સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/બૅરિસ્ટરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિલાયતમાં સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
બૅરિસ્ટરી
નરહરિ પરીખ
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી →


.


બૅરિસ્ટરી

સને ૧૯૧૩ના ફેબ્રુઆરીની ૧૩મી ને ગુરુવારે સરદાર હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ઊતર્યા. બીજે જ દિવસે તેમને અમદાવાદ પહોંચવું હતું. એટલે આવ્યા તે જ દિવસે, મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સર બેસિલ સ્કૉટ ઉપર ચિઠ્ઠી લાવ્યા હતા તે લઈને તેમને મળવા ગયા. સર બેસિલે તેમનું બહુ સારી રીતે સ્વાગત કર્યું અને મુંબઈ રહેવાના હો તો પોતે મદદ કરશે એમ જણાવ્યું. ચિઠ્ઠીમાં પેલા ભાઈએ જણાવ્યું હતું કે આવા માણસને ન્યાય ખાતામાં ઊંચી જગ્યા આપવી જોઈએ. સરદારને નોકરી તો જોઈતી જ ન હતી. અને મુંબઈ રહે તો ત્યાં પ્રેકિટસ જામતાં થોડાં વર્ષ લાગે. ખૂબ મોટું ખર્ચ તો કરી ચૂક્યા હતા તે કારણે પણ એટલી રાહ જોવાની પોતાની આર્થિક સ્થિતિ નથી એમ જણાવ્યું. પેલાએ ગવર્નમેન્ટ લૉ સ્કૂલ (તે વખતે એલએલ. બી.નો અભ્યાસ કરનારાઓને સાંજે સાડાપાંચથી સાડાછ એક જ કલાક ભરવો પડતો એટલે એ કૉલેજ નહીં પણ સ્કૂલ કહેવાતી)માં પ્રોફેસરની જગા અપાવી શકીશ એમ કહ્યું. પણ સરદારને એથી સંતોષ થાય એમ નહોતું. એટલે આભાર માની દિલગીરી દર્શાવી. અમદાવાદમાં પ્રેક્ટિસ મળવાની ખાતરી હતી, બલ્કે કેસો એમની રાહ જોતા હતા. મુંબઈના વકીલ મંડળમાં ઝળકવાની મહત્ત્વાકાંક્ષા નહીં હોય અને અમદાવાદમાં રહે તો લોકોની કાંઈ સેવા કરી શકાશે એવી પણ ઈચ્છા તે વખતે ઊંડે ઊંડે હોય. કોઈ પણ કારણે તેઓ મુંબઈ ન રહ્યા અને અમદાવાદ આવ્યા એમાં ભારતભાગ્યવિધાતાનો હાથ હોવો જ જોઈએ. બે વર્ષ પછી જ ગાંધીજી હિંદુસ્તાનમાં આવીને અમદાવાદમાં વસવાટ કરવાના હતા. સરદાર અમદાવાદમાં હતા તેથી જ ગાંધીજી સાથે એમનો યોગ થયો એમ સાધારણ માનવી બુદ્ધિએ આપણને લાગે.

સરદારને માટે અમદાવાદ આવી જલદી પૈસા કમાવા માંડવાનું બીજું પણ એક કારણ હતું. તેઓ વિલાયતમાં હતા ત્યારે જ વિઠ્ઠલભાઈ જાહેર જીવનમાં પડી ચૂક્યા હતા અને ઉત્તર વિભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ તરફથી મુંબઈની ધારાસભામાં મેમ્બર થયા હતા. વકીલાતનું કામ અને લોકસેવાનું કામ એકી સાથે ન થઈ શકે એટલે વિઠ્ઠલભાઈ એ ધારાસભાના કામમાં પોતાનો બધો વખત આપ્યો અને સરદારે પ્રેક્ટિસ કરી વિઠ્ઠલભાઈનું ખર્ચ પણ ઉપાડી લેવું એમ બે ભાઈઓએ નક્કી કર્યું હતું. સરદારના અગાઉ ટાંકેલા મોડાસાના સને ૧૯૨૧ના ભાષણમાં તેમણે કહ્યું છે :

