સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે
નરહરિ પરીખ
ગુજરાતમાં રેલસંકટ →


.


૨૫

મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

સને ૧૯૨૪ની શરૂઆતમાં કમિટી ઑફ મેનેજમેન્ટની મુદત પૂરી થઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે કાઉન્સિલરોની ચૂંટણી થઈ. આ ચૂંટણી નવા મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા પ્રમાણે થઈ. એટલે એમાં મ્યુનિસિપલ બોર્ડ ૬૦ સભ્યોની હતી, જેમાં ૪૮ ચૂંટાયલા અને ૧૨ સરકારનિયુક્ત સભાસદો હતા. ૪૮ ચૂંટાયેલા સભાસદોમાંથી ૧૦ મુસલમાનો માટેની અનામત બેઠકો હતી. કૉંગ્રેસમાં ફેરવાદી અને નાફેરવાદી એમ બે પક્ષો પડી ગયેલા હોવાને લીધે દેશનું રાજદ્વારી વાતાવરણ બહુ ડહોળાઈ ગયેલું હતું. જોકે નાગપુર તથા બોરસદની વિજયી લડતોને લીધે ગુજરાતના વાતાવરણમાં એવી મંદી નહોતી આવી. તોપણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બેય જગ્યાઓએ સરકારની ભૂલોને લીધે લડત આપી શકાઈ હતી અને તે પણ સ્થાનિક મુદ્દા ઉપર જ હતી. બાકી સ્વરાજના મોટા મુદ્દા ઉપર કાંઈ થઈ શકે એવું દેશનું વાતાવરણ તે વખતે નહોતું. રચનાત્મક કાર્યો દ્વારા લોકોની શક્તિ વધારવી એ જ ઉપાય હતો. સરદાર ગુજરાતમાં રચનાત્મક કાર્યોમાં ખૂબ મદદ કરતા જ હતા. તે ઉપરાંત અમદાવાદનું મ્યુનિસિપલ કામ તેઓ સહેલાઈથી કરી શકે એમ હતું એટલે એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીનો કારભાર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. એ જ નીતિને અનુસરીને પંડિત જવાહરલાલ અને રાજેન્દ્રબાબુ અલ્લાહાબાદ અને પટણા મ્યુનિસિપાલિટીઓમાં દાખલ થયા હતા અને તે તે મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. ત્યાંની પોતાની કામગીરીનાં વર્ણન પોતપોતાની જીવનકથાઓમાં તેમણે આપ્યાં છે.

સરદારને મ્યુનિસિપલ કામના પાછલા અનુભવ ઉપરથી ખાતરી થઈ ગઈ હતી કે પોતાના પક્ષમાં ચોખ્ખી બહુમતી વિના મ્યુનિસિપલ કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી અને ઘણો વખત નિરર્થક ચર્ચાઓમાં બરબાદ થતો હતો. એટલે તેમણે પોતાના કાર્યક્રમને ટેકો આપે એવા પોતાના પક્ષના ઉમેદવારો શહેરના દરેક જિલ્લામાંથી ઊભા કર્યા આ પક્ષે કુલ ૪૮ માંથી આશરે ૩૫ બેઠકો કબજે કરી. સને ૧૯૨૪ના ફેબ્રુઆરીમાં આ પક્ષ મ્યુનિસિપાલિટીમાં અધિકાર ઉપર આવ્યો ત્યારથી આજ સુધી વચમાં એકાદ વર્ષ સિવાય જુદા જુદા સ્વરૂપમાં તે અધિકાર ઉપર રહ્યો છે. આ પક્ષ અસ્તિત્વમાં આવવાથી મ્યુનિસિપાલિટીનું કામ સારું અને ઝડપી થયું છે અને તેણે લોકોનો સારો વિશ્વાસ સંપાદન કર્યો છે. આ પક્ષની કાર્યનીતિના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે ગણાવી શકાય :

૧. સ્થાનિક સ્વરાજ્ય દેશના મોટા સ્વરાજ્યના પ્રથમ પગથિયારૂપ હોઈ સ્વરાજ્યની તાલીમની દૃષ્ટિએ મ્યુનિસિપલ વહીવટનું સંચાલન કરવું એ બહુ મહત્ત્વનું છે. એ વહીવટ શુદ્ધ અને ન્યાયી ધોરણે, આમ વર્ગનાં સુખસગવડ અને આબાદી માટે અને કોઈ પણ પ્રકારના વગવસીલા વગર બાહોશીથી ચલાવવો જોઈએ.

૨. મ્યુનિસિપાલિટીના સભ્યને માટે મોટામાં મોટી લાયકાત લોકોનો વિશ્વાસ અને નીડરપણે લોકહિતનું પ્રતિનિધિત્વ કરવાની શક્તિ, એ હોવાં જોઈએ.

૩. સ્વરાજ્યનું તત્ત્વ સ્થાપિત કરવા માટે મ્યુનિસિપાલિટીનો કારોબારી વહીવટ ચલાવતી તમામ કમિટીઓમાં ચૂંટાયેલા સભ્યો જ આવવા જોઈએ. સરકાર નિયુક્ત સભ્યોને તેમાં સ્થાન ન હોઈ શકે.

૪. મ્યુનિસિપલ બોર્ડની સ્વતંત્રતા ખીલવવા માટે સરકારનો કાબૂ બની શકે તેટલો ઓછો કરાવવો.

૫. કેળવણીની બાબતમાં મ્યુનિસિપાલિટીનું સ્વાતંત્ર્ય વધારવું.

૬. મ્યુનિસિપાલિટીના દરેક કામમાં સ્વદેશીની ભાવનાને ઉત્તેજન આપવું.

૭. સરકારી અમલદારોની નાહકની વધી પડેલી પ્રતિષ્ઠાને તેને યોગ્ય સ્થાને લાવી મૂકવી અને રાષ્ટ્રના ખરા પ્રતિનિધિઓની પ્રતિષ્ઠા વધારવી. દાખલા તરીકે, ગવર્નરો અને બીજા સરકારી અમલદારોને માનપત્રો આપવાને બદલે અથવા તેમના માનમાં સમારંભો કે મિજલસો કરવાને બદલે લોકપ્રિય આગેવાનોને તેવું માન આપવું.

૮. અમદાવાદ જેવા વધતા જતા શહેર માટે પાણી, ગટર, રસ્તા તથા દીવાબત્તીની સગવડો બની શકે તેટલી વધારેમાં વધારે શાસ્ત્રીય અને આધુનિક ઢબે કરવી.

૯. મ્યુનિસિપલ શાળાઓનાં મકાનો શાસ્ત્રીય દૃષ્ટિએ પૂરેપૂરી સગવડવાળાં બંધાવવાં તથા બાળકોને માટે રમત ગમતની સગવડો શહેરમાં સ્થળે સ્થળે કરવી.

૧૦. છેલ્લામાં છેલ્લી ઢબનાં શાસ્ત્રીય સાધન સગવડોવાળી હૉસ્પિટલો શહેરમાં સ્થાપવી.

૧૧. મ્યુનિસિપાલિટીનો બધો વહીવટ સ્વભાષામાં ચલાવવો. એટલે કમિટીઓનાં ભાષણો તથા ઠરાવો સ્વભાષામાં કરવાં. જનરલ બોર્ડના ઠરાવો અંગ્રેજીમાં કરવાનું સરકાર તરફથી ફરજિયાત હતું તે પણ ગુજરાતીમાં કરવાની છૂટ ૧૯રપમાં મેળવી.

૧૨. મ્યુનિસિપાલિટીના હરિજન નોકરો માટે રહેવાનાં સારાં મકાનોની સગવડ કરવી.

