લખાણ પર જાઓ


વીરક્ષેત્રની સુંદરી/રાજાનો વિશ્વાસ કરવો નહિ

વિકિસ્રોતમાંથી
← પોપટની વાર્તા વીરક્ષેત્રની સુંદરી
રાજાનો વિશ્વાસ કરવો નહિ
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
કામવિકારનાં પ્રાબલ્યના પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો →


રાજાનો વિશ્વાસ કરવો નહિ

પૂર્વે હસ્તિનાપુર નગરીમાં બલભીમ રાજા રાજ્ય કરતો હતો અને તેનો એક પુત્ર હતો કે જે મહાબલીના નામથી એાળખાતો હતો, એ રાજકુમાર જે શાળામાં ભણતો હતો તે જ શાળામાં એક શાહુકારનો ઝવેરચંદ નામનો છોકરો પણ ભણવા માટે આવતો હતો અને તેથી એ બંન્નેનો વખતના જવા સાથે અત્યંત ગાઢ મૈત્રી સંબંધ બંધાઈ ગયો. કેટલોક કાળ પછી એ બન્ને બાળકો તારૂણ્યમાં આવ્યાં તે વેળાએ રાજાનો અચાનક સ્વર્ગવાસ થઈ ગયો. રાજાનો દેહાંત થતાં સર્વસત્તાધિકારી અને પ્રજાના પ્રતિષ્ઠિત જનોની અનુમતિથી રાજકુમાર મહાબલી મુકુટ ધારીને સિંહાસને બેઠો અને દેશમાં તેના નામની આણ ફેરવી દેવામાં આવી. ઝવેરચંદનો બાલસખા દેશનો સ્વતંત્ર અને સર્વસત્તાધીશ રાજા થયો.

કમધર્મસંજોગે એ જ સમયે તેનો મુખ્ય પ્રધાન પણ અચાનક માંદો પડી પરલોકવાસી થઈ ગયો, અને તેનો પુત્ર પિતાની પદવી ભોગવવાને યોગ્ય નહોતો એટલે નવીન રાજાએ પોતાના મિત્ર ઝવેરચંદને પોતાપાસે બોલાવીને કહ્યું કેઃ–“મિત્ર ! તું મારા જેવાનો મિત્ર થયો છે, પરંતુ અદ્યાપિ મારી પાસેથી તને કોઈપણ પ્રકારનો લાભ મળી શક્યો નથી. પારસમણિના સંગથી લોહ સુવર્ણ ન થાય તો પછી પારસમણિનો સંગ શા કામનો ? અર્થાત્ અત્યારે મારી એવી ઇચ્છા છે કે, તને આ રાજ્યના મુખ્ય સચિવની પદવી મારે આપવી; અને જ્યાં સુધી આપણે બન્ને જીવતા છીએ, ત્યાં સુધી ન્યાયનીતિથી રાજ્ય ચલાવીને સુખ અને આનંદમાં રહીશું.”

એના ઉત્તરમાં ઝવેરચંદ વિનયથી કહેવા લાગ્યો કે;–"મહારાજાધિરાજ ! અત્યારે મારા વેપારમાંથી શકિતપ્રમાણે હું બહુ જ સારો નફો મેળવું છું અને પૈસેટકે સુખી છું. એ મારા વંશપરંપરાના વ્યવસાયને ત્યાગી પ્રધાન પદને સ્વીકારૂં અને કોઈવાર કાંઈ ભૂલચૂક થતાં કદાચિત આપનો કોપ થાય, તો કાં તો મારે દેશનો ત્યાગ કરવો પડે કાં તો પ્રાણની હાનિ આપવી પડે. એટલા માટે મારી ઇચ્છા છે કે, કોઈ અન્ય ગુણશીલ પુરુષને એ પદવી આપો. અગર તો હું તો જ્યારે કામ પડશે, ત્યારે મિત્ર તરીકે આપની સેવામાં હાજર રહેવાનો જ.”

