેંટિયો એક પણ નહતો, ત્યાં ધણા રેંટિયા દાખલ કર્યા, ખાદી બનાવી અને બીજું ઘણું કામ કર્યું. પણ તે સાથે પરદેશી કપડાં પહેરીને કાઢેલા વરઘોડા પણ સરકારને બતાવ્યા. એના ફોટા વિલાયત ગયા, ગાંધી શું કહે છે અને એના ભાઈઓ અને બહેનો શું કરી રહ્યાં છે, તે જુઓ !”

એટલામાં સુરતના સિંહ ગણાતા શ્રી દયાળભાઈ પાસે રાજદ્રોહી ભાષણ કરવા માટે એક હજાર રૂપિયાના જામીન માગવામાં આવ્યા. તેમણે સ્વાભાવિક રીતે જ જામીન ન આપ્યા એટલે તેમને એક વરસની સજા થઈ. ગાંધીજીના જેલ ગયા પછી ‘યંગ ઈન્ડિયા’ના તંત્રી શ્રી સ્વેબ કુરેશી થયા હતા. તેમના ઉપર રાજદ્રોહી લેખ લખવા બદલ કેસ કરવામાં આવ્યો અને તેમની સાથે તેના પ્રકાશક તરીકે શ્રી વાલજીભાઈ દેસાઈને, મુદ્રક તરીકે શ્રી ભણસાળીને અને છાપખાનાના વહીવટદાર તરીકે સ્વામી આનંદને પકડવામાં આવ્યા અને ચારેને એક એક વરસની સજા થઈ.

જૂન મહિનામાં લખનૌમાં મહાસમિતિની બેઠક થઈ. તેમાં ચર્ચા થઈ તે ઉપરથી દેખાઈ આવ્યું કે મહાસમિતિના મોટા ભાગના સભ્યો સત્યાગ્રહની લડતનું ખરું રહસ્ય સમજ્યા નહોતા. રચનાત્મક કામ થાય કે ન થાય, સવિનય ભંગ શરૂ કરવાની અધીરાઈ તેઓ બતાવી રહ્યા હતા. પોતાને શાંત રચનાત્મક કામમાં રસ નહોતો એ વસ્તુ ઢાંકવાને માટે પ્રજા રચનાત્મક કામ માટે ઉત્સાહ નથી ધરાવતી એવી દલીલ તેઓ કરતા હતા અને સવિનય ભંગ ઉપાડવામાં આવે તો લોકોમાં ઉત્તેજના આવે એમ કહેતા હતા. છેવટે શ્રી વિઠ્ઠલભાઇની સૂચનાથી એક સમિતિ નીમવામાં આવી, જેણે દેશમાં ફરીને દેશની પરિસ્થિતિ જોઈને કોઈ પણ પ્રકારના સવિનય ભંગ માટે દેશની તૈયારી કેટલી છે એ વિષે રિપોર્ટ કરવાનો હતો. આ સમિતિ ઓળખાઈ ‘સવિનય ભંગ સમિતિ’ને નામે, પણ દેશમાં તે જ્યાં ફરી ત્યાં તેને નિમિત્તે ધારાસભા પ્રવેશની ચર્ચા જ વધારે થઈ. આ બધા વિચારવંટોળમાંથી ગુજરાતને બચાવવા અને તેને ચોક્કસ દોરવણી આપવા જુલાઈ માસમાં સરદારે ‘સિપાઈની ફરજ' એ નામનો લેખ લખીને સવિનય ભંગ સમિતિનો રિપોર્ટ બહાર પડે ત્યાં સુધી બીજી કોઈ પણ ચર્ચા કર્યા વિના રચનાત્મક કામમાં જ મચ્યા રહેવાની ગુજરાતને સલાહ આપી.

આ વખતે ગુજરાતમાં રાષ્ટ્રીય કેળવણીનું કામ બીજા પ્રાંતના પ્રમાણમાં વિશેષ સંગીન થતું હતું. ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તાલીમ લેતા હતા. ગુજરાતનાં સઘળાં વિનય મંદિર તથા કુમાર મંદિરમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ ૩૭,૦૦૦ જેટલી હતી. વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરના તથા મહાવિદ્યાલયના પુસ્તકાલયમાં ૭૫,૦૦૦ ઉપરાંત પુસ્તકો હતાં. આ બધું છતાં વિદ્યાપીઠનું પોતાનું મકાન ન હતું, તેથી ભારે અડચણ પડતી હતી. એટલે ત્યાર પછીની ગાંધીજીની જયંતી એટલે બીજી ઓક્ટોબર પહેલાં વિદ્યાપીઠના ફાળામાં રૂપિયા દસ લાખ કરી દેવાની ગુજરાતમાં તથા ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ આગળ સરદારે ટહેલ નાખી. આખા દેશને સ્વરાજ્ય અપાવવા સામુદાયિક સવિનય ભંગનું બીડું ઝડપનાર ગુજરાત માટે આટલું કામ તો સહજ હોવું જોઇએ, એમ કહેતાં તેઓએ કહ્યું :

“આપણી પાસે આપણી ભક્તિની બહુ જ હળવી કસોટી મુકાયેલી છે. આકરી કસોટીમાં માણસ નિષ્ફળ નીવડે તો પણ તેને તે એટલું લાંછન જેવું નથી હોતું. તેવી આકરી કસોટીમાં તે ઊતર્યો એ જ એને માટે પૂરતું ગૌરવ આપનારું છે. પણ કસોટી જેમ હળવી તેમ તેમાં નિષ્ફળતા આવે તો વધારે નીચું જોવાપણું રહે છે. સાતમા ધોરણવાળા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણની પરીક્ષામાં બેસીને તો પહેલે નંબરે જ પાસ થવું જોઈએ. તે નાપાસ થાય તો તે તેણે ડૂબી જ મરવું પડે. નીચે નંબરે પાસ થાય તો નિશાળમાંથી શરમના માર્યા રજા જ લઈ લેવામાં તેની ઇજ્જત છે.

“આપણે આ લડતમાં સાતમીના વિદ્યાર્થી છીએ. આપણે બારડોલીના સવિનય ભંગની લડત ઉપાડવા તૈયાર થયા હતા. આપણે માટે આખા ગુજરાતમાંથી દસ લાખ એકઠા કરવા એ ત્રીજીની પરીક્ષા જેવું જ છે. પરીક્ષા હળવી છે, પણ હળવી છે માટે જ આપણે તેમાં પાસ થવું જોઈએ, અને તે પણ ઊંચે નંબરે.”

ગુજરાતીઓએ આ અપીલનો સારો જવાબ આપ્યો. બરાબર બીજી ઑક્ટોબરે ફાળામાં દસ લાખ રૂપિયા પૂરા થઈ ગયા. આ ફાળો ઉઘરાવવામાં શ્રી મણિલાલ કોઠારીએ બહુ ભારે મદદ કરીને રાષ્ટ્રભિક્ષુની ઉપાધિ મેળવી. મુંબઈનાં કેટલાંક ધિરાણો બાકી હતાં ત્યાં સુધી રકમ અધૂરી હતી, પણ છેલ્લે દિવસે અમદાવાદમાંથી એક પોણા લાખનું મોટું દાન મળ્યું એટલે સરદારની અથવા ગુજરાતની ટેક જળવાઈ. આ દસ લાખમાં ચોથા હિસ્સાની, એટલે રૂપિયા અઢી લાખની સખાવત ગાંધીજીના પરમ મિત્ર રંગૂનવાળા ડો. પ્રાણજીવનદાસ મહેતાની હતી. એ રકમમાંથી ગૂજરાત વિદ્યાપીઠનું હાલનું મકાન બંધાયું છે.

વિદ્યાપીઠ ફાળાનું કામ પૂરું કરીને સરદારે તરત જ ગુજરાતને માટે બીજું કામ કાઢ્યું. પરદેશી કાપડ ઉપર આખા ગુજરાતમાં ચોકી કરવાનું કામ ઉપાડવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસે તા. ૧૬-૧૦-’રરની બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યો :

“૧. ગુજરાતમાં પરદેશી કાપડ ઉપર ચોકી કરવાની જરૂર છે.
“૨. ચોકી કરવા ઇચ્છનાર સ્વયંસેવકે નીચે મુજબના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈએ
“‘સ્વયંસેવક સેનામાં જોડાઉં તે પહેલાં આ કામને માટે નિમાયેલી સમિતિને હું પુરવાર કરી આપીશ કે મારા કુટુંબની અંદર જેમના ઉપર હું કંઈ પણ અસર પાડી શકું તેવી સ્થિતિમાં હોઉં તેમની પાસેથી પરદેશી કાપડનો મેં સંપૂર્ણ ત્યાગ કરાવ્યો છે.”
“૩. સ્વયંસેવકની ઉંમર અઢારથી ઓછી હોવી જોઈએ નહીં.”

સ્વયંસેવકો માટે અપીલ કરતાં સરદારે કહ્યું કે :

“ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે, પણ ગુજરાતને કામદારોની એટલે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરી દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ. ગુજરાત કાઠિયાવાડના સાચી દેશદાઝવાળા નવજવાનોએ ગાંધીજી જેલમાંથી છૂટે ત્યાં સુધી ફક્ત દેશસેવા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગુજરાતની લાજ રાખવી હોય તે આળસ છોડો. નહી તો કાળ જશે ને કહેવત રહી જશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા.”

તેમણે પરદેશી કાપડના વેપારીઓને પણ અપીલ કરી કે:

“ગુજરાતના કાર્યવાહકો ગુજરાતની અન્ય સેવાનું કામ છોડી તમારી દુકાનો ઉપર પહેરો ભરે એ શું તમે પસંદ કરશો ?
“મહાત્માજી જેલમાં છે ત્યાં સુધી પરદેશી કાપડનો વેપાર બંધ કરવા જેટલી હિંમત હજી પણ તમે નહીં કરો ? જો તમે પહેલ કરશો તો સંભવ છે કે આખો દેશ તમારું અનુકરણ કરશે અને મહાત્માજી જેલમાંથી વહેલા છૂટશે.”

