લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ખેડા સત્યાગ્રહ — ૨

વિકિસ્રોતમાંથી
← ખેડા સત્યાગ્રહ — ૧ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ખેડા સત્યાગ્રહ — ૨
નરહરિ પરીખ
અમદાવાદની મજૂર હડતાળ →


.


૧૦

ખેડા સત્યાગ્રહ – ૨

લડત

તા. ૨૨મી માર્ચે સાંજે છ વાગ્યે ખેડા જિલ્લાના તમામ ખેડૂતોની એક મોટી સભા નડિયાદમાં થઈ તેમાં સત્યાગ્રહની લડતનું મંગલાચરણ કરતાં ગાંધીજીએ એક પ્રેરક અને ભવ્ય ભાષણ કર્યું. અહીં તેમાંથી થોડાક ફકરા આપ્યા છે:

“આ જિલ્લો ઘણો સુંદર છે. લોકો પાસે દોલત છે. જિલ્લામાં લીલોતરી અને સુંદર વૃક્ષો છે. બિહાર સિવાય આવાં સુંદર વૃક્ષ મેં બીજે જોયા નથી. બિહારને કુદરતે સુંદરતા આપી છે. પણ આ જિલ્લાએ તો ખેડૂતોની જાતમહેનત અને ખંતથી સુંદરતા મેળવી છે. આ જિલ્લાના ખેડૂતો બહુ હોશિયાર અને ઉદ્યોગી છે. તેમણે પોતાના પ્રદેશમાં સુંદર ઉપવન સર્જ્યું છે. તે માટે અભિમાન લેવા જેવું છે. આમ હોવા છતાં એમ નથી ઠરતું કે પાક ન થયો હોય છતાં લોકોએ મહેસૂલ ભરવું જોઈએ. સરકારની આકરી મહેસૂલનીતિથી આવા ઉદ્યોગી લોકો ઘસાતા જાય છે અને ઘણાને ખેતી છોડી મજૂરી કરવાનો દહાડો આવ્યો છે.
“ખરી રીતે તો પાક થાય તેમાંથી વિઘોટી ભરવાની છે. પાક ન થયો હોય છતાં સરકાર દબાણ કરી વિઘોટી લે એ અસહ્ય છે. પણ આ દેશમાં તો નિયમ થઈ ગયો છે કે સરકારનો કક્કો જ ખરો થવો જોઈએ. લોકો ગમે તેટલા સાચા હોય છતાં તેમની વાત ન માની સરકારને પેાતાનું જ ધાર્યું કરવું છે. પણ ખરો તો ન્યાયનો કક્કો રહે. તેની આગળ અન્યાયનો કક્કો ફેરવવો પડે. . . . મહેસૂલ મુલતવી રખાવી એક વર્ષના વ્યાજના બચાવ માટે હજારો લોકો જૂઠું બોલે એ માનવા જેવું નથી સરકાર એમ કહે એ આપણું અપમાન છે. માટે મારી સલાહ છે કે આપણી માગણી સરકાર કબૂલ ન કરે તો આપણે સરકારને કહેવું જોઈએ કે અમે મહેસૂલ ભરવાના નથી, તે માટે અમારે જે સહન કરવું પડશે તે ભોગવી લેવા તૈયાર છીએ.
“શું દુ:ખ આવવાનું છે તેનો આપણે ખ્યાલ કરી લેવો જોઈએ. સરકાર આપણાં ઢોરઢાંખર અને સરસામાન વેચીને વિઘોટી વસૂલ કરે, ચોથાઈ દંડ લે, સનંદિયા જમીન ખાલસા કરે અને લોકો દાંડાઈ કરે છે એમ કહી કેદમાં નાખે. દાંડાઈ શબ્દ સરકારનો છે. એ મને બહુ અળખામણો લાગે છે. જે સાચું કહે તેને દાંડ કેમ કહેવાય? એ દાંડ નથી પણ બહાદુર છે. સારી સ્થિતિવાળા પાસે પૈસા છતાં પોતાના ખેતરમાં ન પાક્યું હોય
તેથી અને ગરીબના રક્ષણ ખાતર પોતાનું મહેસૂલ ન ભરે તેમા દાંડાઈ નથી પણ બહાદુરી છે. આમ કરતાં ઘરબાર ખોવાં પડે તો તે ખુએ એ જ માણસ આ વ્રત લઈ શકે છે.
“લોકો પ્રતિજ્ઞા લઈને તોડે અને ઈશ્વરથી વિમુખ થાય એ મને અસહ્ય છે. તમે ખોટી પ્રતિજ્ઞા લો તો મને અત્યંત દુ:ખ થાય, મારે ઉપવાસ કરવા પડે. મને ઉપવાસથી એટલું દુ:ખ નથી થતું, જેટલું લોકો મને છેતરે, પોતાની પ્રતિજ્ઞા તોડે તેથી થાય છે. સત્યાગ્રહમાં પ્રતિજ્ઞા સૌથી કીમતી છે. તે જાળવવી જ જોઈએ. ઈશ્વરને નામે લીધેલી પ્રતિજ્ઞા તોડી શકાય જ નહીં. હજારો માણસોની પ્રતિજ્ઞા મારે ભોગે પળાતી હોય તો આ દેહ જાય તો પણ ભલે. પ્રતિજ્ઞા ન લે તેનું મને દુઃખ નથી પણ લીધા પછી પ્રતિજ્ઞા તોડીને મને આઘાત પહોંચાડે તેના કરતાં રાત્રે આવી મારી ગરદન કાપે એ ઠીક. મારી ગરદન કાપનારને માફ કરવા હું ઈશ્વરને કહું, પરંતુ પ્રતિજ્ઞા તોડનારને માટે હું માફી માગી શકું નહીં. માટે જે નિર્ણય કરો તે સાવધ થઈને કરજો. પોતાના નિશ્ચયને વળગી રહેનાર પ્રજા ચઢશે. ત્યારે સરકાર પણ તેને માન આપશે. તે જાણશે કે આ પ્રજા પ્રતિજ્ઞા પાળનાર છે. પ્રતિજ્ઞા તોડનાર નથી દેશને કામનો, નથી સરકારને કામનો કે નથી ઈશ્વરને કામનો.”

તે જ દિવસે લગભગ બસો માણસોએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી કરી. પછી તો દિનપ્રતિદિન પ્રતિજ્ઞા લેનારની સંખ્યા વધતી ગઈ.

બીજે જ દિવસે એક રમૂજી કિસ્સો બન્યો. ક૫ડવંજ તાલુકાનાં ગામડાંમાં ફરી લડતનો પ્રચાર કરનાર એક સ્વંયસેવક શાહ ભૂલાભાઈ રૂપજી ઉપર મામલતદારે હુકમ કાઢ્યો:

“વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરવા બદલ સને ૧૮૭૯ના લૅન્ડ રેવન્યુ કોડની કલમ ૧૮૯ મુજબ જવાબ આપવા કચેરીમાં તા. ૨૬-૩-’૧૮ના રોજ હાજર થવું.”

શાહ ભૂલાભાઈ ઠરાવને દિવસે વખતસર મામલતદારની કચેરીમાં હાજર થયા. કામ નીકળતાં સરદાર એમના બૅરિસ્ટર તરીકે ઊભા રહ્યા અને ભૂલાભાઈ પાસે નીચે પ્રમાણે જવાબ રજૂ કરાવ્યો:

“ . . . સમન્સમાં જણાવવામાં આવે છે કે વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરો છો. પણ મેં કાઈને ખોટી સલાહ આપી નથી, તેમ જ કોઈને ખોટા ઉશ્કેર્યા નથી. લોકો કોઈ રીતે ખોટું સમજ્યા હોય અગર ઉશ્કેરાયા હોય એમ બન્યું નથી. હું લોકોને તદ્દન વાજબી અને સાચી સલાહ આપું છું. મારા ગામનો પાક ચાર આનીથી ઓછો થયેલ છે, અને તેથી સરકારના નિયમને આધારે મારા ગામના લોકો જમીનમહેસૂલ નહીં ભરવાને હકદાર છે.

“મહાત્મા ગાંધીજીએ તા. ૨૨મી માર્ચના રોજ ખેડા જિલ્લાના ખેડૂતોની એક મોટી સભા ભરી બધાને ખુલ્લી રીતે સલાહ આપી છે કે પોતાનું સ્વમાન જાળવવાની ખાતર, તેમ રૈયત જૂઠું નથી બોલતી તે સાબિત કરવાની ખાતર લોકોએ પાતાની ખુશીથી પૈસા ભરવા નહીં એ જરૂરનું છે. એ સલાહ વાજબી છે એમ હું માનું છું. લોકોને એવી સલાહ આપવી એ મારી ફરજ છે એમ હું સમજું છું. તેથી એ પ્રમાણે લોકોને સલાહ આપું છું. તેમાં કાયદાનો કે નીતિનો ભંગ થતો હોય એમ સમજી શકાતું નથી. છતાં કાયદાનો ભંગ થતો હોય તો તેની શિક્ષા ભોગવવા ખુશી છું. માટે આપને યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવવા કૃપા કરશો. મારે આપને જણાવવું જોઈએ કે જે કલમને આધારે આપે સમન્સ કાઢ્યો છે તે કલમ આ કામને બિલકુલ લાગુ પડતી નથી. પણ તે આપ ન જાણતા હો એમ મારાથી કેમ માની શકાય? છતાં આપે મને આમંત્રણ આપ્યું તે માટે આપનો આભારી છું અને હવે વિશેષ આભારી કરશો એ આપના અધિકારની વાત છે.”

મામલતદાર તો સરદારને ભૂલાભાઈ તરફથી ઊભા રહેલા જોઈને અને આ જવાબ વાંચીને ઠંડા જ થઈ ગયા અને તરત જ કહ્યું કે: “આમાં ગુનો થતો નથી માટે તમને રજા છે.”

એટલે સરદારે ભૂલાભાઈ પાસે પુછાવ્યું કે: “જમીનમહેસૂલ ન ભરશો એવું કહેવામાં હવે તમને ગુનો નથી લાગતો ને?”

મામલતદાર: “હા ભાઈ હા. તમને ગમે તે કહેજો.”

આમ કહ્યા છતાં સરદાર અને ભૂલાભાઈના ગયા પછી મામલતદારે જવાબની તળે નીચે પ્રમાણે શેરો કર્યો, તે પાછળથી જાણવામાં આવ્યું:

“શા. ભૂલા રૂપજી બેરિસ્ટર મિ. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સાથે હાજર થયા છે અને પોતાની લેખી હકીકત રજૂ કરી છે. તે વાંચતાં તે હોમરૂલ લીગનો મેમ્બર જણાય છે. તેને વસૂલાતના કામમાં આડે નહીં આવવા સમજૂત કરી, જવા રજા આપી, સબબ દફતરે.”

પછી આ લડત પોતાને શા કારણે અને કેવા સંજોગોમાં શરૂ કરવી પડી છે અને સરકાર સાથે મતભેદના મુદ્દા કયા છે એ બધાનો ખેડા જિલ્લા બહારના લોકોને સ્પષ્ટ ખ્યાલ આપવા માટે ગાંધીજીએ છાપાં જોગું એક વિસ્તૃત નિવેદન પ્રગટ કર્યું. તેમાં છેવટના ભાગમાં જણાવ્યું કે:

“મહેસૂલી કાયદો અધિકારીઓને અમર્યાદિત સત્તા આપે છે. મહેસૂલી ખાતાના અધિકારીઓના નિર્ણય સામે દાદ માગવાનો પણ પ્રજાને હક નથી. આ સંજોગોમાં પ્રજા સિદ્ધાંતની ખાતર અને અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ખાતર લડે છે. . . .

