સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/ગુજરાત સભા

વિકિસ્રોતમાંથી
← મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
ગુજરાત સભા
નરહરિ પરીખ
ખેડા સત્યાગ્રહ — ૧ →


.


ગુજરાત સભા

તે વખતે ગુજરાતનું બધું રાજદ્વારી કામ ગુજરાત સભા કરતી. એ સંસ્થા સને ૧૮૮૪માં સ્થપાયેલી અને આખા ગુજરાતના રાજદ્વારી પ્રશ્નોમાં રસ લેતી. રાજદ્વારી દૃષ્ટિએ ફરિયાદ કરવા જેવા અથવા વાંધો ઉઠાવવા જેવા પ્રશ્ન ઉપર જૂની વિનીત વિચારસરણી પ્રમાણે સરકારને અરજી કરી પ્રજાની અડચણો તથા મુશ્કેલીઓ તે સરકારને જણાવતી. અમદાવાદના બે જાણીતા વકીલો શ્રી ગોવિંદરાવ આપાજી પાટીલ અને શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ તથા એક દાક્તર શ્રી જોસેફ બેન્જામિન, એ ત્રણ ગૃહસ્થોએ ઘણાં વરસો સુધી તેના મંત્રી તરીકે કામ કરેલું. અમદાવાદમાં સને ૧૯૦૨માં કૉંગ્રેસનું અઢારમું અધિવેશન ભરાયેલું તે પણ આ ગુજરાત સભાના પ્રયાસને આભારી હતું અને તેના મંત્રીઓમાંથી શ્રી ગોવિંદરાવ પાટીલ સ્વાગત સમિતિના પ્રધાન મંત્રી અને બીજાઓ સાધારણ મંત્રીઓ તરીકે ચૂંટાયેલા. સને ૧૯૧૬માં અમદાવાદમાં કાયદે–આઝમ ઝીણાના પ્રમુખપણા નીચે મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદનું અધિવેશન થયું તેની તૈયારીઓ પણ આ સભા મારફત જ શરૂ થઈ હતી. તે વખતે કાયદે–આઝમ ઝીણા ચુસ્ત કૉંગ્રેસી નેતા હતા, હિંદુ–મુસ્લિમ એકતાના તેઓ ભારે હિમાયતી હતા અને કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગ એકબીજા સાથે હળીમળીને દેશની રાજદ્વારી નૌકા ચલાવે એવા પ્રયાસ કરવામાં અગ્રણી હતા. ૧૯૧પમાં બે સંસ્થાઓ વચ્ચે એકતા સાધી બંનેનાં અધિવેશન મુંબઈમાં સાથે સાથે ભરાવવામાં તેઓ સફળ થયા હતા. અમદાવાદની આ પરિષદ બીજી એક રીતે પણ બહુ મહત્ત્વની હતી. ૧૯૦૭ની સુરતની કૉંગ્રેસના ભંગાણ પછી તિલક મહારાજની આગેવાની નીચે ગરમ પક્ષ કૉંગ્રેસમાંથી અલગ પડી ગયો હતો. પણ ૧૯૧પમાં નરમ પક્ષના બે મોટા નેતાઓ ફિરોજશાહ મહેતા અને ગોખલેજી ગુજરી ગયા પછી તિલક મહારાજના પક્ષનું કૉંગ્રેસ સાથે સમાધાન થયું અને અમદાવાદની પરિષદમાં ઘણાં વર્ષો પછી નરમ દળના અને ગરમ દળના આગેવાનો એક જ મંચ પર એકઠા થયા. આ પરિષદમાં મુંબઈ પ્રાંતના નરમ દળના આગેવાનો સર ચિમનલાલ સેતલવાડ, ગોકુળદાસ કહાનદાસ પારેખ વગેરેએ હાજરી આપી હતી અને ગરમ દળના આગેવાનો તિલક મહારાજ, શ્રી કેળકર વગેરે પણ આવ્યા હતા. તિલક મહારાજના આગમનના સંબંધમાં એક નોંધવા જેવો પ્રસંગ અમદાવાદને માટે બન્યો. અમદાવાદનો આખો જુવાન વર્ગ તિલક મહારાજનું ભારે જાહેર સ્વાગત કરવાના અને સ્ટેશન ઉપરથી તેમને ઉતારે સરઘસમાં લઈ જવાના બહુ ઉત્સાહવાળો હતો. પણ કૉન્ફરન્સની સ્વાગત સમિતિ જે મુખ્યત્વે વિનીત વિચારના સભ્યોની બનેલી હતી તે આવું કાંઈ કરવા ઇચ્છતી ન હતી. કોઈકે, ઘણું કરીને ડૉ. હરિપ્રસાદે આ વાત ગાંધીજીને કરી. ગાંધીજીને જુવાનિયાઓની માગણી સાચી લાગી કે, લોકમાન્યનું સ્વાગત તો અમદાવાદને શોભે એવું બહુ જ ભવ્ય થવું જોઈએ. તેમણે સ્વાગત સમિતિ પાસે ન જતાં પોતાના નામથી જ પત્રિકા કાઢી અને તિલક મહારાજના માનમાં શહેરને શણગારવાની તથા સ્ટેશને તેમનું ભવ્ય સ્વાગત કરવાની