રાજાએ પુનઃ આગ્રહ કરીને કહ્યું કે; “ મિત્રવર્ય ! અત્યારે આપણે કોઈવાર મળીએ છીએ, અને જો તું મારી સેવાને સ્વીકારીશ, તો આપણો એ નિમિત્તથી નિત્ય મેળાપ થતો રહેશે. માત્ર આ કારણથી જ હું તને પ્રધાનપદ સ્વીકારવાનો આગ્રહ કરૂં છું. દુષ્ટ, ઇર્ષાળુ અને અવિચારી અધિકારીઓ હતા તે સર્વને મેં કાઢી મૂક્યા છે અને અત્યારે મારી સભામાં જે પુરુષો વિરાજે છે તે સર્વ માયાળુ અને સદ્‌ભાવમંડિત પુરૂષો છે એટલે આપણા સ્નેહમાં ખંડ પડવાની લેશ માત્ર પણ ભીતિ નથી. તું મારો પરમ મિત્ર હોવાથી જો તારા પૂર્વે જ મરો દેહાંત થઈ જાય, તો તું જ રાજ્ય ચલાવીને મારા કુટુંબનું પાલનપોષણ કરજે અને જો મારા પૂર્વે તારો દેહાંત થશે, તો તારા કુટુંબના પોષણનો ભાર હું મારા શિરપર ઉપાડી લઈશ.”

રાજાનો આવી રીતે અત્યંત આગ્રહ થવાથી અંતે નિરૂપાય થઈને ઝવેરચંદે તે પદવી લેવાની હા પાડી; અને તેની હા થતાં જ રાજાએ તરત તેને સભા ભરીને પ્રધાનનો પોશાક આપ્યો અને તેને પ્રધાન તરીકે જાહેર કરી દીધો. ઝવેરચંદ ન્યાયશીલતા અને નમ્રતાથી પ્રધાનપદને ચલાવ્યે જતો હતો અને પ્રજામાં તે પ્રિય થઈ પડવાથી રાજાને પણ તેના પર વધારે ને વધારે પ્રેમ થતો જતો હતો. તેની આમ એકાએક અને અલ્પકાળમાં આટલી બધી ઉન્નતિ થઈ, એ જોઈને કેટલાક અદેખા અધિકારીઓના મનમાં દ્વેષ અને વિષાદનો ઉદ્‌ભવ થતાં તેઓ પોતપોતામાં એવા ઉદ્‌ગારો કાઢવા લાગ્યા કે;– “આ મૂર્ખ નવા રાજાએ બજારના એક વાણીયાને પકડી લાવી તેને પ્રધાનપદે ચઢાવીને આપણાં તો નાક કાપી નાંખ્યાં છે નાક ! હવે તો આપણે આપણી પ્રતિષ્ઠાને જાળવવા માટે અવશ્ય બની શકે તેટલી ત્વરાથી એને એના પદથી ભ્રષ્ટ કરવો જ જોઈએ !” આવા પ્રકારનો વિચાર કરી એક દિવસ એક અતિ સુંદર કન્યાનું ચિત્ર આલેખીને તેમણે રાજા આગળ રજૂ કર્યું અને કહ્યું કે;–“મહારાજ ! આ સિંહલદ્વીપની રાજાની કન્યા છે અને અદ્યાપિ કુમારિકા છે - એ કન્યા આપના અંતઃપુરને શોભાવવા યોગ્ય હોવાથી જ અમે તેનું આ ચિત્ર આપ પાસે લઈ આવ્યા છીએ, જો યત્ન કરશો, તો એ રમણીરત્ન અવશ્ય આપને પ્રાપ્ત થશે જ !”

