લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/નાગપુર ઝંડા સત્યાગ્રહ

વિકિસ્રોતમાંથી
← ગાંધીજીની ગિરફતારી પછી સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
નાગપુર ઝંડા સત્યાગ્રહ
નરહરિ પરીખ
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો →


.

૨૧

નાગપુર ઝંડા સત્યાગ્રહ

આ લડતનું બીજ નંખાયું જબલપુરમાં. સને ૧૯૨૨ના ઑગસ્ટમાં સવિનય ભંગ તપાસ સમિતિ જબલપુર ગઈ તે વખતે ત્યાંની મ્યુનિસિપાલિટીએ એક ઠરાવ પાસ કરીને હકીમ અજમલખાન સાહેબને માનપત્ર આપ્યું અને મ્યુનિસિપલ હૉલ ઉપર રાષ્ટ્રધ્વજ ચઢાવ્યો. કેવળ આટલું જ બન્યું હોત તો તો કોઈનું ધ્યાન તે તરફ ન ખેંચાત. પણ મ્યુનિસિપાલિટી આગળ તે વખતે બીજા બે ઠરાવ રજૂ થયેલા કે મ્યુનિસિપાલિટી ઉપર યુનિયન જેક ચઢાવવો અથવા યુનિયન જેક અને રાષ્ટ્રધ્વજ સાથે સાથે ચઢાવવા. એ બંને ઠરાવ નામંજૂર થયા ને રાષ્ટ્રધ્વજ ચઢાવવામાં આવ્યો. એટલે પાર્લામેન્ટમાં એક સભ્યે સવાલ પૂછ્યો કે આ તો યુનિયન જૅકનું અપમાન છે, એટલે ભારતમંત્રી તે વિષે શાં પગલાં લેવા ધારે છે ? ભારતમંત્રીએ જવાબ આપ્યો કે, ભવિષ્યમાં આવું ન બનવા પામે તેવી સૂચના આપવામાં આવશે અને તે વિષે તકેદારી રાખવામાં આવશે. પછી ૧૯ર૩ના માર્ચમાં કૉંગ્રેસ કારોબારીના પ્રતિનિધિમંડળમાં રાજાજી વગેરે જબલપુર ગયા. મ્યુનિસિપાલિટીમાં પહેલાંના જેવો જ ઠરાવ પાસ થયો પણ જિલ્લા મેજિસ્ટ્રેટે તકેદારી રાખીને તે ઠરાવ રદ કર્યો અને ટાઉનહોલ આગળ મેદાનમાં સભા ન ભરવામાં આવે તથા મ્યુનિસિપાલિટી ઉપર રાષ્ટ્રધ્વજ ન ચઢાવવામાં આવે તે માટે ત્યાં ૧૪૪મી કલમ લાગુ કરી.

તા. ૧૮મી માર્ચે ગાંધીજીની કારાવાસ સંવત્સરીને દિવસે પંડિત સુંદરલાલજીની સરદારી નીચે રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. પં. સુંદરલાલજી તથા બીજા દસ જણને પકડવામાં આવ્યા અને તેમની પાસેથી રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લેવામાં આવ્યો. બીજે દિવસે એ બધાને છોડી મૂક્યા. તેમણે રાષ્ટ્રધ્વજ પાછો માગ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એ તો જપ્ત કરવામાં આવ્યો છે માટે પાછો નહીં મળે. ૫. સુંદરલાલજીએ વાંધો ઉઠાવ્યો કે આ તો રાષ્ટ્રધ્વજનું અપમાન છે અને એની ચિનગારીમાંથી પ્રચંડ આગ ભભૂકી ઊઠશે. પંડિતજીને પકડીને છ માસની સજા કરવામાં આવી.

તા. ૧૩મી એપ્રિલને દિવસે નાગપુરમાં રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેર કરવામાં આવ્યું કે એ સરઘસ ‘સિવિલ લાઈન્સ’માં થઈને સદર બજારમાં જશે અને ત્યાં સભા ભરવામાં આવશે. ડિસ્ટ્રિક કોર્ટ પાસે ચાર રસ્તા આગળ જ્યાંથી સિવિલ લાઈન્સ શરૂ થાય છે ત્યાં જિલ્લા મૅજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોટી પોલીસાફોજ સાથે હાજર હતા. તેમણે સરઘસને રોક્યું. સ્વયંસેવકોએ આગળ વધવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો એટલે પોલીસ તેમના પર તૂટી પડ્યા. વાવટાના દાંડા વડે જ સ્વયંસેવકોને ખૂબ માર્યા અને નીચે પડી ગયા તેમને ઢસરડી રસ્તાની બાજુની ગટરમાં નાખ્યા. અસહકારી નહીં એવા એક બૅરિસ્ટર શ્રી દીક્ષિત ત્યાં થઈને પસાર થતા હતા તેમણે આ ભીષણ દૃશ્ય જોઈ ઘાયલ થયેલાઓને પોતાની મોટરમાં ઉપાડી લઈ ઇસ્પિતાલમાં પહોંચાડ્યા અને પોતે જોયેલી પોલીસના ઘાતકીપણાની હકીકત વર્તમાનપત્રોમાં આપી.

નાગપુર પ્રાંતિક સમિતિની કારોબારીએ ઠરાવ કર્યો કે કોઈ પણ સરિયામ રસ્તા ઉપરથી શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લઈને જવાનો પ્રજાને અધિકાર છે અને સરકાર તેમાં અંતરાય નાખે છે માટે તા. ૧લી મેથી તે માટે લડત આપવી અને જબલપુર તથા નાગપુર બે સ્થળને બદલે નાગપુર ઉપર જ શક્તિ કેન્દ્રિત કરવી. વર્ધાના શેઠ શ્રી જમનાલાલજીએ લડતની આગેવાની લીધી અને તેમની સૂચના પ્રમાણે પ્રતિજ્ઞાવાળા દસ દસ સૈનિકોને રોજ લડતને મોરચે મોકલવાનું નક્કી કર્યું. આ પ્રમાણે અઠવાડિયે એક રજાના દિવસ સિવાય અને ખાસ કારણસર રજા જાહેર કરવામાં આવી હોય તે સિવાય સ્વયંસેવકો મોકલવાનું અને ગિરફતારી વહોરી લેવાનું, ૧૮મી ઑગસ્ટે મનાઈ કરેલા વિસ્તારોમાંથી સ્વયંસેવકોનું સરઘસ રાષ્ટ્રધ્વજ સાથે બિનરોકટોક પસાર થયું અને કૉંગ્રેસનો વિજય થયો ત્યાં સુધી ચાલુ રહ્યું. આપણે જોઈશું કે આ સ્વયંસેવકોમાં સારા સારા વેપારીઓ, ખેડૂતો, વકીલો, દાક્તરો, અધ્યાપકો વગેરે હતા. કુલ ૧૭૪૮ જણે જેલની યાતનાઓ વેઠી. એક બાવીસ વર્ષનો બિહારી જુવાન જેલમાં ગુજરી ગયો અને લગભગ બધા જ જેલમાંના અમાનુષી વર્તનથી, વધારે પડતી મજૂરીથી અને ખરાબ ખોરાકથી ઓછાવત્તા પ્રમાણમાં તબિયત બગાડીને પણ રાષ્ટ્રધ્વજની શાન દુનિયા આગળ ઉજ્જવળ કરીને તેના હર્ષથી ફુલાતી છાતીએ અને ગર્વથી ઉન્નત શિરે બહાર આવ્યા.

લડતનો મુદ્દો બહુ સાફ હતો. રાષ્ટ્રધ્વજ લઈને અથવા તો રાજદ્વારી કે ધાર્મિક સ્વરૂપનો બીજો કોઈ પણ ધ્વજ લઈને શાંતિપૂર્વક, બીજા લોકોને હરકત ન થાય એ રીતે હરકોઈ સરિયામ રસ્તા ઉપરથી નાનાં કે મોટાં વ્યવસ્થિત સરઘસના રૂપમાં જવાનો નાગરિકોનો મૂળભૂત હક દરેક સુધરેલા ગણાતા દેશમાં સ્વીકારાયેલ છે. જે અરસામાં નાગપુરમાં આ લડત ચાલતી હતી તે વખતે ઇંગ્લંડમાં બોલ્શેવિક પક્ષના લોકો તેમનો લાલ વાવટો લઈને, સુત્રો પોકારતા ખુદ પાર્લામેન્ટનાં મકાનો આગળથી જતા હતા અને તેનો કોઈ વાંધો નહોતું ઉઠાવતું. આપણા દેશમાં પણ રાષ્ટ્રધ્વજનાં સરઘસો બીજા બધાં શહેરમાં વગરબંધીએ ફરતાં. ખુદ નાગપુરમાં પણ રાષ્ટ્રધ્વજ લઈ ને સરઘસ બીજે બધે ફરે તેની સરકારને હરકત નહોતી. પણ ત્યાંની સિવિલ લાઈન્સમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાને પોતાને હક સ્થાપિત કરવાની લડત ચલાવવાને સ્થાનિક કૉંગ્રેસ કમિટીએ ઠરાવ કર્યો તે નાગપુરના ગોરા સિવિલિયનથી ખમાયું નહીં અને ત્યાંના ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટે સરઘસબંધી તથા સભાબંધીનો હુકમ તા. ૧લી. મેએ બહાર પાડ્યો. પ્રાંતિક સરકારે પણ તે જ દિવસે પોતાનાં પગલાંને ખુલાસો કરતી એક યાદી બહાર પાડી.

આ ‘સિવિલ લાઈનસ’ શું હતી ? જેને ‘કૅન્ટોન્મેન્ટ’ કહેવામાં આવે છે એ લશ્કરી છાવણીનો વિસ્તાર એ નહોતો જ. કેટલાક સુધરેલા ગણાતા લોકોનો એ લત્તો હતો. ત્યાં થોડા ગોરા અમલદારો અને પશ્ચિમી ઢબની રહેણીની ઓછાવત્તા પ્રમાણમાં નકલ કરનારા ઘણા હિંદીઓ રહેતા હતા. ગોરાઓની સંખ્યા તો સ્ત્રીઓ અને બાળક ગણતાં બસોથી વધારે નહીં હોય. આ ગોરા ‘દેવ’ લોકોના મિથ્યા ઘમંડ અને તુમાખીને સરકાર પોષવા અને ઉત્તજવા ઇચ્છતી હતી એ સરકારી યાદીમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. એ યાદીમાં લખેલું છે કે :

“સ્વરાજ્યના ધ્વજની સામે સરકારને કશે વાંધો નથી પણ કેટલાક રાજનિષ્ઠ લેાકોથી યુનિયન જૅકનું અપમાન દેખ્યું જતું નથી અને એમની લાગણી બહુ દુભાય છે. તેથી ત્યાં સ્વરાજયના ધ્વજ સાથેના સરઘસની બંધી. કરવી જરૂરી લાગે છે.”

આમાં બે વસ્તુ ખોટી રીતે ગૃહીત કરી લીધેલી દેખાય છે : એક તો એ ‘સિવિલ લાઈન્સ’ એટલે કે ‘સભ્ય વસ્તી’માં જ સઘળા રાજનિષ્ઠ લોકો રહેતા હતા, અને બીજું, સ્વરાજ્યના ધ્વજના સરઘસથી ‘યુનિયન જૅક’નું અપમાન થતું હતું. આ લડતના સંચાલકોના સ્વપ્નામાં પણ યુનિયન જૅકના અપમાનનો ખ્યાલ નહોતો. તેમણે એ બાબત એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો, ન તો જબલપુરમાં, ન તો નાગપુરમાં. જ્યાં પહેલાં સરઘસોને મારઝૂડ કરીને વિખેરી નાખવામાં આવ્યાં હતાં ત્યાં પણ કોઈએ યુનિયન જૅક વિષે અપમાનજનકશબ્દો કે સૂત્રો પોકાર્યાં ન હતાં. અને સ્વરાજ્યના ધ્વજ સાથેના સરઘસથી યુનિયન જૅકનું અપમાન થતું હોય તો આ સભ્ય વસ્તીમાં જ શું કામ અપમાન થાય ? શહેરમાં રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ ફરતાં હતાં અને કેટલાંયે મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતા હતા. તેથી ત્યાં યુનિયન જૅકનું અપમાન કેમ નહોતું થતું ? ત્યાં શું યુનિયન જૅકની હકૂમત નહોતી કે કોઈ રાજનિષ્ઠ લોકો રહેતા નહોતા ? પણ આ તો ન્યાયની દલીલ થઈ. ગેારા અમલદારો પોતાના ગુમાનની મસ્તીમાં ન્યાયનો વિચાર નહોતા કરી શકતા, નહીં તો સરકારી યાદીમાં આવી દલીલ કરવાનું તેના લેખકને સુઝે ખરું કે, “સ્વરાજ્યનો ધ્વજ જોઈને કેટલાક રાજનિષ્ઠ લોકો ઉશ્કેરાઈ જવાનો સંભવ છે અને તેથી શાંતિ ભંગ થઈ બેસે એવો સરકારને ભય રહે છે ?” આ વાક્યમાં રહેલા ધ્વનિને સ્પષ્ટ કરીએ તો આ અર્થ થાય કે સિવિલ લાઈન્સ — સભ્ય વસ્તીમાં રહેનારા કેટલાક ફરેલા માથાના રાજનિષ્ઠ ગોરા લોકોનો પિત્તો ખસી જાય અને તે સ્વરાજ્યના ધ્વજવાળા સ્વયંસેવક પર હુમલો કરી બેસે અને શાંતિનો ભંગ થાય એ અટકાવવા સરકારને આ વિસ્તારમાં સરઘસબંધી અને સભાબંધીના હુકમો કાઢવા પડ્યા છે. વળી વધારે સ્પષ્ટતા કરીએ તો એ અર્થ થાય કે આવા બે પાંચ માથાભારે ગોરા લોકોને રોકવાની સરકારની તાકાત નથી, તેથી અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા એવા સેંકડો સ્વયંસેવકોને તે રોકવા માગે છે અને ન રોકાય તો મારઝૂડ કરવા અથવા જેલમાં પૂરવા તૈયાર છે. સરકારી યાદીમાંની એક વસ્તુ હજી નોંધવા જેવી છે. સ્વરાજ્યના ધ્વજ સામે સરકારને હરકત નથી એ શબ્દોથી શરૂ થતા ખુલાસામાં આગળ તો એવું આવે છે કે, “કોઈ મ્યુનિસિપલ કમિટી અથવા લોકલબોર્ડ પોતાના મકાન ઉપર સ્વરાજયનો ધ્વજ ચડાવવાનો ઠરાવ કરશે તો સરકાર એવું કૃત્ય સાંખી લેવાની નથી. આ ચેતવણી છતાં કોઈ સંસ્થા એવી હઠ પકડશે તો સરકાર પોતાની ગ્રાંટ બંધ કરીને પોતાની નાપસંદગી દર્શાવશે તથા પોતાને જરૂરી લાગે તેવાં બીજાં શિસ્તનાં પગલાં લેશે.” આ બધા ઉપરથી એટલું ચોખ્ખું દેખાય છે કે નાગપુરનો ઝંડા સત્યાગ્રહ એ એક તરફથી પોતાનો સાદો મૂળભૂત હક સ્થાપિત કરવાના લોકપ્રયત્નનો અને સામી બાજુથી તેને કચડી નાખવાના ગોરા તુમાખી અમલદારોના ઝનૂનનો દેવાસુર સંગ્રામ હતો.

