સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બારડોલી સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ
નરહરિ પરીખ
૧૯૨૯નું તૈયારીનું વર્ષ →


.


૨૮

૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ


સને ૧૯રપના સપ્ટેમ્બરમાં પટણાની મહાસમિતિની બેઠકમાં કૉંગ્રેસનું આખું તંત્ર ગાંધીજીએ સ્વરાજ પક્ષને સોંપી દીધું અને ત્યાર પછીની કાનપુરની કૉંગ્રેસમાં તે અનુસાર ઠરાવ કરાવ્યો. છેક ૧૯૨૨માં જ્યારથી બારડોલીનો સામુદાયિક સવિનય ભંગ બંધ કરાવી સ્વરાજ્યની વિશેષ તૈયારી માટે રચનાત્મક કાર્યક્રમ, તેમાંયે વિશેષે કરીને ખાદીનો કાર્યક્રમ, ગાંધીજીએ દેશ આગળ મૂક્યો અને કાર્યકર્તાઓને ગામડાંમાં દટાઈ જવાની સૂચના કરી ત્યારથી જ દેખાવા માંડ્યું હતું કે દેશના સુશિક્ષિત વર્ગનો ટેકો તેમને નથી. ૧૯૨૪માં જેલમાંથી બહાર આવ્યા પછી અમદાવાદની મહાસમિતિની બેઠકમાં કૉંગ્રેસને પોતાને માર્ગે દોરવાનો તેમણે પ્રયત્ન કર્યો અને તેમને બહુમતી પણ મળી, છતાં એ બહુમતી મિથ્યા હતી તે તેઓ જોઈ શક્યા. પછી અનેક વાટાઘાટોને પરિણામે ૧૯૨પની કાનપુરની કૉંગ્રેસમાં સ્વરાજ પક્ષને બધું તંત્ર સોંપી દીધા પછી નવા સ્થપાયેલા અ○ ભા○ ચરખા સંઘના કામમાં જ પોતાનો વધુ વખત ગાંધીજી આપવા લાગ્યા. કૉંગ્રેસના બીજા નેતાઓ ધારાસભાની ભાંજગડમાં પડ્યા હતા ત્યારે સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ અને જમનાલાલજી ગાંધીજીને પૂરો સાથ આપી રહ્યા હતા.