“ખેડાના ખેડૂતોએ ન્યાય અને સત્યની લડત લડવાને હામ ભીડી છે. તેમને મદદ કરવાની પત્રકારોને અને પ્રજાકીય આગેવાનોને વિનંતી કરવાની રજા લઉં છું. વાચકોએ એ પણ યાદ રાખવું જોઈએ કે ખેડા જિલ્લાની પ્રજાનો આ વર્ષે પ્લેગે ઘાણ કાઢી નાખ્યો છે. હાલમાં પણ લોકો ગામબહાર ખેતરોમાં ખાસ ઊભા કરેલા માંડવાઓમાં રહે છે. . . . ભાવો ચઢી ગયા છે, પણ કશું પાક્યું નથી એટલે ખેડૂતોને ચઢેલા ભાવોનો કશો લાભ મળતો નથી અને મોંઘવારીના દરેક ગેરલાભ તેમને વેઠવા પડે છે. છતાં તેઓને નાણાંની મદદની જરૂર નથી. તેઓ તો એકે અવાજે આખી જનતાનો ટેકો અને સહાનુભૂતિ માગે છે.”

પછી તરત જ ઇંદોરમાં હિંદી સાહિત્ય સંમેલનના પોતે પ્રમુખ નિમાયેલા હોવાથી થોડા દિવસ તેમને ત્યાં જવું પડ્યું. તેઓની ગેરહાજરીમાં સરદાર બધું કામ સંભાળતા હતા. તા. ૩૦ માર્ચના રોજ ખેડા જિલ્લાના ખેડૂતોની બીજી એક મોટી સભા નડિયાદમાં બોલાવવામાં આવી. તેમાં મુંબઈની હોમરૂલ લીગના ઘણા આગેવાન સભ્યોએ હાજરી આપી. એ સભાના પ્રમુખપદેથી સરદારે આપેલા ભાષણમાંથી કેટલાક ઉદ્‌ગારો અહીં નોંધીશુ:

“આ લડતમાંથી આખો દેશ સળગી ઊઠશે. દુ:ખ સહન કર્યા વગર સુખ મળતું નથી. અને મળે તો લાંબો વખત ટકતું નથી. મજબૂત અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે. નાલાયક અને બીકણ પ્રજાની વફાદારીમાં માલ નથી. નીડર અને સ્વમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને શોભા આપનારી છે. . . .
“તેવીસ લાખના મહેસૂલમાંથી પોણાબે લાખની રકમ મુલતવી રાખવામાં આવી છે. વળી પહેલો હપ્તો ઘણાખરો ભરાઈ ગયો છે. એટલે બાકી દસેક લાખ રહે. આટલી રકમ મુંબઈ કે ગુજરાતમાં ઉઘરાણું કરી ભેગી કરી સરકારને ભરી દઈએ તો લોકોને રાહત મળે અને સરકાર તરફથી થતી હાડમારીઓમાંથી બચાય. આવો વિચાર કેટલાકને થતો હશે.*[] પણ જે વીર પુરુષે આ લડત ઉઠાવી છે, તે નામર્દને મરદ બનાવે એવા છે, અને ખેડા જિલ્લો હિંદમાં વીર પુરુષની ભૂમિ છે. તેઓ આવી મદદનો વિચાર પણ ન કરે. પૈસાની મદદથી ખરો લાભ ન થાય. તેથી કાંઈ ખરું દુઃખ ન ટળે. એક વખત દુઃખ ઉઠાવી સરકારની પદ્ધતિ ફેરવીશું તો જ હંમેશનું દુઃખ ટળશે.”

આ લડતનું મૂળ રોપવામાં શ્રી મોહનલાલ પંડ્યાની સાથે શ્રી શંકરલાલ પરીખનો પણ હાથ હતો. તેઓ શરૂથી તે આખર સુધી લડતમાં સામેલ રહ્યા હતા. આ જ અરસામાં શંકરલાલની જાણ બહાર તેમની જમીનનું મહેસૂલ તેમના ખેડૂતને સમજાવી, દબાવીને ગામના મુખીએ ભરાવી દીધું અને સરકારી દફતરે તે શ્રી શંકરલાલને નામે જમા થયું. શંકરલાલે બનેલી હકીકત અતિશય દુઃખ સાથે ગાંધીજીને કહી. તેમને પણ દુઃખ થયું. તેમને થયું કે આ વસ્તુનો બહુ અનર્થ થશે. તેમણે શંકરલાલને કહ્યું કે, “તમારું મહેસૂલ ગમે તે રીતે ભરાયું હોય પણ આથી તમારી પ્રતિજ્ઞાપાલનમાં દોષ તો આવે જ છે એમ મને લાગે છે. માટે દોષમુક્ત થવાનો ઉપાય એ જ કે એ જમીન તમારે ગામને સાર્વજનિક ઉપયોગ માટે ધર્માદા આપી દેવી.” શંકરલાલે આ સલાહ માની જમીન ગામને આપી દઈ પોતાની ગફલતના દોષનું નિવારણ કર્યું.

ગાંધીજી જ્યારે ઈંદોર ગયા હતા ત્યારે વડથલના કેટલાક આગેવાનોની હજાર રૂપિયાની કિંમતની જમીન થોડાક રૂપિયાના મહેસૂલ માટે ખાલસા કરવામાં આવી. ગાંધીજીએ આવીને તેમને સલાહ આપી કે જાણે ખાલસાની નોટિસો તમારા ઉપર બજી જ નથી એમ માનીને તમે ખેતરોમાં જે કામ કરતા હો તે કર્યાં કરો. અમલદારોએ ધારેલું કે ખાલસાથી ડરી જઈ ખેડૂતો ખુશામત કરતા અને સલામો ભરતા મહેસૂલ ભરવા આવશે. પણ આ ખેડૂતોએ તો ખાલસાની નોટિસોને ગણકારી જ નહીં અને ઊલટા વધારે મક્કમ બન્યા. એટલે અમલદારોએ ખાલસાની નોટિસો આપેલી હોવા છતાં એ આસામીઓને ત્યાં જપ્તીઓ કરીને મહેસૂલ વસૂલ કર્યું.

સરકારી અમલદારોનો જપ્તીનો સપાટો વધતો જતો હતો. બીજી તરફથી ગાંધીજી, સરદાર અને બીજા કાયકર્તાઓ ગામડે ગામડે ફરી લોકોને હિંમત આપી રહ્યા હતા, અને તેમની પ્રતિજ્ઞાની બાબતમાં જાગ્રત રાખતા હતા. ખેડા

જિલ્લાની પ્રજાને અને ગુજરાતના કાર્યકર્તાઓને માટે આ કીમતી તાલીમ હતી. સરદારમાં નેતાગીરીના ગુણો જન્મથી જ હતા પણ આ લડતમાં તો તેમણે ખરેખરી સિપાહીગીરી બજાવી હતી. તેઓ ના છૂટકે જ બોલતા. ગાંધીજી કેવી રીતે સરકારી અમલદારો સાથે પત્રવહેવાર ચલાવે છે તથા વાતચીત કરે છે, કેવી રીતે પ્રજાને કસે છે અને ચઢાવે છે અને તીવ્રમાં તીવ્ર લડત ચાલતી હોય ત્યારે પણ સમાધાનીના પ્રયત્ન તો ચાલુ જ રાખે છે, તેની એક પણ તક જવા દેતા નથી એ બધું પોતાની તીક્ષ્ણ નજરથી તેઓ નિહાળતા હતા. આ લડતમાં મળેલી દીક્ષા અને પદાર્થપાઠથી થોડાં જ વર્ષોમાં ગાંધીજીને ગુજરાતને વિષે તેઓ બિલકુલ નિશ્ચિંત કરી શક્યા. બીજી તરફથી ગાંધીજી પણ સરદારને બારીકાઈથી નિહાળી રહ્યા હતા. તા. ૪ થી એપ્રિલના રોજ કરમસદની સભામાં ગાંધીજીએ કાઢેલા નીચેના ઉદ્‌ગારો આ વસ્તુની આપણને પ્રતીતિ કરાવે છે :

“આ ગામ વલ્લભભાઈનું છે. વલ્લભભાઈ જોકે હજી ભઠ્ઠીમાં છે. એમણે સારી રીતે તપવાનું છે. મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.”

આ સભામાં પ્રતિજ્ઞા ઉપર ખેડૂતોની સહીઓ લેવાનું કામ ચાલતું હતું તે દરમિયાન ગાંધીજીએ કહ્યું કે, કોઈને કાંઈ શંકા હોય અને પૂછવું હોય તો પૂછો. એક જણે કહ્યું કે, ગામમાં વિરુદ્ધ પક્ષના કેટલાક એવા છે કે જેઓ સરકાર જમીન વેચે તેની રાહ જોઈને જ બેઠા છે અને હરાજી થયે તરત લઈ લેશે. ગાંધીજીએ જવાબ આપ્યો તે બહુ સૂચક છે. જમીન ઉપર સરકારનો હક કેટલો અને ખેડૂતનો હક કેટલો તે વિષે કાયદામાં ગમે તે લખ્યું હોય, પણ તે બાબત ગાંધીજીની લાગણી કેટલી તીવ્ર હતી તે એમાં વ્યક્ત થાય છે:

“ભીખ માગતા થવાની તો આ લડત છે. બદદાનત રાખીને જે આપણી જમીન ઉપર ટાંપીને બેઠા છે, તેઓ તે લઈને પચાવી શકવાના નથી. સરકાર પણ જમીન ઉપર હાથ નાખશે ત્યારે આપણે તેની સામે બહારવટું લેવાનું છે. થોડા રૂપિયાના મહેસૂલ માટે સરકાર હજારો રૂપિયાની જમીન લેશે તો તે એને પચી શકવાની નથી. આ લૂંટફાટનું રાજ્ય નથી પણ ન્યાયનું છે.*[] આ રાજ્ય જે દિવસે ઇરાદાપૂર્વક લૂંટફાટનું છે, એમ મને ખબર પડશે, તે દિવસે હું બેવફા છું એમ માનજો. આપણી જમીન જશે તો આપણે શું કરવું, એ ધાસ્તી શું કરવા જોઈએ ? એ જમીન કેમે કરી કોઈ વેચાવી શકવાનું નથી.”

સરદારને પોતાના વતન કરમસદના કુસંપની વાત સાંભળી બહુ દુઃખ થયું. તે તેમણે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું:

“ગામની અત્યારની સ્થિતિ જોઈને મારા નાનપણના દિવસો મને યાદ આવે છે. તે વખતે અહીંના ઘરડેરાઓનો એટલો માનમરતબો હતો કે અમલદારો તેમની સામે આવીને બેસતા અને પાછળ પાછળ ચાલતા. આજે તમારામાં બીક પેસી ગયેલી જોઈ ને મારું હૃદય કંપે છે. પણ આપણામાં કુસંપ પેઠો છે. આ પ્રસંગે કુસંપ નહીં કાઢીએ તો ક્યારે કાઢીશું ? પ્રભુ તમારી ટેક રાખે.”

કમિશનર મિ. પ્રૅટને વિચાર આવ્યો કે ખેડૂતોની કાયદામાં શી સ્થિતિ છે અને સરકાર કેટલી રહેમદિલ છે એ લોકોને હું રૂબરૂ સમજાવું તો તેઓ અવળે રસ્તે ચઢી ગયા છે ત્યાંથી તેમને પાછા વાળી શકું. પણ તેઓ કે જિલ્લાના અધિકારીઓ સભા બોલાવે તો તેમાં આવે કોણ ? સરકારના આટઆટલા જુલમ અને નીચલા અમલદારોની પાર વિનાની અવળચંડાઈઓ છતાં ગાંધીજી તો પોતાનું કામ બિલકુલ દ્વેષ વિના અને અતિશય સદ્‌ભાવપૂર્વક કરતા હતા, અને આ લડતને અંગે મિ. પ્રૅટને ઘણી વાર તેમને મળવાનું થયું હતું એટલે મિ. પ્રૅટ એ વસ્તુ સમજી ગયા હતા. પોતાની મીટિંગ માટે જિલ્લાના લોકોને ભેગા કરી આપવાની તેમણે ગાંધીજી પાસે માગણી કરી અને ગાંધીજીએ પત્રિકા કાઢી આખા જિલ્લાના લોકોને કમિશનરની મીટિંગમાં હાજર રહેવા સલાહ આપી.

