વીરક્ષેત્રની સુંદરી/ગુણવાન શ્વાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનંગભદ્રાની જિજ્ઞાસા વીરક્ષેત્રની સુંદરી
ગુણવાન શ્વાન
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
પોપટની વાર્તા →


ગુણવાન શ્વાનની વાર્ત્તા

પૂર્વે સુદામાપુરીમાં મહાધન નામક એક શાહુકાર વસતો હતો. તે અત્યંત ધનાઢ્ય હોવા છતાં એકવાર તેની કેટલીક નૌકાઓ સમુદ્રમાં ડૂબી જવાથી અને તેમાં લાખો રૂપિયાની માલની હાનિ થવાથી તે નિર્ધન થઈ ગયો. નિર્ધનતાથી અત્યંત શોકાતુર થઈને તે પોતાનો એક ગુણવાન શ્વાન હતો તેને લઈ બીજા એક ગામમાં પોતાને યમુનાદાસ નામનો મિત્ર હતો તેની પાસે ગયો. તે શાહૂકારે પોતાના મિત્રને આવેલો જેઈ તેનો સારો આદરસત્કાર કરીને પૂછ્યું કે;–“આ વેળાએ અચાનક આપનું આગમન શા કારણથી થયું છે વારૂ ?" મહાધને તેને પોતાની દુર્દશાનો ઇત્થંભૂતં વૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે-“મારી પાસે આ મહા ગુણવાન અને ઉપકારક શ્વાન વિના બીજી કોઈ પણ વસ્તુ નથી, એટલા માટે એ શ્વાનને આ૫ની પાસે રાખો અને મને એક હજાર રૂપિયા ઉછીના આપો. એ રકમ એક વર્ષમાં આપને વ્યાજ સુદ્ધાં ભરી આપીને હું મારા શ્વાનને લઈ જઈશ. જો એટલા અવધિમાં રોગ અથવા એવા જ કોઈ આકસ્મિક કારણથી એનું મરણ થઈ જાય, તે તેની જવાબદારી તમારા માથા ૫ર નથી.” આ વાર્ત્તા યમુનાદાસે માન્ય કરી અને તેથી તે પ્રમાણેનો દસ્તાવેજ લખી આપી રૂપિયા લઈને નિર્ધન થએલો મહાધન પોતાને ગામ પાછો ચાલ્યો ગયો.

શ્વાનને રાખનાર વ્યાપારી યમુનાદાસ કેટલાક દિવસ પછી પોતાને ત્યાંનો માલ નૈાકામાં ભરી બીજા દેશમાં તે વેચવા જવાની તૈયારી કરવા લાગ્યો. જતી વેળાએ તે શ્વાનને ઘરમાં રાખી પોતાના દાશ અને દાસીને પાસે બોલાવીને તેણે કહ્યું કે;–“ઘરને છોડી બહાર ભટકવા જશો નહિ અને આ શ્વાનની સારી સંભાળ રાખજો.” ત્યાર પછી તે શ્વાનના ખાનપાનની વ્યવસ્થા કરી આપીને તે પરદેશમાં ચાલ્યો ગયો.

