વીરક્ષેત્રની સુંદરી/રાજકુમાર રક્તસેન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મદિરાક્ષી વીરક્ષેત્રની સુંદરી
રાજકુમાર રક્તસેન
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વિવરસ્થ વનિતા  →


રાજકુમાર રકતસેનની કથા

સુંદરી ! પૂર્વે કાશ્મીર દેશમાં સંજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને એક પુત્રનો ઈશ્વરકૃપાથી લાભ થયો અને તેનું રક્તસેન નામ રાખી રાજાએ મોટો ઉત્સવ કર્યો, ત્યાર પછી જેમ જેમ તે રાજ કુમાર વયમાં મોટો થતો ગયો, તેમ તેમ અનુક્રમે સર્વ વિદ્યાકળામાં પણ નિપુણ થવા લાગ્યો. વયમાં આવ્યા પછી એકવાર રાજકુમારના મનમાં એવો વિચાર આવ્યો કે;–“જ્યાં સુધી મારા પિતાજી હયાત છે અને રાજ્ય તથા સ્ત્રી સંતાન આદિને સંભાળવાનો ભાર મારા માથા પર નથી આવી પડ્યો, ત્યાં સુધીમાં પ્રવાસ કરીને સર્વ દેશો જોઈ આવીએ તો સારૂં. નહિ તો આ બધો ભાર માથા પર આવી પડ્યા પછી આ મનની આશા મનમાં જ રહી જશે.” એ પછી પોતાનો એ વિચાર પિતાને જણાવીને તેણે તેની પાસેથી પ્રવાસમાં જવાની આજ્ઞા માગી. પિતાનો એ એક જ પુત્ર હોવાથી તેની એવી આજ્ઞા આપવાની હિંમત ચાલી નહિ; પણ પુત્રનો અત્યંત હઠ જોઈને છેવટે સાથે બહુ દ્રવ્ય અને મોટી ફોજ આપીને તેણે રાજકુમારને પ્રવાસ કરવાની આજ્ઞા આપી. એ વેળાએ રાજકુમારે કહ્યું કે;-“પિતાજી ! જો આ સેના આદિ સાથે હશે, તો મારાથી સત્વર આવી શકાશે નહિ, માટે મને એકલા જવાની જ અનુમતિ આપો.” રાજાએ કહ્યું કે;-“વત્સ ! પ્રવાસમાં પગે ચાલવું અને પોતાના હાથે ભોજન બનાવીને ખાવું, એ તારા જેવા સુખી રાજકુમારથી બની શકવાનું નથી. જો માણસો સાથે હશે, તો તું સર્વ પ્રકારે સુખી રહીશ.” રાજકુમારે નાના પ્રકારે પિતાને સમજાવી સાથે બહુ દ્રવ્ય લઈને છેવટે એકલા જ અશ્વારૂઢ થઈને પ્રવાસનો આરંભ કરી દીધો. નીકળતી વેળાએ તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે,- “કદાચિત માર્ગમાં આ દ્રવ્ય લૂટારાઓ લૂટી જશે, તો મારે ભૂખે મરવું પડશે.” એ કારણથી પોતાના રાજકોષમાં જૂના વખતના પૂર્વજોના બે મહામૂલ્યવાન્ લાલ હતા, તે તેણે પોતાની સાથે લઈ લીધા અને તે લુટારાઓના હાથમાં ન જાય એટલા માટે પેાતાની બન્ને જંઘાઓને ચીરી તેમાં તેણે તે લાલોને છુપાવી રાખ્યા અને ચામડીને શીવી લઈ મલમથી ઘાને રૂઝાવીને તે પ્રવાસ માટે નીકળી પડ્યો.

