સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ગુજરાતમાં રેલસંકટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ગુજરાતમાં રેલસંકટ
નરહરિ પરીખ
બારડોલી સત્યાગ્રહ →


.


૨૬

ગુજરાતમાં રેલસંકટ

સને ૧૯૨૭ના જુલાઈમાં ગુજરાત કાઠિયાવાડના ઘણા ભાગમાં, તે વખતે હયાત માણસોની યાદદાસ્તમાં ન હોય તેવું વરસાદ અને વાવાઝોડાનું ભયંકર તોફાન થયું અને તેણે ગુજરાતની આખી વાડી વેડીને ખેદાનમેદાન કરી નાખી. તા. ૨૩મી જુલાઈ ને શનિવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો તે તા. ર૯મી ને શુક્રવારે બંધ થયો. રવિવારે સૌને લાગ્યું આ વખતની હેલી જબરી છે, અને થોડા વખતમાં રહી જશે. પણ તે દિવસે સાંજથી વરસાદની સાથે જબરો પવન ફૂંકાવા લાગ્યો. વાયુ અને વરુણનું પ્રચંડ તાંડવ મંડાયું ત્યારે લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે આ કાંઈ સાધારણ ઉત્પાત નથી. રવિવાર રાતથી સરદાર ચિંતા કરવા લાગ્યા કે લોકો ઉપર સખ્ત આફત ઊતરી જણાય છે. તેમને ઊંઘ ન આવી અને શહેરના જુદા જુદા લત્તાની કેવી હાલત છે તે જોવાના ખ્યાલથી મધરાતે બાર વાગ્યે ઘરની બહાર નીકળ્યા. વદ અગિયારશની અંધારી રાત હતી. ભયંકર ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. તેમાં રિચીરોડ (હાલનો ગાંધી રોડ) ઉપરથી આમતેમ વીજળીના ઝબકારામાં તથા રસ્તા ઉપર ટમટમતી બત્તીઓના પ્રકાશમાં જે કાંઈ જોઈ શકાય તે જોતાં જોતા એકલા પસાર થતા હતા. વિચાર આવ્યો કે સાથે કોઈ ને લીધા હોય તો સારું. એટલામાં શ્રી હરિલાલ કાપડિયાનું ઘર આવ્યું. તેઓ મસ્કતી મારકેટના એક વેપારી હતા, બહાદુર માણસ હતા અને આવા સંકટના વખતમાં સાહસ ખેડીને કામ કરે એવા હતા. સરદારે એમનાં બારણાં ખખડાવ્યાં. પેલા ભાઈએ બારણાં ઉઘાડ્યાં તો સરદારને દદડતે કપડે ઊભેલા જોયા. અત્યારે આવામાં ક્યાંથી એમ પૂછવા માંડ્યું તો સરદાર કહે : ‘પહેલાં ચા કરી દે. પછી વાત કરીએ.’ કાપડિયાએ સરદારનાં કપડાં બદલાવ્યાં અને ચા બનાવવાની તજવીજ કરવા માંડી એટલે સરદાર કહે, ‘આ તો ભારે તોફાન લાગે છે. તેમાં શહેરની શી દશા થઈ હશે તે જોવા ફરવા નીકળવું જોઈએ.’ કાપડિયાનું મકાન ઊંચું અને ત્રણ બાજુથી ખુલ્લું હતું એટલે વરસાદ અને પવનના સપાટામાં બાજુની ભીંત તૂટી પડવાનો ઘરમાં બધાને ભય લાગતો હતો. છતાં એ સરદાર સાથે ફરવા નીકળવા તૈયાર થયા. રાતના લગભગ ત્રણ વાગ્યાથી પરોઢે અજવાળું થયું ત્યાં સુધી ફરીને શહેરમાં ક્યાં ક્યાં પાણીનો મારો વધારે છે અને પાણીનો નિકાલ કરવા માટે ક્યાં ક્યાં તોડફોડ કરવી પડે એમ છે એ જોઈને બન્ને જણ સીધા મ્યુનિસિપલ એન્જિનિયરને ઘેર ગયા. એને સૂતો ઉઠાડ્યો અને એને સાથે લઈ મ્યુનિસિપાલિટીમાં ગયા. ત્યાંથી બધે ફોન કરી સ્ટાફના માણસો, મુકાદમો અને મજૂરોને એકઠા કર્યા. કયાં કયાં નાળાં, સડકો વગેરે તોડાવીને પાણીનો માર્ગ કરી આપવાની જરૂર છે એની યુદ્ધપરિષદની ઢબની ચર્ચા કરી, સૌને કામની સોંપણી કરી દીધી. આ સોમવારની સાંજથી ઘરો પડવાની શરૂઆત થઈ. તેને લીધે રસ્તા બંધ ન થઈ જાય એ પણ જોવાનું હતું. આ ત્રણ ચાર દિવસ સરદારે અને મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી ગોરેએ દિનરાત પલળતે શરીરે અને દદડતે કપડે શહેરમાં ચારે તરફ ઘુમીને પાણીનો સવેળા નિકાલ ન કર્યો હોત તો શહેરની કોણ જાણે શી દશા થાત. એમ કહી શકાય કે સરદારની સમયસૂચકતાએ અને શ્રી ગોરેની ઈજનેરી બુદ્ધિએ તથા એ બન્ને ઉપરાંત મ્યુનિસિપલ ઇજનેરી ખાતાના આખા સ્ટાફની તનતોડ મહેનતે શહેરને ઘણે દરજ્જે બચાવી લીધું.

આવા ભારે તોફાનમાં આખા ગુજરાતની શી દશા થઈ હશે તેની ચિંતા સરદાર બધો વખત કર્યા જ કરતા હતા. પણ મુશળધાર વરસાદ પડ્યા કરતો હતો, રેલગાડીઓ આવતી બંધ થઈ ગઈ હતી એટલે ટપાલ આવે નહીં, અને ઘણી જગાએ તારનાં દોરડાંને નુકસાન પહોંચ્યું હતું એટલે તારનું પણ ઠેકાણું ન હતું. બહારના કશા સત્તાવાર કે વિગતવાર સમાચાર મળતા નહોતા. આવી સ્થિતિમાં ક્યાં અને કેવી રીતે મદદ પહોંચાડવી તેની કશી સમજ પડે એમ નહોતું. એકલા અમદાવાદ શહેરમાં છ હજાર ઉપર ઘર પડી ગયાં હતાં. તેનું બધું ઠીકઠાક કરવા માટે અને બીજાં સંખ્યાબંધ ઘરો પડું પડું થઈ રહ્યાં હતાં તેને ટેકોટાભો કરવા માટે લાકડું જોઈએ, તેના ભાવ અને સુથાર કડિયાના રોજ એટલા વધી ગયા હતા કે એ આ ભાવો ઉપર અંકુશ શી રીતે રાખવો એ સરકારી અમલદારો અને આગેવાનો માટે ચિંતાનો એક વિષય થઈ પડ્યો હતો.

અમદાવાદમાં થયેલી હોનારત પરથી તથા આ ભયંકર સંકટથી ગુજરાત કાઠિયાવાડ ઉપર કેવી આફત ઊતરી હતી તેના આછાપાતળા સમાચાર ઉપરથી, પછીના રવિવારના ‘નવજીવન’માં સંકટગ્રસ્તોને મદદ માટે સરદારે નીચેની અપીલ બહાર પાડી :

