વીરક્ષેત્રની સુંદરી
| વીરક્ષેત્રની સુંદરી ડો. રામજી (મરાઠી) |
વી ર ક્ષે ત્ર ની સું દ રી
કોટ, મુંબઈ
કિં. રૂ. ૧-૮-૦
આ વાર્તાના એક ભાગમાં ચંપા નામની એક નટીની
આત્મકથા છે. નાટકકાર તરીકે રંગભૂમિ પર નાચનારાઓ
કેવા પ્રકારનું જીવન ગુજારે છે તેનો રહસ્યમય પડદો
કોણે કોણે આત્મહત્યા કરી છે, તેમની રસિક અને રોમાંચક
વાર્તાસંગ્રહ સીનેમાની ફીલમ માફક વાંચવા મળે છે.
કિ. રૂ. ૫-૦-૦. ટ. ખ. રૂ. ૦ાા. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
સાસુન બિલ્ડિંગ એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ મુંબઈ
અથવા
ચપળા ચરિત્ર ચંદ્રિકા
વીરક્ષેત્રની સુંદરી
અનુવાદક :
ઠક્કુર નારાયણ વિસનજી
कामातुरणां न भयं न लज्जा
"स्त्रियश्चरित्रं पुरुशस्य भाग्यं
देवि न हानाति कुतो मनुष्य:?"
પ્રકાશકો:
“ગુજરાતી” પ્રેસના માલિકો
સાસુન બિલ્ડીંગ, એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઇ ૧
પુસ્તક મળવાનાં ઠેકાણાં:-
(૧) “ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, રીઝર્વ બેંકની પાછળ, બજારગેટ
સ્ટ્રીટ, સાસુન બિલ્ડિંગ, એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઇ ૧
(ર) આર. આર. શેઠની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, ર
(૩) એન. એમ. ત્રિપાઠીની કું., લી. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, ર
(૪) એન. એમ. ઠક્કરની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, ર
(૫) મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, ત્રણ દરવાજા, અમદાવાદ.
(આ પુસ્તક છાપવા-છપાવવાનો સર્વ હક્કો પ્રકાશકોને સ્વાધીન છે. )
મુદ્રક અને પ્રકાશક:– નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ.
મુદ્રણસ્થાન:– “ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ.
સાસુન બિલ્ડીંગ, રીઝર્વ બેંકની પાછળ, બજારગેટ સ્ટ્રીટને નાકે
પ્રસ્તાવના
પ્રસ્તુત ગ્રંથ જે મૂળ મરાઠી ગ્રંથનો અનુવાદ છે, તે ગ્રંથ મરાઠી ભાષામાં 'ડોકટર રામજીકૃત સ્ત્રીચરિત્ર'ના નામથી વિખ્યાત છે. તે ગ્રંથ રોયલ અષ્ટપત્રી આકારના ચાર ભાગોમાં વિભક્ત છે અને તે ચાર ભાગોની અનુક્રમે પૃષ્ઠ સંખ્યા ૨૧૮, ૨૩૦, ૧૫૩ અને ૨૮૮ ની છે એટલે કે ચારે ભાગની એકંદર પૃષ્ટ સંખ્યાનો સરવાળો ૮૮૯ નો થવા જાય છે. એ ચારે ભાગમાંના અમુક પૃષ્ઠો શિલા પ્રેસથી છપાયાં છે અને કેટલાંક પૃષ્ઠોના મુદ્રણમાં ટાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મરાઠી ભાષામાં આ ગ્રંથ એકવાર એટલો બધો લોકપ્રિય થએલો છે કે, તેમાં એની ચાર પાંચ અવૃત્તિઓ છપાઈ ગઈ છે અને તે બધી ખપી જવાથી આજે એ ગ્રંથ મળવો પણ અશક્ય થઇ પડ્યો છે. પ્રસ્તુત અનુવાદ ઈ. સ. ૧૮૯૫ માં છપાયેલી આવૃત્તિ પરથી કરાયલો છે, પણ આગળની આવૃત્તિઓ અને એ આવૃત્તિમાં બીજો કશો ફેરફાર નથી. અસ્તુ. હવે એ ગ્રંથની રચના કેવા પ્રકારની છે, તે આપણે જોઈએ.
