સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

વિકિસ્રોતમાંથી
← ગૃહજીવનમાં ડોકિયું સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ
નરહરિ પરીખ
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે →


.

૨૪

કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

બોરસદની લડત ચાલુ હતી અને કોકોનાડા કૉંગ્રેસ આવી. લડતનું તંત્ર એવું ચોક્કસ ગોઠવાઈ ગયું હતું કે સરદારને બોરસદ છોડીને આઠ દસ દિવસ બહાર જવામાં અડચણ આવે એમ નહોતું. જોકે કોકોનાડામાં કાંઈ ભારે કામ થવાની આશા નહોતી. દિલ્હી મહાસભામાં પરવાનગી મળી એટલે સ્વરાજ પક્ષે ધારાસભાની નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીઓમાં ભાગ લીધો હતો અને તેમાં બંગાળમાં એમને ઠીક ફતેહ મળી હતી. બીજા પ્રાંતોમાં તેઓ ચોક્કસ બહુમતી મેળવી શક્યા નહોતા છતાં ઠીક સંખ્યામાં ચૂંટાયા હોઈ ધારાસભામાં એક ગણનાયોગ્ય પક્ષનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. વડી ધારાસભામાં બીજા સ્વતંત્ર પક્ષો સાથે મળીને સરકાર સામે તેઓ ઘણી વાર બહુમતી કરી શકતા.

૧૯૨૩નું કૉંગ્રેસનું લગભગ આખું વર્ષ અંદર અંદરની લડાલડીમાં ગયું હતું એમ કહીએ તો ચાલે. કાર્યકર્તાઓ એનાથી કંટાળી ગયા હતા. એટલે કોકોનાડામાં સૌના દિલમાં એટલું તો ચોક્કસ હતું કે હવે લડાલડી કરવી નથી. સૌની પરમ ઈચ્છા કૉંગ્રેસનું ભવિષ્યનું કામ નિર્વિઘ્ને ચાલતું થાય એવું વાતાવરણ જમાવવાની હતી. છતાં નાફેર પક્ષના કેટલાક વધુ ઉત્સાહી ભાઈઓ એવા હતા જે દિલ્હી કૉંગ્રેસના ઠરાવને આ કૉંગ્રેસ પાસે રદ કરાવવા ઈચ્છતા હતા. એટલે રાજાજીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે દિલ્હીના ઠરાવને ફેરવવાનો ઝઘડો કરવાની જરૂર નથી. ધારાસભામાં ગયેલાઓને પાછા બોલાવવા એ પણ આવશ્યક નથી. પણ ધારાસભાપ્રવેશને અંગે જે વાતો અને ચર્ચાઓ થઈ ગઈ છે તેથી દેશના વાતાવરણમાં ખળભળાટ થયો છે અને કૉંગ્રેસની નીતિ વિષે કાંઈક બુદ્ધિભેદ થયો છે. માટે કૉંગ્રેસની નીતિ તેમ જ કાર્યક્રમમાં કાંઈ ફેર પડ્યો નથી એ સ્પષ્ટ કરવાની બહુ જ આવશ્યકતા છે. તે માટે એમણે દેશબંધુ દાસ સાથે મસલત કરી અને એમની સંમતિ મેળવી નીચેનો ઠરાવ કૉંગ્રેસમાં રજૂ કર્યો. દાસબાબુએ એને ટેકો આપ્યો અને એ પસાર થયો. રાજાજી અને દાસબાબુએ મળીને એ ઠરાવ ઘડેલો હાઈ એ સમાધાનીનો ઠરાવ કહેવાય. આ રહ્યો એ ઠરાવ :

“કલકત્તા, નાગપુર, અમદાવાદ, ગયા અને દિલ્હીની કૉંગ્રેસોએ પસાર કરેલા અસહકારના ઠરાવોનો આ કૉંગ્રેસ ફરીથી સ્વીકાર કરે છે.

“ધારાસભા પ્રવેશને લગતા દિલ્હીની કૉંગ્રેસે પસાર કરેલા અસહકારના ઠરાવને લીધે ત્રિવિધ બહિષ્કારની કૉંગ્રેસની નીતિમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં એવી શંકા ઊભી થયેલી હોવાથી આ કૉંગ્રેસ ઠરાવે છે કે એ બહિષ્કારના સિદ્ધાંત અને નીતિ જેમનાં તેમ કાયમ જ રહે છે.
“વધુમાં, આ કૉંગ્રેસ જાહેર કરે છે કે મજકૂર બહિષ્કારના સિદ્ધાંત અને નીતિ એ તો રચનાત્મક કાર્યક્રમના પાયારૂપ છે, તેથી બારડોલીમાં ઠરાવેલો રચનાત્મક કાર્ચક્રમ પાર પાડવાને તથા સવિનય ભંગને માટે તૈયાર થવાને આ કૉંગ્રેસ દેશને આગ્રહ કરે છે.
“આપણા ધ્યેયને બનતી ઝડપથી પહોંચી વળાય એટલા માટે આ બાબત તાત્કાલિક પગલાં લેવાની આ કૉંગ્રેસ પ્રત્યેક પ્રાંતિક સમિતિને સૂચના કરે છે.”

આ કૉંગ્રેસની મસલત સમિતિમાં કૉંગ્રેસનું ધ્યેય બદલી તેમાં ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ એ શબ્દો ઉમેરવા એવો ઠરાવ પણ આવેલો. તેના મુખ્ય કારણમાં કેનિયામાં હિંદીઓનું થતું અપમાન અને તેમને થતા અન્યાય, એ આપવામાં આવેલું. સરદારે આ ઠરાવનો વિરોધ કરતાં કહ્યું :

“મને સંપૂર્ણ સ્વાતંત્ર્ય ગમતું નથી, એમ નથી; પણ અમદાવાદની કૉંગ્રેસે મૌ○ હજરત મોહાનીનો આ મતલબનો ઠરાવ ફેંકી દીધો, ત્યારના કરતાં તો આજે આપણે કેટલાય વધારે નબળા છીએ. કેનિયામાં હિંદીઓનું અપમાન મહાત્માજીને જેલમાં રાખવાના દેશના અપમાન કરતાં મોટું નથી. લાગણીઓને વશ થવામાં વ્યવહારુ દૃષ્ટિ આપણે ભૂલવી ન જોઈએ.”