“ગયા અઠવાડિયામાં થયેલી અનરાધાર વૃષ્ટિએ ગુજરાત કાઠિયાવાડને એકાએક અણધાર્યા સંકટમાં ઉતારી દીધાં છે. ગામનાં ગામ તણાયાં છે અગર પાણીમાં ડૂબ્યાં છે. લોકો ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે, એવી છૂટીછવાઈ ખબર આવે છે. ટપાલ, રેલવે, તાર બધુ જ લગભગ બંધ હોવાને લીધે બહારગામોની ખરી હકીકત શી છે અગર જાનમાલની ખુવારી કેટલી થઈ છે તેની કશી સત્તાવાર હકીકતો અહીં સુધી પહોંચી શકે એવો વહેવાર હજી ચાલુ થયો નથી. પરંતુ અમદાવાદ શહેરની જે સ્થિતિ થઈ પડી છે તે ઉપરથી તેમ જ બહારગામથી આવતી ચોંકાવનારી વાતો ઉપરથી ચોમેર ફરી વળેલા સંકટનો કંઈક ખ્યાલ કરી શકાય તેમ છે.
“અમદાવાદમાં વરસાદની વાર્ષિક સરેરાશ ત્રીસ ઇંચની ગણાય છે, જ્યારે આ વખતે અત્યાર સુધીમાં સિત્તેર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમાંનો બાવન ઇંચ એકલા ગયા અઠવાડિયામાં જ પડ્યો છે. આવી અતિવૃષ્ટિ છેલ્લાં પચાસ વર્ષમાં થઈ હોય એવું કોઈના સ્મરણમાં નથી. અમદાવાદમાં જ હજારો લોકો ઘરબાર વગરના થઈ પોતાની માલમિલકત છોડી પહેર્યે લૂગડે બહાર નીકળ્યા છે, મજૂરો અને ગરીબ લોકોના લત્તા પાણીમાં ડૂબ્યાં છે. આવામાં ગામડાંના લોકોની, તેમનાં ખેતરોની અને વાવેતરોની સ્થિતિનો ખ્યાલ કરતાં હૃદય કંપે છે.
“સંકટનો ખરો ખ્યાલ તો રેલવે ટપાલ ઇત્યાદિ વહેવાર ચાલુ થાય અને ચોમેરની હકીકતો મળે ત્યારે જ આવે. પણ આ સંકટ લગભગ આખા ગુજરાત કાઠિયાવાડ ઉપર એકાએક તૂટી પડ્યું છે એમ માનવાને કારણ છે.
“ગુજરાતે તેમ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ અત્યાર સુધી બીજા પ્રાંતોના સંકટનિવારણાર્થે અનેક વેળા છૂટે હાથે મદદ કરી છે. દયાધર્મ ગુજરાતની પ્રજાનો વિશેષ ગુણ મનાય છે. તેઓ આ ઘરની આફતને વખતે પ્રજાના સંકટનિવારણાર્થે તાત્કાલિક મદદ કરવામાં પાછા નહીં પડે એવી મને પૂરી આશા છે. . . .”

એટલામાં ખેડાના કલેક્ટરનો સંદેશો અમદાવાદના કલેક્ટર ઉપર આવ્યો કે આખું ખેડા શહેર ચારે બાજુએ પાણીથી ઘેરાઈ ગયું છે. માઈલો સુધી જળજળાકાર જ દેખાય છે. ખેડા શહેરનો જિલ્લા સાથેનો સંબંધ તૂટી ગયો છે. શહેરમાં અનાજ અને રોજની જરૂરની વસ્તુઓના ભાવો બેહદ વધી ગયા છે, અમે નિરુપાય છીએ માટે મદદ મોકલો. અમદાવાદના કલેક્ટર વિચારમાં પડ્યા, કારણ સરકારી કામકાજના બધા વિધિ રહ્યા દીર્ઘસૂત્રી. તેમણે પોતાની મુશ્કેલીની સરદારને વાત કરી. તેમણે તાબડતોબ ઘઉં, ચોખા, ખાંડ, ઘાસલેટ વગેરે જરૂરી વસ્તુઓનું એક વૅગન ભરાવીને મહેમદાવાદ સ્ટેશને રવાના કર્યું. તેની સાથે શ્રી. મણિલાલ તેલી તથા ચાર સ્વયંસેવકોને મોકલ્યા તથા સઘળો માલ કોઈ પણ રીતે ખેડા પહોંચતો કરવાની મહેમદાવાદના મામલતદારને સૂચના અપાવી. ખેડાના કલેક્ટરે શ્રી તેલી સાથે સરદાર ઉપર કાગળ મોકલીને આભાર માન્યો અને ગરીબ લોકોની દયાજનક દશામાં આ વસ્તુઓ આશીર્વાદ સમાન થઈ પડશે એમ જણાવ્યું.

સરદારે તરત નક્કી કરી નાખ્યું કે ગુજરાતમાં અનુકૂળ મથકો સાથે સંબંધ બાંધી સંકટગ્રસ્ત પ્રદેશમાં જોઈતી મદદ કરવા સ્વયં સેવક ગોઠવી દેવા. તેમની પાસે અનુભવી અને તાલીમ પામેલા તથા ગુજરાતના ખૂણે ખૂણાના ભોમિયા એવા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો તૈયાર હતા. તા. ૨૯મીએ વરસાદ બંધ થયો ત્યાર પછી ચાર જ દિવસમાં એટલે તા. ૩જી પહેલાં સ્વયંસેવકો આખા સંકટગ્રસ્ત પ્રદેશમાં રેલવે લાઈનથી અથવા પાકી સડકથી દૂર છેક ખૂણાનાં ગામડાંમાં ઘૂંટણસમાં અને કેડસમાં પાણી ખૂંદી અથવા કેડે તૂમડાં બાંધી નદીનાળાં ઓળંગી ગામેગામ પહોંચી ગયા. તેઓએ સંકટગ્રસ્ત પ્રદેશ નજરે નિહાળી વિગતો મોકલવા માંડી ત્યારે આફતનો ઠીક ચિતાર આવ્યો. લોકોનાં ઘરબાર, માલમતા, ઢોરઢાંખર, ખેતીવાડી બધું જ કેટલીક જગાએ તણાઈ ગયું હતું. ઊંચે આભ અને નીચે પાણી વચ્ચે કોઈએ ઝાડે વળગીને તો કોઈએ ઊંચા ઓટલાવાળા ચોરા કે ધર્મશાળાઓનો આશ્રય લઈને, કોઈએ પડોશીના ઘરનો આશ્રય લઈને અને તેનુંય ઘર પડી જતાં બન્નેએ વળી ત્રીજાનો આશ્રય લઈ ને પ્રાણની રક્ષા કરી હતી. નીચાણના પ્રદેશનાં જે ગામ આખાં ને આખાં ડૂબ્યાં ત્યાંની વસ્તીને કેવળ ઝાડનો જ આશ્રય લેવો પડ્યો હતો. એવા પ્રદેશમાં તો જેમ જેમ પાણી ચઢતાં ગયાં તેમ તેમ લોકો ઘર છોડી નીકળતા ગયા. જેમને વખત મળ્યો તેમણે ઝાડ પર ખાટલા બાંધ્યા અને ત્યાં પોતાનાં બાળબચ્ચાં લઈને બેઠા, જેમને એવો વખત ન મળ્યો તેઓ એમ ને એમ ઝાડ પર ચડી ગયા. લોકોએ પોતાનાં ઢોરઢાંખર છોડી મૂક્યાં, જેથી તેઓ પણ પોતાને ફાવે તેમ પ્રાણની રક્ષા કરી શકે. અને ઝાડ ઉપર પાંચ પાંચ દિવસના ઉપવાસ કરીને નિરાંતે બેસવાનું તો નહોતું જ. પોતાનાં દરોમાં પાણી ભરાઈ જવાથી તેનો ત્યાગ કરી રેલમાં તણાતાં સર્પાદિ પ્રાણીઓને પણ ઝાડનો જ આશ્રય રહ્યો હતો. પોતાના ફુંફાડાથી ફફડાવી મારે એવા સર્પો પણ કુદરતના આ કોપ આગળ રાંક બની પોતાનો જીવ બચાવવા ઝાડની ડાળીઓને વીંટળાઈ પડ્યા રહ્યા. એમની સાથે જ કેટલીક જગ્યાએ તો લોકોને ત્રણ ત્રણ અને ચાર ચાર દિવસ અને રાત ગાળવાં પડેલાં. ઢાઢર નદીના કાંઠા પરના એક ગામની પાસેના પરામાં માત્ર સાત ભીલ ખેડૂતોનાં છાપરાં હતાં અને તેમાં બધાં મળીને ૬૧ માણસો રહેતાં. પરામાં એક સમડીનું ઝાડ અને બે નાની લીમડીઓ હતી. તેના ઉપર ચડી આ ૬૧ જીવો જેમતેમ બાઝી રહ્યા. ચાર દિવસ તો આવી નોધારી હાલતમાં એ લોકો ટક્યાં. પણ પાંચમે દિવસે બાળકો અને બુઢ્ઢાં ઠૂંઠવાયેલાં અને નિર્જીવ જેવાં ટપોટપ ખરી પડવા લાગ્યાં અને તણાઈ ગયાં. એ રીતે ૬૧માંથી ૩૧ ગયાં. ધોળકા તાલુકાના એક ગામમાં નાનાંમોટાં ૧૮ માણસ આવી રીતે તણાઈ ગયાંનો અહેવાલ મળેલો. આવી આફતમાં કેટલાક બહાદુર લોકોએ પોતાના જીવને જોખમે રેલમાં તણાતા લોકોને બચાવ્યાના પણ અનેક દાખલા મળ્યા. તેમાં બી. બી. ઍન્ડ સી. આઈ. રેલવેના ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ મિ. મોરલીએ તથા ધોળકા તાલુકાના ધીંગડા ગામના તાલુકદારે લગભગ પચાસ જીવ બચાવ્યાના કિસ્સા નોંધાયા છે.