પછી તો ધારાસભાવાદીઓમાં પણ ધીમે ધીમે મતભેદો ઊભા થવા માંડ્યા. ૧૯ર૫ ના જૂનમાં દેશબંધુ દાસના દેહાન્ત પછી આખા પક્ષનો ભાર પં○ મોતીલાલજી પર આવી પડ્યો. તેઓ શિસ્તના બહુ આગ્રહી હતા અને દિલ્હીની વડી ધારાસભામાં પોતાના પક્ષ ઉપર તેઓ સારો કાબૂ રાખી શક્યા હતા. ધારાસભામાંના બીજા બિનસરકારી પક્ષોનો સહકાર સાધી સરકારને કેટલીક મહત્વની બાબતમાં તેઓ શિકસ્ત પણ આપી શક્યા હતા. પરંતુ પ્રાંતમાં સ્થિતિ જુદી હતી. ઘણી જગાએ તો સ્વરાજ પક્ષનું બળ બહુ ઓછું હતું અને કેટલીક જગાએ ગણનાપાત્ર હતું ત્યાં ઘણા સભ્યોને એમ લાગતું કે સરકારને હાજી હા કરનારા લોકો હોદ્દા પર આવી જાય છે તેને બદલે આપણે જ હોદ્દા લઈએ તો દેશનું કંઈક કામ થઈ શકશે. કેટલાકને છેક પ્રધાનપદાની નહીં તો સરકારી કમિટીઓ ઉપર નિમાવાની લાલચ પણ વળગવા માંડી હતી. આમ અંદર જઈને અસહકાર કરવાની મૂળ વૃત્તિ એકંદરે નબળી પડવા માંડી હતી. બીજી તરફથી કૉંગ્રેસમાં એક સ્વાતંત્ર્ય સંઘ (ઈન્ડિપેન્ડન્સ લીગ)ની સ્થાપના થઈ હતી અને કૉંગ્રેસના ધ્યેયમાં ‘સ્વરાજ’ શબ્દ હતો તે બદલી ‘સંપૂણ સ્વાતંત્ર્ય’ એ શબ્દ દાખલ કરવાના પ્રયાસો તેના તરફથી થતા હતા. સ્વાતંત્ર્ય મેળવવાની શક્તિ કાંઈ વધી હતી તેમ નહોતું. પણ બ્રિટિશ સામ્રાજ્ય સાથેનો સંબંધ બિલકુલ તોડી નાખવો એવી સ્પષ્ટ જાહેરાત તેઓ કરવા માગતા હતા. ૧૯ર૬ની ગૌહત્તીની કૉંગ્રેસમાં એ ઠરાવ લાવવામાં આવ્યો. ત્યાં જોકે પાસ ન થઈ શક્યો, છતાં ત્યાર પછીની ૧૯૨૭ની મદ્રાસની કૉંગ્રેસમાં એ ઠરાવ પસાર થયો. આ ઉપરાંત મદ્રાસ કૉંગ્રેસમાં બીજા બે બહુ મહત્વના ઠરાવ પસાર થયા. ૧૯૨૭ના નવેમ્બરમાં વાઈસરૉયે જાહેર કર્યું કે બ્રિટિશ પાર્લમેન્ટ તરફથી સર જૉન સાઈમનના પ્રમુખપણા નીચે એક કમિશન નીમવામાં આવ્યું છે જે હિંદુસ્તાનમાં આવી સરકારી અધિકારીઓ તથા લોકનેતાઓને મળી તથા દેશમાં બધે ફરી જાતે તપાસ કરી રિપોર્ટ કરશે કે મૉન્ટ-ફર્ડ સુધારાના અમલને પરિણામે કેટલું કામ થઈ શક્યું છે, બ્રિટિશ હિંદુસ્તાનમાં કેળવણીની તથા લોક-પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાઓની પ્રગતિ કેટલી થઈ છે અને હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં જવાબદાર રાજ્યતંત્રનો સિદ્ધાન્ત કેટલે દરજ્જે દાખલ કરી શકાય એમ છે. આ કમિશનમાં એક પણ હિંદી સભ્યને રાખવામાં આવ્યો ન હતો. તેથી કૉંગ્રેસ સિવાયના બીજા તમામ રાજદ્વારી પક્ષો પણ કમિશનથી નારાજ હતા. કૉંગ્રેસની માગણીઓ તો આ કમિશનથી જરા પણ સંતોષાતી નહોતી. એટલે મદ્રાસની કૉંગ્રેસમાં આ સાઈમન કમિશનનો સખ્ત બહિષ્કાર કરવાનો અને એ જે જે શહેરની મુલાકાત લે ત્યાં તેની સામે વિરોધ દર્શાવનારા દેખાવ કરવાનો ઠરાવ પસાર થયો. સાઈમન કમિશનના બહિષ્કારના નકારાત્મક કામની સાથે તેની અવેજીમાં ચોક્કસ રચનાત્મક કામ પણ કૉંગ્રેસે કરવું જોઈએ એટલા માટે એક સ્વરાજની યોજના ઘડી કાઢી તેમાં બની શકે તેટલા બીજા રાજદ્વારી પક્ષોની સંમતિ મેળવવાનો કૉંગ્રેસે ઠરાવ કર્યો. તે માટે નીમેલી કમિટીના પંડિત મોતીલાલ નેહરુને પ્રમુખ નીમ્યા. આ ઠરાવને લીધે કૉંગ્રેસે એ જ બેઠકમાં થોડી જ વાર પહેલાં પસાર કરેલા પૂર્ણ સ્વાતંત્ર્યના ઠરાવની અવાસ્તવિકતા સ્પષ્ટ દેખાઈ આવી.

