સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બૅરિસ્ટરી સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી
નરહરિ પરીખ
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ →


.


મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી

વિલાયતથી બૅરિસ્ટર થઈને આવ્યા બાદ વિઠ્ઠલભાઈએ અને સરદારે કરી લીધેલી કામની વહેંચણીની યોજનાને અનુસરીને સરદાર બંનેના ખર્ચ માટે કમાવાના કામમાં પડ્યા. પણ આ જાતની કામોની વહેચણી લાંબો વખત ટકી નહીં. અમદાવાદમાં આવ્યા એટલે સ્વાભાવિક રીતે જ સરદાર ગુજરાત ક્લબના સભ્ય બન્યા અને રોજ કલબમાં હાજરી આપવા લાગ્યા. તે વખતના અમદાવાદના કેટલાક જાહેર કાર્યકર્તાઓ શ્રી ગોવિંદરાવ પાટીલ, શ્રી શિવાભાઈ પટેલ, શ્રી ચિમનલાલ ઠાકોર, શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ વગેરે પણ રોજ ક્લબમાં આવતા. આ બધા આગેવાન વકીલો પણ હતા. એ જમાનામાં જાહેર કામ, પછી તે રાજદ્વારી હો કે સામાજિક સ્વરૂપનું હો, તે વકીલ બૅરિસ્ટરોનો ખાસ ઇલાકો ગણાતું. સર રમણભાઈ નીલકંઠ તથા દી. બ. હરિલાલ દેસાઈભાઈ પણ અમદાવાદના આગેવાન જાહેર કાર્યકર્તાઓ હતા. પણ તેમની પાસે પોતાના વકીલાતના ધંધા ઉપરાંત જાહેર સેવાનાં એટલાં બધાં ખાતાં હતાં કે તેમને ક્લબમાં આવવાની ભાગ્યે જ ફુરસદ મળતી. ક્લબમાં બીજાં ગપ્પાંની સાથે અમદાવાદના જાહેર જીવનની તેમ જ દેશની રાજદ્વારી, સાંસારિક અને આર્થિક સ્થિતિની ૫ણ ચર્ચાઓ થતી. આ આગેવાનો તો મુખ્યત્વે એની જ ચર્ચા કરતા અને તેમાંથી નવા જુવાનિયાઓને ઠીક ઠીક શીખવાનું તથા જાણવાનું મળતું.

સને ૧૯૧૪માં સરકારે જિલ્લા મ્યુનિસિપલ ઍક્ટમાં સુધારો કરી વધારે વસ્તીવાળાં મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓને મ્યુનિસિપલ કમિશનર તરીકે સિવિલિયન અમલદારને રાખવાની ફરજ પાડી. સિવિલિયન અમલદાર એટલે કલેક્ટર અને કમિશનરની હારનો માણસ અને તેના હાથમાં મ્યુનિસિપાલિટીનો બધો વહીવટ હોય તો મ્યુનિસિપલ કાઉન્સિલરો તેની શેહમાં તણાય અને તેના ઉપર કશો કાબૂ ન રાખી શકે એ ઉઘાડું હતું. સને ૧૯૧૬ માં મુંબઈ પ્રાંતની રાજકીય પરિષદ અમદાવાદમાં ભરાઈ હતી તેમાં ઠરાવ લાવીને આ ભય રજૂ પણ કરવામાં આવ્યો હતો અને મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓમાં આવા અમલદાર માથાભારે થઈ પડશે એમ જણાવી આ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પણ સરકારે એ બાબતમાં કોઇ ફેરફાર ન કર્યો.

પહેલા જ મ્યુનિસિપલ કમિશનર મિ. શિલિડી કરીને આવ્યા. તે એવા અમલદારી તોરવાળા અને તુંડમિજાજી હતા કે ઘણાને તેમનાથી અસંતોષ થયો. અમદાવાદના વકીલમંડળમાં સૌ સરદારની બાહોશી, કુનેહ અને વિશેષ તો તેમનું નીડરપણું જોઈ ગયા હતા. સૌને લાગ્યું કે મ્યુનિસિપલ કમિશનરની જગ્યા કાઢી નાખવા માટે ચળવળ ચલાવવાનું અને જ્યાં સુધી એ જગ્યા રદ્દ ન થાય ત્યાં સુધી ગોરા સિવિલિયનને અંકુશમાં રાખવાનું કામ સરદાર જ કરી શકે એમ છે. એટલે એમને મ્યુનિસિપાલિટીમાં દાખલ થવાનો મિત્રો આગ્રહ કરવા લાગ્યા. વળી તે વખતે વકીલાત અથવા પોતાનો જે ધંધો હોય તે સંભાળીને આવાં કામ થઈ શકે એમ મનાતું. એટલે સરદારની કૌટુંબિક વ્યવસ્થાને વાંધો આવે એમ ન હતું. પણ તેમના ખાસ મિત્ર ચિમનલાલ ઠાકોર તેમને કહેતા કે અમદાવાદના જાહેર જીવનમાં પડવા જેવું નથી. અમદાવાદના લોકો ગોરી ચામડીથી કેટલા બીએ છે તેનો પોતાના અનુભવનો એક દાખલો તેઓ આપતા. છપ્પનિયાના દુકાળ વખતે (સને ૧૯૦૦માં) ઢોર બહુ સસ્તાં મળતાં તેથી તેમની કતલ કરી માંસ, ચરબી, ચામડાં વગેરે પરદેશ ચડાવવા માટે એક યુરોપિયને અમદાવાદમાં ખાનગી કતલખાનું જમાલપુર દરવાજા બહાર કાઢ્યું હતું. અમદાવાદની આખી પ્રજા આથી કકળી ઊઠી હતી અને આ બલા અહીંથી જાય એમ સૌ ઈચ્છતા હતા. પાંચેક વકીલો, જેમાં શ્રી ચિમનલાલ ઠાકોર પણ હતા, તેઓ આ કતલખાનું અહીંથી ખસેડવાનું પેલા યુરોપિયનને સમજાવવાના ઇરાદાથી ત્યાં ગયા. પેલા યુરોપિયને આ લોકોનું અપમાન કર્યું અને પોતાના માણસો પાસે તેમને પકડાવી ત્યાં બાંધી રાખ્યા. બીજા વકીલો ગાડીઓમાં બેસી ત્યાં ગયેલા પણ ચિમનલાલ ઠાકોર ઘોડા ઉપર હતા એટલે ત્યાંથી છટકી નીકળ્યા અને મારતે ઘોડે શહેરમાં આવી પોલીસને તથા પકડાયેલા વકીલોને ઘેર ખબર આપી. શહેરમાંથી લોકો લાકડીઓ લઈ ટોળાંબંધ ઊલટ્યા. પેલો ગોરો પોતાનો જીવ બચાવવા રાતોરાત ત્યાંથી નાસી છૂટ્યો. એને અમદાવાદમાંથી કતલખાનું ખસેડવું પડ્યું. પણ શ્રી ચિમનલાલ ઠાકોરનો વિચાર હુમલો, ગેરકાયદે અટકાયત અને અપમાન કર્યા બદલ એના ઉપર ફોજદારી કેસ કરવાનો હતો, તેમાં કોઈએ એમને સાથ ન આપ્યો. એ ઉપરથી એમનો અભિપ્રાય બંધાઈ ગયો હતો કે અમદાવાદીઓમાં જાહેર જુસ્સા જેવી વસ્તુ જ નથી. પણ સરદારે કહ્યું કે લોકો ગમે તેવા હોય તોપણ આપણે જાહેર કામ કરીએ તો જ તેઓ કેળવાય ને? એ વિચારથી તેઓ મ્યુનિસિપાલિટીમાં જવા તૈયાર થયા.