સાધારણ 'સ્ત્રી ચરિત્ર' શબ્દથી કેટલાક લોકો એમ જ માની લે છે કે, એમાં તેની બીભત્સ કથાઓ જ અપાયલી હશે અને તેથી તે વાંચવા લાયક ન હોય એ સ્વાભાવિક છે; કદાચિત પુરુષો વાંચે તો ચિંતા નહિ, પણ કોમળ વયનાં બાળકો અને સ્ત્રીઓના હાથમાં તો એવાં સ્ત્રી ચરિત્રનાં પુસ્તકો ન જ જવાં જોઈએ. સારાંશ કે, વ્યભિચારના અર્થમાં જ તેઓ 'સ્ત્રી ચરિત્ર' શબ્દની યોજના કરે છે. પણ ખરી રીતે જોતાં આ તેમનો એક મહાભયંકર ભ્રમ છે. વાસ્તવિકતાથી જોતાં 'સ્ત્રી ચરિત્ર' શબ્દનો એટલો સંકુચિત અર્થ નથી, કિન્તુ એ સમાસાન્ત પદમાં અત્યંત વિશાળ અર્થનો સમાવેશ થએલો છે. પ્રસ્તુત ગ્રંથના મુખ પૃષ્ઠ પર જે સંસ્કૃત શ્લોકો આપવામાં આવ્યા છે,
તેમનો ભાવાર્થ એવો છે કે; “સ્ત્રીઓનાં ચરિત્ર અને પુરુષના ભાગ્યને દેવ પણ નથી જાણતો, તો પછી મનુષ્ય તે ક્યાંથી જ જાણી શકે ?” અને “સ્ત્રીનો આહાર (પુરુષ કરતાં) બમણો હોય છે, સ્ત્રીમાં લજ્જા પુરુષ કરતાં ચાર ગણી વિશેષ હોય છે, તેનું સાહસ છ ગણું વધારે છે અને સ્ત્રીનો કામવિકાર પુરુષ કરતાં આઠ ગણો વધારે હોય છે.”*[૧] તે જ પ્રમાણે જગતના આજ સુધીના ઇતિહાસથી એ પણ હવે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, ધર્મભાવનાનો અંશ પણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં બહુ જ વિશેષ રહેલો છે અને એને આપણા ગૃહસંસારમાં આપણને નિત્ય પ્રત્યક્ષ પરિચય પણ મળ્યા કરે છે, એટલે એ વિશે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. મથિતાર્થ એટલે જ કે, સ્ત્રી ચરિત્ર શબ્દમાં લજજા, સાહસ, કામવિકાર તેમજ ધર્મભાવના આદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે, અને તેટલા માટે જેમ કેટલીક સ્ત્રીઓના ચરિત્રમાં કામવાસના કિંવા વ્યભિચાર અગ્રતા ભોગવે છે તે જ પ્રમાણે કેટલીક સતી સ્ત્રીઓનાં ચરિત્રામાં ધર્મભાવના અને તદન્ત્ર્ગત શૈાર્યભાવના જ અગ્રભાગે વિરાજેલી દેખાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ કેવળ વ્યભિચારિણી વનિતાઓનાં વિકારમય ચરિત્રો જ કથાયલાં નથી, કિંતુ કેટલીક સદ્ધર્મચારિણી અને સતી સુંદરીઓનાં ચાતુર્યમય ચરિત્રનો પણ તેટલા જ પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં પણ વળી દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થએલાં સ્ત્રી પુરુષનાં જીવન અંતે કેવાં દુ:ખમય એને તિરસ્કારપાત્ર થઈ જાય છે તથા સચ્ચરિત્રશીલ સ્ત્રીપુરૂષો અંતે કેવી રીતે અગાધ આનંદસુખના ભોક્તા થાય છે, એ પણ સ્પષ્ટતાથી બતાવવામાં આવેલું હોવાથી વાચકોને પ્રત્યેક કથામાંથી અવશ્ય ઉત્તમ બોધની પ્રાપ્તિ થઈ શકે છે, એમાં લેશમાત્ર પણ સંશય નથી, છતાં કોઈ જે કેવળ ઉલટા અર્થને જ બાઝી પડે અને દુષ્ટ થવાની ચેષ્ટા કરે, તો તે તેની પોતાની જ કુપાત્રતા અને અધમતાનું પરિણામ છે; એ માટે કથા અથવા કથાકાર લેશ માત્ર પણ ઉત્તરદાતા નથી.