તા. ૧રમી એપ્રિલના રોજ નડિયાદ મુકામે મામલતદારની કચેરીના મેદાનમાં સાંજના ત્રણ વાગ્યે જિલ્લાના મુખ્ય મુખ્ય એવા લગભગ બે હજાર ખેડૂતોની સભા થઈ. તેમાં જિલ્લા કલેક્ટર તથા બધા તાલુકાના મામલતદારો તથા બીજા સરકારી નોકરો હાજર થયા. ગાંધીજી પોતે તો સભામાં ન ગયા પણ સરદાર અને બીજા કાર્યકર્તાઓને મોકલ્યા. કમિશનરે પોતાની કાલી કાલી ગુજરાતી ભાષામાં બહુ લાંબું ભાષણ કર્યું. અહીં તેનો મહત્વનો ભાગ આપ્યો છે :

“મારી વાત સાંભળીને ધ્યાનમાં લઈ ઘેર જશો ત્યારે ગામમાં મહેરબાની કરી પ્રસિદ્ધ કરશો કે જેથી આખા જિલ્લામાં માહિતી ફેલાય. કારણ એ છે કે હું હમણાં બોલું છું તે કાંઈ તમારે માટે જ નહીં પણ આખા જિલ્લાને માટે છે.
“તમોને મહે. ગાંધી સાહેબે — શ્રીયુત મહાત્મા ગાંધીજીએ અને મહે. વલ્લભભાઈ સાહેબે તથા તેમની સાથે જે ગૃહસ્થો કામ કરે છે તેમણે બહુ સલાહ આપેલી છે, ગામેગામ ફરીને ભાષણો કરેલાં છે. આજે મહેરબાની કરી અમારું ભાષણ સાંભળો.
“ખેડૂત લોકોના હક એવા છે કે જમીન તમારા કબજા ભોગવટામાં વંશપરંપરા રાખી શકો. તેની સાથે તમારી ફરજ છે કે કાયદા પ્રમાણે જે આકાર બાંધેલો છે તે તમારે ભરવો. તે ફરજ પાળવાની શરત ઉપર તમારી જમીન કબજા ભોગવટામાં રાખી શકશે. . . . સરકાર આકાર બેસાડે છે. તેના અમલદારો બેસાડે છે. એમાં વકીલનો કે બૅરિસ્ટરનો હાથ નથી. આકાર બાંધવામાં સરકાર સિવાય બીજી સત્તા નથી. તેની દીવાની કૉર્ટમાં તકરાર જઈ શકશે નહીં. આકાર વધારે છે કહીને કોઈ દાવો લાવશે તે ચાલશે નહીં. . . . ખેડૂત લોકોને કાયદેસર હક નથી કે માગણી કરે કે તકરાર કરે કે આકાર મુલતવી રાખવો જોઈએ. એ બાબત અમારો હક છે. પાકની સ્થિતિ લક્ષમાં લઈને, વાંધા હોય તે સાંભળીને અમે છેવટનો હુકમ કાઢીએ છીએ. છેવટના હુકમ પછી તકરાર ન ચાલી શકે. છેવટનો હુકમ કાઢવાની સત્તા અમલદારના હાથમાં છે. મહે. ગાંધી સાહેબના હાથમાં તે નથી. મહે. વલ્લભભાઈ સાહેબના હાથમાં તે નથી. આ બાબતમાં તમારી કાંઈ લડત ચાલી શકશે નહીં, એવી સમજ તમારા મનમાં બેસાડવી જોઈએ. મારા શબ્દો તમારે સાંભળવા જોઈએ. મારા શબ્દો મારા છે એટલું જ નહીંં પણ છેવટના હુકમરૂપ છે. મારા શબ્દો એકલા મારા જ નથી પણ ના. લૉર્ડ વિલિંગ્ડન સાહેબના છે. મારા હાથમાં તેમનો કાગળ છે કે આ કામમાં તમે જે હુકમ કરશો તે હું બહાલ રાખીશ. તમારે સમજવું જોઈએ કે આ હું જ બોલું છું એમ નથી, ના. ગવર્નર સાહેબ બોલે છે.
“મહે. ગાંધી સાહેબ ઘણા સારા માણસ છે, પવિત્ર માણસ છે. સારા હેતુથી, પવિત્ર અંતઃકરણથી, તમારો લાભ સમજી તમને સલાહ આપે છે. તે એવી રીતે કહે છે કે ન ભરવાથી તમે ગરીબ લોકોનો બચાવ કરશો. કાલની મુલાકાતમાં મને એમ જ કહેતા હતા. . . . પણ સરકાર ગરીબપરવર નથી ? ગરીબનો બચાવ કરવાની ફરજ તમારી છે કે સરકારની ? તમોને દુકાળની યાદગીરી નથી ? છપ્પનના વ૨સમાં, અઠ્ઠાવનના ઉંદરિયા દુકાળમાં, અમદાવાદ અને પંચમહાલમાં હું કલેક્ટર હતો. તમને યાદ હશે કે ગરીબના બચાવ માટે સરકારે કેટલાં બધાં બાંધકામો ઉઘાડેલાં. ગરીબ લોકો માટે રસોડાં ખોલ્યાં, તળાવ બાંધ્યાં, તગાવી આપી, લાખો રૂપિયા ખર્ચ્યા, તે મારી યાદગીરીમાં છે. જે તમારામાંના ઘરડા છે તેમને જરૂર યાદ હશે. આવી સરકાર સામે હમણાં આ જિલ્લામાં તમારી લડત ચાલે છે. દુનિયામાં મોટી લડાઈ ચાલે છે. વખત એ છે કે સરકારને બધી જાતની મદદ આપવી જોઈએ. પણ આ જિલ્લામાં સરકારને શું મળે છે ? મદદ મળે છે કે લડત મળે છે ?
“સરકારની સામે તમે લડત ચલાવશો તેનાં જે પરિણામ આવશે તે તમારે માથે આવશે; હોમરૂલના ગૃહસ્થોના માથા ઉપર નહીં આવે. તેમને કાંઈ નુકસાન નથી થવાનું. હોમરૂલવાળા ભાષણ કરે છે તે કંઈ જેલમાં જવાના નથી. આફ્રિકામાં જ્યારે આવી લડત ચલાવી હતી ત્યારે શ્રીયુત મહાત્મા ગાંધી કેદમાં ગયા હતા. આ રાજ્યમાં તે કેદ નહી જશે. એમને માટે જેલ લાયક નથી. હું ફરીથી કહું છું કે તે ઘણા સારા અને પવિત્ર માણસ છે.

“સરકારના મનમાં ગુસ્સો નથી. માબાપને બાળકો લાત મારે તો માબાપને દિલગીરી થાય છે, ગુસ્સો નથી થતો. આ બધું નુકસાન–જપ્તી, ચોથાઈ, ખાલસા, નરવાનાં ગામો તોડી નાખવાં, એ બધાં નુકસાન તમારે શા માટે સહન કરવાં જોઈએ ? તમારી મિલકત તમે નાખી દેશો ? તમારા નરવા નાખી દેશો ? તમારાં છોકરાં બૈરીનો વિચાર નહીં કરો ? તમે મજૂર વર્ગમાં ઊતરી જશો ? શા માટે ?
“જમીનના કાયદા બાબતનો મને અઠ્ઠાવીસ વરસનો અનુભવ છે. શ્રીયુત મહાત્મા ગાંધી મારા મિત્ર છે. તે હમણાં બે ત્રણ વરસથી આફ્રિકાથી આવેલા છે. જિંદગીનો મોટો ભાગ તેમણે આફ્રિકામાં ગુજારેલો છે. તેઓ વિદ્યામાં, ભાષા બાબતમાં અને ધર્મ બાબતમાં બહુ પંડિત છે. તે વિષયમાં તેઓ જે બોધ આપે છે તે ખરો છે. પણ રાજકારભારના કામમાં, જમીનની બાબતમાં, આ કાર બાબતમાં તે ઓછું જાણે છે. તેમાં હું વધારે જાણું છું. તમારા ઉપર જે પરિણામ આવશે તેથી હું દિલગીર થઈશ. સારા પાટીદાર લોકોના નંબર ખાલસા થશે તો હું દિલગીર થઈશ. સરકાર જાણે છે કે ખેડૂતોના હક બાબે ગેરસમજૂત થઈ છે. તેથી દયાળુ સરકાર તમને મારી સલાહ સાંભળવાની આ છેલ્લી તક આપે છે.
“હું છેવટની સલાહ આપવા આવેલો છું. એટલું જ મને કહેવાનું છે કે, ખેડુ લોકોની ફરજ છે કે અમારી તિજોરીમાં પૈસા લાવવા. અમારા મામલતદાર સાહેબે, તલાટીઓ તમારો માલ જપ્ત કરી પૈસા લેશે એમ ન ધારશો. અમે એટલી બધી તસ્દી નથી લેવાના. અમારા અમલદારોનો વખત કીમતી છે. તેઓ કોઈને ઘેર ઉઘરાવવા નહીં જાય. હું તમને ધમકી નથી આપતો. તમે સારી રીતે સમજો. માબાપ ધમકી નથી આપતાં, પણ સલાહ આપે છે. તમે આકાર નહીં ભરો તો જમીન ખાલસા થશે. ઘણા કહે છે કે જમીન ખાલસા નહીં થાય. હું કહું છું કે એમ બનશે. મને પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી. મારા શબ્દો હું સાચા કરીશ. જે લોકો જાણીને ના પાડે છે તેમને ફરી જમીન આપવાની નથી. એવા ખેડૂતો સરકારના ચોપડામાં નથી જોઈતા. એવા ખેડૂતોનાં નામ અમારાં હકનાં પત્રક (રૅકર્ડ ઓફ રાઇટ્સ)માં નથી લખવાં. જે નીકળી ગયા તે ફરી દાખલ નહીં થશે.
“હવે મારે બે શબ્દો કહેવાના બાકી છે. કોઈ માણસ ગેરસમજૂતીમાં અથવા ભૂલથી પ્રતિજ્ઞા કરે તો તે તેથી બંધાયેલો નહીં રહેશે. આવી પ્રતિજ્ઞા નભી શકશે નહીં. આવી પ્રતિજ્ઞા તમે તોડી નાખશો તો કોઈ માણસ નહીં કહી શકશે કે એ તમારું પાપ છે, દોષ છે. ભૂલભરેલી પ્રતિજ્ઞા કોઈ તાડશે તો દુનિયા તેને નિર્દોષ ઠરાવશે. અમદાવાદમાં શું થયું તે તમારા લક્ષમાં આવ્યું હશે. પણ ઘણા વર્તમાનપત્રો વાંચતા નથી. તો હું કહીશ કે અમદાવાદમાં એક લડત ચાલતી હતી. લડત શેઠિયાએાની અને મજૂર લોકની હતી. મજૂરોએ એમ પ્રતિજ્ઞા કરી કે ૩૫ ટકાનો વધારો અમને મળવો જોઈએ. ૩પથી ઓછો કબૂલ ન કરવો. તે ન મળે ત્યાં સુધી કામ ન કરવું. છેવટે શું થયું ? માલૂમ પડ્યું કે તે પ્રતિજ્ઞા વાજબી ન હતી. તે પ્રતિજ્ઞા નભી ન શકી. પ્રતિજ્ઞા તોડી નાખીને હમણાં તે બધા ૨૭ાા ટકા કબૂલ કરીને પોતાના કામ ઉપર દાખલ થઈ ગયા છે. તે પ્રમાણે હું કહું છું કે જે વખતે તમે ભૂલભરેલી પ્રતિજ્ઞા લીધી તે વખતે સરકાર તરફની તમારી જે ફરજ છે તે વિસારીને પ્રતિજ્ઞા લીધી. તે ઉપરાંત આ પ્રતિજ્ઞા કરવાથી જે પરિણામ થશે તે બાબત તમોને પૂરો વિચાર ન હતો. તમારે માટે જ નહીં પણ તમારાં છોકરાં માટે પણ તમે પરિણામનો વિચાર ન કર્યો. આ બધું લક્ષમાં લઈ હવે તમે ફરી વિચાર કરો કે સરકાર પ્રત્યે ફરજ બજાવવી કે પ્રતિજ્ઞાને વળગી રહી જે પરિણામ આવે તે ભોગવવું.”