આ બધા વિચારો ચાલતા હતા, તેવામાં દરિયાપુર વોર્ડના મ્યુનિસિપલ મેમ્બર ગુજરી ગયા. તેમની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી થઈ તેમાં સરદાર ઉમેદવાર તરીકે ઊભા થયા અને ચૂંટાઈ આવ્યા. દરિયાપુરના આગેવાન ગૃહસ્થ શ્રી ચંદુલાલ મહાદેવિયા જેમની સાથે એમના મામાના વખતથી સરદારને ઘરોબો હતો તેમણે આ ચૂંટણીમાં સરદારને બહુ મદદ કરેલી. પણ આ ચૂંટણી સામે કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા અને એ તા. ૨૬-૩-’૧૭ના ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી રદ થઈ. તા. ૧૪-૫-’૧૭ના રોજ ફરી ચૂંટણી થઈ તેમાં સરદાર સામે બીજો કોઈ ઉમેદવાર ઊભો ન થયો એટલે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.

આ વખતે બોર્ડ ચાળીસ સભ્યોનું હતું. સર રમણભાઈ તેના પ્રમુખ હતા અને રા. સા. હરિલાલ દેસાઈભાઈ મૅનેજિંગ કમિટીના ચેરમેન હતા. એ બંને મ્યુનિસિપાલિટીનું કામ સેવાભાવના અને બાહોશીથી કરતા. પણ તેમને કામમાં સાથ આપે એવું જૂથ મ્યુનિસિપાલિટીમાં તે વખતે ન હતું. આ બે નેતાઓથી સ્વભાવે તેમ જ વિચારોમાં સરદાર ઘણા જુદા પડતા હતા. પણ પૂરા દિલથી શહેરની સેવા કરવાની તમન્ના ત્રણેમાં સામાન્ય હતી અને તેથી ત્રણે સાથે મળીને એકરાગથી મ્યુનિસિપાલિટીનું કામ કરવા લાગ્યા. અસહકારના વખતમાં ત્રણેના રાહ જુદા પડ્યા ત્યારે પણ એકબીજા પ્રત્યે સદ્‌ભાવ અને આદર કાયમ રહ્યો. કારણ રાજદ્વારી વિચારો જુદા હોવા છતાં સરકારના અન્યાય અને જોહુકમીમાં પેલા બે નેતાઓ સરકારની હાએ હા ભણે એવા નહોતા. સાધારણ રીતે કોઈ સાક્ષર પ્રત્યે સરદારનું હેત ઊભરાઈ જતું જાણ્યું નથી. પણ સ્વ. રમણભાઈ પોતાની ઋજુતા, નિઃશંક પ્રામાણિક્તા અને ઉત્કટ સેવાભાવનાથી તેમનું દિલ જીતી શક્યા હતા. અમલદારો સાથે લડવાની હિંમતથી અને શહેર સુધરાઈનાં કામો ઝપાટાથી આગળ ધપાવવાના જુસ્સાથી સરદાર મ્યુનિસિપાલિટીના ભાવિ નેતા તરીકે જતાંવેંત જ આગળ તરી આવ્યા.

મ્યુનિસિપલ કામની સરદારમાં કુદરતી જ રુચિ અને કુશળતા છે એ તો હવે સિદ્ધ થઈ ચૂકેલી વસ્તુ છે. ભલે પેલા સિવિલિયનને પાંશરો કરવાનું કામ એમના મ્યુનિસિપલ પ્રવેશનું નિમિત્ત બન્યું હોય પણ તે વખતેય એમનો ઉદ્દેશ તો અમદાવાદની સૂરત બદલી નાખી શહેરની સેવા કરવાનો જ હતો. પણ તેમ કરવા માટે સાથી કાઉન્સિલરો વફાદાર અને બાહોશ જોઈએ તથા મ્યુનિસિપલ અમલદારો પણ કુશળ અને કર્તવ્યનિષ્ઠ જોઈએ. અહીં તો કેટલાક મુખ્ય અમલદારો પણ ઘણી વાર શહેરના હિત પ્રત્યે બેદરકારી અને બિનજવાબદારી રાખતા જોવામાં આવતા. વળી કલેક્ટર અને કમિશનરની મ્યુનિસિપલ કામમાં ઠીક ઠીક દખલગીરી રહેતી. તેને લીધે આખા તંત્રમાં અંધેર અને સુસ્તી પેસી ગયેલાં હતાં. સરદારની મ્યુનિસિપલ કારકિર્દીના શરૂઆતનાં લગભગ બે વર્ષ આ બધું સાફ કરવામાં જ ગયાં. પહેલું કામ મ્યુનિસિપલ કમિશનરને ઠેકાણે લાવવાનું સરદારે હાથ ધર્યું. એનો કારભાર બારીકાઈથી તપાસવા માંડ્યો અને થોડા જ વખતમાં તેને બરાબર પકડ્યો.

