લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/બારડોલી સત્યાગ્રહ

વિકિસ્રોતમાંથી
← ગુજરાતમાં રેલસંકટ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
બારડોલી સત્યાગ્રહ
નરહરિ પરીખ
૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ →


.


૨૭

બારડોલી સત્યાગ્રહ

સને ૧૯૨૧ની અમદાવાદની કૉંગ્રેસ પછી સ્વરાજને માટે બારડોલી તાલુકામાંથી સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવા ધારેલી તે બંધ રહ્યા પછી અને ગાંધીજીના પકડાયા પછી સરદારે પોતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્ય જોસથી ચાલુ રાખી કોક દિવસ બારડોલીને જ સત્યાગ્રહ માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. જોકે વાતાવરણ ધીમે ધીમે ઠંડું પડતું જતું હતું અને કાંઈક નિરાશા પણ વ્યાપવા માંડી હતી. છતાં એ વાતાવરણની પરવા કર્યા વિના કસાયેલા સેવકો તાલુકાના જુદા જુદા ભાગમાં થાણાં સ્થાપી, અડંગા નાખીને પડ્યા હતા અને આ ભૂમિને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરી હતી એ વાતનું સ્મરણ લોકોમાં જાગ્રત રાખતા હતા. છેવટે ૧૯૨૮માં જમીનમહેસૂલવધારાના પ્રશ્ન ઉપર સરકારને પડકાર આપવાની તક પ્રાપ્ત થઈ તે સરદારે વધાવી લીધી અને લોકો પાસે એ સફળ સત્યાગ્રહ કરાવ્યો જેની વીજળીક અસર આખા દેશ ઉપર પડી અને જેમાં નવી આશા અને નવા ઉત્સાહનો સંચાર થયો.

મુંબઈ ઇલાકામાં દર ત્રીસ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન મહેસૂલના આકારમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકાની છેલ્લી જમાબંધી સને ૧૮૯૬માં થઈ હતી. એટલે ચાલતી પ્રથા પ્રમાણે સને ૧૯ર૬ માં એમાં સુધારો કરવાનો સમય આવી પહોંચ્યો હતો. એ વેળાના સુરતના એક ડેપ્યુટી કલેક્ટર શ્રી જયકરને આકારણી અમલદાર નીમવામાં આવ્યા. તેમણે જમીન મહેસૂલના ચાલુ દરમાં પચીસ ટકાનો વધારો સૂચવ્યો. વળી ૨૩ ગામને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચઢાવવામાં આવ્યાં. એટલે એ ગામ ઉપર ઉપલા વર્ગના વધારે મહેસૂલનો તથા મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો. આમ આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. ચાલુ મહેસૂલ રૂા. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણો તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં :

૧. ગઈ જમાબંધી પછી ટાપ્ટી વેલી રેલવે નવી ખોલવામાં આવી છે અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.

૨. વસ્તીમાં ૩૮૦૦નો વધારો થયો છે.
૩. ખેતીવાડીનાં સાધનો, ગાડાં અને દૂઝણાં ઢોરની સંખ્યામાં વધારો થયો છે.
૪. અનેક પાકાં મકાનો વધ્યાં છે.
૫. રાનીપરજ લોકોની સ્થિતિમાં કેળવણી અને દારૂનિષેધની પ્રવૃત્તિથી સુધારો થયો છે.
૬. અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
૭. ખેતીની મજૂરી બમણી વધી ગઈ છે.
૮. જમીનની કિંમતમાં તેમ જ ગણોતના દરમાં વધારો જ થતો જાય છે.
૯. ત્રીસ વરસ ઉપર જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં સને ૧૯૨૪ના ભાવ પ્રમાણે રૂપિયા પંદર લાખનો વધારો થયેલ છે.

બારડોલી તાલુકા સમિતિએ આ રિપોર્ટનો જવાબ તૈયાર કરવા એક કમિટી નીમી. હું તેનો પ્રમુખ હતો. રિપોર્ટનો અભ્યાસ કરી તથા તાલુકામાં ફરી, આકારણી અમલદારે જણાવેલી હકીકતોને ખોટી પાડનારો પુરાવો અમે ભેગો કર્યો ‘નવજીવન’માં એક લેખમાળા લખી મેં રિપોર્ટની વિસ્તીર્ણ સમાલોચના કરી અને વધારાની ભલામણો માટે આપેલાં સઘળાં કારણોના ચોક્કસ રદિયો આપી તે પાયા વિનાનાં પુરવાર કર્યા.

સરકારની જમીનમહેસૂલ કરાવવાની પદ્ધતિ કોઈ ચોક્કસ ધોરણ ઉપર રચાયેલી નથી એવી ટીકાઓ લોકનેતાઓ તેમ કેટલાક સરકારી અમલદાર તરફથી ઘણાં વર્ષોથી થયા કરતી હતી. તેથી સને ૧૯૦૨માં એક વિસ્તૃત યાદી બહાર પાડીને સરકારે જાહેર કર્યું હતું કે ખેતીના ચોખ્ખા નફાના પ૦ ટકા કરતાં જમીન મહેસૂલ વધારે હોવું જોઈએ નહીં. આ ધોરણ ઉપર પણ બહુ ટીકાઓ થઈ. એટલે ૧૯૨૪માં મુંબઈ સરકારે એક કમિટી નીમી. તેણે વધુમતે ભલામણ કરી કે ખેડૂતને જે ચોખ્ખો નફો થાય તેના ૨૫ ટકા જેટલો સરકારધારો હોવો જોઈએ. પણ સરકારે વધુમતીની ભલામણ માન્ય ન રાખી અને ઠરાવ્યું કે, ‘ચોખ્ખા નફાનો ૫૦ ટકા જેટલો સરકારધારો લેવાની ‘ચાલુ‘ પદ્ધતિને વળગી રહેવું જોઈએ.’ પણ ખેતીનો ચોખ્ખો નફો શી રીતે ઠરાવવો એ કૂટ પ્રશ્ન હતો. એકંદરે ખેતી એ નફાનો નહીં પણ ખોટનો ધંધો છે, પણ જેમાં કરોડો લોકોને કામ મળે એવા બીજા કોઈ ઉદ્યોગને અભાવે લોકો નાછૂટકે ખેતીને વળગી રહે છે અને અધભૂખ્યા રહી કંગાળ અને દેવાદાર દશામાં પોતાનું જીવન વિતાવે છે.

તે વખતે મિ. ઍન્ડર્સન નામના ગૃહસ્થ સેટલમેન્ટ કમિશનર હતા. તેમનું કહેવું એમ હતું કે હિંદુસ્તાન જેવા વિશાળ દેશમાં ખેતી કરવાની પદ્ધતિ, મજૂરી આપવાની રીત વગેરે બાબતોમાં એટલી બધી વિવિધતા છે કે પોતાની ખેતીમાં ખેડૂતને કેટલું ખર્ચ થયું એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. અને ખેતીનું ખર્ચ ન ગણી શકાય તો ખેતીનો ચોખ્ખો નફો શી રીતે તારવી શકાય ? માટે ગણોતે અપાતી જમીનના ગણોતને જ ખેતીનો ચોખ્ખો નફો ગણવો જોઈએ. મહેસૂલમાં તેમને વધારો તો કરવો જ હતો પણ તે માટે શ્રી જયકરની દલીલો ચાલે એવી તેમને ન લાગી. શ્રી જયકરના રિપોર્ટ ઉપર તેમનો મુખ્ય સપાટો એ હતો કે :

“હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધી જાય છે એના ઉપર જ બધો આધાર રાખ્યો છે. . . . તે જણાવે છે કે તાલુકાની ખેતીના કુલ ઉત્પન્નમાં લગભગ પંદર લાખ જેટલો વધારો થયો છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતો જણાય છે કે એમ કહેવાનો કશો અર્થ નથી. કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ પંદર લાખ વધ્યું છે, તો વધારે મહેસૂલ લેવાને કોઈ આધાર રહેતો નથી. વારુ, પણ ખેતીનું ખર્ચ, પંદર નહીં પણ સત્તર લાખ વધ્યું હોય તો તો મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી. . . . આમ તેઓ કિલ્લાનો મુખ્ય દરવાજો જ ખુલ્લો રાખે છે, એટલે કોઈને હુમલો કરવો હોય તો ઘડીમાં એના કાચા કિલ્લા ઉપર તૂટી પડી તેને સર કરી શકે એમ છે. ખેતીનું ખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કોઈ બતાવી દે એટલે શ્રી જયકર પાસે કશો જવાબ જ રહેતો નથી. આ સમજ્યા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલ આકારણી ખેતીના ખર્ચ, ઉત્પન્ન અને તેના ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય.”

આમ કહીને ઍન્ડર્સન સાહેબે શ્રી જયકરનો આખો રિપોર્ટ ફેંકી દીધો. માત્ર ગણોતના આંકડાવાળી પુરવણી, જે પછીની તપાસમાં ભારે બેદરકારીથી તૈયાર કરેલી અને અનેક ભૂલોવાળી સાબિત થઈ, તે તેમણે આંખો મીંચીને સ્વીકારી અને તેમાંય એક બાબતમાં તો તેઓ ભીંત ભૂલ્યા. શ્રી જયકરે પોતાની પુરવણીમાં સાત વર્ષનાં ગણોતો લીધાં હતાં અને સાતે વર્ષમાં ગણોતે અપાયેલી જમીનનો સરવાળો ૪૨,૯૨૩ એકર થતો હતો. એટલે ખરી રીતે તો દર વર્ષે છ હજાર એકર જમીન ગણોતે અપાતી હતી. પણ ઍન્ડર્સન સાહેબે એવી ગણતરી કરી કે તાલુકાની કુલ જમીન ૧,૨૭,૦૦૦ એકર છે તેમાંથી ૪૩,૦૦૦ એકર જમીન ગણોતે અપાય છે, એટલે કે આખા તાલુકાની ત્રીજા ભાગ જેટલી જમીન ગણોતે અપાય છે. આમાં આધભાગે અને બીજી રીતે અપાતી જમીન ઉમેરીને તેમણે હિસાબ કાઢ્યો કે કુલ જમીનની અડધોઅડધ જમીન ગણોતે અપાય છે !

આવા ખોટા હિસાબ ઉપર મંડાણ રચી તેમણે કુલ ૨૯ ટકાના વધારાની ભલામણ કરી. આમ સરકારની આગળ બે ઢંગધડા વગરના રિપોર્ટો જઈને પડ્યા. સને ૧૯૨૭ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામોનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ ઑફિસરની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી. સેટલમેન્ટ કમિશનરે સૂચવેલો ર૯ ટકાનો વધારો અને સેટલમેન્ટ ઑફિસરે સૂચવેલો ૩૦ ટકાનો વધારો, એ બેને બદલે ૨૨ ટકા વધારો કરાવ્યો. તેનું કારણ એ જણાવ્યું કે કપાસના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડો ધ્યાનમાં લેવો જોઈએ.

બન્ને રિપોર્ટમાં કરવામાં આવેલી દલીલોનો લોકપક્ષ તરફથી નીચે પ્રમાણે જવાબ હતો :

૧. સેટલમેન્ટ કમિશનર મિ. એન્ડર્સને તો તાલુકામાં ડોકિયું પણ કર્યા વિના ઑફિસમાં બેઠે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. પણ સેટલમેન્ટ ઑફિસર શ્રી જયકરે પણ તાલુકામાં લોકોને મળ્યા વિના, તેમની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લોકોને પોતાની વાતો સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાના ગામોએ ઘોડા દોડાવી ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપરથી પોતાની આકારણીના દરો નક્કી કર્યા હતા.

૨. ટાપ્ટી વેલી રેલવેથી ગામડાંને ફાયદો થયો તે કારણે શ્રી જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચઢાવ્યા અને મિ. ઍન્ડર્સને તેમની દલીલને ટેકો આપ્યો પણ ૧૮૯૬માં જમાબંધી કરતી વેળાએ તે વખતના સેટલમેન્ટ ઑફિસરે રેલવેની વાત ધ્યાનમાં લઈને તે ગામોના દર વધાર્યા જ હતા. પોતાના રિપોર્ટમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે:

“બી. બી. સી. આઈ. રેલવેના એજન્ટ પાસેથી મને ખબર મળી છે કે ટાપ્ટી લાઈન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સુરતની સાથે રેલવેથી જોડાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને આ આકારણી દાખલ થયા પછી ત્રીસ વર્ષ ચાલશે, માટે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલવેના ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.”

૩. બારડોલી તાલુકાના પાકા નવા રસ્તાઓ વિષે તો કશું કહેવા જેવું જ નથી. આજે ૧૯૫૦માં જે પાકી સડકો કહેવાય છે તે ગામડાંની ગરેડો કરતાં બહુ ચઢે એવી નથી. કેટલાંય વર્ષ ઉપર એક આકારણી અમલદારે લખ્યું હતું કે એ રસ્તા ‘માણસ અને પશુનાં કાળજાં તોડે એવા’ છે. બારડોલી તાલુકો જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતો આવ્યો છે, તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ. ૧૯ર૬ સુધી તો એવો કોઈ સારો રસ્તો બારડોલી તાલુકામાં થયો ન હતો.

૪. તાલુકાની વસ્તીમાં ત્રીસ વર્ષમાં ૩૮૦૦નો વધારો થયો, એ વધારો કહેવાતો હશે ?

૫. ઢોરમાં એકલી ભેંસોની સંખ્યા થોડી વધી હતી પણ બળદની સંખ્યામાં ઘટાડો થયાનું શ્રી જયકરે પણ કબૂલ કર્યું હતું.

૬. પાકાં નવાં મકાન મોટે ભાગે લોકોએ આફ્રિકાથી ધન કમાઈ લાવીને બાંધ્યાં હતાં.

૭. રાનીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધની ચળવળ લોકોએ ચલાવી તેથી શું તેમના ઉપર ૨૨ ટકા મહેસૂલ વધારવું ? હકીકતમાં તો એ લોકો ઉપર કરજનો બોજો વધતો જતો હતો અને લોકો જમીન ખોતા જતા હતા.

૮. માલના ભાવ લડાઈને કારણે ૧૯૧૮ પછી વધવા માંડ્યા હતા પણ ૧૯૨૫ પછી ઘટવાના શરૂ પણ થઈ ગયા હતા.

૯. ખેતીનું ખર્ચ બમણું નહીં પણ ચાર ગણું વધ્યું હતું. જે બળદ જોડના સો રૂપિયા પડતા તેના ૧૯૨૫–૨૬ માં ચારસો પડતા. જે ગાડાં પચાસ કે પોણોસો રૂપિયે થતાં તેના દોઢસો આપવા પડતા. જે દૂબળો પચીસ કે ત્રીસ રૂપિયે કામે બંધાતો તે બસો કે ત્રણસો રૂપિયે પણ નહોતો મળતો.

૧૦. જમીનની કિંમતમાં લડાઈ પછીનાં વરસોમાં વધારો થયો હતો ખરો, પણ ગામેગામ થયેલાં વેચાણની તપાસ કરતાં મોટા ભાગનાં વેચાણ પરદેશથી કમાઈ આવેલા લોકોએ કરેલાં જોવામાં આવ્યાં હતાં. સેટલમેન્ટ રિપોર્ટમાં પરદેશની કમાણીનો ઉલ્લેખ સરખો નહોતો.

૧૧. ગણોતના દાખલાઓમાંથી વેચાણ ગીરો જેમાં વ્યાજ ગણોત તરીકે ગણવામાં આવ્યું હોય, જમીનમાં ખાતર નાખવાથી અથવા બીજો સુધારો કરવાથી વધુ ગણોત ઊપજ્યું હોય, પોતાના ખેતરની નજીકનું જ ખેતર ખેડૂત ગણોતે રાખે તેના ચાલુ દર કરતાં વધુ પણ આપે, એવાં એવાં કારણોએ ભારે ગણોતો ઊપજ્યાના દાખલાની બરાબર તપાસ કરી તે બાદ કરવાં જોઈએ અને શુદ્ધ ગણોત તારવવાં જોઈએ. પણ સેટલમેન્ટ ઑફિસરે આવી કશી તપાસ કરી નહોતી.

બારડોલી તાલુકા સમિતિએ નીમેલી તપાસ સમિતિએ રિપોર્ટની એકેએક દલીલના ઉપર પ્રમાણે રદિયા આપ્યા અને વધારો તો શું પણ ચાલુ દર પણ વાજબી નથી એ ખેડૂતોના આવકખર્ચના આંકડા આપી બતાવ્યું. ધારાસભામાંના પોતાના પ્રતિનિધિઓને આગળ કરી લોકો રેવન્યુ મેમ્બરની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. સરકારનો ઠરાવ બહાર પડ્યા પછી તાલુકાના ખેડૂતોની એક પરિષદ રા○ સા○ દાદુભાઈ દેસાઈના પ્રમુખપણા નીચે થઈ અને વધારાની રકમ ન ભરવાનો ઠરાવ કર્યો. આ બધાની કશી અસર ન થઈ અને કીસના હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાના તલાટીઓ ઉપર હુકમ નીકળ્યા.

આ સંજોગોમાં લોકોએ શું કરવું ? તેઓ સરદાર પાસે ગયા. પણ તેમણે જવાબ આપ્યો કે ધારાસભાના સભ્યો તમને દોરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ મને શોભે નહીં. ધારાસભાના સભ્યોએ લોકોને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તમારે બીજું જે કાંઈ કરવું હોય તે કરો. આમ તેમની સલાહ અને સંમતિ મેળવીને લોકો ફરી પાછા સરદાર પાસે ગયા. આ વખતે તેમની સાથે તાલુકા સમિતિના મંત્રી ખુશાલભાઈ તથા બારડોલી તાલુકાના બીજા કાર્યકર્તાઓ શ્રી કુંવરજીભાઈ, કલ્યાણજીભાઈ, કેશવભાઈ વગેરે હતા. સરદારે શાંતિથી તેમની વાત સાંભળી, કંઈક આશા આપી અને કહ્યું: ‘તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો જ નહીં, પણ આખું મહેસૂલ ન ભરવા ખેડૂતો તૈયાર હોય અને તેમ કરતાં છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. તમે આખા તાલુકામાં ફરી વળો અને લોકો શું કહે છે તથા કેટલા તૈયાર છે તેની તપાસ કરી મને જણાવો.’

આ વાત તા. ૨૦મી જાન્યુઆરીના અરસામાં બની. કીસનો હપ્તો પમી ફેબ્રુઆરીથી શરૂ થતો હતો. એટલે આઠદસ દિવસમાં જ તપાસ કરવાની હતી. રાત કે દિવસ જાણ્યા સિવાય આખો તાલુકો કાર્યકર્તાઓ ખૂંદી વળ્યા અને ઘણાંખરાં ગામનો અભિપ્રાય જાણી લઈ તેઓ પાછા અમદાવાદ આવ્યા. આ વખતે તેઓ પોતાની સાથે દરબાર સાહેબ તથા પંડ્યાજીને અને રવિશંકર મહારાજને પણ લાવ્યા હતા. સરદારની સાથે બધું મંડળ આશ્રમમાં ગાંધીજી પાસે ગયું. સરદારે ગાંધીજીને કહ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. સરદારે નિશ્ચય કરી લીધો છે એમ જાણતાની સાથે જ ગાંધીજી બોલ્યા : ‘ત્યારે મારે તો એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હો.’

તા. ૪થી ફેબ્રુઆરીએ સરદાર બારડોલી પહોંચ્યા. તે દિવસે તેમના પ્રમુખપણા નીચે આખા તાલુકાના ખેડૂતોની પરિષદ રાખવામાં આવી હતી. તેમાં ૮૫૦ ગામના નાનેથી મોટા ખેડૂતો આવ્યા હતા. બધાની ખૂબ ચકાસણી કરી જોયા પછી સરદારે જાહેર ભાષણમાં તેમને ગંભીર ચેતવણી આપી :

“મારી સાથે ખેલ ન થાય. બિનજોખમી કામમાં હું હાથ ઘાલનારો નથી. જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ. ૧૯૨૧માં આપણી કસોટી થવાની હતી પણ ન થઈ. હવે સમય આવ્યો છે. પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી; અનેક તાલુકાઓ અને અનેક જિલ્લાઓનો છે. તમે હારશો તો બધાનું ભાવી બગડશે.”

આવી આવી વાતો સંભળાવી, શાંતિથી બધાં જોખમોનો વિચાર કરી નિશ્ચય કરવા માટે લોકોને સાત દિવસની મુદ્દત આપી સરદાર પાછા અમદાવાદ આવ્યા, અને તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરને વિગતવાર કાગળ લખ્યો. તેમાં જણાવ્યું :

“મારી વિનંતી એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં મુલતવી રાખે અને આખો કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવે અને સરકાર ખાતરી આપે કે લોકોની રજૂઆતને પૂરતું વજન આપવામાં આવશે.. . . .આ લડત તીવ્ર સ્વરૂપ પકડે તેવો સંભવ છે. પણ તે અટકાવવી આપના હાથમાં છે. રૂબરૂ મળવા જેવું લાગે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.”

ગામોનું નવું વગીકરણ કરી કેટલાંક ગામોને ઉપલા વર્ગમાં ચઢાવી તેનું જમીનમહેસૂલ પ૦ થી ૬૦ ટકા વધાર્યં હતું તેમાં સરકારે કેટલીક કાયદાની ભૂલો કરી હતી. એ તરફ પણ એ જ કાગળમાં તેનું ધ્યાન ખેંચ્યું. આ કાગળનો એક ટૂંકો ને ટચ જવાબ ગર્વનરના પ્રાઇવેટ સેક્રેટરીએ લખ્યો કે તમારો કાગળ નિકાલ માટે મહેસૂલ ખાતા તરફ રવાના કરવામાં આવ્યો છે. તા. ૧૧મી સુધી મહેસૂલ ખાતાનો જવાબ ન આવ્યો એટલે ખેડૂતોને વિચાર કરવા આપેલી મુદત પૂરી થતાં તા. ૧રમીએ સરદાર બારડોલી પહોંચ્યા. લોકો સાથે પેટ ભરીને ચર્ચા કરી. એકેએક ગામના માણસોને ફેરવી ફેરવીને સવાલો પૂછ્યા. તેમના જવાબોમાં સાચનો રણકાર, પાકી દૃઢતા અને મક્કમ નિશ્ચય દેખાયો. છતાં સરદારે વધુ ચેતવણી આપી :

“આ લડતમાં ભારે જોખમો રહેલાં છે. જોખમભરેલું કામ ન કરવું એ સારું, પણ કરવું તો હરકોઈ ભોગે પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે. મજબૂત રહેશો તો આખા દેશને લાભ પહોંચાડશો. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે તેના જોરે લડશું એવું મનમાં હોય તો લડશો જ મા. કારણ તમે જો તૂટી પડ્યા તો સો વરસ સુધી નથી ઊઠવાના એ ખચીત માનજો. આપણે જે ઠરાવ કરવો છે તે ઠરાવ તમારે જ કરવાનો છે. માટે પૂરો વિચાર કરીને, બરાબર સમજીને જે કરવા ધારો તે કરશો.”

તા. ૪થી તથા તા. ૧રમીની સભાઓમાં ચોર્યાસી તાલુકાના પણ ઘણા ખેડૂતો આવ્યા હતા. કારણ, એ તાલુકામાં પણ નવી આકારણી થઈ હતી અને જમીનમહેસૂલના દરમાં વધારો થયો હતો. સરદારે તેમની સાથે પણ ખૂબ વાતો કરી અને તેમને સમજાવ્યા :

“બારડોલી સત્યાગ્રહ કેવળ બારડોલીને જ મદદ નહીં કરે, ચોર્યાસીનું કામ અનાયાસે થશે. અમારાથી આજે બે તાલુકાને પહોંચાય એવી સ્થિતિ નથી. . . . વળી, તમારે ત્યાં ૪૦-૫૦ ટકા જેટલા ખાતેદારો તો સુરત રાંદેરના ધનાઢ્ય માણસો છે. એમના ઉપર કલેક્ટર કમિશનરનું દબાણ પણ ચાલી શકે. એ લોકો ઝટ પૈસા ભરી દે અને પછી તમે લોકો ગભરાઈ જાઓ. હું તમને આમ ખાડામાં કેમ ઉતારું ? આપણી પિછોડી જોઈને જ શેડ તાણવી જોઈએ. બાકી બારડોલીનું જે થશે તે તમારું પણ થવાનું જ એમ ચોક્કસ માનજો.”

ચોર્યાસીના લોકો આ વાત સમજી ગયા. પછી સરદાર જાહેર સભામાં ગયા અને બધી વસ્તુ સભાને વિસ્તારથી સમજાવી. તેનો સાર ભાગ નીચે આપ્યો છે:

“મેં સરકારને કાગળ લખ્યો હતો. તેમાં નિષ્પક્ષ પંચ નીમી તપાસ કરવાની માગણી કરી હતી. સરકારનો જવાબ આવી ગયો છે કે તમારો કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મોકલ્યો છે. એ જવાબ જ ન કહેવાય. સરકારનો જમીન મહેસૂલનો કાયદો ભારે અટપટો અને ગૂંચવણ ભરેલો છે. એ એવી રીતે ઘડેલો છે કે સરકાર તેનો જ્યારે જેવો ધારે તેવો અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં હોય એવો એ કાયદો છે. . . એ કાયદા પ્રમાણે તો ખેડૂતને ખેતીમાં જે ચોખ્ખો નફો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધોરણ મૂકેલું છે. પણ ખેડૂતને ચોખ્ખો નફો થતો હોય તો ને ? એટલે સેટલમેન્ટ કમિશનરે ગણોતને જ ચોખ્ખો નફો ગણી, એના દર વધ્યા છે એટલી જ બીના ઉપર નવી આકારણી ઠરાવી છે. . . . તેમાં પણ કાયદાની અનેક ભૂલો કરી છે. . . . સરકારને તો ઓણસાલ જ નવી આકારણીનો અમલ કરવાની ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જમીનમહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હશે, એટલે આપણે જેમ કરીશું તેમ ચાલશે. મારા કાગળનો નિકાલ થતાં સુધી હપ્તો મુલતવી રાખવાનું કહ્યું, પણ સરકાર એ થોડું જ મોકૂફ રાખે ? . . . આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય ? આપણે બધા જ ઉપાય અજમાવી ચૂક્યા. હવે છેવટનો એક જ ઉપાય બાકી રહ્યો છે. તે બળની સામે બળનો છે. સરકાર પાસે હકૂમત છે, તોપબંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુ:ખ સહન કરવાની શક્તિ છે. આવાં બે બળોનો મુકાબલો છે. . . . સરકારની વાત અન્યાયની છે અને તેની સામે થવું એ ધર્મ છે, એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. તેમને લેવું છે પણ દેવાનું તમારે છે. ભરવું ન ભરવું એ તમારી ઈચ્છાની વાત છે. તમે એમ ઠરાવો કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરે, જપ્તીઓ કરે, જમીન ખાલસા કરે, અમે આ આકારણી સ્વીકારતા નથી તો તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. . . . આ રાજ્ય પાસે એવું કોઈ સાધન નથી કે તમારો નિશ્ચય તોડાવી શકે. તે તમને ભાંગી શકે. પણ કોઈના ચઢાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશો. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિંમત હોય, આ લડત પાછળ ખુવાર થઈ જવાની તમારામાં શક્તિ હોય તો જ આ કામ કરો. . . . જો નિશ્ચય કરો તો ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરજો કે પાછળથી કોઈ તમારા તરફ આંગળી ન ચીંધે. પણ જો તમારા મનમાં એમ હોય કે મીણનો હાકેમ પણ લોઢાના ચણા ચવડાવે, ત્યાં આવડી મોટી સત્તા સામે આપણું શું ગજું, તો તમે આ વાત છોડી જ દેજો. જો તમને લાગે કે જે રાજ્ય કોઈ રીતે ઇન્સાફની વાત કરવા તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહીં પણ આપણું સ્વમાન પણ જાય છે, તો જ તમે આ લડત માથે લેજો. . . . આ કંઈ લાખ સવાલાખના વધારાનો કે ત્રીસ વરસના સાડત્રીસ લાખનો સવાલ નથી, પણ સાચજૂઠનો સવાલ છે, સ્વમાનનો સવાલ છે. આ સરકારમાં ખેડૂતનું કોઈ કદી સાંભળે નહીં એ પ્રથાની સામે આમાં થવાનું છે. ”

પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યોએ હાજરી આપી હતી. તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યું કે અમારાથી લઈ શકાય તેટલાં પગલાં અમે લઈ ચૂક્યા, અને તેમાં ન ફાવ્યા એટલે હવે સત્યાગ્રહને પંથે દોરી શકે એવા નેતાને તમને સોંપતાં અમને આનંદ થાય છે.