કોકોનાડાથી પાછા આવ્યા પછી તા. ૧રમી જાન્યુઆરીને દિવસે જ્યારે બોરસદના વિજયનો ઉત્સવ ઊજવાતો હતો તે જ રાતે ગાંધીજીને યરવડા જેલમાંથી પૂનાની સાસૂન હોસ્પિટલમાં લાવી ‘ઍપેન્ડિસાઇટિસ’નું ઑપરેશન કરવામાં આવ્યું અને તા. ૫મી ફેબ્રુઆરીએ તેમને બિનશરતે છોડી મૂકવામાં આવ્યા. સરદાર ગાંધીજીને મળવા પૂના ગયા ત્યારે ‘આવો બોરસદના રાજા’ એ શબ્દોમાં તેમણે એમનું અભિનંદન કર્યું. સરદારના દિલમાં પણ એટલો આત્મસંતોષ હતો કે જ્યારે બાકીના આખા દેશમાં ઓછાવત્તા પ્રમાણમાં ઝઘડાનું અને તિરસ્કારનું વાતાવરણ હતું ત્યારે ગુજરાતમાં તેઓ શિસ્ત, સંપ અને ઉત્સાહ જાળવી રહ્યા હતા અને ગુજરાતને ગાંધીજીનું સ્વાગત કરવા યોગ્ય સ્થિતિમાં તેઓ રાખી શક્યા હતા. તેની સાથે માથા ઉપરથી ચિંતાનો મોટો બોજ હવે ઊતરી ગયો તેની શાંતિ પણ તેઓ અનુભવી રહ્યા હતા. ગાંધીજી જ્યારે ગુજરાતમાં પધારે ત્યારે એમનાં ચરણે ધરવાની ફૂલપાંખડીમાં ગુજરાતે દસ લાખ રૂપિયા કરવા તથા તે ઉપરાંત રચનાત્મક કામનાં ઓછામાં ઓછાં ત્રણ ક્ષેત્ર જ્યાં કાયકર્તાઓ એ ઉદ્દેશથી બેઠેલા જ હતા, તે એવાં તૈયાર કરવાં કે ત્રણમાંથી કયું પસંદ કરી પોતાનો પ્રયોગ તેમાં અજમાવવો એ નક્કી કરવું ગાંધીજીને મુશ્કેલ પડે, એવી અપીલ તેમણે ગુજરાતને કરી.

સાસૂન હૉસ્પિટલમાંથી દાક્તરે મુક્તિ આપી એટલે મિત્રોના આગ્રહથી આરામ અને હવાફેર માટે ગાંધીજી જૂહુ જઈને રહ્યા. તા. ૬ઠી એપ્રિલથી તેઓશ્રીએ ‘નવજીવન’ અને ‘યંગ ઈડિયા’ માં લખવાનું શરૂ કર્યું', તે જ અંકમાં પોતાના કારાવાસ દરમિયાન ગુજરાતની અને સરદારની કામગીરી વિષે તેમણે લખ્યું :

“ગુજરાતનો છેલ્લાં બે વર્ષનો ઇતિહાસ ગુજરાતીને શોભાવનારો છે. જે ગુજરાતને શોભાવે તે હિંદુસ્તાનને શોભાવે. આપણી પ્રવૃત્તિ એવી છે કે તેમાંની જે વસ્તુ એક પ્રાંતને લાભ દે તે સમસ્ત હિંદુસ્તાનને લાભ આપે. તેથી જેટલે અંશે ગુજરાત ચડ્યું છે તેટલે અંશે આખો દેશ ચડ્યો છે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક અંગમાં જોઈ શકાય છે. જેવા તે, તેવા તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ એ સાત્વિક ઉદ્યમનો ઉજ્જવળ દાખલો છે.
“બોરસદ સત્યાગ્રહ ખેડાના સત્યાગ્રહથી ઘણે અંશે ચડી જાય છે. ખેડાની જીત કેવળ માનની જીત હતી. અમદાવાદના મજૂરોના સત્યાગ્રહની જીતને મારા ઉપવાસની ઝાંખપ હતી, કેમ કે તે ઉપવાસનું અયોગ્ય દબાણ મિલમાલિકો ઉપર પડ્યું હતું.
“બોરસદમાં સત્યાગ્રહનો જ ઘણો વિજય થયો. તેમાં માન અને અર્થ બંને સચવાયાં અને જીત મળવામાં બીજાં કોઈ યોગ્ય કે અયોગ્ય સાધનનું મેળવણ થયું જ નહીં’.
“કોઈ એમ ન ધારી લે કે સંજોગ અનુકુળ હતા તેથી જીત થઈ, કેમ કે ગવર્નર સારા નીવડ્યા. ગવર્નરને ન્યાય કરવા સારુ આપણે અવશ્ય તેમને ધન્યવાદ આપીએ. પણ સૂબો કઠણ હૃદયનો હોત તો તે કંઈ બોરસદના શુદ્ધ આગ્રહને દાબી શકત કે ? શ્રદ્ધાળુ એટલું માને કે સાત્વિક પ્રવૃત્તિને ચલાવનાર સાત્ત્વિક વૃત્તિના હોય તો સંજોગે એની મેળે અનુકુળ થઈ જાય છે. સત્યાગ્રહની રીત એ છે કે વિરોધીને મિત્ર બનાવો એટલે કે સાત્ત્વિક સંજોગ ઉત્પન્ન કરવા.
“જો બોરરસદનો સત્યાગ્રહ કરીને ગુજરાતે આરામ લીધો હોત તોપણ કોઈ આંગળી ચીંધત નહીં. પણ સત્યાગ્રહીને આરામ કેવો ? તેની ‘વેકેશન’ તેનો નિત્યનો ઉદ્યમ છે. સત્યાગ્રહને અર્થે અંતરદર્શન પણ કરી શકાય. બોરસદમાં લોકોએ અંતરદર્શન કર્યું એટલે જોયું કે બોરસદ ઉપર સજા અર્થે પોલીસ બેસાડી તેમાં કંઈક દોષ પોતાનો પણ હતો. એક દોષ જોતાં બીજો પોતાની મેળે દેખાઈ આવે છે, તેથી હવે ત્યાં આંતર-સુધારણાનું કામ થઈ રહ્યું છે. સરકારની સામે ઝૂઝવા કરતાં આ કામ વધારે કીમતી તેમ જ કઠિન છે. સરકારની સામે લડીને જય મેળવો એ નીંદણ ક્રિયા હતી. હવે પાકને ઉગાડવાની ને ઉતારવાની મહેનત કરવી તેમાં વધારે મુશ્કેલી છે, તેમ જ વધારે મુદ્દતની જરૂર છે. એ કામ પણ સુંદર ચાલી રહ્યું છે એમ હું સાંભળું છું. એ કામની પૂર્ણતામાં બોરસદ તાલુકાના વતનીઓની તેમ જ સ્વયંસેવકોની શક્તિ અને લાયકાતની આંકણી રહેલી છે.”