“સ્વતંત્રતા જોઈતી હોય તો આ દેશમાં સંન્યાસી જોઈએ, સ્વાર્થત્યાગ કરી સેવા કરવી જોઈએ. માટે અમે બન્નેએ નિશ્ચય કર્યો કે બેમાંથી એકે દેશસેવા કરવી અને બીજાએ કુટુંબસેવા કરવી. ત્યારથી મારા ભાઈએ પોતાનો ધીકતો ધંધો છોડી દેશસેવાનું કાર્ય કરવા માંડ્યું અને ઘર ચલાવવાનું મારે માથે પડ્યું. આથી પુણ્યકામ તેમને નસીબે આવી પડ્યું અને મારે માથે પાપનું કામ આવી પડ્યું. પણ તેમના પુણ્યમાં મારો હિસ્સો છે એમ સમજી મન વાળતો.”

બીજે દિવસે સરદાર અમદાવાદ આવ્યા. લાલ દરવાજા પાસે આવેલી કામાની હોટેલમાં ઊતરીને તરત એક કેસને અંગે પંચમહાલ જવા ઊપડ્યા. ત્યાંથી પાછા આવ્યા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે એક મકાન ભાડે રાખ્યું. એ મકાનમાં આઠેક મહિના રહ્યા હશે. બાદ ભદ્રમાં દાદાસાહેબ માવળંકરના કાકાના બંગલામાં રહેવા ગયા. મુંબઈથી ખાસ મંગાવેલા ફૅશનેબલ ફર્નિચરથી પોતાની ઑફિસ સજાવી અને ઠાઠથી રહેવા લાગ્યા. ફર્નિચરની પસંદગી કરવામાં સરદારની સુરુચિનાં વખાણ કરતાં શેઠ કસ્તૂરભાઈ ઘણી વાર કહેતા કે સરદારની ઑફિસના જેવું ફર્નિચર મેં અમદાવાદમાં બીજી કોઈ ઑફિસમાં જોયું નથી. ફર્નિચર ઝાઝું નહોતું, પણ સાદું, ઊંચા પ્રકારનું અને સુંદર હતું. તે વખતનું એમનું શબ્દચિત્ર દાદાસાહેબ માવળંકર સરદારની સિત્તેરમી જયંતી ઉપર લખેલા એક લેખમાં નીચે પ્રમાણે આપે છે :

“ફાંફડો જુવાન, છેક છેલ્લી ઢબના કટવાળાં કોટપાટલૂન પહેરેલાં, ઊંચામાં ઊંચી જાતની બનાતની હૅટ માથા ઉપર કંઈક વાંકી મૂકેલી, સામા માણસને જોતાં જ માપી લેતી તેજસ્વી આંખો, બહુ ઓછું બોલવાની ટેવ; મોઢું સહેજ મલકાવીને મળવા આવનારનું સ્વાગત કરે પણ તેની સાથે ઝાઝી વાતચીતમાં ન ઊતરે; મુખમુદ્રા દૃઢતાસૂચક અને ગંભીર; કાંઈક પોતાની શ્રેષ્ઠતાના ભાન સાથે દુનિયાને નિહાળતી તીણી નજર; જ્યારે પણ બોલે ત્યારે એના શબ્દોમાં આત્મવિશ્વાસથી અને પ્રભાવથી ભરેલી દૃઢતા; દેખાવ કડક અને સામા માણસને પોતાની આમન્યા રાખવાની ફરજ પાડે એવો — આવા આ નવા બૅરિસ્ટર અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા. તે વખતે અમદાવાદમાં છ સાત બૅરિસ્ટર હતા. તેમાં વધારે પ્રૅક્ટિસવાળા તો બે કે ત્રણ જ હતા. સ્વાભાવિક રીતે જ નવા અને જુવાનિયા વકીલોનું આ નવજવાન બૅરિસ્ટર પ્રત્યે ધ્યાન ખેંચાયું. એમના વ્યક્તિત્વમાં અને વર્તનમાં જ અમુક વિશિષ્ટતા હતી. કાંઈક આકર્ષણ, કાંઈક માન, કાંઈક અંજાઈ જવું, અને બીજા પ્રત્યે તેઓ જે રીતે જોતા તેને લીધે કદાચ કાંઈક રોષ પણ — એવી મિશ્ર લાગણીઓથી વકીલમંડળમાં તેમનો સત્કાર થયો.”