- ↑ * આ માપ પ્રાચીનોએ શી રીતે કાઢ્યું હશે, તે જાણવું મુશ્કેલ છે.
હવે અહીં જે એક વિશિષ્ટ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ છે કે, પ્રસ્તુત ગ્રંથમાં જે કથાઓ આપવામાં આવી છે તે સર્વ ગતાનુગતિક છે, ડોક્ટર રામજીની પોતાની કલ્પનાના પરિણામરૂપ છે કિંવા બીજા ગ્રંથોમાંથી લેવામાં આવી છે? એનું ઉત્તર એ જ આવે છે કે, આમાંની કથાઓ કેટલીક ગતાનુગતિક છે, કેટલીક અમુક પ્રકારના રુપાંતર સહિત અન્ય ગ્રન્થોમાંથી પણ લેવાયલી છે અને કેટલીક કદાચિત્ ડોક્ટર રામજીની પોતાની પણ હશે. જે કથાઓ બીજા ગ્રંથોમાંથી લેવાયલી છે, તેમાંની સામળભટ્ટની વિક્રમાદિત્ય*[૧] વિષયક કેટલીક કથાઓ તેમજ 'સહસ્ત્રરજની' (અરેબિયન નાઈટસ)માંની બેચાર કથાઓ તરત ઓળખાઈ આવે છે અને તેથી કલ્પના કરી શકાય છે કે, એ ઉપરાંત બીજા કથાગ્રંથોમાંની પણ કેટલીક કથાઓ એ ચાર ભાગમાં લેવામાં આવી હશે જ. માત્ર એ કથાઓને સ્વીકારી પોતાના ગ્રંથમાં તેમનો સમાવેશ કરતાં ડોકટર રામજીએ એટલી સંભાળ અવશ્ય રાખી છે કે, જે કથાઓમાં સ્ત્રી ચરિત્રના કોઈ એક તત્ત્વની મહત્તા જણાઈ આવતી હોય, તેવી જ કેટલીક કથાઓનો સ્વીકાર કર્યો છે. અર્થાત્ એથી ડોકટર રામજીના અનુભવ, વિશાળ વાંચન અને બહુશ્રુતત્વ આદિનો તો આપણને તત્કાળ સારો પરિચય મળી શકે છે. આમાંની ઘણીક વાર્તાઓ આજથી વીસ વર્ષ પહેલાં એક ભાવસાર મિત્રના મુખથી મેં પોતે પણ એક કે બીજા રૂપમાં સાંભળી હતી અને તેથી નિશ્ચય થયો કે, એ વાર્તાઓ હજી પણ લોકોના સ્મરણમાં અને મુખમાં રમી રહેલી છે. એટલે આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે તે યોગ્ય જ છે, એમ સુજ્ઞ વાચકો પણ જાણી શકશે જ.
સોમવાર |
}
|
અનુવાદક |
- ↑ * “વિક્રમાદિત્ય અને સ્ત્રી ચરિત્ર” એ નામનો અન્ય વિભાગ તૈયારથાય છે. વ્યવસ્થાપક “ગુજરાતી” પ્રેસ
પ્રકાશકનું નિવેદન
“રતિનાથની રંગભૂમિ અથવા ચપળા–ચરિત્ર ચન્દ્રિકા” નામનું વાર્તાનું પુસ્તક સ્વ. નારાયણ વિશનજી ઠક્કરે સને ૧૯૧૪ ની સાલમાં લખી આપેલું, પણ તે છાપવાનો પ્રસંગ છેક હજી હમણાં સને ૧૯૪૮ માં આવ્યો તે પણ વિધિનું એક વિધાન નથી તો બીજું શું છે? આ પુસ્તક તદ્દન સ્વતંત્ર કૃતિ નથી, પણ મરાઠી ભાષામાં લખાયલા ડા. રામજીકૃત “સ્ત્રી ચરિત્ર”નો સુધારો-વધારો અને કંઈક અંશે ફેરફાર કરેલો અનુવાદ છે. મૂળ મરાઠી ગ્રંથ ચાર ભાગમાં વિભક્ત છે. તેમાંથી કેટલા ભાગનો આ અનુવાદ છે તે, મૂળ ગ્રંથ હાલમાં અમારી પાસે નહિ હોવાથી અને અનુવાદક મહાશય નારાયણ ઠકકર સ્વર્ગવાસી થયેલા હોવાથી અમે જણાવી શકતા નથી. મૂળ ગ્રંથ વિશે અનુવાદકે પ્રસ્તાવનામાં સારી રીતે ખુલાસો કરેલો છે, અને શા હેતુથી તે લખાયલો છે તે દર્શાવ્યું છે, એટલે એમાં અમારે વિશેષ કશું ઉમેરવાનું નથી. માત્ર વ્યભિચાર વિશે મન્વાદિ સ્મૃતિ ગ્રંથોમાં શું કહેવાયલું છે તે અને પ્રાકૃત-ગુજરાતી ભાષામાં લોકપ્રિય કવિવર અમદાવાદના શામળભટ્ટે (હયાતિ વિ. સં. ૧૭૫૦ થી ૧૮૩૦ સુધી) પોતાના ગ્રંથોમાં શું કહ્યું છે, તેને લગતા છપ્પા ચુંટી અત્રે આપ્યા છે. તે ઉપરથી સુજ્ઞ વાચનારને ખ્યાલ આવી શકશે કે કયા કારણથી સ્ત્રી-પુરુષો ચારિત્ર્યભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થાય છે.
