સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/૧૯૨૯નું તૈયારીનું વર્ષ

વિકિસ્રોતમાંથી
← ૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
૧૯૨૯નું તૈયારીનું વર્ષ
નરહરિ પરીખ
પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ →


.


૨૯

૧૯૨૯નું તૈયારીનું વર્ષ

બારડોલીમાં સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે જ સુરત જિલ્લામાં અને તેની આસપાસનાં દેશી રાજ્યના પ્રદેશમાં મદ્યપાનનિષેધની પ્રવૃત્તિ ચલાવવા માટે એક મંડળ સ્થાપવામાં આવ્યું હતું. સરદાર એના પ્રમુખ હતા અને શ્રી મીઠુબહેન પીટીટ એનાં મંત્રી હતાં.

બારડોલીની લડત વખતે બહેનોમાં તેઓ ફરતાં ત્યારે જ તેઓ જોઈ ગયાં હતાં કે, સુરત જિલ્લા જેવી દારૂતાડીની બદી દેશમાં બીજે નહીં હોય. દારૂનાં પીઠાંના ઘણા માલિકો પારસી ભાઈઓ છે એ પણ એમણે જોયું. તેથી તેમણે આખા સુરત જિલ્લામાં મદ્યપાનનિષેધનું કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. તેમના સાહસથી જ આ મંડળ સ્થપાયું હતું.

લડત દરમ્યાન મદ્યપાનનિષેધનું ઘણું કામ થયું અને લડત પૂરી થયા પછી તો જિલ્લાના સઘળા કાર્યકર્તાઓ મુખ્યત્વે આ કામમાં જ રોકાયા. જિલ્લાની રાનીપરજ કોમમાં તથા કોળી કોમમાં આ પ્રવૃત્તિને લીધે નવું જીવન આવ્યું. જેમ જેમ દારૂનિષેધની પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેમ પારસી ખાતેદારો રાનીપરજ લોકો પાસે વેઠ અને સસ્તી મજૂરી કરાવતા તેની સામે પણ વિરોધ થવા માંડ્યો. પારસી ખાતેદારો અકળાવા માંડ્યા અને દારૂ નિષેધનું કામ કરનારા રાનીપરજ કાતકર્તાઓ ઉપર તેમણે હુમલા કરવા માંડ્યા. સરદાર અવારનવાર રાનીપરજની સભાઓમાં જતા પણ આ મારામારીઓનું સાંભળ્યા પછી એ રાંક પ્રજામાં બળ ઉત્પન્ન કરવા માટે તેમણે એમના પ્રદેશમાં વધારે ફરવા માંડ્યું. વડોદરા રાજ્યના કેટલાક અમલદારો દારૂનિષેધ પ્રવૃત્તિની વિરુદ્ધ વલણ રાખી દારૂવાળા પારસીઓને મદદ કરતા તે જોઈ વડોદરા રાજ્યને તેમણે ચેતવણી આપી :

“તમારા રાજ્યની સાથે મારે લડાઈ નથી. મારું લડાઈનું ક્ષેત્ર જુદું જ છે. અંગ્રેજ સરકારની સાથે લડતા હું ક્યારે પરવારીશ એ જ મને ખબર નથી. બ્રિટિશ રાજ્યમાં થયેલી જાગૃતિની અસર વડોદરા ઉપર થયા વિના રહેવાની નથી. એટલે તમે નાહકના લોકોને છંછેડ્યા વિના રહેમથી કામ લેવાનું કરો, અમલદારોને દારૂવાળાઓ સાથે સંતલસમાં કામ કરતા અટકાવો અને દારૂવાળાઓ સાથે અમને અમારો હિસાબ કરી લેવા દો.”

રાનીપરજની રાંકડી પ્રજાને સરદારે સલાહ આપી કે દારૂવાળાઓ માર મારે અથવા બીજો ત્રાસ ગુજારે તો તેમનાથી ન ડરતાં સામા થજો અને તેમને સામા મારીને પણ આત્મરક્ષણ કરો. દારૂવાળા કે બીજા ઉજળિયાત ખાતેદારની સામે ન જ થવાય; તે મારે, ગાળ દે અથવા વહુ દીકરીની લાજ લે તોપણ જોયાં કરવું; એ જાતની બીક જે કોમમાં અનેક વર્ષો થયાં ઘર કરી બેઠેલી હતી તે કોમને આવી સલાહ આપવાનું સરદારને વ્યવહારુ લાગ્યું. એ કામમાં જ્યારે પોતાના બળનું ભાન થશે ત્યારે તેમને અહિંસાનું શિક્ષણ આપવાનો વખત આવશે ત્યાં સુધી તેમને બહાદુર બળવાન, શરીર અને લાજઆબરૂની ઉપર હુમલો થયો તેનો સીધો પ્રતિકાર કરવાનો ઉપદેશ આપવો એ જ સરદારને યોગ્ય લાગ્યું.

એપ્રિલ માસમાં ઉનાઈ ગામ જ્યાં ઊકળતા પાણીના કુંડ છે અને જે યાત્રાનું સ્થળ ગણાય છે ત્યાં એક મોટી રાનીપરજ પરિષદ થઈ. તેમાં ભાષણ આપતાં દેશી રાજની આબકારી નીતિ વિષે સરદારે કહ્યું :

“અહીં વડોદરા અને વાંસદા રાજ્યની હદ ભેગી થાય છે. વડોદરાના રાજ્યમહેલથી માંડીને તે ગરીબની ઝૂંપડી સુધી દારૂએ સત્યાનાશ વાળ્યું છે. ગરીબ લોકોને વ્યસની બનાવી તેમના વ્યસનીપણા દ્વારા રાજ્યની ઊપજ વધારવાની નીતિ જે રાજ્યની હોય તે રાજ્યમાં અને તેના રાજ કુટુંબમાં સુખ અને શાન્તિ શી રીતે હોઈ શકે ? વાંસદાના રાજા બહુ ભલા છે એમ સાંભળું છું. પણ દારૂની ઊપજ ઓછી થાય ત્યારે એમની શ્રદ્ધા ઢીલી થઈ જાય છે. મહુડાં એમનો ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર છે એવી એમને શંકા થવા લાગે છે. જે રાજ્યને ઈશ્વર ઉપર વિશ્વાસ નથી, રૈયત દારૂતાડી છોડી દેશે તો મહેસૂલનું શું થશે એવી ફિકર જે રાજ્યને થાય છે એ રાજ્યની મને દયા આવે છે.”

પછી રાજ્યોને ચેતવણી આપી :

“આ રાજ્યો આપણી દારૂનિષેધ પ્રવૃત્તિથી ડરે છે. એ કેમ ડરે છે તે હું સમજતો નથી. એ રાજ્યની સાથે લડાઈ કરવી એ હું મારે માટે નાનમ માનું છું. વાંસદાના અંગૂઠા જેવડા રાજ્યને તો એક અમારું ધારાળું બહારવટું કરીન વશ કરે. તેની સાથે લડવામાં હું મારી શક્તિ શેનો ખર્ચું ? મારું કામ તો બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડવાનું છે. મેં મારું ક્ષેત્ર નક્કી કરી રાખેલું છે. પણ રાજ્યો યાદ રાખે કે તેમના અમલદારો પ્રજાને ત્રાસ આપશે તો તે હું એક ઘડીભર પણ સાંખી લેવાનો નથી.”

પારસી કોમનો અહીં બહિષ્કાર થાય છે એવા ખોટા ગપગોળાથી મુંબઈના પારસીઓ અકળાઈ ઊઠ્યા હતા. સભામાં ઘણાં પારસી ભાઈબહેનો હાજર હતાં, તેમને ઉદ્દેશીને સરદારે કહ્યું :

“હું મુંબઈના પારસીઓને ખાતરી આપું છું કે અહીંનાં જંગલમાં વસતો એક પણ પારસી સીધી રીતે ચાલતો હશે તો તેના ઉપર બહિષ્કાર કે બીજા કોઈ પણ પ્રકારનો ત્રાસ થતો અટકાવવાની જોખમદારી લેવાને હું તૈયાર છું. મુંબઈનાં છાપાંમાં જે ફરિયાદ આવે છે તેમાં કશું વજૂદ નથી. મારે દુ:ખ સાથે જણાવવું જોઈએ કે જે લોકો ફરિયાદ કરે છે તેઓ પારસી નથી, પણ પારસી કોમને નામોશી લગાડનારા છે. તેમનાં કૃત્યોની કેટલીક વસ્તુઓ મારી જાણમાં છે તે હું જાહેર કરવા માગતો નથી. જ્યાં સુધી આ પ્રવૃત્તિમાં પારસી કોમનાં રત્ન જેવાં મીઠુબહેન અને બીજા પારસી ભાઈઓ જોડાયેલા છે ત્યાં સુધી આવાં ખોટાં બુમરાણોથી હું ડરતો નથી. . . પીઠાંવાળા પારસીઓની સતામણી તો કોરે રહી, પણ પીઠાંવાળાઓ દારૂનિષેધની પ્રવૃત્તિ કરનારને અનેક રીતે સતાવે છે એ હું જાણું છું. મારે જાહેર કરવું જોઈએ કે બારડોલી સત્યાગ્રહ પછી આજ સુધીમાં કોઈ પણ પારસીનો બહિષ્કાર થયો જ નથી. કોઈ ને ત્યાં માણસો મજૂરીએ જવાની આનાકાની કરતા હશે, પણ એવા ખાતેદારો પોતાના મજૂરો પ્રત્યે લાયક વર્તન નહીં રાખતા હોય. પાક પરવરદિગાર પારસી કોમને સદ્‌બુદ્ધિ આપે અને તેમને આ ધંધામાંથી છોડવે એવી હું પ્રાર્થના કરું છું.”

બારડોલી સત્યાગ્રહના વિજય પછી જમીન મહેસૂલની તપાસ કમિટીનું કામ ચાલતું હતું તે વખતે તા. ૩૧મી જાન્યુઆરીએ ગુજરાતમાં સખ્ત હિમ પડ્યું હતું. કેટલીક જગાએ મોટાં ઝાડ પણ એ હિમથી બળી ગયેલાં તેથી એને ખેડૂતોએ લકડિયું હિમ કહેલું. ખેડૂતોને આશ્વાસન આપવા અને સરકારને જમીનમહેસૂલ મુલતવી રાખવાનો આગ્રહ કરવા સરદારે ‘નવજીવન’માં ‘ગેબી માર’ એ નામનો લે$ખ લખ્યો :

“ગયે વર્ષે ગુજરાતે કદી નહીં જોયેલો એવો જળપ્રલય જોયો, આ વર્ષે કદી નહીં જોયેલી એવી ઠંડી જોઈ. આખા ગુજરાતમાં ચોમેરથી ખેડૂતો બૂમ પાડે છે. સોના જેવો લાખો રૂપિયાનો કપાસ અને તમાકુનો પાક સદંતર બળીને ખાખ થઈ ગયો. શાકભાજી અને ફળઝાડ પણ બળી ગયાં. બાવળ જેવા કઠણ ઝાડ પણ બળી ગયાં ત્યાં ખેતીવાડીનું પૂછવું જ શું? કોઈ કોઈ જગ્યાએથી માણસો અને ઢોર ઠરીને શબવત્ થઈ ગયાના ખબર આવ્યા છે.
“ખેડૂતો આ વખતના ગેબી મારથી મૂઢ બની ગયા છે. રેલસંકટના કરતાં આ વખતનું દુઃખ તેમને કારમું લાગ્યું છે. કારણ કે પૂરેપૂરી મહેનત અને ખર્ચ કર્યા પછી છેક તૈયાર થયેલો પાક એક જ રાતમાં નાશ થઈ ગયો અને મોંમાં આવેલો કોળિયો દૈવે ઝડપી લીધો !
“આ વખતે મહેસૂલ લેવાનો વિચાર કરવો એ ખેડૂતના લોહીનું છેલ્લું ટીપું ચૂસવા સમાન થઈ પડવાનું છે. મારી ઉમેદ છે કે સરકાર આ વખતે ગુજરાતના ખેડૂતોની સાથે ઉદારતાથી કામ લેશે.
“ગુજરાતના ખેડૂતોને મારી સલાહ છે કે ગમે તેવી આફતમાં પણ હિંમત હારવી નહી, ઈશ્વરને આપણી વધુ કસોટી કરવી હશે એમ માની સાવધ થઈ કોઈ પણ પ્રકારે આવતી મોસમ ભેગા થઈ જવાનો પ્રયત્ન કરવો.”