અમદાવાદમાં કાંકરિયા તળાવની પાસે શુષ્કર નામનું નાનું તળાવ છે. તે સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપાલિટીને ૧૯૧૪ની સાલમાં સોંપવામાં આવેલું. તળાવને લીધે એ લત્તામાં મચ્છર ખૂબ થતા તેથી એ તળાવ પુરાવી નાખવાની મ્યુનિસિપાલિટીની યોજના હતી. પણ તે વખતના એક મ્યુનિસિપલ કાઉન્સિલર ફતેહમહમદ મુનશીની તળાવની પાસે જ દીવાસળીની મિલ હતી અને દીવાસળીઓ બનાવવા માટેનાં લાકડાં તેમાં કોહવા માટે રાખવા સારુ તેમને તળાવની બહુ જરૂર હતી. તેના ઉપર માલકી હકનો દાવો કરી સરકાર ઉપર તેમણે કેસ પણ માંડેલો. તેમાં હાઈકોર્ટ સુધી લડ્યા અને છેવટે તેની વિરુદ્ધ ફેંસલો આવેલો. પણ એમણે વૉર લોનમાં ઠીક ઠીક રકમ ભરેલી એટલે મ્યુનિસિપલ કમિશનર મિ. શિલિડી પાસે તેઓ પહોંચી ગયા અને કોઈ પણ રીતે તળાવનો કબજો પોતાની પાસે રહે અને મ્યુનિસિપાલિટી તરફથી તળાવ પુરાવવામાં ન આવે એમ કરવા તેમને સમજાવ્યા. મિ. શિલિડીએ તેમની યુદ્ધમદદની કદર કરવા સારુ, સરકારનો સ્પષ્ટ ઠરાવ છતાં એ તળાવ ઉપર મ્યુનિસિપાલિટીનો કશો હક નથી, એ મ્યુનિસિપાલિટીને કશા ખપનું નથી વગેરે ઉટાંગ બહાનાં કાઢી મુનશીનો કબજો ચાલુ રહે એવી તજવીજ કરી. છેવટે ઉત્તર વિભાગના કમિશનરે જ્યારે ફરી ઠરાવ્યું કે એ તળાવ મ્યુનિસિપાલિટીની માલકીનું છે ત્યારે મુનશીને એ કાયમી પટે આપવામાં આવે એવી મિ. શિલિડીએ સરકારને ભલામણ કરી. આમ જાતજાતનાં બહાનાં કાઢી બોર્ડની મીટિંગમાં થયેલા ઠરાવોનો તેઓ અમલ કરતા નહીં અને કોઈને ગાંઠતા નહીં.

સરદારની મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી નક્કી થઈ ગઈ એટલે તેમણે પહેલું કામ આ હાથ ધર્યું. સરકાર ઉપરના દાવામાં મુનશી કેવી રીતે નિષ્ફળ ગયેલા તેની બધી હકીકત સરકારી વકીલ શ્રી મણિલાલ ભગુભાઈ પાસેથી મેળવી અને મિ. શિલિડીની દાંડાઈના દાખલા મ્યુનિસિપલ રેકર્ડ ફેંદીને કાઢ્યા. એમ તેની સામે સજ્જડ કેસ તૈયાર કરી બધી વિગતો સાથે લાંબો ઠરાવ જનરલ બોર્ડની તા. ૭-૬-'૧૭ની મીટિંગમાં લાવ્યા. ઠરાવની મતલબ એ હતી કે:

“શુષ્કર તળાવની બાબતમાં મ્યુનિસિપલ કમિશનરે જે વલણ લીધું છે તેથી બોર્ડ બહુ કઢંગી હાલતમાં મુકાય છે. કાં તો તેણે મ્યુનિસિપલ કમિશનરનું આવું પ્રતિગામી વલણ અને તોછડાઈ ચૂપચાપ સહન કરી લેવાં, કાં તો તેની પાસે બીજો એક જ માર્ગ ખુલ્લો છે તે અખત્યાર કરવો.

“મિ. શિલિડીએ બોર્ડને વગર પૂછ્યે કારવ્યે સરકારને પોતાનો અભિપ્રાય લખી જણાવ્યો છે કે ‘મ્યુનિસિપાલિટીને આ તળાવની કશી જરૂર નથી, તેને એનો કશો ઉપયોગ નથી, સૅનિટરી કમિટીના પહેલા ઠરાવમાં ગૃહીત કરી લેવામાં આવ્યું છે કે તળાવ મ્યુનિસિપાલિટીની માલકીનું છે તે આધાર વિનાનું છે, એ કમિટીના છેલ્લા ઠરાવમાં પણ દરેકેદરેક તકરારી મુદ્દાને પોતાના લાભમાં તે સિદ્ધ થયેલા હોય તેમ તેણે માની લીધેલા છે અને કેટલાક કર ભરનારાઓની મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપર અરજી આવી છે કે આ તો સેનિટરી કમિટીનું ઊભું કરવામાં આવેલું તૂત છે.’

“આ બોર્ડને દિલગીરી થાય છે કે મિ. શિલિડીના જેવું સ્થાન ભોગવતા એક મ્યુનિસિપલ અમલદારને લગભગ ૫૩,૦૦૦ વાર જેટલી જમીન, જે રૂપિયા એક લાખ કરતાં ઓછી કિંમતની ન ગણાય અને જે કાંકરિયા રેલવે સ્ટેશનની નજીક શહેરના અગ્નિ ખૂણામાં આવેલી હોઈ અમદાવાદ જેવા વધતા જતા અને ખૂબ ગિરદીવાળા શહેરને નવા મકાન બાંધવા માટે ભવિષ્યમાં ભારે ઉપયોગી થઈ પડે એવી છે તેની કશી કિંમત નથી.

“આ બોર્ડને એ પણ દિલગીરી થાય છે કે મ્યુનિસિપાલિટીના કીમતી માલકીહકનું રક્ષણ કરવાની પોતાની ફરજ મ્યુનિસિપલ કમિશનર સમજ્યા નથી એટલું જ નહીં પણ મ્યુનિસિપાલિટીએ જ્યારે પોતાના માલકીહકનો અમલ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે મ્યુનિસિપાલિટીના ઠરાવ સાથેનો તા. ૬-૧૨-’૧૬નો પોતાનો કાગળ સરકારને મોકલીને એ પ્રયત્નો ઊંધા વાળવાની તજવીજ કરી. એમ કરીને ખાનગી હિતો આગળ સાર્વજનિક હિતોને ગૌણપદ આપવાના આક્ષેપને તેઓ પાત્ર થયા છે.

“તેમનો ઉદ્ધત જવાબ, તેમના નિરાધાર આક્ષેપો અને કાઉન્સિલરોના ઠરાવોની ઠઠ્ઠા કરવાની તેમની ટેવ, એ તંત્રના એકરાગને હાનિકારક છે, એટલું જ નહીં પણ અસંતોષ અને અણરાગ ઉપજાવે એવી છે.