પછી કરમસદના એક ખાતેદારે ઊભા થઈને કહ્યું કે, “અમારી આ લડત સરકારને કનડગત કરવા માટે નથી. પણ પૈસાદાર મહેસૂલ ભરે તો ગરીબોને લાચારીથી કરજ કરી પૈસા ભરવા પડે.”

કમિશનર : “શું તમે એમ કહો છો કે આ લડત નથી ? આ લડત છે જ. મહે. ગાંધી સાહેબ કહે છે, બધા કહે છે.”

એમ કહી તેમણે સરદાર સામે જોયું એટલે સરદારે ઊભા થઈ જણાવ્યું કે, “આ લડત છે એમ તો એ ખેડૂત પણ કહે છે. પણ લડત કનડગત કરવાને માટે નથી એમ એમનું કહેવું છે.” પછી સરદાર આગળ બોલવા જતા હતા એટલે કમિશનરે પૂછ્યું કે, “તમે ભાષણ કરવાના છો ?” સરદારે જવાબ આપ્યો કે, “મારે બીજું તો કાંઈ કહેવું નથી પણ આપે અમદાવાદના મજૂરોને વિષે કહ્યું તે બાબત ખુલાસો કરવો છે.” કમિશનરે કહ્યું : “ઠીક, તમે બોલો. પણ આજે અમારો વારો છે. અમારા તરફ બોલજો.” પછી સરદારે જણાવ્યું કે :

“મહે. કમિશનર સાહેબે અમદાવાદના મજૂરોની પ્રતિજ્ઞાની વાત જણાવી, તેનો ખુલાસો કરવાની મારી ફરજ છે. કારણ કે તે વખતે કામ કરનારામાં હું પણ એક હતો. ત્યાં મજૂરોની પ્રતિજ્ઞા તૂટી જ નથી. જ્યારથી લડત ઊપડી ત્યારથી ઠરાવ હતો કે જો શેઠિયાઓ પંચ સ્વીકારે તો એ પંચ જે વધારો ઠરાવે તે મજૂરોને કબૂલ રહે અને તેઓ કામ પર ચઢે. પછી પંચ નિમાયું. પહેલે દિવસે મજૂરો ૩૫ ટકાથી કામ પર ચઢેલા અને પંચનો નિકાલ આવે ત્યાં સુધી ૨૭ાા ટકા લે છે. પંચના ફેંસલા પ્રમાણે પછીથી વધઘટનો હિસાબ થશે. પંચની વાત તો સમાધાન પહેલાં પણ છાપાંમાં આવી હતી. સમાધાનને દિવસે મજૂરોની સભામાં આપણા કમિશનર સાહેબ પણ પધારેલા. એમને ગાંધી સાહેબને માટે ઘણું માન છે. (કમિશનર : હા, છે.) ગાંધી સાહેબના મનમાં પણ પ્રૅટ સાહેબને માટે માન છે. મારા મનમાં પણ છે. એ સાહેબે મિલમજૂરોને તે દિવસની સભામાં સલાહ આપેલી કે, ‘ગાંધી સાહેબ તમને સાચેસાચી સલાહ આપશે. એમની સલાહ પ્રમાણે તમે ચાલશો તો તમારો સુધારો થશે અને તમે ન્યાય મેળવશો.’ હું તમને કહું છું કે તમે પણ આ બાબતમાં મહાત્માજીની સલાહ પ્રમાણે ચાલશો તો આ જ કમિશનર સાહેબને હાથે ન્યાય મેળવી શકશો. અહીં પણ કમિશનર સાહેબ કમિટી નીમી તપાસ કરાવે તો આપણને કંઈ જ વાંધો નથી. બધું સીધું ઊતરી જાય.”

શ્રી મોહનલાલ પંડ્યાએ કહ્યું : “જે પ્રતિજ્ઞા લેવામાં આવી છે તે વિચાર કરીને લેવામાં આવી છે. સૂર્યનારાયણ આમના આમ ઊગે તોપણ તે ફરી શકે નહી. છતાં સરકાર માબાપ આખી રૈયતને મારી નાખશે તો એ દુઃખ ધીરજથી સહન કરીશું, પણ પૈસા નહીંં ભરીએ.”

ચિખોદરાના એક ખેડૂતે કહ્યું: “કમિશનર સાહેબને મેં આજે જ જોયા. બહુ ભલા દેખાય છે. સાહેબ કહે છે કે ૮૦ ટકા તો ભરાઈ ગયા છે. ત્યારે બાકી થોડા જ રહ્યા હશે. એટલા રૂપિયાનું નવ મહિનાના વ્યાજનું નુકસાન સરકારને જાય એમ છે. એટલે રાજા ને પ્રજા વચ્ચે એકતા થતી હોય તો એ નુકસાન પેટે, હું બચરવાળ છું છતાં, એક હજાર રૂપિયા આપવા રાજી છું.”

કમિશનર : “સરકારને પૈસા બાબત કંઈ મુશ્કેલી નથી. એક રૂપિયો પણ વધારે ન આપશો તો ચાલશે.”

ઉત્તરસંડાવના એક ખેડૂત : “મારા ઉપર ખાલસાનોટિસ આવેલી છે. મારે ચાર રૂપિયા ભરવાના છે. મેં આસિ. કલેક્ટર સાહેબને કહ્યું કે ચાર રૂપિયાની જ જમીન ખાલસા કરો. પણ ચાર રૂપિયાને માટે સરકાર હજાર રૂપિયાની જમીન લઈ શકે ?”

કમિશનર : “હા. તે સરકારની મરજીની વાત છે. આ તકરાર ચાર રૂપિયાની નથી. ૩૬ કરોડની તકરાર છે. તમે તકરાર કરશો તો આખો દેશ તકરાર કરશે.”

ઉપસંહાર કરતાં કમિશનરે કહ્યું : “જેટલું મારે કહેવાનું હતું તે હું કહી ગયો. છેવટનો ઠરાવ તમારા હાથમાં છે. જે માણસ સંન્યાસી છે તેની મિલકત જાય તેની ફિકર નથી. પણ તમે સંન્યાસી નથી તેનો વિચાર કરજો.”

આ ભાષણ પ્રૅટ સાહેબે તો ખેડૂતોને એમની ‘ગેરસમજૂતીમાંથી’ વાળવા માટે અને તેઓ પોતાને જે નુકસાન કરી રહ્યા હતા તેમાંથી બચાવવા માટે કર્યું હતું અને તેમાં મીઠાશ લાવવા તથા સહાનુભૂતિ બતાવવા તેમણે ઠીક ઠીક પ્રયત્ન કર્યો હતો, છતાં પોતાનો અમલદારી તોર તેઓ ઢાંક્યો રાખી શક્યા ન હતા. તેઓ બાહોશ અને બહુ અનુભવી સિવિલિયન અમલદાર ગણાતા હતા. પણ એવા બાહોશ ગણાતા અંગ્રેજ અમલદારો જ શાહીવાદી માનસ વધારે ધરાવનારા જોવામાં આવ્યા છે. એ માનસે જ બ્રિટિશ રાજ્ય પ્રત્યે બેદિલી અને વિરોધને પોષણ આપ્યું. છેલ્લાં પચાસ વર્ષમાં સ્વમાની અને ઝિંદાદિલ હિંદીઓમાં બ્રિટિશ હકૂમતથી આઝાદ થવાની જે તમન્ના જાગી તેમાં આવા અમલદારોની તુમાખીનો ફાળો ઘણો મોટો હતો. ગાંધીજી જેવાની બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની ચુસ્ત વફાદારીના મૂળમાં કુહાડી, આવા અમલદારોનાં આપખુદ અને જુલમી કૃત્યોએ જ મારી હતી. તેમની માન્યતાઓ પ્રામાણિક હોવાનો સંભવ છે પણ તેની સાથે તેમનું ‘દયાળુ’પણું, ‘માબાપ’પણું અને પોતાના ‘છેવટના હુકમ’ની સામે ‘રૈયત’થી થવાય જ નહીં એ જાતનો તેમનો ઘમંડ, એણે જ ગાંધીજી અને સરદાર જેવા અનેક મોટાનાના બહારવટિયાઓ પેદા કર્યા અને સામ્રાજ્યની ઘોર ખોદી.

જમીન સંબંધી આ અમલદારોની બીજી એક માન્યતા, જે આ ભાષણમાં વખતોવખત પ્રગટ થાય છે, તે પણ નોંધવા જેવી છે. આપણે જેમને જમીનના માલિક કહીએ છીએ તેમને જમીનમહેસૂલના કાયદામાં ‘કબજેદાર’ કહેલા છે. એ કબજેદારો જમીનનો ભોગવટો વંશપરંપરા કરી શકે પણ તે એક જ શરતે કે સરકાર વખતોવખત જે મહેસૂલ ઠરાવે તે તેણે નિયમસર, બિનતકરારે ભરવું જોઈએ. મહેસૂલ ભરવામાં કોઈ પણ કારણે તે કસૂર કરે તો સરકાર તેની તમામ જમીન ખાલસા કરી શકે એવો સરકારનો દાવો હતો. બીજા સરકારી કરોની બાબતમાં આવું નથી હોતું. માણસ કર ભરવામાં કસૂર કરે તો કર અને વસૂલાતના ખર્ચની અંદાજે જેટલી રકમ થાય તેટલી કિંમતનો માલ જપ્તીમાં લેવામાં આવે અને એ માલની જે કિંમત ઊપજે એમાંથી પોતાનું લેણું કાપી લઈ કાંઈ રકમ બાકી રહે તો સરકાર તે આસામીને મજરે આપે. પણ જમીન મહેસૂલનો કર નહીં ભરવાને કારણે તો જમીન ખાલસા કરવામાં આવે એટલે જમીન ધારણ કરનાર તેના ઉપરના તમામ હક ગુમાવે. એ જમીન સરકાર બીજાને આપે તો ઊપજેલી કિંમતમાંથી જમીન મહેસૂલને અંગે પોતાનું જે લેણું હોય તે કાપી લઈ વધારાની રકમ જમીનના અસલ ધારણ કરનારને ન મળે. તેથી જ સરકાર એને માલિક નહીં પણ કબજેદાર કહે છે. ગાંધીજીનો જબરો વાંધો સરકારના આ જાતના દાવા સામે હતો, અને તેથી જ તે આ લડતમાં ખેડૂતોને કહેતા કે આવી રીતે કોઈની જમીન જશે તો તે માટે હું બહારવટું લઈશ. સને ૧૯૨૮ની બારડોલીની લડત વખતે, તેમ જ ૧૯૩૦–’૩૨ના સત્યાગ્રહ વખતે જેમની જમીન ખાલસા કરવામાં આવી હતી તેમની જમીન પાછી મેળવવામાં આ જ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