આટલું છતાં પ્રજા બાવરી કે બેહોશ બની ગઈ નહોતી. કુદરતની આંખ ફરેલી જોતાં શાંત હિંમતથી પોતાની અને પોતાના ગામની રક્ષા કરવામાં તે ગૂંથાઈ ગઈ. આત્મરક્ષાને સારુ જરૂરી હતી તેટલી શક્તિ રોકી, બચી તેટલી શક્તિથી પડોશનાં ગામોને લોકોએ મદદ કરી. તેમાં લોકોએ ન્યાતજાતના ભેદ વિસાર્યા, બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર વગેરે મહાજનોએ પોતાના મહોલ્લાઓમાં પોતાના વાડીવંડા ખુલ્લા મૂકી તેમાં ઢેડભંગીઓને રાખ્યા, ઢાંક્યા અને દિવસો સુધી ખીચડીઓ ખવડાવી. ગામેગામ હરિજન વસ્તીની હાડમારીનો પાર નહોતો. સામાન્ય રીતે તેમના વાસ ગામબહાર, ગામથી દૂર, અલગ જગ્યાએ હોય છે. ઘણાંખરાં ગામે આ રેલ દરમ્યાન હરિજનવાસો અને ગામ વચ્ચેનો સંબંધ તૂટી ગયા હતા. વળી તેમનાં કાચાં ઘર અથવા ઝૂંપડાં આવા તોફાન સામે ટકી ન શકે. એટલે એ લોકોને પોતાનાં પડી ગયેલાં ઝૂંપડાંના ટિંબા ઉપર બેસી દિવસો અને રાતો ગાળવી પડેલી. ગામલોકોએ બની શક્યું ત્યાં ત્રાપા બાંધી કે બીજી ગોઠવણ કરી આ લોકોને ગામમાં આણી પોતાનાં ઘરમાં અથવા ધર્મશાળાઓમાં આશરો આપ્યો હતો. જ્યાં હરિજનવાસો ઊંચાણવાળી જગ્યાએ હતા ત્યાં ગામલોકોએ એ વાસોનો પણ આશ્રય લીધો હતો. જેમ સવર્ણ હરિજન વચ્ચેના તેમ જ હિંદુ મુસલમાન વચ્ચેના ભેદ પણ રેલસંકટ આગળ વીસરાઈ ગયા હતા. કેટલાંય ગામોમાં મહાદેવોમાં, મંદિરોમાં, અપાસરાઓમાં લોકોએ મુસલમાનોને આશરો આપ્યો હતો. એક મુસલમાન ફકીર પોતાનું ઘર નહીં રહેવાથી કેટલાય દિવસો સુધી મહાદેવમાં રહ્યો હતો. એક મરજાદી મંદિરમાં છેક ભીતર સુધી મુસલમાન અને હરિજનોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાં તમામ કોમોએ સાથે મમરા ચણા ફાક્યા અને ખીચડી ખાધી. બાર બાર વરસથી ગાંધીજી ગુજરાતને જે પાઠ આપી રહ્યા હતા તે અત્યારે ફળેલો દેખાતો હતો. માનવબંધુતા અને સ્વાશ્રયના આ દાખલા જળપ્રલયની એ આફતનું એક મહામૂલું અંગ ગણાય.

ગુજરાત કાઠિયાવાડના કેટલા ભાગમાં રેલ ફરી વળી હતી તેનો ચોક્કસ વિસ્તાર હવે નક્કી કરી શકાય. ઉત્તરમાં સિદ્ધપુર, પાટણ, ભાલુસણા તથા સતલાસણ વગેરે ગામોની આસપાસના પ્રદેશથી માંડીને ઝીંઝુવાડા સુધી અને તેનાથી થોડા પ્રમાણમાં ઠેઠ પાલણપુર સુધી રેલ ફરી વળી હતી. પશ્ચિમમાં વઢવાણથીયે આગળ ધ્રાંગધ્રા, મૂળી, સાયલા અને ચૂડા સુધીનો પ્રદેશ તારાજ થયો હતો તથા વાંકાનેર અને રાજકોટ સુધી રેલની અસર પહોંચી હતી. દક્ષિણમાં રેલના નુકસાનની હદ નર્મદા નદી સુધી ગણાય. અને પૂર્વમાં ગોધરાથીયે આગળ છેક પિપલોદ સુધી નુકસાન થયું હતું. પરંતુ જળપ્રલયનું વધારે જોર ખેડા જિલ્લામાં અને વડોદરાની આસપાસના પ્રદેશમાં હતું. સંકટનિવારણના કામમાં ગુજરાત પ્રાંતિક સમિતિની મદદમાં વડોદરા રાજ્ય પ્રજામંડળ, અમદાવાદ જિલ્લા સંકટનિવારણ સમિતિ, સૌરાષ્ટ્ર સેવા સમિતિ, વઢવાણ સેવા સમાજ, સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી તથા રામકૃષ્ણ મિશન વગેરે સંસ્થાઓ હતી. પણ સઘળું કામ સરદારની પ્રેરણાથી અને તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે ચાલતું. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈનાં અનેક વેપારી મહાજનોએ પણ સારી મદદ કરેલી. તાર અને આગગાડીઓના વ્યવહાર શરૂ થતાં જ સખીદિલ અને દાનવીર ધનિકો પોતે અથવા તેમના માણસો ગુજરાત કાઠિયાવાડના સંકટગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા નીકળી પડ્યા. કેટલાકની ઈચ્છા પોતાને હાથે અન્નવસ્ત્રનાં દાન કરવાની હતી. પણ તેઓ ઘણુંખરું સ્ટેશન નજીકનાં તથા સડક ઉપરનાં ગામોએ પહોંચી શકતા. એટલે તેવાં ગામોએ મદદ બેવડાઈ અથવા ત્રેવડાઈ જવા માંડી. આ જોઈ સરદારે દાનવીર ધનિકોને વિનંતી કરી કે આમ તો સખાવતનો ઉદ્દેશ સરતો નથી માટે દાનીઓ પ્રાંતિક સમિતિને નાણાં મોકલી આપે અને જેમને પોતાને હાથે જ પૈસો ખર્ચવો હોય તેઓ સમિતિનાં મથકોની કે જાણીતા સ્થાનિક કાર્યકર્તાઓની મદદ લઈ જ્યાં જરૂર હોય ત્યાં વ્યવસ્થિત રીતે દાન કરે.

કાયકર્તાઓ તમામ સંકટગ્રસ્ત વિસ્તારમાં ફરી વળ્યા તે ઉપરથી સંકટના સ્વરૂપનો તથા વિસ્તારનો બરાબર ખ્યાલ આવી ગયો હતો. વળી સાધન વિનાનાં થઈ પડેલાઓને અનાજ વગેરે અપાવી તેમણે તાત્કાલિક મદદ પણ પહોંચાડી દીધી હતી. પણ હવે ખેડૂતો તથા બીજી વસ્તી આ સંકટના ઘામાંથી ફરી બેઠી થાય અને પગભર થાય તે માટે તેમને કેવી મદદ કરવી તેની વ્યવસ્થિત યોજના કરવાની જરૂર હતી. તે માટે સરદારે તા. ૧૧મી ઑગસ્ટે આણંદ મુકામે કાર્યકતાઓની મીટિંગ બોલાવી. તેમાં મુંબઈના સર પુરુષોત્તમદાસ પણ હાજર રહ્યા હતા. આ સભામાં નક્કી થયા પ્રમાણે રાહતનું કામ બધે સરખા ધોરણે ચાલ્યું. આખા ગુજરાતમાં એકંદરે નીચે પ્રમાણે કામ થયું :

