સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૯૨૯નું તૈયારીનું વર્ષ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ
નરહરિ પરીખ
સૂચિ →


.


૩૦

પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ

૧૯ર૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે મળનારા કૉંગ્રેસના અધિવેશનમાં મહત્ત્વના અને કટોકટીના નિર્ણયો લેવાના હતા. ધારાસભાઓ ઉપરથી પં○ મોતીલાલજીનો પણ વિશ્વાસ પૂરેપૂરો ઊડી ગયો હતો. તેમને ચોક્કસ લાગતું હતું કે તમામ કૉંગ્રેસીઓએ ધારાસભાઓમાંથી રાજીનામાં આપીને નીકળી જવું જોઈએ. તે પછી કરવું શું ? ડુમિનિયન સ્ટેટસ કે પૂર્ણ સ્વાતંત્ર્ય, બેમાંથી કોઈ પણ ધ્યેયે સત્વર પહોંચવા માટે સવિનય કાયદાભંગ વિના બીજો કોઈ માર્ગ નહોતો. એવા વખતમાં કૉંગ્રેસનું સુકાન ગાંધીજી જ બરાબર સંભાળી શકશે એમ વડીલ નેતાઓને લાગતું હતું. પ્રાંતની ભલામણો જોઈએ તો દસ પ્રાંતો ગાંધીજીની તરફેણમાં હતા, પાંચ સરદારની તરફેણમાં અને ત્રણ જવાહરલાલની તરફેણમાં હતા. પણ ગાંધીજીએ પ્રમુખ થવાની ચોખ્ખી ના પાડી દીધી. યુવક વર્ગ ૫ં○ જવાહરલાલજીને પ્રમુખ બનાવવા ઈચ્છતો હતો. પ્રમુખની વરણી કરવા માટે જ સપ્ટેંબરની આખરે ખાસ બોલાવવામાં આવેલી લખનૌની મહાસમિતિમાં યુવક વર્ગ તરફથી એક ભાઈએ કહ્યું પણ ખરું કે :

“ગાંધીજી પોતે જ કહે છે કે પ્રમુખપદ ન સ્વીકારવાનો મેં નિશ્ચય કર્યો છે તો શા સારુ આપણે એમને પજવીએ ? એમની શિસ્ત આપણને બહુ આકરી પડે છે, એમના કાર્યક્રમનો અમલ આપણાથી થતો નથી, આપણે નાહકના એમના નામનો દુરુપયોગ કરીએ છીએ. જવાહરલાલજી જ યુવકોને દોરવાની શક્તિ ધરાવે છે, એટલે એમને નીમવા એ જ સારું છે.”

બંને પક્ષની વાત સાંભળી ગાંધીજીએ કહ્યું :

“હું દિલગીર છું કે કૉંગ્રેસનું પ્રમુખપદ સ્વીકારવાની હોંશ કે ઊલટ મને નથી થતી. હું મારી અંગત નબળાઈઓ આગળ નથી કરતો, પણ પ્રમુખ થઈને દેશની સેવા કરવાની મારી અશક્તિ જોઉં છું. હું પ્રમુખ થાઉં તો જ અમુક વસ્તુ થાય એ ભ્રમ છે. સરકાર એવી મૂરખ નથી કે હું પ્રમુખ હોઉં તો અમુક નીતિ સ્વીકારે અને હું પ્રમુખ ન થાઉં તે પોતાની નીતિ બદલે. આજે તમારો લહિયો થઈને તમે જે કામ સોંપશો તે કરીશ, પણ તમારો સારથિ નથી થઈ શકતો. . . . અમુક માણસ — પછી તે ગમે તેટલો મોટો કેમ ન હોય તો પણ — પ્રમુખપદ લેવાની ના પાડે એટલે કામ ન ચાલે એ મનેાદશામાંથી આપણે નીકળી જવું જોઈએ. મોટાનાના સૌ આવશે ને જશે,
પણ હિંદુસ્તાન સ્વતંત્ર થશે અને સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી હિંદુસ્તાન પણ રહેશે એ વિશે મને શંકા નથી.”