એ ચિત્રને જોઈને તથા તેમની એ વાણીને સાંભળીને રાજાએ દરબાર ભરી પોતાના સર્વ વિશ્વાસપાત્ર અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું કે;-“સિંહલદ્વીપના રાજા પાસે જઈ મારા માટે આ કન્યાનું માગું કરવાનું કામ કોણ પોતાના માથાપર લેવાને તૈયાર છે ? જે કોઈ પણ આ કાર્ય કરી આવશે, તેને હું મોઢે માગ્યું ઈનામ આપીશ.” પરંતુ કોઈએ પણ એ કાર્યને પાર પાડવાની હામ ભીડી નહિં. કારણ કે, સિંહલ દ્વીપના રાજાપાસે જો કોઈ પણ તેની કન્યાનું માગું કરવાને જતું હતું, તો તેને રાજા પોતાની કન્યા પાસે મોકલતો હતો અને તે કન્યા પોતાની પાસે એક કળસૂત્રી પાનદાન હતું તે તેના હાથમાં આપીને કહેતી હતી કે;-“આમાંની પાનબીડી લઈ લ્યો !” અને તે પાનદાન હાથમાં લેતાં જ તેનું ઢાંકણું ફટાક દેતું કે ઊધડી જતું અને તેમાંનું ઝેર આંખમાં ઊડવાથી તે માણસની દૃષ્ટિ હમેશને માટે ચાલી જતી. આ ભયથી કોઈ પણ માણસ તેની પાસે જતું નહોતું. ત્યાંની આ પીડાને જોઈ ત્યાં જવાની કોઈની પણ હિંમત થતી નથી, એમ જોઈને રાજા તેના માટે અત્યંત શોક કરતો. છેવટે હૃદયની વ્યથા અસહ્ય થવાથી ખાટલામાં પડી ગયો. ધીમેધીમે તેનું શરીર એટલું સુકાયું કે સર્વ માંસનો લોપ થતાં માત્ર હાડકાંની ભારી જ બાકી રહી. એટલે પેલા અધિકારીઓ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે;– “મહારાજ ! જ્યારે આપને એ સ્ત્રી માટે આટલું બધું કષ્ટ થાય છે, તો આપનો મિત્ર અને આપણા રાજ્યનો મુખ્ય સચિવ ઝવેરચંદ મહાકુશળ પુરુષ હોવાથી તેને જ ત્યાં મોકલો એટલે તે અવશ્ય પોતાના ચાતુર્યથી એ કાર્યમાં વિજય મેળવી આવશે.” આ ઉપદેશ યોગ્ય લાગવાથી રાજાએ ઝવેરચંદને પોતા પાસે બોલાવીને કહ્યું કે;-“ મિત્ર ! મારા માટે ગમે તે જોખમ વેઠીને પણ એ સ્ત્રીને લઈ આવ, નહિ તો તેના વિરહમાં હું થોડા જ વખતમાં આ સંસારને સદાને માટે ત્યાગી જઈશ. તને આ કાર્ય માટે જેટલા દ્રવ્યની અગત્ય હોય, તે તું રાજભંડારમાંથી લઈ જા.” ઝવેરચંદે રાજાની એ ઇચ્છા જાણીને પોતાના મનમાં વિચાર કર્યો કે:-“ જે ભયથી હું પ્રારંભમાં જ પ્રધાનપદનો સ્વીકાર કરતો નહોતો, તે જ ભય અને તે જ સંકટ આજે મારાપર આવી પડ્યું છે. હવે જ્યારે સેવાનો સ્વીકાર કર્યો જ છે, તો પછી અમુક પ્રસંગે સ્વામીનું કાર્ય ન કરવું, એ તો અયોગ્ય જ કહેવાય. એકવાર મરવાનું તો અવશ્ય છે જ, તે પછી આજે જ મરણને સ્વીકારી લઈને કાર્ય કરવાની હામ ભીડવી જ જોઈએ; પછી ઇશ્વરની ઇચ્છા હશે તેમ થઈ રહેશે !”