૧. જેઓ બિલકુલ સાધનહીન દશામાં આવી પડ્યા હતા તેમને મફત અનાજ તથા કપડાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી. તેની સાથે એ સંભાળ રાખી કે પારકાની મદદ વિનાકારણ લેવાની વૃત્તિને પોષણ ન મળે. તેમ કરવા માટે બને તેટલા વહેલા તેઓ પગભર થઈ જાય તેમ કરવાનું હતું. જેઓ પોતાની ખેતી કરતા હોય તેમને નવો પાક આવે ત્યાં સુધી મદદ આપવામાં આવી અને જેઓ ખેતી ન કરતા હતા, તેમની પાસેથી તૂટી ગયેલા રસ્તા સમારવાનું તથા ગાડાં ફરી શકે એવા બનાવવાનું કામ કરાવીને મદદ આપવામાં આવી. અલબત્ત અતિશય વૃદ્ધ, અપંગ તથા નાનાં બાળકોને એમ ને એમ મદદ આપવામાં આવી. આવી મદદ બહુ જ ગરીબ પ્રદેશમાં લગભગ ત્રણ મહિના સુધી આપવી પડી. પણ ઘણી જગાએ તો મદદ આપવાનું બે મહિનામાં જ પતી ગયું. મફત મદદનું કુલ ખર્ચ રૂા. ૧,૮૬,૦૦૦ થયું.
૨. સરદારનો ખાસ આગ્રહ હતો કે જેમાં વાવેતર થઈ શકે એમ હોય એવી એક ચાસ જમીન પણ વાવેતર વિના ન રહેવી જોઈએ. મોટે ભાગે ફરી વાવેતર સૂંઢિયા (ઢોરને ખાવાના જુવારના પૂળા)નું જ થઈ શકે એમ હતું. તેને માટે બીની વ્યવસ્થા કરવાની જરૂર હતી. બીની અછત હોય ત્યારે એના ભાવ આસમાને ચઢી જાય છે એવો પાછલાં વરસનો અનુભવ હતો. સરકાર પાસે ફક્ત એક હજાર મણ સૂંઢિયાનું બી હતું. તે તેમણે રૂ. ૪-૧૨-૦ ના મણના ભાવે ખરીદેલું હતું અને તેથી ઓછે વેચવા તેઓ તૈયાર નહોતા. એટલે પ્રાંતિક સમિતિએ એક પેટા કમિટી નીમી તેની મારફત બી ખરીદવાનો પ્રબંધ કર્યો. સરેરાશ રૂ. ૩–૧૨–૦એ મણ બી ખરીદવામાં આવ્યું અને મણે બાર આના રાહત આપી ખેડૂતને ત્રણ રૂપિયે મણ વેચ્યું. સમિતિ તરફથી લગભગ ત્રીસ હજાર મણ સૂંઢિયું વેચાયું. આ અનુભવથી પ્રોત્સાહિત થઈ શિયાળુ બીની — મુખ્યત્વે ઘઉં અને ચણાનાં બીની વ્યવસ્થા પણ સમિતિ તરફથી કરવામાં આવી. સૂંઢિયું, ઘઉં, ચણા વગેરે થઈને સમિતિએ કુલ એંસી હજાર મણ બી ઓછા ભાવે વેંચ્યું અને તેમાં સાઠ હજાર રૂપિયાની રાહત આપી. સમિતિએ ઉત્તમ પ્રકારનું બી પૂરું પાડ્યું તેને પરિણામે બીમાં સારો સુધારો થયો એ કાયમી ફાયદો થયો. સરકારે બી માટે ખેડૂતોને તગાવી આપી હતી પણ તગાવીની રકમ રોકડ ન આપતાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે એટલા રૂપિયાની સમિતિના મથક ઉપર તેઓ ચિઠ્ઠી આપે અને એમને એટલી કિંમતનું બી સમિતિની દુકાનમાંથી મળે. કેટલાક ખેડૂતો મૂર્ખાઈથી બી માટે મળેલી તગાવી બીજા કામમાં વાપરી નાખે છે, એ વસ્તુ આ વ્યવસ્થાથી અટકી અને બધા ખેડૂતોને સારું બી કિફાયત ભાવે મળ્યું.
૩. રેલમાં જેમના બળદ મરી ગયા હતા અને જેઓ પાસે બળદ ખરીદવાનું સાધન ન હતું તેને બળદ ખરીદવા માટે લોન આપવામાં આવી. આ રકમ લગભગ બધી જ વસૂલ થઈ.
૪. અનાજના ભાવો ચઢી ન જાય તે માટે સસ્તે ભાવે અનાજ તથા કપાસિયા વેચવાની દુકાનો કાઢવામાં આવી. અનાજ તથા કપાસિયાનું વેચાણ ખૂબ થયું. કુલ નુકસાની રકમ ૫૨,૦૦૦ની થઈ.

૫. ઘણાં સ્થળે તણાઈ ગયેલાં ઢોરનાં મડદાં તથા પલળીને બગડી ગયેલું તેમ જ દટાઈ ગયેલું અનાજ સડ્યા કરતું હતું. આને લીધે દુર્ગંધ મારતી હતી. સાબરમતી આશ્રમના તથા વિદ્યાપીઠના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ગામેગામ આ સફાઈનું કામ ઉપાડી લીધું. ઢોરનાં મડદાં તથા સડતું અનાજ દાટી દીધું. જ્યાં પાણીનાં મોટાં ખાબાચિયા ભરાયાં હતાં ત્યાં પાણીના નિકાસનો માર્ગ કર્યો. નિકાસ ન થઈ શકે એમ હતું ત્યાં પાણીમાં જંતુનાશક દવાઓ નાખી. ચોમાસામાં ગાડાં ન ચાલી શકે તેથી કચરાની ગાડીઓ તેઓએ જાતે ખેંચી. ગંધ મારતી નીકો પણ તેમણે સાફ કરી.
૬. ભાદરવા મહિનામાં તાવનો ઉપદ્રવ આપણા દેશમાં લગભગ બધે જ હોય છે. આ સાલ મરડાનો ઉપદ્રવ પણ થયેલો. તાવની અને મરડાની નક્કી કરેલી દવાઓ સ્વચંસેવકોને આપવામાં આવતી. તે તેઓ ગામેગામ વહેંચતા. કેટલાંક મથકોએ તો રીતસર દવાખાનાં જ ચલાવવાં પડેલાં. સામાન્ય રીતે દુકાળ કે રેલની પછી રોગચાળો ફાટી નીકળે છે. પણ સ્વયંસેવકોના પ્રયાસને લીધે ગુજરાતમાં એવું કશું બનવા ન પામ્યું. તા. ૨૬મી ઑગસ્ટ, ૧૯૨૭ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અંકમાં તંત્રીએ પોતાની નોંધમાં જણાવ્યું કે, ‘ગયું રેલસંકટ જનસુખાકારીના આંકડામાં કશો ફેર પાડી શક્યું નથી તે માટે ગુજરાતને ધન્યવાદ ધટે છે.’ તા. ૩૦મી ઑક્ટોબરના અંકમાં એ જ પત્રના પૂનાના ખબરપત્રીએ અગાઉના આંકડા સરખાવીને લખ્યું કે, ‘રેલસંકટને લીધે સંકટગ્રસ્ત વિસ્તારના કોઈ પણ ભાગમાં પાછલાં વર્ષો કરતાં મરણપ્રમાણ વધવા પામ્યું નથી.’
૭. અનાજ, બિયાવું, દવાઓ વગેરેની સાથે કપડાં પણ છૂટથી વહેંચવામાં આવ્યાં તથા જે ગરીબ માણસો બિલકુલ ઘરબાર રહિત થઈ ગયાં હતાં તેમને માથે કામચલાઉ ઢાંકણું થાય તે માટે મદદ આપવામાં આવી હતી. બધા પ્રકારની મદદમાં ગુજરાત પ્રાંતિક સમિતિને કુલ રૂપિયા પાંચ લાખનું ખર્ચ થયું હતું. આ ઉપરાંત જે સંસ્થાઓ તથા શાહુકારોએ બારોબાર મદદ વહેંચી તે જુદી.