તથા સરઘસમાં ભાગ લેવાની અમદાવાદના શહેરીઓને અપીલ કરી. એને પરિણામે સ્ટેશન ઉપર તિલક મહારાજનું ભવ્ય સ્વાગત થયું તથા અમદાવાદમાં તે પહેલાં નહીં નીકળેલું એવું મોટું સરઘસ નીકળ્યું. આ ઉપરાંત શ્રી શ્રીનિવાસ શાસ્ત્રિયાર જેઓ ગોખલેજીના અવસાન પછી હિંદ સેવક સમાજના પ્રમુખ નિમાયા હતા તેઓ પણ પરિષદમાં આવ્યા હતા. ગાંધીજી અમદાવાદમાં આશ્રમ સ્થાપીને રહ્યા હતા એટલે સ્વાભાવિક રીતે જ તેઓ પરિષદમાં પૂરેપૂરો ભાગ લેતા હતા. વળી તે વખતે મિસિસ બેસન્ટને સરકારે નજરકેદ કર્યાં હતાં અને મુંબઈના હોમરૂલ લીગવાળાઓ તેમને છોડાવવા માટે કાંઈ સીધું પગલું ભરવાનો વિચાર કરી રહ્યા હતા અને તેમાં ગાંધીજીની આગેવાની મેળવવા પ્રયત્ન કરતા હતા. એ બધા પણ પરિષદમાં આવ્યા હતા. એ ઉપરાંત ઊગતા આગેવાનોમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુખ્ય હતા. આમ અમદાવાદની પ્રાંતિક પરિષદ બહુ ઉત્સાહભરેલા અને કાંઈક ગરમ વાતાવરણમાં ભરાઈ હતી. સરદાર અમદાવાદમાં જ રહેતા હતા અને આ પરિષદમાં શ્રી વિઠ્ઠલભાઈની સાથે હાજરી આપતા; પણ પરિષદમાં બધું જોયા કરવા ઉપરાંત તેમણે બીજો કશો ભાગ લીધો નહોતો. મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓમાં સરકારે સિવિલિયન અમલદારને મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમવાની જે પ્રથા શરૂ કરી હતી તેનો વિરોધ કરનારો એક ઠરાવ આ પરિષદમાં પસાર કરવામાં આવ્યો હતો તેમાં પણ સરદારે ભાગ લીધો નહોતો. એમણે તો વિઠ્ઠલભાઈ સાથે કામની વહેંચણી કરી લીધી હતી કે પોતે કુટુંબસેવા કરે અને વિઠ્ઠલભાઈ દેશસેવા કરે. પણ આ કારણ તો ઉપર ઉપરનું હતું. ખરી વાત એ હતી કે નરમ પક્ષવાળા સરકારને અરજીઓ કરતા અને ગરમ પક્ષવાળા લોકો આગળ તીખા તમતમતાં ભાષણો કરતા, પણ સરકાર પ્રજાની વાત ન માને તો બેમાંથી એક્કે પાસે પ્રતિકાર શી રીતે કરવો તેનો કશો કાર્યક્રમ નહોતો. તે વખતે ચાલતા અરજી કરનારા અથવા નિરર્થક થૂંક ઉડાડનારા રાજકારણમાં સરદારને જરાયે રસ ન હતો. એ વસ્તુ એમને જરાયે આકર્ષી જ શકતી નહોતી. છતાં અમદાવાદની આ પરિષદ થઈ ગયા પછી મિત્રોએ જ્યારે એમને આગ્રહ કરવા માંડ્યો કે સિવિલિયન મ્યુનિસિપલ કમિશનરને અંકુશમાં રાખવા માટે મ્યુનિસિપલ બોર્ડમાં એનો દૃઢતાપૂર્વક વિરોધ કરી શકે એવા સમર્થ કાઉન્સિલરની જરૂર છે અને તમારે બીજા કશા માટે નહીં તો ખાસ એટલા માટે પણ મ્યુનિસિપાલિટીમાં આવવું જોઈએ, ત્યારે એમની રગમાં જ રહેલી યોદ્ધાવૃત્તિથી સહેજે આવી મળેલા પ્રજાહકના રક્ષણ માટેના યુદ્ધપ્રસંગનો ઇનકાર થઈ શક્યો નહીં અને એ મ્યુનિસિપાલિટીમાં ગયા. જોકે સાથે એ પણ કહેવું જોઈએ કે મ્યુનિસિપલ કામ એ એમના સ્વભાવમાં જ છે. કેવળ અંગત જ નહીં પણ પોતાની આસપાસના આખા વિસ્તારની સ્વચ્છતા અને સુઘડતાનો વિચાર કરવો અને તે સાચવવાની ભારે ચીવટ રાખવી એ એમના હાડમાં જ છે. ચોખ્ખાઈની ખાંખત એમના આખા કટુંબમાં વંશપરંપરાથી ઊતરી આવેલી જણાય છે. એટલે મ્યુનિસિપલ કામ ઉત્સાહથી એમણે લીધું અને શોભાવ્યું. રાજદ્વારી કામને માટે એમને પ્રેરણા મળવાની, દર્શન લાધવાની હજી વાર હતી. એમની યોદ્ધાવૃત્તિને પૂરો અવકાશ મળે એવો માર્ગ બતાવનાર મળી આવતાં તેમાં ઝંપલાવતાં એમણે વાર લગાડી નહોતી.

