વીરક્ષેત્રની સુંદરી/વિકારવશ કનૈયાલાલ
← સોનીએ પ્રાણ કેવી રીતે ગુમાવ્યો ? | વીરક્ષેત્રની સુંદરી વિકારવશ કનૈયાલાલ ડો. રામજી (મરાઠી) ૧૯૧૪ |
બ્રહ્મકુમાર અને ચંદ્રપ્રભા → |
પૂર્વે દેવદુર્ગમાં મુરલીધર નામનો એક શાહુકાર રહેતો હતો. તેને એક પુત્ર હતો અને તે કનૈયાલાલના નામથી ઓળખાતો હતો. એના જન્મસમયે એના પિતાએ બહુ ધન ખર્ચીને મોટો ઉત્સવ કર્યો હતો અને ત્યાર પછી તે જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તેને યોગ્ય વિદ્યાભ્યાસ પણ કરાવવામાં આવ્યો. તે જ્યારે તારુણ્યમાં આવી લાગ્યો તે વેળાયે તેના પિતા મુરલીધરનો સ્વર્ગવાસ થઈ ગયો. પિતાની ઉત્તરક્રિયા કર્યા પછી પુત્રે પોતાની પુંજી તપાસી જોઈ તો તે પાંચ લાખની નીકળી. તે કેટલોક માલ ખરીદીને બનારસ ગયો અને ત્યાં એક દુકાન ભાડે રાખી માલ વેચવાની શરૂઆત કરી. દુર્ભાગ્યવશાત ખરીદી કરતાં કીમત એાછી આવવા માંડ્યાથી વ્યાપારમાં ખેાટ જવા લાગી. એટલે તેણે ત્યાંના સર્વ વ્યાપારીઓને વિનતિ કરી કે;-“તમો મારા પિતાના લાંબા સમયના મિત્ર અને ગ્રાહક છો, મારા પિતાના મરણ પછી વ્યાપારમાંના મારા અલ્પ જ્ઞાનને લીધે હુ: અત્યારે ફસાઈ પડ્યો છું, એટલા માટે જો મને મદદ આપીને અત્યારે મને મારા માલનાં મુદ્દલ નાણાં પણ કરી આપશો, તો બીજી વખતે હું તમારા માટે ઘણો જ સારો સારો માલ લઈ આવીશ. નહિ તો પછી આ ગામમાં મારૂં આવવાનું હંમેશને માટે અટક્યું જ સમજવું.” આ વિનતિ સાંભળીને ત્યાંના બધા વ્યાપારીઓએ મળીને કહ્યું કેઃ-“ભાઈ ! તમે ઉદ્વિગ્ન ન થાઓ. જે માલ અત્યારે તમારી પાસે છે તેમાંથી દરેકની દુકાને થોડો થોડો માલ વેચવા માટે જાંગડ રાખી દ્યો, એટલે અમે રેજકી વેચીને તમારા નાણાં તમને ઊભાં કરી આપીશું, દરરોજ બધી દુકાને ચક્કર મારીને જેટલો માલ વેચાયો હોય તેટલાના પૈસા હિસાબ કરીને તમે લેતા જજો એટલે મુદ્દલ નાણાં તરત વસૂલ થઈ જશે.” તેમની આ સલાહ માનીને તેણે પોતાનો ઘણેખરો માલ જૂદા જૂદા દુકાનદારોને આપી દીધો અને પોતે નિત્ય તેમની દુકાને જઈ હિસાબ લેવાનો જ ધંધો કરવા લાગ્યા. એક દિવસ તે એક શાહૂકારની પેઢી પર બેઠો હતો તેવામાં એક અત્યંત સુંદર અને તરુણ સ્ત્રી પાલખીમાંથી ઊતરીને દુકાનમાં આવી. તેણે પોતાના મુખપરનો બુરખો કાઢી નાખીને વ્યાપારીને કહ્યું કે;–“મને એક સારામાં સારી અને ઊંચી કીંમતની સાડી આપો !” કનૈયાલાલ તે રમણીના સ્વરૂપને જોઈને તે ક્ષણેજ મોહમુગ્ધ થઈ ગયો, અને એકાગ્ર દૃષ્ટિથી તેને જોઈ રહ્યો. વ્યાપારીએ તેને કેટલીક સાડીઓ બતાવી, તેમાંની એક સાતસો રૂપિયા કીમતની સાડી તેણે પસંદ કરી અને પંદરસો રૂપિયાનો કીનખાબનો એક તાકો ખરીદ્યો, તે માલને પાલખીમાં રખાવી તે જવાની