અમુક ચોક્કસ મુદ્દા ઉપર મર્યાદિત માગણી માટેનો સરદારને જે જોઈતો હતો તેવો આ સત્યાગ્રહ હતો. એટલે ગુજરાત પ્રાંતિક સમિતિમાં તેમણે ઠરાવ કરાવ્યો કે નાગપુર મોકલવા માટે સૈનિકો તૈયાર રાખવા. તરત ખેડા જિલ્લાએ તે ૭૫ સૈનિકોની ટુકડી શ્રી મોહનલાલ પંડ્યાની સરદારી નીચે નાગપુર મોકલવા તૈયાર કરી દીધી. બીજા જિલ્લાઓ પણ તૈયારીમાં લાગી ગયા. તામિલ પ્રાંતે અને બિહારે પણ એવા જ ઠરાવો કર્યા. તા. રપમીએ મુંબઈમાં મહાસમિતિની બેઠક થઈ તેમાં રાષ્ટ્રધ્વજની રક્ષા અર્થે નાગપુરમાં આદરેલા સત્યાગ્રહ માટે મધ્ય પ્રાંતના સ્વયંસેવકોને અભિનંદન આપનારો અને આખા હિંદુસ્તાનના તમામ સ્વયંસેવકોને બોલાવવામાં આવે કે તરત લડતમાં જોડાવાને સજ્જ રહેવાની સૂચના આપનાર ઠરાવ પસાર કરવામાં આવ્યો. મહાસમિતિની બેઠક પૂરી થયા પછી તરત રાજાજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકર્તાઓ લડતની પરિસ્થિતિ નિહાળવા અને સરકારના શબ્દોમાં આ ‘બધું કારસ્તાન’ રચનાર જમનાલાલજી સાથે મસલત કરવા નાગપુર ઊપડી ગયા.

બીજી તરફથી સરકારે પણ ઝેર વરસાવવા માંડ્યું હતું. નાગપુરનો કમિશનર સિવિલ લાઈન્સમાં રહેતો હતો. અને ત્યાંના સઘળા ગોરાઓનો આગેવાન હતો. આપણા રાષ્ટ્રીય ઝંડાની એને બહુ ભારે સૂગ હતી. સરઘસ સિવિલ લાઈન્સમાં પસાર થાય તો એનો બંગલો રસ્તામાં આવે જ એમ હતું. એ વારંવાર ધમકી આપતો કે મારા બંગલા આગળ સરઘસ આવશે તો હું એના ઉપર ગોળી ચલાવવાનો. મધ્ય પ્રાંતની સરકાર એનાથી ખૂબ ડરતી હતી. હિંદુસ્તાનના સનદી નોકરોના મંડળનો એ મંત્રી હતો. આ મંડળ ગવર્નરો તથા વાઈસરૉયોને પણ ધારે તો ઉથલાવી પાડે એવી શક્તિ ધરાવતું. એટલે એવા મંડળના મંત્રી તરીકે સ્વાભાવિક રીતે જ એની લાગવગ બહુ જબરી હતી. વળી એ પોતે આ લડતને અંગે પ્રકાશનનું અને પ્રચારનું કામ સંભાળતો. એટલે એ શેનો બાકી રાખે ? આગળ આપણે જોઈશું કે મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને કલકત્તાના ‘સ્ટેટ્સમૅન' ના ખબરપત્રી તરીકે પોતે જ તેમાં લખવા માંડ્યું હતું. ‘આ લડત આખી કૃત્રિમ છે. કેવળ કાયદાભંગ માટે, યુરોપિયનોને પજવવા માટે, ગમે તેમ કરીને તોફાન ઊભું કરવા માટે એ ઉપાડવામાં આવી છે. એમને તે ગવર્નમેન્ટ હાઉસ ઉપર અને સેક્રેટેરિયેટ ઉપર સ્વરાજ્યનો ધ્વજ ચઢાવવો છે. આવા હેતુથી લડવા નીકળેલા જુઠ્ઠા, લુચ્ચા-લફંગા, જંગલી અને રખડતાઓને જો કેવળ પકડીને જેલોમાં જ મોકલવામાં આવશે, અને તેમની સારી પેઠે ખબર નહીં લેવામાં આવે તો કાયદાથી સ્થાપિત રાજ્યતંત્ર ઊંધું વળશે, એવી ચેતવણીનો સૂર ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માંના લેખમાં તેણે કઢાવ્યો. વળી આવા બદમાશોથી રાજનિષ્ઠ રૈયતને બચાવવાનો ઉપાય ગોળીબાર છે એવી સૂચના પણ કરાવી. પોતાના ગોરા જાતભાઈઓને ઉશ્કેરવા તેમને એવી સલાહ અપાવી કે મુસલમાનની મસ્જિદ આગળ વાજાં વગાડવામાં આવે તો મુસલમાનોની લાગણી દુખાય તેમ ગોરાઓના લત્તામાંથી અથવા તેમની ક્લબ આગળથી સ્વરાજ્યનો વાવટો લઈ જવામાં આવે તો તેમની લાગણી દુખાવી જોઈએ. એના ડેપ્યુટી કમિશનરોએ જે જાહેરનામાં કાઢ્યાં છે તે તો તેમની અવળચંડાઈ અને કુટિલ નીતિના આબાદ નમૂના છે. સેવનીના ડેપ્યુટી કમિશનરનું જાહેરનામું જુઓ :

“લોકોને જાહેર થાય જે ખોટી ઉશ્કેરણીથી તમને નાગપુર મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાં તમારે સભ્ય વસ્તીમાં રાષ્ટ્રીય કહેવાતો એવો વાવટો લઈને જવું પડશે અને પકડાઈ જવું પડશે. તમને સમજાવવામાં આવે છે કે આ આપણા દેશનો વાવટો છે અને દેશની ઈજ્જત જાળવવા ખાતર તમારે એટલો ભોગ આપવો જોઈએ. પણ સાચી વાત શી છે એ તમે જાણો. આ વાવટો નથી તમારા દેશનો કે નથી તમારા બાપદાદાનો. એમણે કદી એવા વાવટા હોવાનું સાંભળ્યું નહોતું. બે ત્રણ વર્ષથી કૉંગ્રેસના કેટલાક બાબુઓએ રાજદ્વારી હેતુથી આ વાવટો ઉપજાવી કાઢ્યો છે. એ લોકો તમે જેલ જાઓ એમ ઈચ્છે છે. તેમાં એમનો હેતુ સરકાર જુલમી છે એમ બતાવી પોતાનો સ્વાર્થ સાધવાનો છે. એ નેતાઓ નાગપુરમાં સંતાઈ રહી અભણ ગામડિયાઓને ઘેટાં બકરાંની જેમ હાંકે છે. બિચારા ગામડિયાઓ જ્યારે પકડાય છે ત્યારે નેતાઓ ઘેર જઈ ને ખાઈપીને માજ કરે છે અને નિરાંતે ઊંઘે છે. પણ વાવટો લઈને પકડાવાથી તમારું શું ભલું થવાનું છે ? તમારો દંડ થશે એ નેતાઓ ભરવાના છે ? જેલમાં જવાથી તમારી ખેતી રઝળશે તે એ નેતાઓ સંભાળવા આવવાના છે ? તમે જેલમાં હો એ દરમિયાન તમારા કુટુંબનું એ ભરણપોષણ કરવાના છે ?
“તમારે જાણવું જોઈએ કે ભોળા ખેડૂતોના છોકરાઓને જેલમાં મોકલવામાં આવે છે. પણ વેપારીઓ, વકીલો અને વિદ્વાનોના છોકરાઓ સરઘસમાં સામેલ થતા નથી. તેનું કોઈ કારણ ? કારણ એ જ કે એ લોકો ભણેલા હોઈ સમજે છે કે આ તો બેવકૂફી છે. આમાં તો ગરીબ, બિચારા, અભણ, ભોળા લોકો નેતાઓનાં જૂઠાણાંમાં ફસાયા છે.”

નરસિંગપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનરનું ‘ફરમાને આમ’ તો તોછડાઈ અને હલકટાઈમાં આને ક્યાંય ચડી જાય છે. જુઓ :

શહેનશાહ પંચમ જ્યૉર્જની જય
ફરમાને આમ
“થોડા મહિના ઉપર પોતાને અસહકારી કહેવડાવનારા ગણ્યાગાંઠ્યા આદમીઓએ એક વાવટો કાઢ્યો. તેને તેઓ જબરદસ્તીથી જ રાષ્ટ્રીય વાવટો કહેવડાવવા લાગ્યા. પણ એ વાવટાને માનનારી જ્યારે કેવળ એક નાનકડી ટોળી જ છે ત્યારે સામાન્ય માણસ પણ સમજી શકશે કે તે રાષ્ટ્રીય વાવટો નથી અને તે રાષ્ટ્રીય વાવટો હોઈ શકતો નથી.
“સરકાર બહાદુર મામૂલી ઝંડાબાજીની બિલકુલ પરવા નથી કરતી. કોઈ પણ પ્રકારનો વાવટો લઈને કોઈ ફરે અથવા પોતાના મકાન ઉપર ચઢાવે તેમાં તે કદી આડે આવી નથી. પણ થોડા વખતથી કેટલાક માણસો અહિંસાને નામે આવા વાવટાને સરઘસમાં લઈ બૂમ પાડતા પાડતા નાગપુર ‘સિવિલ લાઈન્સ’ જ્યાં સરકારી અમલદારો રહે છે અને જ્યાં તેમની ક્લબ પણ છે ત્યાં તેમને તકલીફ આપવાને માટે બળજબરીથી જવા લાગ્યા છે. એવી જ રીતે કોઈ કોઈ વાર હિંદુઓ મુસલમાનોની મસ્જિદની સામે તોફાન કરવા માટે વાજાં વગાડે છે. આવાં અટકચાળાંથી ઝઘડા થવાનો સંભવ રહે છે. ભારે આશ્ચર્યની વાત એ છે કે આવા પ્રકારનાં તોફાનો અને અત્યાચારો એ લોકો અહિંસા, આઝાદી અને સ્વરાજને નામે કરે છે. આવાં કારસ્તાનો અંગ્રેજી રાજ્યમાં શરૂઆતથી જ ગેરવાજબી ગણાયાં છે અને તેની મના છે. તેથી જ સરકારે એ કામને સિવિલ લાઈન્સમાં થવા દેવાની મના કરી છે. એ લોકો સિવિલ લાઈન્સ છોડીને બીજી કોઈ પણ જગ્યાએ વાવટા લઈ જઈ શકે છે. આ હુકમ થયો એટલે જે કમબખ્તો પોતાને નેતા કહેવડાવે છે અને જે બીજા લોકોને લડાવવામાં અને તોફાન મચાવવામાં જ મશગૂલ રહે છે, તેઓ કોણ જાણે કેવી દગાબાજીથી લોકોને બહેકાવીને એ હુકમ તોડવા માટે નાગપુર મોકલવા લાગ્યા છે.
“એ લોકો પોતાના ભલાભોળા ભાઈઓને ફસાવીને પોતે છેટા રહે છે અને બીજાઓની મદદ લઈને સરકારને સતાવે છે. એ સીધાસાદા લોકોને બિચારાઓને જેલની સજા અને દંડ થાય છે. સૌ ભલા માણસો અફસોસ કરે છે કે આ ગરીબ લોકોને પેલાઓએ શા સારુ ફસાવ્યા ? નરસિંગપુર જિલ્લામાંથી પચીસત્રીસ ગામડિયાઓને આ બદમાશોએ નાગપુર મોકલ્યા. ત્યાં એમને જેલ અને દંડની સજા થઈ અને એમની માલમિલક્ત લિલામ થવાનો વારો આવ્યો. એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હજી બીજા કેટલાક ગામડિયાઓને નાગપુર મોકલવાના છે. હવે સરકાર બહાદુરના હુકમથી ૧૪૩, ૧૧૭, ૧૮૮ અને ૧૨૦ બ કલમ મુજબ પોલીસ તપાસ કરી રહી છે, અને જેમ જેમ એ તપાસમાં માલુમ પડતું જશે તેમ તેમ એ કલમો પ્રમાણે લોકો ગિરફતાર થતા જશે. આયંદા કોઈ પણ શખ્સ ગુનો કરવાના ઇરાદાથી નાગપુર જવાનો હશે અથવા કોઈને પણ નાગપુર મોકલવાની કોશિશ કરતો હશે તેને તુરત જ ગિરફતાર કરવામાં આવશે. પણ સૌએ વિશ્વાસ રાખવો કે સરકારના હુકમોનો અમલ કરતાં અમે આવી રીતે ઠગાયેલા કમભાગીઓ ઉપર પહેલાંની માફક રહેમ રાખીશું અને દયા કરીશું.
“અમને સારી રીતે માલૂમ છે કે નરસિંગપુર જિલ્લામાં આવી બદમાસીથી ફસાનારા આદમી બહુ થોડા છે. પણ અમે જાણીએ છીએ કે ભલાભોળા, નાદાન ગામડિયા લોકો આ બાજીમાં ફસાય છે. એટલે અમે આ જાહેરનામાથી ખરી વાત લોકોને રોશન કરીએ છીએ.
“આયંદા જે લોકો કાનૂનભંગ કરશે તેના ઉપર કાયદેસર કામ ચાલશે પણ જેઓ કાનૂનની અંદર રહીને ચાલશે તેઓ પહેલાની માફક આઝાદ અને બેફિકર રહી શકશે જ. એટલે ભાઈઓ, દંગો અને તોફાનમસ્તી છોડી દો, આફતમાં ન પડો. આપણી સરકાર બહુ મજબૂત છે અને પોતાની પ્રજા ઉપર બહુ મહેર રાખનારી છે. તે હંમેશાં રૈયતના ભલાંને અને આઝાદીનો બંદોબસ્ત કરતી રહી છે. એ સરકારની સાથે લડવું ફોગટ છે. પણ જે કમબખ્ત લોકો ખેાટી રીતે લડશે તેમને નુકસાન પહોંચશે. તેઓ આફતમાં આવી પડશે. માટે સરકારની સાથે હળીમળીને રહો અને આઝાદીની સાથે બેફિકર, ખુશ અને મજામાં રહો.”

આવાં ફરમાનોમાં મધ્ય પ્રાંતના ગોરા સિવિલિયન અમલદારના માનસનું પ્રતિબિંબ પડે છે. આવાં જાહેરનામાં અને વર્તમાનપત્રોમાં આવતા ઉશ્કેરનારા લેખો જોઈ સેક્રેટરિયેટમાં કોઈ ડાહ્યા અમલદાર હશે તેને લાગ્યું કે આવો પ્રચાર કરવામાં તો બેવકૂફી થાય છે, સરકારની આબરૂ હલકી પડે છે અને લોકોને ઊલટું ઉત્તેજન મળે છે. એટલે એણે નાગપુરના કમિશનરને ખાનગી કાગળ લખીને ઠપકો આપ્યો. પણ પેલા સાહેબ એવા ઠપકાને ગાંઠે એવા નહોતા.

હવે સરકારી અમલદારોની પ્રવૃત્તિ છોડીને સ્વયંસેવકોની પ્રવૃત્તિ ઉપર આવું. ગુજરાતની પહેલી ટુકડી તા. ૧૧મી જૂને સુરતથી ઊપડી. જમનાલાલજીએ તા. ૧૮મી જૂને ગાંધીજીના કારાવાસ દિને સરકારને મોટો ભોગ ધરાવવાનો વિચાર રાખ્યો હતો અને તે પવિત્ર દિવસે બધા પ્રાંતો પોતપોતાના સત્યાગ્રહીઓનો ફાળો આપે એ હેતુથી દેશની સઘળી પ્રાંતિક સમિતિઓને આમંત્રણ આપ્યું હતું. તે આમંત્રણને માન આપી કર્ણાટકથી એક ટુકડી ડો. હાર્ડિકરની સરદારી નીચે અને તામિલનાડમાંથી શ્રી વરદાચારીની સરદારી નીચે સોળ સૈનિકોની એક ટુકડી નાગપુર પહોંચી હતી. ગુજરાતની ટુકડીમાંથી શ્રી ગોકુળદાસ તલાટી, રવિશંકર મહારાજ અને બીજાઓ મળી કુલ પંદર જણ તા. ૧પમીએ સત્યાગ્રહ કરીને પકડાયા. તેમને દરેકને છ માસની સખત કેદ અને એક માસની સાદી કેદ થઈ.

શ્રી ભક્તિલક્ષ્મીબહેન ખેડાની ટુકડીને વળાવવા નાગપુર સુધી અને ત્યાં પણ જેલના ઝાંપા સુધી ગયાં હતાં. મૅજિસ્ટ્રેટે સજા ફરમાવી ત્યારે એમણે વિનોદ કર્યો કે, ‘દરેકને છ છ લાડુ ખાંડના મળ્યા અને એક એક લાડુ ગોળનો મળ્યો.’ શ્રી ભક્તિલક્ષ્મીબહેનની સાથે ખેડા જિલ્લાની બીજી પણ ત્રણ બહેનો ગઈ હતી. તેમને સત્યાગ્રહ કરી જેલમાં જવાની બહુ હોંશ હતી. પણ જમનાલાલજીએ તેમને મના કરી અને છાવણીનું રસોડું સંભાળવાનું કામ સોંપ્યું.

નાગપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સિવિલ લાઈન્સમાં સરઘસબંધી અને સભાબંધી ફરમાવતો તા. ૧લી મેનો હુકમ બે મહિના માટેનો હોઈ હજી ચાલુ હતો. પણ નાગપુર શહેરમાં સૈનિકો વાવટા લઈને ફરતા તેમને રોકવા માટે તા. ૧૭મી જૂને પહેલા હુકમને બદલે બીજો હુકમ બે મહિનાને માટે કાઢવામાં આવ્યો, જેની રૂએ સરઘસબંધી અને સભાબંધી સિવિલ લાઈન્સ ઉપરાંત નાગપુર શહેરની આખી મ્યુનિસિપલ હદને લાગુ પાડવામાં આવી. તા ૧૮મી જૂને મોટા કાર્યક્રમનો કશો દેખાવ થતો રોકવાનો આમાં ઉદ્દેશ હોવો જોઈએ. તેથી જ જમનાલાલજી તથા ભગવાનદીનજીને તા. ૧૭મીએ સાંજે પકડી લીધા અને મધરાત પછી છાવણીને ઘેરો ઘાલી તા. ૧૮મીએ પરોઢિયે સાડાત્રણ વાગ્યે છાવણીમાં લગભગ અઢીસો જેટલા સૈનિકો હતા તે બધાને પકડી લીધા. એમાં વિનોબાજી પણ હતા. આ લોકો ઉપર કઈ કલમ લગાડવી એ પ્રશ્ન થઈ પડ્યો. જમનાલાલજી અને ભગવાનદીનજી ઉપર તો કાવતરું કરવાની વગેરે અનેક કલમો લાગુ પાડી. પણ સ્થાનિક તેમ જ બીજા પ્રાંતોમાંથી આવેલા સૈનિકોએ હજી કશો ગુનો કર્યો નહોતો, એટલે કઈ કલમ પ્રમાણે સજા કરવી એ મોટો પ્રશ્ન હતો. પણ સિવિલિયન અમલદારોનાં ભેજાં ફળદ્રુપ હતાં. તેમણે ૧૦૯મી કલમ શોધી કાઢી. જેને દેખીતી રીતે ગુજરાનનું કશું સાધન ન હોય અને જેને વિષે તે બદમાશ તથા ભામટો હોવાનો વહેમ જાય તેવાને માટે આ કલમ યોજાયેલી. ગુજરાનનું કાંઈ સાધન ન હોવું એ ગુનો નથી, પણ ભામટો એટલે રખડતો અને ગુજરાન મેળવવા જે મહેનત જ ન કરે તેવો, અને બદમાશ એટલે ગુજરાન મેળવવા અથવા બીજા હેતુ માટે લુચ્ચાઈ લંફગાઈ કરે તેવો, એવાને એ કલમ લાગુ પાડી શકાય. આ સૈનિકો જેમાંના ઘણા હાઈકોર્ટના વકીલો હતા, યુનિવર્સિટીની બબ્બે ડિગ્રીઓ ધારણ કરનારા હતા, વિદ્વાન અધ્યાપક હતા અને આબરૂદાર ખેડૂતો તથા પ્રતિષ્ઠિત વેપારીઓ હતા, જેમનો પરિચય થવાનો પ્રસંગ આવવો એ નાગપુરના અમલદારોએ પોતાનું અહોભાગ્ય સમજવા જેવું હતું, તેમને એ કલમ લાગુ પાડી ભામટાઓ અને બદમાશો ગણીને સજા કરવામાં આવી. આ કલમ લગાડવામાં સરકારનો એક બીજો હેતુ એ પણ હોઈ શકે કે કોઈક દિવસ વાવટાવાળા હુકમના ભંગ માટે સજા પામેલા સત્યાગ્રહીઓનો આંકડો કાઢવાનો પ્રસંગ આવે તો આ કલમવાળાને તેમાંથી બાતલ રાખી સત્યાગ્રહીઓની સંખ્યા ઓછી બતાવી શકાય.

જમનાલાલજી તથા બીજા આગેવાનો તેમ જ જમા થયેલા સૈનિકોને એકસામટા ઘેરીને પકડી લીધા છતાં સત્યાગ્રહી ધ્વજ-સૈનિકોનો પ્રવાહ ચાલુ રહ્યો. મધ્ય પ્રાંતના તેમ જ બીજા પ્રાંતના સૈનિકો નિયમિત આવતા તેમને હવે તે ૧૦૯ કલમ પ્રમાણે જ પકડી લેવામાં આવતા. આની સામે, તેમ જ જમનાલાલજી તથા ભગવાનદીનજીને તેઓ ગુનાનું કશું કૃત્ય કરે તે પહેલાં પકડી લીધા હતા તે બાબત વર્તમાનપત્રોમાં ખૂબ ટીકા થવા લાગી. એટલે સરકારે તા. ૨૮મી જૂનના રોજ એક યાદી બહાર પાડીને ખુલાસો કર્યો તેમાં ભગવાનદીનજીને ‘એક જાથુના કાયમી ચળવળિયા’ તરીકે, ‘રાજદ્રોહને માટે સજા પામેલા એક ગુનેગાર’ તરીકે અને ‘હડતાલ પડાવી નામચીન થયેલા એક શખ્સ’ તરીકે વર્ણવ્યા. તેમનો નવો ગુનો એ બતાવવામાં આવ્યો કે તેમણે ભરસભામાં જાહેર કર્યું હતું કે રાષ્ટ્રીય વાવટો સરકારી મહેલ ઉપર ઉડાવવો જોઈએ. જમનાલાલજીનું વર્ણન એ કર્યું કે, ‘શેઠ જમનાલાલ બજાજ વર્ધાના એક તવંગર મારવાડી અને ગાંધીના ચુસ્ત અનુયાયી’ છે. જાણે કે એમ હોવું એ તેમનો ગુનો હોય ! તેમનાં ભાષણોમાંથી આડાઅવળા ઉતારા લઈ તેમનો મોટો ગુનો એ કહેવામાં આવ્યો કે તેઓ સરકારને જબરા પડકાર આપતા હતા. વળી પોતાના ‘તરુણ મહારાષ્ટ્ર’ નામના મરાઠી પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘નાગપુરની લડત પૂરી થયા પછી સરકારના બીજા અન્યાય તરફ સત્યાગ્રહીઓ પોતાનું ધ્યાન ફેરવશે, કારણ સત્યાગ્રહનો મૂળ ઉદ્દેશ જ સ્વરાજ મેળવવામાં પડતાં તમામ વિઘ્નો ટાળવાનો છે.’ છેક તાજેતરના ભાષણમાં તેમણે જાહેર કર્યું છે કે, ‘નાગપુર પછી બંગાળમાં અને મદ્રાસમાં આવી જ ચળવળ ઉપાડવાનો તેમનો વિચાર છે.’ એ યાદીમાં આગળ જણાવ્યું છે કે, ‘સ્વરાજના વાવટાને એ લોકો ખોટી ઉશ્કેરણી કરવાના અને બહારવટું ખેલવાના એક સાધન તરીકે વાપરે છે.’ ઉપસંહારમાં યાદી જણાવે છે કે, ‘સત્યાગ્રહનો ખરો અર્થ તો સત્યનો આગ્રહ રાખવો એવો થાય છે. પણ નાગપુરમાં તો અજ્ઞાન અને અવળે માર્ગે ચઢેલા માણસોના હાથમાં ચોખ્ખું બહારવટું ઉશ્કેરવાનું એ એક ભૂંડું હથિયાર થઈ પડ્યો છે. સેંકડો ગરીબ અને અજ્ઞાન લોકોને, કેટલાકને પૈસાની લાલચ આપીને અને કેટલાકને તેઓ આપભોગ આપે છે એવું અંગત અને સૂક્ષ્મ રીતે સમજાવીને આ બહારવટામાં ભરતી કરવામાં આવ્યા છે.’

આ ખુલાસામાં દલીલને બદલે ગાળો જ દેખાય છે. મધ્ય પ્રાંતના તેમ જ બીજા પ્રાંતના સ્વયંસેવકોની નામાવલિ જોતાં જ તેઓ પૈસાની લાલચથી અથવા બીજી સમજાવટથી કેટલા ભરમાય તેવા હતા તે દેખાઈ આવે છે. તા. ૩જી જુલાઈએ ડૉ. ચંદુભાઈ દેસાઈની સરદારી નીચે ભરૂચ જિલ્લાની ૪૫ સૈનિકોની ટુકડી નાગપુર પહોંચી. શેની નાગપુર પહોંચી ? નાગપુર સ્ટેશન બે ત્રણ માઈલ છેટું રહ્યું ત્યાં અંજની નામના નાનકડા સ્ટેશને કે જેની નજીક જ નાગપુર જેલ આવેલી છે ત્યાં ગાડી થોભાવવામાં આવી. રેલના પાટાની બંને બાજુએ પોલીસ હારબંધ ગોઠવાઈ ગયેલી હતી. પોલીસ ટુકડીના વડાએ આવીને ડૉ. ચંદુભાઈને કહ્યું કે તમને અને તમારી ટુકડીને ગિરફ્તાર કરવામાં આવે છે. ૧૦૯ કલમ મુજબસ્તો. ગાડીમાંથી ઊતરી વરસતે વરસાદે એ ટુકડી કદમજોશ કરતી નાગપુર જેલમાં દાખલ થઈ ગઈ. પછી અમદાવાદથી બે ટુકડીઓ એક દયાશંકર ભટ્ટની સરદારી નીચે અને બીજી પરીક્ષિતલાલની સરદારી નીચે ઊપડી. આ બધી ટુકડીઓને નાગપુર સ્ટેશન પર ઊતરતાં જ ગિરફતાર કરવામાં આવી. આ દરમિયાન એક આંધ્રની, પાંચ બિહારની, બે સિંધની, બે મહારાષ્ટ્રની, એક પંજાબની, એક બંગાળની, બે કર્ણાટકની, બે સંયુક્ત પ્રાંતની, એક નિઝામ હૈદરાબાદની એમ ઉપરાઉપરી ટુકડીઓ પહોંચતી હતી અને ગિરફતાર થતી હતી. મધ્ય પ્રાંતમાં તો નાગપુર સત્યાગ્રહ કરવા જનારને સ્ટેશનેથી જ ટિકિટ ન મળે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને તેઓ પગરસ્તે પણ નાગપુર ન પહોંચી શકે માટે નાગપુર શહેરની આસપાસના પગરસ્તાઓ ઉપર પોલીસ બેસાડવામાં આવી હતી. અમદાવાદથી સુરેન્દ્રજીની સરદારી નીચે સાત જણની એક ટુકડી પગરસ્તે પ્રયાણ કરતી નીકળી પડી. ડૉ. ધિયાની સરદારી નીચે સમસ્ત ગુજરાતની એક ૪૮ જણની ટુકડી તા. ૩૧મીએ નાગપુર પહોંચી અને પકડાઈ ગઈ. એક વખત તો ફક્ત એક જ માણસ વાવટો લઈને જતો હતો તેને પણ પોલીસે પકડ્યો. મેજિસ્ટ્રેટને વિચાર થઈ પડ્યો કે આને શી રીતે સજા કરવી ? પછી સરઘસની વ્યાખ્યા કરવામાં આવી કે બે માણસ સાથે સાથે અથવા એકની પાછળ બીજો જતો હોય અને બેમાંથી એકના હાથમાં પણ વાવટો હોય તો એ સરઘસ કહેવાય.

હવે જરા જેલમાં ડોકિયું કરીએ. ’૩૦-’૩રમાં અને ’૪રમાં જેઓ જેલ ભોગવી આવ્યા છે તેમને નાગપુર જેલનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. જેલમાં કેદીઓના વર્ગ પાડી નાખવામાં આવતા. કેદી વધારે કામ આપે એવો હોય તે પહેલા વર્ગમાં અને એથી ઓછું કામ આપે એમ હોય તે બીજા વર્ગમાં અને એથીયે ઓછું કામ આપી શકે એવાને ત્રીજા વર્ગમાં રાખતા. રવિશંકર મહારાજ તો પહેલા વર્ગમાં હોય જ. એમને પાકું પચીસ શેર એટલે આપણું સવા મણ દળવાનું આપવામાં આવતું. બીજા વર્ગવાળાને પાકું પંદર શેર એટલે આપણું પોણો મણ દળવાનું હતું. નડિયાદવાળા ગોકળદાસ તલાટી જેવા બીજા વર્ગમાં હતા. ત્રીજા વર્ગવાળાને શણ કૂટવાનું અને એવાં હળવાં ગણાતાં કામ આપવામાં આવતાં. બીજું મુખ્ય કામ પથરા ફોડવાનું હતું. તેના પણ વર્ગ પ્રમાણે જુદાં જુદાં માપ નક્કી કર્યા હતાં. ખાવામાં એક વાર જુવારના રોટલા અને દાળ અને એક વાર જુવારના રોટલા અને ભાજી. દાળમાં દાળ શોધવા ડૂબકી મારવી પડે અને દાળને બદલે ઈયળ જડે. અને ભાજી એટલે છેક ઘરડાં થઈ ગયેલાં કોઈ પણ પાંદડાં. રોટલામાં કાંકરીનો શુમાર નહીં અને કાચા હોય તે જુદું. મોટી તકલીફ પાયખાનાની હતી. હારબંધ પાયખાનાં અને એને બારણાં ન મળે. નિયમ પાંચ મિનિટમાં પતાવી નાખવાનો પણ ત્રણ મિનિટ થાય ત્યારથી વૉર્ડર ઊઠો ઊઠોની બૂમ મારવા માંડે. આ તો ત્યાંના નિયમની વાત થઈ. પણ મોટી પજવણી તો કેદીઓ પાસે માફી મંગાવવા માટે થતા વૉર્ડરના નિષ્ઠુર પ્રયત્નોની હતી. કોઈ કેદી જરાક ઢીલોપોચો જોવામાં આવે કે વૉર્ડરો તેને વળગતા : ‘અબે, માફી શું કામ નથી માગી લેતો ? કાલે મરી જઈશ.’ એમ શરૂ કરીને બિવડાવવાની, પજવવાની, ત્રાસ આપવાની બધી યુક્તિઓ વૉર્ડરો વાપરતા. એમને એવી સૂચનાઓ જ અપાઈ હશે ને ? માફી મંગાવવાના પ્રયત્નમાં તો જેલના દાક્તર પણ સારો ભાગ ભજવતા. એમનામાં દયાનો છાંટો ન હતો. ગમે તે બીમારી હોય પણ એક જ શીશીમાંથી તે દવા પાતા. અને કોઈ પોતાની બીમારીની વાત કરવા જાય તો તરત કહે : “માંદો હતો તો અહીં શું મરવા આવ્યો છે ? માફી કેમ માગી લેતો નથી ?” આ ઉપરાંત નબળાપોચાને ગાળોથી નવાજવામાં આવે તે તો જુદું. વળી કામની વરદી પૂરી ન કરવા બદલ તો કેદીને કોઈ પણ ગુનામાં લાવી શકાય છે, તેવા ગુના બદલ હાથકડી, દંડાબેડી, આડીબેડી, તાટ કપડાં, અંધારી કોટડી, એવી એવી અનેક પ્રકારની સજાનો લાભ આપણા ભાઈઓને મળેલો. જ્યારે નાગપુર જેલમાં સંખ્યા વધી ગઈ ત્યારે સત્યાગ્રહી કેદીઓની ફેરબદલી આકોલાની જેલમાં કરવામાં આવેલી. ત્યાં પણ સ્થિતિ નાગપુર જેલ કરતાં સારી ન હતી, બલકે ખરાબ હશે. લડત કુલ ૧૧૦ દિવસ ચાલી. તેટલા વખતમાં ઝંડા સત્યાગ્રહીઓની સંખ્યા આશરે ૧૭૫૦ જેટલી થયેલી. તેમાંથી લગભગ ૨૦૦ જેટલા કેદીઓ પાસે માફી મંગાવવામાં જેલનું દુર્વતન સફળ થયેલું.