વકીલ તરીકેની તેમની કુશળતા વિષે દાદાસાહેબ એ જ લેખમાં કહે છે :

“તેમની પ્રેક્ટિસ મોટે ભાગે ફોજદારી બાજુની હતી. સાક્ષીઓની તેમની ઊલટતપાસ ટૂંકી પણ મુદ્દાસરની રહેતી. જોતાંવેંત જ સાક્ષી કેવા પ્રકારનો છે તે તેઓ કળી જતા અને ઊલટતપાસમાં તે રીતે પોતાનો મારો ચલાવતા. કેસ ચલાવવાની તેમની ઢબમાં જ દેખાઈ આવતું કે કેસની વિગતો ઉપર તેમનો પૂરો કાબૂ છે. સામો પક્ષ કયા કયા મુદ્દા ઉપર પોતાના કેસનો મદાર રાખે છે અને કઈ લાઈન ઉપર પોતાનો કેસ રજૂ કરવાનો છે તેનો ચોક્કસ અંદાજ તેમની પાસે રહેતો અને એ બધું જાણીને કેવી રીતે બચાવનો પોતાનો કેસ ૨જૂ કરવો તથા કઈ રીતે સામા પક્ષ ઉપર હુમલો કરવો તેની પાકી રીતે વિચારી લીધેલી યોજના પણ તેમની પાસે હોતી. પણ આ બધામાં સૌનું એકદમ ધ્યાન ખેંચે એવો તેમનો મોટો ગુણ તો એ હતો કે કોર્ટ સાથે તેમનો વ્યવહાર સંપૂર્ણ નીડરપણાનો રહેતો. તે ગુણે જ આખા વકીલમંડળમાં તેમને આદરપાત્ર બનાવ્યા હતા. જજને સભ્યતાની મર્યાદા બહાર તસુભાર પણ કદી તેઓ ચસવા દેતા નહીં, તેમ અન્યાયી અથવા ગેરવાજબી રીતે કોર્ટ ફરિયાદ પક્ષ અથવા પોલીસ પ્રત્યે જરા પણ ઢળવા જાય તો તે પણ સાંખી લેતા નહીં. એમને હંમેશાં બચાવ પક્ષ તરફથી જ હાજર થવાનું રહેતું. એમને બૅરિસ્ટર તરીકે રોકીને એમના અસીલને નચિંતતા રહેતી. તેઓ કોર્ટને તથા ફરિયાદ પક્ષને વાજબી મર્યાદામાં રાખતા. કદી તેઓ જજને, ફરિયાદ પક્ષને અથવા તો પોલીસને એની વાત અથવા વલણ જરા પણ ગેરવાજબી હોય તો છટકવા દેતા નહીં અને જેવું હોય તેવું તડ અને ફડ કહી દેતા. ૧૯૧૩–’૧૪માં આ જાતનું વલણ રાખવામાં કેટલી વીશીએ સો થતી તેનો ખ્યાલ આજના જુવાન વકીલોને આવવો મુશ્કેલ છે. આજે તો અમલદારો પ્રત્યે આદર અને સભ્યતાના ખ્યાલો વિષે લોકોમાં તેમ જ વકીલોમાં બહુ ભારે પરિવર્તન થઈ ગયું છે. તે વખતે સભ્યતા અને આદર રાખવો એટલે ખુશામત કરવી અને નમતા રહેવું એમ જ મનાતું. સરદાર તે વખતે પણ આવી વસ્તુઓથી પર હતા અને કોઈ જજના તોરીપણાની અથવા તરંગીપણાની ટીકા કરવાથી અથવા તો ઉઘાડી પાડવાથી એ જજ આગળની પોતાની પ્રૅક્ટિસને ધોકો પહોંચશે એવા ડરથી એ વસ્તુ તેઓ નિભાવી લેતા નહીંં. તેથી લોકોના તેમ જ વકીલોના સ્વમાનના તેઓ ભારે રક્ષક બની રહેતા.”