તા. ૧૩મી મેના રોજ બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદની બેઠક શ્રી કાકાસાહેબના પ્રમુખપણા નીચે થઈ. તેની જ સાથે શ્રી મામા સાહેબ ફડકેના પ્રમુખપણા નીચે અંત્યજ પરિષદ થઈ તથા શ્રી રવિશંકર મહારાજના પ્રમુખપણા નીચે ઠાકોર પરિષદ થઈ. એ પરિષદમાં ગાંધીજી આવશે એમ આશા રાખવામાં આવેલી. પણ મિત્રોએ અને દાક્તરોએ એમને જૂહુ છોડવા ન દીધું. બોરસદની પરિષદને તેમણે પ્રેરક સંદેશ મોકલી આપ્યો. તેમાં બોરસદની પ્રજાને કહ્યું :

“બોરસદે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદે સત્યાગ્રહ કરી, ભોગ આપી. ત્યાગ કરી, પોતાની અને હિંદુસ્તાનની સેવા કરી છે. બોરસદે જમીન સાફ કરી. ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ કામ છે. તે કામ થઈ રહ્યું છે એમ હું જાણું છું. તે પૂરું તો ત્યારે થયું કહેવાય જ્યારે બોરસદ તાલુકો હાથે કાંતેલી ખાદી સિવાય બીજું કાપડ ન વાપરે, ન ખરીદે; તેની હદમાં એક પણ પરદેશી કે મિલના કાપડની દુકાન ન હોય; તાલુકામાં કોઈ દારૂ, ગાંજો, અફીણ ન પીએ, કોઈ ચોરી વ્યભિચાર ન કરે, તાલુકાનાં બાળકો અને બાલિકાઓ, પછી ભલે તે અંત્યજનાં હોય કે બીજાં, રાષ્ટ્રીય શાળાઓમાં ભણતાં હોય, તાલુકામાં કજિયા ફિસાદ હોય નહીં અને કદાચ હોય તો તેનો નિકાલ પંચ મારફત થાય, હિંદુમુસલમાન ભાઈ સમાન થઈને રહે, અંત્યજનો કોઈ તિરસ્કાર ન કરે. આ કરવા ધારીએ તો સહેલું છે. એટલું બોરસદ કરે તો હિંદને સ્વરાજ અપાવે એમ મારી ખાતરી છે. એમ કરવાની પ્રતિજ્ઞા તેઓ લે. એ પ્રતિજ્ઞા લેવાનું તમારામાં બળ હોય એમ ઇચ્છું છું. પ્રતિજ્ઞા તો જ લેવી જો પાળવાનો પૂરો આગ્રહ હોય. તેના પાલન પાછળ હરિશ્ચંદ્રના જેટલો જ આગ્રહ હોવો જોઈએ, નહીં તો ન લેવી એ ડહાપણ છે.”

પરિષદમાં ઠરાવ આ સંદેશાને અનુસરીને થયા. દરબાર સાહેબના પર ગાંધીજીના સંદેશાની ઊંડી અસર થઈ હતી. તેમને રાતે ઊંઘ ન આવી. પોતાના સાથી કાર્યકર્તાઓને રાતે એક વાગ્યે જગાડ્યા. તેમની સાથે ખૂબ ચર્ચા કરી અને બોરસદમાં દટાઈ જઈ તાલુકાને સ્વરાજની લડત માટે તૈયાર કરવાનો પોતાનો સંકલ્પ તેમની આગળ જાહેર કર્યો. તેમની સાથે દસેક મરણિયા તૈયાર થયા. પરિષદમાં ઠરાવ થયો તેમાં ગુજરાતનાં અમુક ક્ષેત્રો અને કામની સર્વદેશીય સેવા કરી તેમને સ્વરાજ્ય માટે તૈયાર કરવાનાં જે ભાઈબહેનોએ આજીવન વ્રત લીધાં તેમને અભિનંદન આપવામાં આવ્યાં. પણ સરદાર એમ લાગણીના આવેશમાં ખેંચાઈ જાય એમ નહોતું. બોરસદનું ક્ષેત્ર કેટલું કઠણ હતું તેનો એમને પૂરેપૂરો ખ્યાલ હતો. એટલે ત્યાંના લોકોને તથા કાર્યકર્તાઓને સાવધાન કરવા હૃદયમાં સોંસરા ઊતરી જાય એવા શબ્દોમાં તેમણે કહ્યું:

“બારસદે આ ઠરાવનો સ્વીકાર કરતાં ખૂબ વિચાર કરવો ઘટે છે. બોરસદને હું જેટલું ઓળખું છું તેટલું અહીં ભેગા થયેલામાંથી એક પણ જણ ન ઓળખતો હશે. બોરસદની શક્તિનીયે મને ખબર છે. બોરસદની ખોડ અને એબોને પણ હું પૂરી જાણું છું. કુંદનની અંદર કાજળના ડાઘ જોવાની વૃત્તિવાળા અહીં પડેલા છે. એ બોરસદે ઠરાવ કરતાં પહેલાં ખૂબ વિચારી લેવું જોઈએ.”

ચેતવણીનો આ ગંભીર સૂર કાઢવા ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં એક બીજી મોટી વાત એ કહી કે :

“ગાંધીજીને બહાર આવ્યા પછી એમ લાગે છે કે દેશ નિરાધાર દશા ભોગવે છે, એ દુ:ખદ સ્થિતિ છે. ગાંધીજીને આપણે બધી ચિંતામાંથી મુક્ત કરવા જોઈએ. આ પ્રમાણે ઠરાવ કરીને આપણું કાર્ય ગાંધીજીને પૂછવા ગયા વિના પૂરું કરીએ તો જ આપણે તેમને નિશ્ચિંત કરી શકીએ. ગુજરાતને હું વીનવું છું કે તે પોતાનાં દુ:ખ ગાંધીજી પાસે લઈને ન જાય. તેમને બીજાં અપરંપાર દુઃખોની ચિંતા પડી છે.”[૧]

