સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ખેડા સત્યાગ્રહ — ૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગુજરાત સભા સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ખેડા સત્યાગ્રહ — ૧
નરહરિ પરીખ
ખેડા સત્યાગ્રહ — ૨ →

ખેડા સત્યાગ્રહ – ૧

તપાસ અને રાહતના પ્રયાસો

જ્યારથી ગાંધીજીએ હિંદુસ્તાનમાં આવીને અમદાવાદમાં વસવાટ કર્યો ત્યારથી ગાંધીજી કોઈ સત્યાગ્રહની લડત ઉપાડે એને માટે શ્રી મોહનલાલ પંડ્યા બહુ ઉત્સુક હતા. તેઓ ખેડા જિલ્લાના કઠલાલ ગામના વતની હતા અને વડોદરા રાજ્યમાં ડેરી સુપરિન્ટેન્ડેન્ટ હતા. તેમના રાજદ્વારી વિચારો બહુ ઉદ્દામ હતા. સને ૧૯૦૪-૫માં બંગભંગની ચળવળ પછી બૉમ્બની જે ત્રાસવાદી પ્રવૃત્તિ ચાલી તે પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી એટલું જ નહીં પણ તેમનું વિશેષ આકર્ષણ હતું. સને ૧૯૦૯માં વાઈસરૉય લૉર્ડ મિન્ટો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે શહેરમાં તેમના ફરવાને માટે નક્કી થયેલા રસ્તા ઉપર રાયપુર દરવાજા બહાર એક બૉમ્બ મળી આવેલો તે મૂકનાર આ પંડ્યાજી હશે એવો છૂપી પોલીસખાતાને વહેમ હતો. વળી ‘વનસ્પતિની દવાઓ’ એ નામની નનામી છપાયેલી ચોપડીમાં, આપણા દેશમાં નકામી વનસ્પતિ (અંગ્રેજોરૂપી) બહુ ઊગી નીકળી છે તેનો નાશ કરવાની દવાઓ આ ચોપડીમાં અમે આપીએ છીએ એમ કહીને જુદી જુદી જાતના બૉમ્બ બનાવવાના નુસખા આપેલા હતા. એ ચોપડી સરકારે જપ્ત કરી હતી. પણ તેના લખનાર અને છપાવનાર શ્રી મોહનલાલ પંડ્યા છે એ વાત ઘણા લોકો જાણતા હતા. પોલીસને પણ તેમના ઉપર વહેમ હતો પણ કશો પુરાવા મળી શક્યો નહોતો. ૧૯૧૧ના ડિસેમ્બરમાં બાદશાહ પંચમ જ્યૉર્જ હિંદુસ્તાન આવેલા અને તેમના રાજ્યાભિષેકનો દરબાર દિલ્હીમાં ભરાયેલો તે વખતે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે ઠરાવેલા નિયમ પ્રમાણે કુરનિસ નહીં બજાવેલી તે કારણસર તેમના ઉપર હિંદ સરકારની તવાઈ આવેલી. તે નિમિત્તે ગાયકવાડી રાજ્યમાંના જે અમલદારો તથા સંસ્થાઓ ઉપર બ્રિટિશ પોલીસખાતાને વહેમ હતો તે અમલદારોને રાજ્યની નોકરીમાંથી છુટા કરવાની તથા તે સંસ્થાઓને બંધ કરવાની ગાયકવાડને ફરજ પાડવામાં આવેલી. આ સપાટામાં પંડ્યાજી પણ આવી ગયા. પછી બ્રિટિશ પોલીસ એમના ઉપર દેખરેખ અને જાપ્તો રાખવાને બહાને એમને બહુ હેરાન કરતી હતી. ગાંધીજીને મોહનલાલ પંડ્યાએ પોતાનાં બધાં વીતક કહી સંભળાવ્યાં ત્યારે એમણે સલાહ આપી કે તમારી તમામ હિલચાલ અને પ્રવૃત્તિઓ પોલીસને પૂરેપૂરી જાણ થાય એ રીતે તદ્દન જાહેર કરશો તો તમે જેને કનડગત માનો છે એવી કનડગત રહેશે જ નહીં. તમારી હિલચાલ તમે પોલીસને ખબર ન પડે એવી રીતે કરવાનો પ્રયત્ન કરો છો તેથી પોલીસ હેરાન થાય છે અને એ તમને હેરાન કરે છે. એમ તો મારી પાછળ પણ પોલીસ હોય છે પણ હું તો ઘણી વાર એની મદદ લઉં છું અને એ લોકો મારા મિત્ર બની જાય છે. પંડ્યાજી જેમ જેમ ગાંધીજીના પરિચયમાં આવતા ગયા તેમ તેમ ત્રાસનીતિનું મિથ્યાત્વ તેમને પ્રતીત થતું ગયું અને અહિંસા ઉપર શ્રદ્ધા બેસતી ગઈ. ખેડાની લડતના મૂળ ઉત્પાદકનો આટલો પરિચય વાચક અસ્થાને નહીં ગણે.

સને ૧૯૧૭ના ચોમાસામાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ. સામાન્ય રીતે ત્યાં વરસાદની સરેરાશ ત્રીસ ઇંચની છે પણ એ સાલ લગભગ સિત્તેર ઈચ વરસાદ પડ્યો. વળી છેક દશેરા પછી પણ વરસાદ પડી રહ્યો એટલે પહેલી વારનું વાવેતર વરસાદમાં ધોવાઈ ગયા પછી બીજી વારના વાવેતરની શક્યતા રહી નહીં. આમ ચોમાસુ પાક બિલકુલ નિષ્ફળ ગયો. ઢોર માટે ઘાસચારો પણ વધારેપડતા પાણીને લીધે કહોવાઈ ગયો. પાણી વધારે પડ્યું હોય ત્યારે શિયાળુ પાક, જેને રવી પાક કહે છે, તે સારો થવાની આશા રહે પણ તેમાં ઉંદરનો ઉપદ્રવ થયો અને જુદી જુદી જાતના રોગ લાગ્યા તેથી એ પાકને પણ બહુ નુકસાન થયું. આમ આખું વરસ લગભગ નિષ્ફળ ગયું અને ગરીબ લોકોને તથા ઢોરને ખાવાનું મેળવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ. આવી મુશ્કેલીમાં લોકો જમીનમહેસૂલ ક્યાંથી લાવીને ભરે એ મોટો સવાલ હતો.

જ્યારે વરસાદ નથી પડતો અને સૂકો દુકાળ પડે છે ત્યારે સમાજમાં એક જાતનો ત્રાસ ફેલાઈ જાય છે અને કડક સરકારી અમલદારના દિલમાં પણ મહેસૂલઉઘરાતની બાબતમાં છૂટછાટ મૂકવાની અને બીજી રાહત આપવાની લાગણી થઈ આવે છે. મહાજનો પણ દુકાળ સંકટ નિવારણનાં કામો કરવા બહાર પડે છે. પણ લીલા દુકાળમાં ભારે નુકસાન થયું હોય છતાં તેનો ત્રાસ એટલો ઉઘાડો દેખાતો નથી. સરકારી અમલદારને તો આ વર્ષે મહેસૂલમાં છૂટછાટ મૂકવાની જરૂર છે એવો વિચાર જ ક્યાંથી આવે ? મહેસૂલઉઘરાતની બાબતમાં કાયદો એવો છે કે દર વર્ષે પાકની આનાવારી કાઢવી અને પાક છ આનીથી ઓછો ઊતર્યો હોય તો અર્ધું મહેસૂલ લેવાનું મુલતવી રાખવું અને ચાર આનીથી ઓછો ઊતર્યો હોય તો આખું મુલતવી રાખવું તથા તે પછીનું વર્ષ પણ ખરાબ નીવડે તો આગલા વર્ષનું મુલતવી રાખેલું મહેસૂલ માફ કરવું. અત્યાર સુધી કેટલીયે વાર વરસ તો ખરાબ નીવડ્યાં હશે પણ લોકો અજ્ઞાન અને રાંક હોવાથી તેમણે કાંઈ તકરાર ઉઠાવેલી નહીં. અમલદારોને પોતાને ઠીક લાગ્યું હશે ત્યારે તેમણે ક્વચિત્‌ મુલતવી કે માફી આપી હશે. આ વર્ષે તો ખેડૂતોના હકની વાત કરનારા પંડ્યા કઠલાલમાં બેઠા હતા અને તેમની વાત સાચી લાગવાથી તેમને ટેકો આપનારા અને લડતને આગળ ધપાવનારા ગાંધીજી અને સરદાર હતા. અમલદારો શાણા હોત અને તેમણે સરકારને ખોટી સલાહ ન આપી હોત તો આ લડત ઊપડત જ નહીં. પૈસા ભરવાને અશક્ત એવા ખેડૂતોનું મહેસૂલ એ વર્ષે લેવાનું મુલતવી રાખે તો જેટલી રકમ બાકી રહે એટલી રકમના એક વરસના વ્યાજનું જ સરકારને નુકસાન હતું. પણ સરકારી અમલદારો એ રીતે વિચારતા નહોતા. તેમના મગજમાં તો એ તુમાખી ભરેલી હતી કે મહેસૂલની બાબતમાં અમે જે નિર્ણય કરીએ તે જ છેવટનો ગણાય. એની સામે વાંધો ઉઠાવનારા બીજા કોણ ? અમે સરકાર માબાપ છીએ, ખેડૂતનાં સુખદુઃખ અમે જાણીએ છીએ, ખેડૂતનાં હિત અમારે હૈયે વસેલાં છે. ખેડૂતના તરફથી વાતો કરનારા આ બીજા લોકો તો શહેરમાં રહીને વકીલાતનો અથવા બીજો ધંધો કરનારા રાજદ્વારી ચળવળિયા છે. એટલે આ લડતમાં મુદ્દો તો એ થઈ પડ્યો હતો કે ખેડૂતોના સાચા હિતેશરી કોણ ? સરકારી અમલદારો કે લોકસેવકો ? અને સરકારી અમલદારો કહે એ સાચું કે લોકો કહે એ સાચું ? સરકારી અમલદારોનો આક્ષેપ એ હતો કે, લોકો જે બોલે છે તે તો પેલા ચળવળિયાઓની શિખવણીથી અને ઉશ્કેરણીથી બોલે છે. લોકોનું કહેવું માનીએ તો એ ચળવળિયાની આબરૂ લોકોમાં વધે અને અમલદારની પ્રતિષ્ઠા ઓછી થાય. આમ સરકારી અમલદારોને પક્ષે આખી લડત તેમના મમતની, તેમણે માની લીધેલા પ્રતિષ્ઠાના ભૂતની હતી. લોકોને પક્ષે લડત એ હતી, કે પ્રજા સમસ્ત પોતાને વીતેલું કહે તે ખોટું અને સરકારી અમલદારો પૂરી હકીકત જાણ્યા વિના અને બરાબર તપાસ કર્યા વિના કહે તે ખરું, એમાં પ્રજાનું ભારે અપમાન હતું અને તેથી સ્વમાનની ખાતર તેમણે લડવું જોઈએ. નિષ્પક્ષ પંચનો ચુકાદો કબૂલ કરવા તેઓ તૈયાર હતા પણ સરકારી અમલદારો પંચની વાત કબૂલ રાખે તો તો એમની સત્તા શી રહે ? આમ સત્તા અને સત્ય વચ્ચેનો આ ઝઘડો હતો.

