સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ગૃહજીવનમાં ડોકિયું

વિકિસ્રોતમાંથી
← બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ગૃહજીવનમાં ડોકિયું
નરહરિ પરીખ
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ →


.

૨૩

ગૃહજીવનમાં ડોકિયું

સરદારને ગૃહજીવન જેવું અત્યારે તો જાણે કશું રહ્યું જ નથી. ગાંધીજીની સાથે ખેડા જિલ્લાની સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું ત્યારથી કુટુંબને માટે કમાવાની, છોકરાંને વિલાયતની કેળવણી આપવાના, વગેરે વિચારોને તેમણે તિલાંજલિ આપી દીધી. કુટુંબ પ્રત્યેની લાગણી, કુટુંબને મદદરૂપ થવાની વૃત્તિ તેમનામાં પહેલેથી જ હતી. આજે દેશ એમનું કુટુંબ બન્યો છે અને દેશને માટે કામ કરનારા સાથીઓ એમના કુટુંબીજનો બન્યા છે. પહેલાં સગાંસંબંધીનું નાનું કુટુંબ હતું તે આજે બહુ બહોળું બન્યું છે. પણ મૂળ સંસ્કાર તો એ જ છે. ઉત્તરોત્તર એ વિશુદ્ધ અને વિશાળ થતા ગયા છે.

વિદ્યાભ્યાસ બહુ ગરીબીમાં, કુટુંબ ઉપર બની શકે તેટલો ઓછો બોજો નાખીને કર્યો. વકીલ થયા પછી પ્રેક્ટિસ શરૂ કરી તે વખતે ઘર વસાવવાનું પણ પાસે કાંઈ સાધન ન હતું. એટલે વાસણકૂસણ અને બીજી ઘરવખરી દેવું કરીને નડિયાદની ગુજરીમાંથી તથા બ્રાહ્મણો પાસેથી મરણ પાછળ મળેલી સજ્જામાંનાં ખરીદેલાં. ગોધરામાં વકીલાત શરૂ કરી એટલામાં ત્યાં પ્લેગ ચાલ્યો એટલે થોડા મહિના ગાંઠના રોટલા ખાઈને ત્યાં રહેવું પડ્યું. એવી સ્થિતિમાં પણ પોતાને ઘરની ફિકર કેટલી રહેતી તે ત્યાંથી તા. ૧૬–૩–’૦૧ ના રોજ મોટાભાઈને લખેલા નીચેના કાગળમાંથી જણાઈ આવે છે :

મુ નરસીભાઈ,
અત્રે પ્લેગનું જોર વધવા માંડ્યું છે. રોજના દસ કેસ થાય છે અને ઉંદર બહુ પડે છે. તેથી હજુ બહુ જોરથી પ્લેગ ચાલશે એવો સંભવ છે. હાલ કોર્ટમાં બિલકુલ કામ નથી. તેમ પ્લેગને લીધે હવે બે ત્રણ મહિના સુધી કંઈ ચાલવાનો સંભવ નથી. માટે હાલમાં ઘરનું ખર્ચ ખાઈને બેસી રહેવાનું છે. પણ તેથી ફિકર કરશો નહીં. હું પાસ થયો છું એટલો ઈશ્વરનો ઉપકાર માનવાનો છે. વ૨સ સારાં આવશે એટલે બિલકુલ અડચણ પડવાની નથી. માટે મારા તરફની બિલકુલ ફિકર કરશો નહીં. મારું અત્રે સારું ચાલે એટલે મારો ત્યાં આવવાનો વિચાર હતો, પણ હાલ તો તેમ કાંઈ બનવાનું નથી. પણ મારાથી આખરે બનશે એટલી મદદ હું તમને કરીશ. ઘરના તરફની મને હમેશ લાગણી થાય છે. પાસ થવાથી ચિંતા ઓછી થઈ છે. તમને હું શી રીતે મદદ કરું, એ વિચાર રાતદિવસ આવે છે. મારા ઉપર ઈશ્વરની મહેરબાની હોવાથી મારા વિચાર આવા ખરાબ વખતમાં સારા રહ્યા છે, તો કોઈ વખત પણ મારી સારી સ્થિતિ આવશે ત્યારે તમને ખાતરી થશે. હાલ તો હું લાચાર છું. પ્લેગનું જોર વધશે તો કાશીભાઈને મોકલી દેવાનો વિચાર છે.
તમારે ત્યાંની ખબર અંતર લખતા રહેશો.
મુ. પિતાજીને બરાબર સંભાળજો. એ જ. કામકાજ લખશો.
લિ. સેવક,
વલ્લભના દંડવત્‌
 

ઘરની આર્થિક મુશ્કેલીઓનો ઉપરના કાગળમાંથી ખ્યાલ આવે છે. ત્રણ વર્ષમાં જ કમાઈને કુટુંબનું દેવું વાળવામાં સરદાર મદદ કરે છે તથા કાશીભાઈના અભ્યાસની ચિંતા કરે છે તે બોરસદથી તા. ૧૫–૧–’૦૪ ના રોજ લખેલા નીચેના કાગળ ઉપરથી જણાય છે :