“વળી પ્રમુખ સાહેબે બોર્ડ સમક્ષ રજૂ કર્યા પછી બધાં કાગળિયાં બોર્ડના કબજામાં આવી ગયાં હતાં ત્યાર પછી પણ પોતાના સરકારને લખેલા કાગળના છેલ્લા પેરાના તેર શબ્દો છેકી નાખવામાં તેમણે જે વર્તન બતાવ્યું છે તે માટે હળવામાં હળવા શબ્દો વાપરીએ તોપણ એટલું તો કહેવું જ જોઈએ કે એ વર્તન ભારે ઠપકાપાત્ર છે.

“આ સંજોગોમાં, મ્યુનિસિપાલિટીનું કામ એકરાગથી ચાલે તેની ખાતર બોર્ડને એવું ઠરાવવાની ફરજ પડે છે કે, મિ. શિલિડી આ મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા ઉપર ચાલુ રહી શકે નહીં એ ઉઘાડું છે, અને તેથી પ્રમુખ સાહેબને વિનંતી કરે છે કે મ્યુનિસિપાલિટીનો ઍડમિનિસ્ટ્રેશન રિપોર્ટ જ્યારે સરકારને મોકલવામાં આવે ત્યારે તેની સાથે આ ઠરાવની નકલ મોકલી આપે.”

અમદાવાદ મ્યુનિસિપાલિટીની કારકિર્દીમાં એક ગોરા સિવિલિયનની સામે આવો કડક ઠરાવ રજૂ થયો હોય એવો કદાચ આ પહેલો જ પ્રસંગ હશે. સરકારના ખેરખાહ એવા કાઉન્સિલરોને તો આ ઠરાવથી આભ તૂટી પડ્યા જેવું લાગ્યું હશે પણ તેની એક પણ વિગતનો તેઓ ઈન્કાર કરી શકે એમ નહોતું. છતાં ઠરાવને મોળો કરી નાખવાના ત્રણ ચાર સુધારા આવ્યા. એક સુધારો તો કાગળિયાં ફાઈલ કરવા સુધીને આવ્યો. એ બધા ઉપર મત લેવાતાં આખરે સરદારની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ.

આ મિ. શિલિડીએ પોતાના અધિકાર બહાર જઈને કેટલીક ખરીદીઓ કરેલી, અને કેટલાક ઓર્ડરો આપેલા તથા કોન્ટ્રાક્ટો કરેલા તે વિષે પણ બોર્ડની મીટિંગમાં ઠરાવ પસાર કરીને તેમનો જવાબ માગવામાં આવેલો. પણ પહેલો ઠરાવ સરકાર પાસે ગયો કે તરત એમને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી પાછા બોલાવી લેવામાં આવ્યા અને તેઓ ગયા એટલે બીજા ઠરાવનું કામ માંડી વાળવામાં આવ્યું.

મિ. શિલિડીના ગયા બાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિ. માસ્ટર આવ્યા. તેઓ મોળા હતા અને પોતાના કામમાં પણ ઢીલા હતા. એમને તો મ્યુનિસિપાલિટીની નોકરીમાંથી બને તેટલો આર્થિક લાભ મેળવી લેવો હતો. પોતાના પગાર ઉપરાંત કેટલાંક ભથ્થાંની એમણે માગણી કરી. સરદાર તે વખતે સૅનિટરી કમિટીના ચેરમેન હતા. પોતાની પાસે એ કાગળો આવતાં સરદારે એ દાબી મૂક્યા. એક દિવસ મિ. માસ્ટરે મૅનેજિંગ કમિટીના ચૅરમૅન રા. સા. હરિલાલભાઈ ને પૂછ્યું કે મારા કાગળોનું શું થયું? મને નુકસાન થાય છે માટે એનો વહેલા નિકાલ થાય એ જરૂરનું છે. વળી પોતાને માગ્યા પ્રમાણે ભથ્થાં ન મળે એમ હોય તો પોતે અહીં રહેવા રાજી નથી એમ પણ ઉમેર્યું. હરિલાલભાઈએ એ કાગળો સૅનિટરી કમિટી પાસે છે એમ જણાવી તરત જ મિ. માસ્ટરની રૂબરૂ જ એણે કહેલી બધી હકીકત સરદારને કહી. સરદારે તો સાફ સંભળાવી દીધું કે, “સરકારે પગાર વગેરે નક્કી કરી એમની નિમણૂક કરીને અહીં મોકલ્યા છે. એમને એ પ્રમાણે પરવડતું હોય તો રહે અને જવું હોય તો જાય.” મિ. માસ્ટર તો આ સાંભળી ચૂપ જ થઈ ગયા. પછી થોડા વખતમાં તેઓ ચાલ્યા ગયા.

આ વખતે ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ કરીને હતા. ખેડા સત્યાગ્રહની લડતના પ્રકરણમાં તેમનો વિશેષ પરિચય આપણને થવાનો છે. તેઓ બાહોશ ગણાતા પણ તેની સાથે અમલદારશાહીનો દોરદમામ પણ તેમનામાં એટલો જ હતો. પોતાના વિભાગની સઘળી મ્યુનિસિપાલિટીઓ અને લોકલબોર્ડો ઉપર પોતાનો કાબૂ રહે એમ તેઓ ઇચ્છતા. એમના મનમાં તો એમ પણ હશે કે તો જ બધે કાર્યદક્ષતા સચવાશે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મ્યુનિસિપલ કમિશનર તો ગોરો સિવિલિયન હતો જ, મ્યુનિસિપલ એન્જિનિયર અને હેલ્થ ઑફિસર પણ ગોરા લાવવાની તેમની પેરવી હતી.