તૈયારી કરતી હતી એટલામાં તે વ્યાપારીએ તેને કહ્યું કે;–“બાઈસાહેબ ! આ માલ મારો પોતાનો નહિ, પણ દુકાનમાં બેઠેલા આ પરદેશી સોદાગરની માલેકીને હેાવાથી તમારે એની કીમત અત્યારે જ આપવી પડશે.” સુંદરી બોલી કે;-“અત્યારે હું નાણાં સાથે લઈને આવી નથી; ઘેર જઈને હમણાંજ નોકર સાથે નાણાં મોકલી આપું છું.” પરંતુ એનો નિષેધ કરીને વ્યાપારી પાછો કહેવા લાગ્યો કે;-“મારા પોતાના માલમાંથી ગમે તે લઈ જાઓ અને તેના નાણાં ભલે એક વર્ષે મોકલજો, તેને વાંધો નથી; પણ પારકા ધણીનો માલ મારાથી ઉધાર આપી શકાય તેમ નથી.” આ સાંભળીને તે તરુણીના શરીરમાં ક્રોધ વ્યાપી ગયો અને તેથી માલ પાછો તેની દુકાનમાં પછાડીને પાલખીમાં બેસી તે જવાને તૈયાર થઈ ગઈ. આ બધી લીલાને જોઈને કનૈયાલાલે દુકાનદારને ઉદ્દેશીને કહ્યું કે:- “ભાઈ! આ ૨મણી જ્યારે કુલીન અને સાધનસંપન્ન છે, તો થોડા વખતને માટે એને આટલે માલ ધીરવામાં શી ચિંતા છે ? પૈસા આજે નહિ, તો આવતી કાલે મળી જશે. આટલી નજીવી રકમ માટે એક કુલીન કામિનીનું અપમાન કરવું વ્યાજબી નથી. માલ આપો, જે પૈસા નહિ આવે, તો તેનો જવાબદાર હું છું, નાણાં જશે તો મારાં જશે !” કનૈયાલાલનાં આ વાક્યો સાંભળી તે વ્યાપારીએ તે તરૂણીને હાંક મારીને પાછી બોલાવી અને તે પાછી આવી દુકાનમાં ઉભી રહી. દાસીને ઘેરથી નાણાં લાવવાનું કહેવા લાગી. એટલે કનૈયાલાલે નમ્રતાથી તેને કહ્યું કે:- “તમે માલ લઈ જાઓ; અત્યારે નાણાં ન હોય, તો ફિકર નહિ. જ્યારે તમારી મરજીમાં આવે ત્યારે નાણાં મેાકલજો; અને તે પણ ન મોકલી શકાય તો આ બે ચીજોને મારા તરફની મળેલી બક્ષીસ તરીકે માની લેજો.” કનૈયાલાલનાં આ વાક્ય સાંભળતાં જ તે રમણી આગભભૂકો થઈ ગઈ અને લાલ નેત્રો કરીને કહેવા લાગી કે:- “મને તમે વેશ્યા ધારી લીધી છે કે શું ? આ ચીજોને હું તમારા તરફની બક્ષીસ માની લઉં, એટલે એનો અર્થ શો ? સંભાળજો, હવે પછી મને કિંવા બીજી કોઈ સંભાવિત સ્ત્રીને ઉદ્દેશીને આવા શબ્દો ઉચ્ચારશો, તો વિના કારણ ક્યાંય માર્યા જશો !” આવું નિષ્ઠુર ભાષણ કરીને તે પોતાને ઘેર ચાલી ગઈ. ઘેર જઈને તત્કાળ તેણે બધાં નાણાં વ્યાપારીને મોકલી આપ્યાં અને વ્યાપારીએ તે ગણી લીધાં. ત્યાર પછી ત્રીજે દિવસે પાછી તે દુકાન પર આવી. તે વેળાયે પણ કનૈયાલાલ ત્યાંજ બેઠો હતો. પાછો પોતાનો બુરખો ઉતારીને તે વ્યાપારીને કહેવા લાગી કે-“તે દિવસે જેવો કીનખાબનો તાકો આપ્યો હતો તેવા બીજા બે તાકા આપો !” કનૈયાલાલને પૂછીને વ્યાપારીએ બે તાકા કાઢી આપ્યા. એ વેળાયે પણ કનૈયાલાલ અતિ કામાતુર થઈને વિકૃત દૃષ્ટિથી તે સુંદરીને જોઈ રહ્યો હતો. નેત્રોનો કાંઈક સંકેત કરી તે સુંદરી પાલખીમાં બેસીને પોતાને ઘેર ચાલી ગઈ.
