સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો
← નાગપુર ઝંડા સત્યાગ્રહ | સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો નરહરિ પરીખ |
ગૃહજીવનમાં ડોકિયું → |
.
નાગપુર પ્રકરણમાં સરકારની છેલ્લી યાદીનો જવાબ આપી સરદાર દિલ્હીની ખાસ મહાસભામાં ગયા. એ દરમિયાન બોરસદમાં સરદાર માટે એક બીજું કામ તૈયાર થઈ રહ્યું હતું. એ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ બહુ વધી પડ્યો હતો અને ખૂન તથા લૂંટના ગુનાનું પ્રમાણ વધી ગયું હતું. પોલીસ એવા રિપોર્ટ કર્યા કરતી હતી કે લોકો બહારવટિયાઓને આશ્રય આપે છે અને છુપાવામાં મદદ કરે છે, એટલે એમને પકડી શકાતા નથી. લોકોનો સામે આક્ષેપ એવો હતો કે પોલીસ બહારવટિયા સાથે ભળી ગઈ છે અને એ જ લૂંટો કરાવે છે. સ્થાનિક અમલદારોનો અભિપ્રાય એવો હતો કે બહારવટિયાઓને પકડવા માટે તાલુકામાં વધારાની પોલીસ મૂકવી જોઈએ અને તેનું ખર્ચ લોકો ઉપર દંડ નાખીને વસૂલ કરવું જોઈએ. આ ઉપરથી સરકારે તા. ૨૫-૯-’૨૩ના રોજ ઠરાવ બહાર પાડીને રૂા. ૨૪૦,૦૭૪નો દંડ તાલુકા ઉપર નાખ્યો અને સોળ વર્ષથી ઉપરની ઉંમરનાં દરેક સ્ત્રી પુરુષ પાસેથી, ઘરડાં અને અપંગને પણ બાદ રાખ્યા વિના, જણ દીઠ રૂા. ર-૭-૦ વસૂલ કરવાનું ઠરાવ્યું. લોકોએ આ દંડનું નામ હૈડિયા વેરો પાડ્યું. તેમને આ દંડ દાઝ્યા ઉપર ડામ જેવો લાગતો હતો. દિલ્હીની મહાસભામાંથી સરદાર અમદાવાદ આવ્યા કે તરત બોરસદના લોકો એમની પાસે ફરિયાદો કરતા ઊભરાવા માંડ્યા. તેમણે તા. ૨૦-૧૦-’૨૩ના રોજ પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી અને આ ‘પ્યુનિટિવ’ — સજા-પોલીસની બાબતમાં સ્થળ ઉપર જઈ તપાસ કરી રિપોર્ટ કરવા શ્રી મોહનલાલ પંડ્યા તથા શ્રી રવિશંકર મહારાજની કમિટી નીમી. તેમણે તરત બોરસદ તાલુકામાં પહોંચી જઈ ગામેગામ ફરી બહુ ઝીણવટથી તપાસ કરી પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો. દરમિયાન સરદારે પણ અમદાવાદ બેઠે તપાસ કરી લીધી. આખા ખેડા જિલ્લાના લોકોના તેમ જ સરકારી ખાતાઓની તમામ ખૂંચખાંચોના તેઓ પાકા ભોમિયા હતા. એટલે સરકારની પોલ પકડી પાડતાં તેમને વાર ન લાગી. અને આપણો કેસ તદ્દન સાફ અને ચોટડૂક છે એવી તેમની પાકી ખાતરી થઈ ગઈ પછી આ બાબતમાં શાં પગલાં ભરવાં એનો વિચાર કરવા તા. ૨-૧૨-’૧૩ના રોજ બોરસદ તાલુકાની પરિષદ બોરસદમાં બોલાવી. તેને આગલે દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પણ ત્યાં જ રાખી.
કમિટીએ તપાસ એ કરવાની હતી કે આ બહારવટિયા કોણ છે ? તેઓ શું કામ બહારવટે નીકળ્યા છે ? તેઓ કેવા ગુના કરે છે ? પોલીસ તેમને કેમ પકડી શકતી નથી ? લોકોનું પોલીસ કેમ રક્ષણ કરતી નથી ? સરકાર બધો દોષ રૈયતને માથે કેમ ઓઢાડે છે ? લોકોને આ સજા-પોલીસ સામે કેટલો વિરેાધ છે ? લોકો દંડ ભરવા રાજી છે કે કેમ ?
લોકોની કેફિયત લઈ આ બધા મુદ્દા ઉપર વિગતોથી ભરપૂર રિપોર્ટ કમિટીએ રજૂ કર્યો. તેનો સાર નીચે મુજબ છે :
બાબર દેવા નામનો પાટણવાડિયો ગોળેલ ગામનો વતની હતો. ગુનાખોર કોમને લગતા કાયદા (ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ) મુજબ તેને સવાર તથા સાંજ બે વખત પોલીસ આગળ હાજરી ભરવાની હતી. તેમાં કોઈ કારણસર એક દિવસ તેનું મીંડું પડ્યું અને તે બદલ છ માસ જેલમાં જવાનો પ્રસંગ ઊભો થયો. એટલે તે છટક્યો અને નાની નાની ચોરી કરતાં તેણે રખડતા ફરવા માંડ્યું. પોલીસે ગામલોકો ઉપર તેને પકડી આપવાનું દબાણ કરવા માંડ્યું. એક માણસ એની માને રોજ કહેવા લાગ્યો કે બાબર પકડાય તો આખા ગામ ઉપરથી ત્રાસ જાય. માએ છોકરાને આ બધી હકીકત કહી એટલે બાબરે જવાબ આપ્યો કે કાલે હું ઘેર રહીશ. પેલો માણસ તે દિવસે પણ આવ્યો એટલે બાબરે એનું નાક કાપી લીધું અને પોતે નાઠો. ત્યારથી એ બહારવટિયો બન્યો અને લૂંટ કરવા માંડી. પછી તો એ ઘોડી, બંદૂક વગેરે રાખતો થયો અને મોટી ટોળી જમાવી. તેણે કુલ પચીસેક ખૂન કરેલાં. લૂંટ કરવા માટે તો એને મારઝૂડ કે ખૂન કરવાના પ્રસંગ ક્વચિત જ આવતા, પણ પોલીસને કોઈ પોતાની બાતમી આપે છે એવી ખબર પડતાં કે એવો વહેમ આવતાં તે એવા માણસને સાફ કરી નાખતો. પોતાની સ્ત્રી અને કેટલાંક સગાં પોતાને પકડાવી દેવાના કાવતરામાં સામેલ છે એ વહેમ આવતાં તેમનાં પણ ખૂન કરેલાં. બાતમી આપનાર અગર પુરાવા આપનાર કેટલાંકનાં તો બહુ ઘાતકી રીતે ખૂન કરેલાં. કોઈને ઝાડ સાથે ખીલા ઠોકી મારી નાખવામાં આવેલ, તો કોઈનું નાક કાપી લેવામાં આવેલ. આથી લોકો થથરી ગયા. પોલીસ તો એટલે સુધી ફૂટી ગઈ હતી કે બાતમીનો ઉપયોગ કરી બહારવટિયાઓને પકડવા જવાને બદલે તેમને અગાઉથી ચેતાવી દેતી અને કેટલીક વાર તો બાતમી આપનારનાં નામ પણ આપી દેતી. એના ઘણા દાખલા તેમણે પોતાના રિપોર્ટમાં આપ્યા. તેમાંનો એક નમૂના દાખલ અહીં આપું છું. એક રજપૂતે બયાન આપેલું કે નોંધણા અને અમલપર ગામની સીમમાં એક ખેતરમાં બાબર દેવા અને બીજા બહારવટિયા બેઠેલા હતા. તેમને બોરસદ તાલુકાના એક જથાના ફોજદારને તથા પોલીસ પાર્ટીને તે જગ્યાએ લઈ જઈ ને પાસેના જ ખેતરમાં રહીને મેં બતાવ્યા અને કહ્યું કે પકડો એમને. એ લોકો સાત આદમી હતા અને પોલીસની સંખ્યા વધારે હતી છતાં પોલીસ ત્યાં ગઈ નહીં એટલું જ નહીં, પણ તેમને ચેતવીને નસાડી મૂકવાની પોલીસે યુક્તિ કરી. ખેતરમાં ઊભેલા એક ગરીબ ઢેડને ફોજદારે મારવા માંડ્યો. ઢેડે બૂમો પાડી કે, પોલીસ મને મારે છે. આ બૂમો સાંભળી બહારવટિયા ચેત્યા અને ત્યાંથી ભાગ્યા. પોલીસ બહારવટિયાઓ સાથે મળી ગઈ હતી એમ કહીએ તો ચાલે. બાતમી આપવા ખાતર પ્રજાનાં કેટલાંયે માણસ મરાયાં, છતાં નવાઈની વાત એ હતી. કે પોલીસમાંથી કોઈ મરાયું નહોતું. મોટા મોટા અમલદારોનું બહારવટિયા આગળ કોઈ ચાલતું નહીં તેનો એક દાખલો તેમણે રિપોર્ટમાં આપ્યો છે. એક ફર્સ્ટકલાસ મૅજિસ્ટ્રેટ વાસદથી બોરસદ જતા હતા ત્યાં વાટમાં બહારવટિયા મળ્યો. મૅજિસ્ટ્રેટ પાસે બંદૂક હતી તે બહારવટિયાએ થપ્પડ મારીને પડાવી લીધી. જાન બચાવવા મૅજિસ્ટ્રેટ સાહેબે કાલાવાલા કર્યા ને કહ્યું કે હું તો કારકુનુ છું.
બાબર દેવા ઉપરાંત અલી નામનો બોરસદ ગામનો એક મુસલમાન બહારવટિયો પણ તે વખતે લૂંટ ચલાવતો હતો. એ પણ પહેલાં તો બહારવટિયો નહોતો. જમીનની કોઈક તકરારમાં તેણે બોરસદ ગામની સીમમાં કેરીઓની તકરારમાં ભરબપોરે એક વકીલનું ખૂન કરેલું ને પછી નાઠેલો, તે બહારવટિયો થયો. ઉત્તરસંડાનો એક માણસ તેનો સાગરીત હતો, તે એની લૂંટનો માલ રાખતો અને તેને આશ્રય આપતો. પોલીસની લાલચથી કહો કે બીકથી આ માણસ ફૂટ્યો અને એણે દગો કરીને અલીને પકડાવી દીધો. પણ પછી એ ગભરાયો એટલે એણે અલીને છોડાવવાની એક યુક્તિ કરી. અલી કાચી જેલમાં હતો ત્યાં એની સાથે સંતલસ કરીને પોલીસને કહ્યું કે, જો અલીને અહીંથી નાસી જવા દઈએ તો એ બાબરિયાને પકડાવી આપવા કબૂલ થાય છે. પોલીસને આ પેચ પસંદ પડ્યો અને અલીને છટકી જવાની ગોઠવણ કરી આપી. બહાર નીકળ્યા પછી અલીએ બાબરને ફસાવવા માટે અમુક જગ્યાએ મળવા બોલાવ્યો, પણ બાબરને કાવતરાની ગંધ આવી ગઈ હતી એટલે એ ત્યાં ગયો જ નહીં. અલીએ પોલીસને કહ્યું કે, બાબર મારા ઉપર વહેમાયો છે, પણ મને લૂંટ ચલાવવા દો એટલે એનો વહેમ નીકળી જશે અને હું એને પકડાવી દઈશ. પોલીસે આ વાત સ્વીકારી એટલે અલીને તો લૂંટો કરવાનો પરવાનો મળ્યો. તેમાંથી પોલીસને પણ સારી રીતે ભાગ મળવા લાગ્યો, એટલે એમણે તો એને બંદૂક અને કારતૂસો પણ પૂરાં પાડવા માંડ્યાં.
હવે સજા-પોલીસ તાલુકામાં શું કરતી હતી તેનો રિપોર્ટ જોઈએ. ઘણાંખરાં ગામે ઓછામાં ઓછા પાંચ પોલીસના માણસ મૂક્યા હતા. મોટાં ગામોમાં વધારે હતા. તેમનો ત્રાસ ગામડાંમાં ઘણો હતો. રિપોર્ટમાં લખ્યું છે કે, આસોદર ગામમાં અમે પહોંચ્યા ત્યારે જોયું કે સવારથી પાંચ પોલીસ, એક જમાદાર અને બાર ઢેડ સીમમાં નીકળી પડેલા હતા. તેઓ ઘાસના પૂળાની ગંજી દેખે ત્યાંથી પૂળા લેતા હતા. પાટીદારના પાંચ અને બારૈયાના ત્રણ લેવાનો નિયમ કર્યો હતો. પૂળા સારા કડબના લેતા. આમ લગભગ દોઢસો પૂળા ભેગા કર્યા. અમે તેની નોંધ કરી. ગામમાં એક માણસ શાક વેચવા બેસતો, તેની પાસેથી આ લોકો રોજ શાક લેતા, આજે વધારે માગ્યું અને પેલાએ આપવાની ના પાડી એટલે એને દંડો માર્યો. વાધરીઓની વાડીએથી દરરોજ પાંચ શેર જેટલું શાક લાવતા. કોઈ વાર આપવાની ના પાડે તો ગાળો દેતા. કુંભારવાડામાં પણ એમનો ભારે ત્રાસ હતો. દરરોજ દસબાર બેડાં પાણી ભરવાના કુંભાર લોકોના વારા કર્યા હતા.
રિપોર્ટને અંતે જણાવ્યું હતું કે :
- “તાલુકાનાં ઘણાં ગામે અમે જાતે ફર્યા અને ખૂબ બારીક તપાસ કરી. આ તપાસને અંતે અમારા હૃદયની ખાતરી થઈ છે કે પ્રજાનો મોટો ભાગ, ઘણો મોટો ભાગ, તદ્દન નિર્દોષ છે. . . બહારવટિયા રાતે લુંટે છે, પોલીસ ધોળે દિવસે લૂંટે છે, અને આ કાયદેસર ગણાતી લૂંટની સાથે પ્રજાને મેશનો ચાંલ્લો કરે છે. સરકાર કહે છે કે પ્રજા બહારવટિયાને સંઘરે છે, તેમને આશરો આપે છે, તેમને ખાવાનું આપે છે. પ્રજા કહે છે કે પોલીસ ફૂટેલી છે, બહારવટિયાઓને બંદૂકો આપે છે, ટોટા પૂરા પાડે છે અને લૂંટના માલમાંથી ભાગ પડાવી ખિસ્સાં તર કરે છે.”
સરદારે આ દંડનો ઇતિહાસ અને દંડની બાબતમાં નીચેથી ઉપર સુધીના અમલદારોના રિપોર્ટો મેળવ્યા હતા. તેનો સાર તાલુકા પરિષદના પોતાના ભાષણમાં કહેલો તે ઉપરથી આખા કેસનો ખ્યાલ આવે છે :
- “જ્યારથી બાબર બહારવટે ચડ્યો ત્યારથી એક પોલીસ થાણું સરકારે ગોળેલ ગામે મૂકેલું. ત્યાર પછી પોલીસનો એવો રિપોર્ટ થયો કે ખડાણા અને જોગણ નામના બે ગામના પાટણવાડિયા અને બારૈયા બાબર દેવાની ટોળીને મદદ કરે છે, એટલે એ ગામે થાણાં બેસાડવામાં આવ્યાં. અને તેનું ખર્ચ દંડ તરીકે એ બે ગામ ઉપર લાદ્યું. આ સજા-પોલીસે લોકોનું કેવું રક્ષણ કર્યું તે જુઓ. જોગણા ગામમાં જ બાબર દેવાએ શીભાઈ નામના માણસનું તેના ઉપર બાતમી આપવાનો વહેમ જવાથી ધોળે દિવસે ખૂન કર્યું. છતાં પોલીસનો રિપોર્ટ કાયમ રહ્યો કે, લોકો બહારવટિયાઓની બાતમી આપતા નથી ગોળેલમાં તો બહારવટિયાઓએ એક વાર પોલીસના માણસો ઉપર જ હુમલો કર્યો અને પેાલીસ ડરીને દબાઈ ગઈ. આવી સજા-પોલીસ પ્રજાનું શું રક્ષણ કરી શકે ? ખડાણા અને જોગણના લોકો કલેક્ટર પાસે ગયા અને કહ્યું કે આ વેરો અમારાથી ભરાતો નથી. મામલતદારે પણ રિપોર્ટ કર્યો કે આ લોકોની સ્થિતિ એવી છે કે તેમની પાસેથી વેરો વસૂલ કરવઓ અશક્ય છે. લોકોની દાંડાઈ નથી પણ તેમનામાં ભરવાની શક્તિ જ નથી. જો તગાદો કરીશું તો લોકો ગામ છોડી ચાલ્યા જશે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે મામલતદારથી જુદા પડી એવો રિપોર્ટ કર્યો કે વધારાની પોલીસનાં થાણાં હજી કાયમ રાખવાં જોઈએ. કારણ : (૧) બાબર દેવા અને તેની ટોળી હજી પકડાઈ નથી; (૨) જોગણમાં થયેલા શીભાઈના ખૂનનો કોઈ પુરાવો આપતું નથી, તેથી કેસ થઈ શકતો નથી; (સરદારની ટીકા : પોલીસ ત્યાં બેઠી છે તે પુરાવા આપી શકતી નથી અને સરકાર પ્રજા પાસે પુરાવા માગે છે !) (૩) બાબરને જોગણના પાટણવાડિયા પોતાનાં ખેતરમાં આશરો આપે છે અને તેને ખાવાપીવાની મદદ કરે છે; (૪) બાબર ખડાણામાં આવે છે, છતાં એ ગામના લોકો કશી બાતમી આપતા નથી; અને, (૫) ત્યાં પોલીસનો આટલો જાપ્તો ન હોત તો ખડાણાના કેટલાયે પાટણવાડિયા બાબરની ટોળીમાં ભળ્યા હોત. આ રિપોર્ટ વાંચીને કલેક્ટરે ત્રીજો જ રિપોર્ટ કર્યો. તેણે કહ્યું : આ ત્રણ જ ગામમાં થાણાં રાખવાથી કાંઈ લાભ નથી, કારણ ત્યાંના લોકોને સજા–પોલીસના રક્ષણની કશી જરૂર નથી. પણ આખા બોરસદ તાલુકામાં ગુના ખૂબ વધ્યા છે અને બહારવટિયાની સંખ્યા પણ વધી છે, માટે તેની તજવીજ કરવી જોઈએ. અમારી અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની એક કૉન્ફરન્સ આ બાબતમાં વિચાર કરવા મળી હતી. અમે માનીએ છીએ કે આ ત્રણ જ ગામનો કંઈ દોષ નથી, તાલુકામાં એવાં ઘણાં ગામ છે જે બાતમી આપતાં નથી. પાછા એ જ કલેક્ટર સાહેબ કહે છે કે લોકો કેવળ ડરને કારણે જ ખબર નથી આપતા. કમિશનર સાહેબને પેાલીસ સુપરિન્ટેન્ડેન્ટનાં જ કારણો પાયાદાર જણાયાં અને વધુ એક વર્ષ માટે સજા-પોલીસનો દંડ પેલો બે ગામ ઉપર કાયમ રાખ્યો.”
કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની જે કૉન્ફરન્સ થઈ તેમાંથી આખા તાલુકા ઉપર સજા-પોલીસ બેસાડવાની વાત ઊભી થઈ લાગે છે. પણ આ અન્યાયી દંડ નાખતાં પહેલાં સરકારે પોતાના બચાવની પાળ બાંધવાનો એક ઉપાય કર્યો. મુંબઈ સરકારના ખબર ખાતાના વડાને આણંદ અને બોરસદ તાલુકાની મુલાકાતે મોકલવામાં આવ્યા. ત્યાર પછી થોડા જ દિવસમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' માં ત્રણ ચાર દિવસ સુધી ખેડા જિલ્લાના બહારવટિયાને લગતા લેખો આવ્યા. તેમાં લોકોનો દોષ કાઢવામાં આવ્યો. સને ૧૯૧૮માં ખેડા જિલ્લામાં ચાલેલી સત્યાગ્રહની લડતને પણ એમાં સંડોવવામાં આવી, એમ કહીને કે એ કાયદાભંગની ચળવળને લીધે જિલ્લામાં ગુનાનું પ્રમાણ વધી ગયું, સરદારે પરિષદમાં જ એનો જવાબ આપતાં જણાવ્યું કે, બોરસદ અને આણંદ તાલુકાનાં છેલ્લાં ત્રીસ વર્ષનાં ગુનાપત્રક તપાસશો તો માલૂમ પડશે કે ગાંધીજી ખેડા જિલ્લામાં રહ્યા અને સત્યાગ્રહની લડત ચાલી તે દરમિયાન જિલ્લામાં ઓછામાં ઓછા ગુના થયા છે. સરદારે બીજી વાત એ કહી કે, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ના લેખો વાંચતાં જ જણાય છે કે ખબર ખાતાના વડાએ એ લેખો મોકલેલા હોવા જોઈએ અને તેને નાગપુરના કમિશનર જેવા જ કોઈ સ્થાનિક અમલદારે તે પૂરા પાડેલા હોવા જોઈએ, અગર તો તેમાંની બધી હકીકતો એવા કોઈ અમલદાર પાસેથી મળેલી હોવી જોઈએ. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના લેખ પ્રગટ થયા પછી તરત જ સજા-પોલીસ મુકવાનો સરકારનો હુકમ બહાર પડ્યા.
સરકારી અમલદારના ઉપલા રિપોર્ટો ઉપરાંત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તમામ ફોજદારો અને જમાદારો ઉપર અલીની બાબતમાં એક ખાનગી સર્ક્યુલર મોકલેલો તે પણ સરદારે પકડ્યોયો. તેમાં એવી સૂચના હતી કે અલી બાબર દેવાને પકડી આપવાનો છે માટે તેની લૂંટો વગેરે બાબતમાં ચસમપોશી રાખવી. પંડ્યાજી અને રવિશંકર મહારાજે પોતાના રિપોર્ટમાં લોકોના કહેવા ઉપરથી આ વાત લખી હતી પણ સરદાર તો ચોક્કસ પુરાવો કબજે કરીને બેઠા હતા, એટલે સરકારને તેઓ બરાબર પડકાર આપી શક્યા.
લડતની વિગતોમાં ઊતરતાં પહેલાં આ ભૂમિમાં બહારવટિયાઓનો પાક કેમ થયાં કરતો હતો એ જોઈએ:
ખેડા જિલ્લામાં મહી નદીના કાંઠા ઉપરનાં ગામોમાં પાટણવાડિયા અને બારૈયા કોમની વસ્તી છે. વધારે બહારવટિયા એ કોમમાંથી પેદા થયા છે. પાટણવાડિયા અને બારૈયા પોતાને ક્ષત્રિય કહેવડાવે છે. એ કોમના આગેવાન માણસ નાનીમોટી ઠકરાતોવાળા હતા, અને બીજા માણસો રાજ રજવાડામાં સિપાહીગીરી કરતા, વગેરે જૂના ઇતિહાસમાં આપણે નહીં ઊતરીએ. છેલ્લાં પોણોસો કે સો વર્ષના ઇતિહાસ પરથી તો એમ લાગે છે કે જેમ જેમ તેમની જમીન અંગ્રેજી રાજ્યમાં કોર્ટ કચેરીના કાયદાની મદદથી બિનખેડૂત શાહુકારો અને ખેડૂત પાટીદારોના હાથમાં જતી ગઈ તેમ તેમ તેઓ ધંધા વિનાના બનવા લાગ્યા. મૂળે આ કોમ ઝનૂની, સાહસી અને લડાયક તો ખરી જ. એટલે સહેજ કારણ મળતાં ચોરી અને લૂંટફાટ તરફ વળી જતાં તેમને વાર લાગતી નહીં. આર્થિક કારણ ઉપરાંત સામાજિક અન્યાયને કારણે પણ ઉશ્કેરાઈ જઈ તેઓ તોફાનને રસ્તે ચઢી જતા. આવાં વિવિધ કારણોસર આ કોમોમાંથી બહારવટિયાઓ કેવી રીતે પેદા થતા તેની વાતોનો ભંડાર રવિશંકર મહારાજ, જેમણે પોતાના પૂર્વજીવનમાં આ કોમના ગોરનું ને ઉત્તર જીવનમાં તેમના ગુરુનું કામ પુષ્કળ કર્યું છે અને હજી કરી રહ્યા છે એમની પાસે પુષ્કળ છે. અનેક વેળા તેમની પાસેથી સાંભળેલી જુદી જુદી વાતોમાંથી થોડા ટુચકા અહીં આપ્યા છે.
એક બારૈયો દેવાદાર સ્થિતિમાં ગુજરી ગયો. તેના જુવાન છોકરા પાસે શાહુકાર ઉઘરાણી કરે ત્યારે પેલો છોકરો કહે કે મારા બાપનું દેવું છે તે મારે દૂધે ધોઈને આપવું છે. મજૂરી કરી તેમાંથી થોડુંઘણું બચાવીને દેવા પેટે કંઈક કંઈક આપતો પણ ખરો. પછી એનાં લગ્ન થયાં. તે વખતે જૂના શાહુકારે એને પૈસા ન ધીર્યા એટલે લગ્ન માટે એણે બીજા શાહુકારનું કરજ કર્યું. જૂના શાહુકારે વિચાર્યુ કે આણે નવો શાહુકાર કર્યો અને હવે મારા પૈસા ભરવાનો નહીં. એટલે એણે દાવો કરીને હુકમનામું મેળવ્યું. પેલો પરણીને વહુ લઈને ઘેર આવ્યો તે વખતે જ એને ઘેર હુકમનામાની જપ્તી લઈને તે આવ્યો, એવી આશાથી કે આ વખતે એના ઘરમાં ઘરેણું ગાંઠું કંઈક હશે, તે લેવાનો સારો લાગ મળશે. ઘર પર ટાંચ લગાવી વાણિયો બેલિફની સાથે અંદર પેઠો. સામે વળગણી ઉપર એક સરસ ભાતવાળી રેશમી ઓઢણી અને રેશમી ચણિયો લટકતાં હતાં તે વાણિયાએ જોયાં અને એની દાઢ સળકી. પેલા જુવાન બારૈયાએ આ લૂગડાં ખાસ શોખથી વહુ માટે લીધાં હતાં. વાણિયાની આંખ જોઈ બારૈયો સમજી ગયો કે એની દાનત પેલાં લૂગડાં પર છે. એણે વાણિયાને ચેતવ્યું કે શેઠ, ઘરમાંથી બધું ઉસરડીને લઈ જાઓ પણ આ લૂગડાંને જો હાથ અડાડ્યો છે તો તે ઘડીએ કાં તો તમે નહીં કાં તો હું નહીં, જોયા જેવી થશે. વાણિયો જપ્તી કરવા માટે બેલિફ અને ચાર પાંચ માણસ લઈને આવેલો અને આ તો એકલો હતો. એટલે રોફમાં બોલ્યો કે, લેવા આવ્યો છું તે શું એમ ને એમ પાછો જઈશ ? એમ કહી તે ચણિયો લેવા ગયો અને તેની સાથે જ ઘરમાં એક ખૂણામાં ધારિયું પડ્યું હતું તે ઉઠાવીને પેલાએ વાણિયાનું ડોકું ટચકાવી નાખ્યું. જપ્તી કરવા વાણિયાની સાથે બીજા માણસો આવ્યા હતા તેમાંથી કોની મગદૂર કે વીફરેલા અને ધારિયા સાથે ઊછળેલા આ જુવાન ઠાકોર ભાયડાની સામે ઉભા રહે ? તેઓ બધા આઘાપાછા થઈ ગયા. અને ધારિયા સાથે બારૈયો નાઠો તે ભરાયો મહી નદીનાં કોતરોમાં. એ બન્યો બહારવટિયો. આ કાંઠાનો પ્રદેશ પહાડી નથી પણ ત્યાં મહી નદીનાં કોતર એટલાં ઊંડાં અને વાંકાચૂકાં છે કે બહારવટિયાઓને તો પહાડી પ્રદેશના જેટલું જ રક્ષણ આપે છે. કોતરોથી અજાણ્યા પોલીસોની મગદૂર નથી કે બહારવટિયાને પકડવા ત્યાં જાય, પણ ત્યાં સંતાઈ રહીને ગુજરાનની કંઈક વ્યવસ્થા તો કરવી જ જોઈએ. એટલે આવી રીતે નાઠેલો માણસ ચોરી અને લૂંટફાટનું કામ કરતી કોઈ જૂની ટોળીમાં સામેલ થાય છે અને વધારે બાહોશ અને પરાક્રમી હોય તો નવી ટોળી બનાવે છે.
સમાજમાં ચાલતાં ઊંચનીચપણાનાં અભિમાન પણ બહારવટિયા પેદા કરવામાં કારણભૂત બને છે. બોરસદ તાલુકામાં કેટલાંક ગામ એકલા બારેયા કે પાટણવાડિયાની વસ્તીવાળાં, કેટલાંક ગામ મોટે ભાગે પાટીદારની વસ્તીવાળાં અને કેટલાંક ગામ મિશ્ર વસ્તીવાળાં છે. ગામમાં જે કોમની વસ્તી વધારે હોય તે કોમનું જોર ત્યાં હોય છે. ઓછી વસ્તીવાળી કોમના લોકો એમની સાથે હળીમળીને અથવા કાંઈક દબાઈ ચંપાઈને રહે છે. પાટીદાર અને બારૈયાની મિશ્ર વસ્તીવાળા એક ગામમાં બારૈયાની જાન આવી. જે ગામમાંથી બારૈયાની જાન આવેલી તે એકલા બારૈયાની વસ્તીવાળું હતું અને બારૈયા કોમમાં આગેવાન ગણાતું. જાનમાં આવેલા ઘરડિયા બારૈયા હાથમાં હૂકો પકડી ગગડાવતા ગગડાવતા ગામમાં ફરવા નીકળ્યા. હૂકાની નેહને ચાંદીની ખોળીઓ ચઢાવેલી. પોતાના ઘર આગળથી બારૈયાઓને આમ હૂકો પકડીને જતા જોઈ ગામના મુખી જે પાટીદાર હતા તેમનાથી રહેવાયું નહીં. તેઓ બેઠા બેઠા તડૂક્યા : ‘કયા ગામનાં કોળચાં ફાટ્યાં છે ? અમારા ગામમાં આવા વેશ નહીં ચાલે.’ પેલા બારૈયા આગળ ચાલ્યા ગયા પણ જેને ઘેર જાન આવેલી તે બારૈયાને થયું કે પટેલ કાંઈ નવાજૂની કરશે. એટલે એ પટેલને ઘેર જઈ ખુશામત કરી, કાલાવાલા કરી તેમને શાંત પાડી આવ્યા. પણ પેલા ગામના બે ત્રણ બારૈયાઓએ આ સાંભળ્યું હતું તેમની આંખમાં ખુન્નસ ભરાયું. બીજે દિવસે સવારે વરકન્યા સાથે જાન વદાય થઈ. તે જ રાતે પેલા બારૈયા જુવાનિયાઓ પેલે ગામ મુખીને ઘેર ઊપડ્યા. તેનાં બારણા તોડી ઘરમાં પેઠા અને પેલા અપમાન વચનો બોલનાર મુખીને મારી નાખી નાઠા. ત્યારથી એ બન્યા બહારવટિયા.
બહુ અશરાફ માણસને પણ બહારવટિયા થવું પડેલું એવો આ કેસ છે. ગામમાં વાણિયાના છોકરાનું લગ્ન હતું. રાતે એનું ફૂલેકું ફરવા નીકળ્યું. તેમાં દારૂખાનું ફોડવામાં આવ્યું. તેનાથી એક બારૈયાના ઝૂંપડાને આગ લાગી ને બધું બળી ગયું. લગ્નના ઉત્સાહમાં વાણિયાએ કહ્યું કે તારું ઝૂંપડું હું બંધાવી આપીશ, તું કશી ફિકર ચિંતા કરીશ નહીં અને ફરિયાદ કરવા જઈશ નહીં. આ વાત વૈશાખ કે જેઠમાં બનેલી. પેલો બારૈયો રોજ વાણિયાને કહે, તમે મને લાકડું અને બીજો સરસામાન આણી આપો અને મહેનત હું કરીશ. ચોમાસા પહેલાં મારી ઝૂંપડી થઈ જાય તો મારે આશરો રહે. વાણિયો રોજ વાયદા કરે અને આશા આપે. છેવટે ચોમાસું માથે આવ્યું ત્યાં સુધી વાણિયાએ કાંઈ ન કર્યું. પેલાએ આડાંઅવળાં લાકડાં ગોઠવીને રાંધી ખાવા જેટલું કરેલું અને મહા અગવડે દહાડા કાઢતો હતો. એક રાતે ગાજવીજ સાથે ખૂબ વરસાદ થયો. પણ ઢાંકણ બરાબર નહોતું એટલે રાતે બધાં પલળ્યાં અને નાનાં બાળકોએ રોકકળ કરી. બારૈયો તો ખૂબ અકળાયો. સવાર પડી એટલે ભીને દદડતે કપડે વાણિયા પાસે ગયો અને કંઈક આકળા સાદે વાણિયાને કહ્યું, રોજ વાયદા કરો છો પણ મારે ઘેર આવીને મારાં બચ્ચાં છોકરાંના હાલ તો જુઓ. વાણિયે ખંધાઈથી હસતે હસતે કહ્યું, એવાં તે ઝૂંપડાં કોઈ બંધાવી આપતું હશે ? કહ્યું હશે પણ તુંયે ગાંડો ને તે આટલા દિવસ બેસી રહ્યો ! વાણિયાની નફટાઈ ઉપર પેલા બારૈયાને રોમ રોમ ક્રોધ વ્યાપી ગયો. ઘેર જઈ ધારિયું લઈને બહાર નીકળ્યો. વાણિયો ઘરબહાર નીકળ્યો એટલે લાગ મળતાં જ તેને ટચકાવ્યો. ત્યાંથી નાસીને એણે ચોરી અને લૂંટફાટ કરવા માંડી.