જમનાલાલજીની ગિરફ્તારી પછી તરત જ નાગપુરમાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી. નાફેરવાદી અને સ્વરાજ પક્ષ વચ્ચે એ વખતે તીવ્ર મતભેદ ચાલતો હતો. બંને પક્ષના નેતાઓ આ બેઠકમાં હાજર હતા. ઝંડા સત્યાગ્રહને સર્વ પ્રકારે મદદ કરવાનો ઠરાવ નાફેરવાદી પક્ષ તરફથી લાવવામાં આવ્યો હતો. આ બેઠક ચાલતી હતી તે જ દિવસે જમનાલાલજીનો કેસ ચાલ્યો હતો અને ચુકાદો આવવાનો બાકી હતો. જો સ્વરાજ પક્ષવાળા આ ઠરાવનો વિરોધ કરે તો સરકાર ચળવળને દાબી દેવા કડકાઈથી કામ લે અને ઠરાવને ટેકો આપે તો બીજાઓની માફક જમનાલાલજીને પણ દોઢ બે મહિનાની થોડી સજા થાય. સ્વરાજ પક્ષે ઝંડા સત્યાગ્રહને વખોડી કાઢ્યો અને તે જ દિવસે જમનાલાલજીને લગભગ બે વર્ષની સખ્ત સજા કરવામાં આવી. આ પછી બીજે દિવસે કૉંગ્રેસની કારોબારી (વર્કિંગ કમિટી) સમિતિની બેઠક થઈ. સ્વરાજ પક્ષવાળા તે વખતે ચાલી ગયા હતા.

કૉંગ્રેસ કારોબારીએ સરદારને લડતનું સંચાલન સોંપ્યું. કારોબારીના ઠરાવને માન આપી ગુજરાતના કામની ગોઠવણ કરી તેઓ તા. ૨૨મી જુલાઈએ નાગપુર પહોંચ્યા. નાગપુર પહોંચતાં જ મધ્ય પ્રાંતની સરકાર એમને પકડી લેશે એવી વાયકા જોરથી ચાલી રહી હતી. સરદાર પહેલાં નાગપુર ગયેલા ત્યારે એમનો ઉતારો એક શ્રી ટીકેકરને ત્યાં હતા. પણ આ વખતે સરદાર નાગપુર પહોંચે તે પહેલાં શ્રી ટીકેકરને પકડવાનું વારંટ નીકળ્યું, એટલે એ પોતાનું ઘર બંધ કરી ગામડે ચાલી ગયા. એટલે જમનાલાલજીનાં પત્ની શ્રી જાનકીદેવીએ ધનતોલી જે નાગપુરનું એક પરું છે ત્યાં સરદાર માટે ઘર ભાડે રાખી એમના ઉતારાની ગોઠવણ કરી હતી. જમનાલાલજીને સખ્ત સજા કરી, ટીકેકર ચાલી ગયા અને સ્વયંસેવકોની છવણી પર પોલીસે છાપો મારી તે કબજે કરી. એટલે નાગપુરમાં સરદારને એકલે હાથે કામ લેવું પડ્યું. સ્થાનિક કાર્યવાહકો બધા જેલમાં હતા. અને નાગપુરમાં સ્વરાજ પક્ષનું જોર વધારે હતું. એ લોકો બધા જ આ લડતની વિરુદ્ધ હોવાથી નાગપુરની બહારથી જ બધી મદદ મેળવી સત્યાગ્રહ ચલાવવો પડ્યો. ગુજરાત બહાર કામ કરવા જવાનો તેમનો આ પહેલો જ પ્રસંગ હતો. જતાં પહેલાં ગુજરાતીઓ આગળ ‘ભિક્ષાં દેહિ’ કહેતાં જણાવ્યું કે,

“ગુજરાતનો વિયોગ કેટલા કાળને માટે થશે એ તો પ્રભુ જાણે. બીજા પ્રાંતની સેવા કરવાની મને તક મળશે એ સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. ગુજરાતની મને ચિંતા નથી. પરંતુ મધ્ય પ્રાતમાં જઈ ને હું શું કરી શકીશ તેની મને ભારે મૂંઝવણ થાય છે. . . . આપણને સૈનિકોની ખોટ નહીં પડે. દરેક પ્રાંત સંખ્યાબંધ સૈનિક મોકલવા રાજી છે. પણ ત્યાંથી સૈનિકોને નાગપુર લાવવામાં લાખો રૂપિયા જોઈએ.”

એમ કહી મારવાડીઓને અને ગુજરાતીઓને લડતમાં નાણાંની ભીડ જરા પણ ન પડવા દેવા તેમણે અપીલ કરી અને તેમની પાસેથી નાણાં ઉઘરાવવાનું કામ ભાઈ મણિલાલ કોઠારીને સોંપ્યું. નાગપુર પહોંચી બધી પરિસ્થિતિ તપાસી લીધી અને કામ વ્યવસ્થિત ગોઠવી દીધું. તે સંબંધમાં ત્યાંથી એક કાગળમાં લખ્યું છે :

“અહીં આવીને દરેક પ્રાંત માટે સ્વયંસેવકો મોકલવાની સંખ્યા અને તારીખો ગાઠવી તે તે પ્રાંતોને ખબર આપી દીધી છે. તે પ્રમાણે સ્વયંસેવકો આવતા રહેશે તો રોજ ઓછામાં ઓછા પચાસ સૈનિકો સ્ટેશન પર પકડાશે. ચાર પાંચ દિવસ રાહ જોઈ આ ક્રમમાં કોઈ ફેરફાર કરવા યોગ્ય લાગશે તે કરશું.”

પછી થોડા જ દિવસમાં શ્રી વિઠ્ઠલભાઈ પણ નાગપુર પહોંચી ગયા. એ વખતે નાગપુરમાં ધારાસભાની બેઠક થવાની હતી. ધારાસભા મારફત આ લડતને ટેકો મળે એ માટે સ્વરાજ પક્ષના પોતાના સાથીઓને મદદ કરવાના હેતુથી તેઓ નાગપુર આવેલા.

સુરતથી ડો. ઘિયાની સરદારી નીચે ગયેલી ટુકડી પકડાયા પછી ડૉ. કાનુગા અમદાવાદની એક ટુકડી લઈને જવા તૈયાર થયા અને પૂ. કસ્તૂરબા બહેનોની ટુકડી લઈને જવા તૈયાર થયાં. તા. ૧૮મી ઑગસ્ટે કારાવાસ દિને મોટો કાર્યક્રમ રાખવાનો હતો, તે દિવસે તમારે નાગપુર પહોંચવું, એવો વાયદો તેમને આપ્યો.

આ અરસામાં નાગપુરથી મહાદેવભાઈ ઉપર લખેલા એક કાગળમાં આખી પરિસ્થિતિનું સરદારે આબેહૂબ ચિત્ર આપ્યું છેઃ

“. . . લડત બહુ જ સુંદર છે. જો પ્રજા એકમત થઈ શકે તો એક અઠવાડિયામાં સરકારનો નાકમાં દમ લાવી શકાય. પણ હમણાં તો છત્રીસ રાગનું વાજું લાગે છે, ત્યાં નાગપુરનો અવાજ કોણ સાંભળવા દે છે. તમામ અંગ્રેજી છાપાં તો વિરુદ્ધ અગર બેપરવા થઈ બેઠેલાં છે. આગેવાનો પોતપોતાના વિચારના મમતે ચઢેલા છે. સરકારની આ પ્રાંતમાં કડકાઈ ખૂબ છે. સ્થાનિક કાર્યવાહકો બધા જ પકડાઈ ગયા છે. અહીંની પ્રાંતિક સમિતિ તો પ્રથમથી જ અલગ રહેલી છે. આ સંજોગોમાં લડત લડવાની છે. દાસબાબુ વિરુદ્ધ થઈ બેઠેલા છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી તા. ૨૮મીએ રાખેલી તે મુંબઈથી વિઝાગાપટ્ટમ ઘસડી ગયા. તારીખ પણ ફેરવી નાખી. વળી પાછી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી રાખી; બધાને ત્યાં લાવવાનું કર્યું. આટલી બધી મુશ્કેલીઓ છતાં પાછું નાગપુર તરફ સૌનું લક્ષ ખેંચાય તેમ કરવાનું રહ્યું. સરકારને ખબર પડી ગઈ છે કે પાછું સળગ્યું. માણસો ગોઠવણ પ્રમાણે ખૂબ આવવા લાગ્યા છે. ત્રીજી તારીખે સી. પી. સરકારની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ છે, અને છઠ્ઠીએ ધારાસભા છે. ધારાસભામાં આ સવાલ ચર્ચાવાનો તો છે જ, પણ કાંઈ ઉકાળી શકે એમ નથી. માત્ર સરકારને આપણી સામે બખાળા કાઢવાની તક મળશે. છતાં તે વખતે સરકારનો ઈરાદો જાણવાની આપણને પણ તક મળશે. ધારાસભાની બેઠક પહેલાં લડત ખતમ કરવાની જે ઉમેદ રાખતા હતા તેમાં તે ફાવ્યા નથી. આ બધું કાંઈ છાપી મારવાનું નથી. . .
“આવતી અઢારમીને માટે એક સારી ટુકડી તૈયાર કરવાની છે. કેટલા મોકલવા એ પછી લખીશ. સુરતથી ચિનાઈ તો તૈયાર જ છે. એ આગેવાન થઈ શકે છે. સુરતમાં બીજા ૨૦-૨૫ સૈનિકો પણ છે. બીજા મેળવવા તજવીજ કરવાની છે.
“પૈસાને માટે એક બે અંકમાં હજી અપીલ કરવાની છે. સરસ અપીલ છાપીને મૂકજો. સૈનિકોની માગણી કર્યા કરજો.
“મને હજી પકડે એમ લાગતું નથી. પહેલાં તો ખાસ કારણ નહોતું. હવે જાગતું થયું છે, એટલે વિચાર કરશે. પણ ધારાસભા પૂરી થતાં સુધી તો કાંઈ નહી કરે એમ માનું છું. . . .
“દેવદાસને કેવળ છાપખાનામાં પૂરી મૂક્વાનું ન કરશો. થોડો થોડો બહાર ફેરવો. ગુજરાતને હજી એનું એાળખાણ નથી થયું. તક જ મળી નથી. જેલમાં ચંદુભાઈ અને પંડ્યાને મળ્યો. બંનેને સામાન્ય કેદીની માફક જ રાખ્યા છે. તેમની પાસે છાપખાનાનું કામ લે છે. આનંદમાં છે. અમલદારની પ્રીતિ સંપાદન કરી છે. તબિયત મઝામાં છે.
“દેવદાસ અને તમે ઘેર જતા રહેજો. છોકરાંને સૂનું ન લાગે તે જોશો. મણિબહેન કેમ રોઈ એ હું સમજતો નથી. હવે તો રોવાનું હોય જ નહીં. એનામાં તો ખૂબ હિંમત છે. મધ્ય પ્રાંતમાં લોકોને જેલમાં જવાની સલાહ આપી, પછી રોવાય જ કેમ ?

“પૂ. બાને કહેજો કે જેલની તૈયારી કરે. ગુજરાતની બહેનોને આવતી અઢારમીએ નાગપુર આવવાની એક અપીલ બહાર પાડી શકાય તો બાની સહીથી બહાર પાડો.
“સત્તરમીએ હુકમની મુદત પૂરી થાય છે. એ જો પાછા લંબાવે તો અઢારમીએ સ્ત્રીઓનું બલિદાન શરૂ કરવું જોઈએ. દેશને જાગ્રત કરવાનો એ સરસ રસ્તો છે. આપણે તો સરકાર હુકમ લંબાવશે એમ જ માનવું જોઈએ. ન લંબાવે તો કેદીઓને શું મોઢું લઈ જેલમાં રાખી શકૈ ?
“આશ્રમમાં સૌને યાદ કરજો. પૂ. બાને પ્રણામ કહેશો.”

નાગપુરમાં એક દિવસ છૂટીને આવેલા કેટલાક કેદીઓના માનમાં સભા થઈ છૂટનારાઓએ બહુ રોષથી ભરેલાં તીખાં ભાષણ કર્યા. સરદાર સભામાં હાજર હતા. આ લડત વિનયપૂર્વક ચાલે એ સંભાળવા તો તેઓ ત્યાં હતા. પેલા ભાઈને અને તેમને નિમિત્તે આખી સભાને આપણી લડતના સિદ્ધાંતો સાફ સાફ સમજાવવાની સરદારે તક લીધી :

“આજે જેલમાંથી સજા ભોગવી આવેલા ભાઈઓએ આપણને કેટલીક વાતો કહી. એમના દિલમાં ભારે રોષ ભરલો છે, જેલમાં આપવામાં આવતાં કષ્ટો તેમણે સભ્યતા છોડીને આપણી આગળ કહ્યાં. અંદર જે અમાનુષી વર્તન ચાલી રહ્યું છે તેનું વર્ણન તેમણે બહુ આવેશમાં આવીને કર્યું.
“પણ આપણે આવું બોલીએ તો સરકારી નોકરીને મુકાબલે આપણે શા સારા ? એ તો નોકરીમાં છે, આપણે સ્વતંત્ર છીએ. એ લોકોનો વિચાર કરવાને બદલે આપણે શું કર્યું તેનો વિચાર કરો. આપણે તેમને ગાળો દઈએ, તેમના દોષ જોઈએ, તે પહેલાં આપણે આપણો પોતાનો વિચાર કરી લેવો જોઈએ. આપણે લાયકાત મેળવી કર્તવ્યપરાયણ થવું એ જ આપણો ધર્મ છે.
“જેલમાંથી છૂટી આવેલા ભાઈઓને મારી સલાહ છે કે તેમણે પ્રજાને પ્રેમ અને ધર્મના પાઠ સમજાવવા. એ જ તમારું પરમ કર્તવ્ય છે. પરમાત્મા તમને આવાં સત્ય અને ધર્મનાં યુદ્ધો લડવાનું આપે.”

ઑગસ્ટના આરંભમાં મધ્ય પ્રાંતની ધારાસભાની બેઠક થઈ. તેમાં આ લડત વિષે ગવર્નર સાહેબે પોતાના પ્રારંભિક ભાષણમાં કહ્યું :

“જે લોકો સરકાર સાથે કોઈ પણ જાતનો સહકાર ન કરવાની ગાંઠ વાળી બેઠા છે તેવા લોકો તરફથી કાયદાભંગ ચાલી રહ્યો છે. . . . મારા જાણવા પ્રમાણે એકે સુધરેલો દેશ એવો નથી, જ્યાં સરઘસો લઈ જવાનો નિરંકુશ હક લોકોને હોય. જિલ્લા મૅજિસ્ટ્રેટે નાગપુરના મનાઈ કરેલા વિસ્તારમાં કોઈ પણ સરઘસને માટે પ્રતિબંધ કર્યો નથી, પોતાની રજા વિનાનાં સરઘસનો પ્રતિબંધ કર્યો છે. તે એટલા જ હેતુથી કે તેથી લોકોના કોઈ પણ વર્ગની હેરાનગતિ ન થાય. આ હિલચાલને લીધે અવળે રસ્તે દોરવાયેલા પુષ્કળ લોકોને કેદમાં પૂરવા પડ્યા છે તેથી સરકારને ખેદ થાય છે. પણ કાયદાની વ્યવસ્થિત અવગણનાનો સજા સિવાય બીજો ઉપાય નથી. આ સરકારને આ ચોખ્ખી સવિનય ભંગની હિલચાલ લાગે છે. સરકારની સત્તા ઉથલાવી નાખવાનો જ આ પ્રયત્ન છે. સરકારનો નિશ્ચય છે કે કાયદેસર સત્તાને આપવામાં આવેલા પડકારને, તેને ઊંધી વાળવાના આ પ્રયત્નનો, પોતાનાં તમામ સાધનોથી પ્રતિકાર કરવો. સરકારને વિશ્વાસ છે કે સરકારની આ નીતિમાં કાયદાને માન આપનારા સૌ નાગરિક, ધારાસભાના સભ્યો સુધ્ધાં, સરકારને ટેકો આપશે.”