પછી પરિષદે અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ, એમ બધી કોમોના પ્રતિષ્ઠિત ખાતેદારોના ટેકાથી સત્યાગ્રહનો નીચેનો ઠરાવ પસાર કર્યો :

બારડોલી તાલુકાના ખાતેદારની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો છે તે અયોગ્ય, અન્યાયી અને જુલમી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કઈ ઉપાય લે તેથી પડતાં સઘળાં કષ્ટ સહન કરવાં.
જો વધારા વિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ બિનતકરારે તુરત ભરી દેવું.

આમ સંગ્રામ મંડાયા. તાલુકામાં કોઈ નબળા પોચા હોય તેને ઉત્સાહિત કરવા, કોઈ સ્થળે જુદી જુદી કોમો વચ્ચે મેળ ન હોય તો મેળ કરાવી એક સંપ રાખવા, સરકારી અમલદારો કોઈ જગાએ ખેડૂતોને ફોસલાવી પટાવી, કોઈ જગાએ ડર બતાવી, કોઈ જગાએ ઝેરી પ્રચાર કરી મહેસૂલ વસૂલ કરવા તજવીજ કરી રહ્યા હતા તેની સામે લોકોને સાવધાન રાખવા સ્થળે સ્થળે છાવણીઓ ખોલી દેવામાં આવી અને ત્યાં કલ્યાણભાઈ, કુંવરજીભાઈ, કેશવભાઈ, ખુશાલભાઈ, ડૉ. ત્રિભુવનદાસ વગેરે તાલુકાના ચુનંદા કાર્યકર્તાઓને ગોઠવી દેવામાં આવ્યા. બીજા કાર્યકર્તાઓ પણ બારડોલીમાં ઊતરી પડ્યા. અબ્બાસ સાહેબ તૈયબજી, ડૉ. ચંદુભાઈ દેસાઈ, દરબાર સાહેબ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ગોરધનદાસ ચોખાવાળા, ઈમામ સાહેબ, ડૉ. સુમન્ત મહેતા તથા સૌ. શારદાબહેન, એમણે બારડોલીમાં પહોંચી જઈ જુદાં જુદાં થાણાં સંભાળી લીધાં. શ્રી મણિલાલ કોઠારી લડત માટે નાણાં એકઠા કરવાના કામમાં મંડી પડ્યા. જુગતરામભાઈ અને કલ્યાણજીભાઈએ પ્રકાશન ખાતું સંભાળી લીધું અને એકે પોતાની કસાયેલી કલમ વડે અને બીજાએ ફોટો ખેંચવાની પોતાની કાબેલિયત વડે એ શોભાવ્યું. પાછળથી પ્રકાશન ખાતામાં શ્રી પ્યારેલાલજી જોડાયા અને તેમણે અંગ્રેજી વિભાગ કુશળતાથી સંભાળી લીધો. પ્રકાશન ખાતા તરફથી નીકળતી પત્રિકાઓ લોકોનો રોજનો ખોરાક થઈ પડી અને મુંબઈનાં દૈનિકપત્રો રોજ રોજ એ પત્રિકાઓ આખી ને આખી ઉતારવા લાગ્યાં. કાઠિયાવાડથી પણ એક ટુકડી શ્રી ફૂલચંદભાઈ, તેમનાં પત્ની શ્રી શારદાબહેન, ભાઈ શિવાનંદ તથા શ્રી રામનારાયણ ના○ પાઠકની આવી પહોંચી. તેમણે ટૂંકા અને તરત મોઢે ચડી જાય એવાં સત્યાગ્રહી ગીતોની રમઝટથી આખા તાલુકાને ગજાવી મૂક્યો. ચોરે અને ચકલે, ખેતરોમાં અને શેરીઓમાં આબાલવૃદ્ધ સૌ એ ગીતો લલકારવા લાગ્યાં :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
ભલે કાયાના કટકા થાય — અમે○

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે○ — ડંકો○

માથું મેલો સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે, સાચી ટેકને રે — માથું○

મુસલમાન વગમાં ઉત્સાહ લાવવાનું કામ પાક મુસલમાન ઈમામ સાહેબે ઉપાડી લીધું. પોતાની બાર વરસની ઉંમરથી તેઓ એક પણ રોજો ચૂક્યા નહોતા. લડત દરમ્યાન રમજાન મહિનો આવ્યો. તે વખતે ખૂબ ફરવાનું હોવા છતાં તેમણે રોજા રાખ્યા અને રોજા છતાં બારડોલીથી વાલોડ સુધી જઈ મસ્જિદમાં વાયજ આપી આવતા. આની અસર મુસમલાન ભાઈઓ ઉપર અજબ થઈ. તેઓએ પણ સત્યાગ્રહ પ્રતિજ્ઞા ઉપર સહીઓ આપી.

આવી લડત બહેનોના પૂરા સાથ અને ઉત્સાહ વગર ચાલી શકે નહીં. જપ્તીમાં તેમની સંપાડેલી ઘરવખરી જાય, જતન કરીને સાચવેલી ભેંસો જાય તે વખતે બહેનો જો મૂળ વસ્તુ સમજેલી ન હોય તો તેમનો જીવ ઝાલ્યો ન રહે. તેઓ ઢીલી પડી જઈ ઘરમાં કંકાસ લઈ બેસે તો પુરુષોનું કશું ચાલે નહીં. પણ બારડોલીની આ લડતમાં બહાદુરી બતાવવામાં, ભોગ આપવામાં અને કષ્ટો વેઠવામાં બહેનોએ ભાઈઓ કરતાં જરાયે પાછી પાની ન કરી, બલ્કે આગળ વધી. તેનું શ્રેય ગામેગામ અને ઘેરઘેર ફરી તેમને શૂર ચડાવનાર કાર્યકર્તા બહેનો મીઠુબહેન, ભક્તિબહેન, શારદાબહેન વગેરેને ઘટે છે.

સરદારને તો તાલુકાના ખૂણે ખૂણામાં શું બને છે તેના ઉપર નજર રાખવાની હતી. પોતાની સાથે વીસે કલાક રહી મદદ કરનાર મંત્રીની તેમને ખાસ જરૂર હતી. એ કામ સ્વામી આનંદે સંભાળી લીધું અને શોભાવ્યું.

આમ થોડા જ દિવસમાં લડતના વ્યુહનો પોલાદી કોઠો ગોઠવાઈ ગયો. લડત શરૂ થતાંની સાથે મહા મહિનો હોવાથી લગનગાળો આવ્યો. લોકોને થયું કે સત્યાગ્રહ તો કરવાનો છે જ પણ જરા લગન મહાલી લઈએ ! આમ લોકોને બેફામ બનેલા જોતાં સરદારે પત્રિકા કાઢીને તરત એમને ચેતવ્યા :

“તમે લગ્નો લઈ બેઠા છો તે બધાં ટૂંકમાં પતાવવાં પડશે. લડાઈ લડવી હોય તો લગન મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. બાળક, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, સૌ આ સ્થિતિ સમજે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે. રાત પડ્યે જ સૌ ઘેર આવે. આવું થવું જોઈશે. જપ્તીઓનો માલ ઉપાડવા સરકારને એક માણસ પણ શોધ્યો ન જડે એવી આખા તાલુકાની હવા થઈ જવી જોઈએ. જપ્તી અમલદાર કોઈ ખભે ઊંચકીને વાસણ લઈ જનારો મેં હજી જોયો નથી. સરકારી અમલદારો તો અપંગ હોય છે, પટેલ, મુખી, વેઠિયો, તલાટી કે કોઈ, સરકારને મદદ ન કરે ને ચોખ્ખુ સંભળાવી દે કે મારા ગામની અને તાલુકાની લાજઆબરૂ સાથે મારી લાજઆબરૂ છે. તાલુકાની આબરૂ જાય તો મુખીપણું શા ખપનું ? તાલુકો ઘસાય, અપંગ થાય એમાં પટેલનું હિત નથી. આપણે આખા તાલુકાની હવા એવી કરી મૂકીએ કે તેમાં સ્વરાજની ખુશબો આવે, ગુલામીની બદી નહીં. સરકારની સામે ઝૂઝવાના ટેકનું તેજ સૌના ચહેરા પર દેખાઈ આવતું હોય. હું તમને ચેતવણી આપું છું કે હવે રમતના છંદમાં, માજશોખમાં ઘડી પણ ન રહો, જાગ્રત થાઓ… આજે ગુજરાતની ઇજ્જત તમારા હાથમાં છે. આપણે હાથેથી એક દમડી સરકારને નથી આપવી એ નિશ્ચયમાં કાયમ રહેજો. નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના બોજામાં પડશે.”

તા. ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સરદારે સરકારને લખેલા કાગળનો જવાબ આખરે તા. ૧૭મી ફેબ્રુઆરીએ આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું :

“નવી આકારણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી આકારણી થતા સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષનો બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે. . . . હવે નવી આકારણી પ્રમાણે વસૂલાત કરવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખવણીને વશ થઈને મહેસુલ ભરવામાં કસૂર કરશે તો જમીનમહેસૂલના કાયદા અનુસાર જે પગલાં લેવા જોઈએ તે લેતાં ગવર્નર અને તેની કાઉન્સિલને જરા પણ સંકોચ નહીં થાય અને તેને પરિણામે નહીં ભરનારાઓ જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરશે તે માટે સરકાર જવાબદાર નહીં ગણાય.”

સરદાર વગેરે કાર્યકર્તાઓને ‘બહારના’ કહ્યા એટલે ઉપરના કાગળનો જવાબ આપ્યા વિના તેઓ ન રહી શક્યા. જવાબમાં સરકારે લોકોને આપેલી ધમકી માટે આભાર માનીને તેમણે જણાવ્યું :

“તમે મને અને મારા સાથીઓને ‘બહારના’ ગણતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું અને તમારાં પોગળો ઉઘાડાં પાડું છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છો તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લોકો ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જોકે હું મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીનો પણ રહીશ સમજું છું. છતાં ત્યાંના દુ:ખી રહીશોને બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવાનું એમના હાથમાં છે. એમના હીરને અહોરાત ચૂસનાર અને તોપબંદૂકના જોરે પરદેશીઓથી ચાલતા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હોત તો કેવું સારું !”

સરકારના રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઈથ આ જવાબ વાંચીને બહુ ઉશ્કેરાયા. તેમણે આગલા પત્રને પણ ટપી જાય એવો બીજો નફટ કાગળ સરદારને લખ્યો :

“બારડોલીની પ્રજાએ દેવાળું નથી કાઢ્યું, તેમ તે દેવાળું કાઢવાની અણી ઉપર પણ આવેલો નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજી પણ વધતી જ જાય છે અને દેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી. હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેમની કાઉન્સિલના જ પાકા વિચાર મૂકવામાં આવ્યા હતા અને એ નિર્ણય છેવટનો છે એમ આપ સમજશો. . . . હજી આ સંબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરશો.”

સરકારની સંમતિ લઈને સરદારે આખો પત્રવ્યવહાર વર્તમાનપત્રોને પ્રસિદ્ધિ માટે આપ્યો અને તે સાથે કાગળ લખ્યો, તેમાં સરકારની આડાઈને બરાબર ઉઘાડી પાડી. સત્યાગ્રહનો ઉદ્દેશ કેટલો પરિમિત હતો તે સમજાવતાં તેમણે જણાવ્યું :

“બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાનો સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટના વાજબીપણાને મેં ઇનકાર કર્યો છે, તેમ સેટલમેન્ટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણના વાજબીપણાનો પણ મે ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે.”

પણ રેવન્યુ ખાતાના મુખ્ય અમલદારો તો એ ગુમાન રાખીને ફરતા હતા કે જમીનમહેસૂલની બાબતમાં અમારા નિર્ણયની આડે આવવાનો કોઈને અધિકાર નથી. લોકો પોતાના કાંઈ વાંધા કે મુશ્કેલીઓ હોય તે અમને જણાવે. અમે તેના ઉપર વિચાર કરીએ, તપાસ કરીએ અને ત્યાર પછી છેવટના હુકમ કાઢીએ તે બ્રહ્માના અક્ષર. એની સામે કોઈની તકરાર ન ચાલે. સર્વસત્તાધિકારી સરકાર અને તેના હુકમનું પાલન કરવા બંધાયેલી રૈયત, એ બેની વચ્ચે પંચ કેવું ? ખેડા જિલ્લાની લડત વખતે કમિશનર પ્રૅટ સાહેબ આ જ વચનો બોલતા હતા. અહીં એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે, કે રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઈથ સરદારની સાથે આ તુમાખીભર્યો પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા અને તેમને તથા તેમના સાથીઓને ‘બહારના’ કહી તેમનું અપમાન કરતા હતા, બરાબર તે જ વખતે ( તા. ૨૦ મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ) નાણાં ખાતાના મંત્રી સર ચૂનીલાલ મહેતા એ ‘બહારના'ની રેલસંકટનિવારણને અંગે તેમણે તથા તેમના સાથીઓએ કરેલી સેવાની ભારે તારીફ કરી રહ્યા હતા. આ રહ્યા તેમના શબ્દો : “આજે મહાત્મા ગાંધીને અતિશય આનંદ થતો હશે કે ગામડાંમાં સમાજસુધારા અને લોકસેવાનાં કામ કરનારા સેવાવ્રતીઓનું મંડળ ઊભું કરવાના તેમના પ્રયાસને સારી સફળતા મળી છે, અને તેમની ગાદી શ્રી વલ્લભભાઈ પટેલે સારી રીતે સાચવી છે.” પણ નાણાં ખાતાના મંત્રી રેવન્યુ ખાતાના મંત્રીની હઠ નહીં છોડાવી શક્યા હોય.

‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં ઍંગ્લો-ઇન્ડિયન પત્રોએ પોતાનો ભાગ ભજવવામાં બાકી ન રાખી. હજી ગઈ કાલે તો તેઓ સરદારના રેલસંકટ-નિવારણના ઉત્તમ કાર્યની પ્રશંસા કરતાં હતાં. તેઓ હવે ‘સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂંચવનારી અને સરકારના તંત્રને અટકાવી પાડનારી હિલચાલના નેતા’ તથા ‘ગેરકાયદે’ હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે સરદારને ભાંડવા લાગ્યાં. આ લડતનો ઉદ્દેશ બહુ પરિમિત છે એમ સરદારે સ્પષ્ટ કર્યું હતું છતાં કેટલાંક વર્તમાનપત્રો તેને ‘જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર તરીકે’ તથા ‘સવિનય ભંગની અને નાકરની લડત તરીકે’ વર્ણવવા મંડ્યાં. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ એ બીજું એક જૂઠાણું એ ચલાવ્યું કે ગાંધીજી આ લડતમાં ભાગ નહોતા લેતા કારણ તેમને એ પસંદ નહોતી. હકીકત એ હતી કે રેલસંકટની જેમ આ વખતે પણ સરદારે જ ગાંધીજીને બારડોલી આવવાની ના કહી હતી અને અમે લડત કેવી ચલાવીએ છીએ તે સાબરમતી બેઠે બેઠે નિહાળવાનું કહ્યું હતું. ગાંધીજી જાહેરમાં લડતને આશીર્વાદ આપી ચૂક્યા હતા અને ‘યંગ ઇન્ડિયા’ તથા ‘નવજીવન’ માં પ્રસંગોપાત્ત લેખો લખી લડતને માગદર્શન તથા ઉત્તેજન આપતા હતા. સરદાર અને સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર ‘નવજીવન’માં છાપતાં ગાંધીજીએ લખ્યું :

“આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુ:ખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તે શ્રી વલ્લભભાઈ એ રજૂ કરેલી હકીકતો ને તેની ઉપર રચેલી દલીલમાં ક્યાંયે ઊણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાબી અને તોછડાઈ છે. આમ અમલ માણસને આંધળો બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્ત્વ ખેાઈ ભાન ભૂલી જાય છે.”
“સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની સાથે વિનયવિષ્ટિ કરી : ‘તમે ખોટા ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમો અને તેની પાસે ઇન્સાફ કરાવો. તમારી ભૂલ ન જ થાય એવો દાવો તમે ન કરો.’ આ વિષ્ટિનો અનાદર કરવાની ગંભીર ભૂલ કરીને સરકારે લોકોને માટે સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપ્યો છે.

“પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તો પરાયા છે, બહારના છે, પરદેશી છે. એ અને એમના પરદેશી સાથીઓ જો બારડોલી ન ગયા હોત તો લોકો મહેસૂલ ભરી જ દેત, એ તેના કાગળનો ધ્વનિ છે. ઊલટો ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે ત્યાં લગી વલ્લભભાઈને કે કાશ્મીરથી માંડી કન્યાકુમારી લગીમાં રહેનાર અને કરાંચીથી માંડી દીબ્રુગઢ લગીમાં રહેનાર કોઈ પણ હિંદીને બહારનો કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી આપણામાંના બીજા કોઇ સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તો સરકારના અંગ્રેજ અમલદારો છે, અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આ પરાઈ, બહારની સરકારના બધા અમલદારો છે, પછી તે ધોળા હોચ કે કાળા . . . . આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડોલી પરત્ત્વે ‘પરદેશી’ કહે એ કેવી વક્રતા ? ધોળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાથે જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી ?”

લડતનો પહેલો ભડાકો સરકારે તા. ૧૫મી ફેબ્રુઆરીએ કર્યો. જે તાલુકામાં મહેસૂલ ન ભરવા માટે ચોથાઈ દંડની નોટિસ ભાગ્યે જ આપવામાં આવતી ત્યાં વાલોડ અને બાજીપરાના પંદર પ્રતિષ્ઠિત વણિક સજ્જનો ઉપર દસ દિવસમાં નવું મહેસૂલ ભરી દેવાની નોટિસ કાઢવામાં આવી. પછી પચાસ સાઠ વણિકો ઉપર નોટિસોનો મારો થયો. સરકારે વાણિયાઓને પોચા માની પહેલો હુમલો એમના ઉપર કર્યો. ‘ઈગતપુરી કનસેશન’ના નામથી ઓળખાતી કેટલીક છૂટછાટો સરકારે જાહેર કરી હતી, તેની રૂએ જેમનું મહેસૂલ પચીસ ટકાથી વધારે વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ સુધી વધારો ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. તેની લાલચ લોકોને બતાવવામાં આવી. લોકો ઉપર ત્રાસ ગુજારી તેમને બિવરાવી દેવા માટે બેડકૂવા નામના ગામમાં તલાટીએ એક રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારી પૈસા કઢાવ્યા. ત્યારે એક ડેપ્યુટી કલેક્ટરે એક ગામના વૃદ્ધ વણિક શેઠને પોતાને ત્યાં બોલાવી ખુશામત કરવા માંડી કે, ‘મારા માનની ખાતર તો કંઈક આપો. જાઓ, ફક્ત એક રૂપિયો ભરો.’ ડોસાએ જવાબ આપ્યો, ‘તમારે માટે માન તો ઘણું છે. પણ અમારે ગામમાં રહેવું ખરું ને ! ગામે ઠરાવ કર્યો છે કે કોઈએ કીસ ભરવી નહીં.’ સરદારને આ કિસ્સાની ખબર પડી એટલે પેલા શેઠને કહેવડાવ્યું કે, ‘તમારે એવો જવાબ આપવો’તો ને કે મારા પ્રત્યે આટલો ભાવ બતાવો છો તો મારા માનની ખાતર તું રાજીનામું આપી દે. દુ:ખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકીના બધા તો હવાલદાર.’

બારડોલી તાલુકાના લોકોની સાખ ‘સુંવાળા’ હોવાની હતી. અમલદારોએ ધારેલું કે જરાક લાલ આંખ કરીશું એટલે મહેસૂલ તો લોકો ચોરામાં આવીને આપી જશે. પણ તેમને બરાબર જાગ્રત અને ટટ્ટાર રાખવા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની છાવણીઓ બરાબર ગોઠવાઈ ગઈ હતી. એટલે લોકોએ અમલદારોની ધાકધમકી, મારઝૂડ અને પ્રપંચો સામે ઠીક ટક્કર ઝીલવા માંડી. સરદાર તેમની નાડ પારખતા ગયા અને તેમને પચે એવી દવા આપતા ગયા તથા ધીમે ધીમે તેની માત્રા વધારતા ગયા. લડતની શરૂઆતના દિવસોના એક ભાષણમાં લોકોને લડતનો રંગ ચઢાવતાં તેમણે કહ્યું :

“સરકાર કહે છે, તમે સુખી છો. મને તો તમારાં ઘરોમાં નજર નાખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. હા, તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો ખરા. તમને તકરારટંટો આવડતાં નથી. એ તમારો ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણુંં છે. આ તાલુકામાં રાતના બાર એક વાગ્યે હું ફરું છું. પણ મને કોઈ ‘કોણ’ એમ પૂછતું નથી. રવિશંકર તો કહે છે કે આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ ભસતું નથી અને ભેંશ શિંગડું મારવા પણ આવતી નથી ! આ તમારી અસરાફી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને માટે તથા અન્યાયની સામે લડતાં શીખો.”

એટલામાં એક અમલદાર વાલોડના એ વણિક ખાતેદારોને પોતાની પ્રપંચજાળમાં ફસાવવામાં ફાવ્યા. ઘરમાં સહેજે હાથ આવે એવી રીતે નાણાં રાખીને જપ્તી થવા દેવાની સલાહ તેમણે માની અને મહાલકારીને એકના ઘરમાંથી રૂ. ૧,૫૦૦ની અને બીજાના ઘરમાંથી રૂ. ૭૮૫ની નોટો સહેજે મળી રહી. વાલોડના લોકોને આ વાતની ખબર પડતાં તેમના પ્રકોપનો પાર ન રહ્યો અને એ બે જણનો આકરો બહિષ્કાર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. સરદારને આ વાતની ખબર પડતાં તેઓ મોડી રાતે વાલોડ પહોંચ્યા. લોકોને શાંત પાડતાં તેમણે કહ્યું :

“તમને આ કૃત્યથી બહુ રાષ ચઢ્યો છે એ સ્વાભાવિક છે, પણ રોષના આવેશમાં કશું કરશો નહીં. ટેકો દઈને તમે જેમને ઊભા રાખવા મથશો તે ઠેઠ સુધી કેમ ચાલશે ? . . . આપણે સરકાર જોડે લડવા નીકળ્યા છીએ. આપણા જ નબળા માણસો સાથે અત્યારે આપણે લડવું નથી. એમની સાથે લડીને તમે શું કરશો ? . . . હું સાંભળું છું કે હજી બીજા બે ચાર એવા નબળા છે. તેમને સંભળાવી દો કે પ્રતિજ્ઞા તોડી ભરવું હોય તો સીધી રીતે ભરી દો. આ ભાઈઓ જેવો પ્રપંચ કરશે તેમાં તો સરકાર પાસે આપણી આબરૂ જવાની.
“મારી તમને એટલી જ વિનંતી છે કે આ કિસ્સાથી આપણે ધડો લઈએ અને આપણી પોતાની જાતને વિષે વધારે જાગ્રત રહીએ, આપણા ભાઈઓ માટે વધારે કાળજી રાખીએ. આ કિસ્સાને ચેર ચેર કરવામાં કાંઈ સાર નથી. ગંદી ચીજને ચૂંથીએ તો તેમાંથી બદબો જ છૂટ્યાં કરે. ડાહ્યો માણસ તેના ઉપર ખોબો ભરી ધૂળ નાખે અને આગળ જાય. એમાંથી સારું પરિણામ નીપજે.”

લોકો શાંત તો પડ્યા. પણ એમને લાગ્યું કે આ લોકોને એમ ને એમ જવા દઈશું તો બંધારણ નબળું પડશે. માટે એમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવું. બેમાંથી એક જણે લોકોની વાત માની અને પ્રાયશ્ચિત્ત તરીકે સત્યાગ્રહની લડતના ફાળામાં રૂ. ૮૦૦નું દાન કર્યું. બીજા વણિક સજ્જનને સમજતાં થોડી વાર લાગી, પણ છેવટે તેમણે પણ રૂ. ૬૫૧ પ્રાયશ્ચિત્ત તરીકે દાનમાં આપ્યા. આ અને બીજા દાખલાથી લોકો કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે એમાં વિવેકની મર્યાદા ચાતરી જવાનો હંમેશા ભય રહે છે. અત્યાર સુધી તાલુકાનું કડોદ ગામ લડતમાં નહોતું જોડાયું. ત્યાંના વણિકો મોટા ખાતેદાર હતા અને તેઓ આસપાસનાં બીજાં ગામોમાં પણ જમીન ધરાવતા. તેઓ આ બધી જમીનનું મહેસૂલ ભર્યે જતા હતા. પહેલાં તો લોકોએ ઠરાવ કર્યો કે આવા માણસોની જમીન ગણાતે ન ખેડવી. પછી ઠરાવ કર્યો કે કોઈ પણ મજૂરને એમને ત્યાં કામ કરવા ન જવા દેવા. પછી આગળ વધીને ઠરાવ કર્યો કે કડોદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા ગામની સાથે સદંતર અસહકાર કરવો. બીજાં ગામોએ પણ ન્યાતનાં અથવા ગામનાં પંચે આકરા બહિષ્કારના ઠરાવો કરવા લાગ્યાં. આ નવા પવનને મર્યાદામાં રાખવાને માટે ગાંધીજીને બહિષ્કારના શસ્ત્ર વિષે સાવચેતીની નીચે પ્રમાણે નોંધ લખવી પડી :

“જેઓ સરકારધારો ભરવા તૈયાર થાય છે તેમની સામે બારડોલીના સત્યાગ્રહીઓ બહિષ્કારનું શસ્ત્ર વાપરવા તૈયાર થઈ જતા સાંભળ્યા છે. બહિકારનું શસ્ત્ર જલદ છે. મર્યાદામાં રહીને સત્યાગ્રહી તે વાપરી શકે છે. બહિષ્કાર અહિંસક તેમ હિંસક પણ હોઈ શકે છે. સત્યાગ્રહીથી અહિંસક

બહિષ્કાર જ વપરાય. અત્યારે તો હું બંને બહિષ્કારનાં થોડાં ઉદાહરણ જ આપવા ઇચ્છું છું :

“સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. સેવા ન દેવી એ હિંસક બહિષ્કાર.
“બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, તેને ત્યાં વિવાહાદિના પ્રસંગોમાં ન જવું, તેની સાથે સોદો ન કરવો, તેની મદદ ન લેવી એ અહિંસક બહિષ્કાર.
“બહિષ્કૃત માંદો હોય તો તેની સારવાર ન કરવી, તેને ત્યાં દાક્તર ન જવા દેવો, તેને ત્યાં મરણ થાય તે મરણક્રિયામાં મદદ ન કરવી, તેને કૂવા મંદિર વગેરેના ઉપયોગથી દૂર કરવા, એ હિંસક બહિષ્કાર છે. ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે અહિંસક બહિષ્કાર લાંબા સમય નભી શકે છે. તે તોડાવવામાં બહારની શક્તિ કામ નથી કરી શકતી. હિંસક બહિષ્કાર લાંબો વખત ન ચાલે. તેને તોડવામાં બહારની શક્તિનો પુષ્કળ ઉપયોગ થઈ શકે. હિંસક બહિષ્કાર લડતને છેવટે નુકસાન જ કરે છે. આવા નુકસાનના દાખલા અસહકારના યુગમાંથી ઘણા ય આપી શકાય છે. પણ આ પ્રસંગે મેં ભેદ પાડી બતાવ્યો છે, તે જ બારડોલીના સત્યાગ્રહીઓને અને સેવકોને સારુ બસ હોવું જોઈએ.”

