સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ

વિકિસ્રોતમાંથી
← મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ
નરહરિ પરીખ
ગુજરાત સભા →


.


મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ

સને ૧૯૧૯ના ફેબ્રુઆરી માસમાં મ્યુનિસિપલ બોર્ડની ત્રૈવાર્ષિક ચૂંટણી થઈ. આ બોર્ડમાં કેટલુંક નવું લોહી મ્યુનિસિપાલિટીમાં દાખલ થયું અને સરદારનો પક્ષ એકંદરે સબળ થયો. જૂના બોર્ડમાં એમનો ખાસ કોઈ પક્ષ નહોતો છતાં એમની બાહોશી અને મહેનતથી અને શહેરના તથા મ્યુનિસિપાલિટીના ભલાની દૃષ્ટિએ એમના કામના ઉપયોગીપણાથી અને ન્યાયીપણાથી તેઓ ઘણાં કામોમાં બહુમતી મેળવી શકતા. તેથી જ બહુ જરૂરી સાફસૂફી તેઓ કરી શકેલા. આ નવી બોર્ડ ચૂંટાઈ તે વખતે રોલૅટ બિલો સામેના આંદોલનને લીધે દેશનું રાજકીય વાતાવરણ ક્ષુબ્ધ હતું છતાં મ્યુનિસિપાલિટીમાં એમનો જે પક્ષ બંધાયો હતો તે રાજદ્વારી હેતુ ધ્યાનમાં રાખીને નહોતો બંધાયો. જુસ્સાથી, ખંતથી અને નીડરપણે લોકહિતનાં કામો કરવા અને આપણું તંત્ર આપણે જ ચલાવી શકવાની તાલીમ મેળવવી અને તાકાત કેળવવી એ જ તેનો ઉદ્દેશ હતો. ગાંધીજી ૧૯૧૫ના આરંભમાં હિંદુસ્તાનમાં આવ્યા અને એપ્રિલ માસથી અમદાવાદને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, ત્યારથી દેશના જાહેર જીવન ઉપર તેમનો પ્રભાવ પડવા માંડ્યો હતો પણ સરદાર લગભગ અઢી વર્ષ સુધી તેમનાથી દૂર રહ્યા હતા. સીધા તેમના પ્રભાવ નીચે તો ૧૯૧૭ના નવેમ્બરમાં ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદ ગાંધીજીના પ્રમુખપણા નીચે થઈ ત્યારથી તેઓ આવ્યા ગણાય. એ પરિષદમાં ગાંધીજીએ કહેલું કે આપણા ગામનું સ્વરાજ જો આપણે દક્ષતાથી, પ્રામાણિકપણે અને ન્યાયી રીતે ન ચલાવી શકીએ તો દેશના સ્વરાજ્યની અંગ્રેજો પાસે માગણી કરવી તેનો કોઈ અર્થ નથી. એ જ દૃષ્ટિબિંદુ આ નવી ચૂંટણીમાં ચૂંટાઈ આવીને જેઓ સરદારના સાથીઓ બન્યા તેમનું હતું. જોકે ૧૯૨૦ના ઉત્તરાર્ધથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અસહકારનું સમસ્ત દેશવ્યાપી આંદોલન ગાંધીજીએ ઉપાડ્યું તેને કેવળ એક રાજકીય બાબત ગણવી હોય તો સરદારે અને તેમના સાથીઓએ તેનાથી પ્રેરાઈને મ્યુનિસિપલ શાળાઓ માટે સરકારની ગ્રાન્ટ તથા સરકારના અંકુશો ફગાવી દીધા તેને તેઓએ મ્યુનિસિપલ વહીવટમાં રાજદ્વારી તત્વને દાખલ કર્યું એમ કહેવાય. જોકે સરકારી અંકુશ કાઢી નાખવામાં આપણાં બાળકોની કેળવણી આપણા દેશની પરિસ્થિતિને અનુકૂળ બનાવવાનો એક ઉદ્દેશ હતો ખરો. વળી મ્યુનિસિપાલિટીની એ લડત કાયદાની મર્યાદામાં રહીને એમણે એવી રીતે ચલાવી હતી કે રાજદ્વારી બાબતોમાં નહીં પડનારા અને અસહકારી તો નહીં જ એવા કાઉન્સિલરોએ પણ સારી સંખ્યામાં તેમાં સાથ આપ્યો હતો. એ બધી વિગતો તો એ વિષેના અલગ પ્રકરણમાં આવશે.

