સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/અમદાવાદની મજૂર હડતાળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ખેડા સત્યાગ્રહ — ૨ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
અમદાવાદની મજૂર હડતાળ
નરહરિ પરીખ
સૈન્યભરતી →


.


૧૧

અમદાવાદની મજૂર હડતાળ

ખેડામાં ગાંધીજીએ જાતે તપાસ શરૂ કરી તે અરસામાં જ અમદાવાદમાં મિલમાલિકો અને મજૂરો વચ્ચે ગાંધીજીની રાહબરી નીચે એક ટૂંકી, પણ બંને પક્ષે જે મીઠાશ સચવાઈ હતી અને તેનાં આજે જે ભારે પરિણામો આવ્યાં છે તે જોતાં બહુ મહત્વની, લડાઈ થઈ ગઈ. સ્વ. મહાદેવભાઈએ એને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું છે. ગાંધીજીએ એનું સંચાલન કર્યું અને તેઓ બધો વખત હાજર હતા એટલે સરદારની એમાં સીધી જવાબદારી ન હતી. છતાં તેમાં તેમણે પૂરેપૂરો ભાગ લીધેલો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, “આ હડતાળ દરમ્યાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બૅંકરને હું સારી રીતે ઓળખતો થયો કહેવાઉં.” એટલે સરદારના જીવનચરિત્રમાં ટૂંકમાં એની હકીકત અહીં આવે તે ઉચિત જ ગણાશે.

સને ૧૯૧૭ના ચોમાસામાં અમદાવાદમાં ભયંકર પ્લેગ ચાલેલો તે વખતે મજૂરો અમદાવાદ છોડી ચાલ્યા ન જાય તે ખાતર તેમને પગારના ૭૦થી ૮૦ ટકા જેટલું પ્લેગ બોનસ આપવામાં આવેલું. પ્લેગ બંધ થયા પછી પણ તે વખતે ચાલતા યુરોપના મહાયુદ્ધને લીધે થયેલી સખ્ત મોંઘવારીને કારણે એ બોનસ ચાલુ રહ્યું. પછી જ્યારે માલિકોએ બોનસ બંધ કરવાની નોટિસ કાઢી ત્યારે સાળખાતાવાળા મજૂરોમાં ખળભળાટ થયો અને શ્રી અનસૂયાબહેનને મળી પ્લેગ બોનસને બદલે મોંઘવારીનો વધારો ઓછામાં ઓછો ૫૦ ટકા મળવો જોઈએ એવી તેમણે માગણી કરવા માંડી. સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડતી હતી તે જોઈ અમદાવાદના કલેક્ટરે તા. ૧૧-૨-’૧૮ના રોજ ગાંધીજીને કાગળ લખ્યો કે, આ ઝઘડાને લીધે અમદાવાદમાં બહુ ગંભીર સ્થિતિ ઉપન્ન થવાની વકી છે. મિલમાલિકો મિલો બંધ કરવાની ધમકી આપે છે. તેઓ કોઈની સલાહ સાંભળે તેમ હોય તો આપની જ સાંભળે એમ છે, માટે આપ વચ્ચે પડો.