આ નોંધની ઘણી સારી અસર થઈ. લોકો બહિષ્કારની મર્યાદા સમજ્યા અને તેનું પાલન કરવા લાગ્યા.

સરકારનાં ચોથાઈ દંડનાં અને જપ્તીનાં પીળાં પતાકડાંની લોકો ઉપર કશી અસર ન થઈ. એટલે હવે વધુ જલદ ઉપાય લેવા જોઈએ એમ સરકારી અમલદારોને લાગવા માંડ્યું. તા. ર૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને અને વાલોડના સાત મોટા ખાતેદારોને બારણે નોટિસો ચોંટાડવામાં આવી કે તા. ૧૨-૪-’૨૮ પહેલાં મહેસૂલ નહીં ભરી દો તો તમારી જમીનો ખાલસા કરવામાં આવશે. શેઠ વીરચંદે મહાલકારીને કાગળ લખ્યું કે, “આખા મહાલમાં મને આપે નબળામાં નબળો ધારીને ખાલસા નોટિસ માટે પ્રથમ પસંદ કર્યો હશે. પણ ન્યાય ન મળે ત્યાં સુધી તાલુકામાં હવે કોઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી. . . . આપણે મહોબત છે, બહુ ઘરોબો છે અને બેઠકઉઠકનો સંબંધ છે એ હકથી આપના હિતેચ્છુ તરીકે હું આપને સલાહ આપું છું કે ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટા થઈ જવું એ શોભાભરેલું છે.” વાલોડના સાત વણિકોએ સરદારને કાગળ લખીને ખાતરી આપી કે, ‘નોટિસ અને જપ્તીના મારાથી પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે આપ નિશ્ચિત રહેશો.’ આ વણિકોને અભિનંદન આપવા માટે મળેલી સભામાં સરદારે લોકોને હજી વધુ આકરી લડત માટે તૈયાર થવાનું કહ્યું :

“આ લડતમાં હું ફક્ત તમારા થોડા પૈસા બચાવવા ખાતર નથી ઊતર્યો. બારડોલીના ખેડૂતોની લડત મારફત હું તો ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. એક તરફથી to વિલાયતથી મોટું કમિશન (સાઈમન કમિશન) પ્રજાને શી રીતે જવાબદાર તંત્ર આપવું તેની તપાસ કરવા આવ્યું છે, બે વરસમાં મુલકી ખાતું લોકોને સોંપી દેવાની વાતો ચાલે છે અને બીજી તરફથી અહીં જમીનો ખાલસા કરવાની સરકાર બાજી ગોઠવે છે. એ બધા ખાલી તડાકા છે. ખેડૂતના દીકરાને એમાં ડરવાનું કારણ નથી. એને તો વિશ્વાસ હોવો જોઈ એ કે આ જમીન અમારા બાપદાદાની હતી અને અમારી જ રહેશે. ખેડૂતની જમીન એ તે કાચો પારો છે. આ સ્થિતિમાં જે લેશે તેને ફૂટી નીકળશે. દસ વરસ ઉપર દેશમાં સુધારાનું તંત્ર નહતું ત્યારે પણ ખેડા જિલ્લામાં એક વીધું જમીન સરકારથી ખાલસા થઈ શકી નહતી તે હમણાં થઈ શકશે ? નાહકનાં દફતરો બગાડે છે. એમ જમીન ખાલસા થશે ત્યારે તો આ કચેરીના મકાનમાં મહાલકરી નહીં રહેતો હોચ, ને અહીં અંગ્રેજનું રાજ્ય નહીં હોય, પણ લુંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દો. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના કાને હું કહું છું કે કોઈ ડરો નહીં. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયો તે તપાસો. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક અને ફફડાટ હતાં ? એકબીજા જોડે બેસતા પણ નહીં. અને આજે ? આજે મહાલકરી તો માત્ર આ ડેલાનો જ અધિકારી છે. મકાનની બહાર તેનો અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા. આમ ને આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહીં મળે.”

ખાલસા નોટિસમાં આપેલી તા. ૧૨મી એપ્રિલની મુદત આવી પહોંચી. સરકારી અમલદારો આશા રાખી બેઠા હતા કે ખાલસાની ધમકીથી લોકો ડરી જશે. તેમની મનોદશાના ભણકારા ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ એ તે અરસામાં લખેલા એક લેખમાંનાં આ વાક્યોમાંથી મળે છે :

“સત્યાગ્રહની લડતનું જોર ઓછું થતું જણાતું નથી. ખાલસાની નોટિસ અપાઈ ગઈ છે, પણ જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન ખાલસા કરવાની રીત એટલી અટપટી છે કે સરકારનાં પગલાંનું પ્રત્યક્ષ પરિણામ દેખાતાં કદાચ થોડાં અઠવાડિયાં વીતે. થોડી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે ખરી પણ તેની કશી અસર નથી. સરકારે જમીન ખાલસા કરવાની જે ધમકી આપી છે તેથી ખેડૂતો ડરશે ખરા, અને સત્યાગ્રહથી પોતે ધારેલાં ફળ આવતાં નથી એમ તેઓ જોશે ત્યારે આખી લડત કડડભૂસ કરતી તૂટી પડશે.”

પણ અમલદારોની એ આશા દહાડે દહાડે વ્યર્થ જતી હતી. બારડોલીમાં નવી જ રોનક નજરે પડતી હતી.

હવે બારડોલીની બહાર પણ અસર પડવા માંડી હતી. પૂનામાં બારડોલી માટે ખાસ સભા ભરવામાં આવી અને સત્યાગ્રહીઓને સફળતા ઈચ્છવામાં આવી. મુંબઈના પ્રેસિડેન્સી ઍસોસિયેશન જેવા વિનીત પક્ષના મંડળનું પણ બારડોલી પ્રત્યે ધ્યાન ખેંચાયું અને મંડળની ખાસ બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“બારડોલી, શાસ્તી, અલીબાગ વગેરે તાલુકાઓમાં સરકારી હુકમો દ્વારા મહેસૂલ વધારવાની નીતિ મુંબઈ સરકાર આદરી રહી છે તેને માટે આ મંડળની કાર્યવાહક સમિતિ સખત નાપસંદગી બતાવે છે, અને જણાવે છે કે જમીનમહેસૂલ કમિટીએ ભલામણ કર્યા મુજબ આખરી અવાજ ધારાસભાનો હોવો જોઈએ. એટલે આ સભા આગ્રહ કરે છે કે મુંબઈ ઇલાકામાં લૅન્ડ રેવન્યુ કોડનો સુધારો કરી જમીન મહેસૂલનો આખો પ્રશ્ન ધારાસભાની હકૂમતમાં ન મુકાય ત્યાં સુધી મહેસૂલ વધારવાનું બંધ કરવું.”

પણ સરકારે આથી ચેતવા ના પાડી. એણે તો પોતાનો જ કક્કો ખરો કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. લોકોને ફોસલાવવા તથા ફોડવાના પ્રયત્નો કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ તેમનાં માન્ય થઈ પડેલાં સાધનો હતાં. ‘ફલાણા ભાઈ એ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભરવા જ પડશે,’ એમ કહીને ભોળા ખેડૂતોને ભોળવવા અમલદારોએ પ્રયત્ન કરવા માંડ્યા. મહાલકરી પટેલને કહે, ‘વેઠિયા ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.’ કોઈ તલાટી બિચારો ધોબીના હપ્તાના થોડા આના પોતાના ખિસ્સામાંથી ભરી દે — એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવરાવી વસૂલ કરી લઈશું. બીજી બાજુ સરદાર પોતાની વીર વાણી વડે ખેડૂતોને મર્દાનગીના રંગ ચઢાવી રહ્યા હતા. મહાદેવભાઈ લખે છે :

“મેં તો ચાર વરસ પર બોરસદમાં એ રણે ચઢેલા સરદારની સાથે ચોવીસે કલાક ગાળ્યા હતા. ત્યાર પછી પણ ઘણી વાર તેમને બોલતા સાંભળ્યા હતા. પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીક વાર જે વહ્‌નિ વરસતો જોયો તે કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય અને જે તીવ્ર વેદના થતી હોય તે વેદનાથી ભરેલા તેમના ઉદ્‌ગારો નીકળતા હતા. એ ભાષણની તળપદી ભાષા, તેમાં ક્ષણેક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળુ, એમનું ભાષા ઉપ૨નું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું.”

ભાષાની મગદૂર અને ભાષાની લહેજત સાહિત્યના રસિયાઓને સરદારનાં બારડોલીનાં ભાષણમાં જોવા મળે છે. ખેડૂતો ભૂલી ન શકે એવી થોડી ગામઠી ઉપમાઓ જુઓ :

જંગલમાં કોઈ ગાંડો હાથી રૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને છૂંદી નાખે એવી મદમત્ત આજે આ સરકાર બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા છે એવા મને આ મગતરાનો શો હિસાબ છે ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રૂમી લેવા દે અને પછી લાગ જોઈને એના કાનમાં પેસી જા.

** *

મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે. છતાં તેમાંની એક ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે. ઠીકરીને શો ભય હોઈ શકે ?

** *

હું તો તમને કુદરતનો કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તો જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કર્યે આપણને મુક્તિ મળી શકે.

** *

જો ઘેટાંમાંથી જ તેને સાચવનારો ઘેટો નહીંં નીકળે તો શું એ વિલાયતથી સાચવનારો લાવી શકશે ? લાવી શકે તો તેને પોસાય નહી. એ કાંઈ અઢી આનામાં રહે નહીંં, આવાં છાપરામાં રહે નહીં. એને બંગલા જોઈએ, બગીચા જોઈએ; એનો ખારાક જુદો, એની હાજતો જુદી; એને જુદો ધોબી જોઈએ, જુદો ભંગી જોઈએ. એ રીતે તે સરકારને માથા કરતાં મૂંડામણ મોંઘું પડી જાય. દર ગામે બબ્બે અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરા રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે તેની ગણતરી કરવી મુશ્કેલ નથી.

** *

દૂધ પાણી ભળે એટલે બેઉ એક રંગ થાય છે ને કદી ટાઢાં પડતાં નથી. દૂધ ઊકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પોતે પહેલું બળે છે અને દૂધને ઉપર કાઢી તેનો બચાવ કરે છે. એટલે તરત દૂધ પાણીનો બચાવ કરવા પોતે ઊભરાઈ આગમાં પડીને આગને હોલવવા મથે છે. એ જ પ્રમાણે આજે ખેડૂત શાહુકાર એક થજો, એકબીજાની વહારે ધાજો, એમાં કોઈ ફાચર ન મારી શકે એ સંભાળજો.

** *

મને શરૂઆતમાં કોઈ કોઈ ખેડૂત કહેતા કે આ ઝઘડામાં ઊતરીને જોખમમાં પડવા કરતાં સવારમાં બે કલાક વહેલા ઊઠી વધારે મજૂરી કરીશું. આવા માણસોએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસરૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદનો જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. . . . હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. એ બે વસ્તુઓ લાખો ખરચતાં તમે મેળવી ન શકો તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યા છો. તમને સાક્ષાત્ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારાં ધન્યભાગ્ય છે કે તમારા ઉપર આ વધારો નાખ્યો છે.

સરદાર ખેડૂતોને ટટ્ટાર થવાનું, મરદ બનવાનું, ટેક જાળવવાનું, સ્વમાન માટે લડવાનું જે શિક્ષણ આપી રહ્યા હતા તેનું વર્ણન રવિશંકર મહારાજે આ લડત વખતના એક ભાષણમાં બહુ સરસ કર્યું છે :

“હું એક વાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયો હતો. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારો ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્ય પદે કોને નીમવા તેની ચર્ચા ચલાવી રહ્યું હતું. મારા જેવાને તો એમાં શી સમજણ પડે ? પણ તે વખતે સાંભળેલું મને યાદ રહી ગયું છે. વલ્લભભાઈ એ કહેલું કે ‘બીજો કોઈ ન મળે તો મને આચાર્ય બનાવજો, છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ.’ એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા તેમાં તફાવત હતો. જ્યારે બીજા મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે એ જ તદ્દન ખરી વાત છે.
“એ વખતે જેના આચાર્ય પદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્યે આજે બારડોલી તાલુકાની ૮૯ હજા૨ પ્રજાને ભણાવવાની શાળા કાઢી છે. . . . સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું, તેને ભૂલવાના પાઠ અપાઈ રહ્યા છે. થોડું ભણેલું ભૂલેલા એક ગુરુ પાસે સાચું ભણીને જે આચાર્ય પદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબ્બાસ સાહેબ અને પંડ્યા જેવા તેના ઉપાધ્યાય છે. હું તો આ ભવ્ય શાળાનો એક ક્ષુદ્ર તેડાગર છું.”

આ અરસામાં વલ્લભભાઈનું નામ ખેડૂતોના સરદાર પડ્યું. કોઈકના મોંમાંથી એ નામ નીકળ્યું અને જેણે જેણે એ સાંભળ્યું તેણે તેણે એ ઉપાડી લીધું. અને કેમ ન ઉપાડી લે ? જેણે જેણે બારડોલીની લડત વખતનાં એમનાં ભાષણો સાંભળ્યાં અને વાંચ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું ઓળખ્યું, ખેડૂતોનાં દુઃખોનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે અને ખેડૂત ઉપર ક્યાં ક્યાંથી, કઈ કઈ જાતના માર પડે છે તેનું અનુભવજ્ઞાન તેમના જેવું કોને હશે અને તેની રજૂઆત તેમના જેવી બીજું કોણ કરી શકે એમ હતું ? એ વિષે મહાદેવભાઈએ લખ્યું છે:

“દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય વલ્લભભાઈમાં ૧૯૧૭-૧૮માં ગાંધીજીએ જાગ્રત કર્યું, પ્રગટ કર્યું એમ કહું, કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ, પણ એ પ્રગટ થતાંની સાથે જ વલ્લભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠ્યું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠ્યું હશે. ખેડૂત નહીં એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભા કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડે હાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા અને દ્રષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લોકો આગળ ખોલી બતાવ્યું. ખેડૂતની પહેલી સેવા કરવાની તક તેમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યો તે અપૂર્વ હતો.
“ખેડૂત વિષેના ઉદ્ગારો તેમનાં બારડોલીના ભાષણમાં જેટલા જોવા મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાહી હતા, એટલે ઝાઝું બોલતા જ નહોતા. બોરસદની લડત હતી તો ખેડૂતોની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુ:ખમાંથી ઊઠેલી લડત નહોતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણો ત્યાં થતાં. પણ જમીનમહેસુલનો પ્રશ્ન એ જ ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન છે, એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીન મહેસૂલના ફૂટ પ્રશ્નનો નિકાલ કરેલે જ થઈ શકે એવો એમનો જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછ્યું કે, બારડોલીના ખેડૂતની ફરિયાદ સાચી છે એવી તમને ખાતરી છે ? ત્યારે તેમણે કહેલું કે, નરહરિના લેખો ન વાંચ્યા હોત તોયે મને તો ખાતરી જ હતી. કારણ, હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીન મહેસૂલની વિટંબણા વિષે ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈ એ એવી મારી ગળા સુધી ખાતરી છે.”

ખેડૂત ઉપરના નિરવધિ પ્રેમની પાછળ સરદારના દિલમાં રહેલી ભાવના તેઓ વારંવાર કહી સંભળાવે છે : 'કણબી કેડે ક્રોડ કણબી કોઈ કેડે નહીં?' અને 'ઓ ખેડૂત તું ખરો જગતનો તાત ગણાયો.’ તેઓ વારંવાર કહે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર વર્ગ ખેડૂત અને મજૂર છે. બાકીના બધા ખેડૂતો અને મજૂર ઉપર જીવનારા છે. એ પેદા કરનારાઓની સ્થિતિ સૌથી ઉત્તમ હોવી જોઈ એ તેને બદલે આપણે સૌથી અધમ કરી છે. પોતાની અંતર્વેદના વ્યક્ત કરતાં એક ભાષણમાં તેમણે કહ્યું :

"આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કોઈ સહન કરતા હોય તો આ બે છે. કારણ તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન

કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુ:ખનું કારણ એ છે કે પોતે હતાશ થઈ ગયો છે, આવડી મોટી સત્તા સામે આપણું શું વળે એમ માનતો થઈ ગયો છે. સરકારને નામે એક ધગડું આવીને પણ એને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઇચ્છા આવે એટલો કરનો બોજો તેના ઉપર નાખે છે. વરસોની મહેનત કરી ઝાડ ઉછેરે તેના પર વેરો, ઉપરથી વરસાદનું પાણી ક્યારીમાં પડે તેના ઉપર જુદો વેરો, કૂવો ખોદી ખેડૂત પાણી કાઢે તો તેના પર પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહીં; પણ ખેડૂતને વીધું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતર પૂંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણ સમા પાણીમાં વીંછીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે, તેમાંથી ખાવાનું ધાન પકવે; દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં નાખીને તે વેચી આવે, આટલું કરીને પાંચ પચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો !”

બીજે એક ઠેકાણે કહ્યું :

“ખેડૂત ડરીને દુ:ખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે. મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”

લોકોમાં આવેલી અજબ જાગૃતિ જોઈ તેથી ચેતીને ન્યાય આપવાનો વિચાર કરવાને બદલે સરકારે વધુ સખ્તાઈ કરવાનો નિશ્ચય કર્યો. ઉત્તર વિભાગના કમિશનર મિ. સ્માર્ટ દરિયાકિનારે હવા ખાતા હતા ત્યાંથી તેમને સુરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા. કલેક્ટર પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી પરથી ઊતરવાના હુકમ મળ્યા. ખૂબીની વાત તો એ છે કે તાલુકામાં આટઆટલું થતું હોવા છતાં જિલ્લા કલેક્ટરને હજી સુધી બારડોલીમાં જવાની જરૂર જણાઈ નહોતી. તેઓ પોતાના ડેપ્યુટીનાં ચશ્મે જ બધું જોતા હતા. પણ ઉપરથી હુકમ મળ્યા એટલે તાલુકામાં ગયા. ત્યાં જઈને જોયું તો બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. કોઈ અમલદારની આડું ફરકે નહીં. પછી ગામડે જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો ભાડાની મોટર લેવા ગયા. મોટરવાળાએ કહ્યું કે મોટર રોકાયેલી છે. એટલે તેમનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. માંડ સાંજે સરભોણ ગામે પહોંચ્યા. જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યાં, અને કલેક્ટર ગામમાં પ્રવેશ કરે તે પહેલાં તમામ ઘેર બારણાં ધડાધડ બંધ થઈ ગયાં અને શેરીઓ સૂનકાર થઈ ગઈ. કલેક્ટરે પટેલને બોલાવ્યા. તેમણે જવાબ આપ્યો કે લોકો અમારું સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે કશાની પણ પડી નથી. પછી તલાટીઓની સભા કરી તેમને સમજાવ્યું કે ગામના નક્શા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડો જેથી ખરીદનારાઓને આખા જથામાં જમીન આપી શકાય. આટલી કામગીરી બજાવી તેઓ સુરત રવાના થયા અને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’વાળાને મુલાકાત આપી :

“ઘણા ખેડૂતો જમીનમહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકીઓ આપવામાં આવે છે. બહારથી આવેલા અને જેમને ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીએાએ આપેલી ખોટી સલાહ ખેડૂતો જો માનશે તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાનો દરેક સંભવ રહે છે.”

રૈયતના એક પણ માણસને મળ્યા વિના કલેક્ટર સાહેબ મુલાકાતમાં આવું હડહડતું જૂઠાણું કહી શક્યા !

પછી જપ્તીનો દોર શરૂ થયો અને તેમાં ભેંસો પકડવી એવા હુકમ છૂટ્યા. ચાલુ મામલતદારને ઢીલા ગણી તેમની બીજા દૂરના તાલુકામાં બદલી કરવામાં આવી અને કડક થવાની જેમણે બડાશ મારી હશે એવા મામલતદારને બારડોલીમાં મૂકવામાં આવ્યા. ત્રણ જપ્તી અમલદારને લોકોનાં ઘર તોડવાના, વાડો ભાંગવાના વગેરે ખાસ અધિકારો સાથે નીમવામાં આવ્યા. એ જપ્તી અમલદારોની મદદમાં મુંબઈમાં મવાલી ગણાતા લેભાગુ પઠાણોને ત્યાંથી ખાસ લાવવામાં આવ્યા. આની સામે લોકોએ પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માંડ્યું અને અમલદારનો કડક બહિષ્કાર કરવા માંડ્યો. બહિષ્કારની બાબતમાં યોગ્ય મર્યાદા સાચવવાની ચેતવણી ગાંધીજી શરૂઆતમાં જ આપી ચૂક્યા હતા. છતાં સરદારે ફરી ચેતવ્યા કે અમલદારો કાંઈ આપણા દુશ્મન નથી. એ બિચારા હુકમને તાબે થઈ ને આવ્યા છે. એમને સીધું પાણી ન આપવાં અથવા દૂધ, શાક, ધોબી, હજામ ન મળે તેમ કરવું અથવા દવા વગેરે જિંદગીની જરૂરિયાત અટકાવવી, એ સત્યાગ્રહ નહીં પણ ઘાતકીપણું છે. હા, જપ્તીના કામમાં તેમને કોઈ જાતની મદદ ન કરવી. ગાડી કે મજૂર કે પંચ એવું કશું આપવાની સાફ ના કહેવી. બીજી અગત્યની સલાહ સરદારે એ આપી કે જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે ત્યાં લોકોએ ટોળે ન થવું. કારણ સરકારનો ઈરાદો તોફાન કે મારામારી કરાવવાનો હોય તો લોકો ટોળે થવાથી પોતાનો ઇરાદો તે બર લાવી શકે. કલેક્ટરે મુલાકાતમાં ડરની વાત કરી હતી તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, કોઈ ને રૂપિયા ભરવા હોય અને ડર લાગતો હોય તો મારી પાસે આવો, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ અને કોઈ તમારા પર ઘા કરવા આવશે તો તેને પહેલો મારા માથા પર ઘા કરવા કહીશ. આ ખામોશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય બીજા કોઈ પણ જણે ભાષણ ન કરવાનો હુકમ કાઢ્યો, સત્યાગ્રહી ગીતો ગવાતાં હતાં તે પણ બંધ કર્યા, જેથી આ અમલદારો ઉશ્કેરણીનું કશું બહાનું ન કાઢી શકે.

આ તરફ જપ્તીઅમલદારોએ તો માઝા જ મૂકી. ગમે ત્યારે, કશી ચોકસી કર્યા વિના, માલિક કોણ છે તેની તપાસ કર્યા વિના, ખાતેદારોની સાથે બિનખાતેદારોનાં ઢોર પણ જપ્તીમાં લેવા માંડ્યાં. રોજ ઢગલો ઢોર પકડાય, પણ એની માવજત કોણ કરે ? તેને વળે વળે પાણી કોણ પાય ? ભેંસો પકડવા અને સાચવવા માટે પેલા પઠાણોને ભાડે રાખેલા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બરાડા પાડતી થાણામાં મરી ગઈ ! ખાતેદાર નહીં એવા એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડીને થાણામાં ગોંધી દીધી. પેલો છોડાવવા ગયો એટલે મહાલકરી કહે : ‘તમારી ભેંસને બે દિવસ અમારે રાખવી પડી છે અને ઘાસચારો નાખવો પડ્યો છે માટે એનો ખરચ આપી ભેંસો લઈ જાઓ !’ પેલો કહે : ‘આ તો ઊલટો ન્યાય. તમે મને નુકસાની આપો કે ઊલટો દંડો ?’ આ ભેંસોને હરાજીમાં રાખનાર તાલુકામાંથી કોઈ મળતું નહીં, એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવા માંડ્યા. થાણામાં ભેંસો તડકામાં પાણી વિના ટળવળે, બરાડો પાડે અને તેનાં પાણીને મૂલે લિલામ થાય, એ જોઈ બારડોલીના એક દયાળુ વણિક ગૃહસ્થે મામલતદારને કહ્યું: ‘આ બિચારી ભેંસોને બરાબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું થોડું દાન આપવા ઈચ્છું છું.’ મામલતદારે જવાબ આપ્યો: ‘સરકાર પાસે તિજોરીમાં પૂરતાં નાણાં છે. તમારી મદદની જરૂર નથી.’

પોતાનાં બાળકો જેટલાં વહાલાં પશુઓ ઉપર ગુજરતો ત્રાસ ખેડૂતોથી જોયો જતો ન હતો. ગમે તેમ થાય તો પણ ભેંસને આવી રીતે રિબાવા ન દેવી એ વિચારથી આખા તાલુકાએ કારાગૃહ બનવાનો નિશ્ચય કર્યો. જપ્તી ન થઈ શકે તે માટે રાતદિવસ બારણાં બંધ રાખ્યાં અને ઘરમાં માણસો અને ઢોરો કેદમાં પુરાયાં. ઢોરને પાણી પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે પોતાનાં ઢોર ગાયકવાડીમાં મોકલી દીધાં અને છોકરાંને દૂધ છાશ પીતાં બંધ કર્યા. પણ બધાં ઢોર કાંઈ એમ મોકલી શકાય ? એટલે સૌએ કારાગૃહવાસ પસંદ કર્યો. સરદારે એક જ વિનોદથી લોકોને પેટ પકડીને હસાવ્યા અને તેમનું દુ:ખ ભુલાયું : ‘ઓહો ! તમારી ભેંસો તો. ઘરમાં ને ઘરમાં રહી ગોરી મડમડીઓ બની જવા માંડી છે !’

જે રીતે ભેંસોની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, તે રીતે રાચરચીલાં અને બીજી મિલકત પણ સરકારી પટાવાળા, પોલીસ તથા પાણીને નામની કિંમતે આપી દેવામાં આવતી. લિલામ કરનારા અમલદારોએ જાતે આવી વસ્તુ ખરીદેલી એવા દાખલા પણ બનેલા. દોઢસો અને બસો રૂપિયાના પગાર ખાનારા મામલતદારના દરજજાના અમલદારોને મવાલી પઠાણોની સાથે ભેંસની શોધમાં ઊકળતા તાપમાં ભટકતા જોઈને સ્વેચ્છાએ કારાગૃહવાસ ભોગવતા લોકોને પણ રમૂજ આવતી હતી. ભેંસો પકડવા માટે વધારે પડતી દોડાદોડી કરનારા એક અમલદારનું નામ સરદારે ‘ભેંસડિયો વાઘ’ પાડેલું.

વાલોડના દારૂના પીઠાવાળા દોરાબજી શેઠના રૂ. ૩૧૪-૧૪-પના ખાતા બદલ બે હજારની કિંમતનો માલ જપ્ત કર્યો અને દુકાને તાળાં લગાવ્યાં. પછી વળી જપ્તીવાળાને ભાન આવ્યું એટલે તાળાં ખોલી નાખ્યાં. છતાં દોરાબજી શેઠે દુકાન ચલાવવાની બંધ રાખી એટલે એમને દબડાવવા માંડ્યા કે, ‘દુકાન કેમ ચલાવતા નથી ? દુકાન નહીં ચલાવો તો સજા થશે.’ દોરાબજી શેઠે કહ્યું કે જપ્ત થયેલાં પીપો દુકાનમાંથી ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા માગતો નથી, અને દુકાન બંધ રહેવાથી મને જે ખોટ જશે તે માટે સરકાર જવાબદાર ગણાશે. દુકાનની અંદરનાં પીપ બહુ મોટાં અને ખસેડાય એવાં નહોતાં. એટલે દુકાનની બહાર પડેલાં ખાલી પીપ જપ્ત કર્યા અને તેમાં પેલાં મોટાં પીપમાંનો દારૂ ભરવા માંડ્યો. પણ બહાર પડેલાં પીપ કાણાં નીકળ્યાં અને કેટલોય દારૂ જમીન ઉપર ઢળ્યો. પછી બીજે ક્યાંકથી પીપ લાવ્યા અને તેમાં દારૂ ભરી એ પાણીને મૂલે હરાજ કર્યો. લોકો વિનોદ કરવા લાગ્યા: ‘સાલાં પીપો પણ સવરાજમાં ભળ્યાં !’ આટલું બધું નુકસાન કર્યા છતાં જપ્ત માલની હરાજીમાંથી ઊપજેલાં નાણાં બાદ કરતાં સરકારે રૂ. ૧૪૪-૬-૮ની રકમ દોરાબજી શેઠના જમીનમહેસૂલ ખાતે બાકી કાઢી અને તેને માટે એમની રૂપિયા ત્રીસથી પાંત્રીસ હજારની જમીન ખાલસા કરવામાં આવી ! આ કિસ્સામાં એક બીજી નોંધવા જેવી વસ્તુ એ હતી કે જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દોરાબજી જ નહીં પણ તેમનાં સાસુ બાઈ નવાજબાઈ પણ હતાં. તેમણે પણ ભારે હિંમત બતાવી અને આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. ઘણા દારૂવાળાઓને તો લડવાનો મોકો જ ન મળ્યો. કારણ તેમને રાજ વકરો થાય તેના પૈસા સરકારી તિજોરીમાં મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂ ખાતે જમા કરવાને બદલે મહેસૂલ ખાતે જમા કરી દે. અફીણના ઈજારાવાળાઓનું પણ આવું બનતું. પણ સરકાર આવી રીતે નાણાં ઉચાપત કરે તેને કોણ ગુનો કહે ?