આ ચેતવણી છતાં અમલદારોએ તો એમની રીત પ્રમાણે, મહેસૂલ વસૂલ કરી શકાય એવા આનાવારીના આંકડા તૈયાર કરવા માંડ્યા. હિમના માર ઉપરાંત અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં તીડ પડ્યાં હતાં અને તેથી પણ નુકસાન થયું હતું. ખેડાના કલેક્ટર સાથે સરદારે પત્રવ્યવહાર કર્યો તેમાં કલેક્ટરે કબૂલ કર્યું કે, ‘લોકોને બહુ નુકસાન થયું છે અને પૂરતી રાહત આપવા હું મારાથી બનતું બધું કરીશ. મામલતદાર તરફથી આનાવારીઓની હું રાહ જોઉં છું.’ અમદાવાદ જિલ્લામાં દક્ષિણ દસક્રોઈ અને ધોળકા તાલુકામાં પરિસ્થિતિ વધુ વિકટ હતી. છેવટે સરકારની રાહત બહાર પડી. પણ તે પૂરતી નહોતી. મિ. મૅક્સવેલ જે બારડોલીની તપાસ સમિતિમાં હતા તેઓ તે વખતે મુંબઈ સરકારના રેવન્યુ મેમ્બર હતા. તેમને સરદારે લખ્યું અને ખાસ કરીને માતર તથા મહેમદાવાદ તાલુકામાં પૂરતી રાહત આપી ખેડૂતોને ઊભા રાખવાની તેમની મારફત ગવર્નરને વિનંતી કરી. પૂરેપૂરી મહેસૂલમુલતવી માટેનો ચોક્ખો કેસ હતો પણ મોટી લડત નજીકમાં જ આવતી હતી તે વખતે આવી નાની લડતમાં પડવાથી લોકોનું સ્થાન મુખ્ય વાત ઉપરથી ખસી જાય એમ સરદારને લાગતું હતું. એટલે પત્રવ્યવહાર દ્વારા સરકાર પર દબાણ કરીને સરકાર પાસેથી બની તેટલી વધુ રાહત ખેડૂતોને અપાવરાવી.

માર્ચની આખર તારીખોમાં પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ મોરબીમાં ભરાઈ. સરદારની પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ. પરિષદના સંબંધમાં સાધારણ રીતે એવી પરિપાટી નક્કી થઈ હતી કે પરિષદ જે રાજ્યમાં ભરાય તે રાજ્યની લેખી નહીં તો ગર્ભિત પરવાનગીથી પરિષદ ભરાય. એમ છતાં એ જ પરિષદને ટાણે અને એ જ પરિષદને સ્થાને યુવકોએ રાજ્યની પરવાનગી વિના યુવક પરિષદ ભરવાનું નક્કી કર્યું હતું. પરિષદના સંચાલકોનો ખૂબ જ આગ્રહ હતો કે ગાંધીજીએ તે પરિષદમાં હાજરી આપવી જ. તેઓની ગેરહાજરીમાં પરિષદ ભરવાની તેમની હિંમત નહોતી ચાલતી. એનું કારણ કદાચ યુવકોની આ ધમાલ પણ હોય. ગાંધીજીએ મોરબીમાં યુવકોના આગેવાનો સાથે ખૂબ વાત કરી. કોઈ પણ રાજ્યની પરવાનગી લેવાની જરૂર ન હોવી જોઈએ, ગાંધીજીને કે સરદારને પૂછવાની પણ આવશ્યકતા ન હોવી જોઈએ, રાજ્યની અંગત ટીકા ન કરવા વિષે લેખી ખુલાસો આપવાની પણ જરૂર ન હોવી જોઈએ, એ દલીલ યુવકના આગેવાની હતી. ગાંધીજીએ તેમને સમજાવતાં જણાવ્યું કે, ‘યુવકો ખીલે, બળ કરવાની શક્તિ મેળવે એ મને પ્રિય લાગે છે. તેમનાં ઉપર જણાવેલાં બધાં વિધાન મને માન્ય છે. પણ ભૂમિતિનું એક પદ છોડી દેવાય તો આખો સિદ્ધાન્ત જેમ તૂટી પડે, તેમ આ વિધાન કરનાર એક મુખ્ય પદ વીસરી જાય છે એટલે આ બધાં વિધાન અસ્થાને ઠરે છે. એ મુખ્ય પદ એ છે કે યુવકો પોતાની પરિષદ કાઠિયાવાડ રાજકીય પરિષદના દિવસોમાં અને એને મુકામે ભરવા ઈચ્છે છે. તમારી પરિષદ તમે જૂનાગઢમાં ભરો કે ગોંડલમાં ભરો તો મારે કે સરદારે વચમાં પડવાપણું ન હોય. અહીં પણ તમે મહિના માસ પછી તમારી પરિષદ ભરી શકો છો. પણ આજે રાજકીય પરિષદ અહીં ભરાય છે તેનો લાભ લેવા ઈચ્છો છો અને છતાં તેની મર્યાદાઓ સ્વીકારવા તૈયાર નથી એ અનુચિત છે. બ્રિટિશ રાજ્યમાં અને અહીં સ્થિતિ જુદી છે. આ રાજાઓ પોતે પરાધીન છે, ડરકણા છે. તેમની મર્યાદાઓ આપણે સમજવી જોઈએ. જો પરિષદ ભરવાનો મોહ રાખવો જ હોય તો તેમની પરવાનગી લેવાની શરત પણ કબૂલ રાખવી જોઈએ. આ રાજાઓ ગમે તેવા હશે પણ તે દેશી રાજાઓ છે, આપણામાંના જ છે. તેમને કોઈ કાળે સુધારી શકીશું એ વિશ્વાસ રહ્યા જ કરે છે.’ આમ વાત દોઢેક કલાક ચાલી. પરિણામે એમ ઠર્યું કે ગાંધીજીની ઈચ્છા પડે તેવી રીતે અને તેવા રૂપમાં તેમણે મહારાજા સાહેબ સાથે યુવક પરિષદની વાત કરી લેવી અને તે કાઠિયાવાડ રાજકીય પરિષદના અંગ તરીકે ભરવી. પણ કોઈક કારણથી આ વાત ફરી ગઈ અને યુવકો રાત્રે સ્ટેશને કૂચ કરી મોરબી છોડી ગયા. સરદારનું ઉપસંહારનું ભાષણ વિશેષે આ સંજોગોને ઉપલક્ષીને થયું.

સરદારે પરિષદના પ્રમુખ તરીકે જે લેખી ભાષણ કર્યું તે સુંદર તો હતું જ પણ પરિષદને અંતે ઉપસંહારમાં જે ભાષણ કર્યું તે એને ટપી જાય એવું હતું. પરિષદને પ્રજાનો પૂરેપૂરો સાથ હોવો જોઈએ એ વસ્તુ ઉપર તેમાં એમણે બહુ ભાર મૂકીને જણાવ્યું કે, પરિષદની પાછળ પ્રજા ન હોય તો બોલેલું બધું વ્યર્થ જાય. આપણે જે બોલીએ એમાં બળ હોવું જોઈએ. રાજાઓની ખાલી નિંદા કરીએ તેથી કાંઈ વળે નહીં. કેવળ નિંદાથી હાર્યો હોય એવા રાજાનો એક દાખલો જગતમાં નથી. એથી તો રાજા નફટ થાય છે. રાજાની ઉપર અસર કરવી હોય તો એના સહવાસમાં આવવું જોઈએ, રાજ્યની સેવા કરવી જોઈએ. પણ આજે તો રાજાથી આપણે ભાગીએ છીએ. રાજાની પાસે બધી વસ્તુની આશા રાખી આપણે પોતે કશું કરતા નથી. તેથી નથી આપણે રાજાની કે નથી પ્રજાની સેવા કરવાના. આમ કહીને પોતાના ભાષણમાં કેટલાંક વચનો તેમણે એવાં કહ્યાં, જેમાં પોતાની સ્થિતિનું, પોતાની શક્તિનું અને પોતાની મર્યાદાઓનું સુંદર ચિત્ર તેમણે આપ્યું. એ ફકરા અહીં ઉતાર્યા છે :