સને ૧૯૧૫ના આરંભમાં ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા. શાંતિનિકેતનમાં થોડું રહી એપ્રિલ મહિનામાં અમદાવાદ આવ્યા અને કોચરબ નામની પરાની પાસે બંગલો ભાડે રાખી ત્યાં પોતાના આશ્રમનો આરંભ કર્યો. આશ્રમની તેમ જ આશ્રમના એક અંગ તરીકે કાઢવા ધારેલી રાષ્ટ્રીય શાળાની યોજના સમજાવવા તેઓ બેએક વખત ગુજરાત ક્લબમાં આવેલા. બીજા ઘણા સભ્યો એમને સાંભળવા એકઠા થયેલા પણ સરદાર પોતાના મિત્રો સાથે ક્લબના મકાનના ઓટલા ઉપર બેઠા બેઠા પાનાં (બ્રિજ) રમતા હતા તે ત્યાંથી નીચે નહીં ઊતરેલા. દાદાસાહેબ માવળંકરે એક સ્થળે લખ્યું છે કે, હું સરદારની મંડળીમાં બેઠો હતો ત્યાંથી ગાંધીજી પાસે જવા ઊઠ્યો ત્યારે એમણે મને ‘એમાં શું સાંભળવાનું છે ?’ એમ કહીને રોકવા માંડેલો. છતાં કાંઈ નવીન હોય એને વિષે કુતૂહલવૃત્તિ એવી હોય છે કે સરદાર અને એમના બીજા સાથી રમનારાઓના કાન તો ગાંધીજીની વાત તરફ જ મંડાયેલા હોવા જોઈએ. કાંઈક ત્રાંસી નજર કરીને વખતોવખત એમના તરફ તેઓ જોતા પણ હશે. કારણ થોડી વાર પછી એમની મંડળીમાંના એક બૅરિસ્ટર ચિમનલાલ ઠાકોરથી ન રહેવાયું, તે ગાંધીજી પાસે આવીને કહેવા લાગ્યા: “ગાંધી સાહેબ, તમે તો મોટા માણસ છો પણ તમે આ પાઠશાળા કાઢવાનું કહો એવી પાઠશાળામાં ભણાવીને છોકરાઓને भिक्षां देहि કહીને ભીખ માગતા અમારે નથી કરવા. એવા લોટ માગી ખાતા છોકરાઓની પાઠશાળાઓ અમદાવાદમાં બહુયે છે.” ગાંધીજી પોતાની વાતમાં અંગ્રેજી શબ્દ બિલકુલ ન આવે એની કાળજી રાખતા એટલે એમણે હાઈસ્કૂલ જ્યાં અભિપ્રેત હોય ત્યાં પાઠશાળા શબ્દ વાપર્યો હશે અને વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતીની સાથે જ હિંદી અને સંસ્કૃત પણ શીખવવું જોઈએ એમ કહ્યું હશે તે ઉપરથી શાસ્ત્રીઓની સંસ્કૃત પાઠશાળા જેવું કાંઈક ગાંધીજી કાઢવા માગે છે એમ કલ્પી લઈને ચિમનલાલ ઠાકોરે આ પ્રમાણે વિરોધ કરેલો. એ ગમે તેમ હોય પણ ગાંધીજીની ગુજરાત ક્લબમાંની વાતોથી સરદાર એમના પ્રત્યે આકર્ષાયેલા નહીં એટલું ખરું.

પણ ૧૯૧૭ના એપ્રિલમાં ચંપારણ જિલ્લામાંથી ચાલી જવાના મેજિસ્ટ્રેટના હુકમનો ગાંધીજીએ સવિનય અનાદર કર્યો, તેનો એમના ઉપર કેસ ચાલ્યો અને તે વખતે કોર્ટમાં એમણે જે ગૌરવયુક્ત નિવેદન કર્યુંં, એ બધું છાપામાં આવ્યું ત્યારે બધાને થયું કે આ કંઈ ખરો મર્દ છે. થોડા દિવસ તો ક્લબમાં મુખ્ય વાત એ જ ચાલી. ગાંધીજી માટે આદરની લાગણી ખૂબ વધી ગઈ અને સૌએ ઠરાવ્યું કે ગુજરાત સભાના પ્રમુખ થવા એમને વિનંતી કરવી.