આબકારી ખાતાના અમલદારો આમ સતામણી કરવા લાગ્યા એટલે ખેતીવાડી ખાતું પણ શું કામ પાછળ પડે ? એ ખાતું કહેવાય તે ખેડૂતોના કલ્યાણ માટે ખોલેલું, પણ એય સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતો ખેતીવાડી ખાતામાંથી કપાસનું બી લઈને પોતાનું રૂ ખેતીવાડી ખાતા મારફત જ વેચતા હતા. એ રૂ જિનોમાં ખેડૂતોને ખાતે અનામત રાખી સારો ભાવ આવે ત્યારે ખાતું વેચી આપતું. આવા રૂની ઘણી ગાંસડી એક જિનમાં પડેલી હતી. મામલતદારે એના ઉપર ટાંચ લગાવી અને ડિરેક્ટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતોને મહેસૂલ પેટે જમા કરી દેવાનો હુકમ થયો. પણ કયા ખેડૂતો તેની કોઈને ખબર નહોતી ! નામ તો પાછળથી મેળવી લેવાય પણ પોણી લાખ રૂપિયા મહેસૂલના તો જમા થયા કહેવાય ! બંદૂકવાળાઓની બંદૂકનાં લાઈસન્સ, મહેસૂલ ન ભરવા માટે લઈ લેવામાં આવ્યાં અને પેશનરોને પેન્શન ખોવાની ધમકી મળી. કેળવણી ખાતાના અને વૈદકીય ખાતાના અમલદારો મારફત એમના હાથ નીચેના નોકરો, જેઓ ખાતેદારો હતા, તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું.

સરકારના આ બધા ધમપછાડાની કશી અસર થતી દેખાતી નહોતી. એટલે ડૂબતો માણસ તણખલું પકડવા જાય તેમ સરકારે કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મારફતે બે વિચિત્ર હુકમો છ મહિનાની મુદ્દતના કઢાવ્યા. પહેલો હુકમ ‘ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનાર’ને સમજાવનારને તથા ‘સરકારી નોકરને અને બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનાર’ને ગુનેગાર ઠરાવતો હતો. અને બીજો હુકમ ‘જાહેર રસ્તા નજીક અથવા મહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં’ ઢોલ વગેરે વગાડવાનો ગુનો ઠરાવતો હતો. તોપ, બંદૂક અને દારૂગોળાનો દમામ રાખનારી સરકાર ઢોલ નગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને તક મળી અને લોકોને સલાહ આપી કે, ‘હવે ઢોલ વગાડવાનું અને શંખ ફુંકવાનું બંધ કરો. આપણાં ઢોલશંખથી સરકાર ડરી ગઈ છે. આપણો ધર્મ તો લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાનો છે. એ ધર્મ ન છોડવો. આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને કસાવવા માગે છે તેમાં આપણે નથી ફસાવું.’ એવામાં વાલોડમાં સરકારી થાણાની સામે જ સભા ભરાઈ હતી ત્યાં સરદારનું ભાષણ પૂરું થવા આવ્યું તે વખતે થાણામાં પૂરેલી ભેંસોના બરાડા સંભળાવા લાગ્યા. સરદારને વળી કહેવાની તક મળી : ‘સાંભળો,. આ ભેંસોની રાડો. રિપોર્ટરો લખી લે. રિપોર્ટ કરજો કે વાલોડના થાણામાં ભેંસો ભાષણ કરે છે. આપણાં ઢોલનગારાંના અવાજોથી આ રાજ્ય ઊંધું વળતું હતું. હવે આ ભેંસોની રાડો સાંભળો. આ રાજ્ય કેવું છે એ હજી તમે ન સમજતા હો તો આ ભેંસો રાડો પાડીને તમને કહે છે : આ રાજ્યમાંથી ઇન્સાફ મોં સંતાડી નાસી ગયો છે.’

આવા હાસ્યવિનોદોથી લોકોનાં કષ્ટ સરદાર ભુલાવી દેતા હતા. તેમને રીઝવતા, હસાવતા પણ તેની સાથે મુળ મુદ્દો નજર આગળથી ખસવા દેતા નહીં. એટલે આટલો વિનોદ કરી લઈને તેને નીચેનાં ગંભીર વચનો કહ્યાં :

“હું જાણું છું કે આખો દિવસ તમારે બારણાં અડકાવીને માણસ અને ઢોર બધાંએ પુરાઈ રહેવું તમને વસમું લાગે છે. તમે તમારાં ઢોર અને મિલકત સરકારને લૂંટી જવા દેવા તૈયાર છો. પણ મારે તમને સમજપૂર્વક દુ:ખ સહન કરતાં શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બાહોશ અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સો રૂપિયાની નોકરી માટે જનોઈ પહેરેલા બ્રાહ્મણ હાથમાં દોરડાં ઝાલીને ખાટકીને દેવાનાં ઢોર પકડવા ફરે છે. આપણા જ માણસોને, ઊંચ વરણના લોકોને આ રાજ્યતંત્ર કેવા રાક્ષસો બનાવે છે એ તમને મારે દેખાડવું છે.”

સરકારે ઉપર જણાવેલા મનાઈહુકમ કાઢ્યા પછી કોઈ પણ બહાને કાર્યકર્તાઓને પકડવા માંડ્યા. પહેલો હાથ રવિશંકર મહારાજ ઉપર નાખ્યો. એક ગાડાવાળાને તેની ઈચ્છા વિદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતો હતો. મહારાજે તેને સમજાવ્યો કે તું ડરીશ નહીં અને તારી જવાની ઈચ્છા ન હોય તો જઈશ નહીં. પોલીસવાળા ગાડામાં ચઢી જઈ જબરદસ્તી કરવા લાગ્યા એટલે મહારાજે કહ્યું કે ગાડું પડતું મૂકી મારી સાથે ચાલી આવ. આ જોઈ બીજા બે ગાડાંવાળા હિંમત કરી ત્યાંથી ચાલી ગયા. મહારાજને આ ગુના બદલ તેમને પાંચ મહિના દસ દિવસની સખ્ત કેદની સજા થઈ. ગાંધીજીએ તા. ૩૦-૪–’૨૮ ના રોજ રવિશંકર મહારાજને વધામણીનો કાગળ લખ્યો :

“તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢતડકો સરખાં, ચીથરાં મળે તો ઢંકાઓ ને હવે જેલમાં જવાનું સદ્‌ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલાબદલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારો ને દેશનો જય હો.”

સરદારે ભાષણમાં કહ્યું :

“હજારો બારૈયા પાટણવાડિયાનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણા વધારે પવિત્ર, એ ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માગે છે પણ મારે પાંખો ઘણી છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડ્યે જ છૂટકો છે. હું સરકારને જણાવું છું કે મારી પાંખો તો જેમ વરસાદમાં ઘાસ ફૂટી નીકળે છે તેમ નવી ને નવી ફૂટતી જવાની છે.”

પછી ભાઈ ચિનાઈને મામલતદારને કામમાં અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવા માટે એમ બે આરોપ મૂકી પકડવામાં આવ્યા અને બન્નેની થઈ ને આઠ મહિના વીસ દિવસની સખ્ત કેદની સજા કરવામાં આવી. કાઠિયાવાડથી આવેલા બે વીર ભાઈ શિવાનંદ તથા ભાઈ અમૃતલાલને તથા વાલોડના જ રહીશ એવા ત્યાગી કાર્યકર્તા ભાઈ સન્મુખલાલને તેડાં આવ્યાં. ભાઈ સન્મુખલાલ ઉપર આરોપ એવો હતો કે એક શખ્સના ઘરમાંથી તલાટી, રેવન્યુ પટાવાળો તથા જપ્તી અમલદાર જુવારની ત્રણ ગુણો જપ્તીમાં લેતા હતા તે વખતે જપ્તીનું કામ નહીં કરવાનું સમજાવવાના હેતુથી આરોપીએ તલાટીને અને સરકારી પટાવાળાને સામાજિક બહિષ્કારથી નુકસાન પહોંચાડવાની ધમકી આપી. ભાઈ શિવાનંદ તથા અમૃતલાલ સામે એક પ્રચંડ પઠાણે ફરિયાદ નોંધાવેલી કે શિવાનંદે તેના ઉપર ધસારો કર્યો અને અમૃતલાલ મારવા ગયા. ભાઈ સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા તથા ભાઈ શિવાનંદ તથા અમૃતલાલને નવ નવ મહિનાની સખ્ત સજા કરવામાં આવી.

થોડા દિવસ પછી વાંકાનેર નામના એક ગામમાંથી ઓગણીસ જણને ડેપ્યુટી કલેક્ટરનો સામાન લઈને જતાં ત્રણે ગાડાંને રોકવા માટે અને ટંટાફિસાદ કરવા માટે પકડવામાં આવ્યા. તેમાં એક ગૂજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી, એક સરદારની મોટરનો ક્લિનર અને બીજા સત્તર ખેડૂતો હતા. પણ તેમની સામે કશો પુરાવો તો હતો જ નહીં. એક માણસ જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું તે, એ ફાનસના પ્રકાશથી બધા આરોપીને ઓળખી શક્યો ! આ પુરાવા ઉપર મૅજિસ્ટ્રેટની પણ બધા આરોપીઓને સજા કરવાની હિંમત ન ચાલી. પાંચને કોર્ટમાં ઓળખાવી ન શકવાને લીધે આરોપ મૂક્યા વિના છોડી દેવા પડ્યા અને ત્રણને પાકા પુરાવાને અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા. બાકીના અગિયાર એ ગુના ઉપર છ છ મહિનાની સખત કેદની અને સાપરાધ બળ વાપરવાને માટે એક એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ નાટક પૂરતું ન હોય તેમ આ ભાઈઓને જેલમાં લઈ જતાં બબ્બેના જોડકામાં દોરડે બાંધ્યા અને હાથમાં બેડીઓ પહેરાવી. વાંકાનેરના તલાટીથી આ દૃશ્ય જોયું ન ગયું અને તેણે પોતાની પચીસ વરસની નોકરીનું રાજીનામું આપ્યું.

સરકારે આ કાર્યકર્તાઓને અને ખેડૂતોને પકડી કશા કાંદા ન કાઢ્યા. રવિશંકર મહારાજનું થાણું સંભાળવા ડૉ. સુમન્ત મહેતા અને શ્રીમતી શારદાબહેન આવી પહોંચ્યાં. તેમણે સરભોણમાં પડાવ નાખ્યો. મોતાની શ્રી ચિનાઈની છાવણી ડૉ. ધિયા અને શ્રીમતી ગુણવંતબહેને આવીને સંભાળી લીધી અને કાઠિયાવાડના કાર્યકર્તાઓનું સ્થાન લેવા શ્રી અમૃતલાલ શેઠ અને શ્રી બળવંતરાય મહેતા સ્વયંસેવક તરીકે આવીને ઊભા. આ ઉપરાંત ભાઈ રામદાસ ગાંધી, કુમારી મણિબહેન પટેલ તથા શ્રી જેઠાલાલ રામજી કામ કરવા આવી પહોંચ્યાં. સરદારને પણ હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેઓ છોડે એવી પેરવી કરી હતી. ઈશ્વરે જ તેમ કરવાને તેમને પ્રેર્યા એમ કહીએ તો ચાલે. કારણ સરદારની તાલુકામાં ચોવીસે કલાકની હાજરીની જરૂર રહે એવો સમો હવે આવ્યો હતો.

વૈશાખનો ધોમ ધખતો હતો અને તેની સાથે સરકાર પણ રુદ્ર રૂપ ધારણ કરતી જતી, પ્રજાની તરેહ તરેહની છેડતી કરી તેને ચીડવી રહી હતી અને તે તોફાને ચડે તો આપણે ફાવી જઈએ એમ માનતી હતી. બરાબર એન વખતે સરદારે લોકોને એન ચેતવણી આપી :

“આપણી ઉપર બિલકુલ આળ ન આવે એ સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહીંં. ગુસ્સાનું કારણ મળે તો પણ અત્યારે ખામોશ પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારે અમુક માણસને ગાળ દીધી. હું કહું છું કે એનું મોઢું ગંદુ થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તો પણ કશું ન બોલશો. હિંમત ન હારશો, પણ સામા હસજો. . . . તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તે વિનય — ખાનદાની —, આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી. તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માગું છું.”

અને છેવટે એમણે લોઢું અને હથોડાની ઉપમા આપી તે બારડોલી તાલુકામાં જ્યાં ત્યાં પરિચિત થઈ ગઈ:

“આ વખતે સરકારનો પિત્તો ઊછળે છે. લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે અને તેમાંથી તણખા ઊડે છે. પણ લોઢું ભલે ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે, લોઢાનો ઇચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. માટે ગમે તેવી આપત્તિમાં આપણે ગરમ ન જ થઈએ.”

આ બધું ચાલતું હતું ત્યારે ઉત્તર વિભાગના કમિશનર કેવી મનોદશા ધરાવતા હતા તે તેમણે સુતરના એક દાક્તરને લખેલા કાગળમાંનાં નીચેનાં વાક્યોમાંથી જાણવા મળે છે :

“લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરનારા આ ખેડાના ચળવળિયાનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતો પાયમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. . . . જે કોઈ ગામ પોતાનો વર્ગ ખોટી રીતે ચડાવી દેવામાં આવ્યા છે એમ માનવાને યોગ્ય કારણ બતાવી આપે તેનો કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલનો જે વીસ ટકા જેટલો વધારો થયો છે તે નહીં આપવાની વાત છોડી દેવામાં આવે.
“મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું માંડી વાળી શકે નહીં. એમ ન થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક આકારણીનો વિરોધ કરવામાં આવે. આજના બારડોલીના ચળવળિયાઓ તે જ માણસો છે જેમણે ૧૯૧૮માં ખેડા જિલ્લામાં કર નહીં ભરવાની લડત ઉપાડેલી. જેઓ મહેસૂલ આપવા ઇચ્છે છે તેમને તે આપતાં અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે મહેસૂલ ભરવા ઇચ્છનારા લોકોને ન્યાત બહાર મૂક્વાની, સામાજિક બહિષ્કારની અને દંડની ધમકીઓ આપવામાં આવે છે.
“ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાઓ આવ્યા છે. એ તાલુકાઓની નવી આકારણી રેલને કારણે બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ એક કરોડ જેટલા રૂપિયા ધીર્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફતેહમંદ થાય, તો તો પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.”

ખેડા જિલ્લાના રેલસંકટનો કમિશનર સાહેબે ઉલ્લેખ કર્યો છે તે સંબંધમાં સરદારનું વલણ કેટલું બધું સરકારને મદદરૂપ હતું તે અગાઉના સરદારના એક ભાષણમાંથી મળી રહે છે. તે અહીં આપવું ઠીક થશે :

“ખેડા જિલ્લામાં રેલ આવી ને લોકોને માથે મહા દુ:ખ આવી પડ્યું ત્યારે બહારથી ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાને પરિણામે ખેડૂતો પોતાનો પાક ઊભો કરી શક્યા હતા. પછી જ્યારે હપ્તાનો વખત આવ્યો ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આફતને કારણે ઓણસાલ જમીનમહેસૂલ માફ થાય તે સારું. મેં કહ્યું કે, ના, જ્યાં હું જોઉં છું કે સરકાર પોતાનું બનતું કરે છે, દોષ રહેતો હોય તો તે સરકારની ખોટી દાનતનો નથી, પણ સ્થાનિક અમલદારો જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી, તેમનો જ છે, ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતોને કહ્યું કે તમારા ખેતરમાં ઇશ્વરકૃપાથી પાક્યું છે તો મહેસૂલ ભરી દેવું એ તમારો ધર્મ છે. કરોડ રૂપિયાની લોન લઈએ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર દસ લાખ રૂપિયા મફત આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કે કમને થઈ શકે તેટલી મદદ કરી છે. આવા સંજોગોમાં તેની સાથે કજિયો કરવો એ આપણને શાભતું નથી. હું અભિમાન નથી કરતો પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જો સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હોત અને તરત બી પૂરું પાડ્યું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં પ૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જ્યારે મેં બારડોલી તાલુકાના ખેડૂતની વાત લખી કે એમને અન્યાય થયો છે, ખેડૂતો કેટલાક પાયમાલ થઈ ગયા છે એ જણાવ્યું અને ગુજરાતમાં એક બે ઊભા રહ્યા હશે તેમનેય તમારું સ્ટીમરોલર કચડી નાખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે, ‘તું તો બહારનો છો !’ ”

અગાઉ એક વાર કલેક્ટરે લોકોની ઉપર આગ અને રંજાડના આરોપો મૂક્યા હતા તેવા કમિશનરે ન મૂક્યા તે માટે એક જાહેર ભાષણમાં સરદારે તેમનો આભાર માન્યો, અને તેની સાથે એ યાદ દેવડાવ્યું કે જો આ ‘ચળવળિયા’ પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત અને તેમને પોતાના જીવને જોખમે અન્ન-વસ્ત્ર, વાવવાનાં બી વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તો સરકારનું તંત્ર ભાંગી પડ્યું હોત. વળી એમ પણ જણાવ્યું કે, આ જ ‘ચળવળિયા’ હતા તો સરકારે આપેલાં નાણાંનો સદ્વ્યય થયો અને ઘણે ઠેકાણે સસ્તાં બી તથા બાંધકામના સરસામાન સમિતિની દુકાનમાંથી મળ્યો. એને લીધે જ સરકાર પૈસા બચાવી શકી.

વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કમિશનરના આ કાગળથી દેશમાં ભારે ખળભળાટ થયો. ગાંધીજીએ ‘નવચેતનન’ માં એક લેખ લખી કમિશનરની બરાબર ખબર લીધી અને લડતના મુદ્દાની ફરી ચોખવટ કરી. તેમણે સ્પષ્ટતા કરી કે બારડોલીના લોકો એ આગ્રહ કરતા જ નથી કે તેમની જ વાત સ્વીકારવામાં આવે. તેમની માગણી તો એટલી છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તેની તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે અને પંચ જે ચુકાદો આપે તેનો અમલ કરવામાં આવે. કાર્યકર્તાઓની બદનક્ષી કરનારા કમિશનરના આક્ષેપ વિષે તેમણે લખ્યું :

“કાર્યકર્તાઓને ‘બારડોલીના લોકો ઉપર જીવનારા અને તેમને અવળે માર્ગે દોરનારા ચળવળિયાનું ટોળુ’ કહીને વર્ણવવામાં આવ્યા છે. આ અપમાન એવું છે કે વધારે સારા વખતમાં અને પ્રજાને પોતાના બળનું ભાન હોત તો કમિશનરની પાસે જાહેર માફી મગાવવામાં આવત. તેમને હું ખબર આપું છું કે જેમને તે ક્રોધ અને સત્તાના મદમાં ‘ચળવળિયાઓનું ટોળું’ કહે છે તેમાં પ્રજાના આબરૂદાર સેવકો છે, જેઓ પોતાની સેવા બારડોલીને મોટો ત્યાગ કરી આપી રહ્યા છે. આમાં બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ ઉપરાંત વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજી સાહેબ પણ છે. તેઓ પણ બૅરિસ્ટર છે અને એક વાર વડોદરામાં મુખ્ય ન્યાયાધીશ હતા. આમાં ઈમામસાહેબ બાવઝીર છે, જેઓ ફકીર જેવા છે અને બારડોલીની પાસે કોડીની તેમને સ્પૃહા નથી. વળી ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં તેમના જેવાં જ સંસ્કારી પત્ની શ્રીમતી શારદાબહેન છે. ડૉ. સુમન્તની તબિયત તો કેટલાક સમય થયાં બહુ નબળી છે, પણ તેઓ પોતાના આરોગ્યના મોટા જોખમે બારડોલી ગયા છે. આ ચાર ખેડાનાં નથી એ કમિશનર સાહેબને રોશન થાય, આ પછી ઢસાના દરબાર સાહેબ અને તેમનાં ભડ પત્ની ભક્તિબા છે. બંનેએ દેશને માટે પોતાના રાજ્યનો ભોગ આપ્યો છે. તેઓ બારડોલીના લોકો ઉપર પેટ ભરતાં નથી. આ ઉપરાંત ડો. ચંદુલાલ અને ડૉ. ત્રિભુવનદાસ ત્યાં કામ કરી રહ્યા છે. તેઓ પણ ખેડાના નથી. આ ઉપરાંત ફૂલચંદ શાહ અને તેમનાં પત્ની તથા તેમના સાથી શિવાનંદ જે હવે તો જેલમાં પહોંચ્યા છે તે પણ ખેડાના નથી. કેટલાં વર્ષોથી મૂંગી સેવાને તેમણે પોતાના જીવન અર્પણ કર્યાં છે. આ બધાં અને બીજાં જેમનાં નામો આપી શકું છું તેઓ બારડોલીની હાય સાંભળીને ત્યાં ગયાં છે. જો કમિશનરમાં આબરૂનો છાંટો પણ હોય તો તેમણે આ સજ્જનો અને સન્નારીઓની સ્વેચ્છાએ માફી માગવી જોઈએ. . . .
“સરકારને હું ખાતરી આપું છું કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ખેડાની તગાવી વસૂલ થવામાં કશી મુશ્કેલી નહીં આવે. એ નહી ભરાય તો તે વસૂલ કરવા માટે ‘ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગર પગારના કલેક્ટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા સેવકોનું અપમાન કરવાની અને જૂઠાણાં બોલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારો નહીં ધરી શકે, અને બારડોલીના વધારા જેવા ભયંકર, અયોગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે.”

કમિશનરના કાગળથી અને ગાંધીજીએ આપેલા તેના જવાબથી બારડોલી હિંદુસ્તાનમાં ગવાવા માંડ્યું. પણ સરદારને બારડોલીની લડત વ્યાપક નહોતી બનાવવી. રાજાજી અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં જ અમદાવાદ આવ્યા હતા. તેમને બારડોલી જવાનું બહુ મન હતું. પણુ ગાંધીજીએ તેમને રોક્યા અને તેથી સરદાર બહુ રાજી થયા. આ જ અરસામાં મગનલાલ ગાંધીનો દેહાંત થયો અને સરદારને ગાંધીજીને મળવા અમદાવાદ આવવાની ઈચ્છા થઈ. તેમને પણ ગાંધીજીએ રોક્યા, એમ કહીને કે, ‘તમારાથી આજે બારડોલી ન છોડાય, પણ મારી હાજરી તમારા ખીસામાં સમજજો.’ પણ ગાંધીજી બારડોલી જાય તો બારડોલીની વધારે પ્રસિદ્ધિ થાય અને ઢગલો માણસો બારડોલીમાં ઊતરી પડે એ સરદાર નહોતા ઈચ્છતા.

ધારાસભાના સભ્યોને લાગ્યું કે હવે આપણે કંઈક કરવું જોઈએ. તેમણે ગવર્નરને વિનંતી કરીને લખ્યું : ‘તમે સરકારી અમલદાર તરફથી તપાસ થાય એવી મોળી માગણી પણ ન સ્વીકારો એ આશ્રર્ય છે. અમારે રાજીનામું આપવું પડશે.’ ગવર્નરના ખાનગી મંત્રીએ તેમને બનાવતાં લખ્યું : ‘ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે.’ પેલા ભલા સભ્યોને લાગ્યું કે આ તો સમાધાનની બારી ખૂલી. એમણે તરત જવાબ આપ્યો : ‘આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છો એ જાણીને અમને આનંદ થાય છે. જો એટલું આપ કરો તો અમે શ્રી વલ્લભભાઈ પાસે એવી તપાસ સ્વીકારાવવા પ્રયત્ન કરીએ.’ પેલા ખંધા મંત્રીએ લીલું શ્રીફળ પકડાવ્યું : ‘અરે, રામ રામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.’ ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ગુજરાતના નવ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. પોતાના પત્રમાં તેમણે જણાવ્યું :

“જ્યારે સરકાર પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાનો ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોકો જેવા ઉત્તમ અને નરમ લોકોને છૂંદવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિના વિરોધ તરીકે ધારાસભાનાં અમારાં સ્થાનનાં રાજીનામાં આપવાની અમને અમારી ફરજ લાગે છે.”

તે વખતે કૉંગ્રેસની કારોબારીની બેઠક મુંબઈમાં થઈ. સરદાર અને એમના સાથીઓને ‘લોકોના ઉપર જીવનારા, તેમને આડે રસ્તે દોરનારા, ખેડાના ચળવળિયાનાં ધાડાં’ તરીકે કમિશનરે વર્ણવ્યા હતા તે આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. કારોબારીએ નીચેનો ઠરાવ પસાર કરીને દેશમાં ભભૂકી ઊઠેલી લોકલાગણીનો પડઘો પાડ્યો :

“બારડોલી તાલુકામાં થયેલો મહેસૂલવધારો અન્યાયી છે અને ખોટા તથા અયોગ્ય આધાર પર સૂચવાયેલો છે. તે સંબંધમાં તપાસ કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલીના સત્યાગ્રહીઓની માગણી ન સ્વીકારી મુંબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે કૉંગ્રેસની આ કારોબારી સમિતિ બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે;
“અને બારડોલીના સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટો ભોગ આપીને ઊભા રહેવાને માટે શ્રી વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓનો આભાર માને છે; અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે;
“વળી, મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદે અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખત નાપસંદગી જાહેર કરે છે;



“મુંબઈના ઉત્તર વિભાગના કમિશનરે સુરતના એક દાક્તરને લખેલો પત્ર આ સમિતિએ વાંચ્યો છે. તેની અંદર કમિશનરે શ્રી વલ્લભભાઈ પટેલ, અબ્બાસ સાહેબ તૈયબજી અને ડૉ. સુમન્ત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકોને ‘લોકોના ઉપર જીવનારા, તેમને આડે રસ્તે દોરનારા, ચળવળિયાએાનાં ધાડાં’ તરીકે વર્ણવ્યા છે અને બીજા પણ ઘણી અતિશયતાભરેલાં એવાં વચનો છે, જે લગભગ જૂઠાણાં કહેવાય, એ કાગળને આ સમિતિ અતિશય અપમાનભરેલો અને એક ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારને ન છાજતો માને છે. તેથી આ સમિતિ મુંબઈ સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મંગાવીને તે ખેંચી લેવાને હુકમ કરો અને તેમ ન કરે તો તેને બરતરફ કરવો;
“વિશેષમાં, આ સમિતિ મુંબઈ સરકારને વિનંતી કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી; આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડ્યું છે એટલે પ્રજાને આ સમિતિ આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી.”