ગવર્નર સાહેબે આવી સલાહ આપવા છતાં શ્રી વિઠ્ઠલભાઈના પ્રયાસથી ધારાસભામાં ઠરાવો આવ્યા કે (૧) રાષ્ટ્રધ્વજની લડતને અંગે જે મુકદ્દમા ચલાવવામાં આવે છે તે બધા પાછા ખેંચી લેવા અને નાગપુરની ટિકિટ લેતાં કોઈ ને અટકાવવા નહી. (૨ ) ૧૪૪મી કલમ મુજબ નાગપુરમાં ઝંડાનાં સરઘસ અટકાવનારો હુકમ તરત પાછા ખેંચી લેવો. (૩) એ લડતને અંગે પકડાયેલા અને સજા ભોગવતા સઘળા કેદીઓને બિનશરતે છોડી મૂકવા. આ ઠરાવ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રીએ સાફ જણાવ્યું કે, ‘વાવટાની સામે કોઈ વાંધો નથી, કોઈ પણ પ્રકારનાં સરઘસ કાઢવાની બાબતમાં નિયમ કરવાનું સુધરેલી સરકારનું કામ છે. જો રજા માગવામાં આવે તો સરઘસ લઈ જવાની જરૂર પરવાનગી મળે.’ તેમણે એ પણ ઉમેર્યું કે, ‘સરઘસબંધીના હુકમની મુદ્દત આવતી ૧૭મીએ પૂરી થાય છે. તે દરમિયાન કશાં દંગાતોફાન ન થાય તો કાયદા પ્રમાણે પણ તે હુકમ ચાલુ રહી શકે નહીં.’ ઠરાવ ૩૧ વિ○ ર૭ મતે પસાર થયો. પણ જ્યાં સુધી સવિનભંગ બંધ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઠરાવના અમલનો વિચાર ન થઈ શકે એમ કહી ગવર્નર સાહેબે પોતાની ખાસ સત્તાની રૂએ ધારાસભામાં બહુમતીથી પસાર થયેલો ઠરાવ રદ્દ કર્યો. આમ શ્રી વિઠ્ઠલભાઈના પ્રયત્ન નિષ્ફળ જવાથી ધારાસભાવાદીઓ નિરાશ થયા.

ગવર્નર સાહેબ અને હોમ મેમ્બરે ધારાસભાના સભ્યોને તો ઉડાવ્યા, પણ બંનેને લાગવા માંડ્યું હતું કે લડતનું જોર વધતું જાય છે અને બહારથી પ્રતિષ્ઠિત લોકો આવી નાગપુરની જેલો ભરી રહ્યા છે, એટલે લડતનું સમાધાન થાય તો સારું. એટલે ત્યાંના ગૃહમંત્રી તરફથી ગવર્નર સાથે સરદાર તથા શ્રી વિઠ્ઠલભાઈની મુલાકાત તા. ૧૩મીએ ગોઠવવામાં આવી. બંને પક્ષે પોતપોતાનાં દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કર્યા, એથી આગળ કશુંયે મુલાકાતમાં નક્કી થયું નહીં અને શ્રી વિઠ્ઠલભાઈએ સમાધાનીની ઉમેદ છોડી દીધી. સરઘસબંધીના હુકમની મુદ્દત પૂરી થતાં સરકાર નવો હુકમ કાઢશે એમ ગવર્નરની મુલાકાતમાં ચોક્કસ લાગ્યું. વળી એમ પણ ચોક્કસ જણાયું કે નવો હુકમ કાઢતાંની સાથે સરદારને જ પહેલા પકડવામાં આવશે. ધારાસભાની બેઠક પૂરી થયા પછી શ્રી વિઠ્ઠલભાઈને લાગ્યું કે હવે ત્યાં વધુ રોકાવાથી એમની સ્થિતિ કફોડી થશે અને પોતે કાંઈ કરી શકશે નહીં. એટલે ગવર્નરની સાથે મુલાકાત થઈ ગયા પછી તેમણે મુંબઈ પાછા જવાનો નિર્ણય કર્યો.

બીજી બાજુ, ધારાસભામાં જે ભાષણો થયાં હતાં તેમાં સત્યાગ્રહની લડતને ખોટા રૂપમાં વર્ણવવામાં આવી હતી અને લોકોમાં ગેરસમજૂતી થાય એવો પ્રચાર સરકાર તરફથી કરવામાં આવતો હતો. એટલે કૉંગ્રેસની નીતિ સાફ કરવાને ખાતર કારોબારી સાથે મસલત કરીને નવો હુકમ બહાર પડે તે પહેલાં સરદારે નીચે પ્રમાણે નિવેદન તા. ૧૬ મીએ બહાર પાડ્યું :

“સરઘસબંધીનો હુકમ આવતી કાલ, તા. ૧૭મીએ ખલાસ થાય છે. તા. ૧૭મીએ હમેશની માફક ત્રણ જણની ટુકડી નહીં જતાં પાંચ જણાનું સરઘસ સિવિલ લાઈન્સમાંથી થઈને સદર બજાર જવા નીકળશે. રસ્તો, વખત અને બીજી બધી સૂચનાઓ સ્વયંસેવકોને જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં બતાવેલાં છે. સ્વયંસેવકોને જો સત્તાવાળા રોકશે તો લડતનું નવું પાસું શરૂ થવાનું. પ્રજાને મારી વિનંતી છે કે કોઈએ અધીરા ન થવું, શું થાય છે તે જોવું. દરમિયાન, કેટલેક ઠેકાણે — સરકારના મનમાં પણ — કૉંગ્રેસના ધોરણ વિષે જે ખોટા ખ્યાલ અને ગેરસમજો ઊભાં કરવામાં આવ્યાં છે તેનો, કૉંગ્રેસની કારોબારી સમિતિએ મને આપેલી સત્તાની રૂએ હું ખુલાસો કરવા ઇચ્છું છું.
“ખુદ મધ્ય પ્રાંતના ના○ ગવર્નર સાહેબ જેવા માણસે આપણ અસહકારીઓ ઉપર એવું આળ ચઢાવેલું છે કે આપણે ગમે તે જાહેર રાહદારીના રસ્તાઓને કોઈ પણ જાતના અંકુશ વગર આપણાં સરઘસ માટે વાપરવાના, કોઈ પણ સુધરેલા દેશમાં નહી સાંભળેલા એવા, હકનો દાવો કરીએ છીએ. કારોબારી સમિતિએ મને જાહેર કરવાનો હુકમ કર્યો છે કે એવું કશું નથી. રાહદારી અને સરઘસોને માટે કોઈ કાયદાની ખરેખરી જરૂર હોવા વિષે માણસ ઘડી માટે ઇનકાર ન કરી શકે. પણ નાગપુર સત્યાગ્રહની લડત વિષે હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે તે તો ગેરવાજબી બંધીઓ અને કાયદાના વ્યભિચારથી અંતરાતા અમારા જન્મસિદ્ધ હક્કનું રક્ષણ કરવા ખાતર જ શરૂ કરવામાં આવી છે. વિશેષમાં કારોબારી સમિતિએ મને એમ સ્પષ્ટ કરવાનું પણ કહ્યું છે કે સરઘસોના યોજકોનો ઇરાદો પ્રજાના કોઈ પણ વર્ગને તકલીફ આપવાનો છે જ નહી. આ બાબત અનેક જવાબદાર નેતાઓએ પોતાનાં ભાષણો અને લખાણોમાં સ્પષ્ટ કરેલી છે. નાગપુર ઝંડા સત્યાગ્રહ સમિતિએ પણ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો તે અગાઉ એપ્રિલ માસમાં પોતાની પહેલી જ પત્રિકા છપાવીને નાગપુરમાં છૂટથી વહેંચાવેલી તેમાં એ બાબત સ્પષ્ટપણે નમૂદ કરેલી છે. રાષ્ટ્રીય ઝંડાનાં સરઘસો યુનિયન જૅકનું અપમાન કરવાના આશયથી કાઢવામાં આવે છે એવું મધ્ય પ્રાંતના સરકારી સભ્યે કહેલું છે તેનો ભારપૂર્વક ઇનકાર કરવાનું પણ મને કારોબારી સમિતિનું ફરમાન છે.”

આ નિવેદન પ્રસિદ્ધ થવાથી ગવર્નરના ધારાસભાના ભાષણમાં સત્યાગ્રહની લડતના સંચાલકોની સામે જે ખોટા આરોપ મૂકવામાં આવ્યા હતા તે બધાનું પોકળ જાહેર થઈ ગયું અને સરકારી મંડળમાં ખળભળાટ થયો. બીજે દિવસે નવો મનાઈ હુકમ કાઢવાનો હતો તે ન કાઢવામાં આવે તો સરકારની હાર થાય, અને જો કાઢવામાં આવે તો લડત વધારે જોસથી ચાલે અને તેનો બોજો સરકાર ઉપર પડે એવી સ્થિતિ ઊભી થઈ. એટલે તા. ૧૬મીએ સાંજે જ ગૃહમંત્રી સરદારને મળ્યા અને સમાધાનની વાતો કરી. તેમણે સૂચવ્યું કે તા. ૧૮મીનું સરઘસ સિવિલ લાઈન્સમાંથી પસાર થવા દેવામાં આવે તો તમારે લડત બંધ કરવી. સરદારે કહ્યું કે એકલું સરઘસ પસાર થાય તેથી લડત બંધ થાય નહીં. લડતમાં જેટલા કેદીઓને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને છોડી મૂકવાની ખાતરી મળવી જોઈએ અને સરઘસ પસાર થયા પછી લડત બંધ કરવાનું જાહેર કરવામાં આવે પછી તરત જ કેદીઓ છૂટી જવા જોઈએ. આ બધી શરતો ગૃહમંત્રીને કબૂલ હતી અને સામસામે ખાનગી લખાણ થતા પહેલાં તેઓ ગવર્નરની સંમતિ લઈ આવ્યા. પછી તેમણે મધ્ય પ્રાંતની સરકાર તરફથી આ પ્રકારની શરતોનું પાલન કરવાની સરદારને લેખી ખાતરી આપી. આ સમજૂતી થઈ ગયા પછી ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈને છેવટના મળી લેવાની ઈચ્છા બતાવી. વિઠ્ઠલભાઈ તે જ દિવસે મેલમાં મુંબઈ જવા ઊપડવાની તૈયારીમાં હતા ત્યાં ગૃહમંત્રી તેમને મળ્યા અને સમાધાનીની બધી વિગતો તેમને જણાવી. સાથે સાથે બેઉ પક્ષ વચ્ચે એ પણ સમજૂતી કરવામાં આવી કે સમાધાનનો પૂરો અમલ થઈ જતાં સુધી બેઉ પક્ષમાંથી કોઈ એ છાપાંમાં કશી વાત બહાર પાડવી નહીં. આમ સમાધાન થયું એટલે સરદારે તાર કરીને બહારથી આવતા સૈનિકોને રોક્યા. ડૉ. કાનુગાને તથા કસ્તૂરબાને પણ થોભી જવાના તાર કરી દીધા.

તા. ૧૭મીએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના ૧૪૪ કલમ નીચેના મનાઈ હુકમની મુદત પૂરી થઈ અને સમજૂતીની રૂએ તે હુકમ ફરી ચાલુ ન કર્યો. પણ એને બદલે પોલીસ ઍક્ટની રૂએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો એક હુકમ નીકળ્યો કે સિવિલ લાઈન્સમાંથી તેની રજા વિના કોઈ સરઘસ કાઢવું નહીં. આ હુકમ જોઈ સરદારને આશ્ચર્ય થયું. તેમને વિચાર આવ્યો કે બાજી બદલાઈ હશે કે શું ? સરકાર નમતું આપવાને તૈયાર નહીં હોય ? સરઘસ માટે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની પરવાનગી આપણે નહોતા માગતા તો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પરવાનગી માગવાની તો શાની જ હોય ? સરદારે વિચાર્યું કે આખી પરિસ્થિતિ .



બદલાઈ છે માટે આપણે સિવિલ લાઈન્સમાંથી સરઘસ લઈ જવાના છીએ તેની પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અગાઉથી ખબર આપવી એ ઠીક છે. એટલે તા. ૧૮મીએ સરઘસ નીકળતા પહેલાં એને નીચે પ્રમાણે કાગળ લખ્યો. આ કાગળ આગળ ઉપર ચર્ચાનો વિષય થઈ પડ્યો છે તેથી આખો શબ્દેશબ્દ અહીં આપ્યો છે :

“ધિ ડિસ્ટ્રિટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ,
નાગપુર
“સાહેબ,
આ ઉપરથી તમને હું ખબર આપું છું કે હું આજે તા. ૧૮મી ઑગસ્ટ, ૧૯૨૩ના રોજ શહેરમાં અને સિવિલ લાઈન્સમાં સરઘસ કાઢવાનો છું. સરઘસનો વખત અને માર્ગ છાપેલી સૂચનાઓમાં દર્શાવેલ છે તેની નકલ તમારી જાણ માટે આ સાથે મોકલું છું.
સેવક,
વલભભાઈ ઝ○ પટેલ”
 


સરઘસને માટે સૂચનાઓ
૧. સરઘસના નાયકની પાસે રાષ્ટ્રીય ઝંડો હોય અને બીજા બધા સ્વયંસેવકો છાતી પર ઝંડાનો ચાંદ ધારણ કરે.
૨. જે રસ્તાઓ પરથી સ્વયંસેવકોનું સરઘસ પસાર થાય તે રસ્તાઓ પર જનારા આવનારાઓને કે આસપાસ રહેનારાઓને માઠું લાગે એવી વિનાકારણ ગીરદી ન કરવી.
3. કચેરીના મકાનથી ખ્રિસ્તી દેવળ સુધી આપણા સરઘસના કાર્યકર્તાઓએ એવી જાતની વ્યવસ્થા રાખવી કે જેથી આપણા દેશના ગોરા વસનારાઓની લાગણીઓનો આપણે પૂરતો ખ્યાલ રાખીએ છીએ તે દેખાઈ આવે.
સરઘસનો રસ્તો — સરઘસ હમેશની માફક ઝંડા પુલ ઉપર થઈને જિલ્લા કચેરી, જ્યૂડિશિયલ કમિશનરની અદાલત અને સેક્રેટેરિયેટનાં મકાન પાસેથી નીકળી, ચાર રસ્તાના ખૂણા પર આવેલા લાલ બંગલાની પાસે થઈ જમણા હાથની સડક પર થતું ત્યાંથી કમિશનરની ઑફિસની સામે થઈ તેલનખેડી તળાવની ઉત્તર તરફની સડકને રસ્તે સદર બજાર જાય. []
સમય — સરઘસ બપોરના બાર વાગ્યે રાષ્ટ્રીય ઝંડા સત્યાગ્રહ ઑફિસથી રવાના થશે અને બે વાગ્યાના સુમારે સદર બજાર પહોંચશે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના હુકમથી આજના પરિણામ વિષે સરદારના મનમાં થોડો વસવસો હતો. પણ શું કરવું તે વિચારવાનું સરકારનું કામ હતું. આપણો કાર્યક્રમ તો નિશ્ચિત હતો.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો આ હુકમ નીકળવાનું કારણ તો પાછળથી માલૂમ પડ્યું. પેલા નાગપુરના કમિશનરની આંખમાં ધૂળ નાખી સમાધાનીની બધી વાત એનાથી છૂપી રાખવાનો ગવર્નર અને ગૃહમંત્રીનો પેચ હતો. કમિશનર, પોતે જેમને બળવાખોરો માનતો હતો તેમની સાથે સમાધાન કરવાનો સખત વિરોધી હતો. સિવિલ લાઈન્સમાંથી સરઘસ પસાર થાય તો તેનો બંગલો રસ્તામાં આવતો જ હતો. અને તે વખતે સરઘસ ઉપર પોતે ગોળી ચલાવશે એવી ખુલ્લી ધમકી તેણે ઘણી વાર આપી હતી. તા. ૧૮મીનું સરઘસ નીકળ્યું ત્યારે કેટલાક અમલદારો એને સિવિલ લાઈન્સને બીજે છેડે જ્યાં ગોરાઓની ક્લબ હતી ત્યાં લઈ ગયા અને સરઘસ સિવિલ લાઈન્સમાંથી પસાર થઈ ગયું ત્યાં સુધી અગાઉથી ગોઠવ્યા પ્રમાણે તેને રમતમાં રોકી રાખ્યો.