એવામાં અમદાવાદમાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા ખાલી પડી. તે માટે બે હિંદી ઉમેવારો હતા અને તેઓ પૂરી લાયકાતવાળા હતા. છતાંં પ્રૅટ સાહેબે મૅકાસે નામના એક ગોરાને ઉમેદવાર તરીકે ઉભો કર્યો અને તેને માટે સારી પેઠે ખટપટ કરવા માંડી. સરકારનિયુક્ત કાઉન્સિલરો ઉપર તેમણે ચિઠ્ઠીઓ પણ લખેલી. તેમના આ વિચારોની જાણ થતાં પહેલાં, એક ડેપ્યુટી કલેક્ટરે એક હિંદી ઉમેદવાર માટે કોઈ મ્યુનિસિપલ કાઉન્સિલરને ચિઠ્ઠી આપેલી તેની ખબર પડતાં પ્રૅટ સાહેબ પેલા ડેપ્યુટી કલેક્ટર ઉપર બહુ ગુસ્સે થઈ ગયેલા અને એની બદલી અમદાવાદથી ખેડા કરાવેલી. આ મૅકાસેએ રેલવેમાં એન્જિનિયર તરીકે કામ કરેલું પણ આવડત અને અનુભવની દૃષ્ટિએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર થવા માટે ગોરી ચામડી સિવાય બીજી કશી લાયકાત એનામાં નહોતી. બંને હિંદીઓ અનુભવ અને આવડતમાં એના કરતાં કયાંય ચડી જાય એવા હતા. છતાં ૧૯ વિ. ૨૦ મતથી મૅકાસે એન્જિનિયર નિમાયા. તે વખતના રાજદ્વારી ક્ષેત્રમાં કામ કરનારાઓ પણ અંગ્રેજ અમલદારની શેહમાં કેવા તણાતા તેનો એક દાખલો આ પ્રકરણમાં જોવા મળે છે. મૅકાસેની તરફેણમાં મત આપનારમાં અમદાવાદમાં ૧૯૦૨માં કૉંગ્રેસની બેઠક ભરાઈ તેની સ્વાગત સમિતિના એક સેક્રેટરી અને આ પ્રસંગ વખતે પણ ગુજરાતની મુખ્ય રાજકીય સંસ્થા ગુજરાત સભાના સેક્રેટરી ડૉ. જોસેફ બેન્જામિન હતા. સામસામે લગભગ સરખા મત પડેલા હતા એટલે એમના એક મતથી જ પેલાની પસંદગી થઈ શકી એમ કહી શકાય. આથી બધા ડૉ. જોસેફ બેન્જામિન ઉપર બહુ ચિડાયા.

મૅકાસેની નિમણૂકથી મ્યુનિસિપાલિટીમાં બહુ કચવાટ ઊભો થયો. એના કામમાં એ પાવરધો હોત તો મુશ્કેલીઓ ઊભી ન થાત અને કશો ઝઘડો પણ ન થાત. પણ એ તદ્દન નકામો માણસ હતો. તેવામાં શહેરમાં પાણીની તંગીની બહુ બૂમો પડવા માંડી. શહેરની ઊંચી જગાઓ ઉપર, દાખલા તરીકે ઢાળની પોળ, ત્યાં તો દિવસે પાણી બિલકુલ પહોંચતું જ નહીં. રાતે પણ બહુ થોડું આવે. એટલે શહેરમાં બહુ ખળભળાટ થયો. ગુજરાત સભા તરફથી શહેરીઓની એક સભા ગાંધીજીના પ્રમુખપણા નીચે મળી. તેમાં જે ઠરાવ થયો તેની નકલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તેમ જ કલેક્ટર તથા કમિશનર ઉપર મોકલવામાં આવી.

કમિશનરે ગુજરાત સભાના સેક્રેટરીઓને મળવા ઈચ્છા દર્શાવી. એમના ઉપર પોતાનો રોષ ઠાલવવાનો જ તેના ઇરાદો હતો. સભાના સેક્રેટરીઓ તરીકે શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ અને દાદાસાહેબ માવળંકર તેમને મળવા ગયા. કમિશનર સાહેબે રોષ ઠાલવવા માંડ્યો : “તમે આ કાગળ મને શું કામ મોક્લ્યો ? મારે ને મ્યુનિસિપાલિટીને શો સંબંધ ?” એમ કહીને ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટ એમની આગળ ધર્યો.

શિવાભાઈએ ઠંડે પેટે જવાબ આપ્યો : “You can use your good offices with the municipality.‌ — મ્યુનિસિપાલિટી ઉપર તમે તમારી લાગવગ વાપરી શકો.”

આ ઉપરથી કમિશનર સમજ્યા કે મ્યુનિસિપલ એન્જિનિયરની નિમણૂકમાં પોતે જે ભાગ ભજવ્યો હતો તેના ઉપર આ ટકોર છે. તેઓ ફરી બોલ્યા કે, “મ્યુનિસિપાલિટી સાથે મારે કશી નિસ્બત નથી.”

શિવાભાઈએ જવાબ વાળ્યો : “કાંઈ નહીં તો મ્યુનિસિપાલિટીના સરકારનિયુક્ત સભ્યો ઉપર તો તમે અસર પાડી શકો.”

એટલે એ તો બરાબર છંછેડાયા. મ્યુનિસિપલ ઍકટ આગળ ધરીને ગુસ્સામાં બોલ્યા : “The Act speaks of ‘the Municipality’. It makes no distinction between the elected and nominated sections of the municipality. If you have any grievance go to the Municipal Hall. Don't let the municipal committee have peace till you get what you want. Beat drums there. If you still do not get water, go to their houses and burn them. — કાયદામાં ‘મ્યુનિસિપાલિટી’ શબ્દ છે. એમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટી અને સરકારનિયુક્ત મ્યુનિસિપાલિટી એવો કશો ભેદ કરવામાં આવ્યો નથી. એટલે તમારી કાંઈ પણ ફરિયાદ હોય તો મ્યુનિસિપલ હૉલમાં જાઓ. તમે માગો છો એ મળે નહીં ત્યાં સુધી મ્યુનિસિપલ કમિટીને પગ વાળીને બેસવા ન દો. ત્યાં ઢોલ પીટો, અને તેમ છતાં પાણી ન મળે તો મેમ્બરોને ઘેર જાઓ અને એમનાં ઘર ફૂંકી મૂકો”

આમ મુલાકાત પૂરી થઈ. સેક્રેટરીઓએ ઘેર આવી પોતાના મિત્રોને સઘળી હકીકત કહી સંભળાવી.

બીજે દિવસે સભાના સેક્રેટરી તરીકે દાદાસાહેબ મ્યુનિસિપાલિટીના પ્રમુખ સર રમણભાઈને મળવા ગયા. તેમની પાસે એક બાજુએ રા. સા. હરિલાલભાઈ મૅનેજિંગ કમિટીના ચૅરમૅન તરીકે અને બીજી બાજુએ સરદાર, સૅનિટરી કમિટીના ચેરમેન તરીકે, બેઠા હતા. જાહેર સભાનો ઠરાવ એમની આગળ દાદાસાહેબે રજૂ કર્યો ત્યારે સરદારે પ્રમુખ પાસેથી બેએક સવાલ પૂછવાની રજા લઈ દાદાસાહેબને પૂછ્યું :

સર○ — તમે કાલે ઉત્તર વિભાગના કમિશનરને આ સંબંધમાં મળવા એમને બંગલે ગયા હતા ?