સરદાર કારોબારીની બેઠક વખતે મુંબઈ ગયા હતા. સૌએ તેમને ખૂબ જ આવકાર આપ્યો. તેમણે ઇચ્છ્યું હોત તો એ બધાને બારડોલી ખેંચી લઈ જઈ શકત પણ તેમણે કોઈને આગ્રહ ન કર્યો. છતાં ડૉ. અનસારી અને મૌલાના શૌકતઅલી બારડોલી ગયા. તેઓ સત્યાગ્રહીઓની શિસ્ત અને સંગઠન જોઈ બહુ ખુશ થયા. પારસી ખાતેદારો ઉપર ગુજરેલા ત્રાસની વાતથી ખેંચાઈ શ્રી ભરૂચા અને શ્રી નરીમાન બારડોલી આવ્યા. બારડોલીમાં પઠાણોનો ત્રાસ જોઈ તેમના ઉપર એટલી અસર થઈ કે શ્રી નરીમાને પોતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહારો કર્યા :

“આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાન્તિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે ગમે તેમ હોય, બારડોલીમાં આજે પઠાણ અને મવાલીનું રાજ્ય છે. મુંબઈમાં જે પઠાણોની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચોકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણો લાવીને સરકારે પોતાની લાજ જેટલી ખોઈ છે તેટલી બીજી કોઈ પણ રીતે ન ખાઈ હોત.”

તા. ર૭મી મેએ સુરત જિલ્લા પરિષદ સુરતમાં શ્રી જયરામદાસ દોલતરામના પ્રમુખપણા નીચે ભરાઈ. આવી પરિષદ સુરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી. બારડોલીના સત્યાગ્રહ વિષે લોકોનો કેટલો ઉત્સાહ હતો તે જાણવાને માટે આ અપૂર્વ દૃશ્ય પૂરતું હતું. બારડોલીના ગામડાં નજરે જોયા વિના પ્રમુખપદ લેવું શ્રી જયરામદાસને ઠીક નહીં લાગેલું, એટલે તેમણે ઘણાં ગામડાં જોયાં અને ત્યાં જે જે જોયું તેનો તાદૃશ ચિતાર પોતાના ભાષણમાં ઉતાર્યો. આ રહ્યા તેમના કેટલાક સૂચક ઉદ્‌ગારો : ‘સરકાર શા સારુ ઉઘાડું કહી નથી દેતી કે અમે નર્યા પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુનો નીતિની દૃષ્ટિએ કશો બચાવ થઈ શકે એમ નથી તેનો જૂઠાણાંવાળી અને ભ્રામક દલીલથી બચાવ કરવામાં શું હાંસલ છે?” પઠાણીરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું : “ધોળે દહાડે પઠાણે ચોરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શરમભરેલું છે.” બારડોલી તાલુકામાં ચાલી રહેલા સિતમોનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વર્ણન આપી તેમણે જણાવ્યું : “સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કોઈ પણ ગામડામાં ફરી આવો. બારડોલીનાં ખેડૂતો, સ્ત્રીઓ, બાળકો સૌ કોઈ આ આગેવાનો અને પ્રજાસેવકો ઉપર કેટલાં મરી ફીટે છે ! મુંબઈ સરકારની જુલમનીતિનો કાળો ડાઘ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાનો છે તેમ તેના જવાબદાર વડા અમલદારની પ્રજાસેવકો પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધોવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે.”

હવે બારડોલીમાં મહેમાનોની ભરતી ચડવા જ લાગી. શીખ નેતા સરદાર મંગલસિંગ બારડોલીની લડત જાતે જોવા આવ્યા અને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ લડતનો અભ્યાસ કરવા ડૉ. સત્યપાલને મોકલ્યા. શેઠ જમનાલાલ બજાજ પોતાને બારડોલીના યાત્રાળુ ગણીને ધન્ય માનવા લાગ્યા. મહારાષ્ટ્રથી શ્રી જોષી અને પાટસ્કર તટસ્થ ભાવે બધું જોવા આવ્યા. તેઓ અસહકારી નહોતા પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જોવાનો અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે નિહાળવાનો તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું: ‘ઠેકડી કરવા આવ્યા હતા, પણ સ્તુતિ કરતા જઈએ છીએ.’ આમ સરદાર ઈચ્છે કે ન ઈચ્છે બારડોલી જગબત્રીશીએ ચડ્યું.

સરદારે અત્યાર સુધી નાણાં માટે જાહેર માગણી કરી નહોતી. ખર્ચ માટે બારડોલી તાલુકામાંથી જ દસેક હજાર રૂપિયા મળ્યા હતા. બહારથી થોડાં વણમાગ્યાં દાન આવતાં હતાં. પણ હવે બહારથી તાલુકાની મદદે આવતા સ્વયંસેવકોની સંખ્યા વધતી જતી હતી. બહારથી સંખ્યાબંધ ખેડૂતો અને કાર્યકર્તાઓ લડતની રચના જોવા અને રહસ્ય સમજવા આવતા હતા. એટલે લડતનું ખર્ચ ગુજરાત અને બૃહદ ગુજરાત આપે એવી સરદારે માગણી કરી અને ખાસ પ્રયત્ન વિના જોઈતાં નાણાં આવવા માંડ્યાં.

જેમ જેમ બારડોલીનું બળ વધતું જતું હતું તેમ તેમ સરકારની અકળામણ વધતી જતી હતી. મે મહિનાનો તાપ સરકારથીયે સહન ન થયો. તેણે જોયું કે એક્કે પાસો સીધો પડતો નથી એટલે તેણે યુદ્ધ પરિષદ બોલાવી. તેમાં બે ગુજરાતી પ્રધાન હતા. તેઓને સમાધાનીની ઉત્કંઠા વધારે હતી. કમિશનર અને સેક્રેટરીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથે સરકારધારો પહેલો ભરી દેવામાં આવે તો ફરી તપાસ માટે સરકારી અમલદાર નીમવાનો વિચાર થાય. એક પ્રધાન દી○ બ○ હરિલાલભાઈ દેસાઈ સરદારના જૂના મિત્ર હતા. તેમણે માની લીધું કે વલ્લભભાઈ આ તો સ્વીકારી લેશે. એટલે તેમણે એ પ્રમાણે કાગળ લખ્યો. સરદારે તારથી જવાબ આપ્યો કે, ‘પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવે, જોકે તે પણ સ્વતંત્ર, ખુલી તપાસ જાહેર થાય, તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારોની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય. ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યાર પછી.’ સમાધાનીનો આ પ્રયત્ન જન્મતાં જ મરણ પામ્યો અને સરકારી મહારથીઓ નવાં શસ્ત્રાસ્ત્રો સાથે રણે ચઢ્યા.

તા. ૩૧મી મેના રોજ સરકારે ‘બારડોલી અને વાલોડ મહાલના ખાતેદારોને જાહેરનામું’ બહાર પાડ્યું. તેમાં જણાવ્યું કે, ‘સરકારી ઉપાયોમાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ઘરને તાળાં વાસી રાખવાં, પટેલો અને વેઠિયાઓનો બહિષ્કાર કરવાની અને ન્યાતબહાર મૂકવાની ધમકી’ આપવી એવાં લોકોનાં ગુનાઈત કૃત્યથી જપ્તીનું કામ અકારથ નીવડ્યું એટલે પછી સરકાર શું કરે ? ‘અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસો તથા જંગમ મિલકતની જપ્તી કરવી પડી અને પઠાણોની મદદ લેવી પડી.’ પણ તેમાં ખોટું શું ? ‘પઠાણોનું વર્તન યો દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાતરી છે.’ તેમાં ખેડૂતોને ફરી ચેતવણી આપવામાં આવી : ‘તેમની જમીન સરકારી ખરાબા તરીકે દફતરે ચઢાવી દેવામાં આવશે. . . . અને આવી રીતે લઈ લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહીં આવે.’ ‘આવી ૧૪૦૦ એકર જમીનનો નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫૦૦૦ એકરનો યથાકાળે નિકાલ કરી દેવામાં આવશે.’ વળી, ‘આજ સુધીમાં એક લાખ રૂપિયા તાલુકા અને મહાલના મહેસૂલ પેટે સરકાર વસૂલ કરી ચૂકી છે, . . . ઘણા લોકો ભરવાને આતુર છે પણ સામાજિક બહિષ્કાર અને ન્યાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જો ૧૯મી જૂન સુધીમાં લોકો મહેસૂલ ભરી દેશે, તો તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહીં આવે.’

અનેક અસત્યો અને અર્ધસત્યોવાળા આ જાહેરનામાને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે લોકોએ ગણી કાઢ્યું. ભવિષ્યવાણી જેવાં લાગતાં નીચેનાં વચનોથી સરદારે લોકોને ખાલસાનો અને જમીન વેચવાનો ડર ન રાખવા પ્રોત્સાહિત કર્યા :

“યાદ રાખજો કે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે. જેમણે અમલદારો જોડે કૂંડાળાં કર્યા હશે તેમનાં મોં કાળાં થવાનાં છે. એમાં મીનમેખ ફરક પડવાનો નથી. જાણજો કે તમારી જમીન તમારાં બારણાં ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.”

થોડા દિવસ સુધી તો પોતાનાં ભાષણોમાં સરકારી જાહેરનામાંનાં જૂઠ્ઠાણાં અને ધમકીઓનાં પોકળ ઉઘાડાં પાડી સરદાર સરકારની આબરૂના કાંકરા કરવા લાગ્યા :

“સરકાર કહે છે કે ૧૪૦૦ એકર જમીન તેણે વેચી નાખી છે અને હજી ૫૦૦૦ એકર વેચવાના છે. સરકારના મહેસૂલઆકારણી કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણી થઈ છે. વેચેલી જમીનની એટલી કિંમત લીધી છે કે ઓછીવત્તી તે સરકાર જાહેર કરે. જેટલી કિંમતે જમીન સરકારે વેચી હોય, તે પ્રમાણે મહેસૂલ ઠરાવે. . . .
“એ જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીએ ઊભી રહેશે અને કહેશે : મારો ગોળીઓ અને પચાવો જમીન. તમે જમીનમાં હળ મૂકો તે પહેલાં અમારાં લોહીની નીકો વહેરાવવી પડશે અને અમારાં હાડકાંનું ખાતર કરવું પડશે.
“જાહેરનામામાં પઠાણોની ચાલચલગતને ‘દરેક રીતે નમૂનેદાર’ કહી છે, તો કરોને તમે એનું અનુકરણ. તમારા અમલદારોને કહી દો કે એ પઠાણો જેવી નમૂનેદાર ચાલ ચાલો, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહીં રહે. . . .
“સરકારને આપણું સંગઠન ખૂંચે છે. ખેડૂતોને મારી સલાહ છે કે તમને દગો દે તેને બિલકુલ જતા ન કરો. તેને કહી દો કે આપણે એક હોડીમાં ઝુકાવ્યું છે. તેમાં તારે કાણું પાડવું હોય તો તું હોડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહીંં. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈને દુ:ખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી બચાવીએ છીએ, ગેરુ લગાવીને ઊધઈથી બચાવીએ છીએ, તે આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પોતાના રક્ષણ માટે વાડ શા સારુ ન કરે ? . . . તમે કાંઈ કોઈની રોજી છીનવી લેતા નથી. તમે તો માત્ર એની સાથે સંબંધ છોડો છો, એની સેવા લેવી બંધ કરો છો. એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે.
“સરકાર કહે છે કે પહેલાં પૈસા ભરી દો. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો. તેથી તમે તેને કયો ઇન્સાફ આપ્યો ? . . .

“જપ્તીનો માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી જાહેરનામામાં બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કોણ મળ્યા છે? માલ રાખનારા તમારા જ પટાવાળા અને પોલીસ, અને ભેંસો રાખનારા એક બે ખાટકી ખુશામત કરીને સુરતથી લાવ્યા તે. અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગા, તેમની કેવી આબરૂ છે તે જગત જાણે છે.”

દેશમાં આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ અને દરેક પ્રાંતનાં વર્તમાનપત્રો બારડોલીની ખબરોથી ભરાવા લાગ્યાં. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ આ સમયે વડી ધારાસભાના પ્રમુખ હતા અને ગુજરાત તરફથી ચૂંટાયેલા સભ્ય તરીકે તેઓ આખી લડતનો રસથી અભ્યાસ કરતા હતા. તેમણે આખી વસ્તુસ્થિતિ વાઈસરૉય આગળ રજૂ કરી અને આ સંબંધમાં પોતાના વિચારો જણાવ્યા. એટલામાં મુંબઈ સરકારનું ઉપર જણાવેલું જાહેરનામું બહાર પડ્યું. એટલે તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યો. તેની સાથે લડતના ફાળામાં રૂ. ૧૦૦૦નો ચેક મોકલ્યો તથા લડત ચાલે ત્યાં સુધી દર માસે એ રકમ મોકલતા રહેવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને આ રાજકીય ગણાતી અને સરકાર સામે બંડ તરીકે વગેવાયેલી લડતને માટે સક્રિય સહાનુભૂતિ તેમણે દાખવી તેથી ઘણાને સાનંદાશ્ચર્ય થયું અને કેટલાકને એ વાત ખૂંચી પણ ખરી. ગાંધીજીએ લખ્યું : ‘શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર જોઈ કોનું હૃદય નહીં ઊછળે ?’ સાચે જ એ પત્રથી બારડોલીમાં તેમ બહાર ઘણાનાં હૃદય ઊછળ્યાં. મુંબઈના શ્રી નરીમાન અને બાલુભાઈ દેસાઈ, કરાંચીના શ્રી નારણદાસ બેચર તથા હૈદરાબાદના શ્રી જયરામદાસે મુંબઈની ધારાસભામાંથી પોતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. સુરતની પરિષદમાં શ્રી જયરામદાસે તા. ૧૨મી જૂનને દિવસ બારડોલી દિન તરીકે ઊજવવાની સૂચના કરી હતી અને કૉંગ્રેસના પ્રમુખે તેને વધાવી લીધી હતી. એ દિન આવે તે પહેલાં બારડોલી તાલુકાના ૬૩ પટેલો અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં. જ્યારથી લડત શરૂ થઈ ત્યારથી પટેલ તલાટીઓ ઉપર સરદારના મીઠા પ્રહાર પડ્યાં જ કરતા હતા :

“આ રાજ્યરૂપી ગાડાંને બે પૈડાં છે : એક પટેલ અને બીજો તલાટી. અથવા સરકારની ગાલ્લીના એ બે બળદ છે. રાતદિવસ આ બળદ ખૂબ ફટકા ખાય છે, ગાળો ખાય છે. પણ સરકાર કોઈ કોઈ વાર થોડો ગોળ ચોટાડે છે તે મીઠો લાગે છે એટલે માર અને ગાળ બધું ભૂલી તેઓ ગાડું ખેંચે છે.”

ગાંધીજીએ આ પટેલતલાટીઓને ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે એમનાં જેવાં બલિદાન જ આખરે આપણને સ્વરાજ અપાવશે.

બારડોલી દિન આખા દેશમાં ખૂબ ઉત્સાહથી ઊજવાયો. બારડોલીના લોકોએ વીસ કલાકના ઉપવાસ અને પ્રાર્થના કર્યા, મુંબઈના યુવકોએ ઘેરઘેર ફરી ઉઘરાણાં કર્યા. અમદાવાદના મજૂરોએ આના આનાની રસીદો કાઢી દોઢ હજાર રૂપિયા એકઠા કર્યા, બારડોલીના સત્યાગ્રહ કાર્યાલયમાં તો ચેક અને મનીઑર્ડરનો વરસાદ વરસ્યો. આ બધાં સ્વેચ્છાથી આવતાં દાન ઉપરાંત કેટલાક દાતાઓ પાસે મણિલાલ કોઠારી જેવા ભિક્ષુ પહોંચ્યા. તેમણે મુંબઈના બૅરિસ્ટર અને વકીલો પાસે મોટી મોટી રકમ કઢાવી. સારો ચેક ન આપો તો તમારી મોટરકાર આપો, અને તે આપી ન દો તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપો. આમ કરીને તાલુકામાં કાયકર્તાઓને ફરવા માટે તેમણે ચાર મોટરકાર મેળવી અને સત્યાગ્રહ ફાળાને બે લાખ સુધી પહોંચાડ્યો.

૧૦

અત્યાર સુધીમાં ખાલસા નોટિસની સંખ્યા પાંચ હજાર ઉપર પહોંચી. હવે સરકારે ખાલસા થયેલી જમીન છાનીછપની વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢોંગ આદર્યા. ગામેગામ લોકોએ ઠરાવ કર્યો કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈએ ખેડવી નહીં અને મજૂરીની કે બીજી કોઈ પ્રકારની મદદ કરવી નહીં. બારડોલી બહારના એક પારસીએ થોડી જમીન ખરીદી. તેમની કોમના અને શહેરના માણસોએ તેમના કડક બહિષ્કારનો ઠરાવ કર્યો. સરદારે ‘બારડોલી દિન’ નિમિત્તે બારડોલીમાં ભાષણ કરતાં આવા જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી :

“કોઈ પણ ખેડૂતની કે શાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી રહેશે ત્યાં સુધી આ લડતનો અંત નથી. તેના ઉપર તો હજારો ખેડૂતો પોતાનાં માથાં આપશે. એ કાંઈ ધર્મરાજાનો ગોળ લૂંટાતો નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ તો ખેડૂતનું લોહી પીવા આવવાનું છે. તેમ કરનારનો ઇનસાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવો કરે તે ન ભૂલજો. મફતમાં જમીન લેવા આવનારની દશા પેલા નાળિયેર લેવા જનારા લોભિયા બ્રાહ્મણના જેવી થવાની તે ખચીત માનજો.”

મોતાના એક સજ્જનને ડેપ્યુટી કલેક્ટરે અનેક વાર સમજાવ્યા: ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે, એ વાડીને હરાજ કરાવવાનું મારાથી શે બને ? માટે મહેરબાની કરીને મહેસૂલ ભરી દોની. કોઈને જરાય ખબર નહીં પડવા દઉં.’ પેલા સજ્જન અડગ રહ્યા. એટલે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું, તમારા મિત્રે તેમના તરફથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. પેલા પેન્શનર ભોળવાયા નહીં અને તપાસ કરી જોઈ તો વાત ખોટી નીકળી. મોતામાં જઈને સરદારે પોતાની અનેક સચોટ ઉપમાઓમાંની એક વાપરીને પેલા અમલદારને ગામમાં ભોંય ભારે પડે એમ કહ્યું:

“બે જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલમાંથી રસ લઈ આવી મધ બનાવે છે. બીજી માખી ગંદા ઉપર જ બેસે છે અને ગંદકી ફેલાવે છે. એક માખી જગતને મધ આપે છે, ત્યારે બીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીઓ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશો જ નહીં. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખશો કે તમારી પાસે એ માખીઓ આવે.”

બારડોલીમાં આ લડતને માટે ખાસ રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા હતા. તાલુકામાં ગુના તો થતા જ નહોતા. કોઈ ગુના કરતું હોય તો પોલીસના માણસો, સરકારે આણેલા પઠાણો અને સરકારી અમલદારો જ કરતા હતા. પણ તેથી કાંઈ મૅજેસ્ટ્રેટને આળસુ બેસવા દેવાય ? કલેક્ટર સાહેબ બારડોલી આવ્યા હતા. તેમની હિલચાલની દેખરેખ રાખવા એક સ્વયંસેવક સરકારી બંગલાથી થોડે છેટે રસ્તાની સામી બાજુએ બેઠો હતો. કલેક્ટરને આ ન ગમ્યું. એને બોલાવી મંગાવ્યો અને ફોજદારને સોંપ્યો. તેણે ચેતવણી આપી સ્વયંસેવકને છોડી મૂક્યો. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના વિદ્યાર્થી દિનકર મહેતા અને બીજા એક સ્વયંસેવકે લીધી. એ બંનેને પકડવામાં આવ્યા. એટલે એમની જગ્યા જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તે જ સ્વયંસેવકે લીધી, એટલે એને પણ પકડ્યો. પણ એમને કલમ કઈ લગાડવી ? જાહેર રસ્તા ઉપર રખડતા રઝળતા ભામટાવાળી કલમ તૈયાર હતી. ત્રણે જુવાનોને રૂ. ૫૦ દંડ નહીં તો બે માસની સજા કરવામાં આવી. મૅજિસ્ટ્રેટે જજમેન્ટમાં લખ્યું : ‘આ આરોપીઓ બારડોલીમાં સરકારી બંગલા આગળ કલેક્ટરનો મુકામ હતો ત્યારે રઝળતા અને જતા આવતાને અટકાવ કરતા માલૂમ પડ્યા હતા.’ પણ કોનો અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો ? એના પુરાવાની કશી જરૂર નહોતી ! ત્રણે જણે દંડ ન ભરતાં જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની અનાયાસે લાધેલી આ તકનો લાભ લેવા ત્યાં ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહીં.

નાની ફરોદ નામના ગામના રહીશ ભવાનભાઈ હીરાભાઈ નામના ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર જપ્તીદારને અટકાવવા માટે બારણાં બંધ કરવાનો અને તેને ઈજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેની વીર પત્નીએ કહ્યું કે, આ ગુનો કોઈએ કર્યો હોય તો મેં કર્યો છે, બારણાં મેં ઢાંક્યાં હતાં. છતાં, તેને ન પકડવામાં આવી અને ભવાનભાઈને છ માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. પતિને જેલમાં વિદાય દેતી વખતે એ વીરાંગનાએ જે શબ્દો ઉચાર્યા તે નોંધવા જેવા છે :

“જો જો, હોં. ઢીલો બોલ ન નીકળે. જેલરને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દે. મારી સામે કે છોકરા સામે જોવાનું ન હોય. હિંમત રાખજો. અને ખખડાવીને જવાબ દેજો. શું કરું? મારા ઉપર કેસ નહીં માંડ્યો, નહીં તો બતાવી દેતે. મણ દળવા આપે તે દોઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તો તૈયાર છે પણ જરા ઠંડા સ્વભાવના એટલે બોલતાં નહીં આવડે. આવે વખતે તો એવા જવાબ દેવા જોઈએ કે સરકારમાં હોય તેટલા બધાને યાદ રહી જાય.”

બારડોલીની બહેનોની આવી વીરતા અને હિંમતનો ફાળો આ લડતમાં ઘણો મોટો હતો

ખેડા સત્યાગ્રહના દિવસોમાં સરકારનું ખબર ખાતું ખૂલ્યું નહોતું. બોરસદ સત્યાગ્રહમાં તેનાં કંઈક દર્શન થયાં હતાં. પણ આ વખતે તો તેને પત્રિકાઓ કાઢવાનું શૂર ચઢ્યું હતું. અને તેમાં રોજ રોજ સરકારની ઈજ્જત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડ્યા જતા હતા. એક પઠાણ મીઠું ચોરતાં પકડાયો ત્યારે ખબર ખાતાના અમલદારે કહ્યું: ‘પોલીસને જણાયું છે કે આ કેસ ખોટા કેસમાં ગણવો જોઈએ.’ એક પઠાણે એક સત્યાગ્રહી ઉપર છરી લઈને હુમલો કર્યો ત્યારે હુમલાનો તો ઈનકાર ન કરવામાં આવ્યો પણ કહેવામાં આવ્યું કે છરી ભોંકવાનો ઈરાદો નહોતો. એક પઠાણ કૂવા ઉપર નાગો ઊભો હતો ત્યારે કહેવામાં આવ્યું કે પઠાણનો હેતુ મલિન નહતો. પછી જ્યારે આ ‘નમૂનેદાર ચાલ’વાળા પઠાણોને તાબડતોબ તાલુકામાંથી ખસેડવાનો હુકમ થયો ત્યારે ખબર ખાતાએ લખ્યું: ‘હવે વરસાદની મોસમ શરૂ થઈ એટલે પાણીની જરૂર થોડી જ રહેવાનો સંભવ છે.’ વળી તેણે દલીલ કરી: ‘વાણિયા પઠાણોને ચોકીદાર રાખે છે તેની સામે તો કોઈ કાંઈ કહેતું નથી. તો પછી સરકાર પઠાણને રાખે તેમાં શું દોષ ?’ કલેક્ટર સાહેબ ‘ખેડૂતને શુભ વચનો’ કાઢતા હતા. તે વળી આ ખબર ખાતાને પણ ટપી જાય એવાં હતાં. એ શુભ વચનોમાં સરદાર અને તેમના સાથીઓને ‘દુરાગ્રહી’ વિશેષણની નવાજેશ કરવામાં આવી. તેમને ‘બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ જમીન નથી એવા પરદુઃખોત્પાદક ઋષિઓ’ કહ્યા. ખાલસા જમીન પચાવતાં પહેલાં સ્વયંસેવકોના લોહીની નીકો વહેશે અને તેમનાં હાડકાનાં ખાતર થશે એવું સરદારે કહેલું તે ઉપર લખ્યું :

“હવે તો તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠો પણ વીસરાવા માંડ્યા છે. શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણના ગંભીર ધ્વનિ એ પરદુ:ખોત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે. ગોળીબાર અને હાડકાનાં ખાતરો વગેરે વાત શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.”
૧૧

શ્રી કનૈયાલાલ મુનશી તે વખતે મુંબઈ ધારાસભાના સભ્ય હતા. તેમણે ગવર્નરને કાગળ લખીને વીનવ્યા કે તેઓ બારડોલીની બાબતમાં વચ્ચે નહીં પડે તો મુદ્દો છે તે કરતાં બદલાઈ જશે અને બહુ મોટું રૂપ ધારણ કરશે. પોતાના કાગળના આરંભમાં તેમણે જણાવેલું કે પોતે બંધારણીય ઉપાયોમાં માનનાર તરીકે કાગળ લખે છે, ‘કર ન ભરનાર અસહકારી તરીકે નહીં.’ ગવર્નરે તેમને લાંબો ઉત્તર આપ્યો. તેમાં જણાવ્યું કે, ‘બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.’ ‘લોકોની તકરાર પછી ફરી તપાસ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદાર તેમની જગ્યાએ આવ્યા. તેઓ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળ તપાસી ગયા છે અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો વગેરે બાદ કરીએ તો પણ માલના ભાવ, જમીનની વેચાણ કિંમત વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તે કરતાં ઓછો છે. જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ કશું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાતરી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયી જ નહીં પણ ઉદારતાભર્યું છે.’ એટલે શ્રી મુનશીએ જવાબ આપ્યો કે, ‘આપ નામદાર કહો છો એ વાત સાચી હોય તો સ્વતંત્ર તપાસ કમિટી નીમીને પોતે ન્યાયી અને ઉદાર છો એવું પ્રજા પાસે કબૂલ કરાવવાની તક સરકાર શા સારુ નથી લેતી ?’ હવે ગવર્નરે સરકારના મનમાં ખરું શું હતું તે જણાવ્યું. ‘તમે સૂચવો છો તેમ સરકાર રાજવહીવટ ચલાવવાનો પોતાનો નિર્વિવાદ અધિકાર કોઈ સ્વતંત્ર કમિટીને શા સારૂ સોંપી દે ? દરેક રીતે પરિસ્થિતિને પહોંચી વળવાને હું ઇંતેજાર છું. પણ કોઈ પણ સરકાર ખાનગી શખ્સને પોતાની લગામ સોંપી દઈ ન જ શકે. એવું થવા દે તો સરકાર સરકારના નામને લાયક ન રહે.’