મ્યુનિસિપાલિટીની દૃષ્ટિએ શહેરની સ્થિતિ સુધારવા માટે મ્યુનિસિપાલિટીના કારોબારમાં ખૂબ સાફસૂફી કરવાની જેમ જરૂર હતી તેમ અમુક રચનાકાર્યો પણ ઝડપથી હાથ ધરવાની જરૂર હતી. દાખલ થતાંવેંત જ સરદારે જોઈ લીધું કે શહેરની પાણીની તેમ જ ગટરની વ્યવસ્થા જ્યાં સુધી બરાબર સુધારવામાં ન આવે ત્યાં સુધી શહેરના લોકોનાં અગવડ અને અસંતોષ દૂર કરી શકાય નહીં એટલું જ નહીં પણ પૂરતા પાણી વિના કેટલાંયે આવશ્યક નવાં કામો પણ ઉપાડી શકાય નહીં. અહમદશાહ બાદશાહે અમદાવાદ સ્થાપ્યું ત્યારથી જ એ શહેર ઉદ્યોગધંધાનું તેમ જ કળાકારીગરીનું મોટું મથક રહેલું છે અને તેની આબાદી વધતી જ ચાલેલી છે. મુગલાઈની પડતી પછી બીજાં સ્થળોની માફક અમદાવાદમાં પણ થોડીઘણી અંધાધૂધી ચાલેલી પણ અંગ્રેજી રાજ્ય સ્થિર થયું કે તરત ફરી પાછા તેના હુન્નરઉદ્યોગો અને વસ્તી વધતી રહી છે. ૧૮૯૧માં અમદાવાદમાં વૉટરવર્ક્સની રચના થઈ તે, તે વખતની વસ્તીની ગણતરીએ કરેલી. પણ ત્યાર પછી થોડા જ વર્ષોમાં એ વૉટરવર્ક્સ ઘણું જ નાનું પડવા લાગ્યું. તે વધારવા થાગડથીગડ ઉપાયો કરીને ચલાવવા માંડ્યું પણ સરકારી ઈજનેરો અને નિષ્ણાતોને લાગ્યું કે આવા છૂટાછવાયા ઉપાયોથી પત્તો લાગશે નહીં. પાણીનો જથ્થો વધારવો હોય તો નદીને પાકો બંધ બાંધી પાણી રોકવું જોઈએ અને પાણી સ્વચ્છ મળે તે માટે પાણી ગળાઈને આવે તેની પણ ચોક્કસ યોજના કરવી જોઈએ. એ લોકોએ મુંબઈ સરકાર તરફથી જ આવી યોજના ૧૯૧૧માં તૈયાર કરી. એમાં સઘળી બાજુએથી વિચાર કરવામાં આવેલો હોઈ એ સર્વગ્રાહી યોજના (કોમ્પ્રિહેન્સીવ સ્કીમ) કહેવાતી. તેના ખર્ચનો અંદાજ આશરે નવ લાખ રૂપિયાનો હતો. પણ તેનો અમલ થતાં પહેલાં જુદા જુદા નિષ્ણાતોએ તેમાં જુદા જુદા સુધારા સૂચવ્યા. તેને લીધે ખર્ચનો અંદાજ પણ બદલાતો ગયો. એમાં વળી ૧૯૧૪-૧૮નું મહાયુદ્ધ વચમાં આવ્યું એટલે ૧૯૨૦ સુધી આ યોજનાનો કાંઈ જ અમલ થઈ શક્યો નહોતો; જયારે શહેરમાં પાણીની બુમ તો પડ્યાં જ કરતી હતી. કોઈ કાંઈ ઉપાય સૂચવે ત્યારે આ ‘સર્વગ્રાહી યોજના’ આગળ ધરવામાં આવતી. દરેક ચોમાસામાં કહેવામાં આવતું કે આવતા ઉનાળા વખતે પાણીની તંગી ન પડે એવી ગોઠવણ થઈ જશે, પણ ઉનાળો આવે ત્યારે સ્થિતિ એની એ જ હોય.