કોર્ટ સાથે તેઓ કેવી રીતે લડતા તેનો એક દાખલો દાદાસાહેબ એ જ લેખમાં આપે છે:

“સરકારી અમલદારો ખેડા જિલ્લાને બહુ ગુનાખોર અને તોફાની જિલ્લો ગણતા. તે વખતે ખેડા જિલ્લાની સેશન્સ કોર્ટ અમદાવાદમાં હતી.
એટલે ખેડા જિલ્લાના ભારે ફોજદારી કેસો ત્યાં આવતા. સેશન્સ કોર્ટ અમદાવાદમાં હોઈ જ્યૂરી અમદાવાદના ગૃહસ્થોની બનતી, પણ ખેડા જિલ્લાના આરોપીઓને તેમના કેસ જ્યૂરી મારફત ચલાવવાનો હક આપવામાં આવ્યો ન હતો. એક ખૂનના આરોપમાં બે ભાઈઓ સામે પ્રથમ દર્શની પુરાવો લગભગ નહીં જેવો હોવા છતાં, એમનો કેસ સેશન્સ કમિટ કરવામાં આવ્યો હતો અને સેશન્સ જજે આરોપીઓની જામીન ઉપર છોડવાની અરજી નામંજૂર કરી હતી. આરોપી તરફથી તરત સરદારને રોકવામાં આવ્યા. કેસના આરંભમાં જ આરોપીઓને જામીન ઉપર છોડવા માટે તેમણે ફરી અરજી કરી અને એ અરજીના સમર્થનમાં દલીલ કરતાં સેશન્સ જજ ઉપર જ આક્રમણ કર્યું. ‘આરોપીઓની જામીનઅરજી શા માટે નામંજૂર કરવામાં આવી ? કારણ પોલીસ તરફથી તેમની રોજની દલીલ કરવામાં આવી કે આરોપીઓ છૂટા હશે તો ફરિયાદ પક્ષના પુરાવામાં ગોલમાલ કરશે; અને આ કેસ ખેડા જિલ્લાનો હોઈને આરોપીઓને ભયાનક માણસો ગણવા જોઈએ. મારે બહુ દિલગીરી સાથે કહેવું પડે છે કે આ કોર્ટમાં ખેડાના કોઈ પણ આરોપીનો વાજબી રીતે ઇન્સાફ તોળાતો નથી. તેની સામે થોડો કાંઈક પુરાવો મળી જાય તો એવા અપૂરતા પુરાવા ઉપર પણ તેને સજા થાય છે, કારણ આરોપી ખેડા જિલ્લાનો છે એટલે એણે પુરાવામાં ગોલમાલ કરી જ હોવી જોઈએ. આ અહીંનો ન્યાય છે ! પુરાવા બરાબર હોય કે ન હોય, ખેડા જિલ્લો ગુનાખોર છે માટે આરોપીને સજા કરવી જ જોઈએ. આ કોર્ટ પણ આ ધોરણ પકડીને જ ચાલે છે એવું દેખાય છે. જો આમ ન હોય તો હું સમજી શકતો નથી કે આવા કેસમાં, જ્યાં આરોપીની સામે પ્રથમ દર્શની પુરાવો જરા પણ નથી ત્યાં કોર્ટે શા માટે એની જામીનઅરજી નામંજૂર કરવી જોઈએ ?’
“સરદાર કેસ ચલાવતા હોય ત્યારે ઘણા વકીલો જોવા બેસતા. એટલે કોર્ટ વકીલોથી ઠઠ ભરાયેલી હતી, ત્યાં સરદારે આ શબ્દો ઉચ્ચાર્યા. પોતાની ઉપરનો સીધો આક્ષેપ સાંભળી જજ પણ સ્તબ્ધ થઈ ગયો. બચાવ પક્ષના બૅરિસ્ટરે પોતાની ઉપર કરેલા આક્ષેપની સત્યતાનું ભાન પણ એના દિલમાં હશે. એણે કહ્યું: ‘મિ. પટેલ, તમે કાંઈક ઉશ્કેરાઈ જઈ ને કોર્ટની સામે આવો ગંભીર આક્ષેપ કરતા લાગો છો. હમણાં આપણે કોર્ટ મુલતવી રાખીએ છીએ. અડધા કલાક પછી મળીશું.’
“જજ ચેમ્બરમાં ગયા અને થોડા જ વખત ઉપર નામંજૂર કરેલી જામીનઅરજી તરત મંજૂર કરી. કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા.”