દાદા○ — હાજી.

સર○ — ત્યારે કાઉન્સિલરોનાં ઘર બાળવાની તેમણે તમને સલાહ આપી હતી એ ખરું ને ?

જવાબમાં દાદાસાહેબે બનેલી બધી હકીકત કહી અને કેવી રીતે કમિશનરે એ સલાહ આપી હતી તે સ્પષ્ટ કર્યું. અને વધુમાં ઉમેર્યું કે એ સલાહનો શબ્દાર્થ લેવાને બદલે તે એક આલંકારિક ભાષા હતી એમ સમજવું જોઈએ. આમ દાદાસાહેબની મુલાકાત પૂરી થઈ.

મ્યુનિસિપાલિટીમાં બનતી તમામ હકીકતથી મિ. પ્રૅટ વાકેફ રહેતા. એટલે આ મુલાકાતની બાતમી પણ તેને મળી જ હશે. તેને માટે તો મૅકાસેને ટકાવવાનો અને તેની લાયકાત પુરવાર કરવાનો આ અણીનો પ્રસંગ હતો. એટલે એણે મુંબઈ સરકારમાં લખાણ કરી સરકારના કન્સલ્ટિંગ એન્જિનિયર મિ. ડાયર અમદાવાદ આવી પાણીની સ્થિતિ તપાસી જાય એવું ગોઠવ્યું. આઠ દિવસમાં આ કન્સલ્ટિંગ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને મ્યુનિસિપલ એન્જિનિયરને મળી શહેરનાં જુદાં જુદાં સ્થળો જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો. સૅનિટરી કમિટીના ચેરમેન તરીકે સાથે ફરવા સરદારને નોતરવામાં આવ્યા. આ બાબત મિ. પ્રૅટને કાંઈ લેવાદેવા ન ગણાય અને આ મંડળ શહેરમાં જગ્યાઓ જોવા ફરે તેમાં તેમણે હાજર રહેવાનું પણ ન હોય, છતાં એ પણ મંડળમાં સામેલ થયા. ઊંચામાં ઊંચી જગ્યા ઢાળની પોળ એટલે પ્રથમ ત્યાં ગયા. શું થઈ શકે એવું છે ? પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ ? વગેરે ચર્ચા ચાલી. કાંઈક સૂચના કરવાના હેતુથી સરદાર બોલ્યા : “The best way to meet the situation to my mind is — પરિસ્થિતિને પહોંચી વળવાનો ઉત્તમ ઉપાય મને એ લાગે છે કે …”

સરદારને વાક્ય પૂરું પણ ન કરવા દેતાં અંદરથી ધુંધવાતા મિ. પ્રૅટ કકળી ઊઠ્યા : “The best way, Mr. Patel, is for your committee to co-operate with the Municipal Engineer, and not to — મિ. પટેલ, ઉત્તમ ઉપાય તે તમારી કમિટીએ મ્યુનિસિપલ એન્જિનિયર સાથે સહકાર કરવો એ છે અને …”

સરદાર આ અમલદારની આવી તોછડાઈ સાંખી લેવા તૈયાર નહોતા એટલે એને વાક્ય પૂરું કરવા દીધા વિના તેમણે ગર્જના કરી: “The best way is to dispense with the services of this incompetent fellow ( pointing at Mr. Maccassay who was standing by), whom you have fastened on this municipality. What is it that the Municipal Engineer wanted and my committee has not done? Ask him if there be any such thing? Yet, when the secretaries of the Gujarat Sabha waited on you in deputation, you had the impertinence to advise them to burn our houses. Why burn our houses? Why not burn the bungalow of that fellow where all the mischief is centred? – ઉત્તમ ઉપાય તો આ (મિ. મૅકાસે જે બાજુમાં જ ઊભેલા હતા તેના તરફ આંગળી કરીને) નાલાયક આદમીને નોકરીમાંથી ખડખડિયું આપવાનો છે. તમે એને મ્યુનિસિપાલિટીને માથે ઠોકી બેસાડ્યો છે. મ્યુનિસિપલ એન્જિનિયરે મારી કમિટીને શું કહ્યું અને અમે એ ન કર્યું? એવું કશું તો બતાવશે ને? એને જ પૂછો કે એવી એક પણ વસ્તુ છે? છતાં જ્યારે ગુજરાત સભાના સેક્રેટરીઓ તમને મળવા આવ્યા ત્યારે તેમને એવી સલાહ આપવાની તમે ધૃષ્ટતા કરી કે જઈ ને અમારાં ઘર ફૂંકી મૂકો! શા માટે અમારાં ઘર બાળવાં જોઈએ? આ બધા તોફાનના મૂળમાં તો આ આદમી છે. બાળે નહીં એનો બંગલો!”

પ્રૅટ — મિ. પટેલ, મિ. પટેલ, તમે વાત કરવાના મિજાજમાં નથી....

સર○ - શી રીતે હોઉં?

વાત અહીં જ અટકી. મિ. પ્રૅટ, મિ. મૅકાસે, મિ. ડાયર વગેરે મંડળ ઝપાટાબંધ પોતપોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ભાગ્યું. શહેરમાં બધે ફરવાનો કાર્યક્રમ હવામાં ઊડી ગયો. પોતાના પાણીનું દુ:ખ દૂર કરવા આટલા બધા સાહેબો આવ્યા હતા એટલે લોકોનું મોંટું ટોળું ત્યાં ભેગું થયું હતું. સરદારે આવો ધડાકો કર્યો તે જોઈને બધાને બહુ મઝા પડી.

આ બનાવ પછી થોડા જ દિવસોમાં મૅકાસે રાજીનામું આપીને ચાલતા થયા. પ્રૅટ સાહેબે જ એને વેળા છતાં જવાની સલાહ આપી હશે.

આ મૅકાસેની નિમણૂક બાબત દીવાની કોર્ટમાં દાવો પણ થયો હતો. કર ભરનારા તરીકે ડૉ. કાનુગા અને પરસોતમદાસ ગજ્જર એ બે વાદીઓ હતા. પણ મૅકાસે ચાલ્યો ગયો એટલે દાવો આગળ ચલાવવાનું કોઈ કારણ ન રહ્યું.