પુરુષનો પરનારી સાથેનો અને સ્ત્રીનો પારકા પુરુષ સાથેનો અયોગ્ય શારીરિક સંબંધ તે વ્યભિચાર કહેવાય છે, અને તે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ, લોકમર્યાદાની દૃષ્ટિએ અને રાજ્યની ન્યાય દૃષ્ટિએ નિંદાને યોગ્ય છે, અને એવા અવળે માર્ગે ચઢેલા સ્ત્રી-પુરુષો પરિણામે દુઃખી થાય છે; માટે તે રસ્તે ન જવા માટે અનુવાદકનો અને મૂળ મરાઠી લેખકનો લોકોને બોધ છે. કપટી, દંભી, ધૂતારાઓથી હમેશાં ચેતતા રહેવાની તેમાં પરોક્ષ રીત્યા શિખામણ રહેલી છે. શરીરની રચના અને વૈઘક દૃષ્ટિએ વિચાર કરતાં તથા સ્ત્રી-પુરુષોને વ્યભિચારથી થતા ભયંકર રોગોનો વિચાર કરતાં આ માર્ગ સર્વથા ત્યાજ્ય અને નિંદ્ય છે, એમાં તો કોઈને પણ વાંધો ઉઠાવવાનું કારણ નથી. પ્રીત, પ્રેમ, પ્યાર, મોહ, લુબ્ધતા, કામાતુરપણું, ઈશ્ક વગેરે શબ્દોના અર્થો અને શુદ્ધ દાંપત્ય ધાર્મિક પ્રેમ, એમાં ઘણો ભેદ છે, તેમજ અલંકાર શાસ્ત્રના તેમજ કામશાસ્ત્રના જાણકારો એ કયા અર્થમાં સ્વકીયા અને પરકીયા વગેરે નાયિકાના ભેદો દર્શાવ્યા છે તે વગેરે સમજ્યા વગર ઘણાઓ ફસાય છે; એટલા માટે સારા સંસ્કાર અને ધર્મજ્ઞાન-સદાચાર જ્ઞાનની અગત્ય આપણા ધર્મ શાસ્ત્રકારોએ માની છે તે ખોટી નથી. તેમાં પણ વિચાર કરી જોતાં જણાશે કે, વ્યભિચારથી પુરુષ કરતાં સ્ત્રીએ ઘણું દુ:ખ ભોગવવાનું હોય છે. કારણ કે પુરુષ તે સ્ત્રીને ફસાવી છુટી જાય, પણ સ્ત્રીથી તેમ બની શકતું નથી. પણ હાલમાં નવા જમાનામાં પસંદગી કરીને પ્રેમથી પરણેલી કેટલીક ભણેલી ગણાતી સ્ત્રીઓ, છુટાછેડાના કાયદાનો લાભ લઈ ધણી ઉપર ગમે તેવા આરોપ મુકી, ભરણ પોષણને નામે સારી રકમો ન્યાયાલયો દ્વારા કઢાવી, ગુપ્તરીતે એક પ્રકારનો વેશ્યાનો વ્યભિચારનો ધંધો માંડતી, અને બીજા ગૃહસ્થોને ફસાવતી પણ જોવામાં આવે છે. એટલા માટે વ્યભિચારના દોષથી લોકોએ દૂર રહેવું, એ આ અને આવાં અન્ય પુસ્તકોનો મુખ્ય સદ્દબોધ છે, અને હંસક્ષીરનીર ન્યાયે તે જ ગ્રહણ કરવા વિનંતિ છે. વ્યભિચારથી સમાજની બંધાયેલી વ્યવસ્થા તૂટે છે
અને મા બાપ તથા ધર્મશાસ્ત્રોની આજ્ઞા પાલનમાં શિથિલતા આવી સમાજ અધોગતિને માર્ગે ઘસડાય છે. સ્ત્રીનું શિયળ એ દુનિયાનું અમૂલ્ય, મોંઘામાં મોંઘું સંરક્ષણીય પવિત્ર રત્ન છે, અને તેનો પતિ તેનો રક્ષણહાર છે. આ વ્યવસ્થા-મર્યાદા તૂટે ત્યાં પ્રજામાં સંકરતા અને ભયંકર ખાનાખરાબી થાય છે.