હવે એમની ઊલટતપાસના એક બે નમૂના આપું. નીચેની વાત તો એમની ઊલટતપાસનો ભોગ થઈ પડેલા એક મુખીએ જ મને કહી છે.

એક બારૈયાનું ખૂન તેના પોતાના જ ઘરમાં થયેલું. જુદા જુદા ગામના બે બારૈયાઓ ઉપર પોલીસે ખૂનનો આરોપ મૂકી કેસ કરેલો અને આ પોલીસપટેલ સાક્ષીમાં ગયેલા. એક બારૈયાએ સરદારને રોકેલા.

.

બૅરિસ્ટર ભાઈઓ

સર૦ — (પેલા પોલીસપટેલને) તમારા પ્રથમ રિપોર્ટમાં ખૂનીનાં જે નામ લખેલાં છે તે છેકી નાખીને કેમ બદલ્યાં છે ?

પટેલ — મરનારના બાપે પહેલી વાર બે નામ આપ્યાં. પણ ત્યાર પછી તેની સ્ત્રીએ આ બીજાં બે નામ આપ્યાં. એટલે મેં બદલ્યાં.

સર૦ — તમે નામ બદલવાના કેટલા રૂપિયા લીધા છે ?

પટેલ — મેં કાંઈ લીધું નથી.

સર૦ — વાહ, ધરમરાજાના અવતાર લાગો છો. પણ હું તમને પોલીસપટેલોને ઓળખું છું. તમારા લોકો તો ખૂન કરાવે, દેવતા મુકાવે, જાસા કરાવે, ચોરીઓ કરાવે, અને ચોરીનો માલ પણ રાખે. માટે ભગવાનને માથે રાખી જુબાની આપો છો તો સાચું બોલો. નહીં તો સવાલો પૂછીને તમારાં બધાં પોકળ મારે ખોલાવવાં પડશે.

પેલો મુખી તો ડઘાઈ જ ગયો અને બધું ઘણુંયે તૈયાર થઈને આવ્યો હશે પણ જુબાનીમાં સાવ તૂટી ગયો. પેલા બંને આરોપીઓ છૂટી ગયા.

તે અરસામાં ઉમરેઠ ગામમાં ખોટા દસ્તાવેજો બનાવવાનો વાયરો વાયેલો. એ દસ્તાવેજોના જોર ઉપર કેટલાયે માણસો ઉપર ખોટા દાવા થયેલા. કોઈના ઉપર અદાવત હોય તો તેની સામે ખોટો દસ્તાવેજ ઊભો કરી દાવો માંડવામાં આવતો અને તેને હેરાન કરવામાં આવતો. એના કેસો છેક હાઈકોર્ટ સુધી પહોંચેલા અને જ્યાં દસ્તાવેજના ખોટાપણાની ખાતરી થઈ ત્યાં હાઈકોર્ટ જજોએ સખત ટીકા કરેલી અને એવા દસ્તાવેજ રજૂ કરનાર ઉપર ફોજદારી કેસ ચલાવવાના હુકમો કાઢેલા. છેવટે તપાસ કરી ગુનેગારોને પકડવા માટે એક ખાસ પોલીસ અમલદાર નીમવામાં આવ્યો. તેણે એક ખોટા દસ્તાવેજ બનાવનારને ‘એપ્રૂવર’ (જે પોતાના ગુના કબૂલ કરે છે અને ગુનામાં સંડોવાયેલા બધાનાં નામ આપે છે અને તે બદલ એને સરકાર તરફથી માફી બક્ષવામાં આવે છે.) બનાવ્યો. એને પરિણામે ખોટા દસ્તાવેજ બનાવવાના આરોપના ખોટા ખરા સંખ્યાબંધ કેસો ઊભા થયા. એ બધા કેસો ચલાવવા સરકારે એક ખાસ વકીલ નીમ્યો. આમાંના ઘણા કેસોમાં આરોપી તરફથી પોતાના બચાવ માટે સરદારને રોકવામાં આવતા.