મિ. પ્રૅટની સભા પૂરી થયા પછી જિલ્લામાંથી આવેલા બધા ખેડૂતો ગાંધીજી પાસે ગયા. તેમને ગાંધીજીએ પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજાવ્યું અને પ્રતિજ્ઞા પાળશો તો જય તમારો જ છે એવી ખાતરી આપી. આ ઉપરાંત ગામેગામ વહેંચવા માટે એક લેખી પત્રિકા બહાર પાડી તેમાં મિ. પ્રૅટે ઉઠાવેલા સઘળા મુદ્દાના રદિયા આપ્યા. અમદાવાદના મિલમજૂરોની પ્રતિજ્ઞા વિષે તેમણે પત્રિકામાં જણાવ્યું :

“હું દિલગીર છું કે પ્રૅટ સાહેબે અમદાવાદના મિલમજૂરોની હડતાલ વિષે હકીકતથી વિરુદ્ધ વાત પોતાના ભાષણમાં કરી છે. તેમાં તેઓ સાહેબે વિનયનો, ન્યાયનો, મર્યાદાનો અને મિત્રતાનો ભંગ કર્યો છે. હું ઉમેદ રાખું છું કે આ દોષો તેમણે અજાણતા કર્યાં છે. કોઈએ આ જગતમાં પોતાની પ્રતિજ્ઞા પાળી હોય તો અમદાવાદના મજૂરોએ પોતાની પ્રતિજ્ઞા પાળી છે. તેઓએ હમેશાં કહેલું કે પંચ ઠરાવે તે પગાર લેવા તેઓ કબૂલ કરશે.”
પત્રિકાના છેવટના ભાગમાં કમિશનરની ધમકીઓ વિષે તેમણે લખ્યું :
“કમિશનર સાહેબે ધમકી ખૂબ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે એ ધમકી પોતે ખરી પાડી દેશે. એટલે તેઓ સાહેબ પ્રતિજ્ઞા કરનારાઓની બધી જમીન ખાલસા કરશે, અને તેમના વારસોને પણ ખેડા જિલ્લામાં જમીનની માલિકી ભોગવવાને બિનહકદાર ઠરાવશે.
“આ ઘોર વચન છે, ક્રૂર છે, કઠોર છે. હું માનું છું કે આ વચનમાં અતિ તીવ્ર રોષ ભરેલો છે. જ્યારે કમિશનર સાહેબનો રોષ શાંત થશે ત્યારે આ ઘોર વચનને સારુ તેઓ પશ્ચાત્તાપ કરશે. સરકાર અને પ્રજા વચ્ચેના સંબંધને તેઓ સાહેબે ‘માબાપ અને છોકરાં’ વચ્ચેના સંબંધ જેવો માન્યો છે. કોઈ માબાપે પોતાનાં છોકરાંને સવિનય સામે થવાને માટે પદભ્રષ્ટ કર્યાનો દાખલો આખી દુનિયાના ઇતિહાસમાં જોવામાં આવ્યો છે ખરો ? ખેડા જિલ્લાની પ્રતિજ્ઞા ભૂલભરેલી હોય, એ અશક્ય નથી. પણ તે પ્રતિજ્ઞામાં અવિનય, ઉદ્ધતાઈ કે દાડાઈનો અંશ સરખોયે નથી. ધાર્મિક ભાવથી પોતાની ઉન્નતિને ખાતર લેવાયેલી આવી પ્રતિજ્ઞાને માટે ઉપર પ્રમાણે ઘોર સજા થાય એ વાત હું હજીયે અશક્ય સમજું છું એવી સજા હિંદુસ્તાન સાંખી ન શકે, બ્રિટિશ રાજ્યાધિકારીઓ કદી મંજૂર ન કરે, બ્રિટિશ પ્રજાને આવી સજા વિષે ત્રાસ જ છૂટે. જો આવો ઘોર અન્યાય બ્રિટિશ સલ્તનતમાં થાય તો હું તો બહારવટે જ રહી શકું. પણ બ્રિટિશ રાજ્યનીતિ વિષે કમિશનર સાહેબ કરતાં મારો વિશ્વાસ વધારે છે. અને હું હજી પણ જે વચન મેં તમને પહેલાં કહેલાં છે, તે ફરી કહી સંભળાવું છું કે શુદ્ધ ભાવે કરેલા કાર્યને સારુ તમે તમારી જમીન ખોઈ બેસો એ હું અસંભવિત માનું છું. છતાં આપણી તૈયારી તો જમીન ખોવાની પણ હોવી જોઈએ. એક તરફ પ્રતિજ્ઞા અને બીજી તરફ આપણું સર્વસ્વ રાખો. બધી સ્થાવર જંગમ મિલકતની કિંમત પ્રતિજ્ઞાના પ્રમાણમાં કાંઈ જ નથી. તમારી પ્રતિજ્ઞાના પાલનરૂપી વારસો છોકરાં માટે લાખો રૂપિયાની મિલકત કરતાં પણ વધારે કીમતી છે. તેમાં આખા હિંદુસ્તાનને ઊંચે ચઢવાનો રસ્તો રહેલ છે. મારી ખાતરી છે કે એ રસ્તો તમે કદી નહીં છોડશો. ઈશ્વર એ પ્રતિજ્ઞા પાળવાનું તમને બળ આપે એવું ઇચ્છું છું.”

લડતને અંગે ઘણા સ્વયંસેવકોને ગામડાંમાં ફરવાનું થતું, અને કેટલાકને દિવસો સુધી ગામડે રહેવું પડતું. તેઓ ગામ ઉપર બોજારૂપ ન થઈ પડે એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડે એટલા માટે તેમને સારુ ગાંધીજીએ સૂચનાઓ બહાર પાડી. તેમાં સત્ય અને અહિંસા એટલે દ્વેષભાવ ન રાખવો, ઉદ્ધતાઈ ન કરવી, સંપૂર્ણ વિનય રાખવો એ સૂચનાઓ હતી જ. તે ઉપરાંત એમ કહ્યું હતું કે આપણે સત્તાના મદની, આંધળા અમલની સામે થઈ એ છીએ, પણ બધી સત્તાની સામે નથી થતા એ ભેદ ગોખી રાખવાની જરૂર છે. એટલે અમલદારોને તેમનાં બીજા કાર્યોમાં પૂરી મદદ કરવી એ આપણી ફરજ છે. વળી ગામડાંના લોકોની ઓછામાં ઓછી સેવા લેવી. જ્યાં ચાલીને જવાય ત્યાં વાહનનો ઉપયોગ ન કરવો, સાદામાં સાદું ભોજન લેવાનો આગ્રહ કરવો, પકવાન કરવાની મનાઈ કરવી, તેમાં જ તમારી સેવા શોભશે. આ ઉપરાંત ગામડાંમાં ફરતાં લોકોની આર્થિક સ્થિતિ, કેળવણી સંબંધી ખામીઓ વગેરેનું અવલોકન કરવું ને બચતા વખતનો ઉપયોગ ખામીઓ જણાય તે દૂર કરવામાં કરવો.

હજી મિ. પ્રૅટ સાથે સમાધાનની વાતો કરવાનું ગાંધીજીએ છોડલું જ ન હતું. મસલત કરવા માટે મળવાની માગણીના જવાબમાં પ્રૅટ સાહેબે લખ્યું:

“તમારાં સઘળાં હથિયાર છોડી દઈ મસલત કરવા આવવું હોય તો જ્યારે આવો ત્યારે તમારે માટે બારણાં ખુલ્લાં છે. મારા હાથ તો કાયદા અને વહીવટના નિયમથી બંધાયેલા છે.”
ગાંધીજીએ જવાબમાં લખ્યું :
“હું તો સત્યાગ્રહી છું. મારાં હથિયાર તો શું પણ મારું સર્વસ્વ હું બીજી રીતે અર્પણ કરી દઉં, પણ સિદ્ધાંત તો મરણ પર્યંત મારાથી ન જ છોડાય.”
બીજા એક કાગળમાં લખ્યું :
“તમારા મનમાં હોમરૂલવાળાઓ માટે ખોટો ખ્યાલ ભરાઈ ગયો છે. તેમનામાં જે સારા ગુણો છે તેનો તમે પણ મારી પેઠે ઉપયોગ કરો. . . . ખેડા જિલ્લાની પ્રજા અંધશ્રદ્ધામાં દોરાય છે એમ હું લેશ પણ જોતો નથી. મને ખાતરી છે કે જો તેઓ મારી સલાહ માનશે તો તેમને નૈતિક અને આધ્યાત્મિક નુકસાન તો નહીં જ થાય.”

બીજી તરફથી આ લડત પ્રત્યે સુશિક્ષિત લોકોની સહાનુભૂતિ મેળવવા સર નારાયણ ચંદાવરકર, સર સ્ટેનલી રીડ, શ્રી નટરાજન, નામદાર શાસ્ત્રિયાર વગેરે સાથે ગાંધીજી સતત પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા. તા. ૨૩મી એપ્રિલના રોજ લડતને ટેકો આપવા મુંબઈમાં ના. વિઠ્ઠલભાઈના પ્રમુખપણા નીચે એક મોટી જાહેરસભા થઈ. ગાંધીજીએ લડતની ઉત્પત્તિ અને વિગતોનો ખ્યાલ આપનારું પ્રાસ્તાવિક ભાષણ કર્યું. તેમાં જણાવ્યું કે :

“. . . આ લડતના મૂળમાં બૅરિસ્ટરો કે વકીલો નથી, પણ હળ ચલાવનારા ખેડૂતો જ છે. ગોધરાની પરિષદ પછી કેટલાક ખેડૂતોએ વિચાર કર્યો કે આપણે આપણાં હિત જાળવવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે મને લખ્યું કે સરકાર પાસે દાદ માગવાનો અમને હક છે, તમે મદદ કરશો ? તમે જોઈ શકશો કે આ લડતનું મૂળ બહારની ચળવળ નથી. બહારની મદદથી એ લડત શોભી ઊઠી. આપણા પ્રમુખ સાહેબ અને ના. ગોકુળદાસભાઈએ એને શોભા આપી. તેથી જીત માટે લોકોને શ્રદ્ધા પડી. . . . ગુજરાત સભાના પ્રતિષ્ઠિત અને ઠરેલ સભાસદોએ પણ તપાસ કરી અને ખાતરી કરી કે રાહત મળવી જોઈએ. લોકોની દાદ માટે આટલો ટેકો બસ હતો. તે ઉપરાંત પણ અમલદારોને રીઝવવા ઓછું નથી થયું. હું એ બાબતની સાક્ષી પૂરું છું. . . .
“ખેડાના પુરુષો જ નહીં, પણ સ્ત્રીઓ પણ આ લડતમાં સામેલ રહે છે. ગામડાંઓની સભાઓમાં એક અલૌકિક દેખાવ થઈ રહે છે. તેઓ કહે છે કે સરકાર ભલે અમારી ભેંસો લઈ જાય, દાગીના લઈ જાય, ખેતરો ખાલસા કરે, પણ અમારા મરદોએ લીધેલી પ્રતિજ્ઞા પાળવી જ જોઈએ. . . .
“ખેડા અને ચંપારણનાનો અનુભવ મને એ શીખવે છે કે લોકનાયકો પ્રજામાં ફરશે, તેમની સાથે ખાશેપીશે તો બે વર્ષમાં એવા મહત્ત્વના ફેરફાર થઈ શકશે, જેની વાત નહીં. આ લડતનો ઊંડો અભ્યાસ કરજો. ખેડા જિલ્લાની પ્રજાને ઓળખી લેજો. લાગણીથી અને વચનથી જેટલી મદદ આપી શકાય તેટલી મદદ આપજો. આપણે અવિનયથી ન્યાય નથી માગતા. પણ સરકારના હૃદયમાં સત્ય જાગ્રત કરીને ન્યાય માગીએ છીએ. ન્યાય નહીં મળે ત્યાં સુધી એ પ્રજા ઝૂઝ્યાં કરવાની છે.”