આ બધો કાર્યક્રમ પહેલેથી લેખી રૂપમાં ઘડવામાં આવ્યો હતો એમ કહેવાનો આશય નથી, પણ પોતાના પક્ષના સઘળા કાઉન્સિલરો આગળ સરદારે વાતચીતો અને ચર્ચાઓમાં આ બધી યોજનાઓ વિચારેલી, અને એ યોજનાઓ પ્રમાણે જ તેમણે કામ કરવા માંડેલું. એક જ કામ ઉપર બેઠેલા એક માણસની આખી જિંદગીમાં આ સઘળો કાર્યક્રમ પાર ન પાડી શકાય એવો મોટો હતો અને તેમાં અનેક મુશ્કેલીઓ હતી એ સરદારના ખ્યાલ બહાર નહોતું. આપણા દેશનાં શહેરની સ્થિતિ અને તેમાંય અમદાવાદ જેવા મધ્યયુગમાં સ્થપાયેલા શહેરની સ્થિતિ તથા લોકોની આદતો સરદાર પૂરેપૂરી જાણતા હતા. સને ૧૯ર૭ માં પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદના પ્રમુખપદેથી ભાષણ આપતાં આપણાં શહેરોનું તેમણે આબેહૂબ વર્ણન કર્યું છે :

“આપણાં શહેરો નથી શહેરોમાં ને નથી ગામડાંમાં. શહેરોમાં વસતાં છતાં અરધા લોકો તો ગ્રામજીવન ગાળતા હોય એવી દશામાં છે. અરધાં મકાનોને પાયખાનાં નથી. પોતાના ઘરનો કચરો નાખવાની જગ્યા નથી. સાંકડી ગલીઓમાં અને ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. કેટલાયે રબારીઓ ગાયોનાં ટોળાં શહેરો વચ્ચે રાખે છે. રસ્તાઓ પર ઠેકઠેકાણે ટોળેટોળાં ઢોર આથડતાં હોય છે. સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે અને આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા કે નથી પડોશીધર્મ જાણતા. પોતાના ઘરનો કચરો પડોશીને બારણે ફેંકવામાં કશું ખોટું માનતા નથી. મેડાની બારીએથી કે છજામાંથી કચરો નાખતાં કે પાણી ઢોળતાં અચકાતા નથી. આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જોતાં ને આપણાં શહેરોમાં પ્રવેશ કરતાં પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજનું ચિહ્‌ન માલૂમ પડે એવું નથી. ગમે ત્યાં થૂંકવાની, ગમે ત્યાં લઘુશંકાએ બેસવાની, ગમે ત્યાં ગંદકી કરવાની લોકોને ટેવો છે. ગામડાંની સ્થિતિ શહેરો કરતાં સારી નથી. કોઈ પણ ગામમાં પેસો તો ઉકરડાના ઢગલા પડેલા નજરે પડશે. ગામના તળાવની આસપાસ ગામનું પાયખાનું બની ગયેલું હોય છે. ગામના કૂવાની આજુબાજુ કીચડ થાય છે અને પાણી સડે છે. આવી સ્થિતિમાં સરકારની સામે જોઈને બેસી રહેવું એને મહાપાપ ગણું છું.”

ઉપર શહેરનું જે વર્ણન આપ્યું છે તે આપણાં બધાં શહેરોને લાગુ પાડીને કરેલું છે અને તે બરાબર પણ છે; પણ એ કરતી વખતે એમની નજર સામે તો બરાબર અમદાવાદનું જ ચિત્ર રમી રહેલું હોવું જોઈએ. અમદાવાદમાં હવે તો ઘણા સુધારા થયા છે. અમદાવાદની મ્યુનિસિપાલિટી તરફથી શહેરમાં નાના મોટા કેવા બગીચા કર્યા છે, કેવી સડકો કરી છે અને તેની બંને બાજુએ કેવાં ઝાડ ઉછેરવા માંડ્યાં છે એ બધું મને બતાવવા અમદાવાદના મ્યુનિસિપલ એન્જિનિયરે સને ૧૯૪૧માં પોતાની સાથે શહેરની અંદરના તેમ જ બહારના ભાગમાં બે ત્રણ દિવસ મને બહુ ફેરવ્યો હતો. ત્યારે એમણે વાતવાતમાં મને કહેલું કે, અમદાવાદના રસ્તા અને બીજી રોનક અમે આધુનિક ઢબની કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ મોટા ભાગના શહેરીઓનું માનસ અને તેમની ટેવો હજી મધ્યકાલીન ઢબની છે અને તેથી અમને બહુ મુશ્કેલી પડે છે. આ સ્થિતિ ૧૯૪૧માં હતી અને આજે ૧૯૫૦માં પણ કાંઈ બહુ બદલાઈ ગઈ નથી, તો ૧૯૨૪માં જ્યારે અમદાવાદની સૂરત બદલી નાખવાના કામનો સરદારે આરંભ કર્યો ત્યારે સરદાર સામે મુશ્કેલીઓના પહાડ કેવડા મોટા હશે તેની વાચક કલ્પના કરી લે.

અમદાવાદની નવરચનાના કામની વિગતોમાં ઊતરતાં પહેલાં જૂના વખતના ચાલ્યા આવતા કેટલાક પ્રશ્નોની પતાવટની નોંધ પ્રથમ કરી લઉં. શાળાઓને અંગે પડેલા ઝઘડાના સમાધાનની વિગતો પાછલા એક પ્રકરણમાં આપી ચૂક્યો છું. અમદાવાદ મ્યુનિસિપાલિટીનો સરકાર સાથે એક જૂનો ઝઘડો તો અમદાવાદના વૉટરવર્ક્સ માટે મ્યુનિસિપાલિટીને પૂછ્યાગાછ્યા વિના સરકારે એક ત્રણ લાખ રૂપિયાનું મોટું એન્જિન ખરીદ્યુ હતું તે બાબતનો હતો. અગાઉના એક પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે અમદાવાદમાં પાણીની અગવડ દૂર કરવા માટે મુંબઈ સરકારના ઈજનેર ખાતા તરફથી એક મોટી યોજના ઘડી કાઢવામાં આવી હતી, પણ તેનાથી શહેરનું પાણીનું દુઃખ દૂર થયું ન હતું. આ યોજનામાં એક વધારાનું એન્જિન ગોઠવવાનો સમાવેશ થતો હતો. મુંબઈ સરકારે ૧૯૧૪–૧૫ની સાલમાં એક ઠરાવ કરેલો કે યોજના પૂરી થતાં એક નવું એન્જિન મ્યુનિસિપાલિટીને જોઈએ એવી જાતનું અને તેને અનુકૂળ આવે એવું મ્યુનિસિપાલિટીની સલાહ લઈને મંગાવી ગોઠવી આપવું. પછી મ્યુનિસિપાલિટીની સલાહ લીધા સિવાય અને એન્જિન અનુકળ આવશે કે નહીં તેની તપાસ કર્યા સિવાય સરકારના ઇજનેર ખાતા તરફથી એક એન્જિન વિલાયતથી ત્રણ લાખ રૂપિયાના ખર્ચે મંગાવવામાં આવ્યું. મ્યુનિસિપાલિટીને તો એની પાસે રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે એની ખબર પડી. એણે તા. ૨૭–૩–’૨૦ની જનરલ બોર્ડની મીટિંગમાં ઠરાવ કર્યો કે, સરકારે જે એન્જિનનો ઑર્ડર આપ્યો છે તેની જાત, તેની શક્તિ વગેરે વિષે મ્યુનિસિપાલિટીને કાંઈ પૂછ્યુંગાછ્યું નથી, અત્યારે મ્યુનિસિપાલિટી પાસે જે એન્જિન છે તે કરતાં એ બમણું પાણી ખેંચી શકે એવું છે. પણ ચાલુ એન્જિન જેટલું પાણી ખેંચી શકે છે એટલું પાણી પણ કૂવામાં હોતું નથી. વળી સરકારની મોટી યોજનાથી કૂવાઓમાં પાણીનો પુરવઠો ખાસ નહીં વધે એમ ચોક્કસ દેખાય છે. માટે એવું એન્જિન ઉપયોગમાં આવવાનું જ નથી. માટે સરકારને વિનંતી કરવી કે મ્યુનિસિપાલિટીને કેટલી શક્તિનું અને કેવા પ્રકારનું એન્જિન અનુકુળ આવશે તે એની સાથે સલાહ મસલત કરીને નક્કી કરવામાં આવે નહીં ત્યાં સુધી તેણે એન્જિન ખરીદવું નહીં. આમ છતાં પોતે આપેલો ઑર્ડર સરકારે કાયમ રાખ્યો અને એન્જિન આવીને પડ્યું. આ એન્જિન એવું હતું કે બીજી કોઈ મ્યુનિસિપાલિટીને પણ ખપમાં ન આવે. એટલે સને ૧૯૨૨–૨૩ના પોતાના બજેટના ખરડામાં એન્જિનના રૂપિયા ત્રણ લાખ અમદાવાદ મ્યુનિસિપાલિટીને ગ્રાન્ટ તરીકે આપવાનું સરકારે વિચાર્યું. પણ એટલામાં મ્યુનિસિપાલિટી બરતરફ થઈ અને ધારાસભાએ બજેટમાંની આ રકમ નામંજૂર કરી. મુંબઈ સરકારે કમિટી ઑફ મૅનેજમેન્ટ પાસે એ રૂપિયાની માગણી કરી. કમિટીને પણ એના ઇજનેરોએ સલાહ આપી કે એન્જિન ઉપયોગમાં આવે તેવું નથી. એટલે તેણે પોતાના વાંધા, પોતાની મુશ્કેલીઓ વગેરે દર્શાવી એન્જિનની કિંમત આપવાની બાબતમાં ગાળા ચાવ્યા. આમ એન્જિન સરકારને ત્યાં પડ્યું રહ્યું અને વર્ષ પૂરું થવા આવ્યું. સરકારના બજેટ ઉપર ધારાસભાએ મોટી કાતર મૂકેલી એટલે નાણાં ખૂટ્યાં. એકેએક ખાતામાં તાણાતાણ થવા માંડી. એટલે આખરે ભૂખી બિલાડી બચ્ચાંને ખાય તેવો ધંધો તેણે આદર્યો. કમિટીને કેળવણી ખાતાની ગ્રાન્ટના સિત્તેર હજાર રૂપિયા આપવાનું મંજૂર થયેલું તે રૂપિયા એણે અટકાવ્યા અને એન્જિનની કિંમતના રૂપિયા મ્યુનિસિપલ કમિટી આપે તો જ આ ગ્રાન્ટ આપવી એ હુકમ કર્યો.