એક સાક્ષીની સરદારે ઊલટતપાસ કરવા માંડી. તેને પૂછ્યું : “તમે શરાફ છો ?” પેલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે ફરી પૂછ્યું : “તમે શરાફ છો ?” જવાબ ન મળ્યો એટલે ત્રીજી વાર પૂછ્યું : “તમે શરાફ છો ?” પેલો કંઈ ન બોલ્યો એટલે સરદારે કહ્યું : “જે હો તો કહી દો ને ? હું તો તમને ઓળખું છું કે, ‘સત્તરપંચા પંચાણુ, તેમાંથી પાંચ મૂક્યા છૂટના, લાવ નેવુ.’ એ ધંધો કરનારા તમે છો. પણ અહીં લાલચટક પાઘડી અને કડકડતું અંગરખું અને ખેસ ઓઢીને આવ્યા છો એટલે મેં જાણ્યું કે શરાફી પેઢી કાઢી હશે.” પેલો સાક્ષી ધીરધારનો ધંધો કરતો પણ શરાફ કહી શકાય એવી તેની પેઢી નહોતી. આ હુમલાથી તે ગભરાઈ ગયો અને જુબાનીમાં ટકી શક્યો નહીં.

આ કેસોમાં સરદાર ઘણા આરોપીઓને છોડાવી શક્યા હતા. એક કેસમાં સરદારની સાથે વકીલ તરીકે દાદાસાહેબ માવળંકર હતા. ફરિયાદ પક્ષને પોતાનો આ કેસ મજબૂત લાગતો હતો પણ તે આખો ભાંગીને ભુક્કો થઈ ગયો. પેલા ફરિયાદી વકીલે બિચારાએ ઍસેસરો આગળ કહ્યું: “બુદ્ધિમાન અને હોશિયાર માવળંકર વકીલની મહેનતનો અને વલ્લભભાઈ જેવા વિચક્ષણ બૅરિસ્ટરના બચાવનો લાભ આરોપીને મળે પછી અમારું શું ચાલે ?”

તે વખતે મહાદેવભાઈ અને હું તદ્દન નવા વકીલો હતા અને ખાસ રસ પડે એવા કેસો હોય ત્યારે સેશન્સ કોર્ટમાં સાંભળવા બેસતા. કેટલાક વકીલોનાં અમે નામ પાડ્યાં હતાં. સરકારી વકીલ શ્રી મણિલાલ ભગુભાઈ બહુ રૂઆબદાર અને મિજાજી હતા અને સામા પક્ષ ઉપર એવા તડૂકતા કે એ વકીલ કાચો પોચો હોય તો દબાઈ જ જાય. એમને અમે વાઘ કહેતા. એક ત્રંબકરાય મજમુદાર બૅરિસ્ટર વયોવૃદ્ધ હતા અને બહુ થોડા કેસોમાં આવતા પણ જ્યારે આવતા ત્યારે મોટી ગર્જનાઓ કરી કોર્ટને ગજાવતા. આ એ જ મજમુદાર બૅરિસ્ટર જે ગાંધીજી બૅરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે એમની સાથે સ્ટીમરમાં હતા અને વિલાયતમાં જેમણે ગાંધીજીને “તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.” એમ કહીને પડતા બચાવ્યા હતા. આ વાત તે દિવસે કાંઈ અમે જાણતા નહીં પણ એમની આકૃતિ અને એમની ગર્જનાને લીધે અમે એમને સિંહ કહેતા. એક દિવસ મેં મહાદેવને કહ્યું: ‘આ વલ્લભભાઈ બૅરિસ્ટર પણ સિંહ જ છે.’ મહાદેવ કહે: ‘છે ખરા, પણ એ હજી નાનો સિંહ છે. સિંહનું બચ્યું છે. આપણે એમને સિંહશાવક કહીશું.’ પુરુષસિંહ તરીકે આખા દેશમાં એ પછીથી જાણીતા થવાના હતા પણ સિંહનું બચ્ચું મોટા હાથી ઉપર કૂદીને ચઢી જાય અને તેના ગંડસ્થળને ચીરી નાખે તેમ તે વખતનુ આ સિંહશાવક પણ મોટા જબરા વકીલોને અને જજોને ભારે પડતું.