પછી સરદારે એક બીજો પ્રશ્ન હાથમાં લીધો. મ્યુનિસિપાલિટીના સઘળા કરવેરા કેટલાક માણસો પાસેથી પૂરેપૂરા વસૂલ થતા નહોતા. મ્યુનિસિપાલિટીની સેવાઓનો લાભ લેવામાં પહોળા થનારા, છતાં તેના કરવેરા ભરવામાં મૂઠીઓ વાળનારા અને વાંધા ઉઠાવનારામાં કેટલાક સરકારી અમલદાર, કેટલીક સાર્વજનિક સંસ્થાઓ અને કેટલાક આગેવાન ગણાતા શહેરીઓ હતા. સરદારે જૂનાં દફતરો ફંફોસીને આ બધું શોધી કાઢ્યું અને જનરલ બોર્ડની મીટિંગમાં પ્રમુખને આ સંબંધી સવાલો પૂછીને પેલા લોકોની દાંડાઈ ઉઘાડી પાડી. તેમનાં નામઠામ તથા કેટલાં વરસથી તેઓ કર ભરતા નથી અને તેમની પાસે કેટલી રકમ બાકી છે તે બધું જાહેરમાં આણ્યું. એક ભાઈ તો સરકારી પેન્શનર, ખાન બહાદુરના ખિતાબધારી અને ઑનરરી ફર્સ્ટક્લાસ મૅજિસ્ટ્રેટ હતા. વળી કર નહીં ભરેલો તે બધો વખત તેઓ મ્યુનિસિપલ મૅજિસ્ટ્રેટ તરીકે કામ કરતા હતા. એટલે જિલ્લા મૅજિસ્ટ્રેટને લખાણ કરી તેમને મ્યુનિસિપલ મૅજિસ્ટ્રેટના પદેથી ઉતારી નાખવાની વિનંતી કરવાની, તેમના ઉપર વારંટ કાઢવાની તથા છેવટે તેમના પાણીના નળ કાપી નાખવાની સૂચનાઓ કરી, તેમની બધી બાકીઓ વસૂલ કરાવી.

આ વખતે વૉટરવર્ક્સનો ઇજનેર એક વાડિયા કરીને હતો તે મ્યુનિસિપાલિટીને માથે ભાગેલો હતો. શહેરમાં પાણીની ભારે બૂમ હતી અને વૉટરવર્ક્સના તે વખતના કૂવાઓમાં પાણીનો પૂરતો જથ્થો ન હતો એટલે કૂવાઓમાંથી પાણી ખેંચવાનું અને શહેરમાં પાણી વહેંચવાનું એ બંને કામ પૂરતી કાળજી રાખીને ખબરદારીથી કરવામાં આવે તો જ લોકોને કાંઈ પણ સંતોષ આપી શકાય એવી સ્થિતિ હતી. પણ આ વાડિયા એન્જિનિયર પોતાના કામમાં ગાફેલ અને બેદરકાર હોવા ઉપરાંત એવો ખાઈબદેલો હતો કે મ્યુનિસિપલ એન્જિનિયરની, પ્રમુખની કે નિષ્ણાતની સુચનાઓનો અમલ જ કરતો નહીં. સરદાર આ માણસને પકડવાની બરાબર તજવીજમાં જ હતા એટલામાં બે ત્રણ પ્રસંગ ઉપરાઉપરી એવા બન્યા જેમાં પેલાની નાલાયકી તદ્દન ઉઘાડી પડી ગઈ.

ચાર મહિનાના ગાળામાં શહેરમાં બે મોટી આગ લાગવાના બનાવ બન્યા. પાણી માટે જે ખાસ નળો ખોલવા જોઈએ તે ખોલવાની બાબતમાં ગફલત કરી તેથી પાણી બહુ મોડું મળી શક્યું અને આગ ઓલવવામાં કેવળ પાણી ન મળવાને કારણે જ વિલંબ થયો અને તેથી ભારે નુકસાન થયું. સરદાર બન્ને વખતે આગને સ્થળે પહોંચી ગયેલા હતા એટલે પાણી બાબતમાં થયેલી આ ગફલત એમણે પ્રત્યક્ષ જોઈ હતી. એટલે બોર્ડની મીટિંગમાં સવાલો પૂછી વૉટરવર્ક્સના ઈજનેરની બેદરકારી જાહેર કરાવી.

વળી આ ઈજનેર વૉટરવર્ક્સમાં ચાર એન્જિન હોવા છતાં ત્રણમાં બહુ સમારકામની જરૂર છે એમ કહી એક જ એન્જિન ચોવીસે કલાક ધમધમાવ્યે રાખતો હતો. એ બાબત પણ સવાલો પૂછીને જનરલ બોર્ડ સમક્ષ એ વિગત રજૂ કરાવી કે જે આ ચોથા એન્જિનમાં કાંઈ સમારકામ કરવાનું થાય અથવા કાંઈ અકસ્માતથી અટકી પડે તો શહેરને બિલકુલ પાણી ન મળે એવું બને. મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ ઇજનેર આ બાબતમાં એને વખતોવખત વખત સૂચના આપતા પણ એમની સાથે એ બિલકુલ સહકાર કરતો નહીં અને સૂચનાનાં કાગળિયાં દબાવી મૂકતો.

આ એન્જિન ચોવીસે કલાક એકસરખું ચલાવવાથી, શહેરમાં રાતે જે વખતે પાણી ઓછું વપરાતું હોય તે વખતે ટાંકી ભરાઈને ઊભરાઈ જતી હતી અને કૂવાઓમાં પાણીના પુરવઠાની તંગી હોવા છતાં દરરોજ પાંચથી છ લાખ ગૅલન પાણીનો બગાડ થતો હતો. આ બાબત મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ ઇજનેરના રિપોર્ટ એવા હતા કે, અમે બન્નેએ પાણીનો બગાડ અટકાવવાની મિ. વાડિયાને લેખી સૂચનાઓ આપી છે પણ તેનું કશું પરિણામ આવ્યું નથી. મ્યુનિસિપલ ઇજનેરનું કહેવું એમ હતું કે ટાંકીમાંથી વધારે પાણી તો રાતના એકથી પાંચની વચમાં ઊભરાઈ જતું હતું. તે વખતે એન્જિનની ગતિ ધીમી કરવામાં આવે અથવા એન્જિન થોડો વખત બિલકુલ બંધ રાખવામાં આવે તે પાણી ઊભરાઈ ન જાય.