આ સાપેક્ષ અથવા દ્રન્દ્વશીલ દુનિયામાં બે પ્રકારની માનવસૃષ્ટિ હોય છે.– એક સદાચારી અને બીજી દુરાચારી. સદાચારના વર્તનવાળો માણસ ધાર્મિક અને ઇશ્વરપ્રિય હોય છે, તથા ઈશ્વરની આજ્ઞા પાળીને સંસાર વહેવાર ચલાવે છે; જ્યારે દુરાચારીને ઇશ્વરનો કશો ભય હોતો નથી, અને મનસ્વી – સ્વચ્છંદી રીતે વર્તી છેવટે તે દુ:ખી થાય છે. આ બન્ને પ્રકારના પ્રાણીઓને ઉત્પન્ન કરનાર કર્મફળદાતા એક ઇશ્વર જ ઓળખાતો નથી. અને એક ધારૂં જીવન જીવવામાં રસ પણ રહેતો નથી. આ સદાચાર તથા દુરાચાર જાણવા માટે પરમેશ્વરે માણસ માત્રમાં જે સારાસારનો ભેદ જાણવાની વિવેક બુદ્ધિ મુકેલી છે, અને તેનો ઉપયોગ પ્રાણી માત્ર જે રીતે કરે છે તેના ઉપર સુખ દુઃખાદિ લાગણીઓ અવલંબેલી હોય છે. મન સંકલ્પ વિકલ્પ કરે છે. જ્યારે સારી કેળવાયેલી બુદ્ધિ તેનો નિશ્ચય કરે છે. આ સર્વ ઉપરથી કહેવત પડી છે કે મન જાણે પાપ અને મા જાણે બાપ. મન જ પાપ-પુણ્યનું સાક્ષી બને છે, માટે ચંચલ મનને સારે માર્ગે જવા માટે અભ્યાસ અને વૈરાગ્યથી કેળવવું જોઈએ.
સંસારમાં સ્ત્રી પુરૂષોનો સારો સંબંધ એ સમાજની સુસ્થિતિનું કારણ છે. યાવત પ્રાણી માત્રમાં નરનારીનો સંબંધ છે, તે છતાં મનુષ્ય પ્રાણીમાં તે નાજુક સંબંધને સકારણ ધાર્મિક-સદાચારનું સ્વરૂ૫ અને મહત્ત્વ અપાયલું હોવાથી, તેમાં વિધિસરના લગ્ન સંબંધની અગત્ય ઉભી થઈ છે, અને સામાન્યતઃ એક પુરુષ અને એક જ સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી આજીવન બંધાયલા રહે છે. જે કોઈ સ્ત્રી કે પુરૂષ કશા
પણ પ્રલોભનમાં ન ફસાતાં, વખત આવે કસોટીમાં પાર પડે છે, તો તેના ગુણગાન પ્રજામાં ગવાય છે, અને આદર્શરૂપ થઈ પડવા સાથે તેવું જીવન ગાળનારાં સુખી થાય છે. એટલા માટે એક પત્નીવ્રત અને સતીત્વનો મહિમા સંસારમાં આદર્શરૂપ બન્યા છે. અન્યથા વર્તનાર દુ:ખી થયેલો જણાય છે. એટલા માટે સતીચરિત્ર, પત્ની પ્રત્યેનો અચળ પ્રેમ વગેરે દૃષ્ટાંતરૂપ થઈ પડ્યા છે, અને એથી ઉલટું વ્યભિચાર કર્મ નિંદ્ય ગણાયું છે. વ્યભિચાર એ દોષ છે, તેથી ત્યાજ્ય છે અને સતીત્ત્વ તથા એક પત્નીવ્રત સર્વોત્તમ ગુણ છે માટે ગ્રાહ્ય છે અને તેથી મનુષ્ય જીંદગીમાં સુખી થાય છે માટે પ્રયત્ન કરી તે જ ગુણ આચરવો; પણ આ બંને ગુણો અને દોષ જાણવાની જરૂર છે. દીવા વગર અંધારાનો ખ્યાલ આવતો નથી અને અંધકાર વિના દીપકનો ખ્યાલ આવતો નથી. માટે સંસારમાં સાપેક્ષતાની જરૂર છે, અને ભગવાને તે પ્રમાણે સૃષ્ટિક્રમ ઘડ્યો છે.
