વીરક્ષેત્રની સુંદરી/ડો. રામચંદ્રનો પરિચય અને અનુભવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વીરક્ષેત્રની સુંદરી
ડો. રામચંદ્રનો પરિચય અને અનુભવ
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
ડો. રામચંદ્રનો અનંગભદ્રાને બોધ  →




રતિનાથની રંગભૂમિ
અથવા
ચપલા ચરિત્ર ચંદ્રિકા


ઉ પો દ્ ઘા ત
ડૉ. રામચન્દ્રનો પરિચય અને અનુભવ

"स्त्रियश्चरित्रं पुरुशस्य भाग्यं ।
देवि न हानाति कुतो मनुष्य: ॥"

“स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा ।

साहसं षड्गुणं चैव कामश्चाश्टगुणः स्मृतः ॥"

આ ગ્રંથ રચવાનું મૂળ કારણ એવું છે કે, પૂર્વે હું સિંધ હૈદરાબાદના રાજયકર્તા મીરસાહેબની તહેનાતમાં હતો, તે વેળાએ ત્યાંના વ્યાપારી-સોદાગર-ની અનંગભદ્રા નામની એક મહારૂપવતી અને તરુણી કન્યા હતી. એ રમણીનો તેના પતિએ બહુ દિવસથી તિરસ્કાર કરેલો હોવાથી તે મદનજ્વાળાથી પીડિત થઈને વિષયસુખનો યથેચ્છ અનુભવ લેવા માટે કોઈ બીજા દેશમાં નીકળી જવાને તૈયાર થઈ ગઈ. તે સમયમાં મેં તેને પ્રાચીનકાળમાં કેટલીક ખરેખરી બનેલી અને કેટલીક સ્વકપોલ કલ્પિત મનોરંજક તેમજ કેટલીક અનેક ધર્મોમાંની ઉપદેશમયી વાર્ત્તાઓ કહી સંભળાવવાનો આરંભ કર્યો, તે સાંભળવા માટે અનંગભદ્રા નિત્ય દોઢ પ્રહર રાત્રિ જતાં ગુપ્તતાથી મારે ઘેર આવતી હતી અને પ્રભાતમાં પાછી ચાલી જતી હતી. એવી રીતે ત્રણ વર્ષ પર્યન્ત મેં તેને અખંડ બોધામૃતનું પાન કરાવ્યું અને તેથી ઇશ્વરભજનમાં નિમગ્ન થઈ ગઈ, એજ પ્રમાણે અન્ય અબળાઓ પણ આ ગ્રંથ વાંચશે કિંવા એમાંની કથાઓ પરિણામના વિચાર સહિત સાંભળશે, તો અવશ્ય તેમનાં હૃદય સન્માર્ગમાં પ્રેરાશે; એવા ઉદ્દેશથી જ મેં આ ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથમાં વ્યભિચાર- વિષયક કથાઓ કહીને તેમનાં પરિણામો અત્યંત દુ:ખદાયક દર્શાવેલાં છે, અને અંતે તાત્પર્યમાં મહાઉત્તમ બોધ આપેલો છે.

આ કથાઓને પ્રકાશમાં લાવવાનું માત્ર એ જ એક કારણ છે કે, આજસુધીમાં આ ભૂમંડળ પર અનેક જનો વિષયાસક્ત થઈને અનેક અનર્થોને પાત્ર થયા છે; અર્થાત્ પ્રબળ કામવિકારના યોગે કેવા અને શા શા અનર્થો થયા છે અને તેમનાં પરિણામ કામવિકારીઓને શાં ભોગવવાં પડ્યાં છે, એનો ગુપ્ત સાર લોકોના જાણવામાં આવી શકે અને તેઓ સન્માર્ગગામી થાય. પ્રસ્તુત પુસ્તકમાં વનિતાવિકારવિષયક જે વાર્તાઓ આપવામાં આવી છે તેમના વાંચનથી પ્રતિક્ષણે તજ્જન્ય દુઃખોનું સ્મરણ થતાં તરુણો અને વૃદ્ધો એ દુરાચારથી દૂર રહે, એવા સંભવ હોવાથી આબાલવૃદ્ધે દીર્ઘ દૃષ્ટિ રાખીને આ ગ્રંથનો સંગ્રહ કરવો એટલે સારૂં શું છે અને નઠારૂં શું છે તેમજ નીતિ શી છે અને અનીતિ શી છે, એ તત્કાળ તેમના જાણવામાં આવી શકશે, કદાચિત્ કોઈ કહેશે કે, આવાં પુસ્તકો વાંચવાથી બુદ્ધિમાં વિકાર થવાનો સંભવ છે, તો ભાઈરે ! જ્યાં સુધી તમે આવાં પુસ્તકો વાંચ્યાં નથી, ત્યાં સુધી જગત્‌માં નઠારી વસ્તુ છે શી, એ તમારા જાણવામાં ક્યાંથી અને કેમ કરીને આવી શકશે વારૂ ? અને જો એ જાણવામાં નહિ આવે, તો તેવા નઠારા વિકારથી તમારા અંત:કરણની પરાવૃત્તિ કેવી રીતે થવાની ? એ તો એક સાધારણ અને સર્વમાન્ય સિદ્ધાન્ત છે કે, 'અનુભવ લીધા વિના પશ્ચાત્તાપ થતો નથી !' એટલા માટે આવાં પુસ્તકો અવશ્ય સર્વ સ્ત્રીપુરુષોએ વાંચવાં જ જોઈએ; અસ્તુ.