કનૈયાલાલે તે દુકાનદારને પૂછ્યું કે:-“આ સ્ત્રી કોણ છે વારૂ?” એના ઉત્તરમાં તે દુકાનદારે જણાવ્યું કે:-“એને પિતા પૂર્વે આ નગરના રાજાનો એક મોટો સરદાર અને અમીર માણસ હતો. તેને આ પુત્રી વિના બીજું કશું પણ સંતાન ન હોવાથી અને પત્નીનો પણ પરલોકવાસ થવાથી તેની સર્વ સંપત્તિની સ્વામિની આ બાઈ જ થઈ છે. અત્યારે એ બાઈ પૂર્ણ સ્વતંત્ર અને નિરંકુશ હોવાથી પોતાના દ્રવ્યનો જેમ ઇચ્છામાં આવે તેમ વ્યય કર્યા કરે છે.” “વારૂ ત્યારે હવે હું રજા લઈશ,” એમ કહીને કનૈયાલાલ ત્યાંથી ઉઠીને પોતાના ઉતારા ભણી જવાને નીકળ્યો. તે ત્યાંથી સો સવા સો પગલાં દૂર ગયો હશે એટલામાં એક દાસી તેની પાસે આવીને કહેવા લાગી કે:- “મહાશય, જે બાઈ અત્યારે આપની પાસેથી કીનખાબના બે તાકા લઈ ગયાં છે, તેમણે આ ક્ષણે જ સાંબના દેવાલયમાં આપને દેવદર્શન માટે બોલાવ્યા છે. આપને અત્યારે ત્યાં સુધી આવવાને પરિશ્રમ લેવોજ પડશે !” આ સંદેશાથી કનૈયાલાલને મહાઆનંદ થયો. તેણે પોતાના સેવકોને ઊતારે મોકલી દીધા અને પોતે તે દાસી સાથે સાંબના મંદિરમાં જવાને ચાલતો થયો. ત્યાં તે સુંદરી મંદિરને પ્રદક્ષિણા કરતી કરતી દેવાલયના પાછળના ભાગમાં ઊભી રહીને તે વિદેશી વ્યાપારીને વિનયથી કહેવા લાગી કે;-“હું તે દિવસે દુકાન પર ચીડાઈને કાંઈક વધારે પડતું બોલી ગઈ હતી, તે મારા અવિનયની અત્યારે હું અાપ પાસેથી ક્ષમા માગું છું. અત્યારે અહીં આ સ્થળે મારાથી આપની સાથે વધારે વાતચીત કરી શકાય તેમ નથી; કારણ કે, ચારે તરફ માણસો પ્રસરેલાં છે. એટલા માટે આપ સંધ્યાકાળે મારી આ દાસી સાથે મારી પર્ણકુટીમાં પધારજો એટલે ત્યાં આપણા મનમાંના પરસ્પર સર્વ સંદેહોનો અંત આવી જશે !" તેની આવી અમૃતવાણી સાંભળી હૃદયમાં મહા સંતોષ પામીને કનૈયાલાલ પોતાને ઊતારે ચાલ્યો ગયો. પરંતુ આ ઘટનાનું ભવિષ્યમાં શું પરિણામ થશે. એનો લેશમાત્ર પણ વિચાર ન કરતાં નિર્ભયતાથી તે અજ્ઞાત અબળાના મંદિરમાં જવાની આતુરતા દર્શાવતો મનમાં કહેવા લાગ્યો કે;-“રાત ક્યારે થાય અને ક્યારે નિરાશાના આકાશમાં તે આશા ચંદ્રનો ઉદય થએલો દેખાય ?” તે અર્ધ દિવસ તેને અર્ધ યુગસમાન થઈ પડ્યો. સૂર્યનો અસ્ત થતાં જ તે સાંબ મંદિરમાં જઈને કાક દૃષ્ટિથી તે દાસીના આગમનની માર્ગપ્રતીક્ષા કરવા લાગ્યા. એક પ્રહર રાત્રિ વીત્યા પછી તે દાસી આવી અને તેણે તેને સ્ત્રીનો વેશ પહેરાવી દાસી બનાવીને પોતા સાથે લીધો. દાસીના રૂપે તે ત્યાં ગયો અને ત્યાં આખી રાત તે રમણી સંગે રંગવિલાસ કરી પ્રભાતમાં