“તમે મારી પાસે મોટી આશા રાખી છે. કારણ થોડા જ વખત ઉપર બારડોલીમાં કાંઈક વિશ્વાસ ઉપજાવે એવું કામ થયું છે. પણ મારા દિલની વાત કહું ? તમારા કાઠિયાવાડમાં તો દીવા તળે અંધારું છે. હું જો કાંઈ શીખ્યો છું, મારામાં જો કાંઈ શક્તિ છે એમ તમે માનતા હો તો જે
વ્યક્તિ આજે કાઠિયાવાડને અને હિંદુસ્તાનને દોરે છે, તેની પાસેથી શીખ્યો છું અને તેની પાસેથી એ શક્તિ મેળવી છે. બારડોલીમાં મારી પોતાની શક્તિથી કાંઈ થયું હોય એવી માન્યતા ઊંડે ઊંડે પણ મારા મનમાં નથી અને ક્યાંય તે છુપાયેલી હોય તો પ્રભુ તે કાઢી નાખે એવી હંમેશાં તેની પાસે મારી માગણી છે. હું તો એક નિમિત્ત માત્ર હતો. આજે કાઠિયાવાડમાં જન્મેલો હોત અને કાઠિયાડમાં જ સેવા કરતો હોત તો શું કરી શક્યો હોત તે નથી કહી શકતો. મારો અને ગાંધીજીનો એવો સંબંધ થઈ ગયો છે કે એમના વિચારમાં અને મારા વિચારમાં કાંઈ ભેદ નથી હોતો, પણ વર્તનમાં તો આકાશપાતાળનો ભેદ પડ્યો છે. તેમના પગ પાસે બેસવા જેવા થવા માટે કેટલા ભવ લેવા પડશે તે પ્રભુ જાણે. પણ તેમની પાસેથી જે વસ્તુ મેળવેલી તે મેં બારડેલીના લોકો આગળ રજૂ કરી. તે વસ્તુ આજે કાઠિયાવાડના લોકોને આપી શકાય ? જેને ત્રિદોષનો વ્યાધિ થયેલ હોય તેને મીઠાઈ આપી શકાય ? કાઠિયાવાડને ત્રિદોષનો વ્યાધિ છે. ત્રિદોષવાળા માણસ લૂગડાં ખેંચે, લવરી કરે, તેને પોતાનું ભાન નથી હોતું. એવા માણસને મીઠાઈ આપવા જઈએ તો તેના પ્રાણ જાય. ડાહ્યો માણસ એવા રોગવાળાને માટે બીજો ઉપાય શેાધે. બ્રિટિશ હિંદમાં રહેવા છતાં, જ્યાં બોલવા ઉપર અંકુશ અહીં કરતાં ઓછો છે એવા વાતાવરણમાં રહેતો હોવા છતાં તમને સાચે જ કહું છું કે જાહેરસભામાં વ્યાખ્યાન કરવાનો મને કંટાળો છે. બહુ બોલવાથી લાભ કરતાં હાનિ વધારે થાય છે. કાઠિયાવાડને આજે જરૂર ઓછું બોલવાની અને શું બોલવું તે શીખવાની છે. . . .
“તમારી પાસે જે ગુણો છે તેમાં કાંઈક વધારો કરું તો જ તમારી સેવા થાય. એટલે તમારી એબો જે દેખાતી હોય તો તે મારે પ્રેમભાવે વર્ણવવી જોઈએ. તમારી જીભની મીઠાશ મારામાં હોત તો તમને પ્રેમભાવે તમારી એબો કહી સંભળાવત. પણ હું તો ખેડૂત રહ્યો. એક ઘાએ બે ટુકડા કરવાની મારી જન્મની ટેવ છે. એટલે તમને કહું છું કે વિવેક અને ખુશામદમાં ભેદ પાડવાની ટેવ પાડો.
“હું વૃદ્ધ નથી, તેમ જુવાને નથી. પણ વૃદ્ધાવસ્થાના અને યુવાવસ્થાના સંગમના તટ ઉપર બેઠેલો છું. મને જુવાનોના ખેલ ખેલવાનું મન થાય છે, પણ વૃદ્ધોનો અનુભવ મને સંયમ પણ શીખવે છે. જુવાનીના ઉત્સાહમાંથી જે પ્રેરણા મેળવું છું તેની સાથે વૃદ્ધાને અનુભવ પણ જોડવા માગુ છું. વૃદ્ધોની હાંસી કરનાર બાપને વારસો ઉડાવી દે છે. આજે બળવાની બૂમો આખા દેશમાં સાંભળું છું. પણ રાડો પાડનારાઓએ બળવો કર્યો નથી જાણ્યો બળવો કરનારા મૂંગા રહે છે. પોતાનું જોશ પોતામાં ભરી રાખે છે. અને વખત આવ્યે જ તે બહાર કાઢે છે. . . .
“મને ઘણા ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે. હું ઇચ્છું છું કે સાચે જ અંધભક્ત થવાની મારામા શક્તિ હોય. પણ તે નથી. હું તો સામાન્ય બુદ્ધિનો દાવો કરનારો છું. મારામાં સમજશક્તિ પડેલી છે. મેં જગત પણ
ઠીક ઠીક જોયું છે. એટલે સમજ્યા વિના એક હાથની પોતડી પહેરીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો હું નથી. મારી પાસે ઘણાને ઠગીને ધનવાન થાઉં એવો ધંધો હતો. પણ તે છોડ્યો કારણ હું એ માણસ પાસે શીખ્યો કે ખેડૂતનું કલ્યાણ એ ધંધો કરીને ન થાય. એ એને માર્ગે જ થાય. તેઓ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારથી હું એમની સાથે છું. અને આ ભવમાં તો એમની સાથેના સંબંધ છૂટે એમ નથી. આમ છતાં મારા કામમાંથી એમને દૂર રાખું છું. કારણ આપણે આપણી શક્તિ ખોઈ બેઠેલા છીએ, તે હમેશાં એમના તરફ જોઈને બેસી રહીએ તો આવવાની નથી. હમેશાં દરેક સ્થાને એમની આશા રાખીએ તો આપણું કામ કેમ ચાલે ? મૈસૂરમાં તેઓ માંદા હતા ત્યારે અનેક જણે એમને તાર કરેલા કે પ્રલય-નિવારણના કામ માટે ગુજરાતમાં આવો. એમણે મને તાર કર્યો કે, ‘આવું ?’ મેં એમને લખ્યું કે દસ વર્ષ થયાં તમે ગુજરાતને જે મંત્ર આપ્યો છે તે પચ્યો છે કે નહી તે જોવું હોય તો આવશો નહીં. બારડોલીમાં પણ મારા જેલમાં પુરાયા પછી જ એમને આવવાનું મેં કહેલું.
“આપણામાં તાલીમ અને વ્યવસ્થાની ખામી છે, સિપાઈગીરીની ખામી છે. આપણને હુકમ ઉઠાવવાની ટેવ નથી પડી. આ વ્યક્તિ સ્વાતંત્ર્યના જમાનામાં આપણે સ્વચ્છંદને સ્વતંત્રતા માની બેઠા છીએ. હિંદુસ્તાનનું દુઃખ, કાઠિયાવાડનું દુ:ખ આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈપડ્યાનું છે, સિપાઈગીરીના અભાવનું છે. કાઠિયાવાડના નવયુવકોને ઈશ્વરએ શક્તિ આપે.”

અત્યાર સુધી સરદારની પ્રવૃત્તિનું ક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત જ હતું. નાગપુર ઝંડા સત્યાગ્રહનું સંચાલન તેમણે યશસ્વી રીતે કર્યું હતું. પણ ગુજરાતની આમજનતા સાથે, ખાસ કરીને ખેડૂત વર્ગ સાથે તેઓ જેવા ઓતપ્રોત થઈ ગયા હતા તેવા ઓતપ્રોત થવાનો ત્યાં પ્રસંગ નહોતો આવ્યો. બીજા પ્રાંતોની જનતાને મળવાનો પણ તેમને પ્રસંગ નહોતો આવ્યો. દર વર્ષે કૉંગ્રેસમાં જાય ત્યારે બીજા પ્રાંતના લોકોને મળવાનું થાય, પણ તે પ્રતિનિધિઓને તથા કાર્યકર્તાઓને જ. પણ બારડોલીના વિજયને લીધે બીજા પ્રાંતની જનતા, ખાસ કરીને ખેડૂતો તેમના પ્રત્યે આકર્ષાયા. વળી મુંબઈ ઇલાકામાં આ અરસામાં ઘણા તાલુકાઓમાં, દા. ત. મહારાષ્ટ્રના બાગલાણ, માલેગાંવ, વસઈ પાલગઢ, દેવગઢ વગેરે તાલુકાઓમાં જમીનમહેસૂલમાં વધારો કરવાની પેરવી થઈ રહી હતી. એટલે મે મહિનામાં મહારાષ્ટ્રની રાજકીય પરિષદ થઈ. તેમાં પ્રમુખ તરીકે સરદારની વરણી થઈ. સરદારને થયું કે મહારાષ્ટ્ર એટલે તો ‘પોલિટિશ્યન’ લોકોનું કેન્દ્ર અને તેમની પરિષદનો વ્યાખ્યાનમંચ એટલે તો પંડિતોનો અખાડો, ત્યાં મારું શું ચાલશે ? પણ ગાંધીજીએ કહ્યું કે, ‘તમારે જવું જ જોઈએ,’ એટલે તેમણે પ્રમુખપદનો સ્વીકાર કર્યો.

.


આ પરિષદ ભરાવાની તો હતી નાશિકમાં, પણ તે વખતે ત્યાં પ્લેગ ચાલ્યો એટલે ઉપનગર જિલ્લાના શ્રી જયસુખલાલ મહેતા, શ્રી. ગોકુળભાઈ ભટ્ટ, શ્રી વાંદરેકર વગેરેના પ્રયાસથી પરિષદના સ્થળ તરીકે વાંદરાની પસંદગી કરવામાં આવી. સરદારને આ કંઈક અનુકૂળ થયું કારણ વાંદરા એટલે મહારાષ્ટ્ર–ગુજરાતનું સંગમસ્થાન ગણાય. ચાલતા આવેલા રિવાજ પ્રમાણે સરદાર પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી ગયા હતા અને જમીનમહેસૂલની નીતિ તે વખતનો સળગતો પ્રશ્ન હોઈ તેના ઉપર સરદારે ખૂબ વિસ્તાર કર્યો હતો. જમીન–મહેસૂલના વધારા સામે મહારાષ્ટ્રમાં હિલચાલ તો ઊપડી હતી પણ સરકાર સામે કેવી રીતે લડત ચલાવવી એ સંબંધે ત્યાંના પંડિતો જે યોજનાઓ કરતા હતા તે બહુ અવહેવારુ હતી. તેના ઉપર ટીકા કરતાં સરદારે પોતાના લેખી ભાષણમાં કહ્યું :

“સરકારે ઠરાવેલા ધારામાંથી એક રૂપિયો ઓછો ભરાયો અથવા વધારા પૂરતી રકમ ન ભરવી, એવી સલાહ રૈયતને આપવાનું વલણ તમારા પ્રાંતમાં જણાય છે. આવી સલાહના મૂળમાં બધું મહેસૂલ ન આપવાથી રૈયતને જે નુકસાન અને કષ્ટ ઉઠાવવું પડે છે તે ગરીબ રૈયતને ન ઉઠાવવું પડે એ જ ઉદ્દેશ હોય એમ લાગે છે. પણ આ સલાહમાં એક ગેરલાભ તો એ રહેલો છે કે તમે ખરેખર લડવા ઇચ્છો છો એમ માનવાને જ કોઈ તૈયાર નથી થતું, અને આખરે તે સંતાકૂકડીની રમત જેવું થઈ જાય છે. જો આખી આકારણી અન્યાયી હોય તો વધારો જ અન્યાયી છે એમ કેવી રીતે કહેવાય ? વધારા સાથેનું આખું મહેસૂલ અન્યાયી છે એટલે આખું મહેસૂલ ન આપવું એ જ સયુક્તિક કહેવાય અને એ જ અસરકારક પણ થઈ પડે. હું નમ્રતાપૂર્વક સૂચવું છું કે આવી લડતોમાં આર્થિક નુકસાનનો વિચાર જ ન કરાય. આપણા રાંક અને ગુલામડા જેવા બની ગયેલા ખેડૂતોને મર્દ બનાવવા હોય તો તેમનામાં સ્વેચ્છાપૂર્વક ભોગ આપવાની અને કષ્ટ સહન કરવાની શક્તિ કેળવવી જોઈએ.”

અનેક તાલુકાઓમાં સૂચવાઈ રહેલા મહેસૂલના વધારા કેવા આપખુદ છે એ વિષે તેમણે કહ્યું :

“ધારાસભાના બબ્બે ઠરાવ થયા હતાં અનેક તાલુકાઓમાં વધારા થયે જ જાય છે. મહેસૂલની આંકણી કેવી રીતે કરવી તે ઠરાવવા માટે એક કમિટી નિમાઈ હતી. પણ તે કમિટીની બહુમતીની ભલામણોને સરકાર ઘોળીને પી ગઈ અને રેવન્યુ ખાતાની એક ચંડાળ ચોકડીની સૂચનાઓ સરકારે સ્વીકારી. મહેસૂલની બાબતમાં રૈયત જરાયે હાથ નાખે એ જ આ ચોકડીને ખટકે છે. એ લોકોનાં કારસ્તાનની સામે આપણે બરાબર ઝૂઝવું જોઈએ અને એમની ખો ભુલાવવી જોઈએ.”

ભાષણ વંચાઈ રહ્યા પછી મસલત સમિતિની બેઠક થઈ. ગુજરાતની પરિષદોમાં તો ઠરાવો ઘડવાનાં આવાં કામ સહેજમાં ઊકલી જાય. પણ અહીં તો બાલનીયે ખાલ કાઢનારાં ભેજાં હતાં. પણ સરદાર પોતાના વિનોદથી એ બધાને પહોંચી વળ્યા. મહારાષ્ટ્રના ખરા કાર્યકર્તા વર્ગને તથા લોકોને તો એ બહુ ગમ્યું. એક જણે પૂછ્યું : ‘ખાદીનો કોટ પહેર્યો હોય પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે ?’ સરદારે તરત જવાબ આપ્યો : ‘જે અર્ધી ખાદી પહેરે તે અર્ધો વોટ આપે !’ નિયમિત ખાદી પહેરનાર ક્વચિત્‌ ખાદી ન પહેરે તો ચલાવી લેવાય એવો ઠરાવનો અર્થ કરવાની ચર્ચા ચાલતી હતી તેમાં એક ભાઈએ પૂછ્યું : ‘રોજ ખાદી પહેરતો હોય પણ ક્વચિત્ એટલે આજે ખાદી ન પહેરી હોય તો એ નિયમિત ખાદી પહેરનાર ન ગણાય ? સરદાર કહે : ‘મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે તેને હું ખખડાવી જોઉં, એ બોદો વાગે તો મારે મન એ બોદો જ છે.’ અસ્પૃશ્યતાના ઠરાવમાં ‘હિંદુ ધર્મ ઉપર જે કલંકરૂપ છે’ એ શબ્દો ઉપર શાસ્ત્ર અને ભાષાના વિદ્વાન મહારાષ્ટ્રીઓએ ખૂબ ઊહાપોહ કરી. એક ભાઈ એ પૂછ્યું : ‘એ હિંદુ ધર્મ ઉપર શી રીતે કલંક કહેવાય ?’ એટલે સરદારે કહ્યું : ‘ત્યારે ઇસ્લામ ઉપર કલંક કહેવાય ? કે ખ્રિસ્તી ધર્મ ઉપર ? તમે એમ કહેતા હો તો એમ લખીએ.’ ધારાસભામાં જનારા નેહરુ રિપોર્ટ અને કોંગ્રેસના કાર્યક્રમનો સ્વીકાર કરનારા હોવા જોઈએ એવી મતલબના ઠરાવનો વિરોધ કરતાં એક ભાઈ કહે : ‘એ ધારાસભાનો કાર્યક્રમ જ શા સારુ જોઈએ ?’ સરદાર કહે: 'તમારે તો નથી જવું ના ? જે જાય તેને માટે આ ઠરાવ છે. જવું હોય તેમને ભલે જવા દો.’ આમ કોઈને ઉડાવીને તો કોઈને રીઝવીને તેમણે કામ સરસ રીતે આટોપ્યું.