વ્યભિચારથી દૂર રહેવા માટે પુરૂષે પોતાની ધાર્મિક રીતે પરણેલી એક અથવા અપવાદ તરીકે બે ત્રણ સ્ત્રી હોય તો તે સિવાય, દુનિયાની બધી સ્ત્રીઓમાં મા, દિકરી કે બહેનની ભાવના રાખી આચરણ કરવું, એ જ સુખી થવાને માર્ગ છે.
સ્ત્રી પુરૂષના સાંસારિક વહેવાર અને શારીરિક સંબંધના જ્ઞાન માટે આપણા સનાતન આર્ય ધર્મશાસ્ત્રકારે એ - વાત્સયાયનાદિ મુનિઓએ કામસૂત્રની અને ચરક ઋષિએ વૈઘક શાસ્ત્રની રચના કરી છે.
દુનિયાની દરેક ભાષામાંના સાહિત્યમાં સતીત્વ તથા એક પત્નીવ્રતના માહાત્મ્યને દર્શાવનારા દૃષ્ટાંતો મળે છે, તેમ વ્યભિચારથી દુ:ખી થયાના દાખલા પણ મળે છે. તેમાં વ્યભિચારની હમેશાં નિંદા થયેલી હોય છે જ્યારે સતીપણાની અને સારા પ્રેમની પ્રશંસા થયેલી હોય છે. પણ સાહિત્ય તો બંને પ્રકારનું હોય છે જ, કારણ કે નિંદ્ય વસ્તુની નિંદા કરવાનો હેતુ, સ્તુત્ય વસ્તુની સ્તુતિ કરવાનો જ હોય છે. જે ભોગ્ય
વિષય આરંભમાં સુખકર લાગતો હોય છે, પણ પરિણામે દુઃખમય નીવડે છે, તે તામસ અને અધમ ગણાય છે, માટે વિવેક બુદ્ધિવાળાએ તેનો ખૂબ વિચાર કરીને ત્યાગ કરવો, અને જે ભોગ્ય વિષય આરંભમાં કદાચ દુ:ખમય લાગવા છતાં પરિણામે સુખમય નીવડતો હોય તો વિવેકી જને તેનું સદા સેવન કરી, અન્યને દૃષ્ટાંત બેસાડવો, એ કર્તવ્ય છે, કારણ કે જીવન ટુંકું હોવાથી, સામાન્ય માણસ તેવા નિર્ણય કરી શકતો ન હોવાથી, અનુભવી અને શાસ્ત્રજ્ઞ બુદ્ધિવાળાઓએ કથા, દાખલા, વાર્તા, કાવ્યો તેટલા માટે લખેલાં હોય છે, એનો ઉપયોગ પણ સમજીને કરવો જોઈએ.