ગાંધીજીના આ શબ્દો પછી તેમને આગ્રહ કરવાનો સવાલ જ ન રહ્યો. પછી સરદારનું નામ સૂચવાયું. એમણે તો તરત કહી દીધું કે : ‘જયાં સેનાપતિ જવાની ના પાડે છે ત્યાં હું સિપાઈ જવાની શી રીતે હિંમત કરું ?’ આખરે જવાહરલાલજીનું જ નામ સભા આગળ રહ્યું અને સર્વાનુમતે તેમની વરણી થઈ. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ માં ‘યુવકોની કસોટી’ નામનો લેખ લખ્યો. તેમાં જણાવ્યું:

“યુવકોની હવે કસોટી થવાની છે. આ વર્ષ યુવકોની જાગૃતિનું હતું. સાઈમન કમિશનના બહિષ્કારની જ્વલંત સફળતામાં તેમનો ખરેખર મોટો હિસ્સો હતો. જવાહરલાલની પ્રમુખ તરીકે ચૂંટણી થઈ છે એ યુવકોની સેવાની કદર તરીકે ભલે મનાય. પણ નવજવાનો કેવળ પોતાના જૂના વિજય ઉપર ન જીવે. રાષ્ટ્ર પેતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે પહેલાં તેમણે કેટલીયે મજલ કાપવી પડશે. . . . જવાહરલાલ એકલા થોડું જ કરી શકે એમ છે. નવજવાનોએ એમના હાથપગ બનવું પડશે, આંખકાન બનવું પડશે. યુવકો આ વિશ્વાસને લાયક નીવડો.”

વાઈસરૉય લોર્ડ અર્વિન બ્રિટિશ પ્રધાનમંડળ સાથે મસલત કરવા વિલાયત ગયા હતા ત્યાંથી તા. ૨પમી ઑક્ટોબરે પાછા હિંદ આવ્યા. તેમણે તા. ૩૧મી ઑક્ટોબરે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. તેના ઉપર વિચાર કરવા માટે પં○ મોતીલાલજીએ કૉંગ્રેસ કારોબારીની મીટિંગ તા. ૧લી નવેમ્બરે દિલ્હીમાં બોલાવી. બીજા પક્ષના નેતાઓ પણ વાઈસરૉયના જાહેરનામા ઉપર વિચાર કરવા દિલ્હીમાં એકઠા થયા. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં કહ્યું કે, શહેનશાહની સરકારને એમ લાગે છે કે સાઈમન કમિશનનો રિપોર્ટ બહાર પડે અને શહેનશાહની સરકાર પાર્લમેન્ટ સમક્ષ પોતાની દરખાસ્તો વિચારણા માટે રજૂ કરે તે પહેલાં તેણે બ્રિટિશ હિંદના અને દેશી રાજ્યના પ્રતિનિધિઓને મળી લઈ છેવટની દરખાસ્તોમાં કેટલે સુધી તેમની સંમતિ મેળવી શકાય એમ છે એ જાણી લેવું આવશ્યક છે. નરમ પક્ષના નેતાઓને તો આ જાહેરનામાથી પૂરી સંતોષ હતો. ઇંગ્લંડમાં તે વખતે મજૂર સરકાર હતી તેને તે મહત્ત્વ આપતા હતા. સર સી. પી. રામસ્વામી, જેઓ તાજા જ વિલાયતથી વિમાનમાં આવ્યા હતા તેમણે એવો મત આપ્યો કે હિંદી વજીર અંત:કરણપૂર્વક હિંદુસ્તાનને સ્વતંત્ર કરવા ઇચ્છે છે, પણ ખાસ પરિસ્થિતિને લીધે પોતાની ઈચ્છાઓનો અમલ કરી શકતા નથી. માટે તેમને હિંદુસ્તાન તરફથી પૂરો ટેકો મળવા જોઈએ. સર તેજબહાદુર સપ્રુએ વાઈસરૉયની સાચદિલીની ખોળાધરી આપી અને કહ્યું કે અત્યારે મળેલી તકનો પૂરો ઉપયોગ કરી લેવામાં નહીં આવે તો હિંદુસ્તાન ભારે થાપ ખાશે. સૌની વાત સાંભળી લીધા પછી ગાંધીજીએ કહ્યું કે હિંદી વજીર અથવા તો વાઈસરૉયની પ્રામાણિકતા કે નિખાલસપણા વિષે આપણે શંકા ન ઉઠાવીએ, પણ આપણે આપણી શરતો સ્પષ્ટ કરવી જોઈએ. હિંદુસ્તાનને ડુમિનિયન સ્ટેટસ તરત જ આપવું જોઈએ એ અભિપ્રાય નરમ દળના નેતાઓ અનેક વાર જાહેર કરી ચૂક્યા છે. કૉંગ્રેસનો કલકત્તાનો ઠરાવ તો આપણી આગળ છે જ. જો એનાથી એક તસુ પણ આપણે પાછા હઠીએ તો દેશનો ભારે વિશ્વાસઘાત થાય. ડુમિનિયન સ્ટેટસ ક્યારે સ્થપાવું જોઈએ અથવા સ્થપાવું જોઈએ કે નહીં એની ચર્ચા કરવાપણું હવે હોય જ નહીં. એ સ્થાપવાના ઉપાયો યોજવા પરિષદ ભરાતી હોય તો જ આપણે તેમાં જઈ શકીએ. મજૂર સરકારની સ્થિતિનો વિચાર કરવો અથવા તેની દયા ખાવી એ હિંદુસ્તાન માટે અપ્રસ્તુત છે. એમ કહીને એમણે પરિષદમાં ભાગ લેવા માટે નીચેની ચાર શરતો રજૂ કરી:

૧. તમામ રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવે.
૨. ડુમિનિયન સ્ટેટસ ક્યારે આપવું એની ચર્ચા માટે નહીં પણ હિંદુસ્તાનના ડુમિનિયન બંધારણની યોજનાનો વિચાર કરવા પરિષદ હોય.
૩. પરિષદમાં કૉંગ્રેસને પ્રધાનપદ આપવામાં આવે.
૪. પરિષદ પછી કાયદો કરીને જે આપવાનું છે તેના ભાવ અને તત્ત્વનો અમલ આજથી જ કરવામાં આવે, જેથી લોકોને એમ લાગે કે સ્વરાજનો નવયુગ આજથી શરૂ થઈ ગયો છે. નવું બંધારણ તો એ હકીકતની નોંધ કરવા પૂરતું હોય.

કૉંગ્રેસ સિવાયના બીજા પક્ષોને આ વસ્તુનો ઘૂંટડો ઉતરાવતાં વાર લાગી. છતાં આશ્ચર્ય એ હતું કે સર તેજબહાદુર સપ્રુ વગેરેએ આ શરતો વધાવી લીધી અને તે અનુસાર ખરીતો ઘડાયો એમાં બધા નેતાઓએ સહી કરી. એ ખરીતો સંયુક્ત ખરીતો (‘જૉઈન્ટ મૅનિફેસ્ટો’) એ નામે ઓળખાયો.