શ્રી મેઘાણીએ સોરઠના બહારવટિયાનાં જે વર્ણનો આપ્યાં છે તે જોતાં કાઠિયાવાડના બહારવટિયાઓ સાથે ખેડા જિલ્લાના બહારવટિયાઓને સરખાવી શકાય કે કેમ એ વિચાર આવે છે. ટેક, ખાનદાની અને શૂરવીરતામાં કદાચ કાઠિયાવાડના બહારવટિયા ચઢે. અલબત્ત, જેઓ કાંઈ ઊંચા ઉદ્દેશથી બહારવટે નીકળ્યા હોય તેઓ જ. બાકી ખેડા જિલ્લાના બહારવટિયાઓ પણ પોતાના વર્તનના અમુક નીતિનિયમો તો રાખતા જ. જે વખતે બહારવટિયાનો ઉપદ્રવ વધારે ચાલેલો છે તે વખતે પણ એમના તરફથી કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થયાનો કેસ બન્યો નથી. કોઈ એકલી સ્ત્રી જતી હોય તેને પણ તેઓ લૂંટતા નહીં. બાબર દેવા તો કોઈ ગામે જાય ત્યાં નિશાળિયાઓને દૂધ પિવડાવતો, બ્રાહ્મણોને જમાડતો અને કોઈ બ્રાહ્મણ ગરીબ હોય તો તેની દીકરી પણ પરણાવી આપતો. આવાં કાર્યોથી પોતાને પુણ્ય પ્રાપ્ત થાય છે એમ આ બહારવટિયા માનતા. તેથી જનતામાં તેઓ લોકપ્રિય થતા, એ લાભ તો તેમને પ્રત્યક્ષ મળતો.
આર્થિક અને સામાજિક અન્યાયને કારણે બહારવટિયા બન્યાના ઉપર દાખલા આપ્યા. પણ એવાં કારણે જેઓ બહારવટિયા બન્યા છે તેમની સંખ્યા બહુ મોટી નથી. બહારવટિયાનો પાક ઊભો કરનારું અને ગુનાની સંખ્યા વધારનારું મોટું કારણ તો બ્રિટિશ સરકારનો ‘ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ’ — ગુનાખોર કોમને લગતો કાયદો હતો. ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. એ કાયદા પ્રમાણે એ કોમનાં તમામ પુખ્ત વયનાં માણસોને, — પુરુષોને તેમ સ્ત્રીઓને — સવારસાંજ હાજરી આપવાની ફરજ પાડવામાં આવતી. વળી કોઈ જગ્યાએ એક ગુનાનો બનાવ બન્યો કે સંખ્યાબંધ માણસો ઉપર જામીનકેસ કરવામાં આવતા. પેલા બિચારા જામીન ક્યાંથી લાવી શકે ? એટલે પછી એમને સજા કરી જેલમાં મોકલવામાં આવતા. માણસ ગુના કરવાની વૃત્તિવાળો ન હોય તો પણ ગુના કરવાની વૃત્તિ લઈને તે જેલમાંથી બહાર આવતો. હાજરીના ત્રાસથી કંટાળીને પણ ઘણા લોકો નાસતા ફરતા અને પછી ગુજરાન ચલાવવા ખાતર ચોરી અને લૂંટફાટનો ધંધો તેઓ લઈ બેસતા. નવા અમલદારો આવે તે કોઈ આમને સુધારવાની કોશિશ કરતા નહીં પણ વધારે સખ્તાઈ કરવા જતા અને તેમાંથી વધારે ગુનેગારો નિપજાવતા.
હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ. તા. ૧લી ડિસેમ્બરે બોરસદમાં પ્રાંતિક સમિતિની બેઠક થઈ તે પહેલાં સરકારનો કેસ ખોટો અને અન્યાયી પુરવાર કરવા માટે સરદાર પાસે પૂરતો મસાલો એકઠો થઈ ગયો હતો. પંડ્યાજી તથા રવિશંકર મહારાજે પણ ખૂબ મહેનત લઈ લોકો પાસેથી વિગતો મેળવી સુંદર રિપોર્ટ તૈયાર કર્યો હતો. પણ બેઠક શરૂ થતાં પહેલાં સરદારે એમના રિપોર્ટ ઉપર ખૂબ ઝીણવટથી ઊલટતપાસ કરી અને તેમાં બંને જણને એવા ગૂંચવ્યા કે રવિશંકર મહારાજને તો ઘડીભર મનમાં થઈ ગયું કે અમારી મહેનતની કદર કરવાની તો બાજુએ રહી પણ અમે આટલી માહિતી લઈ આવ્યા છીએ તેના ઉપર આ તો અવિશ્વાસની નજરે જુએ છે. તે દિવસ સુધી સરદારનો એમને નિકટનો પરિચય નહીં થયેલો. એટલે મનમાં ગાંઠ વાળી કે આવા કડક માણસ સાથે આપણને કામ કરવું ફાવશે નહીં. પણ પછી પ્રાંતિક સમિતિની બેઠકમાં સરદારે જે ભાષણ કર્યું, રિપોર્ટની જે પ્રશંસા કરી અને જે ઠરાવ રજૂ કર્યો તે જોઈ રવિશંકર મહારાજ સમજ્યા કે આપણને જે સવાલો પૂછેલા તે તો આપણને બરાબર કસીને ખાતરી કરી લેવા માટે જ હતા. ઘડી પહેલાં સરદાર સાથે કામ ન પાડવાની જે મનમાં ગાંઠ વાળતા હતા તે ઘડી પછી સરદારના પરમ ભક્ત બની ગયા. આજે તેઓ સરદારના વધારેમાં વધારે વિશ્વાસુ સાથીઓમાં અગ્રણી પદ ભોગવે છે અને ગુજરાતમાં તેમના હાથપગ બનીને બેઠા છે, અથવા બેઠા છે શાના ? હાથપગ બનીને ફર્યાં કરે છે.
પ્રાન્તિક સમિતિની બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :
- “મુંબઈ સરકારે ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૨૩ના નં. ૩૮૨૮ના ઠરાવથી બોરસદ તાલુકાનાં ૮૮ ગામ અને આણંદ તાલુકાનાં ૧૪ ગામ પર રૂ. ૨,૪૦,૦૭૪ નો દંડ આકારી વધારાની પોલીસ નાખી છે, તે સંબંધમાં આ સમિતિએ નીમેલી કમિટીનો રિપોર્ટ વાંચી તેમ જ તેમની હકીકત સાંભળી આ સમિતિ ઠરાવ કરે છે કે સરકાર પ્રજાનું બહારવટિયાના ત્રાસથી રક્ષણ કરવાને કેવળ અશક્ત નીવડેલી છે. પ્રજાનું રક્ષણ કરવું અને તેને માટે જોઈતો પોલીસનો બંદોબસ્ત કરવો એ સરકારની ફરજ છે. એ ફરજ અદા કરવાને બદલે નિર્દોષ પ્રજા ઉપર જૂઠાં તહોમત મૂકી જે દંડ નાખવામાં આવ્યો છે તે તદ્દન અન્યાયી અને જુલમી છે. તેથી આ સમિતિ આ અન્યાયની સામે લડત ચલાવવાની, પ્રજાને એ દંડ નહી ભરવાની અને તેમ કરતાં વેઠવું પડતું દુઃખ શાંતિથી સહન કરી પોતાનું સ્વમાન જાળવવાની સલાહ આપે છે.”
બીજે દિવસે આખા બોરસદ તાલુકાની પરિષદ થઈ. તે માટે તૈયારી આઠ જ દિવસની હતી. છતાં લોકોની ઠઠ ભારે હતી. આખો મંડપ ખીચોખીચ ભરાયો હતા. જેટલાં માણસ મંડપમાં હતાં તેટલાં જ બહાર હતાં. દંડ નાખવામાં આવેલા દરેક ગામેથી પ્રતિનિધિઓ આવ્યા હતા. સરદારે પોતાના ભાષણમાં સમિતિના રિપોર્ટની વિગતો તથા પોતે મેળવેલી હકીકતો જણાવી કહ્યું :
- “બહારવટિયાને મદદ કરવા માટે લોકો પર દંડ મૂક્વામાં આવ્યો છે. પણ સરકારે બહારવટિયાને મદદ કરી તેના હાથમાં બંદુકો આપી તેનો શો દંડ કરવો ? તેનો દંડ તો એક ઈશ્વર કરનાર છે. સરકારનાં પાણી વળતાં હોવાં જોઈએ; તેનો દિવસ આથમતો હોવો જોઈએ; નહીં તો એને આમ ખૂનીની દોસ્તી કરવી પડે નહીંં. હથિયારો હાથમાં આવ્યા પછી એ માણસે કેટલાં બધાં ખૂન અને લૂંટો કર્યાં તે સરકાર ન જાણતી હોય એમ ન જ બને. સરકારનો હેતુ બાબરને અલીની મદદથી પકડવાનો હશે, પણ લોકોને શી ખબર કે સરકારનો હેતુ શું છે ? સરકારે જાહેર કરવું જોઈએ કે તેણે ભૂલ કરી છે. અલીએ જે જે અત્યાચારો ગરીબ પ્રજા ઉપર કર્યા છે તેની જવાબદારી સરકારની જ છે.”
દંડમાંથી કોને બાતલ રાખ્યા છે તે ગણાવે છે :
- “જેમનો ગુનામાં વધારેમાં વધારે હાથ છે, વધારેમાં વધારે મદદ છે તેમને બાતલ કર્યા છે. સરકારી નોકરોની ફરજ ગુનેગારોને પકડવાની છે. પણ તેઓ દંડમાંથી બાતલ, પાદરીઓને બાતલ રાખ્યા છે. તેમને તો બહારવટિયાના સોબતી કહે તો સરકાર સામે બંદૂક લઈને ઊભા થાય. પણ તેમના હાથ નીચેના ખ્રિસ્તી ઢેડની આપણા જેવી જ સ્થિતિ છે. મુખી અને રાવણિયા બહારવટિયાના હાથથી બચ્યા છે તે પણ દંડમાંથી બાતલ છે. ખરી હકીકત એવી છે કે એકોએક રાવણિયા અને એકોએક પેાલીસ પટેલ બાબર ક્યાં હોય છે તે જાણતા હોય છે, પણ તેને પકડવાની કોઈની હિંમત ચાલતી નથી. આવા બધાને બાતલ રાખ્યા છે પણ ધારાસભામાં જનારાઓની દશા આપણા જેવી જ છે. એ પણ લૂંટારાના સોબતી !”
પછી દંડ ન ભરવામાં કઈ દૃષ્ટિ રાખવી જોઈ એ તે સમજાવે છે :
- “અઢી રૂપિયાનો બચાવ થશે એવા હલકા ખ્યાલથી દંડ ન ભરવો હોય તો આ લડતમાં પડવામાં માલ નથી. આપણે ચોર લૂંટારાના સાથી નથી, ચક્રવતી સરકારને પણ આપણને એવું કહેવાનો હક નથી, એમ લાગતું હોય તો જ લડત ઉપાડજો. પછી ભલે સરકાર બે રૂપિયાને બદલે દસ રૂપિયાનો માલ લઈ જાય. લૂંટારાના સોબતી કહેવાઈને સરકારને અઢી રૂપિયા આપવા તે કરતાં તો બહારવટિયા લૂંટી જાય તે સારું. અમે ઇમાનદાર, આબરૂદાર માણસ છીએ, લૂંટારાના સોબતી નથી, એટલે દંડ નથી ભરવાના, છતાં બહારવટિયા આવીને જેમ લઈ જાય છે તેમ જોઈએ તો તમે આવીને લઈ જાઓ, આવી સમજણ હોય તો જ લડત ઉપાડજો.”
સરકાર સાથે લડવા માટે અહિંસા અનિવાર્ય છે તે ઉપર પછી ભાર મૂકે છે:
- “લડત દરમિયાન સરકારના માણસો અને તમારા વિરોધીઓ તમને ભરમાવી તોફાને ચઢાવવાનો પ્રયત્ન કરશે. તમે તોફાને બિલકુલ નહી ચઢશો. આ મહાત્માજીના રસ્તાની લડત છે. તેમાં ધારિયાંનું કે લાકડીનું કામ નથી. તેમાં આપણા બરડાનું જ કામ છે. તેના ઉપર સરકાર ભલે મારવું હોય તેટલું મારી લે. તમે ગાળ દેશો કે લાઠી ચલાવશો તો તેની પાસે બહુ સત્તા છે. બહારવટિયાને તે નથી પકડી શકતી પણ તમને તો એ તરત પકડી લેશે. કોઈને ગાળ દેવામાં કે મારવામાં moટાઈ નથી. ધર્મને ખાતર દુ:ખ સહન કરવામાં મોટાઈ છે.”
લડતની બધી શરતો અને જોખમો સમજાવ્યા પછી, એ બધું કબૂલ કરીને લોકોએ કર ન ભરવાનો નિશ્ચય સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરીને જાહેર કર્યો કે, તાલુકાની સમસ્ત નિર્દોષ પ્રજા ઉપર જૂઠાં તહોમત મૂકી જે દંડ નાખવામાં આવ્યો છે તે તદ્દન અન્યાયી અને જુલમી છે. એ અન્યાયની સામે લડત ચલાવવા આ પરિષદ પ્રજાને એ દંડ નહીં ભરવાનો અને તેમ કરતાં વેઠવાં પડતાં દુ:ખ શાંતિથી સહન કરી પોતાનું સ્વમાન જાળવવાની સલાહ આપે છે.
તરત જ સરદારે લડત માટે સૈનિકોની અપીલ કરતાં જણાવ્યું કે, પ્રજા ઉપરના આ આફતના વખતમાં તેની પડખે ઊભા રહી તેની સેવા કરવાની તક ગુજરાતના નવજુવાનને મળી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા ન મૂકી શકે.
મોટા ભાગના સ્વયંસેવકો તાલુકામાંથી મળી રહ્યા અને લડતનો વ્યુહ ગોઠવાયો. સ્વયંસેવકોની ટુકડીઓ પાડી નાખવામાં આવી અને દરેક ટુકડીને અમુક અમુક ગામના જથા વહેંચી આપવામાં આવ્યા. આખી લડતની સમજૂતી આપવા માટે તથા લોકોએ શું શું કરવાનું છે, કેવા સાવધાન રહેવાનું છે, અંદર અંદરના કજિયા કંકાસ કાંઈ હોય તો ભૂલી જઈ એકસંપીથી ગામનું રક્ષણ કરવાનું છે, અને એ બધું પૂરેપૂરી શાંતિ જાળવીને કરવાનું છે તેની પત્રિકાઓ તાલુકાના મુખ્ય મથક બોરસદથી કાઢવામાં આવતી. પહેલી પત્રિકા સરદાર અને દરબાર ગોપાળદાસભાઈની સંયુક્ત સહીથી કાઢવામાં આવેલી અને પછીની પત્રિકાઓ દરબાર સાહેબની સહીથી અથવા પંડ્યાની સહીથી નીકળતી. પહેલી પત્રિકામાં લોકોને શાંતિ અને ખામોશી રાખી દુ:ખો સહન કરવાનું સરદારે બરાબર પ્રાત્સાહન આપ્યું :
- “લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળી તમે તમારું સ્વમાન જાળવજો. સરકાર તેના સ્વભાવ પ્રમાણે તમારા ઉ૫૨ ક્રોધે ભરાશે, જપ્તીઓનો જુલમ કરશે, ઢોર છોડી જશે, અઢી રૂપિયા માટે પચીસ રૂપિયાની કિંમતની ચીજ જપ્ત કરીને લઈ જશે. એ બધું તમે શાંતિથી અને સબૂરીથી ખમી લેજો, પણ સરકારના માણસોને તમારે હાથે એક પાઈ પણ આપશો નહીંં, કોઈ પણ જાતનું તોફાન કરશો નહીંં. સરકાર અસત્ય અને અનીતિને માર્ગે ચઢેલી છે. તમારી તરફ સત્ય છે, તેની સાથે તમે અહિંસાનું પાલન કરશો તો જરૂર તમારી ફતેહ થશે. સત્ય અને અહિંસાનું પાલન કરનાર કદી હારે જ નહીં'. ઈશ્વર તમને શાંતિથી દુ:ખ સહન કરવાની શક્તિ આપો.”
મોહનલાલ પંડ્યા જુવાન સ્વયંસેવકની માફક ઘોડે બેસીને આખા તાલુકામાં ફરી વળ્યા અને બધાં થાણાં ઉપર સ્વયંસેવકો બરાબર ગોઠવાઈ ગયા છે કે કેમ તે જોઈ આવ્યા. એમનું મુખ્ય કામ ઘોડા ઉપર બેસી આખા તાલુકામાં ફરવાનું હતું. રવિશંકર મહારાજને કાંઠાનાં અઢાર ગામ, જેમાં એકલી પાટણવાડિયા અને બારૈયા કોમની જ વસ્તી છે, તે સોંપ્યાં હતાં. એ તો રોજ વહેલી પરોઢથી રાત સુધીમાં અઢારે ગામ ફરી વળતા અને બધાં ગામે આલબેલ પોકારી આવતા. તળ બોરસદ મિશ્ર વસ્તીવાળું મોટું ગામ, ત્યાં મામલતદાર મુનસફની કચેરી, તાલુકાના પોલીસ અમલદારો પણ ત્યાં રહે અને અમલદારો સાથે બેઠક રાખનારા લોકોની સંખ્યા પણ ગામમાં ઠીક ઠીક, એટલે એ કેવો જવાબ આપશે એ વિષે કાર્યકર્તાઓના મનમાં વસવસો રહેતો. સરદારે તો તાલુકા પરિષદની આગલી રાતે બોરસદ ગામના વતનીઓની સભા કરીને એમને સારી પેઠે સમજાવ્યા હતા કે :
- “આ લડતની ગંભીરતાને વિચાર કરજો. જે અંદર અંદર લડવું હોય તો પહેલેથી જ લડતનું માંડી વાળજો. બોરસદને માથે મોટી જવાબદારી છે. તમે કરશો તેમ બીજા ગામડાંવાળા કરશે. તમે જો પાણીમાં બેસી જશો તો બીજા બધાનું બગડશે. . . . બે ત્રણ રૂપિયામાં મોટી વિસાત છે એમ નથી. આપણે કાંઈ ભિખારી નથી કે બે ત્રણ રૂપિયા ફેંકી ન દઈ શકીએ. પણ સરકાર તો લૂંટારાના સાથી કહી આપણી પાસેથી લેવા માગે છે. સરકાર પોતાની ગરીબાઈ કબૂલ કરે. પોતાની સત્તા પરવારી ગઈ છે એમ જાહેર કરે, તો આપણી મેળે આપણો બંદોબત કરી લેવા આપણે તૈયાર છીએ.”