હું કોઈ કોઈ વાર આ મજમુદાર બૅરિસ્ટરને ઘેર જતો. વાતવાતમાં એક વાર તેમણે કહેલું મને બરાબર યાદ રહી ગયું છે કે, “વલ્લભભાઈના જેવી સારી રીતે કેસ ચલાવનાર બીજા કોઈ બૅરિસ્ટરને મેં જોયો નથી.” સરદારમાં કેસના મૂળ મુદ્દાને તારવીને પકડી લેવાની અને અવાંતર બીનાઓને બાજુએ કાઢી નાખી પોતાનો કેસ રજૂ કરવાની શક્તિ અજબ હતી. સાક્ષીઓને પણ એટલા મુદ્દાસર સવાલ પૂછતા કે તેમની ઊલટતપાસ બહુ ટૂંકી પણ સાક્ષીને તોડી જમીનદોસ્ત કરી નાખે એવી થતી. કોર્ટની આગળ દલીલો પણ બહુ જ મુદ્દાસર અને ચોટડૂક કરતા. તેથી કેસ ચલાવતાં બીજા વકીલોને, પ્રસ્તુત વસ્તુઓ ઉપર આવો અથવા પ્રસ્તુતને જ વળગી રહો એમ કહી કોર્ટે ટોકવા અથવા રોકવા પડે છે એવું તેમને વિષે કદી બનતું નહીં. કેસ ચલાવવામાં બીજા વકીલો કરતાં તેઓ અડધો વખત પણ લેતા નહીં અને છતાં કામ આબાદ કરતા.