આનો ખુલાસો વાડિયાએ એવો આપલો કે, “એન્જિનની હાલની સ્થિતિ જોતાં તેની ગતિ વચમાં વચમાં ધીમી કરવાનું શક્ય નથી અને શહેરને ઓછું પાણી પૂરું પાડવામાં આવે છે તે વખતે વપરાશના પ્રમાણમાં જ પાણી પમ્પ કરવાનું ગોઠવવું એ પણ શક્ય નથી.”

એક વખત પાંચકુવા દરવાજા બહાર સાકર બજારમાં આગ લાગેલી ત્યારે પણ આ ઇજનેરે ભળતા જ વાલ્વ ખોલી નાખી પાણીનો ભારે બગાડ કરેલો. તે બાબતમાં મ્યુનિસિપલ કમિશનરે એને તાકીદ આપેલી. એ તાકીદનો કાગળ એણે ગુમ કર્યો અથવા જાણી જોઈને એનો નાશ કર્યો એવી હકીકત સરદારે બોર્ડમાં સવાલો પૂછીને બહાર આણી.

આ ઇજનેરની નાલાયકીના આટલા દાખલા બહાર પાડીને આ ઈજનેરનો કેસ સરદાર જનરલ બોર્ડમાં લાવ્યા અને તા. ૧૯-૫-’૧૯ની મીટિંગમાં ઠરાવ રજૂ કર્યો કે, વાડિયા ઈજનેરને એકદમ સસ્પેન્ડ કરવો, મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવી કે શા માટે તેને બરતરફ ન કરવો જોઈએ એનો તેની પાસેથી એ ખુલાસો માગે અને પંદર દિવસની અંદર એ ખુલાસો સૅનિટરી કમિટીના રિપોર્ટ સાથે બોર્ડ આગળ રજૂ કરવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરને એવી વિનંતી પણ કરવી કે વૉટરવર્ક્સને લાયકાતવાળા ઈજનેરના ચાર્જમાં મૂકવાની તાબડતોબ તજવીજ કરે.

આ ઈજનેરની સામેનો કેસ આટલો સ્પષ્ટ હતો અને એની બેદરકારી તથા આડાઈને લીધે મ્યુનિસિપાલિટીને તથા શહેરને ભારે નુકસાન થતું હતું તેના ચોક્કસ પુરાવા બોર્ડ આગળ રજૂ થઈ ચૂક્યા હતા છતાં “એને ખુલાસો માગવો”, “એના ઉપર અધિકારીના રિપોર્ટ માગવા” એવા એવા સુધારા લાવીને વાતને ઢીલમાં નાખવાના પ્રયત્નો કેટલાક કાઉન્સિલરોએ કર્યા પણ છેવટે સરદારનો ઠરાવ બહુમતીથી પસાર થયો. પેલાની નાલાયકી વિષે કોઈના પણ મનમાં જરાયે વસવસો રહે એમ નહોતું છતાં સરદારે પુષ્કળ સવાલો પૂછી પૂછીને બોર્ડ આગળ પૂરતી વિગતો રજૂ કરાવ્યા પછી જ અને આ શાસ્ત્રીય વિષય ગણાતો હોઈ તેના ઉપર નિષ્ણાતોનું સમર્થન મેળવ્યા પછી જ પોતાનો ઠરાવ આણ્યો એ લોકશાહી ઢબે કામ કરવાની તેમની કુનેહ બતાવે છે.

મ્યુનિસિપાલિટીની સાફસૂફીમાં એક મહત્ત્વનું નોંધવા જેવું પ્રકરણ કૅમ્પ વિસ્તારને પાણી પૂરું પાડવા બાબતનું છે. ત્યાં લશ્કરી છાવણી હતી અને મોટે ભાગે તો મોટા સરકારી અમલદારો, તેમાંયે મુખ્યત્વે ગોરા અમલદારો રહેતા. એ વિસ્તારમાં મ્યુનિસિપાલિટીના વૉટરવર્ક્સમાંથી પાણી આપવામાં આવતું. પણ એ પાણીના દર શહેરના કરતાં બહુ જ ઓછા હતા. સૅનિટરી કમિટી મારફત જનરલ બોર્ડમાં સરદાર ઠરાવ લાવ્યા કે, કૅમ્પના સત્તાવાળાઓને જણાવી દેવું કે તેમની પાસેથી પ્રારંભિક ખર્ચ અને ચાલુ ખર્ચ શહેરના વરાડે લેવામાં આવશે. કૅમ્પવાળાની દલીલ એ હતી કે ઠરાવેલા દરથી અમને પાણી પૂરું પાડવાને મ્યુનિસિપાલિટી કરારથી બંધાયેલી છે. આ પ્રકરણ બહુ લાંબું ચાલ્યું અને વચમાં તો મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ થયેલી રહી. એટલે આ પ્રશ્નનો નિકાલ ફરી પાછા ૧૯૨૪માં સરદાર મ્યુનિસિપાલિટીમાં દાખલ થયા ત્યારે આવ્યો. એની બધી વિગતો તે વખતના મ્યુનિસિપલ પ્રકરણમાં આપી છે.

આવું જ લંબાયેલું એક પ્રકરણ વૉટરવર્ક્સ માટેના એન્જિનની ખરીદીનું હતું. વૉટરવર્ક્સ માટે એન્જિનની જરૂર હતી એ વાત ખરી, પણ કેવા પ્રકારનું અને કેટલા હૉર્સ પાવરનું એન્જિન જોઈએ એ વિષે મ્યુનિસિપાલિટીના અમલદારોને, સૅનિટરી કમિટીને કે જનરલ બોર્ડને કશું પૂછ્યાગાછ્યા વિના સરકારે પોતાના ઈજનેરોના જ અભિપ્રાયો લઈને એન્જિનનો ઓર્ડર આપી દીધો. સરદારે જોયું કે અમદાવાદના વૉટરવર્ક્સને જોઈએ તે કરતાં એ એન્જિન ઘણું વધારે મોટું છે એટલે એમણે સરકારને લખ્યું કે તમે ઓર્ડર રદ કરાવો, નહીં તો અમે એ એન્જિન લેવાના નથી. એ સવાલનો નિકાલ પણ ૧૯૨૪ પછી સરદાર જયારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે આવેલો. છેવટે એ એન્જિન તેની કિંમત અને બધું ખર્ચ આપીને સરકારને જ લેવું પડેલું.