સરદાર સને ૧૯૧૫થી ગુજરાત સભાના સભ્ય થયેલા, પણ તેના કામકાજમાં સક્રિય ભાગ લેતા નહીં. જોકે જાહેરજીવનની શુદ્ધિના હિતનું, પણ આગળ પડીને કરવા જતાં કાંઈક કડવાશ વહોરવી પડે એવું એક કામ સભાને કરી આપેલું. સભાના ત્રણ મંત્રીઓનાં નામ આ પ્રકરણમાં જ આપ્યાં છે. તેમાંથી શ્રી ગોવિંદરાવ પાટીલ ગુજરી ગયા એટલે એમની જગ્યાએ શ્રી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ જે અમદાવાદમાં બચુભાઈના નામથી વધારે જાણીતા હતા તેમને નીમવામાં આવ્યા. બીજા મંત્રી શ્રી શિવાભાઈ પટેલ તો હતા જ, ત્રીજા મંત્રી ડૉ. જોસેફ બેન્જામિન હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સને ૧૯૧૬ની સાલમાં ઈજનેરની નિમણૂક કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે વધારે લાયકાતવાળા હિંદી ઈજનેરો ઉમેદવાર તરીકે હોવા છતાં ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટની ઈચ્છાને આધીન થઈ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વધુમતીથી એક ગોરા ઈજનેરની નિમણૂક કરેલી અને તેને સરદારે હુરિયો કરાવી ભગાડેલો એ વાત આ પહેલાંના પ્રકરણમાં કહેવાઈ ચૂકેલી છે. ગુજરાત સભામાં ઘણાં વર્ષોથી મંત્રીપદ ભોગવતા અને ૧૯૦૨માં અમદાવાદમાં કૉંગ્રેસ ભરાઈ ત્યારે તેની સ્વાગત સમિતિના પણ જેઓ મંત્રી હતા તે ડૉ. જોસેફ બેન્જામિને સરકારી અમલદારને ખુશ કરવા આ ગોરા ઈજનેરની તરફેણમાં મત આપેલો. છતાં ગુજરાત સભાના મંત્રીપદેથી એમને ખસેડવાની દરખાસ્ત કોઈ સભ્ય લાવતા નહોતા. મનમાં એટલી જ વૃત્તિ કે કોણ કડવા થાય ? આપણું શું જાય છે ? તે વખતના જાહેરજીવનમાં આ પ્રકારની શિથિલતા તો કેટલીયે નભી જતી. સરદારના સભ્ય થયા પછી મંત્રીઓની નિમણૂકનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે ઝટ ઊભા થઈને જૂના ત્રણ મંત્રીઓમાંથી ડૉ. જોસેફ બેન્જામિનનું નામ કાઢી નાખી દાદાસાહેબ માવળંકરના નામની દરખાસ્ત મૂકી. સૌને એ દરખાસ્ત એકદમ ગમી ગઈ અને સર્વાનુમતે એનો સ્વીકાર થયો.

ગુજરાત સભાએ ૧૯૧૭માં ગાંધીજીને પોતાના પ્રમુખ નીમ્યા પછી નક્કી કર્યું કે ગુજરાતમાં દર વરસે રાજકીય પરિષદો ભરવી. પહેલી પરિષદના સ્થળ તરીકે ગુજરાતના પછાત ગણાતા પંચમહાલ જિલ્લાનું ગોધરા શહેર પસંદ કરવામાં આવ્યું. પસંદગીમાં ત્યાંના વતની શ્રી વામનરાવ મુકાદમનો ઉત્સાહ પણ મોટું કારણ હતો. તેઓ તિલક મહારાજના અનુયાયી હતા અને બંગભંગના વખતથી રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા. તાજેતરમાં હોમરૂલની પ્રવૃત્તિને અંગે વેઠવારા નાબૂદ કરવાની ચળવળ ઊપડી હતી તેમાં તેઓ આગળપડતો ભાગ લેતા હતા. જ્યારે સરકારી અમલદારોનો ગામડાંમાં મુકામ થતો ત્યારે ગામના વસવાયા લોકોને અમલદાર તથા તેની કચેરીના માણસોની બધી સગવડોને માટે જુદાં જુદાં કામ ફરજિયાત કરવાં પડતાં અને તે માટે પૂરા દામ મળતા નહીં અને ઘણી વાર તો બિલકુલ મળતા નહીં, સુથારને સાહેબના તંબૂ ઠોકવા માટે લાકડાંની ખૂંટીઓ તૈયાર કરી આપવી પડતી, કુંભારને માટીનાં વાસણ પૂરાં પાડવાં પડતાં તથા પાણી ભરવું પડતું, વાળંદને વાળવાઝૂડવાનું અને દીવાબત્તીનું કામ કરવું પડતું, ભંગીને સફાઈનું અને સંદેશા પહોંચાડવાનું કામ કરવું પડતું, ગામના વાણિયાને જોઈએ તે સીધુંસામગ્રી પૂરી પાડવી પડતી, અને સાહેબનો મુકામ એક ગામથી ઊપડી બીજે જાય ત્યારે ખેડૂતોને તમામ સરસામાન પહોંચાડવા ગાડાં જોડવાં પડતાં. આમ ગામના દરેક માણસને કાંઈ ને કાંઈ કામ કરવાનું આવતું. એ બધાની વ્યવસ્થા ગામનો મુખી પટેલ કરતો. સાહેબનો મુકામ હોય ત્યાં સુધી એને અને એના રાવણિયાઓને ખડે પગે હાજર રહેવું પડતું અને સાહેબ ઉપરાંત શિરસ્તેદાર તથા કારકુનોની મરજી ઉઠાવવી પડતી. આ બધાં કામોનું યોગ્ય મહેનતાણું તથા પૂરા પાડેલા સીધાસામાનની વાજબી કિંમત ભાગ્યે જ મળતી. બધા લોકોને મુકામ ઉપર કલાકના કલાકો દિવસો સુધી ખોટી થવું પડતું એ વધારામાં. જે જે ગામમાં હોમરૂલ લીગની સ્થાપના થઈ હતી તે તે ગામે લીગના સભ્યોએ આ વેઠવારાની સામે ચળવળ શરૂ કરી હતી