આ સંકટના નિવારણ અર્થે સરદારે તાબડતોબ વ્યવસ્થા ઊભી કરી, તેને મુકાબલે સરકાર નિશ્ચેષ્ટ જેવી પડી રહી હતી. વૃષ્ટિ બંધ થયા પછી આઠેક દિવસે જ્યારે જિલ્લા કલેક્ટરના તાલુકાઓ અને ગામો સાથે વ્યવહાર જોડાયા ત્યારે તાલુકા અમલદારોને નુકસાનીનાં પત્રકો તૈયાર કરવાનો હુકમ મળ્યો. ઉત્તર વિભાગના કમિશનર રેલ વખતે પૂના હતા ત્યાંથી તા. ૪થી ઑગસ્ટે અમદાવાદ આવ્યા. ત્યાર પછી તેમણે તાલુકા દીઠ બે હજાર રૂપિયા મફત મદદના અને પંદર પંદર હજાર રૂપિયા તગાવી લોનના મંજૂર કર્યા. સરકારનું તંત્ર સામાન્ય રીતે જે મંદ ગતિએ ચાલે છે તે પ્રમાણે મામલતદારોનાં નુકસાનીનાં પત્રકો તૈયાર થાય અને પછી મદદ વહેંચાય ત્યાં સુધી લોકો બેસી રહે તો મોતની જ વારી આવે. એટલે સરદારે કમિશનર સાહેબને જણાવી દીધું કે, ‘તમે આ સંકટને નાનુંસૂનું ન ગણો, લોકોને અન્નવસ્ત્રની અને એવી બીજી તાત્કાલિક રાહત આપવાની છે તેની ચિંતા ન કરો, એ અમે બરાબર જોઈ લઈશું. પણ લોકોની ધોવાઈ ગયેલી ખેતી નવેસરથી થઈ શકે તે માટે તથા તારાજ થયેલાં ઘરબાર ફરી ઊભાં કરવા માટે ભારે મદદની જરૂર પડશે. જેને લોકસંસ્થાઓ તથા ખાનગી વ્યક્તિઓથી ન જ પહોંચી શકાય, તેનો વિચાર કરો અને તે માટે સરકારને તૈયાર કરો.’

આવા સંકટને પ્રસંગે રૈયતને મદદ કરવા માટે મુંબઈ સરકાર પોતાની વાર્ષિક આવકમાંથી અમુક ટકા દુષ્કાળનિવારણ ફંડ માટે અનામત રાખતી. તેનું અઢી કરોડ રૂપિયા જેટલું ભંડોળ એકઠું થયેલું હતું. આમાંથી મોટી રકમ આ સંકટનિવારણ માટે સરકારે કાઢવી પડશે એમ સરદારે મુંબઈ સરકારને લખ્યું ત્યારે એકાઉન્ટન્ટ જનરલે એવો મુદ્દો કાઢ્યો કે ભંડોળ દુષ્કાળનિવારણ માટે છે અને આ તો રેલસંકટ છે માટે એમાંથી કશી મદદ ન થઈ શકે ! પછી મુંબઈ સરકારના નાણામંત્રી સર ચૂનીલાલ મહેતા સંકટની પરિસ્થિતિ જોવા નડિયાદ આવ્યા અને સરકારી અમલદારો તથા સંકટનિવારણનું કામ કરતા મુખ્ય કાર્યક્તઓને મળ્યા. તેમણે ખાતરી આપી કે દુષ્કાળનિવારણના અનામત ફંડમાંથી મદદ આપી શકાશે, એટલે એ ચર્ચા અટકી.

સંકટ જેમ મોટું હતું તેમ રાહતનું કામ પણ બાહોશીપૂર્વક ગોઠવાઈ ગયું હતું. એ બધું જોવા મુંબઈના ગવર્નર ૮મી સપ્ટેમ્બરથી ૧૫મી સપ્ટેમ્બર સુધી એક અઠવાડિયું ગુજરાતમાં ફર્યા. તેમણે ઘણાં ગામડાં તથા સંકટનિવારણનાં મથકો જોયાં. લોકો સાથે છૂટથી વાતો કરી ખરી સ્થિતિનો ખ્યાલ મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો. પ્રજાનાં દુઃખનો તેમને બરાબર ખ્યાલ આવ્યો અને સરકાર તરફથી ઘટતી મદદ આપવાનું તેમણે લોકોને આશ્વાસન આપ્યું. ગુજરાતના ખેડૂતોએ રેલ દરમ્યાન જે હિંમત અને બહાદુરીથી પોતાનો બચાવ કર્યો હતો તેની તેઓએ તારીફ કરી. રેલ પછી જે ઉદ્યમ અને ખંતથી તેઓ પોતાનાં વેરણછેરણ થઈ ગયેલાં ખેતરોને સમારી ફરી વાવેતર કરવા લાગી ગયા હતા તે જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા. વરસાદ બંધ થતાં ની સાથે જ સરદારના મોંમાંથી શબ્દ નીકળતાં સંકટનિવારણનું આખું તંત્ર ખડું થઈ ગયું હતું અને ગામડે ગામડે રાહતનું કામ ગોઠવાઈ ગયું હતું, એ તો તેમને એક ચમત્કાર જ લાગ્યો. ખૂબી તો એ હતી કે અન્નવસ્ત્રની તંગીની કે બીજી પ્રાથમિક રાહતની કોઈએ તેમની પાસે માગણી જ ન કરી. મોટાં ભારે નુકસાન થયાં હતાં તે માટે વ્યાજના હળવા દરે લોનની માગણી લોકોએ કરી.

તા. ૨૦મી સપ્ટેમ્બરે ના○ શહેનશાહ તરફથી રેલસંકટનિવારણ અર્થે રૂ. ૨,૦૦૦ની મદદ જાહેર કરવામાં આવી અને ભારતમંત્રી લાર્ડ બર્કનહેડે દસ પાઉન્ડ સંકટનિવારણ ફંડમાં મોકલી આપ્યા.

હવે મકાન વગેરે માટે સરકાર કેવી શરતોએ લોન આપવાનું કરે છે તે જાણવા લોકો અધીરા થવા માંડ્યા હતા. સરદાર તો સરકારને હલાવી જ રહ્યા હતા. છેવટે એની યોજના વિચારવા માટે બૉમ્બે સેન્ટ્રલ ફ્લડ રિલીફ કમિટીના સભ્યોને તેમ જ સરદાર તથા ઠક્કર બાપાને તારથી પૂના બોલાવવામાં આવ્યા. તા. ૨૭–૯-’૨૭ના રોજ બપોરે એક વાગે સર ચૂનીલાલ મહેતાને બંગલે મીટિંગ થઈ. તેમાં લોનની શરતોનો ખરડો નક્કી થયો. દરેક આસામીની નુકસાનીનો અંદાજ કરી તેને આપવાની લોનની રકમ નક્કી કરવામાં સરકારી અમલદારની સાથે પ્રાંતિક સમિતિનો એક એક પ્રતિનિધિ રહે એવું નક્કી કરવામાં આવ્યું. બે વચ્ચે મતભેદ પડે તો તેનો નિર્ણય ઉપરી સરકારી અમલદાર તથા ઠક્કર બાપા કરે એમ ઠરાવ્યું. સરકારે એક કરોડ ત્રીસ લાખ રૂપિયા સુધીની લોન આવી રીતે આપવી એમ પણ ઠરાવ્યું. વધુમાં વધુ લોન રૂપિયા બે હજારની અને ભરપાઈ કરવાની મુદ્દત વધુમાં વધુ દસ વર્ષની રાખવામાં આવી. ઓછામાં ઓછો વાર્ષિક હપ્તો રૂા. ર૦નો ઠરાવ્યો. દલિત કોમોના ગરીબ વર્ગના માણસોને માટે મફત મદદના રૂપિયા દસ લાખ નક્કી કરવામાં આવ્યા અને વધુમાં વધુ રૂા. ૫૦ સુધીની મફત મદદ આપવાનું નક્કી થયું. તા. ૩૦મીના રોજ સરકારે આ ખરડો મંજૂર કર્યો અને એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી.