મુ. નરસીભાઈ,
આપનો પત્ર આજ રોજ મળ્યો છે. મારા ખાનગી કામે નડિયાદ જવાનું હતું તેથી કાગળ લખેલો રહેવા દીધો હતો. પણ અચાનક કામ પ્રસંગે જવાનું બંધ રહ્યું તેથી મેં ગઈ કાલે જ નડિયાદ ડુંગરભાઈ ઉપર કાગળ મોકલ્યો છે. તેથી તેમણે આજે નારણભાઈને રૂપિયા આપ્યા હશે અને નહીં આપ્યા હોય તો કાલે આપશે. પણ તમારે આટલી બધી ઉતાવળ હશે એનો મને બિલકુલ ખ્યાલ નહીં. વ્યાજ સુધ્ધાંત રૂપિયા આપવાનું લખી દીધું છે. એટલે તમારે એ બાબત વધારે ફિકર કરવા જેવું નથી. બહેનની જણસો ગીરો મૂકવા સુધી તમે લખ્યું એ તમને છાજતું નથી. તેમ છતાં તમે મુરબ્બી છો અને તમને ઠીક લાગ્યું તે ખરું. મેં તો રૂપિયા આપવાનું લખી દીધેલું છે. મેં કંઈ તમો લખો છો તેવી મશ્કરી કરવાનું ધાર્યું નથી. એકાદ બે દિવસમાં તમારા ઉપર રૂપિયા પહોંચ્યાનો કાગળ આવશે. વળી તમો લખો છો કે અમારે દેવું છે. તો તમારે દેવું એ અમારે જ દેવું એમ હું સમજું છું. તો તમારે કોનું કોનું અને કેટલું કેટલું દેવું છે તે મને તાકીદે લખી જણાવશો કે હું બનતી ત્વરાએ તેમાંથી તમને મુક્ત કરીશ કે જેથી તમારે દુઃખમાંથી છૂટા થવાય.
બીજું તમને લખવાનું કે તમારે આજથી હવે ખેતી બિલકુલ કરવી નહીં. ફક્ત ઘરના ખર્ચનો હિસાબ રાખવો અને જેટલું ખર્ચ થાય તેટલું અમારી પાસે માગી લેવું. આથી તમારે બિલકુલ માઠું લગાડવાનું નથી. કારણ, ખેતીથી તમારાં બંને ભાઈઓનાં[૧] શરીર તદ્દન ખરાબ થઈ જાય છે એટલું જ નહીં પણ તેમાં તમારે ઘણું જ ગધ્ધાવૈતરું કરવું પડે છે અને તેમાં એટલો બધો ફાયદો નથી. માટે તમો આજથી જે કંઈ ખર્ચ કરો તેનો હિસાબ દરેક મહિને અમારા તરફ મોકલજો અને અમે દર મહિને પૈસા ચૂકવી દઈશું.
બીજું ચિ. કાશીભાઈ ત્યાં આવેલો છે તેને તાકીદે અહીં મોકલજો. એને સમજણ પાડશો કે હવે ઉંમર થયા પછી રખડતા ફરવું એ સારું નથી. માટે કાળજી રાખી અભ્યાસ કરે. નડિયાદ છોડી એ શા કારણથી ત્યાં આવ્યો એ કંઈ સમજાતું નથી. અમારે એને મુંબઈ મોકલવાનો વિચાર છે. માટે તમો એને અત્રે મોકલશો.
મુ. સોમાભાઈને તાવ મટ્યો ના હોય તો અત્રે આવશે તો દવા વગેરેનું સાધન મળશે તેથી સારો આરામ થશે. વળી તાવ મટ્યો હોય તો પણ થોડો વખત અહીં રહેશે તો શરીર સુધરશે. માટે અહીંયાં મોકલશો.
એ જ, કામકાજ લખશો.
આણંદથી પાયા આવ્યા કે નહીં તે લખશો. લાકડું મોકલવા ગોધરે કાગળ લખ્યો છે.
લિ. સેવક,
વલ્લભભાઈ
 

ઉપરના કાગળમાં લખ્યા પ્રમાણે પૈસા મોકલવાનું શરૂ કરી દીધાનું નીચેના કાગળ ઉપરથી જણાય છે :

આણંદ, તા. ૨૪
 
મુ. ભાઈ શ્રી નરસીભાઈ,
આ સાથે રૂ. ૧૦૦ અંકે સો મોકલ્યા છે તે પહોંચ્યાનો જવાબ તુરત લખજો અને લાડબાઈની[૨] ખબર મોકલશો. એમને મરડો થયો હતો તે હવે મટ્યો હશે. આવતી કાલે મારે બોરસદ જવું છે માટે બનશે તો આવતે રવિવારે આવીશ. એ જ.
લિ. સેવક,
વલ્લભભાઈ
 

પછી બૅરિસ્ટર થવા માટે પોતાને બદલે વિઠ્ઠલભાઈને જવા દીધા અને ત્યાંનું એમનું બધું ખર્ચ ઉપાડ્યું તથા ઘેર પોતે કુટુંબક્લેશ વેઠ્યો. ભાભીને ખાતર પત્નીને બે વરસ પિયરમાં રાખ્યાં. વિલાયત જવાની અગાઉ પત્ની ગુજરી ગયાં ત્યારે સગાંવહાલાં તથા મિત્રોના ઘણા આગ્રહ છતાં ગૃહિણીથી બનેલું ઘર ફરી રચવાનો વિચાર સુધ્ધાં ન કર્યો. કરમસદનાં ઘરબાર અને જમીનની ત્યાં રહેલા બે મોટા ભાઈઓએ જે કાંઈ વ્યવસ્થા કરી તેમાં તો પહેલેથી જ તેમણે કદી માથું માર્યું જ નથી. પણ તેમને બને તેટલી મદદ જ કરી છે અને નાના ભાઈની કેળવણીની પણ કાળજી રાખી છે.