ચોકીનું કામ ખૂબ જ શાંતિ અને વિનયપૂર્વક કરવામાં આવે તે માટે સ્વદેશી સેનાના નિયમોની પત્રિકા પોતાની સહીથી છપાવીને બહાર પાડી. તેમાં કાપડ ખરીદવા આવતા ઘરાકોને વિનયથી અને આજીજીથી સમજાવવા, કાપડની દુકાન નજીક ઉપદેશ કરવાને બદલે રસ્તાને નાકે ઊભા રહી અથવા પાસેના ઘરવાળાની સહાનુભૂતિ મેળવી તેના ઓટલા ઉપર બેસી લોકોને સમજાવવા અને જાહેર રસ્તા ઉપર ભીડ ન થાય તેની કાળજી રાખવી એવી સૂચનાઓ હતી. વળી પોલીસ નામ પૂછે તો કશી ચર્ચા કર્યા વિના નામઠામ આપવું અને પકડવા ઈચ્છે તે પકડાઈ જવું એ પણ જણાવ્યું હતું. સૌથી મહત્ત્વની સૂચના તો એ હતી કે બીજાઓ તરફથી ગમે તેટલું તોફાન થાય તો પણ સ્વયંસેવકે શાંતિ જાળવવી અને કદાચ તેને મારપીટ થાય તો પણ તે શાંતિથી સહન કરવી. ગમે તેટલા ચીડવવામાં કે ઉશ્કેરવામાં આવે તો પણ કોઈ સ્વયંસેવકે ગુસ્સો કરવો નહીં કે મારપીટ કરવી નહીં.

તા. ૧લી ડિસેમ્બરે અમદાવાદમાંથી ચોકીની મંગળ શરૂઆત કરી. સવારે નગરકીર્તન રાખવામાં આવ્યું અને ત્યાર પછી તરત ખાદીવેચાણ કરવામાં આવ્યું. બપોરે ત્રણ વાગ્યે સરદાર, અબ્બાસ સાહેબ તથા ડૉ. કાનુગા હાથમાં ચોકીનાં પાટિયાં લઈને બજારમાં આવ્યા. તેમની પાછળ સ્વયંસેવકોની લાંબી હાર હતી. શ્રીમતી વિજયાલક્ષ્મી કાનુગાની સરદારી નીચે શહેરની અને આશ્રમની બહેનોએ રતનપોળના ખાસ સ્ત્રીઓના કાપડ બજારને ઘેરો ઘાલ્યો. કેટલાક કાપડિયા ખૂબ શરમાયા. ઘરાકો ઉપર પણ અસર થઈ. પછી તો આખા ગુજરાતમાં ગામેગામ ચોકી મંડાઈ ગઈ. કેટલાંક ગામોએ તો સ્વયંસેવકોની ભરતી ચાલતી હતી ત્યારથી જ પરદેશી કાપડ નહી મંગાવવાની સહીઓ કરી આપી. અમદાવાદનાં કાપડ મહાજનોમાંથી કોઈએ છ માસ સુધી, કોઈએ આઠ માસ સુધી અને કોઈ એ નવ માસ સુધી, પરદેશી કાપડ નહીં મંગાવવાની કબૂલાત આપી. સુરત અને નડિયાદનાં મહાજનોએ એક વરસ સુધી પરદેશી કાપડ નહીં મંગાવવાની સહી કરી આપી. સુરત અને ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાગામના કાપડિયાઓએ એક વરસ સુધી અથવા કૉંગ્રેસના કાર્યક્રમમાં ફેરફાર ન થાય ત્યાં સુધી પરદેશી કાપડ ન ખરીદવાની તથા નહીં વેચવાની પ્રતિજ્ઞાઓ કરી. જ્યાં આવી કબૂલાત મળતી હતી ત્યાંથી ચોકીઓ ઉઠાવી લેવામાં આવતી હતી.

વેપારીઓ પરદેશી કાપડ ન મંગાવવાની આવી ટૂંકી ટૂંકી મુદતની પ્રતિજ્ઞા લે તેનો શું અર્થ, એવી ટીકાઓ કૉંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ તેમ જ બીજા લોકો કરવા લાગ્યા. સરદારે આનો ખુલાસો અમદાવાદના માણેકચોકમાં થયેલી એક જાહેર સભામાં આપ્યો :

“ખરું જોતાં પરદેશી કાપડબહિષ્કારને સફળ કરવો એ લોકોનું એટલે કે આપણું કામ છે. આપણે પરદેશી કાપડ ખરીદ જ ન કરીએ તો વેપારીઓ કંઈ પરદેશી કાપડ લાવવાના નથી. . . . એમને અત્યારે તો પોતાનો વેપાર છોડવો એ પ્રાણ નીકળવા જેટલું કઠણ લાગે છે. તેમની ઉપર ગુસ્સો કરવો એ ફોગટ છે. તેમની નબળાઈનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. . . . મારે પોતાને આ કેટલાક દિવસ થયાં તેમનો જે અનુભવ છે તે પરથી તો હું તમને ખાતરી આપું છું કે જેટલી ગાળો આપણે કાપડિયા ભાઈઓને આપીએ છીએ, લુચ્ચા, પ્રપંચી, ચોર, ઠગ, વગેરે જે વિશેષણો તેમને માટે વાપરીએ છીએ, તે બધી ગાળો અને વિશેષણો તેમને માટે વાપરવા કરતાં આપણે પોતાને માટે વાપરીએ એ વધારે યોગ્ય છે. આપણે પોતે ગાંધીજીની ‘જે’ પોકારતા નહોતા ? આપણે કાંઈ લાખોનો વેપાર નહોતો, ઘરમાં સો બસોનાં પરદેશી કપડાં હોય તેટલાં જ બાળવાનાં હતાં. ઘરમાં એક બે છોકરાં હોય તેમને જ સરકારી શાળામાંથી ઉઠાડી લેવાનાં હતાં. આપણાં પોતાનાં જ બાળકો જે રાષ્ટ્રીય શાળામાં ભણે છે તે શાળાઓને નિભાવવાને થોડીક રકમ આપવાની હતી. આપણે એકે વાનું પૂરુંપાધરું કર્યું છે ? આપણે આપણો પોતાનો હિસાબ તપાસતા નથી, અને પારકાના હિસાબ કરવા જઈએ છીએ.
“અત્યારે આપણી ફરજ છે કે વેપારીઓને તેમની શુભ શરૂઆતમાં ઉત્તેજન આપવું, તેઓ નિરાશ થાય એવું કાંઈ ન બોલવું. એટલી વારમાં આપણે સૌ દેશી કાપડ ઉપર ચઢી જઈશું તો તેઓ પરદેશી કાપડ શું કામ લાવશે ?”

હજી રચનાત્મક કામ વિષે લોકો કેટલું ઓછું સમજ્યા હતા તેનો ખ્યાલ આપવા એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ અહીં નોંધવાની લાલચ છોડી શકતો નથી. નવેમ્બર મહિનામાં કાઠિયાવાડ રાજ્ય પરિષદ વઢવાણ મુકામે અબ્બાસ સાહેબના પ્રમુખપણા નીચે ભરાઈ. તેમાં અસ્પૃશ્યતાનિવારણનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. છતાં ગમતની વાત કરતાં એને આપણી શરમની વાત કહેવી જ વધારે યોગ્ય છે કે હરિજન — એમને એ નામ તે વખતે નહોતું મળ્યું, તેઓ અંત્યજો કહેવાતા — તેમને માટે બેસવાની પરિષદમાં એક અલગ અસ્પૃશ્ય જગ્યા રાખવામાં આવી હતી. એક સ્વયંસેવક ભાઈ અંત્યજ પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોને બીજાઓને ન અડવા અને તેમને માટે અલગ રાખેલા સ્થાને બેસવા સૂચનાઓ આપતા હતા. હરિજનો પણ ‘હા બાપુ હા’ કહીને તે સૂચનાનો અમલ કરતા સંકેચાઈને બેસતા હતા. સરદારના જોવામાં આ આવતાં જ તેઓ ઊઠીને હરિજનોની વચ્ચે જઈને બેઠા, દરબાર સાહેબ ગોપાળદાસ અને શ્રીમતી ભક્તિલક્ષ્મી પણ તેમને અનુસર્યા. અને હરિજનોની વચમાં સરદાર પાસે જઈને બેઠાં. પછી તો હરિજનો માટેનું અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સરદારે ત્યાંથી જ ઊભા થઈ પોતાનું ભાષણ કર્યું. આ ઘટના વિષે જરા પણ ઈશારો કર્યા વિના — ઈશારો શું કામ કરે ? એ વિષે તો એમનું મૌન જ વધારે અસરકારક હતું — કહ્યું કે :

“કાઠિયાવાડના જુવાન વર્ગમાં વિશેષ શક્તિ છે. જ્યાં જાય છે ત્યાં પોતાની શક્તિનો પરિચય કરાવ્યા વિના તેઓ રહેતા નથી. તેમનામાં દેશભક્તિનો જુસ્સો છે. તેમના હાથમાં અને વૃદ્ધોના અંકુશમાં આ પરિષદનું ભવિષ્ય ઊજળું છે એમ માનવાને હરક્ત નથી.”