વરસાદ બંધ થયા પછી તરત તા. ૩જી ઑગસ્ટના રોજ મુંબઈમાં સેન્ટ્રલ ફ્લડ રિલીફ કમિટીની સ્થાપના થઈ હતી. એ ફંડમાં સાડાતેર લાખ રૂપિયા એકઠા થયા હતા. તેમાંથી ગુજરાતમાં મદદ આપવા માટે તેમણે કેટલીક યોજનાઓ બનાવી. પણ ગુજરાત પ્રાંતિક સમિતિ તરફથી આખા સંકટગ્રસ્ત પ્રદેશમાં રાહતનું કામ ગોઠવાઈ ગયું હતું અને નાણાં પણ તેમને જોઈએ તેટલાં પ્રાંતિક સમિતિ તરફથી મળતાં હતાં, એટલે બૉમ્બે સેન્ટ્રલ ફંડનાં નાણાં ખર્ચાવાને માટે અવકાશ ન રહ્યો. એને લીધે એ ફંડના દાતાઓમાં કશી ગેરસમજ ઊભી થવા ન પામે એટલા માટે એના મંત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને સરદારની સહીથી એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવ્યું કે અનાજ, કપડાં, બિયાવું, દવા વગેરે તાત્કાલિક મદદ પૂરતા પ્રમાણમાં ગુજરાત પ્રાંતિક સમિતિ તરફથી અપાઈ છે. હવે તારાજ થયેલા ભાગોની પુનઃરચના કરવાનું કામ કરવાનું છે. ઘરો ફરી બાંધવાના સંબંધમાં સરકારે મદદ કરવાની પોતાની નીતિ જાહેર કરી છે તે પ્રમાણે લોકોને લોનો તથા દલિત વર્ગના ગરીબ લોકોને મફત મદદ મળશે. પણ મધ્યમ વર્ગના ગરીબ માણસો જેમની પાસે કોઈ જાતની જામીનગીરી ન હોય તેમને સરકાર તરફથી મદદ મળી શકે એમ નથી. આવાઓને મદદ આપવાનું સેન્ટ્રલ ફંડે માથે લીધું છે. આ ઉપરાંત ધર્મશાળાઓ, મંદિર, મસ્જિદો, લાઇબ્રેરીનાં મકાનો, હરિજનના કૂવા વગેરેને નુકસાન પહોંચ્યું છે તે સમરાવવામાં તથા ગામતળ બદલવા માટે જમીન મેળવવાની હોય તેમાં સેન્ટ્રલ ફંડ મદદ કરશે. સેન્ટ્રલ ફંડ કઈ એજન્સી મારફત આ કામ કરે એનો વિચાર કરતાં લાગે છે કે પ્રાંતિક સમિતિના કાર્યકર્તાઓ મારફત જ એ કામ કરવું સઘળી રીતે યોગ્ય છે એમનામાંથી થોડાંકનાં નામ લઇએ તો ભરૂચમાં ડૉ. ચંદુલાલ દેસાઈ, વડોદરામાં ડૉ. સુમન્ત મહેતા, આણંદમાં ઠક્કર બાપા, માતરમાં શ્રી નરહરિ પરીખ, ડાકોરમાં શ્રી મોહનલાલ પંડ્યા, નડિયાદમાં શ્રી લક્ષ્મીદાસ પુરુષોત્તમ, એવા વિશ્વાસપાત્ર અને અનુભવી કાર્યકર્તાઓ ગોઠવાઈ ગયા છે ત્યારે સેન્ટ્રલ ફંડ તરફથી બીજા માણસો ન જ મોકલી શકાય. આવા કાર્યકર્તાઓ કરતાં સારાની વાત તો કોરે રહી, પણ આમના જેવા સાચા અને વિશ્વાસપાત્ર બીજા કાર્યકર્તાઓ સેન્ટ્રલ ફંડને મળવા અશક્ય છે એટલે સેન્ટ્રલ ફંડે પોતાની તરફનું બધું કામ એમની મારફત કરવાનું નક્કી કર્યું છે.

સેન્ટ્રલ ફંડ તરફથી ઘરો બાંધવાની મફત મદદ માટે ખેડા જિલ્લામાં લગભગ સવાત્રણ લાખ રૂપિયા અપાયા અને વડોદરા રાજ્યમાં એક લાખ એકત્રીસ હજાર રૂપિયા અપાયા. તે ઉપરાંત સારી રકમનો સિમેન્ટ મફત વહેંચવામાં આવ્યો. વળી વડોદરા રાજ્યમાં તો તાત્કાલિક પ્રાથમિક મદદ માટે સેન્ટ્રલ ફંડ તરફથી ચાલીસેક હજાર રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા. ગામતળની જમીન મેળવી આપવા માટે, ધર્મશાળા વગેરે સાર્વજનિક મકાનની દુરસ્તી માટે તથા હરિજનના કૂવા સમરાવી આપવામાં સેન્ટ્રલ ફંડ તરફથી લગભગ પંચોતેર હજાર રૂપિયા મદદ આપવામાં આવી.

બાંધકામ સારુ રોકડ રૂપિયાની મદદ આપવામાં આવે અને તેને વાજબી ભાવે માલ ન મળી શકે તો મદદનો મોટો ભાગ વેપારીઓના નફામાં ચાલ્યો જાય. તે માટે પ્રાંતિક સમિતિ તરફથી મકાન બાંધકામનો સામાન વેચવાની દુકાનો ખોલવાની યોજના ઘડી કાઢવામાં આવી અને એ કામ એક પેટાસમિતિની દેખરેખ નીચે વડોદરાના કંટ્રાક્ટર શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલને સોંપવામાં આવ્યું. તે એમણે પ્રામાણિકપણે અને બાહોશીથી યશસ્વી રીતે પાર ઉતાર્યું. બિયાવું આપવામાં અનુભવ થયો હતો કે તગાવીની રોકડ રકમ આપવાને બદલે એટલી રકમની પ્રાંતિક સમિતિની બીની દુકાન ઉપર ચિઠ્ઠી આપવાથી તગાવીની રકમ બીજા કામમાં વાપરી નાખવાની લોકોને લાલચ રહેતી નથી અને સસ્તા દરે તેમને બિયાવું મળે છે. એ અનુભવ ઉપરથી આ વખતે પણ સરકાર તરફની લોન તથા સરકાર તરફની અને સેન્ટ્રલ ફંડ તરફની મફત મદદ પૂરેપૂરી રોકડી ન આપતાં અમુક રકમ રોકડી અને અમુક રકમ બાંધકામના સામાનની દુકાન ઉપર ચિઠ્ઠીના રૂપમાં આવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વ્યવસ્થાને લીધે વેપારીઓની નફાખોરીમાંથી લોકો બચી ગયા. એકલા ખેડા જિલ્લામાં લગભગ અઢાર લાખ રૂપિયાનો માલ ચિઠ્ઠીઓથી અને લગભગ આઠ લાખ રૂપિયાનો માલ રોકડેથી સમિતિની દુકાનોએથી વેચાયો. માલ લેનારાઓને બજારભાવ કરતાં એકંદરે વીસથી પચીસ ટકાનો બચાવ થયો એવો અંદાજ છે.

રાહતનું તમામ કામ કોમ કે ધર્મના ભેદભાવ વિના કરવામાં આવ્યું હતું. પણ રાહતનું કામ ચાલતું હતું તે અરસામાં કેટલીક જગ્યાએ હિંદુ મુસલમાન વચ્ચે બીજા કારણોસર ઘર્ષણ થયેલાં અને તેથી અમને સમિતિ તરફથી બરાબર રાહત મળતી નથી એવા આક્ષેપો કરી કેટલાક મુસલમાનોએ અલાયદી મદદની અપીલ કરી. આ ઉપરથી મુંબઈથી શેઠ ઇબ્રાહીમભાઈ કરીમભાઈ અને શ્રી લક્ષ્મીદાસ રવજી તેરસી તપાસ કરવા માટે ખેડા જિલ્લામાં આવ્યા. નડિયાદ, ખેડા, માતર, મહેમદાવાદ વગેરે મથકનાં રાહતનાં પત્રક અને મદદની વિગતોના આંકડા તપાસતાં તેમની ખાતરી થઈ કે જરાયે ભેદભાવ વિના દરેક કોમને મદદ કરવામાં આવે છે. વસ્તીના પ્રમાણમાં મુસલમાન તથા ખ્રિસ્તી કોમને વધુ મદદ મળી છે તે તેમણે આંકડા ઉપરથી જોયું. બીજું તેમણે એ પણ જોયું કે જિલ્લાની મુસ્લિમ રિલીફ કમિટી ઊભી કરવામાં આવી છે પણ તેના હિસાબનું બરાબર ઠેકાણું નથી અને રાહત આપવાનું પણ ચોક્કસ ધોરણ નથી. તેમ છતાં મુસલમાનોના સંતોષની ખાતર પ્રાંતિક સમિતિ તરફથી સત્યાગ્રહાશ્રમવાળા ઇમામસાહેબની મુસલમાનોની ફરિયાદો તપાસવા માટે ખાસ નિમણૂક કરવામાં આવી.