વકીલાત કરતા ત્યારથી જ બન્ને બાળકોને વિલાયતની કેળવણી આપવાનો વિચાર હોઈ વિલાયત ગયા ત્યારે એમને મુંબઈમાં સેન્ટ મૅરીઝ હાઈસ્કૂલમાં દાખલ કર્યાં. ત્યાં બોર્ડિંગ ન હતી એટલે એ સ્કૂલની એક અંગ્રેજ બાઈ શિક્ષિકાને ત્યાં એમને બોર્ડર તરીકે મૂક્યાં. બન્નેએ ત્યાં વિલાયતી ઢબનો પોશાક પહેરવા માંડ્યો. મણિબહેન કહે છે કે, ‘અમારાં બૂટ, મોજાં, હૅટ તથા બીજાં કપડાં વાઈટવે તથા ઈવાન્સ ફ્રેઝરને ત્યાંથી ખરીદવામાં આવતાં. અમારે માટે એક ખ્રિસ્તી આયા રાખવામાં આવેલી. એની સાથે કોઈ કોઈ વાર રવિવારે દેવળમાં જતાં. શિક્ષિકાઓ સાથે તો અમારે અંગ્રેજીમાં જ વાત કરવાની હતી પણ અમને ભાઈબહેનને અંદર અંદર પણ અંગ્રેજીમાં વાત કરવાની ફરજ પાડવામાં આવતી. એ અંગ્રેજ બાઈને ત્યાંથી ઘેર આવ્યા પછી પણ જ્યારે અમારે એકબીજાને કાગળ લખવાનો પ્રસંગ આવતો ત્યારે અમે અંગ્રેજીમાં કાગળ લખતાં. આમ બધી રીતે અમને વિલાયતી ઢબની કેળવણી આપવાનો પ્રયત્ન ચાલતો.’ બેએક વર્ષ અંગ્રેજ બાઈ ને ત્યાં રહ્યા પછી ડાહ્યાભાઈને ઉટાંટિયો થઈ આવ્યો એટલે વિઠ્ઠલભાઈ બન્ને બાળકોને પોતાને ઘેર લઈ આવ્યા. સરદારના વિલાયતથી પાછા આવ્યા પછી પણ બન્ને ભાઈબહેન ઘણી વખત મુંબઈમાં વિઠ્ઠલભાઈ પાસે રહેલાં.

સરદારના વિલાયતથી લખેલા થોડા કાગળો મળ્યા છે, તે કુટુંબ પ્રત્યેના ભાવથી અને માતાપિતા પ્રત્યેની ભક્તિથી ઊભરાતા છે. કેમ કાગળ લખતા નથી એવા મોટાભાઈના ઠપકાના જવાબમાં નીચેનો કાગળ લખેલો જણાય છે. વળી પોતે બધાને ખબર આપ્યા વિના એકાએક વિલાયત જવા ઊપડી ગયા તેનો પણ ખુલાસો કર્યો છે :

લંડન, તા. ૧૬–૧૨–’૧૦
 
મુ. ભાઈશ્રી નરસીભાઈ,
આપનો પત્ર મળ્યો છે. ચિ. કાશીભાઈને હું કાગળ લખતો હતો. અને ઘેર ખબર આપવા તથા ઘરની ખબર લખવા વારંવાર લખેલું. પરંતુ એમનો કંઈ જવાબ આવતો નથી.
મારી તબિયત સારી છે. ઘરની ખબર વારંવાર લખતા રહેશો. મણિને માટે મેં ડાહીબાને કાગળ લખ્યો છે અને મુંબઈ પણ કાગળ લખ્યો છે. એટલે મણિ ડાહીબાની પાસે[૩]રહેશે.
નવો કાયદો×[૪] અમલમાં આવવાથી લાચારી સાથે મારે ઉતાવળ કરી અહીં આવવાની જરૂર પડી. નહીં તો ફરી મારાથી આવવાનું બની શકે તેમ .


નહોતું. હું ધારું છું કે તમને બધાને તેથી માઠું લાગ્યું હશે. પરંતુ મારાથી પછીથી આવવાનું બને તેમ નહોતું તેથી ઉતાવળ કરવી પડી. હવે ઈશ્વર કરશે તો વખત જતાં વાર લાગશે નહીં અને ફરીથી તમારાં બધાંનાં તથા માતાપિતાનાં દર્શનનો ભાગ્યશાળી થઈશ.
હું ત્યાં હતો ત્યાં સુધી મારાથી બન્યું તેટલું ઘર તરફ તેમ જ બધી તરફ લક્ષ આપેલું. હાલ તો મારાથી કંઈ થઈ શકે તેમ નથી.
માતાપિતાને મારા પ્રણામ કહેશો. વારંવાર પત્ર લખશો. એ જ
લિ. આપનો સેવક,
વલ્લભભાઈના દંડવત્‌
 

વિલાયત પહોંચ્યા પછી થોડા જ મહિનામાં એક પરીક્ષા આપી. તેના પરિણામની ખબર આપતાં લખે છે :

લંડન, તા. ૧૯–૧–’૧૧
 
મુ. ભાઈ નરસીભાઈ,
ચિ. ભાઈ કાશીભાઈ બિલકુલ કાગળ લખતા નથી અને ઘર તરફની કંઈ ખબર મળતી નથી માટે તમે વારંવાર પત્ર લખતા રહેશો. તેમ કાશીભાઈ આવે તો તેમને પણ કાગળ લખવા કહેશો.
મારી એક પરીક્ષા થઈ ગઈ. તેમાં હું પહેલે નંબરે પાસ થયો છું. મુ. પિતાશ્રી તથા માતુશ્રીને મારા નમસ્કાર કહેશો.
મારી તબિયત સારી રહે છે. આ તરફની કંઈ ચિંતા કરશો નહીં. ઈશ્વર કરશે તો બે વરસ પૂરાં થતાં વાર લાગશે નહીં અને હું આપનાં સર્વેનાં દર્શનનો ભાગ્યશાળી થઈશ.
ભાઈ કાશીભાઈનું હવે સાધારણ ઠીક ચાલતું હશે. સર્વેને સંભારજો. એ જ
લિ. આપનો સેવક,
વલ્લભભાઈના દંડવત્‌
 

છેલ્લી પરીક્ષા પાસ થયા પછી લખે છે :

મિડલ ટેમ્પલ, ઈ. સી,
તા. ૭–૬–’૧૨
 
મુ. નરસીભાઈ,
મારી પરીક્ષા પૂરી થઈ છે. હું પહેલા વર્ગમાં પાસ થયો છું. એટલે હવે છ માસ જલદી આવવાનું થશે. આવતા જાનેવારી માસમાં હું પાછો આવી જઈશ. હવે ઘણો વખત નથી. ઈશ્વરકૃપાથી છ માસ જલદી આવવાનો લાભ મળ્યો છે. માતાપિતાને આ સમાચારથી વાકેફ કરશો.
તમો સર્વે ખુશીમાં હશો. એ જ
લિ. સેવક,
વલ્લભભાઈના દંડવત્‌ પ્રણામ
 