એ પછી ત્યાંના-હયદરાબાદના મુખ્ય નવાબ મીર નૂર મહંમદ ખાનબહાદુરને દુર્ભાગ્યવશતાથી ભગેન્દ્ર રોગ થયો અને તે સાથે અર્શોવ્યાધિ તથા સંગ્રહણીનો ઉપદ્રવ પણ ઉદ્દભવ્યો. એથી એ રાજ્યકર્ત્તા બહુ જ વ્યાકુળ રહેવા લાગ્યા. તે રોગને સત્વર મટાડવા માટે વારંવાર ઐાષધોપચાર કરવા માટે હું તેમની પાસે રહ્યો હતો. એક દિવસે નિશાનો એક પ્રહર વીત્યા પછી મને મીર સાહેબે કહ્યું કે:- “ડોકટર રામચંદ્ર ! મારા ચિત્તમાં અત્યારે અતિશય ઉદાસીનતા થયા કરે છે, માટે જો મનોરંજન માટે કોઈ સારી વાર્તા કહી સંભળાવો તો મોટો આભાર.” એટલે મેં અનંગભદ્રાને ચપળાચરિત્રની જે કથાઓ સંભળાવીને એક મોટા ગ્રંથની રચના કરી હતી, તેમાંની નિત્ય એક એક કથા સંભળાવી હું મીર સાહેબના મનને રંજિત કરવા લાગ્યો. અને રોગના પરિહાર માટે અનેક પ્રકારનાં ઔષધો પણ આપ્યાં. તથાપિ તેના રોગમાં કાંઈ પણ ઘટાડો થયો નહિ. અંતે તેના સ્વર્ગવાસનો સમય સમીપ આવી લાગ્યો, એટલે મેં તેને પ્રાર્થના કરીને કહ્યું કે;–“ખુદાવન્દ ! આ માનવલોકમાં આવીને પર લોકનાં સાધન માટે આપે પુષ્કળ દાનધર્મ આદિ કરીને જે પુણ્યનો સંગ્રહ કરેલો છે, તેના યોગે આપને સ્વર્ગ મળશે કે નરક એ તો પરમાત્મા જાણે! પરંતુ આપના પરલોકવાસ પછી અહીંના લોકોને દીર્ઘકાળ પર્યન્ત આ૫નું જેનાથી સ્મરણ રહે, એવું કાંઈ પણ મહત્ કૃત્ય નથી કર્યું', એ મહા અનુચિત છે. એટલા માટે જેના યોગે આપની કીર્તિ આપની પાછળ સદા અવિચળ રહે, એવું કાંઈ કાર્ય કરી જાઓ તો વધારે સારું.” મારી આ પ્રાર્થના સાંભળીને મીર સાહેબે મને પૂછ્યું કે:- “ડૉક્ટર ! આપ જે કીર્તિને માટે કહો છો તે શી છે અને કેવી રીતે કરવી, એ મને જરા સમજાવીને કહો, મને એ વિશેનો યોગ્ય માર્ગ બતાવશો ?”