આવા પ્રકારનો નિશ્ચય કરી રાજાની આજ્ઞા પ્રમાણે પુષ્કળ દ્રવ્ય લઈને પ્રધાન ઝવેરચંદ સિંહલદ્વીપમાં ગયો અને નગરની બહાર છાવણી નાંખી ત્યાંનાં ગરીબગુરબાને દ્રવ્યનું અતોનાત દાન આપ્યું. ત્યાર પછી આનંદથી રાજાનાં દર્શનનો લાભ લઈ તેને પણ ઉત્તમ વસ્ત્રાલંકારોનું નજરાણું કર્યું . એથી રાજાએ સંતોષ પામીને તેને તેનાં નામ, ગામ અને આવવાનું કારણ વગેરે પૂછ્યાં, એના ઉત્તરમાં પ્રધાન ઝવેરચંદે જણાવ્યું કે;–“હે પ્રભો ! હું શા કારણથી અહીં આવ્યો છું તે પોતાના પ્રાણના ભયથી કહી શકતો નથી. મારો જે ઉદ્દેશ છે તે આપે આ૫ના મનમાં જ સમજી લેવાનો છે; જો આ કાર્ય થઈ જાય, તો તેથી ઉભયપક્ષનું કલ્યાણ છે; કારણ કે, આવું ઉત્કૃષ્ટ સ્થળ વારંવાર મળી શકતું નથી.”

રાજા બહુ જ સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે;-“ વારૂ, ત્યારે અાનું ઉત્તર હું મારી કન્યા સાથે વાતચીત કર્યા પછી આપીશ.” આ વાર્તા સાંભળી નગરમાંના દીન અને ગરીબ લોકો પ્રધાનજીની ધાર્મિકતાનો વિચાર કરી ઈશ્વરને તેના વિજય માટે પ્રાર્થના કરવા લાગ્યા.

રાજાએ અંતઃપુરમાં જઈ સર્વ વૃત્તાંત કન્યાને સંભળાવી કહ્યું કે;-“પુત્રિ ! અત્યારે જ રાજાનું માગું આવ્યું છે, તે રાજા સર્વ રાજાઓ કરતાં મહાસુંદર અને ગુણવાન છે; તેમ જ તું પણ હવે તારુણ્યમાં આવી છે, તો હવે આ માગાનો સ્વીકાર કરી લે. તારી અપકીર્તિનો સર્વત્ર વિસ્તાર થએલો હોવાથી મરણના ભયને લીધે હવે કોઈ માગું લઈને આવે, એવો સંભવ જણાતો નથી. આ કારણથી જો આ રાજાના ગળામાં તું વરમાળા આરોપી દે, તો તેમાં તારૂં અને મારૂ ઉભયનું કલ્યાણ સમાયલું છે.” એના ઉત્તરમાં રાજકુમારીએ જણાવ્યું કે;– “પિતાજી ! તે માગું લાવનાર પુરુષને મારી પાસે મોકલી આપો, એટલે તેના ચાતુર્યની પરીક્ષા કર્યા પછી હું જે ઉત્તર આપવાનું હશે તે આપીશ.” રાજાએ પોતાના સેવક દ્વારા ઝવેરચંદને સંદેશો કહાવ્યો કે;-“તમે એકલા જ આ સેવક સાથે મારી કન્યા પાસે જાઓ એટલે તે પોતે જ તમને ઉત્તર આપશે.” આ સંદેશો સાંભળી પ્રધાન તરત તે સેવક સાથે રાજકન્યાના મહાલયમાં ગયો. રાજકન્યાએ તેનો સત્કાર કરીને તેને પોતાની પાસે બેસાડ્યો અને કુશળ સમાચાર પૂછી તે જ પાનદાન તેના હાથમાં આપીને કહ્યું કે;-“આમાંથી તાંબૂલ લઈ લ્યો !” એના ઉત્તરમાં પ્રધાને જણાવ્યું કે;-“બાઈ સાહેબ ! જ્યારે મારા રાજાની આજ્ઞા લઈને હું અહીં આવવાને નીકળ્યો ત્યારથી જ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે, જો આ કાર્ય સિદ્ધ થશે, તો જ તાંબુલ ભક્ષણ કરીશ, નહિ તો મરણ પર્યંત તાંબૂલને સ્પર્શ પણ કરીશ નહિ.” આ ઉત્તર સાંભળી રાજકુમારીએ કહ્યું કે;–“વારૂ ત્યારે અત્યારે તમે તમારી છાવણીમાં જાઓ અને હું પછીથી મારો મનોભાવ તમને જણાવીશ !” પ્રધાન પોતાની છાવણીમાં આવ્યો અને તેને સુરક્ષિતતાથી આવેલ જોઈને ગરીબ લોકોના મનમાં બહુ જ આનંદ થવા લાગ્યો.