પંડ્યાજીએ કઠલાલના ખેડૂતો પાસે બેસતા વરસને દિવસે તા. ૧૫-૧૧-’૧૭ના રોજ અરજી કરાવી કે આ સાલ અતિવૃષ્ટિને લીધે જિલ્લામાં એકંદર પાક ચાર આનીથી કમી થયો છે માટે સરકારે મહેસૂલ લેવાનું મુલતવી રાખવું જોઈએ. આ અરજી જોઈને નડિયાદના મિત્રોનો એ અભિપ્રાય થયો કે અરજીમાં આખા જિલ્લાની હકીકત બહુ સારી રીતે રજૂ થાય છે માટે બની શકે તેટલાં વધુ ગામોથી અરજી મોકલવી. આ ઉપરથી ઘણાં ગામોથી અરજીઓ ઉપર સહીઓ લેવામાં આવી. નડિયાદ હોમરૂલ લીગની શાખા મારફત જુદા જુદા ગામના ૧૮,૦૦૦ ખેડૂતોની અને કઠલાલ હોમરૂલ લીગની શાખા મારફત ૪,૦૦૦ ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકાર ઉપર રવાના કરવામાં આવી અને તેની નકલો જિલ્લાના કલેક્ટર, ઉત્તર વિભાગના કમિશનર, મુંબઈ પ્રાંતના રેવન્યુ મેમ્બર, ગાંધીજી, ના. ગોકુળદાસ પારેખ, ના. વિઠ્ઠલભાઈ પટેલ તથા ગુજરાત સભાના મંત્રીઓ ઉપર મોકલવામાં આવી. મુંબઈ સરકાર તરફથી જવાબ આવ્યો કે, “આ બાબતમાં કલેક્ટરને સઘળી સત્તા છે અને અરજીમાં જણાવેલા મુદ્દા ઉપર તેઓ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.” પછી અનેક ગામોએ જાહેર સભાઓ ભરવામાં આવી. તા. ૨૫-૧૧-’૧૭ના રોજ નડિયાદમાં એક મોટી સભા દેસાઈ ગોપાળદાસ વિહારીદાસના પ્રમુખપણા નીચે થઈ તેમાં ઠરાવ કરવામાં આવ્યો કે ધારાસભામાં ગુજરાત તરફથી ચૂંટાયેલા ના. ગોકળદાસ પારેખ તથા ના. વિઠ્ઠલભાઈ પટેલને આ સવાલ ઉપાડી ખેડૂતોને રાહત અપાવવા વિનંતી કરવી. દરમિયાન, કપડવંજ અને ઠાસરા તાલુકામાં મહેસૂલ ઉઘરાતનો હપ્તો ૫મી ડિસેમ્બરથી શરૂ થતો હોવાથી એક નાના પ્રતિનિધિમંડળે. તા. ૨૭મી નવેમ્બરના રોજ કલેક્ટરની મુલાકાત લીધી અને તેમને વિનંતી કરી કે અમારી અરજીઓનો નિકાલ થાય ત્યાં સુધી હપ્તાની મુદ્દત લંબાવો. કલેક્ટરે જણાવ્યું કે, “શિયાળુ પાકની સારી આશા છે, છતાં હાલના સંજોગોમાં પાકની આનાવારી ચોક્કસ તૈયાર થયા બાદ ખેડૂતોને રાહત આપવાની જરૂર જણાશે તો રાહત આપવામાં આવશે.” ગામેગામ સભાઓ ભરવાનું તો ચાલુ જ હતું. અને તેની ખબર ગાંધીજી તે વખતે ચંપારણમાં રહેતા હતા ત્યાં તેમને આપવામાં આવતી. તેમણે ત્યાંથી લખેલું કે :

“જે જે સભાઓ ભરાય તેમાં મર્યાદાનો ત્યાગ ન થાય, વાતો વિવેકપૂર્વક થાય, તેમ સહેજ પણ અતિશયોક્તિ ન થાય,— એ તમારાથી જળવાય તેટલે દરજ્જે જાળવજો.”

નડિયાદની સભાની વિનંતી ઉપરથી ના. ગોકુળદાસ પારેખ તથા ના. વિઠ્ઠલભાઈ પટેલ તા. ૧૨મી ડિસેમ્બરના રોજ નડિયાદ આવી પહોંચ્યા. તેમણે કલેક્ટરને મળતાં પહેલાં નડિયાદ, કપડવંજ અને ઠાસરા તાલુકાનાં વીસ ગામોની મુલાકાત લઈ લોકોની હાડમારી નજરે જોઈ તથા સેંકડો ખેડૂતોના લેખી પુરાવા લીધા. વળી કઠલાલ, મહુધા તથા નડિયાદમાં જાહેર સભામાં હાજરી આપી. દરેક સભામાં હજારો ખેડૂતોએ ભાગ લીધો અને ચોમાસુ પાકની નિષ્ફળતાનું તથા શિયાળુ પાક ઉપર પણ ઉંદર વગેરેના ઉપદ્રવનું તથા અનેક પ્રકારના રોગોથી થનારા નુકસાનનું આબેહૂબ વર્ણન કર્યું. આમ બધી માહિતી મેળવી તા. ૧૫-૧૨-’૧૭ના રોજ ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે તેઓ ઠાસરા મુકામે જિલ્લાના કલેક્ટરને મળ્યા અને તેમની આગળ પોતાનું લેખી નિવેદન રજૂ કર્યું. તેમાં વર્ષની ખરાબ સ્થિતિ જોતાં પછાત વર્ગના ખેડૂતોનું તથા રૂપિયા ત્રીસથી ઓછું મહેસૂલ ભરનાર ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવાની તથા જિલ્લાના બીજા તમામ ખેડૂતોનું મહેસૂલ ચાલુ સાલે મુલતવી રાખવાની જરૂર છે એવી માગણી કરી. કલેક્ટરે જણાવ્યું કે, “પાકના આનાવારી વગેરે આંકડા તૈયાર કરવામાં કાળજી અને ઉદારતાથી કામ લેવામાં આવશે અને નિયમ પ્રમાણે યોગ્ય રાહત આપવામાં આવશે. વળી જે તાલુકાઓમાં હપ્તાની મુદત શરૂ થઈ ગઈ હોવા છતાં જે ખેડૂતોએ મહેસૂલ ભર્યું નથી તેમના ઉપર છેવટના હુકમ નીકળતાં સુધી સખ્તાઈના ઈલાજ લેવામાં આવશે નહીં.”

ખેડૂતોની અરજીની એક નકલ ગુજરાત સભાને મોકલવામાં આવેલી. ના. પારેખ અને પટેલની સાથે તપાસમાં તેઓ પણ સામેલ થાય એવું તેમને આમંત્રણ પણ આપવામાં આવેલું. તે ઉપરથી તેના એક મંત્રી શ્રી દાદાસાહેબ માવળંકર અને બીજા કેટલાક સભ્યો ના. પારેખ—પટેલની સાથે ફરેલા અને ઘણા ખેડૂતોની જુબાનીઓ તેમણે લીધેલી. વળી તેના સભ્યોમાંથી રા. બ. રમણભાઈ, દી. બ. હરિલાલ દેસાઈભાઈ તથા સરદાર નડિયાદની જાહેર સભામાં હાજર રહેલા.

ના. પારેખ—પટેલની મુલાકાત પછી કલેક્ટરે તા. રરમી ડિસેમ્બરના રાજ પોતાના હુકમો બહાર પાડ્યા અને તેમાં નડિયાદ, મહેમદાવાદ અને કપડવંજ તાલુકાનાં ગામોમાંથી ૧૦૪ ગામમાં એકંદરે રૂા. ૧,૭૫,૮૬૮ની રકમનું મહેસૂલ મુલતવી રાખવાનું ઠરાવ્યું. જિલ્લાના કુલ મહેસૂલનો આંકડો લગભગ તેવીસ લાખ રૂપિયાનો હતો એટલે મુલતવીની રાહત આખા જિલ્લાની મહેસૂલના ૭.૪ ટકા જેટલી માત્ર હતી. આવી નજીવી રાહતના હુકમની પણ લોકોને તો તે વખતે કશી ખબર આપવામાં જ આવેલી નહીં.

પહેલાં જ્યારે સરકાર વિરુદ્ધ ગણાતી કાંઈ ચળવળ ઊપડતી ત્યારે સરકારી અમલદારોને, અને તેમાંયે વિશેષ કરીને નીચલા વર્ગના અમલદારોને લોકો ઉપર જુલમ કરીને તેમને દબાવી દેવાનું શૂર ચઢતું. પોતાની વફાદારી અને કાબેલિયત બતાવવાની ખરી તક આવી છે એમ તેમને લાગતું, અને એ સ્વાભાવિક હતું. કારણ બ્રિટિશ અમલ દરમિયાન પ્રજા ઉપર જુલમ કરવાનો ઉત્સાહ ધરાવનારા નાના તથા મોટા અમલદારોની કદર પણ થતી. એટલે હપ્તો શરૂ થતાંની સાથે જ કેટલાક તલાટીઓ જોર જબરદસ્તી કરીને વસૂલાત કરવા મંડી પડ્યા. તલાટીઓના જુલમની વાત કાને આવવાથી કઠલાલની હોમરૂલ લીગે તેની તપાસ કરવા એક પ્રતિનિધિમંડળને ગામડાંમાં ફરવા મોકલ્યું. દૈયપ નામના ગામના એક મુસલમાન ખેડૂતે તેમને કહ્યું કે : “ગામમાં તો કાળા કેર વર્તી રહ્યો છે. બે દિવસથી લોકોને ત્યાં રાંધ્યાં ધાન રહ્યાં છે. તલાટી માબહેન સિવાય વાત કરતો નથી. બૈરાંની હાજરીમાં નઠારી ગાળોનો વરસાદ વરસાવે છે. ઘર વેચો, ઘરેણાં વેચો, જમીન વેચો, ઢોર વેચો, છેવટે બૈરીછોકરાં વેચો પણ સરકારના પૈસા ભરો, એમ ધમકાવે છે.” એક તરફથી આ જુલમ ચાલતો હતો ત્યારે એની સાથે સાથે જ અમલદારો એવી જ સખ્તાઈ કરીને ‘અવર ડે ફંડ’ અને ‘વૉર લોન’માં લોકો પાસેથી નાણાં કઢાવતા હતા. આ બધી હકીકતનો કાગળ ગાંધીજીને લખવામાં આવેલો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે: “તલાટીના જુલમ બાબત તમે ન ભૂલશો અને ભાઈ માવળંકર વગેરેને ભૂલવા ન દેશો. સરકારી અમલદારોની વર્તણૂકનો હેવાલ બહાર પાડવો આવશ્યક છે. સરસ હેવાલ લખાવી બહાર પાડશો.”