નવા બોર્ડની ચૂંટણી થયા પછી તેની પાસે સરકારે એન્જિનની કિંમત માગવા માંડી. એણે તો કાયદાનો પ્રશ્ન ઉઠાવ્યો કે એન્જિન માટે મ્યુનિસિપાલિટીની કશી જવાબદારી છે જ નહીં. સરકારે આ પ્રશ્નનો નિકાલ કરવા ત્રણ જણ — એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, ઉત્તર વિભાગના કમિશનર મિ. પેન્ટર અને મ્યુનિસિપલ પ્રમુખ સરદાર, એમનું પંચ નીમવાની દરખાસ્ત મૂકી. આવી સરકારી બહુમતીવાળી કમિટી ઉપર કામ કરી મ્યુનિસિપાલિટીને બાંધી નાખવા સરદારે ના પાડી. પણ મિ. પેન્ટરે કહ્યું કે, ‘તમે એમ શું કામ માનો છો કે આ પંચમાં સરકારી બહુમતી છે ? બધા સરકારી અમલદારો કાંઈ સરકારનું જ ખેંચતા નથી.’ ત્યારે સરદારે પંચમાં રહેવા હા પાડી, પણ ચોખવટ કરી કે, ‘જે ક્ષણે મને એમ લાગશે કે આમાં ન્યાયનું વલણ નથી તે જ ક્ષણે હું પંચમાંથી નીકળી જઈશ. હું મ્યુનિસિપલ પ્રમુખ તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે આમાં આવું છું.’ મિ. પેન્ટરે આ વાત સ્વીકારી. પંચનો ફેંસલો મ્યુનિસિપાલિટીની તરફેણમાં આવ્યો અને એન્જિન સરકારને માથે પડ્યું.

બીજો જૂનો ઝઘડો કૅમ્પના પાણી બાબતનો હતો. લગભગ સને ૧૯૦૦ની સાલથી અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેથી દર હજાર ગૅલનના અઢી આનાના દરે કૅમ્પને પાણી પૂરું પાડવાની ગોઠવણ સરકારે કરાવેલી. શહેરમાંના કર ભરનારા જેમના પૈસાથી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી તેમની પાસેથી દર હજાર ગૅલનના આઠ આના લેવામાં આવતા. આમ કૅન્ટોન્મેન્ટવાળા મફત દાખલ પાણી લેતા હોવા છતાં ત્યાં રહેનારા મોટા મોટા સરકારી અમલદારો હોઈ વૉટરવર્ક્સના ઈજનેરને દબડાવી એવી વ્યવસ્થા રખાવતા કે શહેરમાં પાણીની ગમે તેવી બૂમો પડતી હોય પણ કૅન્ટોન્મેન્ટમાં ચોવીસે કલાક જોસબંધ પાણી મળતું રહે. સરદારે ૧૯૨૦માં મ્યુનિસિપાલિટીમાં ઠરાવ પાસ કરાવેલો કે કૅન્ટોન્મેન્ટવાળા પાસેથી પાણીના દર તથા બીજું ખર્ચ વરાડે લેવું. આની સામે એ લોકોએ એવો મુદ્દો ઉઠાવ્યો કે અમારે તો મ્યુનિસિપાલિટી સાથે ત્રીસ વર્ષનો કરાર થયેલો છે અને તેથી મ્યુનિસિપાલિટી અમને પાણી એ જ દરે આપવાને બંધાયેલી છે. આમ વાત તકરારમાં પડી અને પછી તો મ્યુનિસિપાલિટી બરતરફ થઈ. ફરી ચૂંટાઈને આવતાં જ સરદારે મૅનેજિંગ કમિટી પાસે તા. ૨૨–૪–’૨૪ના રોજ નીચેનો ઠરાવ કરાવ્યો અને તેને જનરલ બોર્ડે બહાલી આપી :

“૧. કૅન્ટોન્મેન્ટના સત્તાવાળાઓને નોટિસથી ખબર આપવી કે તેઓએ ૧૯૨૦–૨૧ના વર્ષ થી તે અત્યાર સુધી દર એક હજાર ગૅલન પાણીના આઠ આના લેખે વધારાની રકમ આપવી જ પડશે.
“૨. ઉપર મુજબ રકમ નહીં આપવામાં આવે તો પાણી પૂરું પાડવાનું તરત જ બંધ કરવામાં આવશે.
“૩. તે કર વસૂલ કરવા માટે સલાહ મળ્યા મુજબ બીજાં કાયદેસર પગલાં લેવામાં આવશે.
“૪. રીમેમ્બરન્સ ઑફ લીગલ ઍફેર્સના અભિપ્રાય પ્રમાણે કૅમ્પમાં એટલે મ્યુનિસિપલ હદની બહાર મ્યુનિસિપાલિટીએ પાણી આપવું એ ગેરકાયદે છે તેથી કૅન્ટોન્મેન્ટના સત્તાવાળાઓને ખબર આપવી કે નોટિસ આપ્યા બાદ છ મહિનાની આખર પછી જો તેઓ એક હજાર ગૅલનના આઠ આના કરતાં વધારે આપશે તોપણ તેમને પાણી પૂરું પાડવાનાં સાધનો કાઢી નાખવામાં આવશે.”

આ ઠરાવ મુજબ તેમને નોટિસ આપવામાં આવી ત્યારે કેન્ટોન્મેન્ટના સત્તાવાળાઓએ વધારાના દરની રકમ પોતાનો વિરોધ નોંધાવીને ભરી તો દીધો પણ તે પાછી મેળવવા મ્યુનિસિપાલિટી સામે દાવો માંડ્યો અને દાવાનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમના પાણીના નળ ન કાપી નાખવામાં આવે એવો મનાઈહુકમ માગ્યો. કોર્ટે બે પક્ષોની દલીલ સાંભળી મનાઈહુકમ આપવાની ના પાડી ત્યારે છેવટે મ્યુનિસિપાલિટી સાથે તા. ૨૯–૮–’૩૪ ના રોજ સમાધાન કર્યું. તેમાં પોતાનું સ્વતંત્ર વૉટરવર્ક્સ બાંધી લેવા માટે મ્યુનિસિપાલિટીએ આપેલી છ મહિનાની મુદતને બદલે બાર મહિનાની મુદત તેમને આપવામાં આવી. આમ આ પ્રકરણ પત્યું.