આ સંયુક્ત ખરીતા ઉપર ભાષ્ય કરતાં ગાંધીજીએ લખ્યું કે :
“ખરા ડુમિનિયન સ્ટેટસનો અમલ થવા માંડે તો હું તો ડુમિનિયન બંધારણની પણ પરવા ન કરું. એટલે કે, બ્રિટિશ પ્રજાનું સાચું હૃદય-પરિવર્તન થાય, હિંદુસ્તાન મુક્ત અને સ્વમાનયુક્ત રાષ્ટ્ર થાય એ જોવાનો તેનામાં સદ્‌ભાવ પ્રગટે અને હિંદમાં આવેલા અમલદારોમાં સેવાની સાચી ભાવના જાગે. આનો અર્થ એ થયો કે પોલાદની સંગીનોને બદલે લોકોના સદ્‌ભાવ ઉપ૨ તેઓ ભરોસો રાખતા થાય. અંગ્રેજ પુરુષો અને સ્ત્રીઓ પોતાના જાનમાલની સલામતી માટે શસ્ત્રસજ્જ કિલ્લાઓને બદલે પ્રજાના સદ્‌ભાવ ઉપર આધાર રાખવા તૈયાર છે ? જો તૈયાર ન હોય તે બીજા કશા ડુમિનિયન
સ્ટેટસથી મને સંતોષ થાય એમ નથી. ડુમિનિયન સ્ટેટસનો મારો ખ્યાલ એવો છે કે જો મારી એવી ઇચ્છા થાય તો આજે જ બ્રિટિશ સંબંધ તોડી નાખવાની મારી પાસે સત્તા હોવી જોઈ એ. બ્રિટન અને હિંદ વચ્ચેના સંબંધના નિયમનમાં બળજબરી જેવું કશું દેવું જોઈએ નહીં.
“સંભવ છે કે હું જે અર્થો કાઢું છું તેની મજૂર સરકારે કદી કલ્પના પણ ન કરી હોય. આવો અર્થ કાઢવામાં સંયુક્ત ખરીતાનો તાણીતૂસીને વધારેપડતો અર્થે મેં કર્યો છે એમ હું તો માનતો નથી. છતાં ધારો કે આ બધા અર્થોનો ભાર ખરીતો ખમી શકે એમ ન હોય તે પણ ઇંગ્લંડના તેમ જ હિંદમાંના મિત્રો પ્રત્યે મારી ફરજ છે કે મારી વાતને મૂળ મુદ્દો મારે તેમની આગળ સ્પષ્ટ કરવો જોઈએ.”

વાઈસરૉયના જાહેરનામામાં કાંઈ બહુ વાત કહી નાખી નહોતી. છતાં એના ઉપર પણ પાર્લમેન્ટમાં ભારે શોરબકોર મચ્યો. હિંદી વજીરે એના ખુલાસામાં જે કહ્યું તે ઉપરથી હિંદુસ્તાનમાં બહુ નિરાશા ફેલાઈ. પાર્લમેન્ટમાં થયેલી ચર્ચા ઉપર વિચાર કરવા તા. ૧૬ મી નવેમ્બરે અલ્લાહાબાદમાં ફરી સર્વપક્ષી પરિષદ મળી અને તેની સાથે કૉંગ્રેસ કારોબારીની બેઠક પણ થઈ. વાઈસરૉયના આવા દમ વિનાના જાહેરનામાથી પોમાઈ જઈ કૉંગ્રેસ નેતાઓ આમ દોડાદોડી કરે તેમાં જવાહરલાલજી તથા સુભાષબાબુને કૉંગ્રેસની કાકલૂદી જણાતી હતી. એટલે કૉંગ્રેસ કારોબારી કશો નિર્ણય કરે તે પહેલાં જ તેમણે બન્નેએ પોતાનો વિરોધ દર્શાવવા