આમ સૌને રીઝવીને, લોકોની મુસીબતની કદર કરીને અને તેમની નબળાઈઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને ગુજરાતને રચનાત્મક કામમાં આગળ ધપાવવાનો સરદાર પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ધારાસભા બહિષ્કારની બાબતમાં નેતાઓના મનમાં શંકાકુશંકાઓ પેદા થવાથી દેશનું વાતાવરણ ડહોળાવા માંડ્યું હતું. જૂન મહિનામાં પંડિત મોતીલાલજી છૂટીને બહાર આવ્યા અને ઑગસ્ટ મહિનામાં દેશબંધુ દાસ બહાર આવ્યા. આ વખતે લખનૌની મહાસમિતિએ નીમેલી સવિનય ભંગ સમિતિ દેશમાં તપાસ અર્થે ભ્રમણ કરી રહી હતી. તેના સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભાપ્રવેશને માટે લોકમત તૈયાર કરી રહ્યા હતા. પંડિત મોતીલાલજીને પણ આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. તેમનો ઝોક પણ ધીમે ધીમે ધારાસભા તરફ વળ્યો. દેશબંધુ દાસનો તો ૧૯૨૦ની કલકત્તા કૉંગ્રેસ વખતથી જ એ વિચાર હતો કે, ધારાસભાનો બહિષ્કાર કરવાને બદલે ધારાસભામાં જઈને તેના સારા નઠારા સધળા જ ઠરાવનો વિરોધ કરી તેનું કામ અશક્ય કરી નાખવું, એ યુક્તિ વધારે સારી છે. નાગપુરની કૉંગ્રેસમાં ગાંધીજીના સમજાવ્યાથી તેમણે પોતાના વિચારો બદલીને અસહકારના ઠરાવને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. પણ ૧૯૨૧ના ડિસેમ્બરમાં લૉર્ડ રીડિંગની રાઉન્ડ ટેબલની સૂચના સ્વીકારી લેવા જેલમાંથી તેમણે ગાંધીજીને સંદેશ મોકલેલો અને ગાંધીજીએ તે સૂચના અસ્વીકાર્ય ગણી. વળી ૧૯૨૨ના ફેબ્રુઆરીમાં લડત મોકૂફ રાખવાના ઠરાવ સામે પણ તેમણે જેલમાંથી જ વિરોધ દર્શાવેલો. છતાં ગાંધીજીએ દિલ્હીની મહાસમિતિ પાસે એ ઠરાવ પસાર કરાવ્યો ત્યારથી ગાંધીજીની કાર્યપદ્ધતિ વિષે તેમના મનમાં અસંતોષ થયો હતો. જેલમાંથી બહાર આવતાં જ પોતાનો જૂનો વિચાર તેમણે જાહેર કર્યો કે ધારાસભાઓની બહાર રહીને આપણે તેને તોડી શકીશું નહીં, પણ અંદર જઈ ને તોડવી જોઈએ. સવિનય ભંગ તપાસ સમિતિએ તા. પ-૧૧-’૨૨-ના રોજ પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો. દેશ મોટા પાયા ઉપરના સામુદાયિક સવિનય ભંગ માટે અત્યારે તૈયાર નથી એ અભિપ્રાયમાં બધા સભ્યો એકમત થયા. જોકે તેમણે વિશેષમાં જણાવ્યું કે દેશના કોઈક ભાગમાં અમુક એક કાયદો તોડવાની કે અમુક એક કર આપવામો ઈનકાર કરવાની જરૂર ઊભી થાય અને લોકોની તેને માટે તૈયારી હોય તો આવા મર્યાદિત સામુદાયિક સવિનય ભંગને પોતાની જવાબદારી ઉપર મંજૂરી આપવાની પ્રાંતિક સમિતિઓને સત્તા આપવી. ધારાસભાપ્રવેશ બાબત તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડ્યા. હકીમ સાહેબ અજમલખાનજી, પંડિત મોતીલાલજી અને શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભામાં જઈને તેના કામકાજમાં અડચણ નાખી તેને તોડવા પ્રયત્ન કરવાના મતના હતા અને ડૉ. અનસારી, શ્રી રાજાજી તથા શ્રી કસ્તૂરી રંગ આયંગર ધારાસભા બહિષ્કારના કૉંગ્રેસના કાર્યક્રમમાં કશો ફેરફાર ન કરવો એ મતના હતા. દેશબંધુ દાસ આ સમિતિના સભ્ય નહોતા. ગયા કૉંગ્રેસના વરાયેલા પ્રમુખ તરીકે તેઓ તટસ્થ રહે એવી અપેક્ષા રહે છતાં તેમણે જાહેર નિવેદન કાઢી ધારાસભા પ્રવેશની તરફેણમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો અને ત્યાં જઈને નિરપવાદ પ્રતિરોધ જ કરતા રહીએ તો તેમાં અસહકારના સિદ્ધાંતનો કશો ભંગ થતો નથી એવી દલીલ કરી. પછી તા. ૨૦-૧૧-’૨રના રોજ કલકત્તામાં કૉંગ્રેસ કારોબારી તથા મહાસમિતિની બેઠકો થઈ તેમાં આ રિપોર્ટ રજૂ થયો. કારોબારીમાં પાછા ધારાસભા પ્રવેશ અને તેની વિરુદ્ધમાં સરખા મત થયા. મહાસમિતિની બેઠકમાં પહેલે જ દિવસે સરદાર ઠરાવ લાવ્યા કે, તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ બહાર પાડતાં બહુ વાર લગાડી છે અને ગયાની કૉંગ્રેસ હવે પાસે આવી માટે રિપોર્ટ ઉપરનો નિર્ણય તેના પર છોડવો. છતાં ચાર દિવસ સુધી ચર્ચા કરીને છેવટે એ નિર્ણય જ મહાસમિતિને કરવો પડ્યો.

રાજાજીએ પોતાનો અંગત ખુલાસો બહાર પાડ્યો કે :

“મારી અંતરની માન્યતા છે કે જો કૉંગ્રેસ કોઈ પણ રૂપમાં ધારાસભા પ્રવેશનો સ્વીકાર કરે તો અસહકારનો અંત જ આવે. એકમતી કરવાની ખાતર મારાથી એ અંતરની માન્યતાને કેમ જતી કરી શકાય ? હકીમ સાહેબ અને પંડિતજીનો હું અનુયાયી બનું એનાથી મારું ધન્યભાગ્ય બીજું શું હોય ? પણ આ બાબત પરની મારી માન્યતા દાબી રાખવી ઉચિત છે એવું મારા અંતરાત્માનું હું સમાધાન ન કરી શક્યો.”

સરદારે આ વિષેના પોતાના વિચારો પોતાની જ ઢબે પ્રગટ કર્યા. તા. ૮મી ડિસેમ્બરથી સુરતમાં પરદેશી કાપડ ઉપર ચોકી શરૂ થવાની હતી. તે માટે તા. ૭મીએ ત્યાં જાહેર સભા રાખી હતી. તેમાં એક ભાઈ એ દુશ્મનના કિલ્લામાં પ્રવેશ કરી તેને સર કરવાની શ્રી વિઠ્ઠલભાઈની દલીલ વિષે સવાલ પૂછ્યો. સરદારે સમજાવ્યું કે :

“ધારાસભા પ્રવેશના હિમાયતી પટેલ સાહેબ જુબાની આપવા વિલાયત ગયા હતા એટલે ધારાસભાનું બંધારણ ઘડનારાઓ એમને એાળખે છે. પટેલ સાહેબ જેવા ગૃહસ્થો ધારાસભામાં આવશે જ તેનો ખ્યાલ રાખીને એમને પહોંચી વળવાના તેમણે રસ્તા રાખેલા છે. દુશ્મનનો કિલ્લો ધારાસભામાં છે જ નહીં. કિલ્લો તો બહાર સર કરવાનો પડેલો છે. બહાર સર નહીં કરો તો સેંકડો વર્ષ પણ ધારાસભા વિના આ તંત્ર ચાલી શકે એમ છે.”

ગયાની કૉંગ્રેસમાં ધારાસભાની વિરુદ્ધ અને તરફેણમાં મોટી ઝુંબેશ ચાલી. દેશબંધુ દાસે પોતાના પ્રમુખ તરીકેના ભાષણમાં કહ્યું :

“આ ધારાસભાઓ કાં તો સુધારવી કાં તો મિટાવવી જ રહી. અત્યાર સુધી આપણે ધારાસભાઓનો બહારથી બહિષ્કાર કર્યો છે. આપણે એ દિશામાં ઘણું કરી શક્યા છીએ. ધારાસભાઓની પ્રતિષ્ઠા ખૂબ ઘટી ગઈ છે. દેશ જાણી ગયો છે કે ત્યાંની ખુરસીઓ શોભાવનારા કાંઈ પ્રજાના પ્રતિનિધિઓ નથી. છતાં ધારાસભાઓ હસ્તીમાં તો છે જ, એટલે કૉંગ્રેસની ફરજ છે કે તેનો અંદરથી વધારે અસરકારક બહિષ્કાર તે કરે. ધારાસભાઓ એ નોકરશાહીએ પોતાનું સ્વરૂપ ઢાંકવા ખાતર ધારણ કરેલો વેષ છે. તેના ઉપરથી આ ઢાંકણ કાઢી નાખી તેને ઉઘાડી પાડવી એ આપણું કર્તવ્ય છે. બહિષ્કારના વિચારમાં જ માત્ર એનાથી દૂર રહેવા કરતાં કંઈક વિશેષ રહેલું છે. પરદેશી કાપડના બહિષ્કારનો અર્થ એ થાય છે કે આપણા બજારમાં પરદેશી કાપડ ન રહેવા પામે એવા ઉપાય યોજવા. તે જ પ્રમાણે ધારાસભાના બહિષ્કારનો અર્થ એ થાય છે કે આપણા સ્વરાજ્યમાં આડે આવવા આ ધારાસભાઓ રહી શકે નહીં. ધારાસભાનો બહિષ્કાર ફતેહમંદ થયો ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં એવા સુધારા આપણે કરાવી શકીએ કે જેથી સ્વરાજ્યપ્રાપ્તિમાં આપણને તે અનુકૂળ થઈ પડે અથવા તો તેનો આપણે પૂરેપૂરો નાશ કરી નાખીએ. ધારાસભાઓનો એ રીતે બહિષ્કાર કરવાની હું દેશને સલાહ આપું છું. . . .”
“લશ્કર દુશ્મનની ભૂમિમાં દાખલ થાય છે ત્યારે કાંઈ દુશ્મનનો તેણે સહકાર કર્યો ગણાતો નથી. તેમ આપણે નોકરશાહીના કિલ્લામાં દાખલ થવામાં તેની સાથે સહકાર નથી કરતા. કયા ઉદ્દેશથી આપણે દાખલ થઈએ છીએ તે ઉપર આ સવાલનો આધાર રહે છે.”