આ વિચિત્ર વિધાનના જવાબમાં ગાંધીજીએ ફરી એક વાર લોકપક્ષનું સત્ય સ્વરૂપ વ્યક્ત કરનાર લેખ લખ્યો અને સરકારે ધારણ કરેલી ખોટી વૃત્તિને ઉઘાડી પાડી :

“ગવર્નર સાહેબ કહે છે કે રાજ્ય અને પ્રજાની વચ્ચે સ્વતંત્ર તપાસ હોય જ નહીં. આમ કહીને તેઓ સાહેબ લોકોની આંખમાં ધૂળ નાખે છે. સ્વતંત્ર તપાસ પણ સરકારી તપાસ હશે. ન્યાય ખાતું કારોબારી ખાતાથી સ્વતંત્ર છે છતાં તે પણ સરકારી ખાતું છે. કમિટીની નિમણૂંક લોકો કરે એમ કોઈએ માગ્યું નથી. પણ તટસ્થ અમલદારો પાસે જેમ અદાલતોમાં તપાસ ચાલે છે તેમ બારડોલીની મહેસૂલના કેસની તપાસ થાય એવી લોકોની માગણી છે. આમાં સરકારને રાજ્યની લગામ છોડી દેવાની વાત નથી, પણ જોહુકમી, નાદીરશાહી છોડી દેવાની વાત અવશ્ય છે. જો લોકોને સ્વરાજ્ય મળવું છે ને તેમણે તે મેળવવું છે તો આ નાદીરશાહીનો સર્વથા નાશ થવો જ છે.
“આ દૃષ્ટિએ બારડોલીની લડતે હવે વ્યાપક સ્વરૂપ પકડ્યું છે અથવા આપણા સદ્‌ભાગે સરકારે તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
“સત્યાગ્રહનું શસ્ત્ર ગેરકાયદે છે એવી શ્રી મુનશીની કબૂલાત દુ:ખકર છે. તે હવે પંકાઈ ગયેલું શસ્ત્ર ગણાય. દક્ષિણ આફ્રિકામાં જ્યારે તેનો ઉપયોગ થયો ત્યારે લૉર્ડ હાર્ડિંગે તેનો બચાવ કર્યો હતો. ચંપારણમાં બિહારની સરકારે તેનો સ્વીકાર કરી કમિટી નીમી હતી. બોરસદમાં શ્રી વલ્લભભાઈએ એ જ શસ્ત્રનો ઉપયોગ કર્યો, ને હાલના જ ગવર્નર સાહેબે તેને માન આપી લોકોને દાદ આપી હતી. હવે તે શસ્ત્ર કેમ કાયદાવિરુદ્ધ ગણવું તે ન સમજાય તેવું છે. પણ સત્યાગ્રહ કાયદા વિરુદ્ધ હોય કે ન હોય એ અત્યારે પ્રસ્તુત સવાલ નથી. લોકોની માગણી વાજબી હોય, તો લોકોની માગણી કરવાની રીત ગમે તેવી હોય તેથી તેની યોગ્યતા ઓછી નથી થતી.”

ગર્વનરનો જવાબ ચુસ્ત બંધારણવાદીને સંતોષ આપે એવો નહોતો. શ્રી મુનશીએ એ વાતને એટલેથી ન છોડી. તેમણે ગવર્નરની મુલાકાત લીધી અને એ મુલાકાતથી પણ જ્યારે એમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ વસ્તુસ્થિતિ નજરે નિહાળવાનો નિશ્ચય કર્યો. તેમણે બારડોલીમાં આવીને ઘણાં ગામોની મુલાકાત લીધી, ઘણી સભામાં હાજરી આપી, ઘણાં સ્ત્રીપુરુષો સાથે વાતચીત કરી અને એ તપાસને પરિણામે ‘પોતાનો વિરોધ દર્શાવવાનો અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુ:ખદાયક આવશ્યકતા ઉભી થયેલી’ તેમને લાગી. તેમણે તા. ૧૭મી જૂને ગર્વનરને એક વીરતાભર્યો કાગળ લખ્યો જે આ લડતના ઈતિહાસમાં એક મહત્ત્વના દસ્તાવેજ તરીકે રહી જશે. દેશનાં તમામ પત્રોમાં એ છપાયો. એ પત્રમાંથી થોડાક ફકરા નીચે આપ્યા છે :

“ત્યાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરૂષો અને બાળકો સુસંગઠિત વિરોધ કરવાની અડગ વૃત્તિથી બેઠેલાં છે. આપના જપ્તીઅમલદારને હજામ મેળવવા માટે માઈલો સુધી રવડવું પડે છે. આપના એક અમલદારની મોટર કાદવમાં ખૂંચી ગઈ હતી તે, આપના કહેવા પ્રમાણે લોકો ઉપર જીવનાર ચળવળિયો’ શ્રી વલ્લભભાઈ ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હોત. શ્રી ગાર્ડા, જેની હજારોની કિંમતની જમીન પાણીને મૂલે વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડું કાઢનાર ભંગી મળતો નથી. કલેક્ટરને રેલવે સ્ટેશન ઉપર એક વાહન પણ મળતું નથી, સિવાય કે શ્રી વલ્લભભાઈ તેની પરવાનગી આપે. મેં જે થોડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી નથી મળી જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તો પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. . . . સરકારી અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તો ઊભી કરેલી બનાવટી ચળવળ છે અને લોકો ઉપર એમની મરજી વિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાખવાના આપની સરકારના પ્રયત્નોની લોકો ઠેકડી કરે છે. . . . આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારના અને આપની સરકારના હૃદયમાં કંઈ નહીં તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા જાગે. . . . પોતાનાં વહાલાં ઢોર લૂંટાઈ જતાં બચાવવા માટે સ્ત્રી, પુરુષો અને બાળકો આ ઢોરો સાથે ત્રણ ત્રણ મહિના થયાં પોતાનાં નાનાં અને અનારોગ્ય ઘરોમાં પુરાઈ રહ્યાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામોમાં થઈને હું પસાર થયો ત્યારે ત્યાં એક ચકલું ફરકતું નહોતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લોકોએ પહેરેગીરો ગોઠવેલા હતા. રખે જપ્તી અમલદાર આવતા હોય એવા ભયથી સ્ત્રીઓ બારીઓના સળિયામાંથી કોઈ કોઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાતરી થઈ કે હું જપ્તીઅમલદાર નહોતો ત્યારે તેમણે પોતાના મકાનનાં બારણાં ઉઘાડ્યાં અને મને અંદર લીધો. જ્યારે મેં એ ઘરોમાંનું અંધારું, છાણ-વાસીદું અને દુર્ગંધ જોઈ, જપ્તી અમલદારોની નિષ્ઠુરતાનો ભોગ થવા દેવા કરતાં રોગથી પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં, દુ:ખી એવાં ઢોરો જોયાં. તેમની સાથે એક જ ઓરડામાં ગોંધાઈ રહેવાનું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને બાળકોની પોતાના વહાલા ઢોર ખાતર હજી પણ લાંબો સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડ્યું કે જપ્તીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારનો, એને અમલ કરનારની કડકાઈનો અને એની મંજૂરી આપનાર રાજનીતિનો જોટો મધ્યકાલીન યુગના ઇતિહાસનાં પાનાં સિવાય બીજે ક્યાંય જડવો મુશ્કેલ છે. . . .
“કાયદાનો કેવળ શબ્દાર્થ કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સખ્ત સજાઓ, ગર્વિષ્ટ જાહેરનામાંની ગર્જનાઓ તથા સરકારનાં ખાંડાંના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના બીજું કશું નીપજતું નથી.”

પોતાના પત્રના અંતભાગમાં બારડોલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પોકળપણું તેઓ દર્શાવે છે અને કહે છે કે કોઈ પણ રીતે બહુમતી મેળવીને સરકારે હરકોઈ બંધારણવાદીને સરકારપક્ષમાં ઊભા રહેવું મુશ્કેલ કરી મૂક્યું છે. અને તેથી ‘ધારાસભામાંથી મારી જગ્યાનું રાજીનામું આપીને મારા આખા પ્રાંતવ્યાપી મતદારમંડળને (કારણ તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય હતા) અપીલ કરી આ મુદ્દા ઉપર પોતાનો નિર્ણય જાહેર કરવાનું સૂચવવું એ જ જવાબ મારે આપવાનો રહે છે.’ શ્રી મુનશી પોતાની જગ્યાનું રાજીનામું આપીને સંતોષ માની બેસી ન રહ્યા. લોકોને દબાવવાના જે ઉપાયો યોજવામાં આવ્યા હતા તેની કાયદાની દૃષ્ટિએ તપાસ કરવા તેમણે એક સમિતિ નીમી. આ તપાસમાં મદદ કરવા સરકારને પણ તેમણે નોતરી, પણ સરકારે આમંત્રણ ન સ્વીકાર્યું. પુષ્કળ પ્રમાણમાં મળેલા અને જેની સામે વાંધો ન ઉઠાવી શકાય એવા જ પુરાવાના આધાર ઉપર પોતાના નિર્ણયો બાંધવાની સમિતિએ ખાસ કાળજી રાખી.

૧૨

સર પુરુષોત્તમદાસ ઠાકોરદાસ અને હિંદી વેપારીઓની ચેમ્બર ઑફ કૉમર્સના બીજા સભ્યોએ હવે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. સત્યાગ્રહીઓની ઓછામાં ઓછી માગણી શી છે તેનક્કી કરી લેવા તેઓ ગાંધીજીને સાબરમતી આશ્રમમાં મળવા ગયા અને ત્યાં સરદારને પણ હાજર રહેવા વિનંતી કરી. ગાંધીજીને મળ્યા પછી સર પુરુષોત્તમદાસ, શ્રી મોદી તથા શ્રી લાલજી નારણજી ડેપ્યુટેશનના રૂપમાં ગર્વનરને મળવા પૂના ગયા. ગવર્નર સાહેબનો ઓછામાં ઓછો એટલો આગ્રહ તો હતો જ કે ખેડૂતોએ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવું જોઈએ અથવા છેવટે કોઈ ત્રાહિત વ્યક્તિએ વધારા જેટલી રકમ સરકારી તિજોરીમાં અનામત મૂકવી જોઈએ, ત્યાર પછી જ ફરી તપાસ કરવામાં આવે. પછી સર પુરુષોત્તમદાસ સરદારને મળ્યા. બંનેને લાગ્યું કે સરકાર અને સત્યાગ્રહીઓ વચ્ચે કાંઈ મેળ ખાય તેમ નથી. પરિણામે શ્રી લાલજી નારણજીએ ધારાસભામાંથી પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું. તેમાં સ્પષ્ટ જણાવ્યું કે, લોકોની નિષ્પક્ષ તપાસની માગણી સ્વીકારતાં પહેલાં વધારેલા દર પ્રમાણે મહેસૂલ ભરી દેવાની તેમની પાસે માગણી કરવી એ તદ્દન ખોટું છે.

આવી સમાધાનીની વાતોથી લોકો પોતાના નિર્ધારમાં જરાયે ઢીલા ન પડે તે માટે સરદાર તેમને વારંવાર સંભળાવતા :

“કેરીનું ફળ કવખતે તોડશો તો તો ખાટું લાગશે અને દાંત અંબાઈ જશે. પણ તેને પાકવા દઈશું તો તે આપોઆપ ખરી પડશે અને અમૃતસમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યો નથી. સમાધાની ક્યારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેનો હૃદયપલટો થાય, ત્યારે સમાધાની થાય. ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તો સરકાર ઝેરવેરથી તળે ઉપર થઈ રહી છે.”

મિત્રોને પણ તેમણે વારંવાર સંભળાવ્યું હતું કે ઉતાવળ ન કરો, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડો. હવે વિનીત દળના નેતાઓને લાગ્યું કે તેમણે પણ આ લડતનો અભ્યાસ કરી પોતાનો અભિપ્રાય જાહેર કરવો જોઈએ. જૂનના ત્રીજા અઠવાડિયામાં પંડિત હૃદયનાથ કુંઝરુ, ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રી શ્રી વઝે તથા ઠક્કર બાપા બારડોલી આવ્યા. નવી આકારણી આર્થિક દૃષ્ટિએ વાજબી છે કે કેમ એટલી જ તપાસ તેમને કરવી હતી. એટલે સરકારની દમનનીતિ વિષે, લોકોના સંગઠન વિષે અથવા બારડોલીમાં ચાલતા રચનાત્મક કામ વિષે, એ કશું જોવાની તેમણે સાભાર ના પાડી. લૅન્ડ રેવન્યુ કોડ તથા સેટલમેન્ટ મૅન્યુઅલની રૂએ આ આકારણી કેટલે દરજ્જે વાજબી છે તેની પ્રત્યક્ષ તપાસ ઘણાં ગામોએ ફરીને તેમણે કરી અને તેઓ એ અભિપ્રાય ઉપર આવ્યા કે, ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે,’ અને ‘વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીનો ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડ્યું છે એટલે બારડોલીની આકારણીનો પણ ફરી વિચાર કરવાનો કેસ જવાબ ન આપી શકાય એવો મજબૂત બને છે.’ શ્રી વઝેએ એક વિશેષ નોંધ બહાર પાડી જેમાં તેમણે ‘બારડોલીની વર્તમાન લડત શુદ્ધ આર્થિક લડત છે અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી’ એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો :

“મારી તપાસથી મને સંતોષ થયો છે કે આ પ્રવૃત્તિના સંચાલકો, બારડોલીના ખેડૂતોને જે ક્રૂર અન્યાય થયેલા છે તે દૂર કરવા માટે પોતાથી બને તેટલા પ્રયત્ન કરવા ઉપરાંત બીજા કોઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલા નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરોપણ કરે છે તે અતિશય ગેરવાજબી અને અન્યાયી છે.”

આ ત્રણ ગૃહસ્થનો રિપોર્ટ તેમની શાંત, તટસ્થ વિચારસરણીને છાજે એવો હતો. તેમાં નકામી એક પણ વિગત નહોતી કે એક પણ વિશેષણ નહોતું. જુદા જુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર તેની બહુ અસર થઈ. બરાબર આ વખતે ભાઈ મણિલાલ કોઠારી આખા દેશમાં ફરી વળ્યા. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા. તેમને બારડોલીના કેસથી અને બારડોલીની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને પોતાના વિચારો બહાર પાડવા વિનંતી કરી. એનું પરિણામ સુંદર આવ્યું. એક પછી એક આ નેતાઓએ પોતાના વિચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યા અને પ્રજાને એ સંબંધમાં વિચાર કરતા કરી મૂકી. પંડિત મોતીલાલ નેહરુએ છાપાં જેવી એક લાંબી યાદીમાં કહ્યું :

“હું એમ સમજ્યો છું કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તો તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એવો આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જે વધારો પ્રથમ દર્શને જ ખોટો અને અન્યાયી હોય અને તેનો ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારો વસૂલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.”

સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે, બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ ‘બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી તપાસસમિતિ નિમાય તો જ આવી શકે.’ શ્રી ચિંતામણિનો અભિપ્રાય એટલો જ અસંદિગ્ધ હતો. તેમણે કહ્યું :

“જનસ્વભાવ એટલો આડો અથવા ઊંધબુધિયો ન જ હોય કે આટલા બધા ગરીબ માણસ આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદો છે અને જેનો કાયદો ઘણી વાર તેના અવિવેકનો સભ્ય પર્યાય છે, તેની સામે વિના કારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે. . . . તપાસ આપવામાં આવે તે પહેલાં વધારેલું મહેસૂલ ભરી દેવાની સરકાર માગણી કરે છે તે તો એક ફારસ જ છે.”

આથી આગળ વધીને તેમણે જાહેર કર્યું કે, બારડોલી સત્યાગ્રહ ‘કાયદેસર ચળવળ’ના અર્થની અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતોથી તે જરાયે અસંગત નથી. સર તેજ બહાદુર સપ્રુએ કહ્યું :

“સરકારની પ્રતિષ્ઠા ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહીં, પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપો થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”

વિદુષી બેસન્ટને પણ બારડોલી સત્યાગ્રહના ન્યાયીપણા વિષે કશી શંકા જણાઈ નહીં અને તેમણે લડતને ટેકો આપ્યો.

આખા દેશનાં હિંદી વર્તમાનપત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. ઍંગ્લો-ઈન્ડિયન પત્રોમાં મુંબઈના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અપવાદ સિવાય બીજાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા મૌન હતાં. પરંતુ અલ્લાહાબાદના ‘પાયોનિયર’ અને કલકત્તાના ‘સ્ટેટ્સમેને’ નોકરશાહીનો હંમેશાં પક્ષ કરવાની ઍંગ્લો-ઈન્ડિયન પત્રોની બોદી પ્રથા આ વખતે તોડી અને બન્નેએ બારડોલી સત્યાગ્રહને ટેકો આપ્યો. ‘પાયોનિયરે’ લખ્યું :

“મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ કે બારડોલીની લડતનો કોઈ પણ નિષ્પક્ષ નિરીક્ષક એ નિર્ણય પર આવ્યા વિના રહી શકે એમ છે જ નહીં કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે. નિષ્પક્ષ ન્યાય સમિતિ આગળ વધારેલા મહેસૂલની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”
૧૩

બારડોલીમાં હવે કટોકટીની સ્થિતિ આવી રહી હતી. લોકોના ઉત્સાહનું પૂર તો વધતું જ જતું હતું. સુરત જિલ્લા પરિષદનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. ભરૂચમાં શ્રી નરીમાનના, નડિયાદમાં શ્રી ખાડિલકરના અને અમદાવાદમાં શ્રી કેલકરના પ્રમુખપણા નીચે જિલ્લા પરિષદ ભરાઈ. ભરૂચમાં સરદારે કહ્યું : ‘જો સરકારની દાનત જમીન પર હોય તો હું તેને ચેતવું છું કે આવતી મોસમે હું એક છેડેથી બીજે છેડે તાલુકો સળગાવી દઈશ, પણ એક પૈસો એમ ને એમ નહીં આપવા દઉં'.’ અમદાવાદમાં કહ્યું : ‘તમને ગુમાન હશે કે આપણી પાસે રાવણ કરતાં વધારે સામર્થ્ય છે. પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પૂરેલી અબળાને વશ ન કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું. અહીં તો એંશી હજાર સત્યાગ્રહીઓ છે. એમની ટેક છોડાવી શકનાર કોણ છે?’ જ્યાં સરદાર જવાના હોય, ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા. શ્રીમતી શારદાબહેને તેમને વિષે બોલતાં કહેલું: ‘તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલ્લભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બોલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ ભૂમિકામાં લઈ જાય છે.’

લોકજાગૃતિના આ ચઢતા પૂરે ઘણાઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડ્યા. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ પણ જાગ્યું. તેણે પોતાના ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો.

મહાદેવભાઈ લખે છે:

“કોઈ પાપીને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને વ્યવસ્થા ખૂંચે, સ્વાર્થીને ત્યાગ ખુંચે તેમ ‘ટાઈમ્સ’ના આ ખબરપત્રીને પોતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતાનો નિશ્ચય ખૂંચ્યો, પડ્યો બોલ ઉઠાવી લેનારા સ્વયંસેવકોની શિસ્ત અને તાલીમ ખૂંચી, પોતાના સરદારની આંખોમાંનો પ્રેમ જોઈ ઘેલી બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બારડોલીના ૨૫૦ સ્વયંસેવકો લોકોના પૈસે તાગડધિન્ના કરતા હશે; સ્વરાજથાણામાં પડ્યાપડ્યા ઊંઘતા હશે. પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ. વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું. સ્વયંસેવકો પણ રેંજીપેંજી નહીં, કઠણ જીવન ગાળનારા જોયા. ઘણા જૂના જોગીઓ જોયા. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદાસ પણ આ રસોડે લુસલુસ ખાઈ લઈ કામ પર જવાને તૈયારી કરતો જોયો. આ બધું જોઈને એ બિચારો શું કરે ? એણે આંખો ચોળી, લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે, તે પણ તેણે જોયું. તેણે કહ્યું: “બેશક, બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે. આખો દિવસ બંધ રહેતાં ઘરમાં પોતાનાં ઢોરઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયા સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે ! મળમૂત્રના ત્રાસથી કેમ કોઈ ૨ાગચાળો ફાટી નીકળ્યો નહીં હોય એ વિષે તેણે તાજુબી બતાવી. ઢોરોની દુર્દશા, તેમના શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો વગેરે જોઈને તે થથરી ગયો. પણ તેનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ ન હતી. એટલે જ તેણે જડતાથી ટીકા કરી કે વલ્લભભાઈએ ઢોર ઉપર અત્યાચાર કર્યો છે.”

આ ખબરપત્રીએ પોતાના લેખનાં મથાળાં આવાં કર્યા હતાં : ‘બારડોલીના ખેડૂતોનો બળવો’, ‘બારડોલીમાં બોલ્શેવિઝમ’, વગેરે. સરકારને એણે ચેતવણી આપી : ‘વલ્લભભાઈને બારડોલીમાં સોવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનીનનો ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસનો પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી બારડોલીમાં શાંતિ થવી અશક્ય છે.’ પણ એના લેખોમાંની સત્ય, અસત્ય અને કલ્પનાઓના ગોળાઓથી ભરેલી વિગતોમાંથી કેટલીક સાચી હકીકત સહેજે તરી આવતી હતી. તેમાંથી આ ધ્વનિ નીકળતો હતો : ‘વલ્લભભાઈ પટેલે તાલુકાના મહેસૂલીતંત્રના સાંધે સાંધા ઢીલા કરી નાખ્યા છે. એંશી પટેલો અને ઓગણીસ તલાટીઓએ રાજીનામાં આપ્યાં છે; અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના બેઠા છે, તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી. વલ્લભભાઈ એ લોકોને એવા તે બહેકાવી મૂક્યા છે કે કોઈ માનતું જ નથી કે મહેસૂલવધારો સરકાર કદી લઈ શકે.’ આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ ભક્તિ, સ્વયંસેવકોની કડક શિસ્ત, છાવણીઓની સુંદર વ્યવસ્થા, લોકોની અપાર વિટંબણા, એ બધાનો પણ એના લેખમાંથી ખ્યાલ આવતો હતો.

આ લેખોનું એક પરિણામ એ આવ્યું કે બ્રિટિશ સિંહ તેની નિદ્રામાંથી જાગ્યો. લૉર્ડ વિન્ટરટને આમની સભામાં બારડોલીના સત્યાગ્રહની સમીક્ષા કરતાં જણાવ્યું કે, શ્રી વલ્લભભાઈને થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂતો મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા માંડ્યાં છે. સર માઈકલ ઓડવાયર બોલ્યા કે, ‘કાયદો પૂરા જોસથી અમલમાં મુકાવો જોઈએ.’ ૧૩મી જુલાઈએ મુંબઈના ગવર્નરને વાઈસરૉયને મળવા સિમલા જવું પડ્યું. ત્યાં જવામાં જ રખેને પ્રજા એમ કહે કે, ‘નમી ગયા,’ તેથી સરકારી ખબર ખાતાએ લખ્યું કે, ‘ગવર્નર સાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું સર્વોપરીપણું કાયમ રાખવાની છે. પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણા લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.’

ગવર્નર સાહેબ જ્યારે નામદાર વાઈસરૉય સાથે સિમલામાં મસલત ચલાવી રહ્યા હતા, ત્યારે સરદાર અમદાવાદની જિલ્લા પરિષદમાં મોટી મેદની સમક્ષ ભાષણ આપી રહ્યા હતા. આ પરિષદના મંડપમાં જ સરદારને કમિશનર તરફથી આમંત્રણ મળ્યું કે ગવર્નર સાહેબ તા. ૧૮મીએ સવારે સુરત આવે છે અને બારડોલી સત્યાગ્રહીઓના બાર પ્રતિનિધિઓ સાથે તેઓ સુરત મુકામે ગવર્નર સાહેબને મળે. સરદારે આ આમંત્રણ તરત સ્વીકાર્યું અને પોતાની સાથે અબ્બસ સાહેબ તૈયબજી, સૌ. શારદાબહેન મહેતા, સૌ. ભક્તિલક્ષ્મી દેસાઈ કુમારી મીઠુબહેન પીટીટ અને શ્રી કલ્યાણ઼઼ઈભાઈ મહેતા — એટલાને લઈ ૧૮મીની સવારે તેઓ ના. ગવર્નરને મળ્યા. દિવસમાં બે વખત ત્રણ ત્રણ કલાક ગવર્નરની સાથે વાત થઈ. વધારેલું મહેસુલ ખેડૂતો પ્રથમ ભરી દે, અથવા તેમના તરફથી કોઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ સરકારી તિજોરીમાં અનામત મૂકે એ બાબતમાં ગવર્નર બહુ જ મક્કમ જણાયા. બીજા મુદાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ લાગ્યું અને સમાધાનની શક્યતા ન જણાઈ. એટલે સરદારે ગવર્નરને વિનંતી કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પોતાના સાથીઓ સાથે મસલત કરીને તેનો જવાબ તેઓ આપશે. સમાધાનની આવશ્યક શરતે સરકારે નીચે પ્રમાણે જણાવી :

૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે; અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તિજોરીમાં અનામત મૂકે.
૨. જમીનમહેસૂલ નહીં ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે.

જો આ બે શરતો સ્વીકારવામાં આવે તે આંકડાની ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાનો જે આક્ષેપ છે એ સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહીં ધરાવતા એવા કોઇ રેવન્યુ અમલદાર મારફત થાય, અથવા તો રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાનો અમલદાર પણ હોય, અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તો ન્યાયખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય.

આ શરતોમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું ન હતું. નહીં તો ‘આંકડાની ગણતરીની તપાસ’ એવી ઘેલી વાત કરે ? અને વધારાના પૈસા અનામત મૂકવાની માગણીને તો દેશમાં વિનીતપક્ષના એક્કેક નેતાએ પણ ટેકો નહોતો આપ્યો. ‘પાયોનિયર’ અને ‘સ્ટેટસમેન’ જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકો નહોતો આપ્યો. ગાંધીજીએ એ વિષે કહ્યું: ‘સરકારી હૃદય જ પીગળ્યું નથી; તો પરિવર્તનની વાત જ ક્યાં કરવી ? એ હૃદય તો પથ્થરથીયે કઠણ બની ગયું છે.’ પણ સત્યાગ્રહીથી તો સંધિનો એકે માર્ગ જતો ન કરાય. એટલે સરદારે પોતાની શરતો જણાવી :

૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ.
૨. ખાલસા જમીન, પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર સરકારમાં દાખલ થઈ હોય, બધી તેના ખરા માલિકને પાછી મળવી જોઈએ.
૩. ભેંસો, દારૂ વગેરે જે જંગમ મિલકત લોકોની ફરિયાદ પ્રમાણે હસવા જેવી કિંમતે વેચી નાખવામાં આવી છે તેની બજાર કિંમત તેના માલિકને મળવી જોઈએ.
૪. બરતરફી તેમ જ બીજી જે કંઈ સજા આ લડતને અંગે કરવામાં આવી હોય તે પાછી ખેંચી લેવાવી જોઈએ.
૫. તપાસ સમિતિમાં ભલે સરકારી અમલદારો જ હોય ; પણ એ તપાસ ખુલ્લી, નિષ્પક્ષ અને ન્યાયની અદાલતમાં થાય છે એવા સ્વરૂપની હોવી જોઈએ. એ તપાસ સમિતિ આગળ લોકોને પોતાની ઇચ્છા હોય તે વકીલ મારફત પોતાનો કેસ રજૂ કરવાની છૂટ હોવી જોઈએ.

દરેકેદરેક રાજદ્વારી પક્ષના નેતાઓ તેમ જ લગભગ આખા હિંદુસ્તાનનાં હિંદી તેમ જ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ સિવાયનાં ઍંગ્લો ઇન્ડિયન વર્તમાનપત્રો સત્યાગ્રહીઓની તરફેણમાં હતાં. ‘લીડરે’ સરકારની શરતોને ‘બારડોલીના ખેડૂતોને નામોશીથી નમી જવાની માગણી’ તરીકે વર્ણવી. ‘ન્યૂ ઈન્ડિયા’ એ સૂચવ્યું કે, ‘બર્કનહેડ જો પોતાની હઠ પકડી રાખે અને પોતાની આડાઈ ચાલુ રાખે તો તેને ઠેકાણે લાવવા પાર્લમેન્ટમાં ચળવળ કરવી. ‘હિંદુ’ પત્રે લખ્યું કે, ‘ગવર્નરે સમાધાન કરવાની ઉત્તમ તક ફેંકી દીધી,’ અને ‘પાયોનિયરે’ તો સરકારની શરતોને ‘ઘોડા આગળ ગાડી’ મૂકવા જેવી ઊંધી કહી.