રતિનાથની રંગભૂમિ અથવા ચપળા–ચરિત્ર-ચન્દ્રિકા નામની કથા સ્વ. નારાયણ વિસનજી ઠક્કરે - ઉપલા હેતુથી મરાઠી ભાષામાંથી અનુવાદિત કરેલી છે. તેનો હેતુ વ્યભિચાર ફેલાવવાનો નથી, પણ વ્યભિચારના દુ:ખમય રસ્તે અનિચ્છાએ પણ ઘસડાઈ જનારા નિર્બળ મનવાળાઓ કેવા દુ:ખી થાય છે, અને ભોળા માણસો કેમ ફસાય છે, તેનાથી દૂર રહી સન્માર્ગે ચાલ્યા કરવું, એ ઉપદેશ આપવાનો છે. એટલે આવી વાતોના પ્રકાશનથી સુજ્ઞ વાચકોએ ભડકવું ન જોઈએ. શું સાચું ને શું ખોટું, શું સારૂં ને શું નરસું – વગેરે શબ્દોના ગુણ દોષ જાણ્યા – સમજ્યા વિના નિર્ણય થઈ શકતો નથી. માટે આવાં સાહિત્યના પુસ્તકોની પણ જરૂરિયાતો મનાઈ છે, અને દરેક ભાષામાં આવા સાહિત્યના ગ્રંથો મળી આવે છે. સંસ્કૃત અને તેની પુત્રી રૂપ ગુજરાતી ભાષામાં તથા અન્ય ભાષામાં આવાં ઘણાં પુસ્તકો રચાયેલાં છે. ગુજરાતી ભાષામાં સ્ત્રી-ચરિત્ર અને શુકબોહતરીની કથા વગેરે ઘણા જાણીતાં છે. અંગ્રેજીમાં “ડેકા મેરેાન” (Deca maron) વગેરે ઘણા ગ્રંથો છે. અંગ્રેજી ન્યાયાલયોમાં છુટા છેડાના કજીઆ આવે છે અને તે છાપાઓમાં છપાય છે, તેના ઉપરથી નાટકો રચાઈને ભજવાય છે, સીનેમાઓ દેખાડાય છે; – એ સર્વમાં વ્યભિચાર-જનાકારી દોષ મુખ્ય હોય છે અને તેનાં વર્ણનો વર્તમાન પત્રોમાં ઘણાં આવે છે અને લોકોમાં તે
હોંસથી ખાસ વંચાય છે અને તેના ઉપરથી નાની મોટી નવલકથાઓ પણ લખાયેલી પ્રસિદ્ધ છે. ફ્રેન્ચ વગેરે ભાષામાં આવું સાહિત્ય ઘણું છે. Sex Knowledge – જાતીય જ્ઞાનને નામે પણ ઘણા ગ્રંથો લખાયલા છે. તેવાજ પ્રકારની આ “વીર ક્ષેત્રની સુંદરી” નામની નવલકથા છે. અમે વ્યભિચાર દોષનો બચાવ કરતા નથી, પણ કામસૂત્રમાં વાત્સ્યાયન મુનિએ જણાવેલું છે કે, મારા ગ્રંથમાં रसस्तु परकीयाम વગેરે સુત્રો સમજાવનારું પરકીયાનું પ્રકરણ જે લખાયલું છે તે એટલા માટે કે ખરાબ ચાલના સ્ત્રી-પુરૂષો બીજાઓને કેમ ફસાવે છે અને ફસાય છે, તેથી સારા ચરિત્રવાળા માણસોએ ચેતતા રહી સ્ત્રીરૂપી રત્નનું નિત્ય સંગોપન અને સંરક્ષણ કરતા રહેવું જોઈએ. મનુ મહારાજાએ લખ્યું છે કે, સ્ત્રી રૂપી રત્નની બાલ્યા અને કુમારાવસ્થામાં પિતાએ રક્ષા કરવી, યુવાનીમાં તેના લગ્ન સંબંધથી જોડાયેલાં પતિએ રક્ષા કરવી, અને મોટી અવસ્થાએ જો તે વિધવા હોય કે વૃદ્ધા હોય તો તેના પુત્રાદિ અને સગાવાહલાંએ રક્ષા કરવી જોઈએ: એટલે સ્ત્રી રત્નને એકલું સ્વચ્છંદી સ્વતંત્ર રઝળતું ન ધણિયાતું બનવા ન દેવું, પણ એ સર્વદા ગોપ્ય તથા સંરક્ષણીય છે, માટે સ્વતંત્રતાને યોગ્ય નથી એમ ગણવું: પણ સ્ત્રી જાતિ પુરુષ જાતિની ગુલામી કરવા સરજાયલી