ગોધરાની પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ ગાંધીજીને નીમવામાં આવ્યા. ગાંધીજીએ આ પરિષદને અત્યાર સુધી દેશમાં ભરાતી રાજકીય પરિષદોમાં અનેક રીતે અપૂર્વ બનાવી. પરિષદ ગુજરાતની હતી છતાં મુંબઈના ઘણા રાજદ્વારી આગેવાનોએ એમાં હાજરી આપી હતી. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈમાં રહેતા પણ એ તો ગુજરાતના જ ગણાય એટલે તેઓ તેમાં હાજરી આપે અને આગળપડતો ભાગ લે એમાં કાંઈ વિશેષતા ન ગણાય, પણ કાયદેઆઝમ ઝીણા આ પરિષદમાં આવ્યા હતા, એ જરૂર તેની વિશેષતા હતી. હિંદુ–મુસ્લિમ એકતાના ચુસ્ત હિમાયતી તરીકે તેમને ગોધરામાં ભારે માન મળ્યું. તે ઉપરાંત તિલક મહારાજ અને એમના ખાસ મિત્ર શ્રી ખાપર્ડેએ આ પરિષદમાં હાજરી આપીને તેનું ગૌરવ વધાર્યું હતું. વિશેષ ખૂબી તો એ થઈ કે બધા જ નેતાઓ પાસે ગાંધીજીએ આગ્રહ કરીને ગુજરાતીમાં ભાષણો કરાવ્યાં. કાયદેઆઝમ ઝીણા પાસે પણ ગાંધીજીએ ગુજરાતીમાં જ ભાષણ કરાવ્યું, એ વાત જ્યારે વર્તમાનપત્રોમાં આવી ત્યારે સરોજિનીદેવીએ ગાંધીજીને કાગળ લખેલો કે અમારાં જેવાં ઉપર તો તમે હર વખત હિંદુસ્તાનીમાં ભાષણ કરાવવાનો જુલમ કરો છો અને અમે એને વશ પણ થઈ એ છીએ પણ મહાન (ગ્રેટ) ઝીણા પાસે તમે ગુજરાતીમાં ભાષણ કરાવ્યું એને હું તમારી એક ચમત્કારિક ફતેહ ગણું છું અને એ માટે તમને મુબારકબાદી આપું છું. તિલક મહારાજને ગાંધીજીએ હિંદીમાં બોલવાની વિનંતી કરેલી. પણ એમણે કહ્યું કે હું હિંદીમાં બરાબર નહીં બોલી શકું ત્યારે છેવટે એમની પાસે મરાઠીમાં ભાષણ કરાવ્યું અને ખાપર્ડેએ પોતાની વિલક્ષણ શૈલીમાં એમનું આખું ભાષણ એવી સરસ રીતે ગુજરાતીમાં સમજાવ્યું કે તેમાં શ્રોતાઓને સ્વતંત્ર ભાષણના જેટલો જ આનંદ પડ્યો. અત્યાર સુધી પ્રાંતિક તો શું પણ જિલ્લા રાજકીય પરિષદોમાં પણ એવું ચાલતું કે મહત્ત્વનાં ભાષણો ઘણી વાર અંગ્રેજીમાં થતાં. વક્તાઓને એવો મોહ રહે કે અંગ્રેજીમાં બોલીએ તો આપણું બોલ્યું સરકારને કાને પહોંચે. પણ આ પરિષદમાં એક પણ ભાષણ અંગ્રેજીમાં ન થયું.

અત્યાર સુધી ભરાતી તમામ રાજકીય પરિષદો — જિલ્લા પરિષદથી માંડીને અખિલ હિંદ કૉંગ્રેસ સુધી – નો એક શિરસ્તો એવો હતો કે પહેલો ઠરાવ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીનો કરવો. આ શિરસ્તો ગાંધીજીએ તોડ્યો એ આ પરિષદની બીજી વિશેષતા હતી. ઘણાનું એમ કહેવું હતું કે એવો ઠરાવ કરવામાં આપણું જાય છે શું ? અત્યાર સુધી ચાલતું આવ્યું છે માટે ભલે ચાલે. ગાંધીજીની દલીલ એ હતી કે બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીમાં તમારા કોઈના કરતાં હું ઊતરું એમ નથી પણ કશા કારણ વિના એવો ઠરાવ પસાર કરીને આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો કાંઈ એમની પરિષદોનો આરંભ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીના ઠરાવથી કરતા નથી. ગાંધીજીના આ વલણથી ઘણાને એક નવું જ દર્શન થયું. જેમાં સામ્રાજ્ય કે તાજના પ્રેમી નહોતા તેમને પોતાની દૃષ્ટિએ ખૂબ આનંદ થયો.