આ ગાળામાં મ્યુનિસિપાલિટીએ કરેલાં કેટલાંક નોંધપાત્ર કામો અહીં જ ગણાવી જાઉં. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો તેમ જ વિનીતોને બીજી કોઈ પણ સરકારમાન્ય યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટો તથા મૅટ્રિકની બરાબરના મ્યુનિસિપાલિટીએ ગણવાનો ઠરાવ પસાર થયો. ગાંધીજી જેલમાંથી છૂટીને તથા ગંભીર માંદગીમાંથી સાજા થઈને લાંબા સમય પછી અમદાવાદમાં પાછા પધાર્યા તે વખતે મ્યુનિસિપાલિટી તરફથી એમને માનપત્ર આપવામાં આવ્યું. નવા બંધાયેલા મ્યુનિસિપલ હૉલનું નામ ગાંધી હૉલ રાખ્યું અને તે વાપરવાની શરૂઆત ત્યાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક ભરીને કરી. હિંદના દાદા સ્વ○ દાદાભાઈ નવરોજજીની યાદગીરી જાળવી રાખવા શહેરમાં ચાલતા દાદાભાઈ નવરોજજી પુસ્તકાલય અને વાચનાલય, એ સંસ્થાનો તમામ વહીવટ મ્યુનિસિપાલિટીએ પોતાને હસ્તક લીધો અને તેને હમેશાં નિભાવવાનું સ્વીકાર્યુ. લોકમાન્ય તિલકની મૂર્તિ વિક્ટોરિયા ગાર્ડનમાં મૂકી. મ્યુનિસિપલ હદમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરવાનો ઇરાદો જાહેર કર્યો અને નિશાળે જવા યોગ્ય બાળકોનું વસ્તીપત્રક કરવાનું નક્કી કર્યું.

અમદાવાદ શહેરની તાત્કાલિક અને મોટામાં મોટી જરૂરિયાત તો પાણીની તંગીનો બની શકે તે ઉકેલ કરવાની, શહેરમાં ગટરો બધે નહોતી ત્યાં નાખી દેવાની અને શહેરની વસ્તીની તેમ જ રસ્તાઓ ઉપર અવરજવરની ભીડ ઓછી કરવા માટે શહેરનો વિસ્તાર વધારવાની તથા નવા રસ્તા બનાવવાની હતી. સરદારે પ્રમુખ થયા પછી તરત આ કામો હાથ ધર્યાં અને તેનો ઝડપી ઉકેલ આણવાની તજવીજ કરવા માંડી. સવારમાં વહેલા ઊઠીને મ્યુનિસિપલ ઈજનેરને સાથે લઈ શહેરમાં જ્યાં ગટરો નંખાતી હોય ત્યાં, વૉટરવર્ક્સ ઉપર તથા બીજાં કામો ચાલતાં હોય ત્યાં, એ તપાસવા નીકળી પડતા તે બાર વાગ્યે ઘેર આવતા. પછી ત્રણ વાગ્યા પહેલાં પાછા મ્યુનિસિપલ ઑફિસમાં જઈ કામનાં કાગળિયાં જાતે વાંચી જતા તથા જુદાં જુદાં ખાતાંના અમલદારોને રૂબરૂ બોલાવી તેમની સાથે સલાહમસલત કરતા તથા તેમને સૂચનાઓ આપતા. કોઈ પણ મ્યુનિસિપાલિટીમાં વધારેમાં વધારે મહત્ત્વનું અંગ મ્યુનિસિપલ ઇજનેર અને તેની ઑફિસ છે. એટલે સરદાર એ ખાતાને હંમેશ જાગ્રત રાખતા અને તેને પોતાથી બની શકે તેટલી સઘળી મદદ અને ટેકો આપતા. તાબેના ગણાતા માણસો સાથેનું તેમનું વર્તન બરાબરિયાના જેવું રહેતું તેથી માણસને કામ કરવાની હોંશ અને ઉત્સાહ રહેતાં. પોતે પણ નવરાશના વખતમાં કલાક બે કલાક મ્યુનિસિપાલિટીનું કામ કરવું અથવા કાગળિયાં ઉપર સાહીઓ કરી આવવી એવા કામ કરનારા નહોતા, પણ બધો વખત મ્યુનિસિપાલિટીનાં અને બીજાં સેવાનાં કામમાં આપતા. એટલે તેનો ચેપ મ્યુનિસિપાલિટીના અમલદારો, નોકરો તેમ કાઉન્સિલરોને પણ લાગતો. જે કામ હાથમાં આવે તેનો બધી બાજુએથી તેઓ વિગતવાર અભ્યાસ કરી લેતા. વળી નવી નવી યોજનાઓ કરવામાં તેમની દૃષ્ટિ બહુ વિશાળ હતી. ગમે તેવી મોટી યોજના હોય પણ શહેરને હિતકારી હોય તો તેઓ હિંમત પૂર્વક તે હાથ ધરતા. તેમના કામમાં એક મોટી ખૂબી એ હતી કે તેમાં વગવસીલાનું જરા પણ ચાલતું નહીં. પોતાની કામ કરવાની ધગશ અને બાહોશીને લીધે તેઓ પોતાના બધા સાથીઓ — પછી તે મ્યુનિસિપલ અમલદાર હોય કે કાઉન્સિલર, તેમના આદર, પ્રેમ અને વફાદારી સંપાદન કરી શકેલા. પોતાના સાથીઓ પ્રત્યે પણ તેઓ એ જ ભાવ રાખતા. તેમની કાંઈ મુશ્કેલી હોય તો તેની બરાબર કદર કરતા. પરિણામે મ્યુનિસિપાલિટીમાં વફાદાર અને બાહોશ અમલદારો તથા કાર્યકર્તાઓનું તેઓ એક જૂથ ઊભું કરી શક્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીનો વહીવટ દેશમાં પંકાયો.

અમદાવાદ શહેરનું કોટની અંદરના ભાગનું ક્ષેત્રફળ ૧૨૦૦ એકર છે. તેમાંથી માત્ર ૪૨૫ એકરમાં જ ગટરો હતી. તેને બદલે આખા શહેરમાં ગટરો નાખી દેવાની યોજના કરી અને તે પોતાની ચાર વર્ષની કારકિર્દીમાં જ પૂરી કરી. ગટરમાંથી પાણી પંપ કરીને ખેતીના ઉપયોગમાં વાપરવા માટે જમાલપુર દરવાજા બહાર એક પમ્પિંગ સ્ટેશન અને તેની પાસે સુએજ ફાર્મ હતું. તેમાં નવાં એન્જિનો તથા બીજાં સાધનો લાવી ખૂબ વધારો કર્યો. ગટરોની સાથે લોકોને વાપરવાના પાણીની છૂટ હોય તો જ તેનો ઉપયોગ છે. તે માટે નદીનું પાણી વૉટરવર્ક્સના કૂવા પાસે વાળવાની તથા તે ચોખ્ખું કરી પીવાલાયક બનાવવાની સેનિટરી કમિટીના ચેરમેન તરીકે ૧૯૨૦માં જે યોજના કરી હતી તેમાં જરૂરી સુધારાવધારા કરી સરકારમાં તે મંજૂર કરાવી અમલમાં મૂકી. તેને અંગે નદીના પટમાં નવા કૂવા ખોદાવવાનું, વૉટરવર્ક્સમાં નવું એન્જિન લાવવાનું, શહેરમાં પાણી પહોંચાડવા માટેની પાઈપ નાની હતી તે બદલીને મોટી મુકાવવાનું વગેરે કામો ઉપાડ્યાં. વૉટરવર્ક્સ અને ગટરની આ સંયુક્ત યોજના માટે સરકારની મંજૂરી મેળવી શહેરમાંથી સાડીપિસ્તાળીસ લાખ રૂપિયાની લોન ઊભી કરી. આ બધાં કામમાં પાછળથી બીજા કોઈ ખામીઓ ન કાઢે અથવા નુક્તેચીની ન કરે તે માટે મુંબઈ સરકારના સેનિટરી ઈજનેરને વખતોવખત આમંત્રણ આપી બોલાવતા અને તેની પાસે થયેલું કામ તપાસરાવતા. બોર્ડના સધળા મેમ્બરો તેમને મળી શકે તે માટે બોર્ડની મીટિંગમાં પણ તેમને બોલાવતા. તા. ૧૧-૧૨–’૨૬ની આવી એક મીટિંગના રિપોર્ટના નીચે આપેલા પ્રસ્તુત ભાગ ઉપરથી આ બાબતમાં સરદારની કાર્યપદ્ધતિનો ખ્યાલ આવે છે :