આના જવાબમાં અમે પણ લડવા માટે મક્કમ છીએ એમ બોરસદના વતનીઓએ કહેલું, અને તે પ્રમાણે તેઓએ સારું મક્કમપણું બતાવ્યું. લોકોએ જ્ઞાતિવાર એકઠા થઈને ઠરાવ કર્યા કે, કોઈએ દંડ ભરવો નહીં અને જે કોઈ જપ્તી થયેલો માલ હરાજીમાં રાખે તેનો રૂા. ૫૦ દંડ લેવો. પંચરાઉ વસ્તીવાળાં બીજા મોટાં ગામોમાં પણ આવી જ જાતના ઠરાવ કર્યા.
સામી બાજુ સરકારે પણ તાલુકામાંનું પોતાનું સઘળું બળ એકઠું કરી જપ્તીઓનો મારો શરૂ કરી દીધો. મામલતદારની કચેરીનું બીજું બધું કામ મોકૂફ રાખી બધા કારકુનોને જપ્તીના કામમાં રોકી દીધા. લોકોને બિવરાવવાની દૃષ્ટિએ વધારાની પોલીસનો પણ બંદૂક સાથે ઉપયોગ કરવા માંડ્યો. આ પોલીસને લોકોના રક્ષણ માટે રાખવામાં આવ્યાનું કહેવામાં આવેલું. તેનો ઉપયોગ સરકારના અન્યાયી હુકમની બજવણી માટે અને જપ્તી કારકુનોના રક્ષણ માટે કરવામાં આવ્યો. જોકે જપ્તી કારકુનોને કશા રક્ષણની જરૂર નહોતી. લોકોએ આ લડત પૂરતી તો અહિંસાની પ્રતિજ્ઞા લીધી જ હતી.
જપ્તીના રિપોર્ટો ગામડાંમાંથી મુખ્ય મથકે આવવા લાગ્યા. તેમાંથી તારવીને થોડા દાખલા નીચે આપ્યા છે :
૧. એક લુહાણા ગૃહસ્થને રૂા. ૪-૧૪-૦ ભરવાના હતા તેને ત્યાંથી પેટલાદ મિલનો રૂા. ૧૦૦નો શૅર જપ્તીમાં લીધો.
૨. રાસમાં એક પાટીદારને રૂા. ૭-૫-૦ ભરવાના હતા તે માટે પંદર દિવસ ઉપર જ વિયાયેલી દોઢસો રૂપિયાની કિંમતની ભેંસ તેની કિંમત રૂા. ૧૦૦ આંકીને લીધી.
૩. દાવોલમાં એક પાટીદારની ભેંસ છોડવા માંડી પણ ભેંસ મારકણી હતી એટલે ન છોડી શક્યા.
૪. દાવોલમાં મામલતદાર જેઓ મુસલમાન છે તે ઘરમાં પેસી અંદરથી ઘી અને તેલની બરણીઓ જાતે બહાર કાઢી લાવ્યા. મુખી, મતાદાર અને રાવણિયાએ ઠરાવ કર્યો છે કે કોઈના ઘરમાં પેસી કોઈ વસ્તુ આપણે જપ્તી લેવી નહીં.
૫. નાપામાં જપ્તી કારકુને મુખીને એક ઘરમાં જઈ વાસણ લાવવાનું કહ્યું. મુખીએ જણાવ્યું કે મારું કામ ઘર બતાવવા માટે તમારી સાથે ફરવાનું છે. અમારી ફરજ વાસણો કાઢવા માટે ઘરમાં પેસવાની નથી.
૬. એ જ ગામમાં બે ઘેરથી દૂઝણી ભેંસો પાડીઓને ઘેર રાખી જપ્તીમાં લીધી.
૭. અલારસા ગામમાં મામલતદારે જપ્તીમાં કોઠીઓમાંથી દાણા કાઢીને લીધા. એક પાટીદારની કોઠીમાંથી દાણા કાઢતાં કલ્લાંની બે જોડ રૂા. ૯૯ની નીકળી તે રૂા. ૭-પ-૦ ના વેરા બદલ જપ્તીમાં લીધી. ઠાકરડાઓને બોલાવીને મામલતદારે કહ્યું : “તમારામાં આ વેરો ભરવાની તાકાત ન હોય તો ચોરી કરો અગર કોઈને ત્યાંથી વ્યાજે લાવો અગર લૂંટી લાવો ! ગમેતેમ કરો પણ અમારો વેરો ભર્યા સિવાય છૂટકો નથી. તમારી જમીન અને ઘરો હરાજ થશે અને તમે ગરીબ લોકો ખુવાર થશો માટે વેરો ભરી દો.” ઠાકરડાઓએ મામલતદારની સમજૂતી ગ્રહણ ન કરી. ૮. વીરસદ ગામમાં રાવણિયાઓએ ઘરમાં પેસવાની ના પાડી. સર્કલ ઇન્સ્પેક્ટર જાતે માલ કાઢવા ઘરમાં પેઠા. આખા દિવસમાં સાત જપ્તીઓ થઈ શકી. પંચાતનામાં કે પહોંચની કંઈ વિધિ થતી નથી.
૯. દેવાણના ઠાકોરે સ્વયંસેવકોને જણાવ્યું કે તમારે અહીં આવવાની જરૂર નથી. હું એક પૈસો પણ ભરાવા દઈશ નહીં. મેં તો કલેક્ટરને લખી દીધું છે કે મારા ગામનું રક્ષણ હું કરું છું. તમારી પોલીસની મારે જરૂર નથી અને મારી પ્રજા એક પૈસો પણ ભરશે નહીં.
૧૦. એક પૅન્શનરે વેરો ભરવાનું ના પસંદ કરીને જપ્તી કરાવવાનો લહાવો લીધો.
૧૧. બોદાલમાં મામલતદાર પધાર્યા. મુખી ખેતરમાં હતા. તેમણે મુખીને બોલાવવા માણસ મોકલ્યો. એના જવાબમાં મુખીએ કહેવડાવ્યું કે મારું કામ પૂરું કરીને આવું છું, ત્યાં સુધી ચોરામાં બેસો. મામલતદાર મુખી, મતાદાર તથા રાવણિયાના ઠરાવનું જાણતા હતા. તેમણે રાવણિયાઓને કહ્યું કે તમારે જપ્તીઓનો માલ ઉઠાવવો પડશે, જપ્તીઓ કરવા ઘરમાં દાખલ થવું પડશે, સરકારી નોકરોનું પાણી ભરવું પડશે અને લાકડાં તથા જોઈતી વસ્તુઓ લાવી આપવી પડશે. રાવણિયાઓએ કહ્યું કે અમે આ વખતે એમાંનું કશું કરવાના નથી. તમારે નોકરીમાંથી કાઢી મુકવા હોય તો ખુશી છીએ. અમે આ અન્યાયી વેરો ઉઘરાવવાના હુકમને માનવાના નથી. એટલામાં મુખી આવ્યા.
મામ○ — ગામમાં કેમ ચાલે છે ?
મુખી — ગામ મક્કમ છે. હૈડિયાવેરો ભરવાની ના પાડે છે.
મામ○ — ક્યારના આવ્યા છીએ તોપણ તમારા હિસાબમાં જ નહીં, કેમ ?
મુખી — ના સાહેબ, મારે મન તો કલેક્ટર સાહેબ અને આપ બધા અમલદારો સરખા જ છો.
મામ○ — ચાલો અમારી સાથે જપ્તી કરવા આવો છો ને ?
મુખી — ના સાહેબ, હું સરકારી મહેસૂલની જપ્તી અથવા જંગલનાં લાકડાંની હરાજી કરવાની હોય તો કરી શકું. આવા અન્યાયી વેરાની જપ્તીઓ હું કરી શકું એમ નથી. મારા ભાઈઓનાં ગળા પર છરી ફેરવી શકીશ નહીં.
મામ○ — કોઈ ગામના મુખી ગામલોકથી ડરતા નથી અને તમે કેમ ડરો છો?
મુખી — અમારા ગામમાં એક બાપની પ્રજા છે. મારે ગામ સાથે પેઢીઓથી વહેવાર છે. અમારા ભાઈઓ કરતાં સરકાર મોટી નથી.
મામ○ — જો તમારાથી ના બને તો રાજીનામું આપો. મુખી — અમારી પાંચ સાત પેઢીમાં આવો વેરો અમે જોયો નથી. આ વેરો ઉધરાવવા આવવાનું મારાથી નહી બને.
મામ○ — તો તમને સસ્પેન્ડ કરવામાં આવે છે.
સાંજે ગામે ભેગા થઈ ઠરાવ કર્યો કે મુખી તથા રાવણિયાઓની જગ્યા ગામમાંથી કોઈએ લેવી નહીં.
૧૨. સુણાવ ગામમાં સર્કલ ઇન્સ્પેકટર તલાટી, મુખી તથા રાવણિયાઓને લઈ જપ્તી કરવા નીકળ્યા. એક ઘર આગળ ગયા ત્યાં પુરુષવર્ગ હાજર નહોતો. સ્ત્રીઓને પૂછતાં જવાબ મળ્યો કે, ‘આ રહ્યું ઘ૨. હાથમાં આવે તે લઈ જાઓ.’ સર્કલ ઇન્સ્પેક્ટરે રાવણિયાઓને વાસણ લાવવા કહ્યું. તેઓએ ચોખ્ખી ના પાડી. સર્કલે કહ્યું, ‘આમ કેટલાં ઘરમાં વાસણ લાવવા નહીં પેસો?’ રાવણિયાઓએ હિંમતથી કહ્યું, ‘કોઈના ઘરમાં નહીં પેસીએ.’ સર્કલે પૂછ્યું, ‘લાવી આપું તો ચોરામાં લઈ જશો ?’ એની પણ પેલાઓએ ના પાડી. સર્કલે કહ્યું, ‘આખા તાલુકામાં કોઈ ગામના રાવણિયા આટલી હદે પહોંચ્યા નથી. લોકોના ઘરમાં ન પેસે પણ બહાર માલ લાવી આપે તે ઉપાડે તો છે જ. આવી પહેલ તાલુકામાં તમે જ કરો છો. માટે સહન કરવું પડશે.’ રાવણિયાઓએ જવાબ આપ્યો, ‘અમે નોકરી છોડી દઈશું. શાહુકાર લોકો પૈસાની લાલચથી ગમે તે કરે. અમારે શું ? અમારે અહીં કે બીજે મજૂરી જ કરવી છે ને ? અમે તો ડરીએ પણ નહીં અને ડગીએ પણ નહીં. પછી મુખીને ઘરમાં પેસવાનું કહેતાં તેણે જવાબ આપ્યો, ‘ગામનો ધણી છું. મને આબરૂ વહાલી છે. લોકોના ઘરમાંથી વાસણો કાઢવાનું અને ઊંચકવાનું કામ મારું નથી.’ સર્કલે મુખી અને રાવણિયાના લેખી જવાબ લીધા. પછી મજૂરની શોધ કરી પણ કોઈ મળ્યું નહીં એટલે ચોરામાં પાછા ફર્યા.
જપ્તીઓનું કામ શરૂ થયું કે થોડા જ દિવસમાં લોકોએ એક નવો પેંતરો રચ્યો. ગામને પાદરે ઝાડ પર મોટું નગારું લઈને સ્વયંસેવક બેસે અને જપ્તીવાળાને આવતા દેખે કે વગાડવા માંડે, જે સાંભળીને લોકો ઘર બંધ કરી તાળાં દઈ ઢોરને લઈ સીમમાં ચાલ્યા જાય. ઘરમાં સ્ત્રી વગરે રહે તો પણ બારણે તાળું દીધેલું હોય. ગામના છોકરાઓ ગામમાં ગાતા ગાતા ફરે ‘ના ભરશો રે ના ભરશો, અન્યાયી વેરો ના ભરશો.’ બોરસદ જેવાં મોટાં ગામોમાં તો લડત ચાલી એટલા બધા દિવસ દહાડે બધાં ઘર તાળાંબંધ રહેતાં અને રાતે બધો વહેવાર ચાલતો. સ્થળે સ્થળે કિસન દીવા અને સ્વયંસેવકોનો ચોકીપહેરો ગોઠવી દેવામાં આવતો. બજાર પણ રાતે ઊઘડતું અને બહેનો પાણી ભરવા પણ રાતે જતી.
આમ જપ્તીમાં કશી સફળતા ન મળી એટલે મામલતદારે કેટલાંક ગામે વેરો નહીં ભરનારાની જમીન ખાલસા કરવાની નોટિસો કાઢી. તરત જ સરદારે પોતાની અને દરબાર સાહેબની સહીથી પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે:
- “અમુક મુદ્દતની અંદર વેરો નહીં ભરાય તો ખાતેદારની જમીન ખાલસા કરવાની મામલતદારે નોટિસો કાઢી છે. અમે માનતા નથી કે સરકારને મામલતદારના આ કામની ખબર હોય. ચાર રૂપિયાનો દંડ વસૂલ કરવાને ખાતર જ્યારે જમીન ખાલસા થશે ત્યારે બહારવટિયાની અને આ રાજ્યની નીતિમાં કશો ફેર નહીં રહે. બાબર દેવાની ટોળી જાન લેવાની ધમકી આપી લોકો પાસે પૈસા કઢાવે છે. સરકારના અમલદારો આ જુલમી અને અન્યાયી વેરો વસૂલ કરવા માટે જે જમીન ઉપર પ્રજાની જાન નભી રહેલ છે તે જમીન પડાવી લેવાની ધમકી આપે છે. મામલતદાર સાહેબે તમને જે ધમકી આપી છે તેની કલેક્ટર સાહેબને ખબર જ નહીં હોય એમ અમે માનીએ છીએ. આ દંડને ખાતર જમીન ખાલસા થઈ શકે જ નહીંં. છતાં જો સરકાર એવા નિશ્ચય ઉપર આવે કે આવા દંડને ખાતર પણ ખેડૂતોની જમીન ખાલસા થઈ શકે તો આપણે સરકારનાં આવાં પગલાંને વધાવી લેવું જોઈએ. સરકાર જેમ વધારે ને વધારે અન્યાય કરશે તેમ તેનાં વળતાં પાણી વહેલાં થશે. ગુસ્સે થવાનાં અનેક કારણો મળ્યા. છતાં જે શાન્તિથી પ્રજાએ જપ્તીઓનું કામ ચાલવા દીધું છે તેને માટે તેને અમે મુબારકબાદી આપીએ છીએ.”
એક દિવસે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, પોલીસ ઈન્સ્પેક્ટર વગેરે પોલીસ અમલદારો બે મોટરો લઈ દાવોલ ગામે ગયા. તેમનો ગામ લોકો સાથે થયેલ સંવાદ લોકોની દૃઢતા બતાવે છે:
- સ○ — તમે કાંઈ અરજ કરવા માગો છો ?
- જ○ — ના, સાહેબ. અમારે તમને કોઈ ફરિયાદ કરવાની નથી.
- સ○ — કેમ ? તમારા ગામે હાલમાં શાન્તિ તો છે ને ?
- જ○ — હા, સાહેબ.
- સ○ — તમારા ગામમાં પોલીસ ફાળો ઉઘરાવ્યો કે નહીં ?
- જ○ — અહીં મામલતદાર સાહેબ આવેલા તેમણે ગામમાંથી જપ્તીઓ કરી વાસણ તથા અનાજના કોથળા લઈ ચોરામાં નાખ્યા છે.
- સ○ — આટલી જપ્તીઓ થયા છતાં તમે વેરો કેમ ભરતા નથી ?
- જ○ — આ અન્યાયી વેરો ભરવા અમે રાજી નથી.
- સ○ — આ વેરો નહીં ભરો તો અમે પોલીસ ઉઠાવી લઈશું.
- જ○ — જેમ સરકારને ઠીક લાગે તેમ કરે. એને મુલકમાં બંદોબસ્ત રાખવાનો છે તે એક પોલીસથી રાખે કે સો પેાલીસથી રાખે.
- સ○ — તમારે શાંતિ જોઈએ છે કે નહીં ?
- જ○ — અમારે ને તમારે બંનેને શાન્તિની જરૂર છે. શાન્તિથી બંનેને સુખ છે.