ગાંધીજી કલેક્ટરને મળ્યા, મજૂરોને મળ્યા, અને મિલ એજન્ટોને મળ્યા. તેમની સાથે મસલત ચલાવીને પ્લેગ બોનસની અવેજીમાં મોંઘવારીને લીધે કેટલો વધારે કરવો વાજબી છે તે નક્કી કરવા તા. ૧૪-૨-’૧૮ના રોજ પંચ નીમવાનો ઠરાવ કરાવરાવ્યો. પંચ તરીકે ગાંધીજી, શ્રી શંકરલાલ બૅંકર અને સરદાર મજૂરો તરફથી, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ મિલમાલિકો તરફથી અને પ્રમુખ તરીકે કલેક્ટર સાહેબ નિમાયા. ત્યાર પછી કેટલીક મિલોમાં ગેરસમજથી મજૂરોએ હડતાળ પાડી. મજૂરોની ભૂલ બતાવવામાં આવી એટલે તેઓ તે સુધારવા તૈયાર થયા. પણ માલિકોએ કહ્યું કે મજૂરોએ પંચ નિમાયા છતાં હડતાળ પાળી એટલે હવે અમે પંચની વાત રદ્દ કરીએ છીએ. તેની સાથે તેઓએ એવો ઠરાવ કર્યો કે જે મજૂરો ૨૦ ટકા વધારાથી ન રહેવા ઈચ્છતા હોય તેમને રજા આપવી. સાળખાતાવાળાએ એટલો વધારો કબૂલ ન કર્યો એટલે માલિકોએ તા. ૨૨-૨-’૧૮થી તેમનો ‘લોકઆઉટ’ (કામબંધી) શરૂ કર્યો. મજૂર તરફના પંચોને એમ લાગ્યું કે મજૂરો યોગ્ય વધારો શો માગી શકે એ બાબત સલાહ આપવાની તેમની ફરજ છે. તેઓએ માલિકો તથા મજૂરોનું હિત વિચારી તથા તમામ પરિસ્થિતિની તપાસ કરી ૩૫ ટકાનો વધારો યોગ્ય છે એમ નક્કી કર્યું. મજૂરોને આ પ્રમાણે સલાહ આપતાં પહેલાં માલિકોને પોતાના આ અભિપ્રાયની ખબર આપીને તે બાબતમાં કાંઈ કહેવું હોય તો કહેવા માલિકોને જણાવ્યું. પણ માલિકોએ પોતાનો વિચાર જણાવ્યો નહીં. એટલે મજૂરોને ૩૫ ટકા વધારો માગવાની સલાહ આપી. તે તેમણે સ્વીકારી અને નિશ્ચય કર્યો કે ૩૫ ટકા વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું. આમ લડત શરૂ થઈ. ગાંધીજીએ રોજ પત્રિકાઓ કાઢીને તથા મજૂરોની સભામાં તે પત્રિકા વાંચી સંભળાવીને તથા તેના ઉપર વિવેચન કરીને મજૂરોને ટેકની, સંપની, હિંમતની, મજૂરીની પ્રતિષ્ઠાની, મૂડી કરતાં પણ મજૂરીના વધારે મહત્ત્વની તથા પ્રતિજ્ઞાની પવિત્રતા અને ગંભીરતાની કેળવણી આપવા માંડી અને એ રીતે લડતને ધાર્મિક સ્વરૂપ આપવાના ઉપાયો યોજવા માંડ્યા.