છે એમ નહિ માનવું. મનુ મહારાજના આ શ્લોકોનો આવો સીધો સાદો અર્થ ન સમજતાં આજકાલના મન્વાદિ સ્મૃતિની નિંદા કરનારાઓ અને પોતાના સ્વચ્છંદ વર્તનને ઢાંકવાનો પ્રયાસ કરનારા કહે છે કે મનુ વગેરે સ્મૃતિમાં સ્ત્રીઓને પુરૂષની ગુલામડીજ બનાવી દીધી છે, તેથી સ્ત્રીને સ્વતંત્રતાને યોગ્ય ગણી નથી. આ માન્યતા ગેરસમજ અને દિશા ભૂલ ભરેલી છે, તે અજ્ઞાન જ દર્શાવે છે. આધુનિક પાશ્ચાત્ય લેખકો બરટાન્ડ રસલ વગેરેના લેખો વાંચી ઘણાઓનાં મગજો ફરી ગયેલાં હોય છે, અને તેની અસરથી ગુજરાતી ભાષાના લેખક પણ મુક્ત થયા નથી તેથી તેએા વ્યભિચારના નિંદ્ય પ્રકારને સુંવાળો સહચાર વગેરે ભભકાભર્યા નામો
આપી લોકોને આડે માર્ગે દોરવે છે; કેટલાકે વિજાતિની સમાગમની બુભુક્ષાને નામે વ્યભિચાર અને સુંવાળા સહચાર અને વેશ્યાવૃત્તિનો બચાવ કરવા પ્રેરાયા છે; પણ આખરે જે વસ્તુ નિંદ્ય છે તે તો તેવી જ રહેવાની, તે સારા શબ્દોથી બચી શકતી નથી. આ વાર્તામાળાની વાર્તાએાનો હેતુ એવો છે, એ સુજ્ઞ વાંચક સમજી શકશે અને જૂની વ્યભિચારની કે સ્ત્રી ચરિત્રોની વાર્તાને ભિન્ન ગણશે.
બીજા બધા પશ્વાદિ પ્રાણીના શરીરના બંધારણોથી વિભિન્ન મનુષ્ય પ્રાણીમાં સ્ત્રીપુરૂષના શરીરનાં બંધારણો જ એવાં છે કે જો કોઈ એનો દુરૂપયેાગ કરે તો તેનો નાશ થાય છે. મનુષ્ય પ્રાણીમાં સ્ત્રી-પુરૂષના રજવીર્યની શુદ્ધતા રાખવા માટે ધર્મની શાસ્ત્રકારોએ બહુ જ કાળજી પૂર્વક લગ્નની ગ્રંથિની વિધિ–સંસ્કાર રચ્યાં છે. અને તે પછી પણ સંસાર- વહેવાર માટે પણ ઘણા સંયમ-નિયમો વ્રત, તપ, ત્યાગ, વૈરાગ્યાદિથી તેની વાડ બાંધી રક્ષા કરી છે. ક્ષેત્રની શુદ્ધિ તેમ જ બીજની શુદ્ધિ રાખવા માટે બ્રહ્મચર્યનું પાલન અને લગ્નનો સંસ્કાર અને ગૃહસ્થાશ્રમની વિમળતા ઉપર ભાર મુકાયો છે, તે સાથે સતીત્વને તથા શુદ્ધ પ્રેમનો અને એક પત્નીવ્રતનો મહિમા ગવાયો છે, અને વ્યભિચાર-સુંવાળા સહચાર, પરિણીત દંપતીનો પણ અતિ કામાતુર સહચાર વગેરેને નિંદ્ય ગણેલા છે. આખરે તો શુદ્ધ ગૃહસ્થ ધર્મનો અને નિર્મળ દાંપત્ય ધર્મનો જ વિજય છે એ દર્શાવવા માટે આ કથાઓ સ્વ. નારાયણે લખી છે. આ હેતુ ધ્યાનમાં રાખી આ વાર્તાઓ વાચવાની વિનતિ છે. ગૃહસ્થાશ્રમ એ ધર્માચરણની ખાણ છે.
નટવરલાલ ઇચ્છારામ દેશાઈ વિ. સં. ૨૦૦૪ અક્ષયતૃતીયા |
}
|
રતિનાથની રંગભૂમિ અવથા ચપલા ચરિત્ર ચન્દ્રિકા
વીરક્ષેત્રની સુંદરી
કથાનુક્રમણિકા
અનુવાદકની પ્રસ્તાવના
પ્રકાશકનું નિવેદન
મૂળ ગ્રંથ
વીરક્ષેત્રની સુંદરી
અનુક્રમણિકા
ડો. રામચંદ્રનો પરિચય અને અનુભવ
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