ત્યાર પછી રાજકુમારીએ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે:- “પિતાજી ! જ્યારે આપની એવી જ ઇચ્છા છે, તો હું મારા સંતોષથી જ, તે રાજાના ગળામાં વરમાળા આરોપવાને પોતે જ ત્યાં જવાને તૈયાર છું, માટે મારી સાથે જે માણસોને મોકલવાં હોય તેમને તૈયાર કરો.” એથી રાજાને અત્યંત સંતોષ થયો અને તેણે પોતાના મુખ્ય સચિવ તથા બીજા કેટલાંક માણસોને સાથે આપી કન્યાને તે રાજા પાસે પહોંચતી કરી દીધી.

પ્રધાન ઝવેરચંદ પોતાની ઇચ્છા પ્રમાણેનું કાર્ય કરી આવ્યો એટલે સંતુષ્ટ થઈને રાજાએ તેને મોટાં મોટાં ઈનામો આપ્યાં અને તેનું બહુ જ ગૌરવ કર્યું ; એટલું જ નહિ, પણ આગળ કરતાં પણ તેનામાં વિશેષ પ્રેમ રાખી પોતાનો ખાનગી કાર્યભાર પણ બધો તેને જ સોંપી દીધો. ત્યાર પછી રાજાએ તે સિંહલદ્વીપની સુંદરી સાથે લગ્ન કર્યા અને રાજ્યનું કાર્ય પ્રધાનને સોંપી પોતે મહાલલયમાં જ આનંદવિલાસમાં અધિક સમય વીતાડવા લાગ્યો.

હવે પ્રધાનના દ્વેષ્ટાઓ વિચાર કરવા લાગ્યા કે;-“આ પ્રધાન એ રાજકુમારીના હાથે મરાઈ જાય અથવા તો એનાં નેત્રો ફૂટી જાય, એ ઉદ્દેશથી આપણે એને સિંહલદ્વીપમાં મોકલવાનો પ્રપંચ રચ્યો હતો, પરંતુ ત્યાંથી તો તે પોતાનું કાર્ય સિદ્ધ કરીને આવ્યો અને રાજાનો વિશેષ વિશ્વાસપાત્ર થયો, એટલે હવે એના નાશનો બીજો આપણે શો ઉપાય કરવો ?” છેવટે મશલત કરીને તેમણે રાજાના અંતઃપુરમાંના ખેાજાપર બસેં સેનામોહોરો એક દાસી દ્વારા મોકલી તે સાથે એક પત્ર પણ મોકલ્યું. તેમાં એમ લખવામાં આવ્યું હતું કે;–“સિંહલદ્વીપની રાજકન્યા પોતાના દેશમાંથી અહીં આવતી હતી એવામાં માર્ગમાં તે પ્રધાનજી પર મોહી પડી અને તે બન્નેનો પ્રેમસંબંધ થઈ ગયો; એમ અમારા જાણવામાં આવ્યું છે.” આવા પ્રકારની વાર્તા કોઈ ઉપાયે રાજાના કાને જાય, એવી યુક્તિ કરવી. અત્યારે એ મહેનતના બદલામાં બસેં મોહોરો છે અને કાર્યની સિદ્ધિ થશે, તો બીજી ત્રણસેં સોનામોહોર મોકલી આપવામાં આવશે !” એવી રીતે મોહોરો અને પત્ર લઈને દાસી અંત:પુરમાં ગઈ. તે વેળાએ તે ષંઢરાજ નિદ્રાને આધીન થયેલો હતો એટલે પત્ર ફોડીને દાસીએ વાંચ્યું અને પાછું બંધ કરીને ત્યાં રાખી દીધું. જ્યારે ખેાજો જાગૃત થયો ત્યારે તેને તે આપવામાં આવ્યું.