તા. ૧૩-૩-’૧૮ના રોજ મિલમાલિકોએ કામબંધી (લોકઆઉટ) ખોલી નાખી અને ૨૦ ટકા વધારો લઈને કામે ચઢવા ઈચ્છતા હોય તે મજૂરોને દાખલ કરવામાં આવશે એવું જાહેર કર્યું. તે દિવસથી મજદૂરોની હડતાળ શરૂ થઈ. કારણ તેમનો તો નિશ્ચય હતો કે ૩પ ટકા વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું. બીજી તરફથી મજૂરોને ફોડવાની, ફોસલાવવાની, ઉશ્કેરવાની, એવી અનેક તજવીજો માલિકોના પક્ષ તરફથી થતી હતી. મજૂર પક્ષના મિત્રો મજૂરો માટે ફંડ ઊભાં કરીને તેમને આર્થિક મદદ આપવાની સૂચના કરવા લાગ્યા. એ સૌ હિતૈષીઓને ગાંધીજી કહેતા: “મજૂરોને પૈસા આપીને તમે સત્યાગ્રહ કરાવશો, અથવા તમે પૈસા આપીને તેમને ટકાવી રાખશો એવી આશાથી મજૂરો આ લડતમાં પડ્યા હશે તો તેમાં સત્યાગ્રહ શો? સત્યાગ્રહનું મહત્ત્વ શું? સત્યાગ્રહનું રહસ્ય તો રાજીખુશીથી દુ:ખ ખમી લેવામાં રહેલું છે. સત્યાગ્રહી જેટલું દુઃખ વધારે ખમે તેટલી તેની વધારે કસોટી થાય છે.” મજૂરોને પણ કહેતા કે, “તમે પરસેવો પાડીને પૈસા રળ્યા છો તે કદી કોઈની પાસે મફત પૈસો લેવા હાથ લાંબો ન કરશો. એમાં તમારી ઈજ્જત નથી. તમે પારકાને પૈસે લડ્યા એમ કહીને જગત તમારી હાંસી કરશે.” લડત લંબાતી ગઈ તેમ મજૂરોને ખાવાના સાંસા પડવા લાગ્યા. એવાઓને માટે કાંઈ કાંઈ કામ શોધવામાં આવ્યાં. એક પત્રિકામાં ગાંધીજીએ મજૂરોને વચન આપ્યું હતું કે, “આ લડતમાં જેઓ ભૂખે મરવાની સ્થિતિમાં આવી પડશે ને જેઓને કાંઈ કામ મળી નહી શકે એવાને ઓઢાડ્યા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવીને અમે ખાઈશું.” થોડા જ દિવસમાં આ વચનો અમલમાં ઉતારવાનો પ્રસંગ આવ્યો. ગાંધીજીને કાને ટીકાની વાતો આવી કે, “ગાંધીજી અને અનસૂયાબહેનને શું? તેઓને મોટરમાં આવવાનું અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું. પણ અમારા તો જીવ જવા માંડ્યા.” આ સાંભળી ગાંધીજીનું હૈયું વીંધાઈ ગયું. તેવીસમે દિવસે સવારે સભામાં ગયા ત્યારે અગાઉથી દુઃખી થયેલા હૃદયે અને તેમની કરુણાર્દ્ર દૃષ્ટિએ શું જોયું? આ રહ્યા તેમના જ શબ્દો: “પોતાના મુખ ઉપર ઝળકી રહેલા અડગ આત્મનિશ્ચયવાળાં હંમેશ નજરે પડતાં પાંચ દસ હજાર મનુષ્યોને બદલે નિરાશાથી ખિન્ન મુખવાળાં એકાદ હજાર માણસો મેં જોયાં.” એક ક્ષણમાં અંતરને સંકલ્પ થઈ ગયો અને હાજર સભાજનોને તેમણે કહી દીધું કે, “તમારી પ્રતિજ્ઞામાંથી તમે ચળો એ ક્ષણભર પણ મારાથી સહ્યું જાય એમ નથી. તમને ૩૫ ટકા વધારો ન મળે અથવા તો તમે બધાયે પડી ન જાઓ ત્યાં સુધી હું આહાર લેવાનો નથી કે મોટર વાપરવાનો નથી.” આની વીજળીક અસર થઈ. જે મજૂરો સભામાં નહોતા આવ્યા તે પણ મક્કમ થઈ ગયા. મિલમાલિકો ઉપર પણ ગાંધીજીના આ ઉગ્ર નિશ્ચયની જબરી અસર થઈ. જોકે તેમને લાગતું હતું કે એક વાર મજૂરોની વાત આપણે માનીશું તો તેઓ માથે ચઢી વાગશે. છતાં ગાંધીજી પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ ઘણા માલિકોનાં દિલમાં હતો. તેઓ આવીને કહેવા લાગ્યા કે, “આ વખતે તમારી ખાતર અમે મજૂરોને ૩પ ટકા આપીએ.” ગાંધીજી એમ કરવાની ચોખ્ખી ના પાડતા અને કહેતા કે, “મારી દયા ખાઈ ને નહીં, પણ મજૂરોની પ્રતિજ્ઞાને માન આપીને, તેઓને ન્યાય આપવાની ખાતર ૩૫ ટકા આપો.” છતાં પોતાના ઉપવાસથી માલિકો ઉપર દબાણ થાય છે અને એ રીતે આ ઉપવાસમાં દોષ રહેલો છે એ વાત ગાંધીજીના મનમાંથી ખસતી નહોતી. એક તરફથી દસ હજાર મજદૂરોની પ્રતિજ્ઞા તૂટે તેથી થતા નૈતિક અધઃપતનને રોકવાની વાત હતી, અને બીજી તરફથી માલિકો ઉપર થતા દબાણનો દોષ આવતો હતો. એ દોષ તેમણે વહોરી લીધો અને માલિકોના જાણે ગુનેગાર હોય તેમ રાંક થઈને તેમની સાથે વાટાઘાટો કરવા માંડી. માલિકોની કહેવાતી પ્રતિજ્ઞા જાળવવાના કૃત્રિમ ઉપાયો સ્વીકારવા તૈયાર થયા અને મજૂરોની પ્રતિજ્ઞાનો અક્ષર જળવાય તો પછી પંચ કહે તે મજૂરો કબૂલ રાખશે એમ તેમણે સ્વીકારી લીધું. એટલે ઉપવાસને ચોથે દિવસે તા. ૧૯-૩-’૧૮ના રોજ સવારે સમાધાન થયું કે મજૂરોની પ્રતિજ્ઞા જાળવવા પહેલે દિવસે ૩૫ ટકા વધારે આપવામાં આવે, માલિકોની પ્રતિજ્ઞા જાળવવા બીજે દિવસે ર૦ ટકા વધારો આપવામાં આવે અને ત્રીજા દિવસથી મજુરો અને માલિકોએ નીમેલા પંચ ઠરાવે તેટલા ટકા વધારો આપવામાં આવે. પંચ તરીકે બંને પક્ષને માન્ય એવા આચાર્ય આનંદશંકર ધ્રુવને નીમવામાં આવ્યા. તેઓ ત્રણ જ દિવસમાં નિર્ણય કરી શકે નહીં એટલે નિર્ણય માટે ત્રણ મહિનાની મુદત ઠરાવવામાં આવી, અને એટલા વચગાળાના વખતમાં મજૂરોને ૨૭ાા ટકા વધારો આપવો અને પંચનો નિર્ણય આવ્યે વધઘટ એકબીજાને મજરે આપવી એમ ઠર્યું. પણ પંચને તપાસમાં ઊતરવાની જરૂર જ પડી નહીં. કારણ સંજોગો એવા ઉપસ્થિત થયા કે પંચનો નિર્ણય આવે તે પહેલાં માલિકોએ મજૂરો સાથે અંદર અંદર સમજૂત કરીને લગભગ ૫૦ ટકા વધારો આપવા માંડ્યો હતો. એટલે શ્રી આનંદશંકરભાઈએ વ્યાવહારિક ન્યાય તોળીને માલિકોએ જેટલા દિવસ ૨૭ાા ટકા આપ્યા હોય તેટલા દિવસના ૭ાા ટકા વધારે મજૂરોને મજરે આપવા એમ ઠરાવ્યું. આમ બંને પક્ષ વચ્ચે ખૂબ મીઠાશથી આ લડત પૂરી થઈ.