સરદારે ધારાસભા પ્રવેશનો વિરોધ કરતાં પોતાના ભાષણમાં જણાવ્યું :

“હું કાંઈ આગેવાન નથી. હું તો એક સિપાહી છું. હું ખેડૂતનો દીકરો છું અને જીભાજોરીથી સ્વરાજ મળે એમ માનતો નથી. લુચ્ચાઈમાં સરકારને આપણાથી પહોંચી શકાય એમ નથી. . . . આપણે જો ધારાસભાની ચળવળમાં પડીશું તો લોકો વધારે ઠંડા પડી જશે અને કૉંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેસશે. ધારાસભાની ચળવળ કૉંગ્રેસને વિનાશકારી થઈ પડશે. કૉંગ્રેસે અસહકાર પુકાર્યો ત્યાર પછી તેમાં ખેડૂતો ભળ્યા છે, મજૂરો દાખલ થયા છે અને સ્ત્રીઓ ભાગ લેવા લાગી છે. કારણ તેમને કામ કરવાનું અને ભાગ આપવાનું તેમાં ક્ષેત્ર છે. સુધારા થયા તે પહેલાં કેવા માણસો સાથે પોતાને કામ કરવાનું છે તે સરકાર જાણતી હતી. તેમની શક્તિને સરકાર ઓળખતી હતી એટલે તે પ્રમાણે જ સુધારા ઘડ્યા છે. ધારાસભાની આવી ચળવળ સો વર્ષ ચલાવો તોયે સ્વરાજ્ય મળનારું નથી.”

કેટલાક વક્તાઓએ પોતાના ભાષણમાં એવી દલીલ કરી હતી કે કાં તો સવિનય ભંગ આદરો, નહીં તો ધારાસભાઓમાં જઈ સરકારને હંફાવો; રચનાત્મક કામનો જાપ જપવાથી કશું વળવાનું નથી. તેનો જવાબ આપતાં રાજાજીએ જણાવ્યું :

“સરકારની હિંસા સામે બહાદુરીપૂર્વક કષ્ટો વેઠીને જ આપણે લડત જીતી શકીએ એમ છીએ. ધારાસભાના ઓરડા એ આપણું સમરાંગણ નથી. હિંદુસ્તાનનો વિશાળ પ્રદેશ આપણું સમરાંગણ છે. કષ્ટ ઉઠાવવાની આપણી તત્પરતા અને આપણી તાકાત એ આપણાં શસ્ત્રો છે. . . .
“ધારાસભામાં જવું એ કેવળ નકામું જ હોત તો પણ હું તેનો વિરોધ ન કરત, પણ ધારાસભાની ચળવળ તો આપણા કામમાં સીધું નુકસાન કરનારી છે. સવિનય ભંગ અથવા તો ધારાસભા પ્રવેશ એ વિકલ્પનો વિચાર આપણી નિર્બળતા સૂચવનાર છે. ધારાસભાથી રચનાત્મક કામમાં કશી મદદ નથી થવાની અને સવિનય ભંગમાં પણ કશી મદદ નથી થવાની. અત્યાર સુધી આ ચર્ચાઓ કર્યા કરવાને બદલે આપણે રચનાત્મક કામ વધારે જોસથી કર્યું હોત તો દેશ ક્યારનોચે સવિનય ભંગને માટે તૈયાર થઈ ગયો હોત. હજી પણ આપણે જોસથી કામ ચલાવીએ, આપણી પૂરી કસોટી થવા દઈએ અને સર્વસ્વનો ત્યાગ કરી ઝૂઝીએ. . . .
“અત્યાર સુધી મહા મહેનત કરીને આપણે ધારાસભાની પ્રતિષ્ઠા તોડી શક્યા છીએ અને જે વાતાવરણ પેદા કરી શક્યા છીએ તેને જો આપણે બગાડી મારીશું અને નવો જ અખતરો લઈ બેસીશુ તો કરી કમાણી બધી આપણે હાથે જ ધૂળ મેળવીને નવેસરથી બધી રચના કરવા બેસવું પડશે.”

છેવટે રાજાજીનો નીચેનો ઠરાવ બહુમતીથી પસાર થયો :

“આ સરકાર જે સંસ્થાઓ ઉપર પોતાની સત્તા જમાવીને બિનજવાબદાર રાજ્ય ચલાવી રહી છે તેનું નૈતિક બળ, ૧૯૨૦ની ચૂંટણીઓ વખતે કરવામાં આવેલા ધારાસભાના બહિષ્કારને પરિણામે નાશ પામ્યું છે એટલા માટે; અને ધારાસભાની ચૂંટણીમાં ભાગ ન લેવો એ અહિંસાત્મક કાર્યક્રમનું મુખ્ય અંગ હોઈ ને આવતા વર્ષની ચૂંટણીઓમાં પણ હિંદુસ્તાનની પ્રજા કોઈ પણ જાતનો ભાગ ન લે એ જરૂરનું છે એટલા માટે આ કૉંગ્રેસ આ ઠરાવથી એવી સલાહ આપે છે કે કૉંગ્રેસનો કોઈ પણ સભ્યે ધારાસભાના ઉમેદવાર તરીકે ઊભા રહેવું નહીં અને કૉંગ્રેસની સલાહ વિરુદ્ધ ધારાસભાની ઉમેદવારી કરનારા કોઈ નીકળે તેને કોઈ પણ મતદારે મત આપવો નહીં, અને આ બાબતમાં મહાસમિતિ વખતો વખત જે સૂચનાઓ આપે તે પ્રમાણે તેમણે પોતાના બહિષ્કારનું સ્વરૂપ રાખવું.”

આમ ધારાસભાનો બહિષ્કાર કાયમ રહ્યો પણ લોકો હવે સવિનય ભંગ માટે અધીરા થવા માંડ્યા હતા. તે માટે સવિનય ભંગની તૈયારીનો નીચેનો ઠરાવ અબ્બાસ સાહેબ તૈયબજીએ રજૂ કર્યો :

“આ કૉંગ્રેસ પોતાના અભિપ્રાયને વળગી રહે છે કે જ્યારે આપખુદ, જુલમી અને પ્રજાની મર્દાનગીનું હરણ કરનારી રાજ્યસત્તાને સુધારવાના બધા ઇલાજો લેવાઈ ખૂટે ત્યારે શસ્ત્રયુદ્ધની અવેજીમાં સવિનય ભંગ એ એક જ સભ્ય અને અસરકારક ઇલાજ બાકી રહે છે. પ્રજામાં સ્વરાજ્યની તમન્ના વધારે ને વધારે પ્રગટેલી જોવામાં આવે છે અને આપણા રાષ્ટ્રીય ધ્યેયને હાંસલ કરવા માટે સવિનય ભંગ કરવો જ પડશે એમ પ્રજાને હૈયે વસી ગયું છે. વળી ઉશ્કેરણી અને ખિજવાટનાં ભારે કારણો મળ્યા છતાં દેશમાં જરૂરી અહિંસાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે; તેથી આ કૉંગ્રેસ બધા કાર્યકર્તાઓને આદેશ કરે છે કે આવતી તા. ૩૦મી એપ્રિલ પહેલાં નીચે પ્રમાણે તૈયારીઓ પૂરી કરવી :
“૧. કૉંગ્રેસ સમિતિઓ વધારવી અને તેને વધારે સંગઠિત અને મજબૂત કરવી.
“૨. સ્વરાજયફાળામાં ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયા એકઠા કરવા.
“૩. અમદાવાદ કૉંગ્રેસમાં નક્કી થયેલી પ્રતિજ્ઞા પાળવા તૈયાર હોય એવા પચાસ હજાર સ્વયંસેવકો નોંધવા.”

કૉંગ્રેસમાં પોતાના મતથી વિરુદ્ધ ઠરાવ પસાર થયો એટલે કૉંગ્રેસનું અધિવેશન પૂરું થયા પછી દાસબાબુએ પોતાના પ્રમુખપદનું રાજીનામું આપી દીધું અને ધારાસભા પ્રવેશની તરફેણવાળાઓનો ‘સ્વરાજ પક્ષ’ નામનો નવો પક્ષ સ્થાપ્યો. પોતે એ પક્ષના નેતા નિમાયા અને ૫ં○ મોતીલાલજીને તેના મંત્રી નીમવામાં આવ્યા. એ બે ઉપરાંત હકીમ સાહેબ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તથા શ્રી કેળકર તેના મુખ્ય આગેવાન હતા. આ ‘સ્વરાજ પક્ષ’ મારફત કૉંગ્રેસમાં પોતાની બહુમતી કરવાનો તેઓ પ્રયત્ન કરવાના હતા, એટલે કૉંગ્રેસના પ્રમુખ તરીકે કાયમ રહેવું તેમને યોગ્ય ન લાગ્યું. જ્યારથી ધારાસભામાં જવાની વાત નીકળી ત્યારથી કૉંગ્રેસમાં ખેંચાખેંચી ચાલતી જ હતી, પણ હવે તો ખુલ્લંખુલ્લા બે પક્ષ પડી ગયા. લોકભાષામાં ધારાસભાવાદીઓ ‘ફેરવાદી’ કહેવાતા અને રચનાત્મક કાર્યક્રમને જ વળગી રહેનારા ‘નાફેરવાદી’ કહેવાતા. તેમના મુખ્ય આગેવાનો રાજાજી, ડૉ. અનસારી, રાજેન્દ્રબાબુ, શેઠ જમનાલાલજી તથા સરદાર હતા. કૉંગ્રેસમાં આ જાતના પક્ષો પડવાથી લોકોમાં બુદ્ધિભેદ થવા માંડ્યો અને કામમાં મંદતા આવવા લાગી. હજી ઘણા આગેવાનો અને કાયકર્તાઓ જેલમાં હતા અને પક્ષ પડ્યાની વાતો સાંભળી તેઓ દુઃખી થતા. જે આગેવાન છૂટીને બહાર આવતા તે બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરતા. ગયા કૉંગ્રેસ પછી થોડા જ વખતમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને બીજા કેટલાક નેતાઓ છૂટીને આવ્યા. તેમના સમાધાનના પ્રયાસને પરિણામે ૧૯૨૩ના ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અલ્લાહાબાદમાં કૉંગ્રેસ કારોબારી તથા મહાસમિતિની બેઠક થઈ. દાસબાબુએ રાજીનામું આપેલું હોવા છતાં કૉંગ્રેસે બીજા પ્રમુખની નિમણૂક નહોતી કરી એટલે સભાનું પ્રમુખસ્થાન દાસબાબુને જ આપવામાં આવ્યું. તેમાં સમાધાનીનો ઠરાવ થયો કે, ૩૦મી એપ્રિલ સુધી બંને પક્ષ ધારાસભાના પ્રશ્ન ઉપર મૌન સેવે; રચનાત્મક કામ, સ્વયંસેવકોની ભરતી અને સ્વરાજ ફાળો, એ કામમાં નવો સ્વરાજ પક્ષ જૂના પક્ષને મદદ કરે; અને ૩૦મી એપ્રિલ પછી બંને પક્ષ પોતપોતાને જેમ ફાવે તેમ કરે. આ સમાધાનની પાછળ ભાવ એ હતો કે નાફેરવાદીઓએ પોતાનો સવિનય ભંગની તૈયારીઓનો કાર્યક્રમ ૩૦મી એપ્રિલ પહેલાં પૂરા કરવાનો હતો; એટલા વખતમાં તેઓ દેશને સવિનય ભંગ માટે તૈયાર કરી શકે તો ધારાસભાઓમાં જવાનો સવાલ જ ન રહે. પંડિત મોતીલાલજીએ સ્પષ્ટ જણાવ્યું કે ઈશ્વર કરે ને બે મહિના પછી જ્યારે આપણે ફરી વિચાર કરવા ભેગા મળીએ ત્યારે દેશમાં એવી સ્થિતિ ઉત્પન્ન થયેલી હોય કે આપણે ફરી કશું વિચારવાનું જ ન રહે. પણ સવિનય ભંગની તૈયારીવાળો કાર્યક્રમ ૩૦મી એપ્રિલ પહેલાં પૂરો ન થઈ શક્યો. સ્વરાજ ફાળામાં પચીસ લાખને બદલે પંદર લાખ રૂપિયા એકઠા થયા અને સ્વયંસેવકોની સંખ્યા પચાસ હજારને બદલે આઠ હજાર જ થઈ. એટલે સ્વરાજ પક્ષે પોતાનો કાર્યક્રમ કૉંગ્રેસ પાસે સ્વીકારાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