પરિષદમાં બીજો એક મહત્વનો ઠરાવ દેશસેવાનું જીવનવ્રત લેનારાઓના એક પ્રાંતિક સેવામંડળની યોજના ઘડી કાઢી તે પ્રાંતિક સમિતિ આગળ રજૂ કરવા એક નાની સમિતિ સરદારના પ્રમુખપણા નીચે નીમવાનો હતો. એ યોજનાએ મૂર્તરૂપ ન પકડ્યું. પણ ગાંધીજીએ રજૂ કરેલા સેવાના આદર્શોથી પ્રભાવિત થયેલ અને સરદારની મદદ તથા હૂંફથી પોષાયેલો એક સેવકવર્ગ તો ગુજરાતમાં નિર્માણ થયો જ હતો. આજે પણ એ સેવકો જુદી જુદી સંસ્થાઓના આશ્રય નીચે કામ કરે છે. એ બધામાં ઠીક ઠીક એકરાગ અને કુટુંબભાવના છે. ગુજરાતના આ સેવકવર્ગમાં કુટુંબભાવના પ્રગટાવવામાં અને પોષવામાં ગાંધીજીની સાથે સરદારનો હિસ્સો ઘણો મોટો છે.

ગાંધીજી બહાર આવ્યા કે તરત નાફેરવાદીઓ અને સ્વરાજ પક્ષ વચ્ચેના ઝઘડામાં તેમને પડવું પડ્યું. જૂહુમાં બંને પક્ષના નેતાઓ સાથે તેમણે ખૂબ વાત કરી. બે વરસમાં જે બની ગયું હતું તે સમજી લીધું અને બન્ને પક્ષનાં દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કર્યો. પંચવિધ બહિષ્કારવાળા અસહકારની નીતિ વિષે તેમના વિચારોમાં બે વરસના કારાવાસ દરમિયાન રતીભાર પણ ફરક પડ્યો નહોતો. સરકારના હૃદયપરિવર્તનનું એક પણ નિશાન તેમને દેખાતું ન હતું. સને ૧૯૨૩ના સપ્ટેમ્બરમાં ગાંધીજી સાથે મુલાકાતની પરવાનગી મેળવવા મિ. ડ્રૂ પિયર્સન નામના એક અંગ્રેજ ગૃહસ્થ મુંબઈના ગવર્નર પાસે ગયા હતા ત્યારે ગવર્નરે જે ઉદ્‌ગારો કાઢેલા તેમાંથી પ્રગટ થતા સરકારના માનસમાં કશો ફરક પડ્યો નહોતો. પેલા ભાઈએ પરવાનગીની વાત કાઢી ત્યાર પછી થયેલ સંવાદ નીચે આપ્યો છે :

“બિલકુલ અશક્ય”, તે નામદારે મારી વાતને કાપી જ નાખી. “ગાંધીને કેદ કરવાની એક જ રીત છે, તે એ કે તેમને જીવતા દાટવા. જો અહીં આવીને લોકોને એમના ઉપર પડાપડી કરવા દઈએ તો એ તો મહાત્મા બની જાય, અને જેલ એ દુનિયા માટે મક્કા બની જાય. ગાંધીને માથે કાંટાનો મુગટ પહેરાવવા કંઈ તેમને કેદ નથી કર્યા. ”
“છ વર્ષની મુદત પૂરી થતાં પહેલાં ગાંધી છૂટવાનો કાંઈ સંભવ ખરો કે ?” એમ મેં પૂછ્યું ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું :
“હું અહીં છું ત્યાં સુધી તો નહીં જ. હા, મારી મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થાય છે. હું વિલાયત પાછો ફરું ત્યાર પછી ભલે તેઓ એનું જે કરવું હોય તે કરે.”

એટલે ગાંધીજી છુટેલા તે એમને વધુ વખત ‘જીવતા દાટવાની’ જરૂર સરકારને નહીં લાગેલી તેથી જ. દેશના મોટા ભાગમાં નાફેરવાદીઓનો લોકો ઉપરનો કાબૂ ઓછો થવા માંડ્યો હતો. તેમના અને સ્વરાજ પક્ષ વચ્ચેના ઝઘડાથી લોકો કંટાળી ગયા હતા. છતાં ગાંધીજી જ્યાં સુધી જેલમાં હોય ત્યાં સુધી લોકમાનસ ઉપર એની એક અસર રહેતી કે આપણે કાંઈક કરવું જોઈએ. એટલે સરકારને એમ લાગ્યું હશે કે હવે વખત એવો આવ્યો છે જ્યારે કેદી ગાંધી કરતાં મુક્ત ગાંધી ઓછા જોખમકારી છે. સ્વરાજ પક્ષવાળા ધારાસભાઓમાં સરકારે રચેલા ક્ષેત્ર ઉપર અને સરકારે બાંધેલી વાડોની અંદર લડવા ગયા હતા. ત્યાં એમને પહોંચી વળવું પોતાને માટે રમત વાત છે એ સરકાર બરાબર જાણતી હતી. એને એ પણ ખાતરી હતી કે પોતાના કારભારમાં જરાયે અડચણ આવે એટલે દરજ્જે નાફેરવાદીઓનો પંચવિધ બહિષ્કાર અથવા અસહકાર હવે લોકોમાં ચાલવાનો નથી. એટલે જ ગાંધીજીને છોડ્યા હોવા જોઈએ. નવી ઊભી થયેલી મુશ્કેલીઓની વચ્ચે ગાંધીજીને આખી રચના નવેસરથી કરવાની હતી. બહાર આવ્યા ત્યારે તેમનો વિચાર કૉંગ્રેસને ચુસ્ત અસહકારની નીતિમાં દૃઢ કરવાનો હતો.

જૂહુમાં સ્વરાજ પક્ષના નેતાઓ સાથે ધારાસભા પ્રવેશની બાબતમાં ચાલેલી ચર્ચાને અંતે ગાંધીજીએ ‘ધારાસભાઓ અને અસહકાર’ એ નામની એક છાપાં જોગી યાદી બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે :

“સ્વરાજ પક્ષના મિત્રો સાથે સહમત થવાની મારી બધી ઉત્સુકતા અને બધા પ્રયત્નો છતાં તેમની દલીલો મારે ગળે ઊતરી નથી. અમારી વચ્ચેના આ મતભેદ માત્ર ગૌણ વસ્તુઓના અને વિગતોના છે એમ પણ નથી.અમારી વચ્ચે સિદ્ધાંતોનો જ મતભેદ છે એમ જોઉં છું. મેં કલ્પેલા અસહકારમાં ધારાસભા પ્રવેશને સ્થાન નથી એ અભિપ્રાયને હું હજી જેવો ને તેવો વળગી રહું છું. અમારી વચ્ચેનો આ મતભેદ માત્ર અસહકારની વ્યાખ્યા કે અર્થ કરી બતાવવાના ભેદોનો છે એવું પણ નથી. અસહકારીએ સ્વીકારવાની દૃષ્ટિ અગર વૃત્તિને લગતો આ મતભેદ છે જેને પરિણામે આજે દેશ આગળ રહેલા મુદ્દાના પ્રશ્નોના ઉકેલમાં ફેર પડે છે.”