- સ○ — પણ વેરાના પૈસા નહી ભરો તો તમોને શાન્તિ શી રીતે મળશે ? ગાડીમાં જેવા પૈસા ખરચો તેવી બેસવાની જગ્યા મળે. તેવું જ રક્ષણનું સમજી લેવું. તમે જો પૈસા નહીંં ભરો તો તમને રક્ષણ પણ તેવું જ મળશે.
આ લડત કુલ પાંચ અઠવાડિયાં ચાલી. તેમાં છેવટના ભાગમાં તો આવી આકરી અને કડવી લડતને પણ લોકોએ સંતાકૂકડીની રમત જેવી સહેલી અને સરસ બનાવી દીધી હતી. તાલુકામાં જપ્તીના કામ માટે એકઠાં કરવામાં આવેલાં મુલકી અને પોલીસ અમલદારોનાં ટોળાં ઉપર પણ લોકોના ખુશમિજાજની અસર થવા માંડી હતી અને તેઓ કિન્નો ભૂલવા લાગ્યા હતા. લોકોની સાવધાની અને સમયસૂચકતાથી તેઓ થાક્યા હતા ખરા, પણ એને પહોંચી વળવાના ઉપાય યોજવામાં તેઓ પણ મમતે ચઢ્યા હતા અને તેમાં હારતા ત્યારે પણ તેઓને રસ પડતો હતો. મોટા મોટા અમલદાર ચોરીચૂપકીથી કોઈ ગામના ઉપર છાપો મારવા નીકળી પડે. તેઓ તે ગામે પહોંચે તે પહેલાં તો સત્યાગ્રહી સેનાના દૂતોને ખબર પહોંચી ગયા હોય. પેલા અમલદાર દૂરથી આવતા દેખાય કે તરત ઝાડ પર ઢોલ વાગવા માંડે અને તે ગામે પહોંચે એટલે ઢોલ વાગતું બંધ થઈ ગયું હોય અને આખા ગામનાં બારણાં પણ ભડભડ બંધ થઈ ગયાં હોય. પેલા વીલે મોઢે ગામમાં ફરે અને થાકીને લોકોનાં ઘરને ઓટલે બેસે. કોઈ વાર સરકારી માણસો લોકોને ભોળવવા માટે સ્વયંસેવકનો વેશ ધારણ કરી ધોળી ખાદીનાં પહેરણ અને ધોળી ટોપી પહેરી લોકોને ઘેર જાય. લોકો બિચારા ભોળવાઈને આવકાર આપે. એટલામાં ખરા સ્વયંસેવકો આવી પહોંચે અને લોકોને ચેતાવે. પેલા ઉઘાડા તો પડી જાય પણ ઘરમાં પેસી ચૂક્યા હોય એટલે જપ્તી કરવા માંડે. પણ જપ્તીમાં શું મળે ? ઘરમાં ચીજો એવી ઠેકાણે કરી દીધેલી હોય કે પેલાઓને કશો પત્તો જ લાગે નહીં. ઘણા લોકો એ તો તાંબાપિત્તળનાં વાસણ વગે કરી દઈને માટીનાં બેડાંએ પાણી ભરવા માંડ્યું હતું અને માટીનાં હાંલ્લામાં રાંધતા હતા. કોઈ જગાએ એવું બનતું કે ઘરનાં બારણાં કોઈ કારણસર ઉઘાડવા જાય કે તરત જપ્તી અમલદાર અંદર દાખલ થવા જાય, ઘરની બહાદુર સ્ત્રી ફડાક દઈને બારણું ઢાંકવાનું કરે એટલે પેલાનો એક પગ અંદર ને એક પગ બહાર રહી ગયો હોય અને બારણાની ધક્કાધક્કી થાય એવી લીલા ચાલે. આમાં કોઈ વાર જપ્તી અમલદાર ફાવે તો કોઈ વાર પગ બહાર કાઢતાં પણ એને નવ નેજા થાય. પોતાના ખેતરમાં પાકેલા કપાસની ગાંસડી માથે મૂકી કોઈ ખેડૂત વેચવા જતો હોય તેને જપ્તીવાળો અટકાવે અને કહે કે, ‘લઈ ચાલો ગાંસડી થાણે.’ એટલામાં ધોળી ટોપીવાળા સ્વયંસેવકો ત્યાં પહોંચી જાય. તે કહે કે, ચાલો, સત્યાગ્રહ થાણે. ગાંસડી ત્યાં રાખો. પેલો ખેડૂત સ્વાભાવિક રીતે જ સત્યાગ્રહ થાણે રાજી થઈને જાય. બીજે દિવસે એના ઉપર ચોરીનું તહોમત મુકાય. પોલીસમાં બહારવટિયાને પકડવાની છાતી તો હતી જ નહીં, છતાં કાંઈ કામગીરી તો બતાવવી પડે એટલે સીમમાં સૂતેલા કોઈને પકડે અને મારઝૂડ કરે. બાકી સત્યાગ્રહ શરૂ થયો ત્યારથી તાલુકામાં ગુના થતા બંધ થઈ ગયા હતા, બહારવટિયાઓ પણ તાલુકામાં રહ્યા હોય તો ઠંડા પડી ગયા અથવા તાલુકા બહાર જતા રહ્યા હતા. કચેરીઓમાં માખી મારવી પડે એવી દશા થઈ હતી. એટલે કેવળ મુકદ્દમા ચલાવવાનો દેખાવ કરવા ખાતર કોઈનો ચોરા પાસે પેશાબ કરવા માટે પંદર રૂપિયાનો દંડ કરવામાં આવે, તો કોઈ સભ્ય ગૃહસ્થનાં અંગ ઉપરનાં બટન અસભ્ય રીતે ઉતારવા જતાં મામલતદારને અટકાવવા માટે તે ગૃહસ્થ ઉપર કેસ ઊભો કરવામાં આવે. આવી પજવણીમાંથી પણ લોકો વિનોદ મેળવતા અને આ બધી ગમ્મતની વાતો એક ગામથી બીજે ગામ ફેલાતી.
અત્યાર સુધી મુંબઈ સરકાર આમાં નહોતી પડી. પણ લડત આગળ ચાલી એટલે પોતે નાખેલા વેરાના સમર્થનમાં ખબર ખાતાના વડા તરફથી તેણે એક યાદી બહાર પડાવી. તેમાં સત્યાગ્રહી કહેવાતામાંથી કોઈ કે અયોગ્ય અને ગેરકાયદે રીતે સરકારના ખાનગી તુમારો મેળવ્યા બાબત તથા લોકોમાં પોલીસને મદદ કરવાની બિલકુલ વૃત્તિ જ ન હોવા બાબત તથા બહારવટિયાઓને સંતાડવા અને રક્ષણ આપવા બાબત પ્રજા ઉપર આક્ષેપો કર્યા હતા. વળી તેના સમર્થનમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો એક લાખ ૭૭ પૅરાનો રિપોર્ટ જોડ્યો હતો. આ યાદીનો તા. ૨૩મી ડિસેમ્બરે સરદારે બહુ સખત જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે :
- “પેલા તુમારો ગમે તેટલા ‘ખાનગી’ હશે પણ આ કેસની અંદર તો ઘણા મહત્ત્વના છે. ખબર ખાતાના વડાએ સરકાર ઉપર અને પ્રજા સામે તુમારિયાંનો મોટો થોકડો ફેંકી આ કેસ ઉપર અજવાળું પાડવાનો જે પ્રયત્ન કર્યો છે તેના કરતાં અમે જે તુમારોની વાત કરીએ છીએ તે આ કેસ ઉપર વધારે અજવાળું પાડે છે. એ તુમારોમાં સરકારી અમલદારોએ પોતે સરકારનું જે પોગળ કબૂલ કરેલું છે તે જો અમે પ્રગટ ન કરીએ તે અમે અમારી ફરજમાંથી ચૂક્યા કહેવાઈએ. છતાં અમે તો આ સરકારે પોતે જ આ યાદીમાં જે કાગળો પ્રગટ કર્યા છે તેમાંથી પણ એવું બતાવી શકીએ તેમ છીએ, જેથી સરકારનો આ કેસ ઊડી જાય.”
પછી પોલીસ સુપરિન્ટેનડેન્ટના આખા જિલ્લાના રિપોર્ટમાંથી બોરસદ તાલુકામાં જ બનેલા એવા કેસો ચૂંટી કાઢ્યા, જેમાં લોકોએ પોલીસને મદદ કરવાનો યત્ન કરેલો, તે માટે જાનનાં જોખમ વહોરેલાં અને જાન પણ ખોયેલા. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના શબ્દોમાં જ તે નીચે આપ્યા છે :
૧. ઝાડ સાથે ખીલા ઠોકીને અને ગોળીઓથી વીંધી જે બિચારાને મારી નાખવામાં આવ્યો છે તે બાતમી આપનાર હતો.
૨. મરનારના કોઈ કુટુંબીએ પોલીસને મદદ કરેલી તેના ફળરૂપ આ ખૂન હતું.
3. એક મુસલમાને બહારવટિયા સામે શાહેદી પૂરેલી તેના પર હુમલો કરી તેનું નાક કાપી છોડી મૂકવામાં આવ્યો.
૪. બકોર પેાલીસ જોડે મળી ગયો છે એવી શંકા પડવાથી બાબરે તેને ઠાર કર્યો.
૫. બેડવા ગામના લોકોએ બહારવટિયાઓનો સામનો કરવાનું સાહસ કર્યું, પણ પેલાઓએ ગોળીબાર કર્યો ને બે માણસને મારી નાખ્યા.
૬. એક પાટીદારે બહારવટિયાની સામે થવાનું સાહસ કર્યું પણ તેને છરી ભોંકીને મારી નાખ્યો.
૭. બાબર દેવાએ બંજેડામાં એક બાતમી આપનારનું ખૂન ર્ક્યું.
૮. બહારવટિયાઓએ હથિયારો સાથે ચાર ગામડાં ઉપર છાપો માર્યો પરંતુ તેઓ વીખરાઈ ગયા. (લોકો સામા થયા હશે તેથી જ વીખરાયા હશે ને ? ભલી ભલાઈથી તો નહી જ વીખરાયા હોય ને ?)
૯. એક દરજી બહારવટિયાની સામે થયો, તેના સાહસના ફળરૂપે તેને કેટલાક જખમ થયા.
૧૦. પોલીસને બાતમી આપનાર ઉપર બાબરે કિન્નો લીધો ને તેને ઘાતકી રીતે જખમી કર્યો.
૧૧. એક કુંભારને ક્રૂર રીતે છાતીમાં ઘા કર્યો, (અલબત્ત એ કારણે નહીં જ કે તેની પાસે પૈસા હતા. કાં તો તે બાતમીદાર હોવો જોઈએ, કાં તો સામા થવાની તેણે હિંમત કરી હોવી જોઈએ).
૧૨. બાતમી આપ્યાની શંકા ગઈ તેથી તેઓને મારી નાખ્યા.
૧૩. સુણાવના લોકો બહાર નીકળ્યા અને બાબર દેવાની પાછળ પડ્યા.
૧૪. ત્રણ કાછિયાઓ ઉપર હુમલો કરી તેમને ગોળીથી ઠાર કર્યા. (અલબત્ત એ લોકોની તિજોરીમાં તર હતી તેથી નહીં જ. એ બાતમીદાર હોવાનો શક ગયો હશે તેથી જ.)
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે સજા-પાલીસ બેસાડવાની જરૂર પુરવાર કરવા માટે તૈયાર કરેલા રિપોર્ટમાંથી લોકોએ સામા થવાના તેમ જ જાનને જોખમે બાતમી આપ્યાના આટલા દાખલા હોવા છતાં ઉત્તર વિભાગના કમિશનર સાહેબે સજા-પોલીસ બેસાડવાની તરફેણમાં મત આપતાં એમ કહેવાની ધૃષ્ટતા કરેલી કે, ‘સામાન્ય લોકોની બાતમી આપવાની અથવા પોલીસને મદદ કરવાની વૃત્તિ અહીં એટલી ઓછી છે કે તેનો સુમાર નહીં.’ જો ઉપર આપેલી હકીકત લોકોની ‘નાહિંમત’નો, ‘મદદ કરવાની મરજી ન હોવાનો’ પુરાવો હોય તો એ સરકારી અમલદારોનો શબ્દકોશ કઈ જુદો જ હોવો જોઈએ.
સરદારે સરકારી રિપોર્ટની બીજી કેટલીક ત્રુટિઓ પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા કેસો ઉપરાંત સંખ્યાબંધ કેસો એવા હતા જેમાં માણસોએ બહારવટિયા સામે બહાદુરી બતાવેલી તથા તેમની બાતમી આપેલી. વળી બાતમી મળ્યા છતાં પોલીસે એ બાતમીનો કશો ઉપયોગ નહોતો કર્યો એવા કેસો તો સ્વાભાવિક રીતે જ રિપોર્ટમાં નોંધાયેલા નહોતા. ગયા ઑક્ટોબર માસમાં ખબર ખાતાના વડાએ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના ખાસ ખબરપત્રી તરીકે જે કેસનો ઉલ્લેખ કરેલો હતો તે પણ આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યો નહોતો. ‘બાબર તેની બાતમી આપનારાઓનાં વેર વાળ્યા વિના છોડતો નથી,’ તથા ‘પોલીસને બાતમી આપનારાઓ પર તેનો ગુસ્સો એટલે બધો કહેવાય છે કે તે પોતાનાં નજીકનાં સગાંઓને પણ છોડતો નથી’ એમ હોવા છતાં લોકોએ તો બાતમી આપવાની હિંમત કરી હતી.
સરકારી યાદી આગળ કહે છે કે, ‘સવાલ માત્ર એટલો જ છે કે વધારાની પોલીસનો ખર્ચ આખા ઈલાકાના કર ભરનારા ઉપર પડવા દેવો કે જે તોફાની ભાગના લોકોએ આ પોલીસ મૂકવાની જરૂર ઊભી કરી છે તેમણે વેઠવો જોઈએ ?’ એના જવાબમાં સરદાર કહે છે કે, સવાલ એ નથી. સવાલ તો એ છે કે લોકોની દાદ ફરિયાદ સાંભળ્યા વિના એમને દંડવા કે કેમ ? તાલુકાના શાંતિપ્રિય લોકોની આબરૂ ઉપર આ રીતે કલંક ચોંટાડવું કે કેમ ? બહારવટિયાઓની વારંવાર થયેલી ફતેહથી જિલ્લાના કાયદાનું પાલન કરનારા દબાઈ ગયેલા લોકોને આવી જુલમી રીતે દંડવા કે કેમ એ સવાલ તો છે.
સરકારી યાદીની વધુ સખત ઝાટકણી તો સરદાર હવે કાઢે છે : સરકારની વિરુદ્ધ જતા કેટલાક કાગળોમાંની હકીકત બહાર પાડવાનો અમને હક ન હતો એ વાંધો યાદીમાં ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અમે તેના ઉપર જે ગંભીર આરોપો મૂક્યા છે તે બાબત તે ચૂપકી જ પકડે છે. આટઆટલા બાતમીદારો પર ગોળીબાર થયા અથવા તેનાં ખૂન થયાં પણ પોલીસનો વાળ સરખો વાંકો નથી થયો તેનું કોઈ કારણ હશે ને ? આટઆટલી બાતમી પોલીસને મળી છતાં કેમ મુખ્ય બહારવટિયાઓને પોલીસ આજ સુધી પકડી શકી નહીં ? લોકો તો સરકાર ઉપર આરોપ મૂકે છે કે સરકારે પોતે જ અનેક ખૂન કરનાર બહારવટિયા સાથે ભળી તેને હથિયાર અને દારૂગોળો પૂરો પાડ્યો તથા લૂંટો અને ખૂન કરતાં તેણે જ તેને છૂટો ફરવા દીધો.