આ સભાની વિશેષતા એ હતી કે ખેડા જિલ્લાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા અને નિષ્પક્ષ તપાસનું પરિણામ આવે ત્યાં સુધી મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવાની સરકારને વિનંતી કરતો મુખ્ય ઠરાવ લોકમાન્ય તિલક મહારાજે રજૂ કર્યો હતો. આ રહ્યા તેમના શબ્દો :

“આ પ્રશ્ન માત્ર ખેડા જિલ્લાના ખેડૂતોને લગતો નથી. સને ૧૮૯૬માં આવી જ પરિસ્થિતિ કોલાબા જિલ્લામાં ઊભી થઈ હતી. અને આ જ મિ. પ્રૅટ તથા તે વખતના મિ. (હાલ સર) જેમ્સ ડુબોલે સાથે મતભેદ પડ્યો હતો. તે વખતે ખેડૂતોની જમીન ખાલસા કરવામાં આવી હતી. જમીન ખેડૂતની હોવા છતાં ફક્ત એક વરસના મહેસૂલની ખાતર સરકાર ખેડૂતને ભીખ માગતા કરી મૂકે છે ! પાક બરાબર ઊતર્યો છે કે કેમ તે તપાસવાની .



સરકાર દરકાર રાખતી નથી અને લોકોની વાત માનતી નથી. તેમને તો એક જ લક્ષ હોય છે કે ગમે તેમ કરી મહેસૂલ વસૂલ કરવું.
“ખેડા જિલ્લાના ખેડૂતોએ દાદ માગી. પણ મિ. પ્રૅટ કહે છે કે પાક સંબંધી નિર્ણય કરવાનો હક માત્ર તેમને એકલાને જ છે. આ મુશ્કેલ પ્રશ્નનો નિકાલ લાવવા સ્વતંત્ર કમિશન નિમાવું જોઈએ.
“સંકટમાં આવી પડેલા ખેડા જિલ્લાના આપણા દેશબંધુઓને ઉત્તેજન આપવા આપણે આ ઠરાવને સંમતિ આપવી જ જોઈએ.”

મુંબઈમાં સભા કરીને ત્યાંથી ગાંધીજી દિલ્હી ગયા. યુરોપનું મહાયુદ્ધ કટોકટીની સ્થિતિએ પહોંચ્યું હતું. અને હિંદુસ્તાનમાંથી બની શકે તેટલી વધારે મદદ મેળવવા માટે વાઈસરૉયે યુદ્ધપરિષદ બોલાવી હતી અને તેમાં ગાંધીજીને આગ્રહભર્યું આમંત્રણ કર્યું હતું. આ પરિષદમાં લોકમાન્ય તિલક મહારાજને તથા મિસિસ બેસન્ટને નહોતાં બોલાવ્યાં અને અલીભાઈઓ તો અટકાયતમાં હતા એટલે દેશના આ મહાન નેતાઓ વિના પોતે પરિષદમાં ભાગ ન લઈ શકે એ વસ્તુ વાઈસરૉયને રૂબરૂ કહી પાછા આવવું એવો ગાંધીજીને પ્રથમ તો વિચાર હતો. પણ વાઈસરોયે જે ભાવથી વાત કરી અને પોતાની મુશ્કેલીઓ જણાવી તે ઉપરથી તેમણે ભાગ લેવાનું નક્કી કર્યું, એટલું જ નહીં પણ સૈન્યભરતીમાં મદદ કરવાના ઠરાવને ટેકો આપ્યો. ખેડાના સ્વયંસેવકોને સૂચના આપતાં પોતે કહેલું કે, જમીન-મહેસૂલના પ્રશ્ન ઉપર અમલદારો ખોટી હઠ પકડી બેઠા છે તેની સામે આપણી લડત છે, પણ સરકારનાં બીજાં કામોમાં તો આપણે મદદ કરવી જ જોઈએ એ પોતાના દાખલાથી એમણે બતાવી આપ્યું, એટલું જ નહીં પણ દિલ્હીથી આવીને ગુજરાત સભા પાસે સૈન્યભરતીમાં મદદ કરવાનો ઠરાવ પણ કરાવ્યો.

દરમ્યાન વીસમી એપ્રિલના રોજ સરકારે એક લાંબી યાદી બહાર પાડીને ગાંધીજીની તપાસને ‘અધ્ધર તપાસ’ કહી અને કલેક્ટરે બહુ બારીકાઈથી તપાસ કરી છે એમ જણાવ્યું. વળી એમ પણ જણાવ્યું કે, “ઘણાખરા તાલુકાઓમાં ચાલુ વર્ષની મહેસૂલનો મોટો ભાગ અત્યાર પહેલાં ઉઘરાવી લેવામાં આવ્યો છે અને હવે તપાસ માટે કમિટીની જરૂર નથી. મિ. ગાંધી અને બીજાઓ હજી એક સ્વતંત્ર તપાસ ચલાવવાનો સરકારને આગ્રહ કરે છે પણ સરકાર તેમ કરવા બિલકુલ તૈયાર નથી. . . . મહેસૂલ મુલતવી રાખવા કે માફ કરવા ખેડાના ખેડૂતો જેવો દાવો કરે છે તેવો દાવો હક તરીકે ખેડૂતોથી કરી શકાય નહીં, માત્ર મહેરબાની ખાતર રાહત મેળવવા તેઓ માગણી કરી શકે. . . . . છતાં ઘડીભર માની લઈએ કે તપાસ માટે કમિટી નીમવા સરકાર પોતાની ખુશી બતાવે, પણ દેખીતું છે કે વહીવટીખાતામાં એવી તપાસ સહેજ પણ ઉપયોગી નીવડે નહીં કેમ કે વહીવટ કરવાનો છેવટનો અધિકાર તો એ ખાતાના હાથમાં જ રહેવાનો.”

ગાંધીજીએ દિલ્હીથી આવ્યા પછી તા. છઠ્ઠી મેના રોજ આ યાદીના એકેએક મુદ્દાનો વિગતવાર રદિયો આપ્યો. મુખ્ય વાત તેમણે એ કહી કે, “સરકારને હવે સ્વતંત્ર પંચ નીમવાની આવશ્યકતા ન જણાતી હોય તો જ્યારે મહેસૂલની જૂજ રકમ બાકી છે ત્યારે સરકાર તે મુલતવી કેમ રાખતી નથી ? આથી ચોખ્ખી પ્રતીતિ થાય છે કે સરકાર હઠ પકડીને બેઠી છે, અને કમિશનર તેમાં આગેવાન બન્યા છે.”

ગાંધીજી દિલ્હી ગયા ત્યારથી અને તેમના પાછા ફર્યા બાદ આખા મે મહિનામાં બાકી રહેલું મહેસૂલ વસૂલ કરી લેવાને જપ્તીઓનો સપાટો બહુ વધી પડ્યો હતો. સરકારે તે માટે ખાસ વધારાના અમલદારો નીમ્યા હતા. ઘણા આસામીઓની જમીન ખાલસા કરવામાં આવી હતી, છતાં એ ખાલસાવાળા આસામીઓનું મહેસૂલ પણ તેમને ઘેર જપ્તી કરીને વસૂલ કરવામાં આવતું. અને મહેસૂલ વસૂલ થાય એટલે જમીન ખાલસા રહેતી નહોતી. આ જોઈ તા. ૧રમીના રોજ ગાંધીજીએ બોરસદ તાલુકાના ટુંડાકૂવા ગામમાં નીચે પ્રમાણે ભાષણ કર્યું:

“તમે જોયું હશે કે આપણી લડતમાં પૂરેપૂરી નહીં તોપણ લગભગ પૂરી જીત આપણને મળી છે. પ્રૅટ સાહેબે જે ધમકી આપી હતી અને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેઓ પાળી શક્યા નથી. કોઈ પ્રતિજ્ઞા લે ને ન પાળી શકે એમાં સત્યાગ્રહી જીત ન માને. પણ પ્રતિજ્ઞા દૈવી પણ હોય અને રાક્ષસી પણ હોય. દૈવી પ્રતિજ્ઞા મરણ પર્યંત પાળવી જ જોઈએ, રાક્ષસી પ્રતિજ્ઞાની સામે મરણ પર્યંત લડવું જ જોઈએ. પ્રૅટ સાહેબની પ્રતિજ્ઞા રાક્ષસી હતી. તેમણે કહ્યું હતું કે તમારી જમીન ખાલસા થશે અને તમારા વારસોનાં નામ પણ સરકારના ચોપડામાં નહીં રાખવામાં આવે. પણ તેઓ જમીન ખાલસા નથી કરી શક્યા. તેમ કરત તો પ્રજાની હાય તેમને જરૂર લાગત. આખા હિંદુસ્તાનમાં ખેડાના કાળા કોપની બૂમ પડત. આ સ્થિતિમાંથી પ્રૅટ સાહેબ બચી ગયા છે.”

જપ્તીઓનું દમન જિલ્લામાં પૂરજોસથી ચાલી રહ્યું હતું તે વખતે ગાંધીજીને ખાસ કામ પ્રસંગે બિહાર જવું પડ્યું. એટલે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવાની મુખ્ય જવાબદારી સરદાર ઉપર આવી પડી. તેઓ અને બીજા કાર્યકર્તાઓ પગ વાળીને બેસતા નહીં. પણ આખા જિલ્લાને એકસરખું માર્ગદર્શન આપવાની જરૂર હતી તે માટે પ્રજા જોગ પત્રિકા દ્વારા સરદારે સંદેશો આપ્યો કે :