ત્રીજી વાત તેમણે પરિષદ આગળ એ મૂકી અને તેનો અમલ પણ કરાવ્યો કે પરિષદે એક કારોબારી સમિતિ નીમવી અને તેણે બીજે વરસે બીજી પરિષદ ભરાય ત્યાં સુધી કામ કરતા રહેવું. આ પ્રથા પણ નવી જ હતી. અત્યાર સુધી તો પરિષદો અને કૉંગ્રેસો પણ વાર્ષિક જલસા જેવી થતી. ભરાય ત્યારે તેમાં ઉત્સાહ આવે પણ પછી આખું વરસ ભાગ્યે જ કાંઈ કરવાનું હોય. કૉંગ્રેસના પ્રમુખ પોતાની કારોબારી સમિતિ રચે અને તે સતત કામ કર્યા કરે એવો જે શિરસ્તો આગળ ઉપર પાડવામાં આવ્યો હતો તેનું બીજ ગોધરામાં નાખવામાં આવેલું. પરિષદના પ્રમુખ તરીકે સ્વાભાવિક રીતે જ ગાંધીજી આ કારોબારી સમિતિના પ્રમુખ થયા અને સરદારને તેના મંત્રી નીમવામાં આવ્યા. એમની સાથે જોડિયા મંત્રી તરીકે ઘણે ભાગે શ્રી ઈન્દુલાલ નિમાયા હતા. તેના કામકાજનું મથક અમદાવાદમાં રાખવાનું નક્કી થયું.

અગાઉ હું વેઠવારાની પ્રથાનો ઉલ્લેખ કરી ગયો છું. એ બાબત પરિષદમાં ઠરાવ કરવામાં આવ્યો અને પરિષદની કારોબારી સમિતિએ એ પ્રશ્ન હાથ ધરી એ અન્યાયી અને ત્રાસદાયક પ્રથા નાબૂદ કરાવવા પ્રયત્ન કરવો એમ નક્કી થયું. પણ પ્રજાને કાંઈ પણ સલાહ આપતાં પહેલાં સરકારને એ બાબતમાં શું કહેવાનું છે એ જાણી લેવા મંત્રીએ પ્રાંતના રેવન્યુ ખાતાના વડા તરીકે ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટને કાગળ લખવો એમ ગાંધીજીએ સલાહ આપી અને કાગળનો મુસદ્દો પણ એમણે જ ઘડી આપ્યો. એ કાગળની મતલબ એ હતી કે, આ પ્રથાને કાયદાનો કશો આધાર હોય એમ જણાતું નથી અને અમને એ ગેરકાયદે લાગે છે. પણ એ પ્રથા ઘણાં વર્ષોથી ચાલતી જોવામાં આવે છે તેથી એ બાબતમાં સરકારનો કોઇ વહીવટી હુકમ હોય કે ઠરાવ હોય અને એને લીધે તેનું કાયદેસરપણું માનવામાં આવતું હોય તો તે અમને જણાવો. અમને એવા ઠરાવ કે હુકમની કશી માહિતી નથી. પણ ગુજરાતના બધા જિલ્લાઓમાં એ પ્રથા ચાલે છે અને રેવન્યુ ખાતાવાળા એનો વધુમાં વધુ લાભ લે છે. આ સવાલ સઘળા જિલ્લાઓને લગતો હોઈ અમે કલેક્ટર પાસે ન જતાં સીધા તમને લખીએ છીએ. આ પ્રથા ગેરકાયદે હોવાની અમારી માન્યતા ભૂલભરેલી હોય તો અમને જણાવશો. કારણ જે વસ્તુ કાયદાવિરુદ્ધ ચાલી રહી છે તે બાબત પ્રજાને ચેતવણી આપી કાયદાનું ઉલ્લંઘન થતું અટકાવવાનો અને વેઠવારાની પ્રથા નાબૂદ કરાવવાનો પરિષદે ઠરાવ કર્યો છે. કાગળની સાથે પરિષદના ઠરાવની નકલ મોકલી તથા પ્રથાની વિરુદ્ધ કાયદાના આધારો ટાંક્યા.

કમિશનર મિ. પ્રૅટનો વાચકને થોડો પરિચય થઈ ગયો છે. તેમના જેવા હુકમશાહી અમલદાર માટે આવો કાગળ આ પહેલવહેલો જ હતો. કાગળ વાંચતાં જ તેઓ સાહેબ ખૂબ ગુસ્સે થયા અને ‘ઉદ્ધત’ (impertinent) એમ કહી પોતાના ટેબલની નીચે રહેતી કચરાની ટોપલીને હવાલે એ કાગળને કર્યો. એ બાતમી સરદારને પોતાની ખાનગી વ્યવસ્થા મારફત મળી. કમિશનરનું આ કૃત્ય પ્રજાનું ચોખ્ખું અપમાન કરનારું અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રત્યે તિરસ્કારની લાગણી પ્રગટ કરનારું હતું.