છેવટમાં સરદાર લોકોના દિલનો સવાલ રજૂ કરે છે કે, જિલ્લામાં અથવા તાલુકામાં ગુનાબાજીની દશા પ્રવર્તી રહી છે તેને માટે જવાબદાર કોને ગણવા? પોતે એનો ઉત્તર આપે છે કે, અમને તો જરાયે શંકા નથી કે સરકાર જ દોષપાત્ર છે. તેણે વાવ્યું છે તેવું જ તે લણે છે. તેણે જ એક પ્રાણવાન, ઉદ્યમી અને ખેતી કરનાર કોમને ‘ગુનાબાજ’નો ચાંલ્લો ચોંટાડ્યો અને એવી રીતે તેને હલકી પાડી રોજ ને રોજ હાડછેડ કરી નિરાશાની છેક છેલ્લી ધાર ઉપર પહોંચાડી. ગુનાબાજ કોમોને લગતા કાયદા (ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ) પ્રમાણે હાજરી લેવી અને ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે જામીન લેવા એ સરકારના હાથમાં સહેલાં અને સસ્તાં સાધન થઈ પડ્યાં છે. કેટલાક અમલદારો પોતાના વધારે પડતા ઉત્સાહમાં આ કાયદાનો અમલ દુરુપયોગની હદ સુધી કરે છે. એક અમલદાર ખૂબ અકળાઈને કકળાટ કરે છે કે, ‘પરિસ્થિતિને પહોંચી વળવા સારુ લાંબો વિચાર કરીને અને કાળજીપૂર્વક ગણતરી કરીને ઉપાયો સૂચવાયા હતા. ઘણા જિલ્લા મૅજિસ્ટ્રેટોનો પણ એ યોજનાને મજબૂત ટેકો હતો. છતાં વિવિધ કારણોને લીધે એ યોજના મંજૂર ન થઈ. બીજી તરફથી ધારાળાઓની ગુનાબાજી તો ચાલુ જ રહી, એટલે આ દરખાસ્તો ફરી ને ફરી રજૂ કરવી રહી.’ એક અમલદાર કબૂલ કરે છે કે આ ગુનાબાજીનું કારણ આર્થિક છે. પરંતુ તેની સાથે તેને લાગે છે કે એ કારણ સહેલાઈથી દૂર થઈ શકે એવું નથી. એક બીજો અમલદાર વળી એમ કહે છે કે આપણે પૂરતા કડક નથી થયા, વધારે પડતી નરમાશ બતાવીએ છીએ. ગુનાબાજ કોમને લગતા કાયદા મુજબ જ, પણ આપણા બળ અને આપણા નિરધારનો તેમને પરચો દેખાય એવા ઉપાય યોજવા જોઈએ. સરદાર કહે છે કે આ બધા અમલદારો ગોથાં ખાય છે. હાજરીના ઉપાયમાંથી જ ગુના વધ્યા છે. રોગ કરતાં ઉપાય વધુ ખરાબ લેવાયા છે અને હાજરીથી જે બાકી રહ્યું તે જામીન કેસોએ પૂરું કર્યું છે. એવા જિલ્લાની કલ્પના કરો જેમાં એક વરસમાં અઢારસો જેટલા જામીન કેસ થયા હોય. સહેજસાજ શક પડ્યો કે કરો જામીન કેસ. પેલે બાપડો શું કરે ? તેને એમ થાય કે કાયમ પોલીસની નજર નીચે રહેવું તેના કરતાં જેલ વહોરી લેવી એ બહેતર છે.
લોકોની ગરીબીનું ઓસડ કરવાની સરકારે ના પાડી અને એ કામનો નૈતિક સુધારો કરવાની તો તેનામાં તાકાત જ નહોતી. એટલે સરકાર ગુનાખોરને લગતા કાયદાની અને જામીનગીરીની કલમોની વાડમાં જ બંધાઈ રહી. સજા-પોલીસ મૂકવામાં આવી એ પોતાની જાત પર આવીને ભરેલું તેનું આખરી પગલું હતું. આમ પોતાના જવાબનો ઉપસંહાર કરતાં સરદાર કહે છે કે :
- “અમને નથી લાગતું કે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ શી રીતે કરવું જોઈએ તે બાબતમાં અમારા વિચારોની ચર્ચા અમારે આ પ્રસંગે કરવી જોઈએ. અમે એટલું જ કહીશું કે કસાયેલા અનુભવી સ્વયંસેવકોને એ કોમની વચ્ચે ગામેગામ બેસાડી દેવાનો અમારો નાનો સરખો પ્રયોગ સારાં પરિણામ બતાવી રહ્યો છે. તેઓ સચ્ચાઈ, શાંતિ અને ખાદીનો સંદેશો ઘેરઘેર પહોચાડે છે. સરકાર જો આ પ્રદેશમાંથી ખસી જાય — અને માનમાં રહીને ખસી જવું એ જ તેને માટે ઉચિત છે — તો અમે પ્રજાની વચ્ચે રહીને શાંતિ અને વ્યવસ્થાના પાલનની જવાબદારી ઘણી ખુશીથી ઉપાડીશું.”
ઉપરનો જવાબ આપ્યા પછી સરદાર કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા કોકોનાડા જવા ઊપડ્યા. મુંબઈમાં બોરસદની લડત વિષે તેમણે જાહેર ભાષણ આપ્યું. સરકારી યાદી અને તેના જવાબમાં કહેલી સરકારનાં કરતૂતની બધી વાત સાંભળી લોકોમાં પ્રકોપ જાગ્યો. સરદારે સાફ સાફ કહ્યું કે :
- “સરકારના ખાનગી કાગળો મેં મેળવ્યા છે અને તેમાંથી સરકારની મેલી ચાલ મેં બહાર પાડી છે. કાયદામાં તે ગુનો ગણાતો હોય તો સરકાર મારી ઉપર કેસ ચલાવે. હું માનું છું કે હું એને પહોંચી વળી શકીશ. પણ સરકારી અમલદારોએ એક બહારવટિયાને પકડવાનું માન ખાટવા બીજા બહારવટિયાનો આશરો લીધો, તેને બંદૂકો અને કારતૂસ પૂરાં પાડ્યાં, તેને લૂંટો અને ખૂનો કરવા દીધાં, એ સરકાર ઉપરના મારા જાહેર આરોપનો સરકાર શો જવાબ આપે છે ? આવી રીતે સરકારે પ્રજાનો દ્રોહ કર્યો, તેનો કેસ સરકાર ઉપર કોણ ચલાવે ? બહારવટિયાના સાથી તો પોતે છે, છતાં ચોર કોટવાળને દંડે એમ નિર્દોષ પ્રજાને બહારવટિયાની સાથી કહી તેમની પાસેથી દંડ લેવા સરકાર નીકળી છે !”
આ ભાષણ મુંબઈનાં એકેએક છાપામાં મોટાં મથાળાં સાથે છપાયું. મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સન બોરસદની લડત શરૂ થયા પછી નવા જ આવેલા હતા. તેઓ પોતાની સરકાર ઉપરનો આ ગંભીર આરોપ જાહેરમાં મુકાયેલ જોઈ ચોંક્યા. તેમણે હોમ મેમ્બરને જાતે બધી તપાસ કરવા બોરસદ મોકલ્યા. કાં તો સરકારે દંડ રદ્દ કરી પોતાની ભૂલ કબૂલ કરવી જોઈએ, કાં તો સરદારને પકડી તેમના ઉપર કેસ ચલાવવો જોઈએ, એ સ્થિતિ ઊભી થઈ હતી.
હોમ મેમ્બર સર મોરિસ હેવર્ડ તા. ૪-૧-’૨૪ના રાજ બોરસદ પહોંચ્યા. તેમણે પ્રથમ તો ઉત્તર વિભાગના કમિશનર, જિલ્લાના કલેક્ટર તથા બધા મૅજિસ્ટ્રેટ અને પોલીસ અમલદારો પાસેથી બધી વિગત જાણી લીધી અને પછી એ બધા અમલદારોની રૂબરૂ તાલુકાના આગેવાનોની મુલાકાત ગોઠવી. સ્થાનિક અમલદારોએ પોતાને અનુકૂળ લાગ્યા તેવા વીણી વીણીને દોઢસોએક આગેવાનોને આમંત્રણ આપ્યાં હતાં. તેમણે અગાઉથી મળીને પોતાના પ્રતિનિધિ તરીકે એક જ માણસ — બોરસદના શ્રી રામભાઈ વકીલ વાત કરે એવું નક્કી કર્યું. વળી આ આગેવાનોનો મોટો ભાગ અંગ્રેજી નહીં જાણતો હોવાથી શ્રી રામભાઈ એ બધી વાત ગુજરાતીમાં જ કરવી એમ પણ ઠરાવ કર્યો. પણ સાહેબના બંગલા આગળ તો અઢી ત્રણ હજાર લોક એકઠું થઈ ગયું હતું. સાહેબે અંદરથી કહેવડાવ્યું કે બધા વ્યવસ્થિત બેસી જાય અને શાંતિ રાખે તો ભલે ત્યાં બેસે. લોકો તરત સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. આ સભામાં દરબાર સાહેબ, પંડ્યાજી, રવિશંકર મહારાજ કે બીજા કોઈ કાર્યકતાં ગયા નહોતા. આમંત્રિત આગેવાનો બોરસદના વિનય મંદિરમાં બેઠા હતા ત્યાંથી ‘સાહેબ બંગલે બોલાવે છે’ એવો સંદેશ મળતાં વ્યવસ્થિત સરઘસના રૂપમાં ત્યાં પહોંચ્યા. જતાંવેંત તેમણે પોતાના પ્રતિનિધિની નિમણૂકની અને ગુજરાતીમાં બોલવાની વાત જાહેર કરી અને તે સાહેબે કબૂલ રાખી. હોમ મેમ્બરને ગુજરાતી આવડતું ન હતું એટલે તે અંગ્રેજીમાં બોલે તે લોકોને ગુજરાતીમાં સમજાવવાનું અને શ્રી રામભાઈ ગુજરાતીમાં જવાબ આપે તે સાહેબને સમજાવવાનું દુભાષિયાનું કામ કમિશનર સાહેબે કર્યું. જે સવાલ જવાબ થયા તેમાં લોકોની હિંમત, દૃઢતા અને વિનોદવૃત્તિ પણ દેખાઈ આવે છે.
હોમ મેમ્બરે શરૂઆત કરી કે ના○ ગવર્નર સાહેબ નવા જ આવેલા છે, તેઓ તમારી ચળવળમાં બહુ રસ લે છે. પણ આજ સુધી પ્રજા તરફથી કોઈ અરજી કરવામાં આવી નથી એ નવાઈની વાત છે.
શ્રી રામભાઈ એ જવાબ આપ્યો કે, અરજી કરવાની રીતમાં પ્રજા વિશ્વાસ ગુમાવી બેઠી છે. પ્રજાએ અનેક બાબતોમાં પહેલાં બહુ અરજીઓ કરેલી, પણ તેમને દાદ મળી નથી. એટલે થાકીને અરજી કરવાનું છોડી દીધું છે. પણ આવા મોટા પ્રશ્નમાં સરકાર અજાણ રહે અને અરજીની અપેક્ષા રાખે તો તો સરકાર પોતાની ફરજ ચૂકે છે એમ ગણાય. એટલામાં એક ભાઈએ શ્રી રામભાઈની રજા લઈને જણાવ્યું કે આ બાબતમાં તાલુકામાંથી ચાર અરજીઓ સરકારને કરવામાં આવી છે. કલેક્ટરે અને કમિશનરે એ વાત કબૂલ રાખી.
પછી સાહેબે જણાવ્યું કે, વધારાની પોલીસથી તાલુકામાં શાંતિ સ્થપાઈ છે એટલે ઘણો વખત હવે વધારાની પોલીસ રાખવી પડશે નહીં અને બધો સવાલ ટૂંકામાં પતી જશે.
તેના જવાબમાં શ્રી રામભાઈ એ વધારાની પોલીસના ત્રાસના, કનડગતના તથા તેનો ઉપયોગ લોકોને ધમકાવવા તથા ડરાવવાના કામમાં થતો હોવાના દાખલા આપ્યા. એટલે સાહેબે જણાવ્યું કે આવી બાબતમાં લોકોએ અધિકારીઓને ફરિયાદ કરવી જોઈ એ. શ્રી રામભાઈ એ જણાવ્યું કે ફરિયાદ કરવાનું કોઈ ઠેકાણું રહ્યું નથી. એમ કહી સામે બેઠેલા ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને બતાવી બોલ્યા : આ સાહેબ બે દિવસ ઉપર જ નીસરાયા ગામના લોકોને ધમકાવી આવ્યા છે કે વેરો ભરી દો, નહીં તો બહારવટિયા ઝલુંદ ગામે આવ્યા છે તેમને તમારે ગામ મોકલીશું, તે તમને લૂંટી લેશે. એટલે પેલા પોલીસ અમલદારે પોતાનો બચાવ કરવા માંડ્યો કે મેં તો એમ કહેલું કે વેરો ભરી દો, જો તમારે ગામેથી વધારાની પોલીસ ઊઠી જશે તો બહારવટિયા આવીને તમારુ ગામ લૂંટી લેશે. નીસરાયાના એક ભાઈ એ તરત ઊભા થઈને કહ્યું કે અમારે ગામે પોલીસનું થાણું છે જ નહીં. એટલે શ્રી રામભાઈ એ કહ્યું કે તો તો શેષ વાત બહારવટિયાને મોકલવાની જ સાચી ઠરે છે.
એટલામાં એક જણે ઊભા થઈને કહ્યું કે ફરિયાદ તે કોને કરે ? અને શી કરે? અમારા આંકલાવ ગામમાં ચાર દિવસ ઉપર આ સામે બેઠા છે તે મામલતદાર સાહેબનો ચોરામાં મુકામ હતો. એક માણસે એક ઠેકાણે પેશાબ કર્યો તેનો મામલતદાર સાહેબે પંદર રૂપિયા દંડ કર્યો. હવે થોડા જ વખત ઉપર એની પાસે જ એમનો પોતાનો ઘોડો મૂતરેલો હતો અને આગલી રાત્રે એઓ પોતે જ એ જગાએ ઝાડે ફરવા બેઠા હતા ! આ સાંભળી બધા અમલદારો અને આખી સભા ખડખડાટ હસી પડી. બે જ જણ હસ્યા નહોતા : પેલા પકડાઈ ગયેલા ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને આ ફજેત થયેલા મામલતદાર.
અમલદારોનો આવો ફેસ્તો થતો જોઈ સાહેબે એ વાત પડતી મૂકી અને બહારવટિયાઓ કેમ પકડાય એની ચર્ચા ઉપાડી. શ્રી રામભાઈએ જણાવ્યું કે હમણાં જેવું પોલીસ ખાતું છે તેનાથી તો બહારવટિયા પકડાવાને બદલે નવા ઊભા થવાની દહેશત છે. જ્યારે અલી બહારવટિયો પહેલી વાર પકડાયો ત્યારે સરકારી ખબરખાતા તરફથી એમ જાહેર થયેલું કે ઉત્તરસંડાના જંગલમાંથી અલી નામના બહારવટિયાને પકડવામાં આવ્યો છે. અમે તો સૌ જાણીએ છીએ કે ઉત્તરસંડામાં જંગલનું નામનિશાન નથી. પણ એ અલીના સાગરીત એક પાટીદારે પોતાનું ગામ બહાર એક મકાન છે ત્યાંથી એને દગો કરીને પકડાવેલો. અને એ પણ જગજાહેર છે કે આ સામે બેઠેલા મગનલાલ ફોજદાર એ અલિયા બહારવટિયાના તેમ ઉત્તરસંડાના પેલા પાટીદારના દિલોજાન દોસ્ત છે. ઉત્તરસંડાના પાટીદારે અલીને પકડાવ્યો અને પોલીસ સાથે મળીને એને છોડાવ્યો એ પણ સૌ જાણે છે. એ ત્રણના કુંડાળામાં મગનલાલ ફોજદારને અને બહારવટિયાને સંબંધ હોય એ દીવા જેવું સ્પષ્ટ છે. તે ઉપરાંત મગનલાલ ફોજદારનાં કેટલાંય પોગળ અહીં બેઠેલા આ ડેપ્યુટી કલેક્ટર મિ. ગાંધી આગળના એક કેસમાં ખુલ્લાં પડ્યાં હતાં. એટલે મગનલાલ ફોજદાર કેવા છે તે હકીકત જાણવી હોય તે પૂછો મિ. ગાંધીને. એ તો મગનલાલની વિરુદ્ધ હકીકત કહેવા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા પણ હોમ મેમ્બરને આ દેખાવ ગમ્યો નહીં. તેમણે કહ્યું કે ડેપ્યુટી કલેક્ટરને જે કહેવાનું હશે તે મને કહેશે. તમારે જે કહેવાનું હોય તે કહો. એટલે શ્રી રામભાઈ એ કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આપને જે કહેશે તે જ સભાના તમામ માણસોને કહેવાનું છે. તમારા જ અમલદારોએ બહારવટિયા ઊભા કર્યા હોય અને તેમને તેઓ પકડતા ન હોય તો તેનો દંડ અમારી પાસેથી માગવાનો શાનો હોય ? આવી સડેલી પોલીસને દૂર કરો તે વગર પોલીસો પણ બહારવટિયા ઠેકાણે પડી જાય એમ છે. તેઓ સુધરવા માગે છે એવા કાગળો આ ચળવળ પછી તેઓ સત્યાગ્રહ છાવણીમાં લખતા થયા છે.
આમ પોલીસની વિરુદ્ધ ઘણી હકીકત કહેવામાં આવી. પછી બહારવટિયાઓની બાબતમાં પોલીસે કેટલાં કામ કર્યા છે તે સભાને જણાવવા ડી. એસ. પી.ને કહેવામાં આવ્યું. ત્રીસ ચાળીસ માણસોના નામનું ઓળિયું તેઓ કરી લાવ્યા હતા તે તેમણે વાંચવા માંડ્યું. ‘મશહૂર બહારવટિયા અમુક પકરા ગયા’, ‘મશહૂર બહારવટિયા અમુક મારા ગયા.’ તેઓ વાંચી રહ્યા એટલે શ્રી રામભાઈએ કહ્યું કે આ સાહેબે જેટલાં નામ વાંચ્યાં તેમાં કોઈ મશહૂર પણ નથી અને કોઈ બહારવટિયો પણ નથી. તેમાંનો એક પણ બહારવટિયા તરીકે જાણીતા હોય તો પૂછો આ સભાને.