પંડિત મોતીલાલજી અને દાસબાબુએ આ યાદીના વિરોધમાં પોતાની યાદી બહાર પાડી. [૨]

પછી ‘કૉંગ્રેસનું તંત્ર’ એ નામનો લેખ લખીને કૉંગ્રેસના હોદ્દેદારો તરીકે પંચવિધ બહિષ્કારનો અમલ ન કરનારા કોઈ અર્થાત્ સ્વરાજ પક્ષવાળા ન રહી શકે એવો પોતાનો અભિપ્રાય ગાંધીજીએ જાહેર કર્યો :

“કૉંગ્રેસનું તંત્ર ચલાવનારાઓમાં ખિતાબવાળાઓ, સરકારી શિક્ષા, વકીલો કે કાયદાશાસ્ત્રીઓ, ધારાસભાના સભ્યો તેમ જ પરદેશી બલકે દેશી મિલોનું પણ કાપડ વાપરનારા અગર તો તેવા કાપડના વેપાર ચલાવનારાઓને સ્થાન ન હોઈ શકે. આવા લોકો કૉંગ્રેસમાં બેશક રહી શકે, પણ કૉંગ્રેસના કારોબારી મંડળના સભ્ય તેઓ ન જ થઈ શકે, થવા પણ ન દેવા જોઈએ. તેઓ પ્રતિનિધિ બનીને કૉંગ્રેસના ઠરાવ કરાવવામાં પોતાના આગ્રહની અસર ભલે પાડે. પણ એક વાર કૉંગ્રેસની નીતિ નિશ્ચિત થઈ ગઈ એટલે પછી જે કોઈ એ નીતિમાં માનનાર ન હોય તેમણે મારા અભિપ્રાય મુજબ તો તેનાં કારોબારી મંડળોની બહાર જ રહેવું જોઈએ. મહાસમિતિ તેમ જ કૉંગ્રેસને કારોબાર ચલાવનારી બધી જ સ્થાનિક સમિતિઓ એ આવાં મંડળો કહેવાય અને તેના કાર્યવાહકો એ જ હોય કે જેઓ કૉંગ્રેસની નીતિમાં પૂરા દિલથી માનનારા હોય અને તેનો તનમનથી અમલ કરવા તૈયાર હોય.”

આ ઉપરથી કોઈને એવી શંકા જાય કે ગાંધીજી સ્વરાજપક્ષીઓને નાફેરવાદીઓ કરતાં ઊતરતા ગણે છે તો તે બરાબર નથી એ સ્પષ્ટ કરવા ગાંધીજી એ લેખમાં આગળ જણાવે છે :

“હું ખાતરી આપવા ઇચ્છું છું કે આવો વિચાર મારા સ્વપ્નામાંયે કદી હોય જ નહીં. ચડિયાતાપણાનો કે ઊતરતાપણાનો સવાલ જ અહીં નથી. બે પક્ષો વચ્ચે સ્વભાવ કે પ્રકૃતિનો ભેદ છે. મેં તો માત્ર કૉંગ્રેસનાં કારોબારી મંડળો વધુ અસરકારક ઢબે કઈ રીતે કામ કરી શકે એટલી જ વાત ઉપર દૃષ્ટિ રાખીને લખ્યું છે. વધુ લોકપ્રિય હોય તો કૉંગ્રેસનાં બધાં મંડળો એમનાં જ બધાં માણસોને હાથે ચાલવાં જોઈએ. . . . નાફેરવાદીઓ ફેરવાદીઓને, તેઓ પોતાનાથી જુદા વિચાર ધરાવે છે એટલા જ કારણસર જો પોતાનાથી કોઈ પણ રીતે ઊતરતા ગણે તો તેઓ પોતાનો ધર્મ ચૂકે.”

બે પક્ષ વચ્ચેના આ મતભેદનો નિવેડો લાવવા મહાસમિતિની બેઠક તા. ર૭મી જૂને અમદાવાદમાં બોલાવવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું નવું મકાન તાજું જ બંધાયેલું હતું. તેના ગાંધીહૉલનું વાસ્તુ મહાસમિતિની બેઠકથી થયું એમ કહી શકાય. ગાંધીજીનો વિચાર કૉંગ્રેસને ધારાસભાઓને માર્ગેથી વાળી પ્રજામાં સંગીન રચનાત્મક કામ કરી, પંચવિધ અસહકારને ઉગ્ર રૂપ આપી સામુદાયિક સવિનય ભંગ માટે તૈયાર કરવાનો હતો. તે માટે લોકમત કેળવવા સારુ પોતાના ઠરાવનો ખરડો અગાઉથી બહાર પાડ્યો તથા મહાસમિતિના સભ્યોને ઉદ્દેશીને એક જાહેર પત્ર પણ લખ્યો. તેમાં પોતાના અસહકારનો તાત્ત્વિક અર્થ બહુ સુંદર રીતે સમજાવ્યો :

“જો સરકારી નિશાળો, અદાલતો અને ધારાસભાઓ વિષે આપણને મોહ થાય એવું તેમાં કશું હોય તો આપણો વિરોધ એ તંત્રની સામે નથી પણ તંત્ર ચલાવનારાઓની સામે ન થયો. અસહકાર આથી વધુ ઉન્નત હેતુને માટે ચાલે છે. જો આપણો આશય એટલો જ હોય કે સરકારી ખાતાઓમાં અંગ્રેજોની જગ્યાએ આપણા લોકો ભરી મૂકે, તો હું કબુલ કરું છું કે આ બહિષ્કારો નિરર્થક જ નહી, પણ હાનિકર્તા છે. સરકારની નીતિનો અંતિમ હેતુ આપણને જાંગલા બનાવી મૂકવાનો દેખાય છે, અને આપણે જાંગલા બન્યા કે લાગલા જ આપણા અંગ્રેજ શેઠો રાજની લગામ આપણા હાથમાં સોંપી દેશે. તેઓ સુખે આપણને તેમના આડતિયા તરીકે સ્વીકારશે. આ પ્રાણઘાતક ક્રિયામાં મને કશો રસ ન જ હોઈ શકે, સિવાય કે તેની સામે મારું બધું બળ વાપરીને લડવું. મારું સ્વરાજ આપણી

સંસ્કૃતિનો આત્મા અંખંડ રાખવામાં રહેલું છે. આપણી સંસ્કૃતિમાં અનેક નવી વસ્તુઓ ઉમેરવાની મારી અભિલાષા છે, પણ તે આપણા દેશને ભાવતી આવે એવી જ. પશ્ચિમની પાસેથી કરજ લેતાં હું અચકાઉં એમ નથી, પણ તે ત્યારે જ લઉંં જ્યારે દૂધે ધોઈને એ પાછું વાળવાની મારામાં શક્તિ આવે.”