“મુંબઈ સરકારના સેનિટરી એન્જિનિયર મિ. મેડોક્સ તથા અમદાવાદના એક્ઝિક્યૂટિવ એન્જિનિયર મિ. તૈયબજીનું મીટિંગમાં સ્વાગત કર્યા પછી મ્યુનિસિપલ પ્રમુખ સાહેબે મીટિંગની તારીખ સુધીમાં થયેલાં કામોનો ટૂંક ખ્યાલ આપ્યો અને પછી જે યોજના પ્રમાણે કામો ચાલતાં હતાં તેની સંગીનતા વિષે તથા એ યોજનાનો અમલ બરાબર થઈ રહ્યો છે કે કેમ તે વિષે બોર્ડના સભ્યો આગળ પોતાનો અભિપ્રાય જણાવવા તેમને વિનંતી કરી. મિ. મેડોક્સે ઊભા થઈને કહ્યું કે, આ કામોનું નિરીક્ષણ કરવાની અગાઉ પણ મને તકો મળેલી છે. આ યોજનાની વિગતો તથા તેના ખર્ચનો અંદાજ સરકારે મંજૂર કર્યો તે પહેલાં હું કાળજીપૂર્વક તપાસી ગયો છું અને આ વખતે બે દિવસ સુધી બધે ફરીને મેં બધાં કામ બરાબર તપાસ્યાં છે. તે ઉપરથી હું કહેવાની સ્થિતિમાં છું કે બોર્ડે જે નીતિ અખત્યાર કરી છે તે સંગીન છે અને બધાં કામોનો અમલ મ્યુનિસિપલ એન્જિનિયરે બહુ સંતોષપૂર્વક કર્યો છે. પછી તેમણે જણાવ્યું કે સભ્યો મને હવે જે કાંઈ સવાલ પૂછશે તેના જવાબ હું આપીશ. તે ઉપરથી કેટલાક સભ્યોએ સવાલો પૂછ્યા અને તેના એમણે સંતોષકારક ખુલાસા આપ્યા. ત્યાર પછી એ બંને ગૃહસ્થોનો આભાર માનવામાં આવ્યો.”

શહેરમાંની ગિરદી ઓછી કરવા માટે એલિસબ્રિજ ટાઉન પ્લૅનિંંગ તથા કાંકરિયા ટાઉન પ્લૅનિંગ સ્કીમ ખીલવવા માંડી. બીજી તરફથી કાળુપુર રિલીફ રોડ બનાવવાની અને કોટ તોડી પાડવાની યોજનાને આગળ ધપાવવા માંડી. આ બે યોજનાઓની સામે લોકોમાં બહુ વિરોધ જાગ્યો. કાળુપુર રિલીફ રોડ સામે વિરોધ તો જેમનાં મકાન કપાઈ જતાં હોય તેઓ પોતાનું મકાન લાઈનદોરીમાં ન આવે તે માટે અથવા આવી ગયા પછી તેનો બદલો વધારે મળે તે માટે અંગત કારણો હતા. તે ઉપરાંત અમદાવાદમાં પોળબંધી ઢબે રહેવાની પદ્ધતિ છે અને આ યોજનાથી કેટલીક પોળો કપાઈ જતી હતી અને ઉઘાડી પડી જતી હતી તે કારણે કાંઈક સાર્વજનિક વિરોધ પણ હતો. શહેરને ફરતો કોટ તોડી પાડવા સામે પણ લોકોનો વિરોધ, અમારી પોળો તથા અમારાં ઘર ઉઘાડાં પડી જશે અને અમારું રક્ષણ જતું રહેશે એ કારણે હતો. કોટ એ અમદાવાદના મુસલમાન સુલતાનોનું એક મોટું સ્મારક છે અને સ્થાપત્ય કળાનો એક નમુનો છે, એ પણ એક દલીલ હતી. પણ આ કોટ કાઢ્યા સિવાય અમદાવાદની વસ્તીની ગૂંગળામણ મટે એમ ન હતું એ ઉઘાડી વાત હતી. એટલે આ વિરોધથી જરા પણ ડગ્યા સિવાય એ બંને યોજનાઓ તેમણે આગળ ધપાવી. જોકે ટાઉન પ્લૅનિંગની તેમ જ આ યોજનાઓ અમલમાં મૂકી શકે તેટલો વખત મ્યુનિસિપાલિટીમાં તેમનું રહેવાનું બન્યું નહીં. એ બધી યોજનાઓનો અમલ પાછળથી ધીમે ધીમે થયો.

સરકારી સિવિલ હોસ્પિટલના તથા મેડિકલ સ્કૂલના વહીવટમાં પ્રજા વધારે રસ લેતી થાય અને પ્રજાનો તેના ઉપર કાબૂ આવે એ હેતુથી અને સરકારે પોતાની એવી નીતિ છે એમ જાહેર કરેલું હોવાથી એ વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપવાની સરદારે માગણી કરેલી. પણ લાંબા પત્રવહેવાર પછી સરકારનો જવાબ આવ્યો કે એનો વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપવો સલાહભરેલું જણાતું નથી.

સને ૧૯૨૧ની યાદગાર કૉંગ્રેસ નદી પાર ભરાઈ હતી તે સ્થળે, ખાસ કરીને જ્યાં કૉંગ્રેસની બેઠક માટે મંડપ બાંધવામાં આવ્યો હતો તે સ્થળે, કૉંગ્રેસની બેઠકના સ્મારક તરીકે કાંઈક મોટું લોકોપયોગી કામ થાય એવી સરદારની પહેલેથી ઈચ્છા હતી. તે માટે ત્યાં એક જનરલ હોસ્પિટલ બાંધવા માટે શેઠ વાડીલાલ સારાભાઈના ટ્રસ્ટીઓ પાસેથી આશરે રૂપિયા સાડાપાંચ લાખનું અને એક પ્રસૂતિગૃહ બાંધવા માટે શેઠ ચૂનીલાલ નગીનદાસ ચિનાઈ પાસેથી આશરે રૂપિયા દોઢ લાખનું એમ બે મોટાં દાન સરદારે મેળવ્યાં અને તે મ્યુનિસિપાલિટી પાસે સ્વીકારાવી તે માટે નદીને કિનારે આવેલી ૨૧ એકર જમીન લૅન્ડ એક્વિઝિશન ઍક્ટ મુજબ મેળવી આપવા સરકારમાં લખાણ કરવાનો ઠરાવ પસાર કરાવ્યો.

વળી આ સંસ્થાઓના પ્રારંભિક ખર્ચમાં સંગીન મદદ આપવા સરકારને લખવાનું પણ ઠરાવવામાં આવ્યું.

આ બંને કામો સરદારે મ્યુનિસપાલિટી છોડ્યા પછી પૂરાં થયાં. આજે શહેરની એક મોટી જરૂરિયાત પૂરી પાડી શહેરને કલ્યાણરૂપ એ થઈ પડેલાં છે.

સરદારની આ વખતની મ્યુનિસિપલ પ્રવૃત્તિઓમાં એક જ મ્યુનિસિપલ અમલદાર શ્રી ભગત તરફથી જુદી જાતનો અને કાંઈક વિરોધી સૂર નીકળતો હતો. આમ તો સરદારના જીવનચરિત્રમાં તેની નોંધ લેવાની પણ કાંઈ જરૂર ન ગણાય. પણ સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટી છોડી તેમાં એ ભાઈ નિમિત્ત બન્યા. સરદારની રાષ્ટ્રને ખૂબ ઉપયોગી અને અતિશય તેજસ્વી કારકિર્દી ઉપર તો તેની કશી અસર પડી નહીં, બલ્કે વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે તેઓ છૂટા થયા. પણ અમદાવાદ શહેર તેમની પ્રત્યક્ષ મ્યુનિસિપલ સેવાથી વંચિત થયું એ એક મોટો ગેરલાભ થયો.

મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ગોવર્ધનભાઈ ઈશ્વરભાઈ પટેલે શ્રી ભગતની મ્યુનિસિપલ કારવાઈ સંબંધી ઘણા સવાલ પૂછ્યા હતા અને તેની બધી હકીકત મ્યુનિસિપાલિટીનાં જૂનાં દફતરમાંથી તારવી કાઢી તા. ૧૦-૯-’૨૬ની જનરલ બોર્ડની મીટિંગમાં મ્યુનિસિપલ ઉપપ્રમુખ શ્રી બલુભાઈ ઠાકોરે વિગતવાર આપી હતી તેમાંથી સારરૂપે નીચેનું લીધું છે.