દેશમાં સાઈમન કમિશનનો પ્રવાસ અને નેહરૂ કમિટીની કામગીરી બે સાથે સાથે ચાલ્યાં. સાઈમન કમિશન હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ૩-ર-’૨૮ના રોજ ઊતર્યું. દેશભરમાં તે દિવસ એના બહિષ્કાર દિન તરીકે ઊજવાયો. ગામેગામ અને શહેરેશહેર મોટાં સરઘસો નીકળ્યાં. તેમાં વિદ્યાર્થીવર્ગે બહુ જ ઉત્સાહ બતાવ્યો. ‘સાઈમન, ગો બેક’ (સાઈમન, પાછા જાઓ)ના પોકારોથી વિદ્યાર્થીઓએ આખા દેશને ગજવી મૂકો. આ કમિશને આખા હિંદુસ્તાનમાં ફરી સર જૉન સાઈમનના શબ્દોમાં ‘દેશના જુદા જુદા ભાગમાં તમામ કોમો તથા વર્ગો સાથે અંગત સંપર્ક સાધીને’ તા. ૩૧મી માર્ચે મુંબઈનો કિનારો છોડ્યો. કમિશને ખરી રીતે લોકોનો સંપર્ક સાધ્યો હોય તો એટલો જ હતો કે જ્યાં જ્યાં તે ગયું ત્યાં લોકોના ટોળેટોળાં કાળા વાવટા સાથે એની સામે વિરોધી દેખાવો કરવા ઊલટતાં હતાં અને તેમને વિખેરવા માટે તેના ઉપર પોલીસ લાઠી ચાર્જ કરતી હતી, પંજાબમાં લાલા લજપતરાય ઉપર લાઠીના સખ્ત પ્રહાર થયા હતા. તેને કારણે તેઓ પથારીવશ થયા અને તેમાંથી ઊઠવા ન પામ્યા. યુક્ત પ્રાતમાં જવાહરલાલજીને પણ પોલીસની લાઠીના થોડા ફટકાનો સ્વાદ ચાખવો પડેલો. આ બે પ્રસંગોએ સાઈમન કમિશનને વધુ ફિટકારને પાત્ર બનાવ્યું.

આ બધો વખત નેહરુ કમિટી પોતાનું કામ કરી રહી હતી. ફેબ્રુઆરી અને માર્ચ માં બે સર્વપક્ષી બેઠકો થઈ. ત્રીજી સર્વપક્ષી બેઠક મેમાં થઈ અને તેણે મોતીલાલજીને રાજ્યબંધારણની યોજનાનો છેવટનો મુત્સદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. ઑગસ્ટની આખરમાં લખનૌ મુકામે સર્વપક્ષી પરિષદની છેલ્લી બેઠક નેહરુ કમિટીના રિપોર્ટ ઉપર વિચાર કરવા મળી. તેમાં પૂર્ણ સ્વતંત્રતાનું ધ્યેય રાખનારાં રાજદ્વારી મંડળી ઉપર કશું બંધન ન રાખતાં આખી પરિષદ ‘ડુમિનિયન સ્ટેટસ’ ના ઠરાવમાં એકમત થઈ. પંડિત મોતીલાલજીનો ખાસ આગ્રહ હતો કે પોતાનો રિપોર્ટ અખંડ સ્વીકારાવો જોઈએ. અમુક ભાગ સ્વીકારાય અને અમુક ભાગ છોડી દેવામાં આવે એ તેમને માન્ય ન હતું.