નક્કી કર્યા પ્રમાણે બપોરના બાર વાગ્યે સો સ્વયંસેવકો સ્થાનિક નેતા પં○ માખનલાલ ચાતુર્વેદીની સરદારી નીચે રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા. નિયમિત અંતરે અને ગંભીર અવાજે મહાત્મા ગાંધીજી કી જય અને બીજાં રાષ્ટ્રીય સૂત્રો તેઓ પુકારતા ચાલતા હતા.

રેલવે પુલ જેને આ લડતને કારણે ઝંડા પુલ કહેવામાં આવતો અને જ્યાં પહોંચતાં જ સ્વયંસેવકોને પકડવામાં આવતા ત્યાં પોલીસની ટુકડી સજ્જ થઈ ને ઊભી હતી. પણ તેમણે કાંઈ કર્યું નહીં. ઝંડા ચોક જ્યાં અનેક સ્વયંસેવકોનાં બલિ ચઢ્યાં હતાં તે આવ્યો. તેમાં પણ પોલીસની ટુકડી ઊભી હતી. ત્યાંથી પણ સરઘસ પસાર થઈ આગળ ચાલ્યું.

આખે રસ્તે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઘોડેસવાર ટુકડી સાથે સરઘસની સાથે ચાલતો હતો. રસ્તાની બંને બાજુ પોલીસની હારો ગોઠવવામાં આવી હતી. તેમની વચ્ચે થઈને જયજયકારના પુકાર કરતું ઝંડા સરઘસ પત્રિકામાં સૂચવેલે રસ્તે થઈ સદર બજાર પહોંચી ગયું. વચમાં ખ્રિસ્તી દેવળ આવ્યું ત્યાં આગળ સ્વયંસેવકો એ પૂરેપૂરા ગાંભીર્ય સાથે શાંતિ રાખી. સદર બજારમાં સરઘસ વિસર્જન કરવામાં આવ્યું.

રાત્રે ટાઉન હૉલના મેદાનમાં પં○ માખનલાલના પ્રમુખપણા નીચે જાહેરસભા થઈ. તેમાં પોતાની તબિયત ઠીક નહીં હોવાથી બહુ ટૂંકું ભાષણ આપતાં સરદારે જાહેર કર્યુ કે :

“રાષ્ટ્રીય ધ્વજની પ્રતિષ્ઠા આખરે કબૂલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ ઉપરથી શાન્તિપૂર્વક અને વ્યવસ્થિત રીતે રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ લઈ જવાનો આપણો હક્ક આપણને પાછો પ્રાપ્ત થયો છે. આને હું સત્ય, અહિંસા અને તપનો વિજય માનું છું. એટલે ઈશ્વરકૃપાથી હવે હું જાહેર કરી શકું છું કે, નાગપુર સત્યાગ્રહના આજના પુણ્ય દિવસે, મહાત્મા ગાંધીજીના ઉપદેશના ભાવ અને અક્ષર અનુસાર વિજયી અંત થાય છે. આજ સંધ્યાકાળથી આપણો ધ્વજ સત્યાગ્રહ રીતસર બંધ થયેલો હું જાહેર કરુ છું.”

પછી જે વીર ભાઈઓ અને બહેનોએ દેશની ખાતર અને રાષ્ટ્રની ખાતર અને રાષ્ટ્રધ્વજની ખાતર દુઃખ વેઠ્યાં હતાં, તે વખતે પણ વેઠી રહ્યાં હતાં અને લડત આગળ ચાલી હોત તો વેઠવાને કમર કસી હતી તે સૌને અંતરના ઊંડાણમાંથી ધન્યવાદ આપ્યા અને જેમણે લડત ચલાવવામાં તથા તેનો વિજયી અંત આણવામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ મદદ કરી હતી તેમનો જાહેર રીતે આભાર માન્યો. ત્યાર બાદ રાજેન્દ્રબાબુ જેઓ સરદારના પકડાઈ જવાની વાત સાંભળી નાગપુર આવી રહ્યા હતા તેમણે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું.

પણ લડતમાં વિજય મળ્યો તેથી સરદારની ઉપાધિઓનો અંત ન આવ્યો. ખરી રીતે તો પછી જ તેમની ઉપાધિઓ શરૂ થઈ. અત્યાર સુધી સૈનિકોને બોલાવી તેમને પકડાવી દેવાના હતા. એ કામ સહેલું ગણાય. પણ લડતમાં વિજય થયો એમ જાહેર કરતાંની સાથે લાગતાવળગતા અને ટીકાકારો એમની ઉપર તૂટી પડ્યા. પહેલાં તો પોલીસવાળા કહેવા લાગ્યા કે, “અમારી પરવાનગીથી અમારા બંદોબસ્ત પ્રમાણે જ અમે સરઘસને સિવિલ લાઈન્સમાંથી પસાર થવા દીધું છે.” તોફાન અને મારઝૂડ કરવાને ટેવાયેલી પોલીસને સરઘસ શાંતિથી પસાર થયું તે ‘આરંભથી તે અંત સુધી સરઘસ તો એક સ્મશાન યાત્રા જેવું લાગ્યું. સરઘસમાંના ઘણા તો શું થઈ રહ્યું છે તે જાણતા જ ન હતા અને તેઓ પકડાવાના છે કે નહીં તેની પણ તેમને ખબર નહોતી.’ 'પટેલે પોતાના ભાષણમાં સરકાર પાસે તે ઘણી વાર પહોંચેલા અને વાટાઘાટો કરેલી એ તો જણાવ્યું જ નથી. બધું જાણે પોતે મૂકેલી શરતો પ્રમાણે જ થયું હોય એવો દેખાવ કર્યો છે. આમાંથી તો લોકો એમ અનુમાન કરશે કે સરકાર હારી ગઈ અને પટેલે પોતાનો ધારેલો કાર્યક્રમ પાર ઉતાર્યો. હકીકત તો એ છે કે સરકારે પોતાના સઘળા જ મહત્ત્વના મુદ્દાનો અમલ કરાવ્યો છે. માટે સરકારે સ્પષ્ટ યાદી બહાર પાડીને પટેલના ભાષણનો વિરોધ કરવો જોઈએ.’

નાગપુરના કમિશનર અને જિલ્લાઓના ડેપ્યુટી કમિશનર, એ બધા ગોરા સિવિલયનોને તે લડતનો વિજયી અંત આવ્યો એવા સરદારના ભાષણથી પોતાનું નાક કપાયું લાગ્યું અને કેદીઓને છોડવાની બાબતમાં સરકાર સામે વિરોધનો એવો જબરો વંટોળ ઊભો કર્યો કે પ્રાંતિક સરકાર અને સિવિલિયન અમલદારો વચ્ચેના ઝઘડામાં હિંદી સરકારને વચ્ચે પડવું પડ્યું.

ઍંગ્લો ઇન્ડિયન છાપાં નાગપુરની સરકાર ઉપર તૂટી પડ્યાં. ગવર્નરનું ધારાસભાનું ભાષણ ટાંકીને તેઓ લખવા મંડ્યાં કે, ‘આવું જબરું ભાષણ કર્યા પછી અને અસહકારીઓ ખુલ્લી બડાશો હાંકતા હતા છતાં, કૉંગ્રેસની કારોબારી સમિતિએ લડત ચલાવવા માટે નાગપુર મોકલેલા માણસને તે મળવા માટે બોલાવી જ કેમ શકે ? અને મિ. વિઠ્ઠલભાઈ પટેલ તો એમના સત્યાગ્રહનો વિજય થયો છે અને એક અઠવાડિયામાં કેદીઓ છૂટી જશે એવી મુંબઈમાં વાતો કરે છે. જે ચળવળ ખુલ્લી રીતે ક્રાંતિકારી છે, તેમાં સક્રિય ભાગ લેવાના ગુના બદલ જેમને ફોજદારી અદાલતોમાં સજા થઈ છે તેમને બધાને એક સામટા છોડી મૂકવામાં આવે તો તો પ્રાંતિક સરકાર કફોડી સ્થિતિ ઊભી કરે, અસહકારીઓને એમની ચળવળમાં ઉત્તેજન મળે અને કાયદાને માન આપનારા લોકો નાસીપાસ થાય. સરકાર પોતાનો લખેલો કે બોલેલો શબ્દ પાળે, દેશમાં બરાબર બંદોબસ્ત રાખે અને ઈન્સાફ ટકાવી રાખે એટલી સરકાર પાસે અપેક્ષા રાખવાનો તેમને હક છે.’

આ તરફ લડતનો વિજય જાહેર થયા પછી નાગપુરની જેલમાં જુદા જુદા પ્રાંતના લગભગ બે હજાર સત્યાગ્રહીઓ કેદમાં પડેલા હતા તેમના છૂટવાની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો. નાગપુરના લોકો જેલને દરવાજે આંટા મારવા લાગ્યા હતા. શહેરમાં સત્યાગ્રહીઓના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. ગૃહમંત્રીએ સરદારને કહેલું કે કેદીઓ છૂટતાં બે ત્રણ દિવસ લાગશે, કારણ હિંદી સરકારની મંજૂરી આવતાં એટલો વખત લાગે, એટલે સરદાર એ આશામાં હતા. એટલામાં તો તા. ૨૧મીએ સવારે ગૃહમંત્રી સરદાર પાસે ગવર્નરનો કાગળ લઈને આવ્યા. તેમાં વિઠ્ઠલભાઈએ મુંબઈમાં કરેલા ભાષણથી ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિની જવાબદારી સરદાર ઉપર મૂકવામાં આવી હતી. વિઠ્ઠલભાઈ મુંબઈના ભાષણમાં બોલેલા કે આપણો વિજય થયો છે અને કેદીઓ બે ત્રણ દિવસમાં છૂટી જશે. આ ભાષણથી પેલો કમિશનર ખૂબ છંછોડાયેલો અને એની ઉશ્કેરણીથી સિવિલિયન અમલદારોનું આખું મંડળ મધ્ય પ્રાંતની સરકારની સામે થયેલું અને તેઓએ કેદીઓને છોડવાનો વિરોધ કરેલો. ગવર્નરના કાગળનો સરદારે લાગલો જ જવાબ આપ્યો કે, શ્રી વિઠ્ઠલભાઈને સત્યાગ્રહની લડત સાથે કશો સંબંધ નહોતો. એ તો સ્વરાજ પક્ષના એક નેતા તરીકે ધારાસભાની મારફત પોતાનું કામ કરવા અહીં આવ્યા હતા. એટલે એમના કોઈ ભાષણ, નિવેદન કે કાર્ય માટે અમારી કશી જવાબદારી નથી એ વાત મેં તો પહેલેથી જ સ્પષ્ટ કરી હતી. વળી સરકાર સાથે થયેલી સમજૂતીની વિઠ્ઠલભાઈને જાણ કરવા માટે પણ ગૃહમંત્રી પોતે જ જવાબદાર છે. આ ઉપરાંત સત્યાગ્રહની હાર થયાનો, સત્યાગ્રહીઓ બિનશરતે શરણ થયાનો, પરવાનગી માગી તેમણે છૂપું છૂપું સરઘસ કાઢ્યાનો અને સરકારની દમનનીતિનો વિજય થયાનો એક લાંબો લેખ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રસિદ્ધ થયેલ છે તેની જવાબદારી તો સરકારની જ છે. સરદારનો આ કડક જવાબ અને ‘ટાઈમ્સ’નો લેખ જોઈ ગવર્નર અને ગૃહમંત્રી ઠંડાગાર થઈ ગયા અને કેદીઓને તાકીદે છોડવા માટે હિંદી સરકાર ઉપર તેમણે દબાણ કરવા માંડ્યું. બીજી તરફથી સિવિલિયન અમલદારોનું મંડળ ઠેઠ સેક્રેટરી ઑફ સ્ટેટ સુધી પહોંચ્યું. આ તકરારમાં અઠવાડિયું થઈ ગયું. પણ કેદીઓ ન છૂટ્યા એટલે દેશી છાપાંઓ સરદાર ઉપર ઊતરી પડ્યાં કે અસહકારી થઈને તેમણે ગવર્નરની મુલાકાત માગી, તેની સાથે વાટાઘાટો કરી અને જેને માટે આટલા દિવસ લડત ચલાવી, આટલા લોકોએ કષ્ટ વેઠ્યાં તે રાષ્ટ્રધ્વજના સરઘસ માટે છેવટે પોલીસ અધિકારીની પરવાનગી માગી. એમ કરીને તેમણે સિદ્ધાંતની માંડવાળ કરી છે અને કૉંગ્રેસની આબરૂ હલકી પાડી છે. સ્વરાજ પક્ષના મોટા મોટા નેતાઓ પણ લગભગ આવી જ ટીકા કરવા લાગ્યા.

ચોમેરના આ વંટોળમાં સરદાર કેવું સમતોલપણું જાળવી રહ્યા હતા તે તેમના તા. ૧-૯-’૨૩ના રોજ નાગપુરથી મહાદેવભાઈને લખેલા ખાનગી કાગળમાંથી દેખાય છે :

“પ્રિય ભાઈ મહાદેવ,
“હું ભારે લડતમાં રોકાઈ ગયો છું. આપણી જીતની મહત્તા લડતની ભીતરમાં ન હોય તેને સમજાય એવી નથી. હું હમણાં મોં પર તાળું લગાવી બેઠો છું. સરકાર મૂંઝાઈ ગઈ છે. એક અક્ષર બોલતી નથી. ‘પાયોનિયર’ની એક કોપી તમને જોવા મોકલું છું. તમારે ત્યાં ‘ટાઈમ્સ’ના લીડરને રડે છે, પણ એ બધું ખોટું છે. ખરી વાત વખત આવ્યે જ કહેવાય. પણ આપણા લોકોને અધીરાઈ અને અવિશ્વાસ બહુ છે. . . . મેં મારું સ્ટેટમેન્ટ બહાર પાડી આપણી ફતેહ જાહેર કરી, ત્યાર પછી સરકારનો બોલવાનો ધર્મ રહ્યો. પણ તેનાથી બોલાતું નથી. ‘પાયોનિયર’નો રોષ તમે જોઈ લેશો. મને લાગે છે કે વિઠ્ઠલભાઈએ કાચું કાપ્યું. એ મુંબઈમાં જે બોલી પડ્યા તેનાથી સિવિલ સર્વિસમાં ખૂબ તરખાટ થયો છે.
“અહીંના કમિશનરને મેં ખૂબ સકંચામાં લીધો છે. એના તરફ અહીંના ઘણા સિવિલિયનો છે. સિવિલ સર્વિસની એક ક્લબ છે, તે આખી સરકારની વિરુદ્ધ થઈ ગઈ છે. એમને આ કામમાં સરકારની પૂરેપૂરી હાર દેખાઈ ગઈ છે. તેઓ કેદીઓને છોડવાની વિરુદ્ધ પડ્યા હોય એમ જણાય છે. અહીંં તો કાંઈ વિરોધ ચાલ્યો નથી. પણ ઇન્ડિયા સરકારે માથું મારીને મામલો હાથમાં લીધેલ છે. બધો કેસ ત્યાં ગયો છે. બહારની આપણી લડત કરતાં અંદરની એમની આ લડતનો રંગ જોઈને મને ખૂબ રસ આવે છે.
‘કેસરી’ અને ‘મરાઠા’ મારા ઉપર ગાળોનો વરસાદ વરસાવી રહ્યાં છે. છતાં હું મૂંગો બેઠો છું. જ્યાં સુધી આપણા કેદી છૂટે નહીં ત્યાં સુધી બોલવાનો નથી. અહીં કેટલા દિવસ થશે એ કહેવું મુશ્કેલ છે.