સને ૧૯૧૯માં મ્યુનિસિપાલિટીના નવા બોર્ડમાં પ્રમુખ સર રમણભાઈ હતા અને સરદાર સૅનિટરી કમિટીના ચૅરમૅન હતા.

સરદારે જોયું કે દસ વરસ થવા આવ્યાં છતાં પેલી ‘સર્વગ્રાહી યોજના’નાં કશાં ઠેકાણાં પડતાં નથી. પહેલાંની બોર્ડમાં પણ પોતે સૅનિટરી કમિટીના ચૅરમૅન હોઈ વોટરવર્ક્સની બધી પરિસ્થિતિ તેમના જાણવામાં આવી ગઈ હતી તે ઉપરથી અને નિષ્ણાતો સાથે સલાહમસલત કરીને ઓછી ખર્ચાળ અને ઝટ અમલમાં મૂકી શકાય એવી યોજના તેમણે ઘડી કાઢી અને સૅનિટરી કમિટીના ચૅરમૅન તરીકે વોટરવર્ક્સના આખા ઈતિહાસ સાથે વિસ્તૃત રિપોર્ટના રૂપમાં મ્યુનિસિપલ બોર્ડ આગળ રજૂ કરી. એ રિપોર્ટમાંથી અમદાવાદના વોટરવર્ક્સનો ઇતિહાસ જાણવા મળે છે અને સરદારની યોજનાશક્તિનો તેમ જ યોજનાને વ્યવહારૂ બનાવવાની કુનેહનો ખ્યાલ આવે છે એટલે અહીં એમના રિપોર્ટનો ટૂંકો સાર આપ્યો છે. તેમાં યાંત્રિક રચનાઓને લગતી શાસ્ત્રીય વિગતો છોડી દીધી છે:

“અમદાવાદ શહેરમાં વોટરવર્ક્સનું કામ ૧૮૯૧માં પૂરું થયું અને ૧૮૯૨માં એ મ્યુનિસિપાલિટીને સોંપી દેવામાં આવ્યું. તેમાં કુલ ખર્ચ લગભગ આઠ લાખ રૂપિયાનો થયેલો. પાણી લેવાને માટે ૨૫ ફીટ વ્યાસના ચાર કૂવા બનાવ્યા હતા. અને પાણીના ભંડાર માટે ચણતરની ટાંકી બનાવી હતી જેમાં દોઢ લાખ ગૅલન પાણી રહી શકતું. સવા લાખ માણસની વસ્તીને જણ દીઠ દસ ગેલન પાણીનો વપરાશ ગણવાને હિસાબે આટલું પાણી ત્રણ કલાકના વપરાશ જેટલું ગણાય. ચાર કૂવા એ હિસાબે રાખેલા કે તેમાંથી મિનિટના ૧૮૦૦ ગૅલન પાણી મળે અને પમ્પ બાર કલાક ચાલે તો તેર લાખ ગૅલન પાણી ખેંચાય તે જણ દીઠ દસ ગૅલનને હિસાબે ૧,૩૦,૦૦૦ માણસને પૂરું પડે. ૧૮૯૧માં અમદાવાદની વસ્તી લગભગ દોઢ લાખની હતી. જેમ જેમ વસ્તી વધતી ગઈ અને વધુ પાણીની જરૂર પડતી ગઈ તેમ તેમ મ્યુનિસિપાલિટી વધુ કુવા ખોદાવતી ગઈ.
“સને ૧૯૦૮માં પાણીનો રાજનો વપરાશ ૪૬ લાખ ગેલન પર પહોંચ્યો એટલે મ્યુનિસિપાલિટીએ નવા કૂવા ખોદાવવા ઉપરાંત પાણી પૂરું પાડવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવાનું ઠરાવ્યું. એના બધા ખર્ચનો અંદાજ સાડાત્રણ લાખ રૂપિયાનો હતો. આ ઉપરાંત બીજી એક યોજના વિચારવામાં આવી તેના ખર્ચનો અંદાજ રૂપિયા પોણાબે લાખનો હતો.
“દરમિયાન પાણીનો વપરાશ વધીને રોજના પંચાવન લાખ ગૅલન પર પહોંચ્યો. શહેરના કોટની અંદરની વસ્તી વીસ વર્ષમાં એટલે ૧૯૧૧માં વધીને પોણાબે લાખની થઈ અને કોટની બહારનાં પરાંઓની વસ્તી પચાસ હજારની થઈ. આ બધાને શહેરના વોટરવર્ક્સમાંથી પાણી પૂરું પાડવાનું
હતું. એટલે જણ દીઠ પાણી બહુ ઓછું મળતું હતું. એટલે ૧૯૦૮ પછી જે સૂચનાઓ આવી હતી તે બધાનો વિચાર કરીને તથા નવી ઊભી થયેલી બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ૧૯૧૧માં એક સર્વગ્રાહી યોજના સરકારી નિષ્ણાતોએ તૈયાર કરવી એવું ઠર્યું. એમાં શહેરની વસ્તી અઢી લાખની ગણવી અને જણ દીઠ દરરોજ વીસ ગૅલન પાણી આપવું એવી ગણતરી રાખી. દર મિનિટે ૯,૦૦૦ ગૅલન પાણી ખેંચવાની શક્તિવાળાં ચાર એન્જિન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. પાણી ગળાઈને વિશુદ્ધ થાય એવી રચના પણ તેમાં સૂચવવામાં આવી. પાણીનો જથો વધારવા નદી ઉપર થોડા ભાગમાં પાકો બંધ બાંધવો એવું પણ તેમાં હતું.
“આ યોજના સરકારે તા. ૧૭–૧૦–’૧૩ના રોજ મંજૂર કરી. તેને માટે નવ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ પણ મંજૂર કર્યો અને સરકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સૂચના આપવામાં આવી કે યોજના પ્રમાણે કામ પૂરું કરી દેવું.
“૧૯૧૪ના ચોમાસા પછી નદીનો પ્રવાહ વળી વધારે દૂર પશ્ચિમ તરફ ગયો. કૂવાઓમાં પાણીનો પુરવઠો ઝપાટાબંધ ઘટવા માંડ્યો. એટલે જાન્યુઆરી માસમાં નદીમાંથી નીક ખોદીને પાણી પાસે લાવવાનો કામચલાઉ ઉપાય મ્યુનિસિપાલિટીને અખત્યાર કરવો પડ્યો. પાણીનો પુરવઠો ટકાવી રાખવા માટે દસ હજાર રૂપિયા ખર્ચીને આ કામચલાઉ તદબીર મ્યુનિસિપાલિટી અખત્યાર કરતી આવી છે.
“પેલી સર્વગ્રાહી યોજના સરકારે મંજૂર કરી ત્યાર પછી સરકારના મિકેનિકલ એન્જિનિયરે તથા સૅનિટરી એન્જિનિયરે તેમાં મહત્ત્વના અને વધુ ખર્ચાળ સુધારા સૂચવ્યા. શહેરમાં પાણીની તાણ એટલી હતી કે મંજૂર થયેલી યોજના બને એટલી વહેલી પૂરી કરવાની જરૂર હતી. છતાં પેલા સુધારા સુચવાયા એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કામ મુલતવી રાખ્યું.
“મ્યુનિસિપલ ચીફ ઑફિસરે મુંબઈ સરકારના સૅનિટરી એન્જિનિયરને કાગળ લખ્યો કે તમે સૂચવેલા સુધારા મુજબની યોજના અને તેના ખર્ચનો અંદાજ જલદી તૈયાર કરી આપો તો સારું. તેનો એમણે ટૂંકો અને તોછડો જવાબ આપ્યો કે અમદાવાદ જેવા મોટા શહેરની મ્યુનિસિપાલિટીએ પોતાનો જ હોશિયાર અને લાયકાતવાળો એન્જિનિયર રાખવો જોઈએ, જે આવી યોજના અને તેના ખર્ચના અંદાજ તૈયાર કરી શકે. અમે અને અમારો સ્ટાફ કાંઈ એકલા તમારા કામ ઉપર બેઠા નથી. એટલે બધું તૈયાર કરતાં અમને તો લાંબો વખત લાગશે.”