ઉપસંહારનું ભાષણ તેમણે ગુજરાતીમાં કર્યું. એ લખેલું નહોતું એટલે સૌને વધારે રસ પડ્યો. તેમણે મુખ્ય વાત એ કરી કે :

“મારો આ ત્રણ દિવસનો અનુભવ બહુ મીઠો થયો છે. મહારાષ્ટ્રને ધારતો હતો તે કરતાં જુદુ જોઉં છું. હું ઘરમાં ઊભો હોઉં એમ લાગે છે. મહારાષ્ટ્રનો ત્યાગ, મહારાષ્ટ્રની તપશ્ચર્યા, મહારાષ્ટ્રની સંસ્કૃતિ, એની સાથે ગુજરાતની વ્યવહાર બુદ્ધિ જોડાવાની જરૂર છે. જ્યારે શિવાજીની જરૂર હતી ત્યારે ભગવાને શિવાજીને મોકલ્યા, લોકમાન્યની જરૂર હતી ત્યારે લોકમાન્ય મળી રહ્યા, આજે આ વાણિયા રાજ્યની સાથે લડી લેવાને વાણિયા નાયકની જરૂર છે. તે ભગવાને ગુજરાતમાં ગાંધીજીને મોકલીને આપણને આપ્યા છે. કહે છે કે એક પક્ષી ઝાડ ઉપર છે અને એક પક્ષી શિખર ઉપર છે; જેને જ્યાં ઊડવું હોય ત્યાં ઊડે, જેને જે માર્ગ લેવો હોય તે લે. એ વાત ખોટી છે. આપણે બધા ખાડામાં પડેલા છીએ. એમાંથી નીકળવાનો એક જ માર્ગ લેવાનો છે. એકબીજાના પગ ખેંચવા જઈશું તો પડવાના છીએ. ગાંધીજીની
શિખામણને તો તમે સાધુની શિખામણ કહી નાખી દો છો. હું સાધુ નથી. હું તો વહેવાર સમજનારો છું. કાંઈ મફત ઘરબાર છોડી, ઉલાળિયો કરીને બેસું એવો નથી. હું તો ઍસેમ્બલીના પ્રમુખને પણ કહું છું કે શા સારુ ત્યાં નકામા પાણી વલાવો છો ? અહીં આવો, ને ગામડામાં બેસી કામ કરો. આપણે સરકારના સાંધેસાંધા ઢીલા કરી નાખીએ. ત્યાં પાર્લમેન્ટરી પ્રોસીજર વાંચીને ઍસેંમ્બલીની આગળ દસ ટાઈપ પાનાનું રૂલિંગ વાંચો અને પેલો હડેડાટ કરતો આવીને ઊભો રહે ને કહે, તમારું રૂલિંગ તમારી પાસે રહ્યું, મારે તો કાયદો કરવો છે. તેમાં તમારું કશું નહીં ચાલે.”

હિંસા કરવી હોય તો તેમાં પણ છૂટાંછવાયાં ખૂન કર્યે કે બૉમ્બના ધડાકા કર્યે સફળતા ન મળે. હિંસાને સફળ કરવા માટે તો યોજના અને વ્યવસ્થા જોઈએ. એ ભેદ ઉપરાંત, ખરો સવાલ તો કાયરપણાનો અને બહાદુરીનો છે એ સમજાવ્યું :

“શ્રી જયરામદાસે એક રસ્તો બૉમ્બનો છે અને બીજો અહિંસાનો છે, એમ કહ્યું. પણ એ બરાબર નથી. એક રસ્તો હિંસાનો અને બીજો અહિંસાનો છે. હિંસાને સફળ કરવા માટે પણ યોજના જોઈએ, વ્યવસ્થા જોઈએ. આપણી પાસે એવી યોજનાપૂર્વકની હિંસા કરવાનાં સાધન કે શક્તિ ક્યાં છે ? જો એ શક્તિ ને સાધન હોત તો તમે એવા ભોળા નથી કે ગાંધીજીનું માનીને બેસી રહેત. ગાંધીજીએ હિંદુ-મુસલમાનની એકતાની વાત કરીને લોકોને ફસાવ્યા એમ ઘણા કહે છે. હું કહું છું કે જેઓ મુસલમાનોને હાથે માર ખાય છે તેઓ પોતાનું કાયરપણું ઢાંકવાનું એવું શોધવાની ખાતર ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીએ કોઈને બાયલા થવાની કે ભાગવાની સલાહ આપી નથી. તેમણે તો છાતી કાઢીને મરી જવાની અથવા દુશ્મનનો મુકાબલો કરી તેને મારવાની વાત કરી છે. તમારામાં તાકાત હોય તો લડીને પુરવાર કરી આપો. હા, પીઠ પાછળ કોઈ ને ઘા કરીને મારો એ બહાદુરીનું કામ નથી.”

છેવટે, કલકત્તા કૉંગ્રેસના ઠરાવનો અમલ કરવા માટે દેશને સવિનય કાયદાભંગ માટે તૈયાર કરવા પાછળ આખું વર્ષ તૈયારી કરવી જોઈતી હતી તેને બદલે એક તરફથી ધારાસભાઓની ચૂંટણીઓના વંટોળમાં દેશને સપડાવ્યો અને બીજી તરફથી ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’ અને ‘ડોમિનિયન સ્ટેટસ’ના ઝઘડામાં દેશને ભેરવ્યો એ કમનસીબ બીના છે, એમ જણાવીને સલાહ આપી કે :

આજે તો ‘ઇન્ડિપેન્ડન્સ’ કે ‘ડુમિનિયન સ્ટેટસ’ બેમાંથી એકે મળે તેમ નથી. તે એ કેમ મળતું નથી એનાં કારણ શોધો છો. આપણે મેડા ઉપર ચડવું છે. તો ઝટ ચડવાનો પ્રયત્ન કરવાને બદલે અર્ધે સુધી ચડવું છે કે ઠેઠ ચડવું છે એની તકરાર શા સારુ કરો છો ? અર્ધે તો ચડો. પછી જેને આગળ જવું હોય તેને આગળ જવા દેજો. આપણા અધીરા જુવાનોની
અધીરાઈ મને ગમે છે. પણ એ અધીરાઈ તેઓ કામમાં દેખાડતા હોય તો કેવું સારું ! જેને ‘રેવોલ્યૂશન’ કરવું છે તે માણસો પ્લેટફોર્મ ઉપર ચડીને બરાડા પાડતા હશે ? માટે વાદવિવાદ છોડો અને અમારી સાથે કામમાં ભળો.”

બારડોલીની લડતમાં સફળતા મળ્યા પછી બીજા તાલુકાઓમાં પણ જમીનમહેસૂલના વધારાનો વિરોધ કરવાની જાગૃતિ લોકોમાં આવી. મુંબઈ ઈલાકાના ઘણા તાલુકાઓમાં આ અરસામાં જ મહેસૂલની નવી આંકણી થઈ હતી અને વધારા સુચવાયા હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. તેની સામે ચળવળ ચલાવવા આખા ઇલાકાની એક લૅન્ડ લીગ સ્થાપવામાં આવી. ખેડૂતોના આર્થિક પ્રશ્નને લગતું જ કામ કરનારી આ સંસ્થા હોઈ તેમાં સઘળા પક્ષના માણસો સભ્ય થયા હતા. સરદાર તેના પ્રમુખ હતા, નરસોપંત કેળકર સેક્રેટરીઓમાંના એક હતા અને સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના ઘણા મેમ્બરો પણ તેના સભ્યોમાં હતા. તેની એક મીટિંગ પૂનામાં થઈ તેમાં ઠરાવવામાં આવ્યું કે જમીનમહેસૂલનો આંકડો ઠરાવવાનું કેવળ મહેસૂલ ખાતાના અધિકારીઓના હાથમાં છે અને તેઓ મહેસૂલમાં વધારો કેમ કરવો એ દૃષ્ટિએ જ વિચાર કરતા હોય છે એ બરાબર નથી. જમીનમહેસૂલની આખી નીતિનો નવેસરથી વિચાર થવો જોઈએ. માટે લૅન્ડ લીગ તરફથી એક પ્રતિનિધિમંડળે ગવર્નરને મળી જે જે તાલુકાઓમાં મહેસૂલની નવી આંકણી થઈ છે અને વધારા સૂચવાયા છે તે બધા સ્થગિત કરવા વિનંતી કરવી જોઈએ અને કેટલાક તાલુકાઓ જે મૂળે ગરીબ છે અથવા આકરી જમીનમહેસૂલની નીતિને પરિણામે જે ગરીબ બની ગયા છે તે તાલુકાનું મહેસૂલ ઘટાડવું જોઈએ. ગુજરાતમાં માતર તાલુકાનો કેસ એવો હતો કે બીજાં કારણો સાથે સરકારની ભારે બોજારૂપ મહેસૂલનીતિને લીધે એ તાલુકો પાયમાલ થઈ ગયો હતો. એ વિષે સરદારે સરકાર સાથે લાંબો પત્રવ્યવહાર ચલાવ્યો. આ જ વખતે ગૂજરાત વિદ્યાપીઠ તરફથી માતર તાલુકાની આર્થિક તપાસ કરવામાં આવી. તેમાં એની બેહદ કંગાલિયત આંકડા સાથે પુરવાર થઈ. એટલામાં ’૩૦ની નિમક સત્યાગ્રહની લડત આવી પડી અને સરદાર તથા બીજા કાર્યકર્તાઓ જેલમાં પુરાઈ ગયા. ત્યાં સરદારના પત્રવ્યવહારનું પરિણામ તો આવ્યું જ. જમીનમહેસૂલ બાબત તપાસ કરવા સરકારે એક ખાસ અમલદાર નીમ્યો અને માતર તાલુકાના જમીનમહેસૂલમાં ૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો.