ડિસેમ્બરમાં કલકત્તામાં ભરાનારી કૉંગ્રેસમાં ૫ં○ મોતીલાલજીનું નામ પ્રમુખ તરીકે સૂચવાયું હતું, પણ તેઓ આનાકાની કરતા હતા. બારડોલીના વિજયી વીર તરીકે સરદારનું નામ છૂટથી બોલાતું હતું અને ઈન્ડિપેન્ડન્સ લીગના ઉત્સાહી અને યુવાન આગેવાન તરીકે યુવાન વર્ગ જવાહરલાલનો આગ્રહ કરતો હતો. પણ બંગાળે પં○ મેતીલાલજી સિવાય બીજા પ્રમુખને સ્વીકારવાની ના પાડી. દેશની આગળ ભારે રાજદ્વારી મહત્ત્વના પ્રશ્નો આ કૉંગ્રેસમાં આવવાના હતા તેનો નિકાલ પં○ મોતીલાલજી જેવા અનુભવી મુત્સદ્દી જ કરી શકે એમ તેને લાગતું હતું. છેવટે બધા સંજોગોનો વિચાર કરી ૫ં○ મોતીલાલજીએ પ્રમુખપદનો સ્વીકાર કર્યો. જોકે પોતાના જ પ્રિય પુત્ર ‘ડુમિનિયન સ્ટેટસ’ ની તેમની યોજનાને પસંદ કરતા નહોતા અને બહુ મોટો યુવાન વર્ગ તેનો વિરોધ કરશે એવી આગાહી તો એમને હતી જ. આ બધા રાજકારણમાં ગાંધીજી રસ નહોતા લેતા છતાં પં○ મોતીલાલજીને એમના ઉપર ભારે શ્રદ્ધા હતી અને ગાંધીજી પણ મોતીલાલજી ઉપર ફિદા હતા. મોતીલાલજીએ ગાંધીજીને આગ્રહપૂર્વક લખ્યું : ‘મને પ્રમુખની ખુરશીમાં બેસાડીને, મારા માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવીને, મારું સંકટ દૂર બેઠા બેઠા જોશા મા.’ ગાંધીજી નેહરુ રિપોર્ટને એ વર્ષનું એક મોટું કાર્ય ગણતા હતા, ખાસ કરીને એટલા માટે કે દેશનો એકેએક પક્ષ એના ઉપર એકત્ર થયો હતો. આ ઉપરાંત મિત્રધર્મ તો હતો જ એટલે તેમણે પંડિતજીને લખી દીધું : ‘તમે કહેશો તે દિવસે સેવામાં હાજર થઈશ અને તમે કહેશો તે દિવસે રજા લઈશ.’ તેની જ સાથે તેમણે મન સાથે નિશ્ચય કરી લીધો કે નેહરુ રિપોર્ટ એક અખંડ અને અખંડ્ય માગણી તરીકે દેશ તરફથી સરકાર આગળ રજૂ કરવામાં આવે અને સરકાર ચોક્કસ કરાવેલી મુદ્દતની અંદર તેનો સ્વીકાર ન કરે તો એ અસ્વીકારનો ઉચિત જવાબ વાળવો જોઈએ. જવાહરલાલજી, શ્રી શ્રીનિવાસ આયંગર, સુભાષબાબુ અને દેશનો જુવાન વર્ગ તો સંપૂર્ણ સ્વાતંત્ર્યની જ ધૂનમાં હતો. ગાંધીજીએ બધાને ખૂબ સમજાવ્યા અને એમને ગમશે એમ ધારીને કૉંગ્રેસ પાસે એ ઠરાવ કરાવવાનું સૂચવ્યું કે નેહરુ રિપોર્ટ એ સમસ્ત દેશની માગણી હોઈ તેને આ કૉંગ્રેસ વધાવી લે છે અને એ માગણી મેળવવાને તે તત્પર છે એમ વાઈસરૉયને જાહેર કરે છે; વાઈસરૉયને એ માગણી સ્વીકારી લેવા બે વર્ષની મુદ્દત આપવી, એટલામાં તે કાંઈ ન કરે તો દેશે અહિંસાત્મક એવો સંપૂર્ણ અસહકાર જાહેર કરવો અને જોઈએ તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય પણ જાહેર કરવું. પણ જવાહરલાલજીને તો સ્વાતંત્ર્ય માટે બે મિનિટ પણ થોભવું અશક્ય લાગતું હતું, ત્યાં બે વર્ષ તેઓ શેના જ સ્વીકારે ? ગાંધીજીની દલીલ એ હતી કે આપણે સ્વાતંત્ર્ય તો લેવું જ છે, પણ તે લેવાને માટે કામ પણ કરવું છે ના ? કામ જ મોટી વાત છે. જવાહરલાલનો જવાબ એ હતો કે એ હું સમજું છું. આપના જેવાને મારે કશું કહેવાનું નથી. પણ લોકોનું માનસ ઘડવા માટે ધ્યેય બહુ મહત્વની વસ્તુ છે. વળી ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ પક્ષને એ પણ ખૂંચતું હતું કે સ્વાતંત્ર્યના યુદ્ધે ચઢનારા આપણે વાઈસરૉય પાસે કશી માગણી લઈને કેમ જઈ શકીએ ? વાત એટલી કસ પર ચડી કે કૉંગ્રેસમાં ભાગલા પડી જવાનો ભય ઊભો થયો. તે ટાળવાની ખાતર પોતાને નહોતું ગમતું છતાં ગાંધીજીએ પોતાના ઠરાવમાં વાઈસરૉયને માગણીવાળો ભાગ કાઢી નાખ્યો અને મુદ્દત માટે બેને બદલે એક વર્ષ કર્યું. ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’વાળા તત્કાળ તો રીઝ્યા અને મસલત સમિતિમાં શ્રી શ્રીનિવાસ આયંગરે જ ગાંધીજીના ઠરાવને ટેકો આપ્યો અને તે ભારે બહુમતીથી પસાર થયો. પણ બીજે દિવસે કૉંગ્રેસના અધિવેશન પહેલાં જ ખબર પડી કે આ સમાધાનથી ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’વાળા કોઈને સંતોષ થયો ન હતો. શ્રી શ્રીનિવાસ આયંગરને લાગ્યું કે આ સમાધાન સ્વીકારવામાં પોતે મોટી ભૂલ કરી છે, સુભાષબાબુએ સમાધાન સ્વીકાર્યું હતું પણ દિલની શ્રદ્ધા વિના. એટલે મસલત સમિતિમાં કબૂલ રાખેલા ઠરાવ ઉપરની શાહી સુકાય તે પહેલાં જ સુભાષબાબુએ ઠરાવને અવમાન્ય કર્યો અને પ્રમુખને નોટિસ આપી કે કૉંગ્રેસમાં પોતે ઠરાવનો વિરોધ કરશે. ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ની મોટી મોટી વાતો કરનારાઓની આવી ચંચળ વૃત્તિ જોઈ ગાંધીજીને ભારે દુ:ખ થયું. સ્વાતંત્ર્ચવાદીઓએ સમાધાનીને ફગાવી દીધા પછી ગાંધીજી પોતાના મૂળ ઠરાવ ઉપર જઈ શકતા હતા. પણ સમાધાનમાં નક્કી થયા પ્રમાણેના જ પોતાનો ઠરાવ તેમણે કૉંગ્રેસમાં રજૂ કર્યો :