સને ૧૯રપમાં એક વર્ષ અજમાયશ ખાતર ‘પ્રોબેશનર’ તરીકે શ્રી ભગતને ચીફ ઑફિસર તરીકે નીમવામાં આવેલા. તેમણે તે વખતના મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી ગોરેની સામે લખાણો કરીને કેટલાક સખત આક્ષેપો કર્યા. મ્યુનિસિપલ એન્જિનિયર ચીફ ઑફિસરના જેટલા જ દરજ્જાના અમલદાર ગણાય, અને તેની સામે આવા આક્ષેપ થાય એ ગંભીર બાબત ગણાય. એટલે મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદારે આ બાબતની તપાસ હાથ પર લીધી અને એ તપાસમાં પોતાને મદદ કરવા માટે મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ સર રમણભાઈને વિનંતી કરી. એમણે એ ખુશીથી સ્વીકારી. એ તપાસમાં એમ માલુમ પડ્યું કે શ્રી ભગતે કરેલા આક્ષેપો તદ્દન બિનપાયાદાર છે અને શ્રી ભગતનું શ્રી ગોરે પ્રત્યેનું વર્તન ઉદ્ધત, ઉતાવળિયું અને ગેરવાજબી છે. આટલું જ હોત તો તે શ્રી ભગતને સમજાવી તેમને ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરવામાં આવત. પણ શ્રી ભગત પહેલાં જ્યારે ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટન્ટના હોદ્દા પર હતા તે વખતથી તેમના વર્તન અને તેમનાં કેટલાંક કામોને લીધે મ્યુનિસિપાલિટીમાં ભારે અસંતોષ હતો. તેઓ પોતાના તાબાના માણસો પ્રત્યે તેમ જ બીજાં ખાતાંના હોદ્દેદારો પ્રત્યે બહુ અસભ્ય અને તોછડું વર્તન ચલાવતા. એક વખત તો એક જિલ્લા ઇન્સ્પેક્ટરે પોતાની ઉપર શ્રી ભગતે હુમલો કર્યાની ફરિયાદ પણ સિટી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં કરી હતી, અને તેમાં તેમને દોષિત પણ ઠરાવવામાં આવ્યા હતા, જોકે અપીલમાં તેઓ નિર્દોષ ઠર્યા હતા. એક સેસ કલેક્શન સુપરિન્ટેન્ડેન્ટે પોતાની સતત સતામણીની અને પોતાને ખરાબ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ ચીફ ઑફિસરને કરેલી અને તેમાં ચીફ ઑફિસરે શ્રી ભગતની વર્તણૂક વખોડી કાઢી હતી. એક મ્યુનિસિપલ કમિશનર મિ. ભાવેએ શ્રી ભગતની પોતાના ઉપરી પ્રત્યે નહીં છાજતી વર્તણૂક અને ઉદ્ધતાઈ માટે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકેનું કામ એને આપવાની ના પાડી હતી. છેવટે બોર્ડે આ બાબતનો એવી રીતે નિકાલ કર્યો હતો કે પ્રમુખ સર રમણભાઈ, ઉપપ્રમુખ તથા સરદાર એ ત્રણ જણ જેવો મુસદ્દો કરે તે પ્રમાણેની લેખી માફી શ્રી ભગતે માગવી. આ માફીનો મુસદ્દો અને તેને લગતા કાગળો ફાઈલમાંથી કાઢી લીધા હોય એમ જણાય છે. એક મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી મલીકે ભગતની ચારે બાજુ કાદવ ઉડાડવાની અને મ્યુનિસિપલ નોકરોનું અપમાન કરવાની ટેવ સામે સખત રીતે ફરિયાદ કરેલી. ચીફ ઑફિસરે શ્રી ભગતનું વર્તન વખોડી કાઢ્યું હતું. એના પણ મૂળ કાગળો ગુમ થાય છે. અમદાવાદના કલેક્ટર મિ. ચૅટફિલ્ડે શ્રી ભગતની બિનવફાદારીને કારણે અમુક મુદ્દત સુધી તેના પગારનો વધારો અટકાવવાનો હુકમ કરેલ. આ કાગળો પણ ફાઈલમાંથી કાઢી લેવામાં આવ્યા હોય એમ જણાય છે. આ બધા કરતાં પણ તેમના વર્તનમાં ગંભીર રીતે વાંધા પડતું તો એ હતું કે મ્યુનિસિપાલિટી સામે મુસલમાનોની ઉશ્કેરણી થાય એવા કિસ્સા તેઓ ઊભા કરતા, કેટલાંક ઊંચાં ગણાતાં મુસલમાન ખાનદાનોનો એવો આગ્રહ રહેતો કે તેમનાં મુડદાં શહેરમાં જ દટાય. આ વસ્તુ શહેરની સુખાકારીને નુકસાનકારક હોઈને સને ૧૯ર૧થી મ્યુનિસિપાલિટીના પેટા કાયદામાં સુધારો કરીને એ પ્રથા બિલકુલ બંધ કરવામાં આવી હતી. છતાં શ્રી ભગત એક વરસ ચીફ ઑફિસરના હોદ્દા ઉપર પ્રોબેશનર તરીકે રહ્યા ત્યારે શહેરમાં મુડદાં દાટવાના આવા ચાર દાખલા તેમણે બનવા દીધા. જ્યારે ચોથો દાખલો બન્યો ત્યારે તો ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારને ખાનગી સૂચના આપી કે, આ શી રીતે બનવા પામ્યું તેની તપાસ કરાવી મને હકીકત જણાવો. સાધારણ રીતે જ આ બધી ખબર ચીફ ઑફિસરને પડે. તેણે એ ખાનગી સૂચના ઉઘાડી પાડી નાખી અને તપાસનો મુખ્ય આશય ભાંગી પડે એવી રીતે તેનો ઉપયોગ કર્યો. તેની વતર્ણૂક વહેમ ઊપજે એવી જણાવાથી સરદારે જાતે તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન કેટલાક કાઉન્સિલરો અને મ્યુનિસિપલ હોદ્દેદારોના પુરાવા પરથી તથા હેલ્થ ખાતાના રજિસ્ટર પરથી માલુમ પડ્યું કે શ્રી ભગતે આ દટણક્રિયાની બાબતમાં પોતાનો ગુનો સાબિત કરતા અમુક કાગળોનો નાશ કર્યો છે.

શ્રી ભગતના આ જાતના વર્તનનું પરિણામ એ આવતું હતું કે બોર્ડમાં કેટલાક મુસલમાન સભ્યોમાં સરદાર સામે વિરોધી ભાવ પેદા થતો અને શહેરમાં પણ કોમી લાગણી ઉશ્કેરાય એવું વાતાવરણ ઊભું થતું.

એટલે સરકારે નક્કી કર્યું કે શ્રી ભગતને ચીફ ઑફિસરની જગા પર કાયમ કરવા નહીં. શ્રી ભગતે કાયમ થવા માટે મુસલમાન સભાસદો તથા કેટલાક સરકારનિયુક્ત સભાસદો સાથે મળી જઈ ખટપટ કરવા માંડી. એટલે સરદારે તેમને ચીફ ઑફિસરની જગાએથી ખસેડી તેમની અસલ પર્સનલ આસિસ્ટન્ટ ટુ ધિ ચીફ ઑફિસરની જગાએ પાછા મૂક્યા અને મુંબઈ કોર્પોરેશનમાંથી શ્રી શેટે નામના ગૃહસ્થને બોલાવી તેમને ચીફ ઑફિસર નીમ્યા. પોતાના વાજબી હક ઉપર તરાપ મારી દ્રેષબુદ્ધિથી મ્યુનિસિપાલિટી પોતાને અન્યાય કરવા માગે છે અને મ્યુનિસિપાલિટીનો ઇરાદો ગેરકાયદે છે એ પ્રકારનો સિવિલ કોર્ટમાં દાવો કરી શ્રી ભગતે મ્યુનિસિપાલિટી ઉપર મનાઈહુકમ આણ્યો કે તેમની અરજી ધ્યાનમાં લીધા વગર મ્યુનિસિપાલિટી ચીફ ઑફિસરની નિમણૂક કરે નહીં. આથી સરદારને અને ઘણા મ્યુનિસિપલ કાઉન્સિલરોને બહુ ખોટું લાગ્યું.