દૈયપના જુલમની હકીકત છાપાંમાં આવી તે જોઈ શ્રી ઠક્કરબાપા કઠલાલ ગયા અને દૈયપ અને બીજાં ગામોએ જાતે જઈ તપાસ કરી. પોતાની તપાસનો લાંબો પત્ર તેમણે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ માં લખ્યો. તેમાં જણાવ્યું કે:

“... દસેક ગામોની મુલાકાત લીધી તેને પરિણામે ચોખ્ખું જણાઈ આવે છે કે ચોમાસુ પાક કેવળ નિષ્ફળ ગયો છે અને શિયાળુ પાકની આશા ફોગટ છે. કેમ કે તેમાં અનેક રોગો અને ઉંદર પડ્યા છે. લોકોની બીજી એક ભારે ફરિયાદ એ છે કે ગામોના મુખી તલાટીએ કરેલી આનાવારીના આંકડા તાલુકા અમલદારના દબાણથી વધારવામાં આવ્યા છે. ચાર આનીની અંદરના આંકડા વધારીને કેટલાંક ગામોના સાડાચાર, છ અને છેવટે આઠ આની સુધી કરવામાં આવ્યા છે. તલાટી સામે લોકોની ફરિયાદ સંબંધે મેં ખૂબ તપાસ કરી, તેને પરિણામે જણાય છે કે એક ખેડૂતને પોતાની સનંદિયા જમીન વેચવી પડી, એક ખેડૂતને ૭૫ ટકા વ્યાજે નાણાં કરજે કાઢવાં પડ્યાં, છ ઢેડ ખેડૂતોને બે કલાક અંગૂઠા પકડાવ્યા અને છેવટે સરકારધારો ભરવાની ચોક્કસ ખાતરી આપી ત્યારે છોડ્યા, તેમને ૩૭ાા ટકા વ્યાજે નાણાં કરજે કાઢવાં પડ્યાં. કેટલાકને ગેરકાયદે અટકમાં રાખી જમીનમહેસૂલ ભરવાનાં વચન લીધાં. જમીનમહેસૂલ આખું ઉઘરાવવા ઉપરાંત સને ૧૯૧રની સાલમાં સરકારે આપેલી તગાવી આ સાલ આખી ઉઘરાવવામાં આવે છે. અનારા અથવા બારશીદાના એક મુસલમાન ખેડૂતને જમીન મહેસૂલ ભરવાની ખાતર પોતાની દસ વર્ષની કન્યાનું લગ્ન કરી જમાઈ પાસેથી પંદર રૂપિયા લેવા પડ્યા હતા. તેની ન્યાતના માણસોને પૂછવાથી ખાતરી થઈ કે જો તેણે કન્યાના બદલામાં લીધેલા રૂપિયા જમીનમહેસૂલ ભરવા સિવાય બીજા કોઈ કારણસર લીધા હોત તો તેને ન્યાતબહાર મૂકવામાં આવત. કેમ કે તેમની ન્યાતમાં દીકરીના પૈસા લેવાની સખત મનાઈ છે. આ મુસલમાન ખેડૂતને આવું અધમ કામ માત્ર ચોથાઈ દંડમાંથી બચવાની ખાતર કરવું પડ્યું હતું.”

બીજી તરફથી તાલુકા અમલદારો મુખી તલાટીઓને વસૂલાતની સખ્તાઈ માટે કેવી રીતે ઉત્તેજન આપતા હતા તે તા. ૧-૧-'૧૮ના કપડવંજ તાલુકાના મામલતદારના નીચેના સર્ક્યુલર પરથી જણાશે:  “સરકાર વિદ્યમાન મામલતદાર તાલુકે ક૫ડવંજના સેજાના તલાટી પટેલને માલૂમ થાય જે ચાલુ સાલે કઠલાલ હોમરૂલ લીગ તરફથી લોકોને સરકારધારો નહીં ભરવા બાબત જાહેર ભાષણો કરી, જાહેરખબરો વહેંચી, અગર માણસો મોકલી સમજાવવામાં આવે છે. તે માટે નીચે મુજબનો સર્ક્યુલર ગામ-કામદારો તથા મતાદાર પટેલોની જાણ માટે કાઢવામાં આવે છે:

૧. સરકારધારો વસૂલ કરવા સંબંધી મહે. કલેક્ટર સાહેબ બહાદુરનો હુકમ તમારા તરફ મોકલવામાં આવ્યો છે. તેથી વસૂલ કરવાનો આંકડો હવે નક્કી થયો છે. તેમાં ફેરફાર થશે નહીં એવી લોકોને ગામમાં અને મુવાડામાં સાદ પડાવી સમજૂત કરવી અને જણાવવું કે હવે જો ધારો નહીં ભરવામાં આવે તો સખ્તાઈના ઇલાજો લેવામાં આવશે.
૨. મતાદારી કાયદા મુજબ મુલકી પાલીસપટેલ તથા મતાદાર પટેલો સરકારધારો મુદ્દતસર ન ભરે અને દાંડાઈ કરે તો નોકરી કરવા માટે નાલાયક ઠરાવી શકાય છે. . . . આ હુકમ પહોંચ્યેથી સાત દિવસમાં બાકી ન ભરી દે તો કાયદા મુજબ નોકરી માટે નાલાયક ઠરાવવા રિપોર્ટ વગરવિલંબે કરી મોકલવો.
૩. . . .જે લોકો સરકારધારો નહીં ભરવાની શિખામણ આપતા હોય એમનાં નામની નોંધ રાખી, તેમની બાકી હોય તો તે ચોથાઈ દંડ સાથે વસૂલ કરવા તાકીદે પત્રક ભરી મોકલવું.
૪. જે આગેવાન પાક થયા છતાં ભરતા નહીં હશે, તેમના સંબંધમાં જંગમ મિલકત જપ્ત કરવા હુકમ મંગાવવામાં દેર કરવી નહી.
૫. હોમરૂલ લીગ અગર બીજા કોઈ શખ્સ તરફથી સરકારધારો નહીં ભરવા સંબંધી જે સૂચના થાય તેની નોંધ રાખી તાલુકે રિપોર્ટ કરી મોકલવો.
૬. સરકારધારો નહીં ભરવા લોકોને શિક્ષણ આપવામાં આવે છે, માટે તમારે વસૂલાત કામમાં કાળજી રાખી, ધીરજથી મંડ્યા રહી કામ પાર ઉતારવું. જો ડરી જઈ આળસથી નોકરીમાં ગફલત કરશો તો શિક્ષાને પાત્ર થશો તે જાણવું.”

આ લડતની ઉત્પત્તિ કઠલાલ ગામથી થયેલી અને ત્યાંના લોકોએ અત્યાર સુધી બિલકુલ મહેસૂલ ભર્યું નહોતું તેથી ત્યાંના લોકોને લાલચમાં નાખી ફોડવાના હેતુથી મામલતદારે તા. ૮મી જાન્યુઆરીએ એક સર્ક્યુલર કાઢ્યો કે કઠલાલમાં જમીનમહેસૂલ તથા તગાવી અર્ધાં લેવામાં આવશે. પણ તેની કશી અસર થઈ નહીં.

ગુજરાત સભાના વ્યવસ્થાપક મંડળે પોતાના મંત્રીઓ તથા કેટલાક સભ્યોને ખેડા જિલ્લાના પાકની તપાસ કરવા ના. પારેખ તથા પટેલની સાથે ફરવા મોકલ્યા હતા. તેમના હેવાલ ઉપરથી ગુજરાત સભાને લાગ્યું કે આપણા તરફથી પણ માફી અને મુલતવીની અરજી મુંબઈ સરકારને મોકલવી જોઈએ. તે મુજબ તા. ૧-૧-’૧૮ના રોજ મંત્રીઓની સહીથી એક અરજી મોકલવામાં આવી. ત્યાર પછી થોડા જ દિવસે ગાંધીજી અમદાવાદ આવ્યા. ખેડા જિલ્લાના પોતાને મળવા આવેલા ખેડૂતો તથા ગુજરાત સભાના સભ્યો સાથે મસલત કરીને તેમણે એવી સલાહ આપી કે મુંબઈ સરકારને કરેલી અરજીઓનું પરિણામ ન જણાય ત્યાં સુધી જમીનમહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની ખેડા જિલ્લાની પ્રજાને ગુજરાત સભાએ ખબર આપવી તથા એના પ્રતિનિધિઓએ ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટને રૂબરૂ મળી તેમની સાથે મસલત કરવી અને સઘળી પરિસ્થિતિ તેમને સમજાવવી. તે ઉપરથી ગુજરાત સભાની કારોબારીની મીટિંગ સરદારને ત્યાં બોલાવવામાં આવી. તેમાં બહુમતી તો ગાંધીજીની સલાહને વધાવી લેવા તૈયાર હતી. પણ સભાના જૂના અને પીઢ ગણાતા કાર્યકર્તાઓમાં રા. બ. રમણભાઈ, શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ, રા. સા. હરિલાલ દેસાઈભાઈ, શ્રી મૂળચંદ આશારામ શાહ, શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ વગેરે વિનીત વિચારના હતા. આવી સલાહનાં પરિણામની જવાબદારી લેવા તેઓ તૈયાર નહોતા. લોકોને ન્યાય ન મળે તો ગાંધીજી તો લોકોને મહેસૂલ ન ભરવાની લડત ઉપાડવાની પણ સલાહ આપે એમાં તેઓ સંમત નહોતા જ. એમના રાજકારણમાં સરકારને અરજીઓ કરવી, વિરોધની સભાઓ ભરી આંદોલન કરવું અને બહુ તો દુઃખી લોકોને શક્ય તેટલી રાહત આપવા પ્રબંધ કરવો એથી આગળ જવાપણું આવતું નહોતું. ગાંધીજીનો આગ્રહ એ હતો કે આ જાતનું પગલું દેશમાં તદ્દન નવું જ હોઈ ગુજરાત સભામાં સર્વાનુમતિ થાય તો જ તેણે ખેડૂતોને સલાહ આપવા બહાર પડવું જોઈએ. સભાની કારોબારીમાં પુષ્કળ ચર્ચા થઈ. સભ્યોમાંથી મોટા ભાગના વકીલો હતા એટલે તેમણે ઘણા મુદ્દા ઉઠાવ્યા. એક દિવસમાં નિર્ણય ઉપર ન આવ્યા એટલે બીજે દિવસે મળ્યા, પછી ત્રીજે દિવસે એમ આઠ દિવસ સુધી દર રોજ સાંજે સરદારને ઘેર બે બે કલાક સભા ચાલી. રોજ શી ચર્ચા થઈ તેની ગાંધીજીને સરદાર, દાદાસાહેબ તથા બચુભાઈ ખબર આપતા, સરદાર ગાંધીજીને કહેતા કે તમને બહુમતી મળે છે પછી શી હરકત? પણ ગાંધીજીએ સર્વાનુમતિ માટેનો આગ્રહ પકડી રાખ્યો. છેવટે શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ સિવાય બીજા સૌ સભ્યો સંમત થયા કે અત્યારે આવી સલાહ આપવામાં હરકત નથી. શ્રી મગનભાઈને તો સરકારના ઠરાવની વિરુદ્ધ જઈને ખેડૂતને થોડા વખત માટે પણ મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની સલાહ આપવામાં અંત:કરણનો બાધ લાગતો હતો. વળી એક વાર ખેડૂત સરકારને મહેસૂલ ન ભરવાને ચાળે ચઢે તો પછી બીજે દિવસે જમીનના માલિકને ગણોત આપવાની પણ ના પાડે અને એ રીતે પ્રજામાં અંદર અંદર ઘર્ષણ ઊભું થાય એ બરાબર નથી એવી એમની દલીલ હતી. એમને બહુ સમજાવવામાં આવ્યા ત્યારે આખરે એક્કે તરફ મત ન આપવાને તેઓ કબૂલ થયા. સરદારે ગાંધીજીને કહ્યું કે હવે તમારે વિશેષ ખેંચવું ન જોઈએ. ગાંધીજીએ એ વાત સ્વીકારી. તેમની બીજી માગણી એ હતી કે જો આપણે ખેડા જિલ્લામાં લડત ઉપાડવી જ પડે તો ગુજરાત સભાના પીઢ કાર્યકર્તાઓમાંથી કોઈક એકે તો મારી સાથે ખેડા જિલ્લામાં આવીને લડત પૂરી થાય ત્યાં સુધી બેસી જવું જોઈએ. પછી વકીલાત માટે કે બીજા કામ માટે આવજા કરે તે ન ચાલે. પેલા ભાઈઓમાંથી તો કોઈ તૈયાર થાય એમ હતું જ નહીં. પણ સરદાર એ બીડું ઝડપવા તૈયાર થયા ત્યારે ગાંધીજી બહુ રાજી થયા. પછી ગુજરાત સભાએ બે ઠરાવો પસાર કર્યા. એક ઠરાવમાં તા. ૧લીના રોજ સભાએ કરેલી અરજીનો નિકાલ થાય ત્યાં સુધી વસૂલાત મુલતવી રાખવાની સરકારને વિનંતી કરી. બીજા ઠરાવમાં ખેડા જિલ્લાની પ્રજાને ખબર આપવાનો નીચે મુજબને મુસદ્દો પસાર કરવામાં આવ્યો:

ખેડા જિલ્લાની પ્રજાને ખબર

“ખેડા જિલ્લાનાં જુદાં જુદાં સ્થળેથી પૂછવામાં આવે છે કે વિઘોટી મુલતવી રહેવાની હિલચાલ સંબંધી શું થયું, અને રેવન્યુ ખાતા તરફથી વિઘોટી માટે તાકીદ થાય છે, તે સંબંધે શું કરવું? આ સંબંધમાં જણાવવાનું કે મુંબઈ સરકાર તરફથી હજી સુધી જવાબ મળ્યો નથી. તેથી જ્યાં સુધી મુંબઈ સરકારનો છેવટનો ઠરાવ માલૂમ નથી પડ્યો ત્યાં સુધી જેઓને પાક મુદ્દલ ન થયો હોય તેમણે હાલ વાટ જોવી અને વિઘોટી ભરવાનું મુલતવી રાખવું એ સલાહભરેલું છે.”

ત્રીજો ઠરાવ એ કર્યો કે કમિશનર સાથે આ આખા પ્રશ્નની મસલત કરવા મંત્રી ઉપરાંત નીચેના સભ્યોએ જવું:

રા. બ. રમણભાઈ, રા. સા. હરિલાલ દેસાઈભાઈ, શ્રી મૂળચંદ આશારામ શાહ, શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ અને શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ.

પછી ગાંધીજી ચંપારણ જવા ઊપડી ગયા.

ખેડા જિલ્લાના સઘળા જ તાલુકાના મામલતદારોએ કપડવંજના જેવા જ સર્ક્યુલરો તા. ૮-૧-’૧૮ સુધીમાં કાઢી દીધા હતા. તેમાં નીચેનાં વાક્યો ખાસ ઉમેરવામાં આવ્યાં હતાં:

“... મુખી તલાટીને વસૂલ ન કરવા બાબત જવાબદાર ગણવામાં આવશે. . . .”
“... મહેસૂલ ન ભરનાર ઉપર સખ્તાઈના ઉપાયો, જેવા કે ચેાથાઈ દંડ, જમીન ખાલસા, જપ્તીઓ, વગેરે કાયદેસર લેવાં....”

“. . . જમીનમહેસૂલ ભરી દેવામાં જે લોકો ઢીલ કરશે તેમની મિલકત અને વતન કાયદાની રૂએ જપ્ત થઈ હરરાજ થઈ જશે.”

સભાના મંત્રીઓએ તા. ૧૦મીએ કમિશનરને કાગળ લખી મુલાકાતનો વખત માગ્યો અને ‘ખેડા જિલ્લાની પ્રજાને ખબર’ની પત્રિકા તેમણે તે જ દિવસે છપાવીને ખેડા જિલ્લામાં વહેંચવા માટે કાર્યકતાઓને આપી દીધી હતી તેની એક નકલ જાણ માટે સાથે મોકલી. કમિશનરે જવાબ આપ્યો કે પોતે મંત્રીઓ સાથે ‘વાત કરવા’ માગે છે અને તા. ૧૧મીએ સવારમાં નવ વાગ્યે મળવું. તેમણે મંત્રીઓને જ મળવા જણાવેલું છતાં રૂબરૂ વિનંતી કરતાં બધાની મુલાકાત લેશે એવા વિચારથી બીજા સભ્યો પણ ત્યાં ગયા અને કમિશનરને ખબર આપી. કમિશનરે ચિઠ્ઠી લખી જવાબ આપ્યો કે, “સભાના મંત્રીઓ સિવાય બીજા કોઈને હું મળવા ઇચ્છતો નથી.” એટલે મંત્રીઓ શ્રી કૃષ્ણલાલ દેસાઈ અને શ્રી દાદાસાહેબ માવળંકર તેમને મળવા ગયા. તેમને કલેક્ટર સાથે થયેલા સંવાદમાંથી મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે:

શ્રી માવળંકર: ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ ઉઘરાવવામાં આજકાલ સખ્તાઈના ઇલાજો લેવાય છે એવી ખબર મળવાથી તમારી પાસે આવવાની જરૂર પડી છે.
મિ. પ્રૅટ: તમે આજકાલના ઊછરતા ‘પોલિટિશ્યનો’એ આ નોટિસ બહાર પાડી છે, પણ તેની જવાબદારી તમે સમજો છો?
શ્રી દેસાઈ: હા, આ ખબર અમે આપી છે.
મિ. પ્રૅટ: તમે એ વહેચાવી દીધી?
શ્રી માવળંકર: હા, ગઈ કાલે ખેડા જિલ્લામાં મોકલી દીધી છે.
મિ. પ્રૅટ: (માવળંકરને) તમને ખોટું ન લાગે તો પૂછું કે તમારી ઉંમર કેટલી છે?
શ્રી માવળંકર: ત્રીસની.
મિ. પ્રૅટ: હજી તમે બહુ જ કાચી ઉંમરના છો, બિનઅનુભવી છો. હજી તમારી જવાબદારી તમે પૂરેપૂરી ન સમજી શકો. કદાચ તમારા પ્રમુખ(ગાંધીજી)ને જણાવ્યા વિના તમે આ નોટિસ બહાર પાડી દીધી છે.
શ્રી માવળંકર: તેઓ જાણે છે એટલું જ નહીં, પણ તેમની સૂચનાથી જ તે બહાર પાડવામાં આવી છે.
શ્રી દેસાઈ: એનો મુસદ્દો ગાંધીજીએ જ કરેલો છે.
મિ. પ્રૅટ: હું દિલગીર છું. પણ ખેડા જિલ્લામાં યોગ્ય વહીવટ કરવાની કુલ જવાબદારી ત્યાંના કલેક્ટરની છે. આ નોટિસથી એમના હુકમનો અનાદર કરવાનું તમે ખેડૂતોને કહો છો, એ તમે સમજી શકો છો?
શ્રી માવળંકર: અમારો હેતુ એવો નથી. આ નોટિસ દ્વારા અમે તા માત્ર સરકાર તરફથી છેવટનો નિર્ણય થતા સુધી જમીનમહેસૂલ ભરવાનું
મુલતવી રાખવાની પ્રજાને સલાહ આપી છે. તે પણ તેઓ નિરંતર પૂછ્યા કરતા હતા તેથી. પ્રજાએ કલેક્ટરના હુકમને ન માનવા એવો ભાવાર્થ છે જ નહી.
મિ. પ્રૅટ: તમે વકીલ છો તેથી તમે એટલું તો સમજી શકો કે દરેક વ્યક્તિ પોતે જે કામ કરે તેને માટે જવાબદાર ગણાય. આ નોટિસનો અર્થ એવો થાય કે પાકની આનાવારી કરવાનું તમે ખેડૂતને પોતાને જ સોંપી દો છો, પછી ભલે તે ગમે તેવો મામૂલી માણસ હોય.
શ્રી દેસાઈ: તમે નોટિસનો જે અર્થ કરો છે તે બરાબર નથી.
મિ. પ્રૅટ: હું દલીલમાં ઊતરવા ઇચ્છતો નથી. હું નોટિસનો બરાબર અર્થ કરી શકું છું. તમે જુવાન અને બિનઅનુભવી માણસ છો. હું ઇચ્છું છું કે તમારે આ નોટિસ વિષે ફરી પુખ્ત વિચાર કરવો અને આવતી કાલ સાંજ સુધીમાં તમારા છેવટના નિર્ણયની મને ખબર આપવી.
શ્રી દેસાઈ: એ પ્રશ્ન વિષે ફરી વિચાર કરવાની અમને જરૂર જણાતી નથી. વળી તમે મુદ્દત ઘણી ટૂંકી આપો છો. અમારા પ્રમુખ સાહેબ હાલમાં ચંપારણ (બિહાર) ગયા છે.
મિ. પ્રૅટ: મને ખબર નહીં કે તમારા આગેવાનો હિંદની ચારે દિશાઓમાં ઘૂમતા ફરતા હશે. મારે એ જાણવાની જરૂર પણ નથી.
શ્રી માવળંકર: આ બાબત ફરી વિચાર કરવા માટે તો અમારે કારોબારી મંડળની સભા બોલાવવી પડે. તે આટલા ટૂંક સમયમાં બની શકે નહીં.
મિ. પ્રૅટ: તેમાં હું શું કરું? એ કાંઈ મારું કામ નથી. જો આવતી કાલ સાંજ સુધીમાં તમારા તરફથી કાંઈ ખબર નહીં મળે તો સરકારમાં એ વિષે લખાણ કરવામાં આવશે, અને સભાને સરકાર ગેરકાયદે ઠરાવશે.
તે જ દિવસે ગુજરાત સભાની કારોબારી મંડળની તાકીદની મીટિંગ બોલાવીને મુલાકાતનો બધો હેવાલ તેની આગળ રજૂ કરવામાં આવ્યો. તેણે ઠરાવ કર્યો કે:
“...ખેતરમાં પાક ચાર આનીથી કમી થયો હોય છતાં તેના જમીનમહેસૂલની માગણી કરવામાં આવે તો તેવે પ્રસંગે જમીનમહેસૂલ ભરવાનું મુલતવી રાખવું એ ગેરવાજબી નથી, તેમ ગેરકાયદે પણ નથી... માટે મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની ખેડા જિલ્લાના ખેડૂતોને આપેલી ખબર ગેરકાયદે, અયોગ્ય કે વાંધાભરેલી નથી. સભાએ ભરેલુ પગલું મહેસૂલ મુલતવી રખાવવા માટે કરેલા પ્રયાસનો લાભ ખેડૂતને મળે તે માટે જરૂરનું છે.”
આ ઠરાવની નકલ કમિશનરને મોકલી આપવામાં આવી.
તે જ દિવસે ગાંધીજીને પણ બનેલી સઘળી હકીકતની તારથી ખબર આપવામાં આવી. તેનો તેઓશ્રીએ તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો:
“કમિશનરને લેખી જવાબ આપો કે અમલદારોના ભય અને ત્રાસને લીધે કેટલાક ગરીબ ખેડૂતોને મહેસૂલ ભરવા માટે ઢોર વગેરે વેચવાની ફરજ

પડેલી અને કેટલાક એથી પણ વધારે કફોડી સ્થિતિની આગાહી કરતા હતા. આવા સંજોગોમાં સભાએ આપેલી ખબર બહુ વિચારપૂર્વકની અને વાજબી છે. તે ખબરમાં ગુજરતા જુલમનો ભાસ આવવા દીધો નથી.

