વીરક્ષેત્રની સુંદરી/વ્યભિચારિણી વારુણી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← વિવરસ્થ વનિતા વીરક્ષેત્રની સુંદરી
વ્યભિચારિણી વારુણી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
ચંદુલાલ અને બાજપક્ષી  →


વ્યભિચારિણી વારુણીની વાર્તા

પૂર્વે રત્નાવતી નગરીમાં ધર્મકાન્ત નામનો એક ધનાઢ્ય વ્યાપારી વસતો હતો. તેની વારુણી નામની સ્ત્રી અત્યંત વ્યભિચારિણી હોવાથી તેને સંતતિ થતી ન હતી. તેના પતિએ અગણિત દ્રવ્ય ખર્ચીને તીર્થયાત્રા આદિ કરી, પણ તેનું કાંઈ પણ ફળ ન મળવાથી અંતે નિરાશ થઈને બેસી રહ્યો. ત્યારપછી એક દિવસ વારુણી પોતાના પતિને કહેવા લાગી કે –“અહીંથી બાર ગાઉ ઉપરના પર્વત પર જગદંબા દેવીનું મંદિર છે, તેની માનતા માનવાથી અને તેને નૈવેદ્ય ચઢાવવાથી સંતતિ અવશ્ય થાય છે, એવો ઘણાકોને અનુભવ મળ્યો છે. એટલા માટે મારો એવો વિચાર છે કે, આપણે પણ ત્યાં જઈએ અને દેવીને નૈવેદ્ય ચઢાવી સંતાનસુખ મેળવીએ.” પોતાના પતિને એવી ભુલથાપ આપી ઘરમાંનાં મૂલ્યવાન રત્નો, અને સુવર્ણાલંકાર ઇત્યાદિ પોતાના જારના હાથમાં સોંપી માર્ગમાં ક્યાંય પણ લાગ જોઈને પતિને પરલોકમાં પહોંચાડી દેવાનો તેણે સંકેત કર્યો અને પાતાના તે દુષ્ટ હેતુને પાર પાડવા માટે તે પતિને આડી વાટોમાંથી લઈ ચાલી. અડધો માર્ગ કપાયો ત્યાં સૂર્યનો અસ્ત થયો અને તેવામાં વળી તે સ્ત્રીએ એવો ઢોંગ કર્યો કે;-“મારા પગમાં જબરો કાંટો પેસી ગયો છે એટલે મારાથી એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી !” પતિ તેને ખભે બેસાડીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. એવા માં લગભગ દોઢ પ્રહર જેટલી રાત થવા આવી. તે વેળાએ તે સ્ત્રીએ કહ્યું કે;–“મને બહુ જ તરસ લાગી છે, મારા પ્રાણ નીકળી જાય છે, માટે ગમે ત્યાંથી પાણી લાવો અને મને પીવડાવો !” માર્ગથી જરાક દૂર એક કૂવો હતો ત્યાં ધર્મકાન્ત પોતાની પત્ની સહિત ગયો અને દોરી લોટો સાથે હોવાથી કૂવામાંથી પાણી કાઢીને પ્રથમ તેણે તે સ્ત્રીને પીવા માટે આપ્યું. ત્યાર પછી તે સ્ત્રી આમતેમની કેટલીક વાતો કરીને વખત વીતાડી પોતાના યારના આવવાની વાટ જોવા લાગી, પરંતુ તે આવ્યો નહિ એટલે જતી વેળાએ પાછું તેણે પાણી માગ્યું. ધર્મકાન્ત પાણી કાઢતો હતો એટલામાં ધીમેથી તેની પાછળ જઈ તે પાતકી પ્રમદાએ પતિના બન્ને પગ પકડીને તેને ઊંધે માથે કૂવામાં નાખી દીધો, અને ઉપરથી મોટા મોટા પત્થર નાખીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી જ્યારે તેનો યાર આવી લાગ્યો એટલે તેને તેણે પોતાની વીરતાનો ઇત્થંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો. વારુણી અને તેનો જાર ત્યાર પછી ત્યાંથી બીજા કોઈ દેશમાં ચાલ્યા જવા માટે નીકળ્યાં. તેઓ ચાલ્યાં જતાં હતાં એવામાં કર્મધર્મ સંયોગે અચાનક વારુણીના કેટલાક આપ્તજનો બીજે ગામથી વળ્યા હતા તે માર્ગમાં મળી ગયા અને તેમણે તેને પૂછ્યું કે;–“તમે આ પારકા પુરુષ સાથે ક્યાં જાઓ છો ?” તત્કાળ કાંઈ ઉત્તર ન સૂઝવાથી તે પાપિની ગભરાઈ ગઈ અને તેથી શક પડતાં તેને તથા તેના જારને બાંધીને તેમણે ખૂબ મેથીપાક જમાડ્યો. ચૈાદમા રત્નના પ્રતાપે તે બન્નેએ પોતાના પાપકર્મનો સ્વીકાર કરવાથી તે આપ્તજનોએ તે બન્નેને ત્યાંનાં ત્યાંજ ઠાર કરી નાખ્યાં. અર્થાત્ હે વારાંગને ! જો તું અત્યારે મને મારી નાખીશ, તો તારી પણ અવશ્ય એવી જ દશા થવાની; કારણ કે, પ્રાત:કાળ થતાં ફોજદાર ચારે તરફ ઘોડેસવારોને દોડાવીને તને અને તારા બાપને પકડી મંગાવશે અને બન્નેને યમલોકના માર્ગમાં પઠાવી દેશે. એટલા માટે દયામયી થઈને મને જીવનદાન આપ-એમાં જ તારૂં કલ્યાણ સમાયલું છે.

એ પ્રમાણેનું રક્તસેનનું ભાષણ સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;–“આજ સુધીમાં મેં તારા જેવા શતાવધિ પુરુષોને પરલોકમાં પહોંચાડી દીધા છે, ત્યાં તારા એકલાની શી કથા વારૂ ?" એ ઉત્તર સાંભળીને રાજકુમાર પુનઃ આર્જવતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે;-“હજી રાત ઘણી બાકી છે, એટલે હું તને એક બીજી કથા સંભળાવું છું તે સાંભળી લઈને જો દયા આવે, તો મને જીવતો રાખજે; નહિ તો પછી મરણ તો આજે મારા ભાગ્યમાં લખાયલું છે જ.” મદનમોહિની ઊઠી હતી તે પાછી નગ્ન અસિને હસ્તમાં રાખી બાજઠ પર બેસીને કહેવા લાગી છે;–“વારૂ-સંભળાવ તે કથા શીધ્રતાથી; વિશેષ વિલંબ ન કરીશ !” અનુમતિ મળતાં રાજકુમારે નીચેની કથાનો આરંભ કર્યો;–