“સર્વ પક્ષી સમિતિના રિપોર્ટમાં જે બંધારણ સૂચવ્યું છે તેનો પૂરો વિચાર કર્યા પછી આ કૉંગ્રેસ તે બંધારણને હિંદુસ્તાનના રાજકીય અને કોમી પ્રશ્નોના નિવારણના એક મોટા ઉપાય તરીકે વધાવી લે છે. એ ભલામણ લગભગ એકમત થઈ છે તે માટે નેહરુ કમિટીને કૉંગ્રેસ ધન્યવાદ આપે છે; અને મદ્રાસ કૉંગ્રેસનો સ્વાતંત્ર્યનો ઠરાવ કાયમ રાખતાં છતાં એ બંધારણને દેશની રાજકીય ઉન્નતિમાં એક મહત્ત્વનું પગલું ગણે છે, કારણ એની ઉપર દેશના સર્વે મહત્ત્વના પક્ષોનું વધારેમાં વધારે ઐક્ય મેળવી શકાયું છે.
“દેશમાં કાંઈ અણધાર્યા સંજોગો ઉત્પન્ન થાય અને આ બંધારણને બ્રિટિશ પાર્લમેન્ટ ૩૧ મી ડિસેંબર ૧૯૨૯ સુધીમાં પૂરેપૂરું સ્વીકારે તો કૉંગ્રેસ તેની ઉપર કાયમ રહેશે; પણ જો તે ન સ્વીકારે તો કૉંગ્રેસ અહિંસાત્મક અસહકાર જાહેર કરશે અને સરકારને કર ન આપવાની અને એવી જ બીજી ભલામણો દેશને કરશે.
“આ ઠરાવને બાધ ન આવે એવી રીતે કૉંગ્રેસને નામે સ્વાતંત્ર્યના ધ્યેયનો પ્રચાર કરવામાં કશો વાંધો નથી.”