ગાંધીજીના સઘળા ઠરાવો ઉપર મહાસમિતિમાં બંને પક્ષે બહુ છૂટથી ચર્ચા કરી. ગાંધીજીનો એક ઠરાવ એવો હતો કે પંચવિધ બહિષ્કારનો ખુદ અમલ કરનારા જ કોઈ પણ કૉંગ્રેસ કમિટીના સભ્ય થઈ શકે. એમાં ‘કોકોનાડાના ઠરાવને અપવાદ બાદ કરીને’ એ શબ્દ બહુમતીથી ઉમેરવામાં આવ્યા. એટલે ધારાસભાઓમાં જનારા સ્વરાજ પક્ષવાળાઓ કૉગ્રેસ કમિટીઓમાં રહી શકે એવું થયું. બીજો ઠરાવ એક ગોપીનાથ સહાએ અર્નેસ્ટ ડે નામના અંગ્રેજનું ખૂન કરેલું તે ખૂનને વખોડી કાઢનારો હતો. તેના ઉપર તો ખૂબ જ ચૂંથણાં થયાં. દાસબાબુને કૉંગ્રેસની અહિંસાની નીતિ સામે વાંધો ન હતો છતાં ગોપીનાથ સહાના કૃત્યમાં રહેલી દેશભક્તિ અને બહાદુરીની તેઓ કદર કરવા માગતા હતા અને બીજા કેટલાક તો એથીયે આગળ જતા હતા. ગાંધીજીનો ઠરાવ ફક્ત આઠની બહુમતીથી પસાર થયો. પોતાનો ઠરાવ બિલકુલ ઊડી જાય તેનું એમને દુ:ખ ન હતું. દુનિયામાં હિંસાનો માર્ગ પ્રચલિત છે અને પ્રતિષ્ઠિત પણ ગણાય છે એ વાત તેમને કબૂલ હતી. પણ એક તરફથી અહિંસાની પ્રતિજ્ઞા લેવી અને બીજી તરફથી હિંસાની વાતો કરવી એ તેમને મંજૂર નહોતું. તેમણે સભાને કહ્યું : ‘તમારે સમશેર જ ખેલવી હોય તો ભલે ખેલો. તે વખતે હું તમારી સાથે નહીં હોઉં. પણ તમે ખરી રીતે ખેલશો તે હું હિમાલયમાં જઈ ને ત્યાંથી તમને ધન્યવાદ મોકલીશ. પણ અહીં તમે જે ખેલ કર્યો છે તેથી તો હું ત્રાસું છું.’ તેમનો ત્રીજો ઠરાવ એ હતો કે જુદી જુદી કૉંગ્રેસ કમિટીઓના દરેક સભ્યે દરરોજ અર્ધો કલાક કાંતવું અને પ્રતિમાસ પોતે જાતે કાંતેલું સરખું અને વળદાર એવુ બે હજાર વાર સૂતર કૉંગ્રેસના લવાજમ તરીકે આપવું. સ્વરાજ પક્ષવાળાઓએ આ ઠરાવનો સખત વિરોધ કર્યો અને એ પણ આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં હોદ્દાના સ્થાન ઉપરથી અમને કાઢવા માટે જ આવા આવા ઠરાવો લાવવામાં આવ્યા છે. એમ કહીને આ ઠરાવ ઉપર મત લેવાતાં પહેલાં સભા છોડીને તેઓ ચાલ્યા ગયા. ઠરાવ ઉપર મત ગણતાં ૬૭ વિ○. ૩૭ થયા. આ જોઈ ને ઠરાવમાં જે શિક્ષા ભાગ હતો કે જે સભ્ય દર મહિનાની ઠરાવેલી તારીખે સૂતર આપવાનું ચૂકશે એણે પોતાની જગ્યાનું રાજીનામું આપેલું ગણાશે, એ ગાંધીજીએ રદ કરાવ્યો. એમ કહીને કે, સભા છોડી જનારાઓના મત પણ વિરોધમાં પડ્યા. હોત તો શિક્ષાનો ભાગ ઊડી જવાનો સંભવ હતો. ગાંધીજીના આ ઉદાર પગલાની સ્વરાજ પક્ષે તેમ જ તમામ વર્તમાનપત્રોએ ભારે પ્રસંશા કરી.

સ્વરાજ પક્ષવાળાના ચાલ્યા ગયા પછી સભા કાંઈક ઠઠ્ઠા મશ્કરી ઉપર ચઢી. પંચવિધ બહિષ્કારનો જાતે અમલ કરવાવાળો ઠરાવ કેટલાકને કઠતો હતો અને એને વિષે કચવાટ પણ હતો. ગોપીનાથ સહાવાળા ઠરાવ ઉપર જે જાતની ચર્ચા થઈ તેથી ગાંધીજી ઉકળી તો રહ્યા જ હતા, એમનું હૈયું ભરાઈ આવ્યું હતું. તેઓ ઉપસંહાર રૂપે મહાસમિતિને સંબોધીને બોલતા હતા એટલામાં એક સભ્યની કૉંગ્રેસના સિદ્ધાંતની ઉપેક્ષા કરતી ટીકાથી બહુ વખતથી રોકાઈ રહેલાં એમનાં આંસુ નીકળી પડ્યાં. બોલતાં બોલતાં તેમનો કંઠ રૂંધાઈ ગયો. પણ તત્ક્ષણ સાવધ થઈ પોતાના અંતરના ઉદ્‌ગાર કાઢ્યા :

“હું સીધો માણસ છું અને સીધા માણસ સાથે કામ લેવા માગું છું. પણ તમે બધા ટેઢા રહ્યા. કૉંગ્રેસ એ કાંઈ જેવી તેવી ચીજ નથી. એ હવે કોઈ ભીખ માગનારી સંસ્થા રહી નથી. મુખ્યત્વે કરીને આંતરિક બળ વધારીને આદર્શને પહોંચવાને માટે યોજાયેલી આત્મશુદ્ધિની એ એક સંસ્થા છે. તમે એને જેવી બનાવશો તેવી એ બનશે. તમે સાચા બનવા ઇચ્છતા હો તો ગામડાંમાં જાઓ. તમે મારી પાસેથી ગધ્ધાની માફક વૈતરું લઈ શકશો, પણ તે સીધાપણાથી, ટેઢાઈથી નહીં. તમે મને ફોલસાવી શકો ખરા, પણ હું જ્યારે જોઉં કે તમે મને વેચી રહ્યા છો, તો પછી હું ખુદાનો આશરો લઉં, અને તમારી પાસે ઊભો ન રહું.”