રાજકુમાર પ્રવાસ કરતો અનેક દેશોનું અવલોકન કરતો ચાલ્યો જતો હતો એવામાં કેટલાક દિવસ પછી માર્ગમાં રાજધાનીનું એક નગર આવ્યું અને ત્યાં જઈને તે ધર્મશાળામાં ઊતર્યો. લગભગ એક પ્રહર રાત્રિ વીતી હશે તે વેળાએ એક તરુણ અને અત્યંત રૂપવતી વેશ્યા સોળ શૃંગાર સજીને પોતાના પ્રિયકરને ઘેર જતી હતી. તેના પગમાંના ઝાંઝરના ઝમકાર રાજકુમારના કાનોમાં આવી અથડાયો અને તે સાંભળતાં જ રાજકુમાર મોહમુગ્ધ થઈ ગયો. તેને કુલીન કામિની ધારીને 'જો મને એકવાર એ સુંદરીના સમાગમનો લાભ મળે, તો અહોભાગ્ય !' એવા પ્રકારની આશાને તે હૃદયમાં ધારણ કરવા લાગ્યો. કેટલીકવાર પછી તે જ વેશ્યા તેનો પ્રિયકર ન મળવાથી પાછી પોતાનાં ઘર તરફ જતાં એ જ માર્ગમાં થઈને નીકળી. રાજકુમારે મદનાતુર થઈને સંકેતથી તેને પોતા પાસે બોલાવી અને તેના આશયને જાણી જઈને ચતુર વેશ્યા તત્કાળ આવીને તેના આસન પર બેસી ગઈ. રાજકુમારે તેનો તાંબૂલ આદિથી બહુ જ સારો સત્કાર કર્યો. તેને ચિકાસદાર અને સાથે મદનમૂર્તિ જોઈને વેશ્યા કહેવા લાગી કે:- “સ્વામિન્ ! આ ધર્મશાળામાં પડીને દુ:ખ ભોગવો છો, તેના કરતાં મારૂં ઘર પાસે જ છે, ત્યાં પધારો, તો આપને સર્વ પ્રકારનાં સુખો ! મળી શકશે.” રાજકુમાર કામાતુર થએલો જ હતો અને વળી રમણીએ પોતે આવો આગ્રહ કર્યો એટલે તે તત્કાળ અશ્વારૂઢ થઇ પોતાના સર્વ સાહિત્ય સહિત તે વેશ્યાના વિલાસમંદિરમાં ચાલ્યો ગયો.

તે બહુ દિવસ તે વેશ્યાના મંદિરમાં રહ્યો અને વેશ્યા તેને તેની ઇચ્છા પ્રમાણેનો વિષયરસ ચખાડી તેના ધનનું ધીમે ધીમે હરણ કરતી ગઈ. તેના સર્વ ધનનો વ્યય થઈ ગયો છતાં તે સાવધ ન થયો. એક દિવસ તે રાજકુમાર નગ્ન સ્નાન કરતો હતો એવામાં તેની જંધા- ઓને સીવેલી જોઈને તે વેશ્યાના મનમાં વિકલ્પનો સંચાર થયો. તે રાત્રે રાજપુત્ર નિદ્રાધીન થવા પછી તે સ્થળે હાથ ફેરવીને જોતાં તે ભાગ કઠિન દેખાયો, એટલે બીજે દિવસે તે મોહિનીએ પૂછ્યું કે;– “તમારી જંધાઓના અમુક ભાગો બહુ જ કઠિન છે તેનું શું કારણ , વારૂ ?” લંપટતામાં જ્ઞાનભાનને ભૂલી ગએલા ભોળા રાજકુમારે લાલ છુપાવ્યાનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે વેશ્યાએ તરત પોતાની નથમાં નાખવા માટે તેમાંના એક લાલની માગણી કરી. રાજકુમારે કહ્યું કે;–“આવતી કાલે કોઈ સારા શસ્ત્રવૈદ્યને બોલાવી આ ભાગને કપાવીને તને એક લાલ હું કાઢી આપીશ.” એમ કહીને તે ભેાજન કરવાને બેઠો. રાત્રે તે મહા પશ્ચાત્તાપ પામીને પોતાના મનમાં જ કહેવા લાગ્યો કે;–“હવે જો હું વેળાસર સાવધ નહિ થાઉં, તો અવશ્ય આ વેશ્યા મારા પ્રાણનો ઘાત કરી નાખશે.” આવો નિશ્ચય કરી બીજે દિવસે વૈદ્યને ઘેર જવાનું નિમિત્ત કરી તે પોતાના અશ્વ પર આરૂઢ થયો અને વૈદ્યને ત્યાં જવાની તૈયારી કરવા લાગ્યો. તે મદનમોહિની વેશ્યાએ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે;–“તમે છુપાઈને આ પ્રવાસીની પાછળ પાછળ જાઓ અને એ જ્યાં મુકામ કરે ત્યાંથી તે જોઈ તરત પાછા આવીને મને એના સમાચાર આપો.” એમ કહી પ્રવાસના ખર્ચ માટે પૈસા આપી તેણે પોતાના પિતાને રાજકુમારની પાછળ રવાના કરી દીધો.