તા. ૧પ–૬–’૧૪ના રોજ અમદાવાદના શહેરીઓની જાહેર સભા પ્રેમાભાઈ હૉલમાં શેઠ મંગળદાસ ગિરધરદાસના પ્રમુખપણા નીચે થઈ. તેમાં શહેરને પીવાના પાણીની તંગી પડે છે અને લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે તે તરફ સરકારનું અને મ્યુનિસિપાલિટીનું ધ્યાન ખેંચનારો ઠરાવ પસાર થયો. અહીં એ નોંધવા જેવું છે કે તે વખતે મ્યુનિસિપાલિટીનું જનરલ બોર્ડ ગેરવહીવટ માટે સસ્પેન્ડ થયેલું હતું અને કારભાર સરકારે નીમેલી કમિટી ઑફ મૅનેજમેન્ટના હાથમાં હતો. જાહેર સભાનો આ ઠરાવ સરકાર તરફ રવાના કરતાં કલેક્ટરે પોતાના તરફથી શેરો માર્યો કે ‘આ પ્રશ્ન એટલો તાકીદનો છે કે તેનો નિકાલ જલદી લાવવો જ જોઈએ. સરકારની યોજના મુજબ કામ આવતા શિયાળામાં શરૂ કરવું જ જોઈએ. દરમિયાન ઑગસ્ટ અથવા સપ્ટેંબરમાં આ યોજના સાથે સંબંધ ધરાવતા સઘળા નિષ્ણાતોની એક મીટિંગ અમદાવાદમાં રાખવામાં આવે અને તેમાં બધું નક્કી કરી નાખવામાં આવે એ જરૂરનું છે. નહીં તો આવતા ઉનાળામાં કૂવા અડધા ખાલી, એન્જિનો બેકાર, પાઈપો અડધી જ ભરેલી અને ફરિયાદોનો વરસાદ એ સ્થિતિ ભોગવવી પડશે.’ છેવટે સૂચવાયેલા સુધારા પ્રમાણે યોજના ફેરવવામાં આવી. તેના ખર્ચનો સુધરેલો અંદાજે રૂપિયા બાર લાખનો થયો, પણ કશું કામ થયું નહીં. દર વરસે ચોમાસા પછી કામ શરૂ કરીશું અને આવતા ઉનાળામાં પાણીની બૂમ નહીં રહે એમ વાયદા કરવામાં આવતા.

૧૯૧૭માં ગુજરાત સભા મારફત બોલાવેલી શહેરીઓની જાહેર સભા અને ગુજરાત સભાના મંત્રીઓની સાથે કમિશનર મિ. પ્રૅટના વર્તનની હકીકત છઠ્ઠા પ્રકરણમાં આવી જાય છે એટલે પુનરુક્તિ નથી કરી. અહીં એ નોંધવા જેવું છે કે કૅન્ટોન્મેન્ટને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા સરકારી અમલદારોએ એવી ગોઠવાવી હતી કે તેમને ચોવીસે કલાક પાણી મળે.