બીજે દિવસે પત્રમાં લખેલી બીના વિશે રાજમંદિરમાં દાસીઓ પોતપોતામાં સળવળાટ કરવા લાગી અને છેવટે એ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. એ વાર્તા રાજાને સત્ય લાગવાથી બીજો કાંઈ પણ વિચાર ન કરતાં પ્રધાનને બોલાવીને તેણે પૂછ્યું કે:-“પ્રધાનજી! જો કોઈ પુરુષે વિશ્વાસઘાત કરીને પોતાના અન્નદાતા સ્વામીની સ્ત્રી સાથે વિપરીત વ્યવહાર કર્યો હોય, તો તે અપરાધની તેને શી શિક્ષા મળવી જોઈએ વારું ?” નિષ્કપટતાથી પ્રધાને ઉત્તર આપ્યું કે, “મહારાજ ! એવા અધમ નરને તો પ્રાણાંત શિક્ષાજ મળવી જોઈએ.” આ ઉત્તર સાંભળી રાજાએ પોતાની કમરમાંથી કટાર કાઢીને તત્કાળ પ્રધાનની છાતીમાં ભોંકી દીધી, એટલે તેથી અતિશય વિવ્હળ થઈને પ્રધાન ભુમિ પર પડી ગયો અને બે હાથ જોડીને રાજાને કહેવા લાગ્યો કે;-“મહારાજ ! મારો જરા પણ અપરાધ ન છતાં આપે વિનાકારણ મારો ઘાત કર્યો છે. સ્વામીના હાથે મરણ થયું એ પણ મારા માટે તો એક રીતે સારૂં જ થયું છે ! પરંતુ મારા મરણ પછી પણ મારા વિશે આપના મનમાં જેમણે ખોટી શંકા ઉપજાવી હોય તેમને શોધી કાઢી તપાસ કરીને અપરાધીને શિક્ષા આપશો તો પવિત્ર ન્યાયદેવતા ઉપર આપનો મોટો ઉપકાર થશે; આ કારણથી જ પૂર્વે મેં પ્રધાનપદને સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ આપે આગ્રહ કરીને મારા પ્રાણ લેવા માટે જ મને એ પદવી આપી હતી, એમ આજે સિદ્ધ થયું. અસ્તુ. હવે મારી માત્ર એટલી જ યાચના છે કે, જે કારણ માટે આપે મારો જીવ લીધો છે, તેની બરાબર તપાસ કરજો એટલે પોતાની ભૂલ આપને અવશ્ય જણાઈ આવશે.” આટલી પ્રાર્થના કરીને તે સ્વામિનિષ્ટ પ્રધાન અને કલ્યાણકારક મિત્રે પોતાના પ્રાણનો તત્કાળ ત્યાગ કરી દીધો.

ત્યાર પછી રાજાએ એ વિષયની સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસ ચલાવી એટલે અમુક અધિકારીઓનો એ પ્રપંચ હતો, એમ સપ્રમાણ તેના જાણવામાં આવી ગયું. એથી રાજા અત્યંત ખેદ પામી પોતાના મિત્રના શબને આલિંગન આપી છાતીફાટ વિલાપ કરવા લાગ્યો અને જેમણે તે પત્ર લખાવ્યું હતું તથા જેણે લખ્યું હતું તે સર્વને ફાંસીને લાકડે લટકાવી દીધા.