સુભાષબાબુએ બ્રિટિશ સંબંધ તોડ્યા વિના ન જ ચાલે એ મતલબનો સુધારો આ ઠરાવ ઉપર રજૂ કર્યો અને પંડિત જવાહરલાલે તેને ટેકો આપ્યો. ગાંધીજીની હૃદયવ્યથાનો પાર નહોતો. ઠરાવ ઉપર બન્ને પક્ષનાં ભાષણો થઈ ગયા પછી પોતાના છેવટના ભાષણમાં ગાંધીજીએ અતિશય દર્દભરી વાણીમાં જે શબ્દો કહ્યા તે કાયમને માટે હૃદયમાં કોતરી રાખવા જેવા છે. પહેલાં હિંદીમાં કહ્યું :

“આ નેહરુ રિપોર્ટ આપણા નેતાઓની કૃતિ છે. મદ્રાસ કૉંગ્રેસમાંથી એની ઉત્પત્તિ છે, એમાં સરકારનો જરા પણ હાથ નથી અને એનું નામ ગમે તે હોય પણ તેમાં આઝાદીનો પટ્ટો છે — આજને માટે તો છે જ, કાલને માટે છે કે નહીં તે નથી જાણતો. પણ અત્યારે તમારી આગળ તો મારે આબરૂ અને સ્વમાનની વાત કરવી છે. કોઈ પણ દેશ પોતાની આબરૂ, પ્રતિજ્ઞા, સત્ય છોડે તો તે સ્વાતંત્ર્ય — ‘ઇન્ડિપેન્ડન્સ’ માટે લાયક નથી રહેતો. મને મહાદર્દ એ છે કે કાલે તમે જે સમાધાનીનો ઠરાવ સ્વીકાર્યો હતો તે આજે છોડી દો છો. મારા દિલનો ઠરાવ તો બીજો હતો, પણ તમને

નવજુવાનોને રાજી રાખવા માટે ક્યાં સુધી જવું તેનો વિચાર કરી મેં સમાધાનીનો ઠરાવ સ્વીકાર્યો. ભાઈ સુભાષ બોઝે કહ્યું કે ડુમિનિયન સ્ટેટસનો ઠરાવ કરીને આ બુઢ્ઢાઓ આપણો ઝંડો નીચે પાડવા ભેગા થયા છે. જો તમને એમ લાગતું હોય તો તમે પ્રમુખને દૂર શા સારુ નથી કરતા ? બીજા પ્રમુખ શોધો, જે તમારો ઝંડો ઊંચો રાખે. હું તમારો ઝંડો નીચે પાડતો હોઉં તો મારી ઉપર થૂંકો. બુઢ્ઢો થયો છું, મારા દાંત પડી ગયા છે. પણ ૧૯૨૦માં સોનાનો હતો તે હવે પિત્તળનો થઈ ગયો છું એમ તમે માનતા હો તો મને લાત મારીને કાઢી મૂકો. પણ આ તો આબરૂનો સવાલ છે. અંગ્રેજીમાં જેને ‘ઑનર’ કહે છે તેનો સવાલ છે. તમે પૂર્ણ સ્વાતંત્ર્યની વાત કરો છો અને ઘડી પહેલાં આપેલું વચન તોડો છો એ કેમ સાંખી શકાય ?”