“…પ્રજામત અને આંધળો અમલ એ બેની વચ્ચે દારુણ ધર્મયુદ્ધ ચાલે છે. સરકારે સત્તાના બળથી જમીનમહેસૂલ વસૂલ કરી લેવા નિશ્ચય કર્યો છે. . . . તે માટે ખાસ વધારાના અમલદારો નીમ્યા છે અને કચેરીના કારકુનોને તે કામમાં રોકી લીધા છે. આખા જિલ્લામાં ખાલસાની નોટિસો કાઢી, ખાલસાના હુકમો પણ કર્યા, મુખ્ય માણસોને ઘેર જપ્તીઓ કરી, ચોથાઈ દંડ લીધા, ઊભો પાક જપ્તીમાં લીધો, જેલનો ડર બતાવ્યો, પણ પ્રજા અડગ રહી અને અમલદારો થાક્યા એટલે કમિશનર સાહેબ એમની મદદે આવ્યા. તમામ ખેડૂતોને નડિયાદ મુકામે ભેગા કરી તેમણે ખૂબ ધમકી આપી, ગવર્નર સાહેબનો પત્ર વાંચી સંભળાવ્યો, જપ્તીઓ બંધ કરવાનો નિશ્ચય કર્યો, ફોર્મ ખૂટી ગયાં એટલી ખાલસાની નોટિસો કાઢી અને ખાલસાના હુકમો કર્યા. ખેડૂતોએ તે હર્ષથી વધાવી લીધા અને સરકારી તિજોરીમાં પૈસો આવ્યો નહીં. . . . એટલે ખાલસાની વાત વીસરી જઈ જપ્તીઓનું કામ શરૂ કર્યું છે. . . .
“ખેડૂતોને ભારેમાં ભારે ત્રાસ આપી ડરાવવાના હેતુથી જપ્તીમાં લઈ શકાય એવી બીજી મિલકત હોવા છતાં સંખ્યાબંધ ભેંસો જપ્તીમાં લે છે, ખાસ કરીને દૂઝણી ભેંસો લે છે. તેમને તાપમાં બાંધવામાં આવે છે, પાડાપાડીથી વિખૂટી પાડવામાં આવે છે, જાનવરો રાડો પાડે છે, તે જોઈ સ્ત્રીઓ કકળાટ કરે છે અને બાળકો હૃદયભેદક રુદન કરે છે. આમાં ભેંસની કિંમત અડધી થઈ જાય છે. છતાં ધર્મ પાળનાર ખેડૂત ધીરજથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે અને શાંતિથી દુઃખ સહન કરે છે. ચૂંટી ખણતાં લોહી નીકળે એવાં સાચવેલાં ઢોર ઉપર ગુજરતો આ ત્રાસ સ્ત્રીઓ જોઈ શકે નહીં, છતાં આવા પ્રસંગોમાં સ્ત્રીઓ ભારે હિંમત બતાવે છે. . . .
“લડત લંબાતી જાય છે તેમ તેમ પ્રજાની કસોટી થાય છે. દુઃખ સહન કરવાનો પ્રસંગ જ ન આવ્યો હોત તો પ્રજાને આ લાભ મળત નહીં. . . . સત્તાના દોરથી સાહેબી ભોગવનારા અમલદારોને આજે ગામમાં કોઈ સત્કાર કરનાર મળતું નથી. મોં માગી ચીજ મફત મેળવનારને પૈસા ખર્ચે તો પણ જરૂરી ચીજ મળતી નથી. . . . હવે એમનાં હૃદય પણ પીગળ્યાં છે. રૈયતના તરફ સત્ય છે એવી એમના હૃદયમાં ઝાંખી થયેલી માલૂમ પડે છે. પણ હાલની ચાલતી રાજ્યપદ્ધતિમાં તેઓ લાચાર છે. આવા કઠણ સંજોગોમાં તેઓ કોઈ વખત મર્યાદા છોડે, ક્રોધ કરે, ત્રાસ આપે તોપણ આપણે મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને તેમના ઉપર રોષ ન કરતાં તેમની દયા ખાવી અને શાંતિ પકડવી એ ખાસ જરૂરનું છે. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ એટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે. . . . ”

એકસરખી જપ્તીઓ ચાલુ હોવા છતાં લોકો હિંમત રાખી શક્યા હતા અને આનંદથી પોતાનાં ઢોરઢાંખર, ઘરેણાં તથા વાસણ જપ્ત થવા દેતા હતા. તેમાં પુરુષોની સાથે સ્ત્રીઓએ આગળપડતો ભાગ લેવા માંડ્યો હતો, તે જોઈ મુંબઈનાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ દિંગ થઈ ગયા અને વર્તમાનપત્રોમાં ખેડૂતોની બહાદુરીની પ્રશંસાના લેખો લખવા માંડ્યા. એક પ્રસંગે તો ખુદ કલેક્ટર પણ બોલી ગયા કે, “જે રીતે રૈયત લડી રહી છે તે બહુ ખૂબીદાર છે.” બીજા પ્રાંતોમાં પણ મોટી મોટી સભાઓ ભરાવા માંડી અને ત્યાંથી સહાનુભૂતિના તાર આવવા લાગ્યા.

બિહારથી પાછા આવ્યા બાદ તા. ૩જી જૂને ગાંધીજી નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે પહોંચ્યા કે તરત જ મામલતદાર ગાંધીજીને ઉતારે ગયા અને થોડી વાતચીત બાદ તેમણે જણાવ્યું કે, જો સારી સ્થિતિવાળા મહેસૂલ ભરી દે તો ગરીબ લોકોનું મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીના કહેવાથી મામલતદારે વસ્તુ લેખી રૂપમાં આપી. ગાંધીજીએ તરત કલેક્ટરને લખ્યું કે આવી જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં આવે તો અમારે લડવાપણું રહેતું નથી. ગાંધીજીને મતે તો આ લડત સિદ્ધાંતની અને ટેકની હતી, કલેક્ટરના ‘અફર’ ગણાતા ‘છેવટના હુકમ’ ફેરવવાની લડત હતી. એટલે એક આસામીનું મહેસૂલ બાકી રહ્યું હોય અને રીતસરનો હુકમ કાઢી તે મુલતવી રાખવામાં આવે, તો એટલાથી પણ પ્રજાની જીત થતી હતી. જેમ કમિશનરની ભારે ધમધમાટી સાથેના ખાલસાના હુકમો હવામાં અધ્ધર રહી ગયા હતા તેમ બારીક તપાસ પછી કાઢેલા કલેક્ટરના ‘છેવટના હુકમ’ પણ આવી જાતની મુલતવીથી ઓગળી જતા હતા. પ્રજાને કષ્ટ તો બહુ વેઠવું પડ્યું અને નુકસાન પણ બહુ ખમવું પડ્યું, પણ અમલદારોના કક્કાને પ્રજામત ખોટો પાડી શકે છે એ જાતના આત્મવિશ્વાસની પ્રજાએ ભારે કીમતી કમાણી કરી. ગાંધીજીની વાત કલેક્ટરે માન્ય રાખી અને તે પ્રમાણેના હુકમો જાહેર થયા. એટલે તા. ૬ઠ્ઠી જૂનના રોજની ગાંધીજીની તથા સરદારની સહીવાળી પત્રિકાથી લડત બંધ થયેલી જાહેર કરવામાં આવી.

આ પત્રિકા કાઢતાં પહેલાં ગાંધીજીની કલેક્ટર સાથે એક મુલાકાત થઈ. તેમાં અમલદારોની એક ચાલબાજીનો ભેદ ખુલ્લો પડી ગયો. કલેક્ટરે ગાંધીજીને કહ્યું કે, “ઉપર પ્રમાણે છૂટ આપવાનો હુકમ તો તા. ૨૫મી એપ્રિલે મામલતદારો ઉપર મોકલવામાં આવ્યો હતો. વળી તેનો બરાબર અમલ થાય એવા હેતુથી ફરી પાછો તા. ૨૨મી મેના રોજ હુકમ મોકલવામાં આવ્યો હતો. તેઓને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આપી શકે એવાની અને ન આપી શકે એવાની એમ બે યાદીઓ તૈયાર કરવી.” આમ છતાં આ હુકમોની પ્રજાને કે કાયકર્તાઓને કોઈને કશી જાણ કરવામાં આવી નહોતી એટલું જ નહીં પણ જપ્તીનું કામ આ હુકમની તારીખ પછી પણ આખો મે મહિનો વધુ જોસથી ચલાવવામાં આવ્યું હતું. અમલદારોના આવા વર્તન પાછળ શો ભેદ હશે તેનું અનુમાન કરતાં એમ જણાય છે કે દિલ્હીની યુદ્ધ પરિષદમાં જવા માટે નીકળતી વખતે ગાંધીજીએ કમિશનર મિ. પ્રૅટને કાગળ લખ્યો હતો કે :

“યુદ્ધ પરિષદમાં હાજર રહેવા હું દિલ્હીં જાઉં છું. આ પરિષદ અને તેના હેતુ આગળ ધરી હું તમને ફરી વિનંતી કરતાં અચકાતો નથી કે બાકી રહેલી મહેસૂલ આવતી સાલ સુધી મુલતવી રાખો. તમે ખાતરી રાખો કે સરકારનો આવો ઠરાવ બહાર પડતાંની સાથે જ સારી સ્થિતિવાળા લોકો આપોઆપ મહેસૂલ ભરી દેશે. હું જે ના○ વાઈસરૉયને દિલ્હીમાં કહી શકું કે અમે ખેડામાં અમારા ઘરનો કજિયો હોલવ્યો છે તો તેમને કેટલી બધી શાંતિ વળશે ?”

સંભવ છે કે ગાંધીજીને આનો જવાબ ન આપતાં ઉપર મુજબના હુકમો કાઢીને મુંબઈ સરકારને અને હિંદ સરકારને ખબર આપવામાં આવી હોય, જેથી અમલદારો યુદ્ધ પરિષદમાં વાઈસરૉયને કહી શકે કે અમે તો ગાંધીની માગણી પ્રમાણે હુકમો કાઢી દીધા છે છતાં તેણે સત્યાગ્રહની લડત ચાલુ રાખી છે. આમ વાઈસરૉય આગળ પોતે સતા થવાની અને ગાંધીજીને ખોટા દેખાડવાની અમલદારોની યુક્તિ હોય. બીજું સંભવિત અનુમાન એ પણ છે કે વાઈસરૉયના કહેવાથી મુંબઈના ગવર્નરે કલેક્ટર કમિશનરને સૂચના કરી હોય કે સામ્રાજ્યની કટોકટીને વખતે આ ઝઘડો પતાવી નાખો. પણ સિવિલિયનોને એ વસ્તુ ગમતી ન હોય તો તેઓ વાઈસરૉય કે ગવર્નરની નીતિમાં હજાર જાતની મુશ્કેલીઓ ઊભી કરી તેનો અમલ અશક્ય બનાવી મૂકે છે એવું ઘણી વાર જોવામાં આવ્યું છે. એટલે આ હુકમ માત્ર ઉપરનાઓને બતાવવા પૂરતો જ કાઢ્યો હોય અને જિલ્લામાં તો પોતાની મરજી પ્રમાણે જ હાંક્યે રાખ્યું હોય.

લડત બંધ કરવાની પત્રિકામાં ગાંધીજીએ અને સરદારે જણાવ્યું કે :