લંડન, તા. ૨૨–૮–’૧૨
 
મુ. નરસીભાઈ,
આપનો પત્ર મળ્યો છે. પરીક્ષાનું પરિણામ જણાયા પછી હું ગામડાંઓમાં ફરવા ગયો હતો. તે હવે લંડનમાં પાછો આવ્યો છું. હવાના ફેરફારથી અને અભ્યાસમાંથી મુક્ત થવાથી મારી તબિયતમાં ઘણો જ સુધારો થયો છે. મુ. માતાપિતાના શુભ સમાચાર જાણી આનંદ થયો છે. હવે પાછા આવવાને પાંચ માસ રહ્યા છે. ચોક્કસ દિવસ હજી નક્કી નથી. નક્કી થયેથી તમને ખબર લખીશ. સર્વે સગાસંબંધીઓને મારી કુશળતાના સમાચાર કહેશો. અને સર્વેના સુખસમાચાર વારંવાર લખતા રહેશો. માતાપિતાને મારા દંડવત્ પ્રણામ કહેશો. એ જ
લિ. સેવક,
વલ્લભના દંડવત્ પ્રણામ
 

દેશમાં આવી અમદાવાદમાં બૅરિસ્ટરી શરૂ કર્યા પછી અમદાવાદના પોતાના ઘરનું ખર્ચ, મુંબઈમાં વિઠ્ઠલભાઈના ઘરનું ખર્ચ તથા કરમસદ નાણાં મોકલવાનાં, એ બધો ભાર જ્યાં સુધી પ્રૅક્ટિસ ચાલુ રાખી ત્યાં સુધી ઉપાડ્યો. ૧૯૧૮ના ખેડા સત્યાગ્રહ વખતે પ્રૅક્ટિસ છએક મહિના બંધ કરેલી. ફરી શરૂ કરી એટલામાં રોલૅટ સત્યાગ્રહ આવ્યો એને કારણે કેટલોક વખત બંધ રહી. પછી વળી શરુ કરી ને કરી ત્યાં અસહકાર આવ્યો એટલે કાયમની છોડી. પ્રૅક્ટિસ સારી ચાલતી એટલે સરદાર પૈસાની કશી પરવા જ રાખતા નહીં. બહુ ખર્ચાળ ઢબે રહેતા અને આખા કુટુંબનો ભાર ઉપાડતા, એટલે જ્યારે પ્રૅક્ટિસ કાયમની છોડી ત્યારે પાસે ખાસ કશો ધનસંગ્રહ નહોતો. છતાં કમાણી છોડવી એ એમને મન મોટી વાત નહોતી. એ તો તૃણવત્ હતી. એમણે જે મોટો ત્યાગ કર્યો એ તો બાળકોને વિલાયત મોકલી લાંબા અભ્યાસ કરાવવાની તથા તેમની ભવિષ્યની કારકિર્દીની મોટી મોટી યોજનાઓ મનમાં ઘડી રાખી હતી તે સઘળી જતી કરી, એ હતી. મણિબહેન ૧૯૧૮માં જ અમદાવાદ આવી ગયાં હતાં અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયાં હતાં. ડાહ્યાભાઈએ અસહકાર શરૂ થયા પછી મુંબઈની શાળા છોડી. તેઓ પણ અમદાવાદ આવી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયાં હતાં.

સને ૧૯૧૪માં પિતાશ્રીનું અવસાન થયું તે વખતનો શ્રી વિઠ્ઠલભાઈનો લખેલો એક કાગળ મળી આવે છે. મરણ પાછળના રીતરિવાજોમાં સુધારા કરવાની બાબતમાં વિઠ્ઠલભાઈ કેવું કડક વલણ રાખતા અને એ બાબતમાં સરદારના વિચારો વિષે પોતે શું ધારતા તેનો એ કાગળ ઉપરથી ખ્યાલ આવે છે :

વાંદરા, તા. ૨૧
 
ભાઈ સોમાભાઈ, નરસીભાઈ તથા કાશીભાઈ,
ઈશ્વરને જે ગમ્યું તે ખરું. બધાંને એ જ રસ્તે જવાનું છે. ઈશ્વર તેમના આત્માને શાન્તિ આપો એવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે.
તમોએ મને આવવાનું લખ્યું. મારે આવવાને કોઈ જાતનો વાંધો નથી. પરંતુ જો મારા કહ્યા પ્રમાણે થાય તો જ મારે આવવું, નહીં તો મારે આવવું નહીં જોઈએ. મારી ઇચ્છા પ્રમાણે તમે બધા વર્તવાના હો તો હું જરૂર તમો તારથી અગર કાગળથી ખબર આપશો કે તરત આવીશ. પરંતુ જો તમારી ઇચ્છાનુસાર જ કરવાનું હોય અને નવા જમાનાનો તુચ્છકાર કરવો હોય તો મારે હવે કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. ઈશ્વરને જેમ ગમતું હશે તેમ થશે. ભાઈ વલ્લભભાઈ કાંઈક તમારા મતને મળતા થશે. તો તેમની સલાહ પ્રમાણે ચાલશો. મારે કાંઈ આગ્રહ નથી અને મારે આવવું પણ નથી. પણ જો તમારા તરફથી તુરત ખબર મળશે કે બધું કામ મારી સલાહ પ્રમાણે જ થશે તો હું તુરત ત્યાં આવીશ. માટે તુરત જવાબ લખશો.
લિ. સેવક,
વિઠ્ઠલભાઈ
 

સાંસારિક રીતરિવાજોમાં સુધારો કરવાની બાબતમાં સરદાર કાંઈ વિઠ્ઠલભાઈથી પાછા પડે એવા નહોતા. પણ વિઠ્ઠલભાઈ કડક અને અંતિમવલણ અખત્યાર કરતા ત્યારે સરદાર સમાજને અને કુટુંબીજનોને બને તેટલાં સાથે લઈને આગળ વધવાનું પસંદ કરતા, એટલો બે ભાઈઓના સ્વભાવમાં ફેર હતો.