“વસુલાતના કામમાં જે જે ગામોમાં જુલમ ગુજારવામાં આવે છે તેની સરકારને તાકીદે ખબર આપતા રહેશો.

“કમિશનરને બીજું પણ લખી દેજો કે સભાને વિષે તમારે સરકારમાં લખવું હોય તે બેલાશક લખી દેવું.

“જે ગૃહસ્થોની કમિશનરે મુલાકાત ન લીધી તેમના તેથી થયેલા અપમાન સામે વિરોધ દર્શાવવા એક સખત પણ સભ્યતાપૂર્વક કાગળ લખશો. જમીનમહેસૂલ મુલતવી રહે અને હાલ વસૂલાતનું કામ બંધ થાય તે માટે જબરી ચળવળ ઉપાડવી. કમિશનરે કરેલા અપમાન અને આપેલી ધમકીનો એ જ ઉપાય હોઈ શકે. આવા કટોકટીના પ્રસંગે હું ત્યાં નથી તે માટે દિલગીર છું. — ગાંધી

કાગળમાં ગાંધીજીએ લખ્યું:

“કમિશનરે પોતાનું પોત પ્રકાશ્યું છે. ભૂલ કાઢવાના હેતુથી નથી લખતો પણ ભવિષ્યની સૂચના તરીકે લખું છું કે જ્યારે તેમણે આખા ડેપ્યુટેશનને મળવાની ના લખી ત્યારે મંત્રીઓ પણ માનમાં રહી ન ગયા હોત તો વિશેષ સારું થાત. . . . તમારામાં શક્તિ હોય તો તમે નીડરપણે રૈયતને પડખે ઊભી વિઘોટી નહીં ભરવાની સલાહ આપજો. તેમ કરતાં તમે પકડાઈ જાઓ તો તમારું કાર્ય પૂરું થયું કહેવાય. . . . આ સત્યાગ્રહ છે. તેમાંથી જ સ્વરાજ્ય મળવાનું એ નિશ્ચય છે. અત્યારે જ એ ન મળે એ સંભવિત છે. સત્યાગ્રહનો મહિમા પોતાની શક્તિ પ્રમાણે પ્રસંગ આવ્યે બતાવવો એ પરમ ધર્મ છે.”

ખેડા જિલ્લાના કાર્યકર્તાઓને લખ્યું:

“તમારા કાગળોમાંથી હું ખૂબ રસ લઈ રહ્યો છું. પણ આ સમયે હું ત્યાં નથી તેથી અકળાયા કરું છું. આપણે ભયરહિત થઈ આપણું કર્તવ્ય કરીએ તો પ્રજાને અદ્‌ભુત પદાર્થપાઠ મળે. અમલદાર વર્ગ ચિડાય એ તદ્દન સમજી શકાય એવું છે. પ્રજા ઊંઘમાંથી ઊઠે તે એ લોકોને કેમ ગમે? તમે બધા હિંમત નહીં તજો એવી ઉમેદ રાખું છું. આ સમયે જો આપણે કર્તવ્યપરાયણતા પૂરેપૂરી બતાવીએ તો સ્વરાજ્યની શુદ્ધ હિમાયત થઈ શકે.”

બીજા એક કાગળમાં લખ્યું:

“ . . . જે લોકો મહેસૂલ આપવાને અશક્ત છે, તેઓની અશક્તિ સરકાર કબૂલ કરે કે ન કરે, છતાં તે અશક્તિ તો રહેવાની જ. પછી શેને સારુ તેઓ મહેસૂલ આપે? લોકોને એટલું સમજવાનું રહ્યું છે. ભલે એક જ માણસ મક્કમ રહે. તે તો જીત્યો ગણાશે. તેમાંથી બીજો પાક પેદા થઈ શકશે. . . ."

બીજી તરફથી ના. પારેખ-પટેલ મુંબઈ સક્રેટેરિયેટમાં પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ રેવન્યુ મેમ્બર મિ. કાર્માઈકલને મળ્યા અને તેને પાક સંબંધી સ્વતંત્ર તપાસ કરવા વિનંતી કરી. પણ તેણે કરડાકીથી જવાબ આપ્યો : “ત્યાં કલેક્ટર મિ. નામજોશી એક હિંદી છે. અને તમારા મારા કરતાં આ વિષયની વધુ માહિતી ધરાવે છે. એ પોતે આ સંબંધમાં જવાબદાર હોવાથી સરકાર તેમાં વચ્ચે નહીં પડે.” ના. પારેખ-પટેલે જણાવ્યું કે આવતી ધારાસભાની બેઠકમાં આ સવાલ અમે ચર્ચા માટે રજૂ કરીએ ત્યાં સુધી કલેક્ટરના હુકમનો અમલ મહેરબાની કરી મુલતવી રાખવામાં આવે. તેનો રેવન્યુ મેમ્બર સાહેબે જવાબ આપ્યો કેઃ “હું તેવું કશું જ કરવા માગતો નથી.”

અહીં ખેડાના કલેક્ટરે તા. ૧૪-૧-’૧૮ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યો. તેમાં ગુજરાત સભાની તા. ૧૦-૧-’૧૮ની જાહેરખબરનો ઉલ્લેખ કરી જણાવવામાં આવ્યું કે:

“આ સંબંધમાં ખાતેદારોને ચેતવણી આપવામાં આવે છે કે જમીનમહેસૂલ વસૂલ કરવા અથવા મુલતવી રાખવાનો અધિકાર જિલ્લા કલેક્ટરને છે. તે અધિકારની રૂએ અમે જિલ્લાના પાકની બારીક તપાસ ચલાવી છેવટના હુકમો કાઢ્યા છે. જિલ્લાનાં કેટલાંક ગામોમાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મહેસૂલનો અમુક ભાગ મુલતવી રાખવા અમે હુકમ કાઢી દીધા છે. સબબ તે હુકમોને અનુસરી જમીનમહેસૂલ અને તગાવી ભરવા હુકમ થયો છે તે મુજબ ખેડૂતોએ ભરી દેવું જોઈએ. છતાં જાણીબૂઝીને લોકોની બદસલાહ પ્રમાણે મહેસૂલ ભરવામાં જે કોઈ દાંડાઈ કરશે તેના ઉપર નિરુપાયે કાયદેસર સખત પગલાં ભરવાની જરૂર પડશે.”

આ ઉપરાંત કલેક્ટર અને કમિશનરના હાથ મજબૂત કરવા મુંબઈ સરકારે તા. ૧૬-૧-’૧૮ના રોજ એક યાદી બહાર પાડી. તેમાં કલેક્ટરે કાળજીપૂર્વક તપાસ અને ચોકસી કર્યા પછી લાયક માણસોને યોગ્ય રાહત આપી છે વગેરે જણાવીને ગુજરાત સભા વિષે લખ્યું કે:

“તેનું મથક અમદાવાદ છે. તેના ઘણાખરા સભ્યો ખેડા જિલ્લામાં નહીં, પણ અમદાવાદમાં જ રહે છે. તેણે ખેડા જિલ્લાની પ્રજાને મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની તા. ૧૦-૧-’૧૮ના રોજ સલાહ આપી તે પહેલાં મુંબઈ સરકારને એક અરજી કરેલી, પણ કલેક્ટર જેને આ બાબતની સંપૂર્ણ સત્તા છે તેને કે કમિશનરને અરજી કરેલી નહીં, અથવા તેમની મુલાકાત માગેલી નહીં. વળી તેણે જાહેરખબર ખેડૂતોમાં વહેંચી તે પહેલાં કલેક્ટરના છેવટના હુકમ બહાર પડી ચૂક્યા હતા. એટલે કલેક્ટરના હુકમનો અનાદર કરવાની અથવા આદર કરવાનું મુલતવી રાખવાની ખેડૂતોને સલાહ આપવાના તેના પગલાને સરકાર અવિચારી અને તોફાની લેખ્યા વિના રહી શકતી નથી. . . . આ ધનવાન અને આબાદ જિલ્લામાં જમીન મહેસૂલ ઉઘરાવવાના
કામમાં ઉશ્કેરણીથી ઊભી કરવામાં આવેલી અને જિલ્લા બહારના માણસોથી ચાલતી રાજદ્વારી ચળવળની દખલ નામદાર સરકાર ચાલવા દેશે નહીં.”

આ યાદીના ખબર ગાંધીજીને તારથી આપવામાં આવ્યા. તેનો જવાબ તેમણે તારથી આપ્યો કે:

“ના. પારેખ-પટેલ જેમણે સ્થાનિક તપાસ કરી છે, તેમણે દાખલા-દલીલો સાથે સચોટ જવાબ આપવો જોઈએ. સ્વતંત્ર તપાસની માગણી માટે આગ્રહ કરો. લડતની ઉત્પતિ પ્રજાવર્ગમાંથી થઈ છે, તે તથા પારેખ-પટેલ અને ગુજરાત સભાએ પ્રજાની માગણીથી જ મદદ કરી છે એમ સાબિત કરો. જે ખેડૂતોને મહેસૂલ ભરવા માટે દેવું કરવું પડે કે ઢોર વેચવાં પડે એમ હોય તેઓ પોતાની મેળે એમ ન કરે, ભલે સરકાર તેમ કરી લે એવી સલાહ આપતાં હું અચકાઉં નહીં. સંકટનું કારણ સાચું અને કામ કરનારા બાહોશ હોય તો લડતમાં જરૂર ફતેહ મળવી જોઈએ.”