રાજકુમાર ત્યાંથી અશ્વને વાયુના વેગે ચલાવી કેટલાક દિવસ પછી એક બીજા દેશમાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચ્યા પછી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે;–“આ નગરના રાજાને ત્યાં થોડાક દિવસ નોકરી કરી આ દરબારની રીતભાત જોઈને વાટ ખર્ચી જેટલા પૈસા થાય એટલે પછી આગળ વધવું, એ સારૂં છે.” આવો વિચાર કરી રાજાની સભામાં જઈને તેણે પ્રાર્થના કરી કે;-“મહારાજ ! હું અમુક દેશનો નિવાસી છું અને આપની કીર્તિ સાંભળી આશ્રય મેળવવાની આશાથી અહીં આવ્યો છું. એટલા માટે જો આશ્રય આપશો, તો આપનો મારા પર મોટો ઉપકાર થશે !”

રાજાએ તેની આકૃતિથી તેને કુલીન વંશનો જાણીને તેની યોગ્યતા પ્રમાણેની એક પદવી આપી પોતા પાસે રાખી લીધો. મદન- મોહિની વેશ્યાનો પિતા રાજકુમારના નિવાસસ્થાનને જોઈને પાછો પોતાની પુત્રી પાસે આવી લાગ્યો, અને તેણે તેને રાજકુમારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વેશ્યા પોતાના અનેક દાસદાસીને સાથે લઈ નાના પ્રકારના ઉત્તમ વસ્ત્રાલંકાર ધારીને તે રાજાની સભામાં ગઈ; પોતે બહાર ઊભી રહી અને પોતાના પિતાને તેણે રાજા પાસે મોકલ્યો. વેશ્યાના પિતાએ પુત્રીની શીખવણી પ્રમાણે રાજાને પ્રાર્થના કરી કે;–“મહારાજાધિરાજ ! આ તમારી સ્‍હામે જે તરુણ બેઠો છે, તે મારો જમાઈ છે. મારી પુત્રી અત્યારે તારુણ્યમાં આવેલી છે છતાં તેને ત્યાગીને આ જૂદા જૂદા દેશોમાં રખડતો ફરે છે, અને હું વૃદ્ધ થએલો હોવાથી મારાથી મારી પુત્રીનો ખર્ચ નિભાવી શકાતો નથી. એ કારણથી આ ઠગ જમાઈનો પત્તો મેળવી એની ગૃહલક્ષ્મીને લઈને હું અહીં આવી લાગ્યો છું. તો કૃપા કરી એ પતિપત્નીનો સંપ કરાવી આપો એટલે હું સર્પના ભારાને મારા માથા પરથી ઊતારીને ઘેર ચાલ્યો જાઉં અને પ્રભુ ભજનમાં મારો કાળ વીતાડી શકું.” આ તેની પ્રાર્થના સાંભળી રાજાએ તત્કાળ બે દાસીઓને મોકલી તે વેશ્યાને એક જૂદા મહાલયમાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને અનુચરોને તે બાઈને જે વસ્તુ જોઈએ તે લાવી આપવાની સખ્ત તાકીદ કરી દીધી.