અમદાવાદમાં બૅરિસ્ટરી કરતા ત્યારે સરદાર ઘરમાં બહુ ઓછો વખત ગાળતા. સવારનો વખત કેસનાં કાગળિયાં જોવામાં જતો અને મ્યુનિસિપાલિટીમાં ગયા ત્યાર પછી તેનાં કાંઈ ને કાંઈ કામને અંગે શહેરમાં ફરવા જવાનું બનતું. બપોરનો વખત કોર્ટમાં જાય અને ત્યાંથી ક્લબમાં જતા તે સાડાઆઠ નવ વાગે ઘેર આવતા. ગાંધીજીની સાથે સંબંધમાં આવ્યા પછી ગુજરાત ક્લબમાં જવાનું બહુ ઓછું કરી નાખ્યું હતું. પણ મ્યુનિસિપાલિટીમાંના સાથીઓ જેમાંના ઘણા જ્યારે અસહકારની ચળવળ ચાલી ત્યારે તેમાં ભળ્યા હતા તેઓએ એક નાની ખાનગી ક્લબ કાઢી હતી. તેમાં દરરોજ સાંજે જતા. ત્યાં શહેરની સાર્વજનિક પ્રવૃતિઓની તથા મ્યુનિસિપલ કામની યોજનાઓ વિચારાતી અને ઘડાતી. પછીથી તો રાતે વાળુ કરવાનું પણ ઘેર રાખતા અને બચુભાઈ (કૃષ્ણલાલ દેસાઈ) અથવા ડૉ. કાનુગાને ત્યાં જ વાળુ કરી લેતા એટલે ઘેર આવવાનું બહુ મોડું થતું. મણિબહેન અને ડાહ્યાભાઈ અમદાવાદ રહેવા આવ્યાં ત્યાર પછી પણ સરદારનું સમયપત્રક તો ઉપર પ્રમાણે જ ચાલુ રહ્યું. ડાહ્યાભાઈ સરદાર સાથે બોલતા અને કોઈ કોઈ વાર ગેલ કરતા એમને વળગતા, પણ મણિબહેન એક શબ્દ પણ એમની સાથે બોલતાં નહીં અને સરદાર પણ એમની સાથે વાત કરતા નહીં. એટલે સુધી કે મણિબહેનને સરદારની સામે આવતાં પણ સંકોચ થતો. સરદાર સવારે દીવાનખાનામાં આંટા મારતા હોય ત્યારે મણિબહેન નહાઈ ધોઈને પાસેના ખંડના બારણામાં આવીને ઊભાં રહે. સરદાર એમને પૂછે કે, ‘કેમ છે’ અને મણિબહેન જવાબ આપે કે, ‘સારું છે.’ આખા દિવસમાં બે વચ્ચે આટલો સંવાદ થતો. પછી બીજે દિવસે સવારે પાછાં મણિબહેન મોં બતાવે અને એ જ સંવાદ થાય. મા નાનપણમાં ગુજરી ગયેલાં અને સરદાર સાથે હોઠ ખૂલ્યા જ નહીં એટલે મણિબહેનને તો માતાપિતાનાં હેત કે લાડનો લહાવો મળ્યો જ નહીં. સદ્‌ભાગ્યે પડોશમાં જ દાદાસાહેબ માવળંકર રહેતા. તેમનાં માતુશ્રી મણિબહેનની ખૂબ સંભાળ રાખતાં અને દાદાસાહેબનાં પ્રથમ પત્ની સાથે પણ મણિબહેનનો જીવ બહુ મળી ગયેલો હતો. મણિબહેન આખો દિવસ દાદાસાહેબને ઘેર જ ગાળતાં. ત્યાં મણિબહેનને કુટુંબની હૂંફ અને છાંયો મળ્યાં. જોકે બંને બાળકોને પિતા તરફથી સ્વતંત્રતા પાર વિનાની મળી હતી અને એ સ્વતંત્રતા આપનાર પિતાના મૂક પ્રેમમાંથી હૂંફ પણ તેઓએ મેળવી હશે. છતાં આપબળે જ ઘડાયેલા સરદારે પોતાનાં બાળકો પણ આપમેળે જ ઘડાય એમ માન્યું હોવું જોઈએ. ઘણાં માબાપો પોતાનાં બાળકોની કેળવણી અને ઘડતરની વધારે પડતી ચિંતા અને ખટપટ કરી ઊલટાં તેમના વિકાસમાં દખલરૂપ બને છે તેના કરતાં તો સરદારે આપેલી આ સ્વતંત્રતા ખોટી ન ગણાય.

બોરસદની લડત પૂરી થયા પછી સરદાર કરમસદ ગયેલા ત્યારે સરદારનાં માતુશ્રીએ મણિબહેનનાં લગ્નની બાબતમાં સરદાર સાથે કરેલો સંવાદ મહાદેવભાઈએ ‘નવજીવન’માં પાત્રોનાં નામ લખ્યા વિના આપ્યો છે. તેમાં પોતાનાં બાળકો પ્રત્યેના સરદારના વલણનું સુંદર ચિત્ર મળે છે :

એક મોટા ખંડમાં ઝીણો સરખો દીવો બળતો હતો. એક કોરે ત્રણેક છોકરાં (શ્રી કાશીભાઈનાં) ખૂબ ઓઢીને ભેગાં સૂતાં હતાં, અને બીજી કોરે અંદરના ઓરડાના બારણા આગળ એંશીએક વર્ષનાં સૂકલકડી શરીરનાં એક ડોશી બેઠાં હતાં. ભીંતની સાથે ગાદી તકિયા મૂકેલા હતા, અને સામે નાનકડી બુકકેસ ઉપર કાયદાનાં થોડાં ચોપડાંઓ પડેલાં હતાં.
પચાસેક વર્ષના દીકરા દાદર ચઢી ‘કેમ બા’ કરી તકિયે બેઠા. ડોશીમાની આંખે ઝાઝું દેખાતું ન હતું. “કોણ ભાઈ ? . . . ભાઈ ? આવો, છોકરાં સારાં છે ?” કહી ડોશીએ આવકાર આપ્યો.
દીકરાએ જવાબ આપ્યો : “હા, સૌ સારાં છે.”