અત્યાર સુધી સરદારની મહત્ત્વાકાંક્ષા એટલી જ જણાય છે કે ગુજરાત બરાબર સંભાળીને બેસવું અને ગાંધીજીની ઈચ્છા પ્રમાણે તેને સામુદાયિક સવિનય ભંગની લડતને માટે પરિપૂર્ણ તૈયાર કરવું. પણ બારડોલીમાં જે યશ તેમણે સંપાદન કર્યો તેણે તેમને ગુજરાતની બહાર ખેંચવા માંડ્યા. મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખપદને તો તેમણે પૂરેપૂરું શોભાવ્યું અને મહારાષ્ટ્રના કૉંગ્રેસ આગેવાનોની શંકાકુશંકાઓ દૂર કરવામાં સારો હિસ્સો આપ્યો. હવે રાજાજી એમને આગ્રહ કરવા લાગ્યા કે તામિલનાડમાં આવી અમારા ખેડૂતોને બારડોલીનો ચેપ લગાડો. તે માટે વેદારણ્ય નામના છેક દક્ષિણના પ્રાચીન સ્થળે તામિલનાડ રાજકીય પરિષદ ઑગસ્ટની આખરમાં થવાની હતી તેને નિમિત્ત બનાવ્યું અને તેનું પ્રમુખપદ સ્વીકારવા સરદારને વિનંતી કરી. પ્રમુખપદ માટે આગ્રહ કરવામાં કૉંગ્રેસ પાસે સંપૂણ સ્વાતંત્ર્યનું ધ્યેય રખાવવાના અતિ આગ્રહવાળા શ્રી શ્રીનિવાસ આયંગર પણ હતા. સરદારને જ્યારે ખબર પડી કે તેમણે જ મદ્રાસ પ્રાંતિક સમિતિ પાસે ચાર મહિના પછી ભરાનારી લાહોર કૉંગ્રેસને સ્વરાજને બદલે સ્વાતંત્ર્યનું ધ્યેય રાખવાનો આગ્રહ કર્યો છે અને તામિલ પ્રાંતિક પરિષદ પણ તેમને કૉંગ્રેસનું ધ્યેય બદલાવવા માટે જ ભરવી હતી ત્યારે તેમણે જવાબ આપ્યો કે તામિલ પ્રાંતમાં આવીને મારે વિખવાદ વધારવો નથી. હું ત્યાં આવું તો તટસ્થ અથવા નિષ્ક્રિય પ્રમુખ રહી શકું નહીં. એટલે હું ન આવું એ જ યોગ્ય છે. એટલે રાજાજીએ ગાંધીજીને લખ્યું કે આખો પ્રાંત સરદારની રાહ જુએ છે અને સરદારે આવવું જ જોઈએ. ગાંધીજીએ જવાની સલાહ આપી એટલે સરદારને ફરજ પડી.

રાજાજીએ સરદારને વહેલા બોલાવી એક દિવસ એમના આશ્રમમાં રાખ્યા. આશ્રમમાં એમનું ખાદીકામ, દારૂનિષેધનું કામ, અસ્પૃશ્યતાનિવારણનું કામ એ બધું જોઈ રાજાજીની મુશ્કેલીઓનો અને તેનો ઉકેલ આણવાની એમની અદ્‌ભુત કતૃત્વશક્તિનો ખ્યાલ આવ્યો. સાંજે એક મોટા ટોળાએ આશ્રમમાં આવીને રાજાજીની સાથે વઢવાડ કરવા માંડી. વાતો તામિલમાં ચાલતી હતી એટલે કશું સમજાતું ન હતું અને રાજાજી તેમની સાથે ખૂબ હસીને ઠઠ્ઠામશ્કરી કરીને વાતો કરતા હતા એટલે તેમના દિલનું દર્દ જોઈ શકાતું નહોતું. પણ એ લોકો વીખરાયા પછી રાજાજીએ બધી વાત કરીઃ ‘એમની સાથે મજાક કરીને મેં એમને વિદાય તો કર્યા, પણ કેવી આફત આવી રહી છે તે હું જાણું છું. અંત્યજોને ભોળવીને, નાતજાતને એકાકાર કરીને, અમે ધર્મનું સત્યાનાશ વાળી રહ્યા છીએ અને તેથી ચારપાંચ વર્ષ થયાં વરસાદ આવતો નથી, માટે અમારો બહિષ્કાર કરવો જોઈએ એ આસપાસનાં ગામડાંઓએ નિશ્ચય કર્યો છે. એ લોકો બહિષ્કાર કરશે તો ગેરલાભ એમને જ છે, પણ એ શી રીતે સમજે ?’ રાજાજીની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી તો એ રીતે હતી કે ત્યાંનો બ્રાહ્મણેતર પક્ષ એમને એ રીતે ગાળો દેતો હતો કે ‘એ તો સુધારાના શત્રુ છે અને ન્યાતજાતનાં બંધનો કાયમ રાખવા માંગે છે !’

 સરદારને તામિલ પ્રાંતમાં લાવવાનો લોકોનો ઉત્સાહ કેવો હતો તે ત્યાંનાં શહેર કરતાં ગામડાંમાં વધારે દેખાયું. રાજાજીના આશ્રમથી વેદારણ્ય જતાં રસ્તામાં બે ત્રણ તાલુકા આવતા હતા. દરેક તાલુકાગામે તાલુકા બોર્ડે અને મ્યુનિસિપાલિટીએ સરદારને માનપત્રો આપ્યાં અને તેમાં ગાંધીજીના અગ્રગણ્ય શિષ્ય તરીકે અને બારડોલી સત્યાગ્રહના મહાન વિજેતા તરીકે તેમનો ઉલ્લેખ કર્યો.

વેદારણ્ય પહોંચ્યા પછી સરદારે શ્રી શ્રીનિવાસ આયંગરને વીનવ્યા કે પરિષદમાં નાહક વિરોધ શા માટે કરાવો છો ? ચાર મહિના રાહ જુઓ અને લાહોરમાં જે થાય તે થવા દો. પણ શ્રી આયંગરે તો લાહોરને માટે ભૂમિકા તૈયાર કરવા માટે જ આ પરિષદ ભરાવી હતી. એટલે તેઓ પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ પરિષદમાં લાવ્યા અને પરિષદને આખરી નોટિસ આપી દીધી કે: ‘મને મત નહીં આપો તો જાહેરજીવનમાંથી ફારેગ થવાની મને ફરજ પાડશો. આપણા નેતાઓનાં તો ભવન ફરી ગયાં છે. તેમને શીખવવા માટે શાળા કાઢવાની જરૂર છે, વગેરે.’ મત લેતાં પહેલાં સરદારે ભાષણ કર્યું તેમાં કહ્યું :

“આ ઠરાવના ઉપર જે રસાકસીથી ચર્ચા થઈ છે તે ઉપરથી તમે સમજશો કે હું અહીં આવવાની કેમ ના પાડતો હતો. મને આ ઠરાવમાં જરાયે રસ નથી. કલકત્તામાં શ્રી શ્રીનિવાસ આયંગરે અને શ્રી સુભાષ બોઝે મળીને સમાધાનીનો ઠરાવ કરાવ્યો છે. એ મુજબ તો બધા વાદવિવાદને તાળાં મારી એક વર્ષ સુધી કામ કરી જરૂર પડે તો દેશને મોટી લડત માટે તૈયાર કરવાની આપણે પ્રતિજ્ઞા લીધી છે. એ તૈયારીની વાત તો દૂર રહી અને આજે ચાર મહિના અગાઉથી કૉંગ્રેસને ધ્યેય બદલવાની ભલામણ કરવા તમે અધીરા થઈ ગયા છો, એ શું ? ધ્યેય ન બદલવાને વાંકે તમે કશું કામ ન કરી શકતા હો તો જરૂર ધ્યેય બદલો. પણ તમારી પ્રાંતિક સમિતિએ તો ધારાસભાની ચૂંટણી બાબતમાં ઠરાવ કરવાની તમારા પ્રાંતને સ્વતંત્રતા મળે એવી માગણી કરી છે. તો શું તમારે આ સરકારની ધારાસભામાં પણ જવું છે અને પૂર્ણ સ્વતંત્રતા પણ લેવી છે ? આ સ્પષ્ટ વિરોધ તમે કેમ જોઈ કે સમજી શકતા નથી ? મને તમારા કામનો દ્વેષ નથી, તમારા પ્રાંતની કીર્તિ બગાડવા નહીં પણ મારાથી બની શકે તો વધારવા હું અહીં આવ્યો છું. આપણે માની લઈએ કે ખાદીથી સ્વરાજ ન મળે, દારૂનિષેધથી ન મળે કે અસ્પૃશ્યતાનિવારણથી ન મળે. ત્યારે શું ધ્યેય બદલવાથી સ્વરાજ્ય મળી જશે ? સ્વરાજ્ય મેળવવાની રીત વિષે તકરાર હોય એ સમજાય. મુંબઈથી મદ્રાસ કયે રસ્તે જવું એ વિશે મતભેદ હોઈ શકે. પણ મદ્રાસ જવું કે નહીં એ વિષે જ તકરાર કરીને બેસી રહીએ તો તો ક્યાંય ન જવાય. ગાંધીજીએ તો તૈયારીનાં બે વર્ષ રાખ્યાં હતાં પણ શ્રી શ્રીનિવાસ આયંગરે અને તેમના સાથીઓએ એનું એક વરસ કરાવ્યું. હવે ક્લકત્તાનો ઠરાવ મુલતવી રખાવવાની તમારી દાનત હોય તો તેમ કરો. તેમ કરવાના જ આ ચાળા મને તો દેખાય છે. હું દિલગીર છું કે મારે આટલું તમને કહેવું પડે છે. પણ તમે મને બોલાવ્યો છે એટલે મારાથી મૂંગા મૂંગા બધું જોયા ન કરાય. એવો સંભવ છે કે બીજા અનુભવી નેતાઓ જેટલું દૂર હું ન જોઈ શકતો હોઉં, બાકી મને તો ચોખ્ખું લાગે છે કે હજી જે ચાર મહિના રહ્યા છે તેમાં તામિલ પ્રાંતને જેટલું શૂરાતન બતાવવું હોય તેટલું બતાવી શકે છે અને લાહોરમાં જે કરાવવું હોય તે કરાવી શકે છે. પણ આજે શા સારુ અધીરા થાઓ છો ?”

આ ભાષણની ચમત્કારિક અસર થઈ અને શ્રી શ્રીનિવાસ આયંગરનો ઠરાવ ૬૭ વિ. ૧૭૫ મતે ઊડી ગયો. શ્રી શ્રીનિવાસ આયંગરે તો આવું બનશે એમ પણ સ્વપ્ને ધારેલું જ નહીં. આ ઠરાવ આમ ઉડાડી દેવામાં સરદારને આનંદ નહોતો, કોઈને આનંદ ન હોય. સ્વાતંત્ર્ય કોને ન જોઈએ ? પણ એ ઠરાવ તો ખોટી ધમકી હતી, તેની પાછળ સંગીન કાર્ય નહોતું. ઠરાવની પાછળ વિચારની સ્પષ્ટતા નહોતી એટલું જ નહીં પણ અસંગતિ હતી. આમ આચાર અને વિચારની સ્વચ્છતાની ખાતર જ સરદારે ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’ના ઠરાવનો વિરોધ કરવાનું અપ્રિય કામ કર્યું.

વેદારણ્યમાંથી રાજાજીએ સરદારને તામિલ પ્રાંતમાં ખૂબ ફેરવ્યા. મદ્રાસમાં તો લગભગ એકેએક કૉલેજમાં એમનાં ભાષણ થયાં. સરદારને અંગ્રેજીમાં બોલવાનો અણગમો છે. મહાદેવભાઈ આ પ્રવાસમાં એમની સાથે હતા. તેઓ લખે છે કે :

“એમની અંગ્રેજી ભાષામાં પ્રૌઢી નહતી, શબ્દોનું ચાતુર્ય નહોતું. સરદારે અંગ્રેજી બોલવાની કળા ખીલવી નથી, ઊલટું અંગ્રેજી ભૂલવાનો પ્રયત્ન કર્યો છે. છતાં એમની અંગ્રેજી વાણીમાં — ભલેને કોઈ વાર અંદર વ્યાકરણની ભૂલો થતી હોય, તેવી વાણીમાં — બારડોલીના ખેડૂતોએ એમની તળપદી ગુજરાતી વાણીમાં જે ચમત્કાર જોયો હતો તે જ ચમત્કાર મદ્રાસની અંગ્રેજી-રસિક આલમે જોયો. આનું રહસ્ય અન્યાયની સામે લડવાની એમની અદ્‌ભુત શક્તિમાં અને ક્ષણે ક્ષણે ભભૂકી ઊઠતી એમની દેશભક્તિમાં હતું. હૃદયના ઊંડાણમાંથી નીકળતી એમની વાણી સાંભળનારાનાં હૃદયમાં સોંસરી પેસી જતી હતી. એમની ભાંગીતૂટી અને વ્યાકરણશુદ્ધિની પરવા ન કરનારી પણ જ્વાળામુખીના રસ જેવી ધગધગતી વાણી સામાઓને ધગાવી મૂકતી હતી.”