પછી બંગાળી નવજવાનોને ચેતવણી આપતાં અંગ્રેજીમાં કહ્યું :

“તમે સમજતા હશો કે આ વાણિયો તમારી લાગણીઓ સમજી શકતો નથી, તો એ ભૂલ છે. તમે સમાધાન કર્યું તે ખોટું કર્યું એમ લાગતું હોય, તેમાં કાંઈ પાપ થઈ ગયું એમ લાગતું હોય તો તમારે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એ પ્રાયશ્ચિત્ત ઠરાવમાં સુધારો મૂકવાથી ન થાય. તમારાથી માત્ર વિચારની ભૂલ થઈ હોય એમ તમને લાગે તો તમને એ શોભે કે એ ભૂલને વળગી રહો, પણ તમારી આબરૂને ન ડુબાવો. મને તમે હરાવો એ મને બહુ ગમે છે, પણ તમારી આબરૂ, તમારી વિવેકબુદ્ધિ હણાય તેથી મારા હૃદયમાં ખંજર ભોંકાય છે. તમને ગુલામી અસહ્ય થઈ પડી છે, તેમ મને પણ અસહ્ય છે. પણ કલુષિત વાતાવરણ, કુસંપ, વિવેકની શૂન્યતા, કાર્યદક્ષતાની શૂન્યતા એ મને વધારે અસહ્ય છે, તમને પણ વધારે અસહ્ય હોવાં જોઈએ. જો તમે શુદ્ધિ કરો, નિયમપાલન શીખો, આખો રચનાત્મક કાર્યક્રમ પાર પાડો તો સ્વરાજ્ય તે હસ્તામલકવત્ છે.”

ઠરાવો ઉપર મતની ગણતરી કરતાં મધરાત થઈ ગઈ. ૧૩૦૦ વિ○ ૯૦૦ મતે ગાંધીજીનો ઠરાવ પસાર થયો. મતગણતરી બરાબર થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કૉંગ્રેસના સેક્રેટરી તરીકે જવાહરલાલજીની હતી. ગાંધીજીના પક્ષ તરફથી બહુમતી મેળવવા કશો પ્રયત્ન જ થયો ન હતો. પણ સ્વાતંત્ર્યવાદીઓએ તો પોતાના પક્ષમાં મતો ખેંચી જવા ભારે ધાંધલ કર્યું. ઘડીભર તો કૉંગ્રેસનું વાતાવરણ દૂષિત થયું. કેટલાક જુવાનિયાને જ્યારે મતોની ગોલમાલ કરતા જોયા ત્યારે જવાહરલાલજી જોકે એ પક્ષના હતા છતાં તેની સામે એમનો પુણ્યપ્રકોપ સળગી ઊઠ્યો અને ગેરરીતો અટકાવવા તેમણે તનતોડ પ્રયત્નો કર્યા. રાજાજી, સરદાર વગેરે સાથીઓ ગાંધીજીનો એ ઠરાવ રજૂ કરવા પહેલેથી ના જ પાડતા હતા. તેમનું કહેવું એ હતું કે ઠરાવને બહુમતી મળશે તો પણ એક મોટા પક્ષને એ પસંદ ન હોઈ, કશું કામ નહીં થઈ શકે. પણ ગાંધીજીને તો એક અગ્રગણ્ય પક્ષ ફરી જાય એ વસ્તુ જ અસહ્ય હતી એટલે ઠરાવ કરતાં પણ આબરૂ અને વિવેકના મુદ્દાને જ મહત્ત્વ આપી તેમણે ઠરાવ રજૂ કર્યો અને દેશને એક વર્ષ પછી સ્વાતંત્ર્યની લડતમાં દોર્યો.