ઓસીકા તળે પચાસ સુવર્ણમુદ્રા રાખીને તેણે શય્યાનો ત્યાગ કરી પોતાના નિવાસસ્થાન પ્રતિ પ્રયાણ કર્યું. એવી રીતે ઘણા દિવસ સુધી તે નિત્ય તે સુંદરીના સદનમાં જતો રહેવાથી અને નિત્ય પચાસ સુવર્ણમુદ્રા આપતો રહેવાથી તેની પાંચ લાખની બધી પુંજી તે સ્ત્રીના ધનભંડારમાં જઈ પડી. આવી દશા થવા છતાં પણ તે કામાંધ વખતસર ચેત્યો નહિ, એક દિવસ તે પ્રિયતમાને આપવા માટે પોતા પાસે પચાસ સુવર્ણમુદ્રા ન હોવાથી તે સંધ્યાકાળે દેવદર્શન કરવાને ગયો. ત્યાં લોકોની ઘાટી ભીડ જામેલી હતી. તેમાં કોઈ મોટો સરદાર દેવદર્શને આવ્યો હતો, તેના ખીસામાં મોહોરોની થેલી છે એમ લાગવાથી તે કાઢી લેવાનો વિચાર કરીને તે માટેનો તે લાગ શોધવા લાગ્યો, પણ દાવ ફાવ્યો નહિ. થોડીવાર પછી કાંઈક વધારે ભીડ થઈ એટલે શરીરને શરીર અથડાઈ જવાનું નિમિત્ત કરીને તેની નજર ચૂકવી તેના ખીસામાંની કોથળી કાઢીને પોતાની કમ્મરમાં ખોસી દીધી. એટલામાં પોતાની કોથળી જવાની ખબર પડતાં કનૈયાલાલ પાસે ઊભેલો હેાવાથી શંકા આવતાં એનેજ પકડીને તેણે મારકૂટ કરવાનો સપાટો ચલાવી દીધો. એ વેળાએ ત્યાં કનૈયાલાલના પણ કેટલાક ઓળખીતા વ્યાપારીઓ ઊભેલા હોવાથી તેમણે સાક્ષી પૂરી કે-“આ ગૃહસ્થ એક લક્ષાધીશ અને પ્રતિષ્ઠિત વ્યાપારી હોવાથી એના હાથે આવું નીચ કૃત્ય કદાપિ થાય જ નહિ !” છતાં તે સરદારના મનનો સંશય ગયો નહિ અને તેથી બધાના દેખતાં તેની જડતી લીધી અને તેની કમ્મરેથી મોહોરોની કોથળી નીકળી આવી, આવો પ્રકાર થતાં તે સરદાર બધા વ્યાપારીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“તમે બધા આની સાક્ષી ભરતા હતા અને આ શું થયું ? જો તમો બધાના વચનમાં વિશ્વાસ રાખીને મેં આની જડતી ન લીધી હોત, તો મારૂં તો દીવાળું જ ફૂંકાઈ જાત. સાંભળજો, આવી રીતે કોઈનામાં કદાપિ આંધળો વિશ્વાસ રાખશો નહિ.”
સાક્ષી પૂરનાર બધા વ્યાપારીઓ ઝંખવાણા પડીને ચાલ્યા ગયા. અને કનૈયાલાલને ફોજદારી ચાવડી પર લઈ જવામાં આવ્યો. ત્યાંની સરકારનો કાયદો એવો હતો કે, જો કોઈએ પહેલીવાર ચોરી કરી ! હોય, તો તેની શિક્ષા તરીકે તેનો ડાબો હાથ કાપી નાખવો, અને જો પાછો તે બીજીવાર ચોરી કરે, તો તેનો જમણે હાથ કાપી કાઢવો. આટલાથી ન માનતાં એ જ અપરાધ માટે તે ત્રીજીવાર પકડાય તો પછી તેનો શિરચ્છેદ કરી તેના અસ્તિત્વને સદાને માટે મટાડી દેવું. બીજે તપાસ ચાલતાં તેના પરને ચોરીનો આરોપ સિદ્ધ થવાથી તેનો ડાબો હાથ કાપીને તેને છોડી દેવામાં આવ્યો. સાંઝ પડી ગયા પછી સ્ત્રીનો વેશ ધારણ કરીને મોહેરો