બીજી વાત એ હતી કે કોઈની પણ શરમ રાખ્યા વિના સીધેસીધું એ કહી દેતા તે લોકોને બહુ ગમતું. તેમનાં બધાં ભાષણોનો અર્ક મહાદેવભાઇ એ નીચે મુજબ આપ્યો છે :

“જે કાર્યક્રમ એક જ વરસ સુધી દેશ આગળ રાખવામાં આવ્યો અને જેના વેગે આપણે આકાશમાં ઊડી અવનવાં સ્વપ્નાં જોયાં, જેના પરિણામે સ્વરાજ લગભગ મોં આગળ આવીને ઊભું હતું, જે કાર્યક્રમે એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે માણસ પાપ કરતાં, ખોટું કરતાં સહેજે ડરતો હતો, તે કાર્યક્રમ એક જ વરસમાં બંધ પડ્યો. ત્યાર પછી નવો કાર્યક્રમ દેશની આગળ આવ્યો. એ છ વર્ષ થયાં ચાલ્યાં કરે છે. એને પરિણામે આપણે જરાયે આગળ વધ્યા નથી. પણ આપણા દેશમાં ઝઘડા વધ્યા છે, પક્ષો વધ્યા છે અને વાતાવરણ દૂષિત થયું છે. ધારાસભાને ભાંગવાની નેમથી તેમાં ગયેલાના આજે ધારાસભાએ ચૂરેચૂરા કર્યા છે. અને આજે તો તમારા પ્રાંતમાં ધારાસભામાં જઈને પ્રધાનપદાં લેવાની વાતો ચાલે છે, અમુક પક્ષને હાંકી કાઢવાની વાતો ચાલે છે અને સાથે સાથે ‘ઇન્ડિપેન્ડન્સ’ મેળવવાની વાતો ચાલે છે. સરકાર ભોળી નથી કે તમારી આવી વાતોથી છેતરાય. તમારે ત્યાં જમીન મહેસૂલનીતિ ફેરવવાને માટે તમે વહેલામાં વહેલી ચળવળ કરેલી. પાર્લમેન્ટે જમીનમહેસૂલને ધારાસભાના નિર્બંધ નીચે લાવવાની ભલામણ કર્યે દસ વર્ષ થઈ ગયાં. પણ આજે તમારી સરકાર ખુશખુશાલ જમાબંધી વધાર્યે જાય છે. આનું કારણ શું ? એનું કારણ એ કે આપણે અંદર અંદર સારી પેઠે લડી રહ્યા છીએ. સરકાર કહે છે, ભલેને લડતા. અંદર અંદર લડતા બંધ પડશે ત્યારે આપણી સાથે લડવાની એમને ફુરસદ મળશે ને ? હું તમને કહું છું કે તમારા ઝઘડા એક વર્ષને સારુ ભૂલી જાઓ અને જમીનમહેસૂલની નીતિ ફેરવવાને સંગઠન કરો. આજે તમારા નેતાઓ સ્વતંત્રતાની બૂમો પાડે છે. પણ શી રીતે, શું કામ કરીને સ્વતંત્રતા મેળવવી એની કોઈને પડી નથી. ગાંધીજીને પ્રમુખપદે સ્થાપવા છે, પણ ગાંધીજીનો રેંટિયો કોઈને જોઈતો નથી. આ વીસમી સદીમાં જે શહેરમાં પોણોસો મિલોનાં ભૂગળાં ધુમાડા કાઢી રહ્યાં છે તે જ શહેરની પાસે નદીને સામે કિનારે બેસીને જે માણસ પોતાના રેંટિયા ઉપર સૂતરના તાર કાઢે છે એને વિષે તમે શું ધારો છો ? તમે એને પાગલ ધારતા હો તો એનું પ્રમુખ તરીકે નામ સૂચવનારા તમે વધારે પાગલ નથી શું ? પણ એ પાગલ નથી. એનું વ્યવહારજ્ઞાન મારા તમારા કરતાં વધારે છે. આપણે આજે નહીં તો કાલે એણે બતાવેલા માર્ગ ઉપર જ આવવાના છીએ.”

મદ્રાસ પ્રાંતમાં બ્રાહ્મણ બ્રાહ્મણેતરના ઝઘડા પુષ્કળ ચાલતા હતા. આજે પણ ચાલે છે. સરદારને એ પ્રશ્ન ઉપર બોલવું જ પડ્યું. અબ્રાહ્મણોને એક ઠેકાણે કહ્યું:

“તમને બ્રાહ્મણોનો શા સારુ દ્વેષ થાય છે ? એ બ્રાહ્મણોએ તમારું શું બગાડ્યું છે ? તેના કરતાં બીજા બ્રાહ્મણોએ તમારું બન્નેનું બગાડ્યું છે તેની તમને ખબર છે ? પાંચ હજાર માઈલ દૂરથી આવીને જે માણસો રાજ્ય કરે છે તે બ્રાહ્મણ થઈ બેઠા છે. તેમને કોઈ વર્ણ નથી છતાં તમે ‘બ્રાહ્મણો’ અને ‘અબ્રાહ્મણો’ બન્ને તેમને ‘બ્રાહ્મણો’ તરીકે પૂજો છો, તેમની સવાર સાંજ ખુશામત કરો છો. તમારે એ બ્રાહ્મણોની સાથે લડવું છે કે નહીં ? એ બ્રાહ્મણોને તમારી ઉપર શિરજોરી કરતા અટકાવવા છે કે આ બ્રાહ્મણોને અટકાવવા છે ? આ બ્રાહ્મણોએ તમારું બહુ બગાડ્યું છે એમ માની લઈએ. પણ પેલા બ્રાહ્મણો જેટલું તો નથી જ બગાડ્યું. અને આ બ્રાહ્મણો તમારા કરતાં ઊંચા છે ? શા માટે તમે તમને એમના કરતાં ઊંચા નથી માનતા ? જે માણસ ખેતી કરી અનાજ પકવે છે તે આખી દુનિયામાં ઊંચામાં ઊંચો છે. હું એ જ જાતિમાંથી આવેલો છું. તમે પણ એ જ જાતિના છો. તમે શા સારુ તમને નીચા માનો ? જ્યાં રામાનુજ જેવાએ અબ્રાહ્મણ ગુરુ કર્યા, જ્યાં ગાંધીજી જેવા અબ્રાહ્મણની આગળ ભલભલા માંધાતા જેવા બ્રાહ્મણોની ગરદન ઝૂકે છે, ત્યાં તમે એ બ્રાહ્મણોના ઊંચાપણાથી શા સારુ ડરો છો ?”

બીજે એક સ્થળે અધીરા અબ્રાહ્મણોને કહ્યું :

“બધું તોડવા બેઠા છો, પણ એને સ્થાને એવું ચિરસ્થાયી કશું મૂકવાની શક્તિ ન હોય તો ન તોડશો. . . . તમારે ચાર આનામાં લગ્ન કરવાં હોય તો સુખે કરો, પણ ચાર મિનિટમાં લગ્ન કરવાની વાત કરો છો ત્યારે હું ધ્રૂજું છું. ભલે તમારે બ્રાહ્મણ ન જોઈએ. પણ એ ગંભીર વિધિના સાક્ષી કોઈક તો જોઈશે જ ને ? . . . તમને ભાન છે ખરું કે વિધિમાત્રનો નાશ કરવાથી કોઈ બદમાશ ગમે તેવા પ્રતિષ્ઠિત માણસની છોકરી ઉપાડી જઈને પાંચ સાક્ષી ઊભા કરીને કહેશે કે, “આ મારી સ્ત્રી છે, તો તમે શું કરશો ?”

આ સાંભળતાં અબ્રાહ્મણોને પણ જાણે થથરાટી છૂટી. સરદારની આવી વાતોની સામાન્ય અબ્રાહ્મણ સમાજ ઉપર બહુ સારી અસર થઈ. પણ તેમનાં છાપાંઓ સરદાર ઉપર રોષે ભરાયાં. તેમના તો ધંધા ઉપર તરાપ પડતી હતી ને ! એક વૃદ્ધ ખેડૂત તો સરદારનાં ભાષણો ઉપર એવો આફરીન થઈ ગયો કે એમની સાથે પ્રવાસમાં જ ફરવા લાગ્યો. ‘આજ સુધી અમારાં દુઃખો અને અમારી મુશ્કેલીઓ જાણનારો આવો કોઈ જોયો નથી અને અમને બધું બરાબર સમજાવી અમારામાં જાગૃતિ આણનાર પણ કોઈ આવ્યો નથી.’ એમ કહેતો જાય અને સરદારનાં ભાષણો સાંભળી સાંભળીને ઘેલો થતો જાય.

આ પ્રવાસમાં ગુજરાતીઓ સરદારને ખોળી કાઢવાનું ચૂક્યા નહોતા. મદ્રાસ, ત્રિચિનાપલી, સેલમ, મદુરા બધે જ સ્થળોએ તેઓ ભેગા થયા. સરદાર તેમને ટૂંકી સલાહ આપતા :

“ગુજરાતને શોભાવો. જ્યાંથી પૈસા કમાઓ છો તે પ્રદેશના હિતમાં સંપૂર્ણ રસ લો, તેની સેવા કરો. ખાદી વિષે એટલો પ્રેમ કેળવો કે દૂરથી ખાદીની ધોળી ટોપી. અને ખાદીનો આખો પોશાક પહેરેલા જોઈને એમ જ થઈ જાય કે આ તો ગુજરાતી જ હશે.”