આટલો પૂર્વ ઈતિહાસ આપ્યા પછી પાણીની જરૂરિયાત કેટલી હતી અને તેને પહોંચી વળવા શું કરવું જોઈએ તે પોતાના રિપોર્ટમાં સરદાર જણાવે છે.

જણ દીઠ પાણીની વપરાશ રોજના ઓછામાં ઓછા ત્રીસ ગૅલન અને વસ્તી ઓછામાં ઓછી ત્રણ લાખ ગણીને દરરોજ નેવું લાખ ગૅલન પાણી જોઈએ એમ તેમણે ગણ્યું છે. તે વખતે જેટલા કૂવા હતા તે પચાસ લાખ ગૅલનથી વધુ પાણી આપી શકે એમ ન હતું અને પેલી સર્વગ્રાહી યોજના પૂરેપૂરી અમલમાં મુકાય ત્યારે પણ સાઠથી સિત્તર લાખ ગૅલનથી વધુ પાણી મળી શકે એમ નહોતું એમ મુંબઈના સૅનિટરી એન્જિનિયરે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. એટલે વધુ પાણી મેળવવાનો ઇલાજ તાત્કાલિક તો નદીનું પાણી સીધું લેવું એ જ છે એમ એણે પણ અભિપ્રાય આપ્યો હતો.

પાણીના જથા સાથે પાણીની સ્વચ્છતાનો પણ રિપોર્ટમાં વિચાર કર્યો છે. અમદાવાદને નદીની રેતીમાંથી કુદરતી રીતે ગળાઈ ને પાણી મળે છે એમ લોકો માને છે પણ એ પૂરેપૂરું ખરું નથી. ચોમાસામાં કૂવા નદીની રેલમાં ઢંકાઈ જાય છે. રેલ દરમિયાન અને રેલ ઊતરી ગયા પછી પણ એનું પાણી જંતુઓવાળું હોઈ પીવા યોગ્ય હોતું નથી એમ નિષ્ણાતોને પૃથકકરણ કરતાં માલૂમ પડ્યું હતું. વળી પાણી કુદરતી રીતે ગળાયેલું તો ત્યારે જ મળે જ્યારે કૂવો નદીના પ્રવાહથી ઓછામાં ઓછા ૧૫૦ ફીટ દૂર હોય. પણ કૂવા જેમ દૂર રાખવામાં આવે તેમ પાણીનો પુરવઠો ઓછો રહે એટલે કૂવા નદીના પ્રવાહની નજીક લઈ ગયા વિના છૂટકો નહોતો.

સરદારે ખાનગી નિષ્ણાતની સલાહ લીધી હતી. તેમનું કહેવું એમ હતું કે કુદરતી રીતે ગળાયેલું પાણી મેળવવાનો વિચાર જ છોડી દેવા જેવો છે. એ પદ્ધતિ જ ભારે ખર્ચાળ છે. દવાઓથી પાણી સ્વચ્છ કરવાનું રાખશો તો એને માટેના યંત્રની કિંમત આશરે રૂા. ૨૩,૦૦૦ પડશે અને દવાઓ વગેરેનું ચાલુ ખર્ચ રૂા. ૧૩,૦૦૦નું રાખવું પડશે. સરકારના સૅનિટરી એન્જિનિયરનો આના ઉપર અભિપ્રાય લીધો તો તેઓએ પણ આ રીત લાભદાયી હોવાનું જણાવ્યું છે. સ્વચ્છ પાણી મેળવવાની બીજી રીતમાં રૂપિયા દસ લાખનું પ્રારંભિક ખર્ચ અને રૂપિયા સવા લાખનું ચાલુ ખર્ચ કરવું પડે એમ હતું. વળી એ યોજના પ્રમાણે કામ પૂરું થતાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગતાં હતાં, જયારે આમાં છ અઠવાડિયામાં બધી ગોઠવણ કરી શકાય એમ હતું.