આ શબ્દોની અસર વીજળીના જેવી થઈ. જેઓ આડુંઅવળું બોલ્યા હતા તેઓએ પોતાની ભૂલ કબૂલ કરી માફી માગી અને સૌની વતી માફી માગતા કૉંગ્રેસના પ્રમુખ મૌ૦ મહમદઅલી રોતા રોતા ગાંધીજીના ચરણોમાં પડ્યા. આમ તે વખતે તો વાતાવરણ નિર્મળ થયું. સૂતર આપવાના ઠરાવમાંથી શિક્ષા ભાગ કાઢી નાખી સ્વરાજ પક્ષવાળાઓને પણ ગાંધીજી મનાવી શક્યા. પણ સૌ કેટલા પાણીમાં છે એનો તાગ ગાંધીજીને આ બેઠકમાંથી મળી ગયો. ‘હાર્યો અને હણાયો‘’ (ડિફીટેડ ઍન્ડ હમ્બલ્ડ) એ નામનો લેખ ‘યંગ ઈડિયા’માં લખી પોતાની ગ્લાનિ વ્યક્ત કરી અને ભવિષ્યના કાર્યક્રમની રૂપરેખા આપી.

આ બેઠકમાં સરદારને ગાંધીજીના ‘અંધ અનુયાયી’નો ઇલકાબ મળ્યો. એ અંધ અનુયાયી છે કે દેખતા અનુયાયી છે એ તો જગત હવે જોઈ શક્યું છે. પણ આ બેઠકમાં તેમણે એવો ભાગ ભજવ્યો હતો ખરો. મહાસમિતિના મેજબાન તરીકે નાની નાની ઘણી વસ્તુઓ ઉપર તેમને ધ્યાન રાખવાનું રહેતું. અને સરદારની મહેમાનગીરી એટલે બાદશાહી તો હોય જ, એ બાબત સૂચનાઓ આપવા કેટલીક વાર તો સભામાંથી તેમને બહાર પણ જવું પડતું. છતાં ગાંધીજી પોતાના ઠરાવ ઉપર બોલતા હોય ત્યારે હાજર હોય કે નહીં પણ દરેક ઠરાવને ટેકો આપતી વખતે હાજર થઈ જતા. શી ચર્ચા થઈ છે એ ન સાંભળી હોય તોપણ ગાંધીજીના ઠરાવને મારો ટેકો છે એમ આવીને કહેતા. પાછળના આચરણથી તેમણે બતાવ્યું કે તેમનો ટેકો કેવળ શાબ્દિક નહોતો પણ અમલી હતો. મહાસમિતિના કામમાંથી પરવાર્યા પછી તા. ૧૨મી જુલાઈએ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી તેમાં તેમણે ઠરાવ કરાવ્યો કે, કૉંગ્રેસ કમિટીના દરેક સભ્યે નિયમિત કાંતવું અને પ્રતિમાસ બેને બદલે ત્રણ હજાર વાર સૂતર આપવું તથા વધીને પાંચ હજાર સુધી પહોંચવું. વળી મહાસમિતિના મૂળ ઠરાવમાં જે શિક્ષાનો નિર્બંધ હતો તેને ગુજરાત પ્રાંતિક સમિતિએ આવશ્યક ગણ્યો.

હવે કૉંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષને બને તેટલી અનુકૂળતા કરી આપવાની નીતિ ગાંધીજીએ શરૂ કરી. હિંદુમુસલમાન એકતાને માટે સપ્ટેમ્બરમાં ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા. ત્યાર પછી કાંઈક શક્તિ આવી એટલામાં દાસબાબુનો કલકત્તાથી તાર આવ્યો કે સ્વરાજ પક્ષની કાઉન્સિલની સભામાં અગત્યની મસલતો કરવાની છે તેમાં તમે ન આવો તે ન ચાલે. સરકારે તે વખતે બંગાળમાં ભારે દમન ચલાવવા માંડ્યું હતું અને દાસબાબુના ઘણા સાથીઓને કેવળ શંકા ઉપરથી ગિરફતાર કર્યા હતા. એ વખતે કૉંગ્રેસમાં બે પક્ષ ન હોય એ પણ જરૂરનું હતું. ગાંધીજીએ કલકત્તામાં સ્વરાજ પક્ષે જે માગ્યું તે આપીને એની સાથે તહનામું કર્યું. નીચેની વસ્તુઓ તેમણે માન્ય રાખી :

૧. પરદેશી કાપડના બહિષ્કાર સિવાયનો અસહકારનો આખો કાર્યક્રમ પ્રજાકીય કાર્યક્રમ તરીકે કૉંગ્રેસે મુલતવી રાખવો.

૨. કોંગ્રેસ બંધારણના એક અંગ તરીકે કૉંગ્રેસ તરફથી સ્વરાજ પક્ષે વડી અને પ્રાંતિક ધારાસભાઓમાં કામ કરવું.

૩. કૉંગ્રેસ કમિટીના સભ્યો માટે તેઓ કૉંગ્રેસના કામમાં રોકાયેલા હોય તે વેળાએ જ ખાદી પહેરવાની ફરજિયાત હોય.

૪. એવા સભ્યોએ આપવાનું સૂતર બીજા પાસે કંતાવેલું હોય તોપણ ચાલે.