તામિલનાડથી પાછા ફરતાં બે દિવસ પણ કર્ણાટકમાં રોકાઈને જવાનો શ્રી ગંગાધરરાવ દેશપાંડેનો બહુ આગ્રહ હતો. તેમણે કર્ણાટકમાં ખેડૂત સંઘો સ્થાપવા માંડ્યા હતા અને તે કામમાં સરદારની મદદ તેઓ ઇચ્છતા હતા. ધારવાડથી બેલગામ સુધીના બે દિવસના પ્રવાસમાં તેમણે દસ સભાઓ ગોઠવી હતી. આવી સભાઓમાં કર્ણાટકની સાથે મહારાષ્ટ્રની પણ એક કુટેવનું મહાદેવભાઈ એ સરસ વર્ણન કર્યું છે. ગમે તેવી સભા હોય પણ પ્રમુખની દરખાસ્ત મૂકનાર અને તેને ટેકો આપનાર, એ જ પ્રમાણે વ્યાખ્યાતાના આભારની દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર અને અંતે પ્રમુખના આભારની દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર એમ ઓછામાં ઓછા છ જણ તો સ્થાનિક બોલનારા થાય, આ બધું સાંગોપાંગ થવું જોઈએ. એની સાથે પાછું માનપત્ર હોય. તે કાનડીમાં વંચાય, તેથી સંતોષ કેમ થાય ? જેને માનપત્ર આપવાનું હોય તેને માટે અંગ્રેજી કર્યું હોય. અને અંગ્રેજી કરી આપનારને એ અંગ્રેજીમાં વાંચવાની હોંસ થાય. વળી મહારાષ્ટ્રી શ્રોતાઓ માટે મરાઠી કર્યું હોય તે પણ ત્યાં વંચાય. હારતોરા દરેક મંડળે જુદા જુદા આપવાના હોય. કોણ પહેલું હાર પહેરાવે તેની હુંસાતુંસી થાય. હાર પહેરાવતી વખતે મહેમાનને કહેવામાં આવે : ‘આ હાર કૉંગ્રેસ કમિટી તરફથી, આ હાર યુવક સંઘ તરફથી’ વગેરે. આખા દિવસનો એક જ કાર્યક્રમ હોય તે તો આ બધું ચાલે. પણ અહીં તો બે દિવસમાં દસ સભાઓ કરવાની હતી. કોને ટાળવાનું કે ટૂંકાવવાનું કહી શકાય ? આનો પાર નહીં આવે એમ જોઈ સરદારે લગામ પોતાના હાથમાં લીધી. એક સ્થળે બે મંડળો ઝઘડો કરતાં હતાં કે પહેલાં સરદાર અમારે ત્યાં આવીને માનપત્ર લે. સરદારને ખબર પડી એટલે તેમણે મોટરમાં બેઠે બેઠે જ કહી દીધું : ‘જાહેરસભામાં આવો, બધાં માનપત્ર ત્યાં લઈશ.’ યુવકોએ મોટરને ઘેરી વળીને ‘સત્યાગ્રહ’ આરંભ્યો. સરદાર મોટરમાંથી ઊતરી પડવા જતા હતા ત્યાં તો મોટરના પગથિયા ઉપર ઊભા રહી એક જણે માનપત્ર ઝટ ઝટ વાંચી નાખ્યું અને હાર તથા માનપત્ર એમના ઉપર ફેંક્યાં. એમ સૌથી પહેલું માનપત્ર આપવાનો લહાવો એણે લીધો ! બીજે સ્થળે આવી જ પડાપડી અને ‘સત્યાગ્રહ’ પાનસોપારી માટે થયો. સરદારે કોઈની પણ પાનસોપારી લેવાની ના પાડી અને ભાષણ આપવાની પણ ના પાડી. એટલું જ કહ્યું કે, ‘તમે જ્યારે લડી ઝઘડીને પરવારો ત્યારે મને ભાષણ આપવા બોલાવજો. ત્યાં સુધી તમે સત્યાગ્રહ વિષે કશું સાંભળવાને લાયક નથી.’

પણ ગામડાંમાં ખેડૂતોની સભાઓ ઉત્તમ થઈ. દરેક ઠેકાણે સરકારી અમલદારોને ભય છોડવાની; જપ્તી, જેલ વગેરેનો ભય છોડવાની અને પરદેશી કાપડ, દારૂતાડી અને અદાલતો છોડવાની વાત કરી. એક સભામાં સરદારે ખેડૂતોને પૂછ્યું : ‘તમારા પ્રતિનિધિઓ ધારાસભામાં જઈને એકબીજા સાથે લડવાનો ધંધો કરે છે અને બહાર તમને લડાવે છે એ સારું કે ? હવે તમે એમના લડાવ્યા લડશો ?’ ખેડૂતોએ જવાબ આપ્યો : ‘હવે અમે એમનું કહેલું ન સાંભળીએ. એમણે અમારું કહેલું સાંભળવું પડશે.’ એટલે સરદારે સલાહ આપી : ‘તો તેમને કહેજો કે ખેડૂત સંઘમાં જોડાઓ ને ન જોડાવાના હો તો તેનું કારણ આપો. જો ન જોડાય તો માનજો કે એ સરકારથી ડરનારા છે, સરકારના પક્ષના છે. એમને પૂછજો કે, ‘તમે સરકારનું હિત ચાહો છો કે અમારું ?’ એક ઠેકાણે પૂછ્યું : ‘તમારા પ્રતિનિધિઓ ચીકોડી અને અંગાડી શા સારું લડે છે ?’ ખેડૂતો કહે : ‘પોતાના સ્વાર્થ માટેસ્તો.’ ‘તો એવાને તમે શા સારુ પસંદ કરો છો ?’ ખેડૂતો કહે : ‘એવી સલાહ આપનારા તમારા સિવાય બીજા કોઈ હજી મળ્યા નથી.’

સરદારની સોંસરી, તડ ને ફડ કરનારી વાણીમાં શ્રી ગંગાધરરાવને પોતાના મૂળ ગુરુ તિલક મહારાજની વાણીના ભણકારા સંભળાયા, સરદારની આંખમાં તેમણે લોકમાન્યનું તેજ અને લોકમાન્યની ‘ચીડ’ ભાળી. તામિલનાડમાં જ્યારે સરદાર ભાષણ કરતા હતા ત્યારે એક વાર રાજાજીએ પણ કહેલું: ‘આ તો જાણે તિલક મહારાજ બોલે છે.’ મહાદેવભાઈ એ કહ્યું : ‘આ શોધ પહેલી મેં કરી છે.’ પછી પોતાના ‘વીર વલ્લભભાઈ’ પુસ્તકમાં પોતે સરદારને અનેક રીતે તિલક મહારાજ સાથે સરખાવ્યા છે એ વાત કરી. એમાં એમણે લખ્યું છે :

“વલ્લભભાઈ સાથે બહુ રહ્યા પછી, તેમની બોલચાલ, તેમનું હાસ્ય, તેમનું તેજ, તેમના રાગ અને આવેશ જોયા પછી, તિલક મહારાજનું વધારે સ્મરણ થાય છે. . . . અવળી છાપ પાડવાની વિશેષતા પણ તિલક મહારાજ અને વલ્લભભાઈમાં સમાન છે. ઉપરથી બન્ને જેટલા અભિમાની લાગે તેટલા જ અંતરથી નિરભિમાન, ઉપરથી જેટલા રુક્ષ અને પરુષ લાગે તેટલા જ અંતરથી સૌમ્ય અને મૃદુ, ઉપરથી જેટલા અટપટા અને અભેદ્ય લાગે તેટલા જ અંતરથી સરળ અને ઋજુ, ઉપરથી જેટલા ઊંડા જણાય તેટલા જ બન્ને અંતરથી અળગા.”

અલબત્ત, મહાદેવભાઈ એ સાથે સાથે જ કબૂલ કર્યું છે કે, ‘આ સામ્યનો વિચાર કરતાં તિલક મહારાજની અગાધ વિદ્વત્તા અને વિપુલ શાસ્ત્રજ્ઞાનને હું ઘડીક વાર બાજુએ રાખું છું.’ પછી આગળ કહે છે :

“પણ તિલક મહારાજ લોકમાન્ય બન્યા તે એમની અગાધ વિદ્વત્તાએ નહીંં કે ઊંડા શાસ્ત્રજ્ઞાને નહીંં, પણ અન્યાયની સામે ઝૂઝવાની એમની અપાર શક્તિને લીધે, તેમના અપૂર્વ ત્યાગને લીધે, લોકોનાં દુઃખ જાણી લોકોનાં અંતરમાં પ્રવેશ કરવાની તેમની જાદુઈ શક્તિને લીધે. આ ત્રણે વસ્તુઓ વલ્લભભાઈમાં એટલી જ ભરી છે એમ ગુજરાતે બારડોલીની લડતમાં સવિશેષે જાણ્યું. લોકમાન્ય પણ જ્યારે આમવર્ગ આગળ ઊભા રહેતા ત્યારે તેઓ તેમની વિદ્વત્તા ન ઠાલવતા, પણ આમવર્ગના જ એક માણસ તરીકે ઊભા રહી તેમની જ ભાષા બોલતા. બારડોલીનાં અનેક ભાષણો જોઈશું તો તિલક મહારાજનાં અહમદનગર અને બેલગામનાં પેલાં ઐતિહાસિક ભાષણોના તેમાં ભણકારા સંભળાશે.”

તિલક મહારાજના ઉદ્‌ગારો જુઓ :

“સરકાર આપણને અધિકાર આપે છે તે કૂંડામાં આપણે તે પ્રમાણે, છોડ રોપીએ છીએ. પણ મોટાં વૃક્ષ કરવાં હોય તો તે બીજ બહાર મોકળી જમીનમાં વાવવાં જોઈએ. કૂડાંનાં ઝાડ રૂપાળાં લાગે, પણ તે નાજુક; લાંબા દિવસ ટકનારાં નથી હોતાં. . . . દેશ પાસે કર કેટલા વસૂલ કરવા તે અમને સમજાય કે તમને વધારે સમજાય ? . . . લડાઈ ઉપર કેટલા પૈસા ખર્ચવા તે બાદશાહ નથી ઠરાવતો, પણ મુખ્ય પ્રધાન ઠરાવે છે. તેની ભૂલ થાય છે તો તે રાજીનામું આપે છે, અને તેને રાજીનામું આપવાની ફરજ પાડવામાં સરકારનો ગુનો નથી થતો. . . . આપણને સ્વરાજ મળે તેથી અંગ્રેજનું રાજ બૂડે એમ નથી. . . . અમારે જે જે દરવાજે બહાર નીકળવું હોય તે તે દરવાજા રોકીને નોકરશાહી ઊભી છે. તેને ધક્કો મારીને અમારે બહાર નીકળવું છે. તેની આડખીલી અમને ન જોઈએ. આડખીલી તો ખરી જ, ઉપરાંત પાછા મોટા મોટા પગાર ! . . . ‘તમારે માટે વિલાયતની ઠંડી હવા છોડીને અહીં આવ્યા છીએ,’ એમ અંગ્રેજ અમલદાર કહે છે. પણ તને અહીં બોલાવ્યો હતો કોણે ?”

હવે સરદારના આ શબ્દો લો :

“સરકાર એટલે કોણ ? સરકાર એટલે કલેક્ટર ? સરકાર એટલે મામલતદાર ? કે ફોજદાર કે તલાટી ? આ બધા મળીને સરકાર બનેલી છે, એટલે એનો ક્યાં પત્તો લાગે ? કોઈ એક વ્યક્તિ નથી એટલે આપણે તેને સરકાર માનીએ ? આપણે પોતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને તેનાથી ડરીએ છીએ. પણ તમારે ડરવાનું કશું કારણ નથી. તમે કોઈની ચોરી નથી કરી. તમે લૂંટફાટ નથી કરી. મારામારી કરી નથી. ડરવાનું શું કારણ હોય ? . . . પાંચ હજાર માઈલથી આવેલા વાણિયાથી તમે શા માટે ડરો ? તમે આ દેશના જ વતનીઓ પોતાના ઘરમાં બેઠા પરદેશી વાણિયાથી ડરો ? રાજ્ય કરનારા પરદેશી તો સુરતથી અહીં (બારડોલી) આવતા પણ નથી. એ ત્યાં જ બેસીને મહાલકરીને અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને કહે છે કે તમે લોકોને સમજાવો, દબાવો. એ પોતે તો કોઈ દરિયાકાંઠે કે શીતળ ટેકરી ઉપર હવા ખાતા હશે.”

આ શબ્દો અને તેની પહેલાંના ઉતારાના શબ્દો જુદા જુદા ભાષણકર્તાના છે એમ કોઈ ને લાગે ખરું ?

ડિસેમ્બર મહિનામાં સરદારે બિહારના પંદર દિવસનો પ્રવાસ કર્યો. ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે એમની પાછળ બિહારીઓ ઘેલા થયા. તામિલનાડમાં સરદારને ઓછું માન નહોતું મળ્યું. પણ બિહારનું માન ગાંધીજી પ્રત્યેની ભક્તિના ભણકારારૂપ હતું. ચંપારણમાં જેમ ગાંધીજીએ ઉગાર્યા તેવી જ રીતે ગાંધીજીના આ શિષ્ય તેમને બીજી આફતોમાંથી ઉગારશે એવી શ્રદ્ધાથી હજાર કિસાનોના ટોળાં તેમને સાંભળવા આવતાં. કિસાનોના પરિશ્રમ ઉપર જીવતા અને વિષયવિલાસમાં પૈસા બરબાદ કરતા જમીનદારરો, ગરીબતવંગર વચ્ચે પડેલો મોટો સમુદ્ર, કિસાનની પામરતા, ભીરુતા અને નિરાશા એ બિહારનું એક દુઃખ; જમીનદારોના જાતજાતના જુલમથી કિસાનોને ભોગવવી પડતી વિંટબણાઓ એ બીજું દુઃખ; અને સ્ત્રીઓનો પરદો, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે જ નહીં, પણ સ્ત્રીઓ ને સ્ત્રીઓ વચ્ચે પણ, એ બિહારનું ત્રીજું દુઃખ. આ ત્રણે દુઃખોના નિવારણના ઉપાયો વિષે સરદારને ત્યાં બોલવાનું થયું.