વિના જ તે પોતાની પ્રિયતમાના મહાલયમાં ગયો, તે વેળાએ તેનો હાથ સાલ્લાના પાલવ તળે હોવાથી તે સ્ત્રીના જોવામાં આવ્યો નહિ, પરંતુ જ્યારે બન્ને પલંગ પર ગયાં, તે વેળાયે તેના કપાયેલા હાથને જોઈ એમ થવાનું કારણ તે સ્ત્રીએ પૂછ્યું. એટલે તેણે ખુલાસો કર્યો કે;–“જે ઘરમાં હું રહું ! છું તે ઘરની દીવાલ અચાનક ધસી પડવાથી મારા હાથ હાડકા સહિત ભાંગી ગયો એટલે વૈદ્યરાજે એવી સલાહ આપી કે, જો આ હાથ થોડાક દિવસ આમ જ રહેશે, તો સડવા માંડશે અને અસહ્ય વેદના આપશે એટલા માટે આટલા ટૂટેલા ભાગને અત્યારે જ કાપી કાઢવામાં આવે, તો વધારે સારૂં. મને પણ એ સલાહ વ્યાજબી લાગવાથી મેં છેવટે આટલો હાથ કપાવી નાખ્યો.” આ વાર્તા તે વનિતાને સત્ય ભાસવાથી તેણે તેની સારી રીતે શુશ્રૂષા કરી, પુનઃ પ્રાતઃકાળ થતાં તે પોતાને ઘેર આવી લાગ્યો. બીજે દિવસે પોતા પાસે પૈસા નહોવાથી ચિંતાગ્રસ્ત થઇને તે નદીનાતીર પ્રાન્તમાં ચાલ્યો જતો હતો, એટલામાં એક મનુષ્યને પોતા પાસેની મોહોરોની કોથળી અને વસ્ત્રો વગેરે નદીના તીરભાગમાં રાખી સ્નાન માટે નદીમાં ઊતરતા તેણે જોયો. જ્યારે તે મનુષ્ય પ્રવાહમાં ડુબકી મારીને સ્નાન કરવા લાગ્યો એટલે તેની નજર ચૂકવીને તે મોહોરોની કોથળી ઉપાડી કનૈયાલાલ પલાયન કરી ગયો. તેની આ કૃતિ એક સિપાહીના જોવામાં આવેલી હોવાથી તેણે તેને દોડીને પકડી લીધો. પ્રથમ તેને પેટ ભરીને મેથીપાક જમાડ્યા પછી સિપાહીએ તેને અદાલતમાં હાજર કરી જે બનાવ બન્યો હતો તે કહી સંભળાવ્યો. પાછો તેનો જમણો હાથ કાપી નાખવામાં આવ્યો અને તે સાથે તાકીદ આપવામાં આવી કે;-“હવે જો ત્રીજીવાર ચોરી કરીશ, તે શિરચ્છેદ થવાથી તારા જીવનનો સદાને માટે અંત આવી જશે !”
આ ઘટનાને હજી તો બે ત્રણ દિવસ નહિ થયા હોય એટલામાં કનૈયાલાલના મનમાં પુનઃ તે સ્ત્રીપાસે જવાની ઉત્કંઠા થઇ આવવાથી તે વળી ત્રીજી ચોરી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ ક્યાંય લાગ ફાવ્યો નહિ, એટલે મધ્યરાત્રિની વેળાયે તે ખાલી હાથે જ તે સુંદરીના મહાલય તરફ ચાલ્યો. તેને મોટા ઘરમાં પેસતો જેઈને ત્યાંના માણસે ચોર ધારીને પકડી લીધો અને ચોકીદારને બોલાવી તેના હાથમાં સોંપી દીધો. રાત્રે ચોકીમાં રાખી બીજે દિવસે તેનો ન્યાય કરવામાં આવ્યો. હમેશના ચોર તરીકે તેના નામનો ડંકો વાગી ગએલો હોવાથી વધારે સાક્ષી પૂરાવો ન લેતાં બહુમતિથી તેને શિરચ્છેદની શિક્ષા અપાઇ ગઇ. પેલી સ્ત્રીએ જેની પાછળ કનૈયાલાલ ખુવાર થયો હતો તેને છોડાવવા કશી મદદ કરી નહિ.