આ બધો રંગ જોઈને સાહેબે આ મુલાકાત બંધ કરવાનું જણાવ્યું એટલે શ્રી રામભાઈએ બધા લોકોની વતી છેવટમાં જણાવ્યું કે તેની આ બધી વાત સાંભળી સરકાર આ વેરો રદ્દ કરવાના ઠરાવ ઉપર આવે તો પહેલાં ઘણી વાર બન્યું છે તેમ આ વખતે એમ નહીં થવું જોઈએ કે લોકો ગરીબ છે, વેરો ભરી શકે એમ નથી, અમને આજીજી કરે છે માટે અમે આ વેરો જતો કરીએ છીએ. અમે એવા ગરીબ નથી કે આટલો વેરો ભરવાના પૈસા અમારી પાસે ન હોય. પણ અમારી વાત ન્યાયની છે અને સરકારની વાત અન્યાયની છે, માટે આ વેરાની એક પાઈ પણ સરકારને ન આપવી એવો અમારો નિશ્ચય છે. જપ્તી બંધ કરાવી પોતાની તપાસનું પરિણામ સરકારની પાસે રજૂ કરવાનું કહી હોમ મેમ્બરે સભા બરખાસ્ત કરી.
સભાને બીજે દિવસે પોલીસનાં ગુણગાન કરવા માટે સ્થાનિક અમલદારો થોડાક પોતાના ફાવતા માણસોને હોમ મેમ્બર પાસે લઈ ગયા. એ તમામને તેઓ એક જ પ્રશ્ન પૂછતા કે, ગઈ કાલની સભામાં તમે હાજર હતા ? પેલા ‘હા’ કહે તો તેને તરત જ વિદાય આપતા. સરકારનો અન્યાય છે એવી તેમને પ્રતીતિ થઈ ગઈ હતી. તેઓ મુંબઈ પહોંચ્યા પછી તરત તા. ૮-૧-’૨૪ના રોજ મુંબઈ સરકારે નીચેની પ્રેસ નોટ બહાર પાડી :
- બોરસદ તાલુકાના લોકોને ખરચે ત્યાં વધારાની પોલીસ રાખવાની આવશ્યકતા છે કે કેમ, તેની ના○ ગવર્નરે હોમ ડિપાર્ટમેન્ટના સભ્ય મારફતે ખાસ તપાસ કરાવી છે. ના○ ગવર્નરની વિનંતીથી હોમ મેમ્બરે છેલ્લા થોડાક દિવસ દરમિયાન ખેડા જિલ્લાની જાતે મુલાકાત લીધી હતી. ના○ ગવર્નરે, આ તપાસ વિષે પોતાની કારોબારી કાઉન્સિલ સાથે મસલત ચલાવી છે, જેને પરિણામે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે લોકોના રક્ષણ માટે તેમ જ બહારવટિયાઓનો પીછો પકડીને તેમને દબાવી દેવા માટે વિશેષ ઉપાય લેવા સારુ તાલુકાની સામાન્ય પોલીસ ઉપરાંત વધારાની પોલીસની મજબૂત ટુકડીઓ હજી થોડોક વખત રાખવી પડશે.
- પરંતુ, સાથે સાથે, આ ટુકડીઓના ખર્ચ માટે નાખવામાં આવેલો વધારાનો વેરો લોકોને પાછો આપી દેવાને માટે સબળ કારણો છે, એવો તેઓ નામદારનો નિર્ણય થયો છે. વળી એ પણ સાચું છે કે, અત્યાર સુધી એકંદરે લોકો બહારવટિયાને પકડવામાં ઉદાસીન રહ્યા, તે ઘણુંખરું કેટલાક જાણીતા મુખ્ય બહારવટિયાઓની દુષ્ટ અને અમાનુષી રીતોને લીધે જ છે. વળી આ વખતે વરસાદની મોસમ કેટલેક અંશે નિષ્ફળ જવાને લીધે વધારાની પોલીસના નિભાવને માટે વેરો ભરવાનું પણ, કેટલાક લોકોને મુશ્કેલ પડે એમ છે. આ બધું જોઈને અત્યારે જે વધારાની પોલીસ મુકેલી છે તેનું ખર્ચ ચાલુ વર્ષમાં સરકારની સામાન્ય આવકમાંથી જ આપવાનું ના○ ગવર્નરે ઠરાવ્યું છે. અને આવતા વર્ષમાં એને કાયમ રાખવા માટે ધારાસભા પાસે એના ખર્ચની માગણી કરવામાં આવશે.
- આ તાલુકાના લોકો લાંબા વખત સુધી ત્રાસદાયક ગુનાઓના ભોગ થઈ પડેલા છે, અને તેમને વધારાની પોલીસનો અનુભવ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે, એટલે બહારવટિયાઓને દબાવી દેવા માટે હવે પછી લેવાનાં પગલાંમાં ખરા દિલથી સહાય અને સહકાર કરીને, સરકારની આ ઉદાર નીતિનો તેઓ ઘટતો જવાબ વાળશે એ ના○ ગવર્નરને વિશ્વાસ છે.
સરકારની યાદી બહાર પડી કે તરત જ સરદારે પત્રિકા બહાર પાડીને લડત બંધ થયેલી જાહેર કરી. તેમાં લખ્યું :
- સત્ય, અહિંસા અને તપનો ફરીથી એક વાર વિજય થયો છે. આ વિજય આપણી લડત જેટલી ન્યાયની હતી તેટલી જ ત્વરાથી થયો છે, એ વિશેષ આનંદની વાત છે. આ વિજય અપૂર્વ છે, કારણ કે આ વખતે ઉભય પક્ષનો વિજય થયો છે. સરકારે પોતાની ભૂલનો ખુલ્લા દિલથી અને હિંમતથી સ્વીકાર કર્યો છે. થયેલી ભૂલને પ્રતિષ્ઠાની ખાતર કોઈ પણ ભોગે વળગી રહેવાની પરાપૂર્વની રૂઢિ છોડી, નિર્દોષ અને કચરાયેલી પ્રજાને દોષિત અને દુ:ખી કરવાના મહા અપરાધમાંથી બચી જઈ, સત્યનો સ્વીકાર કરી, સરકારે પોતે પણ વિજય મેળવી લીધો છે. આવું ભારે નૈતિક બળ બતાવનાર નવા ગવર્નર સર લેસ્લી વિલસનને અમે ખરા અંત:કરણથી મુબારકબાદી ન આપીએ તો અમે અમારા કર્તવ્યમાંથી ચૂકીએ.
- “વસૂલ થયેઓ દંડ અને જપ્તીમાં લેવાયેલો માલ પાછો આપવાનું અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે ભોગવી લેવાનું ઠરાવ્યું, તેમાં આપણો વિજય સમાયેલો નથી. આપણી ઉપરનું કલંક સરકારે પાછું ખેંચી લીધું તેમાં આપણો વિજય છે ખરો. પણ ખરેખર વિજય તો તેની મહત્તા સમજવામાં અને તે પચાવવાની શક્તિમાં રહેલો છે. સરકાર હંમેશાં પોતાની ભૂલ કબૂલ કરતાં ડરે છે. શુદ્ધ શસ્ત્રોથી અન્યાયની સામે થનાર પ્રજાને પણ નમતું આપવામાં સરકાર પોતાને જોખમ માને છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે સરકારે પોતાની ભૂલને વગર સંકોચે જાહેર એકરાર કરી સત્યાગ્રહ શસ્ત્રથી લડતી પ્રજાને નમતું આપી એ લડત રાજમાન્ય છે એમ સ્વીકાર્યું છે. સરકારની આ સભ્યતાનો દુરુપયેાગ નહીં થાય એને માટે શબ્દોથી ખાતરી આપવી તે કરતાં ભવિષ્યના વર્તનથી બતાવી આપવું એ વધારે યોગ્ય ગણીશુ.”
પછી સરકારની યાદીમાં રહેલી એક મહત્ત્વની ત્રુટિનો ઉલ્લેખ કરતાં કહ્યું :
- “સરકારે પોતાની રીતનો અમલ બોરસદના ધારાળાઓ ઉપર વર્ષોનાં વર્ષો સુધી અજમાવ્યો, તેનું પરિણામ અવળું આવ્યું છે. સરકારનો હેતુ શુદ્ધ હતો તેનો અમે ઇનકાર કરતા નથી, પરંતુ પરિણામ બુરું આવ્યું છે તે સરકારથી અજાણ્યું નથી. આ દુ:ખી કોમની સાથે સહાનુભૂતિથી અને મીઠાશથી કામ લેવાની જરૂર છે. એક બે ખૂની અને લૂંટારુઓને પકડવામાં જે સંખ્યાબંધ માણસોએ પોતાના પ્રાણ ખોયા છે, તેમનાં કુટુંબો પ્રત્યે દિલાસાનો એક પણ શબ્દ સરકારના કોઈ પણ તુમાર કે પત્રિકામાં અમારા જોવામાં આવ્યો નથી, તેથી અમને ખૂબ દર્દ થયું છે. સરકારી પ્રેસનોટના છેલ્લા પૅરેગ્રાફના જવાબ પૂરતા નાછૂટકે આટલો ઉલ્લેખ કરવાની અમને જરૂર પડી છે.”
આ સરકારી પ્રેસનોટ સીંદરી બળે પણ વળ ન મૂકે એના જેવી તો હતી જ. છતાં મહાદેવભાઈ એ ‘નવજીવન’ માં લખ્યું છે કે :
- “એની ભાષાને ચૂંથવાનો પ્રયત્ન કરવો એમાં આપણી શોભા ન હોય. પ્રજાને માથેનું કલંક ધોવાય છે એટલું આપણે માટે પૂરતું છે. નવા ગવર્નર સાહેબે અસાધારણ દૃઢતા અને ન્યાય કરવાની તત્પરતાના રંગ દેખાડી રાજકર્તા મંડળમાં નવી ભાત પાડી છે.”
‘સર્વન્ટસ ઑફ ઇન્ડિયા’ જેવા સહકારી પત્રને પણ સરકારી પ્રેસનોટમાં પૂરતી મધુરતા ન જણાઈ. તેણે લખ્યું કે :
- “લોકોની ઉદાસીનતા ધાડપાડુઓના ત્રાસને આભારી હતી એમ સરકાર કબૂલ કરે છે, પણ ખરી રીતે ઉદાસીનતા લોકોની હતી કે પોલીસની એનો ક્યાં વિચાર કરે છે ? વેરો રદ કરવાને માટે સરકારે મોસમ નબળી હોવાનું કારણ જણાવ્યું છે, પણ તે કારણ ન આપ્યું હોત કેવું સારું થાત ? પોતાની મૂર્ખાઈને તેણે માધુર્યથી સુધારવી જોઈતી હતી.”
બીજા સહકારી પત્ર ‘ટ્રિબ્યુને’ અસહકારીઓની સારી કદર કરી. તેણે લખ્યું:
- “અસહકારીઓએ સત્યાગ્રહ બંધ કરી દીધો છે, એટલું જ નહીં પણ તેમના નેતાઓએ સરકારને ધન્યવાદ આપ્યો છે અને તે ઉપરાંત કહ્યું છે કે સરકારની સભ્યતાનો દુરુપયોગ ન થાય એમ અમે વર્તનથી બતાવી આપીશું. કોણ કહેશે કે અસહકારીઓ અવળા અને કદી સમાધાન ન કરે એવા જક્કી છે?”
આવા સંપૂર્ણ અને શીઘ્રર થયેલા વિજયથી કાર્યકર્તાઓ અતિ ઉત્સાહમાં આવી જાય તે સ્વાભાવિક હતું. પણ સરદાર તે વખતે પોતાના મગજનું સમતોલપણું કેવી રીતે જાળવી રહ્યા હતા અને સત્યાગ્રહના સિદ્ધાંતોની કેવી ઊંડી સમજ બતાવી રહ્યા હતા તથા તે આચારમાં મુકાય તેનો પ્રયત્ન કરી રહ્યા હતા તે એમના દરબાર સાહેબ તથા પંડ્યાજી ઉપર લખેલા નીચેના કાગળ ઉપરથી તથા વિજયોત્સવ વખતે આપેલા નમ્રતાપૂર્ણ ભાષણ ઉપરથી દેખાઈ આવે છે :
- પ્રિય ભાઈ ગોપાળદાસભાઈ તથા મોહનલાલ પંડ્યા,
- તમારી પત્રિકા તથા ભાષણ હમણાં ભાઈ ભાસ્કર લઈને આવ્યા. આ પ્રસંગે મને ધર્મસંકટ આવ્યું છે. મને લાગે છે કે બંને લેખો આપણી લડત અને જીતના અવસરને પ્રતિકૂળ છે. સત્યાગ્રહી જીતને પ્રસંગે પ્રતિપક્ષીને હારની ચોટ ન લાગવા દે તો જ સત્યાગ્રહ સમજ્યા ગણાય. આપણે આ લેખ પ્રસિદ્ધ કરીશું તો આપણી જીતની મહત્તા ગુમાવી બેસીશું એવો મને પાકો ભય છે. એટલે આ વખતે અત્યંત દુ:ખથી તમારી બેઉની ઉપરવટ થઈ એ લેખ છાપવાની વિરુદ્ધ પડી મારી પાસે જ રાખી મૂકું છું. મને ચોક્કસ ખાતરી છે કે મારી સલાહ થોડા વખત પછી તમે સાચી માનશો. આ પ્રસંગે આપણે સરકારી અમલદારોની વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલીએ એમાં જ આપણી શોભા છે. માત્ર આપણી પોતાની નબળાઈઓ તપાસી લઈએ અને પ્રજાને આગળ ચઢાવવાનો શુદ્ધ પ્રયોગ શરૂ કરીએ તો જ આપણે જીત્યા ગણાઈએ.
- આવતી કાલની સભામાં જે સંગીતનો કાર્યક્રમ રાખ્યો હોય તેમાં માત્ર ઈશ્વરભજન અને પ્રસંગને અનુકૂળ, જેવાં કે ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ એવાં જ ભજન રાખીએ તો સારું. મને વિશ્વાસ છે કે તમે મારી સલાહ ઉદારતાથી માની લેશો. વિશેષ રૂબરૂ મળીશ ત્યારે ખુલાસો કરીશ.
જાન્યુઆરીની બારમી ને શનિવારે બોરસદમાં સત્યાગ્રહની લડતની પૂર્ણાહુતિનો મોટો ઉત્સવ થયો. લોક તો કીડીઓની માફક ઊભરાતું હતું. અમદાવાદ અને મુંબઈથી પણ ઘણું માણસ ઉત્સવમાં ભાગ લેવા ત્યાં આવી પહોંચ્યું હતું. લડતનો આરંભ કરવાની સભામાં પાંચસાત હજાર લોકો આવ્યા હતા. પણ આ પૂર્ણાહુતિની સભામાં પચીસથી ત્રીસ હજાર લોકો હશે. લડતમાં જેટલો પુરુષોએ હિસ્સો લીધો હતો તેટલો જ સ્ત્રીઓએ લીધો હતો અને સભામાં પણ કાંઈ નહીં તો ચોથા ભાગની બહેનો હતી. તેમાં અઢારે વર્ણનાં માણસો ભેગાં થયાં હતાં. મોટા મોટા થોભિયાવાળા અને પોતાની મોટાઈનો ફાંકો રાખનારા પાટીદાર, હુક્કો ગગડાવતા કદાવર બાંધાના અને હાથમાં લાંબી ડાંગવાળા બારૈયા અને પાટણવાડિયા તથા મોટા ફેંટાવાળા મગરૂર મોલેસલામ ગરાસિયા એમાં ખાસ ધ્યાન ખેંચતા હતા.
લડતમાં તો ઈશ્વરકૃપાથી આપણને વિજય મળ્યો પણ હવે આપણું કર્તવ્ય શું છે એ સમજાવતાં સરદારે ગંભીર વાણીમાં સભાને સંબોધીને કહ્યું :
- “તમારો હવે એક જ ધર્મ હોઈ શકે. જો તમે સાચો વિજય મેળવ્યો હોય તો હવે તમારે સરકારના દોષો સામે જોવાનું છોડી દેવું અને તમારી પોતાની નબળાઈઓનો જ વિચાર કરવો. સરકાર સાથે તમારો નાનો કજિયો પતી ગયો, પણ આપણા માટે કજિયો હજી ઊભો છે. તે માટે સરકાર સાથે બાથ ભીડવાને આપણે તૈયાર ન હોઈએ ત્યાં સુધી તેના દોષ જોવાનું છોડી દઈએ. સરકાર સાથે છેવટનો મુકાબલો કરવાની તૈયારી માટે આપણે પોતાની નબળાઈઓ જલદી તપાસી લેવી અને તેને દૂર કરવી એ જ આપણો તાત્કાલિક ધર્મ છે.
- “આ ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. એમાં દરબાર સાહેબની કે પંડ્યાજીની કે મારી કોઈની બુદ્ધિથી કે ચાતુરીથી આ બધું તમે મેળળ્યું નથી. પણ આજે જેલમાં બેઠેલા મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. હજી તો એમના આપણી ઉપર ચઢેલા ઋણનું વ્યાજ જ આપણે પાછું વાળ્યું છે. પણ મુખ્ય ઋણ અદા નથી કર્યું. તેમણે આપેલો પાઠ આપણે બરાબર શીખ્યા હોત, તેમની કહેલી બધી વાતો આપણે પચાવી હોત તો આજે બહારવટિયા આપણી વચ્ચે હોત જ ક્યાંથી ?