.


“ગાંધીજી છૂટી ગયા. બહુ સારું થયું. મને તો દરરોજ થયાં કરતું કે, એમને કેવી રીતે છોડાવાય ? કેવી રીતે છોડાવાય ? પણ સરકારે છોડ્યા.”
“હા.”
“અહીં એ ક્યારેક આવશે ?”
“હજી ઇસ્પિતાલમાં થોડા દહાડા રહેવું પડશે.” દીકરાએ ટૂંકામાં પતાવ્યું.
“અંદર રગ ઉપર ગૂમડું થયું હતું તેથી કાપવું પડ્યું, કેમ ? બહુ દુઃખી થયા હશે ?”
“હાસ્તો.”
“. . . ભાઈ હમણાં ક્યાં છે ?”
“દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય ?”
ડોશીમાએ હકાર કે નકારમાં ડોકું ન ધુણાવ્યું. કંઈક અન્યાય થતો હોય એમ માની ચૂપ જ બેસી રહ્યાં. પછી થોડીક વાર રહીને બોલ્યાં :
“અહીં રહેશો ?”
“ના, કાલે જવું છે.”
“જુઓને, બધાનું સારું થયું. અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીયે છૂટ્યા. હવે ઘરમાંયે…”
વાક્ય પૂરું થાય તે પહેલાં દીકરાએ તે વાક્ય ઉપાડી લીધું :
“ઘરમાંયે સારું કરો. એટલે… બહેનને સારુ હવે તપાસ કરો, કેમ?”
“હાસ્તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.”
“ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.”
ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ ડોશીમાં જોઈ શક્યાં. એટલે તરત જ બોલ્યાં :
“તે તો થશેસ્તો. પણ આપણે કાંઈ દલાલ થયા વિના ચાલે એમ છે ?”
દીકરા ચૂપ રહ્યા. એ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી. “પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા[૫] આવતા હતા તે નથી આવ્યા ?”
“ના, ઘેર રહ્યા છે.”
દીકરાએ ભાગ્યમાં લખેલું હશે તેમ થશે એમ બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચઢ્યું હતું. તેઓ ડોશીમાના સવાલના જવાબ યાંત્રિક રીતે આપ્યે જતા હતા, મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર કરી રહ્યા હતા.

ડોશીમા પાછાં બોલ્યાં : “. . . બહેન તો આવીને ચાલી ગઈ. પણ . . ભાઈ તો આ વેળા ઘણા દહાડો રહ્યો. શી એની મીઠી વાણી ! આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે. આખો દિવસ કલ્લોલ કર્યા કરે.” આટલી પ્રસ્તાવના કરીને દીકરાનું મન પાછું પહેલી જ વાત સાંભળવાને માટે ડોશીમાએ તૈયાર કર્યું.
“જાણે . . . ભાઈની તો કશી ચિંતા નથી. પણ . . . બહેનની ચિંતા થયાં કરે છે. ભગવાને મને આટલો વખત જિવાડી તે જાણે એ માટે જ નહીં હોય ? . . . બહેનને પરણાવીને પછી હું મરીશ એવું લાગે છે. એ વિના બીજી કશી તૃષ્ણા હવે રહી નથી.”
દીકરા ચૂપ જ રહ્યા. એટલે પાછી વાત બદલવાનો ડોશીમાએ ડોળ કર્યો..
“બંને નિશાળે જાય છે કે ? ”
“હા.”
“બંનેની પરીક્ષા ક્યારે છે ? ”
. . . ભાઈ મૂંઝાયા. આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા. પોતાનાં છોકરાં કઈ પરીક્ષામાં બેસવાનાં છે તેની તેમને ખબર નહોતી. એટલે ડોશીમાએ ટકોર કરી :
“આખા મુલકની ખબર રાખો છો અને પોતાનાં છોકરાંની નહીંં?”
“છોકરાં હવે મોટાં થયાં. પોતે પેાતાનું સંભાળી લે.”
સામે એક છોકરો બેઠો હતા તેને ઉદ્દેશીને ડોશીમાં બાલ્યાં : “જો, ભાઈ સાંભળ. કાકા શું કહે છે ? તમારે તમારું સંભાળવું જોઈએ.”
મેં (મહાદેવભાઈ એ ) કહ્યું : “હવે અમદાવાદ આવીને રહો ની.”
“રહું, ભાઈ. પણ પેલાં નાનાં (કાશીભાઈનાં બાળકો) સૂતાં છે ને, તેમને કોણ સાચવે ? ”
એંશી વરસનાં ડોશીમા મા વિનાનાં પેલાં બાળકોની સંભાળ રાખતાં હતાં અને દીકરાને રાંધી ખવરાવતાં હતાં.
આખરે સૌ ઊઠ્યા. દીકરાએ કહ્યું :
“ત્યારે ઊઠીએ છીએ.” એટલે ડોશીમા બાલ્યાં :
“. . . .ભાઈને કહેજો ની. તે ક્યાંક જોઈ રાખશે.”
“કેમ, એમને શા સારુ કહેવું ?”
“તમે તે છોકરાં શું ભણે છે તે જાણતા નથી તે દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા ?”

સૌ હસતા હસતા નીચે ઊતર્યા. ઘડીક પછી તે ડોશીમાના દીકરાને હજારોની સભા આગળ ભાષણ આપવાનું હતું.