સરકારી યાદીના જવાબ ના. પારેખ-પટેલે, ગુજરાત સભાએ તેમ જ શ્રી શંકરલાલ પરીખે દાખલાદલીલો સાથે વિસ્તારપૂર્વક આપ્યા. તેમાં કલેક્ટરની ‘બારીક અને કાળજીપૂર્વક તપાસ’ બાબત જણાવવામાં આવ્યું કે તા. ૧૫મી ડિસેમ્બરે તો તેમણે ના. પારેખ-પટેલની મુલાકાત લીધી, તા. ૧૯મીએ આનાવારી પત્રકો દરેક તાલુકાએથી તેમના તરફ રવાના કરવામાં આવ્યાં અને તા. ૨૨મી ડિસેમ્બરે તો તેમણે પોતાના હુકમ બહાર પાડ્યા. ત્યારે જિલ્લામાં છ સો ગામની બારીક અને કાળજીપૂર્વક તપાસ તેમણે ત્રણ દિવસમાં શી રીતે કરી? ગુજરાત સભાએ પોતાના જવાબમાં જણાવ્યું કે, સભાને ટીકા કર્યા વગર નથી ચાલતું કે મોટરમાં બેસી ઝપાટાબંધ હંકારી જતાં જોયેલા પાક ઉપરથી કાઢેલા અડસટ્ટાને, કે ડેરાતંબૂ ઠોકી કરવામાં આવેલા મુકામની પાસેનાં ખેતરોમાં ઊંચી નજરે જોઈ લઈને મેળવેલી માહિતીને ‘કાળજીપૂર્વક કરેલી તપાસ’ ન કહેવાય. તેમ રેલવે ગાડીમાં મુસાફરી કરતાં દૃષ્ટિએ પડતાં ખેતરોની સ્થિતિ જોવાથી પણ સમસ્ત જિલ્લાના પાક સંબંધી પૂરો ખ્યાલ કોઈ કાળે આવી શકે નહીં. ગુજરાત સભા એ ખેડા જિલ્લા બહારની કોઈ સંસ્થા નથી પણ આખા ગુજરાતની સંસ્થા હોઈ ખેડા જિલ્લાના ઘણા વતનીઓ તેના સભાસદ છે. આખા ગુજરાતના કામમાં તે રસ લે છે અને આખા ગુજરાતના કામની જવાબદારી ધરાવે છે. તે ખેડા જિલ્લાના ખેડૂતોને ઉશ્કેરવા ઇચ્છતી નથી પણ તેમના ઉપરની આફતના વખતમાં તેમને મદદ કરવા ઈચ્છે છે. વળી ખેડૂતો ઉપરની વિપત્તિઓને લગતી અરજીઓ અને ખેડૂતોને આપેલી સલાહમાં રાજકીય હેતુનું આરોપણ કરવું એ પણ વિચિત્ર છે. અને જિલ્લાને ‘ધનવાન અને આબાદ’ કહીને તેની માગણીને ઉડાવી દેવી એમાં તો તેની ક્રૂર હાંસી છે. છેલ્લાં ચાળીસ વર્ષમાં તેની વસ્તીમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે તે ઉપરથી તેની ‘ફળદ્રુપતા અને સમૃદ્ધિ’ કેટલી વધી છે કે ઘટી છે તે જોઈ શકાય છે. ત્રણે જવાબોનો સાર એ હતો.

અત્યાર સુધી ખેડા જિલ્લાના કાર્યકર્તાઓને તથા ગુજરાત સભાને સલાહસૂચના અને શક્ય તેટલી દોરવણી આપવા ઉપરાંત ગાંધીજીએ આ પ્રકરણમાં કશો સીધો ભાગ લીધો ન હતો. પણ દિવસે દિવસે વસૂલાતની સખતાઈ વધતી જતી હતી અને ઉઘરાતદારોના જુલમ માઝા મૂકતા જતા હતા. બીજી તરફથી કલેક્ટર અને કમિશનરના આલમગીરી દોર સામે લોકો આવી રીતે માથું ઊંચકે તે જોઈ પોતાનો જ કક્કો ખરો, પોતાના જ હુકમ છેવટના, એ રીતની જીદે તેઓ ચઢ્યા હતા, અને મુંબઈ સરકાર તેમની પીઠ થાબડતી હતી. આવા ભયંકર સંકટમાં એક વરસ મહેસૂલમુલતવીની સરકારને માટે નજીવી - કારણ તેને એક વરસની વ્યાજખાધ જેટલું જ જતું કરવાનું હતું - રાહત પણ આપવા તો તૈયાર નહોતી અને ખેડૂતોને જૂઠા પાડતી હતી એટલે પોતાના હક અને પોતાની આબરૂ માટે તેઓ પણ મક્કમ બન્યા હતા. વળી જિલ્લાના તથા ગુજરાત સભાના કાર્યકર્તાઓ તેમને પડખે ઊભવા તૈયાર થયા હતા. આમ સરકાર અને લોકો વચ્ચે મડાગાંઠ પડી હતી. આવી પરિસ્થિતિ જોઈ આ પ્રકરણમાં પ્રત્યક્ષ હિસ્સો લેવાનો વિચાર કરી ગાંધીજી ચંપારણથી આ તરફ આવ્યા. તા. ૪થી ફેબ્રુઆરીએ તેઓ મુંબઈ પહોંચ્યા. તે જ દિવસે સાંજે મૂળજી જેઠા મારકેટમાં જાહેર સભા થઈ તેમાં પોતાના આવવાનો ઉદ્દેશ ગાંધીજીએ સમજાવ્યો. તેનો સાર આ હતો:

“ખેડા જિલ્લાની સ્થિતિ સમજાવવા નહીં પણ સમજવા આવ્યો છું. ગુજરાત સભા વાળી નોટિસ ઘડવામાં મારો હાથ હતો. તેની સઘળી જવાબદારી મારે શિર લઉં છું. સંકટ ખમી રહેલી પ્રજાને આશ્વાસન આપવાની આવશ્યકતા જણાઈ ત્યારે મજકૂર નોટિસ કાઢી. . . . કમિશનર સાહેબે મુંબઈ સરકારને ખેાટી સલાહ ન આપી હોત તો આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવા પામત નહીં. . . . સૌથી સારો માર્ગ એ હતો કે એક સ્વતંત્ર પંચ નીમી તપાસ કરાવવી. સરકાર ભલે એમ કહે કે નોટિસનો હેતુ શુદ્ધ નહોતો. પણ જે હક સરકારી અમલદારોને છે તે જ હક પ્રજાને પણ છે. સત્તાવાળાઓ માની લે છે કે પ્રજા પાસેથી તેઓ જોઈએ તે લઈ શકે છે પણ તેમની આ માન્યતા ઘણી કફોડી સ્થિતિ ઉત્પન્ન કરે છે. આવા સંજોગોમાં મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે જેમણે લોકોને ખરી સલાહ આપી છે તેમણે પ્રજાને પડખે છેવટ સુધી ઊભા રહેવું જોઈએ. . . . પ્રજા પાસે બે હથિયાર છે: યા તો બંડ કરવું, યા તો સત્યાગ્રહ આદરવો. સત્યાગ્રહનો આશ્રય લઈ દુ:ખ સહન કરી શુદ્ધ ન્યાય મેળવવા મારી ખાસ હિમાયત છે, તે જ ખરો ક્ષાત્રધર્મ છે. આ હથિયારનો પ્રયોગ કરી મારે બ્રિટિશ
સરકારને અને જગતને ખાતરી કરી આપવી છે કે એ રીતે પ્રજાને શુદ્ધ ન્યાય મળી શકે છે. . . .”

બીજે દિવસે એટલે તા. ૫મી ફેબ્રુઆરીએ અગાઉ કરેલી ગોઠવણ પ્રમાણે સર દિનશા વાચ્છા, ના. પારેખ-પટેલ તથા ગાંધીજી, એમણે ગવર્નરની મુલાકાત લીધી. ગવર્નરની સાથે રેવન્યુ મેમ્બર મિ. કાર્મઈકલ તથા ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ હાજર હતા. ચર્ચાને અંતે ગવર્નરે જણાવ્યું કે પોતાનો નિર્ણય બે ત્રણ દિવસમાં તેઓ લખી જણાવશે. ગાંધીજીએ પોતાને મુકામે પહોંચીને ગવર્નરને નીચે પ્રમાણે પત્ર લખી મોકલ્યો:

“હું આશા રાખું છું કે મારી આજની સૂચના મુજબ સરકાર તપાસ ચલાવવાના નિર્ણય ઉપર આવશે, એટલું જ નહીં પણ તે માટે એક સ્વતંત્ર પંચ નીમશે. તે માટે પાંચ સભાસદો પસંદ કરવામાં આવે તેમાં ના. પારેખ અને ના. પટેલને રાખવા મારી ખાસ ભલામણ છે. આ બંને ગૃહસ્થોએ આ વિષયમાં શરૂઆતથી જ રસપૂર્વક ભાગ લીધો છે. એટલે તેઓના નિર્ણય સામે કોઈને કહેવાનું રહેશે નહીં. પંચના પ્રમુખ તરીકે ડૉ. હૅરોલ્ડ મૅનનું નામ સર્વમાન્ય થશે એવું મારું માનવું છે. તેમને બદલે મિ. યુબૅન્કની પસંદગી પણ એટલી જ આવકારલાયક ગણાશે. હું આજ સાબરમતી જાઉં છું. બે ત્રણ દિવસ આશ્રમમાં રોકાઈશ. મારી જરૂર પડે તો ત્યાં મને ખબર આપશો.”
ગવર્નરના મંત્રીનો તા. ૯મીના રોજ ગાંધીજીને જવાબ મળ્યો કે:
“. . . તા. ૫મીએ ગવર્નર સાહેબની સાથે થયેલી વાતચીત અને વર્તમાનપત્રોમાં બહાર પડેલા હેવાલો જોતાં સ્થાનિક અમલદારો જાણીબૂજીને સખત થયા છે એમ માનવાનું સહેજ પણ કારણ તેમને દેખાતું નથી. તેથી તપાસ કરવા સ્વતંત્ર પંચ નીમવાથી લાભ થાય એવું તેઓ માનતા નથી.
“લોકોના મનમાં જે વહેમ ભરાયો છે તે કાઢવો જોઈએ, એવું જેમ તમે માનો છે તેમ તેઓ પણ માને છે. અને પાંચમી તારીખે તમે જે હકીકતો સાંભળી તે ઉપરથી તમે લોકોના મનમાંથી ખોટો ભ્રમ દૂર કરવામાં બનતી સહાય કરશો એવી તેઓ આશા રાખે છે.”
આમ ગવર્નર સાહેબ છૂટી પડ્યા.

તા. ૬ઠ્ઠીએ સાબરમતી આશ્રમમાં પહોંચ્યા પછી મામલતદારો અને કલેક્ટરે વખતોવખત કાઢેલી બધી નોટિસો અને સકર્યુલરો ગાંધીજીને બતાવવામાં આવ્યા. એની ભાષા એમને બહુ કઠી અને ધમકીઓ વધારે પડતી લાગી. એટલે તા. ૭મીએ કમિશનરને તેમણે કાગળ લખ્યો:

“કપડવંજના મામલતદારની સહીની થોડીક નોટિસો મારા વાંચવામાં આવી. . . . તેમાં લખ્યું છે કે તા. ૧૧મી પહેલાં જમીનમહેસુલ ભરી દેવામાં
નહીં આવે તો જમીનો ખાલસા કરવામાં આવશે. જે આસામીઓ ઉપર નોટિસો કાઢવામાં આવી છે તેઓમાંના કેટલાક મને મળ્યા. મને તો તેઓ આબરૂદાર માણસો લાગ્યા. તેમણે પોતાના હકની તકરાર ઉઠાવી છે. તેમાંના કેટલાકની જમીનો સનંદિયા છે. હું માનું છું કે સરકારનો નિર્ણય ગમે તે હોય, પણ જેમાં ડંખ રહેલો ગણાય એવા ઇલાજ લેવાનો હેતુ તો ન જ હોઈ શકે.
“આ જ મામલતદારની એક બીજી યાદી મને બતાવવામાં આવી છે. તેમાં આબરૂદાર અને પ્રતિષ્ઠિત ખાતેદારોને માટે ‘દાંડિયા’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ ‘લુચ્ચો, બદમાશ’ થાય એમ હું માનું છું. મારા અભિપ્રાય મુજબ યાદીની ભાષા અણછાજતી અને ખૂબ લાગણી દુખવનારી છે.”
આનો જવાબ મિ. પ્રૅટે તા. ૧૦મીએ નીચે પ્રમાણે આપ્યો:
“. . . જમીનમહેસૂલ ભરવામાં કસૂર કરનારની જવાબદારી ‘લૅન્ડ રેવન્યુ કોડ’ માં સ્પષ્ટ છે. . . . કાયદાવિરુદ્ધ કાંઈ પણ કરવામાં આવ્યું નથી, તેમ કરવામાં આવશે નહીં. છતાં કાયદા મુજબ લેવામાં આવતા ઇલાજોને તમે ડંખવાળા કેમ કહો છો એ હું સમજી શકતો નથી. . . . કપડવંજના મામલતદારની યાદી એના હાથ નીચેના કારકુને લખેલી છે. તમે મને એ યાદી બતાવશો અને એ વિષે જે વાંધા હોય તે જણાવશો.”
ઉપરના કાગળના જવાબમાં ગાંધીજીએ લખ્યું:
“આ સાથે કલેક્ટરની સહીવાળી એક નોટિસની નકલ મોકલું છું. જે ભાષાને હું અણછાજતી અને ખૂબ લાગણી દુખવનારી માનું છું તેના ઉપર નિશાન કર્યું છે. એ વાક્યથી સભાના મંત્રીઓ અને તેમની સલાહ માનનાર બંનેનું અપમાન થાય છે. ગુજરાતી ભાષામાં એ શબ્દોને જે અર્થ થાય છે તેવું લખાણ કરવાનો તેમનો ઇરાદો નહીં હોય એમ હું માનું છું.
“આ સાથે મામલતદારની યાદી પણ બીડું છું. તમે જોશો કે તેની ભાષા ઘણી વાંધાભરી છે.
“ખાલસાની નોટિસો વિષે મારે લખવું જોઈએ કે જમીનમહેસૂલની એક નજીવી રકમને માટે હજારો રૂપિયાની કીમતી જમીન ખાલસા કરવી એ કસૂરના પ્રમાણમાં બહુ વધારે પડતી સજા ગણાય અને તેથી તે ડંખીલી ગણાય.”
તા. ૧૬મીએ મિ. પ્રૅટે ટૂંકો જવાબ આપ્યો:
“યાદીઓની ભાષા વિષે તમે કડક શબ્દો વાપર્યા છે. પણ એ બધી યાદીએ તપાસતાં મને લાગે છે કે તમારી ફરિયાદ માટે કશું વાજબી કારણ નથી.”

હવે આગળ શાં પગલાં ભરવાં તેનો વિચાર કરવા સરદારને ઘેર બધા કાર્યકર્તાઓની સભા થઈ. તેમાં ગાંધીજીની દોરવણી મુજબ જિલ્લાના ગામડે ગામડે ફરી પાકની આનાવારીની તપાસ કરવી એવો ઠરાવ થયો. સત્યાગ્રહ શરૂ કર્યા વિના બીજો ઉપાય નથી એમ હવે સ્પષ્ટ દેખાતું હતું. ગુજરાત સભાના બધા સભ્યો સત્યાગ્રહનો ઉપાય લેવામાં ન પણ માનતા હોય એટલે હવેના કામમાં આખી સંસ્થાને ન સંડોવવાના ઈરાદાથી ગાંધીજીએ પોતાની અંગત જવાબદારી ઉપર કામ કરવા માંડ્યું. સભાના જે સભ્ય આ કામમાં સામેલ થાય તેઓ પોતાની અંગત જવાબદારી ઉપર કામ કરે એમ સમજૂત થઈ. બીજે દિવસે તા. ૧૬મીએ ગાંધીજી સાથે લગભગ વીસેક જણનું મંડળ નડિયાદ ઊપડ્યું અને ત્યાંના અનાથાશ્રમમાં મુકામ કર્યો. એમાં સરદાર પણ હતા. અત્યાર સુધી ગુજરાત સભાના એક સભાસદ તરીકે આ કામમાં પ્રસંગોપાત્ત તેઓ ભાગ લેતા પણ હવે આ કામમાં તેમણે પૂરેપૂરું ઝંપલાવ્યું. કોટ, પાટલૂન, હૅટ છોડીને ધોતિયું, ખમીસ તથા ઉપર હાફકોટ અને માથે ટરકીશ ઘાટની ટોપી જે બેંગલોર કૅપ કહેવાતી તે પહેરીને તેઓ નડિયાદ ગયા. જતાં પહેલાં ગાંધીજીએ કમિશનરને લાંબો કાગળ લખ્યા. તેમાં છેવટના ભાગમાં જણાવ્યું કે :

“હું તમને સંપૂર્ણ ખાતરી આપવા માગું છું કે ખાલી ચળવળ ઊભી કરવાની કે તેને વિના કારણે ઉત્તેજન આપવાની મારી લેશમાત્ર ઇચ્છા નથી. હું કેવળ શુદ્ધ સત્ય શોધવાની ખાતર જ ખેડા જિલ્લામાં જાઉં છું. હું જોઉં છું કે તમારા સ્થાનિક અમલદારોના હેવાલો ખોટા પુરવાર ન થાય ત્યાં સુધી તમે મચક આપવાના નથી. વળી જિલ્લાના પ્રતિષ્ઠિત આગેવાનોની દૃઢ માન્યતા હોવા છતાં ખરી હકીકતની મારે જાતે ખાતરી કરી લેવી જોઈએ.
“મારી તપાસનું પરિણામ જણાય ત્યાં સુધી જમીનમહેસૂલ ઉઘરાવવાનું કામ તમે મુલતવી રખાવશો તો તેમાં ફેલાયેલા અસંતોષને શાન્ત પાડવામાં તે ભારે મદદરૂપ થઈ પડશે.
“લોકસેવક તરીકે મને જેટલી સહાય કરી શકાય તેટલી કરવા તમે કલેક્ટરને સૂચવશો. મારી તપાસ દરમ્યાન તમારા કોઈ પ્રતિનિધિને મારી સાથે મોકલો તો મને હરકત નથી. . . .”
તે જ દિવસે કમિશનરે જવાબ આપ્યો. તેમાં જણાવ્યું કે :
"....તપાસ ચાલતાં સુધી મહેસૂલવસૂલાતનું કામ મુલતવી રાખવાની માગણી ફરીથી કરવામાં આવી છે પણ તેમ કરવાની બિલકુલ જરૂર જણાતી નથી. . . કલેક્ટર મિ. ઘોશલ પાસે તમે માગણી કરશો તો જરૂરી માહિતી અને મદદ તેઓ આપશે. . . . "

તા. ૧૬મીએ નડિયાદ પહોંચી કાર્યકર્તાઓની ટુકડીઓ પાડી નાખી તેમને ગામોની વહેંચણી કરી આપવામાં આવી અને બીજા દિવસથી કામ શરૂ કર્યું. બધાએ એક અઠવાડિયામાં પોતપોતાને સોંપેલું કામ પૂરું કરી તેનો હેવાલ લઈ નડિયાદ આવવાનું હતું. ગાંધીજીએ જાતે ૩૦ ગામેની તપાસ કરી. સરદારની ટુકડીએ પણ એટલાં જ ગામની તપાસ કરી. જિલ્લાનાં ૬૦૦ ગામમાંથી ૪૨૫ ગામની તપાસના હેવાલ અઠવાડિયાને અંતે મળી ગયા. તે ઉપરથી તા. ૨૬મીએ ગાંધીજીએ કલેક્ટરને કાગળ લખ્યો :

"મેં જાતે કરેલી તપાસ અને મારી સાથે કામ કરનાર ભાઈઓએ મેળવેલી હકીકત ઉપરથી મારી તો ચોક્કસ ખાતરી થઈ છે, છતાં તમને તેથી સંતેષ ન થતો હોય તો સરકારી અને પ્રજાકીય ગૃહસ્થના પંચ મારફત તપાસ કરાવવાનો સમય હજી પણ વીતી ગયો નથી.
“હું જોઉં છું કે ખાતેદારો ઉપર સખત દબાણ થવાથી હજારો ખેડૂતોએ પહેલા હપ્તાની રકમ ભરી દીધી છે અને કેટલાકે બંને હપ્તા સામટા ભરી દીધા છે. આ માટે કેટલાકને ઢોર વગેરે વેચવાની ફરજ પડી છે. . . આ સાથે જે ગામમાં પાક ચાર આની અથવા તેથી ઓછો ઊતર્યો છે તેની યાદી આપી છે. હું આશા રાખું છું કે તે ગામોએ મહેસૂલ ઉઘરાવવાનું મુલતવી રાખવાના હુકમો કાઢશો.”

ગામોની આનાવારીનાં પત્રક કલેક્ટરને મોકલ્યાં તે ઉપરથી આનાવારી ગણવાની રીત બાબત એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો. વડથલ નામના ગામની ગાંધીજીએ જાતે તપાસ કરી હતી. ત્યાં પાટીદારોની વસ્તી મોટા પ્રમાણમાં છે. તેઓ સારા ખેડૂતો છે. સીમમાં કૂવાની સંખ્યા પણ મોટી છે, જમીન સારી કસવાળી છે. આ ગામના ખેડૂતો સાધારણ સારા વર્ષમાં ખરીફ (ચોમાસુ) અને રવી (શિયાળુ) બંને પાક લે છે. આ ગામમાં પાક બે આની ઊતર્યો ગણાય એમ ગાંધીજીએ પોતાની તપાસમાં કાઢ્યું. આ ગામ જિલ્લામાં સારામાં સારા પૈકીનું ગણાતું હોવાથી અને ગાંધીજીએ જાતે ત્યાં તપાસ કરેલી હોવાથી ત્યાંનું જે પરિણામ આવે તેથી સારું પરિણામ જિલ્લાના કોઈ ગામનું સંભવે એમ નહોતું. એટલે ગાંધીજીએ કલેક્ટરને સૂચવ્યું કે તમે આ ગામની ચોક્કસ તપાસ કરો અને તમારી તપાસ વખતે મને હાજર રહેવાની તક આપો. પણ હાજર રાખવાની ગાંધીજીની વિનંતી ધ્યાનમાં ન લેતાં કલેક્ટરે એકલાએ તપાસ કરી અને ગામના પાક સંબંધી લાંબી નોંધ તૈયાર કરી. આ ગામની આનાવારીની સરકારની મૂળ આંકણી બાર આનાની હતી. કલેક્ટરે પોતાની એકતરફી તપાસને પરિણામે ઓછામાં ઓછી સાત આની હોવાનું જણાવ્યું. સરકારની આનાવારી કાઢવાની રીત એવી હતી કે આખા ગામના પાકના એકંદર ઉતારને તે જેટલી જમીનમાં વાવવામાં આવ્યા હોય તેના ક્ષેત્રફળથી ભાગી નાખવામાં આવે. વળી ખરીફ પાકની તેમ જ રવી પાકની બંને આનાવારીઓનો સરવાળો કરવામાં આવે. કલેક્ટરે તા. ૭મી માર્ચના રોજ આ બાબતનો ખુલાસો કરતો પત્ર ગાંધીજીને લખ્યો. તેમાં જણાવ્યું :