જવાબમાં મેં જણાવ્યું કે;–“ગરીબપરવર ! પ્રથમ દૈવિક કીર્ત્તિ છે; દૈવિક કીર્તિ એટલે સંસારથી વિરક્ત થઈ ઈશ્વરની દૃઢતમ ભક્તિ કરવી તે ! એના યોગે ઈશ્વરની કૃપા મેળવી મુક્તિના ભાગમાં જવું અને બીજાને પણ બોધ આપી આ અગાધ સંસાર સાગરને તરી જવું, એ છે. એવા પુરૂષોની સાધુજનોની માલિકામાં ગણના થાય છે અને તેઓ કીર્તિ રૂપે આ વિશ્વમાં અનંતકાળ પર્યન્ત વિદ્યમાન જ રહે છે ! બીજી કીર્તિ તે રાજકીય કીર્તિ છે એટલે કે, આપના જેવા ભૂપતિ પોતાના પરાક્રમથી અનેક બળવાન રાજાઓ સાથે યુદ્ધ કરી અનેક રાજ્યોને સ્વાધીન કરે છે; અને તેના યોગે તેમનાં નામનાં પુસ્તકો લખાતાં તેઓ પણ એ કીર્તિના યોગે અમર થઈ જાય છે. ત્રીજી કીર્તિ તે વૈદિક કીર્તિ છે; એટલે કે, કોઈ બુદ્ધિમાન મનુષ્ય લોકહિતાર્થ ઉત્તમ, બોધિકારક અને લોકમાન્ય ગ્રંથની રચના કરીને લોકોને સન્માર્ગમાં પ્રવૃત્ત કરે છે. એવા ગ્રંથકાર્યની કીર્ત્તિ દિગંતમાં વ્યાપીને તેમના ગ્રંથો જ્યાં સુધી આ પૃથ્વીમાં અસ્તિત્વ ધરાવે છે, ત્યાં સુધી તેઓ અસાર અને અશાશ્વત સંસારને ત્યાગી જવા છતાં કીર્તિ રૂપે જીવતા જ હોય છે. ચોથી કીર્તિ, 'સામાન્ય કીર્ત્તિ'ના નામથી ઓળખાય છે. એટલે કે, લોકોના ઉપકારને માટે દેવાલય, મસ્જિદ, ધર્મશાળા, કૂપ, તળાવ અને કિલ્લા ઇત્યાદિ બંધાવીને કીર્તિ મેળવવી તે. અર્થાત્ જ્યાં સુધી એ લોકસુખનાં સાધનો અવિચળ રહે છે, ત્યાં સુધી તે બંધાવનારની નામના પણ આ જગતમાં કીર્ત્તિરૂપથી અવિચળ રહે છે. આમાંની કોઈ પણ એક કીર્તિને પ્રાપ્ત કરીને સ્વર્ગમાં પ્રયાણ કરવું, એજ આપના માટે વિશેષ હિતાવહ છે.”

મારી આ વાણીને સાંભળી મીરસાહેબ પશ્ચાત્તાપ પામીને કહેવા લાગ્યા કે;–“ડૉકટર ! મેં આજસુધીમાં અસંખ્ય દ્રવ્ય સંપાદન કરીને અનેક ક્ષણિક વિલાસ ભોગવ્યા; પણ એમાંની એક પણ કીર્તિ મેળવી નહિ. પશુ પ્રમાણે વિષયસુખમાં લંપટ થઇને સમસ્ત આયુષ્યને વ્યર્થ ખોઈ નાખ્યું ! હવે મારો અંતકાળ સમીપ આવી લાગ્યો છે, એટલે હવે મારા હાથે એવાં સત્કૃત્યો ક્યાંથી થઈ શકે વારૂ ?”

એ પ્રમાણે ખેદ કરીને તેમણે પોતાના કનિષ્ટ બંધુ મીર નસીરખાન બહાદુરને પોતા પાસે બોલાવીને કહ્યું કે;–“હું તે હવે સત્વર જ પરલોકવાસી થવાનો, એટલે મારા મરણ પછી મારા કુટુંબની અને આ રાજ્યની સારી રીતે સંભાળ રાખજે. અને ખજાનામાં જે અગણિત ધન ભરેલું છે, તેમાંથી જોઈએ તેટલું ધન ખર્ચીને મારા નામનું એક મોટું તળાવ બંધાવજે.” બંધુને આવી આજ્ઞા આપીને તેમણે પોતાના પ્રાણનો પરિત્યાગ કરી દીધો.

અહીં આ વાર્તા કહેવાનું પ્રયોજન એ જ કે, પ્રસ્તુત પુસ્તકમાંની સર્વ કથાઓ મીરસાહેબે સાંભળી હતી અને તે તેમને અપૂર્વ ભાસવાથી એ માટે તેમણે મને અનેક ધન્યવાદ આપ્યા હતા. તેમના એ ધન્યવાદથી આ ગ્રંથને છપાવી પ્રકટ કરવા માટેના ઉત્સાહનો મારા હૃદયમાં સંચાર થયો.

આ પુસ્તકમાંની કથાઓમાં એટલું બધું રહસ્ય સમાયલું છે કે, તેમનું અનેક વાર વાચન કરવા છતાં મનની તૃપ્તિ થઈ શકતી નથી, જો કોઈ સુખવસ્તુ મનુષ્યને ઉદ્યોગના અભાવથી સમય ન જતો હોય, તો તેણે અથવા કોઈ સંકટના યોગે જેને ઉદાસીનતા પ્રાપ્ત થએલી હોય તેણે આ ગ્રંથનું મનનપૂર્વક વાચન કરવું એટલે એથી મનોરંજન અને જ્ઞાન ઉભયનો એક સમયાવચ્છેદે લાભ મળશે.