એટલામાં ૧૯૨૭માં મ્યુનિસિપાલિટીની નવી ચૂંટણી થઈ. તેમાં શેઠ અંબાલાલ સારાભાઈ તથા શેઠ કસ્તૂરભાઈ સરકારનિયુક્ત સભ્ય તરીકે બોર્ડમાં આવ્યા. શેઠ અંબાલાલે પોતાનો એક નવો પક્ષ રચ્યો, જેમાં સરદારના પક્ષમાંથી કેટલાક લોકો ભળ્યા એટલે સરદાર જે બહુમતી ભોગવતા તે કાંઈક ઓછી થઈ. ત્રીજો પક્ષ મુલમાનાનો અને સરકારનિયુક્ત સભાસદોનો હતો. ચીફ ઑફિસર મિ. શેટેને ૧૯૨૮ની શરૂઆતમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની જગ્યા મળવાથી તેઓ મુંબઈ પાછા ગયા. એટલે મ્યુનિસિપાલિટીએ ચીફ ઓફિસરની જગ્યા માટે વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી. તેને માટે ત્રણ ઉમેદવારો હતા : શ્રી એચ. એલ. દીવાન, શ્રી મોરારજીભાઈ દેસાઈ (જેઓ તે વખતે સરકારી નોકરીમાં હતા) અને શ્રી ભગત. સરદારનો પક્ષ શ્રી દીવાનને નીમવાના મતનો હતો જ્યારે અંબાલાલભાઈનો પક્ષ શ્રી દીવાનને ન લાવવાના મતનો હતો. પરંતુ તેમાંના ઘણાની મરજી ભગતને પણ લાવવાની નહોતી, તેથી એ પક્ષે મોરારજીભાઈની હિમાયત કરી હતી. પણ છેવટે પક્ષ તરીકે તટસ્થ રહી પોતાના પક્ષના સભાસદોને વ્યક્તિગત ફાવે તેમ મત આપવાની તેમણે છૂટ આપી હતી. ત્રીજો પક્ષ સંગીન રીતે શ્રી ભગતની તરફેણમાં હતો. આ બધી વાટાઘાટ દરમિયાન સરદારે જણાવ્યું હતું કે જો શ્રી ભગતને ચીફ ઑફિસર નીમવામાં આવશે તો હું મ્યુનિસિપાલિટીમાં રહીશ નહીં. છેવટે અંબાલાલભાઈના પક્ષે મુશ્કેલી ઊભી કરી. તેમનામાંથી કોઈએ શ્રી દીવાનને તો મત આપ્યો જ નહીં, પણ શ્રી ભગતને મત આપનારા તેમાંથી કોઈ નીકળ્યા હશે. છતાં એક જ મતની વધુમતીથી શ્રી ભગતની ચીફ ઑફિસર તરીકે નિમણૂક થઈ. તરત જ સરદારે મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી દીધું. તા. ૧૮-૪-’૨૮ની જનરલ બોર્ડની મીટિંગમાં શેઠ અંબાલાલ સારાભાઈના નીચેના ઠરાવથી એ સ્વીકારવામાં આવ્યું :

“પ્રમુખનું રાજીનામું બહુ દિલગીરી સાથે સ્વીકારતાં આ બોર્ડ તેમને ખાતરી આપે છે કે બોર્ડનો વિશ્વાસ તેઓ ધરાવે છે. વળી પોતાની કારકિર્દી દરમિયાન આ મ્યુનિસિપાલિટીની જે ભારે સેવાઓ તેમણે કરી છે તેની આ બોર્ડ કદર કરે છે.”

તે વખતે બારડોલી સત્યાગ્રહ શરૂ થઈ ચૂક્યો હતો અને સરદારે બધો વખત બારડોલીમાં જ રહેવાની જરૂર હતી. એટલે મ્યુનિસિપાલિટીના કામમાંથી છૂટ્યા એ સરદાર માટે તો ઇષ્ટાપત્તિ સમાન થયું.

સને ૧૯ર૭ના જુલાઈ માસમાં સુરત મુકામે પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદ થયેલી તેના પ્રમુખપદેથી સ્થાનિક સ્વરાજના તંત્રને કેવી કેવી મુશ્કેલીઓ હોય છે અને સરકાર તેમાં મદદ કરવાને બદલે ઊલટા કેવા વિશેષ બોજા તેના ઉપર નાખે છે તેનું અમદાવાદ મ્યુનિસિપાલિટીના પોતાના જાતઅનુભવને આધારે તેમણે સરસ વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક ફકરા ટાંકી આ પ્રકરણ પૂરું કરીશું :

“સ્વચ્છ અને પૂરતા પાણીની, સારી ગટરોની, સાંકડા અને ગલીચ રસ્તાઓ ખુલ્લા કરવાની, સારા રસ્તાઓની, હવાઅજવાળાવાળાં શાળાઓનાં મકાનોની, બાળકોની રમવાની જગ્યાઓની, સફાઈ સુધારવાની, મ્યુનિસિપાલિટીની ઑફિસનાં મકાનોની, દવાખાનાંનાં મકાનોની, બજારોની, કતલખાનાંની, એવી એવી તાત્કાલિક જરૂરિયાતોની ચોમેરથી બૂમ પડે છે; જ્યારે નાણાંને અભાવે ઘણીખરી મ્યુનિસિપાલિટીઓ પીડાય છે અને એમાંનું કાંઈ કરી શકતી નથી.”
 * * *
“સ્થાનિક સ્વરાજ્યનું તંત્ર ચલાવવામાં સૌથી વધારે મહત્ત્વનો પ્રશ્ન તેની આર્થિક મુશ્કેલીના ઉકેલનો છે. આ સવાલે સુધારાના અમલ પછી જ વધારે ગંભીર સ્વરૂપ પકડેલું છે. તે પહેલાં સ્થાનિક સ્વરાજની જવાબદારીઓ ઓછી હતી. સરકારનો કાબૂ વિશેષ પ્રમાણમાં હોવાથી સ્થાનિક અમલદારોની અને સરકારની સહાનુભૂતિ રહેતી હતી. પ્રજા મોટે ભાગે તેમને જવાબદાર ગણતી હતી. આ ઉપરાંત દરેક મહત્ત્વના કાર્યમાં નાણાંની મદદ મળતી હતી. પાણીની, ગટરની, શહેર સુધરાઈની, લોકોપયોગી મકાનોની, શાળાનાં મકાનોની અને એવી એવી દરેક જાહેર ઉપયોગી યોજનાઓમાં સરકાર પાતાનો ફાળો નિયમસર આપતી હતી. આવી તમામ મદદ સુધારાનો અમલ શરૂ થયા પછી બંધ કરવામાં આવી છે. આ સંબંધમાં હું મારો પોતોનો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો અનુભવ આપની પાસે રજૂ કરીશ. પાણી અને ગટરની યોજના અમલમાં મૂકવા માટે અમે રૂપિયા પિતાળીસ લાખની લોન સરકારની મંજૂરીથી લીધેલી છે. તેમાં સરકારના ઠરાવ પ્રમાણે અરધી મદદ સરકારે આપવી જોઈએ. તે મદદની અરજી આજ ચાર વર્ષથી અધ્ધર લટકે છે. પૂનામાં ભાંબુર્ડા નગરરચનાની યોજનામાં સરકારે સોળ લાખ રૂપિયા ખરચી યોજના શરૂ થતાં પહેલાં પુલ બંધાવ્યો. તે ઉપરથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ તેના જ જેવી એલિસબ્રિજની નગરરચનાની યોજના તૈયાર કરીને જે શરતોથી પૂનામાં પુલ બાંધ્યો તે શરતોથી અમદાવાદમાં પુલ બાંધી આપવાની મંજૂરી માટે યોજના મોકલી આપી. તે સરકારમાં બે વરસથી પડેલી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મ્યુનિસિપલ ઑફિસ, વરસાદના પાણીની ગટરો, લૅબોરેટરી, મીટ માર્કેટ, શાક માર્કેટ, શાળાનાં મકાનો નગરવિસ્તારની યોજનાઓ વગેરે મોટાં મોટાં કામો લાખો રૂપિયા ખરચીને છેલ્લાં ત્રણ વર્ષમાં કર્યાં, પણ સરકાર પાસેથી એક રાતી પાઈ મળી નથી અને મળવાની ઉમેદ પણ નથી.”