વીરક્ષેત્રની સુંદરીની કથા

અનંગભદ્રા ! આટલી વાર્ત્તા કહીને મેં તે વીરક્ષેત્રની સુંદરીને કહ્યું કે;-“ભદ્રે ! એનો સારાંશ એટલો જ છે કે, એ રાજા જેવી રીતે મિથ્યા સંશય અને અવિચારથી પોતાના કલ્યાણેચ્છુ બાલસખાને એક ક્ષણ માત્રમાં પોતાના હાથે જ મારી નાખી અનિવાર્ય પશ્ચાત્તાપનો ભોક્તા થયો હતો, તે જ પ્રમાણે તારો મારામાં આટલો બધો અનુરાગ હોવા છતાં નિષ્ઠુર થઈને મારો ઘાત કરીશ, તો તને પણ તેવો જ પશ્ચાત્તાપ થવાનો. એટલા માટે વિચાર કરીને અત્યારે મને જવા દે, પછી તું જેમ કહીશ તેમ હું કરીશ !”

એ સાંભળીને તે સુંદરી કહેવા લાગી કે;-“તમારા માટે મારા પ્રાણ જાય છે, અને હું તમારા પ્રાણ બચાવું, એથી મને શો લાભ ? તમને બચાવવાથી પુણ્ય થવાનું નથી અને મારવાથી પાપ લાગવાનું નથી. બલ્કે, તમારા જેવા જે દુષ્ટ, સ્વાર્થસાધુ અને વિશ્વાસધાતક પુરુષ હોય તેમનો તો સ્ત્રીઓએ પોતાના કલ્યાણ માટે અવશ્ય ધાત કરવો, એવો જ મારો અભિપ્રાય છે.”


રક્તસેનની અાંતર કથા

રક્તસેને મદનમોહિની વેશ્યાને ઉપર પ્રમાણેની વાર્તા કહી સંભળાવી એટલામાં નગરનાં દ્વાર ઊઘાડવાની સૂચના આપનારી તોપ પડી; અને તે સાથે જ તે વેશ્યા રાજકુમારનું ગળું કાપવાને એક પગે તૈયાર થઈ ગઈ, પણ એ ક્ષણે જ દૈવયોગે તેના મિત્ર પ્રધાનપુત્રે બહારથી રાજકુમારને મોટે સાદે હાંક મારવાથી તેનો અવાજ સાંભળતાં જ વેશ્યાના હાથમાંની તલવાર નીચે પડી ગઈ, અને તેની જિવ્હા શુષ્ક થવા સાથે તેના શરીરમાં ભયંકર કંપનો આવિર્ભાવ થવા લાગ્યો. તે બન્ને હાથ જોડી રાજકુમારને પ્રાર્થના કરવા લાગી કે;-“મહારાજ ! જો અત્યારે મારા આ અન્યાય અને અત્યાચારની ક્ષમા આપી મારા પ્રાણ બચાવવાનું વચન આપતા હો, તો હું તમને છોડવાને તૈયાર છું. નહિ તો અત્યારે જ તમારા પ્રાણ લઈશ અને સાથે મારા પોતાના પ્રાણનો પણ ભોગ આપીશ. કારણ કે, તમે આ બંધનથી મુક્ત થતાંની સાથે અમસ્તા પણ મારા પ્રાણ તો લેવાના જ. આમ હોવાથી તમને મારીને પોતાને હાથે જ મરી જવું, એ વધારે સારૂં છે !” વેશ્યાના આવા ઉદ્દગારો સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યો કેઃ–“પ્રિયે ! હું તારામાં આટલો બધો લંપટ હોવા છતાં તને હું મારી નાખીશ એ કલ્પના જ તારા મનમાં કેમ આવી શકે છે, તે હું સમજી શકતો નથી. તારે એ વિશે પોતાના ચિત્તમાં જરા પણ ચિંંતા ન રાખવી; જા, જીવ અને સદા સુખ ભોગવતી રહે !”