તે વખતે ગાંધીજીએ ચંપારણના કિસાનોમાં રચનાત્મક કામ ઉપાડ્યું હતું અને તેઓ વધુ વખત ત્યાં જ રહેતા, છતાં દર મહિને અમદાવાદ થોડા દિવસ આવી જતા. આવે ત્યારે અહીં પોતાની દેખરેખ નીચે ચાલતાં કામકાજ બાબતમાં સલાહ સૂચના આપતા. તેમણે કહ્યું કે આ ન નિભાવી લઈ શકાય એવું આપણું અપમાન તો છે જ, છતાં કમિશનરને આપણા કાગળની યાદી આપતો એક બીજો કાગળ લખો. આ કાગળની પણ પહેલા કાગળના જેવી જ વ્યવસ્થા કમિશનરે કરી એમ જાણવામાં આવ્યું. એટલે ગાંધીજીની સલાહ પ્રમાણે સરદારે ત્રીજો કાગળ લખ્યો. તેમાં પહેલા બે કાગળનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે અમારા પ્રથમના કાગળમાં જણાવ્યા મુજબ વેઠની પ્રથા ગેરકાયદે છે એ અમારી માન્યતાની વિરુદ્ધ કાંઈ પણ આધારો આપના તરફથી મળ્યા નથી. તેથી એ કાગળમાં જણાવ્યા પ્રમાણે વેઠના ગેરકાયદેપણા વિષે પ્રજાને જાહેર ચેતવણી આપતી અને હવેથી લોકોએ વેઠ કરવી નહીં એવી સલાહ આપતી પત્રિકા પરિષદ તરફથી કાઢવામાં આવશે. જો તેમાં કાંઈ કાયદાનો વાંધો હોય તો દસ દિવસની અંદર અમને જણાવશો. આ કાગળ જોઈ કમિશનર ખૂબ રોષે ભરાયા. તેમણે જવાબ આપ્યો કે આ બાબત ચર્ચા કરવા માટે કમિશનર સાહેબને મંત્રીએ અમુક દિવસે અમુક વખતે શાહીબાગ મળવા આવવું. સરદારે જવાબ આપ્યો કે મને આ બાબતમાં કાંઈ ચર્ચા કરવા જેવું લાગતું નથી. માત્ર કાયદાના આધારે કાંઈ હોય તો આપ લખી જણાવશો. છતાં આપને મળવું હોય તો પરિષદની ઓફિસમાં અમુક વખતે મને મળવા આવશો તો હું ખુશીથી મળીશ. મિ. પ્રૅટ જેવા મોટા અધિકારીને માટે આ તો વળી છેક જ નવી વાત હતી. પણ બે કાગળોના જવાબ પોતે જ આપ્યા નહોતા એટલે શું કરે ? મનમાં સમસમીને બેસી રહ્યા. સરદારે તો દસ દિવસની મુદત વીત્યે પત્રિકા પ્રસિદ્ધ કરી ગુજરાતમાં ગામડે ગામડે ખૂબ વહેંચાવી. દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ પ્રચાર કરવા નીકળી પડ્યા. શ્રી વામનરાવ મુકાદમે આખા પંચમહાલ જિલ્લામાં પ્રવાસ કરી ખૂબ કામ કર્યું. વેઠ વિરુદ્ધની હિલચાલે સારું જોર પકડ્યું. કેટલાક કેસો પણ થયા. વેઠની પ્રથા છેક જ નાબૂદ થઈ ગઈ એમ તો ન કહેવાય પણ એનો ત્રાસ બિલકુલ નીકળી ગયો.

સને ૧૯૧૭ની આખરના ભાગમાં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળેલો અને તેણે ભયંકર રૂપ લીધેલું. નિશાળો, કોર્ટો બધું બંધ થયેલું અને શહેરમાંથી ઘણા લોકો બહારગામ રહેવા ગયેલા. જેમને શહેર બહાર રહેવાની સગવડ હતી તેઓ ત્યાં રહેવા ગયેલા. સરદાર તે વખતે મ્યુનિસિપાલિટીની સૅનિટરી કમિટીના ચૅરમૅન હતા. આ આપત્તિ વખતે સરદારે શહેર છોડેલું નહીં પણ ભદ્રના પોતાના મકાનમાં જ રહીને દરરોજ શહેરમાં બધે ફરતા અને સાફસૂફી કરાવતા. આની અસર મ્યુનિસિપાલિટીના કામદારો ઉપર ઘણી પડેલી અને આખા તંત્રમાં એક પ્રકારનું નવચેતન આવેલું.

૧૯૧૭–૧૮માં અમદાવાદ જિલ્લામાં દુકાળ પડ્યો હતો. ગુજરાત સભા તરફથી જ દુકાળ સંકટ નિવારણનું કામ ઉપાડવામાં આવેલું. તે કામમાં પણ સરદાર પડેલા અને દુકાળમાં સપડાયેલા લોકો માટે રાહતની સારી વ્યવસ્થા કરીને આ પ્રકારના કામમાં નવી ભાત પાડેલી. તેનો રિપોર્ટ ગાંધીજીને ચંપારણ મોકલવામાં આવેલો. તે જોઈ તેઓ ખૂબ રાજી થયેલા અને સરદારને મુબારકબાદીનો કાગળ લખેલો.

બીજે વર્ષ ૧૯૧૮માં અમદાવાદમાં ઈન્ફ્લ્યૂએન્ઝા બહુ જોસથી ચાલ્યો. તે વખતે ગુજરાત સભા તરફથી ભગુભાઈના વંડામાં એક ખાસ હોસ્પિટલ ખોલેલી તથા લોકોને ઘેરઘેર દવા પહોંચાડવાની વ્યવસ્થા પણ કરેલી.