“હવે ઇન્ડિયા સરકાર શું કરે છે તે જોવાનું છે. જો ન છોડે તો સ્થાનિક સરકારની આબરૂ અને ઈમાન જવાનાં, અને છોડે તો સિવિલિયનો છેડાવાના. આ બધી ખૂબ ખાનગી બાબતો તમારી જાણ માટે લખું છું. કોઈ જગ્યાએ જાહેર ન થવી જોઈએ.
“લડતમાં કેમ અને કેવી રીતે જીત મળી છે તે ત્યાં આવીને કહીશ. કેદી છૂટવા ઉપર થોડો જ જીતનો આધાર છે ? વાવટો લઈ સરઘસ સિવિલ લાઈન્સમાં પેસી ગયું તેમાં આપણી જીત તો થઈ છે. હવે કેદી ન છૂટે તોપણ મને કાંઈ ચિંતા નથી. માત્ર સરકારની ઇજ્જત જવાની અને એ માટે મારી પાસે પૂરો મસાલો ભરેલો પડ્યો છે. સરકારના છેવટનો નિર્ણય થાય તે ઉપર રાહ જોઈ બેઠો છું.
“ધારાસભાથી કેદીઓ છૂટે એવું માનનારા ગુજરાતમાં પડેલ છે એથી મને ખૂબ અચંબો થાય છે. ધારાસભા ન હોત તો મામલો ક્યારનો પતી ગયો હોત. જોજો કોઈને કહેતાં વિચાર કરજો. હમણાં મારા ત્યાં આવતા સુધી કશું છાપાંમાં ન જવું જોઈએ. નહી તો વળી મામલો બગડશે. મને લાગે છે કે વિઠ્ઠલભાઈએ મુંબઈમાં ન બાફ્યું હોત તો તા. ૨૨મીએ કેદીઓને લઈ અહીંથી વિદાય થયો હોત.
“પેલા કમિશનરે ‘ટાઈમ્સ’ વગેરેને ખબર મોકલી આપેલી કે આપણા તરફથી પરવાનગી મેળવવા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અરજી અપાયેલ, એને મેં પકડી પાડ્યો છે. એની છૂપી લડત ઉઘાડી પાડીને એનું મોં બંધ કર્યું છે. ‘પાયોનિયર’ ને સરકાર સામે ઉશ્કેરનાર એ જ છે. આમ અહીં થોડા દિવસ કેદી વધારે રહે છે પણ સરકારની મૂંઝવણનો પાર નથી એવો રંગ જમાવ્યો છે. જોઈએ હવે શું થાય છે. બે ત્રણ દિવસમાં પાર આવવો જોઈએ. પણ જ્યાં બે સરકાર વચ્ચે રસાકસી ચાલી છે ત્યાં વખત કેટલો થાય એ શું કહેવાય ? માટે બધા જરા ધીરજ રાખજો.’

પણ આખા દેશમાં લોકોની અકળામણ વધતી જતી હતી. ઘણાને લાગતું હતું કે સરદારે ભારે થાપ ખાધી છે. છેવટે એમણે મધ્ય પ્રાંતની સરકારને નોટિસ આપી કે હવે ચોવીસ કલાકમાં કેદીઓ નહીં છૂટે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકી તેમની સાથે થયેલો તમામ પત્રવ્યવહાર પોતે પ્રસિદ્ધ કરશે અને સત્યાગ્રહનું આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે, તેની જવાબદારી સરકારની રહેશે. આ ઉપરથી ગવર્નર અને ગૃહમંત્રીએ સેક્રેટરી ઑફ સ્ટેટને તાર કર્યો કે, જો કેદીઓને તાબડતોબ નહીંં છોડવામાં આવે તો અમને બન્નેને રાજીનામું આપવાની ફરજ પડશે. સરદારની નોટિસના ચોવીસ કલાક તો સવારે પૂરા થતા હતા, તે પહેલાં રાત્રે બે વાગ્યે સરદારને ખબર આપવામાં આવી કે સરકારે કેદીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. પેલો કમિશનર લાંબી રજા ઉપર ચાલ્યો ગયો અને ત્યાંથી પાછો જ ન આવ્યો.

તા. ૩જી સપ્ટેમ્બરે કૃષ્ણજન્માષ્ટમીને દિવસે તમામ સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. તેઓ રાષ્ટ્રધ્વજ સાથે સિવિલ લાઈન્સના બધા વિસ્તારમાં સરઘસમા ફર્યા. સાંજે નાગપુરમાં મોટી જાહેરસભા થઈ તેમાં સરદારે પોતાનું ભાષણ લેખી નિવેદનના રૂપમાં વાંચી સંભળાવ્યું, તેમાં સત્યાગ્રહના સિદ્ધાંતોનું નિર્મળ નિરૂપણ કર્યું, પોતા ઉપર થતી ટીકાઓના ખુલાસા આપ્યા અને લડતનો માન ભર્યો અંત આણવાની નાગપુર સરકારની ઈચ્છાની પણ કદર કરી. સત્યાગ્રહી લડતનો અભ્યાસ કરવા ઇચ્છનારાઓએ આખું ભાષણ તેમનાં ભાષણોના પુસ્તકમાંથી વાંચી જવા જેવું છે.[] અહીં તો તેમાંથી કેટલાક ઉતારા જ આપીશું :

“મનાઈ કરેલા વિરતારમાંથી સરઘસ પસાર થઈ ગયું અને લડતમાં જીત થયાનું જાહેર કરવામાં આવ્યું કે તરત આખો દેશ અને ખાસ કરીને ઍંગ્લો ઇન્ડિયન પત્રો હરેક પ્રકારના જૂઠ, બુદ્ધિભેદ કરનારા અને કપટી હેવાલોથી ઊભરાઈ ચાલ્યાં. દેશી છાપાંઓમાં મધ્ય પ્રાંતના ના○ ગવર્નર સાથેની અમારી મુલાકાત સંબંધી ટીકા પણ કરવામાં આવી છે. આ મુલાકાત શી રીતે થવા પામી તેમાં મને પોતાને ઓછું જ મહત્ત્વ દેખાય છે. અસહકારીઓ બાહ્યાચારને વળગી રહેનારા છે એવી જે સામાન્ય માન્યતા છે તે પાયા વગરની છે. હું પોતે તે શિષ્ટાચારી આમંત્રણની રાહ પણ ન જોઉં, જો પરસ્પર સમજૂતીની સાચી ઇચ્છા સામા પક્ષમાં જોઉં તો. પણ છૂટછાટ મૂક્યાના કે કોલકરાર થયાના જે હેવાલો ને અફવાઓ ફેલાયાં છે તેનો આજે હું આ સ્થાનેથી, ચોક્કસ શબ્દોમાં ઇન્કાર કરું છું. એવા હેવાલમાં બિલકુલ સત્ય નથી. અમે સરકાર સાથે કશી બાંધછોડ નથી કરી, કશો કોલકરાર નથી કર્યો, તેમ કશી બાંધણી પણ આપી નથી. ગવર્નર સાથે મુલાકાત તા. ૧૩મી ઑગસ્ટના રોજ થયેલી. એકબીજાના મુદ્દાઓ એકબીજાને રૂબરૂ કહેવાની એનાથી અમને તક મળી એટલું જ.”

પરવાનગી માગવાના આક્ષેપનો નીચે પ્રમાણે ખુલાસો કર્યો :

“સાધારણ સંજોગોમાં સરઘસ માટે પરવાનગી માંગવામાં બાધ ન હોય. તેમ કરવાની કૉંગ્રેસની બંધી નથી. પણ આટલી હદે લડત ચડ્યા પછી પરવાનગી માગવા જવું મારે માટે અશક્ય હતું. સરકાર તલવારની ધારે આપણી પાસે અરજી કરાવવા મથતી હોય ત્યારે જો હું અરજી કરું તો કૉંગ્રેસનું નાક જાય. . . . ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના હુકમની વિરુદ્ધ ૧૮મી તારીખે મેં કેવી યોજના ઘડી છે તેની મેં એમને ખબર આપી. તેની અંદર એવું કશું જ નથી જેથી એ ખબરને પરવાનગી માગવાની અરજી કહી શકાય. . . . . કાર્યક્રમમાં મોટો અને અસાધારણ ફેરફાર કરવામાં આવે અને તે પણ આખી લડત શરૂ થયા બાદ આ પહેલી જ વાર અને તેની ખબર જો હું ન આપું તો હું મારી ફરજમાં ચૂકું એ વિષે મને શંકા નથી. ડિસ્ટ્રિક્ટટ મૅજિસ્ટ્રેટ રણક્ષેત્ર છોડીને ચાલ્યા ગયા પછી પોલીસ પર અણધાર્યો છાપો મારવો એ અઘટિત ગણાત. મારી મતિ પ્રમાણે આવા પ્રકારના યુદ્ધમાં અણધાર્યાં હુમલાની છૂટ ન હોય. આપણાં પગલાંથી સરકારને આ પ્રતિકૂળ લડતમાંથી નીકળી જવાની અનુકુળતા મળી હોય તો હું પોતે તે એ વાતથી ખુશ થાઉં કે સિદ્ધાંતનો કશો ભોગ આપ્યા વિના મેં સરકારની અડચણ કંઈક અંશે દૂર કરી અને તેને આબરૂભેર પાછા હઠવાનો માર્ગ કરી આપ્યો. હું ફરીને કહું છું કે સરકારને અરજી કરવામાં નથી આવી તેમ તેની પાસેથી પરવાનગી કે છૂટ પણ નથી મેળવવામાં આવી.”

નાગપુરના કમિશનરનાં કરતૂતો ખુલ્લાં પાડતાં તેઓ જણાવે છે :

“૧૮મી તારીખના બનાવોના જે કપટભર્યા અહેવાલો ફેલાયા છે તે બધાનું મૂળ શોધી કાઢવાનો હું પ્રયાસ કરતો હતો. એ શોધ કરતાં મને એક વિચિત્ર પુરાવો મળી ગયો છે. . . . કલકત્તાના ‘સ્ટેટ્સમૅન’ પત્રના તા. ૨૧મી ઑગસ્ટના અંકમાં નાગપુરના કમિશનરનો તા. ૧૯મીનો મૂકેલો તાર છપાયો છે. એનું મથાળું છે: ‘સત્યાગ્રહ બંધ થયો’ ‘આગેવાનો સત્તા આગળ નમી પડ્યા’ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના ખબરપત્રીને તે જ તારીખનો તાર તે પત્રના ૨૦મી ઑગસ્ટના અંકમાં ‘સરકારની આણ કબૂલ કરી’ એ મથાળાં નીચે છપાયો છે. એ તાર તો કમિશનરના તારની શબ્દેશબ્દ નકલ છે. એ બે તારો ભેગા કરીને વાંચતાં ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો ખબરપત્રી તે કમિશનર છે કે નાગપુરનો કમિશનર તે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો ખબરપત્રી છે એ કળી શકવું મુશ્કેલ નથી. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ ની પેઠે ‘અમારા ખબરપત્રી તરફથી’ એમ છાપવાને બદલે ‘નાગપુરના કમિશનર તરફથી મળેલો તાર’ એમ છાપવામાં ‘સ્ટેટ્સમૅને’ કરેલી ગફલતને લીધે કમિશનર સાહેબ ઉઘાડા પડી ગયા છે. આ સાબિતી મળ્યા પછી પણ કેટલોક વખત તો હું માની જ ન શક્યો કે આવા ખબર તેમણે મોકલાવ્યા હોય. તપાસ કરતાં મને માલૂમ પડ્યું કે એ વાત સાચી છે. મને ખાતરી આપવામાં આવી છે કે નાગપુરના કમિશનરે ‘સ્ટેટ્સમેન’ પર જે ખબર મોકલ્યા તેવી ખબર આપવાની તેમને સત્તા આપવામાં આવી નહોતી. ઉપરાંત મેં એ પણ જોયું છે કે કમિશનરના વર્તમાનપત્રોના સંબંધ અને એને લગતી એમની પ્રવૃત્તિ પર કાબૂ રાખવાનું સામર્થ્ય મધ્ય પ્રાંતની સરકારમાં નથી. પહેલાં પણ આ લડતને લગતા જ એક પ્રસંગે સરકારના કામમાં તમારે માથું ન મારવું એ હુકમ છતાં પોતાની આ જાતની પ્રવૃત્તિથી તેમણે સરકારને મુશ્કેલીમાં ઉતારી હતી. . . . તેમના કામથી સરકારને દિલગીરી થઈ છે એ વિષે મને શંકા નથી. છતાં એટલું કહેવાની તો મારી ફરજ મને લાગે જ છે કે અંતે તો સરકાર કમિશનરના કૃત્યની જવાબદારીમાંથી નથી જ છટકી શકતી.”

નાગપુર સરકારની કદર કરતાં તે કહે છે :

“સરઘસને પસાર થવા દીધા પછી તમામ કેદીઓને છોડી મૂકવાની સરકારની ધાર્મિક ફરજ હતી. અને એ ફરજ અદા કરવા માટે હું મધ્ય પ્રાંતની સરકારનો આભાર માનું છું. . . . લડતનો માનભર્યો અંત આણવાની સરકારની શુભ ઇચ્છા હતી એ હું એકદમ કબૂલ કરું છું.”

નિવેદનના અંતમાં તેઓ જણાવે છે :

“હું તમને સાચેસાચું કહું છું કે આપણી જીત થઈ છે તેનું માન મને બિલકુલ નથી. બધું માન તમે જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને તૈયાર હતા તેમને છે, તેમ જ આખી લડત દરમિયાન અથાક શ્રમ લેનાર અને અદ્‌ભુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કૉંગ્રેસ સમિતિને છે. . . . નિર્મળતા અને નિર્ભયતાનાં સાધનોથી મંડાયેલા આ ધર્મયુદ્ધનું પ્રજા ભવિષ્યમાં ગૌરવ સાથે સ્મરણ કરશે અને આ ધર્મયુદ્ધ સત્ય, અહિંસા અને આપભોગનાં શસ્ત્રોની શ્રેષ્ઠતા વિષે પ્રજામાં વધારે શ્રદ્ધાનો સંચાર કરશે. ”

આમ વિરોધીઓ અથવા બહારના ટીકાકારોને સરદારે ગૌરવભરી રીતે બરાબર જવાબો આપ્યા અને તે જવાબ આપવા સહેલા હતા. પણ સ્વરાજ પક્ષના ૫ં○ મોતીલાલજી જેવા આગેવાનોએ પણ સરકારે માંડવાળ કરી એવા આક્ષેપો કર્યા હતા એ ઘરનો ઘા દુ:સહ હતો. છતાં તેમને પણ જવાબ તો આપવો જ જોઈએ. નાગપુરથી છૂટી આવેલા સૈનિકોને માન આપવા અમદાવાદમાં મોટી જાહેરસભા થઈ તેમાં આ વિષે બોલવાની તેમણે તક લીધી. તેમણે વિનમ્ર ભાવે કહ્યું :

“૫ં○ મોતીલાલજીએ મારા કામ ઉપર ટીકા કરી હોય તો હું તો તેમની આગળ બચ્ચું છું. તેમના ત્યાગની, તેમની દેશસેવાની કિંમત હું શી રીતે આંકી શકું ? મારા જેવા કાચા સિપાઈની ભૂલ જણાય ત્યાં ભૂલ બતાવવાનો તેમના જેવા અનુભવીને હક્ક છે. પણ આ કામમાં શરૂઆતથી તે આખર સુધી મારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈ મારી સાથે હતા. એક વિરુદ્ધ વિચારના આગેવાન પણ મારી સાથે છે એ વિચારથી મને સંતોષ હતો. આ લડતમાં જીત થઈ હોય, મગરૂર થવાનું કારણ મળ્યું હોય તો તેનું માન જેમણે કષ્ટો સહન કર્યાં અને જેઓ સહેવા તૈયાર હતા તેમને છે. પણ જીત ન મેળવી હોય, લડત બંધ કરવામાં ભૂલ થઈ હોય અને શરમાવા જેવું થયું હોય તો તેની જવાબદારી મારી છે. મેં લડત બંધ કરી તે મારી

પાસે સૈનિકો નહોતા તેથી નહીં. મારી પાસે તો છેલ્લે દિવસે પણ ૧૪૮ સૈનિકો હતા. વધારેને આવતા અટકાવવાનો મારે પ્રયત્ન કરવા પડતો, છતાં રોજ ને રાજ માણસો આવતા ને સ્ટેશન પર પકડાતા. મને પકડે તોપણ, પંદર હજાર માણસો આવ્યે જાય એમ હતું તે સરકાર જાણતી હતી. એટલે મારે લડત સંકેલવાનું કોઈ કારણ નહોતું.