રા. સા. હરિલાલભાઈ એ સૂચવ્યું હતું કે એકદમ મોટી ખર્ચાળ યોજના હાથ ધરતાં પહેલાં ઓછામાં ઓછા એક મહિના સુધી સ્થળ પર જ પાણીની શાસ્ત્રીય તપાસ કરાવવી, જેથી કર ભરનારાઓનો આપણે વિશ્વાસ સંપાદન કરી શકીએ અને મોટું ખર્ચ કરવાનું હોય તો તેમનો ટેકો મેળવી શકીએ.

આ બધા સંજોગોને વિચાર કરીને સરદારે એવી સૂચના કરી કે મુંબઈ સરકારના સૅનિટરી બોર્ડને આપણે વિનંતી કરવી કે સૅનિટરી બોર્ડના નિષ્ણાતોને જરૂરી સાધનો સાથે મોકલી આપે. સરકારને એવી પણ વિનંતી કરવી કે પૂના અને કરાંચીના જેવી જ શરતોએ અને ધોરણે પાણી તપાસવા માટે અમદાવાદમાં એક સ્થાયી પ્રયોગશાળા સ્થાપવામાં આવે. આવી લૅબોરેટરીની શહેરને બહુ જ જરૂર હતી.

આમ પાણીની તંગીને પહોંચી વળવા માટે કામચલાઉ વ્યવસ્થા કર્યા પછી પાણીનો જથ્થો વધારવા માટે આગળ શાં પગલાં લેવાં તે વિષે મિ. આર. સેન્ટ જ્યૉર્જ મૂર નામના એક નિષ્ણાતને રૂા. ૬,૦૦૦ ફી આપવાનું ઠરાવીને રોક્યા. કારણ સરકારી નિષ્ણાતો ઉપર આધાર રાખવાથી કાંઈ શુક્કરવાર વળે એમ ન હતો તેનો પૂરતો અનુભવ થઈ ચૂક્યો હતો.

પાણી પછી બીજું મહત્ત્વનું કામ શહેરમાંથી ગિરદી ઓછી કરવાનું હતું. મિ. મિરેમ્સ નામના ટાઉન પ્લૅનિંગ એક્સપર્ટે શહેરના વિસ્તાર માટેની એક યોજના નક્શા સાથે કરી આપેલી હતી. આ યોજનામાં સાકર બજારથી લાલ દરવાજા સુધીનો એક રિલીફરોડ નવો કરવાનું સૂચવેલું હતું, જેથી રિચીરોડ (હાલનો ગાંધીરોડ) ઉપરની ભીડ કાંઈક ઓછી થાય. આ યોજના મુજબ રસ્તો બનાવતાં કેટલાં મકાનો કાયદાથી લેવાં (એક્વાયર કરવાં) પડતાં હતાં તેનું અને રસ્તો બનાવવાનું કેટલું ખર્ચ થશે તેના નક્શા તથા ખર્ચનો અંદાજ ચીફ ઑફિસરે બનતી તાકીદે તૈયાર કરવો એવો ઠરાવ જનરલ બોર્ડની તા. ૮–૭–’૨૦ની મીટિંગમાં પસાર કરાવ્યો.