આ બધાં વર્ષો યુરોપમાં ચાલતા મહાયુદ્ધ (સને ૧૯૧૪થી ૧૯૧૮)નાં હતાં. ૧૯૧૭માં અને ૧૯૧૮ના આરંભના મહિનાઓમાં જર્મનીના આક્રમણનું જોર વધી ગયું હતું અને ઈંગ્લંડ એટલી ભીંસમાં આવી ગયું હતું કે મદદને માટે ચોમેર તે ફાંફાં મારતું હતું. ૧૯૧૭ની આખરમાં ભારતમંત્રી મિ. મૉન્ટેગ્યુએ હિંદુસ્તાનને રીઝવવા એક બહુ મીઠું ભાષણ કર્યું હતું. હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યતંત્ર કાષ્ઠવત્ બની ગયું છે, યુદ્ધ પૂરું થતાં જ તેમાં ફેરફાર કરવામાં આવશે અને હિંદીઓને જવાબદાર રાજ્યતંત્ર આપવામાં આવશે, એવાં વચનો તેમણે ઉચ્ચાર્યાં હતાં. ત્યાર પછી અહીંની પરિસ્થિતિ જાતે જોવા અને કેવા સુધારા આપવા તેની વાઈસરૉય તથા જુદા જુદા પ્રાંતના ગવર્નરો, તેમ જ મોટા મોટા અમલદારો તથા દેશના જુદા જુદા પક્ષના રાજદ્વારી નેતાઓ સાથે ચર્ચા કરવા ૧૯૧૮માં તેઓ હિંદુસ્તાન આવ્યા. અહીંના નેતાઓમાં ગાંધીજીને પણ તેમણે મુલાકાત આપી હતી. ગાંધીજીએ એવી યોજના કરી કે પોતે મળવા જાય ત્યારે ગુજરાતમાંથી ઓછામાં ઓછા લાખ માણસની સહીવાળી સ્વરાજ માટેની અરજી તેમને હાથોહાથ આપવી. એ અરજી ઉપર સહીઓ મેળવવાનું કામ ગુજરાત સભા તરફથી ઉપાડવામાં આવ્યું.

 ૧૯૧૭ના ચોમાસામાં અતિવૃષ્ટિને લીધે ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો. તે કારણે મહેસૂલ લેવાનું મોકૂફ રાખવાની ચળવળ ગુજરાત સભાએ ઉપાડી હતી. તેને અંગે સત્યાગ્રહની લડત ગાંધીજીની સરદારી નીચે ઉપાડવામાં આવી. સરદાર પૂરેપૂરા રંગાયા તે એ લડતમાં. તેની બધી વિગતો અલગ પ્રકરણ માગી લે છે.

પહેલી રાજકીય પરિષદ ગોધરામાં થઈ ત્યાર પછી ૧૯૨૩ની સાલ સુધી જુદે જુદે સ્થળે પરિષદો ભરવાનું ચાલુ રહ્યું. કઈ સાલમાં કયે સ્થળે કોના પ્રમુખપદા નીચે પરિષદ ભરાઈ તેની યાદી અહીં જ આપી દેવી ઠીક છે;

સાલ
સ્થળ
પ્રમુખ
૧.  ૧૯૧૭ ગોધરા ગાંધીજી
૨.  ૧૯૧૮ નડિયાદ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ
૩.  ૧૯૧૯ સુરત શ્રી ગોકુળદાસ કહાનદાસ પારેખ
૪.  ૧૯૨૦ અમદાવાદ શ્રી અબ્બાસસાહેબ તૈયબજી
૫.  ૧૯૨૧ ભરુચ સરદાર વલ્લભભાઈ પટેલ
૬.  ૧૯૨૨ આણંદ શ્રીમતી કસ્તૂરબા ગાંધી
૭.  ૧૯૨૩ બોરસદ શ્રી કાકાસાહેબ કાલેલકર

૧૯૨૦ના નાગપુરના અધિવેશનમાં કૉંગ્રેસનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવ્યું તથા તેનું બંધારણ નવેસરથી ઘડવામાં આવ્યું. તે પ્રમાણે દરેક પ્રાંતમાં ધ્યેયને સ્વીકારનારા એવા રીતસર નોંધાયેલા સભ્યો મારફત ચૂંટાયેલી પ્રાન્તિક સમિતિઓની રચના થઈ એટલે ગુજરાત સુભાનું સ્થાન ગુજરાત પ્રાંતિક સમિતિએ લીધું. સરદાર તેના પ્રમુખ ચૂંટાયા અને મંત્રી તરીકે શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક તથા દાદાસાહેબ માવળંકર ચૂંટાયા. ગુજરાત પ્રાન્તિક સમિતિએ પોતાની પ્રવૃત્તિ કેવળ રાજદ્વારી કામો પૂરતી મર્યાદિત કે સંકુચિત રાખી નહોતી પણ ગાંધીજીની પ્રેરણા નીચે ગુજરાતના સમગ્ર જાહેરજીવનમાં દોરવણી આપવાનું કામ તે કરતી. સુલતાની આફતોનો સામનો તેણે હમેશાં કર્યો જ છે તે ઉપરાંત જ્યારે જ્યારે આસમાની આફત આવી પડી છે ત્યારે ત્યારે એના સંકટનિવારણનું કામ તેણે ઉપાડી લીધું છે અને યશસ્વી રીતે પાર પાડ્યું છે.