આ કૉંગ્રેસની વઢવાડો અને તકરારમાં એક રમૂજી પ્રસંગ નોંધવા જેવો બન્યો. બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપનારો ઠરાવ પ્રમુખ તરફથી જ રજૂ થયો, કારણ તેમાં કોઈના મતભેદનો પ્રશ્ન જ નહોતો. પ્રમુખે ઠરાવ વાંચી સંભળાવ્યો એટલે હજારો પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોએ સરદારનાં દર્શનની માગણી કરી. સરદાર બહુ સંકોચ સાથે પોતાને સ્થાને ઊભા થયા. પણ એટલાથી લોકોને સંતોષ ન થયો અને સરદારને વ્યાખ્યાન મંચ પર લાવવામાં આવે એવો તેમણે આગ્રહ ધર્યો. સરદાર ત્યાં જતા નહોતા એટલે છેવટે તેમને ઘસડીને ત્યાં લઈ જઈ ઊભા કરવામાં આવ્યા. અનેક ક્ષણો સુધી તેમના અભિનંદનના અને વિજયના ધ્વનિથી મંડપ ગાજી રહ્યો. સરદારે નીચેનાં બે હિંદી વાક્યોમાં સભાનો આભાર માન્યો :

“બારડોલીકે કિસાનોંકો આપને ધન્યવાદ દિયા ઇસ લિયે મૈં આપકા બહુત આભાર માનતા હું. અગર આપ ઉનકા સચ્ચા ધન્યવાદ કરતે હો તો મૈં ઉમ્મિદ કરતા હૂં કિ આપ બારડોલીકા અનુકરણ કરેંગે.”

પણ વધારે રમૂજ તો મસલત સમિતિની બેઠકમાં થઈ હતી. સરદારને ધન્યવાદ આપનારો જે ઠરાવ ત્યાં રજૂ કરવામાં આવ્યો તેમાં ‘સરદાર વલ્લભભાઈ’ એ શબ્દો હતા. સ્વાતંત્ર્યવાદીઓ સામ્યવાદના સિદ્ધાંતમાં માનનારા કોઈ કોઈ પણ જાતના ઈલ્કાબ તો ન જ સ્વીકારે પણ લોકોએ નવાજેલાં માનવાચક નામો પણ તેમને મંજૂર નહોતાં એટલે તેમણે એવો આગ્રહ કર્યો કે ઠરાવમાં સરદાર વલ્લભભાઈ ને બદલે ‘શ્રી વલ્લભભાઈ’ લખવામાં આવે. સરદાર તે વખતે મસલત સમિતિમાં હાજર નહોતા નહી તો પોતે જ આ સુધારાને ટેકો આપતા. જ્યારે આ સુધારાના ખુશખબર તેમને આપવામાં આવ્યા ત્યારે હર્ષથી તેઓ બોલ્યા : ‘સારું થયું, કૉંગ્રેસે મારી સરદારી છીનવી લીધી !’

‘આમ ’૨૮ની કૉંગ્રેસમાં ’૩૦ની લડતનો પાયો નંખાયો. નેહરુ યોજનાને ઉડાવી દઈ પૂર્ણ સ્વાતંત્ર્યના ઠરાવનો જ આગ્રહ કરનારાને પોતાના ઠરાવની જવાબદારીનો ખ્યાલ કેટલો હશે તે કહેવું કઠણ છે. કારણ સ્વાતંત્ર્યનો ઠરાવ તો કૉંગ્રેસમાં પહેલાં અનેક વાર આવી ચૂક્યો હતો અને ’૨૭ની મદ્રાસની કૉંગ્રેસમાં પસાર પણ થયો હતો. પણ એ ઠરાવ પસાર કરનારાઓએ તેના અમલ માટે ગંભીરપણે કશી યોજના કે કાર્ય કર્યું ન હતું, જ્યારે આ ઠરાવમાં તો ’ર૯ના ડિસેમ્બરની ૩૧મી પહેલાં નેહરુ યોજના પ્રમાણેનું બંધારણ ન મળે તો સીધી લડત આપવાની પ્રતિજ્ઞા હતી. એટલે ગાંધીજી, સરદાર વગેરે એ તૈયારીમાં મચી પડ્યા.