સારાંશ કે, ડોકટર સાહેબ, રંડીબાજીનું વ્યસન લાગવાથી પાંચ લાખની પુંજીમાં પૂળો મૂકાયો, પ્રતિષ્ઠાનું પાણી થયું, હાથ કપાયો અને છેવટે પ્રાણનું પણ બલિદાન આપવું પડ્યું. એટલા માટે આપ આ વાત પરથી ઊતરીને ચાલ્યા જાઓ, તો તેથી બંનેના કલ્યાણનો સંભવ છે. મારી શેઠાણી પણ સુખી થશે અને તમે પણ સુખી થઇને દીર્ધાયુષ્ય ભોગવી પોતાની પત્ની અને પોતાનાં સંતાનોને સુખસંતોષ આપી શકશો. શું આપે આ કવ્યુક્તિ સાંભળી નથી કે:-
“પરનારી વિષની છુરી, કદા ન ધારો અંગ;
રાવણ રોળાયો રણે, ઈચ્છી સીતાસંગ”
તે ગુણવતી દાસીના મુખથી આ દૃષ્ટાંતનું શ્રવણ કરીને હું કહેવા લાગ્યો કે;-“ભદ્રે ! તમે મને જે કૃપા કરીને બોધક કથા કહી સંભળાવી, તેથી મને અતિશય સંતોષ થયો છે. પરંતુ પુરુષનું મન મહા ચાંડાલ છે. જેના ગૃહમાં રતિસુખ માટે એક એકથી વધારે સુંદર શતાવધિ સુંદરીઓ હાજર હોય છે, તેની કામવાસના ૫ણ શાંત થતી નથી; તો હું તો એક નવો ઉમીદવાર છું અને અનુકૂળતા મળવાથી આ માર્ગમાં દોરાયો છું. વળી કોઈને પણ વિષયસુખની તૃપ્તિ થઇ જ નથી, તો પછી મારી તૃપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? કારણ કે, હું પણ મનુષ્ય છું. કાંઇ દેવ નથી. જેવી રીતે કોઇ દારૂડિયો સવારમાં દારૂ પીએ અને બપોર પછી તેનો નશો ઊતરી જતાં પશ્ચાત્તાપ કરવા બેસે કે, “હવે જીવ જતાં પણ હું કલાલની દુકાને જઇશ નહિ અને આ મૂત્ર તુલ્ય વસ્તુ પીશ નહિ !” પણ પાછો જ્યાં મદિરાપાનનો સમય થયો એટલે એ બધા વિચારોને વીટીં ઘૂંટીને તે પુનઃ કલાલની મોરીમાં લથડિયાં ખાતો દેખાવાનો; તેવો જ પ્રકાર વ્યભિચારનો પણ જાણી લેવો. કિંતુ વ્યભિચારનું વ્યસન તો મદ્યપાનના વ્યસન કરતાં પણ અધિક અપરિહાર્ય હોય છે. આનાં નિત્ય માઠાં પરિણામો આવતાં જોઇને રંડીબાજ માણસો ઘણીકવાર એ વ્યસનથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરે છે અને દેવ ગુરુ સમક્ષ સોગંદ ખાઇને પાણી પણ લે છે, છતાં વખત આવતાં પાછા તે બધી પ્રતિજ્ઞાને ભૂલી “ભલો હું ને ભલી મારી રાંડ, નાક ભલે વઢાય પણ ખાવી છે ખાંડ”નો હિસાબ કરી પાછા જેવાના તેવા બની જાય છે. એ વ્યસનમાં તેમની સ્થિતિ જળકમળ જેવી થઇ જાય છે; જેવી રીતે પાણીમાં રહેવા છતાં કમળદળ પર પાણીનો સ્પર્શ થતો નથી, તે જ પ્રમાણે ઉપદેશોનો ચારે તરફથી એકસરખો વર્ષાવ થતો હોવા છતાં દુરાચારીના મનમાં તેનું કશું પણ પરિણામ થઇ શકતું નથી. આવો નિયમ હોવાથી હે ભદ્રે ! અત્યારે તારો આ અમૃતતુલ્ય ઉપદેશ મને તો સર્વથા પ્રાણહારક વિષ સમાન જ ભાસે છે. પછી તમે એને 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ' ધારતા હો, તો પણ ભલે. અત્યારે તો મારો તેની સાથે મેળાપ કરાવીને મને જીવિતદાન આપો, નહિ તો મારા પ્રાણ આ શરીરમાં ટકી શકે એવો રંગ મને દેખાતો નથી. એ વિશે ઉદાહરણરૂપ એક કથા હું તમને કહી સંભળાવું છું તે જરા કૃપા કરી એક ચિત્ત અને એક ધ્યાનથી સાંભળશો, તો તમારો મારા પર મોટો આભાર થશે.”
“જેવી આપની ઇચ્છા !” દાસીએ અનુમતી આપી.
મેં નીચે પ્રમાણે કથાનો આરંભ કર્યો;–