ફરી પાછા બેઉ પક્ષો પોતપોતાના મતનો પ્રચાર શરૂ કરશે એટલે ઝેર અને વિખવાદ ફેલાશે એવો ભય રાખવાનું કોઈ કારણ નથી, એવું લોકોને સમજાવવા સરદારે ‘ઠાલો ભય’ નામનો લેખ નવજીવન માં લખ્યો. તેમાં જણાવ્યું :

“અલ્લાહાબાદમાં કૉંગ્રેસના બંને પક્ષ વચ્ચે થયેલી સમાધાનીની મુદત આવતી કાલે પૂરી થશે. કાલથી બંને પક્ષ પાછા પોત પાતાના મતનો ખુલ્લો પ્રચાર કરતા થઈ જશે. કાયમનું સમાધાન અશક્ય હોવાનું તે સમાધાનના સ્વરૂપ ઉપરથી જ માલુમ પડતું હતું. મતભેદ બહુ ઊંડા છે. બેમાંથી એક પક્ષ પોતાનો પ્રામાણિક મત છોડી દઈ બીજા પક્ષને મળી જાય તો જ કાયમની એકતા થઈ શકે. પણ એવી એકતાથી નુકસાન જ થાય. બંને પક્ષ પાતપોતાની પ્રામાણિક માન્યતા ઉપર મક્કમ રહીને કામ કરે એમાં જ આખરે દેશને લાભ છે. એથી જ પ્રજા ઘડાશે.
“ધારાસભા બહિષ્કારનો પ્રચાર કરવાથી, અગર તો તેને અમલમાં મુકવાને જે ઉપાયો લેવામાં આવે તેથી, કૉંગ્રેસના ધારાસભામાં જનારા પક્ષ સામે અપ્રીતિ થશે એમ માનવાને કાંઈ કારણ નથી. જ્યાં પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે તથા મિત્ર મિત્ર વચ્ચે મતભેદ હોય ત્યાં એવો ડર રાખવાનું કંઈ કારણ જ ન હોય. છતાં એવું પરિણામ ન આવે તેને માટે જેટલી સાવચેતી રાખવી જોઈએ તેટલી બેઉ પક્ષ રાખશે એ વિષે મને કોઈ શંકા નથી.
“પણ ધારાસભાના બહિષ્કાર વિષે તો કૉંગ્રેસનો ઠરાવ અમલમાં મૂકવાને આપણે જલદ ઉપાયો લેવાની જરૂર જ ન પડે એ સંભવ છે. સરકારે જ આપણું કામ સરળ કરી આપ્યું છે. મીઠા ઉપરનો કર વધારવામાં સરકારે જે રીતે કામ લીધું છે તે જોતાં ધારાસભાની નિષ્ફળતા વિષે હવે લોકોને થોડી જ શંકા રહી છે. ધારાસભાના સભાસદોએ વિરુદ્ધ મત આપ્યા. મતથી તો સરકારને હરાવી. બે વખત હરાવી. તોપણ વાઈસરૉય સાહેબે બહુમતીને ઠોકરે મારી. હવે ધારાસભાના સભાસદો ધારાસભાને છોડે એવી સૌ ઇચ્છા રાખે છે. તો આપણે ત્યાં જઈને પછી છોડવા કરતાં પહેલેથી જ કેમ ન છોડીએ ? આપણે ત્યાં જઈ ને બહુમતીથી સરકારને હરાવીએ એ સિવાય બીજું શું કરી શકવાના હતા ? હાલની ધારાસભાએ પણ એ તો ઘણી વખત કરી બતાવ્યું છે, છતાં જ્યારે જ્યારે સરકારને યોગ્ય લાગ્યું ત્યારે તેણે એમના મતની દરકાર નથી કરી. આવી સ્થિતિમાં ધારાસભાની નિષ્ફળતા વિષે મતદારોને સમજાવવાને ભારે ચળવળ કરવાની ભાગ્યે જ જરૂર પડે. એટલે ઝેર કે વિખવાદ થવાનો સંભવ નથી.”

પછી મુંબઈમાં તા. રપમી મેએ મહાસમિતિની બેઠક થઈ. તે વખતે જવાહરલાલજી છૂટીને બહાર આવ્યા હતા. તેમનું વલણ નાફેરવાદી હતું છતાં બે પક્ષ વચ્ચે સમાધાની થાય એમ તેઓ ઇચ્છતા હતા. નાફેરવાદીઓમાંથી ડૉ. અનસારી અને શ્રીમતી સરોજિની નાયડુ પણ સમાધાનીની તરફેણમાં હતાં. કેટલીક પ્રાંતિક સમિતિઓનો પણ અભિપ્રાય હતો કે સમાધાની થઈ જાય તો સારું. એટલે શ્રી પુરુષોત્તમદાસ ટંડન ઠરાવ લાવ્યા અને જવાહરલાલજીએ તેને ટેકો આપ્યો કે, ‘ગયા કૉંગ્રેસના ફરમાન મુજબ ચૂંટણીઓની વિરુદ્ધ પ્રચાર કરવાનું બંધ કરવું. કૉંગ્રેસના અધિવેશનમાં પાસ થયેલા ઠરાવને ઉથલાવી પાડનારો ઠરાવ મહાસમિતિ ન કરી શકે એ કારણે આ ઠરાવ નિયમ બહારનો છે એવો વાંધો લેવામાં આવ્યો. પણ પ્રમુખપદે દાસબાબુ હતા તેમણે ઠરાવ નિયમસરનો ગણ્યો, એમ કહીને કે ગયા કૉંગ્રેસનો ઠરાવ તો કાયમ જ રહે છે, મહાસમિતિના ઠરાવથી એનો પ્રચાર જ બંધ કરવામાં આવે છે. થોડાક વધુ મતે ઠરાવ પસાર થઈ ગયો, એટલે ગયામાં ચૂંટાયેલી કારોબારીના સભ્યો, જેમાં સરદાર વગેરે બધા ચુસ્ત નાફેરવાદીઓ હતા તેમણે રાજીનામાં આપી દીધાં અને તેની જગાએ ચુસ્ત ફેરવાદીઓ પણ નહીં અને ચુસ્ત નાફેરવાદીઓ પણ નહીં પણ સમાધાનવાદીઓની કારોબારી ચૂંટવામાં આવી.

દાસબાબુ મુંબઈથી મદ્રાસના પ્રવાસે ગયા. ત્યાં એક ભાષણમાં લૉર્ડ રીડિંગ સાથેની સમાધાનીની વાતનો ઈશારો કરતાં તેમણે કહ્યું કે :

“એ વેળા સત્યાગ્રહથી સરકાર દબાઈ ગઈ હતી અને એણે નમી જઈ ને સમાધાન કરવા તૈયારી બતાવી હતી. હું જેલમાં હતો ત્યાં મારી પાસે શરતો મોકલવામાં આવી હતી. મેંં એ મુખ્ય મથકે એટલે કે ગાંધીજીને મોકલી આપી. પણ તેમણે બધો છબરડો વાળ્યો અને હવે આપણને રેંટિયો ચલાવવાનું કહે છે.”

એ શરતોમાં કાંઈ માલ ન હતો અને ગાંધીજીએ તે લૉર્ડ રીડિંગની જાળમાં ફસાઈ જતાં એમને બચાવી લીધા હતા એ અગાઉના પ્રકરણમાં કહેવાઈ ચૂક્યું છે. આ આક્ષેપ વાંચી સરદારથી રહેવાયું નહીં. તેમણે દાસબાબુને જવાબ આપી તેમની નીતિ ઉઘાડી પાડી :

“જેલમાંથી છૂટ્યા પછી આજ આઠ મહિને વાઈસરૉય સાહેબે સમાધાનીની જે શરતો રજૂ કરી હતી તે કબૂલ નહીં રાખવામાં ગાંધીજીએ છબરડો વાળ્યો એવું કહેવાનો અર્થ ? શ્રી વિઠ્ઠલભાઈ જેવા દાસબાબુના અનુયાયીને આનો અર્થ સમજવો કઠણ પડે છે એ નવાઈ જેવી વાત છે. અર્થ બહુ સહેલો છે. પ્રજામતને પોતાના વિચાર તરફ ઘસડી જવા માટે પ્રજા ઝીલી શકે તેટલા ફટકા દાસબાબુ બહાર આવ્યા ત્યારથી સામા પક્ષને લગાવતા આવ્યા છે. જેલમાંથી છૂટ્યા પછી થોડો વખત ધારાસભાના પ્રશ્ન વિષે મૌન ધારણ કર્યું; ધાર્મિક અને માર્મિક વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. કેટલાકને વહેમ પડ્યો કે શ્રી અરવિંદ ઘોષની માફક તેઓ કાંઈક એકાંતમાં જઈ બેસશે. પણ વખત આવ્યો કે તરત જ સવિનય ભંગ સમિતિના સભાસદો પૈકી શ્રી વિઠ્ઠલભાઈ અને તેમના સાથીઓએ ગબડાવેલા ગોળાને હાથ દીધા. કલકત્તામાં મળેલી મહાસમિતિમાં જેટલી ખેંચતાણ થઈ શકે તેટલી કરી અદબદ રાખ્યું. ગયાની કૉંગ્રેસમાં પૂરેપૂરું જોર અજમાવ્યું, છતાં પ્રતિનિધિઓએ મચક ન આપી એટલે ઉગ્ર રૂપ ધારણ કરી પ્રમુખસ્થાનેથી કૉંગ્રેસના ઠરાવ ઉપર પ્રહાર કર્યો, પ્રમુખપદનું રાજીનામું આપ્યું અને મહાસમિતિની