રાજકુમાર પોતાની પ્રતિષ્ઠાને જાળવવા માટે એક પણ શબ્દનો ઉચ્ચાર ન કરતા મૌનને જ ધારી રહ્યો. સભા વિસર્જન થવા પછી ઘેર આવી પોતાની તે જ મનોહારિણીને જોઈને તે કાંઈક સંતુષ્ટ થયો અને તેને પૂછવા લાગ્યો કે;-“તું અહી મારી પાછળ શા કારણથી આવી છે વારૂ ?” એના ઉત્તરમાં તેણે જણાવ્યું કે;-“પ્રથમ દિવસે તમને હું ધર્મશાળામાંથી મારે ઘેર લઈ ગઈ, તે વેળાથી જ મારા મનથી મેં તમને મારા પ્રાણનાથ માની લીધા છે. તમે મારી પાસે પાછા આવવાની કબુલાત આપ્યા છતાં વૈદ્યને ત્યાંથી બારોબાર અહીં ચાલ્યા આવ્યા તે શા માટે ? શું હું તમને મારી નાખવાની હતી કે ?”

રાજકુમારે મનમાં કલ્પના કરી કે;-“આ વેશ્યા હોવા છતાં બળાત્કારે મને પોતાનો પ્રાણનાથ બનાવે છે, એથી સ્પષ્ટ જણાય છે કે, એ અવશ્ય અહીં કાંઈ પણ દગાની રમત રમવાને જ આવેલી હોવી જોઈએ અર્થાત્ એનાથી બહુજ સંભાળીને વર્તવાનું છે, નહિ તો નાશ નિકટમાં જ છે !” આવી કલ્પના થતાં તે પોતાના સેવકો સહિત બીજી મેડી૫ર જ રહેતો હતો અને કોઈ કોઈ વાર વેશ્યાની મેડીમાં આવતો હતો, અને તેની સાથે વિલાસ કરી પાછો પોતાના ભિન્ન શયનગૃહમાં ચાલ્યો જતો હતો. તે વેશ્યા રાજકુમારને મારીને તેની જંધામાંના બે લાલ કાઢી લેવાનો લાગ જોયા કરતી હતી. એવી રીતે કેટલાક દિવસ વીતી ગયા, એ સમયમાં તે રાજ્યના પ્રધાનપુત્ર અને આ રાજકુમારનો પરસ્પર ગાઢ મૈત્રીસંબંધ થયો હતો. એક દિવસે રાત્રે તે બન્ને મિત્રો રાજોદ્યાનમાં ગયા અને ત્યાં રાજકુમાર વિશેષ મદિરાપાન કરવાથી ઉન્મત્ત થઈ ગયો. એટલે પ્રધાનપુત્ર ગાડીમાં નાખીને તેને તે વેશ્યાના ગૃહમાં લાવ્યો અને કહેવા લાગ્યો કે;- “બાઈ ! તમારા પતિરાજ મદિરાપાનથી મદોન્મત્ત બની ગયા છે, માટે એમને શીતોપચારથી સાવધ કરો, એટલામાં ઘેરથી ભોજન કરીને હું હમણાંજ પાછો આવી પહોંચું છું.” એમ કહીને પ્રધાનપુત્ર પોતાને ઘેર ચાલ્યો ગયો. વેશ્યાએ રાજકુમારને અસાવધ અવસ્થામાં જોઈ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે;-“અત્યારે અને આ ક્ષણેજ ગમે તે ઉપાયે થોડુંક કાતિલ ઝેર ક્યાંકથી લાવી આપો; એટલે આપણું કામ પાર પડી જાય !” તેનો પિતા બજારમાં ગયો અને ત્યાર પછી કદાચિત્ રાજકુમાર સાવધ થઈને છટકી જશે તો ઇચ્છા ફળીભૂત નહિ થાય એમ ધારીને જે પલંગપર રાજકુમાર પડ્યો હતો તે પલંગ સાથે મજબૂત દોરડાથી તેણે તેને જકડી લીધો. રાજકુમાર થોડી વારમાં જ સાવધ થયો અને જોયું તો મિત્ર પાસે નથી, અને વેશ્યાએ એવો સજ્જડ બાંધી લીધો છે કે છૂટવાનો ઉપાય નથી, એવી પોતાની નિરાધાર અવસ્થા