આ વખતે શ્રી વિઠ્ઠલભાઈ વડી ધારાસભાના પ્રમુખ હતા. ગુજરાતમાં રેલ ફરી વળ્યાના સમાચાર જાણ્યા ત્યારથી જ ગુજરાતમાં આવી બની શકે તે સેવા કરવા તેઓ ઉત્સુક હતા. પોતાના નામથી સંકટનિવારણ ફંડ પણ તેમણે ખોલ્યું હતું. ધારાસભાની બેઠક પૂરી થતાં જ તેઓ સિમલા છોડી તા. ર૭મી સપ્ટેમ્બરે નડિયાદ આવી પહોંચ્યા અને એક અદના સ્વયંસેવક તરીકે ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ શ્રી વલ્લભભાઈના હાથ નીચે કામ કરવા પોતે આવ્યા છે એવું જાહેર કર્યું. બીજે જ દિવસથી શ્રી દાદુભાઈ દેસાઈ તથા ઈમામ સાહેબ અબદુલકાદર બાવઝીરને સાથે રાખી સંકટગ્રસ્ત પ્રદેશમાં તેમણે ફરવા માંડ્યું. સામાન્ય રાહતનું કામ તો બરાબર ચાલતું જ હતું પણ ભારે નુકસાન થવાથી જ્યાં મોટી મદદ આપવાની હતી તે કામમાં તેમણે લક્ષ પરોવ્યું. કેટલીક જગ્યાએ નદી આખાં ને આખાં ખેતરો જ તાણી ગઈ હતી. તેમના માલિકોને રાહત આપવાની જરૂર હતી. કેટલીક જગાએ એકરો ને એકરો ખેતીની જમીન ઉપર ‘દડ ફૂંકાયો’ હતો એટલે કે નદીની રેતીના પાંચથી દસ ફૂટના થર બાઝી ગયા હતા અને વર્ષો સુધી આ ખેતરો ખેતીના ઉપયોગમાં ન આવે એવાં થઈ ગયાં હતાં. કેટલીક જગાએ નદીકાંઠાના ખેતરોમાંના કૂવા આખા ને આખા નદીની રેતીથી પુરાઈ ગયા હતા. શ્રી વિઠ્ઠલભાઈએ આવાં નુકસાન તરફ સરકારનું વિશેષ ધ્યાન ખેંચ્યું અને આ બધું નજરે જોવા વાઈસરૉયને સંકટગ્રસ્ત પ્રદેશમાં બોલાવ્યા. તેઓ સાહેબ અને લેડી અર્વિન ડિસેમ્બરની ૧૧મી તારીખે ગુજરાતમાં આવ્યાં. એક દિવસ અમદાવાદ જિલ્લાને અને એક દિવસ ખેડા જિલ્લાને તેઓએ આપ્યો અને બે દિવસમાં બન્ને જિલ્લાઓનાં જેટલાં મથકો ફરી શકાય તેટલાં મથકો ફર્યાં. તા. ૧રમીએ સાંજે શ્રી વિઠ્ઠલભાઇએ નડિયાદમાં વાઈસરૉયના માનમાં ‘ગાર્ડન પાર્ટી’ આપી, તેમાં સંકટનિવારણનું કામ કરનારા મુખ્ય મુખ્ય કાયકર્તાઓ તથા ગુજરાતના ધારાસભ્યોને આમંત્રણ આપ્યું. વાઈસરૉયે તેમાં કહ્યું કે, ‘બધું જોઈને તથા સાંભળીને મારી ખાતરી થઈ છે કે ગુજરાત પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો સંકટગ્રસ્ત પ્રદેશમાં વખતસર ન પહોંચી ગયા હોત તો આ જળપ્રલયમાં જાનની ખુવારી પ્રમાણમાં નજીવી છે તેને બદલે ઘણી ભયંકર થઈ હોત. આ ખુવારી અટકાવવાનું માન પ્રાંતિક સમિતિના સ્વયંસેવકોને ઘટે છે.’

બહુ નીચાણ પ્રદેશમાં આવેલાં જે ગામો રેલને લીધે આખાં ને આખાં તણાઈ ગયાં હતાં તેનાં ગામતળ બદલવાની જરૂર હતી. મહેમદાવાદ તાલુકામાં ૧૦૪ ઘરની વસ્તીવાળું દંતાવા નામનું ગામ નવી જગાએ ગામની તેમ જ ઘરની શાસ્ત્રીય રચના કરીને સ્વ○ મગનલાલ ગાંધીએ વસાવવાની યોજના કરી. તેનું ખાતમુહૂર્ત શ્રી વિઠ્ઠલભાઈને હાથે કરાવ્યું અને ગામનું નામ વિઠ્ઠલપુર રાખ્યું. આવાં પાંચ છ બીજાં ગામનાં ગામતળ પણ બદલવામાં આવ્યાં અને ત્યાં નવાં ગામોની રચના થઈ.

ગાંધીજી આ બધો વખત માંદગીને કારણે બૅંગલોરમાં હતા. ગુજરાતમાંથી કેટલાકે તેમને તાર કરેલા કે ગુજરાતના આ સંકટની વેળાએ તમારે ગુજરાતમાં આવવું જોઈએ. તેમણે સરદારને તાર કરીને પૂછ્યું કે, આવું ? સરદારે જવાબ આપ્યો કે, તમે દસ વર્ષ થયાં અમને જે તાલીમ આપતા રહ્યા છો તે અમે કેવી પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ તે જોવું હોય તો ન આવશો. તે ઉપરથી તેઓ રોકાયા. સરદાર સાથે અને બીજા કાર્યકર્તાઓ સાથે તેમનો પત્રવ્યહાર તો ચાલતો જ હતો. તે ઉપરાંત ‘નવજીવન’માં લેખો લખીને લોકોને તેઓ આશ્વાસન આપી રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન કરી રહ્યા હતા. મદદ માટે નાણાંની અપીલ કરતાં તેમણે લખ્યું :

“હું દોડી આવવાજોગ નથી રહ્યો. આ તરફ (દક્ષિણ)નાં મહાપૂરોનો જેમને ખ્યાલ છે તેઓ અત્યારે ગુજરાતનાં ગામેગામ કેવાં ખાવા ધાતાં હશે એ કંઈક કલ્પી શકે એમ છે. ખેડા જિલ્લાનો બાહોશ અને મહેનતુ ખેડૂત ત્યાંની આબાદીનો આધારસ્તંભ છે. તેનાં ઘરમાલ તારાજ થાય અને ગામડાંની ભાગોળો તેનાં કીમતી ઢોરોની લાશાથી ગંધાઈ ઊઠે એ ચિતાર હૃદયભેદક છે.
“કરોડોનું નુકસાન તત્કાળ ભરપાઈ કરવાને માણસની ગમે તેટલી મહેનત પણ અસમર્થ છે. કરોડોની કિંમતનાં પાક, ઢોર, ઘરવખરી તથા બી નાશ પામ્યાં. ખેડૂતોએ મહામહેનતે ખેતરોમાં પૂરેલાં કીમતી ખાતર સમુદ્રમાં જઈ સમાયાં. એ ખોટ કોણ પૂરી શકે ? પણ જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે, તેના જખમ પર પ્રેમ અને આશ્વાસનનો એક બોલ પણ દવારૂપ છે. મને આશા છે, મારી આ અપીલ જેના જેના વાંચવામાં આવે તે મદદ કર્યા વિના નહીં રહે.
“સંકટનિવારણનું કામ ગુજરાત પ્રાંતિક સમિતિ હેઠળ ચાલી રહ્યું છે. વલ્લભભાઈ પાસે અનુભવી અને તાલીમ પામેલા, ગુજરાતનાં ગામેગામના ભોમિયા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો પડ્યા છે. તેથી દાન આપવા ઇચ્છનારાઓએ કોઈ જાતનો અંદેશો રાખવાનું કારણ નથી. . . . અત્યારે જે વહેલું આપો તેણે બમણું આપ્યા બરાબર લેખાશે.”

વિદ્યાર્થીઓને સંબોધીને તેમણે બીજા એક લેખમાં લખ્યું :

“વિદ્યાર્થીઓ સંકટનિવારણમાં જાતમહેનતનો ફાળો સરસ રીતે આપી રહ્યા છે એ વાંચીને મારું હૃદય ફૂલે છે. . . . મારી ઉમેદ છે કે કોઈ વિદ્યાર્થી એમ નહીં માનતા હોય અથવા વિદ્યાર્થિની એમ નહીં માનતી હોય કે, ‘ભણતર છોડીને આ ઉપાધિમાં ક્યાંથી પડ્યાં.’ એમ મનમાં ઉદ્વેગ થાય તો એ સેવા શરમે અને કમને કરી ગણાય, ને એટલી કાચી.”

દાનનો સદુપયોગ થાય, લોકો લાલચુ ન બને અને સ્વયંસેવકો વિચારપૂર્વક બધું કામ કરે એ વિષે તેમની સૂચનાઓ બહુ કીમતી છે :

“છેક ગરીબ રહી જાય અને બળિયો લઈ જાચ એ ભયથી પણ બચવાનું છે. જોકે તાણ છતાં મદદ નહીં જ લેનારાના સુંદર દાખલા મારી પાસે અત્યારથી જ આવવા લાગ્યા છે. તોપણ મદદ મળે છે તેથી લઈ લેનારા પડ્યા જ છે એમ હું પૂર્વના અનુભવ ઉપરથી જાણું છું. જ્યાં આપવાની જરૂર ન હોય ત્યાં ખોટી દયાથી, ડરથી કે શરમથી એક કોડી પણ ન આપવાનો નિયમ એટલો જ આવશ્યક છે જેટલો લાયક ને ગમે તે ભોગે મદદ પહોંચાડવાનો છે.