છતાં ગવર્નર સર લેસ્લી ‘કાયદા અને બંધારણનો વાવટો ઊંચો રાખવાના પોતાના કાર્યમાં મંડ્યા રહ્યા. તા. ૨૪મી જુલાઈ એ ધારાસભા ખુલ્લી મૂકતાં તેઓએ જ્વાળામુખીના ઊકળતા રસ જેવું ધગધગતું ભાષણ કર્યું. તેમાં એ તારીખથી ચૌદ દિવસની અંદર સુરત જિલ્લાના પ્રતિનિધિઓ સરકારે આપેલી શરતો નહીં સ્વીકારે તો પરિણામો બહુ ભયંકર આવશે એવી ધમકી આપી. તેમણે કહ્યું કે :

“બારડોલીમાં થયેલી નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાનો મુદ્દો હોવાને બદલે જો મુદ્દો એ હશે કે, ‘શહેનશાહના સામ્રાજ્યના અમુક ભાગમાં શહેનશાહનો હુકમ ચાલે કે નહીં,’ તો સરકાર પાસે જેટલું બળ છે તે બળથી એ મુદ્દાને પહોંચી વળવા સરકાર તૈયાર છે. પરંતુ જો એટલો જ પ્રશ્ન તપાસવાનો હોય કે નવી આકારણી ન્યાયી છે કે અન્યાયી તો સરકાર તરફથી બહાર પડેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે આખા કેસની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરવા સરકાર તૈયાર છે. પણ સરકારનું માગેલું આખું મહેસૂલ ભરાઈ જવું જોઈએ અને ઉપાડેલી લડત પૂરેપૂરી બંધ થઈ જવી જોઈએ; ત્યાર પછી જ એ બને.”

તેમણે ઉમેર્યું કે :

“એટલું સ્પષ્ટ કરવાની મારી ફરજ છે કે જો આ શરતનો સ્વીકાર નહીં થાય અને તેને પરિણામે સમાધાની નહીં થાય તો કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે પોતાને જે ઇષ્ટ અને આવશ્યક જણાશે તે પગલાં સરકાર લેશે અને સરકારની કાયદેસરની સત્તાનું સર્વ રીતે પાલન થયેલું જોવા માટે પોતાના તમામ બળને તે ઉપગ કરશે.”

તે જ દિવસે આમની સભામાં ઉચ્ચારેલું લૉર્ડ વિન્ટરટનનું ભાષણ રૉઈટરના તારસમાચારથી પ્રસિદ્ધ થયું. તેમાં સર લેસ્લીના ભાષણને પ્રેરનારો કોણ હતો તે ઉઘાડું પડતું હતું :

“મુંબઈની ધારાસભામાં આજે બારડોલીના સંબંધમાં જે શરતો સર લેસ્લી વિલ્સને રજૂ કરી છે, તેનું પાલન નહીં થાય તો કાયદો અમલમાં મૂકવા માટે અને ત્યાંની ચળવળને ચગદી નાખવા માટે મુંબઈ સરકારને હિંદી સરકારને પૂરેપૂરો ટેકે છે. કારણ, એ શરત ન સ્વીકારાય તો એ ચળવળનો એટલો જ અર્થ થાય છે કે તે સરકારને દબાવવા માટે ચલાવવામાં આવે છે, નહીં કે લોકોના વાજબી દુ:ખની દાદ મેળવવા માટે.”

આ ધગધગતા અંગારમાં અહિંસક ચળવળની સફળતાથી અંગ્રેજ લોકોના દિલમાં કેટલો ક્રોધ વ્યાપ્યો હતો તેનું માપ દેખાતું હતું. શ્રી વલ્લભભાઈને તો પોતાની જાતને અભિનંદન આપવા માટે પૂરતું કારણ હતું કે જે ૮૦,૦૦૦ માણસોનું નેતૃત્વ પોતે સ્વીકાર્યુ હતું તેમના તરફથી એક પણ હિંસાનું કૃત્ય થયા વિના સરકારને પોતાનું ખરું સ્વરૂપે પ્રગટ કરી દેવાની તેમણે ફરજ પાડી. ધમકીથી ભરેલાં આ ભાષણોના જવાબમાં તેમના જેટલું જ અંગાર વર્ષાવતું આહ્‌વાન તેઓ બહાર પાડી શકતા હતા, અને સરકારને જે ફાવે તે કરી નાખવા અને મગદૂર હોય તો આ ચળવળને ચગદી નાખવા પડકાર કરી શકતા હતા. પણ પોતાની શક્તિનું જેટલું તેમને જ્ઞાન હતું તેટલી જ તેમનામાં નમ્રતા હતી. એટલે તેમણે તો છાપાં જોગી એક ટૂંકી યાદી જ બહાર પાડી. તેમાં પોતાની માગણી ફરી સ્પષ્ટ કરીને તેમણે સંતોષ માન્યો અને લોકોને ચેતવણી આપી કે પોકળ શબ્દોથી કોઈ એ દોરવાઈ ન જવું, અથવા ભાષણમાંની ધમકીઓથી અસ્વસ્થ ન થવું. યાદીમાં તેમણે જણાવ્યું :

“મારે કબૂલ કરવું જોઈએ કે નામદાર ગવર્નરના ધમકીભરેલા આવા ભાષણની મેં અપેક્ષા નહોતી રાખી. પણ એ ધમકીઓને બાજુએ રાખીને એ ભાષણમાં જાણ્યે કે અજાણ્યે જે ગોટાળો ઉત્પન્ન કરવાનો ઇરાદો જણાચ છે તે હું દૂર કરવા માગું છું. ગવર્નર સાહેબના કહેવાનો સાર એ છે કે જો લડતનો હેતુ સવિનય ભંગ હોય તે સરકાર પાસે જેટલું બળ છે તેટલા બળથી પાતે તેનો મુકાબલો કરવા ઇચ્છે છે. પરંતુ જો ‘પ્રશ્ન માત્ર નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાનો હોય તો’ ‘પૂરું મહેસૂલ સરકારને ભરી દેવામાં આવે અને ચાલુ લડત બંધ થાય ત્યાર પછી આખા કેસની તેઓ પોતાના જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે તેવી સંપૂર્ણ ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે.’ હું એ દર્શાવવા ઇચ્છું છું કે લડતનો હેતુ સવિનય ભંગ કરવાનો નહોતો અને નથી જ. હું જાણું છું કે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે બધા પક્ષનો એક અભિપ્રાય નથી. એ બાબત મારો પેાતાનો અભિપ્રાય દૃઢ છે. પરંતુ બારડોલીના લોકો સવિનય ભંગ કરવાનો હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તેઓ તો સવિનય ભંગની રીતે — અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે — પોતા ઉપર થયેલો મહેસૂલનો વધારો સરકાર પાસે રદ્દ કરાવવા, અથવા થયેલો વધારો ખોટી રીતે થયેલો સરકારને ન લાગતો હોય તો સત્ય શોધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તો કેવળ નવી આકારણીના ન્યાયીપણાનો જ છે. અને સરકાર જો ‘એ પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ કરવા માગતી હોય તો તેઓ પોતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે, જે વધારા માટે તકરાર છે તે ભરાવી દેવાનો આગ્રહ ન રાખવો જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લોકોને મૂકવા જોઈએ. વળી, ‘સંપૂર્ણ, ખૂલ્લી અને સ્વતંત્ર તપાસ’ને 'પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે’ એવું વિશેષણ વાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભયંકર છે, કારણે સુરતની યાદીમાં ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’નું વચન નથી. પણ તપાસની એક મશ્કરીનો જ ઉલ્લેખ છે. સુરતની યાદીમાં તો બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદદથી રેવન્યુ અમલદાર સરવાળા બાદબાકીની અને હકીકતની ભૂલો તપાસે એ ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’થી એક જુદી જ વસ્તુ છે. એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા પર એકાગ્ર રહેશે.”

ગાંધીજીએ પણ ‘યંગ ઈન્ડિયા’માં લેખ લખીને સરદારની માગણીનું વાજબીપણું અને સરકારપક્ષનું ખોટાપણું સ્પષ્ટ કર્યું. લેખના અંતમાં તેમણે જણાવ્યું :

“હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જો જરા પણ થોડું તે (સરદાર) માગે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી એાછામા ઓછી માગણી કરાવે છે. નહીં તો જમીનમહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દોષ વિના છેલ્લા ચાર ચાર માસ થયાં લોકો જે સિતમ વેઠી રહ્યા છે. તેને માટે નુકસાની પણ માગી શકે છે.
“સરકારની આગળ બે જ માર્ગ ૫ડેલા છે : આખા દેશના લોકમતને માન આપી શ્રી વલ્લભભાઈની માગણી સ્વીકારે, અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે, હજી વખત વહી ગયો નથી. હું તો સરકારને સત્યનો માર્ગ સ્વીકારવાની વિનંતી કરું છું.”

આમ સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારો બારડોલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરનો પડાવ આવે તેને ચોમાસામાં રહેવાને માટે સરસામાન, ટારપોલિન વગેરે સુરતથી બારડોલી ચડવાની વાટ જોવાતી હતી. ગાંધીજીએ પણ લોકોને આટલો બધો તાપ અસહ્ય થઈ પડે તો શું થાય એ પ્રશ્ન પોતાના મન સાથે પૂછીને પોતે જ જવાબ આપ્યો હતો : ‘જો ત્રાસ અસહ્ય થઈ પડે તો લોકોએ જેને પોતાની જમીન માની છે તેનો ત્યાગ કરી હિજરત કરવી જોઈએ. જે ઘરો કે લત્તામાં પ્લેગના ઉંદર પડ્યા હોય કે કેસ થયા હોય છે, તેનો ત્યાગ કરવો એ ડહાપણ છે. જુલમ એક જાતનો પ્લેગ છે. એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવો સંભવ હોય તો જુલમનું સ્થાન છોડીને ભાગવું એ ડહાપણ છે.’ પણ આપણે જોશું કે ખેડૂતો તો બારડોલીને મોટો અભેદ કિલ્લો બનાવીને તેમાં સુરક્ષિત બેઠા હતા.

બારડોલી બહાર સ્થિતિ જુદી હતી. ગવર્નરની અને અર્લ વિન્ટરટનની ધમકીએ બારડોલી બહાર કેટલાક વર્ગોને ચીડવ્યા હતા તો કેટલાકને ડરાવી દીધા હતા. ગરમ દળે તો ગવર્નરના ભાષણને હર્ષભેર વધાવી લીધું – એ કારણે કે હવે સત્યાગ્રહીઓની ઉત્તમોત્તમ કસોટી થવાનો અને સ્વરાજની મોટી લડતનો અવસર આવશે. આ ઈચ્છા સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરે ગાંધીજીને લખેલા એક ખુલ્લા પત્રમાં પ્રકટ પણ કરી દીધી. તેમણે ગાંધીજીને સલાહ આપી કે શ્રી વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહને મર્યાદિત રાખ્યો છે તે વ્યવહારવિરુદ્ધ લાગે છે, માટે હવે તો આખા દેશમાં સવિનય ભંગની હિલચાલ શરૂ થવી જોઈએ.

બીજી બાજુએ પ્રજાનો અમુક વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તો કોણ જાણે કેવો ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યાર સુધી જેઓ લડતને ટેકો આપતા હતા અને લોકોની માગણીને વાજબી ગણતા હતા તેઓ પણ ભાવિ વાદળથી ડરી ગયા. આ વર્ગનો મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા. જેમણે જણાવ્યું કે શ્રી વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચો છે એટલે શ્રી વલ્લભભાઈએ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી.

‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને નીચે પ્રમાણે ચેતવણી આપી :

“સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી. પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત સત્યાગ્રહ કરવાનો પણ સમય આવ્યો નથી. બારડોલીએ હજી તાવણીમાંથી પસાર થવાનું છે. જો છેવટની તાવણીમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તો સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલાતો અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહનો હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મગદૂર નથી. પછી તો સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જો એ મહાપ્રયોગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તો શ્રી વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ — પછી ભલેને એ ઉશ્કેરણી એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે કે, ઈશ્વર તેનો સાક્ષી છે, ઈશ્વર તેને દોરી રહ્યો છે. સત્યાગ્રહીઓનો નેતા પોતાના બળ પર નથી ઝૂઝતો પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણી વાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજાળ લાગે છે. હિંદુસ્તાન ઉપર આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઈભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશનો અને મારા આત્માનો હું દ્રોહી બનું. જો બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોય તો સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તો પણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યોને અને બીજાઓને મારી વિનંતી છે કે બારડોલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એકે ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેનો કોઈ વાંકો વાળ કરી શકવાનું નથી.”

સરદાર પકડાશે જ એમ હવે સૌ કોઈ માનતું હતું. તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસેથી હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨જી ઑગસ્ટે તેઓ બારડોલી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે બારડોલી વિષે બારડોલી બહાર જેટલી વાતો થઈ રહી છે તેના સોમા ભાગની બારડોલીમાં થતી નહોતી. સૌ ભાઈઓ અને બહેનો રામભરોસે બેઠાં હતાં અને સરદારનો પડ્યો બોલ ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટાં વધારે વલ્લભભક્ત બનાવ્યાં.

૧૪

એટલામાં સરદારને રા○ સા○ દાદૂભાઈનું પૂનાથી તેડ્યું આવ્યું. એ તેડાનો તાર ગુજરાતના ધારાસભ્યોને નામે કરવામાં આવ્યો હતો. તેમાં નાણાંમંત્રી સર ચૂનીલાલ મહેતાના અતિથિ થવાનો આગ્રહ હતો. એટલે એ તેડામાં સર ચૂનીલાલની સૂચના અથવા સંમતિ હોવી જ જોઈએ. સરદાર સમાધાનીની વાતથી કંટાળ્યા હતા પણ સત્યાગ્રહીથી સમાધાનીની ના પડાય નહીં એટલા ખાતર તેઓ ગયા. સાથે સાથે તારથી રા○ સા○ દાદૂભાઈ ને જણાવ્યું : ‘છાપાં વગેરેમાંથી તો કોઈની કાંઈ કરવાની દાનત હોય એવું દેખતો નથી. છતાં ગુજરાતના સભ્યના બોલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.’ પૂનામાં સમાધાનીની જે ભાંજગડ થઈ તેમાં સરદારના સ્વભાવની એક બહુ ઉમદા બાજુ વ્યક્ત થાય છે. તે આખી જ ભાંજગડ મહાદેવભાઈના શબ્દોમાં નીચે આપી છે :

“3જી અને ૪થી ઑગસ્ટે સર ચૂનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધુ આપવું શક્ય નથી, શક્ય હોય તોપણ આપવું શાભે એમ નથી. પણ, મુખ્ય હકીકત સંક્ષેપમાં સૌના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તો તેણે સુરતના સભ્યોને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તો શ્રી વલ્લભભાઈ સાથે. સુરતના સભ્યો અને તેમની સાથે કામ કરી રહેલા બીજા સભ્યોએ આખર સુધી કશું વચન આપવાની અથવા શ્રી વલ્લભભાઈને કશા વચનથી બાંધવાની ના જ પાડી, એ વસ્તુ એમને શોભાવનારી હતી. સર ચૂનીલાલને ત્યાં વાટાઘાટો ચાલ્યાં કરતી હતી ત્યારે જ સૌને લાગી ગયું હતું કે સમાધાન કરવાની ઉત્કંઠા સુરતના સભ્યો કરતાં સરકારની ઓછી નહોતી, પણ સરકારનો હાથ ઊંચો રહે એવી કંઈક શબ્દજાળ શોધવાની ભાંજગડ જરા જબરી હતી. એક સીધો સાદો ખરડો શ્રી વલ્લભભાઈએ તૈયાર કર્યો, પણ તે સર ચૂનીલાલને પસંદ ન પડ્યો. તેઓ સરકારના બીજા સભ્યોની સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે તેઓ એક કાગળનો ખરડો લઈ ને આવ્યા, જે સુરતના સભ્યો સરકારને લખે એવી તેમની સૂચના હતી :
“અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.”
“વલ્લભભાઈએ કહ્યું : ‘જે સભ્યો આ કાગળ ઉપર સહી કરશે તે શી રીતે એમ કહી શકે કે શરતો પૂરી કરવામાં આવશે, જ્યારે તપાસસમિતિ નીમવામાં આવે એ પહેલા એ શરતો તો પૂરી કરવાની છે? એમણે તો એમ કહેવું જોઈએ ના કે શરતો પૂરી કરવામાં આવી છે ? અને તેમ એ લોકો શી રીતે કહી શકે ? કારણ, શરતો પૂરી કરવાની તો અમારે છે. અને અમે તો આ તપાસમમિતિ ન મળે ત્યાં સુધી જૂનું મહેસૂલ પણ આપવાને તૈયાર નથી.”
“એની તમારે શી ફિકર છે ?” સર ચૂનીલાલે કહ્યું : ‘એટલો કાગળ સહી કરીને મોકલવામાં આવે એટલે થયું. એ સભ્યોને એટલો કાગળ મોકલવાને વાંધો ન હોય તો પછી એ શરતો કેવી રીતે, કોણ, ક્યારે પૂરી કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે તપાસસમિતિ જાહેર થાય પછી જૂનું મહેસૂલ ભરજો.”

મહાદેવભાઈ આગળ કહે છે : આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. સરદારની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ અને હું હતા. રાત્રે સૂતા પહેલાં સર ચૂનીલાલને કહી દીધું કે આવું કાંઈ લખી આપી શકાય નહીં. પણ કેમે ઊંઘ ના આવે. છેવટે સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠ્યો, સરદારને જગાડ્યા, અને કહ્યું : ‘મને સર ચૂનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. તેમાં નથી આપણે બંધાતા, નથી સુરતના સભ્યો બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે. અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.’

વલ્લભભાઈ : ‘પણ એમાં જૂઠાણું છે તે ?’

મેં કહ્યું : ‘છેસ્તો, પણ તે સરકારના તરફથી છે.’

વલ્લભભાઈ : ‘આપણે સરકાર પાસે સત્યનો ત્યાગ કરાવીએ છીએ એમ નહીં ?’

મેં કહ્યું : ‘ના, સરકાર સત્યનો ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તો લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.’

વલ્લભભાઈ : ‘ત્યારે તું સર ચૂનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે ? પણ જો તું જાણે ! મને આ લોકોની બાજુમાં ખબર પડતી નથી. એવાં કૂંડાળાં શા સારું કરતા હશે ? બાપુ શું કહેશે ? સ્વામી, તું શું ધારે છે ?’

સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનકડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે ?’ એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથીયે અધિક પૂજ્ય બન્યા. લડત દરમિયાન ઘણી વાર તેઓ કહેતા, ‘આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું, એમની કળા મને ન આવડે,’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું : ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’

સ્વામી કહે : ‘મારો પણ એ જ મત છે.’

છેવટે વલ્લભભાઈ કહે : ‘પણ સુરતના સભ્યો આના ઉપર સહી કરશે ?’

મેં કહ્યું : ‘કરશે, સર ચૂનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.’

વલ્લભભાઈ : ‘ભલે ત્યારે, તેઓ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચૂનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’

હું ગયો, સર ચૂનીલાલની સાથે વાતો કરી. તેમને કંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું: ‘તમે તમારી સ્થિતિની ચોખવટ કરો એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું : ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’

સર ચૂનીલાલને કશી શંકા જ નહોતી. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી વલ્લભભાઈ એ કહ્યું કે સુરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તો મને વાંધો નથી. એટલે તરત જ સમાધાન નક્કી થયું.

સર ચૂનીલાલ મહેતાને વિષે બે શબ્દ અસ્થાને ન ગણાય. સર ચૂનીલાલને બીજા કોઈ પણ જણ કરતાં સરકારના મનની વિશેષ ખબર હતી, એટલે તેઓ બધું જોઈ વિચારીને અને સમજીને જ કરતા હતા. આ અણીને વખતે તેમની દેશભક્તિ તરી આવી હતી, અને સરકાર પ્રતિષ્ઠાના ભૂતને વળગતી ઉઘાડી પડે એ ભોગે પણ આ પ્રકરણનો અંત આણી બારડોલીના ખેડૂતને ન્યાય મળે એ વિષે તેઓ આતુર હતા. સરકાર કાંઈ થોડી જ આ પહેલી વાર ઉઘાડી પડવાની હતી !

પણ જો સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગી સંતોષ માનવાને તૈયાર હતી, તો શ્રી વલ્લભભાઈ તત્ત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તો સંપૂર્ણ, સ્વતંત્ર ન્યાયપુર:સર તપાસ જોઈતી હતી. આટલું કરવાને તો સરકાર તૈયાર હતી જ, પણ ત્યાંયે પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તે જે શબ્દોમાં શ્રી વલ્લભભાઈએ માગી હતી તે જ શબ્દોમાં — બળજોરીનાં કૃત્યોની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં — જાહેર થશે એમ નક્કી થયું. અને તલાટીઓને પાછા લેવા બાબત, જમીન પાછી આપવા બાબત અને કેદીઓને છોડવા બાબત સુરતના સભ્યો રેવન્યુ મેમ્બરને એક શિરસ્તા મુજબ કાગળ લખે એટલે તરત ઘટતું કરવામાં આવશે એમ કર્યું. છેવટનો નુકસાનીના બદલા વિષેનો ભાગ કાગળમાં લખવાનો નહોતો, પણ સરકારી રાહે ઘટતું કરવામાં આવશે એમ કર્યું. શ્રી વલ્લભભાઈને આથી વધારે કશું જોઈતું નહોતું. તેમને તો કામની સાથે વાત હતી, નામની સાથે વાત નહોતી.

સર ચૂનીલાલ મહેતાની વિનંતીથી રા○ બ○ ભીમભાઈ વગેરે કેટલાક સભ્યો સુરતના કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચાયેલી જમીન મૂળ માલિકને નામે ચડાવી દેવડાવવા માટે સુરત ગયા. સુરતના જે કલેક્ટરે ઘણી વાર પોતાનાં શુભ વચનમાં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં નહીં આવે, તેની આ ટાંકણે જ સરકારે બીજા જિલ્લામાં બદલી કરી. નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કશો બાધ આવે તેમ નહોતું. તેણે બે ત્રણ ખરીદનારાઓ હતા તેમને બોલાવ્યા અને તેમને સમજાવીને તથા દબાવીને કુલ રૂપિયા આર હજારમાં જમીન ખરીદેલી તેટલા રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છોડાવી લીધી. જે દિવસે સુરતના સભ્યોએ પેલો કાગળ લખ્યો તે જ દિવસે ગાંધીજીએ અને સરદારે જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસસમિતિ નીમવાનું જાહેર થયું. સભ્યોના બીજા કાગળના જવાબમાં રેવન્યુ મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, બધા કેદીઓ છૂટી જશે અને તલાટીઓ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નોકરી ઉપર ચડાવવામાં આવશે. આટલું થયું એટલે સરદારે પોતાનો સંતોષ જાહેર કર્યો અને જાહેર રીતે સરકારે સુદ્ધાં સૌનો આભાર માન્યો ખેડૂતોને ઉદ્દેશીને તેમણે પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે, ‘આપણી ટેક જાળવવા સારુ આપણે ઇશ્વરનો પાડ માનીએ, આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે. વધારો ભરવાનો નથી. જૂનું મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશો. ભરવાનો સમય મુકરર થયે જાણ કરીશ.’ બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા. તલાટીઓને પાછા લેવાની અરજી સરદારે જ ઘડી આપી. તે કલેક્ટરને ગમી એટલે તરત જ તેમણે નિમણૂકના હુકમ કઢાવ્યા. આ થયું એટલે લોકોનો ધર્મ જૂનું મહેસૂલ ભરી દેવાનો હતો. એક મહિનાની અંદર તેમણે બધું મહેસૂલ ભરી દીધું.

સરદારની ત્રણ સફળ લડતોમાંની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજને ૫ંથે તેમણે નાખેલા મજલ દાખવનારા સ્તંભોમાંનો આ ત્રીજો સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બોરસદની લડતના જેવી શીઘ્ર ફળદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી. પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ. એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું જ નહીં પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી. આ સત્યાગ્રહનો વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતો : મુખ્ય એ કારણે કે બારડોલીને સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી ન હતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકોએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે, લડતને છૂંદી નાખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લોકોએ નમાવી; ચોથું એ કે, રેવન્યુ ખાતામાં મોટો માંધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાંત છતાં સરકારને નમવું પડ્યું; પાંચમું એ કે, ત્રણ ત્રણ ચાર ચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આવો મોટો વિજય પ્રાપ્ત થયો; છઠ્ઠું એ કે, સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતનો ત્યાગ કરી તત્ત્વ તરફ જ તાણ્યું હતું; અને છેલ્લું એ કે, જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથ નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાની કરવામાં પોતાથી થાય તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિ પ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈએ પોતાના લેખોમાં અને ભાષણોમાં સત્યાગ્રહીઓને તેમ જ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું.

૧૯૨૪માં આ જ ગવર્નરે હિંદુસ્તાનમાં આવતાંની સાથે બોરસદનું સમાધાન કરાવ્યું હતું. આ વખતે નોકરશાહીની જાળમાં તેઓ ફસાયેલા હશે એટલે લડત લંબાઈ છતાં છેવટે તેમાંથી તેઓ છૂટી શક્યા. બ્રિટિશ ગવર્નરોને પણ કેટલાં બંધનો અને મર્યાદામાં રહી કામ કરવું પડતું એનો ખ્યાલ આપણામાંથી બહુ થોડાને હોય છે. છતાં એ બંધનો સર લેસ્લી તોડી શક્યા એ તેઓની મહત્તા બતાવે છે.

૧૫

સમાધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી. સરદાર ઉપર અભિનંદનના તારો વરસ્યા અને દેશનાં સઘળાં વર્તમાનપત્રોમાં તેમની પ્રસંશાના લેખો ઊભરાયા. એ બધાનો અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી.

આમ સમાધાન તો થયું પણ નોકરશાહીને તે પસંદ નહોતું. તેમણે જૂઠાણાંનો ધોધ વહેવરાવ્યો[] અને સત્યાગ્રહ દરમિયાન જે ખેડૂતો પાસેથી .


ચોથાઈ દંડ વસૂલ કરવામાં આવ્યા હતા તે પાછા આપવાની બાબતમાં મુશ્કેલી ઊભી કરી. જે સત્યાગ્રહીઓની જંગમ મિલકત જપ્ત થઈ નહોતી અને જેમણે સમાધાની થઈ ત્યાં સુધી એક કોડી ભરી નહોતી તેમને આ ચોથાઈ દંડ આપવાનો નહોતો; તો જેમના ઉપર લડત દરમિયાન જપ્તીઓ થઈ હતી અને જેમણે ઢોરઢાંખર ખોયાં હતાં તેમણે શા સારુ ચોથાઈનો દંડ આપવો જોઈએ ? આ ઉપરાંત તપાસ કમિટીમાં નીમવાના અમલદારોનાં નામોમાં પણ સર ચૂનીલાલ મહેતા સાથે સરદારને થયેલી વાતમાં આ અમલદારોએ ફેરફાર કર્યો અને જુદાં નામો જાહેર કર્યાં. સરદારને તેની સામે પણ વાંધો હતો. છતાં સરદારે રેવન્યુ મેમ્બરને જણાવ્યું કે એક વાર અમલદારોની નિમણૂક જાહેર થયા પછી તે ફેરવવાની સરકારની મુશ્કેલી હું સમજી શકું છું. પણ આ ચોથાઈ દંડ પાછો આપવાનું ન બને તો તો સત્યાગ્રહી તપાસ સમિતિ વિના ચલાવી લેશે. એટલે ફરી ગવર્નરને વચ્ચે પડવું પડ્યું. તેમણે કહ્યું કે ચોથાઈ દંડની બાબતમાં કશી મુશ્કેલી નહીં આવે, માત્ર શ્રી વલ્લભભાઈ એ કમિટીની નિમણૂક સ્વીકારવી જોઈએ. ફરી એક વાર સિદ્ધ થયું કે ગવર્નર જ્યારે શાંતિને માટે ઉત્સુક હતા ત્યારે તેમના સલાહકારો મુશ્કેલીઓ જ ઊભી કરતા હતા. ચેતતા નર સદા સુખી એ સૂત્રને અનુસરીને સરદારે રેવન્યુ મેમ્બરને કાગળ લખીને જણાવ્યું કે : ‘કમિટીની નિમણૂક તો હું સ્વીકારું છું પણ તે એવી સ્પષ્ટ શરતે કે તપાસ દરમિયાન કોઈ પણ વખતે મને લાગે કે કામ ન્યાયપુરઃસર ચાલતું નથી અથવા તપાસને અંતે મને એમ લાગે કે કમિટીનો નિર્ણય પુરાવામાંથી નીકળી શકે એવો નથી અને અન્યાયી છે તો સરકારને પાછી લડત આપવાની મને છૂટ રહેશે.’