તેના જોવામાં આવી. મનમાં અત્યંત ખેદ પામીને પોતાના પ્રાણને બચાવવા માટે તે વેશ્યાની અનેક પ્રકારે પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ તે વજ્રહૃદયની વેશ્યાના મનમાં દયાનો ઉદ્દભવ ન થયો. એટલામાં તેનો પિતા બજારમાંથી ઝેર લઈને આવી પહોંચ્યો. તેને વેશ્યાએ કહ્યું કે;–“પિતાજી ! અા સાવધ થઈ ગયો છે, એટલે વિષપાન તો નહિ જ કરે; એટલા માટે વેગથી ચાલનારા બે ઘોડા તૈયાર કરીને લાવો; કારણ કે, કોઈ પણ પ્રયત્ને આના પ્રાણનો નાશ કરી આપણું કાર્ય સાધીને આપણે એ ઘોડાપર બેસી અહીંથી પલાયન કરી જઈશું !” તેની આ વાણી સાંભળી રાજકુમાર અત્યંત દીનતા- દર્શક સ્વરથી કહેવા લાગ્યો કે:–“સુંદરી ! તું મને જીવતો રહેવા દે એટલે તને જે વસ્તુની ઇચ્છા છે તે આપીને હું તારો મનોરથ પૂર્ણ કરવાને તૈયાર છું.” પરંતુ તે દુષ્ટ સ્ત્રી તેનું કાંઈ પણ ન સાંભળતાં મ્યાનમાંથી તલવાર કાઢીને તેનું ગળું કાપવાને તત્પર થઈ ગઈ. તે વેળાએ પુન: તે રાજકુમાર તેની પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે:-“હે રમણી ! અત્યારે જો તું મને જીવનદાન આપે, તો હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, હું તારું પાણિગ્રહણ કરીને તને મારી રાણી બનાવીશ અને તારી સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરીશ. મને મારવાથી તને જે કાંઈ મળવાનું છે તે માત્ર એક જ વાર મળશે, પણ મને જીવતો રાખવાથી એવા અનેક વૈભવોને તું મરતાં સુધી ભોગવીશ. બકરીને કાપીને તેનું માંસ ખાવાથી માત્ર એકજ વાર તૃપ્તિ થાય છે અને તેના દૂધનું સેવન કરવાથી જન્મારો નીકળી જાય છે, એ તત્ત્વ તો તારા જાણવામાં હોવું જ જોઈએ. વળી મને મારવાથી તારા પોતાના પ્રાણની હાનિનો સંભવ છે, એનો પણ તારે વિચાર કરવાનો છે; કારણ કે, હજી રાત ઘણી બાકી છે, એટલે ગામના દરવાજા ઊઘડ્યા વિના તને કોઈ બહાર જવા દેશે નહિ અને તેટલામાં મારો કોઈ મિત્ર આવી લાગશે, તો તને પકડીને મારી નાખશે, એટલા માટે મને ન મારતાં દરવાજા ઊઘડવાનો વખત થાય ત્યાંસુધી મનને સ્થિર કરીને પેલા બાજઠ પર બેસ અને હું જે એક કથા સંભળાવું તે સાંભળીને મનમાં કાંઈ દયા આવે, તો મને જીવનદાન આપજે અને નહિ તો જતી વેળાએ મારા ગળા પર તલવાર ફેરવીને ચાલી જજે.” વેશ્યાને પણ તેની આ વાર્તા વિચારાંતે યોગ્ય જણાયાથી તે કહેવા લાગી કે;-“વારૂ ત્યારે ઊતાવળથી તારી કથા કહી સંભળાવ," એમ કહી હાથમાં નગ્ન અસિ લઇને તે બાજઠ પર બેસી ગઈ, અને રાજકુમારે નિમ્ન લિખિત કથાનો આરંભ કરી દીધો;-