બ્રજકિશોરબાબુ બીમાર હતા અને રાજેન્દ્રબાબુ પણ પથારીવશ હતા. એટલે સરદારના આખા પ્રવાસની વ્યવસ્થા બાબુ અનુગ્રહ નારાયણ સિંહના હાથમાં હતી. પ્રવાસ દરમ્યાન સરદાર વધારેમાં વધારે કિસાનોને મળી શકે એવી યોજના કરવામાં આવી હતી. મોંઘીરમાં પ્રાંતિક પરિષદ રાખવામાં આવી હતી અને તે ઉપરાંત ચંપારણ જિલ્લા પરિષદ, સીતામઢી જિલ્લા પરિષદ તથા ગયા જિલ્લા પરિષદ, એમ ત્રણ જિલ્લા પરિષદો ખાસ સરદારને માટે જ રાખવામાં આવી હતી. આ બધી પરિષદોના પ્રમુખ થવાને સરદારને વિનંતી કરવામાં આવી પણ તેમણે પ્રથમથી જ ના પાડી. એટલે બીજા પ્રમુખ નીમવામાં આવ્યા. પણ તેઓ બે કે ત્રણ મિનિટ જ બોલતા. એક પ્રમુખે કહ્યું :

“અહીં હું પ્રમુખપદે બેઠો છું પણ અહીં બોલવાનો અધિકાર સરદાર વલ્લભભાઈને જ છે. એમણે કંઈક કામ કરી બતાવ્યું છે. આપણે ગાંધીજીને આગ્રહ કરીને સરદારને બિહારમાં ખેંચી લાવ્યા છીએ, અને એમનો સંદેશ આપણે મેળવવાનો છે.”

ચંપારણ જિલ્લા પરિષદના પ્રમુખે કહ્યું :

“આપણે સરદાર પાસેથી સંદેશો મેળવીને તેમની મારફત ગાંધીજીને એટલું કહેવડાવીએ કે અમે ‘ઇન્ડિપેન્ડન્સ’ ‘ડુમિનિયન સ્ટેટસ’માં કશું સમજતા નથી. અમે તો અમારો કેસ તમને બાર વર્ષ ઉપર સોંપ્યો હતો. એ કેસ આજે પણ તમારા જ હાથમાં છે. તમને અમે એટલું કહીએ છીએ કે 
‘ઇન્ડિપેન્ડસ’ કે ‘ડુમિનિયન સ્ટેટસ’ વિષે અમને કશું ન પૂછતાં અમને તમારો હુકમ મોકલજો. એ હુકમ પાળવાને માટે અમે તૈયાર છેઠા છીએ.”

સરદારે આ પરિષદોમાં અને બીજી સભાઓમાં દોઢ દોઢ કલાક ભાષણો કર્યાં. તેમનાં હિંદી ભાષણોમાં ગુજરાતી શબ્દો પણ આવે, કેટલાક શબ્દો લોકો નહીં પણ સમજતા હોય, પણ તેનો ભાવ તેમની આંખમાંથી તેઓ પકડી લેતા હતા. ત્રણેક ઠેકાણે તો બ્રજકિશોરબાબુને માંદા માંદા પણ સભામાં આવવાનું મન થઈ ગયું. સરદારનાં ભાષણો સાંભળી તેઓ બોલ્યા: ‘અમારા ખેડૂતોને આ જ જોઈતું હતું. નિર્ભયતાનો મંત્ર તમે જે રીતે આપો છો તે રીતે ભાગ્યે જ બીજા કોઈ આપી શકે. મને તો લાગે છે અમારી કિસાન આલમને સળગાવીને જ અહીંથી તમે જશો.’ તેમનાં ભાષણોમાંથી થોડાં ફકરા અહીં ઉતારીશું :

“ચંપારણનો ઇતિહાસ હિંદુસ્તાનના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં પહેલું અને અમૂલ્ય પ્રકરણ રોકશે. એ ઇતિહાસના રચનારા તમે ડરપોક શેના હો ? પણ તમારે ત્યાં સત્યાગ્રહ થઈ ગયો છે એમ તમારાં મોં નથી બતાવતાં. એ સત્યાગ્રહનાં પરિણામો તો મોજૂદ છે. ગળીવાળા ગોરાઓનું પગલું અહીં રહ્યું નથી. અને તેમણે નાખેલા અયોગ્ય કરવેરાનું પણ નામનિશાન રહ્યું નથી. છતાં તમારામાંથી ડર ગયો હોય એમ જણાતું નથી. બળદ મોટરથી ભડકે તેમ તમે સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. સરકારનાં અને જમીનદારનાં માણસને બે માથાં કે ચાર હાથ છે શું ? ડરવાનું તે તમારે હોય કે એને હોય ? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલા પવિત્ર જગતમાં કોણ છે ? તમે નિર્દોષ છો એમ હું નથી કહેતો. પણ જગતમાં ઓછામાં ઓછા પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાય છે તે છો. તમે તો તમારા પરસેવાની રોટી પૂરી ખાધા વિના પારકાનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે, અને જગત ન નભે તો જમીનદાર તો નભે જ શાનો ? ”

પરદા વિષે બોલતાં એક સ્થળે કહ્યું :

“ગાંધીજી તમને આશીર્વાદ આપે છે. હું તમને ગાળો આપવા આવ્યો છું. તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો ? એ સ્ત્રીઓ કોણ છે ? તમારી માં, બહેન, પત્ની. એમને પરદામાં રાખીને તમે માનો છે કે તમે એમના શિયળની રક્ષા કરી શકશો ? એમનો એવડો અવિશ્વાસ શો ? કે તમારી ગુલામી તેઓ બહાર આવીને જુએ તેથી તમે ભડકો છો ? તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવા રહ્યા છો. બારડોલીમાં મેં લોકોને કહેલું કે તમારાં બૈરાંને મને મળવાની અને વાતો કરવાની છૂટ ન આપો તો મારે સત્યાગ્રહ નથી કરાવવો. બૈરાં સમજી ગયાં. સભામાં આવવા લાગ્યાં અને થોડા વખત પછી તો સભામાં પુરુષો જેટલી જ સ્ત્રીઓ
આવતી હતી. ઘેર જઈને તમારાં બૈરાંને હું કહું છું તે સંભળાવજો અને કહેજો કે ગુજરાતથી એક ખેડૂત આવ્યો હતો તે વાત કરતો હતો કે તમે બહાર ન નીકળો તો આપણે માટે કદી સુખ નથી. મારું જો ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં એમને છેડો ફાડી આપો.”

‘ક્રાન્તિની જય’ ના પોકાર કરનારા યુવકોને કહ્યું :

“એક વાર ક્રાન્તિ કરો, પછી જય બોલાવો. જે વસ્તુ નથી તેની જય શી બોલાવવી ? હા, એક ક્રાન્તિની જય બોલાવાય. તમારે ત્યાં ચંપારણમાં ‘રેવોલ્યુશન’ થયું હતું. એ રેવોલ્યુશનથી તમે દેશવિદેશમાં જાણીતા થયા. એનો અર્થ પણ ખેડૂતો સમજે. એટલે તમારે નવા રાષ્ટ્રધ્વનિની જરૂર હોય તો બોલોને ‘ચંપારણના સત્યાગ્રહનોને જય.’ એ ધ્વનિ ખેડૂતોને જેવા હલાવશે તેવો બીજો કોઈ ધ્વનિ નહીં હલાવી શકે. અને તમે ક્રાન્તિ, ક્રાન્તિ શું કરો છો ? તમે તમારા જીવનમાં તો ક્રાન્તિ કરી નથી. જૂના વહેમો અને રીતરિવાજોને તમે વળગી રહેલા છો. પડદો તોડવાની તો તમારી હિંમત નથી. ચાલુ શાળાઓ અને કૉલેજોમાં જઈને તમારે ક્રાન્તિ કરવી છે, તે શી રીતે થવાની છે ? ‘મહાત્મા ગાંધીજીકી જય’ના ધ્વનિમાં જે ક્રાન્તિની જય સંભળાય છે તેવી બીજા કયા ધ્વનિમાં સંભળાય છે ? કારણ, મહાત્માજી ક્રાન્તિનો અવતાર છે.”

સરદારના જે સંદેશાથી ત્યાંના જમીનદારો ગભરાટમાં પડ્યા તે તો આ હતો. તેમાં ખરો ક્રાન્તિનો ધ્વનિ હતો :

“તમારી અને સરકારની વચ્ચે આ દલાલો ક્યાંથી આવીને બેઠા છે ? એમના બાપદાદા જમીન ખેડવા ગયા હતા કે રળવા ગયા હતા ? કોણે એમના હક યાવચ્ચંદ્રદિવાકરૌ સાબિત કરી આપ્યા છે ? એ સરકારને અમુક જ રકમ આપ્યાં કરે અને તમારી પાસેથી લેવાનું મહેસૂલ વધાર્યે જ જાય, એ કોના ઘરનો કાયદો છે ? શા સારુ તમે એ કાયદાને માનો છે ? શા સારુ તમારા પેટનો ખાડો પુરાય નહીં ત્યાં સુધી તમે એને કશું આપવાને તૈયાર થાઓ છો ? તમે તમારા ખાવા પૂરતું જોઈએ એટલું જ અનાજ પકવીને બેસી રહોને, એટલે એ લોકોને ખબર પડી જશે. જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ. તમારા નેતાઓ સાથે વાતો કરો, સંગઠન કરો, એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો. બારડોલીના ખેડૂત પાસે બીજી તાકાત નહોતી. ‘ના’ પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી. તેમને મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો. શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં. કેવળ ઈશ્વરના જ હાથમાં છે. અને જેલનો
ડર શા સારુ ? તમે અહીં બહાર રહો છો તેના કરતાં તો ત્યાં સુખમાં રહેવાનું છે. તમને અહીં જીવતા રાખવાને કોઈ દવા ન આપે, દૂધ ન આપે. ત્યાં માંદા પડો તો તમને દૂધ મળે, દવા મળે. સારા હશો તો કામ કરી ત્રણ ટંક ખાવાનું પામશો. શા સારુ તમે જમીનદારના ગુલામ બનો ? શા સારુ તમે એને તાબે થાઓ ? તમે તમારું અનાજ પકવો અને સુખે ખાતાં શીખો. … તમારી જમીન ઉપર તમને જમીનદાર ઝાડ ન ઉછેરવા દે, તમારી જમીન બીજાને નામે કરી આપતાં જમીનની કિંમતના પચીસ પચાસ ટકા જેટલી સલામી આપવી પડે, એ કોના ઘરનો ન્યાય ? તમારે વિષે ધારાસભામાં કાયદો થઈ રહ્યો છે એમ સાંભળું છું. એ કાયદા ઉપર જરાય આધાર ન રાખશો. તમે જે કરશો તે જ કાયદો થવાનો છે. માત્ર તાકાત કેળવો, સંગઠન કરો, એકઠા થાઓ. … તમે તમારી માગણીઓ ડાહ્યા નેતાઓ પાસે નક્કી કરાવી તેટલી આપવાની જમીનદારોને ફરજ પાડો. નહીં તો તેમને કહી દો કે તમને કોડી ન મળે અને દાણો અનાજ ન મળે.”

સરદાર આ રીતે આમજનતાને લડતને માટે તૈયાર કરી રહ્યા હતા ત્યાં લાહોર કૉંગ્રેસનું અધિવેશન આવી રહ્યું.