પછી બારડોલીમાં, સુરતમાં અને ગુજરાતનાં બીજાં શહેરોમાં વિજયની ઉજવણી ચાલી. એનાં દૃશ્ય જેવાં ભવ્ય હતાં તેવાં જ પાવક હતાં. નાગપુર અને બોરસદના વિજય વખતે ગાંધીજી જેલમાં હતા પણ આ વખતની સભાઓમાં ગાંધીજી હાજર હોય એટલે સરદારને બહુ મૂંઝવણ થતી. તેમની સમક્ષ માનપત્રો લેવાં એ એમને ભારે વસમું લાગતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું, માનપત્ર આપવાનો સમય જ હજી નથી આવ્યો, એ તો ૧૯૨૨ની પ્રતિજ્ઞાનું પાલન

થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું :

“અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં છૂટાછવાયા અજ્ઞાત ઘણા પડ્યા છે. તેમના ભાગ્યમાં જાહેરાત નથી. જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તો નાને મોઢે મોટી વાત કરવા જેવું છે — કોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કોઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યોતૂટ્યો મેળવેલો સંદેશો તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જો તમારામાં પ્રાણ આવ્યા, તો જો હું પૂરો પાળનારો હોત તો ૧૯૨૨ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હોત.”

આ વિજયથી આપણે ફુલાઈ ન જઈએ, વિરધીની પણ જેટલી કદર કરવા જેવી હોય તેટલી કરીએ, અને આપણી જૂની પ્રતિજ્ઞા ન ભૂલીએ, એ વિષેનાં ગાંધીજીનાં નીચેનાં વચનો બારડોલી તાલુકાઓ અને સૌ કોઈએ હંમેશ યાદ રાખવા જેવાં છે :

“અનેક વાર સરદારે તમને તેમ જ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોનો હૃદયપલટો નહીં થાય ત્યાં સુધી સમાધાન થવું શક્ય નથી. હવે સમાધાન થઈ શક્યું છે તો ક્યાંક હૃદયપલટો થયો જ હશે. સત્યાગ્રહી એવો ગર્વ સ્વપ્ને પણ ન કરે કે પોતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તો શૂન્ય. સત્યાગ્રહીનું બળ એ ઈશ્વરનું બળ છે. તેના મોંમાં એ જ હોય : ‘નિર્બલ કે બલ રામ.’ સત્યાગ્રહી પોતાના બળનું અભિમાન છોડે તો જ ઈશ્વર તેને મદદ કરે. ક્યાંક હૃદયપલટો થયો હોય તેને માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતો નથી.
“એ હૃદયપલટો ગવર્નર સાહેબનો થયો એમ પણ આપણે માનવું જોઈએ. જો તેમનો હૃદયપલટો ન થયો હોત તો શું થાત ? જે કંઈ થાત તેનું આપણને તો કશું દુઃખ નહોતું. આપણે તો પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તો૫ લાવે તોપણ આપણને તેની ચિંતા નહોતી. આજે જયનો ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષંતવ્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવર્નર છે એમ હું તમને મનાવવા ઇચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હોત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે બારડોલીના લોકને ગોળીબારથી ઉડાડી દેવા તો તે આપણને મારી શકત. તમારી તો પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તોપણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂઠ પણ બતાવવાના નથી, તમે તેમની ગોળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નર ઇચ્છ્યું હોત તો બારડોલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી બારડોલીનો તો જય જ થાત, પણ તે જુદા જ પ્રકારનો જય હોત. તે જય ઊજવવા આપણે જીવતા ન હોત; આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ એટલું કઠણ હૃદય આપણે કોઈમાં — અમલદારમાં પણ — ન ઇચ્છીએ. આ બારડોલી તાલુકાની જંગી સભા કે જયાં ૧૯૨રની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છે, ત્યાં આ વાત આપણે રખે ભૂલીએ.”

સરદારે પોતાના અમદાવાદના ભાષણમાં જે આત્મનિરીક્ષણ કર્યું છે તથા આટઆટલાં કષ્ટો વેઠનાર બારડોલીના ખેડૂતોની તથા પોતાના વફાદાર અને શિસ્તબદ્ધ સાથીઓની જે કદર કરી છે તે પણ સદા યાદ રહી જાય એવી છે:

“તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલ છે. હું ઈશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું છું કે તમે પ્રેમના આવેશમાં જે અતિશયોક્તિ ભરેલી વાતો મારે માટે લખી છે તે ન ગળી શકાય એવી છે. તમે સૌ જાણતા હશો કે મહાભારતમાં દ્રોણાચાર્યને એક ભીલ શિષ્ય હતો, જેણે દ્રોણાચાર્ય પાસેથી એક પણ વાત સાંભળી નહોતી. પણ ગુરુનું માટીનું બાવલું કરી તેનું પૂજન કરતો અને તેને પગે લાગી દ્રોણાચાર્યની વિદ્યા શીખેલો. જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી દ્રોણાચાર્યના બીજા કોઈ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ? કારણ કે એનામાં ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રદ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હતું, એનામાં લાયકાત હતી. મને તમે જેનો શિષ્ય કહો છો, તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિષે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિષે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત. મને આશા છે કે હિંદુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહીં કર્યા હોય, જેમણે એમના શરીરની નહીં પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ. કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિષે નિર્ભય છું. એમણે પોતે કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે. આપણે એ કરીશું તો એમને તો કશું કરવાનું રહેતું નથી. એમને જે આપવાનું હતું તે એમણે આપી દીધું છે. હવે આપણે એ કરવાનું રહેલું છે. બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા ને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્રા ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેણે સંયમ પાળ્યો અને તેમ કરીને હિંદુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા કોઈ ને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે, જેમણે મને કદી પૂછ્યું નથી કે કાલે તમે શો હુકમ કાઢશો? આવતી કાલે તમે શું કરવાના છો ? ક્યાં જવાના છો ? કોની સાથે સમાધાનની વાત કરવાના છો ? ગવર્નરના ડેપ્યુટેશનમાં કોને કોને લઈ જવાના છો ? પૂને જઈ ને શું કરવાના છો ? જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણ મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ જો આ માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાય અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.”
૧૬

તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને સરકારે તે કેવી શરતે સ્વીકારી તે અગાઉ કહેવાઈ ગયું છે. તા. ૧લી નવેમ્બરથી ન્યાયખાતાના અમલદાર મિ. બ્રૂમફિલ્ડ અને રેવન્યુ ખાતાના અમલદાર મિ. મેક્સવેલ પોતાના કામ ઉપર ચડ્યા. પાંચમી તારીખે શ્રી ભૂલાભાઈ દેસાઈએ તેમની આગળ લોકપક્ષનું વિવેચન કર્યું. પ્રારંભિક તૈયારી કર્યા પછી તપાસનું કામ ૧૪મી નવેમ્બરે શરૂ થયું તે જાન્યુઆરી મહિનાની આખર તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખર તારીખે ચર્યાસી તાલુકામાં પૂરું થયું. ચોર્યાસી તાલુકાના લોકોને સરદારે કહેલું કે, ‘બારડોલીના ખેડૂતો જે દુઃખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તો તેનો લાભ તમને પણ મળવાનો છે.’ આ વચનો સાચાં પડ્યાં. બારડોલીની સાથે ચોર્યાસીને પણ પોતાને થયેલો અન્યાય સાબિત કરવાની તક મળી. બારડોલીમાં પચાસ ગામો અને ચોર્યાસીમાં વીસ ગામોની તપાસ કરવામાં આવી.

લોકો તરફથી હકીકત રજૂ કરવાનું કામ સરદારે મહાદેવભાઈ, રામનારાયણ પાઠક તથા મને સોંપ્યું હતું. અમારી મદદમાં શ્રી મોહનલાલ પંડ્યા, કલ્યાણજીભાઈ, ચોખાવાળા વગેરે પુષ્કળ ભાઈઓ હતા. અમારાં પત્રકોની અને બીજી તૈયારીઓ જોઈને અમલદારોને અદેખાઈ થતી અને ઘણી વાર કહેતા : ‘તમારા જેવી તૈયારી અમારી પાસે નથી. સરકારે એવી સગવડ અમને નથી આપી. તમને તો આખો તાલુકો મદદ કરવાને તૈયાર છે.’ પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી સાથેના પોતાના સંબંધને ‘અતિશય મીઠા સંબંધ’ તરીકે વર્ણવ્યું છે, અમે આપેલી મદદને ‘કીમતી મદદ’ ગણી છે અને લોકોની વૃત્તિ ‘તદ્દન વિરોધ વિનાની અને આશા નહોતી રાખી એટલે સહકાર આપવાની’ કહી છે.

તપાસ કમિટીનું કામ સરકારી હુકમમાં નીચેના શબ્દોમાં નિયત કરવામાં આવ્યું હતું :

“એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, એ બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીનો મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે :

“સદરહુ અમલદારોએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો:

“(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારો લૅંડ રેવન્યુ કોડ પ્રમાણે વાજબી નથી;

“(ખ) સદરહુ તાલુકા વિષે જે રિપોર્ટો બહાર પડેલા છે તેમાં સરદહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીક્ત ખોટી છે;

“અને જો એ અમલદારને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈએ તે જણાવવું.

“તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હોવાથી લોકોને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકાર સુધ્ધાંની મદદથી જુબાનીએ આપવાની ને તપાસવાની છૂટ રહેશે.”

શ્રી ભૂલાભાઈ દેસાઈ એ પોતાની પ્રારંભિક ચર્ચામાં જણાવ્યું હતું કે સેટલમેન્ટ ઑફિસર શ્રી જયકર અને સેટલમેન્ટ કમિશનર મિ. ઍન્ડર્સનની ભલામણો ગણોતના આંકડાને આધારે કરવામાં આવી છે એ લૅન્ડ રેવન્યુ કોડની ૧૦૭મી કલમ પ્રમાણે બરાબર નથી. એ કલમમાં તો જમીનમાંથી થતા ચોખ્ખા નફા ઉપર જ મહેસૂલ નક્કી કરવાનું ઠરાવ્યું છે. અને ચોખ્ખો નફો તો ખેડૂતને થતા ઉત્પન્નમાંથી તેને થતો ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણોતની ઉપર આધાર ત્યારે જ રખાય જ્યારે સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે ગણોતે આપેલી જમીનનું પ્રમાણુ બહુ મોટું હોય. મિ. ઍન્ડર્સને બારડોલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણાતે અપાય છે એમ કહ્યું છે તે તદ્દન કપોલકલ્પિત છે, માંડ છ-સાત ટકા જમીન ખરી ગણાતે અપાય છે.

પહેલે જ દિવસે આફવા નામનું ગામ તપાસ્યું તો ત્યાંના ગણોતના આંકડામાં ભારે ગોટાળા જણાયા. સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે શુદ્ધ ગણોતના આંકડા જુદા તારવવા જોઈએ. શ્રી જયકરનો દાવો એવો હતો કે એમણે બધાં જ ગણોત તપાસેલાં છે અને તેમાંથી શુદ્ધ ગણોત તારવેલાં છે. અમે તપાસ કરનારા અમલદારોને બતાવી આપ્યું કે શ્રી જયકરના આંકડા તો તારવી કાઢ્યા વિનાના કુલ ગણોતના આંકડા કરતાં પણ વધારે છે. તેમણે પોતાના શિરસ્તેદાર પાસે ફરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણોતનો આંકડો કઢાવ્યો. અમારા બતાવ્યા પ્રમાણે એ આંકડા કરતાં શ્રી જયકરના રિપોર્ટનો આંકડો વધારે હતો. આમ પ્રથમ ગ્રાસે મક્ષિકા જોઈને અમલદારો ચેત્યા ખરા, પણ ન્યાયનો સિદ્ધાંત છે કે ન્યાયાધીશે હંમેશા ગુનેગારને નિર્દોષ માની લઈને જ તપાસ કરવી જોઈએ. એ ન્યાયને અનુસરીને શ્રી જયકરે અને મિ. ઍન્ડર્સને બરાબર તપાસ કરી નથી એમ તેમને મનાવતાં અમને પંદર દિવસ લાગ્યા. વળી મિ. બ્રૂમફિલ્ડ એમ માનતા જણાયા કે ખેડૂતો તો જૂઠું જ બોલે. એક ગામે જ્યારે અમે કહ્યું કે અહીં કશી તપાસ થઈ જ નથી એટલે મિ. બ્રૂમફિલ્ડ કહે, ‘હા, એમ ખેડૂતો કહે છે, જગતમાં બધે જ ખેડૂતો એવી વાતો કરે છે.’ અમે કહ્યું : ‘તેઓ સાચા છે કે ખોટા એ તપાસવાની તમારી ફરજ છે.’ એટલે તેમણે પૂછ્યું : ‘ત્યારે શું આ ગામે શ્રી જયકર આવેલા જ નહીં?’ અમે કહ્યું : ‘અમે કહીએ તે કરતાં તમે જ ખેડૂતોને પૂછી જુઓ.” એટલે તેમણે લોકોને પૂછ્યું. પટેલ તલાટી બન્ને એ જવાબ આપ્યો : ‘સાહેબ, જયકરનું મોં જ કોણે જોયું છે ?’ એટલે મિ. બ્રૂમફિલ્ડે પૂછ્યું : ‘આ લોકો જાણે છે તો ખરાને કે જયકર કોણ છે?’ એટલે લોકોએ કહ્યું : ‘જયકર પ્રાન્ત અમલદાર હતા એમ સાંભળ્યું છે પણ એમનું મોં જોયું હોય તો ખબર પડે ને કે એ કોણ હતા ?’ પછી તો દરેક ગામે મિ. બ્રૂમફિલ્ડ અહીં જયકર આવેલા કે નહીં એ સવાલ પૂછતા. અને ઘણે ઠેકાણે ‘અહીં કોઈ આવ્યું જ નથી કે કશી તપાસ થઈ જ નથી’ એવા જવાબ મળતા. વળી તારવ્યા વિનાના ગણોતના આંકડા અને શ્રી જયકરના કહેવાતા તારવેલા આંકડા પણ શિરસ્તેદાર પાસે તેઓ ગણાવતા. એકંદરે એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા. આવા આંકડા ઉપર આધાર રાખી સેટલમેન્ટ કમિશનર મિ. ઍન્ડર્સને પોતાની ભલામણ કરી હતી. અમુક ગણોતો અમુક ગામોએ જઈને પોતે તપાસ્યાં છે. એમ મિ. ઍન્ડર્સને પોતાના રિપોર્ટમાં લખ્યું છે તે ગણોતો એ સાહેબે પણ નહોતાં તપાસ્યાં એમ તપાસમાં માલુમ પડ્યું.

અમે બધે ખેતીના નફાતોટાને હિસાબ આપતા હતા. એ આંકડામાં ખોટ આવતી જોઈને અમલદારને મૂંઝવણ થવા માંડી. બેત્રણ ગામોએ અમારી તેમણે ખૂબ ઊલટતપાસ કરી, ખેડૂતોની ઊલટતપાસ કરી અને એક દૂબળાને પણ તપાસ્યો, એ હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરાબર છે કે નહીં. પણ આ ઊલટતપાસથી તેઓ અમારા હિસાબમાંથી એક કાંકરી પણ ખેરવી શક્યા નહીં. એટલે એક દિવસ અમારી સાથે બહુ નિખાલસપણે ચર્ચા કરી: સાહેબો : ‘ખેડૂતોને ખોટ જાય છે એ ધારો કે માની લઈએ, પણ એટલી જ જમીન એ ગણોતે આપતો હોય તો તેને ફાયદો થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું ?’

અમે : ‘પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતો પોતાની જમીન ગણોતે આપતા નથી, અને બધા ગણોતે આપે તો ગણોતે લે કોણ ?’

‘પણ જે આપે તેને તો ફાયદો થાય છે જ ના ?’

‘પણ એ કેટલા આપે છે એ જ પ્રશ્ન છે. આપ જો અમને સિદ્ધ કરી આપો કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણાતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લો.’

‘પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ મોહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તો જોઈએ જ ના? તમે નફાતોટાની ગણતરી કરો છો તે ગણતરી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસો જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?’

‘એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણાતો તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તો વિશ્વાસપાત્ર મળતાં નથી !’

‘પણ અમે ક્યાં ગણોતના આધારને વરેલા છીએ. અમે તો કહીએ છીએ કે આવી ગણતરી કરવામાં તો દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.’

‘એ તો રહેવું જ પડે છે. સેટલમેન્ટ ત્રીસ વર્ષ માટે કરવું એ કંઈ રમત વાત છે ? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.’

‘એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?’

‘એ તો આપ જાણો. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આપ વધારે વિચાર કરજો.’

અત્યાર સુધીમાં સાહેબને અમારે વિષે વિશ્વાસ પડવા માંડ્યો હતો. અમે જે ખુલાસા આપતા તે એમને મદદ કરવા માટે આપવામાં આવતા હતા એવી તેમની ખાતરી થઈ. રિપોર્ટમાં અમને પક્ષકાર ગણવાને બદલે તેમણે પોતાના સાથી કાર્યકર્તાઓ કહ્યા છે. અને અમારે વિષે નીચે પ્રમાણે નોંધ કરી છે :

“આ સજ્જનોએ પોતાની રીતે ઘણી ઉપયોગી માહિતી ભેગી કરીને અમને રજૂ કરી, તે ઉપરાંત એઓ ગણોત અને વેચાણના બધા દાખલા આગળથી નોંધી રાખતા, અને દરેક કિસ્સા વિષે એટલી વિગતવાર ખબર

મેળવી રાખતા કે અમને ઘણી વાર તેમની મદદથી સાચી અને ચોક્કસ માહિતી મળી શકી, જો એમ ને એમ ન જ મળી શકી હોત. ખરા દિલથી અને નિષ્પક્ષ ભાવે આપવામાં આવેલી આ મદદ આ તપાસમાં અમને ખરી મૂલ્યવાન થઈ પડી એમ બૂલ કરતાં અમને આનંદ થાય છે.”

શ્રી જયકરે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ૧૯૦૧થી ૧૯રપનાં બધાં ગણોતો તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યાં છે. અમલદારોને અનુભવે જણાયું કે થોડાં વર્ષનાં ગણોતોની માહિતી મેળવતાં આટલો સમય જાય છે તો પચીસ વર્ષની માહિતી આટલા ટૂંક સમયમાં મેળવવી જ અશક્ય છે. થોડાંક ગામોમાં તો તેમણે ઘડિયાળ રાખીને જોયું. વાંકાનેર ગામમાં છેલ્લાં સાત વર્ષનાં એકત્રીસ ગણોત તપાસતાં તેમને પાંચ કલાક લાગ્યા. વાલોડમાં ચોવીસ ગણોત તપાસતાં બે કલાક, ડિંડોલીમાં અગિયાર ગણોત તપાસતાં બે કલાક, સૂપામાં નવ ગણોત તપાસતાં દોઢ કલાક લાગ્યો હતો. બીજી તરફથી ખેતીના નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય ખોટો પાડી શક્યા ન હતા. એટલે છેવટે ગણોત ઉપર આધાર રાખવાનો સહેલો માર્ગ તેમણે સ્વીકાર્યો. દરેક ગામનાં ગણોતમાંથી જુદાં જુદાં કારણસર વધારે પડતાં અથવા અનાર્થિક કહી શકાય એવાં ગણોત તેમણે છોડી દીધાં. અને ગામમાંથી શુદ્ધ અથવા આર્થિક કહી શકાય એવું એક પણ ગણોત મળી આવે તો તેને એટલા પ્રદેશની ખેતીનો ચોખ્ખો નફો ગણવો એવા નિર્ણય ઉપર તેઓ આવ્યા. વળી અમુક મહેસૂલ તો તાલુકાએ આપવું જ જોઈએ એ નક્કી હતું એટલે તાલુકા ઉપર ૬ ટકાનો કુલ વધારો ઠરાવ્યો. પણ તેની સાથે ન વપરાતા કૂવા ઉપર, ક્યારીના ઉપયોગ માટે ન આવતી જમીન ઉપર, ભાઠાં તથા બાગાયત તરીકે ગણાતી પણ વાસ્તવિક રીતે એવી ન હોય તેવી જમીન ઉપર મહેસૂલ ઓછું કરવાની ભલામણ કરી. એટલે એકંદરે તાલુકાને ભરવાના મહેસૂલમાં થોડો પણ ઘટાડો થયો. રિપોર્ટનો ખંડનાત્મક, ભાગ મહેસૂલ આકારણીની દૃષ્ટિએ અમૂલ્ય ગણાય એવો છે. પણ રચનાત્મક ભાગ તેવો જ નબળો અને પાયા વિનાનો છે, કારણ મહેસૂલ ઠરાવવાનું કોઈ ચોક્કસ ધોરણ તેઓ બતાવી શક્યા નથી. આ તપાસના પરિણામનો સાર નીચે પ્રમાણે આપી શકાય :

આર્થિક પરિણામ : બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯ર રૂપિયાનો મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો હતો તે ઓછો કરી તપાસ અમલદારોએ ૪૮,૬૪૮નો વધારો ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકો ને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો. એટલે ત્રીસ વર્ષને માટે ૪૫ લાખ રૂપિયાનો લાભ થયો. આ ઉપરાંત તાલુકાનાં ઘણાં ગામોમાં —

૧. ન વપરાતા કૂવા માટે સરકાર કર લે છે તે તપાસ દરમ્યાન બહાર આવ્યું અને તે રદ્દ થવાની ભલામણ થઈ; ૨. ક્યારીના ઉપયોગ માટે ન આવતી જમીન જરાયત તરીકે દાખલ કરવામાં આવે એવી ભલામણ થઈ, એટલે એ જમીન જે ઘણાં વર્ષ થયાં બેવડો સરકારધારો ભરતી હતી તે અન્યાય દૂર થાય એવી ભલામણ થઈ ૩. કેટલાંક ગામમાં ‘ભાઠાં’ની જમીન તરીકે ચાલતી અને બાગાયત તરીકે ચાલતી જમીન ઉપર બાવળ અને ઘાસ ઊગેલાં હતાં. તેવી જમીન, ‘ભાઠાં’ અને ‘બાગાયત’ તરીકે ન ગણવામાં આવે એવી ભલામણ થઈ.

નૈતિક પરિણામ : લોકોએ કરેલી બધી ફરિયાદ સાચી પડી અને લોકોના તેમ જ તેમના પ્રતિનિધિઓની પ્રામાણિકતા જગત આગળ સિદ્ધ થઈ. તપાસને પરિણામે કેટલીક વાતો સ્પષ્ટ રીતે બહાર આવી :

૧. સરકારના જવાબદાર અમલદાર જેને સરકારે વલ્લભભાઈ સાથેના પોતાના પત્રવ્યવહારમાં ‘રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર’ તરીકે વર્ણવ્યા હતા તે અમલદારે તપાસ નહોતી કરી, એટલું જ નહીં પણ જે ૭૦ ગામ કમિટીએ તપાસ્યાં તેમાંના એકે ગામમાં ગણોતો તપાસ્યાં નહોતાં છતાં એ તપાસ્યાં છે એવું જૂઠાણું એણે રિપોર્ટમાં જાહેર કર્યું. એ જૂઠાણાથી સેટલમેન્ટ કમિશનરને અવળે રસ્તે દોરવ્યા અને સરકારને ઊંધે પાટે ચડાવી મનાવ્યું કે આવા ઠાવકા દેખાતા આંકડા ઉપર સેટલમેન્ટનો આધાર રાખી શકાય. (રિપોર્ટ, પૅરા ૪૩)
૨. મિ. ઍન્ડર્સને પણ જૂઠાણું નહીં ચલાવ્યું તો ભયંકર બેદરકારી બતાવી. જે ગામોએ જઈને અમુક ગણોતો તપાસ્યાં એમ એ કહે છે તે ગણોત પણ એણે તપાસ્યાં નહોતાં. અડાજણનું જે ગણોત ગયા પ્રકરણમાં નોંધવામાં આવ્યું છે, અને જેમાં ૨૭ ગુંઠાની જમીનના ટુકડાના ૫૦ રૂપિયા ગણોત આવતું હતું તે ગણોત મિ. ઍન્ડર્સને પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે, પણ તેના માટે જે ખુલાસો હતો તેની નોંધ નથી લીધી, એટલે કશી તપાસ નહોતી જ કરી. ખરડ, છિત્રા અને કુવાડિયા ગામે સાહેબ ગયા હતા. છતાં ત્યાં પણ તેમણે નોંધેલાં ગણોતો કમિટીને જોવાનાં ન મળ્યાં! એટલે મિ. ઍન્ડર્સને પણ શ્રી જયકરના કરતાં ઓછી બેદરકારી નથી બતાવી.
(રિપોર્ટ, પૅરા ૩૬ )
 
3. મહાલકારી અને અવલકારકુને અમલદારો આગળ પુરાવો આપ્યો. તેથી પણ સિદ્ધ થયું કે સેટલમેન્ટ અમલદારે કશી દેખરેખ રાખી નહોતી કે તપાસ કરી નહોતી; ગણોતનાં પત્રકો બધાં જ તલાટીઓએ તાલુકા કચેરીમાં બેઠાં બેઠાં કીધાં હતાં, અને તેના ઉપર અવલકારકુને પોતે પણ જૂજ જ દેખરેખ રાખી હતી (રિપોર્ટ, પૅરા ૪૨). સામાન્ય રીતે સરકારમાં કે 

અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જણાયું. એટલું જ નહીં પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયુ. (રિપોર્ટ, પૅરા ૪૧)

ગણોત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણોતની કશી વિગત મળતી નથી. પહાણીપત્રોમાં ભારોભાર ભૂલો હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (રિપોર્ટ, પૅરા ૩૮ )
૫. ગણોતના આંકડાનો ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખોટી છે અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખેાટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨)

સરકારનાં દફતર જે સામાન્ય રીતે લોકોને જોવાના મળતાં નથી, પણ આ તપાસને અંગે અમને જોવા મત્યાં હતાં તે કેવાં ખોટાં હોય છે તે આ તપાસમાં બહાર આવ્યું. બારડોલીને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો અને લોકોમાં ઉત્સાહ તથા આત્મશ્રદ્ધા પ્રગટ્યાં. એ બારડોલી સત્યાગ્રહનું મોટામાં મોટું ફળ ગણાય.

  1. ૧૯૨૯ની ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ની ‘ઈયર બુક’માં બારડોલીની લડત વિષે આવું લખ્યું છે : ‘બારડોલીના ખેડૂતોએ નવી આકારણી પ્રમાણે જમીન મહેસૂલ ભરવાની ના પાડી અને કેટલાક રાજદ્વારી નેતાઆની ઉશ્કેરણીથી બંધારણીય રાજસત્તા સાથે બાકરી બાંધી પણ સરકારે તેમને છેવટની ચેતવણી (અલ્ટિમેટમ) આપી એટલે તેઓ વેળાસર નમી પડ્યા.’ નવા ગવર્નરે ૧૯૨૯માં પોતાના ભાષણમાં કહ્યું : ‘સુરતના ધારાસભ્યોએ વધારાનું મહેસૂલ ભરવાની બાંયધરી આપી એટલે તપાસ નીમવામાં આવી.’ તપાસ કમિટીનો રિપોર્ટ બહાર પડ્યા પછી આઠ મહિને રેવન્યુ મેમ્બર બોલ્યા : ‘ઝઘડાનું મોં કાળું કરવાની ખાતર જ સરકારે તપાસ કમિટીની ભલામણો સ્વીકારી. બાકી કમિટીએ એકઠી કરેલી અને સ્વીકારેલી હકીકતો ઉપરથી તો, તેઓ જે નિર્ણય ઉપર આવ્યા તેથી ઊલટા જ નિર્ણય ઉપર આવી શકાય તેમ હતું.’