લાંબા વખત સુધી પતિ પાછો આવ્યો નહિ એટલે મદનવિકાર અસહ્ય થવાથી તેની સ્ત્રીએ એક સુંદર અને હૃષ્ટપુષ્ટ પુરુષસાથે પ્રેમસંબંધ કર્યો અને તેને નિત્ય પોતાના આવાસમાં બોલાવી તેની સાથે તે યથેચ્છ કામક્રીડા કરવા લાગી. આ ચરિત્ર પેલા શ્વાનના જોવામાં આવતાં તે સ્ત્રીનો જાર જ્યારે પણ ઘરમાં આવતો હતો ત્યારે તે બહુ જ મોટા સ્વરથી ભસ્યા કરતો હતો. પણ ઘરમાંની દાસી કે શેઠાણી પોતે તેને ધમકાવતી એટલે લાચારીએ તે ભસતો બંધ થતો હતો. આવો પ્રકાર નિત્ય ચાલવાથી એકવાર તે શ્વાનને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે, તે એકદમ તે સ્ત્રીના જારના શરીર પર ધસી ગયો અને ઉછળીને તેના ગળામાં એવી તો દાઢ બેસાડી દીધી કે તેના પરિણામે તે કામી પુરુષ તત્કાળ મરણને શરણ થઈ ગયો. તેની આવી ધીટતાને જોઈને શેઠાણીએ કૂતરાને બહાર હાંકી કાઢ્યો અને પોતાના નોકરોને હુકમ આપી દીધો કે;–“જો આ શ્વાન પાછો ઘરમાં આવે, તો એને જીવતો જવા દેશો નહિ, પણ મારી જ નાખજો !” એ પછી તે શ્વાન આખો દિવસ ગામમાં ભટકી ઉદરપોષણ કરી રાતે આવીને યમુનાદાસના ઘરની ચોકી કર્યા કરતો હતો. એવી રીતે કેટલાક દિવસ વીતી જવા પછી યમુનાદાસ પરદેશથી પાછો ઘેર આવ્યો. તે ઘેર પહોંચે તે પહેલાં જ શ્વાન માર્ગમાં જ તેને મળ્યો અને તેના પગમાં લેટી પૂંછડું હીલવીને તે શેઠના પગ ચાટવા લાગ્યો તેમજ ચત્તો પડીને પોતાનું પાતાળમાં પેઠેલું પેટ પણ તેને બતાવવા લાગ્યો. તે શેઠની સાથે તે દિવસે ઘરમાં પાછો આવ્યો. શ્વાનને જોઈને શેઠાણી શેઠને કહેવા લાગી કે;-“તમારા જવા પછી દિવસની વેળાએ આ કૂતરાને આજે જ મેં પહેલીવાર જોયો છે. રોજ રાત્રિના સમયે આ કૂતરો ગામનાં બીજાં કૂતરાંને ભેગાં કરી ઘરમાંની વસ્તુઓનો નાશ કરી નાખતો હતો, બીજાનાં ઘરોમાં ઘુસી જતો હતો અને લોકોનો કકળાટ રોજ મારે સાંભળવો પડતો હતો. આ કૂતરાએ મને એવો અને એટલો બધો કંટાળો આપ્યો છે કે, જો તમને મારો ખપ હોય તો આને અત્યારે ને અત્યારે જ જીવથી મારી નાખો, કારણ કે, એનો જૂનો ધણી આવીને હવે એને છોડવી જાય, એવો સંભવ જણાતો નથી.” શેઠાણીએ તો પતિને આવી રીતે ભમાવ્યો, પણ શ્વાને જ્યાં શેઠાણીએ પોતાના જારના શબને દાટ્યું હતું તે સ્થાન પ્રતિ વારંવાર દોડાદોડ કરવા માંડી અને શેઠને વારંવાર તે તરફ ખેંચવા લાગ્યો. તેની આ ચેષ્ટાને જોઈ માણસોને બોલાવી તે જગ્યા યમુનાદાસે ખેદાવતાં તેમાંથી એક પુરુષની લાશ નીકળી આવી. શક પડવાથી તેણે પોતાની સ્ત્રી તથા ઘરનાં બીજા માણસોને બાંધીને ચાબુકનો માર માર્યો એટલે એક દાસીએ શેઠને બનેલી બધી બીના જણાવી દીધી અને શેઠાણીએ પણ પોતાના અપરાધનો મુક્ત કંઠે સ્વીકાર કરી લીધો. યમુનાદાસના ક્રોધ સીમાને ઉલ્લંઘી જતાં તેણે પોતાની સ્ત્રીને ખીલાવાળા પીપમાં નાખીને એક પર્વત પરથી નીચેની ઊંડી ખીણમાં ગબડાવી દીધી અને શ્વાને પૂર્ણ વિશ્વાસપાત્રતાનો પરિચય કરાવેલ હોવાથી તેના ગળામાં મુક્તિની પત્રિકા બાંધીને કહ્યું કે;–“તું હવે આનંદથી પાછો તારા જૂના ધણી પાસે જા; મેં આપેલા રૂપિયા વ્યાજ સુદ્ધાં મને મળી ચૂક્યા છે !”

કૂતરો અહીંથી નીકળ્યો અને મહાધન કર્જ ભરવાની મુદ્દત ભરાઈ ગએલી હોવાથી વ્યાજ સહિત રૂપિયા લઈને પોતાના ગુણવાન, શ્વાનને છોડવી લાવવા માટે પોતાને ઘેરથી નીકળ્યો હતો એટલે માર્ગમાં જ શેઠ અને શ્વાનને મેળાપ થઈ ગયો. શ્વાનને જોતાં જ મહાધનને ક્રોધ આવતાં તે કહેવા લાગ્યો કે;–“કૃતઘ્ન પ્રાણી ! અદ્યાપિ યમુનાદાસના રૂપિયા અપાયા નથી અને તે પહેલાં તેં પલાયન કરીને મારી પ્રતિષ્ઠાની હાનિ કરી નાખી. અર્થાત્ તારા આ અપરાધ માટે તને એવી જ મહા ભયંકર શિક્ષા આપવી જોઈએ.” એમ કહી તેના પાછળના બે પગ ઝાલી તેનું માથું તેણે એક પાષાણશિલાપર પછાડ્યું અને તે સાથે કપાળમોક્ષ થતાં શ્વાનના પ્રાણ પ્રયાણ કરી ગયા. ત્યાર પછી તેણે તેના ગળામાંની પત્રિકા છોડીને વાંચી જોઈ એટલે બધો વૃત્તાંત જાણવામાં આવતાં તે મહા શોકના સમુદ્રમાં ડૂબી ગયો અને પોતાના માથામાં માટી નાખવા લાગ્યો.

એ પ્રમાણે, હે વારવનિતે ! તું પણ પાછળથી મહા પશ્ચાત્તાપમાં પડી જઈશ, એટલા માટે મને મુક્ત કર અને જીવવા દે.” આ વાર્ત્તા સાંભળી તે વેશ્યા કહેવા લાગી કે;-“હે રાજકુમાર ! હું વેશ્યા હોવાથી મને પશ્ચાત્તાપ થાય, એ વાર્ત્તા સંભવતી જ નથી.” એ પછી હજી નગરનાં દ્વાર ઊઘડવામાં થોડો વિલંબ હોવાથી રાજકુમાર રક્તસેને પુનઃ એક નવીન વાર્તાનો આ પ્રમાણે પ્રારંભ કર્યો;–