“…લડતનો અંત તો આવ્યો છે પણ અમારે દિલગીરી સાથે કહેવું પડે છે કે તે અંત માધુર્યરહિત છે. ઉપરનો હુકમ ઉદાર દિલથી રાજી થઈને કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયા જેવો ભાસ આવે છે. … તા. ૨૫મી એપ્રિલે એ હુકમો પ્રજાએ જાણ્યા હોત તો કેટલી હાડમારીમાંથી પ્રજા બચી જાત ? જપ્તીઓ કરવાનું જે નકામું ખર્ચ જિલ્લાના અમલદારોને તે જ કામ ઉપર રોકી કરવામાં આવ્યું તે બચી જાત. જ્યાં જ્યાં મહેસૂલ બાકી છે ત્યાં પ્રજા ઊંચા જીવે રહી છે. જપ્તી ન થઈ શકે તેમ કરવા ખાતર તેઓ ઘર ત્યજી બહાર રહ્યા છે, ખાવાનું પણ પૂરૂં ખાધું નથી. બહેનોએ ન સહન કરવાનું સહન કર્યું છે. કોઈ કોઈ વેળા ઉદ્ધત સર્કલ ઇન્સ્પેક્ટરોનાં અપમાન પણ સહન કર્યાં છે, દુઝણી ભેંસોને છોડી જતાં તેઓએ સાંખ્યું છે. ચેાથાઈના દંડ ભર્યા છે. . . . અધિકારી વર્ગને ખબર હતી કે લડતનું મૂળ જ ગરીબ લોકોની કઠણાઈ હતું. આ કઠણાઈ સામું જોવાની કમિશનર સાહેબે પ્રથમથી જ ના પાડી. ઘણાયે કાગળો લખ્યા છતાં તેમની ‘ના'ની ‘હા’ ન થઈ. ‘આસામીવાર છૂટ અપાય જ નહીંં, એવો કાયદો જ નથી’ આ તેમના શબ્દો હતા. હવે કલેક્ટર સાહેબ કહે છે કે આમ છૂટ આપવાની વાત તો જગજાહેર છે. ત્યારે શું પ્રજાએ જાણી જોઈને હઠથી દુ:ખ સહન કર્યું? દિલ્હી જતી વખતે અમારામાંથી ગાંધીજીએ કમિશનર સાહેબને આવો જ હુકમ કાઢવા વિનંતી કરેલી પણ તેમણે એ વાત ન સાંભળી. અમને બંનેને પૂછીને એવી જ માગણી તા. ૨૫મી એપ્રિલ પછી રા○ સા○ દાદુભાઈ એ કરેલી. પણ તેમને કલેક્ટર સાહેબે કહેલું કે એવી માગણી સ્વીકારવાનો હવે વખત જ નથી રહ્યો.
“પણ પ્રજાનું દુ:ખ જોઈને તેઓ પીગળ્યા. તેઓને પોતાની ભૂલ જણાઈ અને આસામીવાર છૂટ આપવા તૈયાર થયા. ઉદાર દિલે જશ લેવાના રસ્તાનો અધિકારી વર્ગે હઠપૂર્વક ત્યાગ કર્યો છે. હવે પણ જે આપ્યું છે તે સંકોચાઈને, ન ચાલતાં, ભૂલનો સ્વીકાર કર્યા વિના, કંઈ નવી વાત નથી એમ કહીને આપ્યું છે. તેથી અમે કહીએ છીએ કે સમાધાનીમાં મીઠાશ નથી.
“અધિકારી વર્ગની આવી વર્તણૂક હોવા છતાં આપણી માગણીનો સ્વીકાર થાય છે એટલે આપણે સમાધાનીને વધાવી લેવી એ આપણી ફરજ છે. હવે મહેસૂલના આઠ ટકા જ વસૂલ થવાના બાકી છે. આજ લગી મહેસૂલ નહીં ભરવામાં માન હતું. સ્થિતિ બદલાતાં સત્યાગ્રહીને સારુ મહેસૂલ ભરવામાં માન રહ્યું છે. સરકારને જરા પણ તકલીફ દીધા વિના જે શક્તિમાન છે તેમણે મહેસૂલ તરત ભરીને બતાવી આપવાનું છે કે જ્યાં આધ્યાત્મિક કાયદા અને માનુષી કાયદા વચ્ચે વિરોધ નથી ત્યાં સત્યાગ્રહી કાયદાને માન આપવામાં ગમે તેની સાથે હરીફાઈ કરી શકે છે. . . . અશક્તોની યાદી તૈયાર કરવામાં આપણે એવો કડક નિયમ રાખવો કે આપણી યાદીની સામે કોઈ થઈ શકે જ નહીં.
“પોતાની બહાદુરીથી ખેડાની પ્રજાએ આખા હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે. સત્ય, નિર્ભયતા, એકસંપ, દૃઢતા અને સ્વાર્થત્યાગનો રસ ખેડાની પ્રજા આજે છ માસથી ચાખતી આવી છે. અમારી ઉમેદ છે કે એ મહાન ગુણોને પ્રજા વધારે ખીલવશે, વધારે આગળ ચઢશે ને માતૃભૂમિનું નામ વિશેષ ઉજ્વળ કરશે. અમારી દૃઢ માન્યતા છે કે ખેડા જિલ્લાની પ્રજાએ પોતાની, સ્વરાજ્યની અને સામ્રાજ્યની શુદ્ધ સેવા કરી છે.”

આ લડતનો અંત માધુર્યરહિત હતો અને જોકે અમલદારોને પોતાનાં વચન અને ધમકીઓ ગળી જવાં પડ્યાં હતાં છતાં તેમના દિલ ઉપર કશી અસર થઈ નહોતી. એટલું જ નહીં પણ પ્રજાને કનડવાની એક પણ તક જવા દેવા તેઓ તૈયાર ન હતા. તેનું પ્રત્યક્ષ પારખુ આ સમાધાનીના દિવસોમાં જ મળ્યું. સરકારે માતર તાલુકાના નવાગામ ગામના એક ખેડૂતની જમીન ખાલસા કરી હતી અને તેની સાથે તેમાંના એક નંબરના પાકને પણ ખાલસા થયેલો માન્યો હતો. ખાલસાની નોટિસમાં આ નંબર બતાવેલો નહીં હોવાથી તે ખાલસા થયેલો ગણાય નહીં એમ ગાંધીજીએ કલેક્ટરને અગાઉથી લખી જણાવ્યું હતું. આ કહેવાતા ખાલસા નંબરમાં આશરે છસો રૂપિયાની કિંમતનો ડુંગળીનો પાક હતો. ચોમાસું માથા પર આવેલું હોવાથી પાક બચાવવાને માટે ડુંગળી ખોદી લેવાની ગાંધીજીએ સલાહ આપી. ગામના લોકોને પ્રેત્સાહન રહે તે ખાતર શ્રી મોહનલાલ પંડ્યા નવાગામ ગયા અને તા. ૪થી જૂનના રોજ તેમની આગેવાની નીચે ગામના લગભગ બસો માણસોએ એ ડુંગળી ખોદવા માંડી. મામલતદાર એકદમ ખેતર ઉપર જઈ પહોંચ્યા અને પંડ્યા તથા નવાગામના ચાર આગેવાનો ઉપર ચોરીનું તહોમત મૂકી તેમને પકડ્યા તથા ડુંગળી કબજે કરી. તા. ૮મીએ ખેડા મુકામે કલેક્ટર સમક્ષ તેમનો કેસ ચાલ્યો. બે જણને દસ દસ દિવસની અને પંડ્યાજી તથા બીજા બે મળી ત્રણ જણને વીસ વીસ દિવસની સજા કરવામાં આવી. કેસ વખતે ગાંધીજી અને સરદાર હાજર રહ્યા હતા. બીજા પણ ત્રણસોથી ચારસો માણસો હશે. કોર્ટની બહાર તેમને સંબોધીને ગાંધીજીએ કહ્યું: “અપીલમાં એક ક્ષણમાં જિતાય એવો આ કેસ છે. વલ્લભભાઈ એ કે મેં સવાલ ન પૂછ્યા તે કેસ નબળો હતો એટલા માટે નહીંં. અમે કશી ઊલટતપાસ ન કરી તો કોઈ પણ નિષ્પક્ષ મૅજિસ્ટ્રેટ જેને કાયદાનું સારું જ્ઞાન હોય તે કહી શકે કે આમાં ચોરી નથી. આમ છતાં આપણે અપીલ નથી કરવી. સત્યાગ્રહીથી થઈ શકે નહીં. એણે તો જેલ ભોગવવી એ જ સારો માર્ગ છે. . . . ભૂલાભાઈ (એમાંનો એક સત્યાગ્રહી)ના જમીનમહેસૂલના રૂપિયા ૯૪ બાકી છે તે મામલતદારને આવતી કાલે જ ભરી આવવા. આપણે સમાધાની જાળવવાની છે. . . .”

તા. ર૭મી જૂને પંડયાજી અને બીજા કેદીઓ છૂટવાના હતા. તેમને ખૂબ માન આપવું એમ ગાંધીજીએ નક્કી કર્યું. ગુજરાતમાં આ પહેલા જ સત્યાગ્રહી જેલ ભોગવનારા હતા. એટલે જેલમાંથી નીકળે તે જ વખતે તેમનું સ્વાગત કરવા મહેમદાવાદથી સાત માઈલ પગે ચાલીને ગાંધીજી, સરદાર, ડૉ. કાનુગા, શ્રી માવળંકર, શ્રી કૃષ્ણલાલ દેસાઈ વગેરે ગયા. પંડ્યાને નવાગામ તથા કઠલાલમાં ખૂબ માન મળ્યું. એમના માનની બધી સભાઓમાં ગાંધીજી તથા સરદારે ભાગ લીધો. આ પ્રસંગથી પંડ્યાજી ગુજરાતમાં ‘ડુંગળી ચોર’ના ઉપનામથી જાણીતા થયા.

પછી તા. ર૯મી જૂનના રોજ નડિયાદમાં આ લડતની પૂર્ણાહુતિનો ઉત્સવ ઊજવાયો. આ લડતમાં જ ગાંધીજીને સરદાર લાધ્યા અને બે વચ્ચે જીવનભરનો પ્રેમસંબંધ અને સેવાસંબંધ બંધાયો. એને ઉદ્દેશીને ગાંધીજીએ સભામાં કહ્યું :

સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં રહેલી છે. ઘણા માણસો મારી સલાહ માનવાને તૈયાર હતા પણ મને વિચાર થયો કે ઉપ-સેનાપતિ કોણ થશે ? ત્યાં મારી નજર ભાઈ વલ્લભભાઈ પર પડી. મારે કબૂલ કરવું જોઈએ કે મેં ભાઈ વલ્લભભાઈની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે ? એ શું કામ કરશે ? પણ જેમ જેમ એમના વધારે પ્રસંગમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈએ પણ માન્યું કે જબરી વકીલાત ચાલે છે, મ્યુનિસિપાલિટીમાં ભારે કામ કરું છું, તેથી પણ ભારે કામ આ છે. ધંધો તો આજ છે ને કાલે ન હોય. પૈસા કાલે ઊડી જાય. વારસો તેને ઉડાવી દે. માટે પૈસા કરતાં ઊંચો વારસો એમને માટે હું મૂકી જઉં. આવા વિચારોથી એમણે ઝંપલાવ્યું. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તે જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.”

  1. *‘ઇન્ડિયન સેશિયલ રિફોર્મર’ સાપ્તાહિકમાં શ્રી નટરાજને ખેડાના સત્યાગ્રહ વિષે એક અગ્રલેખ લખ્યો હતો. તેની મતલબ એ હતી કે, માની લઈએ કે જિલ્લામાં પાક તદ્દન નિષ્ફળ ગયો છે તેથી જમીનમહેસૂલની મુલતવી માગવાને ખેડૂતો હકદાર છે, છતાં સરકાર મુલતવી આપતી નથી. તો તેનો ઉપાય સત્યાગ્રહ કરી મહેસૂલ ન ભરવું એ નથી. પણ મુંબઈ સ૨કાર ન માને તો હિંદી સરકાર પાસે જવું, આખા દેશમાં લોકમત જાગ્રત કરવો અને તેથીયે આગળ ઇંગ્લંડ જઈ પાર્લમેન્ટમાં પોકાર ઉઠાવવો તથા ઇંગ્લંડનો લોકમત જાગ્રત કરવા પ્રયત્ન કરવો. કાયદાભંગની હિલચાલની એકંદરે લોકમાનસ ઉપર માઠી અસર થાય છે, સમાજમાં સારા કાયદા પ્રત્યે પણ માનની વૃત્તિ ઘટે છે. વળી આવી લડતથી તો લોકો વધારે દુઃખી થાય છે. ખરાબ વર્ષનું દુ:ખ તો છે જ. એ ઉપરાંત સરકારની જપ્તીમાં મહેસૂલ કરતાં ઘણી વધારે કિંમતનો માલ જાય અને તે પાણીને મૂલે હરાજ થાય એ વધારાનું દુઃખ આવે છે. માટે જેઓ ભરી શકે એવા હોય તેઓને વાંધા સાથે ભરવાની સલાહ આપીએ અને જેઓ ગરીબ હોય તેમને માટે ફંડ કરી તેમાંથી મહેસૂલ ભરાવી દઈએ અને આપણી બંધારણીય લડત ચાલુ રાખીએ. સરદારના ભાષણમાં આ વસ્તુનો જવાબ છે.
  2. બ્રિટિશ ન્યાય ઉપર તે વખતે ગાંધીજીને ખૂબ શ્રદ્ધા હતી.