“આ ભયાનક પ્રસંગે માણસનું મન બહુ ઉદાર થાય છે, ને માગે તેને તે આપવા ઇચ્છે છે. આવા અમર્યાદિત દાનથી લોકોનું ભલું થાય છે એમ હું નથી માનતો. સામાન્ય નિયમ તો એ છે કે સૌએ પોતપોતાની ઉપર આવી પડેલું દુ:ખ ઉપાડી લેવું. જો બધા પોતપોતાનો બોજો ઊંચકી લે તો આ જગતમાં અપંગ બહુ થોડા જ નીકળે. પણ ઘણા માણસો અનેક પ્રકારે બીજાની ઉપર બોજારૂપ થઈ પડે છે અને અધિકાર કરતાં વધારે ભોગ ભોગવે છે. તેથી જ દરિદ્રી અને અપંગની મોટી સંખ્યા જોવામાં આવે છે. એટલે આ પ્રસંગે ખરી અને મોટામાં મોટી મદદ તો થોડા જ દિવસો સુધી કરવાની હોય છે. જેની પાસે ખાવા પહેરવાનું ન હોય તેને થોડી મુદ્દતને સારુ તે પહોંચાડવું. પછી તો સહુને તેમનો માર્ગ બતાવવાનું રહે છે. જેના હાથપગ સાજાતાજા છે તેને પૈસાનું દાન ઘણે ભાગે ન જ હોય.”

નવરચના બાબત તેમણે લખ્યું :

“મહાપ્રલય પછી તો નવી જ સુષ્ટિ રચાય છે. આ પ્રલય મહાપ્રલયમાં ભલે ન ખપે પણ જાત તો એ જ છે. તેથી જે સ્વયંસેવકો સુધારક હોય, જ્ઞાની હોય, ધીરજવાન હોય તે નવી સૃષ્ટિ પણ રચે. લોકોની બૂરી આદતો હોય તેનો હોમ કરવા તેમને લલચાવે. ઘરો બાંધવામાં નવા વિચારો દાખલ કરાવે. જે ગામ ઉજ્જડ થઈ ગયાં છે તે જેમ તેમ પાછાં ઊભાં થાય, તેને બદલે તેની નવી સુવ્યવસ્થિત રચના થાય. જ્યાં વખતોવખત રેલો આવતી હોય તેવાં ગામો ખસેડીને બીજે નવાં વસાવાય.
“પણ આ કામ એક હાથે ન થાય. તેમાં સમાજનાં અગ્રગણ્ય અને ડાહ્યા સ્ત્રીપુરુષોની સલાહ ને પ્રવૃત્તિ હોય. એમાં તો રાજ્યસત્તાનો પણ શુદ્ધ સહકાર જોઈએ.
“મારી પ્રાર્થના તો વલ્લભભાઈની અને એવા પ્રકારની ટુકડીઓને ઉદ્દેશીને છે.”

ગાંધીજીની આ સલાહની લોકો ઉપર તેમ જ કાર્યકર્તાઓ ઉપર સારી અસર થઈ અને નવરચનાનું કામ બને તેટલું સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન થયો. મુંબઈ સરકારના નાણામંત્રી સર ચૂનીલાલ મહેતાએ ધારાસભામાં સંકટનિવારણને અંગે થયેલા ખર્ચનો હિસાબ રજૂ કરતાં પોતાના ભાષણમાં સરદારની સમયસૂચકતા, બાહોશી અને વ્યવસ્થાશક્તિની બહુ તારીફ કરી અને ગાંધીજીની ગેરહાજરીમાં તેમના સ્થાનને સારું દીપાવ્યું એમ જાહેર કર્યું. કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ જે શિસ્ત અને કુશળતા બતાવી, તે પણ ગાંધીજીની આટલાં વર્ષની તાલીમનું સુપરિણામ છે એમ સ્વીકાર્યું.

સરકારે મિ. ગૅરેટને રેલ સંકટનિવારણના ખાસ અમલદાર નીમ્યા હતા. તેને અંગે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓના તેઓ ઠીક ઠીક પરિચયમાં આવ્યા. અસહકારીઓ સરકાર સામે ધાંધલ ઊભું કરવાની જ પ્રવૃત્તિ કરે છે એવી માન્યતા સામાન્ય રીતે સરકારી અમલદારોની તે વખતે હતી. પણ સરદારના મ્યુનિસિપલ કામનો એ લોકોને અનુભવ હતો. અને તેને અંગે કેટલાકની સાથે તેમને મીઠી મૈત્રીનો સંબંધ પણ થયો હતો. આ કામમાં તો સરકારી અમલદારો સાથે તમામ કાર્યકર્તાઓએ સુંદર સહકાર કર્યો હતો અને પોતાની વ્યવસ્થાશક્તિની તેમણે એમના ઉપર ખૂબ છાપ પાડી હતી. એટલે મિ. ગૅરેટે એક વાર સરદારને પૂછ્યું કે, ‘આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય મુખ્ય સાથીઓને સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી ભલામણ હું કરું તો તેમાં તમને કશો વાંધો છે ?’ સરદાર આ સાંભળી ખડખડાટ હસ્યા. તેમણે જવાબ આપ્યો કે, મારા સાથીઓ તો તમારા માનચાંદથી બાર ગાઉ દૂર ભાગે એવા છે. સેવાનાં કાર્યોમાં જ એમને આનંદ છે. એમને તો કીર્તિ કે જાહેરાત પણ નથી જોઈતી.

સરદારે અને એમના સાથીઓએ આ કાર્ય લોકપ્રીત્યર્થે અથવા આત્મસંતોષને અર્થે જ કર્યું હતું. સરદારથી માંડીને નાનામાં નાના સ્વયંસેવકની મોટામાં મોટી અને ઊંડામાં ઊંડી ઈચ્છા એ હતી કે ગાંધીજી જેઓ બૅંગલોરમાં માંદગીને બિછાને હતા અને જેમનો આત્મા ગુજરાતના પીડિતો માટે દ્રવી રહ્યો હતો તેમણે આટલાં વર્ષોથી હૃદય નિચોવીની નિચોવીને આપેલી તાલીમને બરાબર દીપાવવી. તેથી જ સ્વયંસેવકોએ ઉપરથી જે હુકમ આવ્યો તે હુકમનો અમલ કરવા વિષે કોઈ દિવસ આનાકાની નહોતી કરી. સરદારે પણ હુકમ છોડવામાં સંકોચ નહોતો રાખ્યો અને તેની સાથે સાધનો પૂરાં પાડવામાં પણ મણા નહોતી રાખી. મથકો ઉપર જેમને બેસાડ્યા હતા તેમને જાણે કોરી ચેકબુક આપી દીધી હતી. તેમની પેન્સિલથી લખેલી ચિઠ્ઠી એમને મધરાતે મળી હશે તો તે વખતે ઊઠીને પણ સરદારે નાણાં મોકલ્યાં હતાં. તેમના દિલમાં એક જ લગની હતી કે આખા સંકટગ્રસ્ત વિસ્તારમાં કોઈ અનાજ વિના ભૂખ્યું ન રહે, કપડાં વિના ટાઢે ન મરે અને બી કે ખેતીનાં સાધન વિના એક ચાસ પણ જમીન વાવેતર વિનાની ન રહે. તેમની આ અભિલાષા અક્ષરશઃ પાર પડી અને તે ઉપરાંત પડી ગયેલાં ઘરો ફરી ઊભાં કરવાનું અને બિલકુલ નાશ પામી ગયેલાં ગામડાંની નવરચનાનું કામ પણ થયું.

ગુજરાતમાં આ વખતે જેવો જળપ્રલય થયો તેવા અથવા તેથી વિશેષ વિનાશકારી કુદરતના કોપ પહેલાં ઘણા થયા હશે પણ તેને માટે રાહતનું કામ જેવું વ્યવસ્થિત અને વિશાળ પાયા ઉપર આ વખતે થયું તેવું પહેલાં કદાચ નહીં થયું હશે. આ કામથી રાહતકાર્યની એક નવી પ્રણાલિકા શરૂ થઈ અને બિહારના વિકરાળ ભૂકંપ વખતે ગુજરાતના કાર્યકર્તાઓએ ત્યાં જઈ પોતાના અનુભવનો લાભ બિહારને આપ્યો.