કારોબારીમાંથી રાજીનામાં આપ્યાં. ૫ં○ મોતીલાલજી પણ પાર્લમેન્ટની ચર્ચાથી બહુ ગુસ્સે થયા હતા. કેટલાક વૃત્તવિવેચકો વાઈરૉયને સૂચવવા લાગ્યા કે લાહોર કૉંગ્રેસ ભરાય તે પહેલાં તેણે એવું કાંઈક જાહેર કરવું જોઈએ, જેથી નેતાઓને એમ ન લાગે કે આપણે કૉંગ્રેસમાં ખાલી હાથે જઈએ છીએ. નરમ દળના નેતાઓ લંડનમાં ભરાનારી પરિષદને ગાળમેજી પરિષદ કહેતા હતા અને તેમાં જવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. જોકે વાઈસરૉયે પોતાના જાહેરનામામાં કે ત્યાર પછી ગોળમેજી શબ્દ વાપર્યો ન હતો. એમણે તો લંડન પરિષદ એમ જ કહ્યું હતું અને પરિષદને અંગે ખાસ કશું વચન પણ આપ્યું ન હતું. પણ સર તેજબહાદુર સપ્રુ બહુ ઈચ્છતા હતા કે વાઈસરૉય તથા ગાંધીજી અને પં○ મોતીલાલજીની મુલાકાત થાય અને તેમાંથી કાંઈક રસ્તો નીકળે. છેવટે તા. ૨૩મી ડિસેમ્બરે મુલાકાત ગોઠવાઈ. વાઈસરૉય દક્ષિણ તરફ ગયા હતા ત્યાંથી તે જ દિવસે દિલ્હી આવ્યા. તેઓ દિલ્હી આવતા હતા તે વખતે નવી દિલ્હી એક જ માઈલ રહ્યું હતું ત્યાં તેમની ટ્રેનની નીચે બૉમ્બનો ધડાકો થયો. વાઈસરૉય સહેજમાં બચી ગયા. તેમના ભોજનના સલૂનને નુકસાન થયું અને એક નોકરને ઈજા થઈ. મુલાકાતમાં ગાંધીજી અને પં○ મોતીલાલજી ઉપરાંત બીજાં દૃષ્ટિબિન્દુ રજૂ કરવા માટે જનાબ ઝીણા, સર તેજબહાદુર તથા શ્રી વિઠ્ઠલભાઈ પટેલને પણ બોલાવવામાં આવ્યા હતા. સવારમાં જ જીવને જોખમકારક અકસ્માતમાંથી પસાર થયેલા હોવા છતાં વાઈસરૉયે નેતાઓનું બહુ પ્રસન્નતાપૂર્વક, હાર્દિક સ્વાગત કર્યું. પોણો કલાક તો બૉમ્બની વાત ચાલી. પછી વાઈસરૉયે કહ્યું : ‘બોલો ક્યાંથી શરૂ કરીશું ? કેદીઓની મુક્તિનો પ્રશ્ન લઈએ ?’ ગાંધીજીએ કહ્યું કે, ‘પૂર્ણ ડુમિનિયન સ્ટેટસના પાયા ઉપર જ પરિષદનું કામ ચાલવું જોઈએ. એ બાબતની અમારે તમારી પાસેથી ખાતરી જોઈએ છે.’ વાઈસરૉયે કહ્યું કે, ‘મારા જાહેરનામામાં સરકારની જે સ્થિતિ સ્પષ્ટ કરેલી છે તેથી આગળ કશું વચન હું આપી શકું નહીં. વળી તમે ડુમિનિયન સ્ટેટસનું ચોક્કસ વચન માગો છો તે આપીને પરિષદનું આમંત્રણ આપવાની સ્થિતિમાં હું નથી.’