પાંચ જ મહિના ઉપર અમદાવાદની મહાસમિતિ વખતનું ગાંધીજીનું વલણ ક્યાં ને આ તહનામા વખતનું વલણ ક્યાં ? પણ ગાંધીજી આપવા બેસતા ત્યારે કદી જરાયે સંકોચ રાખતા નહીં. સામો માણસ લેતાં થાકે. આ તહનામું બેલગામની કૉંગ્રેસમાં જ્યાં પોતે જ પ્રમુખ હતા ત્યાં તેમણે મંજૂર કરાવ્યું. વિશેષમાં કૉંગ્રેસના સભાસદ માટે ચાર આનાનું લવાજમ હતું તેને બદલે પોતાનું અથવા બીજાનું કાંતેલું ચોવીસ હજાર વાર સૂતરનું લવાજમ દાખલ કર્યું. આમ ગાંધીજીના પ્રમુખપણા નીચેની બેલગામની કૉંગ્રેસમાં શ્રમમતાધિકાર (લેબર ફ્રેન્ચાઈઝ)નું તત્ત્વ દાખલ થયું. બેલગામની મહાસભા પછી ગાંધીજીએ ગુજરાતમાં  થોડો પ્રવાસ કરેલો. તેમાં ગુજરાતીઓને સંબોધીને તેમણે કહ્યું કે, ‘કોઈ ગુજરાતી કાંતવાના ઠરાવમાં આપેલી છૂટનો લાભ લેનાર નીકળે એવું જોવા હું નથી ઈચ્છતો.’ સરદાર ગુજરાતના પ્રવાસમાં તો ગાંધીજીની સાથે હોય જ. તેઓ દરેક સભામાં કેટલા જાતે કાંતીને કૉંગ્રેસના સભ્ય થવા ઈચ્છે છે તે પૂછતા અને બરાબર હિસાબ લેતા. પણ આ મતાધિકાર લાંબો વખત ન ચાલ્યો. ધારાસભાઓ મારફત જે કાંઈ થોડું મળે તેની લાલચ લોકોથી છોડી શકાતી નહોતી. અને કૉંગ્રેસ પણ ધારાસભાઓ તરફ વધુ ને વધુ ઢળતી જતી હતી. એટલે ૧૯રપના ઑક્ટોબરમાં પટણામાં મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે અને તેમની સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો જેને પરિણામે કૉંગ્રેસ જાતે જ ધારાસભાઓનો કાર્યક્રમ સ્વરાજ પક્ષ મારફતે ચલાવે એમ નક્કી થયું. એમ કહી શકાય કે કૉંગ્રેસ સ્વરાજ પક્ષને સોંપી દેવામાં આવી. સભ્ય લવાજમમાં એકલું સૂતર હતું તેમાં ફેરફાર કરીને વરસ દહાડે ચાર આના અગર તો બે હજાર વાર જાતે કાંતેલું સૂતર, એમ ઠરાવવામાં આવ્યું. અલબત્ત કૉંગ્રેસના આ કાર્યક્રમમાં ગાંધીજીને, સરદારને તથા બીજા ચુસ્ત નાફેરવાદીઓને રસ નહોતો રહ્યો. ગાંધીજીની સૂચનાથી કૉંગ્રેસના છત્ર નીચે પણ આંતરિક વ્યવસ્થામાં તથા નાણાંની બાબત પરિપૂર્ણ સ્વતંત્ર એવા અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના કરવામાં આવી અને ગાંધીજીએ પોતાનું બધું લક્ષ એને ખીલવવામાં આપવા માંડ્યું. સરદાર બધો વખત અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અને ગુજરાતની રચનાત્મક કામ કરનારી સંસ્થાઓને પોષવામાં આપતા. કેવળ રાજદ્વારી દૃષ્ટિએ જોઈએ તો ૧૯૨૪થી ૧૯૨૮નાં ચાર વર્ષ દેશમાં મંદીનાં ગણાય. હિંદુસ્તાનને કેવા રાજદ્વારી સુધારા આપવા જોઈએ તે વિષે હિંદુસ્તાનની પરિસ્થિતિ નજરે જોઈ તથા રાજદ્વારી નેતાઓ સાથે મસલત કરી રિપોર્ટ કરવા માટે ૧૯૨૮ના આરંભમાં સાઈમન કમિશન આપણા દેશમાં આવ્યું. તેમાં કોઈ હિંદીને રાખવામાં આવ્યો ન હતો એટલે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે દેશવ્યાપી અને સફળ થયો ત્યારે કાંઈક જાગૃતિ આવી. પણ દેશમાં નવચેતન અને આત્મશ્રદ્ધા ફરી પ્રગટ્યાં તે તો બારડોલીના જમીનમહેસૂલ સત્યાગ્રહમાં સરદારે મેળવેલા અપૂર્વ વિજયથી.

  1. ❁ ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા કે તરત એમના ઉપર પ્રશ્નોની ઝડી વરસી રહી હતી. અમુક કર્યું તે બરાબર થયું કહેવાય ? અમુક કરીએ એ બરાબર છે ? હવે અમે શું કરીએ ? આપના કાર્યક્રમમાંથી કાંઈ પરિણામ લાવી શકાય એમ તો લાગતું નથી, પણ આપની ઉપર શ્રદ્ધા છે એટલે એ કામને વળગી રહું છું, એ બરાબર છે ને ? વગેરે. આવા આવા સવાલો જૂના અને પીઢ ગણાતા કાર્યકર્તાએ પણ પૂછવા મંડ્યા હતા. ગાંધીજીએ એ વિષે ‘યંગ ઇન્ડિયા’માં ‘હૃદય શેાધક’ ( હાર્ટ સર્ચ૨) એ નામનો લેખ લખી તેમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું : “દેશ આવી નિરાધાર દશા ભોગવે તે કરતાં તો એમ થાય છે કે આખી સજા પૂરી કરવાનું થયું હોત એ જ સારું થાત, અથવા એમ થાય છે કે આશ્રમનો એક ખૂણો શેાધી ત્યાં પડ્યો પડ્યો કાંતવા, પીંજવાનું અને વણવાનું કામ કર્યા કરું અને બાળકો સાથે ખેલ્યાં કરું. દેશ મને ભૂલી જઈ પોતાનો સ્વતંત્ર વિચાર કરી લે અને સ્વતંત્ર રીતે પોતાનો ઉદ્ધાર કરી લે.” એવા તેમના ઉદ્‌ગારોને અનુલક્ષીને સરદારે ઉપરની વિનવણી ગુજરાતને કરી હતી.
  2. જુઓ શ્રી પટ્ટાભીકૃત ‘હિટરી ઑફ ધિ કૉંગ્રેસ’ પહેલી આવૃત્તિ, સને ૧૯૩૫ની, પા. ૪પ૪ થી ૪૬3