બેઠક લટકતી મૂકીને ચાલી ગયા. કૉંગ્રેસ સામે પક્ષ ઊભો કર્યો, મુંબઈ આવી તેના ઠરાવો સામે હુમલા શરૂ કર્યા. પ્રજાને અપચો થતો જોઈ, વખત વિચારી અલ્લાહાબાદમાં બે માસનું મુનિવ્રત લીધું. મુંબઈમાં મળેલી છેલ્લી મહાસમિતિની બેઠકમાં જીત્યા એટલે વધારે આકરા ફટકા લગાવવાની હિંમત આવી. મદ્રાસ જઈ મહાત્માજી ઉપર આકરા આક્ષેપો મૂકવાનું શરૂ કર્યું. આઠ મહિના ઉપર આ વાત સાંભળવાને કોણ તૈયાર હતું ? . . ”

આ જ અરસામાં શ્રી વિઠ્ઠલભાઈએ એવો આક્ષેપ મૂક્યો કે ગુજરાતના સૂબા મુંબઈ મહાસમિતિના ઠરાવને માન આપતા નથી. તેને કારણે કૉંગ્રેસની પ્રતિષ્ઠાનું ખેદાનમેદાન થતું આજ હું જોઈ રહ્યો છું. તેમને પણ સણસણતો જવાબ આપ્યો :

“પટેલ સાહેબ કહે છે કે, ‘હવે તો કાર્યકર્તાઓ અને આગેવાનોમાં મતભેદ થયો છે, એટલે આશા નથી કે ધારાસભાઓનો કબજો લઈ શકાય. ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ જો મહાસમિતિના ઠરાવને માન આપતાં શીખે તો કામ થાય અને કૉંગ્રેસની પ્રતિષ્ઠા વધે. મહાત્મા ગાંધીજી પણ મહાસમિતિના ઠરાવાને માન આપતા હતા.’ વાત સાચી છે. પક્ષ આજના નથી પડ્યા. સ્વરાજ પક્ષ ઊભા કરનારાઓ એને માટે જવાબદાર છે. હજી પણ કૉંગ્રેસની પ્રતિષ્ઠા સાચવવી હોય તો એમણે સ્વરાજ પક્ષમાંથી હાથ ધોઈ નાખવા જોઈએ, ધારાસભાનો કબજો લેવાની ઉમેદ છોડી દેવી જોઈએ. ધારાસભામાં સ્વમાનથી કામ થઈ શકે એવી ગુજરાત પ્રાંતિક સમિતિની ખાતરી થશે ત્યારે તે તેમ કરવાનું ચૂકશે નહીં. ગુજરાત ગાંધીજીને પટેલ સાહેબ કરતાં વધારે ઓળખે છે. એમના પક્ષે તો ગાંધીજીનો જરૂર પૂરતો જ ઉપયોગ કર્યો છે, જ્યારે ગુજરાત યથાશક્તિ ગાંધીજીને પગલે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે. ગુજરાતની અશક્તિ ગાંધીજી માફ કરશે, જગત માફ કરશે અને ઈશ્વર પણ માફ કરશે. અશક્તિ એ ગુનો નથી. પણ ગુજરાત વિશ્વાસઘાતનો ગુનો નહીં કરે. ગાંધીજી મહાસમિતિના ઠરાવને માન આપતા એની ગુજરાતને યાદ દેવરાવવાની પટેલ સાહેબને કશી જરૂર નથી. ગુજરાતને ખબર છે કે ગાંધીજી બહાર હતા ત્યારે આખો દેશ એમનો પડતો બોલ ઝીલી લેતો હતો. આજે આગેવાનો જ કૉંગ્રેસના ઠરાવને માન આપતા નથી, અને બીજા પાસે પોતાના મતને અનુકૂળ ઠરાવને જ માન આપવાની માગણી કરે છે. પછી કૉંગ્રેસની પ્રતિષ્ઠા કેવી રીતે વધવાની ?”

આમ બે ભાઈઓ વચ્ચે રાજદ્વારી બાબતમાં તીવ્ર મતભેદોને કારણે તીખો ઝઘડો ચાલતો પણ તેથી તેમના ભાઈ ભાઈ તરીકેના અંગત લાગણીના સંબંધમાં જરાયે ન્યૂનતા આવતી નહીં. જ્યારે જ્યારે વિઠ્ઠલભાઈ અમદાવાદ આવતા ત્યારે સરદારને ત્યાં જ ઊતરતા અને મોટાભાઈ તરીકે સરદાર એમનું બહુ માન રાખતા. જોકે બંને ભાઈઓને સીધી એકબીજા સાથે વાતો ચીતો કે .


ચર્ચા કરવાની બહુ ટેવ જ નહોતી. એકબીજા વિષે જે કાંઈ કહેવું હોય તે ત્રીજા માણસને કહેતા. શ્રી વિઠ્ઠલભાઈ સરદારને વિષે હંમેશાં ‘તમારા સૂબા’ કે ‘ગુજરાતના સૂબા’ કહીને વાત કરતા અને સરદાર એમને વિષે ‘નામદાર પટેલ’ અથવા ‘પટેલ સાહેબ’ કહીને વાત કરતા. શ્રી વિઠ્ઠલભાઈને અંગ્રેજીમાં જેને ‘પ્રેકિટકલ જોક’ કહે છે તેવી અમલી મશ્કરી કરવાની બહુ ટેવ હતી. તેના ઘણા માણસો ભોગ બનતા અને કેટલીક વાર તેમની મશ્કરી એટલી હદ સુધી જતી કે તેનો ભોગ બનનાર એમનો દુશ્મન બની જતો. એવા કેટલાક દાખલા જાણીતા છે પણ આપણા વિષયને તે અપ્રસ્તુત છે. એક દિવસ અમદાવાદ આવેલા ત્યારે એવો એક નાનો પ્રયોગ સરદાર ઉપર કર્યો. ભદ્રમાં સરદાર જે મકાનમાં રહેતા ત્યાં સરદારના દીવાનખાનાના ઓરડાની બાજુના છજામાં પાયખાનું હતું. શ્રી વિઠ્ઠલભાઈ આવેલા એટલે કેટલાક મિત્રો મળવા આવ્યા હતા. વાતો ચાલતી હતી તે દરમિયાન સરદાર પાયખાને ગયા. થોડી વાર થઈ એટલે વિઠ્ઠલભાઈએ ઊઠીને બહારથી સાંકળ દઈ દીધી. પછી ઠાવકું મોં રાખીને અમને કહે, ‘આ તમારા સુબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવું છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !’ પછી અર્ધાએક કલાક પછી વિઠ્ઠલભાઈ સાંકળ ખોલી આવ્યા અને સરદાર જાણે કશું બન્યું જ ન હોય તેમ બહાર આવીને પોતાના કામમાં વળગ્યા.

મુંબઈની મહાસમિતિમાં જે ઠરાવ થયો તે કહેવાયો સમાધાનીનો ઠરાવ પણ એને લીધે તો બે પક્ષ વચ્ચે તીખાશ ઊલટી વધી. નાફેરવાદીઓ એમ કહેતા કે મહાસમિતિ કૉંગ્રેસની પેટા સંસ્થા હોઈ કૉંગ્રેસના મૂળ ઠરાવને ઉથાપી શકે નહીં, એટલે અમે તો કૉંગ્રેસના ઠરાવને જ વળગી રહીશું. એટલે સ્વરાજ પક્ષવાળાએ તજવીજ કરીને જુલાઈ મહિનામાં નાગપુરમાં મહાસમિતિની બેઠક બોલાવી અને મુંબઈ મહાસમિતિના ઠરાવને માન નહીં આપનારી પ્રાંતિક સમિતિઓ સામે શિસ્તનાં પગલાં લેવાનો ઠરાવ લાવ્યા. એમાં ખાસ હુમલો તામિલનાડુ અને ગુજરાત ઉપર એટલે રાજાજી અને સરદાર ઉપર હતો. બંને પક્ષના કાયદાબાજોએ કાયદાના મુદ્દાની તકરારો કરી અને છેવટે શિસ્તનાં પગલાં લેવાનો ઠરાવ ૬૩ વિ○ ૬પ મતે ઊડી ગયો. નવેમ્બર માસમાં ધારાસભાની ચૂંટણીઓ થવાની હતી એટલે કૉંગ્રેસની ખાસ બેઠક બોલાવી તેમાં જે તે ચોક્કસ નિર્ણય થઈ જવો જોઈએ એમ હવે સ્વરાજ પક્ષને લાગ્યું. તા. ૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીમાં કૉંગ્રેસ ભરવાનું નક્કી થયું. તે વખતે મૌલાના મહમદઅલી તથા લાલાજી જેલમાંથી છૂટીને બહાર આવ્યા. નાફેરવાદીઓને લાગ્યું કે આપણા પક્ષને એમનો મજબૂત ટેકો મળશે. પણ બંને સમાધાનવાદી નીકળ્યા. લાલાજી માંદા હતા એટલે આ પ્રશ્નમાં સક્રિય ભાગ ન લઈ શકળ્યા. પણ મૌલાનાએ કોઈ પણ ભોગે સ્વરાજ પક્ષ સાથે સમાધાન કરવાનું નાફેરવાદીઓ ઉપર દબાણ કરવા માંડ્યું. તેમને નાખુશ કરવા એટલે આખી મુસલમાન જનતાને નાખુશ કરવી એવી તે વખતે સ્થિતિ હતી. દેશમાં ઘણી જગાએ હિંદુ મુસલમાન વચ્ચે બખેડા પણ શરૂ થઈ ગયા હતા. એટલે કૉંગ્રેસી મુસલમાનોને નારાજ કરવાનું બિલકુલ ઈષ્ટ નહોતું. રાજાજી ખરાબ તબિયતને લીધે આ ખાસ કૉંગ્રેસમાં આવી શક્યા ન હતા. એટલે સરદાર, રાજેન્દ્રબાબુ, જમનાલાલજી અને ગંગાધરરાવ દેશપાંડે, એમના ઉપર નાફેરવાદીઓએ શું કરવું તેનો નિર્ણય કરવાની જવાબદારી હતી. ચારેના હૃદયમાં ભારે મંથન ચાલી રહ્યું હતું. વળી મૌલાના મહમદઅલીએ સમાધાનીનો ઠરાવ રજૂ કરતાં પોતાના ભાષણમાં એવી વિચિત્ર અને ગૂઢ વાત કરી, જેને લીધે ઘણા પ્રતિનિધિઓ તકવિતર્કમાં પડી ગયા. તેમણે કહ્યું :