વળી બહુ કેસો મેળવવાની પણ સરદાર પરવા કરતા નહોતા. તે વખતે અમદાવાદમાં બૅરિસ્ટરોની ફીના જે દર હતા તે કરતાં સરદારે પોતાની ફીનો દર ઊંચો રાખ્યો હતો. મુંબઈમાં વિઠ્ઠલભાઈનું ખર્ચ, અમદાવાદમાં પોતાના ઘરનું ખર્ચ તથા કુટુંબને કાંઈ મદદ કરવાની હોય તે, એ બધું દસ બાર દિવસના કામમાંથી જ તેઓ કમાઈ લેતા. કોર્ટના કામ પછી ગુજરાત ક્લબમાં જતા અને ત્યાં બ્રિજ રમતા. બૅરિસ્ટર શ્રી ચિમનલાલ ઠાકોર સાથે એમને બહુ દોસ્તી થઈ ગઈ હતી અને બ્રિજમાં ઘણુંખરું એ બે ભેરુ થતા. બ્રિજ રમવામાં એમની હોશિયારીની વાત ક્લબમાં થોડા જ વખતમાં જાણીતી થઈ ગઈ. શ્રી વાડિયા નામના એક જૂના બૅરિસ્ટરે ગુજરાત ક્લબમાં બ્રિજની રમત દાખલ કરાવરાવેલી અને પોતે બ્રિજ રમવામાં એક્કા છે એવો એમને ફાંકો હતો. એવો જ ફાંકો રાખનાર એક શ્રી બ્રોકર નામના વકીલ હતા. એ બે જણે સરદાર અને એમના ભેરુ શ્રી ચિમનલાલ ઠાકોરને હરાવવાનો વિચાર કરી શરત બકીને બ્રિજ રમવાનું તેમને કહેણ આપ્યું. સરદારે કહ્યું કે પૉઈન્ટનો આનો બે આનાની શરત બકી આપણે રમવું નથી. રમવું હોય તો પાંચ પાઉંડના સો પૉઈન્ટ એવી શરત બકીએ. વાડિયા બૅરિસ્ટર અને બ્રોકર વકીલને તો ભારે ખુમારી હતી કે આપણે જ જીતવાના છીએ એટલે એ લોકો કબૂલ થયા. પણ પહેલે જ દિવસે પંદર કે વીસ પાઉંડ હાર્યા. તોયે બીજે દિવસે રમ્યા અને બીજે દિવસે પચીસ કે ત્રીસ પાઉંડ હાર્યા. ક્લબમાં તો હાહાકાર થઈ ગયો. કેટલાક વકીલો તો આવી મોટી શરત બકીને રમવાની ક્લબમાં બંધી કરવી જોઈએ એવો વિચાર પણ કરવા લાગ્યા. ત્રીજે દિવસે વાડિયાનાં પત્નીને ખબર પડી એટલે એ તો લગભગ ચાર વાગ્યાનાં ગાડી લઈને ક્લબને દરવાજે આવીને ઊભાં. કોર્ટમાંથી વાડિયા ક્લબમાં જવા જતા હતા તેવાં જ કહે: “ચાલો ઘેર, ક્લબમાં નથી જવું.” એમ આઠ દસ દિવસ સુધી કર્યું અને પછી સરદારને મળીને વિનંતી કરી કે કૃપા કરીને મારા ધણીને આવા છંદે ન ચઢાવશો. સરદાર આવી શરતો બકીને રમવાનું પસંદ નહોતા જ કરતા પણ પેલા ભાઈઓનું ગુમાન ઉતારવાની ખાતર જ શરત ઉપર રમવા તૈયાર થયા હતા.

આમ તો સરદારે ૧૯૧૯ની લગભગ આખર સુધી વકીલાત કરી ગણાય. પણ ૧૯૧૮ના માર્ચમાં ખેડા સત્યાગ્રહની લડતમાં ઝંપલાવીને ગાંધીજી સાથે નડિયાદ ગયા ત્યારથી જ વકીલાતમાં તેઓ લક્ષ આપી શકતા નહીં. લગભગ ચાર મહિના તો ખેડાની લડતને અંગે એ નડિયાદ રહ્યા. પછી પણ અમદાવાદમાં એમની સાર્વજનિક પ્રવૃત્તિઓ વધતી જ જતી હતી. ૧૯૧૯ના આરંભથી રોલૅટ સત્યાગ્રહની નોબતો વાગવા માંડી. તેને અંગે જે તોફાનો થયાં એમાં પ્રજાને સીધે રસ્તે દોરવામાં અને જે લોકો આફતમાં આવી પડ્યા હતા તેમને માટે રાહતની વ્યવસ્થા કરવામાં એમનો ઘણો વખત જતો. પછી નડિયાદ અને બારેજડી વચ્ચેના પાટા ઉખેડવાના આરોપીઓના કેસ ચલાવવા ખાસ અદાલત નિમાઈ. એના કેસો લગભગ ચારેક મહિના ચાલ્યા. તેમાં ઘણા આરોપીઓએ પોતાના બચાવ માટે સરદારને રોક્યા હતા. અદાલતમાંની વકીલાતનું એ એમનું છેલ્લું કામ. બાકી સ્વરાજ માટે પ્રજાની વકીલાત તો આપણને સ્વરાજય મળ્યું ત્યાં સુધી એમણે કરી જ છે. અને અત્યારે કાંટાળા તાજનો બોજો આપણા મોવડીઓને ઉઠાવવો પડ્યો છે તેમાં મુખ્ય ભાગ લઈને શરીરને ઘસવી રહ્યા છે એ આપણી નજર સામે છે.