“તમારી ગણતરી મુજબ એક ખેતરમાં ખરીફ પાક બિલકુલ નિષ્ફળ ગયો હોય અને તે જ ખેતરમાં પાછળથી રવી પાક કર્યો હોય તે દસ આની ઊતર્યો હોય તો તમે ૦+૧૦/ = ૫ આની ગણો છો. એ હિસાબે ખેડૂત જમીન-મહેસૂલની અર્ધી રકમ મુલતવી રાખવાનો હક કરતો આવે. પણ આમ ગણતરી ન થાય. એક જ જમીનમાંથી બીજો પાક લેવામાં આવે તો આનાવરી કાઢવા માટે બે પાકની આનીના સરવાળાને એ ભાગીને આનાવારી મૂકવી જોઈએ નહીંં. (પણ એના સરવાળા જેટલી આનાવારી ગણવી જોઈએ) કેમ કે બીજા પાકથી જે વિશેષ લાભ થાય છે, તે બદલ કોઈ વિશેષ જમીન-મહેસૂલ લેવામાં આવતું નથી. ખરીફ કરતાં રવી પાક વધારે કીમતી હોય છે. તેની પાછળ ખર્ચ પણ ઓછું થાય છે. બળદ, ઓજાર કે નીંદામણ પાછળ કાંઈ ખર્ચ કરવાનું હોતું નથી. બીજું જમીનમહેસૂલ ભરવાનું પણ હોતું નથી. બી અને સહેજસાજ પરચૂરણ ખર્ચ થાય. એટલે જેટલો બીજો પાક થાય એટલો તેને નફો જ રહે.
“(વળી તમે કરી છે તેવી) ખેતરવાર ગણતરી કરવાની રીત પણ ભૂલભરેલી છે. દરેક ખેડૂતના પાકની સ્થિતિ તપાસવી અને ગણતરી કાઢવી એ અશક્ય છે. આખા ગામની એકંદર સ્થિતિની ગણતરીનોને ખ્યાલ રાખવો જોઈએ.
"વળી મારે જણાવવું જોઈએ કે સાધારણ રીતે આ જિલ્લામાં રવી પાક જૂજ પ્રમાણમાં કરવામાં આવે છે પણ આ વર્ષે રવી પાક વધારે થવા સંભવ છે. અતિશય વરસાદથી ખરીફ પાકને કેટલુંક નુકસાન થયું છે તેની નુકસાની આપણે ગણીએ તો અતિશય વરસાદને કારણે રવી પાકનો જે લાભ થયો છે તે લાભની બાજુ પણ જોવી ઘટે.”

આ કાગળમાં એક જ ખેતરમાં બે પાક લેવામાં આવે તેની બેવડી આનાવારી ગણવી જોઈએ એવી દલીલ કરી છે, જેટલો બીજો પાક થાય તેટલો ખેડૂતને નફો જ રહે એવો હિસાબ ગણ્યો છે અને ખેડૂત બે પાક લે છતાં સરકાર બેવડું મહેસૂલ નથી લેતી એ જાણે એ મહેરબાની કરે છે એ એવો ભાવ છે. વળી રવી પાકને અનેક રોગ લાગ્યા હતા અને તેમાં ઉંદર પડ્યા હતા તે વાત તે ઉડાવી જ દેવામાં આવી છે. એ બધું જોતાં સરકાર રૈયતનાં માબાપ હોવાનો દાવો કરતી હતી તે કેટલો પોકળ હતો તે વિષે વધારે દલીલ કરવાની જરૂર રહેતી નથી. સત્યાગ્રહની લડત શરૂ થયા પછી કેવા સંજોગોમાં અને શા કારણે લડત શરૂ કરવી પડી તે વિષે ગાંધીજીએ છાપાં જોગું એક નિવેદન બહાર પાડ્યું. તેમાં વડથલનો દાખલો ટાંકીને તેમણે લખ્યું કે, “મારા ધારવા મુજબ વડથલના પાક વિષેની કલેક્ટરની લાંબી નોંધનું મેં આબાદ ખંડન કર્યુંં છે. . . . વળી કલેક્ટર કહે છે તેવી પાકની આનાવારી ગણવાની તદ્દન ભૂલભરેલી પદ્ધતિ ચલાવી લઈએ તોપણ તે હિસાબે આ ગામોનો પાક (કલેક્ટર કહે છે તેમ સાત આની નહીં પણ) છ આનીથી ઓછો થાય છે. ખેડૂતોના હિસાબે તો પાક ચાર આની પણ ઊતરતો નથી.”

પ્રજા પક્ષ તરફથી રજૂ કરવામાં આવતી હકીકતો માનવા સરકારી અમલદારો તૈયાર નહોતા, તેમ બીજી કશી દલીલ સાંભળતા નહોતા. તેમણે તો અત્યાર સુધીમાં થયેલો પાક જમીનમહેસૂલ ભરવા માટે પૂરતો સંતોષકારક છે એવી છાપેલી પત્રિકાઓ કાઢી તેના ઉપર ખેડૂતોને ફોસલાવીને તથા દબાવીને તેમની સહીઓ લેવા માંડી હતી. આવાં સરકારનાં કામો સામે પોતાનો વિરોધ દર્શાવતા અને અમલદારોને સમજાવવાનો પ્રયત્ન કરતા કાગળો ગાંધીજીએ ઘણા લખ્યા. એ બધાના જવાબમાં કમિશનરે લખ્યું કે:

“તમારી અને કલેક્ટરની વચ્ચે હું એટલો બધો મતભેદ જોઉં છું કે તેનો મેળ ખાય તેમ નથી. મને પોતાને લાગે છે કે તમારું અને તમારા મિત્રોનું દૃષ્ટિબિંદુ ભૂલભરેલું છે. કલેક્ટરની દલીલ ખરી છે. આ સંજોગોમાં ખેડૂતો માટે સારો અને ડહાપણભર્યો રસ્તો એ જ છે કે તેમણે વેળાસર જમીનમહેસૂલ ભરી દેવું. તેમની દાદ સાંભળવામાં નથી આવી એવી ફરિયાદ કરવાનું તેમને કાંઈ પણ કારણ નથી. પ્રજાએ રાજનો ભાગ રાજને આપવો જ જોઈએ. ખાસ કરીને દીવાની હકૂમતથી પણ મુક્ત રાખવામાં આવેલા અચલિત કાયદાના હુકમની સામે થવું અને કાયદાનો અનાદર કરવો એને હું દાંડાઈ જ કહું હું જાણું છું કે દાંડાઈ શબ્દ તમને પસંદ નથી પણ ગુજરાતના ખેડૂતો આવા વર્તનને માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. . . .
“હિંદુસ્તાનમાં જમીનમહેસૂલ ભરવાના કાયદાનો ભંગ કરવો, જેના પરિણામે આખે રાજ્યવહીવટ થંભી જાય, એ બીજા કાયદાઓનો ભંગ કરવાથી જુદી વસ્તુ છે. . . .”
પછી ગાંધીજીએ ગર્વનરને કાગળ લખી જણાવી દીધું કે:
“. . . મને આશા છે કે મેં અને મારા મિત્રોએ મેળવેલી હકીકતો તથા પ્લેગ અને મોંઘવારીનાં સંકટ ધ્યાનમાં લઈ મહેસૂલ મુલતવી રાખવામાં આવશે અથવા તો મારી પ્રથમ માગણી મુજબ પંચ મા૨ફત તપાસ ચલાવવામાં આવશે. પરંતુ આ મારી છેવટની વિનંતીનો સદંતર ઇનકાર કરવામાં આવશે તો મિલકત જપ્ત થાય કે વેચાઈ જાય, અગર ખેતરો ખાલસા કરવામાં આવે, તો પણ જમીનમહેસૂલ નહીં ભરવાની ખેડૂતવર્ગને જાહેર રીતે સલાહ આપવાની મને ફરજ પડશે.
“. . . મેં ખેડા જિલ્લામાં પગ મૂક્યો ત્યારે આપને ખાતરી આપી હતી કે કોઈ પણ ઉગ્ર ઉપાય લેતા પહેલાં આપને ખબર આપીશ. હું ઉમેદ રાખું છું કે આ પત્ર દ્વારા નિવેદન કરેલી હકીકતો આપ ધ્યાનમાં લેશો. રૂબરૂ મળવાની જરૂર જણાય તો ખબર આપશો એટલે તરત આવીશ.”

ગવર્નર સાહેબનો તા. ૧૭મી માર્ચે જવાબ આવ્યો કે:

“સરકારને ખેડા જિલ્લામાં બનતા બનાવો વિષે વાકેફ રાખવામાં આવે છે. કલેક્ટર અને રેવન્યુ ખાતાના અધિકારીઓ ખેડૂતોનાં હિત પૂરેપૂરાં ધ્યાનમાં લઈ નિયમ અને ધોરણ પ્રમાણે વર્તે છે એવો સરકારને પૂર્ણ વિશ્વાસ છે.”

હજી સરકારને એક વધુ તક આપવા કમિશનર મિ. પ્રૅટને તા. ૨૦મીએ ગાંધીજીએ કાગળ લખ્યો:

“સત્યાગ્રહનાં પ્રતિજ્ઞાપત્રો બહાર પાડું અને સભાઓ ભરું તે પહેલાં તમને એક છેલ્લી વિનંતી કરવાની તક લઉં છું, કે બીજા હપ્તાની રકમ આખા જિલ્લામાં મુલતવી રાખવાના હુકમો બહાર પાડો. તેમાં જણાવશો કે સનંદિયા જમીન ધારણ કરનારાઓ મહેસૂલ પૂરેપૂરું ભરી દેશે એવી સરકાર આશા રાખે છે. આવા હુકમો બહાર પાડવા એ શું અશક્ય છે? આથી ખળભળાટ શાંત પડશે. હાલના સંજોગોમાં મારા માનવા મુજબ આ રહેમભરી રાહત મનાશે.”
કમિશનરે જવાબ લખ્યો:
“તમારા પત્રમાં કરેલી માગણી મુજબ જાહેર કરવાનું શક્ય નથી. ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, અને સંજોગો પૂરા ધ્યાનમાં લીધા બાદ જે રાહત આપવી જરૂરી હતી તે અપાઈ છે, અને તે પૂરતી છે. બાકી રહેલી રકમ ઉઘરાવવા માટે કલેક્ટરના હુકમ બહાર પડી ચૂક્યા છે.”

આમ સમાધાનીના પ્રયાસોનો અંત આવ્યો. સમાધાનીનો એક પણ પ્રયત્ન બાકી ન રહે અને સામા પક્ષ તરફથી તમામ દ્વાર બંધ કરવામાં આવે ત્યાર પછી જ સત્યાગ્રહ કરી શકાય એ સિદ્ધાંતનું ગાંધીજીએ કેટલું ચીવટથી પાલન કર્યું હતું એ ઉપરના વર્ણનમાંથી જોઈ શકાય છે. જે રાહત મેળવવાનો ખેડૂતનો હક્ક હતો, તે જો ન મળે તો જમીનમહેસૂલ ભરવાનો ઇનકાર કરી કાયદાનો સવિનય ભંગ કરવાનો હિંદુસ્તાનમાં આ પહેલો જ પ્રયોગ હતો. પોતાની ઉપર ગુજરતા ત્રાસથી લોકો અકળાયા હતા અને તેનો સક્રિય વિરોધ કરવા અધીરા બન્યા હતા. પરંતુ વખત પાકે ત્યાં સુધી ગાંધીજીએ તેમની પાસે ખામોશી રખાવી હતી. અત્યાર સુધી વર્તમાનપત્રોમાં પણ કશી ચર્ચા ઉપાડી ન હતી. પણ લડત શરૂ કર્યા પછી તેનો ધોધ ચાલ્યો.