અને તેનાં પરિણામ બહુ સુંદર આવ્યાં છે તે આજે આપણે જોઈ શકીએ છીએ. આ લડતમાં પંચની લવાદી મારફત બે પક્ષ વચ્ચેના ઝઘડાનો નિવેડો લાવવાના તત્ત્વનું જે બીજારોપણ થયું તેને ગાંધીજીએ જતન કરીને ઉછેર્યું અને તેમાં મિલમાલિક મંડળે તથા મજૂર મહાજન સંઘે સારો સાથ આપ્યો. એને પરિણામે જ અમદાવાદનો મજૂર મહાજન સંઘ હિંદુસ્તાનમાં એક અદ્વિતીય સંસ્થા બન્યો છે. આજે મજૂરો આગળ અમુક પગારવધારો કે અમુક સગવડો મેળવવાનું જ ધ્યેય નથી રહ્યું પણ મૂડી જેમ ધન છે, તેમ મજૂરી પણ ધન છે, બલ્કે વધારે કીમતી ધન છે એમ મજૂરો સમજ્યા લાગે છે અને એ સમજમાંથી મિલોના વહીવટમાં સુદ્ધાં કહેવાતા માલિકોની સાથે સરખો હિસ્સો મેળવવાની ભાવનાનો ઉદય થયો છે.