- “આપણી લડત પૂરી થઈ છે. તેને સંકેલવામાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમાં બને તેટલી મીઠાશથી તમારે કામ લેવું. તમારામાંથી કોઈએ સરકારથી ડરીને, નબળાઈથી દંડના પૈસા ભર્યા હોય અથવા સરકારને જપ્તી કરવાની સગવડ કરી આપી હોય તેમને દંડવાનો કે ત્રાસ આપવાનો વિચાર તમે છોડી દેજો. મેં જોયું છે કે તમે વિજયની ઉજાણી કરવાના છો. તે ભલે કરો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તી કરવા આવનારાઓને
તથા પોલીસને પણ ભાગ લેવા નોતરજો. તેમની સાથે તમારે હવે કાંઈ લડત રહી નથી. તલાટી, મુખી, રાવણિયા, પાલીસ સૌની સાથે મહોબત કરજો. તેમણે કરેલી જપ્તીઓ ભૂલી જજો.
- “આ સાલ આ તાલુકામાં વરસાદ કમી થયો છે. આનાવારી ગણવામાં આપણી અને સરકારની વચ્ચે મતભેદ છે. સરકાર મહેસૂલ લેવાની દૃષ્ટિએ આનાવારી આંકે છે, આપણે ન આપવાની દૃષ્ટિએ આંકીએ છીએ. આ મતભેદ તો રહેવાનો જ. પણ આ સાલે ન ભરીએ તો આવતી સાલ બેવડું મહેસૂલ ભરવું પડે. આપણે એક લડત પૂરી કરી છે એટલે ચાલુ સાલમાં આ બીજી લડત ઉપાડવી એ ઠીક નથી. હાલ આપણે મળેલી લડતના લાભને બરાબર કાયમ કરીએ એ જરૂરનું છે. માટે એ બાબતમાં કલેક્ટરનો જેવો હુકમ હોય તે પ્રમાણે મહેસૂલ ભરી દેવું એવી મારી તમને સલાહ છે. ગમતી સલાહ તો સૌ માને પણ ન ગમતી સલાહ પણ તમે માનતા થશો ત્યારે સ્વરાજ્ય સ્થપાવું સંભવિત થશે. માત્ર તમને રુચે એટલું જ અમારું કહ્યું તમે માનો તો તો આપણે પડ્યા જ છીએ. અમે સીધે રસ્તે જ લડનારા છીએ એવી સરકારને ખાતરી કરી આપો.”
તાત્કાલિક કર્તવ્ય વિષે આટલું કહીને પછી કાયમના કર્તવ્યનું વિવેચન કર્યું :
- “આપણી વચ્ચે ચોર લૂંટારા ન રહી શકે તે માટે આપણાં ગામમાં ધાર્મિક, પવિત્ર વાતાવરણ પેદા કરવું જોઈએ. એ લોકોને આપણે સીધે રસ્તે ચઢાવવા જોઈએ. અહીંના શાહુકારોને હું કહું છું કે લૂંટનો ત્રાસ તમને સૌથી વધારે પડ્યો છે અને એ ચાલુ રહેશે તો ભવિષ્યમાં પણ તમારે જ વધારે વેઠવો પડશે. માટે લૂંટો ન થાય એવાં કામ કરવામાં તમારે જ વધારે રસ લેવો જોઈએ. તમારા હૃદયમાં રામ રાખીને તમારા ધંધા રોજગાર કરો. પ્રજાના રોષનાં કારણ તપાસો. સરકારની પોલીસ તમને રક્ષણ નહીં આપી શકે. એ તો ગુનો થયા પછી તેની નોંધ કરવા આવશે. તમારી પાસે પુરાવા માગશે. એમાં તમને ફાયદો નહીં પણ નુકસાન જ થશે. સરકારની પદ્ધતિ એવી છે કે એ તમારું રક્ષણ નહીં કરી શકે. માટે જો તમે પ્રભુનો ડર નહીં રાખો અને ગરીબનો પૈસો ખેંચવાની જ દાનત રાખશો તો તેનો બદલો પણ તમને એવો જ મળી રહેવાનો. ગરીબ જોડેના વેપારમાં પ્રભુનો ડર રાખી વાજબી નફો જ લેજો અને તેમને ચૂસવાનો વિચાર છોડો. કોઈ પણ માણસને ગુનો કે બહારવટું કરવાની હોંશ નથી, પણ એ શાહુકારોના જુલમથી કંટાળીને જ એવા ધંધા કરવા માંડે છે. એ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાની જરૂર છે, એ ગુનેગાર થતા અટકે એ આપણે જોવાનું છે.”
પછી બહારવટિયાને સંદેશો આપતાં કહ્યું કે :
- “બાબર દેવાને તમારામાંના કોઈ પણ જાણતા હોય, કોઈને પણ તેની સાથે ભેટો થવાનો કે વાત કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો .
- “હું જો બહારવટિયાને મળું તો તેને આટલી વાત કહું : તારે માટે જીવવું ફોગટ છે, તું ગોળીથી મરીશ, ફાંસીએ ચઢીને મરીશ, ઠોકર ખાઈને મરીશ, કોઈ પણ એક રીતે તો જરૂર મરવાનો છે. આટલાં પાપ કર્યા પછી પોલીસ થાણા પર જઈ અથવા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને બંગલે જઈ ગુનાની કબૂલાત કરી પશ્ચાત્તાપ કર કે જેથી પાપ પાછું ઠેલાય. જમના દૂતથી કોઈ પણ સંતાયેલો રહી શકવાનો નથી, તે તો દુનિયાના પડ ઉપર કોઈ પણ ઠેકાણેથી તને શોધી કાઢશે. ગુનો કબૂલ કરીને ફાંસીને લાકડે લટકવામાં બહાદુરી છે, બાકી આમ નાસતા ફરવામાં અને સંતાતા રહેવામાં તો કાયરતા જ છે.”
બોરસદની સભા થઈ ગયા પછી ચાર દિવસ સરદાર બોરસદ તાલુકાનાં બીજાં ઘણાં ગામોએ ફર્યા અને પોતાનો સંદેશો લોકોને સંભળાવ્યો. દરબાર સાહેબ, પંડ્યાજી, રવિશંકર મહારાજ તથા બીજા લગભગ બત્રીસ ભાઈઓએ બોરસદ તાલુકામાં જુદે જુદે ગામે થાણાં નાખી, તાલુકાને સ્વરાજની લડત માટે તૈયાર કરવાની પ્રતિજ્ઞા લઈ આસન જમાવી બેસી જવાનો પોતાનો નિરધાર જાહેર કર્યો, અને તાલુકામાં કામ કરવા માંડ્યું. ખાસ કરીને પંડ્યાજી તથા રવિશંકર મહારાજે બોરસદના બારૈયા તથા પાટણવાડિયા કોમમાંથી ચોરી, લૂંટ વગેરે ગુના કરવાની વૃત્તિ નાબૂદ થાય તે માટે ભગીરથ પ્રયત્ન આદર્યો. એમના પ્રયાસોને પરિણામે એ કોમો ઠીક ઠીક આત્મશુદ્ધિને પંથે ચઢી ગણાય.
બોરસદ સત્યાગ્રહની પૂર્ણાહુતિ પછી સરકાર સાથે સત્યાગ્રહનો એક નાનો પ્રસંગ બન્યો તેની નોંધ અહીં જ કરી લઈશું. બોરસદની લડત શરૂ થઈ તે પહેલાં વરસેક દહાડા ઉપરથી નડિયાદથી વડોદરા સ્ટેશનો વચ્ચે રેલવેની માલગાડીમાંથી ચોરીના પ્રસંગો ખૂબ બનવા લાગ્યા હતા. ગુડ્ઝ ટ્રેનમાં જે ઉઘાડાં વૅગન હોય છે તેના ઉપર કોઈ પણ બે સ્ટેશન વચ્ચે ચાલતી ગાડીએ રાતને વખતે માણસો ચડી જતા. તેઓ વૅગનમાંથી કોથળા અને પાર્સલો પાડી નાખતા તે તેમના સાગરીતો નીચે ઊભા હોય તે ઉપાડી જતા. ગુડ્ઝ ટ્રેન લાંબી હોય એટલે ડ્રાઈવર કે ગાર્ડને આની ખબર પડતી નહીં. ગુડ્ઝ ટ્રેનમાંથી માલ પાડવાનું કામ ઘણુંખરું બારૈયા અને પાટણવાડિયા લોકો કરતા અને એ ચોરીનો માલ લાઈન ઉપરનાં ગામોમાં ઊજળી ગણાતી વસ્તીના કેટલાક લોકો રાખતા. આ લોકોએ પોલીસને પણ ફોડેલી. આ ચોરી કહો કે લૂંટ, એ પકડાવી મુશ્કેલ હતી અને જેમ જેમ ચોરી કરનારા ફાવતા ગયા તેમ તેમ એવા ગુનાનું પ્રમાણ વધતું ગયું. લાઈન ઉપરનાં ગામોમાં માલગાડીઓમાંથી પાડેલો, ખાંડના થેલા, કાપડની ગાંસડીઓ અને એવો બીજો માલ ધૂમ વેચાવા માંડ્યો. ખાંડ રૂપિયાની મણ અને જાત જાતનાં ફૅન્સી કપડાં પાણીને મૂલે વેચાય. લોકોને પણ એનો ચસકો લાગ્યો. માલ ચઢાવનારાઓ રેલવે ઉપર ફરિયાદ કરવા લાગ્યા. રેલવેએ આ લાઈન ઉપર પોતાની પોલીસ વધારી. પણ તેથી કાંઈ વળ્યું નહીં. છેવટે સરકારે લાઈન ઉપરનાં ગામોમાં સજા (પ્યુનિટિવ) – પોલીસ મૂકી અને એ બધાં ગામો ઉપર તેનો દંડ નાખ્યો. આ ચોરીઓમાંથી લાભ ઉઠાવનારાઓએ તો આ પોલીસને પણ ફોડી. ગુના કરનારા તો અમુક જ માણસો હોય અને દંડ ગામના દરેક માણસને ભરવાનો આવે, એટલે લોકોમાં ઉહાપોહ થયો. ગામોની આબરૂ સમાજમાં હલકી પડવા માંડી અને થોડા વખતમાં તો એવી સ્થિતિ થઈ કે એ ગામના છોકરાઓને કન્યા મેળવવામાં પણ મુશ્કેલી પડવા માંડી. આનો કાંઈ ઉપાય થવો જોઈએ એમ વિચારી ગામના સારા માણસોએ પ્રાંતિક સમિતિને અરજી કરી. સરદારે કહ્યું કે, “આ જાતનો એક પણ ગુનો ન થાય એની બાંયધરી આપવા દરેક ગામના આગેવાનો તૈયાર થતા હોય તો જ હું વચમાં પડું. બારૈયા અને પાટણવાડિયાની જવાબદારી તમે કદાચ એકદમ ન લઈ શકો, પણ આ ચોરીનો માલ તો ઉજળિયાત ગણાતી કોમના લોકો રાખે છે. એ લોકો ચોરીનો માલ રાખતા બંધ થઈ જશે તો પેલા લોકોને ઉત્તેજન નહીં મળે, એટલે એ લોકો ચોરી કરતા બંધ થઈ જશે. સરકાર સાથે લડવું હોય તો આપણી પ્રજા ઉપર આપણો પાકો કાબૂ હોવો જોઈએ. આપણે બંદોબસ્ત કર્યા છતાં કોઈ ચોરી કરે તો તેને ઉઘાડો પાડવાની આપણી તૈયારી હોવી જોઈએ.’ પછી શ્રી મોહનલાલ પંડ્યાને એ ગામોમાં તપાસ કરવા મોકલ્યા. પંડ્યાજીએ ગામેગામ સભાઓ કરી બંદોબસ્તના ઠરાવો કરાવવાનું શરૂ કર્યું. પણ તેમાં ચોરીનો માલ રાખનારા હરામખોર લોકોએ ગચ્ચાં નાખવા માંડ્યાં. દંડના તો પોતાને વરસ દહાડે દસબાર રૂપિયા ભરવાના આવે અને ચોરીના માલમાંથી તો ઘણો વધારે લાભ થાય. આમ કરતાં કરતાં દડનું ત્રીજું વરસ આવ્યું. સરકારે વધુ સખ્તીના ઉપાયો લેવા માંડ્યા. ચોરીનો માલ પકડવા માટે જપ્તીઓ શરૂ કરી. તેમાં નિર્દોષ માણસોને ત્યાં પણ જપ્તીઓ થવા લાગી. લોકો હવે વધુ અકળાયા. આમ દંડ અને જપ્તીઓ ચાલુ જ રહે તો તેમની આબરૂ સમાજમાં રહે જ નહીં. પંડ્યાજીના પ્રચારની પણ અસર થઈ હતી. છેવટે દંડવાળાં ગામના લોકોની આણંદ મુકામે સભા થઈ. તેમાં સરદારને બોલાવવામાં આવ્યા. સરદારે લોકોને ખૂબ સમજાવ્યું કે, આપણે વ્યક્તિ તરીકે નિર્દોષ અને શુદ્ધ હોઈએ એટલું બસ નથી, આપણી આસપાસના સમાજની બદીઓ નાબૂદ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ. ગામના સારા માણસો ઢાંકપિછોડો ન કરતાં આવા ગુના કરનારા માણસોને ઉઘાડા પાડે તો તેમની ગુના કરવાની હિંમત જ ન ચાલે. તમારામાંથી ઘણાએ દંડની સામે અરજીઓ કરી હશે પણ એ અરજીઓ પાછળ ગુના અટકાવવાની જવાબદારી લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. તો જ આપણે સરકારને પડકાર કરી શકીએ. એની પોલીસથી કશું થઈ શકતું નથી એ તો આપણે જોઈએ છીએ. આ ઉપરથી ગામેગામ પાકો બંદોબસ્ત કરવાના ઠરાવો થયા અને પોતાના ગામમાં ચોરીનો માલ જરા પણ ન આવે એની જવાબદારી તે તે ગામના આગેવાનોએ લીધી. પછી સરદારે ઉત્તર વિભાગના કમિશનરને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે આ ગામોમાં લગભગ ત્રણ વરસથી સજા–પોલીસ મૂકીને સરકાર લોકો ઉપર તેનો દંડ નાખતી આવી છે. ચોરીનો માલ પકડવા તેણે જપ્તીઓ પણ કરવા માંડી છે. છતાં તેનું કશું પરિણામ આવ્યું નથી અને ઊલટાની નિર્દોષ માણસોની કનડગત વધી છે. આવી સામાજિક બદીનો ઉપાય પોલીસ અને દંડ નથી પણ ગામેગામ પ્રતિષ્ઠિત આગેવાન માણસોને વિશ્વાસમાં લેવા એ છે. મેં મારા સ્વયંસેવકો મારફત એ કામ શરૂ કરી દીધું છે અને હવે આ પ્રકારની ચોરીઓ નહીં થાય એવી મારી ખાતરી થઈ છે તથા તે જાહેર કરવાની સ્થિતિમાં હું છું. માટે સજા–પોલીસનો દંડ કાઢી નાખવા તથા જપ્તીમાં લેવાયેલો માલ તે તે આસામીને પાછો સોંપી દેવા મારી વિનંતી છે. બોરસદમાં પોલીસથી કાંઈ ન થઈ શક્યું પણ અમારા સ્વયંસેવકોના પ્રયાસથી બહારવટિયાઓનો ત્રાસ નાબૂદ કરી શકાય છે એ અનુભવ તાજો જ છે. અને અહીં પણ લોકો ઉપર અને કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂકવામાં આવશે તો સારાં પરિણામ આવશે એની હું ખાતરી આપું છું. એમ છતાં દંડ કાઢી નહીં નાખવામા આવે તો એ દંડ નહીં ભરવાનો સત્યાગ્રહ કરવાની મારે આ ગામોને સલાહ આપવી પડશે.
કમિશનરનો મુકામ તે વખતે ભરૂચ હતો. તેને આ કાગળ આપવા અને તેની સાથે વાતચીત કરવા ખેડા જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે અબ્બાસ સાહેબ તૈયબજી ભરૂચ ગયા. કાગળ વાંચીને કમિશનરે કહ્યું કે, આ કાગળમાંનું છેલ્લું વાક્ય કાઢી નાખો એટલે દંડ રદ કરવાની ભલામણ સાથે હું કાગળ મુંબઈ સરકારને રવાના કરીશ. અબ્બાસ સાહેબે જવાબ આપ્યો કે, ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખનો કાગળ હું તો તમને આપવા આવ્યો છું. તેમાંથી એક વાક્ય તો શું પણ કોઈ શબ્દનો અથવા તો કાનામાત્રાનો પણ ફેરફાર કરવો એ મારા અધિકાર બહારનું છે. આ કાગળ ઉપરથી સરકારને ભલામણ કરવાનો કે બીજો જે વિધિ તમારે કરવો હોય તે કરો પણ દંડ નાબૂદ થવો જોઈએ. કારણ, અમારા પ્રયત્નોથી ગુના થતા અટક્યા છે અને ભવિષ્યમાં નહીં થાય એની અમે જવાબદારી લઈએ છીએ.
કમિશનર વસ્તુસ્થિતિ સમજી ગયા અને થોડા જ વખતમાં દંડ કાઢી નાખવાના તથા જપ્તીમાં લેવાયેલો માલ તે તે આસામીને પાછો સોંપી દેવાના હુકમો નીકળ્યા. ધનુષ્યટંકારથી જ કામ પતી ગયું, બાણ ચઢાવવાની જરૂર પડી નહીં.