પણ મણિબહેન અને ડાહ્યાભાઈ પરત્વે સરદારનું સ્થાન ગાંધીજીએ બરાબર લીધું હતું અને સરદાર એ જાણતા હતા, એટલે નિશ્ચિંત હતા. બંને બાળકો શું ભણે છે, પરીક્ષામાં કેવું કરે છે એ બધું ગાંધીજી મણિબહેનને પૂછી લેતા. ડાહ્યાભાઈ ગાંધીજી સાથે બહુ વાતો ન કરતા તેમ પત્રવ્યવહાર પણ ન રાખતા. પણ મણિબહેન ગાંધીજીને વારંવાર મળતાં રહેતાં તથા તેમની સાથે પત્રવ્યવહાર પણ રાખતાં. વિદ્યાપીઠના સ્નાતક થયા પછી શું કરવું એ બાબતમાં ગાંધીજીની દોરવણી તેમને મળ્યાં કરતી. ડાહ્યાભાઈને દાક્તરીનો અભ્યાસ કરવો હોય તો હકીમ અજમલખાન સાહેબની તિબ્બી કૉલેજમાં જવાની અને ઈજનેર થવું હોય તો કોઈ મોટા કારખાનામાં કામ કરતે કરતે ઈજનેરી શીખવાની ગાંધીજીએ સૂચના કરેલી અને અભ્યાસ માટે પરદેશ જવું હોય તો તેની ગોઠવણ કરી આપવા પણ કહેલું. બિરલાની કોઈ મિલમાં ગોઠવવાની વાત આવેલી પણ ડાહ્યાભાઈ કાપડની મિલમાં કામ કરે એ ગાંધીજીને પસંદ નહોતું. આમ અનેક વિચારો થયા. પણ ડાહ્યાભાઈએ પોતે જ વીમાની લાઈન પસંદ કરી અને તેમાં આપમેળે જ પોતાની ગોઠવણ કરી લીધી. પોતાને માટે કન્યાની પસંદગી પણ ડાહ્યાભાઈએ પોતે જ કરી લીધી હતી. લગ્નનો દિવસ નક્કી કરવાનો વખત આવ્યો ત્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે, “મણિબહેન મોટાં છે માટે એમનાં લગ્ન થઈ ગયા પછી હું પરણીશ.” ગાંધીજીને મણિબહેને કહ્યું કે, “મારાં લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે. કારણ મારે પરણવું નથી.” પછી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં જ સને ૧૯૨૫ના માર્ચમાં ડાહ્યાભાઈનાં લગ્ન થયાં. એ વિષે ગાંધીજીએ ‘નવજીવન’માં લખ્યું છે:

“શ્રી વલ્લભભાઈના પુત્ર ચિ. ડાહ્યાભાઈ તથા શ્રી કાશીભાઈ અમીનની દીકરી ચિ. યશોદાનાં તો સ્વેચ્છાએ થયેલાં લગ્ન ગણાય. બંનેએ એકબીજાંને શોધ્યાં ને પોતાની ઇચ્છાએ પણ વડીલોની સંમતિ લઈ વિવાહનો નિશ્ચય કર્યો. . . . પાટીદાર કોમને સારુ આ આદર્શ લગ્ન કહી શકાય. બંને જાણીતાં કુટુંબ છે. શ્રી કાશીભાઈ ખર્ચ કરવા ધારે તો કરી શકે તેમ હતા. છતાં ઇરાદાપૂર્વક વિના ખર્ચે લગ્ન કરવાનો તેમણે નિશ્ચય કર્યો અને કેટલેક અંશે તેમના નાતીલાનો રોષ વહોરી લીધો. મારી ઉમેદ તો એવી છે કે એવાં લગ્ન બીજા પાટીદારો કરે અને બીજી ન્યાત પણ કરે ને ઘણા ખર્ચના બોજામાંથી નીકળી જાય. તેમ કરે તો ગરીબને શાંતિ થાય અને ધનિક પોતાની ઇચ્છાનુસાર દેશસેવાના અથવા ધર્મના કાર્યમાં દ્રવ્ય વાપરે.”

અસહકારની શરૂઆતમાં મુંબઈની સ્કૂલ છોડી ડાહ્યાભાઈ અમદાવાદ આવ્યા. ત્યાર પછી થોડા વખતમાં ગાંધીજીએ પરદેશી કપડાંની હોળી કરાવી તેમાં પોતાનાં તમામ કપડાં બાળી નાખી બન્ને ભાઈબહેને ખાદી ધારણ કરી. ખાદીમાં પણ મણિબહેને તો સફેદ સિવાય બીજી ખાદી વાપરી જ નથી. સાડી પણ રંગીન કિનારવાળી કદી પહેરી નથી. પોતાની પાસે થોડા દાગીના હતા તે પણ ગાંધીજીને ઉતારી આપ્યા. ગાંધીજીએ સલાહ આપેલી કે સ્વરાજ્ય મળતાં સુધી ન પરણવું એવો સંકલ્પ તું કરે તો સારું. મણિબહેને એ સલાહ માની એટલું જ નહીં પણ કાયમ કુંવારું જીવન ગાળવાનો સંકલ્પ કર્યો. પહેલેથી જ કઠણ અને સાદું જીવન ગાળવા તરફ એમનું વલણ હતું. તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે અત્યારે વખતોવખત ઉપવાસ તથા બીજાં અનેક પ્રકારનાં વ્રત તેઓ નિયમિત રીતે કરે છે. કેટલાંય વર્ષોથી દરરોજ કાંતવાનો નિયમ પણ બહુ ચીવટપૂર્વક પાળે છે અને પોતાનાં તથા સરદારનાં કપડાં થાય એટલું સૂતર તેઓ કાંતે છે.