આ વખતે દેશનું રાજકીય વાતાવરણ દિનપ્રતિદિન ગરમ થતું જતું હતું. ગાંધીજીએ અસહકારનું પ્રચંડ આંદોલન દેશમાં જગાવ્યું હતું અને સરદારે તેમાં પૂરેપૂરું ઝંપલાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે પણ તેના કાઉન્સિલરોની શક્તિ પ્રમાણે અને મ્યુનિસિપાલિટી એક કાયદાથી સ્થપાયેલી સંસ્થા હોઈ તેની મર્યાદામાં રહીને તથા શહેરની સુખાકારીમાં કશી અડચણ ન આવે એ રીતે તેનાથી જેટલો ફાળો સ્વાતંત્ર્યની આ મહાન લડતમાં અપાય તેટલો અપાવવાનો તેમનો પ્રયત્ન હતો. છતાં સરકારી અમલદારો અત્યાર સુધી જે રીતે ટેવાયેલા હતા એ જોતાં, એમને એ ન રુચે એ સ્વાભાવિક ગણાય. મ્યુનિસિપાલિટી બહારની સરદારની અસહકાર અંગેની પ્રવૃત્તિઓ પણ તેમને ખૂંચતી જ હોવી જોઈએ. એક માણસના મ્યુનિસિપલ કામ અને બહારના રાજદ્વારી કામ, એનો તટસ્થતાથી ભેદ પાડી જુદી જુદી દૃષ્ટિએ જોવાની તેમને આદત જ નહોતી. આનો એક દાખલો અહીં આપવો બસ થશે. ૧૯૧૯–૨૦નો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ઍડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ રવાના કરતી વખતે તેની સાથે કલેક્ટરે કાગળ લખ્યો તેમાં સરદારે એ વર્ષમાં બજાવેલી કીમતી સેવાની કદર કરવાની તો ઘેર રહી, પણ એવી ટીકા કરી કે, “બોર્ડમાં કેટલુંક ગરમ ખોપરીવાળું એવું તત્ત્વ છે જેની અસરથી કેટલાક પ્રસંગે બોર્ડે અવિચારી અને કમનસીબ નિર્ણયો લીધા છે, તેમાં પ્રમુખનો કશો વાંક નથી.”

આ ટીકા કોને ઉદ્દેશીને હતી તે સ્પષ્ટ હતું અને સરદાર એ શેના સાંખી લે ? એટલે તા. ૨૭–૯–’૨૦ની બોર્ડની મીટિંગમાં તેઓ ઠરાવ લાવ્યા કે :

“‘સામાન્ય ટીકાઓ’ એ મથાળા નીચે પોતાના કાગળમાં અમદાવાદના નવા કલેક્ટરે (આ ‘નવા’ શબ્દ ધ્યાનમાં લેવા જેવો છે કારણ જૂનો કલેક્ટર તો સરદારના કામનું મહત્ત્વ સમજી ગયેલો હોવો જોઈએ, અને આ નવો હજી સરદારને બરાબર ઓળખતો નહીં હોય) કારણ વિના જે અપમાનભરી ટીકા કરી છે તે સામે આ બોર્ડ સખત વાંધો ઉઠાવે છે અને આગ્રહ કરે છે કે એ ટીકા એણે પાછી ખેંચી લેવી જોઈએ.”
“જ્યાં સુધી આ ટીકાઓ પાછી ખેંચી લેવામાં આવે નહીં ત્યાં સુધી રિપોર્ટ ઉપર વિચાર કરવાનો બોર્ડ ઇન્કાર કરે છે.”
“આ ઠરાવની નકલ સરકારને મોકલી આપવી.”

આ ઠરાવમાંની હકીકતની તો ના પાડી શકાય એમ હતું નહીં છતાં તેને હળવો કરવા માટે તેના ઉપર સુધારા લાવનારા બોર્ડમાં પડ્યા જ હતા. છેવટે સરદારનો સુધારો ભારે બહુમતીથી પસાર થયો.

અસહકારની લડતમાં મ્યુનિસિપાલિટી પાસે સરદારે જે ફાળો અપાવ્યો તેની વિગતો અલગ પ્રકરણમાં આપવી ઠીક થશે. પણ તે ઉપર આવતાં પહેલાં રાજકીય ક્ષેત્રમાં સરદારનો પ્રવેશ અને અસહકારની લડત સુધીની તેમની પ્રવૃત્તિઓનું બ્યાન આપવું જોઈએ.