“મને અસહકાર કરતાંયે મહાત્મા ગાંધી પર વધારે વિશ્વાસ છે.. મહાત્મા ગાંધીએ કોઈ આધ્યાત્મિક યુક્તિથી યા તો તાર વિનાના સંદેશાથી મને નીચેનું ફરમાન મોકલ્યું કે, ‘તમે મારા કાર્યક્રમને વળગી રહો એવો મારો આગ્રહ નથી. હું તો હજી પણ મારા આખા કાર્યક્રમ વિષે મક્કમ છું. પણ દેશની સ્થિતિ જોતાં જો તમને બહિષ્કારની એકાદ બે વિગતો કાઢી નાખવા જેવી લાગે અથવા ઢીલી કરવા જેવી લાગે અથવા નવી વિગતો દાખલ કરવા જેવી લાગે તો હું દેશના પ્રેમને નામે તમને હુકમ કરું છું કે તમને યોગ્ય લાગે તે વિગતો કાઢી નાખો, યોગ્ય લાગે તેવા ફેરફારો કરો અને યોગ્ય લાગે તો નવી વિગતો દાખલ કરજો.’ ”

પ્રતિનિધિઓ વિચારમાં પડ્યા કે કઈ પણ જાતનો સંદેશ જેલમાંથી મોકલવો એ તો ગાંધીજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને આ શું ? પણ આ સંદેશામાં શું એવું નવું હતું ? હકીકત એમ બની હતી કે ભાઈ દેવદાસ ગાંધીજીને મળવા ગયેલા, તે વખતે મૌલાનાના સંબંધમાં આવી મતલબની વાત થયેલી: “કેદી તરીકે મારાથી તમને કાંઈ સંદેશો ન અપાય. જ્યારે બીજાઓ મને સંદેશા મોકલતા ત્યારે હું તેમને ઠપકો આપતો. પણ મૌલાનાને એટલું કહું કે તમારી વફાદારી ઉપર હું મુગ્ધ છું. છતાં મારા તરફની વફાદારીને લક્ષ્ય ન સમજશો, દેશ તરફની વફાદારીને લક્ષ્ય માનજો. મારા વિચાર હું જતાં જતાં જણાવી ગયો છું, અને તે ઉપર કાયમ છું. પણ તમે જુદો માર્ગ ગ્રહણ કરશો તો તેથી આપણી વચ્ચેના પ્રેમને કશી આંચ આવવાની નથી.”

ભાઈ મહાદેવે તથા દેવદાસે મળીને સરદારને પૂછ્યા વિના આખી પરિસ્થિતિ વર્ણવતો તાર રાજાજીને કર્યો અને તેનો તારથી જવાબ માગ્યો. આ જવાબ આવે તે પહેલાં જ સરદાર વગેરે નિર્ણય ઉપર આવી ગયા હતા કે મૌલાનાને વિરોધ ન કરવામાં જ ડહાપણ છે, જોકે રાજેન્દ્રબાબુ અને સરદારે. ખુલ્લી કૉંગ્રેસમાં નાફેરવાદીની સ્થિતિની સ્પષ્ટતા કરવી. પહેલાં રાજેન્દ્રબાબુ બોલવા ઊભા થયા. તેમણે ગળગળે અવાજે કહ્યું :

“કોઈ પણ હેતુથી ધારાસભામાં જવાથી અસહકારનો સિદ્ધાંત પડી ભાંગે છે એમ હું માનું છું. પણ મારી ખાંધ કૉંગ્રેસમાં ભંગાણ પડાવવાની જવાબદારી લેવા જેટલી સધ્ધર નથી. એટલે હું આ ઠરાવનો વિરોધ નહીંં કરું. હું દિલગીર છું કે એને મારાથી ટેકો પણ નહીં અપાય. પણ હું મારા અંતરના ઊંડાણમાંથી કહીશ કે ધારાસભામાં જવાથી અસહકારનો નાશ નથી થતો એ પુરવાર કરવાની જવાબદારી પંડિત મોતીલાલજી ઉપર રહેશે, સ્વરાજ પક્ષના ધુરંધર નેતા દેશબંધુ દાસ ઉપર રહેશે. આગળ વધીને કહું છું કે એ જવાબદારી સૌના કરતાં વધારે મૌલાના મહમદઅલીના સદ્ધર ખભા ઉપર રહેશે.”

એમની પછી સરદાર બોલવા ઊભા થવા જતા હતા ત્યાં રાજાજીનો તાર આવ્યો. તે વાંચીને તેમનો જાણે અર્ધો ભાર હલકો થઈ ગયો. ઊભા થયા ત્યારે એ વીર યોદ્ધાની આંખ ભીની થયેલી દેખાતી હતી, અને તાર પકડેલો હતો તે આંગળીઓ ધ્રુજતી હતી. અતિશય વિષાદમય અવાજે તેમણે બોલવા માંડ્યું :

“વડીલોની સાથે અત્યાર સુધી અમે લડત ચલાવી અને અમારી અલ્પ શક્તિ અને મતિ પ્રમાણે અસહકારનો વાવટો ફરકતો રાખ્યો. અમે તો બધા સિપાઈ રહ્યા. એકે નેતા અમારામાં છે નહીં. પણ અમારામાં એક માણસ ચોખ્ખા મગજનો, ચોખ્ખા વિચાર કરવાવાળો છે. તેણે પોતાની માંદગીના બિછાના પરથી સંદેશ મોકલ્યો છે તે હમણાં જ આવ્યો. તે કહે છે: ‘બધી જ જવાબદારી મૌલાના મહમદઅલીની ખાંધે નાખો એવી મારી સલાહ છે. તેમને કશુંયે અણગમતું કરવાને મજબૂર ન કરો એમ ઈચ્છું છું. તેમનો સમાધાન માટે બહુ જ આગ્રહ હોય તો તેમ કરવા દો. મને ભાસે છે કે દેશને માટે કઠણ અનુભવમાંથી પસાર થવાનું લખેલું છે. દલીલો અને ચર્ચાઓ નકામી છે. હવે આપણે બીજાઓની આડે આવવાનું પ્રયોજન નથી. આપણે આપણાથી થયું તેટલું કરી ચૂક્યા. આપણે ઘણાને ગુમાવ્યા છે, હવે મૌલાના મહમદઅલીને આપણે નથી ગુમાવવા.’ એનો શબ્દ અમને માન્ય છે.
“મેં મારા હૃદયનું મંથન કર્યું છે અને જોયું છે કે મૌલાનાને મદદ આપવાને મારાથી ઓછામાં ઓછું કંઈ પણ થઈ શકે એમ હોય તો તે એ છે કે મારે મારો વિરોધ ખેંચી લેવો. તેઓ કહે છે કે બે વરસની ગેરહાજરી પછી આવનારની સ્થિતિનો તમારે ખ્યાલ કરવો જોઈએ. બે વરસ સુધી બહાર રહેનારની મુશ્કેલીઓને પણ અત્યાર સુધીમાં તેમને ખ્યાલ આવી ગયો

હશે. . . . હું જાણું છું કે મારા આ વલણથી સેંકડો જુવાનોનાં હૈયાં ચૂરેચૂરા થઈ જશે. આ સમાધાનથી અસહકારને મરમનો ઘા નહીં લાગે એ વાતની મને હજી ખાતરી નથી થઈ. . . . . પણ આજે એકબીજા વિષે વહેમ છે, પ્રેમભાવ નથી. આ પ્રેમભાવ સ્થાપવાનો પ્રયત્ન છે. . . .આ બધો વખત દેશના મોટા નેતાઓનો વિરોધ કરવો એ દુ:ખદ કામ હતું. આજે એ વિરોધ છોડી દેવો પડે છે એ પણ એટલું જ દુઃખદ છે. છતાં હું તમને (નાફેરવાદીઓને) વિનંતી કરું છું કે તમે એ દુઃખદ સ્થિતિમાંથી પસાર થાઓ. હું તમામ જવાબદારી મૌલાના મહમદઅલીને માથે નાખું છું. મારા મિત્રો જમનાલાલજી અને ગંગાધરરાવ દેશપાંડે જેઓ આ બધો વખત વિરોધમાં અમારી સાથે સામેલ છે તેઓ પણ મારા જેવો મત ધરાવે છે. હવે બેસી જતાં છેવટમાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ ઠરાવને અમે નથી ટેકો આપતા કે નથી તેનો વિરોધ કરતા.”

ઉપર પ્રમાણે કહીને ઠરાવ ઉપર મત લેવાય ત્યાં સુધી થોભ્યા વિના સરદાર કૉંગ્રેસ મંડપમાંથી ચાલ્યા ગયા. ગુજરાત આખું સમાધાનના ઠરાવની વિરુદ્ધ હતું પણ સરદારના ઉપલા ભાષણ પછી કોઈએ ઠરાવ ઉપર તરફેણમાં કે વિરોધમાં મત ન આપ્યો, જોકે મને કાંઈક એવો ખ્યાલ છે કે દરબાર સાહેબ અને ભાઈ મણિલાલ કોઠારીએ ઠરાવની વિરુદ્ધમાં હાથ ઊંચા કર્યા હતા. ઘણા પ્રતિનિધિઓ તટસ્થ રહ્યા એટલે બહુ મોટી બહુમતીથી ઠરાવ પસાર થયો. તેની મતલબ એ હતી કે, ‘જે કૉંગ્રેસીઓ ધારાસભામાં જવા સામે કોઈ પણ જાતનો ધાર્મિક અથવા બીજો વાંધો ન હોય તેઓને ધારાસભાના ઉમેદવાર તરીકે ઊભા રહેવાની અને આવતી ચૂંટણીઓમાં મત આપવાની છૂટ આપવામાં આવે છે, અને કૉંગ્રેસ ધારાસભા પ્રવેશ સામેની બધી ચળવળ બંધ કરે છે.’