“સને ૧૯૨૪માં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો કે દરેક મ્યુનિસિપાલિટીએ પોતાના ખરચના સાડાચાર ટકા દાક્તરી મદદ પાછળ ખર્ચવા જોઈએ. અને તે પ્રમાણે કોઈ મ્યુનિસિપાલિટી કરતી નથી માટે હવે પછી તેમ કરવું અને જો તેમ ન કરે તો સરકારી ઇસ્પિતાલોને તેટલી રકમ પૂરી કરી આપવા પૂરતી ગ્રાન્ટ આપવી. મૂળ મુદ્દો મ્યુનિસિપાલિટી પાસેથી મદદ રૂપે પૈસા કઢાવવાનો હોવા છતાં તેના ઉપર ઢાંકપિછાડો કરવા માટે સાથે સાથે એ ઠરાવમાં એવું જણાવ્યું કે મ્યુનિસિપાલિટીઓ પોતાની ઇસ્પિતાલો કાઢે એ ઇચ્છવા યોગ્ય છે. અને જે કોઈ મ્યુનિસિપાલિટી તેમ કરશે તો સરકાર તેને યોગ્ય મદદ આપી ઉત્તેજન આપશે. અને વળી જો કોઈ મ્યુનિસિપાલિટી સિવિલ હૉસ્પિટલની વ્યવસ્થા લેવાને તૈયાર થશે તો તે પણ સોંપશે. આ ઉપરથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ સિવિલ હૉસ્પિટલ પોતાને સોંપવાની માગણી કરી, તેની એક યોજના રજૂ કરી ને સરકારની શરતો ઘણીખરી કબૂલ કરી. આ માગણીને સ્થાનિક અમલદારોએ મજબૂત ટેકો આપ્યો. છતાં બે વર્ષ સુધી પત્રવ્યવહાર ચાલ્યા પછી ધાર્યું હતું તેમ સરકારે સિવિલ હૉસ્પિટલ સોંપવાની ના પાડી. હવે મ્યુનિસિપાલિટીએ પોતાની સ્વતંત્ર ઇસ્પિતાલ કાઢવાની યોજના કરી, તેમના પોતાના વચન પ્રમાણે ગ્રાન્ટ માગી છે તેનું શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું છે. આમ દરેક દિશામાં સ્થાનિક સંસ્થાઓ પાસેથી આડકતરી રીતે પૈસા કઢાવવા તજવીજ ચાલતી રહે છે. પ્રધાનના હસ્તકના ખાતામાં આ સંસ્થાઓ સરકારી અમલદારોની સહાનુભૂતિ ગુમાવી બેઠેલી છે અને ત્રિશંકુની દશામાં આવી પડેલી છે.”

“પ્રધાનસાહેબે લોન લઈ મોટાં મોટાં કામ કરવાની સલાહ આપેલી છે, લોન કેવી રીતે લેવી તે બતાવ્યું નથી. શું સરકાર મ્યુનિસિપાલિટીને લોન આપવા તૈયાર છે ? આ વિષે પણ મારો અનુભવ કડવો છે. સરકાર પાસે મેં ગયે વરસે જ માત્ર સાડાતેર લાખની પાંચ ટકાના વ્યાજે લોન માગી. સરકાર ચાર ટકા વ્યાજે લોન મેળવી શકે છે. તેને એક ટકો ચોખ્ખો નફો રહેતો હતો. છતાં તે આપવાની સરકારે ના પાડી અને પછી અમે તે લોન બજારમાંથી મેળવી.”

“વળી લોનનું વ્યાજ આપણે વધારે આપવું પડે છે. અમદાવાદને પ્રથમ સાડાછ ટકાની લોન લેવાની મંજૂરી આપી તે વખતે તે ઉપરનો ઇન્કમ ટૅક્સ માફ કરવા મ્યુનિસિપાલિટીએ માગણી કરી તેની પણ ના પાડવામાં આવી.”

“અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ કમિટીની ફરજિયાત કેળવણીની યોજના ત્રણ વરસથી સરકારની અભરાઈએ પડેલી છે. જેટલી યોજનાઓ જાય છે તેટલી બધી એક પછી એક નંબર વાર તેના ઉપર ગોઠવાય છે. અને આ યુગમાં તેમાંની કોઈ મંજૂર થાય એવી આશા ઓછી છે.”

“સરકાર પોતાની આર્થિક સ્થિતિ તંગ હોવાની બૂમ પાડે છે. પણ તેના વહીવટના લખલૂટ ખર્ચમાં ઘણી દિશામાં કાપકૂપ થઈ શકે એમ છે. એમાંનું કશું કરવામાં આવતું નથી. પ્રાથમિક કેળવણીનો વહીવટ સ્થાનિક સંસ્થાઓને સોંપી દીધા પછી ઇન્સ્પેક્ટરો, ડેપ્યુટી ઇન્સ્પેકટરો વગેરેની ઑફિસોના ખરચા રાખવાની કશી આવશ્યકતા નથી. ખુદ ડિરેક્ટરની ઑફિસ કાઢી નાખવામાં આવે તોપણ કાંઈ વાંધા જેવું નથી. જે ઑફિસમાંથી પોતાના ખાતાના વહીવટનો હેવાલ બબ્બે વરસ સુધી બહાર ન પડે તેવી ઑફિસની ઉપયોગિતા કેટલી હશે એ વિષે સ્વાભાવિક રીતે જ શંકા ઉત્પન્ન થાય છે. સ્વતંત્ર કેળવણી સરકારની મદદ સિવાય પ્રજા પોતાને ખરચે કરે એ સરકારને ગમતું નથી. કેળવણી ઉપર અંકુશ છોડવો નથી અને પોતામાં કેળવણી આપવાની શક્તિ છે નહીં.”

“સરકારના પબ્લિક વર્ક્સ (બાંધકામ) ખાતામાં વહીવટનું ખર્ચ પચાસથી સાઠ ટકા જેટલું આવવા માંડ્યું છે. દરેક જિલ્લામાં એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, સબ ડિવિઝનલ ઑફિસરો, ઑવરસિયરો અને ઑફિસ ખરચા વગર કામો સરકાર ઉપર ચઢ્યાં કરે છે, તેમની પાસે કામ લેવાને સરકારની પાસે નાણાં નથી. દરેક જિલ્લામાં એકાદ પાલીસ લાઈનની કોટડીઓ અગર તો કાંઈ ચોરા ચોરીઓનાં નાનાં નાનાં મકાનો બાંધવા સિવાય બીજું કામ નથી. ઘણીખરી સ્થાનિક સંસ્થાઓ પેાતાના સ્વતંત્ર ઇજનેરો રાખી શકતી નથી. જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ અને જિલ્લાના પબ્લિક વર્ક્સનું કામ ભેગું કરવામાં આવે તોપણ પબ્લિક વર્ક્સ ખાતાને પૂરતું કામ મળે નહી. છતાં જો કોઈ સંસ્થા પબ્લિક વર્ક્સ ખાતા મારફતે કામ કરાવવા માગણી કરે તો તેની પાસે પચીસ ટકા જેટલો આકરો ખાતાખર્ચ માગવામાં આવે છે. બબ્બે જિલ્લાઓનાં કામ ભેગાં કરીને ચલાવે તો પણ ચાલી શકે એવું છે. કેટલીક જગ્યાએ સ્થાનિક સંસ્થાઓની સાથે ગોઠવણ કરી લઈ કામ ચલાવી શકાય એમ છે.”

“અગાઉની માફક પોતાના કામમાંથી પરવારી નવરાશને વખતે સાંજના કલાક બે કલાક હાજરી આપ્યે આ સંસ્થાઓનો કારભાર ચલાવી શકાય એમ રહ્યું નથી. શુદ્ધ નિષ્ઠાથી સેવા કરનારને આ સંસ્થામાં પોતાનો બધો જ વખત આપવો પડે છે. તેને માથેરાન કે મહાબળેશ્વર જવું પોસાય એમ નથી. તેમને આરામ લેવાનો અવકાશ જ નથી.”