“ખ્રિસ્તી લોકોના દેવળ આગળ શાન્તિ જાળવવી અને અંગ્રેજ લોકોના ધર આગળ જઈને રાડો ન પાડવી એવી સૂચના સ્વયંસેવકોને આપવામાં મેં સભ્યતાને અનુસરીને કામ કર્યું છે. આપણે અંગ્રેજોને બતાવવું હતું કે તમારી વાજબી લાગણીઓની આડે આવવા અમે નથી માગતા. સરકારનું અસત્ય હતું તેટલાનો આપણે વિરોધ કર્યો. પણ સરકારી મકાન પર ઝંડો ફરકાવવાનો આપણો ઇરાદો હોય તો હું કહું છું કે આપણે હારી ગયા.
“જેમની લડવાની રીત જુદી છે તેમને આમાં ભૂલ જણાય. હું તો ખેડાની લડતમાં નવ મહિના મહાત્માજીની સાથે હતો. તેઓ કાંઈ પણ પગલું ભરતાં પહેલાં સરકારને ખબર આપતા અને પછી પગલું ભરતા. હું જો પહેલેથી નાગપુરમાં હોત તો જરૂર અરજી કરીને પરવાનગી માગત. પણ સરકાર ના જ પાડત એનો ચોક્કસ પુરાવો મારી પાસે છે. છઠ્ઠી એપ્રિલે જબલપુરમાં સુંદરલાલને સિવિલ લાઈન્સમાં પરવાનગી વિના જતા રોક્યા ત્યારે તેમણે તરત જ અરજી લખી આપેલી. પણ તેમને ના પાડવામાં આવેલી. નાગપુરમાં તો પરવાનગીની વાત પાછળથી આવી. પહેલાં તો એક માણસ — એક બાઈ પણ — વાવટો લઈને ન જઈ શકતું. સરકારનો હુકમ કાયમ રહ્યો તેના છેલ્લા દિવસ અને છેલ્લી મિનિટ સુધી હું એની સામે લડ્યો. પણ જ્યારે મૅજિસ્ટ્રેટ ઘરમાં પેસી ગયા અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આગળ આવ્યા ત્યારે તેમને મેં જણાવ્યું કે તમારી સાથે હવે આ રીતે લડશું. આટલા હજાર સૈનિકોને છોડ્યા પણ એકને પણ એમ કહેવાની હિંમત સરકારની નથી ચાલી કે હવે આવું ન કરશો. સરકાર જાણે છે અને દુનિયા જાણે છે કે આ લોકો ફરી આમ ને આમ જ કરવાના છે.”

સરદારની ઉપરની ચોખવટથી જેઓ સમજવા ઇચ્છતા હતા તેઓ તો આખી પરિસ્થિતિ સમજ્યા અને તેમને સંતોષ થયો; પણ મધ્ય પ્રાંતના ગોરા સિવિલિયનો ખૂબ છંછેડાયા. આમે ગવર્નર અને હોમ મેમ્બરે લીધેલા વલણથી તેઓ ઊકળી રહેલા તો હતા જ. એટલે તેમણે સેક્રેટેરિયેટમાં દબાણ કરીને ચીફ સેક્રેટરી પાસે એક યાદી બહાર પડાવી અને તે યાદી પ્રમાણે પાલિટિકલ ડિપાર્ટમેન્ટના સરકારી ઠરાવ તા. ૮-૯-’૨૩ના રોજ પ્રસિદ્ધ કરાવ્યો. સેક્રેટેરિયેટમાં આ કારસ્તાનો ચાલતાં હતાં એટલે હોમ મેમ્બરે પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરવા શ્રી વિઠ્ઠલભાઈની સાથે મળીને બંનેનું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. એ નિવેદન બરાબર હતું અને સરદારને એની સામે લવલેશ પણ વાંધો નહોતો. પણ પેલા સરકારી ઠરાવમાં, બનેલી બીનાઓને વિકૃત રૂપ આપી નીચે પ્રમાણે રજૂ કરવામાં આવી હતી :

“ ૧. નામદાર ગવર્નર સાથેની તા. ૧૩મી ઑગસ્ટની મુલાકાતમાં પટેલ બંધુઓ ગવર્નરના આમંત્રણથી મળવા ગયા હતા તે વાત ખોટી છે.
“ ૨. ત્યાર બાદ હોમ મેમ્બર સાથે થયેલી મુલાકાતમાં હોમ મેમ્બરે શ્રી વલ્લભભાઈ પટેલને સ્પષ્ટ કહેલું કે અમુક અમુક શરતોએ જ મનાઈ કરેલા વિસ્તારમાં સરઘસ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને તે માટે તમારે સ્થાનિક અધિકારીને અરજી કરવી પડશે. તે શરતો કબૂલ કરીને શ્રી વલ્લભભાઈ પટેલે અરજી કરી એટલે તેમને સરઘસ લઈ જવા દેવામાં આવ્યું.
“ 3. ૧૮ મી ઑગસ્ટના સરઘસને જે શરતોએ જવા દેવામાં આવ્યું તેની વિરુદ્ધ જઈને છૂટેલા કેદીઓ નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ નહીં લેશે એવી કબૂલાત આપવાથી સરકારે રહેમ બતાવી કેદીઓને છોડી મૂક્યા. એ કેદીઓમાં બહુ મોટા ભાગના તો ચળવળ વિષે કશું સમજતા નહીં એવા ખોટે રસ્તે દોરવાયેલા જુવાનિયાઓ હતા.”

નાગપુરના પેલા કમિશનરની પીઠ થાબડવામાં ન આવે અને વર્તમાનપત્રો બાબતમાં એણે સરકારી નોકરના અધિકાર બહારની રમેલી મેલી રમતનો બચાવ ન કરવામાં આવે તો એ શેનો જંપે એટલે ઠરાવમાં તેને વિષે લખવામાં આવ્યું :

“નાગપુરના કમિશનર મિ. ક્લાર્કની સારી દોરવણી નીચે બધા અમલદારોએ પોતાનાં જવાબદારીવાળાં વધારાનાં કામોને બોજો કસોટીના સમયમાં બહુ બાહોશીથી ઉઠાવ્યો છે તેની સરકાર ભારે કદર કરે છે. નાગપુરના કમિશનરને તો આ ચળવળને અંગે પ્રકાશનનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.”

એ તેમણે કેવી રીતે બજાવ્યું હતું એ તો સરદારે પોતાના નિવેદનમાં બરાબર ઉઘાડું પાડ્યું છે. છતાં ભલે તેની પીઠ થાબડી એની સાથે આપણે નિસ્બત નથી. સરદારે ઠરાવમાં કરેલા બીજા આક્ષેપનો સચોટ જવાબ વાળ્યો અને એ રીતે આ લડતની કેટલીક બાબતો અંધારામાં રહી જાય તે પ્રકાશમાં આવી. તેમના જવાબના મુદ્દા નીચે ટૂંકમાં આપ્યા છે :

“શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને હોમ મેમ્બરે તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું છે તે સાચું છે કે બેમાંથી એક્કે પક્ષે એક્કે મુલાકાતનો કશો જ અહેવાલ પ્રસિદ્ધ કરવાનો નહોતો. પણ મધ્ય પ્રાંતની સરકારે મને એ બંધનમાંથી હવે મુક્ત કર્યો છે. નીચે જે હકીકતો આપું છું તેમાંથી એકનો પણ સરકાર ઇનકાર કરશે તો હું આખો પત્રવ્યવહાર પ્રગટ કરીશ, એટલું જ નહીં, પણ મુલાકાતનો મને યાદ રહ્યો હશે એટલો બધો અહેવાલ પણ પ્રગટ કરીશ. સરકારે જે મુલાકાતનો ખાનગી રાખવાનું વચન આપેલું તે મુલાકાતનો હેવાલ તેમાંની હકીકતને મારી મચડીને તદ્દન ઊંધી રીતે રજૂ કરી તેણે વિશ્વાસનો ભંગ કર્યો છે. મધ્ય પ્રાંતની સરકાર વિષે મારા પર કાંઈક સારી છાપ પડી હતી. પણ હવે મને એના પર દયા છૂટે છે.
“પ્રથમ, ગવર્નર સાથેની મુલાકાત વિષે શ્રી વિઠ્ઠલભાઈ પર ચીફ સેક્રેટરીનો એક કાગળ આવ્યો. તેમાં પોતાને મળી પરિસ્થિતિની ચર્ચા કરવાનું અમને આમંત્રણ હતું. તે પ્રમાણે અમે બંને તેમને મળ્યા. વાતચીતમાં એવી સૂચના કરવામાં આવી કે અમારે ગવર્નરની મુલાકાત લેવી. અમે તેનો કોઇ જવાબ નહીં આપેલો. બીજે દિવસે શ્રી વિઠ્ઠલભાઈ ઉપર ચીફ સેક્રેટરીની ચિઠ્ઠી આવી કે જો તમારે ગવર્નરને મળવું હોય તો તેઓ સાહેબ તમને રેસિડેન્સીમાં આવતી કાલે સવારે અગિયાર વાગ્યે મળવા ખુશી છે. તે પ્રમાણે અમે મળવા ગયા. તેમની સાથે લગભગ ત્રણ કલાક સુધી આખી પરિસ્થિતિની ચર્ચા કરી. મુલાકાત માટે મોઢાની કે લેખી અરજી અમે કદી આપી નહોતી.
“બીજી વાત સરઘસની પરવાનગી વિષે. અમે પરવાનગી માટે અરજી આપી નથી તેનો પ્રત્યક્ષ પુરાવો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઉપરનો મારો કાગળ છે. શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભાની બેઠક થઈ તે પહેલાં હોમ મેમ્બરને મળેલા. હોમ મેમ્બરે વિઠ્ઠલભાઈને લખેલું કે કૉંગ્રેસ સમિતિ વતી કોઈ પણ માણસ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની પરવાનગી માગશે તો સરકાર સરઘસને પસાર થવા દેશે. અમે તરત જવાબ આપ્યો કે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના હુકમને લીધે તો આ સત્યાગ્રહનો જન્મ થયેલ છે. અમે એવી કંઈ અરજી કરી શકીએ એમ નથી. સરકારી ઠરાવમાં અમે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અરજી કરી એવું જે સૂચન છે તે સાવ ખોટું અને કેવળ બુદ્ધિભેદ ઉપન્ન કરનારું છે.
“ત્રીજું, કેદીઓ છૂટ્યા પછી નાગપુર રાષ્ટ્રધ્વજની લડતમાં અમુક શરતોએ જ ભાગ લેશે એવી અમે કબૂલાત આપી એમ જે કહેવામાં આવ્યું છે તે તદ્દન પાયા વિનાનું છે અને દેખીતાં કારણોસર હેતુપૂર્વક કહેવામાં આવ્યું છે. એક પણ બાબત વિષે નહોતી સરકારે અમને કબુલાત આપી, નહોતી અમે સરકારને કબૂલાત આપી. પહેલાં તો શ્રી વિઠ્ઠલભાઈ જ હોમ મેમ્બરને મળતા. પાછળથી હોમ મેમ્બરે ધારાસભાના પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં વિષ્ટિને માટે લગભગ નોતરું આપ્યા જેવા ઉદ્‌ગારો કાઢ્યા તે જોઈને કૉંગ્રેસની કારોબારી સમિતિએ મને વિષ્ટિ કરવાની સલાહ આપી. ત્યારથી હું હોમ મેમ્બરને મળવા લાગ્યો. આ બધી મુલાકાતો પરસ્પર વિશ્વાસના તત્ત્વ પર ચાલેલી અને એ વાત બંને પક્ષ વચ્ચે અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી. પણ ચીફ સેક્રેટરીએ તો એ મુલાકાતોને એકપક્ષી અને સત્યને મારીમચડીને વિકૃત અર્થ કર્યો છે. અમે લખેલા અને અત્યારે સરકારના કબજામાં રહેલા બધા કાગળો (સરકારની મરજી પડે એટલા જ નહીં) પ્રસિદ્ધ કરવા સામેનો અમારો વાંધો અમે ઉઠાવી લઈએ છીએ, અને સરકારના અમલદારોના જે કાગળો અમારી પાસે છે તે અમે બહાર પાડીએ તેમાં એમને કશો વાંધો ન હોઈ શકે એવો અમે દાવો કરીએ છીએ.”

આમ સરકારને સાફ સાફ જવાબ આપી દઈ તેમના અમલદારોનાં મોં બંધ કરી દીધાં. તેઓ પછીથી કશું બોલ્યા નહીં. પણ જે રીતે આ લડતનો અંત આવ્યો તે રીત સત્યાગ્રહના સિદ્ધાંત પ્રમાણે જોકે સોએ સો ટકા શુદ્ધ હતી છતાં તે વખતે લોકોનો મોટો ભાગ એ સિદ્ધાંત સ્પષ્ટતાથી સમજ્યો નહોતો. આપણા કેટલાક નેતાઓ અને રાષ્ટ્રીય ગણાતાં વર્તમાનપત્ર પણ શંકાકુશંકાઓ ઉઠાવ્યાં કરતાં હતાં અને લડતમાં આપણી જીત થઈ કે કેમ તેની ચર્ચા કરતાં હતાં. પોતાને અસહકારી માનતા કેટલાક સુશિક્ષિત લોકોના મનમાં પણ એવો ખ્યાલ ભરાયેલો હતો કે સરકાર સાથે લડત ચાલતી હોય ત્યારે તેની સાથે વિષ્ટિ ચલાવવી એ શરણે જવા જેવું છે, તેમાં અસહકારના સિદ્ધાંતનો ત્યાગ થાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી તો કહેતા અને કરતા આવ્યા હતા કે કોઈ પણ લડતમાં, અને હિંસાત્મક લડત કરતાં અહિંસાત્મક લડતમાં વિશેષે કરીને, તહનામાં, વાટાધાટો, વિષ્ટિ અને કોલકરારને માનભર્યું સ્થાન છે. સત્યાગ્રહી પોતાનો સિદ્ધાંત અને સ્વમાન જાળવીને જેટલી થઈ શકે તેટલી સગવડ પ્રતિપક્ષીને કરી આપશે, તેની જેટલી અગવડો દૂર કરી શકાય તેટલી અગવડો દૂર કરવા પ્રયત્ન કરશે. પોતાનો સિદ્ધાંત અને સ્વમાન સાચવીને તે સમાધાન માટે હમેશાં ઝંખતો હશે. વિજયનું માન પ્રતિપક્ષીને કેટલું નમાવ્યા તે ઉપરથી કાઢવાનું નથી પણ સત્ય કેટલું આગળ આવ્યું, લડનારાની શુદ્ધિ કેટલી થઈ, તેનું આત્મબળ કેટલું વધ્યું, તેનામાં આત્મવિશ્વાસ કેટલો આવ્યો એ ઉપરથી કાઢવાનું છે. આ લડતમાં આપણા સૈનિકોએ પોલીસ ખાતાના અને જેલ ખાતાના અમલદારો ઉપર જે સારી છાપ પાડી અને બહાર આવીને તેમણે જાહેરસભામાં સરદારને કહ્યું કે, ‘જેલના આકરા અનુભવો છતાં અમારો ઉત્સાહ લેશ પણ મંદ થયો નથી, બલ્કે વધ્યો છે. માટે સ્વરાજને માટે જેલનાં અથવા બીજાં કષ્ટો અમારે ફરી પાછાં વેઠવાનાં આવે એવાં કામ અમારે માટે જલદી જલદી કાઢજો,’ એમાં આ લડતની મોટામાં મોટી જીત હતી.

  1. ❁ જેને માટે સરઘસબંધી હતી તે બધો ભાગ આમાં આવી જાય છે.
  2. ✽ ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’, કિં. રૂ. ૫-૦-૦, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.