ગાંધીજી ઈચ્છતા હતા કે મણિબહેન સ્ત્રીસેવાના કામમાં પડે. જમનાલાલજીની ઈચ્છા વર્ધામાં મહિલા વિદ્યાલય કાઢવાની હતી. ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા પછી તે માટે થોડો વખત વર્ધા રહેલાં. પછી ગાંધીજીએ તાલીમ માટે તેમની સુપરત શ્રી દેવધરને કરી અને એમણે એમને પૂનાના સેવા સદનમાં રાખ્યાં. પછી એકાદ વરસ સાબરમતી આશ્રમમાં રહેલાં. ત્યાં બહેનોનું મંડળ હતું તેના મંત્રી તરીકે કામ કર્યું. ’૨૭ના રેલસંકટ વખતે છએક મહિના માતરમાં મારી સાથે કામ કર્યું. બારડોલી સત્યાગ્રહની લડત પછી તેમને પિતાની સેવાનું કામ જડી ગયું. ત્યારથી આજ સુધી તેમાં જ ઓતપ્રોત છે અને તેમાં જ જીવનની સાર્થકતા અને ધન્યતા અનુભવી રહ્યાં છે. સરદારની સેવા તેઓ અનન્ય ભક્તિથી અને કુશળતાથી કરે છે. કઈ ઘડીએ સરદારને શું જોઈશે તે તેમના માગ્યા વિના અગાઉથી વિચારી લઈ હાજર રાખે છે. તેમની તબિયતની બહુ કાળજીપૂર્વક સંભાળ રાખે છે. નાહક કોઈ વધારે પડતો શ્રમ કે ત્રાસ ન આપે તેની ખડે પગે સખ્ત ચોકી કરે છે. આ ચોકી કરવામાં સરદારની મુલાકાત લેવા ઈચ્છનારાઓ સાથે તારતમ્ય કરવા જતાં તેમને ઘણી વાર આકરા પણ થવું પડે છે અને મુલાકાતીઓની સારી પેઠે ઇતરાજી વહોરવી પડે છે. સરકારી કામો ઉપરાંત સાર્વજનિક સંસ્થાઓ તથા ટ્રસ્ટનાં ઘણાં કામો સરદાર પાસે હોય છે. તેનો પત્રવ્યવહાર સાચવવો, ફાઈલો રાખવી, ભાષણોની નોંધ કરી લેવી, એવાં બધાં કામ પણ મણિબહેન બાહોશીથી કરે છે. આટલી ઉંમરે અને આવી તબિયતે સરદાર આટલું કામ કરી શકે છે તેમાં મણિબહેનની સેવાશુશ્રૂષા તથા ચોકીનો ફાળો ઘણો મોટો છે.

સરદારે મણિબહેનને બિલકુલ નહીં અને ડાહ્યાભાઈને પણ બહુ થોડું રમાડેલા. પણ તેથી બાળકને રમાડવાનું તેમને નથી ગમતું એમ નથી. મણિબહેન તથા ડાહ્યાભાઈને નહીં રમાડવામાં તે પોતાનાં છોકરાંને વડીલોના દેખતાં ન બેલાવાય એ જૂનો રિવાજ પણ કારણ હશે. બાકી તંદુરસ્ત અને તોફાની બાળકો સાથે ધિંગામસ્તી કરતી વખતે સરદાર એમનું મોટાપણું ભૂલી જાય છે. પોતાના પૌત્રો, ભત્રીજાના છોકરાઓ અથવા મિત્રનાં છોકરાં, એમની સાથે રમવાની તક તેઓ જતી કરતા નથી. એમને કૂદાવવાં, ગલોટિયાં ખવડાવવાં, એમની સાથે સંતાકૂકડી રમવી, મુક્કાબાજી કરવી, એ એમનો ખાસ શોખનો વિષય છે. બાળકો સાથે પત્તે રમતા હોય ત્યારે બાળકોને બધું રમણભમણ કરવામાં તેમના ઉત્તજનને લીધે મણિબહેનની વસ્તુઓની ગોઠવણ, વ્યવસ્થા, સાકસૂફી બધુ બાજુએ રહી જાય છે. બાળકો સાથે તોફાનમસ્તી કરવી એ સરદારનું એક મોટામાં મોટું મનોરંજન છે.

વિઠ્ઠલભાઈ તથા સરદારે પોતપોતાની કારકિર્દી શરૂ કરી ત્યારથી અથવા તેઓ અભ્યાસ કરતા ત્યારથી બધા ભાઈઓને સાથે રહેવાનું ભાગ્યે જ બન્યું હતું. કરમસદ પણ તેઓ ક્વચિત જ જતા, અને તે પણ જાહેર કામને અંગે જવાનું થાય ત્યારે જ. ૧૯૨૭માં ગુજરાતના રેલસંકટ વખતે વિઠ્ઠલભાઈ વડી ધારાસભાના પ્રમુખ હતા અને તેઓ નડિયાદ આવીને રહ્યા હતા તે વખતે માતુશ્રી અને પાંચે ભાઈઓ પરિવાર સમેત લગભગ એક મહિનો નડિયાદ ભેગા રહ્યા હતા. ત્યારે ઘણે વર્ષે માતુશ્રીએ અને સઘળા ભાઈઓએ ગૃહજીવનનો લહાવો લીધેલ. પાંચ પુત્રોથી વીંટળાયેલાં વૃદ્ધ માતુશ્રીને તે વખતના ફોટો આ પુસ્તકમાં આપેલ છે.

  1. ❁ બે ભાઈઓ એટલે સૌથી મોટા શ્રી સોમાભાઈ તથા બીજી શ્રી નરસીભાઈ. ખેતી છોડી દેવાની સલાહ છતાં શ્રી નરસીભાઈએ છેવટ સુધી ખેતી છોડી નહોતી.
  2. ❁ માતુશ્રીને લાડબાઈ કહેતા હતા તે અગાઉ કહેવાઈ ગયું છે.
  3. ❁ મુંબઈની નિશાળમાં લાંબી રજાઓ પડે તે વખતે મણિબહેન ડાહીબાની પાસે રહેતાં.
  4. × અહીંના એલએલ. બી. જ બૅરિસ્ટરની પરીક્ષા આપી શકે એવો કાયદો
  5. અબ્બાસ સાહેબ તૈયબજી.