વાઈસરૉયે આટલી સ્પષ્ટતા કર્યા પછી કોઈ પણ જાતની વધુ આશા રાખવાનો પ્રશ્ન જ રહ્યો નહીં. સરકારની સાથે મરણિયો જંગ ખેલી લીધા વિના છૂટકો જ નથી એવી દૃઢ પ્રતીતિના વાતાવરણમાં લાહોર કૉંગ્રેસની બેઠક જવાહરલાલજીના પ્રમુખપણા નીચે થઈ, અને ગયા વર્ષની કલકત્તા કૉંંગ્રેસમાં કરેલા સંકલ્પને અનુસરીને પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ તેમાં પસાર થયો.

પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ

“વાઈસરૉય સાહેબના તા. ૩૧ મી ઑક્ટોબરના જાહેરનામાના જવાબમાં કૉંગ્રેસી અને બીજા નેતાઓએ પ્રગટ કરેલા ડુમિનિયન સ્ટેટસ બાબતના સંયુક્ત ખરીતા વિષે કારોબારીએ લીધેલા પગલાને આ કૉંગ્રેસ બહાલ રાખે છે, અને વાઈસરૉય સાહેબે સ્વરાજની રાષ્ટ્રીય હિલચાલનું સમાધાન કરવા માટે કરેલા પ્રયત્નોની કદર કરે છે.
“પણ ત્યાર પછી બનેલી સઘળી ઘટનાઓને તથા ગાંધીજી, પં○ મોતીલાલજી અને બીજા નેતાઓની વાઈસરૉય સાથે થયેલી છેલ્લી મુલાકાતને ધ્યાનમાં લઈને, આ કૉંગ્રેસનો એવો અભિપ્રાય થાય છે કે સરકારે બોલાવવા ધારેલી ગોળમેજી પરિષદમાં વર્તમાન સંજોગોમાં કૉંગ્રેસ ભાગ લે તેથી કશો લાભ થવાનો નથી.
“એટલે ગયે વર્ષે કલકત્તાની બેઠકમાં પસાર કરેલા ઠરાવને અનુસરીને આ કૉંગ્રેસ જાહેર કરે છે કે કૉંગ્રેસના બંધારણમાં સ્વરાજ શબ્દ છે તેનો અર્થ પૂર્ણસ્વાતંત્ર્ય એવો કરવો. વધુમાં આ કૉંગ્રેસ એમ જાહેર કરે છે કે નેહરુ કમિટીના રિપૉર્ટમાં આલેખેલી બંધારણની યોજના આખી હવે રદ થાય છે અને આશા રાખે છે કે હવે પછી હિંદુસ્તાન સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે તે માટે સઘળા કૉંગ્રેસીઓ પોતાની તમામ શક્તિ કેન્દ્રિત કરશે.

“સ્વાતંત્ર્યના સંગ્રામનોના વ્યૂહ રચવાના પ્રારંભિક પગલા તરીકે અને કૉંગ્રેસની નીતિ પોતાના બદલાયેલા ધ્યેયને બને તેટલી અનુરૂપ બનાવવાના હેતુથી આ કૉંગ્રેસ, કૉંગ્રેસીઓને અને રાષ્ટ્રીય હિલચાલમાં ભાગ લેતા બીજાઓને સૂચવે છે કે તેમણે ભાવી ચૂંટણીઓમાં સીધી કે આડકતરી રીતે ભાગ ન લેવો અને જે કૉંગ્રેસી ધારાસભામાં તથા તેની કમિટીઓમાં કામ કરતા હોય તેમને ફરમાન કરે છે કે તેમણે પોતાની જગ્યાઓનું રાજીનામું આપી દેવું.
“આ કૉંગ્રેસ પ્રજાને અપીલ કરે છે કે તેણે કૉંગ્રેસનો રચનાત્મક કાર્યક્રમ આગળ ધપાવવો અને મહાસમિતિને સત્તા આપે છે કે જ્યારે તેને યોગ્ય લાગે ત્યારે અમુક પસંદ કરેલાં ક્ષેત્રોમાં અથવા બીજે જરૂર જણાય તો ત્યાં પોતાને આવશ્યક લાગે એવી સાવચેતી રાખીને તેણે કાયદાના સવિનય ભંગની તથા નાકરની લડતો શરૂ કરવી.”

આમ લાહોરની કૉંગ્રેસમાં રણદુંદુભિ વાગ્યાં. જે મહાન જંગમાં સર્વસ્વનો ભોગ આપી ઝંપલાવવાનું હતું તેની એક સૂચક પૂર્વતૈયારી તરીકે સરદારે પોતાનું અમદાવાદનું ઘર કાઢી નાખ્યું. એ ઘર હતું તો ભાડાનું જ, માલકીનું નહોતું; પણ તેય કાઢી નાખી તેઓ અનિકેત બન્યા અને સારા હિંદુસ્તાનને પોતાનું ઘર માન્યું. બારડોલી સત્યાગ્રહની લડત પછી બારડોલી આશ્રમ પ્રત્યે તેમની વિશેષ મમતા બંધાઈ હતી. એટલે ગુજરાતમાં હોય ત્યારે બારડોલી આશ્રમને પોતાનું રહેવાનું મુખ્ય સ્થાન રાખતા. ’૩૦ ના આરંભથી તે ’૩૪ ની આખર સુધીનાં લડતનાં પાંચ વરસ તો સરકારની જેલ જ ઘર બની ગયું હતું. તે વખતે બારડોલી આશ્રમ પણ સરકારને કબજે પડ્યો હતો. પછીથી સરદારનું ગુજરાતમાં રહેવાનું ઓછું થતું ગયું અને સારા દેશમાં ફરવાનું આવી પડ્યું.