આમ ધારાસભાના પ્રકરણનો અંત આવ્યો. ગયાની કૉંગ્રેસ સુધી સરદાર મહાસમિતિની બેઠકમાં કે કૉંગ્રેસમાં બેસતા જ ન હતા. અમદાવાદની કૉંગ્રેસમાં પોતાનું સ્વાગત ભાષણ તેમણે હિંદીમાં વાંચ્યું હતું. ગયાની કૉંગ્રેસમાં પહેલી જ વાર તેઓ હિંદીમાં બોલ્યા અને ત્યાર પછીની મહાસમિતિની બેઠકોમાં તેમને ઘણી વાર હિંદીમાં બોલવાના પ્રસંગ આવ્યા. તેમના હિંદી ભાષણમાં ગુજરાતી શબ્દો અને રૂઢિપ્રયોગો ઘણી વાર આવી જતા, છતાં હિંદીવાળા તેમ જ ઉર્દૂવાળા તેમના ભાષણનો શબ્દેશબ્દ સમજી શકતા. તેનું મુખ્ય કારણ તો એ હતું કે હિંદીમાં શબ્દ ન જડે ત્યારે તે માટે એમને સંસ્કૃતનો આશ્રય લેવાપણું હતું જ નહીં. હિંદી તથા ઉર્દૂ વક્તાઓએ તેવા પ્રસંગમાં જે શબ્દ વાપર્યો હોય તે ધ્યાનમાં રહી ગયું હોય તો તે વાપરતા નહીં તો ગુજરાતી જ શબ્દ વાપરતા, અને શ્રોતાઓ આગળપાછળના સંબંધ ઉપરથી તેનો અર્થ પકડી લેતા આમ ધીમે ધીમે રાષ્ટ્રીય હિંદુસ્તાનીમાં તેમનું ગાડું સારી રીતે ચાલતું થઈ ગયું.

ગયા કૉંગ્રેસ પછી નવ મહિના સુધી ફેરવાદ અને નાફેરવાદના ઝઘડા ચાલ્યા. તે દરમિયાન ગુજરાતમાં શું શું બન્યું તે નોંધીને આ પ્રકરણ પૂરું કરીશું. ગયા કૉંગ્રેસના ઠરાવ પ્રમાણે એપ્રિલની ૩૦મી પહેલાં જે સ્વરાજ ફાળો કરવાનો હતો અને સ્વયંસેવકોની ભરતી કરવાની હતી તેમાંથી ગુજરાતને ભાગે ત્રણ લાખ રૂપિયાનો ફાળો અને ત્રણ હજાર સ્વયંસેવકોની ભરતી કરવાનું આવ્યું હતું. ગુજરાતમાંથી ત્રણ લાખ રૂપિયા એકઠા કરવાનું સરદારને કઠણ લાગતું ન હતું. પણ ગુજરાતની ખરી પરીક્ષા તો તે વખતના ઠંડા વાતાવરણમાં જ્ઞાનપૂર્વક કષ્ટો સહન કરનારા સ્વયંસેવકો મેળવવામાં હતી. તે માટે ભાઈ ઇન્દુલાલે ઉત્સાહપૂર્વક ગામડે ગામડે ભટકવા માંડ્યું અને ભારે જહેમત ઉઠાવી. તેમને એમ હતું કે ક્યારે ૩૦મી એપ્રિલ આવે અને સ્વયંસેવકોની સંખ્યા પૂરી કરી સવિનય ભંગની લડત શરૂ કરીએ. પણ સરકારે તે પહેલાં જ તેમના અડાસ ગામના ભાષણને રાજદ્રોહી ગણી તેમના ઉપર જામીન કેસ કર્યો અને તેમને એક વરસની સજા કરી. તે પહેલાં કાકાસાહેબ જેઓ પણ ‘નવજીવન’માં સવિનય ભંગની તૈયારી માટે તેજ લેખ લખી રહ્યા હતા, તેમના પર સારી ચાલચલગતનો જામીન કેસ કરી તેમને એક વર્ષ માટે સરકારે પોતાના મહેમાન બનાવી દીધા હતા. સ્વરાજ્ય ફાળામાં તો ગુજરાતે ત્રણને બદલે સવા ત્રણ લાખ રૂપિયા એકઠા કર્યા પણ સ્વયંસેવકોની ભરતી એપ્રિલ આખરે ત્રણ હજારને બદલે આઠસોની જ તે કરી શક્યું. છતાં જ્યારથી ઇન્દુલાલને સજા થઈ ત્યારથી ગુજરાતના કાર્યકર્તાઓની અધીરાઈ વધવા માંડી હતી. જોકે ઈન્દુલાલે જેલ જતાં પહેલાં જેટલા સ્વયસેવકો મેળવેલા તેમાં આગળ વધુ ભરતી થતી નહોતી. તા. ૧૫-૧૬ એપ્રિલના રોજ મહાદેવભાઈના પ્રમુખપણા નીચે આમોદ ગામે ભરૂચ જિલ્લા પરિષદ થઈ પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે, હિંદુ મુસલમાન વચ્ચે વધતાં જતાં અંતર સાંધવા માટે, લોકોની કર્તવ્યવિમુખતા નિવારવા માટે અને રચનાત્મક કામને વેગ આપવા માટે એકમાત્ર સાધન વ્યક્તિઓનાં શુદ્ધ બલિદાન છે. એમ કહીને પરિષદ પાસે તેમણે હરાવ કરાવ્યો કે ૩૦મી એપ્રિલ પછી તરત જ વ્યક્તિગત પણ આક્રમણકારી સવિનય ભંગ શરૂ કરવા પ્રાંતિક સમિતિને વિનંતી કરવી.

સરદાર લગભગ દોઢેક મહિનાથી કૉંગ્રેસ કારોબારીએ નીમેલા પ્રતિનિધિ મંડળમાં ગુજરાતની બહાર ફરતા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે મહાદેવભાઈના પ્રમુખપણા નીચે પસાર થયેલો આ ઠરાવ જોયો અને કાર્યકર્તાઓની અધીરાઈ જોઈ એટલે ‘કેસરિયાં કે આંધળિયાં’ એ નામનો લેખ લખી જણાવ્યું કે :

“ગયાજીનો કાર્યક્રમ સવિનય ભંગની તૈયારી માટે છે. એ તૈયારી પૂરી કરવાનો વખત તો પૂરો થયો નથી, તે પહેલાં એ કામ હવે થઈ શકે તેવું નથી એમ માની એટલેથી છોડી દઈ સવિનય ભંગને માટે ઉતાવળ કરવી તે કેસરિયાં નહીં પણ આંધળિયાં કરવા જેવું છે. હું જોઉં છું કે રચનાત્મક કામ કરનારાઓએ પણ સ્વયંસેવકોનાં પ્રતિજ્ઞાપત્ર ભર્યા છે. એમને જેલ જવાની ઉતાવળો આવી લાગે છે. પણ રચનાત્મક કામમાં રોકાયેલા એક પણ કાર્યવાહકને જેલમાં જવા દેવા હું ખુશી નથી. જેલ તો મારા જેવા રખડતા ભટકતા માટે અથવા તે જેને રચનાત્મક કામમાં શ્રદ્ધા નથી તેને માટે છે. એવાઓએ પણ જ્યાં સુધી પ્રાંતિક સમિતિએ પરવાનગી નથી આપી ત્યાં સુધી જેલમાં જવાનો પ્રયાસ કરવાના નથી.”

સરદારના આ લેખથી મહાદેવભાઈ, શ્રી મેહનલાલ પંડ્યા વગેરે કાર્યકર્તાઓના મનનું સમાધાન ન થયું, ઊલટો તેમનો અસંતોષ વધ્યો. તેમને રૂબરૂમાં સમજાવવાનો સરદારે પ્રયત્ન કર્યો જ. તે ઉપરાંત ‘શાંત વિચારની જરૂર’ એ લેખ લખીને જણાવ્યું કે :

“આપણું રચનાત્મક કામ ચાલુ રહે અને આપણામાંના કેટલાકના જેલ જવાથી એ કાર્યનો વેગ વધે તે જ સવિનય ભંગનો ઉપયોગ છે. બહાર આપણાથી કંઈ નથી થઈ શકતું માટે જેલમાં જઈ બેસવું એવું જો કોઈનું માનવું હોય તે એ માન્યતા ભૂલભરેલી છે.”

ખરી હકીકત તો એ હતી કે પ્રજાને સવિનય ભંગ દ્વારા ઘડવી હોય, પ્રજાને હિંમતવાન અને નીડર બનાવવી હોય તો સરદારને એમ લાગતું હતું કે આક્રમણકારી વ્યક્તિગત સવિનય ભંગ કરવાને બદલે લડતને કોઈ ચોક્કસ મુદ્દા પૂરતી જ પરિમિત રાખીને સામુદાયિક સવિનય ભંગ કરવાથી પ્રજાને વધારે કેળવી શકાશે. તે માટે જબલપુર અને નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ શરૂ થયા હતા તે તરફ તેમનું ધ્યાન ખેંચાયું હતું. તેમાં જરૂર પડતાં પહેલી તકે આપણે ગુજરાતમાંથી ટુકડીઓ મોકલી આપીશું એમ કહીને તથા એ પ્રમાણે પ્રાંતિક સમિતિ પાસે ઠરાવ કરાવીને થનગની રહેલા કાર્યવાહકોને શાંત પાડ્યા.

જમનાલાલજી એ લડતના આગેવાન હતા. તેમની ગિરફતારી પછી એ લડતનું સંચાલન કરવાનું કૉંગ્રેસ કારોબારીએ સરદારને માથે નાખ્યું. નાગપુર ઝંડા સત્યાગ્રહની એ લડતનું વર્ણન જુદા પ્રકરણમાં આપીશું.