રાજકુમારનાં આવાં વાક્યો સાંભળી મદનમોહિનીએ તેના બંધ છોડી નાખ્યા, તેને તાંબુલ આપી પલંગ૫ર બેસાડ્યો અને પછી દ્વાર ઉધાડીને પ્રધાનપુત્રને અંદર આવવા દીધો. થોડીકવાર સુધી બન્ને મિત્રોનું સંભાષણ અને છેવટે મદનમોહિનીની કૃપા મેળવીને તેઓ પોતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા.

રાજકુમાર રક્તસેન હૃદયમાં અતિશય પશ્ચાત્તાપ પામીને મનમાં જ કહેવા લાગ્યો કે, “હે દેવાધિદેવ ! આજે તેં મને એક મહા ભયંકર પ્રાણહારક સંકટમાંથી બચાવ્યો છે, એ મારા પર મહદુપકાર થયેલો જ કહી શકાય. હવે કૃપા કરીને મને આવી દુષ્ટ બુદ્ધિ કદાપિ આપીશ નહિ !” આવી પ્રાર્થના કરીને તેણે ગરીબગુરબાને પુષ્કળ દાન આપ્યાં અને પછી તે વિશ્વાસઘાતિની વેશ્યાનો તત્કાળ ત્યાગ કરી ભાવિ અનર્થપાતને અટકાવી દીધો. રાજપુત્ર પોતાની નગરીમાં પાછો ફર્યો અને પિતાના મરણ બાદ રાજ્ય કરવા લાગ્યો.


વીરક્ષેત્રની સુંદરીને સદુપદેશ

અનંગભદ્રા ! રક્તસેન રાજકુમારની વાર્તા સમાપ્ત કરીને મેં તે સુંદરીને કહ્યું કે;-“રમણી ! આવી રીતે લોભી, કેફી, જાર, ચોર, જુગારી અને બુભુક્ષિતો સદા સર્વકાળ પોતાના જીવપર ઉદાર અને નિર્ભય થએલા જ હોય છે. અત્યારે મેં તને જે દૃષ્ટાંતસૂચક છ વાર્તાઓ કહી સંભળાવી છે તે સર્વનો વિચાર કરીને તું અત્યારે મને જવા દે. નહિં તો મને મારીને તું પોતે પણ મરાઈ જઈશ, એટલા માટે નિર્દયતાને ત્યાગીને ઉભયના પ્રાણ બચાવવાની યોજના કર. એટલા માટે પતિના ગૃહમાં રહી મરણપર્યન્ત ધનસંપત્તિનું સુખ ભોગવ, એજ તારા માટે વિશેષ કલ્યાણકારક છે. જે મનુષ્ય કામાધીન થાય છે અને પ્રતિદિન ચોરીછુપીથી કુકર્મ કર્યા કરે છે, તે કોઈ દિવસે પણ પકડાઈને નષ્ટ થઈ જાય છે. આ આપણું ગુહ્ય વ્યભિચાર કર્મ હજી કોઈના જાણવામાં આવ્યું નથી, એટલે ન્હાસ- ભાગની કલ્પના પણ કરીશ નહિ; નહિ તો પરિણામ એ જ આવશે કે, કાં તો બન્નેના પ્રાણ જશે કે કાં તો આબરૂને હમેશને માટે બટ્ટો લાગી જશે. સારાસારનો વિવેક કરી મનનો સંયમ કર. પ્રિયે ! મનુષ્ય તો શું, પણ આ વ્યભિચારથી દેવાદિકોનો પણ નાશ થઈ ગયો છે ! એ વિશેનાં પુરાણ અને ઇતિહાસમાં અનેક ઉદાહરણો મળી આવે છે તે આ પ્રમાણે;–